શ્રીરામ થેલા પુસ્તકાલય

શ્રીરામ થેલા પુસ્તકાલય

અમારી પ્રાથમિક જરૂરિયાત વિચાર ક્રાંતિની છે. જ્ઞાનયજ્ઞ આ યુગનું મોટામાં મોટું પુણ્યકાર્ય છે. આજની પરિસ્થિતિમાં જ્ઞાનદાનથી મોટું કોઈ દાન નથી. જ્ઞાન સાધના જ આજના યુગની મોટામાં મોટી સાધના છે. આજની પરિસ્થિતિમાં એક જ ઉપાય છે, જેથી એ યુગાંતરકારી પ્રબળ પ્રેરણાને દરેક ઘર સુધી, પ્રત્યેક માણસો સુધી પહોંચાડી શકાય છે. તેનો ઉપાય છે- શ્રીરામ થેલા પુસ્તકાલય, વિચારશીલ વ્યક્તિ કે જેના મનમાં દેશ, ધર્મ, સમાજ અને સંસ્કૃતિ પ્રતિ દુઃખ (લાગણી) થતી હોય, જે માનવીય આદર્શોને આગળ વધતા જોવામાં ઈચ્છુક હોય, જેમને સુંદર અને સુવ્યવસ્થિત નવયુગ તરફ આકર્ષણ હોય,તેઓ પોતાના થોડા પરિશ્રમનો ઉપયોગ કરી શકે છે, જીવન સાહિત્યને પોતાના થેલામાં રાખે, પોતે વાંચે અને પોતાના દરેક શિક્ષિત સભ્યો દ્વારા શિક્ષણ અપાવે અને અશિક્ષિતોને વાંચી સંભળાવે.

થેલા પુસ્તકાલય અમૃત વહેંચવાનું, જ્ઞાનપ્રકાશ આપવાનું અને કલ્યાણકાર્ય કરવાનું અભિયાન છે. તે અસીમ દાન અને અનુપમ પુણ્ય પરમાર્થ કાર્ય છે. આત્માની ભૂખ અંતઃકરણની તરસ દૂર કરીને આપણે તેટલું જ પુણ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. તે જેટલું કરોડમણ અન્ન દાન અને લાખ મીટર વસ્રદાન કરવાથી પણ મળી શકતું નથી તેટલું સંભવિત છે. પરંતુ શું કરીએ ? કેવી રીતે કરીએ ?

(૧) આજ સુધીમાં પ્રજ્ઞા પુસ્તક માલાની બસો ત્રીસ પોકેટ બુક્સ (પુસ્તકોના સેટ) પ્રકાશિત થઈ ગઈ છે, પરિજનોનું કહેવું છે કે આપ શ્રીરામ થેલા પુસ્તકાલયના ૧૨ સભ્યો (સદસ્યો) બનાવવા માટે પોષ્ટખર્ચ સાથે કુલ ૧૩૦ રૂપિયા મનીઓર્ડર અથવા બેંક ડ્રાફટ દ્વારા યુગ નિર્માણ યોજના, અમદાવાદ ના સરનામે મોકલીને ૧૦૦ પોકેટ બુક્સ અલગ અલગ મંગાવી લેશો.

(૨) એમાંથી જુદા જુદા વિષયોના આઠ-આઠ પુસ્તકોના ૧૨ સેટ બનાવી લેશો.

(૩)એક સદસ્યના(સભ્યના) ૧૨ રૂપિયા લઈને તેમને આઠ પુસ્તકોનો એક સેટ આપી દેશો. એ જ પ્રમાણે ૧૨ સભ્યો બનાવવાના છે. એવો પ્રયત્ન કરો કે બધા સભ્યો પાસે પાસે (નજીકમાં) રહેવાવાળા હોય. એક જ કાર્યાલયના કર્મચારીને અથવા એક જ બજા૨ના દુકાનદારોને અથવા એક જ મહોલ્લાના સભ્યો બનાવવામાં આવે.

(૪) સભ્ય બનાવતી વખતે તેમની પાસેથી ૧૨ રૂપિયા લઈને આઠ પુસ્તકો આપી દો અને તેમને એક માસમાં અવશ્ય વાંચી લેવાની સૂચના આપો. એક મહિના પછી એ સેટ બીજા સેટમાં બદલીને આપવાનું આશ્વાસન પણ તેમને આપો. એ રીતે ૧૨ રૂપિયા ખર્ચ કરીને તેઓ ૧૪૪ રૂપિયાનાં પુસ્તકો એક વર્ષમાં વાંચી શકશે. આ યોજનામાં શરૂઆતમાં કંઈક નાણાંનો ખર્ચ કરવો પડશે, પરંતુ તે ધન સભ્ય (સદસ્ય) બનાવતાં જ પાછું મળી જશે. ગાયત્રી જ્ઞાનપીઠ, પાટીદાર સોસાયટી, જૂના વાડજ, અમદાવાદ-૩૮૦૦૧૩.

(૫) સભ્યોના દરેક માસે સેટ કેવી રીતે બદલવામાં આવે? એમના માટે આ વિધિ અપનાવી શકાય છે. થેલા પુસ્તકાલય ચલાવવાવાળા વ્યક્તિઓ સ્વયં, દરેક માસે સભ્ય સંખ્યા એકનો સેટ, બીજા સભ્યને, સભ્ય સંખ્યા બીજાનો સેટ ત્રણ નંબરના સભ્યને, સભ્ય સંખ્યા ત્રણનો સેટ, સભ્ય સંખ્યા ચોથાને, એ પ્રમાણે આગળ એકબીજાને આપતાં આપતાં સભ્ય સંખ્યા (નંબર) ૧૨નો સેટ સભ્ય સંખ્યા એક નંબરવાળાને આપીને સેટ બદલી દે.

(૬) કેટલાક માણસો વાંચેલા પુસ્તકો પોતે ખરીદવાની માગણી કરશે. એમના માટે તમારે વધારાનાં પુસ્તકો મંગાવીને પોતાની પાસે રાખવાં જોઈએ. કેટલાંક પુસ્તકો ખોવાઈ જાય છે, તેની કિંમત લઈને તે પુસ્તકની જગ્યાએ જ બીજું પુસ્તક મૂકવું પડશે. એના માટે પણ વધારાનાં પુસ્તકોની વ્યવસ્થા થશે. ઉપર પ્રમાણેની વિધિથી કાર્ય કરવાથી કોઈ ભાઈ અથવા બહેન શ્રી રામ થેલા પુસ્તકાલયના હજારો સભ્ય બનાવી શકશે.

તો પછી આપણે શું કરવું જોઈએ ?

તો પછી આપણે શું કરવું જોઈએ ?

આ પુસ્તક વાંચીને તમારા મન અને અંતઃકરણમાં સ્વયં માટે દેશ, ધર્મ અને સંસ્કૃતિ માટે કંઈ પણ કરવાની તમન્ના (ઈચ્છા) જરૂર જાગૃત થઈ હશે. જેથી તમે વિચારતા થયા હશો કે છેવટે આપણે શું કરીએ ? ગભરાવાની કોઈ જરૂર નથી, શ્રેષ્ઠ જીવન જીવવા માટે દૈનિક જીવનમાં ખૂબ જ વ્યથિત (દુ:ખી ) થવાની કોઈ આવશ્યકતા નથી હોતી. સરળ સહજ જીવન જીવતાં જીવતાં પણ તમે સુખ અને શાન્તિનો અનુભવ કરી શકો છો. વ્યક્તિત્વના પૂરેપૂરા વિકાસને માટે ત્રણ ઉપક્રમ અપનાવવા જોઈએ – ઉપાસના, સાધના અને આરાધના, હમેશાં પ્રાતઃ સ્નાનાદિથી પરવારીને ૧૫ મિનિટ અથવા ૩૦ મિનિટનો સમય ઉપાસના માટે નિશ્ચિત કરવો જોઈએ. દેવમંદિરે જઈ ઈશ્વરના સાનિધ્યમાં બેસવું જોઈએ અને દેવશક્તિઓના આશીર્વાદ તેમ જ તેમની કૃપાવર્ષાનો ભાવ રાખતાં પોતાની અંદર દેવત્વની વૃદ્ધિનો અનુભવ કરવો જોઈએ. તમારી શ્રદ્ધા જે દેવતા ઉપર હોય તે પ્રમાણે તેના મંત્ર અને ઉપાસના પદ્ધતિ અનુસાર જ કાર્ય કરવું જોઈએ. પરંતુ દરેક ઉપાસનામાં પોતાના ઈષ્ટ દેવતાના દૈવી ગુણોની વૃદ્ધિનો ભાવ પોતાની અંદર જરૂર રાખવો જોઈએ. સાધના પ્રતિપળ કરવાની હોય છે.જ્ઞાન અને વિવેકનો દીપક નિરંતર પોતાના હૃદયમાં જળતોજ (પ્રકાશિત ) રાખવો જોઈએ.નિકૃષ્ટતા (દુર્ગુણો ) થી બચવા માટે અને ઉત્કૃષ્ટતાની તરફ આગળ વધવા માટે મનોબળ વધારતા રહેવું જોઈએ.

દુર્ગણોથી બચવા અને સદ્ગુણોને ધારણ કરવા સમર્થ બનીએ. એ જ સાધનાનું સ્વરૂપ છે. આ માટે પ્રતિક્ષણ સતર્કતા અને જાગૃતિ આવશ્યક છે. દેશ, સમાજ, ધર્મ અને સંસ્કૃતિના ઉત્થાન (ઉન્નતિ) ના ઉદ્દેશ્ય માટે જે સેવા કાર્ય કરવામાં આવે છે તેને આરાધના કહેવામાં આવે છે.

પતનનું નિરાકરણ કરવું એ જ સર્વોત્કૃષ્ટ સેવા છે. સેવા સાધનાથી પતનનું નિરાકરણ ત્યારે જ સંભવ છે, જ્યારે વ્યક્તિના ચિત્તમાં આવેલી વિકૃતિઓ અને ખરાબ ઈચ્છાઓનું અવમૂલ્ય થઈ જાય. સેવા કરવાનો જેને ઉમંગ (ઉત્સાહ) છે અને સર્વોત્કૃષ્ટ રૂપની સેવા કરવા માટે જેની લગની (તાલાવેલી) છે, તો તે સ્તરની સેવાકાર્યનો આરંભ કરવો જોઈએ. તેમજ તે પ્રમાણે આગળ ચલાવવું જોઈએ.

પ્રશ્ન એ ઊઠે છે કે એ સ્તરની સેવા સાધના કઈ પદ્ધતિથી કરવામાં આવે ? મનુષ્યના સ્તરમાં આવેલા પતનને કઈ રીતે દૂર કરવામાં આવે અને તેને કઈ રીતે ઉત્સાહની તરફ આગળ વધારવામાં આવે ? સ્પષ્ટ છે કે આ કાર્ય વિચારો અને ભાવનાઓની સમજ દ્વારા જ કરી શકાય છે. એના માટે વિચારોની સમજુતીની(પરિષ્કારની) પ્રક્રિયા ચલાવવી જોઈએ તથા ઉત્કૃષ્ટ અને પ્રગતિશીલ સદ્વિચારોને દરેક માણસો સુધી પહોંચાડવા જોઈએ. આ સાચું છે કે સમાજમાં જે કંઈ પણ અશુભ અને અવાંચનીય જોવામાં આવે છે, તેનું કારણ લોકોના વ્યક્તિગત દોષો જ છે. તે દોષોની ઉત્પત્તિ વ્યક્તિગત દુષિત વિચારણાઓ અને વિકૃતદષ્ટિકોણોથી થાય છે. ભોગ પ્રધાન આકાંક્ષાઓ રાખવાથી મનુષ્યોની અતૃપ્તિ વધી જાય છે અને તેઓ વધારે સુખ સામગ્રીની ઈચ્છા કરે છે. સ્વાર્થને કારણે જ કોઈનું પડાવી લેવું, ઝૂંટવી લેવું વગેરે ચાલાકી અને બેઈમાની (અપ્રામાણિકતા) વધે છે. શ્રમથી બચવાની અને મૌજ કરવાની ઈચ્છાઓ જ્યારે તીવ્ર બને છે ત્યારે ઉચિત અનુચિતનો વિચાર છોડી, લોકો કુમાર્ગ અપનાવે છે, જેનું પરિણામ તેમના પોતાને માટે જ નહીં, પરંતુ આખા સમાજ માટે પણ ઘાતક હોય છે. આ અદૂરદર્શિતાપૂર્ણ પ્રક્રિયાને અપનાવવાથી જ સંસારમાં સર્વત્ર દુઃખ, દૈન્ય (દીનતા) નો વિસ્તાર થયો છે.

પતનનું નિવારણ કરવા માટે માનવીય દૃષ્ટિકોણમાં પરિવર્તન કરવું જરૂરી છે અને તે પરિવર્તન માટે મનુષ્યનું જીવન-દર્શન પણ ઊંચું (ઉન્નત ) બનાવવું જોઈએ. પતિ ભાવનાઓવાળી (યુક્ત) વ્યક્તિ માટે (લાંછના) આત્મ-ગ્લાનીની વ્યથા દુઃખ દાયક નથી હોતી, તે નિર્લજ બનીને કુકર્મ કરતી રહે છે. જ્યારે લોકમાનસનું સ્તર ભાવનાત્મકદષ્ટિથી ઊંચું ઊઠશે ત્યારે જ જીવનમાં શ્રેષ્ઠતા આવશે અને તેના આધાર ઉપર વિશ્વશાન્તિની મંગલમય પરિસ્થિતિઓ ઉત્પન્ન થશે.

આજનો મનુષ્ય સભ્યતાના ક્ષેત્રમાં વિકાસ કરવાની સાથે-સાથે એટલો વિચારશીલ પણ બન્યો છે કે જો તેને તથ્ય-સાચી બાબત સમજાવવામાં આવે, તો તે તેને સમજવા માટે, માનવા માટે તૈયાર થઈ જાય છે. લોક સેવિકાઓએ આ પ્રયોજન માટે પ્રત્યેક ઘરે જવું જોઈએ અને લોકોની આસ્થાઓ, માન્યતાઓ અને વિચારણાઓ સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ.

દરેક વ્યક્તિ એટલી બુદ્ધિમાન અને પ્રતિભાશાળી હોતી નથી કે તે તથ્યોને (વિચારને) સારી રીતે સમજાવી શકે અને કઈ પરિસ્થિતિમાં કેવું માર્ગદર્શન આપવું જોઈએ ? એ માટે ઉચિત વિચાર ધારાનું સાહિત્ય સાથે લઈને નીકળવું જોઈએ. લોકોને તે વાંચવા તથા વિચાર કરવાની પ્રેરણા આપવી જોઈએ, તેની સાથે અશિક્ષિત વ્યક્તિઓ માટે વાંચીને સંભળાવવાની અથવા બીજાઓને ભલામણ કરીને તેમના દ્વારા પ્રેરણા આપવાની પ્રક્રિયા ચલાવવી જોઈએ.શરૂઆતમાં બધા લોકોની રુચિ તે તરફ તૈયાર થઈ શક્તી નથી, એટલા માટે જે લોક જ્ઞાનયજ્ઞની આવશ્યકતા (જરૂરિયાત) સમજે છે તેમણે એ કરવું જોઈએ કે તેઓ એને લગતું વિચાર સાહિત્ય લઈને પોતે જ લોકો સુધી પહોંચી જાય. એ જ ઉચિત છે કે કૂવા તરસ્યાઓની પાસે જતા નથી, તરસ્યાઓએ જ કૂવાની પાસે જઈને પાણી પીવું પડે છે. લોક સેવિકાઓએ પણ સદ્વિચાર અને સત્પ્રેરણાઓની શીતળ સુખદ જળવૃષ્ટિ માટે દરેક વ્યક્તિઓની પાસે પહોંચવું જોઈએ. તે માટે વ્યક્તિઓમાં પહેલાં સદ્વિચારોની ભૂખ જગાડવી જરૂરી છે. ભૂખ ઉત્પન્ન કરવાનું આ કાર્ય સંપર્ક દ્વારા જ સંભવ છે.લોકોમાં સંપર્ક કર્યા પછી જ સદ્વિચારો અને સત્પ્રેરણાઓ આપવાની જરૂરિયાત છે. આ આવશ્યકતા સાહિત્ય અને નાના પ્રકારનાં સેવાકાર્યો દ્વારા પૂરી કરી શકાય છે.

પોતાનું મૂલ્યાંકન પણ કરતા રહો

પોતાનું મૂલ્યાંકન પણ કરતા રહો

એ નિર્વિવાદ સત્ય છે કે ધર્મ અને સદાચારના આદર્શવાદી સિદ્ધાંતોનું પ્રશિક્ષણ ભાષણો અને લેખોથી ન થઈ શકે. આ બન્ને માધ્યમો મહત્ત્વપૂર્ણ તો છે જ, પરંતુ એમનો ઉપયોગ એટલો જ છે કે તે વાતાવરણ તૈયાર કરી શકે. વાસ્તવિક પ્રભાવ તો ત્યારે જ પડે છે કે જ્યારે પોતે અનુકરણીય આદર્શ ઉપસ્થિત કરીને બીજાને પ્રભાવિત કરી શકીએ. જો કે આપણે નવા સમાજની, નવા આદર્શોની જનમાનસમાં સ્થાપના કરવાની છે, એટલે એ ખૂબ જરૂરી છે કે યુગનિર્માણ પરિવારના સભ્યો બીજાની સામે પોતાનો અનુકરણીય આદર્શ રજૂ કરે. પ્રચારનો આ જ શ્રેષ્ઠ માર્ગ છે. આ પદ્ધતિને અપનાવ્યા સિવાય જનમાનસને ઉત્કૃષ્ટતાની દિશામાં વાળવું શકય નથી, એટલે સૌથી મહત્ત્વપૂર્ણ કાર્ય એ જ છે કે પરિવારનો પ્રત્યેક સભ્ય એ પ્રયત્ન કરે કે એમના જીવનમાં આળસ, પ્રમાદ, અવ્યવસ્થા અને અનૈતિકતાની જે દુર્બળતાઓ રહેલી છે એમનું ગંભીરતાપૂર્વક નિરીક્ષણ કરે અને એ આત્મચિંતનમાં જે દોષ જણાય એને સુધારવા માટે એક ક્રમબદ્ધ યોજના બનાવીને આગળ વધે.

આત્મચિંતન માટે આપણામાંથી દરેક વ્યક્તિએ પોતાને નીચેના પ્રશ્નો પૂછવા જોઈએ અને એમના જવાબ નોંધી લેવા જોઈએ.

(૧) સમય જેવી જીવનની અમૂલ્ય નિધિનો આપણે સારી રીતે સદુપયોગ કરીએ છીએ ખરા ? એની બરબાદી તો નથી થતી ને ?

(૨) જીવનલક્ષ્યની પ્રાપ્તિનું આપણને ધ્યાન છે કે નહીં ? શરીરસજ્જામાં જ આ અમૂલ્ય અવસરને નષ્ટ નથી કરી રહ્યા ને ? દેશ, ધર્મ, સમાજ અને સંસ્કૃતિની સેવાના પુનિત કર્તવ્યની ઉપેક્ષા તો નથી કરી રહ્યા ને ?

(૩) આપણી વિચારધારા અને કાર્યોમાં આપણે આંધળું અનુકરણ કરી રહ્યા છીએ કે પછી વિવેક, દૂરદર્શિતા અને આદર્શવાદિતા અનુસાર એમનો નિર્ણય કર્યો છે ?

(૪) મનોવિકારો અને કુસંસ્કારોનું શમન કરવા માટે આપણે સંઘર્ષશીલ રહીએ છીએ કે નહીં ? નાનાં નાનાં કારણોને લઈને આપણે આપણી માનસિક શાંતિથી હાથ ધોઈને પ્રગતિના બધા રસ્તા અવરોધવાની ભૂલ તો નથી કરતા ને ?

(૫) શરીર, વસ્ત્ર, ઘર તથા વસ્તુઓને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવાનો અભ્યાસ શરૂ કર્યો કે નહીં ? શ્રમ પ્રત્યે ધૃણા તો નથી કરતા ને ?

(૬) કટુભાષણ, બીજાની ભૂલો શોધવી અને અશુભ કલ્પનાઓ કરતા રહેવાની આદત છોડીને કાયમ સંતુષ્ટ, પ્રયત્નશીલ અને હસમુખા રહેવાની ટેવ આપણે પાડી રહ્યા છીએ કે નહીં?

(૭) પરિવારને સુસંસ્કારી બનાવવા માટે આવશ્યક ધ્યાન અને સમય આપીએ છીએ કે નહીં ?

(૮) આહાર સાત્ત્વિક છે કે નહિ ? જીભના ચટાકાની આદત છૂટી કે નહીં ? સપ્તાહમાં એક સમય ઉપવાસ, વહેલા સૂવું અને વહેલા ઊઠવું તથા બ્રહ્મચર્યનો નિયમ પાળો છો કે નહીં ?

(૯) ઇશ્વર ઉપાસના, આત્મચિંતન તથા સ્વાધ્યાયને આપણા નિત્ય નિયમમાં સ્થાન આપ્યું છે કે નહીં ?

(૧૦) આવક કરતાં વધુ ખર્ચ તો નથી કરતા ને ? કોઈ વ્યસન તો નથી ? બચત કરો છો કે નહીં ? ઉપરોક્ત દસ પ્રશ્નો નિત્ય પોતાને પૂછતા રહીને પોતાનો આત્મા જે ઉત્તર આપે એના પર વિચાર કરવો જોઈએ અને જે ત્રુટિઓ જણાય એમને સુધારવા માટે નિત્ય પ્રયત્નો કરવા જોઈએ.

આત્મસુધાર માટે ક્રમિક પરિષ્કારની પદ્ધતિ અપનાવવાથી પણ કામ ચાલી શકે છે. આપણા બધા દોષદુર્ગુણોનો એક જ દિવસમાં ત્યાગ કરી નાખવાનો ઉત્સાહ લોકોમાં જાગે છે, પરંતુ સંકલ્પશક્તિના અભાવમાં એ પ્રતિજ્ઞા ટકતી નથી. થોડાક સમયમાં એજ જૂના કુસંસ્કારોની શરૂઆત થઈ જાય છે. પ્રતિજ્ઞા ન નિભાવી શકવાથી પોતાનું સંલ્પબળ ઘટી જાય છે અને પછી નાની નાની પ્રતિજ્ઞાઓને નિભાવવાનું પણ મુશ્કેલ થઈ જાય છે. આ ક્રમ લાંબા સમય સુધી ચાલવાથી મનુષ્યનો આત્મવિશ્વાસ પણ ડગી જાય છે અને એ વિચારે છે કે મારા કુસંસ્કાર એટલા પ્રબળ છે કે જીવનોત્કર્ષની દિશામાં આગળ વધવાનું મારા માટે શક્ય જ નથી. આ નિરાશાજનક સ્થિતિ ત્યારે જ આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ આવેશ અને ઉત્સાહમાં પોતાના બધા દોષદુર્ગુણોને તરત ત્યાગી દેવાની પ્રતિજ્ઞા કરે છે અને મનોબળના અભાવના કારણે ચિરસ્થાયી કુસંસ્કારો સામે લડી નથી શકતી.

આત્મશોધનનું કાર્ય એક પ્રકારનો “દેવાસુર સંગ્રામ” છે. કુસંસ્કારોની આસુરી વૃત્તિઓ પોતાનો મોરચો જમાવીને બેસી જાય છે અને એ સંસ્કાર ધારણ કરવાના પ્રયત્નોને નિષ્ફળ બનાવવા માટે અનેક છળકપટો કરતી રહે છે. એટલે ક્રમશઃ આગળ વધવા માટે સુવ્યવસ્થિત રીતે આપણા દોષદુર્ગુણોને પરાજિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સાચી રીત તો એ છે કે આપણી બધી બૂરાઈઓ અને દુર્બળતાઓને એક કાગળ પર નોંધી લેવી જોઈએ અને દરરોજ વહેલી સવારે ઊઠીને એ દિવસનો એવો કાર્યક્રમ બનાવવો જોઈએ કે આજે મારે અમુક દુર્બળતાઓ અમુક પ્રમાણમાં ઘટાડવી જ છે. એ દિવસનો જે કાર્યક્રમ બનાવ્યો હોય તે સંબંધમાં વિચાર કરી લેવો જોઈએ કે આમાં ક્યારે કેટલા, કયા કયા કુસંસ્કારોની પ્રબળતા રહેવાની સંભાવના છે. એ સંભાવનાઓ સામે આવતાં આપણે કમસે કમ કેટલી આદર્શવાદિતા દેખાડવી જોઈએ એ નિર્ણય પહેલેથી જ કરી લેવો જોઈએ અને ફરી આખો દિવસ વહેલી સવારે લીધેલી પ્રતિજ્ઞાને નિભાવવા માટે દૃઢતાપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે દરરોજ સફળતાપૂર્વક આત્મસુધારની દિશામાં આગળ વધીએ તો આપણું સાહસ વધશે અને ધીરે ધીરે બધા જ દોષદુર્ગુણોને છોડી શકાશે.

“ નાનો સંકલ્પ – મોટી સફળતા’

આજે આટલી જ માત્રામાં ભોજન કરીશું, આટલે દૂર ફરવા જઈશું, આટલો વ્યાયામ કરીશું, આજે તો બ્રહ્મચર્ય રાખીશું જ, બીડી પીવાનું કોઈ વ્યસન હોય તો રોજ જેટલી બીડી પીતા હો એમાંથી એક ઓછી કરી જ દઈશું, આટલો સમય તો ભજન અથવા સ્વાધ્યાય કરીશું જ, સફાઈ અને વ્યવસ્થામાં આટલો સમય કાઢીશું જ. આવી નાની નાની પ્રતિજ્ઞાઓ નિત્ય લેવી જોઈએ અને એ દિવસે તો એનું કડકાઈથી પાલન કરવું જ જોઈએ. બીજા દિવસની સ્થિતિ સમજીને ફરી બીજા દિવસની સુધારેલી દિનચર્યા બનાવવી જોઈએ. આમાં શારીરિક ક્રિયાઓનો જ નહીં, માનસિક પ્રવૃત્તિઓનો સુધાર કરવા માટેનું ધ્યાન પણ રાખવું જોઈએ. દરરોજ નાની નાની સફળતાઓ પ્રાપ્ત કરવાથી આપણું મનોબળ નિરંતર વધે છે અને પછી આપણું સાહસ અને સંકલ્પબળ એટલું મજબૂત થઈ જાય છે કે આત્મશોધનની કોઈ અઘરી પ્રતિજ્ઞાને થોડા દિવસ માટે નહીં, પરંતુ આજીવન નિભાવવી સરળ થઈ જાય છે.

દૈનિક આત્મચિંતન અને દિનચર્યા માટે એક સમય નક્કી કરવો જોઈએ. દિનચર્યા નક્કી કરવા માટે વહેલી સવારે ઊઠીને જ્યાં સુધી પથારીનો ત્યાગ ન કરીએ એ સમય સર્વોત્તમ છે. સામાન્ય રીતે ઊંઘ પૂરી થયા પછી પણ થોડાક સમય બાદ આપણે પથારી છોડીએ છીએ. થોડોક સમય એમ જ આળસમાં પડી રહીએ છીએ. આ સમય દૈનિક કાર્યક્રમ બનાવવા માટે ઉત્તમ છે. પથારીમાં પડ્યા પછી પણ કોઈને તરત જ ઊંઘ નથી આવતી. આમાં થોડો સમય લાગે છે. આ સમય દરમિયાન આત્મચિંતન માટે આપણે પોતાને આ દસ પ્રશ્નો પૂછીને એમનો ઉત્તર મેળવવો જોઈએ. જેમની પાસે અન્ય સગવડભર્યો સમય હોય તેઓ આ કાર્યને સગવડતાના અન્ય સમયે પણ કરી શકે છે, પણ ઉપરોક્ત બંને સમય વ્યસ્તમાં વ્યસ્ત સજ્જનો માટે પણ સુવિધાજનક બની શકે છે. આ બન્ને પ્રક્રિયાઓને અપનાવીને આપણે આસાનીથી આત્મિક પ્રગતિના માર્ગ પર ઘણા આગળ વધી શકીએ છીએ.

“આપણે બદલાઈશું – યુગ બદલાશે’’, “આપણે સુધરીશું – યુગ સુધરશે’’

“આપણે બદલાઈશું – યુગ બદલાશે’’, “આપણે સુધરીશું – યુગ સુધરશે’’

વર્તમાન નારકીય પરિસ્થિતિઓને ભવિષ્યના સુખશાંતિમય સ્વર્ગીય વાતાવરણમાં બદલવા માટે ચિંતન જ માત્ર એક કેન્દ્રબિંદુ છે, જેના પર વ્યક્તિની દિશા, પ્રતિભા, ક્રિયા, સ્થિતિ તથા પ્રગતિનો પૂરેપૂરો આધાર રહેલો છે. ચિંતનની ઉત્કૃષ્ટતા કે નીચતાના આધાર પર વ્યક્તિ દેવ અથવા અસુર બને છે. સ્વર્ગ તથા નરકનું નિર્માણ પૂર્ણ રીતે મનુષ્યના પોતાના હાથમાં છે. પોતાના ભાગ્ય અને ભવિષ્યનું નિર્માણ સૌ કોઈ પોતે જ કરે છે.

ઉત્થાન અને પતનની ચાવી ચિંતનની દિશાને માનવામાં આવી છે. આપણે આપણી પરિસ્થિતિઓ જો ઉત્કૃષ્ટ સ્તરની બનાવવી હોય તો એને માટે એક અનિવાર્ય શરત એ છે કે પોતાના ચિંતનની ધારને નીચેની દિશામાં જતી રોકીને એને શ્રેષ્ઠતાની દિશામાં વાળી દો.આ વળાંક જ આપણો સ્તર, સ્વરૂપ અને પરિસ્થિતિઓને બદલવામાં સમર્થ થઈ શકે છે. ચિંતન ખરાબ સ્તરનું હોય અને આપણે મહાનતાનું વરણ કરી શકીએ એ સંભવ નથી. સંકીર્ણ અને સ્વાર્થી લોકો અનીતિથી ભલે થોડા પૈસા ભેગા કરી લે, પરંતુ તેઓ એ વિભૂતિઓથી સર્વથા વંચિત જ બની રહેશે કે જે વ્યક્તિત્વને પ્રખર અને પરિસ્થિતઓને સુખશાંતિથી ભરપૂર તથા સંતોષજનક બનાવી શકે છે.

સમાજ એ વ્યક્તિઓનો બનેલો સમૂહ છે. લોકો જેવા હશે એવો જ સમાજ તથા રાષ્ટ્ર બનશે. દીન દુર્બળ સ્તરની જનતા ક્યારેય સમર્થ અને સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ નહીં કરી શકે. ધર્મ, શાસન, વ્યવસાય, ઉદ્યોગ, ચિકિત્સા, શિક્ષણ, શિલ્પ, કલા વગેરે બધાં જ ક્ષેત્રોમાં નેતૃત્વ જનતાના માણસો કરે છે અને જ્યારે જનમાનસનું સ્તર નીચો જ હોય તો ઊંચો, સારાં સમર્થ અને પ્રાણવાન વ્યક્તિત્વો નેતૃત્વ માટે ક્યાંથી આગળ આવશે ? વ્યક્તિ અને સમાજની સમગ્ર પ્રગતિને માટે ચિંતનની સ્વસ્થ દિશા તથા ઊંચા દૃષ્ટિકોણનું હોવું જરૂરી છે. આની પૂર્તિ આજથી જ કરી શકાય અથવા તો હજારો વર્ષ પછી, પરંતુ પ્રગતિનો પ્રભાવ એ દિવસે જણાશે કે જે દિવસે એવો બરાબર અનુભવ થશે કે આ દુર્દશામાંથી છુટકારો પામવા માટે દુર્બુદ્ધિનો ત્યાગ કરવો આવશ્યક છે. આજની સ્થિતિમાં સૌથી વધુ શૌર્ય, સાહસ, પરાક્રમ અને પુરુષાર્થ એ છે કે આપણે સંપૂર્ણ મનોબળ એકઠું કરીને આપણી તથા આપણાથી સંબંધિત વ્યક્તિઓની વિચારશૈલીમાં એવું પ્રખર પરિવર્તન રજૂ કરીએ, જેમાં વિવેકની જ સ્થાપના થઈ હોય અને અવિવેકપૂર્ણ દુર્ભાવનાઓ તથા દુષ્પ્રવૃત્તિઓને પગ નીચે કચડી નાખવામાં આવે.

મૂઢતા અને દુષ્ટતા પ્રત્યેના મોહે આપણને અસહાય અને કાયર બનાવી દીધા છે. જેને અનુચિત તથા અનિચ્છનીય સમજીએ છીએ, એને બદલવા તથા સુધારવાનું સાહસ નથી કરી શકતા. આપણામાં ન તો સત્યને અપનાવવાનું સાહસ છે કે ન તો અસત્યને ત્યાગવાનું. આપણે જાણીએ છીએ ખરા કે આપણે બિનઉપયોગી વિચારણા તથા પરિસ્થિતિઓથી ઘેરાયેલા છીએ, પરંતુ જયારે સુધાર તથા બદલવાનો પ્રશ્ન આવે છે તો પગ કાંપવા લાગે છે અને જીવ ગભરાવા લાગે છે. કાયરતા નસેનસમાં વ્યાપી ગઈ છે. પોતાની ખોટી માન્યતાઓ સામે જે નથી લડી શકતા તેઓ આક્રમણકારી સામે કેવી રીતે લડશે ? જેઓ પોતાના વિચારોને નથી સુધારી શકતા તેઓ પરિસ્થિતિઓને કેવી રીતે સુધારશે ?

યુગ પરિવર્તનનો શુભ આરંભ પોતાની મનોભૂમિના પરિવર્તનની સાથે શરૂ કરવો જોઈએ. આપણે લોકો નવનિર્માણના સંદેશવાહક તથા અગ્રદૂત છીએ. પરિવર્તનની પ્રક્રિયા આપણે આપણા ચિંતનની દિશાને વિવેકપૂર્ણ બનાવીને વિનિર્મિત કરવી જોઈએ. જે અસત્ય છે, અયોગ્ય છે, બિનઉપયોગી છે એને છોડીને આપણે સાહસ દેખાડીએ. હવે બહાદુરીનો મુગટ એમના માથા પર બાંધવામાં આવશે જેઓ પોતાની દુર્બળતાઓ સામે લડી શકે અને બિનઉપયોગિતાનો અસ્વીકાર કરે. નવનિર્માણના અગ્રદૂતોની સાહસિકતા આ સ્તરની હોવી જોઈએ. એમણે સૌપ્રથમ પોતાની બિનઉપયોગી માન્યતાઓને બદલી નાખવી જોઈએ અને પોતાની જીવનપદ્ધતિમાં આવશ્યક ફેરફાર કરવા માટે એકવાર પૂરેપૂરું મનોબળ એકઠું કરી લેવું જોઈએ અને બીજાઓનાં નિંદા, સ્તુતિની, વિરોધ કે સમર્થનની ચિંતા કર્યા વગર નક્કી કરેલા માર્ગ પર ચાલવું જોઈએ.

આવાં મોટાં કદમ જે લોકો ઉઠાવી શકે છે એમની પાસેથી એ આશા રાખી શકાય કે તેઓ યુગપરિવર્તનના મહાન અભિયાનમાં સાચેસાચ યોગદાન આપી શકશે.

જાણકારી આપવા તથા ગ્રહણ કરવા જેવી આવશ્યકતા વાણી અને લેખની દ્વારા પૂરી કરી શકાય છે. તર્ક અને સાબિતી રજૂ કરીને વિચારોને બદલી શકાય છે, પરંતુ અંતરમાં જામી ગયેલી આસ્થાઓ તથા ઘણા લાંબા સમયથી ચાલી આવતી પ્રવૃત્તિઓને બદલવા માટે સમજાવટથી પણ મોટો આધાર રજૂ કરવો પડશે અને તે એ છે કે “પોતાનો આદર્શ તથા ઉદાહરણ રજૂ કરવાં.” અનુકરણની પ્રેરણા આમાંથી જ ઉત્પન્ન થાય છે. બીજાઓને એ સીમા સુધી પ્રભાવિત કરવા કે તેઓ પણ અયોગ્ય બાબતોને છોડવાનું સાહસ દેખાડી શકે એ ત્યારે જ શક્ય છે કે જ્યારે એવા સાહસિક લોકોના અનુકરણીય આદર્શોને રજૂ કરી શકીએ.

આજે આદર્શવાદિતાની મોટી મોટી વાતો કરનારા બીજાઓને ઉપદેશ આપનારા ઘણા છે, પણ જેઓ પોતાનું ઉદાહરણ રજૂ કરી શકે એવા નિષ્ઠાવાન લોકો જોવા નથી મળતા. આ એ જ કારણ છે કે ઉપદેશ આપવા કરવામાં આવેલો શ્રમ વ્યર્થ જઈ રહ્યો છે અને સુધારની ઈચ્છિત આવશ્યકતા પૂરી થઈ શકતી નથી.

જનમાનસના પરિવર્તનની મુખ્ય આવશ્યકતાને જો સાચે જ પૂરી કરવી હોય તો એનો રસ્તો એક જ છે કે આદર્શોને જીવનમાં ઉતારી શકે તેવા સાહસિક લોકોનું એક એવું દળ તૈયાર થાય, જેઓ પોતાના આચરણ દ્વારા સિદ્ધ કરે કે આદર્શવાદિતા કેવળ બીજાને ઉપદેશ આપવાની ક્રિયા નથી, પરંતુ એને જીવનમાં ઉતારી પણ શકાય છે. આને પ્રમાણિત કરવા માટે આપણે જ આગળ આવવું પડશે. બીજાઓના ખભા પર બંદુક રાખીને ગોળી ન ચલાવી શકાય. આદર્શ કોઈ બીજો રજૂ કરે અને નેતૃત્વ આપણે કરીએ એ વાત હવે નહીં બને. આપણે આપણી આસ્થાની પ્રમાણિકતા પોતાના આચરણ દ્વારા સિદ્ધ કરવી પડશે. આચરણ જ હંમેશાં પ્રમાણિક રહ્યું છે, એનાથી જ લોકોને અનુકરણની પ્રેરણા મળે છે.

આજે જનમાનસમાં એ ભય અને ભ્રમ એ ઊંડે સુધી ઘૂસી ગયો છે કે આદર્શવાદી જીવનમાં કષ્ટ અને મુશ્કેલીઓ જ રહેલી છે. શ્રેષ્ઠ વિચારો કેવળ કહેવા સાંભળવા માટે જ છે. એમને વ્યાવહારિક જીવનમાં કાર્યાન્વિત નથી કરી શકાતા. પ્રાચીનકાળના મહાપુરુષોનાં ઉદાહરણ રજૂ કરવા પૂરતાં નથી. ઉત્સાહ તો પ્રત્યક્ષથી જ ઉત્પન્ન થાય છે. જે સામે છે એનાથી જ ઉત્પન્ન થાય છે. જે સામે છે એનાથી જ અનુકરણની પ્રેરણા ઉત્પન્ન થઈ શકે છે. તેથી આ અભાવ તથા આવશ્યક્તાની પૂર્તિ કોઈકે તો પૂરી કરવી જ પડશે. એના વગર વિકૃતિઓ અને વિપત્તિઓના વર્તમાન સંકટમાંથી છુટકારો નહીં મળી શકે.

આ આવશ્યકતા આપણે લોકોએ જ પૂરી કરવી પડશે. બીજા લોકો એનાથી પાછળ હટી રહ્યા છે. એમને નેતાગીરી, યશ, પ્રશંસા અને માન પ્રાપ્ત કરવાની લાલસા તો છે, પરંતુ પોતાને આદર્શવાદના પ્રતીકના રૂપમાં રજૂ કરવાનું સાહસ નથી થઈ શકતું. આજના અનેક કહેવાતા લોકસેવકો ખોટી લોકમાન્યતાઓના જ અનુગામી બની ગયા છે.

ધાર્મિક ક્ષેત્રના મોટાભાગના નેતા, સંત, મહંતો, જનતાની રૂઢિઓ, મૂઢતાઓ અને આંધળી પરંપરાઓનું પોષણ ખોટું હોવા છતાં પણ કરી રહ્યા છે. રાજનૈતિક નેતા પોતે ચૂંટણીમાં જીતવા માટે મતદારની ખોટી માગણીઓ પણ પૂરી કરવા માટે માથું ઝુકાવી દે છે. આ સ્થિતિમાં રહેલા લોકો જનમાનસના પરિષ્કાર જેવી લોકમંગળની મૂળભૂત આવશ્યકતાઓ પૂરી કરી શકવા માટે સમર્થ નથી થઈ શકતા. આ પ્રયોજનની પૂર્તિ તેઓ કરશે, જેમનામાં લોકરંજનના બદલે લોકનિર્માણને માટે આગળ વધવાનું, નિંદા, અપયશ અને વિરોધ સહન કરવાનું સાહસ હોય. સ્વતંત્રતા-સંગ્રામના સૈનિકોએ બંદુકની ગોળીઓ ખાધી હતી. બૌદ્ધિક પરાધીનતાની વિરૂદ્ધ શરૂ કરેલા આપણા વિચારક્રાંતિ સંગ્રામમાં ભાગ લેનાર સેનાનીઓએ કમસે કમ ગાળો ખાવા તો તૈયાર રહેવું પડશે.

જે લોકો ગાળો ખાવાથી ડરશે એ અનિચ્છનીય બાબતો વિરુદ્ધ અવાજ કેવી રીતે ઉઠાવી શકશે ? અન્યાય સામે લડી કેવી રીતે શકશે? એટલે યુગપરિવર્તનના આ મહાન અભિયાનનું નેતૃત્વ કરી શકવા માટેની આવશ્યક શરત એ છે કે આ ક્ષેત્રમાં કોઈ યશ અને માન મેળવવા માટે નહીં, પરંતુ વિરોધ, નિંદા અને તિરસ્કાર પામવાની હિંમત લઈને આગળ આવે. નવનિર્માણના સુધારાત્મક અભિયાનને ગતિશીલ બનાવવામાં થનારા વિરોધ અને તિરસ્કારને સહન કરવા માટે આગળ કોણ આવે ? એના માટે પ્રખર મનોબળ અને પ્રચંડ સાહસની જરૂર પડે છે. એને એક દુર્ભાગ્ય જ કહેવું જોઈએ કે મૂર્ધન્ય સ્તરના લોકો પણ સાહસવિહીન નિર્વીર્ય દેખાઈ રહ્યા છે અને શૌર્ય તથા પરાક્રમના માર્ગમાં આવનારી મુશ્કેલીઓથી ગભરાઈને આગળ વધવાની હિંમત જ નથી કરી શકતા.

આજે સાચા અધ્યાત્મને કલ્પનાલોકમાંથી નીચે આણીને વ્યાવહારિક જીવનમાં ઉતારવાની ખૂબ આવશ્યકતા છે. પોતાનો અનુકરણીય આદર્શ ઉપસ્થિત નહીં કરી શકે તો સમાજના નવનિર્માણનું ધરતી ઉપર સ્વર્ગના અવતરણનું પ્રયોજન પૂરું નહીં થાય. જરૂરિયાત એ વાતની છે કે આપણે આપણું સઘળું સાહસ એકઠું કરીને પોતાની વાસનાઓ, તૃષ્ણાઓ, સકીર્ણતાઓ અને સ્વાર્થીપણા સામે લડી શકીએ. આ ભવબંધનોને કાપી નાખીએ અને જીવનને એવું પ્રકાશવાન બનાવીએ કે જેની આભાથી વર્તમાન યુગનો અંધકાર દૂર થઈ જાય અને ઉજ્જવળ ભવિષ્યની સંભાવનાઓ પ્રકાશિત થઈ ઊઠે.

મનુષ્ય પોતાના ભાગ્યનો નિર્માતા પોતેજ છે, એ વિશ્વાસના આધાર પર અમારી માન્યતા છે કે અમે ઉત્કૃષ્ટ બનીશું અને બીજાઓને શ્રેષ્ઠ બનાવીશું તો યુગ અવશ્ય બદલાશે.

“મનુષ્ય પોતાના ભાગ્યનો નિર્માતા પોતેજ છે, એ વિશ્વાસના આધાર પર અમારી માન્યતા છે કે અમે ઉત્કૃષ્ટ બનીશું અને બીજાઓને શ્રેષ્ઠ બનાવીશું તો યુગ અવશ્ય બદલાશે.”

પરિસ્થિતિઓનો આપણા જીવનમાં ખૂબ પ્રભાવ પડે છે. આસપાસનું વાતાવરણ જેવું હોય છે, એવા બનવા અને કરવા માટે મનોભૂમિનું વલણ બને છે અને સામાન્ય સ્થિતિના લોકો એ પરિસ્થિતિઓના ઢાંચામાં ઢળી જાય છે. ઘટનાઓ આપણને પ્રભાવિત કરે છે, વ્યક્તિનો પ્રભાવ એમની ઉપર પડે છે. આટલું હોવા છતાં, એ માનવું પડશે કે પોતાના વિશ્વાસનો જ પોતાના ઉપર સૌથી વધુ પ્રભાવ પડે છે. પરિસ્થિતિઓ કોઈને ત્યારે જ પ્રભાવિત કરી શકે છે કે જ્યારે મનુષ્ય એમની સામે માથું ઝુકાવી દે છે. અગર જો એમના દબાણનો અસ્વીકાર કરવામાં આવે તો ફરી કોઈ પરિસ્થિતિ, કોઈ મનુષ્યને પોતાના દબાણમાં ઝાઝો વખત નથી રાખી શકતી. વિશ્વાસની તુલનામાં પરિસ્થિતિઓનો પ્રભાવ અવશ્ય નગણ્ય છે.

કહેવાય છે કે ભાગ્યની રચના બ્રહ્માજી કરે છે. સાંભળવામાં આવ્યું છે કે કર્મ રેખાઓ જન્મ પહેલાં જ માથા પર લખી નાખવામાં આવે છે. એમ પણ કહેવાય છે કે તકદીરની સામે પુરુષાર્થનું કશું ચાલતું નથી. આ દંતકથાઓ એક સીમા સુધી જ સાચી હોઈ શકે છે. જન્મથી જ આંધળા કે અપંગ જન્મેલા અથવા અશક્ત અને અવિકસિત લોકો એવી વાતો કહે, તો તેમની ઉપર ભરોસો રાખી શકાય. આપણે ઘણીવાર અણધારી દુર્ઘટનાના શિકાર થઈ જતા હોઈએ છીએ અને એવી વિપત્તિ સામે આવી જાય છે કે જેનાથી બચી શકવું અથવા એને રોકી શકવી પોતાના વશમાં નથી હોતી. અગ્નિકાંડ, ભૂકંપ, યુદ્ધ, રોગચાળો અકાળ મૃત્યુ, દુકાળ, રેલવે, મોટર વગેરેનું પલટી ખાઈ જવું, ચોરી, ડાકુગીરી વગેરેના કેટલાય અવસરો એવા આવી જાય છે કે મનુષ્ય એમની સંભાવનાઓને ન તો સમજી શકે છે અને ન તો એમને રોકવામાં સમર્થ થઈ શકે છે. આવી કેટલીય ઘટનાઓને ભાગ્યને આધીન વાત માનીને સંતોષ માનવામાં આવે છે. પીડિત મનુષ્યના આંતરિક વિક્ષોભને શાંત કરવા માટે ભાગ્યવાદનો સિદ્ધાંત એક એવો ઉત્તમ ઉપચાર છે કે જે રીતે ઘાયલનો તરફડાટ દૂર કરવા માટે ડોક્ટરો ઊંઘની દવા પિવડાવતા હોય છે, મોર્ફિનનું ઈન્જેક્શન આપે છે અથવા કોકીન વગેરેનું પૂમડું લગાવીને પીડિત સ્થાનને બહેરું કરી નાખે છે. એ વિશેષ પરિસ્થિતિઓનો વિશેષ ઉપચાર છે. ક્યારેક જ એવું બને છે એટલે એને અપવાદ જ કહી શકાય.

પુરુષાર્થ એક નિયમ છે અને ભાગ્ય એમનો અપવાદ. અપવાદોનું પણ અસ્તિત્વ તો માનવું પડે છે, પરંતુ એમના આધાર પર કોઈ નીતિ અપનાવી ન શકાય. કોઈ કાર્યક્રમ ન બનાવી શકાય. કોઈ કોઈકવાર સ્ત્રીઓના પેટથી મનુષ્યાકૃતિથી જુદા જ પ્રકારનાં સંતાનો જન્મતાં જોવા મળે છે, કોઈ કોઈ ઝાડ કસમયે જ ફળફૂલ આપવા લાગે છે, ક્યારેક ક્યારેક ગ્રીષ્મ ઋતુમાં પણ કરા પડે છે. આ અપવાદ છે. એમને કુતૂહલની દૃષ્ટિથી જોઈ શકાય છે, પરંતુ એમને નિયમ ન માની શકાય. એજ રીતે ભાગ્યની ગણના અપવાદોમાં તો થઈ શકે છે, પરંતુ એ ન માની શકાય કે માનવજીવનની બધી પ્રવૃત્તિઓ પૂર્વનિશ્ચિત ભાગ્યવિધાન અનુસાર થતી હોય છે અને જો આવું હોય તો પુરુષાર્થ અને પ્રયત્નની કોઈ આવશ્યક્તા જ ન રહી હોત. જેમના ભાગ્યમાં જેવું થાય છે એવું અફર જ હોય તો પછી પુરુષાર્થ કરવાથી વધુ શું મળે અને પુરુષાર્થ ન કરવાથી પણ ભાગ્યમાં લખેલી સફળતા અનાયાસ જ કેમ ન મળી શકે ?


દરેક વ્યક્તિ પોતપોતાના ઈચ્છિત ઉદ્દેશ્યોને માટે પુરુષાર્થ કરવામાં સંલગ્ન રહે છે. એથી સ્પષ્ટ છે કે આત્માનો સુનિશ્ચિત વિશ્વાસ, પુરુષાર્થથી ઉપર છે અને એજ એની પ્રેરણા નિરંતર રજૂ કરતો રહે છે. આપણે જાણવું જોઈએ કે, બ્રહ્માજી કોઈનું ભાગ્ય નથી ઘડતા. દરેક મનુષ્ય પોતાના ભાગ્યનો નિર્માતા પોતે જ છે. જે રીતે કાલનું મેળવેલું દૂધ આજે દહીં બને છે, એજ રીતે કાલનો પુરુષાર્થ આજે ભાગ્ય બનીને પ્રગટ થાય છે. આજનાં કર્મોનાં ફળ આજે જ નથી મળી જતાં. એમનો પરિપાક થવામાં, પરિણામ આવવામાં થોડો સમય તો લાગે છે. આ વાર લાગે છે તેને જ ભાગ્ય કહી શકાય છે. પરમાત્મા સમદર્શી અને ન્યાયકારી છે. એમને એમના બધા પુત્રો સમાન રૂપથી પ્રિય છે. પછી એ કોઈનું ભાગ્ય સારું અને કોઈનું ભાગ્ય ખરાબ લખવાનો અન્યાય અને પક્ષપાત શા માટે કરે ? એમણે પોતાના દરેક બાળકને સારાં તથા ખરાબ કર્મ કરવાની પૂર્ણ સ્વતંત્રતા આપી છે, પરંતુ સાથે જ એ પણ બતાવી દીધું છે કે સારાં અથવા નરસાં કર્મોનું પરિણામ અવશ્ય પ્રાપ્ત થશે જ. આ જ કર્મને જો ભાગ્ય કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય.

આપણા જીવનમાં અનેક સમસ્યાઓ ગુંચવાયેલી મૂંઝવણોના રૂપમાં વિકસિત વેશ ધારણ કરીને સામે ઊભી છે. આ કડવા સત્યને માનવું જ જોઈએ. એમના ઉત્પાદક આપણે પોતે જ છીએ અને જો આ તથ્યનો સ્વીકાર કરીને આપણી આદતો, વિચારધારાઓ, માન્યતાઓ અને પ્રવૃત્તિઓને સુધારવાને માટે તૈયાર હોઈએ તો સમસ્યાઓને આપણે પોતે જ ઉકેલી શકીએ છીએ. બિચારા ગ્રહ નક્ષત્રોને દોષ દેવો બેકાર છે. લાખો કરોડો માઈલ દૂર રાતિદવસ ચક્કર મારતાં ગ્રહનક્ષત્રો ભલા આપણને શું સુખસુવિધા આપી શકે ? એમને છોડી સાચા ગ્રોનું પૂજન શરૂ કરીએ, જેમની થોડીક જ કૃપાથી આપણું બધું પ્રયોજન સિદ્ધ થઈ શકે છે, બધી આકાંક્ષાઓ જોતજોતામાં પૂર્ણ થઈ શકે છે.


નવ દુર્ગાઓની નવરાત્રીમાં આપણે દર વર્ષે પૂજા કરીએ છીએ કે જેઓ અનેક સિદ્ધિઓ પ્રદાન કરે છે. સુખસુવિધાઓ પ્રાપ્ત કરવા માટે, એમની કૃપા અને સહાયતા પામવા માટે વિવિધ સાધના તથા પૂજન કરવામાં આવે છે. જે રીતે દેવલોકવાસિની નવ દુર્ગાઓ છે એ જ રીતે ભૂલોકમાં નિવાસ કરનારી આપણી અત્યંત સમીપ શરીર અને મસ્તિષ્કમાં રહેનારી નવ પ્રત્યક્ષ દેવીઓ પણ છે અને એમની સાધનાનું પ્રત્યક્ષ પરિણામ પણ મળે છે. દેવલોકવાસિની દેવીઓની પ્રસન્નતા હોવાની અને ન હોવાની વાત તો સંદિગ્ધ હોઈ શકે છે, ન પરંતુ શરીરલોકમાં રહેનારી નવ દેવીઓની સાધનાનો શ્રમ ક્યારેય પણ વ્યર્થ નથી જતો. અગર થોડો પણ પ્રયત્ન એમની સાધના માટે થાય તો એનો પણ પૂરતો લાભ મળી જાય છે.

આપણા મનઃક્ષેત્રમાં વિચરણ કરનારી નવ દેવીઓનાં નામ આ પ્રમાણે છે ઃ (૧) આકાંક્ષા (૨) વિચારણા (૩) ભાવના (૪) શ્રદ્ધા (૫) પ્રવૃત્તિ (૬) નિષ્ઠા (૭) ક્ષમતા (૮) ક્રિયા અને (૯) મર્યાદા. આમને સમતુલિત કરીને મનુષ્ય આઠ સિદ્ધિઓ અને નવનિધિઓનો સ્વામી બની શકે છે. સંસારના પ્રત્યેક પ્રગતિશીલ મનુષ્યને જાણે અજાણે એમની સાધના કરવી જ પડે છે અને એમના અનુગ્રહથી એમને ઉન્નતિના ઊંચા શિખર પર ચડવાનો અવસર પ્રાપ્ત થાય છે.

પોતાને ઉત્કૃષ્ટ બનાવવા પ્રયત્ન કરવામાં આવે તો આપણા સંપર્કમાં આવનારા બીજા લોકો પણ શ્રેષ્ઠ બની શકે છે. આદર્શ હંમેશાં થોડો ઊંચો જ રહે છે અને તેની પ્રતિક્રિયા થોડી નીચી રહી જાય છે. આદર્શની સ્થાપના કરનારાઓને સામાન્ય જનતાના સ્તરથી કાયમ ઊંચા રહેવું પડ્યું છે. સંસારને આપણે જેટલો ઊંચો બનાવવા અને શ્રેષ્ઠ જોવા ઈચ્છીએ છીએ એના કરતાં વધારે ઊંચા બનવાનો આદર્શ રજૂ કરવો પડશે. ઉત્કૃષ્ટતા જ શ્રેષ્ઠતાને ઉત્પન્ન કરે છે. પરિપક્વ શરીરવાળી માતા જ સ્વસ્થ બાળકને જન્મ આપી શકે છે. આદર્શ પિતા બનીએ તો સુસંતતિનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકીશું. જો આદર્શ પતિ હોઈએ તો જ પતિવ્રતા પત્નીની સેવા પ્રાપ્ત કરી શકીશું. શરીર કરતાં તેનો પડછાયો થોડો કુરૂપ હોય છે. ચહેરા કરતાં ફોટામાં થોડીક કચાશ જ રહી જાય છે. આપણે આપણી જાતને જેટલી વિકસિત કરી શક્યા હોઈશું તેટલા આપણા નજીકમાં રહેનારા લોકો એનાથી પ્રભાવિત થઈ ઉપર ઊઠશે જ, તો પણ એમની અપેક્ષા થોડી નીચી તો રહી જ જશે. એટલા માટે આપણે બીજાઓ પાસે જેટલી સજ્જનતા અને શ્રેષ્ઠતાની આશા રાખીએ છીએ, એની તુલનામાં આપણે થોડા વધુ ઊંચા સાબિત થવું જ પડશે. આપણે દર પળે એ યાદ રાખવું પડશે કે ઉત્કૃષ્ટતા વગર શ્રેષ્ઠતા ઉત્પન્ન નહીં થઈ શકે.

લેખો અને ભાષણોનો યુગ હવે વીતી ગયો. ગળું ફાડીફાડીને મોટી મોટી બડાઈ મારીને અને મોટા મોટા લેખો લખીને સંસારનો સુધાર કરવાની આશા વ્યર્થ છે. આ સાધનોથી થોડી મદદ તો મળી શકે છે, પરંતુ ઉદ્દેશ્ય પૂરો નથી થઈ શકતો. યુગનિર્માણ જેવા મહાન કાર્યને માટે આ સાધન અપૂરતાં અને અપૂર્ણ છે. એનું મુખ્ય સાધન એ જ હોઈ શકે છે કે આપણે આપણું માનસિક સ્તર ઊંચું ઉઠાવીએ, ચરિત્રની દૃષ્ટિએ અપેક્ષા પ્રમાણે શ્રેષ્ઠ બનીએ. આપણા આચરણથી જ બીજાઓને પ્રભાવશાળી શિક્ષણ આપી શકાય છે. ગણિત, ભૂગોળ, ઈતિહાસ વગેરેની કહેવા સંભળાવવાની પ્રક્રિયાથી કામ તો ચાલી શકે છે, પરંતુ વ્યક્તિનિર્માણને માટે તો આદર્શ વ્યક્તિત્વ ધરાવતા લોકોની જ જરૂર પડશે. એ આવશ્યકતાઓની પૂર્ણતાને માટે સૌથી પહેલાં આપણે સૌએ આગળ આવવું પડશે. આપણી શ્રેષ્ઠતાથી સંસારની શ્રેષ્ઠતા એની મેળે વધશે. આપણે બદલાઈશું તો યુગ અવશ્ય બદલાશે અને આપણો યુગનિર્માણ સંકલ્પ પણ અવશ્ય પૂરો થશે. આજે ઋષિમુનિ નથી રહ્યા, જેઓ પોતાના આદર્શ ચરિત્ર દ્વારા લોકશિક્ષણ આપીને લોકોના સ્તરને ઊંચું ઉઠાવતા હતા. આજે એવા બ્રાહ્મણ પણ નથી રહ્યા, જેઓ પોતાના અગાધ જ્ઞાન, વંદનીય ત્યાગ અને પ્રબલ પુરુષાર્થથી જનમાનસની પતનોન્મુખ પશુપ્રવૃત્તિઓને પાછી વાળીને દેવત્વની દિશામાં બદલી નાંખવાની જવાબદારી પોતાના ખભા ઉપર લેતા હતા. વૃક્ષોના અભાવમાં એરંડો પણ વૃક્ષ કહેવાય છે. આ વિચારધારા સાથે જોડાયેલ વિશાળ દેવપરિવારના પરિજનો પોતાના નાના નાના વ્યક્તિત્વને આદર્શવાદની દિશામાં અગ્રેસર કરે તો કોઈ ને કોઈ પ્રયોજન તો સિદ્ધ થશે જ. ઓછામાં ઓછો એક અવરુદ્ધ દરવાજો તો ખૂલશે જ. જો આપણે માર્ગ બનાવવા માટે પોતાના નાનકડા અસ્તિત્વને ઓગાળી દઈએ તો આવતી કાલે આવનારા યુગપ્રવર્તકોની મંજિલ સરળ થઈ જશે. યુગનિર્માણ સત્સંકલ્પનો શંખનાદ કરી રહેલા નાના નાના લોકો આગળ વધે તો અજાગ્રત પડી રહેલી યુગનિર્માત્રી શક્તિઓને જાગરણની આવશ્યક્તાનો અનુભવ જરૂર થશે. રાષ્ટ્રની પ્રબુદ્ધતા અને ચેતનાને જો ચારિત્રિક વિકાસ માટે આપણે જાગ્રત કરી શકીએ તો આજે નહીં તો કાલે યુગનિર્માણનો સંકલ્પ પૂર્ણ થઈને જ રહેશે.

યુગપરિવર્તનની સુનિશ્ચિતતા ઉપર વિશ્વાસ કરવો તે હવામહેલ નથી, પરંતુ તથ્યો ઉપર આધારિત એક સત્ય છે. પરિસ્થિતિઓ ભલે ગમે તેટલી વિકટ હોય, પણ જ્યારે શુભ આશયવાળી સંલ્પશીલ વ્યક્તિઓ એક થઈને કાર્ય કરે છે ત્યારે સ્થિતિ બદલાયા વગર નથી રહેતી. અસુરતાના આતંકમાંથી મુક્તિ મેળવ્યાનાં પૌરાણિક આખ્યાન હોય કે જેમના શાસનમાં સૂર્ય નહોતો ડૂબતો એમની ચુંગાલમાંથી મુક્ત થવાનું સ્વતંત્રતા અભિયાન હોય, પરંતુ નગણ્ય શક્તિથી જ સંલ્પવાળી વ્યક્તિઓનો સમુદાય એના માટે યુગશક્તિના અવતરણનું માધ્યમ બની જાય છે. યુગનિર્માણ અભિયાનથી પરિચિત વ્યક્તિઓ સારી રીતે સમજી શકશે કે આ ઈશ્વરપ્રેરિત પ્રક્રિયા છે. આ સંકલ્પને અપનાવનારને ઈશ્વરના સંકલ્પનો ભાગીદાર કહેવામાં આવશે. તેથી સફળતા ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખીને એને જીવનમાં ચરિતાર્થ કરવા કરાવવા માટે પૂરેપૂરી શક્તિ વાપરવી, એ જ સૌથી મોટી જવાબદારી સિદ્ધિ થશે.

રાષ્ટ્રીય એકતા તથા સમતા પ્રત્યે નિષ્ઠાવાન રહીશું. જાતિ, લિંગ, ભાષા, પ્રાંત, સંપ્રદાય વગેરેના કારણે પરસ્પર કોઈ ભેદભાવ નહીં રાખીએ.

રાષ્ટ્રીય એકતા તથા સમતા પ્રત્યે નિષ્ઠાવાન રહીશું. જાતિ, લિંગ, ભાષા, પ્રાંત, સંપ્રદાય વગેરેના કારણે પરસ્પર કોઈ ભેદભાવ નહીં રાખીએ.

આવતી સદીની સંભાવનાઓ અદ્ભુત, અનુપમ અને અભૂતપૂર્વ છે. એકબાજુ બૌદ્ધિક, વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક પ્રગતિ થઈ, તો બીજી બાજુ ઉદારતાનું તથા ચેતનાનું અવમૂલ્યન પણ થયું છે. એના કારણે પ્રગતિના નામે જે કાંઈ મળ્યું તેનો દુરુપયોગ થવાના કારણે પરિણામ ઊલટું જ આવ્યું. સાધનસગવડો અવશ્ય વધ્યાં છે, પરંતુ વિકૃત માનસના કારણે વ્યક્તિત્વ એટલું હલકું બની ગયું છે તથા સાધનોનો એટલો બધો દુરુપયોગ થઈ રહ્યો છે કે આપણા પૂર્વજોની સામાન્ય સ્થિતિની સરખામણીમાં આપણે અનેક સમસ્યાઓ તથા વિપત્તિઓથી ઘેરાઈ ગયા છીએ. કાદવમાં ફસાઈ ગયા જેવી સ્થિતિ અવશ્ય છે, પરંતુ શું એવું ન થઈ શકે કે દેવ જેવો માનવામાં આવતો મનુષ્ય લાચાર બનીને પોતાનો સર્વનાશ થતો જોઈ રહેવાના બદલે સમયસર ચેતી જાય ?

લોકોનું માનસ બગડવાથી સામાજિક વ્યવસ્થા અને રીતરિવાજ અસ્તવ્યસ્ત થઈ જાય છે. આપસમાં એકતા ન હોવી તે તથા અસમાનતા એ બે મોટાં સંકટો છે. એમાંથી જ બીજાં અનેક સંકટો ઊભાં થાય છે. એમને દૂર કરવા માટે એકતા અને સમતાની સ્થાપના કરવી પડે છે. એમ કરવાથી પેલા બધા અવરોધો અનાયાસે જ દૂર થઈ જાય છે કે જે રાઈનો પર્વત બનીને, મહાવિનાશનો પડકાર ફેંકીને ગર્જના કરી રહ્યા હતા. નવયુગમાં એકતા અને સમતાના બંને સિદ્ધાંતોનો દરેક વ્યક્તિએ ઈચ્છા કે અનિચ્છાએ પણ અંગીકાર કરવો પડશે એવું વિદ્વાનો તથા ભવિષ્યવેત્તાઓનું માનવું છે. સમાજ તથા શાસને પણ પોતાની માન્યતાઓ તથા વ્યવસ્થા એ રીતે જ ઘડવી પડશે. પ્રવાહને અનુરૂપ પોતાના સ્વભાવમાં પરિવર્તન કરવું પડશે. અડબંગ લોકો તો પોતાની ઉદંડતાનો પરિચય આપ્યા વગર રહેતા નથી. સળગતા દીપકની જ્યોત હોલવી નાંખવા માટે પતંગિયાં એના પર કૂદી પડે છે. ભલે પછી એમની પાંખો બળી જાય કે પોતાનો જીવ પણ ખોવો પડે. તોફાનનો માર્ગ રોકનારાં વૃક્ષો ઊખડી જાય છે. મહાકાળના નિર્ણય અને અનુશાસનની સામે કોઈ ઉદંડ તત્ત્વો અવરોધ ઊભો કરી એને રોકવાનો પ્રયત્ન કરશે તો મહાકાળનો આકરો દંડ તેમણે સહન કરવો પડશે.

એકવીસમી સદીની સંપૂર્ણ વ્યવસ્થા એકતા તથા સમતાના આધારે નક્કી થશે. દરેક બાબતમાં, દરેક ક્ષેત્રમાં એમની જ બોલબાલા જોવા મળશે. જે બનવાનું છે એને અનુરૂપ તૈયા૨ીઓ આપણે અત્યારથી જ કરવા માંડીએ તો એ આપણા હિતમાં જ હશે. બ્રાહ્મમુહૂર્તમાં જાગીને નિત્યકર્મ કરી લેનારા માણસો સૂર્યોદય થતાં જ પોતાના કામકાજમાં પરોવાઈ જાય છે, જયારે દિવસ ઊગતા સુધી સૂઈ રહેનારા લોકો બધાં કામોમાં પાછળ પડી જાય છે.

મૂર્ધન્ય વિદ્વાનોનું કહેવું છે કે ભવિષ્યમાં એક સર્વમાન્ય વ્યવસ્થા ઘડાશે. બધા લોકોએ હળીમળીને રહેવું પડશે. કોઈ પોતાનો અલગ ચોકો ઊભો કરવાની મૂર્ખાઈ નહિ કરે. સભ્યતાનાં આગળ વધતાં ચરણોમાં એકતા જ બધાની આરાધ્ય દેવી હશે. અલગતાવાદ દૂર થઈ જશે. સંકુચિત સ્વાર્થપરાયણતા અને પોતાના મતલબથી મતલબ રાખનારી ક્ષુદ્રતા કોઈપણ ક્ષેત્રમાં જોવા નહિ મળે. હળીમળીને રહેવાથી જ શાંતિ, સુવિધા, સુરક્ષા અને પ્રગતિની દિશામાં આગળ વધી શકાશે. વસુધૈવ કુટુંબકમનો આદર્શ હવે સમાજવાદ, સમૂહવાદ, સંગઠન તથા એકીકરણના સ્વરૂપમાં અમલી બનશે. બધા જ લોકોનું એને સમર્થન મળશે.

ભવિષ્યની દુનિયા એકતાનું લક્ષ્ય સ્વીકારવાનો નિશ્ચય કરી ચૂકી છે. એમાં અવરોધ ઊભો કરનારા લોકો પાણીના પ્રવાહમાં તણાતાં પાંદડાંની જેમ ક્યાંથી ક્યાંય વહી જશે. ચક્રવાત સાથે ટકરાવાની મૂર્ખતા કરનારાં તણખલાંનું અસ્તિત્વ નથી રહેતું. હવે કોઈ એકતાનો ત્યાગ નહિ કરી શકે. નાતજાતના નામે, રંગ, વર્ણ કે લિંગના આધારે જુદા જુદા બીલા બનાવીને રહેવાનું આદિકાળમાં શક્ય હતું. ઔચિત્યને સમર્થન આપનારા આજના યુગમાં તે શક્ય નથી.

આખી દુનિયામાં એક જ જાતિનું અસ્તિત્વ રહેશે અને તે સભ્ય તથા સુસંસ્કારી માનવજાતિનું. કાળા, ગોરા, પીળા કે ઘઉંવર્ણા રંગની ચામડીના આધારે કોઈનો અલગ સમાજ નહિ બને. સમજદારીના વાતાવરણમાં માત્ર ન્યાય જ જીવતો રહેશે અને ઔચિત્યની પ્રશંસા થશે તથા એને જ અપનાવવામાં આવશે.

ધર્મ, સંપ્રદાય, ભાષા, જાતિ, પ્રથા, ક્ષેત્ર વગેરેના નામે ભેદભાવની જે કૃત્રિમ દીવાલો ઊભી થઈ ગઈ છે તે લહેરોની જેમ ભલે અલગ અલગ દેખાય, પણ તે એક જ જળાશયની માત્ર સામયિક હલચલ જેવી હશે. પાણીમાં પેદા થતા પરપોટા થોડીવાર માટે ભલે પોતાનું કુતૂહલ બતાવે, પરંતુ જોતજોતામાં તે અથાગ જળરાશિમાં વિલીન થઈ જાય છે. મનુષ્યને અલગ કરનારાં તત્ત્વો ભલે ગમે તેટલાં પુરાતન, સંકુચિત કે પ્રબળ હોય, પરંતુ આવનારા તોફાનમાં એમાંના એકેયનું અસ્તિત્વ નહિ ૨હે. આજે માનવજાત ભલે એક ના બને, પરંતુ આગામી દિવસોમાં તો એને એક બનીને રહેવું જ પડશે.

આખું વિશ્વ એક રાષ્ટ્ર બનશે. દેશોની કૃત્રિમ દીવાલોના આધારે અલગ અલગ ટુકડામાં વહેંચાઈ રહેવું વ્યાવહારિક નહિ રહે. જ્યાં સુધી તે અલગ રહેશે ત્યાં સુધી શોષણ, આક્રમણ તથા ખેંચાતાણીનું વાતાવરણ રહેશે. દેશભક્તિના નામે યુદ્ધો થતાં રહેશે અને શક્તિશાળી લોકો દુર્બળોને કચડતા રહેશે. આ અપ્રાકૃતિક વિભાજનના કારણે જ જંગલનો કાયદો, મત્સ્યન્યાય (મોટી માછલી નાની માછલીને ગળી જાય તે) પેદા થયો છે. દરેક ક્ષેત્રના નાગરિકે પોતાની નાનકડી ઘોલકીમાં રહેવું પડે
છે. તે પોતાને અનુકૂળ હોય કે પોતાને પસંદ હોય તે ક્ષેત્રમાં જઈને રહી શકતો નથી. કેટલાક દેશો પાસે અપાર ભૂમિ છે, તો કેટલાકને ગીચ વસ્તીમાં રહેવું પડે છે. કેટલાક દેશો પોતાના દેશનાં ખનિજો તથા પ્રાકૃતિક સંપત્તિના આધારે ધનકુબેર બની ગયા છે, તો કેટલાકને ખૂબ મહેનત કરવા છતાં કુદરતી સંપત્તિનો લાભ ન મળવાના કારણે ગરીબીમાં સબડવું પડે છે. ભગવાને પોતાના બધા પુત્રોને એકસરખી સગવડ આપવા માટે ધરતીનું સર્જન કર્યું છે. કુદરતી સંપત્તિ ૫૨ બધાનો સરખો હક છે. પછી કેટલાક દેશો અયોગ્ય રીતે બધી સંપત્તિને પોતાના પટારામાં મૂકી દઈને બીજાઓને એક એક દાણા માટે ટટળાવે એવું વિભાજન અન્યાયપૂર્ણ હોવાના કારણે હવે લાંબો સમય ટકવાનું નથી. કોઈ દેશની દાદાગીરી ચાલવાની નથી. આખું વિશ્વ એક દેશ બની જશે અને એમાં વસતા બધા લોકો બધી જ કુદરતી સંપત્તિનો ઉપયોગ એક પિતાનાં સંતાન હોવાના નાતે સમાન રૂપે કરી શકશે. પરિશ્રમ તથા કુશળતાના આધારે કોઈકને થોડુંક વધારે મળે એ જુદી વાત છે, પરંતુ પૈતૃક સંપત્તિ પર બધાનો સમાન અધિકાર હશે.

પાણીનાં ટીપાં અલગ રહે તો એમનું ગૌરવ જળવાતું નથી. હવાનો એક સપાટો એમને સૂકવી શકે છે, પરંતુ જ્યારે તે ભેગાં મળીને એક વિશાળ જળાશયનું રૂપ ધારણ કરે છે ત્યારે એમની સમર્થતા અને વ્યાપકતા ખૂબ વધી જાય છે. આ તથ્ય સમજીને આપણે સમગ્ર માનવજાતિએ એકતાના સૂત્રમાં બંધાઈ જવાનું સાહસ કરવું જોઈએ. ધર્મસંપ્રદાયોની વિભાજન રેખા પણ આવી જ છે. તે પોતાની માન્યતાઓને સાચી અને બીજાની માન્યતાઓને ખોટી સાબિત કરવામાં પોતાની બુદ્ધિપ્રતિભાનો દુરુપયોગ કરી સંધર્ષની સ્થિતિ ઊભી કરે છે. યુદ્ધોએ કેટલો વિનાશ કર્યો છે તેનું પરિણામ પ્રત્યક્ષ છે, પરંતુ પોતાના ધર્મની માન્યતાઓ બીજા લોકો પર લાદવા કેટલાં પ્રલોભનો, કેટલો પક્ષપાત અને કેટલો અન્યાય કરવામાં આવ્યો છે તેનું પરોક્ષ સર્વેક્ષણ કરવું શક્ય હોય તો ખાતરી થશે કે ધાર્મિક આક્રમણો પણ ઓછાં દુઃખદાયી નથી. આગળ પણ જો એમ થતું રહેશે તો વિવાદ, વિનાશ અને વિષાદ વધતા જ જશે, તેથી સંપ્રદાયવાદ છોડીને અનેકતામાં એકતાની દીર્ઘદ્રષ્ટિ અપનાવવી જ પડશે.

શરૂઆતમાં સર્વધર્મ પ્રત્યે સમભાવ અને સહિષ્ણુતાની કામચલાઉ પ્રતિ ઠીક છે, પરંતુ છેવટે તો વિશ્વમાનવનો એક જ માનવધર્મ હશે. એના સિદ્ધાંતો ચિંતન, ચરિત્ર અને વ્યવહારની સાથે જોડાનાર આદર્શવાદ પ૨ આધારિત હશે. માન્યતાઓ અને પરંપરાઓને તર્ક, તથ્ય, પ્રમાણ, પરીક્ષણ તથા અનુભવની કસોટી પર કસ્યા પછી જ વિશ્વધર્મની માન્યતા મળશે. ટૂંકમાં એને આદર્શવાદી વ્યક્તિત્વ અને ન્યાયનિષ્ઠા પર આધારિત માનવામાં આવશે. આજના અંધકારભર્યા વાતાવરણમાં વિશ્વધર્મની વાત ભલે અશક્ય લાગતી હોય, પરંતુ હવે એ સમય દૂર નથી કે જ્યારે એકતાનો સૂરજ ઊગશે અને પૂર્ણ રીતે પ્રકાશશે. આ જ છે ભવિષ્યની સતયુગી સમાજવ્યવસ્થાની થોડીક ઝાંખી કે જે દરેક આસ્તિકને ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યે આશાવાન બનાવે છે.

સજ્જનોને સંગઠિત કરવા અનીતિનો સામનો કરવા તથા નવસર્જનની પ્રવૃત્તિઓમાં પૂરેપૂરી રુચિ લઈશું.

સજ્જનોને સંગઠિત કરવા અનીતિનો સામનો કરવા તથા નવસર્જનની પ્રવૃત્તિઓમાં પૂરેપૂરી રુચિ લઈશું.

કોમળ અને સૌમ્ય તત્ત્વોને ઈશારાથી સમજાવીને વિવેક તથા તર્ક દ્વારા ઔચિત્ય બતાવીને સન્માર્ગગામી બનાવી શકાય છે, પરંતુ કઠોર અને દુષ્ટ તત્ત્વોને બદલવા માટે લોખંડને અગ્નિમાં તપાવીને ટીપવાની લુહારની નીતિ જ અપનાવી પડે છે. દુર્યોધનને સમજાવવામાં જ્યારે શ્રીકૃષ્ણ પણ સફળ ન થઈ શક્યા ત્યારે અર્જુનનાં બાણો દ્વારા માર્ગ પર લાવવાનો પ્રબંધ કરવો પડ્યો. હિંસક પશુઓ નમ્રતા અને ઔચિત્યની ભાષા નથી સમજતાં.એમનેશસ્ર દ્વારા જ કાબૂમાં લાવી શકાય. ભગવાને વારંવાર ધર્મની સ્થાપના માટે અવતાર લેવો પડે છે, સાથે સાથે તેઓ અસુરતાનો નાશ કરવાનું રૌદ્ર કૃત્ય પણ કરે છે.

વ્યક્તિગત જીવનમાં દેવશક્તિનું અવતરણ નિઃસંદેહ એક સર્જનાત્મક કૃત્ય છે. એના માટે સદ્ગુણો વધારવાની સાધના નિરંતર ક૨વી પડે છે પરંતુ સાથે સાથે અંતઃકરણમાં છુપાયેલા દોષદુર્ગુણો સામે ઝઝૂમવું પણ પડે છે. જો કુસંસ્કારોને દૂર નહીં કરીએ તો સદ્ગુણોની . સ્થાપના નહીં થાય અને બધી શક્તિ આ કષાયકલ્મષોમાં જ નષ્ટ થતી રહેશે. આળસ, પ્રમાદ, આવેશ, અસંયમ વગેરે દુર્ગુણોની સામે સખત વિરોધ ઊભો કરવો પડશે અને ડગલે પગલે એમની સામે લડવા સાવધ રહેવું પડશે. ગીતાનો રહસ્યવાદ અંતરના આ શત્રુઓને કૌરવો માનીને, અર્જુનરૂપી જીવને એમની સામે લડવાને માટે પ્રોત્સાહિત કરે છે. પોતાની સાથે લડીને વિજય મેળવે છે એને જ ખરો વિજેતા માનવો જોઈએ.

સામૂહિક જીવનમાં સમય સમય પર અનેક અત્યાચારો ઉત્પન્ન થયા કરે છે અને એમને રોકવા માટેસરકારી તથા બિનસરકારી સ્તર પર પ્રબળ પ્રયત્નો કરવા પડે છે. પોલીસ, જેલ, અદાલત, કાનૂન, સેના વગેરેના માધ્યમથી સ૨કા૨ી દંડસંહિતા અત્યાચારને રોકવાનો યથાસંભવ પ્રયાસ કરે છે. જનસ્તર ઉપર પણ અનિચ્છનીય અને અસામાજિક તત્ત્વોનો વિરોધ અવશ્ય થાય છે. જો એમને રોકવામાં ન આવે, ઉદ્દંડતા અને દુષ્ટતાનો વિરોધ ન કરવામાં આવે તો એ જોતજોતામાં આકાશને આંબી જાય અને પોતાના સર્વભક્ષી મુખથી શાલીનતા અને શાંતિને ગળી જાય.

આજે નૈતિક, બૌદ્ધિક અને સામાજિક ક્ષેત્રોમાં અનિચ્છનીય તત્ત્વોનો એટલો વધારો થયો છે કે શાંતિ અને સુવ્યવસ્થા માટે એક પ્રકારનું સંકટ જ ઉત્પન્ન થયું છે. છળ, અસત્ય, બનાવટ અને વિશ્વાસઘાતનું એવું પ્રચલન થયું છે કે કોઈપણ વ્યક્તિ પર વિશ્વાસ કરવો એ જોખમથી ભરેલું છે. વિચારોની દૃષ્ટિથી મનુષ્ય ઘણો જ સંકીર્ણ, સ્વાર્થી તથા હરામી થઈ રહ્યો છે. પેટ અને પ્રજનન સિવાય બીજું કોઈ લક્ષ્ય નથી. આદર્શવાદિતા અને શ્રેષ્ઠતા હવે કહેવા સાંભળવાની વસ્તુ બની ગઈ છે. વ્યવહારમાં ભાગ્યે જ કોઈ વિરલો એને ઉતારે છે. સામાજિક કુરિવાજોનું તો પૂછવું જ શું ? વિવાહોન્માદ, મૃત્યુભોજન, ઊંચનીચના ભેદભાવ, નારીનો તિરસ્કાર, બાળલગ્નો, વૃદ્ધલગ્નો ન જાણે કેટલા પ્રકારના ખરાબ રિવાજો સમાજમાં ઘૂસી ગયા છે. અગર એમને રહેવા દેવામાં આવે તો આપણને સભ્ય દેશોના લોકો પછાત માણસો માનશે અને આપણે દુર્બળતાઓનો શિકાર થઈને આપણું અસ્તિત્વ જ ખોઈ બેસીસું.

આગામી દિવસોમાં વ્યક્તિગત, સામાજિક અને રાજનૈતિક ક્ષેત્રમાં વ્યાપેલી અસંખ્ય દુષ્પ્રવૃત્તિઓ વિરુદ્ધ શરૂ કરેલા ધર્મયુદ્ધમાં ભાગ લેવા માટે દરેક માણસને આમંત્રિત કરવો પડશે. એક જમાનામાં તલવાર ચલાવનારા અને માથું કાપનારા લોકો યોદ્ધા કહેવાતા હતા. હવે માપદંડ બદલાઈ ગયો છે. ચારે દિશામાં વ્યાપેલા આતંક અને અનાચાર સામેના સંઘર્ષમાં જે જેટલું સાહસ બતાવશે અને ઘા ખાશે એને એટલો જ બહાદુર માનવામાં આવશે. એ બહાદુરી બતાવ્યા પછી જ શોષણવિહીન સમાજની સ્થાપના શક્ય બનશે. દુર્બુદ્ધિ અને અનીતિ સામે લડવા માટે જે લોકો સમર્થ હશે એમનો જ પુરુષાર્થ પીડિત માનવતાનું રક્ષણ કરીને યશ મેળવી શકશે. ભારતીય સમાજને બેઈમાન અને ગરીબ રહેવા વિવશ બનાવનાર

સર્વનાશી લગ્નોન્માદ રૂપી રાક્ષસ સામે પૂરી શક્તિ સાથે લડવું પડશે. હમણાં પ્રચાર, વિરોધ વગેરે સામાન્ય પગલાં લેવાયાં છે, પરંતુ આગળ જતાં અસહયોગ, સત્યાગ્રહ અને ધેરાવ જેવાં મોટાં પગલાં લઈને આ કુપ્રથાનો ત્યાગ કરવા માટે તથા એને ઘૃણિત અનેદુષ્ટ માનવામાટેવિવશ કરીશું. જેથી લગ્નના નામે પ્રચલિત ઉદ્ધૃતપણાને જીવિત રાખવાનું અશક્ય થઈ જાય. પૂર્ણ સાદાઈ અને ઓછાં ખર્ચાળ લગ્નોનું પ્રચલન થાય ત્યાં સુધી આપણો સંઘર્ષ ચાલતો રહેશે. આપણે ત્યાં સુધી ચેનથી બેસીશું નહિ કે બેસવા દઈશું નહિ કે જ્યાં સુધી આ અનૈતિક તથા અનિચ્છનીય પ્રથાનું દેશમાંથી કાળું મોઢું ન થઈ જાય.

મૃતકભોજનના નામે ધૃણિત ભોજન ખાવાનીનિષ્ઠુરતા, પશુબલીની નૃશંસતા, ઊંચનીચના નામે માનવીના અધિકારોનું અપહરણ, નારીને હલકી માનીને મારઝૂડ કરવાની ક્રૂરતા આપણા સમાજ પર લાગેલાં કલંક છે, જેનું સમર્થન કોઈપણ વિવેકશીલ અને સહૃદયી વ્યક્તિ કરે જ નહીં. મૂઢ પરંપરાઓ અને આ કુરિવાજોને ધાર્મિકતા સાથે જોડી દીધાંછે. આ સ્થિતિ ક્યાં સુધી સહન કરીશું? આ મૂઢતાની વિરુદ્ધ મોરચાથી આગળ વધીને આપણે એવાં સક્રિય પગલાં લેવાં પડશે કે એ ભલે અશાંતિ ઉત્પન્ન કરનારાં કહેવાય, પરંતુ રોકાઈશું ત્યારે કે જયારે માનવતાના મૂળભૂત આધારોનો સ્વીકાર કરનારા બહાદુરો ઝઘડાના ભયનો સામનો કરીને એ અનીતિ સામે દરેક મોરચે ઝઝૂમવા માટે કમર કસી લે. ભલે એ માટે એમને કોઈ ખતરો ઉઠાવવો પડે.

વૈયક્તિક દોષદુર્ગુણો સામે લડવા અને જીવનને સ્વચ્છ, પવિત્ર તથા નિર્મળ બનાવવા માટે જો કુસંસ્કારો સામે લડવું પડે તો એ લડાઈ લડવી જ જોઈએ. પરિવારોમાં થોડા સભ્યોને દાસદાસીની જેમ અને કોઈકને રાજા રાણી જેમ રહેવાને જો પરંપરા માનીને ચાલીએ તો એને બદલીને એવી પરંપરા સ્થાપિત કરવી પડશે કે બધાને ન્યાયયુક્ત અધિકાર, લાભ, શ્રમ તથા સહયોગ કરવાની વ્યવસ્થા રહે. આર્થિક ક્ષેત્રમાં બેઈમાનીને આશ્રય ન મળે. વ્યક્તિગત વ્યવહારમાં છળકપટ અને વિશ્વાસઘાતની કોઈ શક્યતા ન રહે. આવી પરિસ્થિતિઓ પેદા કરવા માટે પ્રબળ લોકમત તૈયાર કરવો પડશે અને અનિચ્છનીય તત્ત્વોનો ઉગ્ર વિરોધ કરીને એટલા સક્રિય બનવું પડશે કે અપરાધ, ઉદંડતા અને ગુંડાગીરી કરવાની હિંમત કોઈથી ન થઈ શકે. હરામની કમાઈખાનારા, ભ્રષ્ટાચારી તથા બેઈમાન લોકોનો એટલો તીવ્ર વિરોધ કરવો પડશે કે જેનાથી તેમને રસ્તા પર ચાલવું અને મોં દેખાડવું મુશ્કેલ થઈ જાય. જ્યાંથી તેઓ નીકળે ત્યાંથી ધિક્કારના અવાજે તેમને સંભળાય, સમાજમાં ઊઠવા બેસવાનું જ બંધ થઈ જાય અને હજામ, ધોબી, દરજી કોઈપણ તેમને સહયોગ આપવા તૈયાર ન થાય.

સાર્વજનિક સંસ્થાઓમાં સ્વાર્થ સાધવા તથા નેતાગીરી કરવા જે ખરાબ આત્માઓ જામી પડ્યા છે એમને દૂધમાંથી માખીની જેમ કાઢીને ફેંકીદેવા જોઈએ. ધર્મ અને અધ્યાત્મનો અંચળો ઓઢીને જે શિયાળ પોતાના સ્વાર્થ સાધવા તત્પર છે એમની અસલિયત જાહેરમાં ખુલ્લી પાડવામાં આવે જેથી એમને સૌ ધિક્કારે. ભોળા લોકોને અનેક હાથોથી લૂંટાતા બચાવવા તે એક ઊંચી અને શ્રેષ્ઠ સેવા કહેવાય છે. ૮૦ લાખ ભીખ માગનારા જુદા જુદા પ્રકારનો ઢોંગ કરીને જે રીતે ઠગાઈ અને હરામખોરી કરવામાં લાગ્યા રહ્યા છે, તેમને આપણે ક્યાં સુધી સહન કરીશું ? શાસન પ્રદાન કરવા માટે રાજનૈતિક નેતા તથા વિધાયકોને શાસકો તથા અફસરોને એ વિચાર કરવા માટે વિવશ કરવામાં આવે કે એ પોતાના લાભ માટે જ નહીં, પરંતુ લોકમંગલ માટે જ શાસનતંત્રનો ઉપયોગ કરે.

આ રીતે સંધર્ષની બહુમુખી પ્રચંડ પ્રક્રિયા આવતા દિવસોમાં યુગનિર્માણ યોજના શરૂ કરશે. એમનાં સાધનો જેમ જેમ વિકસિત થશે, સંઘશક્તિ જેટલી માત્રામાં વધશે એટલી માત્રામાં એ શાંત, અહિંસક તથા સજ્જનોચિત સાંસ્કૃતિક કાર્યમાં અથાક રીતે જોડાશે. અનૌચિત્ય તથા અન્યાયની સામે લડાનારું આ ધર્મયુદ્ધ ત્યારે જ પૂરું થશે, જ્યારે માનવતાના આદર્શની વિજયપતાકા આખા વિશ્વમાં લહેરાશે.

પરંપરાઓની તુલનામાં વિવેકને મહત્ત્વ આપીશું

પરંપરાઓની તુલનામાં વિવેકને મહત્ત્વ આપીશું

ભગવાને મનુષ્યને યોગ્ય-અયોગ્યનો, લાભ-નુકસાનનો નિષ્કર્ષ કાઢવા તથા કયાં જવું અને કયાં ન જવું તેનો નિર્ણય કરવા માટે ઉપયોગી બુદ્ધિ આપી છે. એ આધારે જ તેની ગતિવિધિઓ ચાલે છે પણ એવું જોવા મળે છે કે રોજિંદા જીવનની સામાન્ય વાતોમાં જે વિવેક સારું કામ કરે છે એ જ વિવેક મહત્ત્વની સમસ્યા સામે આવે ત્યારે કુંઠિત થઈ જાય છે. પરંપરાઓની તુલનામાં તો કોઈ વિરલાનો જ વિવેક જાગૃત રહે છે નહિ તો આંતરિક વિરોધ રહેવા છતાં લોકો પાણીમાં વહેતા તણખલાની જેમ અનિચ્છિત દિશામાં વહેવા લાગે છે. જે તરફ ધેટાંનું ટોળું જાય છે એ તરફ જ બધાં ઘેટાં જાય છે. એક ઘેટું કૂવામાં પડે તો પાછળથી બધાં ઘેટાં એ જ કૂવામાં પડી પોતાના પ્રાણ ગુમાવવા લાગે છે. દેખાદેખીની નકલ કરવાની પ્રવૃત્તિ વાંદરામાં જોવા મળે છે. તે બીજાઓને જેવું કરતા જુએ તેવું જ પોતે પણ કરવા લાગે છે. આ આંધળું અનુકરણ કરવાની ટેવને જ્યારે મનુષ્યનું મન પણ માની લે છે ત્યારે તે એ સિદ્ધ કરવાની કોશિશ કરે છે કે માણસ વાનરનો વંશજ છે.

સમાજમાં એવી કેટલીય પ્રથાઓ પ્રચલિત છે જેમાં રત્તીભાર પણ લાભ નથી, નુકસાન ઘણી રીતે છે પરંતુ એકની દેખાદેખીથી બીજો તેને કરવા લાગે છે. બીડી અને ચાનો પ્રચાર દિવસે-દિવસે વધી રહ્યો છે. નાનાં-નાનાં બાળકો તે શોખથી પીએ છે. આ વસ્તુઓ મોટાઈ કે સભ્યતાની નિશાની છે એવું સમજવામાં આવે છે. આ વસ્તુઓ પીવી એ પોતાને અમીર અને ધનવાન સાબિત કરવા માટે છે અને એક જાતની ફેશન કરવા જેવું છે. આવી જ કેટલીક ભ્રાંતિઓથી પ્રેરિત થઈને મોજ શોખ, ફેશન જેવાં પ્રદર્શનની ભાવનાથી એકની દેખાદેખીથી બીજો આ નશીલી વસ્તુઓને અપનાવે છે અને અંતે એક કુટેવના રૂપમાં એ લત એવી લાગી જાય છે કે છોડીએ તો પણ છૂટતી નથી. ચા, બીડી, ભાંગ, ગાંજો, દારૂ, અફીણ વગેરે બધી નશીલી વસ્તુઓ ભયંકર દુર્વ્યસનો છે, એમના દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો નાશ થાય છે અને આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે. દરેક નશાખોર સ્વભાવની દૃષ્ટિએ દિવસે-દિવસે ખરાબ માણસ બનતો જાય છે. ક્રોધ, આવેશ, ચિંતા, નિરાશા, આળસ, નિર્દયતા, અવિશ્વાસ વગેરે કેટલાય માનસિક દુર્ગુણો ઊપજે છે. સમજાવવાથી કે પોતે વિચાર કરવાથી દરેક નશાખોર આ લતની બુરાઈનો સ્વીકાર કરે છે પણ વિવેકની પ્રખરતા અને હિંમતની સજીવતા ન હોવાથી કશું કરી શકતો નથી. એક અંધ પરંપરામાં ઘેટાંની ચાલે ચાલતો જાય છે. શું આ જ મનુષ્યની બુદ્ધિમત્તા છે ?

સામાજિક કુરીતિઓને કારણે હિંદુ સમાજ એટલો જર્જરિત થઈ રહ્યો છે કે આ વિકૃતિઓથી મધ્યમ વર્ગના લોકો માટે જીવનનિર્વાહ કરવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. બાળલગ્ન એક નરભક્ષી પિશાચની જેમ દરેક વાલીના માથે ખુલ્લી તલવારની જેમ નાચતો રહે છે. લગ્નના દિવસે જિંદગીભરની પરસેવાની કમાણીના પૈસા હોળીની જેમ ફૂંકી નાખવા માટે દરેકને લાચાર થવું પડે છે. હત્યારો દહેજ છૂરો લઈને આપણી દીકરીઓનું લોહી પી જવા માટે નિર્ભય થઈને વિચરણ કરતો રહે છે. મૃત્યુભોજ, અવસર-મિજલસ, વિવાહ-લગ્ન પ્રસંગે લેવડદેવડ મુંડન, જનોઈ અને બીજા એવાં કેટલાંય નકામાં કાર્યો કરવા માટે લોકો લાચાર થતા રહે છે અને જે કંઈ કમાય છે તેનો અધિકાંશ ભાગ આવા ફિજુલ ખર્ચામાં જ સ્વાહા કરતા રહે છે. આભૂષણો ઘડાવવામાં રૂપિયામાંથી આઠ આના જ હાથમાં રહે છે, જાનનું જોખમ, ઇર્ષ્યા, અહંકાર, સાચવવાની ચિંતા, વ્યાજનું નુકસાન વગેરે ઘણી આપત્તિઓ પેદા થાય છે, છતાં પરંપરા માટે કરતા હોય છે. બધા લોકો જેવું કરે છે એવું જ આપણે પણ કેમ ન કરીએ ? પરંપરાઓની તુલનામાં વિવેકનો પરાજય થવો એ કોઈ બકરો સિંહનું ગળું મરડી નાખે એવા જ આશ્ચર્યની વાત છે. આશ્ચર્યની વાત અવશ્ય છે પણ એવું જ થઈ રહ્યું છે.


શરીરથી રોગી, મનથી મલિન અને સમાજ કુસંસ્કારી થવાનું એક જ કારણ છે.—‘અવિવેક’. આમ આપણે સ્કૂલનું શિક્ષણ ઉચ્ચસ્તર સુધીનું પ્રાપ્ત કરતા રહીએ છીએ અને પોતાની રીતે ચતુરતા પણ ઘણી હોય છે પણ જીવનની મૂળભૂત સમસ્યાઓને ઊંડાણ સુધી સમજવામાં લગભગ ઊણાં ઊતરીએ છીએ, બહારની વાતો પર ઘણો વાદવિવાદ અને વિચાર કરીએ છીએ, પરંતુ જે આધાર પર આપણા જીવનનો ઉદ્દેશ આધારિત છે, તે તરફ જરાય ધ્યાન આપતા નથી. આનું જ નામ છે ‘અવિવેક’ જો વિચારશીલતાનો અભાવ ન હોય અને ગુણદોષની દૃષ્ટિએ પોતાની વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાઓ પર વિચારવાનું શરૂ કરીએ તો જણાશે કે બુદ્ધિમત્તાનો દાવો કરતા હોવા છતાં પણ આપણે કેટલી વધુ મૂર્ખતાથી ઘેરાયેલા છીએ ? સીધીસાદી વિચારધારા અપનાવીને મનુષ્ય પોતાની સર્વતોમુખી સુખશાંતિ સુરક્ષિત રાખી શકતો હતો અને પૃથ્વી પર સ્વર્ગનો આનંદ પ્રાપ્ત કરી શક્તો હતો પરંતુ ઊલટી, વાંકીચૂકી, અયોગ્ય અને બિનઉપયોગી ઇચ્છાઓ તથા આકાંક્ષાઓ તો એ રાખે જ છે, તેના સમીપવર્તી લોકો પણ ચંદનના વૃક્ષ નજીક રહેનારાઓની જેમ સુગંધિત થતા રહે છે. આપણાં મનનું અને દૃષ્ટિકોણનું પરિવર્તન શું આપણા માટે મુશ્કેલ છે ? બીજાઓને સુધારવા મુશ્કેલ હોઈ શકે છે પણ પોતાને કેમ સુધારી ન શકાય ? વિચારોની મૂડીનો અભાવ જ માનસિક કઠણાઈઓનું કારણ છે. અંતઃકરણમાં વિવેકનો ઉદય થતાં જ કુવિચાર કેવી રીતે ટકશે અને કુવિચારો હટતાં જ આપણું પશુજીવન દેવજીવનમાં પરિવર્તિત કેમ નહીં થાય ?

કેટલીક મૂઢતાઓ, અંધ પરંપરાઓ, અનૈતિકતાઓ અને સંકુચિતતાઓ આપણા સામૂહિક જીવનમાં પ્રવેશી ગઈ છે. દુર્બળ મનથી વિચાર કરતાં તે ઘણી કઠિન, બહુ મુશ્કેલ અને ઊંડે સુધી ઊતરી ગયેલી દેખાય છે પણ વાસ્તવમાં એ કાગળથી બનેલા રાવણની જેમ બિહામણી હોવા છતાં અંદરથી ખોખલી છે. દરેક વિચારશીલ એની ધૃણા કરે છે પણ પોતાને એકલો અનુભવી આસપાસ ઘેરાયેલા લોકોની ભાવુક્તાથી ડરીને કશું કરી શકતો નથી. મુશ્કેલી નાનકડી છે. થોડાક જ વિવેકશીલ લોકો જો સંગઠિત થઈને ઊભા થઈ જાય અને મક્કમતાથી વિરોધ કરવા લાગે તો આ કુરીતિઓને થોડા સંઘર્ષથી જ નેસ્તનાબૂદ કરી શકે છે. જેઓ આ અંધ-પરંપરાઓને તોડીફોડી નાખવા માટે કટિબદ્ધ સૈનિકોની જેમ કદમતાલ કરતા આગળ વધશે, તેમનું સ્વાગત ગોવાની જનતાએ જે રીતે ભારતીય ફોજનું સ્વાગત કર્યું એવું જ આ કુરીતિઓથી ત્રાસી ગયેલી જનતા કરશે.

હત્યારો દહેજ કાગળના રાવણની જેમ ખૂબ જ બીભત્સ, નૃશંસ અને બિહામણો લાગે છે. દરેક જણ અંદર ને અંદર તેની ઘૃણા કરે છે પણ પાસે જવાથી ડરે છે. કેટલાક સાહસિક લોકો એમાં પલીતો ચાંપવા માટે દોડી જાય તો એને જડમૂળથી નાબૂદ થતાં વાર નહિ લાગે. દાસીપ્રથા, દેવદાસ પ્રથા, બહુલગ્નો, જન્મતાં જ કન્યાવધ, ભૂતપૂજા, પશુબલિ, વગેરે જેવી અનેક સામાજિક કુરીતિઓ એક સમયે બહુ પ્રબળ લાગતી હતી, હવે જોતજોતામાં એમનું નામોનિશાન મટી રહ્યું છે. આજે જે કુરીતિઓ, અનૈતિકતાઓ અને સંકુચિતતાઓ મજબૂતાઈ સાથે મૂળ જમાવીને બેઠેલી લાગે છે તે વિવેકશીલોના સંગઠિત વિરોધ સામે લાંબો વખત ટકી શકશે નહીં. રેતીની દીવાલની જેમ તે એક જ ધક્કામાં નીચે આવી જશે. વિચારોની ક્રાંતિનું એક તોફાન આ તણખલાંના ઢગલાને ઉડાડીને જોતજોતામાં વેરવિખેર કરી નાંખશે. જે નવા સમાજની રચના આજે સ્વપ્ન જેવી લાગે છે તે વિચારશીલતા જાગૃત થતાં જ મૂર્તિમંત થઈને સામે દેખાવા લાગશે.

પૂજ્ય ગુરુદેવનું આખું જીવન જ ધર્મ અને અધ્યાત્મની વિચારધારા પ્રવાહિત કરવામાં પસાર થયું છે. યુગ નિર્માણ માટે આપણે પહેલાં જનમાનસને બદલવું પડશે, કાર્યોમાં પરિવર્તન તો એ પછી જ શકય બનશે. જેમ જેમ આપણી વિચારધારા પ્રબુદ્ધ બનશે અને વિવેકશીલતા જાગશે તેમ તેમ અયોગ્યને ત્યાગવાની અને યોગ્યને ગ્રહણ કરવાની પ્રવૃત્તિ સક્રિય થતી જશે.

સંસારમાં સત્પ્રવૃત્તિઓના પુણ્યપ્રસાર માટે પોતાના સમય, પ્રભાવ, જ્ઞાન, પુરુષાર્થ અને ધનનો એક અંશ નિયમિત રૂપે વાપરતા રહીશું.

સંસારમાં સત્પ્રવૃત્તિઓના પુણ્યપ્રસાર માટે પોતાના સમય, પ્રભાવ, જ્ઞાન, પુરુષાર્થ અને ધનનો એક અંશ નિયમિત રૂપે વાપરતા રહીશું.

પરમાર્થપરાયણ જીવન જીવવું હોય તો તેના નામે ગમે તે કરવા લાગી જવું યોગ્ય નથી. પરમાર્થના નામે પોતાની શક્તિ એવાં કાર્યોમાં લગાડવી જોઈએ જેમાં તેની સૌથી વધુ સાર્થકતા હોય. પોતે પોતાની અંદરથી માંડી બહાર સમાજમાં સત્પ્રવૃત્તિઓ પેદા કરવી અને વધારવી ‘ તે આ દૃષ્ટિએ સૌથી વધુ ઉપયુક્ત છે. સંસારમાં જે કંઈ સત્કાર્ય થઈ રહ્યું છે તે બધાના મૂળમાં સત્પ્રવૃત્તિઓ જ કામ કરે છે.

બીજનું અસ્તિત્વ મોજૂદ હોય ત્યારે જ સારો પાક થઈ શકે છે. બીજ ના હોય તો છોડ કચાંથી ઊગે ? સારાં કે ખરાબ કાર્યો આપોઆપ પેદા થતાં નથી, તેમના મૂળમાં સદ્વિચારો અને કુવિચારો જામી ગયેલા હોય છે. સમય થતાં જે રીતે બીજ અંકુરિત થાય છે અને ફૂલેફાલે છે, તેવી જ રીતે સત્પ્રવૃત્તિઓ પણ અગણિત પ્રકારના પુણ્યપરમાર્થો રૂપે વિકસિત થતી દેખાય છે. જે શુષ્ક હૃદયમાં સદ્ભાવનાઓ અને સદ્વિચારો માટે કોઈ સ્થાન મળ્યું ન હોય તેના દ્વારા જીવનમાં કોઈ શ્રેષ્ઠ કાર્ય થઈ શકે તે લગભગ અશક્ય જ માનવું જોઈએ. જે લોકોએ કોઈ સત્કર્મો કર્યાં છે, આદર્શોનું અનુકરણ કર્યું છે, એમાંથી દરેકને તેની પૂર્વે પોતાની પાશવિક વૃત્તિઓ પર નિયંત્રણ કરી શકવા યોગ્ય સદ્વિચારોનો કોઈ ને કોઈ રીતે લાભ મળી ચૂક્યો હોય છે. કુકર્મી અને દુર્બુદ્ધિગ્રસ્ત લોકોની આ ઘૃણાસ્પદ સ્થિતિમાં પડ્યા રહેવાની જવાબદારી તેમની એ ભૂલની છે જેને કારણે તેઓ સદ્વિચારોની જરૂરિયાત અને ઉપયોગિતા સમજવાથી વંચિત રહ્યા, જીવનના એ સર્વોપરિ લાભની ઉપેક્ષા કરતા રહ્યા અને તેને વ્યર્થ માની તેનાથી બચતા રહ્યા અને કતરાતા રહ્યા.

મનુષ્ય અસલમાં એક જાતના કાળા કુરૂપ લોઢા જેવો છે. સદ્વિચારોના પારસનો સ્પર્શ થતાં જ એ સોનું બની જાય છે. એક નગણ્ય તુચ્છ પ્રાણીને માનવતાનું મહાન ગૌરવ આપી શકવાની ક્ષમતા ફક્ત સદ્વિચારોમાં છે. જેને આ સૌભાગ્ય ન મળી શક્યું એ બિચારો શી રીતે પોતાના જીવનલક્ષ્યને સમજી શકશે અને શી રીતે તે માટે કોઈ પ્રયત્ન-પુરુષાર્થ કરી શકશે ?

આ સંસારમાં પરમાર્થ અને ઉપકારનાં ઘણાં કાર્યો છે તે બધાં આવરણ માત્ર છે, તેમના આત્મામાં સદ્ભાવનાઓ સમાયેલી છે. સદ્ભાવનારહિત સત્કર્મ પણ ફક્ત ઢોંગ બનીને રહી જાય છે. ઘણી સંસ્થાઓ આજે પરમાર્થનો ઢોંગ રચીને સિંહનું ચામડું ઓઢી ફરતા શિયાળનું ઉપહાસાસ્પદ ઉદાહરણ પ્રસ્તુત કરી રહી છે. એમનાથી કોઈનો કશો લાભ થતો નથી પણ વિડંબના વધે છે અને પુરુષાર્થને પણ લોકો શંકા અને સંશયની દૃષ્ટિથી જોવા લાગે છે. પ્રાણરહિત શરીર કેટલાંય સુંદર વસ્ત્રો ધારણ કેમ ન કરી લે, તેને કોઈ પસંદ નહિ કરે કે તેનાથી કોઈનું ભલું પણ નહિ થાય. એ જ રીતે સદ્ભાવનારહિત જે કોઈ લોકહિત અને જનસેવાના પ્રયત્નો કરવામાં આવશે તે ભલાઈ નહીં, બૂરાઈ જ પેદા કરશે.

આજે સંસારમાં બૂરાઈઓ એ માટે વધી અને ફૂલીફાલી રહી છે કે પોતાના આચરણ દ્વારા બૂરાઈનો પ્રચાર કરતા પાકા પ્રચારકો, પૂર્ણપણે મન, કર્મ અને વચનથી તેને ફેલાવનાર લોકો મોટી સંખ્યામાં મોજૂદ છે. ઉત્તમતાના પ્રચારકો આજે નિષ્ઠાવાન નહીં, ફક્ત વાતો કરતા જ દેખાય છે, પરિણામે બૂરાઈઓની જેમ ઉત્તમતાનો પ્રસાર થઈ શકતો નથી અને તેઓ પુરાણનાં વચનોની જેમ ફક્ત કહેવા-સાંભળવાની વાતો રહી જાય છે. કથા-વાર્તાઓને લોકો વ્યવહારની નહીં પણ કહેવા સાંભળવાની વાતો માને છે અને એટલા માત્રથી જ પુણ્યલાભ મળી જશે એવું માની લે છે.

સત્પ્રવૃત્તિઓને મનુષ્યના હૃદયમાં ઉતારી દેવાથી વધુ બીજું કોઈ મહત્ત્વપૂર્ણ સેવાનું કાર્ય આ સંસારમાં ન હોઈ શકે. જરૂરિયાતના સમયમાં વસ્તુઓની મદદ પણ ઉપયોગી સિદ્ધ થઈ શકે છે, પરંતુ તેનું સ્થાયી મહત્ત્વ નથી. આર્થિક દૃષ્ટિથી સમૃદ્ધ લોકો સિવાય બીજા લોકો આવી સેવા કરી પણ શકતા નથી. દરેક મનુષ્ય પોતાના પુરુષાર્થ અને વિવેક દ્વારા જ સમસ્યાનું સમાધાન કરી શકે છે. બીજાઓની સહાયતા પર જીવતા રહેવાનું તો કોઈ મનુષ્યના ગૌરવને અનુકૂળ નથી અને તેનાથી સ્થાયી સમાધાન પણ થઈ શકતું નથી. જેટલી પર કઠણાઈઓ વ્યક્તિગત તથા સામૂહિક જીવનમાં દેખાય છે તેમનું એકમાત્ર કારણ કુબુદ્ધિ છે. મનુષ્ય જો પોતાની ટેવો સુધારી લે, સ્વભાવને યોગ્ય બનાવી લે અને વિચારો તથા કાર્યોનું યોગ્ય સંતુલન બેસાડે તો બહારથી પેદા થતી જોવા મળતી બધી મુશ્કેલીઓ ચપટી વગાડતાં જ દૂર થઈ શકે છે. સત્પ્રવૃત્તિઓને વધુને વધુ વિકસવાનો અવસર મળે એમાં જ વ્યક્તિ અને સમાજનું કલ્યાણ છે. આવા જ પ્રયાસમાં પ્રાચીનકાળમાં કેટલાક લોકો પોતાનું જીવન હોમી દેતા હતા, એમને મહાન માનવામાં આવતા હતા અને બ્રાહ્મણના સન્માનસૂચક પદે પ્રતિષ્ઠિત કરવામાં આવતા હતા. જોકે સત્પ્રવૃત્તિઓ વિકસાવવાનું કાર્ય સંસારનું સૌથી મહત્ત્વપૂર્ણ કાર્ય છે. તેથી એમાં લાગેલા લોકોને સન્માન મળવું પણ જોઈએ.

દાનોમાં સર્વોત્તમ દાન બ્રહ્મદાન કહેવાય છે. બ્રહ્મદાનનો અર્થ છે જ્ઞાનદાન. જ્ઞાનનો અર્થ છે એ ભાવના અને નિષ્ઠા કે જે મનુષ્યના નૈતિક સ્તરને સુસ્થિર બનાવી રાખે છે. યુગનિર્માણ સત્સંકલ્પમાં જે સત્પ્રવૃત્તિઓના પુણ્યપ્રસારની પ્રેરણા કરવામાં આવી છે તે આ જ બ્રહ્મદાન છે. આ અમૃતજળનું સિંચન કરવાથી કરમાતું લોક્માનસ ફરીથી પુષ્પો અને પલ્લવોથી હર્યુંભર્યું બની શકે છે. આ મહાન કાર્યને પરમાર્થ કહી શકાય છે, જેને પૂર્ણ કરવા માટે પરમાત્માએ મનુષ્યને વિશેષ ક્ષમતા, સત્તા અને મહાનતા આપી છે.

આપણે સમય, પ્રભાવ, જ્ઞાન, પુરુષાર્થ અને ધનની પાંચેય વિભૂતિઓનો વધુમાં વધુ ભાગ પરમાર્થમાં લગાડવો જોઈએ. વ્યક્તિગત જીવનની જરૂરિયાતોને પૂરી કરવામાં દિવ્ય વિભૂતિઓને પૂરેપૂરી નષ્ટ ન કરતાં ઓછાવત્તા અંશે એમનો કંઈ ને કંઈ ભાગ પરમાર્થ માટે અને સત્પ્રવૃત્તિઓના વિકાસ માટે જુદો કાઢવો જોઈએ. રોજિંદા જીવનમાં જેમ બીજાં જરૂરી કાર્યો નક્કી કરેલાં હોય છે અને તેમને કોઈપણ રીતે પૂરાં કરીએ છીએ તેવી જ રીતે આ પરમાર્થ કાર્યને પણ એક અત્યંત જ જરૂરી અને લોકપરલોક માટે શ્રેયસ્કર તથા મહત્ત્વપૂર્ણ કાર્ય માનવું જોઈએ. જે કાર્યને આપણે મહત્ત્વપૂર્ણ માનીશું તેને માટે સમય, પ્રભાવ, જ્ઞાન, પુરુષાર્થ અને ધનનો એક નિયમિત અંશ સતત વાપરતા રહેવાનું ભારરૂપ નહિ લાગે, પરંતુ એ માર્ગે કરેલો પ્રયત્ન જીવનને ધન્ય બનાવનાર સર્વોત્તમ અને સાર્થક કાર્ય પ્રતીત થવા લાગશે.

સત્પ્રવૃત્તિઓના સંવર્ધન માટે યુગ નિર્માણ અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમ સૂચવવામાં આવ્યા છે. ઝોલા પુસ્તકાલય દરેકને માટે સુલભ છે. જેની પાસે જે વિભૂતિ હોય તે તેને માટે નિયોજિત કરતા રહેવાનો ક્રમ બનાવી લે. સમય અને શ્રમ પુરુષાર્થ તો દરેક વ્યક્તિ કરી જ શકે છે. તેનો સુનિશ્ચિત અંશ લગાડતા રહેવાનો નિયમ બનાવી લેવો જોઈએ. પ્રભાવશાળી વ્યક્તિ તેનું ખુલ્લી રીતે સમર્થન કરે અને લોકો પર તે માટે દબાણ કરે તો ઘણી પ્રગતિ થઈ શકે છે. જ્ઞાનવાન પોતાની સૂઝબૂજ અને માર્ગદર્શનથી માંડી પ્રેરણા આપવા સુધીનું કાર્ય કરી શકે છે. ધનવાન તે માટે જરૂરી સાધનો પૂરાં પાડતા રહી શકે છે. ન્યૂનતમ એક કલાકનો સમય તથા એક દિવસની આવક સત્પ્રવૃત્તિઓના સંવર્ધન માટે લગાડવાનો ક્રમ દરેક વ્યક્તિ બનાવી લે તો એટલું મહાન કાર્ય થઈ શકે છે કે ઇતિહાસમાં તેને સુવર્ણ અક્ષરે લખી શકાય.

નરનારી પરસ્પર પવિત્ર દૃષ્ટિ રાખશે

નરનારી પરસ્પર પવિત્ર દૃષ્ટિ રાખશે

નરનો ના૨ી પ્રત્યે તથા નારીનો નર પ્રત્યે પવિત્ર દૃષ્ટિકોણ આત્મોન્નતિ, સામાજિક પ્રગતિ તથા સુખશાંતિ માટે જરૂરી છે. બ્રહ્મચર્યનું વ્રતપાલન કરનારાઓ અને અવિવાહિત નરનારીઓ માટે વ્યવહાર તથા ચિંતનમાં એકબીજા પ્રત્યે પવિત્રતાનો સમાવેશ અનિવાર્ય છે જ, પરંતુ બીજાઓએ પણ તેની ઉપેક્ષા ન કરવી જોઈએ. અપવિત્ર પાશવિક દૃષ્ટિ રાખીને કોઈપણ વર્ગ બીજા વર્ગની શ્રેષ્ઠતાનું ન મૂલ્યાંકન કરી શકે છે કે ન તેનો લાભ ઉઠાવી શકે છે. આ હાનિથી બચવાની સૌથી વધુ ઉપયોગી પ્રેરણા આ વાક્યમાં આપવામાં આવી છે.

‘નારી આ સંસારની સર્વોત્કૃષ્ટ પવિત્રતા છે.’ જનનીના રૂપમાં તે અગાધ વાત્સલ્ય લઈને આ ધરતી પર અવતરિત થાય છે. નારીના રૂપમાં ત્યાગ અને બલિદાનની, પ્રેમ અને આત્મદાનની સજીવ પ્રતિમાના રૂપમાં પ્રતિષ્ઠિત થાય છે. બહેનના રૂપમાં સ્નેહ, ઉદારતા અને મમતાની દેવી સમાન લાગે છે. પુત્રીના રૂપમાં તે કોમળતા, મૃદુલતા અને નિશ્ચલતાની પ્રતિકૃતિના રૂપમાં આ નીરસ સંસારને સરસ બનાવી રાખે છે. પરમાત્માએ નારીમાં સત્ય, શિવ અને સુંદરનો અનંત ભંડાર ભર્યો છે. તેનાં નેત્રોમાં એક અલૌકિક જ્યોતિ રહે છે જેનાં કિરણો પડવા માત્રથી નિષ્ઠુર હૃદયોની પણ કરમાયેલી કળીઓ ખીલી શકે છે. દુર્બળ તથા અપંગ મનુષ્યને શક્તિમાન અને સત્તાસંપન્ન બનાવવાનું સૌથી વધુ શ્રેય જો કોઈને મળતું હોય તો તે નારી જ છે. તે મૂર્તિમાન પ્રેરણા, ભાવના અને સ્ફૂર્તિના રૂપમાં અચેતનને ચેતન બનાવે છે. તેના સાન્નિધ્યમાં અશ્ચિન વ્યક્તિનું ભાગ્ય ખીલી ઊઠે છે. તે પોતાને ધન્ય અનુભવ કરે છે.

નારીની મહત્તા અગ્નિસમાન છે. અગ્નિ આપણા જીવનનો સ્રોત છે, તેના અભાવમાં આપણે નિર્જીવ અને નિષ્ઠાણ બનીને જ રહી શકીએ છીએ. તેની ઉપયોગિતાનો જેટલો મહિમા ગાવામાં આવે તેટલો ઓછો જ છે પરંતુ આ અગ્નિની બીજી બાજુ પણ છે, તે સ્પર્શ કરતાં જ કાળી નાગણની જેમ લપકારા મારી ઊઠે છે અને સ્પર્શ કરતાં જ તડફડાટ કરી નાખતી, ભારે પીડા આપતી પરિસ્થિતિ ઉત્પન્ન કરી દે છે. નારીમાં જયાં અનંત ગુણો છે ત્યાં એક દોષ એવો પણ છે જેનો સ્પર્શ કરતાં જ અસીમ વેદનાથી તરફડવું પડે છે. એ રૂપ છે – નારીનું રમણી રૂપ. રમણની આકાંક્ષા સાથે જ્યારે પણ એને જોવામાં, વિચારવામાં અને સ્પર્શવામાં આવશે તે જ વખતે તે કાળી નાગણની જેમ તેના વિષ ભરેલા દાંતથી ડંખ આપી દેશે. વીંછીની બનાવટ કેવી સુંદર છે, સોનેરી રંગનો આ સરસ જીવ કેટલો મનોહર લાગે છે, પણ તેના ડંખનો સ્પર્શ થતાં જ વિપત્તિ ઊભી થઈ જાય છે. મધમાખી કેટલી ઉપકારી છે. ભમરો કેવું મધુર ગુંજન કરે છે, કાચીંડો કેવા રંગબેરંગી પગ વડે ચાલે છે, ભમરીઓ તેમના માળાઓમાં બેઠી કેવી સુંદર ગુલદસ્તા જેવી સજાવેલી દેખાય છે, પરંતુ એમનામાંથી કોઈનો પણ સ્પર્શ આપણા માટે વિપત્તિનું કારણ બની જાય છે. નારીના કામિની અને રમણીના રૂપમાં જે એક વિષની નાનકડી થેલી છુપાયેલી છે, તે સોનેરી કટારથી આપણે બચવું જ જોઈએ.

પોતાના કરતાં મોટી ઉંમરની સ્ત્રીને માતાના રૂપમાં, સમાન ઉંમરની હોય તો બહેનના રૂપમાં અને નાની ઉંમરની હોય તો દીકરીના રૂપમાં જોઈને એવી જ ભાવનાઓ વધુમાં વધુ વિકસાવીને આપણે એટલા જ આહ્લાદિત અને પ્રસન્ન થઈ શકીએ છીએ જેમ માતા સરસ્વતી, માતા લક્ષ્મી અને માતા દુર્ગાનાં ચરણોમાં બેસી અનંત વાત્સલ્યનો અનુભવ કરીએ છીએ. આપણે ગાયત્રી ઉપાસકો ભગવાનની સર્વશ્રેષ્ઠ સજીવ રચનાને નારીના રૂપમાં જ માનીએ છીએ, નારીમાં ભગવાનની કરુણા, પવિત્રતા અને સદાશયતાનું દર્શન કરવું તે આપણી ભક્તિભાવનાનો દાર્શનિક આધાર છે. ઉપાસનામાં જ નહીં, વ્યાવહારિક જીવનમાં પણ આપણો એવો જ દૃષ્ટિકોણ રહેવો જોઈએ. નારીમાત્રને આપણે પવિત્ર દૃષ્ટિથી જોઈએ, વાસનાની દૃષ્ટિથી ન વિચારીએ, ન તેને જોઈએ કે ન સ્પર્શ કરીએ.

દામ્પત્યજીવનમાં સંતાનોત્પાદનનો વિશેષ અવસર કે પ્રયોજન જરૂરી હોય તો પતિપત્ની થોડીક ક્ષણો માટે વાસનાની હળવી ધૂપછાંવનો અનુભવ કરી શકે છે. શાસ્ત્રોમાં તો એટલી પણ છૂટ નથી, એમણે તો ગર્ભાધાન સંસ્કરણને પણ યજ્ઞોપવીત કે મુંડનસંસ્કારની જેમ એક પવિત્ર ધર્મકાર્ય માન્યું છે અને એવી દૃષ્ટિથી જ એ ક્રિયા પૂર્ણ કરવાની આશા આપી છે, પરંતુ માનવીય દુર્બળતાને જોતાં દામ્પત્યજીવનમાં એક સીમિત મર્યાદાની અંતર્ગત વાસનાને છૂટ મળી શકે છે. તે સિવાય દામ્પત્યજીવન પણ એવું જ પવિત્ર હોવું જોઈએ જેમ કે બે સગા ભાઈઓનું અથવા બે સગી બહેનોનું હોય છે. લગ્નનો ઉદ્દેશ્ય તો બે શરીરોએ એક આત્મા બનીને જીવનની ગાડીનો ભાર બે ખભા પર વહન કરતા ચલાવવાનો છે, દુષ્પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવાનો નહીં. એ તો સિનેમા, ગંદાં ચિત્રો, અશ્લીલ સાહિત્ય અને દુર્બુદ્ધિનો પ્રમાદ છે કે આપણે નારીની પરમ પવિત્ર પ્રતિમાને આવા અશ્લીલ, ગંદાં અને નિંદિત સ્વરૂપમાં ઉતારી રાખી છે. નારીને વાસનાના ઉદ્દેશથી જોવી કે વિચારવી એ તેની મહાનતાનો એવો જ તિરસ્કાર છે જેમ કોઈ દેવમંદિરની પ્રતિમાને ચોરીને ફક્ત પથ્થરને પોતાની કોઈ જરૂરિયાતને પૂરી કરવાના ઉદ્દેશથી જોવી. આ દષ્ટિ જેટલી નિંદનીય અને ધૃણાસ્પદ છે તેટલી જ હાનિકારક અને વિગ્રહ પેદા કરનારી પણ છે. આપણે એ સ્થિતિને આપણી અંદરથી અને આખા સમાજમાંથી હટાવવી પડશે તથા નારીને એ સ્વરૂપમાં ફરીથી પ્રતિષ્ઠિત કરવી પડશે જેની એક દૃષ્ટિમાત્રથી માનવપ્રાણી ધન્ય થતો રહ્યો છે.

ઉપરોક્ત લખાણમાં નારીનું જેવું ચિત્રણ નરની દૃષ્ટિએ કરવામાં આવ્યું છે, ઠીક એવું જ ચિત્રણ થોડાક શબ્દોના ફેરફાર સાથે નારીની દૃષ્ટિએ નરના સંબંધમાં કરી શકાય છે, જનનેન્દ્રિયની બનાવટમાં રાઈ રત્તી જેટલું અંતર હોવા છતાં મનુષ્યની દૃષ્ટિએ બન્ને લગભગ સમાન ક્ષમતા, બુદ્ધિ, ભાવના અને સ્થિતિના બનેલા છે. એ ઠીક છે કે બન્નેમાં પોતપોતાની વિશેષતાઓ અને પોતપોતાની ઊણપો છે, તેમની પૂર્તિ માટે બન્ને એકબીજાની મદદ લે છે. આ આશ્રય પતિપત્નીના રૂપમાં ફક્ત કામ પ્રયોજનના રૂપમાં હોય તો એવું કોઈપણ રીતે જરૂરી નથી. નારી પ્રત્યે નર અને નર પ્રત્યે નારી પવિત્ર, પુનિત, કર્તવ્ય અને સ્નેહનો સાત્ત્વિક તથા સ્વર્ગીય સંબંધ રાખવા છતાં માતા, પુત્રી કે બહેનના રૂપમાં સખા, સહોદર, સ્વજન અને આત્મીયના રૂપમાં શ્રેષ્ઠ સંબંધ રાખી શકે છે અને એવો જ રાખવો પણ જોઈએ.

પવિત્રતામાં જે અજસ બળ છે તે વાસનાના નરકસમાન કાદવમાં ક્યારેય જોવા નહિ મળે. વાસના અને પ્રેમ બન્ને દૃષ્ટિકોણ એકબીજાથી એટલા જ ભિન્ન છે જેટલી કે સ્વર્ગ અને નરકમાં ભિન્નતા છે. વ્યભિચારમાં દ્વેષ, ઈર્ષ્યા, આધિપત્ય, સંકુચિતતા, કામુકતા, રૂપસૌંદર્ય, શ્રૃંગાર, કલહ, નિરાશા, પતન, હ્રાસ, નિંદા વગેરે અગણિત યંત્રણાઓ ભરેલી પડી છે, પરંતુ પ્રેમ આ બધાથી સર્વથા મુક્ત છે. પવિત્રતામાં ત્યાગ, ઉદારતા, શુભકામના, સહૃદયતા અને શાંતિ સિવાય બીજું કશું હોઈ જ ન શકે.

યુગનિર્માણ સંકલ્પમાં આત્મવત્ સર્વભૂતેષુની, પરદ્રવ્યેષુ લોવત, પર દારેષુ માતૃવતની પવિત્ર ભાવનાઓ ભરેલી પડી છે. આ આધાર પર જ નવયુગનું સર્જન થઈ શકે છે. એમનું અવલંબન લઈને આ દુનિયાને સ્વર્ગના રૂપમાં ફેરવી નાખવાનું સ્વપ્ન સાકાર થઈ શકે છે.

%d bloggers like this: