SJ-01 : આરાધના, જે હમેશાં અપનાવવામાં આવી-૧૬, મારું વિલ અને વારસો
September 19, 2021 Leave a comment
ગંગા, યમુના અને સરસ્વતી મળે છે ત્યાં ત્રિવેણી સંગમ થાય છે. એમાં સ્નાન કરનારનો કાયાકલ્પ થઈ જાય એવું માનવામાં આવે છે. બગલો હંસ બની જાય અને કાગડો કોયલ થઈ જાય એવી શક્યતા નથી, પણ આના આધારે વિનિર્મિત થયેલી અધ્યાત્મ ધારામાં અવગાહન કરવાથી મનુષ્યનું આંતરિક અને બાહ્ય જીવન અસાધારણ રીતે બદલાઈ શકે એ વાત નિશ્ચિત છે. આ ત્રિવેણી ઉપાસના, સાધના અને આરાધનાના સમન્વયથી બને છે. આ ત્રણેય કોઈ ક્રિયાકાંડ નથી, જેને થોડા સમયમાં, થોડાંક વિધિવિધાનથી કે ભગવાન પાસે બેસીને સંપન્ન કરી શકાય. આ તો ચિંતન, ચરિત્ર અને વ્યવહારમાં થનાર ઉચ્ચસ્તરીય પરિવર્તન છે, જેના માટે શારીરિક અને માનસિક કાર્યો પર નિરંતર ધ્યાન આપવું પડે છે. મનની શુદ્ધિ માટે પ્રખરતાનો ઉપયોગ કરવો પડે છે અને નવી વિચારધારામાં પોતાના ગુણ, કર્મ અને સ્વભાવનો એવી રીતે મહાવરો કરવો પડે છે, જેમ અણઘડ પશુપક્ષીઓને સરકસમાં ખેલ બતાવવા માટે ગમે તે રીતે તૈયાર કરવામાં આવે છે. પૂજા થોડો સમય થઈ શકે છે, પણ સાધના તો નાના બાળક જેવી છે. તેનું પાલનપોષણ કરવામાં સતત ધ્યાન રાખવું પડે છે. જે લોકો પૂજાને જાદુ સમજે છે અને ગમે તેમ ક્રિયાકાંડ કરવાના બદલામાં સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનાં સ્વપ્ન સેવે છે તેઓ ભૂલ કરે છે.
મારા માર્ગદર્શકે પ્રથમ દિવસે જત્રિપદા ગાયત્રીનું વ્યાવહારિક સ્વરૂપ ઉપાસના, સાધના અને આરાધના રૂપે સારી રીતે જણાવી દીધું હતું. નિયમિત જપ, ધ્યાન કરવાના આદેશ ઉપરાંત એ પણ જણાવ્યું કે ચિંતનમાં ઉપાસના, ચરિત્રમાં સાધના અને વ્યવહારમાં આરાધનાનો સમાવેશ કરવામાં પૂરેપૂરી સાવચેતી અને તત્પરતા રાખવામાં આવે. આ આદેશનું અત્યાર સુધી શક્ય એટલું સારી રીતે પાલન કરવામાં આવ્યું છે. એના લીધે અધ્યાત્મનો આધાર લેવાનું એવું પરિણામ આવ્યું કે એનો ઉપહાસ કરી શકાય નહિ.
આરાધનાનો અર્થ છે લોકમંગલનાં કાર્યમાં વ્યસ્ત રહેવું. જીવનસાધના એક પ્રકારે સંયમસાધના છે. એના દ્વારા ઓછા પૈસામાં નિર્વાહ ચલાવીને વધારે બચાવવામાં આવે. સમય, શ્રમ, ધન અને મનનો શરીર તથા પરિવાર માટે એટલો જ ઉપયોગ કરવો પડે છે, જેના વિના કામ ચાલી ન શકે. કામ ન ચાલવાની કસોટી છે – સરેરાશ દેશવાસીનું સ્તર. આ કસોટીમાં પાર ઊતર્યા પછી કોઈ પણ શ્રમિક કે શિક્ષિત વ્યક્તિની કમાણી એટલી જ થઈ જાય છે કે તેમનું કામ ચાલવા ઉપરાંત પણ બચી શકે. એ બચતના સદુપયોગને આરાધના કહે છે. સામાન્ય રીતે લોકો આ બચતનો ઉપયોગ મોજમજા માટે કરે છે કે કુટુંબીઓમાં વહેચી દે છે. એમને એવી સૂઝ નથી પડતી કે આ સંસારમાં બીજા પણ આપણા છે, બીજાને પણ પૈસાની જરૂર હોય છે. જો દષ્ટિમાં એટલી વિશાળતા આવી હોત તો એ બચતને એવાં કાર્યોમાં ખર્ચો હોત, જેથી અનેકનું હિત થાત અને સમયની માગ પૂરી કરવામાં સહાયતા મળત.
ઈશ્વરનું એક રૂપ સાકાર છે, જે ધ્યાનધારણા માટે પોતપોતાની રુચિ અને માન્યતાને અનુરૂપ ઘડવામાં આવે છે. એ મનુષ્યને મળતી આકૃતિ- પ્રકૃતિ પ્રમાણેનું હોય છે. આ સ્વરૂપ ઉપયોગી છે, જરૂરી છે, પરંતુ સાથે સાથે એ ધ્યાનમાં રાખવા જેવું છે કે તે વાસ્તવિક નથી, કાલ્પનિક છે. ઈશ્વર એક છે, એની જુદા જુદા સંપ્રદાયોમાં હોય છે એટલી બધી આકૃતિઓ હોઈ શકતી નથી. ઉપયોગ મનની એકાગ્રતાનો અભ્યાસ કરવા સુધી જ સીમિત રાખવો જોઈએ. પ્રતિમા પૂજનની પાછળ આદિથી અંત સુધી એ હેતુ છે કે દશ્ય પ્રતીકના માધ્યમથી અદશ્ય ઈશ્વર અને પ્રતિપાદનને દ્ધયંગમ કરવાનો પ્રયત્ન કરવામાં આવે.
સર્વવ્યાપી ઈશ્વર નિરાકાર જ હોઈ શકે છે. એમને પરમાત્મા કહેવામાં આવ્યા છે. પરમાત્મા અર્થાત્ આત્માઓનો પરમ સમુચ્ચય. એને આદર્શોનો સમૂહ કહેવામાં પણ વાંધો નથી. એ જ વિરાટ બ્રહ્મ અથવા વિરાટ વિશ્વ છે. કૃષ્ણ અર્જુન અને યશોદાને પોતાના આ રૂપનું દર્શન કરાવ્યું હતું. રામે કૌશલ્યા તથા કાગભુશુંડિને આ રૂપ કરૂપે બતાવ્યું હતું અને પ્રાણીઓને તેમનું દશ્ય સ્વરૂપ. આ માન્યતા અનુસાર આ લોકસેવા જ વિરાટ બ્રહ્મની આરાધના બની જાય છે. વિશ્વ ઉદ્યાનને સુખી-સમુન્નત બનાવવા માટે જ પરમાત્માએ આ બહુમૂલ્ય જીવન આપીને યુવરાજની જેમ મનુષ્યને પૃથ્વી પર મોકલ્યો છે. એની પૂર્તિમાં જ જીવનની સાર્થકતા છે. આ માર્ગને અધિક શ્રદ્ધાપૂર્વક અપનાવવાથી જ અધ્યાત્મ ઉત્કર્ષનું તે પ્રયોજન સિદ્ધ થાય છે, જેને આરાધના કહેવામાં આવે છે.
હું કરી રહ્યો છું. સામાન્ય દિનચર્યા અનુસાર રાત્રિમાં શયન, નિત્ય કર્મ ઉપરાંત દૈનિક ઉપાસના પણ એ બાર કલાકમાં સારી રીતે સંપન્ન થતી રહી છે. આ ત્રણ કર્મો માટે બાર કલાક પૂરતા છે. ચાર કલાક સવારનું ભજન એ સમયગાળા દરમિયાન થતું રહ્યું છે. બાકીના આઠ કલાકમાં નિત્યકર્મ અને શયન એમાં સમય ઓછો પડ્યો નથી. આળસ અને પ્રમાદ રાખવાથી તો બધો જ સમય આઘાપાછા થવામાં વહી જાય છે, પરંતુ એકેએક મિનિટ પર ઘોડાની જેમ સવાર થઈ જવામાં આવે તો પ્રતીત થાય છે કે જાગૃત વ્યક્તિઓએ આવી જ તત્પરતા દાખવીને જેને જોઈ મિત્રો આશ્ચર્યચકિત થઈ જાય એવાં કામો કરી લીધાં હોત.
આ તો થઈ રાતની વાત. હવે દિવસ આવે છે. દિવસને પણ આમ તો બાર કલાકનો જ માનવામાં આવે છે. આમાંથી બે કલાક ભોજન અને આરામ માટે કાઢવા છતાંય દસ કલાકનો સમય બચે છે. આનો ઉપયોગ નિયમિત રીતે પરમાર્થ-પ્રયોજનની, લોકમંગળની આરાધનામાં થતો રહ્યો છે. ટૂંકમાં આને આ રીતે કહી શકાય. (૧) લોકમાનસના પરિષ્કાર માટે યુગચેતનાને અનુરૂપ વિચારધારાઓનું નિર્ધારણ -સાહિત્ય સર્જન. (૨) સંગઠિત પ્રાણવાન જાગૃત આત્માઓને યુગધર્મને અનુરૂપ કાર્યકલાપ અપનાવવા માટે ઉત્તેજના – માર્ગદર્શન. (૩) વ્યક્તિગત મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા, સુખી ભવિષ્યનું નિર્માણ કરવા માટે પરામર્શ યોગદાન. મારી સેવા સાધના આ ત્રણ ભાગોમાં વહેચાયેલી છે. આમાંથી બીજી અને ત્રીજી ધારા માટે તો અસંખ્ય વ્યક્તિઓ સાથે સંપર્ક સાધવાનો ક્રમ ચાલતો રહ્યો છે. આમાંથી મોટાભાગના લોકોને પ્રકાશ પ્રાપ્ત કરવાનો અને પરિવર્તન કરવાનો અવસર મળ્યો છે. એમનાં નામોનો ઉલ્લેખ અને પ્રસંગોનું વર્ણન કરવું શક્ય નથી, કારણ કે જેને મદદ કરવામાં આવે તેને યાદ રાખવાની મને ટેવ નથી. વળી એવા લોકોની સંખ્યા અને પ્રસંગો જેટલા યાદ છે તેમનું વર્ણન કરવામાં જ એક મહાપુરાણ લખી શકાય તેમ છે. વળી એમાં એ બધાને મુશ્કેલી પણ થાય. કૃતજ્ઞતા દર્શાવવાના દિવસો હવે ચાલ્યા ગયા છે. બીજાની સહાયતાને મહત્ત્વ ઓછું આપ્યું. પોતાના ભાગ્ય અને પુરુષાર્થનાં જ વખાણ કરવામાં અને બીજાની સહાયતાનો ઉલ્લેખ કરવામાં મોટાઈ જાગે છે. આવી સ્થિતિમાં હું મારા તરફથી એવી ઘટનાઓનો ઉલ્લેખ કરું, જેમાં લોકોનાં દુઃખો ઘટ્યાં હોય અને એમને પ્રગતિની તક મળી હોય તે મારા માટે ઉચિત નથી. વળી એક વાત એ પણ છે કે વખાણ કરવાથી પુણ્ય ઘટી જાય છે. આટલી મુશ્કેલીઓ હોવાથી આ બધી ઘટનાઓની બાબતમાં મૌન ધારણ કરવાને જ યોગ્ય માનવામાં આવ્યું છે. આનાથી વધારે કશું ન કહેતાં આ વાતને અહીં જ પૂરી કરવામાં આવે છે.
આમ છતાં એ બધી સેવાઓ મહત્ત્વપૂર્ણ છે. અત્યાર સુધીમાં પ્રજ્ઞા પરિવાર સાથે ૨૪ લાખ કરતાં પણ વધારે લોકો સંકળાયેલા છે. આમાંથી જેઓ ફક્ત સિદ્ધાંતો અને આદર્શોથી પ્રભાવિત થઈને આ બાજુ આકર્ષાયા છે એવા લોકો ઓછા છે. જેઓએ વ્યક્તિગત જીવનમાં પ્રકાશ, પ્રેમ, સહયોગ, પરામર્શ અને કૃપા મેળવી છે એવા લોકોની સંખ્યા વધુ છે. ખાસ કરીને સહાયતા કરનાર પોતાની પ્રામાણિકતા અને નિઃસ્વાર્થતાની દૃષ્ટિએ પ્રત્યેક કસોટી પર ખરા સાબિત થયા હોય ત્યારે એવા પ્રસંગો માનવીય અંતરાલમાં સ્થાન જમાવે છે. સંપર્ક ક્ષેત્રના લગભગ ત્રીજા ભાગના લોકો એવા છે, જેઓ મિશનના આદર્શો અને મારાં પ્રતિપાદનો જાણે છે. બાકીના તો મુશ્કેલીઓમાં દોડતા આવે છે અને અહીંથી શાંતિ મેળવીને પાછા ફરે છે. આટલો મોટો પરિવાર બનીને ઊભો રહ્યો તેનું મૂળ કારણ આ જ છે. નહિ તો જો બધું ફક્ત સિદ્ધાંત પૂરતું જ રહ્યું હોત, તો આર્ય સમાજ, સર્વોદય વગેરેની જેમ સભ્યોની સંખ્યા મર્યાદિત હોત અને વ્યક્તિગત આત્મીય ઘનિષ્ઠતાનું જે વાતાવરણ જોવા મળે છે તે મળ્યું ન હોત. આવનારાઓની વધુ સંખ્યા, સમય-કસમયનું આગમન, તેમના નિવાસ અને ભોજનની વ્યવસ્થાનો અભાવ એવાં અનેક કારણોનો બોજ સૌથી વધારે માતાજીને સહન કરવો પડ્યો છે, પણ આ અગવડોના બદલામાં જેટલાની જેટલી આત્મીયતા પ્રાપ્ત કરી છે. તેને જોઈને અમે ધન્ય બની ગયાં છીએ. અમને એવું લાગ્યું છે કે જે કંઈ કરવામાં આવ્યું છે તે વ્યાજ સહિત વસૂલ થતું રહ્યું છે. પૈસાની દૃષ્ટિએ જ ભલે નહિ, પણ ભાવનાની દૃષ્ટિએ પણ જો કોઈ થોડું ઓછું લે તો તે તેના માટે નુકસાનનો સોદો નથી.
આરાધના માટે, લોકસાધના માટે ઘરની મૂડી જોઈએ. તેના વગર ભૂખ્યો શું ખાય? શું વહેચે? આ મૂડી ક્યાંથી આવી? કેવી રીતે મેળવી? એના માટે અમારા માર્ગદર્શક પહેલા દિવસે જ કહ્યું હતું, “જે કંઈ પાસે છે તેને બીજની જેમ ભગવાનના ખેતરમાં વાવતાં શીખો.’ એને જેટલી વાર વાવવામાં આવ્યું તેટલી વાર સોગણું થતું રહ્યું. ઈષ્ટ પ્રયોજન માટે ક્યારેય કોઈ વાતની ખોટ પડી નથી. એમણે જલારામ બાપાનું ઉદાહરણ આપ્યું હતું. તેઓ ખેડૂત હતા. પોતાનું પેટ ભરાતાં જે કંઈ અનાજ વધતું તે ગરીબોને ખવડાવી દેતા. ભગવાન આ સાચી સાધનાથી પ્રસન્ન થયા અને એક એવી અક્ષય ઝોળી આપી ગયા કે જેનું અને ક્યારેય ખૂટ્યું નથી અને આજે પણ વીરપુર (ગુજરાત)માં એમનું સદાવ્રત ચાલી રહ્યું છે, જેમાં હજારો ભક્તો રોજ ભોજન કરે છે. જે પોતાનું ખર્ચી નાખે છે, તેને વગર માગ્યે બહારનો સહયોગ મળી રહે છે, પણ જે પોતાની મૂડી સુરક્ષિત રાખે છે અને બીજાની પાસે માગતા રહે છે તેવા ફાળો એકઠો કરનારાઓની લોકો નિંદા કરે છે, ટીકા કરે છે અને યથાશક્તિ આપીને તેમનાથી દૂર રહે છે.
ગુરુદેવના નિર્દેશ મુજબ મેં મારી ચારેય સંપદાઓને ભગવાનનાં ચરણોમાં અર્પણ કરવાનો નિશ્ચય કર્યો. (૧) શારીરિક શ્રમ, (૨) માનસિક શ્રમ, (૩) ભાવ સંવેદનાઓ, (૪) પૂર્વજોનું કમાયેલું ધન. મારી પોતાની કમાણી તો કંઈ જ ન હતી. ચારેય સંપદાઓને અનન્ય નિષ્ઠા સાથે નિર્ધારિત લક્ષ્ય માટે વાપરતો રહ્યો છું. પરિણામે ખરેખર સોગણું થઈને પાછું પ્રાપ્ત થયું છે. શરીરથી દરરોજ બાર કલાકનો શ્રમ કર્યો છે. આનાથી થાક લાગ્યો નથી, પણ કાર્યક્ષમતા વધી છે. આજે આ વૃદ્ધાવસ્થામાં પણ યુવાનો જેવી કાર્યક્ષમતા છે. શારીરિક શ્રમની સાથે માનસિક શ્રમને પણ જોડતો રહ્યો. પરિણામ એ આવ્યું કે મનોબળમાં – મસ્તિષ્કીય ક્ષમતામાં સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં પ્રગટ થતાં હોય છે એવાં ક્યાંય કોઈ લક્ષણ પ્રકટ થયાં નથી. અમોએ છુટ્ટા હાથે પ્રેમ વેર્યો છે અને વહેંચ્યો છે. પરિણામે સામે પક્ષેથી કોઈ કમી રહેવા પામી નથી. વ્યક્તિગત સ્નેહ, સન્માન અને સંભાવના જ નહિ, પણ મિશન માટે પણ જ્યારે જયારે જે કંઈ અપીલ કે અનુરોધ કરવામાં આવ્યો છે તેમાં પણ ક્યારેય ખોટ પડી નથી. બે વર્ષમાં ૨૪૦0 પ્રજ્ઞાપીઠો નિર્માણ થઈ જવી તે આનું એક જીવંત ઉદાહરણ છે. શરૂઆતમાં ફક્ત અમારું જ ધન હતું. પિતાની સંપત્તિથી ગાયત્રી તપોભૂમિનું નિર્માણ થયું. જન્મભૂમિમાં હાઈસ્કૂલનું નિર્માણ કર્યું. ત્યાર પછી ત્યાં એક શક્તિપીઠ પણ બની. એટલી બધી આશા નહોતી કે લોકો વગર માગ્યે પણ આપશે અને નિર્માણનું આટલું મોટું કાર્ય થશે. આજ ગાયત્રી તપોભૂમિ, શાંતિકુંજ ગાયત્રી તીર્થ અને બ્રહ્મવર્ચસની ઈમારતો જોઈને પણ અનુમાન કરી શકાય છે કે વાવેલું બીજ સોગણું થઈને ફળે છે કે નહિ. લોકો પોતાનું એકઠું કરેલું ધન સંતાડી રાખે છે અને ભગવાન પાસે લોટરી કે લોકો પાસે ફાળો માગે છે, એ શ્રદ્ધાનો અભાવ જ છે. જો આત્મ સમર્પણથી શરૂઆત કરવામાં આવે તો તેનું પરિણામ આશ્ચર્યજનક આવે છે. નિર્માણ થઈ ચૂકેલી ગાયત્રી શક્તિપીઠોમાંથી જૂનાગઢ શક્તિપીઠના નિર્માતાએ પોતાનાં વાસણ વેચીને કામની શરૂઆત કરી હતી અને આજે તૈયાર થઈ ગયેલી બધી ઈમારતોમાં તે પણ એક મહત્ત્વની શક્તિપીઠ છે.
બાજરી કે મકાઈના એક દાણામાંથી સો દાણા પાકે છે. આ ઉદાહરણ અમે પણ અમારી સંચિત સંપદાને વહેંચી નાખવાના દુસ્સાહસમાં જોયું. જે કાંઈ પાસે હતું તે પરિવારને એટલા જ પ્રમાણમાં અને એટલા જ સમય સુધી આપ્યું, જ્યાં સુધી એ લોકો પોતે કમાવાને લાયક નહોતા બન્યા. સંતાનોને સમર્થ બનાવવા માટે વારસામાં ધન આપવું અને પોતાનો શ્રમ અને મનોયોગ તેમના માટે ખપાવતા રહેવું તેને અમે હમેશાં અનૈતિક માની વિરોધ કર્યો છે. પછી સ્વયં આવું કરીએ પણ કઈ રીતે?! મફતની કમાણી હરામની હોય છે. પછી ભલેને તે પૂર્વજોએ એકઠી કરેલી હોય. હરામની કમાણી નથી પછી, નથી સારું ફળ આપતી. આ આદર્શ ઉપર પરિપૂર્ણ વિશ્વાસ રાખીને અમોએ શારીરિક શ્રમ, મનોયોગ, ભાવસંવેદના અને સંગ્રહિત ધન -આ ચારેય સંપત્તિઓમાંથી એકેયને ક્યારેય કોઈ કુપાત્રના હાથમાં જવા દીધી નથી. તેનો એકએક કણ સજ્જનતાના સંવર્ધનમાં, ભગવાનની આરાધનામાં વાપર્યો છે. પરિણામ સામે જ છે. જે કંઈ પાસે હતું, તેના કરતાં અગણિત લાભો થયા. મળેલ લાભોને કંજૂસોની જેમ જો ભોગવિલાસમાં, ભેગું કરવામાં અથવા તો સગાંવહાલાંને આબાદ બનાવવામાં વાપર્યા હોત તો બધું જ નકામું નીવડત. કોઈ મહત્ત્વપૂર્ણ કામ ન થાત, ઉપરથી જે કોઈ આ મફતિયા શ્રમ અને સાધનોનો ઉપયોગ કરતા તેઓ દુર્ગુણી અને વ્યસની બની જઈ નફો મેળવવાના બદલે કાયમ ખોટમાં જ રહેત.
કેટલાંય પુણ્યકર્મો એવાં છે, જેનું સત્પરિણામ પ્રાપ્ત કરવા માટે બીજા જન્મની રાહ જોવી પડે છે, પણ લોકસાધનાનો પરમાર્થ એવો છે કે જેનું ફળ હાથોહાથ પ્રાપ્ત થાય છે. કોઈક દુખીના આંસુ લૂછતી વખતે ખૂબ જ આત્મસંતોષ થાય છે, જેના ઉપર ઉપકાર કરવામાં આવ્યો છે તે બદલો ન ચૂકવી શકે તો પણ તે મનોમન સમ્માન કરે છે અને આશીર્વાદ આપે છે. આ ઉપરાંત એક એવું દેવી વિધાન છે કે ઉપકાર કરનારનો ભંડાર ક્યારેય ખાલી રહેતો નથી, પણ તેના ઉપર ઈશ્વરની કૃપા વરસતી જ રહે છે અને કંઈ ખર્ચ કરવામાં આવે છે તે ભરપાઈ થતું રહે છે.
ઘેટું ઊન કપાવે છે તો તેના બદલામાં તેને દર વર્ષે નવું ઊન મળતું રહે છે. વૃક્ષો ફળ આપે છે તો બીજીવાર ફરીથી તેની ઉપર કૂંપળો અને મોર આવે છે. વાદળાં વરસે છે, છતાં પણ ખાલી થતાં નથી. બીજી વખતે એટલું જ પાણી વરસાવવા માટે સમુદ્ર પાસેથી મેળવી લે છે. ઉદાર વ્યક્તિઓના ભંડાર ક્યારેય ખાલી થયા નથી. કુપાત્રોને પોતાનો સમય અને શ્રમ આપીને કોઈએ ભ્રમવશ દુષ્પવૃત્તિઓનું પોષણ કર્યું હોય અને એને જ પુણ્ય માન્યું હોય તો જુદી વાત છે. નહિતર લોકસાધનાના પરમાર્થનું ફળ તો હાથોહાથ મળે છે. આત્મસંતોષ, લોકસન્માન અને દેવીકૃપારૂપે ત્રણગણું સત્પરિણામ પ્રાપ્ત કરનાર આ વ્યવસાય એવો છે, કે એમાં જેણે હાથ નાખ્યો છે તે ધન્ય બની ગયો છે. કંજૂસો ચતુરાઈનો દાવો કરતા હોય છે, પણ દરેક રીતે તેઓ ખોટમાં જ રહેતા હોય છે.
લોકસાધનાનું મહત્ત્વ ત્યારે જ ઘટે છે કે જયારે તેના બદલામાં નામના મેળવવાની લાલસા જાગે છે. આ તો છાપામાં પૈસા આપીને જાહેરખબર આપવા જેવો ધંધો થયો. અહેસાન ચડાવીને બદલાની ઈચ્છા કરવાથી પણ પુણ્યફળ નષ્ટ થાય છે. મિત્રોના દબાણને વશ થઈ કોઈ પણ કામ માટે ફાળો આપી દેવાથી દાનની ભાવના પૂરી થતી નથી. એ જોવું જોઈએ કે પ્રયત્નના પરિણામે સદ્ભાવનાઓમાં વધારો થાય છે કે નહિ, સદ્દવૃત્તિઓને આગળ વધારવામાં જે કાર્ય સહાયક છે તેની જ સાર્થકતા છે. અન્યથા મફતમાં પૈસા મેળવવા છળકપટ દ્વારા ભોળા લોકોને લૂંટવાની અનેક પ્રવૃત્તિઓ આજકાલ ચાલી રહી છે. આથી ધન અને સમય ખર્ચતાં પહેલાં હજારવાર વિચાર કરવો જોઈએ કે મારા પ્રયત્નોનું પરિણામ કેવું હશે? આ દૂરદર્શી વિચારશીલતા અપનાવવાનું અત્યારની પરિસ્થિતિમાં અત્યંત જરૂરી છે. મેં આવા પ્રસંગોમાં સ્પષ્ટ ઈન્કાર પણ કરી દીધો છે. ઔચિત્યની ઉદારતાની સાથેસાથે અનૌચિત્યસભર ગંધ આવતાં અનુદારતા દાખવવાનું અને નારાજગી વ્યક્ત કરવાનું સાહસ પણ કર્યું છે. આરાધનામાં આ તથ્યોનો સમાવેશ કરવાનું પણ નિતાંત આવશ્યક છે.
ઉપર્યુક્ત ત્રણેય પ્રસંગોમાં મારા જીવનદર્શનની એક ઝલક જોવા મળે છે. આ એ માર્ગ છે, જેના પર તમામ મહાનુભાવો ચાલ્યા છે અને લક્ષ્ય પ્રાપ્તિમાં સફળ થઈ યશના ભાગીદાર બન્યા છે. આમાં કોઈ પણ જાતના “શોર્ટકટ’ને સ્થાન નથી.
પ્રતિભાવો