વિવાહોન્માદ પ્રતિરોધ આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૬

વિવાહોન્માદ પ્રતિરોધ આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૬

સમાજનું નિર્માણ કુટુંબથી અને કુટુંબનું નિર્માણ લગ્નથી થાય છે. દરેક નવું લગ્ન નવા કુટુંબની રચના કરે છે. આ સંદર્ભમાં એ જરૂરી છે કે લગ્નનો શુભારંભ કે શ્રીગણેશ એવા વાતાવરણમાં થાય જે અંત સુધી મંગલમય પરિણામો જ ઉત્પન્ન કરતું રહે. કહેવાય છે કે સારી શરૂઆતમાં અડધી સફળતાની શક્યતા રહે છે. જેની શરૂઆત જ દુર્બુદ્ધિ તથા દુર્ભાવના સાથે થાય તેનો વિકાસ પણ અસંતોષ અને સંઘર્ષો વચ્ચે થશે અને આ ક્રમ અંતમાં એને અસફળ જ બનાવી દેશે. આપણા સમાજના અવિવેકપૂર્ણ રીતરિવાજો વિશે શું કહી શકાય ? લગ્નોત્સવ આપણા માટે એક કમરતોડ ભાર બની ગયો છે. છોકરાવાળા દહેજમાં મોટી રકમો અને કીમતી સામાન માગે છે. છોકરીવાળા ન્યા માટે બહુમૂલ્ય દાગીના, કીમતી કપડાં માગે છે. તમાશો જોનારાઓ ધૂમધામવાળી જાન, બેંડવાજાં, આતશબાજી, મોંઘી દાવત અને અમીરી શાનયુક્ત આવભગત ઈચ્છે છે. ડગલે ને પગલે લેવડ દેવડના એટલા વ્યવહારો ઊભા હોય છે કે એમાં બેહિસાબ ખર્ચ થાય છે. આ વધારાનું ધન ક્યાંથી આવે છે ? આજની પરિસ્થિતિઓમાં ઈમાનદારીથી કોઈ પોતાનું ગુજરાન ચાલે એટલું જ કમાઈ શકે છે. બચત કરવી ખૂબ જ મુશ્કેલ છે. લગ્નોમાં આટલું બધું ધન ખર્ચ કરવાનું જ્યારે જરૂરી થઈ જ ગયું છે ત્યારે દિવસ રાત બેઈમાની કરીને પૈસો ભેગો કરવા સિવાય બીજે કોઈ ઉપાયરહેતો નથી. સરકારી કર્મચારીઓ માટે લાંચરુશવત, મજૂરો માટે ચોરી, વેપારીઓ માટે ભેળસેળ કરવી કે ઓછું વજન આપવું તથા ડોક્ટરો માટે રોગીને ડરાવીને પૈસા કઢાવવા વગેરે અનીતિપૂર્ણ માર્ગ જ બાકી રહે છે. જે લોકો ચાતુરીપૂર્વક છૂપી રહી શકે એવી ચાલાકી કરી શકતા નથી તેમને જોખમથી ભરેલી ચોરી, ધાડ, લૂંટ, ખૂન, ઠગાઈ, બેઈમાની, વિશ્વાસઘાત, શોષણ અને અપહરણ જેવા રસ્તાઓ અપનાવવા પડે છે જે પોતાની સાથે બદનામી અને રાજદંડ પણ સાથે લઈને આવે છે.

આપણા સમાજમાં અપરાધો ખૂબ જ વધી રહ્યા છે. ચોરી તથા બેઈમાનીની પ્રવૃત્તિઓ દરેક ક્ષેત્રમાં વધી રહી છે. જેનું એક મોટું કારણ લગ્નવિવાહોમાં વધુ પ્રમાણમાં થતું ખર્ચ પણ છે. જેઓ આમ કરવાનું ઈચ્છતા નથી તેમને પણ લાચાર બનીને આવાં પાપ કરવાં પડે છે. નહિતર લગ્નોનુ ખર્ચ ક્યાંથી નીકળે ? આ ઘાતક કુરીતિને કારણે આપણા સમાજની નૈતિકતા અને પ્રામાણિકતા ખરાબ રીતે નષ્ટ થઈ રહી છે.

હાલમાં લગ્નવિવાહોમાં થતું ખર્ચ બિનજરૂરી છે એ જો સાચું હોય તો વિવેકશીલ દેશભક્તનું કર્તવ્ય છે કે એ અનુચિતતાને દૂર કરવા માટે થોડું સાહસ પ્રદર્શિત કરે જેને કારણે આપણા સમાજનું નૈતિક અને આર્થિક સ્તર દિવસે દિવસે નીચે જઈ રહ્યું છે. શરૂઆત આપણા પોતાના ઘરથી જ કરવી જોઈએ. પોતાનાં બાળકોનાં લગ્ન ખર્ચ વગર કરીશું. ‘દહેજ લઈશું નહિ કે આપીશું નહીં”ના સિદ્ધાંત પર બંને પક્ષો સહમત થઈ શકે છે. જ્યારે મટશે તો દહેજ અને દાગીના એકસાથે જ મટશે. એકપક્ષીય સુધારો શક્ય નથી. એ સમય આવી ગયો છે કે આપણે ચેતી જઈએ અને સાદાઈના વાતાવરણમાં ઓછા ખર્ચે સજ્જનતા અને વિવેકશીલતાના આધારે લગ્ન આયોજનની યોજના બનાવીએ.

શું કરીએ ? કેવી રીતે કરીએ ?

૧. આંદોલનમાં સ્કૂલના છોકરા અને છોકરીઓને સામેલ કરો. પ્રયત્ન એ થવો જોઈએ કે દરેક સ્કૂલ તથા કોલેજમાં આ વિચારધારા ઝડપથી ફેલાય અને અપરિણીત યુવક અને યુવતીઓ પ્રભાવિત થઈને વિવાહોન્માદ વિરોધી આંદોલનમાં સામેલ થાય. પોતાનું લગ્ન તો આદર્શ રીત મુજબ જ કરવા માટે કટિબદ્ધ થવું, પછી તે માટે ભલે ઘરના લોકોનો ગમે તેટલો વિરોધ સહન કેમ ન કરવો પડે ? દરેક ઘરમાં એવા પ્રહ્લાદ પેદા કરવા જોઈએ જે સાહસપૂર્વક પોતાનાં માતાપિતાને પણ સન્માર્ગે ચલાવવાનો સત્યાગ્રહ કરવા જેવું સાહસ બતાવે. છોકરીઓ સંકલ્પ લે કે તેઓ વિવાહોન્માદથી ઘેરાયેલા પાગલો સાથે લગ્ન કરી તેમના ઘેર જવા કરતાં અવિવાહિત રહેવાનું પસંદ કરશે તો તે એમની આદર્શવાદિતા અને ગૌરવભરી પ્રતિજ્ઞા જ હશે.

૨. પ્રતિજ્ઞા આંદોલન – આ આંદોલન વિદ્યાર્થીઓ સુધી જ મર્યાદિત ન રાખતાં દરેક સ્ત્રી પુરુષ સુધી તેનો અવાજ પહોંચાડવો જોઈએ. તે માટે ઘેર ઘેર અલખ જગાડવો જોઈએ. એક ક્રાંતિકારી આંદોલન દહેજ વિરોધી અભિયાનના વિરોધમાં કોઈ સંગઠિત પ્રયાસ સાથે શરૂ કરવામાં આવ્યું છે. એ સર્વવિદિત છે કે દહેજ, ઝવેરાત અને ધૂમધામવાળાં લગ્નો આપણા સમાજની આર્થિક કમર તોડી રહ્યાં છે. જે કમાણી કરવામાં આવે છે તે લગ્નોના કુચક્રમાં બરબાદ થતી રહે છે. સુયોગ્ય કન્યાઓનું લગ્ન વિના રહી જવું, અત્યાચાર સહન કરવા અને આગમાં બાળી નાખવા જેવા અનાચાર આ વિવાહોન્માદની જ દેન છે. સંગઠિત પ્રજ્ઞામંડળોએ હળીમળીને દહેજવિરોધી આંદોલન ઊભું કરવું જોઈએ. એ માટે એક પ્રતિજ્ઞા આંદોલન ચલાવવાનું છે. વાલીઓ પ્રતિજ્ઞા કરે કે તેઓ પોતાનાં બાળકોનાં લગ્નો દહેજ દાગીના વગર ખૂબ જ સાદાઈથી જ કરશે.

૩. ખર્ચાળ લગ્નોનો બહિષ્કાર – વિરોધ પ્રદર્શિત કરવાની એક સરળ રીત એ છે કે ધૂમધામવાળાં લગ્નોમાં સામેલ થવાનો બહિષ્કાર કરવામાં આવે. ભલે એ પોતાના કુટુંબીઓ કે સગાંસંબંધીઓના ઘરનાં જ કેમ ન થઈ રહ્યાં હોય? આ વિરોધ ચર્ચાનો વિષય પણ બનશે અને આગળ જતાં ઘણાંને નવેસરથી વિચાર કરવા માટે વિવશ કરશે.

૪. ઉપજાતિઓની કટ્ટરતા ઓછી થાય – આ સંદર્ભમાં એક વાત એ પણ વિચારી શકાય કે ઉપજાતિઓની કટ્ટરતા ઓછી કરવામાં આવે અને એક વિશાળ જાતિની અંદર લગ્ન આવે. આ પહેલું કદમ આગળ ચાલીને પોતાનું કાર્યક્ષેત્ર વધુ વિસ્તૃત કરશે. અત્યારે ઉપજાતિઓનું જ બંધન એટલો મોટો અવરોધ બન્યું છે કે તેને લીધે યોગ્ય છોકરા-છોકરીઓનું જોડું મળવું મુશ્કેલ થઈ રહ્યું છે. ઉપજાતિઓનો નાનો વિસ્તાર પણ છોકરાઓની દહેજની માગ વધારવાનું એક બહુ મોટું કારણ છે.

૫. સ્વયંસેવી સંસ્થાઓની જવાબદારી – સંસ્થાઓ પોતાના કાર્યક્રમોમાં જો વિવાહોન્માદના નિરાકરણને મહત્ત્વપૂર્ણ સ્થાન આપે અને તેમની ગતિવિધિઓમાં આ પ્રક્રિયાને પણ જોડી લે તથા દેશમાં વિખરાયેલાં અનેક ધાર્મિક- ઘણું કામ થઈ શકે છે.

૬. પ્રગતિશીલ જાતીય સંગઠનોની જવાબદારી – જાતીય પંચાયતો ફેંસલાઓ કરે અને પ્રસ્તાવ પસાર કરે કે એમના વર્ગમાં લગ્નોની ખર્ચાળ પ્રથા બંધ કરવામાં આવશે અને અસંખ્ય મૂઢતાભર્યા રીતરિવાજોનો બહિષ્કાર કરી ખૂબ જ સાદાઈથી અને ઓછા ખર્ચે લગ્નો કરવામાં આવશે. દરેક વર્ગ પોતાની સંકીર્ણતા ઘટાડે અને વિશાળતા વધારે તો એને ઉપજાતિઓમાં ભેળવી એક મોટી જાતિ રહેવા દેવાથી તેની ઉપયોગિતા દરેક દષ્ટિએ વિવેકપૂર્ણ અને ફાયદાકારક રહેશે, જાતીય પંચાયતો જો આ સુધારાત્મક કાર્ય હાથમાં લઈ લે અને પૂર્ણ કરવામાં લાગી જાય તો તેઓ પોતાના અસ્તિત્વની ઉપયોગિતા સિદ્ધ કરી શકે છે. નહિ તો સંકીર્ણતા અને ભેદની ખાઈ પહોળી કરવામાં જ એમની ગણના થતી રહેશે.

૭. પ્રેસની જવાબદારી – દેશમાં અનેક વર્તમાનપત્રો અને સામયિકો નીકળે છે અને એમાંનાં બધાં જ સુધારવાદ, વિવેક તથા ઔચિત્યનું સમર્થન કરે છે. બધા એક ન્યૂનતમ સંયુક્ત કાર્યક્રમ બનાવીને એમાં વિવાહોન્માદનો વિરોધ તથા આદર્શ લગ્નોને પ્રાથમિકતા આપવા લાગે તો સારું થશે. આ સંદર્ભમાં બધા લોકમત જાગૃત કરે અને પ્રચલિત રૂઢિવાદિતાને હટાવવા માટે એક વ્યવસ્થિત આંદોલન ઊભું કરી દે. મૂઢતાના ગેરફાયદાઓ અને દૂરદર્શિતાની જરૂરિયાતને વાર્તા, કવિતા, સમાચાર અને લેખ વગેરેના માધ્યમોથી પ્રસ્તુત કરવાની શરૂઆત કરી દે તો આ દિશામાં લોકમત જગાડી શકાય છે. લેખક, કવિ તથા પ્રકાશકો લગ્ન વ્યવસાયનાં રોમાંચકારી દુષ્પરિણામોથી પરિચિત કરાવે, એવા સાહિત્યનું સર્જન તથા પ્રકાશન કરી શકે છે.

૮. ધર્મતંત્રની જવાબદારી – ધર્મતંત્રનાં માધ્યમોથી મંદિરો, આશ્રમો, પંડિત-પુરોહિત તથા ધર્મ સંપ્રદાયોનાં કેન્દ્રો જો આ પ્રકારની પ્રતિષ્ઠાને જ ધર્મની સાચી સેવા માની લે અને આ સંદર્ભમાં પોતાના પ્રભાવનો ઉપયોગ કરે તો પણ ઘણાં સત્પરિણામોની આશા રાખી શકાય છે. આ પ્રકારના આદર્શો ઊભા કરનારાઓનું સાર્વજનિક અભિનંદન તથા છાપાંઓ અને સામયિકોમાં પ્રશંસા છાપવાથી પણ વિચારશીલ લોકોને પ્રભાવિત કરી શકાય છે. દુરાગ્રહીઓની નિંદા અને તિરસ્કારનો થોડો ક્રમ ચાલતો રહે, તેમનો ધિક્કાર થતો રહે અને ટીકા થતી રહે તો પણ આ ભયંકર કોઢ જેવી મહામારી દૂર કરવાનો થોડો ઘણો પ્રબંધ થઈ શકે છે.

૯. ખર્ચાળ લગ્નો અને દહેજના વિરોધમાં જનમત તૈયાર કરવા માટે યુગ નિર્માણ યોજના, મથુરા દ્વારા પ્રકાશિત વિવાહોન્માદ પ્રતિરોધ આંદોલન સેટની પોકેટ બુક્સ, ઝોલા-પુસ્તકાલય, જ્ઞાન મંદિર અથવા વેચાણ દ્વારા બધા લોકોને સ્વાધ્યાય માટે પ્રાપ્ત કરાવવામાં આવે, જેથી આદર્શ લગ્નો માટેનો જનમત પોતે જ તૈયાર થઈ શકે. લોકોનું માનસ જ્યારે એનો હૃદયથી સ્વીકાર કરશે ત્યારે જ સમસ્યાનું સ્થાયી સમાધાન થશે.

૧૦. યુવક-યુવતી સંમેલન – પ્રગતિશીલ જાતીય સંગઠનોએ વખતોવખત લગ્નને યોગ્ય એવાં યુવકો અને યુવતીઓનાં સંમેલન ગોઠવવાં જોઈએ. જેથી યોગ્ય પાત્ર મળવાનું સરળ બની જાય. આયોજકો તથા અન્ય સન્માનિત લોકોએ પણ પોતાના પરિવારનાં બાળકો સાથે એમાં ભાગ લેવો જોઈએ.

૧૧. સામૂહિક લગ્નનું આયોજન – લગ્નોમાં થતું બિનજરૂરી ખર્ચ રોકવાનું એક સશક્ત માધ્યમ સામૂહિક લગ્ન છે. સન્માનિત લોકોએ આવાં આયોજનોમાં પોતાનાં બાળકોનાં લગ્નો કરાવીને આદર્શ રજૂ કરવો જોઈએ, જેથી સમાજના અન્ય લોકો પણ તેમનું અનુકરણ કરે. ઉપાયો અનેક છે, રસ્તાઓ ધાગા છે. જરૂર છે તેના પર ચાલવાની અને એવાં ઉદાહરણો પ્રસ્તુત કરવાની કે જેમનું અનુકરણ કરવા માટે લોકોનો ઉત્સાહ જગાડી શકાય. આ દિશામાં યુગ નિર્માણ યોજનાના બુદ્ધિશાળી પરિજનોએ આગળ વધીને નેતૃત્વ કરવું જોઈએ અને સમયની માગને પૂર્ણ કરવા માટે જે પણ પ્રયત્નો શક્ય બને તેને કાર્યાન્વિત કરવા માટે આગળ આવવું જોઈએ.

યુગ નિર્માણ યોજનાનાં પરિજનો આ પવિત્ર પ્રક્રિયાને પોતાના ઘર પરિવારથી શરૂ કરીને તેને સમાજવ્યાપી અને દેશવ્યાપી બનાવી શકે છે. છોકરાવાળાઓએ પહેલ કરવી જોઈએ. આમ તો લગ્નને યોગ્ય છોકરીઓ અને છોકરાઓ દરેક ઘરમાં હોય છે, પરંતુ જેમના છોકરાઓ લગ્નને યોગ્ય હોય તેમના જ હાથમાં પહેલ છે. જો તેઓ પોતાના સુયોગ્ય છોકરાનું લગ્ન દહેજ વગર કરવા માટે તૈયાર હોય તો છોકરીવાળા તેમનું સહજ સ્વાગત કરશે અને જેમની આર્થિક સ્થિતિ નબળી છે તેઓ આ સુવિધા માટે તેમના ભાગ્યની પ્રશંસા કરશે, એ ઉદાર વ્યક્તિના કૃતજ્ઞ રહેશે તથા ઈશ્વરને ધન્યવાદ આપશે.

જ્યાં આદર્શ પદ્ધતિથી લગ્ન થાય તેનો વધુમાં વધુ પ્રચાર કરવામાં આવે અને એવા આદર્શવાદીઓનું પૂર્ણ ઉત્સાહથી સ્વાગત કરવામાં આવે. બીજા અન્ય ઉપાયો પણ વિચારવા જોઈએ અને પોતપોતાની રીતે સર્વત્ર વિવાહોન્માદ વિરોધી આંદોલન વધારવા માટે ભૂમિકા તૈયાર કરવી જોઈએ. યુગની આ માગ અને પોકાર આજની ઘડીમાં ખૂબ જ જરૂરી અને મહત્ત્વપૂર્ણ છે. તેને પૂર્ણ કરવા માટે આપણામાંથી દરેકે પૂરેપૂરી તત્પરતા અને નિષ્ઠા સાથે પ્રયત્નો કરવા જોઈએ. વિવાહોન્માદ વિરોધી આંદોલન આજના હિંદુ સમાજની સૌથી મૌટી અને સૌથી મુખ્ય જરૂરિયાત છે, જેની પૂર્તિ માટે આપણે આગામી દિવસોમાં ઘણું કાર્ય કરવું પડશે. આપણો આ પ્રયત્ન નિશ્ચિત રૂપે સફળ થશે. આગામી દિવસોમાં હવા બદલાશે અને આજની ખર્ચાળ પેઢી માટે એક આશ્ચર્યની વાત બની રહેશે.

હવે હું લઘુ પુસ્તકમાળાનું સંકલન અને પ્રકાશન કરી રહ્યો છું. આ પુસ્તકમાળા અંતર્ગત દરેક પુસ્તકની કિંમત ફક્ત રૂ. ૧.૫૦ રાખવામાં આવી છે. આ બધું કાર્ય એમની પ્રેરણાથી જ પૂર્ણ થઈ રહ્યું છે. એમની પ્રેરણાથી જ મહાકાળની સિરિઝની ૯૬ પાનાના ચાર રૂપિયાની કિંમતનાં પુસ્તકો પ્રકાશિત કરવાની શરૂઆત કરી છે. આ પુસ્તકોને લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ અમારા કાર્યકર્તા ભાઈઓના માધ્યમથી કરીએ છીએ. મારાં ભાઈબહેનો સદાયની જેમ મારા અનુરોધને પૂર્ણ કરવામાં ક્યારેય પાછળ નહિ રહે એવો મને વિશ્વાસ છે.

વ્યસનમુક્તિ આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૫

(૬) વ્યસનમુક્તિ આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૫

માદક દ્રવ્યોથી થતા નુક્સાનની બધાને ખબર છે. આ તરફ જેમના ખભા પરરાષ્ટ્રના નવનિર્માણની જવાબદારી છે, તેવી આપણા દેશની યુવા પેઢીમાં આ ખરાબ પ્રવૃત્તિ ઝડપથી વધી રહી છે. યુવાન અવસ્થામાં જ્યારે શરીરનાં અંગોનો વિકાસ થઈ રહ્યો હોય છે, જીવન શક્તિ વધતી હોય છે ત્યારે જ માદક દ્રવ્યોનો દુષ્પ્રભાવ એમને નિષ્ક્રિય અને અશક્ત કરવા લાગે છે. આ દયાજનક સ્થિતિ છે. ગાંજો, ભાંગ, ચરસ, સિગરેટ, તમાકુ, વગેરે નશાઓ યુવક-યુવતીઓમાં એટલા લોકપ્રિય થઈ ગયા છે કે તેમને ન અપનાવનારને રૂઢિવાદી તથા જુનવાણી સમજવામાં આવે છે. આજે વ્યસનની આ પ્રવૃત્તિનો વિધિપૂર્વક વિરોધ કરવાની જરૂર છે. આપણે આ વિશે લોકોને સજાગ કરવા પડશે અને એમને બતાવવું પડશે કે આ કોઈ શોખ કે ફેશનની વસ્તુ નથી. પોતાને સભ્ય દર્શાવવાની આ કોઈરીત નથી. બધી સમાજસેવી સંસ્થાઓએ આ અસુર પર વિજય મેળવવા માટે નીચે દર્શાવેલ કાર્યક્રમો ચલાવવા જોઈએ.

૧. વિચારગોષ્ઠિઓ દ્વારા સમયાંતરે પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બોલાવી વ્યસની લોકોને તેનાથી થતા નુકસાનથી વાકેફ કરવામાં આવે.

૨. પુરોહિતો દ્વારા યજ્ઞ, સંસ્કાર, પર્વ તથા કથા વગેરે પ્રસંગે વ્યસન છોડવા માટે પ્રેરિત કરવા.

૩. સાધુ, સંત તથા મહાત્માઓનાં પ્રવચનોમાં આ દુષ્પ્રવૃત્તિને છોડવાનું આહ્વાન કરાવવું. વિભિન્ન ઉદાહરણો અને તર્કો દ્વારા વ્યસનોથી થતાં નુકસાન વિશે સમજાવવું.

૪. વ્યસનમુક્ત ભાઈ બહેનોને સહયોગ હેતુ સંગઠિત કરવાં.

૫. સમાજસેવાની ભાવના રાખતા ચિકિત્સકો દ્વારા ગોષ્ઠિઓ તથા શિબિરોનું આયોજન કરી બધા લોકોને આ દુષ્પ્રવૃત્તિઓથી થતી શારીરિક, માનસિક, કૌટુંબિક તથા સામાજિક હાનિઓથી પરિચિત કરાવવાં.

૬. પરિવારના સભ્ય એવાં બાળકો, પત્ની તથા ઘનિષ્ઠ મિત્રો વ્યસનગ્રસ્ત વ્યક્તિ પર વારંવાર દબાણ કરતા રહે તો સફળતાની આશા રાખી શકાય છે.

૭. વ્યસનમુક્તિ આંદોલન કાર્યો દ્વારા બેનરો, ઝંડાઓ લઈને સરઘસ કાઢવું. સરકારને માદક દ્રવ્યોના ઉત્પાદન તથા સેવન પર કાયદાકીય પ્રતિબંધ લગાવવા માટે આવેદનપત્ર આપવું.

૮. નશાનું સેવન કરવાથી થતી ભયંકર દુર્ઘટનાઓનું સંકલન કરવામાં આવે અને તેમને છાપાંઓ અને માસિક વગેરેમાં મોટા અક્ષરોમાં પ્રકાશિત કરવામાં આવે.

૯. યુગ નિર્માણ યોજના, મથુરા દ્વારા પ્રદ્ભાશિત વ્યસનમુક્તિ આંદોલન સેટનાં પુસ્તકોને ઝોલા પુસ્તકાલય, જ્ઞાનમંદિર અથવા વેચાણ દ્વારા દરેક માણસ સુધી પહોંચાડીને વ્યસનગ્રસ્તોના ચિંતનમાં પરિવર્તન કરવાના પ્રયત્નો કરવા જોઈએ.

કુરીતિ નાબૂદી આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૪

કુરીતિ નાબૂદી આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૪

સમાજમાં બધા લોકો પોતાનાં કાર્યો વિવેકપૂર્વક નક્કી કરતા નથી. મોટાભાગના લોકો પરંપરાવાદી હોય છે અને પ્રચલિત રીતરિવાજોને તર્કની કસોટી પર કસ્યા વિના અપનાવતા રહે છે. ઘણી કુરીતિઓ સમાજને ખૂબ જ નુકસાનકારક છે. આ કુરીતિઓનો જડમૂળથી નાશ કરવા માટે પ્રાણવાન, લડાયક અને સંઘર્ષશીલ વ્યક્તિઓની જરૂર પડશે. હિંદુ સમાજમાં સામાજિક કુરીતિઓને કારણે એક મોટો માથાનો દુખાવો પેદા થઈ ગયો છે. કેટલીય પ્રથાઓ એવી ચાલી રહી છે કે જે ખૂબ જ ખર્ચ માગી લે છે. મધ્યમવર્ગનો એક મનુષ્ય પોતાના કુટુંબનું ભરણપોષણ કરી શકે તેટલું જ માંડ માંડ કમાઈ શકે છે. આ મોંઘવારીના જમાનામાં મોટી બચત કરી રાખવાનું સર્વસાધારણ માટે શક્ય નથી. અવારનવાર વધુ ધન ખર્ચ કરાવતી કુરીતિઓને પણ જો પોષવી હોય તો બેઈમાનીનો રસ્તો અપનાવ્યા સિવાય કોઈ ઉપાય રહેતો નથી. એક રસ્તો એ પણ છે કે પેટ પર પાટો બાંધીને જેમતેમ ગુજરાન ચલાવતાં બાળકોના મોઢામાંથી દૂધ છીનવીને કોડી કોડી ધન બચાવવામાં આવે અને કુરીતિની પિશાચિનીને તૃપ્ત કરવામાં આવે. ત્રીજી એક રીત છે કે ઘરનો સરસામાન વેચીને મિત્રો-સંબંધીઓ પાસેથી કર્જ લઈને તાત્કાલિક વ્યવસ્થા કરી લેવામાં આવે અને પાછળથી ભારે અભાવ અને તિરસ્કારભર્યું જીવન વીતાવવામાં આવે. કર્જનું વ્યાજ માથે ચડતું જાય. આટલું થવા છતાં પણ આપણી માનસિક દુર્બળતા એ વિચારવા દેતી નથી કે શું આ સામાજિક કુરીતિઓ જરૂરી છે ? શું એને સુધારી કે બદલી શકાય નહીં ?

૧. વર્ણ-વ્યવસ્થાનું વિકૃત સ્વરૂપ દૂર થાય – બ્રહ્માજીએ પોતાના ચાર પુત્રોને ચાર કાર્યક્રમો સોંપીને એમને ચાર વર્ણોમાં વહેંચ્યા છે. જ્ઞાન, બળ, ધન અને શ્રમ. આ ચારેય શક્તિઓ માનવસમાજ માટે જરૂરી હતી. એમની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વંશગત પ્રયત્નો ચાલતા રહે અને એમાં કુશળતા તથા વિકાસ થતો રહે એ દૃષ્ટિથી આ ચાર કામોને ચાર પુત્રોમાં વહેંચવામાં આવ્યા. ચારેય સગા ભાઈઓ હતા. તેથી એમનામાં ઊંચનીચનો કોઈ પ્રશ્ન ન હતો. કોઈનું સન્માન, મહત્ત્વ અને સ્તર નહોતું ઓછું કે નહોતું વધુ. વધુ ત્યાગ અને તપને કારણે પોતાની મહાનતા પ્રદર્શિત કરવાથી બ્રાહ્મણની શ્રેષ્ઠતા તો રહી, પરંતુ અન્ય કોઈ વર્ગોને પણ હલકા કે નીચલા સ્તરના માનવામાં આવ્યા નહોતા. આજે સ્થિતિ કંઈક ભિન્ન છે. ચાર વર્ણો અગણિત જાતિઓ અને ઉપજાતિઓમાં વહેંચાઈ ગયા છે અને તેનાથી સમાજમાં ભારે અવ્યવસ્થા અને ફૂટ ફેલાઈ ગઈ છે. એટલે સુધી કે એક જ વર્ણના લોકો પોતાની ઉપજાતિઓમાંથી ઊંચનીચની કલ્પના કરવા લાગ્યા. આ માનવીય એકતાનું પ્રત્યક્ષ અપમાન છે. વ્યવસ્થાઓ અને વિશેષતાઓના આધાર પર જાતિ અને વર્ગ ભલે રહે, પરંતુ ઊંચનીચની માન્યતાને સ્થાન મળવું ન જોઈએ.

૨. બાળલગ્નો-કોડાં લગ્નો – બાળલગ્નોની નિંદા કરવામાં આવે અને તેનાથી થતું નુકસાન જનતાને સમજાવવામાં આવે. સ્વાસ્થ્ય, માનસિક સંતુલન, આગામી પેઢી તથા જીવન વિકાસના દરેક ક્ષેત્ર પર એનો ખરાબ પ્રભાવ પડે છે. કોડાં લગ્નોને પણ રોકવાં જરૂરી છે.

૩. ભિન્ના વ્યવસાયની નિંદા – સમર્થ વ્યક્તિ માટે ભિક્ષા માગવી તેના આત્મગૌરવ અને સ્વાભિમાનથી સર્વથા વિરુદ્ધ છે. આત્મગૌરવ ખોઈને મનુષ્ય પતન તરફ જ ચાલે છે. ભારતમાં આ વૃત્તિ ખૂબ જ વધી ગઈ છે તે ખેદજનક છે. જે લોકો બધી રીતે અપંગ અને અસમર્થ છે તથા જેમનાં કોઈ સંબંધી કે સહાયક નથી તેમની આજીવિકાનો પ્રબંધ સરકારે કે સમાજના દાનથી સંસ્થાઓએ કરવો જોઈએ. જેથી આ અપંગ લોકોએ વારંવાર હાથ ફેલાવી પોતાનું સ્વાભિમાન છોડવું ન પડે અને બચેલા સમયમાં કોઈ ઉપયોગી કાર્ય કરી શકે. આવી સેવાભાવી સંસ્થાઓ દરેક સ્થળે ખોલવામાં આવે અને ઉદાર લોકો એમનાં જ માધ્યમથી વાસ્તવિક દીનદુઃખીઓને સહાયતા કરે.

૪. મૃત્યુભોજનની વ્યર્થતા – કોઈના મરણ બાદ એ ઘરમાં બે અઠવાડિયાની અંદર લગ્નો જેવી દાવતનું આયોજન થવું તે દિવંગત વ્યક્તિનું અપમાન છે. મિજબાની તો ખુશીમાં કરવામાં આવે છે. મૃત્યુને શોકનું ચિહ્ન માનવામાં આવે છે તો મિજબાનીઓનું આયોજન શા માટે ? મૃતકના મિત્રો અને સંબંધીઓ માટે પણ એ જ ઉચિત છે કે આ ક્ષતિગ્રસ્ત પરિવારની કોઈ સહાયતા ન કરી શકતા હોય તો ઓછામાં ઓછું મિજબાનીની સલાહ આપીને તેનું આર્થિક અહિત તો ન જ કરે. મૃતકના આત્માને શાંતિ આપવા માટે ધાર્મિક કાર્ય કરાવવામાં આવે. આવાં શુભ કાર્યોમાં જેમણે માનવતાની સહાયતા કરવી હોય તો શ્રદ્ધાના ઉદ્દેશથી ગમે તેટલું મોટું દાન કરી શકાય છે. એ જ સાચી શ્રદ્ધાનું પ્રતીક હોવાથી સાચું શ્રાદ્ધ કહી શકાય છે.

૫. વસતિ વધારા પર નિયંત્રણ – વિચાર્યા વગર બાળકો પેદા કરવાં અને કુટુંબ વધારવાનાં સામૂહિક દુષ્પરિણામ આજે બધાની સામે છે. સ્વાસ્થ્યની સમસ્યા, શિક્ષણની સમસ્યા અને મકાનની સમસ્યાથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર બધાં અસંખ્ય સમસ્યાઓથી ઘેરાયેલાં છે. પોતાના વ્યક્તિગત, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વહિતની દૃષ્ટિએ વસતિને સીમિત તથા નિયંત્રિત રાખવી જરૂરી છે. ભૂખમરો, દુકાળ, મોંધવારી અને ભ્રષ્ટાચાર વગેરે અભિશાપ ભોગવી રહ્યા છીએ. સંસારને નિયમિત રાખવા માટે પ્રકૃતિ જોર કરે છે ત્યારે વિનાશનાં જ લક્ષણો દેખાય છે. આથી મનુષ્ય પોતે એ સમસ્યાને સુધારવાનો પ્રયત્ન કરે. આ સૌથી સારી અને ફાયદાની વાત હોઈ શકે છે.

૬. બલિપ્રથા – ધર્મગ્રંથોમાં જે દેવી દેવતાઓનું વર્ણન છે તેમની સંખ્યા પણ ઘણી છે, પરંતુ એટલાથી પણ સંતોષ ન માની લોકોએ જાતિ મુજબના, વંશ મુજબના, ગામના એટલા બધા દેવતા ઘડી લીધા છે કે આશ્ચર્ય થાય છે. તેમના પર કૂકડા, અંડા, ભેંસો, બકરાં, સુવર વગેરે ચઢાવે છે. આ કેવી વિડંબના છે કે દયા અને પ્રેમ માટે બનેલા દેવતાઓ પોતાના જ પુત્રો તથા પશુપંખીઓનું લોહી પીએ.

૭. ભૂતપલીત અને જાદુટોના – ભૂતપલીતોનો માનસિક ભ્રમ પેદા કરીને શાણા, અને પાગલ લોકો ભોળી જનતાનું માનસિક અને આર્થિક શોષણ ખૂબ કરે છે. માનસિક રોગો, શારીરિક કષ્ટો અને રોજિંદા જીવનમાં આવતી સાધારણ જેવી વાતોને ભૂતનાં કરતૂત બનાવીને અકારણ જ ભોળા લોકોને ભ્રમિત કરે છે. એ ભ્રમનો એટલો ઘાતક પ્રભાવ પડે છે કે કેટલીક વાર તો જીવનનું સંકટ ઊભું થઈ જાય છે.

૮. નિરક્ષરતા નિવારણ – રાષ્ટ્રીય પ્રગતિ માટે નિરક્ષરતાનું નિવારણ ખૂબ જ જરૂરી છે. આ પ્રયોજનને પૂર્ણ કરવામાં સરકારી અને બિનસરકારી એકો પૂર્ણપણે જોડાઈ જાય, એકબીજાનો પૂરો સહયોગ કરે તો પણ સમયની અતિ મહત્ત્વપૂર્ણ જરૂરિયાતને સરળતાથી પૂર્ણ કરી શકાય છે. પ્રૌઢ અશિક્ષિતોમાંથી મોટાભાગના આજીવિકા મેળવવામાં વ્યસ્ત હોય છે તેથી તેમને સમય હોય ત્યારે જ શિક્ષણની વ્યવસ્થાની વાત વિચારી શકાય છે. પુરુષો માટેનો સમય રાત્રિનો હોઈ શકે છે. તેમને માટે પ્રૌઢ રાત્રિ પાઠશાળાઓનો પ્રબંધ હોવો જોઈએ. મહિલાઓને ત્રીજા પહોરે ભોજન બનાવવામાંથી અને ગૃહકાર્યોમાંથી ફુરસદ મળી શકે છે. તેમના માટેની પ્રૌઢ મહિલા પાઠશાળાઓ બપોરે બેથી પાંચ વચ્ચે ત્રણ કલાક ચલાવી શકાય છે.

૯. પરદા પ્રથા – આપણા દેશમાં પરદા પ્રથા ક્યારેય પ્રચલિત રહી નથી. પ્રાચીન કાળમાં સ્ત્રીઓ બધાં ક્ષેત્રોમાં કામ કરતી હતી અને તેમને શિક્ષણ, પોતાની યોગ્યતા વધારવી અને પ્રતિભાથી સમાજને લાભ આપવાની ખુલ્લી છૂટ હતી. એમને ક્યાંય કોઈપણ જાતના પ્રતિબંધમાં રહેવું પડતું નહોતું. આ ઘાતક પરંપરાને પૂરેપૂરી નષ્ટ કરવા માટે કોઈ સ્રીને ધૂંઘટમાંથી મુક્ત કરાવી દેવી કે પરદો ન રાખવા માટે તૈયાર કરાવી લેવી એ પૂરતું નથી. વાસ્તવમાં એ માટે તો સ્ત્રીઓમાં આત્મવિશ્વાસ જાગૃત કરવાના વ્યાવહારિક પ્રયત્નો કરવા જોઈએ, જેથી તેઓ પોતાને આશ્રિતા, સંરક્ષિતા કે અબળા નહીં, પરંતુ સમર્થ, સ્વાવલંબી અને પરિસ્થિતિઓનો પડકાર ઝીલી શકે તેવી અનુભવવા લાગે. જ્યારે ધવન લોકો વહુ અને દીકરીઓ પર કુદૃષ્ટિ નાંખતા અને અપહરણ કરતા હતા ત્યારે પરદા પ્રથા શરૂ થઈ હતી. હવે એવી પરિસ્થિતિઓ રહી નથી, ત્યારે પરદા પ્રથા પણ બિનજરૂરી બની ગઈ છે.

૧૦. અશ્લીલતાનો પ્રતિકાર – અશ્લીલતાની અંદર અશ્લીલ સાહિત્ય, અર્ધનગ્ન યુવતીઓનાં વિકારોત્તેજક ચિત્રો, ગંદી નવલકથાઓ, કામુકતા ભરેલી ફિલ્મો, ગંદાં ગીતો, અમર્યાદિત કામચેષ્ટાઓ, નારીમાં રહેલાં શીલ, સંકોચ અને મર્યાદાઓનું ઉલ્લંધન તથા દુરાચારોની ખરાબ રીતે ચર્ચા, વગેરે આવે છે. એનાથી દાંપત્યજીવન પર ખરાબ પ્રભાવ પડે છે અને શરીર તથા મગજ નબળાં થાય છે. એવાં ચિત્રો, કેલેન્ડરો, પુસ્તકો, મૂર્તિઓ તથા અન્ય સાધનો આપણાં ઘરોમાં રહેવાં ન જોઈએ, જે અપરિપક્વ મગજોમાં વિકાર પેદા કરે. અશ્લીલતાનો વિરોધ કરવા માટે જનમત તૈયાર કરી તેનું સરઘસ કાઢી હોળી કરવામાં આવે.

સત્પ્રવૃત્તિ સંવર્ધન દુષ્પ્રવૃત્તિ ઉન્મૂલન આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૩

 સત્પ્રવૃત્તિ સંવર્ધન દુષ્પ્રવૃત્તિ ઉન્મૂલન આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૩

દેવ અને અસુર બંને તત્ત્વો મળીને મનુષ્ય બન્યો છે. એમાં ઈમાન પણ રહે છે અને શેતાન પણ રહે છે. પરિસ્થિતિ તેમને વિકસિત કરે છે. જો સારું વાતાવરણ મળે તો દેવ તત્ત્વ અને ઈમાન વિકસિત થાય છે. સજ્જનતા અને મહાનતામાં વધારો થાય છે. જો ખરાબ વાતાવરણ મળે તો તેના પ્રભાવથી અંતરંગમાં છુપાયેલી અસુરતા વિકસે છે અને મનુષ્યનું ચિંતન અને કર્તૃત્વ નીચલા સ્તરનું પતનોન્મુખ બનતું જાય છે.

૧. સમાજનું નેતૃત્વ કરનાર બુદ્ધિજીવી લોકોનું કામ છે કે તેઓ એવું વાતાવરણ બનાવે, એવું આંદોલન ચલાવે જેમાં આદર્શવાદનું અવલંબન કરનાર વ્યક્તિઓને ઓછામાં ઓછું સામાજિક સન્માનનો લાભ તો મળી જ શકે.

૨. સત્પ્રવૃત્તિઓને વિકસાવવા માટે, સદ્ભાવનાઓને પ્રોત્સાહિત અને પુરસ્કૃત કરવા માટે કશું જ કરવામાં આવ્યું નથી. જ્યારે એવું હોવું જોઈતું હતું કે જેટલું ધ્યાન દુષ્ટતાના દમન પર આપવામાં આવે છે, ઓછામાં ઓછું તેટલું ધ્યાન તો સજ્જનતાને સત્કારવા અને આદર્શવાદી સત્સાહસને પુરસ્કૃત કરવા પર આપવું જ જોઈતું હતું. અપરાધ અને દંડ એ નિષેધાત્મક પક્ષ છે. તેનાથી પણ મહત્ત્વપૂર્ણ પક્ષ એ છે જેને અનૈતિકતાને દંડ આપવા જેટલો જ વિધેયાત્મક કરવો પણ જરૂરી છે.

૩. અનીતિ વિરોધી વાતાવરણ બનાવવા માટે લોકમતને સંગઠિત તથા પ્રખર કરવો જોઈએ. આ પ્રયોગની શરૂઆત આપણે આપણા ઘરમાંથી જ કરવી જોઈએ. જે બાળકોની અને પરિજનોની ગતિવિધિઓ પ્રશંસનીય હોય તેમને યોગ્ય સહયોગ, સમર્થન, પ્રેમ, સન્માન તથા પુરસ્કાર મળવાં જોઈએ.  ભૂલ કરનારાઓની અને કુમાર્ગ પર ચાલનારાઓની ઉપેક્ષા કરવામાં આવે.

નિંદા, તિરસ્કાર, ધાકધમકી, અસહયોગ વગેરે ક્રમ પરિસ્થિતિ મુજબ અપનાવવામાં આવે કે જેથી કુમાર્ગગામીને તેના કાર્યથી પરિવારની નારાજી તથા તિરસ્કારનો પરિચય મળે. આ નીતિ પરિવારના ભાવનાત્મક વિકાસ અને વ્યવસ્થાનું સંતુલન બનાવી રાખવામાં ખૂબ જ સહાયક બની શકે છે.

૪. આદર્શ પ્રસ્તુત કરતી અનેક એવી વ્યક્તિઓ મળી શકે છે જેમને ગરીબાઈને કારણે કોઈએ પ્રોત્સાહિત કરી નથી. એવા લોકોને પ્રોત્સાહન આપવામાં આવે. એવા સ્વર્ગીય લોકોની જયંતીઓ મનાવી તેમનાં ચિત્રો પર ફૂલો ચઢાવવાં, તેમના સ્મારક રૂપે વૃક્ષો વાવવાં, તેમના જીવનવૃત્તાંતથી બધા લોકોને પરિચિત કરવા તે એવી પદ્ધતિ છે જેનાથી દરેક વ્યક્તિને સન્માર્ગગામી તથા લોકસેવી બનવાનું પ્રોત્સાહન મળે છે.

૫. વૈયક્તિક જીવનમાં સમાયેલી નીચતા અને કુંઠાઓ સાથે લડવા માટે આપણે પ્રાયશ્ચિત્ત અને શરીરને કષ્ટ આપવાનું શરૂ કામે લગાડવું જોઈએ. આત્માને શુદ્ધ કરવા માટે દરરોજ નવો જન્મ, દરરોજ નવાં મોતનો જે મંત્ર આપવામાં આવ્યો છે તે ખૂબ જ ઉપયોગી થાય છે. દિવસ દરમિયાન પોતાનાં શારીરિક-માનસિક કાર્યો પર નજર રાખવી જોઈએ. રાતે સૂતી વખતે દિવસ દરમિયાન કરેલી ભૂલોનું શારીરિક કષ્ટોના રૂપમાં પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. કાન પકડીને ઊઠબેસ કરવી, પોતાના ગાલ પર તમાચા મારવા, અમુક સમય સુધી ઊભા રહેવું, સૂવાને બદલે તેટલો સમય જાગતા રહેવું, ભોજન ઓછું લેવું કે ઉપવાસ કરવો. પોતાને આ પ્રકારનાં શારીરિક કષ્ટો આપીને બીજા દિવસથી એવી ભૂલો ન કરવાની ચેતવણી આપીને આ પ્રાયશ્ચિત્તની પ્રક્રિયા દરરોજ રાત્રે પૂરી કરી લેવી જોઈએ. સવારે ઊઠતાં જ વિચાર કરવો જોઈએ કે આજનો દિવસ એક નવો જન્મ છે. રાત્રે સૂવાની સાથે જ મૃત્યુ થઈ જશે. આ એક દિવસનાં જીવનને સર્વોકૃષ્ટ રીતે જીવવાની દિનચર્યાસવારે જ બનાવી જ લેવામાં આવે તો એ દિવસ વધુ શ્રેષ્ઠતાથી વીતી શકે છે એમાં શંકાને સ્થાન નથી.

૬. પરિવાર નિર્માણ માટે પણ સંઘર્ષ કરવાની જરૂર પડે છે. પત્ની તથા બાળકોને, નાના તથા મોટાઓને યોગ્ય સ્નેહ આપવામાં આવે તથા તેમની જરૂરિયાતોનો પૂરતો ખ્યાલ રાખવામાં આવે, પરંતુ સાથે જ પરિવારનો કોઈ સભ્ય કુમાર્ગગામી, વ્યસની, દુર્ગુણી તથા અનાચારી તો બની રહ્યો નથી તેનું પણ ધ્યાન રાખવામાં આવે. દરેક હાલતમાં યોગ્ય હોય તે જ કરવું જોઈએ. આ સંઘર્ષ બને તેટલો હળવો, સૌમ્ય અને સ્નેહભર્યો રાખવો જોઈએ.

૭. રૂઢિવાદિતા અને અનુચિતતાની વિરુદ્ધ મોટી ઉંમરની વ્યક્તિઓ સાથે પણ સંઘર્ષ કરી શકાય છે. મોટાઓનો આદર કરવો, તેમની સુવિધાઓનું ધ્યાન રાખવું તથા શારીરિક સેવા કરવી તે નાની વ્યક્તિઓનું કર્તવ્ય છે તથા આ શિષ્ટાચાર તો દરેક હાલતમાં પાળવો જોઈએ, પરંતુ તેમની અયોગ્ય ઈચ્છાઓ અને આશાઓને માન આપવાનો સાહસથી ઈનકાર પણ કરી દેવો જોઈએ.

૮. ઊંચ-નીચ, અસ્પૃશ્યતા, પરદા પ્રથા અને નારી પ્રતિબંધ જેવી પ્રથાઓ મનુષ્યતાને કલંકિત કરનારી કુરીતિઓ છે. સવાલ હિંદુ પરંપરાઓનો નથી, પરંતુ વિશ્વ વિવેક અને માનવીય ન્યાયનો છે. કોઈ સંપ્રદાય કે કોઈ દેશમાં કોઈ અનુચિત પરંપરા ચાલવા લાગે તો તેનો અર્થ એ નથી થતો કે એ વાતને યોગ્ય અને ન્યાયસંગત પણ માની લેવામાં આવે.

૯. સી અને પુરુષ વચ્ચે ઊભી કરવામાં આવેલી દીવાલ સર્વથા અન્યાયયુક્ત છે. પરદાપ્રથા, વિધવાનો પુનર્વિવાહ વગેરે પ્રતિબંધો યોગ્ય હોય તો નર અને નારી બન્ને પર સમાન રૂપે લાગુ થવા જોઈએ. એ જ રીતે પુત્રી અને પુત્ર વચ્ચે કરવામાં આવતો ભેદભાવ કોઈપણ દૃષ્ટિએ ન્યાયસંગત નથી. આ મૂઢ માન્યતાઓ હિંદુ ધર્મમાં ઊંડે સુધી મૂળ જમાવીને બેઠી છે.

૧૦. અનાચારી તત્ત્વો પ્રત્યે સમાજમાં ધૃણા, અસહયોગ, વિરોધ, વેરઝેર તથા સંઘર્ષની પ્રવૃત્તિ પેદા કરવી પડશે.

નારી-જાગરણ આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૨

નારી-જાગરણ આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૨

નારી દેવત્વની મૂર્તિમાન પ્રતિમા છે. આમ તો દોષ બધામાં જ રહે છે. સર્વથા નિર્દોષ તો પરમાત્મા જ છે. નારીઓમાં તેની આધ્યાત્મિક પ્રવૃત્તિ જ તાત્ત્વિક દૃષ્ટિએ આત્મિક વિશેષતા છે. પરિવાર માટે એ પુત્રી, બહેન, ધર્મપત્ની અને માતાના રૂપમાં જે રીતે ઉચ્ચ આદર્શોથી ભરેલું જીવન જીવે છે, તે જોતાં એમ કહી શકાય કે પુરુષાર્થપ્રધાન નર એની જગ્યાએ ઠીક છે, પરંતુ આત્મિક સંપદાની દષ્ટિએ નારી કરતાં પાછળ જ રહેશે. નારીને પ્રજનનની જવાબદારી સંભાળવાને કારણે શારીરિક દષ્ટિએ થોડું ઘણું દુર્બળ ભલે રહેવું પડ્યું હોય, પરંતુ આત્મિક વિભૂતિઓની અધિકતા જોતાં એ ઈશ્વરીય દિવ્ય અનુકંપાની વધુ હકદાર બની છે. આગામી દિવસોમાં ઝડપી ગતિથી વધતો આ નવયુગ નિશ્ચિત રૂપે આધ્યાત્મિક માન્યતાઓથી ભરેલો હશે. શાસનતંત્ર, ધર્મતંત્ર, અર્થતંત્ર તથા સમાજતંત્રનું આખું માળખું એ જ સ્તરનું નિર્મિત થશે. એવી સ્થિતિમાં નારીએ દરેક ક્ષેત્રમાં વિશેષ ભૂમિકાઓ અદા કરવી પડશે. ઉજ્વળ ભવિષ્યને ધ્યાનમાં રાખવામાં આવે તો નારી જાગરણ તેના સમયનું સૌથી મોટું કાર્ય હશે.

૧. યુગ નિર્માણ મહિલા મંડળની સ્થાપના કરવી જોઈએ.

૨. યુગ નિર્માણ યોજના, યુગ શક્તિ ગાયત્રી(ગુજરાતી) તથા અખંડ જ્યોતિ તેમજ સાહિત્યિક જીવનગાથાઓ બહેનોને વધુ રસપ્રદ હોય છે. આ સાહિત્ય નિયમિત રૂપે એમને વાંચવા મળે તો એમના ભાવનાત્મક સ્તરમાં ચોકસપણે વધારો થાય છે અને થોડા દિવસોમાં જ તેઓ પણ મહિલા સંગઠનોની ગતિવિધિઓમાં યોગદાન આપવા લાગે છે. તેથી શહેરની ભણેલી બહેનોની યાદી બનાવી તેમની પાસે બપોરના નવરાશના સમયે નવ નિર્માણનું સાહિત્ય વાંચવા આપવા તથા લેવાનો ક્રમ બનાવીને મહિલા મંડળ સક્રિય બનાવી શકાય.

૩. મહિલા મંડળ દ્વારા સાપ્તાહિક સત્સંગનું આયોજન

૪. મૂઢ માન્યતાઓ, અંધવિશ્વાસો, કુરીતિઓ તેમજ સામાજિક વિકૃતિઓને કારણે ભારતીય નારી જાતિને કેટલુંય ભારે નુકસાન વેઠવું પડ્યું છે. હવે તેનું નિરાકરણ, સમાધાન અને નાબૂદી કેવી રીતે થઈ શકે, એ દાર્શનિક પક્ષને નારી શિક્ષણનું અભિન્ન અંગ માનવામાં આવ્યું છે. કહેવું નહિ પડે કે આજની સુશિક્ષિત છોકરીઓને વ્યર્થ મગજ કસવું પડે છે, પરંતુ વ્યાવહારિક જીવનમાં કામ આવતી ઉપયોગી તથા જરૂરી માહિતીઓથી વંચિત જ રહેવું પડે છે.

૫. પુંસવન, નામકરણ, મુંડન અને અન્નપ્રાશન જેવા સંસ્કારો બહેનો પરસ્પર હળીમળીને શાસ્ત્રીય વિધિથી કરી શકે છે અને એની સાથે જોડાયેલ શિક્ષણના આધારે એ પરિવારોમાં એક નવી વિચારધારા તથા ચિંતન શૈલીનો પ્રવાહ વહેવડાવી શકાય છે.

૬. જન્મદિવસ અને લગ્નદિવસના ઉત્સવ પર સંગઠિત મંડળની સ્ત્રીઓ એક ફૂલ અને એક પતાસાની ભેટ લઈને પહોંચી જાય અને શુભકામનાઓ આપે તો એમનામાં પરસ્પર ઘનિષ્ઠતા વધતી જ જશે.

૭. નારી પરના પ્રતિબંધો તાત્કાલિક હટાવવામાં આવે. તેને પડદા પ્રથામાંથી મુક્ત કરાવવાના ઉપાયોને કાર્યરૂપમાં બદલી નાંખવામાં આવે.

૮. નારીને સમાજની સેવા કરવા માટે ઘરનાં બંધનોમાંથી થોડો અવકાશ આપવો જોઈએ. તેને સાર્વજનિક સેવાના ક્ષેત્રમાં પ્રવેશ કરવા દેવામાં આવે.

૯. જે લોકો નારી ઉત્કર્ષના મહત્ત્વને સમજે છે તથા ભારતની અડધી જનસંખ્યાને અપંગ સ્થિતિથી દૂર રાખવા માગે છે તેમણે પોતાના ઘરની સ્ત્રીઓને આ તરફ રુચિ ઉત્પન્ન થાય એ પહેલું કાર્ય કરવાનું છે. તેમને યોગ્ય બનાવે, આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે અને માર્ગદર્શન તથા સહયોગ આપી કાર્યક્ષેત્રમાં ઉતારે.

૧૦.નારી શિક્ષણનો પ્રચાર જરૂરી છે. ભારતીય નારીને ત્રીજા પહોરે સમય મળે છે. એ વખતે શેરીઓ અને મહોલ્લાઓમાં મહિલા પાઠશાળાઓ ચાલવી જોઈએ. થોડા પ્રયત્નો કરવાથી મહોલ્લાઓમાં આવી પાઠશાળાઓ સ્થાપિત થઈ શકે છે. એમાંથી જે કોઈ સુશિક્ષિત બહેન જે મહિલા સંગઠનમાં સામેલ હોય તે શીખવવાની જવાબદારી પોતે લઈ લે.

સ્વાસ્થ્ય સંવર્ધન આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૧

સ્વાસ્થ્ય સંવર્ધન આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૧

૧. અસંયમ અને અનુચિત આહાર વિહારને કારણે રોગોનાં મૂળ મજબૂત બનતાં જાય છે અને આરોગ્ય લથડતું જાય છે. લોકોને ખાવાની રીત તથા આરોગ્ય રક્ષણના સિદ્ધાંતો સમજાવવા જોઈએ. પ્રાકૃતિક ઉપચાર દ્વારા સૂર્યપ્રકાશ, હવા, પાણી અને માટી દ્વારા સરળ ઉપચાર શીખવવામાં આવે. પ્રજ્ઞાયોગ, સૂર્યનમસ્કાર, યોગાસન, પ્રાણાયામ, બંધ, મુદ્રા, નેતિ વગેરેનું પ્રચલન શરૂ કરવામાં આવે. આજે રસોડાની ક્રાંતિની જરૂર છે. જેમાં અંકુરિત અનાજ, છાલને ન ફેંકવી, વરાળથી પકાવવું તથા શાકભાજી, ઋતુ મુજબનાં ફળો, સલાડનો ઉપયોગ- જેવી અનેક વાતો શીખવવી તથા વ્યવહારમાં લાવવી જોઈએ. ચુસ્ત ભારે કપડાં, સૌંદર્ય પ્રસાધનો અને આભૂષણો જેવી સજાવટની વસ્તુઓ આરોગ્યની દૃષ્ટિએ કેટલી હાનિકારક છે તેનો પાઠ આપણે નવેસરથી શીખવો પડશે.

૨. અત્યંત સરળ, સુરક્ષિત તેમજ ઉપયોગી વનૌષધિઓનું ચૂર્ણ વિભિન્ન રોગોથી છુટકારો મેળવવા માટે ખૂબ જ લાભદાયક સિદ્ધ થાય છે. તેનો વ્યાપક પ્રચાર કરવામાં આવે. જડીબુટ્ટીઓ દ્વારા સ્વાસ્થ્ય સંરક્ષણ પુસ્તકનો સ્વાધ્યાય કરી ઘણા લોકોને લાભ આપી શકાય છે. શાંતિકુંજ, હરિદ્વારથી વનૌષધિઓનાં ચૂર્ણો પ્રાપ્ત કરી શકાય છે.

૩. સ્વાસ્થ્ય સંરક્ષણ પુસ્તકમાળા- યુગ નિર્માણ યોજના, મથુરા દ્વારા આરોગ્યના રક્ષણ માટે દરેક સમસ્યા પર ઉપયોગી એવું સાહિત્ય પ્રકાશિત કરવામાં આવ્યું છે. તેને મંગાવી ઝોલા પુસ્તકાલય દ્વારા અથવા જ્ઞાનમંદિરની સ્થાપના કરી દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો પ્રયાસ અવશ્ય કરવો જોઈએ.

૪. માનસિક સ્વાસ્થ્ય – જીવનનું કેન્દ્રબિંદુ મન છે. એને સ્વચ્છ બનાવી રાખવા માટે નિયમિત રૂપે સ્વાધ્યાય તથા સત્સંગ કરવા જોઈએ. જેવી રીતે દરરોજ શરીરની સફાઈ કરવી અનિવાર્ય માનવામાં આવે છે તેવી જ રીતે r માનસિક રૂપથી સ્વસ્થ બની રહેવા માટે સદ્વિચારોની મદદથી મનની સફાઈ કરતા રહેવું પડે છે. ઈષિ, દ્વેષ, ધૃણા, કામ, ક્રોધ, લોભ, મોહ જેવા મનોવિકારોને નિયંત્રિત કરવા માટે સત્સાહિત્યનો સ્વાધ્યાય એ રામબાણ દવા છે. મનોવિકારોથી જ હૃદયરોગ, મધુપ્રમેહ, માનસિક અવસાદ, તણાવ, ગાંડપણ, હિસ્ટીરિયા, લોહીનું દબાણ તથા લકવો વગેરે ઘાતક રોગો જન્મ લે છે. તેથી રોગ પહેલાં મનમાં થાય છે અને પછી તનમાં એ સિદ્ધાંત સુનિશ્ચિત સત્ય છે. એનાથી બચવા માટે પહેલાં મનની સારવાર થવી જોઈએ.

૫. આત્મિક સ્વાસ્થ્ય – ઉપાસનાના માધ્યમથી આપણે આપણું આત્મિક સ્વાસ્થ્ય જાળવી શકીએ છીએ. આત્મા એ પરમાત્માનો અંશ હોવાથી નિર્મળ અને પવિત્ર હોય છે. પરંતુ વાતાવરણમાંથી તેના પર મનોવિકારોનો મેલ ચઢી જાય છે. ઉપાસના દ્વારા તેની નિયમિત સફાઈ થતી રહેવી જોઈએ.

આસ્તિકતા સંવર્ધન આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૦

આસ્તિકતા સંવર્ધન આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૦

ઈશ્વરની સત્તામાં વિશ્વાસ કરવો તે જ આસ્તિકતા નથી. આજની પરિસ્થિતિઓમાં આસ્તિકતા તથા ઇશ્વરની નવી વ્યાખ્યા કરવાનું અનિવાર્ય બની ગયું છે. વાસ્તવમાં ઈશ્વરીય અનુશાસનને પોતાના ચિંતન, ચરિત્ર અને વ્યવહારમાં ઠાંસી ઠાંસીને સમાવિષ્ટ કરવાનું નામ આસ્તિકતા છે. જે આસ્તિક છે એ ભલે મંદિરોમાં, પૂજાગૃહોમાં ન જતો હોય, પરંતુ પરમાત્મ સત્તાના અનુશાસનને જે જીવનમાં ઉતારતો હોય, સાચા ઢંગથી જીવન જીવતો હોય તથા સૃષ્ટિને એક ઈશ્વરીય ઉદ્યાન માની તેને સીંચતો હોય તો એ સાચા અર્થમાં આસ્તિક છે. નાસ્તિક તો એ છે જે કેટલાય બાહ્યાડંબર રચતો હોય, ધાર્મિક દેખાતો હોય પરંતુ જીવનના કોઈપણ ખૂણામાં આદર્શવાદ, સચ્ચરિત્રતા અને ઉત્કૃષ્ટતાનો એકપણ અંશ દેખાતો ન હોય. ઘેર ઘેર આસ્તિકતાનું વાતાવરણ બનાવવા માટે આંદોલન રૂપે વિભિન્ન કાર્યક્રમો ઝડપથી ચલાવવામાં આવી રહ્યા છે.

૧. ઘરઘરમાં દેવસ્થાપના :- (પંચદેવ ચિત્ર સ્થાપના) ઘરઘરમાં દેવસ્થાપના કરાવીને ગાયત્રી સાધના શરૂ કરાવવાનો પ્રયાસ.

૨. મંત્રજપ કે લેખન :- વિશ્વ કલ્યાણ માટે ગાયત્રી મંત્ર જપ અથવા ભગવાનના નામનો જપ કે પોતાના સમુદાય, ધર્મના મંત્રનો જપ કરવાની પ્રેરણા આપવી. મંત્રલેખન સાધનાની સર્વસુલભ વિધિ બતાવીને પ્રોત્સાહિતકરવું.

૩. બલિવૈશ્વદેવ મંદિરની સ્થાપના  :- ભોજન લેતાં પહેલાં ભોજનની પાંચ આહુતિઓ અગ્નિદેવને આપવાની ક્રિયાનો વ્યાપક પ્રચાર તથા પ્રસાર.

૪. જ્ઞાન મંદિરની સ્થાપના :- પરિવારમાં દેવમંદિરની સાથે જ્ઞાનમંદિર (પુસ્તકાલય)નું હોવું જરૂરી બતાવીને સ્વાધ્યાય પ્રત્યે નિષ્ઠા જગાડવી.

૫. શ્રીરામ ઝોલા પુસ્તકાલય :- ઘરઘરમાં પૂજ્ય ગુરુદેવના વિચારો પહોંચાડવા માટે શ્રીરામ ઝોલા પુસ્તકાલય દ્વારા જ્ઞાનનું અમૃત વહેંચવા માટે લોકસેવી કાર્યકર્તાઓને પ્રોત્સાહન.

૬. જ્ઞાનરથ :- ચાર પૈડાંનો પીળા રંગનો સુંદર મંદિર જેવી આકૃતિવાળો જ્ઞાનરથ બનાવીને લોકોને વેચાણ દ્વારા સાહિત્ય ઉપલબ્ધ કરાવવું.

૭. સંસ્કાર પરંપરા :- સંસ્કાર પરંપરાને પુનર્જીવિત કરી પરિવારોમાં સંસ્કારોનું પ્રચલન ચલાવતા રહેવા માટે પરિવ્રાજકોની સક્રિયતા.

૮. યજ્ઞ તથા ધાર્મિક આયોજન :- યજ્ઞ એક સામૂહિક ધર્માનુષ્ઠાન છે. એના માધ્યમથી લોક જાગરણ કરી આસ્તિકતાના વાસ્તવિક અર્થનો બોધ કરાવવો તથા પર્વ આયોજનોના પ્રસંગે આદર્શની દિશામાં લોકોનો ઉત્સાહ નિયોજિત કરવો.

૯. તુલસીનું રોપણ :- દરેક ઘરમાં તુલસીનો છોડ રોપવો તથા – આસ્તિકતા અને સ્વચ્છતાનું વાતાવરણ બનાવવા માટે પ્રેરિત કરવું. તુલસીની રોગનિવારક શક્તિ તથા ઉપયોગિતા સમજાવવી.

૧૦. ભોજન, જળ અને સ્નાન :- દરેક વ્યક્તિને ભોજન કરતાં પહેલાં ત્રણ વાર ગાયત્રી મંત્ર બોલીને ભોજન ગ્રહણ કરવા માટે પ્રેરિત કરવી. જળને ગંગાજળની ભાવના સાથે ગ્રહણ કરવું તથા સ્નાન કરતી વખતે ગંગાજળમાં સ્નાન કરવાની ભાવના સાથે સ્નાન કરવાની અને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરો પવિત્ર થવાની ભાવનાનો સંચાર કરવો.

માતૃસત્તાનો ગુરુસત્તામાં મહાવિલય, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૯

માતૃસત્તાનો ગુરુસત્તામાં મહાવિલય, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૯

મારું સ્વાસ્થ્ય ધીરે ધીરે સુધરવા લાગ્યું તો મને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. હું મથુરા આવી પથારીમાં પડ્યો રહેતો હતો. મૃત્યુંજય શર્મા મને રોજ જોવા આવતા હતા. એક દિવસ રાત્રે હું મારા ખંડમાં બેઠો હતો. અચાનક મને લાગ્યું કે ખંડની બારી સામે માતાજી ઊભાં છે. તેઓએ મને કહ્યું, બેટા ! હું શરીર છોડી રહી છું. જેવો મને આવો આભાસ થયો કે તરત જ માતાજીનો અવાજ સાંભળી મેં બહાર આવીને જોયું તો ત્યાં કોઈ નહોતું. હવે મને બહુ બેચેની થવા લાગી. મેં તરત જ ચૈતન્યજીને કહ્યું, તમે શાંતિકુંજ ફોન કરીને પૂછો કે માતાજીની તબિયત કેમ છે ? એમણે શાંતિકુંજ ફોન કર્યો તો બ્રિજમોહન ગૌડજી સાથે વાત થઈ. એમણે માતાજીની ખરાબ તબિયત વિશેની સૂચના આપી અને દહેરાદૂનમાં દાખલ કરાવ્યાની વાત કહી. પછી એક દિવસ મૃત્યુંજય શર્મા મારી પાસે આવ્યા અને કહ્યું કે તમારે ટાંકા તોડાવવા માટે આગ્રા જવાનું છે. મેં માતાજીની તબિયત વિશે પૂછ્યું તો એમણે કહ્યું, ઠીક છે અને માતાજી હવે શાંતિકુંજમાં જ છે. હું આગ્રા ગયો અને મારા ટાંકા તોડી લીધા. હવે મારા મનમાં માતાજીના સ્વાસ્થ્ય વિશે ચિંતા થવા લાગી. એક દિવસ રાત્રે માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું, બેટા ! હવે હું શરીર છોડી રહી છું. હું ખૂબ જ બેચેન થયો. સવારે મૃત્યુંજય શર્મા શાંતિકુંજથી પાછા તપોભૂમિ ન આવતાં સીધા જનજાગરણ પ્રેસ જતા રહ્યા. આ વાતની ખબર થતાં જ મેં ગાડી કઢાવી અને પ્રેસ પહોંચી ગયો. મૃત્યુંજયને માતાજીની તબિયત વિશે પૂછ્યું. એમણે કહ્યું, માતાજીને પેટમાં તકલીફ છે. મેં એમને કહ્યું, મને માતાજી કહી ગયાં છે કે હું શરીર છોડી રહી છું અને તમે મને જૂદું કહી રહ્યા છો કે માતાજી હરિદ્વારમાં છે. મેં એમને કહ્યું કે હું હરિદ્વાર જઈ રહ્યો છું તો એમણે મનાઈ કરી દીધી. એમણે કહ્યું, માતાજીની તબિયત વધુ બગડી જવાથી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. મેં કહ્યું, દિલ્હી ક્યારે આવ્યાં ? ત્યારે એમણે જણાવ્યું કે જે દિવસે આગ્રાથી તમને રજા આપવામાં આવી તે જ દિવસે ચાર વાગે માતાજી એ જ હોસ્પિટલમાં આગ્રા આવી ગયાં હતાં. જે બેડ પર તમે હતા એ જ બેડ પર તેઓ સૂઈ ગયાં હતાં. મૃત્યુંજયે કહ્યું, તમને એક દિવસ દિલ્હી લઈ જઈશું, તમે ત્યાં જ માતાજીને જોઈ લેજો. મેં ડૉક્ટર રાજુને પૂછ્યું કે માતાજી ક્યારે આવ્યાં હતાં ? એમણે કહ્યું, જે દિવસે બાર વાગે તમને રજા મળી એ જ દિવસે સાંજે ચાર વાગે માતાજી આવી ગયાં હતાં. મેં પૂછ્યું કે માતાજીને કેવી રીતે ખબર પડી કે સાંજે બેડ ખાલી થઈ જશે ? તો ડૉ. પારીકે બતાવ્યું કે પ્રણવજી આવ્યા હતા ત્યારે મારી સાથે બધી વાતો કરી લીધી હતી. મેં પૂછ્યું કે જ્યારે હું ટાંકા તોડાવવા માટે આવ્યો ત્યારે મને કેમ કહ્યું નહીં ? તો એમણે કહ્યું કે માતાજીએ એ જણાવવાની મનાઈ કરી દીધી હતી.

પ્રેસમાં મૃત્યુંજય સાથે દિલ્હી જવાની વાત તો થઈ જ ગઈ હતી. બીજા જ દિવસે હું માતાજીને જોવા માટે દિલ્હી ગયો. હોસ્પિટલ વિશાળ હતી. મને ગેટ પર ઊભેલા ચોકીદારે પાસ વગર અંદર જવાની મનાઈ કરી દીધી. ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડી. ઘણા વખત સુધી વિનંતી કર્યા બાદ એણે મારી ઉંમર જોતાં અંદર જવા દીધો. હું માતાજીને જોઈ રડવા લાગ્યો. માતાજીને મેં કહ્યું કે તમે મને આભાસ કરાવ્યો છે કે હું શરીર છોડી રહી છું. માતાજીએ કહ્યું, નહીં, બેટા ! તને ભ્રમ થઈ ગયો છે. એવી કોઈ વાત નથી. મેં કહ્યું, તો માતાજી ! તમે ડૉ. પારીકને તમારી બીમારી વિશે મને કશું ન બતાવવા માટે કેમ કહ્યું ? બેટા ! તારું સ્વાસ્થ્ય જોઈને જ અમે આવું કહ્યું હતું. ત્રીજા દિવસે હું ફરી એમને જેવા ગયો. માતાજી બોલ્યાં, બેટા ! પરેશાન કેમ થાય છે ? હું સ્વસ્થ છું. એમના પેટનું ઓપરેશન થઈ ગયું હતું. મને કહી રહ્યાં હતાં કે દેશનાં બધાં બાળકોને મળવાનું મને મન થાય છે. જો કે માતાજીએ મારી બંને પૌત્રીઓનાં લગ્ન પહેલેથી જ નક્કી કરી રાખ્યાં હતાં. એમાં જે મોટી હતી તેના પિલાનીના શ્રી સુભાષ કૌશિકના પુત્ર સાથે અને નાની હતી તેનાં ભોપાલના શ્રી બલરામ રાવના પુત્ર સાથે સંબંધ નક્કી કરી રાખ્યા હતા. તેઓ બોલ્યાં, બેટા ! આ બંને છોકરીઓનાં લગ્ન મારી નજર સામે થઈ ગયાં હોત તો મારી આ જવાબદારી પણ પૂરી થઈ જાત. માતાજીએ કહ્યું કે મને શાંતિકુંજ લઈ જાવ, મારાં બધાં બાળકોને મળવાનું મને મન થઈ રહ્યું છે. આ વાત એમણે કેટલીય વાર કરી હતી. આ બધી વાતો સાંભળી મને ફરી સ્વપ્નની વાત યાદ આવી. માતાજીએ કહ્યું હતું કે હું શરીર છોડી રહી છું.

મેં માતાજીને કહ્યું, માતાજી ! હવે હું મથુરા જઈશ નહીં. તમારી પાસે જ રહીશ. માતાજી બોલ્યાં, બેટા !રોકાઈ જા. પરંતુ પાછળથી ત્યાં હાજર રહેલાં શૈલબાલા, ડૉ. પ્રણવ, મૃત્યુંજય તથા તેમનાં ધર્મપત્ની નિર્મલને માતાજીએ કહ્યું, લીલાપતને આજે કોઈપણ હાલતમાં મથુરા મોકલી દો. અહીં રોકાવા દેશો નહીં, મારું કષ્ટ એ જોઈ નહિ શકે. એ જ્યારે પણ મારી પાસે આવે છે ત્યારે એની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. બધાં મને કહેવા લાગ્યાં કે પંડિતજી ! મથુરા ચાલ્યા જાવ, તમારી તબિયત સારી નથી. અમે વિશ્વાસ આપીએ છીએ કે કાલે માતાજીને હરિદ્વાર લઈ જઈશું. પછી હું મથુરા આવી ગયો. માતાજી શાંતિકુંજ જતાં રહ્યાં. એક દિવસ ફોન આવ્યો કે પંડિતજી ! તમારે આજે જ હરિદ્વાર આવવાનું છે. હું તરત જ હરિદ્વાર જવા નીકળ્યો. ત્યાં ગયા પછી મને ખબર પડી કે માતાજીનું મહાપ્રયાણ થઈ ગયું. માતાજીનું પાર્થિવ શરીર જ્યારે મે જોયું તો મારું હૃદય ખૂબ જ દુ:ખથી ભરાઈ આવ્યું. એવું લાગતું હતું કે મારું હાર્ટફેલ થઈ જશે. તરત જ અદશ્ય શક્તિએ મને ઢંઢોળ્યો. માતાજીનો અવાજ સંભળાયો કે બેટા ! તું હિંમતથી કામ લે, અમે અમારી બાકીની ઉંમર તને આપી દીધી છે, આગ્રામાં જ્યારે તારું ઓપરેશન થયું હતું તો હું પણ એ જ પથારી પર સૂઈ ગઈ હતી જેના પર હું સૂતો હતો. તારી બધી બીમારીઓ મે મારા ઉપર લઈ લીધી હતી. હજી તારે મિશનનું ઘણું કામ કરવાનું છે. આ જવાબદારી તારા ઉપર છે. મૃત્યુંજયે કહ્યું કે પંડિતજી ! તમે સૌથી મોટા છો અને તમે જ હિંમત હારી જશો તો આ મિશનનું શું થશે ? પછી માતાજીના દાહ-સંસ્કાર બાદ હું મથુરા આવી ગયો. મારું ચોક્ક્સ માનવું છે કે માતાજીએ જ મારી ઉંમર વધારી છે. આ જીવન એમણે જ આપેલું છે. આથી શેય જીવનનો સમય હું એમનાં જ કાર્યમાં લગાડી દેવા માંગું છું. હવે મને લાગે છે કે ગુરુદેવ અને વંદનીય માતાજી સદાય મારી સાથે જ છે.

પરમ પૂજ્ય ગુરુદેવે સત્પ્રવૃત્તિઓને વધારવા અને દુષ્પ્રવૃત્તિઓને મિટાવવા માટે સપ્તસૂત્રીય કાર્યક્રમોની ઘોષણા કરી હતી. એ જ આજે યુગનિર્માણ યોજના અને વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત ચાલી રહ્યા છે, પરંતુ મૂળ રૂપથી રચનાત્મક અને સંઘર્ષાત્મક કાર્યક્રમોની અંદર સપ્તસૂત્રીય કાર્યક્રમ કે જેની ઘોષણા સન ૧૯૭૧ માં કરવામાં આવી હતી, એ જ કાર્યક્રમોને ફરીથી ગતિ આપવા માટે પૂજ્ય ગુરુદેવની ઉપાસના કાળમાં પ્રેરણા મળી. ગાયત્રી જયંતી ૧૯૯૭ના દિવસે પ્રખર પ્રજ્ઞા અને સજલ શ્રદ્ધા (પરમપૂજ્ય ગુરુદેવ તથા વંદનીય માતાજીના સ્મારક)ની પ્રાણપ્રતિષ્ઠા વખતે દેશભરના દસ હજાર પ્રાણવાન યુગસૈનિકોએ આ કાર્યક્રમોને ગતિ આપવા માટે શપથપત્રો ભરીને સમર્પિત કર્યાં. અમે યુગનિર્માણ યોજના, જૂન માસનો વિશેષાંક ક્રાંતિ વિશેષાંક રૂપે પ્રકાશિત કર્યો. જેની લાખો નકલોનું વિતરણ કરવામાં આવ્યું. હવે યુગ સૈનિકો ચારે તરફ સર્જનની દિશામાં ઉલ્લાસપૂર્વક જોડાઈ ગયા છે. આ ક્રાંતિના ચમત્કારો વિચાર ક્રાંતિના વિસ્તૃત રૂપમાં આવનાર દિવસોમાં પ્રત્યક્ષ દેખાવા લાગશે કે પૂજ્ય ગુરુદેવની સૂક્ષ્મ ચેતના યુગ સૈનિકોના માધ્યમથી કેવી રીતે યુગ પરિવર્તનની વિશાળ યોજના અંતર્ગત કામ કરાવી રહી છે તથા ઉજ્વળ ભવિષ્ય માટેનું અનુકૂળ વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે.

એ સાત ક્રાંતિઓ વિશેની રૂપરેખા પરિજનો માટે સંક્ષિપ્તમાં પ્રસ્તુત કરવામાં આવી રહી છે. દરેક પાઠક એને ધ્યાનપૂર્વક વાંચે અને પોતાના તરફથી આ દિશામાં શક્ય તેટલો સહયોગ આપવા માટે પ્રગતિશીલ રહે.

માતાજીએ મારી ઉંમર વધારી, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૮

માતાજીએ મારી ઉંમર વધારી, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૮

ધીમે ધીમે મારું સ્વાસ્થ્ય ઢળવા લાગ્યું. પથારીમાં પડ્યો રહેતો હતો. ડૉક્ટરો કહેતા કે હવે ચાર છ મહિનાના મહેમાન છો. હવે વિચાર્યું કે માતાજીનાં દર્શન માટે હરિદ્વાર જવું જોઈએ અને હું કારમાં સૂતો સૂતો હરિદ્વાર ગયો. મારા શાંતિકુંજ પહોંચવાની સૂચના માતાજીને મળી ગઈ હતી. હું બહુ મુશ્કેલીથી સીડીઓ ચઢીને માતાજીનાં દર્શન કરવા ગયો. માતાજીનાં ચરણસ્પર્શ કર્યાં. હું એમનાં ચરણો પાસે બેસી ગયો. મને માતાજીએ કહ્યું, બેટા ! તમારા માટે બે રોટલી બનાવીને રાખી છે, ભોજન કરી લો. હવે અમારું સ્વાસ્થ્ય પણ ઠીક રહેતું નથી.” હું રડી પડ્યો અને કહ્યું, આપણું બંનેનું સ્વાસ્થ્ય સાથ આપી રહ્યું નથી. માતાજી બોલ્યાં, બેટા ! તું મથુરા ચાલ્યો જા અને તને હર્નિયાની જે તકલીફ છે તેનું ઓપરેશન કરાવી લે. મેં કહ્યું, માતાજી ! મારા ઓપરેશન માટે કોઈ ડૉક્ટર તૈયાર નથી કેમ કે મને બે વાર હાર્ટએટેક આવી ગયો છે. માતાજી બોલ્યાં, બેટા ! તું ચિંતા ન કર. તારુંઓપરેશન સફળ થશે. માતાજીના કહેવાથી હું ગાયત્રી તપોભૂમિ પાછો આવી ગયો.

એક દિવસ આગ્રાનિવાસી ડૉક્ટર આર. એસ. પારીકના પુત્ર ડૉ. રાજુ મને જોવા આવ્યા. પહેલાં જ્યારે જોવા આવ્યા હતા ત્યારે ઓપરેશન કરવાની તેમણે ના પાડી હતી. આ વખતે એમણે કહ્યું કે હું થોડા દિવસ માટે બહાર જઈ રહ્યો છું. પાછો આવું ત્યારે મારી સાથે આગ્રા આવશે. જ્યારે તેઓ પાછા આવ્યા તો મૃત્યુંજયને સાથે લઈને હું ડૉ. પારીક પાસે આગ્રા ગયો. ત્યાં મારા શરીરને બધી રીતે ચકાસી લીધા પછી ઓપરેશન કરવા માટેનો સમય નક્કી કરવામાં આવ્યો. મારું સફળતાપૂર્વક ઓપરેશન થયું. ઓપરેશનના બીજા જ દિવસે અચાનક મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી તો મૃત્યુંજય શર્મા ગભરાઈ ગયા. તેઓએ ડૉક્ટરો બોલાવ્યા. કેટલાય ડૉક્ટરો આવ્યા. ઘણા વખત પછી મને ભાન આવ્યું.સવાર થતાં જ ડૉ. પ્રણવ પંડ્યા અને રામસહાય શુક્લાજી હરિદ્વારથી મારી પાસે આવ્યા. એમને જોઈ મેં તથા મૃત્યુંજય શર્માએ પણ પૂછ્યું કે તમે વહેલી સવારે કેવી રીતે આવ્યા ? તેમણે કહ્યું, માતાજીએ રાત્રે જ અમને બોલાવીને કહ્યું કે તમારે અત્યારે જ આગ્રા જવાનું છે. લીલાપતની તબિયત ખરાબ છે. તેથી અમે અહીં આવ્યા. મૃત્યુંજય શર્માએ એમને બધી વાત કરી. મને જોઈને તેઓ પાછા હરિદ્વાર જતા રહ્યા. માતાજીને બધી વિગત કહી સંભળાવી. એના ત્રણ દિવસ પછી ડૉક્ટર પ્રણવજી મને જોવા આગ્રા આવ્યા અને ડૉક્ટર રાજુ સાથે વાતો કરતા રહ્યા. તેઓ પૂછી રહ્યા હતા કે પંડિતજીને હોસ્પિટલમાંથી ક્યારે રજા મળશે અને મારા સ્વાસ્થ્ય વિશે પણ બધી વાતો પૂછી લીધી.

અશ્વમેધ યજ્ઞ શૃંખલા, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૭

અશ્વમેધ યજ્ઞ શૃંખલા, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૭

હરિદ્વારથી અશ્વમેધ યજ્ઞોની શૃંખલા શરૂ થઈ. પહેલો અશ્વમેધ જયપુરમાં થવાનો હતો. હું સવારે મંદિરમાં પૂજ્ય ગુરુદેવની ચરણપાદુકાઓને પ્રણામ કરી રહ્યો હતો. મેં ગુરુદેવને મનમાં પૂછ્યું કે ગુરુદેવ ! આ અશ્વમેધ યજ્ઞોમાં તપોભૂમિની ભૂમિકા શું હશે ? મને પ્રેરણા મળી કે બેટા ! તું બ્રહ્મભોજ કર. (બ્રહ્મભોજ વિશે અહીં વિસ્તારથી કહેવાની જરૂર નથી કેમ કે આ યોજના ફોલ્ડરોના માધ્યમથી બધા પરિજન જાણી ચૂક્યાં છે.) અડધી કિંમતે સાહિત્ય પ્રાપ્ત કરાવીને દરેક માણસ સુધી અમારા વિચારો પહોંચાડો. મેં વિચાર્યું કે અનુદાન ક્યાંથી આવશે અને વ્યવસ્થા કેવી રીતે થશે ? હું વિચારી રહ્યો હતો કે શાંતિકુંજથી ગાડી લઈને મારા જૂના મિત્ર રામેશ્વરભાઈ નૈનીવાલ આવ્યા. એમણે વિશ્વાસ આપ્યો કે દસ દિવસમાં જ એક લાખ રૂપિયા એકઠા કરી તમારી પાસે બ્રહ્મભોજ માટે જમા કરાવી દઈશું. એમણે એ સમયમાં દસ લોકો પાસેથી દસ દસ હજાર રૂપિયા અનુદાન લાવી પત્રિકા છપાવી દીધી. મેં સાહિત્યના પહેલા પાના પર અનુદાન આપનારનું નામ છાપી ચોંટાડી દીધું. આ રીતે અડધી કિંમતનું ચાર લાખ રૂપિયાનું સાહિત્ય જયપુર અશ્વમેધમાં બ્રહ્મભોજના રૂપમાં મોકલી આપ્યું. હું જયપુર, ગુના, ભિલાઈ અને લખનૌ આ ચાર જગ્યાએ અશ્વમેધ યજ્ઞોમાં ગયો. લખનૌમાં જ મેં માતાજીને કહ્યું કે હવે હું કોઈ અશ્વમેધમાં જઈશ નહીં. માતાજીએ કહ્યું, બેટા ! તારી જેવી મરજી હોય તેમ કર. પછી હું ૧૦૮ પુસ્તકોના સંકલન અને સંપાદન કાર્યમાં લાગી ગયો.

%d bloggers like this: