મારા દેશ્ય જીવનની અદેશ્ય અનુભૂતિઓ, સૂનકારના સાથીઓ

મારા દેશ્ય જીવનની અદેશ્ય અનુભૂતિઓ, સૂનકારના સાથીઓ

મારી અધ્યાત્મસાધનાનાં બે લક્ષ્યાંક ૨૪ વર્ષમાં પૂરાં થયાં. પરસ્ત્રી માતા સમાન અને પરદ્રવ્ય માટી સમાનના આદર્શોની ચકાસણી યુવાવસ્થામાં જ થાય. કામ અને લોભની પ્રબળતા પાંચ વર્ષથી માંડીને ચાલીસ વર્ષ સુધીમાં તો ઢળી ગઈ. કામના, વાસના, તૃષ્ણા, મહત્ત્વાકાંક્ષા આ ઉંમરમાં જ આકાશપાતાળ એક કરે છે. આ અવધિ સ્વાધ્યાય, મનન તથા ચિંતન સાથે આત્મસંયમ અને જપધ્યાનની સાધનામાં લાગી ગઈ. આ ઉંમરે મનોવિકારો પુષ્કળ રહે છે. તેથી સામાન્ય રીતે પરમાર્થનાં કાર્યો માટે પરિપક્વ ઉંમરની વ્યક્તિઓને જ નીમવામાં આવે છે.

પરિપક્વ ઉંમરના લોકો અર્થવ્યવસ્થાથી માંડીને સૈન્ય સંચાલન સુધીનાં અનેક મહત્ત્વપૂર્ણ કાર્યોની જવાબદારી પોતાના માથે લે છે અને તેમણે આવી જવાબદારીઓ લેવી પણ જોઈએ. મહત્ત્વાકાંક્ષાની પૂર્તિ માટે આ ક્ષેત્રોમાં ઘણો અવસર મળે છે. સેવાકાર્યોમાં નવયુવકો ઘણું યોગદાન આપી શકે છે, પરંતુ લોકમંગળનાં કાર્યો માટે નેતૃત્વ કરવાની તેમની ઉંમર નથી. શંકરાચાર્ય, દયાનંદ, વિવેકાનંદ, રામદાસ, મીરા, નિવેદિતા જેવા થોડાક જ અપવાદ એવા છે, જેમણે યુવાન વયે જ લોકમાંગલ્યનાં કાર્યોનું નેતૃત્વ સફળતાપૂર્વક કર્યું હતું. સામાન્ય રીતે અપરિપક્વ ઉંમર અવ્યવસ્થા ઊભી કરે છે. યશ, પદની ઇચ્છા, ધનનો લોભ તથા વાસનાત્મક આકર્ષણો સાથે જેઓ સાર્વજનિક ક્ષેત્રોમાં પ્રવેશ કરે છે તેઓ વિકૃતિઓ જ પેદા કરે છે. જાહેર સંસ્થાઓની અવનતિ માટે અપરિપક્વ ઉંમર કારણભૂત બની શકે છે. આમ તો દુર્ગુણોને ઉંમર સાથે કોઈ
સંબંધ નથી, છતાં પ્રકૃતિની પરંપરા કંઈક આવી જ ચાલી રહી છે, જેને કારણે યુવાવસ્થાને મહત્ત્વાકાંક્ષાનો સમય માનવામાં આવે છે. પરિપક્વ ઉંમરે સ્વાભાવિક રીતે જ માણસ કંઈક સૌમ્ય બને છે અને તેની ભૌતિક લાલસાઓ પણ સંયમિત બને છે. મૃત્યુ નજીક આવતું હોવાની યાદ આવતાં લોક, પરલોક તથા ધર્મકર્મ વધુ ગમે છે, એટલા માટે જ તત્ત્વવેત્તાઓએ વાનપ્રસ્થ અને સંન્યાસ માટે આયુષ્યનો પાછળનો ભાગ જ ઉપયોગી માન્યો છે.

જાણે શો ભેદ હશે કે મારા માર્ગદર્શકે મને કિશોરાવસ્થામાં જ તપશ્ચર્યાના કઠોર હેતુ માટે તૈયાર કરી દીધો અને જોતજોતામાં આ પ્રયત્નોમાં ૪૦ વર્ષની ઉંમર થઈ ગઈ. બનવા જોગ છે કે તે ઉંમરે વર્ચસ્વ જમાવવાનો કે નેતૃત્વના અહંકારમાં, મહત્ત્વાકાંક્ષાઓમાં, લોભલાલચમાં ઢસડાઈ જવાનો ડર સમજ્યા હોય ! બનવા જોગ છે કે આંતરિક પરિપક્વતા તથા આત્મિક બલિષ્ઠતા મેળવ્યા વિના કોઈ સિદ્ધિ ન મળવાની શંકા ગઈ હોય. બનવા જોગ છે કે મહાન કાર્યો માટે અત્યંત આવશ્યક સંકલ્પબળ, ધૈર્ય, સાહસ તથા સંતુલન ઓળખી શકાયું ન હોય. જે હોય તે, મારી ઊગતી ઉંમર જ આ સાધનાક્રમમાં વીતી ગઈ.

આ ગાળામાં બધું જ સામાન્ય રહ્યું. અસામાન્ય એક જ હતું ગાયના ઘીથી સળગતો અખંડ દીપક. પૂજાની ઓરડીમાં તે નિરંતર સળગતો રહ્યો. આનું વૈજ્ઞાનિક કે આધ્યાત્મિક રહસ્ય શું છે તે બરાબર સમજાવી શકાય તેમ નથી. ગુરુ એટલે ગુરુ, હુકમ એટલે હુકમ, શિસ્ત એટલે શિસ્ત અને સમર્પણ એટલે – સમર્પણ. એક વાર સમજી લીધું કે તેમની હોડીમાં બેસવાથી ડૂબવાની બીક નથી, તેથી આંખો બંધ કરીને બેસી જ ગયો. લશ્કરના જવાનોને જેમ શિસ્ત પ્રાણથી પણ અત્યંત વહાલું હોય છે તેમ આને મારી શિસ્તપ્રિયતા કહો કે અંધશ્રદ્ધા, પણ જીવનની દિશા નક્કી થઈ ગઈ. જે કાર્યપદ્ધતિ બતાવવામાં આવી તેને સર્વસ્વ માની પૂરી નિષ્ઠા અને તત્પરતાથી કરતો ગયો. સાધનાખંડમાં અખંડ દીપકની સ્થાપના પણ આવી જ પ્રક્રિયાઓમાં આવે છે. માર્ગદર્શક પર વિશ્વાસ મૂક્યો. મારી જાતને તેમને સોંપી દીધી, પછી ચિંતા શી ? શંકા-કુશંકા શા માટે ? જે સાધના કરવાનું મને બતાવવામાં આવ્યું તેમાં અખંડ દીપકનું મહત્ત્વ સમજાવ્યું, તેથી તેની સ્થાપના કરી લીધી અને પુરશ્ચરણોની સંપૂર્ણ અવધિ સુધી એને નિરંતર સળગતો રાખવામાં આવ્યો. પાછળથી તો તે પ્રાણથી પણ અધિક પ્રિય થઈ ગયો. ચોવીસ વર્ષ પછી તેને હોલવી શકતો હતો, પણ તે કલ્પના એવી લાગી કે જાણે મારો જ પ્રાણ બુઝાઈ જશે. એટલે તે દીપકને આજીવન ચાલુ રાખવામાં આવશે. હું અજ્ઞાતવાસમાં ગયો હતો. હવે ફરી જઈ રહ્યો છું, તેથી તેને મારી ધર્મપત્ની સળગતો રાખશે. જો એકલો હોત, પત્ની ન હોત તો કોઈ સાધના થઈ શકી જ ન હોત. અખંડ દીપક સળગાવી રાખવો મુશ્કેલ હતો. સાંસારિક પરિજનો, આડંબરી શિષ્યો અથવા આત્મવિકાસ વગરના લોકો આવા દિવ્ય અગ્નિને પ્રદીપ્ત રાખી શકે નહિ. અખંડ દીપક સ્થાપિત કરનારાઓમાં કેટલાયના દીપક સળગતા-બુઝાતા રહે છે, નામમાત્રના જ અખંડ છે. મારી જ્યોતિ અખંડ રહી તેનું કારણ બાહ્ય સતર્કતા નહિ, પણ અંતરની નિષ્ઠા જ સમજવી જોઈએ. તેને જીવંત રાખવામાં મારી ધર્મપત્નીએ પણ અસાધારણ ફાળો આપ્યો.

બનવા જોગ છે કે અખંડ દીપક યજ્ઞનું સ્વરૂપ હોય. દીપક અગરબત્તીની, હવનસામગ્રીની, જપમંત્રોચ્ચારની અને ઘી હોમવાની જરૂરિયાત પૂરી કરતો હોય અને તે પ્રમાણે અખંડ હવનની કોઈ સ્વયંસંચાલિત પ્રક્રિયા બની જતી હોય. બનવા જોગ છે કે પાણી ભરેલો કળશ અને તેની સ્થાપનામાં અગ્નિજળનો સંયોગ રેલવે એંજિનના જેવી વરાળશક્તિનો સૂક્ષ્મ હેતુ પાર પાડતો હોય. બનવા જોગ છે કે અંતર્જ્યોતિ જગાવવામાં આ બાહ્યજ્યોતિથી કંઈક સહાયતા મળતી હોય. જે હોય તે. આ અખંડ જ્યોતિથી ભાવનાત્મક પ્રકાશ, અનુપમ આનંદ અને ઉલ્લાસ ભરપૂર મળતાં રહ્યાં. બહાર ચોકી ઉપર રાખેલો દીપક કેટલાક દિવસ તો બહાર ને બહાર સળગતો જોયો, પછી અનુભૂતિ બદલાઈ અને લાગ્યું કે મારા અંતઃકરણમાં આ પ્રકાશયોતિ સળગ્યા કરે છે અને જે રીતે પૂજાની ઓરડી પ્રકાશથી ભરાઈ જાય છે તેવી જ રીતે મારું અંતર આનાથી જયોતિર્મય થઈ રહ્યું છે. શરીર, મન અને આત્મામાં સ્થૂળ જયોતિર્મયતાનું જે ધ્યાન ધરું છું તે સંભવતઃ આ જ અખંડ દીપકની પ્રક્રિયા હશે. દીપક જાતે જ ઉપાસના ખંડમાં જેવો પ્રકાશ પાથરી ઝગમગાટ ફેલાવે છે તેવું જ ભાવનાક્ષેત્ર ઉપાસનાના પૂરા સમય સુધી પ્રકાશથી ઝગમગતું રહ્યું છે. મારું સર્વસ્વ પ્રકાશમય છે. અંધકારનાં આવરણ દૂર થઈ ગયાં. આંધળી મોહવાસનાઓ બળી ગઈ. પ્રકાશપૂર્ણ ભાવનાઓ તથા વિચારો શરીર અને મન પર જોરશોરથી આચ્છાદિત થઈ ગયાં. સર્વત્ર પ્રકાશનો સમુદ્ર હિલોળા લઈ રહ્યો છે અને હું તળાવની હું માછલીની જેમ તે જ્યોતિરૂપી સરોવરમાં ક્રીડાકિલ્લોલ કરતો ઘૂમી રહ્યો છું. અનુભૂતિઓએ આત્મબળ, દિવ્યદર્શન અને આ અંતઃઉલ્લાસને વિકાસમાન બનાવવામાં એટલી બધી સહાયતા કરી છે કે તેનું શાબ્દિક વર્ણન શક્ય નથી. બનવા જોગ છે કે આ કલ્પના પણ હોઈ શકે, પણ એમ ચોક્કસ વિચારું છું કે જો આ અખંડ જ્યોતિ ન સળગાવી હોત તો પૂજાના ઓરડાના ધૂંધળા અજવાળાની જેમ મારું અંતઃકરણ પણ ધૂંધળું જ રહ્યું હોત. હવે તો આ દીપક દીપાવલીના દીપપર્વની જેમ મારી નસનાડીઓને ઝગમગાવતો જોવા મળે છે. મારી ભાવવિભોર અનુભૂતિઓના પ્રવાહમાં જ જયારે તેત્રીસ વર્ષ પહેલાં પત્રિકા પ્રકાશિત કરી તો સંસારનું જે સર્વોત્તમ નામ પસંદ હતું તે ‘અખંડજ્યોતિ’ રાખી દીધું. બનવા જોગ છે કે તે ભાવાવેશમાં શરૂ થયેલ પત્રિકાથી નાનુંસરખું અભિયાન આ સંસારમાં મંગલમય પ્રગતિનાં, પ્રકાશનાં કિરણો ફેલાવવામાં સમર્થ અને સફળ બની શક્યું હોય.

સાધનાના ત્રીજા ચરણમાં પ્રવેશ કરતાં આત્મવત્ સર્વભૂતેષુ બધામાં પોતાને નિહાળો – નાં કિરણો ફૂટી નીકળ્યાં. પરસ્ત્રી માતા સમાન અને પરધન માટી સમાનની સાધના મારા પોતાના જ શ૨ી૨ સુધી સીમિત હતી. બે આંખોમાં પાપ આવ્યું તો ત્રીજી વિવેકની આંખ ખોલી પાપને ડરાવીને ભગાડી મૂક્યું. શરીર પર કડક પ્રતિબંધ મૂકી દીધો અને આશંકાવાળી પરિસ્થિતિઓનું મૂળ જ કાપી નાખ્યું, જેથી દુષ્ટ વ્યવહાર શક્ય જ ન બને.

પરસ્ત્રી માતા સમાનની સાધના અડચણ વિના ફાવી ગઈ. તેણે મને ફક્ત શરૂઆતના દિવસોમાં જ હેરાન કર્યો. શરીરે સદા મને સાથ દીધો. મેં જયારે હાર સ્વીકારી લીધી, એટલે તે હતાશ થઈ હરકતોથી તંગ આવી ગયું. પાછળથી તો તે સાચો મિત્ર અને સહયોગી બની ગયું. સ્વેચ્છાથી ગરીબી સ્વીકારી લીધી. જરૂરિયાતો ઘટાડી તેને અંતિમ બિંદુ સુધી લઈ ગયો અને સંગ્રહની ભાવના છોડી દીધી, જેથી પ૨દ્રવ્યનું આકર્ષણ જ ઘટી ગયું. પેટ ભરવા અને શરીર ઢાંકવા પૂરતું જ્યારે મારા પ્રયત્નોથી જ મળી રહેતું હોય તો પરદ્રવ્ય હડપ કરવાની વાત કઈ રીતે વિચારી શકું ? જે બચ્યું, જે મળ્યું તે વહેંચતો જ રહ્યો. વહેંચવાનો, આપવાનો જેને ચસ્કો લાગી જાય છે, જે તેની અનુભૂતિનો આનંદ મેળવી શકે છે તે સંઘરાખોર હોઈ શકે નહિ. પછી શા માટે પરદ્રવ્યનું પાપ ભેગું કરું ? ગરીબીનું, સાદગીનું, અપરિગ્રહી બ્રાહ્મણનું જીવન મારી અંદર એક અસાધારણ આનંદ, સંતોષ અને ઉલ્લાસ ભરી બેઠું છે. આવી અનુભૂતિ જો લોકોને થઈ શકે તો ભાગ્યે જ કોઈનું મન પરદ્રવ્યનું પાપનું પોટલું પોતાને માથે લાદવા તૈયાર થાય. અપરિગ્રહી કહેવા પૂરતા જનહિ, પણ ભોગ આપવાની પ્રક્રિયા અંતઃકરણ પર કેવી અનોખી છાપ પાડે છે તે કોઈ ક્યાં જાણે છે ? પણ મને તો આ દિવ્ય વિભૂતિઓનો ભંડાર અનાયાસે જ હાથ લાગી ગયો.

આગળ ડગલું ભરતાં પહેલાં ત્રીજી મંજિલ આવે છે – સહુમાં પોતાને નિહાળો. બધાને પોતાના જેવા જુઓ. કહેવા સાંભળવામાં આ શબ્દ મામૂલી જેવો લાગે છે અને સામાન્ય રીતે નાગરિક તરીકેનાં કર્તવ્યપાલન, શિષ્ટાચાર તથા સવ્યવહાર અપનાવ્યા બાદ બધું પૂરું થયેલું લાગે છે, પણ હકીકતમાં આ તત્ત્વજ્ઞાનનું ક્ષેત્ર એટલું મહાન છે કે એનો પરિધ જ્યાં પહોંચે છે ત્યાં પરમસત્તા સાથે વિલીન થઈ જવાની સ્થિતિ આવી પહોંચે છે. આ સાધના માટે બીજાનાં અંતર સાથે આપણા અંતરને જોડવું પડે છે અને તેમનાં દુખોને આપણાં માનવાં પડે છે. વસુધૈવ કુટુંબકમની માન્યતાનું મૂર્ત સ્વરૂપ એ છે કે આપણે બધાંને આપણાં જ માનીએ, બીજાને આપણામાં અને આપણે બીજામાં પરોવાયેલા, ભળી ગયેલા અનુભવીએ. આ અનુભૂતિની પ્રક્રિયા એ છે કે બીજાના સુખમાં આપણું સુખ અને બીજાના દુખમાં આપણું દુખનો અનુભવ થવા માંડે છે. એવો મનુષ્ય પોતાના જ સ્વાર્થનું વિચારતો નથી. સ્વાર્થી રહેવું તેના માટે મુશ્કેલ બને છે. બીજાંનું દુખ દૂર કરવા અને સુખ વધારવાના પ્રયત્ન એને એવા લાગે છે, જાણે તે પોતાના સ્વાર્થ માટે જ ન કરતો હોય !

સંસારમાં અગણિત પુણ્યાત્મા અને સુખી છે. લોકો સન્માર્ગ પર ચાલતાં અને માનવજીવનને ધન્ય બનાવતાં પોતાનું તેમ જ બીજાઓનું કલ્યાણ કરે છે, એવું વિચારી તેમના જીવને ઘણો સંતોષ મળે છે. મને લાગે છે કે સાચે જ પ્રભુએ આ દુનિયા પવિત્ર ઉદ્દેશ્યો પૂરા કરવા જ બનાવી છે. અહીં પુણ્ય અને જ્ઞાન મોજૂદ છે, જેના આધારે કોઈ પણ વ્યક્તિ આનંદ, ઉલ્લાસ, શાંતિ અને સુખની દિવ્ય અનુભૂતિ કરી શકે છે. પુણ્યાત્મા, પરોપકારી અને સ્વાવલંબી વ્યક્તિઓનો અભાવ નથી. તેઓ ભલે ઓછી સંખ્યામાં હોય, પણ પોતાનો પ્રકાશ તો ફેલાવે જ છે અને તેમનું અસ્તિત્વ એ સાબિત કરે છે કે મનુષ્યમાં દેવત્વ મોજૂદ છે અને જો ઇચ્છે તો થોડાક પ્રયત્નોથી તેને સજીવ તેમ જ સક્રિય કરી શકે છે. ધરતી વીર સંતાનોથી ભરેલી છે. અહીં નરનારાયણનું અસ્તિત્વ છે. પરમાત્મા કેટલા મહાન, ઉદાર અને દિવ્ય હોઈ શકે છે તેનો પરિચય પરમાત્માની પ્રતિકૃતિ એવા આ આત્માઓમાં જોઈ શકાય છે, જેમણે શ્રેયનો રસ્તો અપનાવ્યો છે અને કાંટા ખૂંદતા ખૂંદતા લક્ષ્ય તરફ શાંતિ, શ્રદ્ધા અને હિંમતથી આગળ ધપતા ગયા. ભગવાન વારંવાર મનુષ્યાવતાર લઈ જન્મવા લલચાય તે માટે પણ આ મહામાનવોનું ધરતી પરનું અસ્તિત્વ અગત્યનું છે. આદર્શોની દુનિયામાં વિહરતા, ઉત્કૃષ્ટતા પર આધાર રાખનારા મહાનુભાવો બહારથી સામાન્ય લાગતા હોવા છતાં અંતરથી સમૃદ્ધ અને સુખી રહે છે એ જોઈ મારું મન પણ પ્રફુલ્લિત થઈ ઊઠ્યું. તેમની શાંતિ મારા અંતઃકરણને સ્પર્શી ગઈ. મહાભારતની તે કથા કોઈક વાર યાદ આવી જાય છે, જેમાં પુણ્યાત્મા યુધિષ્ઠિર થોડોક સમય નરકમાં ગયા તો ત્યાં રહેતાં બધાં પ્રાણીઓ આનંદવિભોર થઈ ઊઠ્યાં હતાં. એમ લાગે છે કે જેમના સ્મરણમાત્રથી આપણને સંતોષ અને પ્રકાશ મળે છે, તો તે પુણ્યાત્મા પોતે કેટલી દિવ્ય અનુભૂતિ કરતા હશે !

આ અરૂપ દુનિયામાં જે કંઈ સૌંદર્ય છે તે આ પુણ્યાત્માઓની જ ભેટ છે. અસીમ અસ્થિરતાથી નિરંતર પ્રેતપિશાચો જેવાં ડાકલાં વગાડતી, નાચતી, અણુપરમાણુની બનેલી આ દુનિયામાં જે સ્થિરતા અને શક્તિ છે તે આ પુણ્યાત્માઓ દ્વારા ઉત્પન્ન થયેલી છે. સર્વત્ર વિખરાયેલાં જડ પંચતત્ત્વોમાં જે સરસતા અને શોભા જણાય છે તેની પાછળ આ સત્યમાર્ગીઓનો પ્રયત્ન અને પુરુષાર્થ જ દેખાય છે. પ્રલોભનો અને આકર્ષણોની જંજાળનાં બંધનો કાપી જેમણે આ સૃષ્ટિને શોભામય અને સુગંધમય બનાવવાનો દૃઢ નિશ્ચય કર્યો છે તેમની શ્રદ્ધા જ ધરતીને ધન્ય બનાવી રહી છે. એવી ઇચ્છા થતી રહે છે કે જેમના પુણ્ય પ્રયાસ હરહંમેશ લોકમંગલનાં કાર્યો માટે કાર્યરત રહે છે તેવા નરનારાયણોનાં દર્શન તથા સ્મરણ કરી પુણ્યફળ મેળવ્યા કરું અને તેમની ચરણરજ માથે ચઢાવીને મારી જાતને ધન્ય બનાવું. જેમણે આત્માને પરમાત્મા બનાવી દીધો એવા પુરુષોત્તમમાં પ્રત્યક્ષ ભગવાનની ઝાંખી કરી. એવું લાગતું રહ્યું કે હજીય ભગવાન સાકાર રૂપમાં આ પૃથ્વી પર રહેતા તથા ફરતા જોવા મળે છે. મારી ચારે બાજુ એટલા બધા પુણ્ય પરમાર્થીઓ હયાત રહેવાથી મને ખૂબ સંતોષ થયો અને અહીં અનંતકાળ સુધી રહેવાનું મન થતું રહ્યું. આ પુણ્યાત્માઓનું સાંનિધ્ય મેળવવામાં સ્વર્ગ, મુક્તિ વગેરેથી વધુ આનંદ મેળવી શકાય છે. આ સચ્ચાઈના અનુભવોથી મુશ્કેલીઓ ભરેલા જીવનક્રમમાં વચ્ચે વચ્ચે વિશ્વાસના સૌંદર્યનું ભરણ થવાથી આનંદિત રહી શકાયું. આત્મવત્ સર્વભૂતેષુની આ સુખમય ઉપલબ્ધિ એકાકી ન રહી. નાટકનો બીજો અંક પણ સામે આવી ઊભો. સંસારમાં દુખ પણ ઓછું નથી. કષ્ટ અને કલેશ, શંકા, સંતાપ, અભાવ તથા ગરીબીથી અગણિત વ્યક્તિઓ નરકની યાતના ભોગવી રહી છે. પ્રશ્નો, ચિંતાઓ અને સમસ્યાઓ માણસને ખાઈ રહી છે. અન્યાય અને શોષણના વિષચક્રમાં અસંખ્ય લોકો ભીંસાઈ રહ્યા છે. દુર્બુદ્ધિએ સર્વત્ર નરકના જેવું વાતાવરણ બનાવી દીધું છે.

અપરાધો અને પાપોના દાવાનળમાં સળગતા, ટળવળતા, ચીસો પાડતા, ડૂસકાં ભરતા લોકોની યાતનાઓ એવી છે, જે જોનારાનેય હચમચાવી મૂકે છે, તો જેના પર એ વીતી રહ્યું હશે તેનું શું થતું હશે ? સુખ અને સુવિધાઓની સાધનસામગ્રી આ સંસારમાં ઓછી નથી, છતાં દુખદરિદ્રતા સિવાય કંઈ જોવા મળતું નથી. પહેલાંના સમયમાં એકબીજાને પ્રેમ તથા સદ્ભાવનો સહારો આપી વેદનાઓથી, વ્યથાથી તેમને છોડાવી શકતા હતા, પ્રગતિ અને સમૃદ્ધિની સંભાવના જગાવી શકતા હતા, પણ જ્યાં મનોભૂમિ જ વિકૃત થઈ ગઈ હોય, બધું ઊલટું વિચારાય, અયોગ્ય આચરણ થાય ત્યાં ઝેરનું બી વાવી અમૃતફળ પામવાની આશા ક્યાંથી સફળ થાય ?

સર્વત્ર ફેલાયેલાં દુખ, દારિદ્રય, શોક, સંતાપ બધી રીતે મનુષ્યોને કેટલાં હેરાન કરી રહ્યાં છે ? પતન અને પાપની ખીણમાં લોકો કેટલી ઝડપથી ગબડતા, મરતા જઈ રહ્યા છે ? આવું દયા ઉપજાવે તેવું દૃશ્ય જોયું તો અંતરાત્મા રડવા લાગ્યો. મનુષ્ય પોતાના ઈશ્વરીય અંશના અસ્તિત્વને કેમ ભૂલી ગયો ? તેણે પોતાના સ્વરૂપને અને સ્તરને આટલાં નીચાં કેમ પાડી દીધાં ? આ પ્રશ્ન નિરંતર મનમાં ઊઠ્યા કર્યો, પણ તેનો જવાબ ન મળ્યો. બુદ્ધિશાળી વ્યક્તિઓ, ચતુરતા, સમય કંઈ જ ઓછું નથી. લોકો એકએકથી ચડિયાતાં કલાકૌશલ ઉપજાવે છે અને એકએકથી ચઢિયાતા ચાતુર્યના ચમત્કારોનો પરચો આપે છે, છતાં પણ આટલું કેમ સમજી શકતા નથી કે તેઓ દુષ્ટતાના પલ્લામાં બેસી રહ્યા છે અને જે પામવાની ઇચ્છા રાખે છે તે મૃગજળ સમાન જ સાબિત થશે ? તેમને ફક્ત પતન અને સંતાપ જ મળશે. માનવીય બુદ્ધિમત્તામાં જો સમજદારીની કડી જોડાયેલી હોત, પ્રામાણિકતા અને સૌજન્યનો વિકાસ કર્યો હોત, તેને માનવતાનું ગૌરવ સમજ્યો હોત તેમ જ તેની જરૂરિયાત પ્રગતિ માટે છે એમ વિચાર્યું હોત તો સંસારની સ્થિતિ જુદી જ હોત. બધા જ સુખશાંતિનું જીવન જીવતા હોત. કોઈને કોઈ પર અવિશ્વાસ કે શંકા ન રહેત. કોઈ વ્યક્તિ બીજા દ્વારા ઠગાતી ન હોત. સતામણી ન થતી હોત, તો અહીં દુખદારિદ્રયનું નામનિશાન ન રહેત અને સર્વત્ર સુખશાંતિની સુવાસ ફેલાતી હોત.

સમજદાર માણસો આટલા નાસમજ કેમ છે, જે પાપનું ફળ દુખ અને પુણ્યનું ફળ સુખ છે એટલી સામાન્ય વાત પણ માનવા તૈયાર નથી થતા ! ઇતિહાસ અને અનુભવોનો પ્રત્યેક ભાગ પોતાના ગર્ભમાં એ છુપાવીને બેઠો છે કે અનીતિ, સ્વાર્થ તથા સંકીર્ણતામાં જકડાઈ રહેલા દરેકને પતન અને સંતાપ જ હાથ લાગ્યાં છે. ઉદાર અને નિર્મળ બન્યા વિના કોઈએ શાંતિ મેળવી નથી. સન્માન અને ઉત્કર્ષની સિદ્ધિ આદર્શવાદી રીતિનીતિ અપનાવ્યા વિના મળતી નથી. કુટિલતા સાત પડદા ચીરીને જાતે પોતાનું પોલ ખોલે છે. આ આપણે ડગલે ને પગલે જોઈએ છીએ, છતાંય કેમ જાણે એક જ વિચારીએ છીએ કે આપણે સંસારની આંખોમાં ધૂળ નાંખીને આપણી નાલાયકી છુપાવી શકીશું. કોઈને આપણાં દુષ્કૃત્યોની ગંધ પણ નહિ આવે, છાનાછપના આપણે આ ખેલ સદાય ખેલી શકીશું. આવું વિચારનારા કેમ ભૂલી જાય છે કે હજાર આંખથી જોનાર, હજાર કાનથી સાંભળનાર અને હજાર પક્કડથી પકડનાર પરમાત્મા કોઈની નાલાયકી પર પડદો પડેલો રહેવા દેતો નથી. સચ્ચાઈ પ્રગટ થઈને જ રહે છે અને દુષ્ટતા માથે ચડીને પોકારે છે. સનાતન સત્ય અને પુરાતન તથ્યને જો લોકો સમજી શક્યા હોત તો શા માટે સન્માર્ગનો રાજપથ છોડી કાંટાકાંકરાથી ભરેલા કુમાર્ગ પર ભટકતા હોત ? અને શા માટે રડતાં કકળતાં માનવજીવનને સડેલી લાશની જેમ વેંઢાર્યા કરતા હોત ?

દુર્બુદ્ધિની કેવી જાળજંજાળ વિખેરાયેલી પડી છે અને તેમાં કેટલાંય નિર્દોષ પ્રાણીઓ કરુણ ચિત્કાર કરતાં ફસાયેલાં છે ! આ દુર્દશા મારા અંતરને ચીરી નાખે તેવી પીડાનું કારણ બની ગઈ. આત્મવત્ સર્વભૂતેષુની સાધનાએ વિશ્વમાનવીની આ પીડાને મારી પીડા બનાવી દીધી. એવું લાગવા માંડ્યું કે મારા જ પગને કોઈ સળગાવી રહ્યું છે. “સૌમાં મારો આત્મા પરોવાયેલો છે અને સૌ મારા આત્મામાં પરોવાયેલા છે.” ગીતાનું આ જ્ઞાન વાંચવા-સાંભળવામાં કોઈને કંઈ ચિંતા નથી, પણ વ્યવહારમાં ઊતરીને અંતઃકરણમાં પ્રવેશ કરે ત્યારે સ્થિતિ બદલાઈ જાય છે. આપણાં અંગ-અવયવોનું દુખ આપણને જેવા વ્યથિત તથા બેચેન બનાવે છે, આપણી પત્ની તથા પુત્રોની પીડા જેવી રીતે આપણું મન વિચલિત કરી નાખે છે તેવી જ રીતે આત્મવિસ્તારની દિશામાં આગળ ધપતા માનવીને લાગે છે કે વિશ્વવ્યાપી દુખ આપણું જ દુખ છે અને પીડિતોની વેદના આપણને પોતાને જ કોર્યા કરે છે. –

પીડિત માનવતાની, વિશ્વાત્માની, વ્યક્તિ અને સમાજની વ્યથા મારી અંદર પેદા થવા લાગી, મને બેચેન બનાવવા લાગી. આંખ, દાઢ તથા પેટનાં દર્દોથી માણસ વ્યાકુળ થઈ જાય છે. કઈ રીતે, કયા ઉપાયે એ કષ્ટમાંથી છુટકારો મળે ? શું કરું ? ક્યાં જાઉં ? ની હલચલ મનમાં ઊઠે છે અને જે શક્ય હોય તે કરવા આતુર થઈ જાય છે, વ્યગ્ર બની જાય છે. મારા મનમાં પણ આમ જ થયું. અકસ્માતમાં હાથપગ તૂટેલા બાળકને લઈને હૉસ્પિટલે દોડી જવામાં મા પોતાનો તાવ, દુખ બધું ભૂલી જાય છે અને બાળકને સંકટમાંથી બચાવવા બેચેન થઈ જાય છે. લગભગ આવી જ મનોદશા મારી થઈ રહી છે. પોતાનાં સુખસાધનો વહેંચવાની ફુરસદ કોને છે ? ભોગવિલાસની સામગ્રી મને ઝેર જેવી લાગે છે. વિનોદ અને આરામનાં સાધનો વસાવવાની જયારે પણ વાત આવી ત્યારે આત્મગ્લાનિથી એવી ક્ષુદ્રતાને ધિક્કારવા લાગ્યો. જે મરણપથારીએ પડેલા મનુષ્યને જીવિત રાખી શકે તેવા સમર્થ પાણીનો ગ્લાસ મારા પગ ધોવામાં કેમ વેડફાવા લાગ્યો ? ભૂખથી ટળવળતા, પ્રાણત્યાગની સ્થિતિએ પહોંચેલા બાળકના મોંમાં જતો કોળિયો ઝૂંટવીને કઈ માતા પોતાનું પેટ ભરી શકે ? દર્દથી કણસતા બાળકને તરછોડીને કયો નિષ્ઠુર પિતા પાનાં ટીચવા કે શેતરંજ રમવા તૈયાર થાય ? આવું તો કોઈક પિશાચ જ કરી શકે. આત્મવત્ સર્વભૂતેષુની સંવેદના પ્રખર થઈ કે નિષ્ઠુરતા તત્ક્ષણ સળગીને ભસ્મ થઈ ગઈ. મનમાં ફક્ત કરુણા જ બાકી રહી. તે જ કરુણા અત્યારના, જીવનના અંતિમ અધ્યાય સુધી એવી ને એવી જ રહી છે. તે સહેજ પણ ઓછી નથી થઈ, પરંતુ રોજે રોજ વધતી જ જાય છે.

એમ સાંભળ્યું છે કે આત્મજ્ઞાની સુખી હોય છે અને આરામથી ઊંઘી શકે છે, પણ મારે માટે આવું આત્મજ્ઞાન હજુય દુર્લભ જ રહ્યું છે. આવું આત્મજ્ઞાન મળશે કે કેમ તે શંકા જ છે. જયાં સુધી વ્યથાવેદનાનું અસ્તિત્વ આ ધરતી પર હોય, જયાં સુધી પ્રાણીમાત્રને કલેશ અને દુખની આગમાં સળગવું પડતું હોય ત્યાં સુધી મનેય ચેનથી બેસવાની ઇચ્છા ન થાય તેવી મનોમન પ્રાર્થના કર્યા કરું છું. મારે ચેન નહિ, પણ એ કરુણા જોઈએ, જે પીડિતોની વ્યથાને મારી વ્યથા સમજવાની અનુભૂતિ કરાવી શકે. મારે સમૃદ્ધિ નહિ, એવી શક્તિ જોઈએ, જે રડતી આંખોનાં આંસુ લૂછવામાં પોતાની સમર્થતા સિદ્ધ કરે. ફક્ત આટલું જ વરદાન પ્રભુ પાસે માગ્યું અને એમ લાગ્યું કે દ્રૌપદીને વસ્ત્ર આપી તેની લાજ બચાવનાર ભગવાન મને કરુણાની અનંત સંવેદનાઓથી ઓતપ્રોત કરતા જ રહે છે. મને કંઈ દુખ કે અભાવ છે તેવું વિચારવાની ફુરસદ જ ક્યારે મળી ? મારે કયાં કયાં સુખસાધન જોઈએ છે તેવો ખ્યાલ નથી આવ્યો. ફક્ત પીડિત માનવતાની વ્યથાવેદના જ રોમેરોમમાં સમાઈ રહી છે અને એમ જ વિચારું છું કે વિશ્વવ્યાપી પરિવારને સુખી બનાવવા શું કરવું જોઈએ ? જે મેળવ્યું તેનો એકેએક કણ મેં આ જ હેતુમાં ખર્ચો છે, જેનાથી શોકસંતાપની વ્યાપકતા ઓછી થાય અને સંતોષનો શ્વાસ લેવાની સ્થિતિ ઉત્પન્ન કરવામાં થોડીક સહાયતા મળી શકે.

કેટલીય રાતો ડૂસકાં ભરતાં કાપી છે. કેટલીય વાર બાળકની જેમ માથાં ફૂટી ફૂટીને રડ્યો છું તે કોઈ ક્યાં જાણે છે ? લોકો મને ફકત સંત, સિદ્ધ અને જ્ઞાની માને છે. કોઈ લેખક, વિદ્વાન, વક્તા કે નેતા સમજે છે, પણ કોઈએ મારું અંતઃકરણ ખોલીને અભ્યાસ કર્યો છે ? જો કોઈ એને જોઈ શક્યો હોત તો તેને માનવીય વ્યથાવેદનાની અનુભૂતિઓથી, કરુણ વેદનાથી હાહાકાર કરતો, કોઈ ઉદ્વેગથી ભરેલો આત્મા જ આ હાડકાંના બીબામાં ટળવળતો બેઠેલો જોવા મળશે. ક્યાં આત્મજ્ઞાનની નિશ્ચિતતા, નિર્દદ્વતા અને ક્યાં મારો કરુણ ચિત્કાર કરતો આત્મા ? બંનેમાં કોઈ તાલમેલ નથી. તેથી જયારે વિચાર્યું છે ત્યારે એ જ વિચાર્યું છે કે નિશ્ચિતતા, એકાગ્રતા અને સમાધિસુખ આપી શકે તે જ્ઞાન ઘણું દૂર છે. કદાચ તે ક્યારેય નહિ મળે કેમ કે આ દર્દમાં ભગવાનની અનભૂતિ થાય છે. પીડિતોનાં આંસુ લૂછવામાં જ આનંદ મળે છે, તો નિષ્ક્રિય મોક્ષ અને સમાધિ પ્રાપ્ત કરવા માટે ક્યારેય મન તૈયાર થશે એવું લાગતું નથી. જેની ઇચ્છા જ ન હોય તે મળે કઈ રીતે ?

પુણ્ય પરોપકારની દૃષ્ટિથી ક્યારેય કંઈ કર્યું હોય, થઈ ગયું હોય તે યાદ નથી. ભગવાનને ખુશ રાખવા કંઈ કર્યું હોય તેવું સ્મરણ નથી. આત્મવત્ સર્વભૂતેષુના આત્મવિસ્તારે બધે જ મારું મારું જ વેરાયેલું બતાવ્યું, તેથી તે માત્ર જોવા પૂરતું જ ન રહ્યું. બીજાની વ્યથાઓ પણ મારી બની ગઈ અને એટલી બધી વેદના પેદા કરવા લાગી કે તેની પર મલમ લગાડવા સિવાય બીજું કશું સૂઝ્યું નહિ. પુણ્ય કોઈ કરે છે ? પરમાર્થ માટે ફુરસદ જ કોને છે ? પ્રભુને ખુશ કરી સ્વર્ગમોક્ષનો આનંદ લેતાં આવડ્યું છે જ કોને ? વિશ્વમાનવનો તલસાટ મારો તલસાટ બની રહ્યો હતો. તેથી પહેલાં તેના માટે જ લડવાનું હતું. બીજી વાતો એવી છે કે જેના માટે સમય અને મોકાની રાહ જોઈ શકાય એમ છે. મારા જીવનના કાર્યક્રમ પાછળ એનો કોઈ હેતુ શોધવા ચાહે તો તેણે એટલું જ જાણવું પૂરતું થઈ પડશે કે સંત અને સજ્જનોની સદ્ભાવના અને સત્પ્રવૃત્તિઓનાં જેટલી ક્ષણો સુધી સ્મરણદર્શન થઈ શક્યાં તેટલો સમય ચેન પડ્યું અને જયારે માનવોની વ્યથા-વેદનાઓ સામે ઊભેલી જોઈ તો મારી પોતાની પીડા કરતાં વધુ દુખ અનુભવ્યું. લોકમંગલ, પરમાર્થ, સુધારા, સેવા વગેરે પ્રયત્નો કદી મારાથી થયા હોય તો તે બાબતે એટલું જ કહેવું પૂરતું છે કે તે મારી અંતઃસ્ફુરણા હતી. દુખના દાવાનળે એક ક્ષણ માટે પણ ચેનથી બેસવા દીધો નથી, તો હું કરુંય શું ? મારા અત્યાર સુધીના બધા જ પ્રયત્નોને લોકો ચાહે તે નામ આપે, ચાહે તે રંગથી રંગે. સચ્ચાઈ એ છે કે વિશ્વવેદનાની આંતરિક અનુભૂતિએ કરુણા અને સંવેદનાનું રૂપ ધારણ કર્યું અને હું વિશ્વવેદનાને આત્મવેદના માની તેનાથી છુટકારો પામવા બેચેન ઘાયલની જેમ પ્રયત્નો કરતો રહ્યો. ભાવનાઓ એટલી ઉગ્ર રહી કે સ્વાર્થ તો ભૂલી જ ગયો.

ત્યાગ, સંયમ, સાદગી, અપરિગ્રહ વગેરે દૃષ્ટિએ કોઈ મારાં કાર્યો પર નજર નાખે તો તેણે એટલું સમજવું જોઈએ કે જે બીબામાં મારું અંતઃકરણ ઢળાઈ ગયું તેમાં ‘સ્વ’ નો અંત સ્વાભાવિક હતો. મારી સમૃદ્ધિ, પ્રગતિ, સવલતો, બોલબાલા મને પસંદ નથી એવું ચોક્કસ ન કહી શકાય. મેં તેમને જાણીબુઝીને ત્યાગી તેવુંય નથી. હકીકતમાં વિશ્વમાનવની વેદના મારી વેદના બની. તે એટલી હદે મારા અંતઃકરણ પર છવાઈ રહી કે મારી પોતાની બાબતે કંઈ વિચારવાની તક જ ન મળી. તે પ્રસંગ સદાય ભૂલી ગયો. આ ભુલાઈ જવાની ક્રિયાને કોઈ તપસ્યા કે સંયમ કહે તો તેની મરજી, પણ જયારે સ્વજનોને મારા જીવનરૂપી પુસ્તકનાં બધાં ઉપયોગી પાનાં ઉઘાડીને જણાવી રહ્યો છું ત્યારે હકીકત બતાવવી યોગ્ય જ છે.

મારી ઉપાસના તથા સાધના સાથોસાથ ચાલી રહ્યાં છે. ભગવાનને એટલા માટે મેં પોકાર્યા છે કે તે પ્રકાશ બની આત્મામાં પ્રવેશ કરે અને તુચ્છતાને મહાનતામાં બદલી દે. તેમની શરણાગતિમાં એટલા માટે ગયો કે તેમની મહાનતામાં મારી ક્ષુદ્રતા ભળી જાય. વરદાન ફક્ત એટલું જ માગ્યું કે મને તે સહૃદયતા અને વિશાળતા આપે, જે મુજબ મારામાં બધાને અને બધામાં મને જોવાની શક્યતા રહે. ચોવીસ મહાપુરશ્ચરણોનું તપ, ધ્યાન, સંયમ, સાધના બધું આની આજુબાજુ ઘૂમતું રહ્યું છે.

મારી સાધનાત્મક અનુભૂતિઓ અને તે રસ્તે ચાલતાં સામે પડકારતા ઉતારચઢાવની ચર્ચા એટલા માટે કરી રહ્યો છું જો કોઈ આત્મિક પ્રગતિની દિશામાં ચાલવાનો પ્રયત્ન કરવા માગતો હોય અને વિચારતો હોય કે વર્તમાન પરિસ્થિતિઓમાં રહેનારને આ બધું મળવું કઈ રીતે શક્ય બને ? આનું પ્રત્યક્ષ ઉદાહરણ શોધવું હોય તો તેને મારી જીવનયાત્રા ખૂબ જ માર્ગદર્શન આપી શકે છે. હકીકતમાં હું એક અખતરારૂપ જીવન જીવ્યો છું. આધ્યાત્મિક આદર્શોનો વ્યાવહારિક જીવનમાં તાલમેળ બેસાડતાં આંતરિક પ્રગતિના રસ્તે કઈ રીતે ચાલી શકાય અને તેમાં ભૂલ કર્યા વિના સફળતા કઈ રીતે મેળવી શકાય એવા તથ્યની હું શોધ કરતો રહ્યો છું અને તેના પ્રયોગમાં મારું ચિંતન અને શારીરિક કાર્યક્રમોને કેન્દ્રિત કરતો રહ્યો છું. મારા માર્ગદર્શકનો આ દિશામાં સંપૂર્ણ સહયોગ રહ્યો છે, તેથી ખોટી જંજાળોમાં ગુંચવાયા વિના સીધા રસ્તા પર સાચી દિશામાં ચાલતા રહેવાની મને સરળતા રહી છે. તેનું પુનરાવર્તન અહીં એટલા માટે કરી રહ્યો છું, જેથી કોઈને આ માર્ગે ચાલવાનું અને સુનિશ્ચિત સફળતા પ્રાપ્ત કરવાનું પ્રત્યક્ષ ઉદાહરણ શોધવાની જરૂર હોય તો તેના અનુકરણ માટે એક પ્રામાણિક આધાર મળી શકે.

આધ્યાત્મિક પ્રગતિના રસ્તે એક સુનિશ્ચિત તેમ જ ક્રમબદ્ધ યોજના અનુસાર ચાલતાં મેં એક એવી સીમા સુધીનો તબક્કો પૂરો કર્યો છે અને એટલો આધાર પ્રાપ્ત કરી લીધો છે, જેના બળે એવો અનુભવ થઈ શકે કે પરિશ્રમ એળે ગયો નથી. પ્રયોગ અસફળ રહ્યો નથી. કઈ વિભૂતિઓ કે સિદ્ધિઓ મળી તેની ચર્ચા મારા મોંએથી શોભે નહિ. તે જાણવા, સાંભળવા અને શોધવાનો અવસર હું આ દુનિયામાંથી જતો રહું પછી જ મળવો જોઈએ. તેની એટલી બધી સાબિતીઓ વિખરાયેલી મળશે કે કોઈ અવિશ્વાસુ પણ વિશ્વાસ કરવા વિવશ થઈ જશે કે ન તો આત્મવિદ્યાનું વિજ્ઞાન જૂઠું છે કે.ન તો તે માર્ગે સાચી રીતે ચાલનાર માટે આશાજનક સફળતા પ્રાપ્ત કરવામાં કોઈ મુશ્કેલી છે. આ માર્ગે ચાલનાર આત્મશાંતિ, આંતરિક શક્તિ અને દિવ્ય અનુભૂતિના ક્ષેત્રમાં છુપાયેલી અનેક ઉપલબ્ધિઓથી કેવી રીતે લાભ મેળવી શકે તેની પ્રત્યક્ષ સાબિતી શોધવા માટે ભવિષ્યના શોધકોને મારું જીવન ખૂબ જ મદદરૂપ થશે. સમયાનુસાર એવા સંશોધકો તે વિશેષતાઓ અને વિભૂતિઓની અગણિત સાબિતીઓ – પ્રત્યક્ષ સાબિતીઓ જાતે શોધી કાઢશે, જે આત્મવાદી પ્રભુપરાયણ જીવનમાં મારી જેમ કોઈને પણ મળવી સંભવ છે.

મારી જીવનસાધનાનાં આંતરિક પાસાં, સૂનકારના સાથીઓ

મારી જીવનસાધનાનાં આંતરિક પાસાં, સૂનકારના સાથીઓ


મારા ઘણા પરિજનો મારી સાધના અને સિદ્ધિઓ બાબત કંઈક વધુ જાણવા ઇચ્છે છે અને તે સ્વાભાવિક પણ છે. મારા સ્થૂળ જીવનના જેટલા અંશ પ્રકાશમાં આવ્યા છે તે લોકોની દૃષ્ટિએ અદ્ભુત છે. એમાં સિદ્ધિઓ, ચમત્કારો અને અલૌકિકતાની ઝલક જોવા મળે છે. કુતૂહલની પાછળ તેનું રહસ્ય જાણવાની ઉત્સુકતા છુપાયેલી હોય છે. તેથી જો લોકો મારી આત્મકથા જાણવા ઇચ્છે, તેના માટે દબાણ કરે, તો તેને આ વર્તમાનકાળમાં અકારણ તો ન જ ગણાવી શકાય.

આમ તો હું કદીય કશું જ છુપાવવા માગતો નથી. છળ, કપટ, દુરાચાર વગેરેની મને ટેવ નથી, પણ આ દિવસોમાં મારી એક લાચારી છે કે જ્યાં સુધી રંગમંચ પર પરોક્ષ રીતે મારો અભિનય ચાલે છે ત્યાં સુધી વાસ્તવિકતા બતાવી દઉં તો દર્શકોનું, પરિજનોનું ધ્યાન, તેમનો આનંદ બીજી દિશામાં કેન્દ્રિત થશે અને પરિજનોમાં જે કર્તવ્યનિષ્ઠા જગાવવા માગું છું તે હેતુ પૂરો નહિ થાય. લોકો રહસ્યવાદની જંજાળમાં ફસાઈ જશે. મારું વ્યક્તિત્વ પણ વિવાદાસ્પદ બની જશે અને જે કરવા – કરાવવા મને મોકલવામાં આવ્યો છે તેમાં પણ મને મુશ્કેલી પડશે. મારું સમગ્ર જીવન અલૌકિકતાઓથી ભરેલું છે તેમાં કોઈ સંદેહ નથી. રહસ્યવાદના પડદા એટલા બધા છે, જેમને નક્કી સમય પહેલાં ખોલવા નુકસાનકારક જ સાબિત થશે. પાછળના જમાના માટે એ છોડી દઉં છું કે વસ્તુસ્થિતિની સચ્ચાઈને પ્રામાણિકતાની કસોટીએ કસે અને જેટલું સાચું લાગે તેના પરથી અનુમાન લગાવે કે અધ્યાત્મવિદ્યા કેટલી સમર્થ અને સારપૂર્ણ છે. તે પારસનો સ્પર્શ કરીને એક તુચ્છ માણસ પોતાના લોખંડ જેવા તુચ્છ કલેવરને સુવર્ણ સમાન બહુમૂલ્ય બનાવવામાં કેવી રીતે સફળ થઈ શક્યો, સમર્થ થઈ શક્યો ? આ દૃષ્ટિએ મારા જીવનક્રમમાં દેખાયેલ અનેક રહસ્યમય તથ્યોની સમય આવ્યે જ શોધ થઈ શકશે અને તે સમયે સંશોધનના કાર્યમાં મારા અત્યંત નિકટના સહયોગીઓ કંઈક મદદ પણ કરી શકશે, પરંતુ હાલ કસમયની વાત છે, જેથી જે પડદો પડેલો છે તે પાડેલો રાખવો જ યોગ્ય છે.

આત્મકથા લખવાનો આગ્રહ તો ફક્ત મારો સાધનાક્રમ જ્યાં સુધી ચાલ્યો ત્યાં સુધી જ પૂરો કરી શકાય. હકીકતે મારી બધી સિદ્ધિઓ પ્રભુસમર્પિત સાધનાત્મક જીવનપ્રક્રિયા પર જ આધારિત છે. તે જાણવાથી આ વિષયમાં રસ ધરાવતી દરેક વ્યક્તિને આત્મિક પ્રગતિ અને તે સાથે સંકળાયેલી વિભૂતિઓની પ્રાપ્તિ થશે, જેથી હાલ તેમણે આટલાથી જ સંતોષ માનવો પડશે.

સાઈઠ વર્ષના (પુસ્તક લખતી વખતની ઉંમર – ૧૯૭૦ની સાલ) જીવનમાંથી ૧૫ વર્ષનું શરૂઆતનું બાળપણ કંઈ ખાસ મહત્ત્વનું નથી. બાકીનાં ૪૫ વર્ષમાં મેં આધ્યાત્મિક પ્રસંગોને મારા જીવનક્રમમાં વણાઈ ગયેલા બતાવ્યા છે. પૂજા-ઉપાસનાનો આ પ્રયોગમાં ઘણો નાનો ભાગ છે. ચોવીસ વર્ષ સુધી રોજ છ કલાક નિયમિત ગાયત્રી ઉપાસનાને એટલું મહત્ત્વ ન આપવું જોઈએ, જેટલું માનસિક અને ભાવનાત્મક ઉત્કૃષ્ટતા ભરેલા પ્રયત્નોને અપાય. જો વિચારણા અને કાર્યપદ્ધતિને ઉચ્ચ ન બનાવી હોત તો ઉપાસનાનાં કર્મકાંડ નિરર્થક જ રહ્યાં હોત. કેટલાય પૂજા કરનારા, મંત્રતંત્ર જપનારા હરહંમેશ ખાલી હાથે જ રહ્યા છે. જો મારી જીવનસાધનાને સફળ માનીએ અને તેમાં જણાયેલી અલૌકિકતાને તપાસીએ તો તેનું મુખ્ય કારણ મારી આંતરિક અને બાહ્ય પરિસ્થિતિની ઉચ્ચતાને જ માનવું પડે. પૂજા ઉપાસનાને ગૌણ સમજવી જોઈએ. આત્મકથાના એક ભાગને લખવાનું દુઃસાહસ કરતાં હું એક જ સત્ય સાબિત કર્યે રાખીશ કે મારું સમગ્ર મનોબળ અને પુરુષાર્થ આત્મખોજમાં જ લગાવેલાં છે. જે કંઈ ઉપાસના કરી છે તેને પણ મેં ઉચ્ચભાવના પ્રયત્નોથી જ વણાયેલી રાખી છે. હવે આત્માના ઉત્કર્ષનાં સાધનાત્મક પ્રકરણો પર પ્રકાશ પાડતી ચર્ચા રજૂ કરું છું.

સાધનામય જીવનનાં ત્રણ પગથિયાં છે, જે ચઢીને એક લાંબી મંજિલ પાર કરી. (૧) માતૃવત્ પરદારેષુ – પરસ્ત્રીને માતા સમાન ગણવી. (૨) પરદ્રવ્યેષુ લોષ્ટવત્ – પરધનને માટી સમાન વર્જ્ય ગણવું. (૩) આત્મવત્ સર્વભૂતેષુ – સર્વે પ્રાણીઓમાં પોતાની જાતને નિહાળવી. આમાં પહેલાં બે પગથિયાં સરળ હતાં, જે વ્યક્તિગત સંબંધ ધરાવે છે. લડવાનું મારી જાત સાથે હતું. પોતાના જ ઘરને સંભાળવાનું હતું, જેથી પૂર્વજન્મના સંસ્કારો અને સમર્થ સદ્ગુરુની મદદથી આ બધું સહેલાઈથી પતી ગયું. મન એટલું બધું દુરાગ્રહી ન હતું તેમ જ એટલું દુષ્ટ પણ ન હતું કે તે મને કુમાર્ગે લઈ જવાની હિંમત કરે. કોઈ કોઈ વાર અહીંતહીં ભટકવાની કલ્પના કરતું તો તરત જ પ્રતિરોધનો ઠંડો એના માથા પર જોરથી પડતો. આથી તે હેબતાઈ જતું અને ચૂપચાપ સાચા માર્ગે ચાલતું રહેતું. મન સાથે લડતાં-ઝઘડતાં પાપ અને પતનથી પણ બચતો ગયો. જ્યારે બધો ખતરો ટળી ગયો ત્યારે સંતોષ થયો. દાસ કબીરે ઝીણી વણેલી ચાદરને જતનપૂર્વક ઓઢી હતી અને કોઈ જાતના ડાઘા વિના પરમાત્માને પાછી આપી દીધી. પરમાત્માને અનેક ધન્યવાદ કે તેણે મને પણ એ રસ્તે જ ચાલવા દીધો અને તેના જ પગલે પગલે એ આધારને મજબૂતીથી પકડતો પકડતો એવા સ્થાન પર જઈ પહોંચ્યો, જ્યાંથી ગબડી પડવાનો કોઈ ભય જ ન હતો.

આધ્યાત્મિક જીવનની કર્મકાંડી પ્રક્રિયા ખાસ મુશ્કેલ નથી. સંકલ્પબળ મજબૂત હોય, શ્રદ્ધા અને નિષ્ઠા જોરદાર હોય તો માનસિક ઉદ્વેગ આવતો નથી અને શાંતિથી મન લાગી જાય છે, જેથી ઉપાસનાનાં વિધિવિધાન સરળ અને સચોટ રીતે થયા કરે છે. મામૂલી દુકાનદાર આખી જિંદગી એક જ દુકાન પર, એક જ બેઠક પર પૂરા આનંદથી જીવન ગુજારે છે. તેનું મન કંટાળતું નથી. તેને અરુચિ થતી નથી. પાનસિગારેટની દુકાનવાળો ૧૨-૧૪ કલાક પોતાના ધંધાને ઉત્સાહ અને શાંતિથી આજીવન ચલાવ્યા કરે છે, તો રોજ ૬-૭ કલાકની ગાયત્રી ઉપાસના ૨૪ વર્ષ સુધી ચલાવવાનો મારો સંકલ્પ તોડવાની શી જરૂર પડે ? ઉપાસનાને જે પાનબીડીના, ખેતીવાડીના કે કંદોઈના ધંધા કરતાંય ઓછી જરૂરી યા ઓછી લાભદાયક સમજે છે તેનું મન ચોંટતું નથી. વ્યર્થ કામોમાં મન લાગતું નથી.

ઉપાસનામાં કંટાળવાની અને અરુચિની અડચણ તેને આવે છે, જેની આંતરિક આકાંક્ષા ભૌતિક સુખસાધનોને જ સર્વસ્વ માને છે, જે પોતાની મનોકામના પૂરી થવાના કોડ સેવે છે. નસીબ અને પુરુષાર્થની શૂન્યતાને લીધે પ્રભુનું વરદાન નથી મળતું ત્યારે તેને ગુસ્સો ચઢે છે. શરૂઆતમાં પણ આકાંક્ષાઓ વિરુદ્ધ કામ કરવામાં ઉદાસીનતા રહે છે. આવી સ્થિતિ ઘણાની હોય છે, તેથી તેઓ મન ન ચોંટવાની ફરિયાદ કરે છે. મારો સ્તર જુદો હતો. મહાન વ્યક્તિ બનવાની કે જૂઠી વાહવાહની મહત્ત્વાકાંક્ષા કદીય જાગી નથી. એક જ વાત વિચારતો રહ્યો છું કે હું આત્મા છું તો આત્મવિસ્તાર માટે, આત્મશાંતિ માટે, આત્મકલ્યાણ માટે અને આત્મવિસ્તાર માટે કેમ ન જીવું ? શરીર અને આત્માને બે ભાગોમાં વહેંચી દીધાં. એટલે અજ્ઞાનની દીવાલ તૂટી ગઈ અને અંધકારમાંથી અજવાળું થઈ ગયું.

જે લોકો પોતાના શરીરને જ મહત્ત્વનું માને છે, ઇન્દ્રિયોની તૃપ્તિ સુધી જ પોતાનો આનંદ સીમિત કરી લે છે, વાસના અને તૃષ્ણાની પૂર્તિ જ જેમના જીવનનો ઉદ્દેશ્ય બની જાય છે તેમના માટે પૈસા, અમીરી, મોટાપણું, પ્રશંસા, પદવી વગેરે જ સર્વસ્વ બની જાય છે. તેઓ આત્મકલ્યાણની વાત ભૂલી જાય છે અને લોભમોહની સોનેરી જંજીરો ઘણા જ પ્રેમથી પહેરી શકે છે. તેમના માટે હિતક૨ રસ્તે ચાલવાની સુવિધા નથી મળતી તેવું બહાનું સાચું હોઈ શકે છે. અંતઃકરણની આકાંક્ષાઓ જ સુવિધાઓ મેળવી આપે છે. જ્યારે ભૌતિક સુખસંપત્તિ જ લક્ષ્ય બની જાય છે ત્યારે સમગ્ર ચેતનાપ્રવાહ તે જ મેળવવામાં લાગી જાય છે. ઉપાસના તો એક નાનું ક્રીડાંગણ જ રહી જાય છે. ઉપાસના કરી તોય શું અને ન કરી તોય શું ? કુતૂહલવૃત્તિથી લોકો જોયા કરે છે કે તેમનોય થોડો તમાશો જોઈ લઈએ. કાંઈ મળે છે કે નહિ ? થોડીવાર મન વગરની કંઈક ચમત્કાર થવાની દૃષ્ટિએ ઊલટીસૂલટી પૂજા કરી લીધી અને તેના પર વિશ્વાસ ન બેઠો એટલે ઉપાસના છૂટી ગઈ. શ્રદ્ધા અને વિશ્વાસ વિના, જીવનનો ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવાની તીવ્ર લગની વિના કોઈ વ્યક્તિ આત્મિક પ્રગતિ ન કરી શકે. આ બધાં સત્યોની અનાયાસે મને ખબર જ હતી, જેથી શરીર અને કુટુંબ સાચવવા ખૂબ જ અગત્યનાં કારણોસર આપવું પડતું અતિઅલ્પ ધ્યાન આપ્યું. આ પ્રયત્નો મશીનના ભાડા ચૂકવણી જેવી દૃષ્ટિથી ન કર્યા. અંતઃકરણ ધ્યેયસિદ્ધિ માટે તત્પર રહ્યું, તેથી ભૌતિક પ્રલોભનો અને આકર્ષણોમાં ભટકવાની જરૂર ઊભી જ ન થઈ.

જ્યારે મારું પોતાનું રૂપ આત્માની સ્થિતિનો અનુભવ કરવા લાગ્યું અને અંતઃકરણ પરમેશ્વરના પવિત્ર નિવાસસ્થાન સમું લાગવા માંડ્યું તો ચિત્ત અંતર્મુખી બની ગયું. ફક્ત એવો જ વિચાર આવવા લાગ્યો કે પરમાત્માના રાજકુમાર એવા આત્માએ શું કરવું જોઈએ ? કઈ દિશામાં જવું જોઈએ ? પ્રશ્ન સરળ હતો. ઉત્તર પણ સરળ હતો – ઉત્કૃષ્ટ જીવન જીવવું અને = ફક્ત આદર્શવાદી કાર્યપદ્ધતિ અપનાવવી. જેઓ આ માર્ગે ચાલ્યા નથી તેમને ઘણો ડર લાગે છે કે આ રીતિનીતિ અપનાવીશું તો ઘણું સંકટ આવશે. ગરીબી, તંગી અને મુશ્કેલીઓ સહેવી પડશે. મિત્રો દુશ્મન થઈ જશે અને ઘરવાળાં વિરોધ કરશે. મને પણ શરૂઆતમાં આમ જ લાગ્યું અને આવો જ અનુભવ થયો. શરૂઆતના દિવસોમાં મારે ટીકાટીપ્પણો તથા મેણાંટોણાં સાંભળવાં પડ્યાં. પરિવારના લોકો જ સૌથી વધારે આડા આવ્યા. તેમને એમ લાગ્યું કે આ માર્ગને લીધે જે ભૌતિક લાભો મળે છે અથવા મળવા જોઈએ તેમાં ઓટ આવશે. તેથી તેઓ જેમાં પોતાનું નુકસાન સમજતા હતા તેને મારી મૂર્ખતા ગણતા હતા, પરંતુ આ લાંબો સમય ન ચાલ્યું.

આપણી આસ્થા ઊંચી તથા મજબૂત હોય તો જૂઠો વિરોધ ટકી શકતો નથી. કુમાર્ગે ચાલવાથી જે વિરોધ તથા તિરસ્કાર ઊભા થાય છે તે સ્થિર રહે છે. નિષ્ઠા જાતે જ એક વિભૂતિ છે, જે પોતાની સાથે બીજાને પણ પ્રભાવિત કરે છે. વિરોધીઓ અને નિંદા કરનારા લોકો થોડા જ દિવસોમાં પોતાની ભૂલ સમજે છે અને સહકાર આપવાનું ચાલુ કરે છે. આસ્થા જેટલી મહાન હશે, જેટલી મજબૂત હશે તેટલી જલદી પ્રતિકૂળ બાબતો અનુકૂળ બની જશે. કુટુંબીઓનો વિરોધ વધુ સમય સહેવો પડ્યો નહિ. તેમની શંકા-કુશંકાઓ પરિસ્થિતિનો ખ્યાલ આવતાં જ દૂર થઈ. આત્મિક જીવનમાં હકીકતમાં ખોટની કોઈ વાત જ નથી. બહારથી ગરીબ જેવો દેખાતો મનુષ્ય આત્મિક શાંતિ અને સંતોષને લીધે સદા પ્રસન્ન રહે છે. આ સંતોષ અને પ્રસન્નતા દરેકને પ્રભાવિત કરે છે અને વિરોધીઓને સહભાગી બનવામાં મદદરૂપ થાય છે. મારી મુશ્કેલીઓ આમ જ ઊકલી ગઈ.

મોટાઈ, લોભ, મોહ, વાહવાહ અને તૃષ્ણાની જંજીરો તૂટી, તો એવું લાગ્યું. હવે બંધનમાંથી મુક્તિ મળી ગઈ. જંજીરોમાં જકડાયેલા મનુષ્યને આ ભવસાગરમાં ઊંધે મોંએ ઢસડવામાં આવે છે. તેણે અતૃપ્તિ, ઉદ્વેગ, વેદના તથા વ્યથાથી ઉંહકારા ભર્યા કરવા પડે છે. આ ત્રણેની તુચ્છતા સમજીએ અને શ્રદ્ધા વધારીએ તો સમજો કે માયાનાં બંધન તૂટી ગયાં અને જીવતે જીવ જ મુક્તિ મેળવવાનો હેતુ સિદ્ધ થયો. “તારી નજર બદલીશ તો તને બ્રહ્માંડ બદલાયેલું લાગશે’’ એ ઉક્તિ અનુસાર મારી ક્ષુદ્ર ભાવનાઓ આત્મજ્ઞાન થતાં જ સમાપ્ત થઈ ગઈ અને મુક્તિનું લક્ષ્ય સિદ્ધ કરવાની ઇચ્છા આંગળી પકડીને રસ્તો ચીંધવા લાગી. પછી ન તો અભાવ રહ્યો કે ન અસંતોષ. શરીરને જીવતું રાખવા તથા કુટુંબ અને દેહને પરિસ્થિતિ પ્રમાણે પ્રાપ્ત સાધનોથી સંતોષ માનવા શિક્ષણ આપ્યું. તેમનાં લોભમોહનાં મૂળ કાપી નાંખ્યાં. મનનું ભટકવું બંધ થયું એટલે અપાર શક્તિ મળી અને જીવ પણ પ્રફુલ્લિત રહેવા લાગ્યો. આ તથ્ય કોઈ પણ વ્યક્તિ અનુભવી શકે છે, પણ લોકો તો લોકો જ છે. તેલથી આગ હોલવવા માગે છે. તૃષ્ણાને ધનથી અને વાસનાને ભોગ સાધનાથી તૃપ્ત કરવા ઇચ્છે છે. તેમને કોણ સમજાવે કે એથી તો ફક્ત દાવાનળ જ સળગાવી શકાય છે. આ રસ્તે ચાલનારો માણસ મૃગજળ માટે જ ફાંફાં માર્યા કરે છે તેને કોણ સમજાવે ? સમજનાર અને સમજાવનાર મુશ્કેલીઓ જ ઊભી કરે છે. સત્સંગ અને પ્રવચનો ઘણાં સાંભળ્યાં. વક્તાઓના જીવનમાં ડોકિયું કર્યું તો તેમનામાં શ્રોતાઓ કરતાં પણ વધુ ગંદકી જોઈ. આનાથી જીવ ખાટો થઈ ગયો. મોટા મોટા સત્સંગ, સંમેલન થયા કરતાં, છતાં તે જોવાસાંભળવા જવામાં મન લાગતું નહિ. પ્રકાશ મળ્યો ખરો, પણ મારા અંતરમાંથી જ. આત્માએ હિંમત કરી અને ચારે બાજુ જકડાયેલી જાળજંજાળને કાપવાની બહાદુરી બતાવી એટલે જ કામ ચાલ્યું. બીજાને સહારે બેસી રહ્યો હોત તો હું અજ્ઞાનના અંધારામાં જ ડાફોળિયાં માર્યા કરતો હોત. એવું લાગે છે કે જો કોઈને પણ પ્રકાશ મળવાનો હશે તો તે તેના પોતાના અંતરમાંથી જ મળશે. ઓછામાં ઓછું મારી બાબતમાં તો આ સાચું જ સાબિત થયું છે. આત્મિક પ્રગતિમાં જે બાહ્ય અવરોધના પહાડો ઊભા હતા એમને પાર ક૨વાનું લક્ષ્ય પ્રત્યે અતૂટ વિશ્વાસ અને શ્રેયપથ પર ચાલવાનું સાહસ કર્યા વિના શક્ય બને નહિ. તેથી જ મારી હિંમત કામ લાગી ગઈ. હું એ માટે જામી પડ્યો, તેથી સહાયકો પણ પુષ્કળ મળવા લાગ્યા. ગુરુદેવ ( દાદા ગુરુદેવશ્રી સર્વેશ્વરાનંદજી)થી માંડીને ભગવાન સુધીના બધા મારો રસ્તો સરળ કરવામાં મદદરૂપ થવા નિરંતર આવતા રહ્યા અને પ્રગતિપથ પર ધીમે ધીમે પણ ચોક્કસ રીતે કદમ આગળ વધવા માંડ્યાં. અત્યાર સુધીનો રસ્તો આ પ્રમાણે જ પૂરો થયો છે.

લોકો કહે છે કે આધ્યાત્મિક જીવન મુશ્કેલ છે, પણ મારો અનુભવ તેનાથી ઊલટો છે. વાસના-તૃષ્ણાઓથી ઘેરાયેલું જીવન જ હકીકતમાં મુશ્કેલ અને સમસ્યાવાળું છે. આ સ્તરનું આચરણ અપનાવનાર વ્યક્તિ જેટલી મહેનત કરે છે, જેટલું વ્યર્થ દુ:ખ ભોગવે છે, જેટલી મૂંઝાયેલી રહે છે એ જોતાં આધ્યાત્મિક જીવનની મુશ્કેલીઓને સાવ નગણ્ય જ કહી શકાય. આટલો શ્રમ, આટલું ચિંતન, આટલો બધો ઉદ્વેગ છતાંય પળભર ચેન નહિ. કામનાઓ પૂરી કરવા અથાગ પ્રયાસ છતાં પરિપૂર્ણતાએ પહોંચતાં પહેલાં મહત્ત્વાકાંક્ષાઓનું સોગણું વધી જવું તે એવડી મોટી જંજાળ છે કે મોટામાં મોટી સફળતાઓ મેળવ્યા બાદ પણ વ્યક્તિ અતૃપ્ત અને અસંતુષ્ટ જ રહે છે. થોડીક સફળતા મેળવવા માટે પણ કેટલો અથાગ પરિશ્રમ કરવો પડે છે તે જાણતા હોવા છતાં પણ તેનાથી મોટી સફળતા મેળવવા ચારગણો, દસગણો પરિશ્રમ કરે છે. જવાબદારીઓ સ્વીકારી લે છે. ગતિ જેટલી વધુ તીવ્ર બને છે એટલી જ સમસ્યાઓ વધે છે અને મુશ્કેલ બને છે. તેમને સરળ બનાવવામાં દેહ, મન અને આત્માનું કચુંબર થઈ જાય છે. સામાન્ય શારીરિક અને માનસિક પરિશ્રમથી આકાંક્ષાઓ પૂરી ન થાય એટલે અનીતિ અને અનાચારનો માર્ગ અપનાવવો પડે છે. પાપકર્મ કરવાથી આકાંક્ષાઓ શી રીતે પૂર્ણ થાય ? હરહંમેશનો ઉદ્વેગ અને અંધકારમય ભાવિ જોતાં જે કંઈ મેળવી શકાય છે તે અતિ અલ્પ જ ગણાય. સામાન્ય રીતે લોકો રડતા-કકળતા, ફરિયાદ કરતા રોષ કે શોકથી નિસાસા નાખતા ગમે તે રીતે પોતાની જિંદગીની જીવતી લાશ વેંઢારતા ફરે છે. હકીકતમાં તેમને જ તપસ્વી કહેવા જોઈએ. જો આધ્યાત્મિક પ્રગતિના પંથે ચાલવા માટે આટલો ત્યાગ, આટલું કષ્ટ, ઉદ્વેગ બધું સહન કર્યું હોત તો મનુષ્ય યોગી, સિદ્ધપુરુષ, મહામાનવ કે દેવ જ નહિ, પરંતુ ભગવાન પણ બની શક્યો હોત. બિચારાએ મેળવ્યું કશું નહિ અને ગુમાવ્યું ધણું. જેમણે અથાગ પરિશ્રમ કરવા છતાં પાપનાં પોટલાં ઊંચકવાનું સાહસ કર્યું છે તે જ સાચા ત્યાગી, તપસ્વી, પરોપકારી, આત્મદાની તથા બલિદાની છે કારણ કે જે કમાયા તે બધું જ સાળા, બનેવી, બાળકો, ભત્રીજા વગેરે માટે છોડી ખુદ ખાલી હાથે જતા રહે છે. બીજાના સુખ માટે જાતે કષ્ટ સહન કરનારા જ હકીકતમાં મહાત્મા, જ્ઞાની કે પરમાર્થી બની શકે છે. તેઓ પોતાને ભલે પાપાત્મા, માયાગ્રસ્ત કે પદભ્રષ્ટ ગણતા હોય.

આપણી આજુબાજુ રહેલા અસંખ્ય મનુષ્યોનાં આંતરિક અને બાહ્ય જીવન જોઈએ તો એમ જ લાગે છે કે સૌથી વધુ સગવડવાળું જીવન આપણે જ જીવી જાણ્યું છે. નુકસાન ફક્ત એટલું જ છે કે આપણે ઓછી સગવડો તથા ઓછાં સાધનોથી જીવન જીવવું પડ્યું. ઘરવખરી ઓછી રહી અને ગરીબ જેવા ગણાવા લાગ્યા. સંપત્તિ ન હોવાથી દુનિયાએ આપણને નાના સમજી અવગણના કરી. બસ, આનાથી વધુ ખોટ કોઈ પણ આત્મવાદીને હોઈ શકે જ નહિ. આ ભાવથી મને દુખ ન થયું કે ન તો મારું કામ રોકાયું. બીજા પકવાન ખાતા રહ્યા, પણ મેં જવ, ચણા ખાઈને કામ ચલાવ્યું. બીજા જીવ દર્દોથી પિડાઈને દવાઓનું દુખ સહન કરતા રહ્યા, જ્યારે મારો સાત્ત્વિક આહાર ઠીક ઠીક પચતો રહ્યો અને હું નીરોગી રહ્યો. મને શું નુકસાન ગયું ? વિલાસીઓની સરખામણીમાં ભૂખના સમયે મને જવની રોટલી મજેદાર લાગી. ધનના પ્રયત્નોમાં લાગેલા સુંદર કપડાં, સુંદર ઘર, સુંદર સજાવટ વગેરે અપનાવીને અભિમાન ધરાવતા અને બીજા ઉપર રોફ કરવા લાગ્યા. હું અલ્પ સાધનોમાં એટલો ઠાઠમાઠ તો ન જમાવી શક્યો, પરંતુ સાદગીએ આત્મસંતોષ અને આનંદ આપ્યો. તેનાથી ઘણો જ પ્રસન્ન થયો. જો કે ઘણા લોકોએ મારી મજાકમશ્કરી કરી, જ્યારે કેટલાક લોકોએ સાદગીના પડદા પાછળ રહેલી મહાનતા વખાણી અને અહોભાવથી પોતાનું શીશ નમાવ્યું. નફામાં કોણ રહ્યું ? વિટંબણાઓ ઉઠાવનારા કે હું ?

પોતાની કસોટી પર જાતને કસ્યા પછી એમ કહી શકાય કે ઓછો પરિશ્રમ, ઓછું જોખમ અને ઓછી જવાબદારીઓ ઉઠાવી હું શરીર તથા મનની દૃષ્ટિએ વધારે સુખી રહ્યો અને સન્માન પણ ઘણું મેળવ્યું. પાગલો પ્રશંસા કરે કે ન કરે તેની કોઈ દ૨કા૨ નથી, પણ મને પોતાને આત્મસંતોષ છે. આત્માથી માંડીને પરમાત્મા સુધી અને સજ્જનોથી માંડીને દૂરદર્શીઓ સુધી મારી ક્રિયાપદ્ધતિ વખાણવા યોગ્ય ગણાઈ. જોખમ ઓછું અને નફો વધારે. ખર્ચાળ તૃષ્ણાથી ભરપૂર, બનાવટી તથા અતિ ભારે જિંદગી પાપ અને પતનનાં પૈડાંવાળી ગાડી પર જ પૂરી કરી શકાય. મારું બધું જ હલકું રહ્યું. બિસ્તરો બગલમાં દબાવ્યો અને ચાલી નીકળ્યા. ન થાક, ન ચિંતા. મારો વ્યક્તિગત અભિપ્રાય એવો છે કે આદર્શવાદી જીવન સરળ છે. તેમાં પ્રકાશ, સંતોષ, ઉલ્લાસ બધું જ છે. દુષ્ટ લોકો આક્રમણ કરી કંઈ હાનિ પહોંચાડે તેના કરતાં આ સાદું જીવન શું ખોટું ? સંત અને સેવાભાવીઓએ પણ ત્રાસ સહન કરવો પડ્યો છે. દેખાદેખી, ઈર્ષ્યા, દ્વેષ અને વેરને કારણે ભૌતિક જીવનમાં વધારે ખતરો રહે છે. છરાબાજી, ખૂન, ડાકુગીરી, આક્રમણ, ઠગાઈ વગેરેની જે રોમાંચકારી ઘટનાઓ સાંભળવા મળે છે તેમાં ભૌતિક જીવન જીવનારા જ વધારે મરે છે. એટલી જ વ્યક્તિઓ જો સ્વેચ્છાથી પોતાના પ્રાણ ન્યોછાવર કરવા અને ધન વાપરવા તૈયાર થઈ જાય તો તેમને દેવતુલ્ય જ માનવા પડે અને ઇતિહાસ પણ ધન્ય બની ગયો હોત. ઈસુ ખ્રિસ્ત, સોક્રેટિસ, ગાંધીજી જેવા સંતો અથવા એમની કક્ષાના લોકો અકાળે ઘણા ઓછા મર્યા છે. તેનાથી હજારોગણી વધારે હત્યાઓ પતનના માર્ગે લઈ જનારા ક્ષેત્રમાં થયા કરે છે. દાન આપી ગરીબ થયેલા ભામાશાહ તો આંગળીના વેઢે ગણી શકાય તેટલા મળશે, પણ ઠગાઈ, વિશ્વાસઘાત, વ્યસન, વ્યભિચાર, આક્રમણ, કોર્ટનાં લફરાં, બીમારી તથા બેવકૂફીના શિકાર થઈ અમીરમાંથી ફકીર બની જતા લાખો લોકો જોવા મળે છે. આત્મિક ક્ષેત્રમાં ખોટ, આક્રમણ, દુખ વગેરે ઓછાં છે, ભૌતિક ક્ષેત્રમાં તે વધુ છે. આ તથ્યને જો સાચી રીતે સમજી શક્યા હોત તો લોકો આદર્શવાદી જીવનથી ગભરાવાની અને ભૌતિક લાલસામાં ઊંધે મોંએ પડવાની બેવકૂફી ના કરત. મારો વ્યક્તિગત અનુભવ આ જ છે કે તૃષ્ણા તથા વાસનાના પ્રલોભનમાં વ્યક્તિ મેળવે છે ઓછું, જ્યારે ગુમાવે છે વધારે. મારે જે ગુમાવવું પડ્યું છે તે બિલકુલ નગણ્ય છે, પણ જે મેં પ્રાપ્ત કર્યું છે તે એટલું વધારે છે કે વારે વારે એમ જ વિચાર્યા કરું છું કે દરેક વ્યક્તિને આધ્યાત્મિક જીવન જીવવાની ઉત્કૃષ્ટ આદર્શવાદી પરંપરા અપનાવવાનું કહેવું જોઈએ, પણ વાત મુશ્કેલ છે. મેં મારા અનુભવો, સાક્ષીઓ તથા સાબિતીઓ આપી ઉજ્જવળ જીવન જીવવાની વાતો ઘણા સમયથી ક૨ી છે, પણ કેટલાએ તે સાંભળી ? અને સાંભળીને તેમાંથી કેટલાએ તે અપનાવી ?

પરસ્ત્રી માતા સમાન અને પારકું ધન ધૂળ સમાન આ નિસરણીને પણ ચડવી મુશ્કેલ બનત, પણ જીવનનું સ્વરૂપ, હેતુ અને ઉપયોગ હું સારી રીતે સમજ્યો અને જે યોગ્ય જણાયું તે માર્ગે જવાની હિંમત અને બહાદુરીને લીધે બધું સરળ બન્યું. જે વ્યક્તિ શ૨ી૨ને જ પોતાનું સ્વરૂપ માનતી હોય અને તૃષ્ણા વાસના માટે આતુર રહેતી હોય તેણે આત્મિક પ્રગતિથી વંચિત રહેવું પડે છે. પૂજા-ઉપાસનાનાં છૂટાછવાયાં કર્મકાંડોથી કોઈની નાવ પાર ઊતરી શકી નથી. મારે ૨૪ વર્ષ સુધી નિરંતર ગાયત્રી પુરશ્ચરણોમાં રચ્યાપચ્યા રહીને ઉપાસનાનો એક મહત્ત્વપૂર્ણ અભ્યાસ પૂરો કરવો પડ્યો, પણ આ કર્મકાંડની સફળતાનો લાભ જ્યારે આત્મિક પ્રગતિની ભાવનાત્મક પ્રક્રિયાઓને જીવનસાધના સાથે સાંકળી ત્યારે જ મળ્યો. જો બીજાની જેમ ભગવાનને વશ કરવામાં કે ઠગવામાં અથવા તેમની પાસેથી મનોકામનાઓ પૂરી કરવા માટે તંત્રમંત્રના કર્મકાંડમાં રચ્યોપચ્યો રહ્યો હોત, જીવનના નિર્વાહની આવશ્યકતા જ સમજ્યો હોત તો મને કાંઈ જ પ્રાપ્ત થયું ન હોત. હું અગણિત ભજનિકો અને તાંત્રિકોને જાણું છું, જેઓ પોતાની ધૂનમાં વરસોથી લાગેલા છે, મારાથી વધારે પૂજાપાઠ કરે છે, પણ ખૂબ જ બારીકાઈથી જોયું તો તેમના આંતરિક જીવનમાં છળકપટ જ ભાળ્યું. જૂઠો આત્મવિશ્વાસ એમનામાં જરૂર ભાળ્યો, જેનાથી તેઓ એમ વિચારે છે કે આ ભવે તો નહિ, પણ આવતે ભવે જરૂર સ્વર્ગ મળશે, પણ મારી ભવિષ્યવાણી છે કે આમાંથી એકેયને સ્વર્ગ મળવાનું નથી કે નથી એ લોકોને કોઈ સિદ્ધિ મળવાની કે ચમત્કાર થવાનો.

કર્મકાંડ અને પૂજાપાઠમાં જ્યારે જીવનક્રમ ઉત્કૃષ્ટ બને ત્યારે જ સફળતા મળે. ધુતારા, સ્વાર્થી, કંજૂસ અને પોતાના શરીર માટે તેમ જ પોતાનાં બાળકો માટે જીવનારા લોકો જો પોતાના વિચારો ન બદલે તો તેમને તીર્થ, વ્રત, ઉપવાસ, કથાકીર્તન, સ્નાન, ધ્યાન વગેરેનો કંઈ પણ લાભ મળે તેમાં હું સંમત નથી. કર્મકાંડ ઉપયોગી છે, પરંતુ લખવા માટે કલમની જેટલી ઉપયોગિતા છે તેટલી જ તેની ઉપયોગિતા છે. કલમ વિના કઈ રીતે લખી શકાય ? પૂજાઉપાસના વિના કઈ રીતે આત્મિક પ્રગતિ થઈ શકે ? આ જાણવાની સાથે એ પણ જાણવું જોઈએ કે સ્વાધ્યાય, અધ્યયન, ચિંતન, મનન વગેરે બૌદ્ધિક વિકાસ મેળવ્યા વિના કલમ-કાગળના આધારે કંઈ લખી શકાય છે ? કવિતાઓ બનાવી શકાય છે ? આંતરિક ઉત્કૃષ્ટતા બૌદ્ધિક વિકાસ જેવી છે અને પૂજા સારી કલમ જેવી છે. બંનેનો સમન્વય થાય તો જ ફળીભૂત થવાય. બેમાંથી એક ન હોય તો વાત ન બને. આપણે એ યાદ રાખવું જોઈએ કે સાધનાની ગાડી એક પૈડા પર ન ચાલી શકે. એટલે બંને પૈડાંની વ્યવસ્થા શરૂઆતથી જ કરી દેવી જોઈએ .

મેં ઉપાસના કેવી રીતે કરી એમાં કોઈ રહસ્ય નથી. ગાયત્રી મહાવિજ્ઞાનમાં જેમ લખ્યું છે તે પ્રમાણે ગાયત્રી મંત્રનો મારો સામાન્ય ઉપાસનાક્રમ ચાલતો રહ્યો છે. હા, જેટલી વાર ભજન કરવા બેઠો છું એટલી વાર એવી ભાવના અવશ્ય કરી છે કે બ્રહ્મની પરમ તેજોમયી સત્તા એવી માતા ગાયત્રીનો દિવ્ય પ્રકાશ મારા રોમેરોમમાં ઓતપ્રોત થઈ રહ્યો છે અને પ્રચંડ અગ્નિમાં પડેલા લોખંડની જેમ મારું સમગ્ર શરીર મારા ઇષ્ટદેવતાના શરીર જેવું જ ઉત્કૃષ્ટ બની રહ્યું છે. શરીરના કણેકણમાં મા ગાયત્રીનું બ્રહ્મવર્ચસ સમાઈ જવાથી શરીરનો પ્રત્યેક અવયવ જ્યોતિર્મય બની ઊઠ્યો અને આ અગ્નિથી ઇન્દ્રિયોની લાલસા બળીને ભસ્મ થઈ ગઈ. આળસ જેવા દુર્ગુણો નાશ પામ્યા. રોગવિકારોએ તે અગ્નિમાં પોતાની જાતને સળગાવી દીધી. શરીર તો મારું છે, પરંતુ અંદર પ્રચંડ બ્રહ્મવર્ચસ વહી રહ્યું છે. વાણીમાં ફક્ત મા સરસ્વતી જ રહ્યાં છે. અસત્ય, છળ અને સ્વાદના રાક્ષસ તે દિવ્ય મંદિરનો ત્યાગ કરી નાસી ગયા. નેત્રોમાં ગુણ ગ્રહણ કરવાની શક્તિ અને ભગવાનનું સૌંદર્ય દરેક જડચેતનમાં જોવાની ક્ષમતા જ ભરેલી છે. નિંદા, કૂથલી, કામુકતા જેવા દોષ આંખોમાં રહ્યા નથી. કાન ફક્ત જે મંગળમય છે તે સાંભળે છે. બાકીનું બધું માત્ર કોલાહલ છે, જે કાનના પડદા સુધી પહોંચે છે, પણ ત્યાં ટકરાઈને પાછું પડે છે.

ગાયત્રી માતાનો પરમ તેજસ્વી પ્રકાશ સૂક્ષ્મ શરીરમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારમાં પ્રવેશ કરતાં વધુ તેજોમય લાગ્યો અને અનુભવ કર્યો કે તે બ્રહ્મવર્ચસ મારા મનના એ ખૂણામાં પ્રવેશતું હતું, જ્યાં પાશવી આકાંક્ષાઓ ભેગી થતી હતી. એના બદલે દિવ્યતા ઉત્પન્ન કરનારી આકાંક્ષાઓ સજાગ થવા માંડી. બુદ્ધિ નિર્ણય કરે છે કે ક્ષણિક આવેશો માટે, તુચ્છ પ્રલોભનો માટે માનવજીવન જેવી ઉપલબ્ધિનો દુરુપયોગ ન કરવો જોઈએ. તેની એકે એક પળ આદર્શોની સ્થાપના માટે વાપરવી જોઈએ. ચિત્તમાં ઉચ્ચ નિષ્ઠા ઉદ્ભવ્યા કરતી. સત્યમ્ શિવમ્ સુંદરમ્ તરફ આગળ વધવાના ઉમંગો ઉત્પન્ન કરતા સવિતાદેવતાનું તેજ મારા અંતરમાં પ્રવેશ કરી અહમ્ને દૂર કરતું અને તુચ્છ જીવન જીવતા લોકોની સ્થિતિ પરથી માઇલો ઊંચે લઈ જઈ ભગવાનના સર્વસમર્થ, પરમ પવિત્ર અને સચ્ચિદાનંદ સ્વરૂપમાં પહોંચાડી દેતું.

ગાયત્રી પુરશ્ચરણોમાં ફક્ત જાપ જ જપતો ન હતો, પરંતુ ભાવનાથી હૃદય હિલોળા માર્યા કરતું. શરીર આત્મબોધ, આત્મદર્શન, આત્માનુભૂતિ અને આત્મવિસ્તારની અનુભૂતિની અંતઃજ્યોતિ અનુભવવા લાગ્યું. એવું લાગ્યું કે પતંગિયું દીપક પર જે રીતે કુરબાન થઈ જાય તેવી જ રીતે મારો આત્મા પરમ જ તેજસ્વી સૂર્યના પ્રકાશમાં વિલીન થઈ ગયો. પ્રકાશના આરોપણ સાથે જ મારું પોતાનું અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું. ‘હું’ સમાપ્ત થઈ ગયો અને ‘તું’ નું આધિપત્ય બન્યું. દરેક ક્ષણે દિવ્ય આનંદ અનુભવ્યો, જેની ઉપર સંસારભરના બધા જ વિષયોનો આનંદ ન્યોછાવર કરી શકાય. જપ સાથે જ સ્થૂળ તથા સૂક્ષ્મ શ૨ી૨માં દિવ્ય પ્રકાશનું આરોપણ શરૂઆતમાં ધ્યાનધારણાના રૂપમાં કર્યું હતું. બાદમાં તે સ્વાભાવિક પ્રકૃતિ જ બની ગઈ અને છેલ્લે પ્રત્યક્ષ અનુભૂતિ બની ગઈ. જ્યાં સુધી ઉપાસનામાં બેસતો ત્યાં સુધી મારી અંદર અને બહાર પરમ તેજસ્વી સૂર્યદેવની જ્યોતિનો દિવ્ય સાગર જ લહેરાતો રહ્યો અને એવું જ લાગવા માંડ્યું કે મારું અસ્તિત્વ તે દિવ્ય જયોતિ સાથે ઓતપ્રોત થઈ રહ્યું છે. પ્રકાશ સિવાય આંતરિક અને બાહ્ય વાતાવરણમાં કંઈ જ નથી. પ્રાણના પ્રત્યેક સ્ફુરણમાં જ્યોતિકણ સિવાય કંઈ જ બચ્યું નથી. પૂજા સમયની અનુભૂતિને દિવ્ય દર્શન અને દિવ્ય અનુભવમાં જ ઓતપ્રોત બનાવ્યે રાખી. સાધનાનો લગભગ બધો જ સમય આ રીતે વીત્યો.

પૂજાના છ કલાક બાકીના ૧૮ કલાકને ભરપૂર પ્રેરણા આપતા રહ્યા. કામ કરવાનો જે સમય રહ્યો તેમાં એવું લાગતું કે ઇષ્ટદેવનું તેજ મારો માર્ગદર્શક છે. તેના સંકેતો ૫૨ જ પ્રત્યેક કાર્ય થવા લાગ્યું. લાલસા અને નિંદાથી, તૃષ્ણા અને વાસનાથી પ્રેરાઈને મારું કોઈ કાર્ય થઈ રહ્યું હોય એવું લાગ્યું જ નહિ. નાના બાળકને જેમ મા આંગળી પકડી ચલાવે છે તેમ તે દિવ્ય સત્તાએ મારું માથું પકડીને ઉચ્ચ વિચારવા અને શરીર પકડીને ઊંચા બનવા વિવશ કરી દીધો. ઉપાસના બાદ જાગૃત અવસ્થાના જેટલા કલાક રહ્યા તેમાં શારીરિક નિત્યકોથી માંડીને આજીવિકા મેળવી. સ્વાધ્યાય, ચિંતન, પરિવારવ્યવસ્થા વગેરે કાર્યો એ રીતે ચાલતાં રહ્યાં, જાણે ભગવાન જ આ બધાનું નિયોજન અને સંચાલન કરે છે. રાતના સૂવાના છ કલાક એવી ગાઢ નિદ્રામાં પસાર થતા, જાણે સમાધિ લાગી ગઈ હોય અને માતાના ખોળામાં પોતાની જાતને સોંપીને પરમ શાંતિ અને સંતોષની ભૂમિકામાં આત્મસત્તા જોડે તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું હોય. સૂઈને ઊઠું એટલે નવું જીવન, નવો ઉલ્લાસ તથા નવો પ્રકાશ માર્ગદર્શન આપવા આગળને આગળ જ ઊભાં હોય.

ચોવીસ વર્ષનાં ૨૪ મહાપુરશ્ચરણ કાળમાં કોઈ સામાજિક કૌટુંબિક જવાબદારીઓ ન હતી, તેથી અધિક તત્પરતા અને તન્મયતાથી આ જપધ્યાનનો સાધનાક્રમ ચાલતો રહ્યો. પરસ્ત્રી માતા સમાન અને પર ધન માટી સમાનની અતૂટ નિષ્ઠાએ કાયાને પાપકર્મોથી બચાવ્યે રાખી. અન્નની સાત્ત્વિકતાએ મનને માનસિક અધઃપતનની ખીણમાં પડતું બચાવવામાં સફળતા આપી. જવની રોટલી અને ગાયની છાશનો ખોરાક ભાવ્યો પણ ખરો અને પચ્યો પણ ખરો. જેવું અન્ન તેવી મનની સચ્ચાઈ મેં જીવનકાળમાં ડગલે ને પગલે અનુભવી. જો શરીર અને મન સાથે કઠોરતાથી વર્તો ન હોત તો જે કંઈ થોડીક પ્રગતિ થઈ શકી છે તે ન થઈ શકી હોત.

ધ્યેયપ્રાપ્તિની પ્રતીક્ષા, સૂનકારના સાથીઓ

ધ્યેયપ્રાપ્તિની પ્રતીક્ષા, સૂનકારના સાથીઓ

હલકો ખોરાક લેવાથી ઊંઘ ઓછી આવે છે. ફળ તો દુર્લભ છે, પરંતુ શાકભાજીથી પણ ફળની સાત્ત્વિકતા પ્રાપ્તિ થઈ શકે છે. જો શાકાહાર લેવામાં આવે તો સાધક માટે ચાર-પાંચ કલાકની ઊંઘ પૂરતી છે.

શિયાળાની રાત લાંબી હોય છે. ઊંઘ જલદી પૂરી થઈ ગઈ. મન ચંચળ હતું. આ સાધના ક્યારે પૂરી થશે ? ધ્યેયસિદ્ધિ ક્યારે થશે ? સફળતા ક્યારે મળશે ? એવા વિચારો આવી રહ્યા હતા. વિચારોની મૂંઝવણ પણ એવી વિચિત્ર હોય છે કે જ્યારે તે ઊછળે છે ત્યારે શાંતિની હોડી ડગમગવા લાગે છે. આ વિચારપ્રવાહમાં ધ્યાનથી બેસાતું નથી તેમ જ ભજનકીર્તન પણ થઈ શકતું નથી. ચિત્ત કંટાળવા લાગ્યું. ઠંડી તો પુષ્કળ હતી, પરંતુ ગંગામાતાની ગોદમાં બેસવાનું આકર્ષણ એટલું મધુર હતું કે ઠંડીની પરવા કોણ કરે ? કિનારે જકડાયેલો પથ્થર પાણીમાં ઘણો ઊંડો ધસી ગયો હતો. મારા બેસવાનું આ જ એક પ્રિય સ્થળ હતું. કામળી ઓઢી તેના પર બેસી ગયો. આકાશ તરફ જોયું તો તારાઓએ બતાવ્યું કે હજુ રાત્રીના બે વાગ્યા છે.

ઘણીવાર સુધી બેઠો તો ઝોકાં આવવા માંડ્યાં. ગંગાના ‘કલકલ – હરહર’ શબ્દો પણ મનને એકાગ્ર કરવા પૂરતા હતા. શરીર માટે પારણું કે ઝૂલો પૂરતો છે. બાળકોને પારણામાં સુવડાવી દઈએ એટલે ઊંઘ આવવા લાગે છે. જે પ્રદેશમાં જે સમયે આ દેહ હાજર છે ત્યાંનું વાતાવરણ એટલું સૌમ્ય છે કે જલધારાનો દિવ્ય કલરવ એવા લાગે છે, જાણે મમતાળુ માતા તેના બાળકને હાલરડું ન સંભળાવી રહી હોય ! ચિત્તને એકાગ્ર ક૨વા માટે આ અવાજની લહેરો નાદના અનુસંધાનથી સહેજેય ઓછી ન હતી. મનને વિશ્રામ મળ્યો. તે શાંત થઈ ગયું. ઝોકું આવવા લાગ્યું. સૂવાનું મન થયું. પેટમાં ઘૂંટણ ગોઠવી દીધા. કામળાએ ઓઢવા પાથરવાનાં બંને કામ પૂરા કર્યાં. ઊંઘના હલકાં ઝોકાં આવવાં શરૂ થયાં. એમ લાગ્યું કે નીચે પડેલા પથ્થરનો આત્મા બોલી રહ્યો છે. તેની વાણી કામળાને ચીરતી કાન દ્વારા મારા હૃદય સુધી પ્રવેશ કરવા લાગી. મન નિદ્રાવસ્થામાં પણ તેને ધ્યાનથી સાંભળવા લાગ્યું. પથ્થરનો આત્મા બોલ્યો, “સાધક ! શું તને આત્મામાં રસ નથી કે તું સિદ્ધિની વાત વિચારે છે ? ભગવાનનાં દર્શન કરતાં ભક્તિભાવનામાં ઓછો રસ છે ? ધ્યેયસિદ્ધિથી શું આ યાત્રા ઓછી આનંદદાયક છે ? ફળ કરતાં કર્મનું માધુર્ય ફિક્કું છે ? મિલન કરતાં વિરહમાં શું ઓછી ઝણઝણાટી છે ? તું આ તથ્ય સમજ. ભગવાન તો ભક્ત જોડે ઓતપ્રોત છે. તે મળવામાં ઢીલ કરતો જ નથી. જીવને સાધનાનો આનંદ મેળવવાનો અવસર આપવા જ પોતે પડદા પાછળ છુપાયો છે. ડોકિયાં કરી જોઈ રહ્યો છે કે ભક્ત ભક્તિના આનંદસાગરમાં ડૂબકી મારી રહ્યો છે કે નહિ. ભક્ત આનંદવિભોર થઈ જાય છે તો ભગવાન પણ આવીને તેની સાથે રાસ રમે છે, નૃત્ય કરે છે. સિદ્ધિ એ છે કે જ્યારે ભક્ત પોતે કહે કે મારે સિદ્ધિ નહિ, ભક્તિ જોઈએ. મારે મિલન નહિ, વિરહ જોઈએ. મને સફળતા નહિ, કર્મ જોઈએ. મારે પ્રાપ્તિ નહિ, હાર્દિક ભાવ જોઈએ.’

પથ્થરનો આત્મા આગળ પણ કહેતો ગયો. એણે એમ પણ કહ્યું, “સાધક ! ગંગા પોતાના પ્રિયતમને મળવા કેટલી આતુરતાથી દોડી રહી છે. તેને એ દોડમાં કેટલો આનંદ દેખાય છે ! સમુદ્ર સાથેનું મિલન તો ક્યારનુંય થઈ ચૂક્યું છે, પણ તેમાં તેને રસ નથી. જે આનંદ પ્રયત્નમાં છે, ભાવનામાં છે, વ્યાકુળતામાં છે તે મિલનમાં ક્યાં છે ? ગંગા તે મિલનથી તૃપ્ત થઈ નથી. તેણે મિલનના પ્રયત્નને અનંતકાળ સુધી ચાલુ રાખવાનું વ્રત લીધું છે. તો હે અધીરા સાધક ! તું કેમ ઉતાવળ કરે છે ? તારું ધ્યેય મહાન છે. તારો માર્ગ મહાન છે. તું મહાન છે. તારું કાર્ય પણ મહાન છે. મહાન ઉદ્દેશ્ય માટે મહાન વૈર્ય જોઈએ. બાળકો જેવી ઉતાવળ શા માટે ? સિદ્ધિ ક્યારે મળશે એવું વિચારી મન બાળવાનો શો અર્થ ?’

પથ્થરનો આત્મા વણથંભ્યો બોલ્યે જ જતો હતો. તેણે આત્મવિશ્વાસપૂર્વક કહ્યું, ‘મને જો. હું પણ મારી હસ્તીને તે મહાન હસ્તીમાં ભેળવી દેવા અહીં પડ્યો છું. મારા આ સ્થૂળ શરીરને, વિશાળ શિલાખંડને સૂક્ષ્મ અણુ બનાવીને મહાસાગરમાં ભેળવી દેવાની સાધના કરું છું. પાણીની પ્રત્યેક લહેર સાથે અથડાઈને મારા શરીરના થોડાક થોડાક ભાગો તૂટ્યા કરે છે અને તે રજકણ બની સમુદ્ર તરફ વહી જાય છે. આ રીતે મિલનનો ટીપે ટીપે સ્વાદ લઈ રહ્યો છું. ધીરે ધીરે જાતે ઘસાઈ રહ્યો છું. જો ઉતાવળ કરી બીજા પથ્થરોની જેમ જળધારામાં વચ્ચે પડી ગબડવા મંડ્યો હોત તો કદાચ ક્યારનોય મારા લક્ષ્ય સુધી પહોંચી શક્યો હોત, પણ તો પછી આ પ્રેમી માટે ધીમે ધીમે ઘસાવાનો જે આનંદ છે તેનાથી વંચિત રહી ગયો હોત. ઉતાવળ ન કર. ઉતાવળમાં આગ છે, ચીડ છે, અસ્થિરતા છે, નિષ્ઠાની ઊણપ છે, ક્ષુદ્રતા છે. આ દુર્ગુણો સાથે કોણ મહાન બન્યું છે ? કોણ લક્ષ્ય સુધી પહોંચ્યું છે ? સાધકનું પહેલું લક્ષણ છે ધૈર્ય. ધૈર્યની પરીક્ષા જ ભક્તિની પરીક્ષા છે. જે અધીરો બન્યો તે નાપાસ જ થવાનો. લોભ, ભય, નિરાશા તથા આવેશના જે જે અવસરો સાધક સમક્ષ આવે છે તેમાં બીજા કશાની નહિ, પણ ધૈર્યની જ કસોટી થાય છે. તું કેવો સાધક છે કે હજુ તું પહેલો પાઠ પણ શીખ્યો નથી ?’’

પથ્થરના આત્માએ બોલવાનું બંધ કર્યું. મારી તંદ્રાવસ્થા તૂટી. આ સંવાદે મારા અંતઃકરણને હચમચાવી નાંખ્યું. પહેલો પાઠ પણ શીખ્યો નથી અને આવ્યો છે મોટો સાધક બનવા.’’ શરમ અને સંકોચથી માથું ઝૂકી ગયું. જાતને ધિક્કારવા લાગ્યો. માથું ઊંચું કરીને જોયું તો ઉષાની લાલિમાનો ઉદય થઈ રહ્યો હતો. ઊઠ્યો અને નિત્યકર્મની તૈયારી કરવા લાગ્યો.

વિશ્વસમાજનું સભ્યપદ, સૂનકારના સાથીઓ

વિશ્વસમાજનું સભ્યપદ, સૂનકારના સાથીઓ

રોજની જેમ આજે પણ ત્રીજા પહોરે સુરમ્ય વનશ્રી નિહાળવા નીકળ્યો. ભ્રમણમાં જ્યાં સ્વાસ્થ્ય અને વ્યાયામની દૃષ્ટિ હોય છે ત્યાં આવા નિર્જન વનમાં સૂનકારના સાથીઓના, કુટુંબીઓના ક્ષેમકુશળ પૂછવા તેમ જ તેમને મળીને આનંદ અનુભવવાની ભાવના પણ રહે છે. પોતાની જાતને માત્ર માનવજાતિના સભ્ય માનતી સંકુચિત દૃષ્ટિ જ્યારે વિસ્તૃત થઈ તો વૃક્ષ, વનસ્પતિ, પશુ, પક્ષી, જીવાત બધાં પ્રત્યે પણ લાગણી અને આત્મીયતા ઊભરાઈ આવી. આ કુટુંબીઓ માણસની ભાષા બોલતાં નથી કે એમની દૈનિક ક્રિયા માણસો જેવી નથી, છતાંય તેમની મૌલિકતા અને વિશેષતાઓને લીધે આ મનુષ્યેતર પ્રાણીઓની દુનિયા પણ ખૂબ અગત્યની છે. જે રીતે ધર્મ, જાતિ, રંગ, પ્રાંત, દેશ, ભાષા કે વેશને આધારે મનુષ્યો વચ્ચે સંકુચિત સાંપ્રદાયિકતા ફેલાયેલી છે એવી જ એક સંકીર્ણતા એ પણ છે કે આત્મા પોતાને ફક્ત માનવજાતિનો જ સભ્ય માને છે. અન્ય પ્રાણીઓને પોતાનાથી અલગ જાતિનાં સમજે છે અને તેમને ઉપયોગની, શોષણની વસ્તુ માને છે. પ્રકૃતિના અનેક પુત્રોમાં મનુષ્ય પણ એક છે. માની લઈએ કે તેનામાં અમુક વિશેષતાઓ છે, પરંતુ અન્ય પ્રકારની અગણિત વિશેષતાઓ સૃષ્ટિનાં બીજાં જીવજંતુઓમાં પણ જોવા મળે છે અને તે પણ એટલી હદે કે તેમને જોયા પછી માણસ પોતાની જાતને પછાત માને.

આજે ફરતાં ફરતાં આવો જ વિચાર મનમાં આવી રહ્યો હતો. શરૂઆતમાં આ નિર્જન સ્થાનની જે જે વસ્તુ, જીવજંતુ, વૃક્ષ, વનસ્પતિ તુચ્છ લાગતાં હતાં, વ્યર્થ લાગતાં હતાં તે બધાંને ધ્યાનથી નિહાળવાને લીધે તે મહાન દેખાવાં લાગ્યાં અને એવું લાગવા માંડ્યું કે ભલે પ્રકૃતિએ માણસને વધારે બુદ્ધિ આપી હોય, પણ અનેક ભેટ એણે પોતાના આ અબુધ જણાતા સજીવોને આપી છે. આ ભેટો મેળવી તેઓ ઇચ્છે તો મનુષ્યની સરખામણીએ પોતાની જાત પર કેટલોય અધિક ગર્વ કરી શકે છે.

આ પ્રદેશમાં કેટલીય જાતનાં પક્ષીઓ છે, જે પ્રસન્નતાપૂર્વક દૂર દૂરના દેશો સુધી ઊડીને જાય છે, પર્વતો ઓળંગે છે, ઋતુઓના ફેરફાર પ્રમાણે પોતાની પાંખો વડે દેશવિદેશ બદલ્યા કરે છે. શું માણસને ઊડવાની આવી કળા પ્રાપ્ત થઈ છે ? વિમાન બનાવી તેણે એક પ્રયત્ન તો કર્યો છે, પણ પક્ષીઓની પાંખો સાથે તેને કઈ રીતે સરખાવી શકાય ? પોતાને સુંદર બનાવવા સૌંદર્ય પ્રસાધનો વાપર્યાં, પણ ચિત્રવિચિત્ર પાંખોવાળાં, સ્વર્ગની અપ્સરાઓ જેવાં પંખીડાં જેવું રૂપ એને ક્યાં મળ્યું છે ? ઠંડીથી બચવા કેટલાય લોકો ભાતભાતનાં વસ્ત્રો પહેરે છે, પરંતુ રોજ નજર આગળથી પસાર થતાં જંગલી ઘેટાં અને રીંછના શરીર પર જામેલા વાળ જેવા ગરમ ઊનના કોટ હજુય કોઈ મનુષ્યને પ્રાપ્ત થયા નથી. દરેક છિદ્ર દ્વારા દરેક પળે દુર્ગંધ બહાર કાઢનાર મનુષ્યને હરઘડી ફૂલો વડે સુગંધીનો પમરાટ ફેલાવનારા છોડવેલ સાથે કઈ રીતે સરખાવી શકાય ? ૬૦-૭૦ વર્ષે મરી જનાર માણસની તુલના ચારસો વર્ષ હસીખુશીથી જીવી જનાર અજગરો સાથે કઈ રીતે થઈ શકે ? વડ અને પીપળાનાં ઝાડ પણ હજારો વર્ષ સુધી જીવંત રહે છે.

કસ્તુરી મૃગ સામેની ટેકરીઓ પર કૂદકા મારે છે. તે મનુષ્યને દોડમાં હરાવી શકે છે. ભૂરા વાઘ સાથેના મલ્લયુદ્ધમાં કોઈ મનુષ્ય જીતી શકે ખરો ? કીડીના જેવો અથાગ પરિશ્રમ કરવાની સમર્થતા કોઈ માણસમાં છે ખરી ? મધપૂડાની માખીની જેમ ફૂલોમાંથી મધ કોણ એકઠું કરી શકે ? બિલાડીની જેમ રાતના ઘોર અંધકા૨માં જોવાની દૃષ્ટિ કોને મળી છે ? કૂતરા જેવી પ્રાણ શક્તિ (સૂંઘવાની શક્તિ) કયા મનુષ્યમાં છે ? માછલીની જેમ નિરંતર પાણીમાં કોણ રહી શકે છે ? હંસલા જેવો સારઅસારનો ભેદ કોણ પારખી શકે છે ? દૂધ પાણીનો ભેદ કોણ પારખી શકે ? છે ? હાથીના જેવું બળ કઈ વ્યક્તિમાં છે ? આ વિશેષતાસભર પ્રાણીઓને જોઈ પોતે જ સંસારનું શ્રેષ્ઠ પ્રાણી છે તેવો મનુષ્યનો ગર્વ કેટલો મિથ્યા સાબિત થાય છે !

આજે ફરતાં ફરતાં આ વિચાર જ મનમાં ઘૂમરાયા કર્યો કે મનુષ્ય જ સર્વસ્વ નથી. તે સર્વશ્રેષ્ઠ પણ નથી. બધાંનો નેતા પણ નથી. એને બુદ્ધિબળ મળ્યું છે ખરું, જેના આધારે તે પોતાના સુખનાં સાધનો વધાર્યે જાય છે તે પણ સાચું, પણ સાથે એ પણ એટલું જ સાચું છે કે તેણે સુખનાં સાધનો મેળવવા ઘણું જ ખરાબ કૃત્ય કર્યું છે. સૃષ્ટિનાં અન્ય પ્રાણીઓ તેનાં ભાઈભાંડુઓ જ છે. આ ધરતી બીજાઓની પણ છે. તેના પર જીવવાનો, ફળવા ફૂલવાનો, સ્વાધીન રહેવાનો તેમનો ય અધિકાર છે, પણ મનુષ્ય બધાંને પરતંત્ર બનાવી દીધાં. બધાંની સગવડો તથા સ્વતંત્રતાને કચડી નાંખ્યાં. પશુઓને જંજીરોથી બાંધી તેમની પાસેથી અધિકાધિક શ્રમ લેવા માટે પિશાચ જેવું કૃત્ય કર્યું. તેમની ઉપર બેસુમાર સીતમ ગુજાર્યો. તેમનાં બચ્ચાંના હક્કનું દૂધ તે પોતે જ પીવા લાગ્યો. નિર્દયતાથી તેમની કતલ કરીને માંસ ખાવા લાગ્યો. પક્ષીઓ અને જળચરોના જીવનને પણ પોતાના જ સ્વાદ માટે, ભોગવિલાસ માટે ખરાબ રીતે નષ્ટ કર્યું. માંસ માટે, દવાઓ માટે, ફેશન માટે, વિનોદ તથા મનોરંજન માટે એમની સાથે એવો પિશાચી વર્તાવ કર્યો છે કે જેના પર વિચાર કરતાં દંભી મનુષ્યની બધી જ નૈતિકતા પોકળ સાબિત થાય છે.

જે પ્રદેશમાં મારી નિર્જન ઝૂંપડી છે તેમાં ઝાડ, છોડ ઉપરાંત જળચર, સ્થળચર, નભચર જીવજંતુઓ પણ ઘણાં છે. જ્યારે તે ફરવા નીકળે છે ત્યારે અનાયાસે તેમને મળવાનો મોકો મળે છે. શરૂઆતમાં તેઓ મારાથી ડરતાં હતાં, પણ હવે ઓળખી ગયાં છે. મને પોતાના કુટુંબનો સભ્ય જ માની લીધો છે. હવે તેઓ મારાથી ડરતાં નથી. મને પણ એમનો ડર લાગતો નથી. રોજબરોજની આ સમીપતા અને ઘનિષ્ઠતા વધતી જાય છે. લાગે છે કે આ પૃથ્વી પર એક મહાન વિશ્વ હાજર છે. આ વિશ્વમાં પ્રેમ, કરુણા, મૈત્રી, સહયોગ, સૌજન્ય, સૌંદર્ય, શાંતિ, સંતોષ વગેરે સ્વર્ગનાં બધાં જ ચિહ્નો મોજૂદ છે. આનાથી મનુષ્ય દૂર છે. તેણે પોતાની એક નાની શી અલગ દુનિયા બનાવી રાખી છે – માણસોની દુનિયા. આ અભિમાની અને દુષ્ટ પ્રાણીએ જ્ઞાનવિજ્ઞાનની લાંબીપહોળી વાતો ખૂબ કરી છે. મહાનતા અને શ્રેષ્ઠતાનાં, ધર્મ અને નૈતિકતા અંગે લાંબાં પહોળાં વિવેચનો પણ ખૂબ કર્યાં છે, પરંતુ સૃષ્ટિનાં અન્ય પ્રાણીઓ સાથે તેણે જે દુર્વ્યવહાર કર્યો છે તે તમામ પાખંડ ભૂલી જાય છે.

આજે વિચાર ઘણા ઊંડા ઊતરી ગયા. રસ્તો ભૂલી ગયો. કેટલાંય પશુપક્ષીઓને મન ભરીને લાંબા સમય સુધી જોતો રહ્યો. મનુષ્ય એટલા માટે જ સમાજનું સર્વશ્રેષ્ઠ પ્રાણી નથી મનાતું કે તેની પાસે બીજાંની સરખામણીએ વધુ બુદ્ધિ છે. જો બળથી મોટાપણું નક્કી થતું હોય તો દસ્યુ, સામંત, રાક્ષસ, પિશાચ, વૈતાળ તથા બ્રહ્મરાક્ષસની શ્રેષ્ઠતા આગળ તેણે માથું નમાવવું પડત. શ્રેષ્ઠતાનાં ચિહ્ન છે ઃ સત્ય, પ્રેમ, ન્યાય, સંયમ, ઉદારતા, ત્યાગ, સૌજન્ય, વિવેક અને સહૃદયતા. જો આ બધા ગુણો ના હોય તો માત્ર બુદ્ધિનું શસ્ત્ર ધારણ કરેલો નરપશુ લાંબા દાંત તથા નખવાળાં હિંસક પશુઓથી કેટલો અધિક વિકરાળ છે ! હિંસક પશુઓ ભૂખ્યાં હોય છે ત્યારે જ આક્રમણ કરે છે, પણ આ બુદ્ધિશાળી નરપશુ તો તૃષ્ણા અને અભિમાન માટે જ ભારે દુષ્ટ તથા ક્રૂર બની નિરંતર દુષ્કૃત્યો કરતો હોય છે.

ઘણું મોડું થયું હતું. ઝૂંપડી પર પાછા આવતાં આવતાં અંધારું થઈ ગયું. આ અંધકારમાં ઘણી મોડી રાત સુધી વિચારતો રહ્યો કે મનુષ્યની ભલાઈની, તેની સેવાની, તેના જ સાંનિધ્યની તેની ઉન્નતિની જે વાતો આપણે વિચારીએ છીએ તેમાં શું પક્ષપાત નથી કરતા ? આ સંકુચિત દૃષ્ટિકોણ નથી ? સદ્ગુણોની સરખામણીએ જ મનુષ્યને શ્રેષ્ઠ મનાય, બાકી તે અન્ય પ્રાણીઓમાં સૌથી વધુ દુષ્ટ છે. આપણો દૃષ્ટિકોણ મનુષ્યના પ્રશ્નો સુધી જ શા માટે સીમિત રહે ? આપણો વિવેક મનુષ્યેતર પ્રાણીઓ સાથે આત્મીયતા વધારવા, તેમનાં સુખદુખમાં ભાગ લેવા આગળ કેમ ન આવે ? આપણી જાતને માનવસમાજને બદલે સમગ્ર વિશ્વસમાજનો એક સભ્ય કેમ ન માનીએ ?

આ વિચારોમાં રાત ઘણી વીતી ગઈ. વિચારોના તીવ્ર દબાણમાં વારે વારે ઊંઘ ઊડી જતી હતી. ઘણાં સ્વપ્ન જોયાં. દરેક સ્થાનમાં અલગ અલગ જીવજંતુઓ સાથે ક્રીડાવિનોદ તથા સ્નેહમિલન કરવાનાં દૃશ્યો જોતો રહ્યો. બધાં સ્વપ્નોનો નિચોડ એક જ હતો કે મારી ચેતના વિભિન્ન પ્રાણીઓ સાથે સ્વજન સંબંધીઓ જેવી ઘનિષ્ઠતા અનુભવી રહી હતી. આજનાં સ્વપ્ન ઘણાં જ આનંદદાયક હતાં. એમ લાગતું હતું કે મારો આત્મા એક નાના ક્ષેત્રથી આગળ વધીને વિશાળ ક્ષેત્રને પોતાનું ક્રીડાંગણ બનાવી રહ્યો હતો. થોડાક દિવસો પહેલાં આ પ્રદેશનો સૂનકા૨ ખાવા ધાતો હતો, હવે તો એકલાપણું ક્યાંય દેખાતું નથી. બધી બાજુએ વિનોદ કરતા સાથીઓ જ મોજૂદ હતા. ભલે તે મનુષ્યની માફક બોલતા ન હોય. તેમના રીતરિવાજો માનવસમાજ જેવા ભલે ન હોય, પણ આ સાથીઓની ભાવના મનુષ્યની સરખામણીએ ઉત્કૃષ્ટ જ હતી. આવા ક્ષેત્રમાં રહેવાથી કંટાળવાનું હવે કોઈ કારણ ન હતું.

સૂનકારના સાથીઓ

સૂનકારના સાથીઓ

મનુષ્યની આ એક અદ્ભુત વિશેષતા છે કે તે જે પરિસ્થિતિમાં રહેવા માંડે છે તેનો અભ્યાસુ પણ થઈ જાય છે. જ્યારે હું આ નિર્જન વનની સૂની ઝૂંપડીમાં આવ્યો ત્યારે બધી બાજુ સૂનું સૂનું લાગતું હતું. અંતરનું એકલાપણું જ્યારે બહાર આવતું ત્યારે સર્વત્ર સૂનકાર જ ભાસતો, પરંતુ હવે અંતરની લઘુતા ધીમે ધીમે વિસ્તૃત થવા માંડી છે. ચારે બાજુ બધું આપણું જ, હસતું બોલતું લાગે છે. હવે અંધારામાં ડર શેનો ? અમાસની અંધારી રાત, ઘેરાયેલાં વાદળ, ઝરમર ઝરમર વરસાદ, ઠંડી હવાનો કામળામાંથી અંદર ઘૂસવાનો પ્રયત્ન. નાની શી ઝૂંપડીમાં પાંદડાંની સાદડી પર પડ્યું પડ્યું આ શરીર આજે ફરી વાર બેચેની અનુભવી રહ્યું હતું. ઊંઘ આજે ફરી ઊડી ગઈ. વિચારપ્રવાહ ફરી શરૂ થયો. આપ્તજનો અને સગવડોથી ભર્યુંભાદર્યું ઘર અને સૂનકારની ચાદર ઓઢી સૂસવાટા મારતા પવનથી થરથર કાંપતી, પાણીથી ભીંજાયેલી ઝૂંપડીની સરખામણી થવા લાગી. બંનેના ગુણદોષ ગણાવા લાગ્યા.

શરીર બેચેની અનુભવી રહ્યું હતું. મગજે પણ તેને સાથ આપ્યો. આવી બેચેનીમાં તે કઈ રીતે ખુશ રહે ? આત્મા વિરુદ્ધ બંને એક થઈ ગયાં. મગજ તો શરીરે ખરીદેલા વકીલ જેવું છે. જેમાં શરીરને રુચિ હોય તેનું સમર્થન કર્યા કરવું તે તો મગજનો ધંધો છે. રાજાના દરબારીઓ જે રીતે રાજાની રુચિ પ્રમાણે વાતો કરવા ટેવાય છે, રાજાને પ્રસન્ન રાખવા તેની હામાં હા ભણવામાં નિપુણ થઈ જાય છે તેવું જ મારા મગજે કર્યું. મગજની રુચિ જોઈ તેને અનુકૂળ જ વિચારપ્રવાહ શરૂ થયો. સાબિતીઓમાં અસંખ્ય કારણો, હેતુ, પ્રયોજન તથા પ્રમાણો રજૂ કરવાં તે તો તેના (મગજના) ડાબા હાથનો ખેલ છે. સગવડોથી ભરેલા ધરના ગુણગાન અને આ કષ્ટદાયક નિર્જન ઝૂંપડીના દોષ દર્શાવવામાં તે બેરિસ્ટરોના ય કાન કાપવા માંડ્યું. જોરદાર હવાની માફક તેની દલીલો જોરદાર ચાલતી હતી.

એટલામાં એક બાજુએથી નાના કાણામાં બેઠેલા તમરાએ પોતાનું મધુર સંગીત આરંભ્યું. એકમાંથી પ્રોત્સાહન મેળવી બીજાએ અવાજ કાઢ્યો, બીજાનો અવાજ સાંભળી, ત્રીજાએ, પછી ચોથાએ… આમ આ ઝૂંપડીમાં પોતપોતાની બખોલોમાં રહેતાં કેટલાંય તમરાં સાથે ગાવા લાગ્યાં. આમ તમરાંનો અવાજ ઉપેક્ષાવૃત્તિથી તો ઘણીય વાર સાંભળ્યો હતો. તેને હું કર્કશ, વ્યર્થ અને મૂર્ખતાભર્યો જ સમજ્યો હતો, પણ આજે મગજને બીજું કામ ન હતું. તે ધ્યાનપૂર્વક તમરાંના ગીતગુંજનના ચઢાવઉતારને સમજવા લાગ્યું. નિર્જન સૂનકારની નિંદા કરતાં તેય થાકી ગયું હતું. આ ચંચળ વાંદરા જેવા મગજને હર પળે નવું નવું કામ જોઈએ . તે તમરાંની ગીતસભામાં રસ લેવા લાગ્યું.

તમરાંએ ઘણું મધુર ગીત ગાયું. તેમનું ગીત માણસની ભાષામાં તો ન હતું, પણ જેવું વિચારીએ છીએ તેવો ભાવ એમાં જરૂર હતો. તેમણે ગાયું – આપણે બંધનમુક્ત કેમ ન બનીએ ? સ્વતંત્રતાનો આનંદ કેમ ન લઈએ ? સીમા જ બંધન છે. સીમા તોડવામાં જ મુક્તિનું તત્ત્વ રહેલું છે. જેનું સુખ પોતાની ઇન્દ્રિયોમાં જ બંધાયેલું છે, જે અમુક ચીજોને તેમ જ અમુક વ્યક્તિઓને જ પોતાની માને છે, જેનો સ્વાર્થ અમુક ઇચ્છાઓ સુધી જ મર્યાદિત છે તે બિચારું ક્ષુદ્ર પ્રાણી પરમકૃપાળુ પરમાત્માના અસીમ વિશ્વમાં ભરેલા અખૂટ આનંદનો અનુભવ કઈ રીતે કરી શકે ? જીવ, તુંય અસીમ બન ! આત્માનો અસીમ વિસ્તાર કર. સર્વત્ર આનંદ ફેલાયેલો છે તેનો અનુભવ કર અને અમર થઈ જા !

એકતારાના તાલમાં લીન થઈ જેમ કોઈ મંડળી કોઈ ઉલ્લાસ ગીત ગાઈ રહી હોય તેવી જ રીતે આ તમરાં મસ્ત બની પોતાનું ગીત ગાઈ રહ્યાં હતાં. કોઈને સંભળાવવા નહિ. હું પણ તેનાથી ભાવવિભોર થઈ ગયો. વરસાદને લીધે ઝૂંપડીને થયેલા નુકસાનથી ઊભી થયેલી મુશ્કેલી ભુલાઈ ગઈ. સૂનકારમાં શાંતિગીત ગાનારા સાથીઓએ ઉદાસીનતા દૂર કરી ઉલ્લાસનું વાતાવરણ ઊભું કરી દીધું.

જૂની ટેવો ભુલાવા લાગી. મનુષ્યો સુધીની સીમિત આત્મીયતા પ્રાણીમાત્ર સુધી વિસ્તૃત કરવાનો પ્રયત્ન કર્યો તો મારી પોતાની દુનિયા જ ઘણી વિશાળ થઈ ગઈ. મનુષ્યના સહવાસમાં સુખના અનુભવે અન્ય પ્રાણીઓ સાથે પણ તેવા જ સુખનો અનુભવ કરવાનું શીખી લીધું. હવે આ નિર્જન વનમાં પણ કંઈ સૂનકાર દેખાયો નહિ.

આજે ઝૂંપડીમાંથી બહાર નીકળી અહીંતહીં ફરવા લાગ્યો તો ચારેય તરફ મિત્રો જ નજરે પડ્યા. વિશાળ વૃક્ષો પિતા અને દાદા સમાન લાગવા લાગ્યાં. ખાખરાનાં વૃક્ષો એવાં લાગતાં હતાં, જાણે ગેરુ રંગનાં કપડાં પહેરી કોઈ મહાત્મા ઊભા ઊભા તપ કરી રહ્યા છે ! દેવદાર અને ચીડનાં ઊંચા ઝાડ સંત્રી (ચોકીદાર)ની જેમ સાવધ ઊભાં હતાં. જાણે માણસજાતિમાં પ્રખ્યાત દુર્બુદ્ધિ પોતાના સમાજમાં ઘૂસણખોરી ન કરે તે માટે તકેદારી રાખતાં ઊભાં ન હોય !

નાના નાના છોડ, વેલ વગેરે નાનાં ભૂલકાંની માફક એક કતારમાં બેઠાં હતાં. ફૂલોથી એમનાં માથાં સુશોભિત હતાં. પવનની લહેરો સાથે ડોલતાં જોઈ એવું લાગતું હતું કે પ્રાથમિક શાળાનાં બાળકો માથાં હલાવી હલાવીને આંક ગોખી રહ્યાં હોય. વૃક્ષોની ડાળીઓ પર કિલ્લોલ કરતાં પક્ષીઓ મધુર સ્વરમાં એવાં ટહુકી રહ્યાં હતાં જાણે યક્ષ- ગંધર્વોના આત્માઓ સુંદ૨ ૨મકડાં જેવા આકાર ધારણ કરી આ વનશ્રીનાં ગુણગાન ગાય છે, તેનું અભિવાદન કરે છે. જાણે સ્વર્ગ જ પૃથ્વી પર ઊતર્યું ન હોય ! નાના કિશોરોની જેમ હરણાં ઊછળકૂદ કરી રહ્યાં છે. જંગલી ઘેટાં એવાં નિશ્ચિંત બની ઘૂમી રહ્યાં હતાં કે જાણે આ પ્રદેશની ગૃહલક્ષ્મી તે જ ન હોય ! દિલ બહેલાવવા ચાવીવાળાં કીમતી રમકડાંની જેમ નાનાં નાનાં જીવજંતુ ધરતી પર ફરી રહ્યાં હતાં. તેમનાં રૂપરંગ, ચાલ બધું જ નિહાળવા યોગ્ય હતું. ઊડતાં પતંગિયાં ફૂલો સાથે પોતાના સૌંદર્યની હરીફાઈ કરી રહ્યાં હતાં. તેમનામાંથી કોણ વધારે રૂપાળું છે તેની જાણે હોડ લાગી હતી.

નવયૌવનનો ભાર જેનાથી જી૨વાતો નથી એવી અલ્લડ નદી બાજુમાંથી જ વહી રહી હતી. તેની ચંચળતા અને ઊછળકૂદ જોવા જેવી હતી. ગંગામાં બીજી નદીઓ પણ આવીને મળે છે. મિલનના સંગમ પર એવું લાગતું હતું, જાણે બે સગી બહેનો સાસરે જતાં એકબીજીને ભેટી રહી છે. પર્વતરાજ હિમાલયે પોતાની હજારો પુત્રીઓનાં (નદીઓનાં) લગ્ન સમુદ્ર સાથે કર્યાં છે. સાસરે જતાં બહેનો કેવી આત્મીયતાથી મળે છે ! સંગમ ૫૨ ઊભાં ઊભાં આ દશ્ય જોતાં મન ધરાતું ન હતું. એમ લાગતું હતું કે બસ, આ દૃશ્ય જોયા જ કરું. વયોવૃદ્ધ રાજપુરુષો અને લોકનાયકોની જેમ પર્વત શિખરો દૂર દૂર સુધી એવાં બેઠાં હતાં, જાણે કોઈ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરી રહ્યાં ન હોય ! બરફાચ્છાદિત શિખરો તેમના સફેદ વાળની યાદ દેવડાવતા. તેમના પર ઊડતાં નાનાં વાદળો એવાં લાગતાં હતાં, જાણે ઠંડીથી બચાવવા તે વડીલો પર નવા નવા રૂના સુંદર ટોપા પહેરાવી રહ્યાં છે. કીમતી શાલોથી તેમનાં ઉઘાડાં શરીરને લપેટી રહ્યાં છે.

જ્યાં જ્યાં નજર ઠરતી હતી ત્યાં ત્યાં એક વિશાળ કુટુંબ મારી ચારે બાજુ બેઠેલું દેખાયું. તેઓ બોલી તો શકતા નથી, પણ તેમની આજ્ઞામાં રહેલા ચેતનાના શબ્દો બોલ્યા વિના ઘણું બધું કહી જાય છે. જે કહે છે તે હૃદયથી કહે છે અને તેવું જ કરી બતાવે છે. આથી શબ્દો વિનાની, પણ ખૂબ જ માર્મિક વાણી આ પહેલાં કદી સાંભળવા મળી ન હતી. તેમના શબ્દ સીધા જ આત્મા સુધી પ્રવેશ કરતા હતા અને રોમેરોમને ઝણઝણાટી દેતા હતા. હવે સૂનકાર ક્યાં ? હવે ભય શેનો ? ચારે બાજુએ ? ? સાથીઓ અને દોસ્તો જ બેઠા છે.

સોનેરી તડકો ઊંચાં પર્વતશિખરો પરથી ઊતરી પૃથ્વી પર થોડી વાર માટે આવી ગયો હતો. જાણે અજ્ઞાનરૂપી અંધકારવાળા હૃદયમાં કોઈ સત્સંગના જોરે થોડાક સમય માટે જ્ઞાનનો પ્રકાશ ફેલાયો હોય. ઊંચે પહાડોની આડમાં સૂરજ છુપાયેલો રહે છે. ફક્ત ભરબપોરે જ થોડો સમય તેનાં દર્શન થાય છે. તેનાં કિરણો જીવોમાં ચેતનાની એક લહેર દોડાવી દે છે. બધાંમાં ગતિશીલતા અને પ્રસન્નતા ઊભરાય છે. આત્મજ્ઞાનનો સૂરજ પણ ક્યારેક વાસના અને તૃષ્ણાનાં શિખરો પાછળ છુપાયેલો રહે છે, પણ જ્યારે તેનો ક્યાંક ઉદય થશે ત્યાં તેનાં સોનેરી કિરણો એક દિવ્ય હલચલ ઉત્પન્ન કરતાં ચોક્કસ દેખાશે. શરીર એ સ્વર્ગીય કિરણોનો આનંદ લેવા ઝૂંપડીની બહાર આવ્યું અને મખમલની સાદડીની જેમ છવાયેલા લીલા ઘાસ પર ટહેલવા એક તરફ ચાલવા માંડ્યું. થોડેક દૂર રંગબેરંગી ફૂલોનું એક મોટું ઝુંડ હતું. આંખો ત્યાં જ આકર્ષિત થઈ અને તે દિશામાં કદમ ઉપડ્યાં.

નાનાં ભૂલકાં માથા પર રંગીન ટોપા પહેરી ભેગાં મળીને કોઈ રમતની તૈયારી કરવામાં વ્યસ્ત હોય એવાં ફૂલોથી લદાયેલા એ છોડ હતા. હું તેમની વચ્ચે જઈને બેઠો. એવું લાગ્યું કે હું પણ એક ફૂલ છું. જો છોડ મને એમનો મિત્ર બનાવી દે તો મને મેં ગુમાવેલું બચપણ પાછું મેળવવાનો પુણ્ય અવસર મળે. ભાવના આગળ વધી. જ્યારે હ્રદય પુલકિત થતું હોય ત્યારે ખરાબ વિચારો ઠંડા પડી જાય છે. મનુષ્યના ભાવોમાં પ્રબળ રચનાશક્તિ છે. તે પોતાની દુનિયા જાતે જ વસાવી લે છે. કલ્પનાશીલ જ નહિ, શક્તિશાળી અને સજીવ પણ ! પરમાત્મા અને દેવોની રચના તેણે પોતાની જ ભાવનાના આધારે કરી છે અને તેમાં પોતાની શ્રદ્ધા ભેળવીને તે રચનાને એટલી મહાન બનાવી છે, જેટલો મહાન તે પોતે છે. મારો ભાવ ફૂલ બનવા તૈયાર થયો એટલે ફૂલ જેવા બનવામાં વાર ન લાગી. એવું લાગ્યું કે આ કતારમાં બેઠેલાં ફૂલો મને પણ મિત્ર માની પોતાની સાથે રમાડવા તૈયાર થયાં હતાં. જેની પાસે બેઠો હતો તે પીળાં ફૂલવાળો છોડ હસમુખો અને વાચાળ હતો. પોતાની ભાષામાં તેણે કહ્યું, “દોસ્ત, તું માનવદેહે ખોટો જન્મ્યો છું. તમારી તે કંઈ જિંદગી છે ? દરેક પળે ચિંતા, દરેક પળે લાયઉકાળા, દરેક પળે તાણ ! ફરી વાર તું છોડ જ બનજે અને અમારી સાથે રહેજે. જોતો નથી અમે કેટલા પ્રસન્ન છીએ ? કેવા રમીએ છીએ ? જીવનને ખેલ માની જીવવામાં કેટલી શાંતિ છે તે બધા જ લોકો જાણે છે. જોતો નથી અમારા અંતરનો ઉલ્લાસ સુગંધના રૂપમાં બહાર નીકળી રહ્યો છે ? અમારું હાસ્ય ફૂલોના રૂપમાં વેરાયેલું છે. બધાં અમને પ્રેમ આપે છે. બધાંને અમે આનંદિત કરીએ છીએ. જીવન જીવવાની આ જ કળા છે. માણસ બુદ્ધિશાળી હોવાનો દાવો કરે છે, પણ જો તે હસીખુશીથી જીવન વિતાવતાં ન શીખે તો એ બુદ્ધિ શા કામની ?’’ ફૂલે આગળ કહ્યું, “મિત્ર, તને મેણાં મારવા નહિ, મારી મોટાઈ સાબિત કરવા નહિ, પણ મેં જે કંઈ કહ્યું છે તે સત્ય હકીકત નથી ? સારું, એ બતાવ કે અમે ધનવાન, વિદ્વાન, ગુણવાન, સાધનસંપન્ન કે બળવાન ન હોવા છતાં કેટલાં પ્રસન્ન રહીએ છીએ ! મનુષ્ય પાસે આ બધું હોવા છતાં જો તે ચિંતાતુર અને અસંતુષ્ટ રહેતો હોય તો શું તેનું કારણ તેની બુદ્ધિહીનતા ન માનવી ? પ્રિય, જો તું બુદ્ધિશાળી હોય તો તે બુદ્ધિહીન લોકોનો સાથ છોડી દઈ થોડોક સમય પણ અમારી સાથે હસવા રમવા ચાલ્યો આવ. તું ઇચ્છે તો અમારા જેવા કેટલાય તુચ્છ જીવો પાસેથી જીવનવિદ્યાનું એક મહત્ત્વપૂર્ણ તથ્ય શીખી શકે છે.

મારું માથું શ્રદ્ધાથી નમી ગયું. “પુષ્પમિત્ર ! તું ધન્ય છે. બિલકુલ ઓછાં સાધનો હોવા છતાં જીવન કેવું જીવવું જોઈએ તે તું જાણે છે. એક અમે જ એવા છીએ, જે મળેલા સૌભાગ્યના ગુણદોષ જોવામાં જ જીવન વ્યતીત કરીએ છીએ. મિત્ર ! તું જ સાચો ઉપદેશક છે. બોલીને નહિ, આચરીને શીખવે છે. બાળમિત્ર ! અહીં શીખવા જ આવ્યો છું અને તારી પાસેથી ઘણું બધું શીખીશ. સાચા દોસ્તની જેમ શીખવામાં કચાશ નહિ રાખું.

પીળાં ફૂલવાળો હસમુખો છોડ ખિલખિલાટ હસવા લાગ્યો. માથું હલાવી હલાવીને તે મંજૂરી આપી રહ્યો હતો. બોલ્યો, “શીખવાની ઇચ્છાવાળાને તો ડગલે ને પગલે શિક્ષકો મળી જ રહે છે, પણ આજે કોઈ શીખવા જ ક્યાં માગે છે ! બધા જ પોતાની પૂર્ણતાના અભિમાનમાં ઉદંડ બનીને ફર્યા કરે છે. શીખવા માટે હૃદયનાં દ્વાર ખોલી દઈએ તો હવાની જેમ શિક્ષણ – સાચું શિક્ષણ જાતે જ આપણા હૃદયમાં પ્રવેશ કરવા માગે છે.’

સૂનકારભરી ઝૂંપડી, સૂનકારના સાથીઓ

સૂનકારભરી ઝૂંપડી, સૂનકારના સાથીઓ

આ ઝૂંપડીની ચારે બાજુ સન્નાટો છવાઈ ગયો છે. કુદરત થંભી ગયેલી જણાય છે. સૂનકાર મને ખાવા ધાય છે. દિવસ વીત્યો, રાત આવી. નવા બદલાયેલા વાતાવરણમાં ઊંઘ ન આવી. હિંસક પશુ, ચોર, સાપ, ભૂત વગેરેની નહિ, પણ એકલવાયાપણાથી બીક લાગતી હતી. શરીરને પાસાં બદલવા સિવાય કોઈ કામ ન હતું. મગજ શૂન્ય હતું. વિચારવાની જૂની વૃત્તિ સળવળી ઊઠી. વિચારવા લાગ્યો, “એકલા પડી જવાથી ડર કેમ લાગે છે ?’’

અંદરથી સમાધાન મળ્યું. મનુષ્ય સૃષ્ટિનું એક અંગ છે. તેનું પોષણ સમષ્ટિ દ્વારા જ થયેલું છે. પાણી તત્ત્વથી ઓતપ્રોત માછલીનું શરીર જેવી રીતે પાણીમાં જ જીવી શકે છે તેવી જ રીતે મનુષ્ય સમષ્ટિનું એક અંગ, સમાજનો એક ઘટક, વ્યાપક ચેતનાનું એક બીજ હોવાથી તેને સમૂહમાં જ જીવવાનો આનંદ આવે છે. એકલવાયાપણામાં તે વ્યાપક ચેતનાથી દૂર થઈ જાય છે એ કારણે આંતરિક પોષણથી તે વિમુખ થઈ જાય છે. આ અભાવના લીધે જ સૂનકારમાં ડર લાગે છે.

કલ્પના આગળ દોડી. રૂઢિગત માન્યતાઓની પૂર્તિમાં જીવનનાં અનેક સંસ્મરણો શોધી કાઢઢ્યાં. સૂનકારના, એકલવાયાપણાના ઘણા પ્રસંગો યાદ આવ્યા. તેમાં આનંદ ન હતો. ફક્ત સમય જ પસાર કર્યો હતો. સ્વાતંત્ર્યસંગ્રામ વખતે જ્યારે જેલમાં જવું પડ્યું હતું તે સમયની યાદ આવી. આમ તો કેદખાનામાં કોઈ દુઃખ તો ન હતું, છતાંય એકલતાનું માનસિક દબાણ ઘણું હતું. એક મહિના પછી છૂટ્યો ત્યારે શરીર પાકી કેરીની જેમ પીળું પડી ગયું હતું. ઊભા થવા જતાં ચક્કર આવતાં હતાં. કારણ કે સૂનકાર ગમતો ન હતો, તેથી મગજનાં બધાં જ કેન્દ્રો સૂનકારની ખોડખાંપણ સાબિત કરવામાં રચ્યાંપચ્યાં રહેતાં હતાં. મગજ તો એક નોકર જેવું છે. અંતરમાં જેવી ભાવના કે માન્યતા રાખીએ તેને અનુરૂપ જ તે વિચારોના, તર્કોના, સાબિતીઓના, કારણોના, દાખલાદલીલોના પહાડના પહાડ જમા કરી દેતું હોય છે. વાત સાચી કે ખોટી એ નક્કી કરવું તે વિવેકબુદ્ધિનું કામ છે. મગજની તો ફક્ત એટલી જ જવાબદારી છે કે ઇચ્છા જ્યાં જાય ત્યાં તેના સમર્થન માટે, સાબિતી માટે જરૂરી વિચારસામગ્રી રજૂ કરી દેવી. મારું મન પણ અત્યારે આ જ કરી રહ્યું હતું.

મગજ હવે દાર્શનિક રીતે વિચારવા લાગ્યું. સ્વાર્થી લોકો પોતે પોતાની જાતને જ એકલા માને છે. એકલાના જ નફા જ તોટાની વાત વિચારે છે. તેમને પોતાનું કોઈ જ દેખાતું નથી. તેથી જ તેઓ સામૂહિકતાના આનંદથી વંચિત રહે છે. તેમનું અંતઃકરણ ભેંકાર સ્મશાનની જેમ ખાવા ધાય છે. એવી કેટલીય પરિચિત વ્યક્તિઓનાં જીવનચરિત્રો સામે આવી ઊભાં, જેમને ધનવૈભવની, સમૃદ્ધિની કોઈ જ ઇચ્છા ન હતી. ન પોતાના અંગત સ્વાર્થથી ૫૨ હોવાને કારણે જ તેઓ સમષ્ટિનું હિત નિહાળી શક્યા હતા.

વિચારપ્રવાહ પોતાની દિશામાં તીવ્ર ગતિએ દોડી રહ્યો હતો. એમ લાગતું હતું કે વિચારો એકલવાયાપણાને હાનિકા૨ક અને પીડાદાયક સાબિત કરીને જ જંપશે. ત્યારે ઇચ્છા પોતાનો પ્રસ્તાવ રજૂ કરશે, “આ મૂર્ખતામાં પડ્યા રહેવાથી શો ફાયદો ?

એકલા રહેવું તેના કરતાં જનસમૂહમાં રહી જે ભોગવવા યોગ્ય છે તે શા માટે પ્રાપ્ત ન કરવું ?’’

વિવેકબુદ્ધિએ મનની જૂઠી દોડને ઓળખી અને મનને કહ્યું, જો એકલવાયાપણું બિનઉપયોગી હોત તો ઋષિમુનિઓ, સાધકો, સિદ્ધપુરુષો, વિચારકો, વૈજ્ઞાનિકો શા માટે તેની શોધમાં હોત ? શા માટે એવા એકાંત વાતાવરણમાં રહે છે ? સ્વાધ્યાય અને ચિંતન માટે અને તપ તથા ધ્યાન માટે એકાંત કેમ શોધવામાં આવે છે ? જો એકાંતનું કોઈ મહત્ત્વ ન હોત તો સમાધિસુખ અને આત્મદર્શન માટે શું કામ એની શોધ થઈ હોત ? દૂરદર્શી મહાપુરુષોનો અમૂલ્ય સમય શા માટે એકાંતમાં વેડફાયો હોત ?

લગામ ખેંચવાથી જેમ ઘોડો ઊભો રહી જાય છે તેવી જ રીતે એકલવાયાપણાને દુખદાયક સાબિત કરનારો વિચારપ્રવાહ થંભી ગયો. નિષ્ઠાએ કહ્યું, “જે શક્તિ આ માર્ગે ખેંચી લાવી છે તે ખોટું માર્ગદર્શન નહિ આપે” ભાવનાએ કહ્યું, “જીવ એકલો જ આવે છે અને એકલો જ જાય છે. એકલો જ પોતાના શરીરરૂપી ઓરડીમાં બેસી રહે છે. આ નિર્ધારિત એકાંતમાં તેને કંઈ એકલાપણું લાગે છે ? સૂર્ય એકલો જ ચાલે છે. ચંદ્રમા એકલો જ ઊગે છે. વાયુ એકલો જ વહે છે. તેમાં એમને કંઈ દુખ છે ?”

વિચારો કરવાથી વિચારો ઊડી જાય છે. માનસશાસ્ત્રના આ સિદ્ધાંતે પૂરું કામ કર્યું. અડધી ઘડી પહેલાં જે વિચારો પોતાનો પૂર્ણ અનુભવ કહી રહ્યા હતા તે કપાયેલા ઝાડની જેમ ફસડાઈ પડવા. વિરોધી વિચારોએ તેમને હરાવી દીધા. આત્મવેત્તાઓએ એટલા માટે જ અશુભ વિચારોને શુભ વિચારોથી કાપવાનું મહત્ત્વ દર્શાવ્યું છે. ખરાબમાં ખરાબ પ્રબળ વિચાર હોય, પણ ઉત્તમ પ્રતિસ્પર્ધી વિચારથી તેને કાપી શકાય છે. અશુદ્ધ માન્યતાઓને શુદ્ધ માન્યતાઓ કઈ રીતે બનાવી શકાય છે તે આ સૂની રાતે પાસાં બદલતાં મેં પ્રત્યક્ષ જોયું. હવે મગજ એકાંતની ઉપયોગિતા, જરૂરિયાત અને મહત્તા પર વિચારવા લાગ્યું.

રાત ધીરે ધીરે વીતવા લાગી. ઊંઘ ન આવવાથી ઊઠીને ઝૂંપડી બહાર નીકળ્યો તો જોયું કે ગંગાની ધારા પોતાના પ્રિયતમ સમુદ્રને મળવા માટે વ્યાકુળ પ્રેયસીની જેમ તીવ્ર ગતિએ દોડી રહી હતી. રસ્તામાં પડેલા પથ્થરો એનો માર્ગ અવરોધવા પ્રયત્ન કરતા હતા, પણ તેમનાથી તે રોકાતી ન હતી. અનેક ખડકો સાથે અથડાવાથી તેનાં અંગપ્રત્યંગ ઘાયલ થઈ રહ્યાં હતાં, છતાં તે કોઈને કંઈ ફરિયાદ કરતી ન હતી. નિરાશ પણ થતી ન હતી. આ વિઘ્નોની તે પરવા પણ કરતી ન હતી. અંધારાનો, એકલાપણાનો તેને ડર ન હતો. પોતાના હૃદયેશ્વરને મળવાની વ્યગ્રતા તેને આ બધી વાતો ધ્યાનમાં લાવવા દેતી ન હતી. પ્રિય પાત્રના ધ્યાનમાં નિમગ્ન હરહર, કલકલ પ્રેમગીત ગાતી ગંગા નિદ્રા અને વિશ્રામને તિલાંજલિ આપી ચાલતા રહેવાની ધૂનમાં જ મગ્ન હતી.

ચંદ્રમા માથા પર આવી પહોંચ્યો હતો. ગંગાની લહેરોમાં તેનાં અનેક પ્રતિબિંબ ચમકી રહ્યાં હતાં, જાણે એક બ્રહ્મ અનેક શરીરમાં દાખલ થઈ એકમાંથી અનેક થવાની પોતાની માયા રચી રહ્યા હતા. દશ્ય ઘણું જ સોહામણું હતું. ઝૂંપડીમાંથી નીકળી ગંગાકિનારે એક મોટા પથ્થર પર બેઠો અને અનિમેષ આંખે તે સુંદર દૃશ્યનો લહાવો લેવા લાગ્યો. થોડીક જ વારમાં ઝોકું આવી ગયું અને તે ઠંડા પથ્થર પર જ ઊંઘ આવી ગઈ.

એવું લાગ્યું કે તે જળધારા કમળના ફૂલ જેવી એક દેવકન્યાના રૂપમાં ફેરવાઈ ગઈ. તેની અલૌકિક, શાંત અને સમુદ્રના જેવી સૌમ્ય મુદ્રાથી એવું લાગતું હતું કે જાણે આ પૃથ્વીની બધી જ પવિત્રતા એકત્રિત થઈને મનુષ્યદેહે ઊતરી રહી છે. તે નજીકના જ એક પથ્થરના ટુકડા પર બેસી ગઈ. આ બધું જાણે હું જાગ્રતાવસ્થામાં જોઈ રહ્યો હતો. તે દેવકન્યા ધીમે ધીમે અત્યંત શાંત ભાવથી મધુર અવાજે કંઈક કહેવા લાગી. હું મંત્રમુગ્ધ થઈ એકચિત્તે સાંભળવા લાગ્યો. તે બોલી, “હે મનુષ્ય દેહધારી આત્મા ! તું આ નિર્જન જંગલમાં ! તું પોતાની જાતને એકલો ન માનીશ. દૃષ્ટિ ફેલાવીને જો ! ચારે બાજુ તું જ વિખરાયેલો પડ્યો છે. ફક્ત મનુષ્ય પૂરતો તું તારી જાતને બાંધી ન દે. આ વિશાળ સૃષ્ટિમાં મનુષ્ય પણ એક નાનું પ્રાણી જ છે અને તેનું પણ કોઈ એક સ્થાન છે, પરંતુ તે સર્વસ્વ નથી. જ્યાં મનુષ્ય નથી ત્યાં સૂનકાર છે એવું કેમ માની શકાય ? બીજા જડચેતન જીવો પરમાત્માને તારા જેટલા જ વહાલા છે. તું શા માટે તેમને તારા ભાઈઓ માનતો નથી ? તેમનામાં તારા જ આત્માનું દર્શન કેમ નથી કરતો ? તેમને તારા સાથીઓ કેમ નથી માનતો ? આ નિર્જન સ્થાનમાં મનુષ્ય તો નથી, પણ ઘણા જીવો મોજૂદ છે. પશુપક્ષીઓ, જીવજંતુઓ, પતંગિયાં, વૃક્ષ, વનસ્પતિઓ જેવી અનેક યોનિઓ આ ગિરિકંદરાઓમાં નિવાસ કરે છે. બધામાં જીવ છે, આત્મા છે, ભાવના છે. જો તું આ અચેતન લાગતા ચેતનોના આત્મા સાથે તારા આત્માને ભેળવી શકે તો તે પથિક ! તું તારા ખંડિત આત્માને સમગ્ર આત્માના રૂપમાં જોઈ શકીશ.’ ધરતી પર અવતરેલી તે દિવ્ય સૌંદર્યની અદ્ભુત મૂર્તિ સમાન દેવકન્યા અવિરત કહી રહી હતી. “મનુષ્યને ભગવાને બુદ્ધિ આપી છે, પણ તે અભાગિયો સુખ ક્યાંથી મેળવી શકે ? તૃષ્ણા અને વાસનામાં તેણે દૈવી વરદાનનો દુરુપયોગ કર્યો અને જે આનંદ મળી શકતો હતો તેનાથી વંચિત થઈ ગયો. પ્રશંસાને પાત્ર મનુષ્ય કરુણાપાત્ર થઈ ગયો છે, પણ સૃષ્ટિના બીજા બધા જીવો આવી મૂર્ખતા નથી કરતા. તેમનામાં ચેતનાની માત્રા ભલે થોડીક જ હોય, પણ તારી ભાવનાને તેમની ભાવના સાથે મેળવી તો જો ! એક્લવાયાપણું ક્યાં છે? બધા જ તારા સાથીઓ છે.’

પાસું બદલતાં જ ઝબકીને જાગી ગયો. એકદમ ગભરાઈને બેઠો થઈ ગયો. ચારે બાજુ દૃષ્ટિ દોડાવી તો અમૃતતુલ્ય સુંદર સંદેશ સંભળાવનારી કન્યા ત્યાં ન હતી. એમ લાગ્યું કે જાણે તે નદીમાં જ સમાઈ ગઈ. મનુષ્યદેહ ત્યજી દઈ જલધારામાં ફેરવાઈ ગઈ હોય. મનુષ્યની ભાષામાં કહેલા શબ્દો સંભળાયા નહિ,પણ હરહર, કલકલ અવાજમાં એવો જ ભાવ, એવો જ સંદેશ અનુભવ્યો. સ્થૂળ કાન તો તેને સાંભળી શકતા ન હતા, પણ કાનનો આત્મા હજુય તેને સમજી રહ્યો હતો, ગ્રહણ કરી રહ્યો હતો.

આ સ્વપ્ન હતું કે જાગ્રતાવસ્થા ? સત્ય હતું કે ભ્રમ ? મારા પોતાના વિચારો હતા કે દિવ્ય સંદેશ? કંઈ જ સમજાતું ન હતું. આંખો ચોળી માથે હાથ ફેરવ્યો. જે સાંભળ્યું તથા અનુભવ્યું હતું તેને શોધવાનો પુનઃ પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. કંઈ જ મળતું ન હતું. કંઈ જ સમાધાન થતું ન હતું. એટલામાં જોયું તો ઊછળતી લહેરોમાં અનેક ચંદ્ર પ્રતિબિંબિત થઈ એકાકાર થઈ ચારે બાજુથી એકઠા થઈ રહ્યા હતા અને મરક મરક હસતાં કહી રહ્યા હતા, “અમે આટલા બધા ચંદ્ર તારી સાથે રમવા માટે, મોજમજા માણવા તૈયાર છીએ. શું તું અમને તારા મિત્ર નહિ માને ? શું અમે યોગ્ય મિત્ર નથી ? મનુષ્ય ! તું તારી સ્વાર્થી દુનિયામાંથી આવ્યો છે. જેને જેની સાથે મમતા છે, જેનાથી તેનો સ્વાર્થ સધાય છે તે પ્રિય છે. જેનાથી સ્વાર્થ સધાયો તે પ્રિય તથા પોતાનો, જેનાથી સ્વાર્થ ન સધાયો તે પારકો. આ તમારી દુનિયાના રીતરિવાજો છોડ. અમારી દુનિયાના રિવાજો શીખ. મમતા, સ્વાર્થ, સંકીર્ણતા છોડી દે. અહીં બધા આપણા જ છે. બધામાં આપણો જ આત્મા છે. તું પણ આવું વિચાર. પછી આપણે મિત્રો બનીશું અને તને એકલાપણું નહિ લાગે.’

તું તો અહીં કંઈક સિદ્ધ કરવા આવ્યો છે ને ? સાધના કરતી આ ગંગાને જોતો નથી ? પ્રિયતમના પ્રેમમાં તલ્લીન થઈ કેટલી તન્મયતા તથા આતુરતાથી તેને મળવા જઈ રહી છે ! રસ્તામાં આવતાં વિઘ્નો એને ક્યાં રોકી શકે છે ? અંધકાર અને એકલાપણાને તે ક્યાં જુએ છે ? ધ્યેયની યાત્રામાં એક ક્ષણ માટે પણ તેનું મન ક્યાં વિચલિત થાય છે ? જો સાધનાનો રસ્તો જ અપનાવવો હોય તો તારે પણ આ જ આદર્શ અપનાવવો પડશે. જ્યારે પ્રિયતમને પામવા તારો આત્મા પણ ગંગાની ધારની જેમ તલપાપડ હશે તો તને કઈ રીતે ભીડનું આકર્ષણ અને એકલાપણાનો ભય રહેશે ? ગંગાતટે રહેવું હોય તો ગંગાની પ્રેમસાધના પણ શીખ, સાધક !’’

ઠંડી લહેરો સાથે બાળચંદ્ર નાચી રહ્યા હતા. જાણે ક્યારેક મારા મથુરામાં થયેલું રાસનૃત્ય પ્રત્યક્ષ થઈ રહ્યું ન હોય ! લહેરો ગોપીઓ બની, ચંદ્રે કૃષ્ણનું રૂપ ધારણ કર્યું. એક એક ગોપી સાથે એક એક કૃષ્ણ ! કેવું અદ્ભુત રાસનૃત્ય આ આંખો જોઈ રહી છે ! મન આનંદવિભોર થઈ રહ્યું હતું. ઋતંભરા પ્રજ્ઞા કહી રહી હતી, “જો, જો, તારા પ્રિયતમની ઝલક જો ! દરેક શરીરમાં એક એક આત્મા નાચી રહ્યો છે, જેવી રીતે ગંગાની શુભ લહેરો સાથે એક જ ચંદ્રમાનાં અનેક પ્રતિબિંબ નાચી રહ્યાં છે.’

આખી રાત પૂરી થઈ. ઉષાની લાલિમા પૂર્વમાંથી પ્રગટ થવા લાગી, જે જોયું તે અદ્ભુત હતું. એક્લાપણાનો પ્રશ્ન જો કે હજુય મનમાં રમતો હતો.

પ્રકૃતિનો રુદ્રાભિષેક – તપોવનનું મુખ્ય દર્શન, સૂનકારના સાથીઓ

પ્રકૃતિનો રુદ્રાભિષેક – તપોવનનું મુખ્ય દર્શન, સૂનકારના સાથીઓ

ભગવતી ભાગીરથીના મૂળ ઉદ્ગમ ગૌમુખનું દર્શન કરી મારી જાતને ધન્ય માની. આમ જોવા જઈએ તો વિશાળ પથ્થરમાંથી ફાટેલી તિરાડમાં થઈને દૂધ જેવા સ્વચ્છ પાણીના ઊછળતા ઝરણાને જ ગૌમુખ કહે છે. પાણીનો પ્રવાહ અત્યંત વેગીલો હોવાથી વચ્ચે આવતા પથ્થરો સાથે અથડાઈને ખૂબ ઊંચે સુધી ઊડે છે. આ જલબિંદુઓ પર જ્યારે સૂર્યનાં સોનેરી કિરણો પડે છે ત્યારે ઇન્દ્રધનુષ્ય જેવું ખૂબ જ સોહામણું દૃશ્ય ખડું થાય છે.

આ પુનિત ઝરણામાંથી નીકળેલી ગંગામૈયા લાખો વર્ષથી માનવજાતિને તરણતારણનો સંદેશો આપતી રહી છે. જે મહાન સંસ્કૃતિને તે પ્રવાહિત કરી રહી છે તેના સ્મરણમાત્રથી આત્મા પવિત્ર થઈ જાય છે. આ દૃશ્યને આંખોમાં સમાવી લેવાનું મન થાય છે. હજુ આગળ ચાલવાનું હતું. ગંગા, વાત્રક, નંદનવન, ભાગીરથ શિખર, શિવલિંગ પર્વતથી ઘેરાયેલું તપોવન જ હિમાલયનું હૃદય છે. એ હૃદયમાં અજ્ઞાતરૂપે કેટલાય ઉચ્ચકોટિના આત્માઓ સંસારના તરણતારણ માટે જરૂરી શક્તિભંડાર ભેગો કરવામાં લાગેલા છે, જેની ચર્ચા અહીં યોગ્ય નથી કે જરૂરી પણ નથી.

અહીંથી જ મારા માર્ગદર્શકે આગળનો રસ્તો બતાવ્યો. કેટલાય માઈલોનાં વિકટ ચઢાણ પાર કર્યા બાદ તપોવનનાં દર્શન થયાં. ચારે બાજુ બરફ આચ્છાદિત પર્વતમાળાઓ પોતાના સૌંદર્યની અલૌકિક છટા વેરતી છવાયેલી છે. સામેવાળા શિવલિંગ પર્વતનું દૃશ્ય બિલકુલ એવું હતું, જાણે કોઈ વિશાળકાય સાપ ફેણ ફેલાવી બેઠેલો છે. ભાવનાની આંખો જેમને મળેલી છે તેઓ સર્પધારી ભગવાન શિવનું દર્શન પોતાનાં ચર્મચક્ષુથી જ કરી શકે છે. જમણી બાજુ લાલિમાવાળો બરફનો સુમેરુ પર્વત છે. કેટલીક લીલી ટેકરીઓ બ્રહ્મપુરીના નામે ઓળખાય છે. ત્યાંથી થોડા પાછળ ખસીએ તો ડાબી બાજુ ભાગીરથ પર્વત છે. કહે છે કે અહીં બેસીને ભગીરથજીએ તપ આદર્યું હતું, જેનાથી ગંગાવતરણ શક્ય બન્યું હતું.

આમ તો ગંગોત્રીમાં ગૌરીકુંડ પાસે ભાગીરથ શિલા છે તે પણ ભગીરથના તપ સાથે સંકળાયેલી છે. હકીકતમાં આ સ્થાને બરફાચ્છાદિત ભાગીરથ પર્વત જ છે. ઇજનેરો આ પર્વતને જ ગંગાનું ઉદ્ગમસ્થાન માને છે.

ભાગીરથ પર્વતની પાછળ નીલગિરિ પર્વત છે, જ્યાંથી લીલા રંગના પાણીવાળી નીલ નદી નીકળે છે. આ બધા રંગબેરંગી પર્વતોનું સ્વર્ગીય દશ્ય એક ઊંચા સ્થાન પરથી જોઈ શકાય છે. જ્યારે બરફ ઓગળે છે ત્યારે ભાગીરથ પર્વતનું ફેલાયેલું મેદાન દુર્ગમ બની જાય છે. બરફ ફાટવાથી વિશાળ પહોળી ખીણ જેવી તિરાડો પડે છે. તેમાં કોઈ પડી જાય તો પાછા આવવાની આશા રાખી શકાય નહિ. શ્રાવણ – ભાદરવા માસમાં જ્યારે બરફ ઓગળી ગયેલો હોય છે. ત્યારે આ પ્રદેશ સાચે જ નંદનવન જેવો લાગે છે. આ પ્રદેશનું ખાલી નામ જ નંદનવન નથી, પણ હકીકતમાં વાતાવરણ પણ નામ પ્રમાણે ગુણવાળું સ્વર્ગીય છે. આ દિવસોમાં મખમલ જેવું ઘાસ ઊગી નીકળે છે અને દુર્લભ જડીબુટ્ટીઓની મહેકથી આખું વાતાવરણ મઘમઘી ઊઠે છે. ફૂલોથી આ ધરતી ઢંકાઈ જાય છે. આવી સૌંદર્યસભર ધરતી પર જો દેવો રહેતા હોય તો એમાં આશ્ચર્ય હોય જ નહિ, પાંડવો સ્વર્ગારોહણ માટે અહીં આવ્યા હશે એમાં પણ કોઈ અતિશયોક્તિ જણાતી નથી.

હિમાલયનું આ હૃદય – તપોવન જેટલું મનોરમ્ય છે તેટલું જ દુર્લભ પણ છે. અહીં શૂન્યથી પણ નીચે બરફ થીજી જાય ઓળખાય છે. ત્યાંથી થોડા પાછળ ખસીએ તો ડાબી બાજુ ભાગીરથ પર્વત છે. કહે છે કે અહીં બેસીને ભગીરથજીએ તપ આદર્યું હતું, જેનાથી ગંગાવતરણ શક્ય બન્યું હતું.

આમ તો ગંગોત્રીમાં ગૌરીકુંડ પાસે ભાગીરથ શિલા છે તે પણ ભગીરથના તપ સાથે સંકળાયેલી છે. હકીકતમાં આ સ્થાને બરફાચ્છાદિત ભાગીરથ પર્વત જ છે. ઇજનેરો આ પર્વતને જ ગંગાનું ઉદ્ગમસ્થાન માને છે.

ભાગીરથ પર્વતની પાછળ નીલગિરિ પર્વત છે, જ્યાંથી લીલા રંગના પાણીવાળી નીલ નદી નીકળે છે. આ બધા રંગબેરંગી પર્વતોનું સ્વર્ગીય દશ્ય એક ઊંચા સ્થાન પરથી જોઈ શકાય છે. જ્યારે બરફ ઓગળે છે ત્યારે ભાગીરથ પર્વતનું ફેલાયેલું મેદાન દુર્ગમ બની જાય છે. બરફ ફાટવાથી વિશાળ પહોળી ખીણ જેવી તિરાડો પડે છે. તેમાં કોઈ પડી જાય તો પાછા આવવાની આશા રાખી શકાય નહિ. શ્રાવણ – ભાદરવા માસમાં જ્યારે બરફ ઓગળી ગયેલો હોય છે. ત્યારે આ પ્રદેશ સાચે જ નંદનવન જેવો લાગે છે. આ પ્રદેશનું ખાલી નામ જ નંદનવન નથી, પણ હકીકતમાં વાતાવરણ પણ નામ પ્રમાણે ગુણવાળું સ્વર્ગીય છે. આ દિવસોમાં મખમલ જેવું ઘાસ ઊગી નીકળે છે અને દુર્લભ જડીબુટ્ટીઓની મહેકથી આખું વાતાવરણ મઘમઘી ઊઠે છે. ફૂલોથી આ ધરતી ઢંકાઈ જાય છે. આવી સૌંદર્યસભર ધરતી પર જો દેવો રહેતા હોય તો એમાં આશ્ચર્ય હોય જ નહિ, પાંડવો સ્વર્ગારોહણ માટે અહીં આવ્યા હશે એમાં પણ કોઈ અતિશયોક્તિ જણાતી નથી.

હિમાલયનું આ હૃદય – તપોવન જેટલું મનોરમ્ય છે તેટલું જ દુર્લભ પણ છે. અહીં શૂન્યથી પણ નીચે બરફ થીજી જાય તેવી ઠંડી પડે છે ત્યારે આવા સૌંદર્યનું રસપાન કરવા કોઈક વિરલો જ આવી શકે છે. આમ તો હાલના રસ્તે જતાં ગૌમુખથી બદરીનાથ લગભગ ૨૫૦ માઈલ દૂર છે, પણ આ તપોવનથી માણા ધાટી થઈને બદરીનાથનું આ અંતર ફક્ત ૨૦ માઈલ જ છે. આ રીતે કેદારનાથ અહીંથી ૧૨ માઈલ છે, પણ બરફ છવાયેલા રસ્તા સુગમ નથી.

આ તપોવનને સ્વર્ગ કહેવામાં આવે છે. ત્યાં પહોંચી હું પણ જાતે સ્વર્ગમાં જ ઊભો છું તેવો મેં અનુભવ કર્યો. આ બધું પરમશક્તિની કૃપાનું જ ફળ છે, જેના હુકમથી મારું શરીર માત્ર નિમિત્ત બનીને કઠપૂતળીની માફક ચાલ્યા કરે છે.

પ્રકૃતિનો રુદ્રાભિષેક – ગૌમુખનાં દર્શન, સૂનકારના સાથીઓ

પ્રકૃતિનો રુદ્રાભિષેક – ગૌમુખનાં દર્શન, સૂનકારના સાથીઓ

ગંગામાતાનું ઉદ્ગમસ્થાન નિહાળવાની ઘણી જૂની મહેચ્છા આજે પરિપૂર્ણ થઈ. ગંગોત્રી સુધી પહોંચતાં જેટલો દુર્ગમ રસ્તો હતો તેનાથી કેટલોય મુશ્કેલીભર્યો આ ગંગોત્રીથી ગૌમુખ સુધીનો ૧૮ માઈલનો રસ્તો છે. ગંગોત્રી સુધીના રસ્તાની દુરસ્તી તો સરકારના સડક વિભાગના કર્મચારીઓ ઠીક રીતે કરે છે, પણ આ ખૂબ જ ઓરમાયા રસ્તે, જ્યાં ક્યારેક કોઈક લોકો જ જાય છે તેને કોણ સુધારે ? પહાડી રસ્તા દર વર્ષે બિસ્માર બને છે. જો એકાદ બે વર્ષ એમની ઉપેક્ષા કરવામાં આવે તો તે ખૂબ જ ખરાબ થઈ જાય છે. કેટલીક જગ્યાએ તો રસ્તો એટલી હદે ખરાબ થઈ ગયો હતો કે ત્યાંથી પસાર થવું જિંદગી સાથે જુગાર ખેલવા બરાબર હતું. જરાક પગ લપસ્યો કે જિંદગીનો અંત જ આવ્યો સમજો.

જે હિમગિરિમાંથી ગંગાની નાની શી ધારા નીકળી છે તે ભૂરા રંગની છે. ગંગામાતાનું આ ઉદ્ગમસ્થાન હિમાચ્છાદિત ગિરિમુગટોથી અત્યંત સુંદર દેખાય છે. ધારાનું દર્શન એક સાધારણ ઝરણાના રૂપમાં થાય છે. તે છે તો પાતળી, પણ તેનો વેગ ખૂબ જ છે. એવું કહેવાય છે કે આ ધારા કૈલાસ પર્વત પરથી શિવજીની જટામાંથી આવે છે. કૈલાસથી ગંગોત્રી સુધીનો સેંકડો માઈલનો રસ્તો ગંગા પેટાળમાં જ પસાર કરે છે અને તેને કરોડો ટન વજનના બરફના પહાડોનું દબાણ સહન કરવું પડે છે. તેથી જ આ ધારા ઘણી તીવ્ર નીકળે છે. ભાવુક હૃદયની વ્યક્તિઓને આ ધારા માતાની છાતીમાંથી ફૂટતી દૂધની ધારા જેવી જ લાગે છે. આનું પાન કરતાં કરતાં એમાં જ નિમગ્ન થઈ જવાની એક એવી ઉત્કંઠા થાય છે, જેવી ગંગાલહરીના રચયિતા જગન્નાથ મિશ્રાના મનમાં જાગી હતી. સ્વરચિત ગંગાલહરીનો એક એક શ્લોક ગાતાં ભાવાવેશમાં ગંગામૈયાની ગોદમાં કૂદી પડ્યા હતા અને તેમણે જળસમાધિ લીધી હતી. સ્વામી રામતીર્થ પણ આવા જ ભાવાવેશમાં ગંગામૈયાની ગોદમાં કૂદી પડ્યા હતા અને જળસમાધિ લીધી હતી.

મારા ભાવાવેશને મેં આચમન લઈ, સ્નાન કરીને જ શાંત કર્યો. રસ્તામાં ઉમંગો અને ભાવનાઓ પણ ગંગાના પાણીની જેમ હિલોળા લેતી રહી. અનેક વિચારો આવવા લાગ્યા. આ સમયે એક મહત્ત્વપૂર્ણ વિચાર મનમાં આવ્યો, જે લખવાનો લોભ ખાળી ન શક્યો એટલે જ તે લખી રહ્યો છું. વિચારું છું કે અહીં ગૌમુખમાં ગંગા એક નાની શી પાતળી ધારા જ છે. રસ્તામાં હજારો ઝરણાં, નાળાં અને નદીઓ તેમાં ભળતાં ગયાં. એમાંથી કેટલાંક તો ગંગાની મૂળ ધારાથી ઘણાં વિશાળ હતાં. એ બધાંના સંયોગથી ગંગા એટલી મોટી અને પહોળી થઈ છે, જેટલી હરિદ્વાર, કાનપુર, પ્રયાગ વગેરે જગ્યાએ દેખાય છે. એમાંથી મોટી મોટી નહેરો કાઢવામાં આવી છે. ગૌમુખના ઉદ્ગમનું પાણી એમાંથી એકાદ નહે૨ માટે પણ પૂરતું નથી. જો રસ્તામાં તેને બીજાં નદીનાળાં ન મળ્યાં હોત તો કદાચ ૫૦-૧૦૦ માઈલની માટી જ એ ગંગાને સૂકવી દેત અને તેને આગળ વધવાની તક ન આપત. ગંગા મહાન છે, અવશ્ય મહાન છે, કારણ કે તે બીજાં નદીનાળાંને પોતાના સ્નેહબંધનમાં બાંધવામાં સમર્થ થઈ. તેણે પોતાની ઉદારતાનો પાલવ ફેલાવ્યો અને નાનાં નાનાં ઝરણાંને પણ પોતાના બાહુપાશમાં જકડી લઈ છાતીએ વળગાડીને આગળ વધતી ગઈ. તેણે ગુણદોષની પરવા ન કરી અને બધાંયને પોતાના પેટાળમાં જગ્યા આપી. જેના હૃદયમાં આત્મીયતા તથા સ્નેહસૌજન્યની અગાધ માત્રા ભરેલી છે એને પાણીના ભંડારની ખોટ શી રીતે રહે ? દીવો ખુદ સળગે છે ત્યારે તો પતંગિયાં પણ દીવા પર કુરબાન થઈ જવા તૈયાર થાય છે. ગંગા જયારે પરમાર્થના ઉદ્દેશ્યથી સંસારમાં શીતળતા ફેલાવવા નીકળી હોય તો નદીનાળાં શા માટે ગંગાના આત્મામાં પોતાનો આત્મા સમર્પી ના દે ? ગાંધી, બુદ્ધ, ઈસુની ગંગાઓમાં કેટલાય આત્માઓએ પોતાની જાતને કુરબાન કરી દીધી હતી.

ગંગાની સપાટી સૌથી નીચી છે, જેથી અન્ય નદીનાળાંનું ગંગામાં ભળી જવું શક્ય બન્યું. જો ગંગાએ પોતાને નીચી ન બનાવી હોત, સૌથી ઊંચી અને અક્કડ થઈને ચાલતી હોત, પોતાનો સ્તર તથા મોભો ઊંચા રાખ્યા હોત તો પછી નદીનાળાં તુચ્છ-નગણ્ય હોવા છતાં ગંગાના એ અભિયાનને સાંખી ન લેત. ગંગાની ઈર્ષ્યા કરતાં હોત અને પોતાનાં મોં બીજી દિશામાં વાળી લીધાં હોત. નદીનાળાંની ઉદારતા હોય છે ખરી, એમનો ત્યાગ પણ પ્રશંસનીય છે, છતાં તેમના ત્યાગ અને ઉદારતાને ચરિતાર્થ કરવાનો અવસર ગંગાએ પોતે વિનમ્ર બની, સપાટીએ વહીને જ આપ્યો છે. ગંગાની બીજી ઘણીય મહાનતાઓ છે, પણ આ મહાનતા એવડી મોટી છે કે એનું જેટલું અભિવાદન કરીએ તેટલું ઓછું છે.

નદીનાળાં અને ઝરણાંએ પણ પોતાનું અસ્તિત્વ હંમેશને માટે મિટાવી દેવાનું, પોતાની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓ અને આબરૂ જમાવવાની લાલસાને દફનાવી દેવાનું જે દૂરંદેશીપણું દાખવ્યું છે તે પણ અભિનંદનને પાત્ર છે. તેમણે પોતાનું અસ્તિત્વ ગુમાવી ગંગાની ક્ષમતા, મહત્તા અને આબરૂ વધારી છે. સામૂહિક એકત્રીકરણનું, સાથે મળીમળીને કામ કરવાનું મહત્ત્વ સમજ્યાં છે, તે માટે તેમની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. સંગઠનમાં જ શક્તિ છે તે બોલીને નહિ, મનથી નહિ, પણ આચરણથી બતાવ્યું. આનું નામ કર્મવીરતા. આત્મત્યાગના આ અનુપમ આદર્શમાં જેટલી મહાનતા છે તેટલું જ દૂરંદેશીપણું પણ છે. જો તે પોતાનું અલગ અસ્તિત્વ જાળવી રાખવા અટલ રહ્યાં હોત, પોતાની ક્ષમતાનો યશ પોતાને જ મળવો જોઈએ એવું વિચારતાં હોત અને ગંગામાં ભળી જવાનો ઇનકાર કરતાં હોત તો અવશ્ય તેમનું અસ્તિત્વ અલગ રહ્યું હોત. તેમનાં નામ અલગ જ રહ્યાં હોત, પણ તે કાર્ય સાવ મામૂલી બન્યું હોત અને તેની ઉપેક્ષા પણ થઈ હોત. તે ગણનાપાત્ર પણ ન રહેત. પછી એ ઝરણાંના પાણીને કોઈ પણ વ્યક્તિ ગંગાજળ ન કહેત. તેનું ચરણામૃત માથે ચડાવવાની કોઈનેય લાલચ ન રહી હોત.

ગૌમુખ પર આજે જે જળધારામાં ગંગામૈયાના સ્વરૂપનું મેં દર્શન કર્યું તે તો ખાલી ઉદ્ગમસ્થાન જ હતું. પૂરી ગંગા તો હજારો નદીનાળાંના સંગઠનથી સામૂહિકતાની અહાલેક જગાવતી વહી રહી છે. ગંગાસાગરે તેનું સ્વાગત કર્યું છે. આખી દુનિયા તેને પૂજે છે. ગૌમુખની શોધમાં તો મારા જેવા થોડાક જ રડ્યાખડ્યા યાત્રીઓ પહોંચી શકે છે. ગંગા અને નદીનાળાંના સંમિશ્રણના મહાન પરિણામની સમજ જો બધા જ નેતાઓ તથા અનુયાયીઓમાં આવી જાય, લોકો સામૂહિકતાના, સામાજિકતાના મહત્ત્વને હૃદયંગમ કરી શકે, તો ગંગામૈયા જેવી જ એક પવિત્ર પાપનાશક, લોકોદ્વારક સંઘશક્તિ પેદા થઈ શકી હોત.

પ્રકૃતિનો રુદ્રાભિષેક – સંભાળીને ચાલનારાં ખચ્ચર, સૂનકારના સાથીઓ

પ્રકૃતિનો રુદ્રાભિષેક – સંભાળીને ચાલનારાં ખચ્ચર,  સૂનકારના સાથી


પહાડીઓમાં ભારવાહકનું કામ કરનારાં જાનવરોમાં બકરી ઉપરાંત ખચ્ચરની પણ ગણના થાય છે. સવારી માટે પણ તે ઉપયોગી છે. જેવી રીતે આપણાં શહેરોમાં રોડ પર ગાડી, રીક્ષા, ઘોડાગાડી, હાથલારી વગેરે મળે છે તેવી જ રીતે ચઢાણ ઊતરાણના ખાબડખૂબડ રસ્તા પર સામાન્ય રીતે ખચ્ચર જ જોવા મળે છે. મેં એ જોયું કે જેવી સાવધાનીથી, ઠોકર અને ખતરાથી આપણી જાતને બચાવીને આપણે આવા રસ્તે ચાલીએ છીએ એવી જ સાવધાનીથી આ ખચ્ચરો પણ ચાલે છે. આપણા માથાની રચના જ એવી છે કે આપણે નીચે જમીન જોતા જોતા આરામથી ચાલી શકીએ છીએ, પણ ખચ્ચરોની બાબતમાં આવું નથી. એમની આંખો એવી જગ્યાએ આવેલી છે અને ડોકનો વળાંક એવો છે, જેનાથી ફક્ત સામેની દિશામાં તો જોઈ શકાય, પરંતુ પગ નીચે જોવું મુશ્કેલ છે. આવું હોવા છતાં ખચ્ચરનું દરેક કદમ ખૂબ જ સાવધાનીથી અને બિલકુલ સાચી જગ્યાએ જ મુકાય છે. ગઈકાલે એક વાછરડું ગંગોત્રીના રસ્તા નીચે પટકાઈને મરી ગયેલું જોયું હતું. સહેજ આડાઅવળા પગ પડ્યા હશે, જેથી ૮૦ ફૂટની ઊંચાઈએથી આ રસ્તે પટકાઈ પડ્યું હતું. આવું ક્યારેક જ બને છે. ખચ્ચરોની બાબતમાં તો આવું સાંભળ્યું જ નથી.

ખચ્ચરો ૫૨ વજન લાદનારાને પૂછ્યું તો તેણે બતાવ્યું કે ખચ્ચર રસ્તે ચાલવા માટે ખૂબ જ કુનેહ અને સાવધાની વાપરી શકે છે. ઝડપી ચાલે છે, પરંતુ તેનું પ્રત્યેક ડગલું માપી માપીને જ મૂકેલું હોય છે. ઠોકર લાગવા જેવું કે ખતરા જેવું કંઈક લાગે તો તરત જ પોતાની જાતને સંભાળી લે છે. આગળ વધેલાં ડગ પાછાં લઈ લે છે અને બીજા પગને ટેકે વધુ સલામત જગ્યા શોધી લઈ ત્યાં પગ મૂકે છે. ચાલવામાં એ પોતાના પગ અને જમીનની સ્થિતિનો ખ્યાલ રાખે છે. જો એમ ન કરી શકતું હોત તો આ ન વિકટ જગ્યામાં તેની કોઈ ઉપયોગિતા ન હોત.

ખચ્ચરની બુદ્ધિમત્તા પ્રશંસનીય છે. મનુષ્ય આગળપાછળનું વિચાર્યા વિના ખોટે રસ્તે પગલું ભરે છે અને એક પછી એક ઠોકર ખાવા છતાં સમજતો નથી, પણ આ ખચ્ચરનું તો વિચારો ? એક એક કદમ સમજી વિચારીને મૂકે છે. સહેજેય ચૂકતાં નથી. આપણે પણ આ ચઢાણ-ઊતરાણવાળી જિંદગીમાં આપણું પ્રત્યેક કદમ સાવધાનીથી ભરીએ, તો આપણું જીવન પણ આ પહાડી પ્રદેશમાં ખચ્ચરોના જેવું જ પ્રશંસનીય બને.

પ્રકૃતિનો રુદ્રાભિષેક – જંગલી સફરજન, સૂનકારના સાથીઓ

પ્રકૃતિનો રુદ્રાભિષેક – જંગલી સફરજન, સૂનકારના સાથીઓ


આજે રસ્તામાં બીજા કેટલાક યાત્રીઓનો સાથ મળ્યો, જેમાં કેટલીક સ્ત્રીઓ પણ હતી. રસ્તામાં બિન્નીના ઝાડ પર લાગેલાં સુંદર ફળ જોયાં. સ્ત્રીઓ અંદરોઅંદર પૂછવા લાગી કે આ કયાં ફળ છે ? તેમનામાંથી જ કોઈકે કહ્યું કે આ જંગલી સફરજન છે. કોણ જાણે ક્યાંથી તેણે જંગલી સફરજનોની વાત સાંભળી હશે. તેઓ એવા નિષ્કર્ષ પર પહોંચ્યાં કે આ જંગલી સફરજન જ છે. ફળ પુષ્કળ લાગેલાં હતાં. દેખાવમાં પીળા અને લાલ રંગ મિશ્રિત ઘણાં જ સરસ લાગતાં હતાં અને એમ જણાતું હતું કે ઘણાં પાકી ગયાં છે.

આ ટોળું રોકાઈ ગયું. એક છોકરી સડસડાટ ઝાડ પર ચઢી ગઈ. તે પરથી એવું લાગ્યું કે તેણે ગ્રામ્યજીવનમાં ઝાડ પર ચઢવાનો સારો અનુભવ મેળવ્યો હશે. એણે ૪૦-૫૦ ફળ તોડી નીચે નાંખ્યાં. નીચે ઊભેલી સ્ત્રીઓએ ઝઘડો કરતાં કરતાં વીણ્યાં. કોઈકને વધુ મળ્યાં તો કોઈકને ઓછાં. ઓછાં મેળવનારી સ્ત્રી વધારે મેળવનાર સાથે ઝઘડી રહી હતી. લડતાં ઝઘડતાં કહેતી કે મને રોકી રાખીને, ઝૂંટવી લઈને તે વધારે વીણ્યાં, મને વીણવા ન દીધાં. જેની પાસે વધારે હતાં તે કહી રહી હતી કે મેં વધારે ઝડપથી, દોડીને, પુરુષાર્થથી વીણ્યાં છે. જેના હાથપગ ચાલતા હોય તેને જ ફાયદો થાય ને ? તારા હાથપગ ચાલતા હોત તો તે પણ વધારે વીણ્યાં હોત.

આ ફળ આગળની ચટ્ટી પર ભોજન સાથે ખાઈશું. એ ફળ ઘણાં મીઠાં હોય છે. રોટલા સાથે ખાવામાં સારાં લાગશે એમ વિચારતાં, સાડલાની ફડકે ફળ બાંધી ખુશ થતાં બધાં જતાં હતાં. ઓછા પ્રયત્ને આટલાં સરસ ફળ મળવાથી બધાં ખુશ હતાં. ઝઘડો શાંત પડી ગયો હતો, પણ ફળ ઓછાંવત્તાં વીણવાની બાબતમાં થોડો ઉત્પાત ચાલી રહ્યો હતો અને એકબીજા સામે ઘૂરકી ઘૂરકીને જોઈ રહ્યાં હતાં.

આગળની ટેકરી આવી. બધાં વિશ્રામ કરવા બેઠાં. જમવાનું તૈયાર કર્યું. ફળ બહાર કાઢયાં. જેણે જેણે ફળ ચાખ્યાં તે થૂ થૂ કરવા લાગ્યાં. તે કડવાં ફળ હતાં. આટલી મહેનતથી, લડી-ઝઘડીને લાવેલાં, સુંદર દેખાતાં જંગલી સફરજન કડવાં અને અસ્વાદ હતાં. તે જોઈ સ્ત્રીઓને ઘણી નિરાશા થઈ. સાથે ઊભેલો મજૂર હસી રહ્યો હતો. તેણે કહ્યું, ‘આ તો બિન્નીનાં ફળ છે.” જાણ્યા વિના, સમજયા વિના વીણવાની, લાવવાની અને ખાવાની મૂર્ખાઈ ૫૨ બધી જ સ્રીઓ છોભીલી પડી ગઈ હતી.

હું આ આખાય બનાવમાં શરૂથી અંત સુધી સાથે હતો. બીજા યાત્રીઓ સ્ત્રીઓની ભૂલ પર મશ્કરી કરી રહ્યા હતા. ઠામશ્કરી ચાલી રહી હતી. તે લોકોને હસવાનો પ્રસંગ મળી ગયો હતો. બીજાની ભૂલ અને નિષ્ફળતા પર સામાન્ય રીતે લોકોને હસવું આવે છે. ફક્ત પીળો રંગ અને સુંદર દેખાવ જોઈને તે પાકાં, મીઠાં, સ્વાદિષ્ટ ફળ હોવાની કલ્પના કરવી એ જ ભૂલ હતી. રૂપથી સુંદર દેખાતી બધી ચીજો ક્યાં મધુર હોય છે? આ એમણે જાણવું જોઈતું હતું. ન જાણતા હોવાથી શરમાવું પડ્યું અને પરેશાન થવું પડ્યું. અંદરોઅંદર ઝઘડી પડ્યાં તે નફામાં.

વિચારું છું કે બિચારી સ્ત્રીઓની મશ્કરી-મજાક થઈ રહ્યાં છે. જ્યારે આખો સમાજ રૂપરંગ પર મુગ્ધ થઈ પતંગિયાંની જેમ સળગી રહ્યો છે તેના પર કોઈ નથી હસતું. રૂપની દુનિયામાં સૌંદર્યના દેવતાનું પૂજન થાય છે. તડભડક, ચમકદમક બધાંને પોતાના તરફ આકર્ષિત કરે છે, જેથી લોકો નકામી ચીજો પાછળ લટ્ટ થઈ જાય છે. પોતે જ રસ્તો ભૂલે છે અને અંતમાં તેની વ્યર્થતા પર જે રીતે પેલી સ્ત્રીઓ બિન્નીનાં કડવાં ફળ ભેગાં કરી પસ્તાઈ રહી હતી એ રીતે પસ્તાય છે . રૂપ પર મરનારા જો પોતાની ભૂલ સમજવા ચાહે તો તેમણે ગુણપારખુ થવું જોઈએ. રૂપના આકર્ષણથી આપણી વિવેકબુદ્ધિને નષ્ટ થતી બચાવીએ તો જ આ શક્ય બને.

બિન્નીનાં ફળ કોઈએ ન ખાધાં. તે ફેંકી દેવાં પડ્યાં, ખાવાલાયક હતાં પણ નહિ. ધનદોલત, રૂપયૌવન, રાગરંગ, વિષયવાસના, મોજમજા જેવી અગણિત ચીજો એવી છે, જે જોતાં જ મન ચલિત થઈ જાય છે. તે મેળવી પસ્તાવું પડે છે અને અંતે આજનાં જૂઠાં સફરજનની જેમ ફેંકી દેવી પડે છે.

%d bloggers like this: