૧૬. મહાત્મા બુદ્ધ, પતનનું કારણ
June 3, 2022 Leave a comment
પતનનું કારણ
જ્યાં સુધી બૌદ્ધ ધર્મના નેતા આ સત્ય-નિયમો પર ચાલતા રહ્યા, ત્યાં સુધી તેમની નિરંતર પ્રગતિ થતી રહી અને તે સમગ્ર ભારતમાં જ નહિ, પણ ચીન, જાપાન, સ્યામ, લંકા, અફઘાનિસ્તાન અને એશિયાના પશ્ચિમી દેશો સુધી ફેલાઈ ગયો. અશોક જેવો ઇતિહાસ પ્રસિદ્ધ સમ્રાટ તેમાં સામેલ થઈ ગયો અને તેણે પોતાનાં વિશાળ સાધન આ કાર્યમાં લગાવીને બૌદ્ધ ધર્મને વિશ્વવ્યાપી બનાવી દીધો, પરંતુ જ્યારે બૌદ્ધોમાં પણ વિકૃતિઓ ઉત્પન્ન થવા લાગી અને તેના ભિક્ષુ” આરામ અને લાભ માટે એવાં જ કામ કરવા લાગી ગયા, જેને કારણે બ્રાહ્મણોમાં હીનતા આવી હતી તો તે પણ પડવા માંડ્યો.
કેટલાક વિદ્વાનોના કથન અનુસાર ભારતવર્ષમાંથી બૌદ્ધ ધર્મનો લોપ થઈ જવાનું કારણ “બ્રાહ્મણોનો વિરોધ જ હતું. “બ્રાહ્મણોએ ભારતમાં શરૂઆતમાં જે ધર્મ ફેલાવ્યો હતો અને સંસ્કૃતિનો પ્રચાર કર્યો હતો તે એટલો “સનાતન હતો કે કોશિશ કરવા છતાં પણ બૌદ્ધ ધર્મ તેણે પૂર્ણ પણે મિટાવી ન શક્યો. પોતાની ભૂલનું ખરાબ પરિણામ ભોગવીને બ્રાહ્મણ જ્યારે ફરીથી બેઠાં થયા તો તેઓ બૌદ્ધ ધર્મની વાતોને પોતાનાં જ શાસ્ત્રોમાં શોધીને બતાવવા લાગ્યા અને પોતાના અનુયાયીઓને તેનો ઉપદેશ આપવા લાગ્યા.”
બૌદ્ધ ધર્મનો મુકાબલો કરવા માટે હિંદુ ધર્મના વિદ્વાનોએ પ્રાચીન કર્મકાંડના સ્થાને જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગનો પ્રચાર કરવાનું શરૂ કર્યું. કુમારિલ ભટ્ટ અને શંકરાચાર્ય જેવા વિદ્વાનોએ મીમાંસા અને વેદાંત જેવાં દર્શનોનું પ્રતિપાદન કરીને બૌદ્ધ ધર્મના તત્ત્વજ્ઞાનને દબાવ્યું તથા રામાનુજ, વિષ્ણુ સ્વામી વગેરે વૈષ્ણવ સિદ્ધાંતવાળાએ ભક્તિ માર્ગ દ્વારા બૌદ્ધોના વ્યવહાર-ધર્મથી ચડિયાતી પ્રતિભાશાળી અને નાનામાં નાની વ્યક્તિને પોતાની ભીતર સ્થાન આપનારું વિધાન શોધી નાંખ્યું. સાથો સાથ અનેક હિંદુ રાજા પણ આ ધર્મ-પ્રચારકોની મદદ માટે ઊભા થઈ ગયા. આ બધાનું પરિણામ એ આવ્યું કે જેવી રીતે બૌદ્ધ ધર્મ અકસ્માત્ વધીને મોટો થઈ ગયો અને દેશભરમાં છવાઈ ગયો, તેવી રીતે જ્યારે તે નિર્બળ પડવા માંડ્યો, તો તેનાં મૂળને ઊખડતાં પણ વાર ન લાગી. પણ એક આશ્ચર્યની વાત છે કે જે ધર્મ અત્યાર સુધી અનેક દૂરવર્તી દેશોમાં ફેલાયેલો હતો, અને જેના અનુયાયીઓની સંખ્યા મોટા ભાગના બીજા ધર્મવાળા કરતાં ક્યાંય વધારે હતી, તે ભારતમાંથી એવી રીતે લુપ્ત થઈ ગયો કે તેનું નામ સંભળાતું પણ બંધ થઈ ગયું. લોકો બૌદ્ધ ધર્મને પૂર્ણ પણે એક વિદેશી ધર્મ જ માનવા લાગ્યા. છેલ્લાં સાઠ-સિત્તેર વર્ષોથી કેટલાક ઉદાર વિચારોના હિંદુઓએ જ તેની ચર્ચા કરવાનું શરૂ કરી દીધું છે અને તેનાં કેટલાંક ધર્મસ્થાનોનો પણ પુનરુદ્ધાર કર્યો છે.
આ વિવેચનથી આપણે એ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે કોઈ પણ મત કે સંપ્રદાયનું ઉત્થાન સદ્ગુણો અને સચ્ચાઈ પર જ નિર્ભર છે. સંસારના તમામ મુખ્ય ધર્મ લોકોને નિમ્ન સ્તરની અવસ્થામાંથી કાઢીને ઉચ્ચ અવસ્થાને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી સ્થાપવામાં આવ્યા છે. પારસી, યહૂદી, પ્રિસ્તી, મુસ્લિમ વગેરે ધર્મો આજે ભલે ગમે તે હાલતમાં હોય, પણ શરૂઆતમાં બધાએ પોતાના અનુયાયીઓને શ્રેષ્ઠ અને સમયાનુકૂળ માર્ગ પર ચલાવીને તેમનું કલ્યાણ સાધવાનું કામ જ કર્યું હતું. પરંતુ કાળ ક્રમે બધામાં કેટલીક વ્યક્તિઓ કે ખાસ સમુદાયની સ્વાર્થપરતાને કારણે વિકાર ઉત્પન્ન થયા અને ત્યારે તેનું પતન થવા લાગ્યું. ત્યારે વળી કેટલીક વ્યક્તિઓના હ્રદયમાં પોતાના ધર્મની દુરાવસ્થાનો ખ્યાલ આવ્યો અને તેમાં લોકોને ખોટા તથા હાનિકારક માર્ગોથી હટાવીને ધર્મ-સંસ્કાર આપવાનો પ્રયત્ન કરવા લાગ્યા. બુદ્ધ પણ આ વાત સમજતા હતા અને એટલાં માટે એવી વ્યવસ્થા કરતા ગયા હતા કે પ્રત્યેક સો વર્ષ પછી સંસારભરના બૌદ્ધ પ્રતિનિધિઓની એક મોટી સભા યોજવી અને તેમાં પોતાના ધર્મ અને ધર્મનુયાયીઓની દશા પર પૂર્ણપણે વિચાર કરીને જે દોષ દેખાય તે દૂર કરવા અને નવા સમયોપયોગી નિયમો પ્રચલિત કરવા. આ ઉદેશ્ય સિદ્ધ કરવા માટે એ જરૂરી જણાય તો જૂની પ્રથાઓ અને નિયમોમાંથી કેટલીક નાની-મોટી બાબતોને છોડી અને બદલી પણ શકાય છે.
બૌદ્ધ ધર્માચાર્યો દ્વારા આ બુદ્ધિ સંગત વ્યવસ્થા પર ચાલવાનું અને રૂઢિવાદિતાથી બચી રહેવાનું એ પરિણામ આવ્યું કે બૌદ્ધ ધર્મ કેટલાય સો વર્ષો સુધી નિરંતર વધતો રહ્યો અને સંસારના દૂરદૂરના દેશોના નિવાસી આગ્રહપૂર્વક આ દેશમાં આવીને તેનું શિક્ષણ મેળવીને પોતાને ત્યાં તેનો પ્રચાર કરતા રહ્યા. જીવિત અને લોક-કલ્યાણની ભાવનાથી અનુપ્રાણિત ધર્મનું એ જ લક્ષણ છે કે તે નિરર્થક અથવા દેશ કાળને પ્રતિકૂળ રીતિ-રિવાજોના પાલનની પ્રાચીનતા અથવા પરંપરાના નામે આગ્રહ નથી કરતો. પણ સદાય આત્મ નિરીક્ષણ કરતો રહે છે અને કોઈ કારણવશ પોતાના ધર્મમાં, પોતાના સમાજમાં, પોતાની જાતિમાં જો કોઈ બૂરાઈ હોય, તો તેને સુધારવામાં સંકોચ નથી કરતો. એટલે બુદ્ધનું સૌથી મોટું શિક્ષણ એ છે કે માણસે પોતાનું ધાર્મિક, સામાજિક આચરણ સદાય કલ્યાણકારી અને સમયાનુકૂળ નિયમો પર આધારિત રાખવું જોઈએ. જે સમાજ, મજહબ(ધમ) આ રીતે પોતાના દોષો, વિકારોને સદાય દૂર કરતો રહે છે, તેને જ “જીવંત સમજવો જોઈએ અને તે જ સંસારમાં સફળતા અને ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે.
વર્તમાન સમયમાં હિંદુ ધર્મમાં જે સૌથી મોટી ત્રુટિ ઉત્પન્ન થઈ ગઈ છે, તે એ જ છે કે તેણે આત્મ-નિરીક્ષણની પદ્ધતિનો સર્વથા ત્યાગ કરી દીધો છે અને ચીલાચાલુ બની રહેવાને જ ધર્મનું એક મુખ્ય લક્ષણ માની લીધું છે. મોટા ભાગના લોકોનો દૃષ્ટિકોણ તો એટલો સીમિત થઈ ગયો છે કે તેઓ સો – બસો વર્ષ પહેલાં કોઈ કારણવશ પ્રચલિત થઈ ગઈ હોય તેવી અત્યંત સાધારણ પ્રથા-પરંપરા કે જે આજકાલ સ્પષ્ટપણે સમયથી વિપરીત અને હાનિકારક સાબિત થઈ રહી છે તેને પણ છોડવાનું ધર્મ વિરુદ્ધ સમજે છે.
અત્યારે બાળવિવાહ, મૃતક ભોજન, લગ્નનો વ્યર્થ ખર્ચ, આભડછેટ, ચાર વણના સ્થાને આઠ હજાર જતિઓ વગેરે અનેક હાનિકારક પ્રવૃત્તિઓ હિંદુ સમાજમાં ઘૂસી ગઈ છે, પણ જેવી એને સુધારવાની વાત કરવામાં આવે છે કે લોકો “ધર્મ ડૂબી ગયાનો પોકાર’ મચાવવા માંડે છે. બુદ્ધ ભગવાનના ઉપદેશો પર ધ્યાન દઈને આપણે એટલું સમજી શકીએ છીએ કે વાસ્તવિક ધર્મ આત્મોત્થાન અને ચરિત્ર – નિર્માણમાં છે, નહિ કે સામાજિક –ભૌતિક પ્રથાઓમાં. જો આપણે આ સત્યને સમજી લઈએ તથા પરંપરા અને રૂઢિઓના નામે જે કચરો આપણા સમાજમાં ભરાઈ ગયો છે, તેને સાફ કરી નાંખીએ તો આપણી બધી નિર્બળતાઓ દૂર કરીને પ્રાચીન કાળની જેમ આપણે ફરી ઉન્નતિની દોડમાં અન્ય જાતિઓથી અગ્રગામી બની શકીએ છીએ.
પ્રતિભાવો