૧૮. પસંદગીનો સાચો આધાર : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો
June 21, 2022 Leave a comment
લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.
એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.
પસંદગીનો સાચો આધાર : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો
છોકરો છોકરીની અને છોકરી છોકરાની પસંદગી કરે તો ગુણ, કર્મ, સ્વભાવ વગેરેના આધારે કરવી જોઈએ. આ દૃષ્ટિકોણ અપનાવાય તો વાંધો નથી, પણ એવું ક્યાં થાય છે ? પાંચ દસ મિનિટની મુલાકાતમાં એ શક્ય નથી. માત્ર એને જોઈ જ શકાય. આજે તો ફોટો મંગાવીને નાચગાન અને સૌંદર્યના આધારે જ શિક્ષિત વર્ગ દ્વારા પસંદગી થઈ રહી છે. છોકરાઓ હવે માબાપ પર વિશ્વાસ નથી રાખતા. એ સમજે છે કે તેઓ પુરાણા સિદ્ધાન્તોથી કસોટી કરશે. સ્વસ્થ અને સુશીલ જોઈને પસંદગી કરી લેશે. સિનેમાની અભિનેત્રીઓને જે દૃષ્ટિએ પસંદ કરવામાં આવે છે એ દૃષ્ટિ એમની પાસે ન હોવાથી એમની એટલે કે માબાપોની પસંદગી સંપૂર્ણ નહીં હોય ! એટલે આપણે જ પસંદગી કરવી જોઈએ. આવો દૃષ્ટિકોણ હોય તો ભવિષ્યમાં દામ્પત્યજીવનમાં ક્યારેક નાપસંદગીનું સંકટ ઊભું થવાનો સંભવ છે. એટલા માટે જ્યાં, જે સ્થળે, જે ઘરમાં આ બાબત ઉપર ભાર મૂકવામાં આવે ત્યાં એને ‘કુપાત્રતા’ માનવી જોઈએ અને છોકરીઓને એ સંકટમાંથી બચાવવી જોઈએ.
જો ગુણને લગ્નનો આધાર માનવામાં આવશે તો ગુણવૃદ્ધિ થશે. આવી સ્પર્ધા ઇચ્છવાયોગ્ય છે. એમાં વ્યક્તિ અને દેશનું કલ્યાણ છે. રૂપની માંગ વધશે તો ઈશ્વરની રચનાને તો નહીં બદલી શકાય. આંખોને ભ્રમમાં નાખનાર ઉદ્ધત વેશપરિધાન વધશે. ખર્ચાળ આદતો અને દૂષિત દૃષ્ટિની ગ્રહસ્થની આર્થિક અને ચારિત્રિક સ્થિતિ પર ખરાબ અસર વર્તાશે. આપણે આ ઉદ્ધૃત દૃષ્ટિકોણને સુધારવો જોઈએ. આદર્શવાદી યુવકોએ આથી જુદો દષ્ટિકોણ અપનાવી પોતાની આંતરિક મહાનતાનો પરિચય આપવો જોઈએ. સુંદર છોકરા શ્યામ છોકરીને પસંદ કરે, સુશિક્ષિત યુવક અશિક્ષિત છોકરીને પસંદ કરે અને અમીર યુવક ગરીબ ઘર પર પસંદગી ઉતારે. એનાથી નિરાશ લોકોમાં આશાનો સંચાર થશે. ઉપકૃત પક્ષ એમની મહાનતાનો શ્રદ્ધા સાથે આદર કરશે. જ્યાં આ પ્રકારની કૃતજ્ઞતા અને શ્રદ્ધાનો સમાવેશ થઈ શકે ત્યાં એને ગૃહસ્થની સંપૂર્ણ સફળતાનો સમાવેશ થઈ શકે ત્યાં એને ગ્રહસ્થની સંપૂર્ણ સફળતાનો સુનિશ્ચિત આધાર માની શકાય. આધ્યાત્મિક આદર્શવાદી દૃષ્ટિકોણ જીવનના પ્રત્યેક ક્ષેત્રને સફળતાપૂર્વક પરિપૂર્ણ કરી શકે છે. દામ્પત્યજીવનને સ્વર્ગના જેવી પ્રસન્નતાથી પૂર્ણ કરી શકે છે. આપણે નવી પેઢીને, ખાસ કરીને યુવકોને સમજાવવું જોઈએ કે તેઓ રૂપતૃષ્ણા અને ભોગ-તૃષ્ણાથી દૂર રહે અને પોતાની સહચારિણી કદાચ યોગ્ય શિક્ષણ પામેલી ન હોય, તો પણ એને પોતાને યોગ્ય બનાવવાની આદર્શવાદિતાનું ઉદાહરણ રજૂ કરે.
આ એક સામાન્ય વ્યવહારની બાબત છે કે છોકરો-છોકરી પોતાની સ્થિતિ તથા યોગ્યતાને અનુરૂપ જીવનસાથી શોધે. પોતાની સ્થિતિ કરતાં ઊંચુ પાત્ર શોધવું અયોગ્ય છે. કાળા-કુરૂપ અને મધ્યમ વર્ગના છોકરાઓ જો ખૂબ સુંદર છોકરી ખોળે તો તે અયોગ્ય છે. એવી જ રીતે ઓછું ભણેલા વધુ ભણેલી પત્ની મેળવવા ઇચ્છે તો એ પણ અયોગ્ય છે. એવી જ રીતે જો અશિક્ષિત અને કુરૂપ યુવતીઓ પોતાના કરતાં ચડિયાતા ગુણ, કર્મ અને સ્વભાવવાળા પાત્રની માગણી કરે તો એ ન્યાયોચિત નથી. સારું તો એ છે કે બન્ને પક્ષ સમાન કક્ષાનાં પાત્ર ઇચ્છે અને એમાં જ સંતોષ માને. જ્યારે ઉચ્ચ આદર્શનો પ્રશ્ન સામે આવે ત્યારે પોતાની તુલનામાં થોડું ઓછું યોગ્ય પાત્ર હોય તો પણ તેનો સ્વીકાર કરવો જોઈએ. પોતાની વિશેષતાનો એને લાભ આપવો જોઈએ. એનાથી સામો પક્ષ ત્યાગ અને ઉદારતાથી પ્રભાવિત થઈ કૃતજ્ઞ બને છે અને ત્યાગના બદલામાં દામ્પત્યજીવનમાં વધુ સરસતા અને સુખદ સ્થિતિનો લાભ મળે છે. રૂપાળા અને વિદ્વાન છોકરા જો કુરૂપ અને અશિક્ષિત છોકરીનો સ્વીકાર કરી એને પોતાની શ્રેષ્ઠતાથી લાભાન્વિત કરે તો એ વાત ચોક્કસ છે કે તેઓ પત્નીની શ્રદ્ધાના ભાગીદાર બનશે. એને એક ઉદાર વ્યવહાર માનવામાં આવશે. એમાં ત્યાગ પણ છે અને ઓછા શિક્ષિત પાત્રને સુયોગ્ય બનાવવાની સદ્ભાવના અને સજ્જનતા પણ છે. આવી સજ્જનતાની બધે પ્રશંસા જ થશે. ત્યાગ અને ઉપકારની ભાવના સાથે જો આવું પગલું ભરવામાં આવે તો એક પ્રકારનો આત્મસંતોષ પણ મળે છે. એની પ્રતિક્રિયા મંગલમય અને કલ્યાણમય હોય છે.
આ જ વાત યુવતીઓને પણ લાગુ પડે છે. જો તેઓ સુંદર, શિક્ષિત અને સુયોગ્ય હોય તો તેમને તેવો જીવનસાથી મેળવવાનો અધિકાર છે, પણ તેઓ આદર્શની દષ્ટિએ વિચારી પોતાની શ્રેષ્ઠતાને ચરિતાર્થ કરે અને પોતાના કરતાં થોડા ઓછા સુંદર અને ઓછું ભણેલા પતિનો સ્વીકાર કરી તેને પોતાની વિશિષ્ટતાઓથી લાભાન્વિત કરવો જોઈએ. ઓછા રૂપાળા, ઓછું ભણેલા અને ઓછી યોગ્યતાવાળા
યુવકોને કેટલીય વિદુષી મહિલાઓએ અપનાવ્યા છે અને પોતાની શ્રેષ્ઠતાનો લાભ આપી તેમની પ્રગતિમાં ખૂબ આશાપૂર્ણ યોગદાન આપ્યું છે. આદર્શનો એ માર્ગ અપનાવીને એમને પણ આ ત્યાગના ફળરૂપે પ્રાપ્ત થતો આત્મસંતોષ મળ્યો છે. આમ એ કૃતજ્ઞ પતિ તેમને માટે વધુ સહાયક અને સદ્ભાવનાસંપન્ન બને છે. આ પ્રકારની ઉદારતા બેમાંથી જે કોઈ પક્ષે બતાવી છે તેને પોતાની શ્રેષ્ઠતાનું યોગ્ય અને સુંદર ફળ બદલામાં મળ્યું છે.
લગ્નની પૂર્વતૈયારી આજ આદર્શો અનુસાર હોવી જોઈએ. જો પાયો સાચો હશે તો પરિણામ સારું જ આવશે. આદર્શવાદી સિદ્ધાન્તોને અપનાવીને જે લગ્નો ગોઠવાયાં હોય એવાં લગ્નોને જ આદર્શ લગ્ન કહી શકાશે.
પ્રતિભાવો