મહત્ત્વની જરૂરિયાત પૂરી કરવામાં આવે, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો

મહત્ત્વની જરૂરિયાત પૂરી કરવામાં આવે, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો

દરેક ગામમાં આ પ્રકારની એક શાળા તો હોવી જ જોઈએ. લોકસેવકો વધુ હોય અને બાળકો વધારે હોય તો એની બીજી શાખાઓ ખોલવી જોઈએ, જેથી વધારે બાળકોને ભણાવી શકાય. જ્યાં સગવડ હોય ત્યાં ત્રણ વર્ષનાં બાળકોની પણ પાઠશાળા વર્ગ પ્રમાણે શરૂ કરવી જોઈએ કારણ કે ઘરનું વાતાવરણ એવું રહ્યું નથી, જેનાથી નાનાં બાળકો પણ સુસંસ્કાર શીખી શકે. તેઓ ઘરમાં ગોંધાયેલાં રહેવાથી કંઈકને કંઈક ઉપદ્રવ કરતાં રહે છે. એમના માટે નર્સરી, શિશુ શિક્ષણની નાની પાઠશાળા શરૂ કરી શકાય. આનાથી બાળકો ઘરેલુ કુસંસ્કારોથી બચી શકે છે અને વાલીઓને આખો દિવસ ચોકીદારી નહિ કરવી પડે. સાથે સાથે કોઈ ને કોઈ બુદ્ધિવર્ધક સુસંસ્કારિતાનું શિક્ષણ પણ મળશે.

બાળસંસ્કાર શાળાએ આજના સમયની મહત્ત્વની આવશ્કયતા છે. એના માટે એવા સેવાભાવી સુશિક્ષિતોની જરૂરિયાત છે કે જેઓ પોતાનો અમૂલ્ય સમય આ પુનિત કામમાં ગાળી શકે. સેવાભાવી ન મળે તો એવા માણસો શોધવા જોઈએ કે જેઓ થોડુંક માનદ વેતન લઈને આ પુનિત કાર્ય કરી શકે.

માત્ર સરકારી સ્કૂલો દ્વારા આ મહત્ત્વપૂર્ણ કામ થઈ શકે નહિ કારણ કે ત્યાં જેમ તેમ કરીને અભ્યાસક્રમ પૂરો કરવાની વાત મગજમાં ચાલતી હોય છે. સંસ્કારોનું મહત્ત્વ તેઓ સમજતા નથી. એવા શિક્ષકોની જરૂરિયાત ત્યારે જ પૂરી થાય કે જ્યારે પ્રાચીનકાળ જેવાં ગુરુકુળોનું પ્રચલન હોત. હવે એ પદ્ધતિના અભાવની પૂર્તિ આપણે બાળસંસ્કાર શાળા જન સ્તર પર શરૂ કરીને પૂરી કરવી જોઈએ.

કોઈ પ્રજ્ઞા સંસ્થાન એવું ન હોય કે જયાં આવી પાઠશાળા ન ચાલતી હોય. દરેક શાખા તથા સ્વાધ્યાય મંડળે આવી સંસ્કારશાળાઓ ચલાવવી જોઈએ.

શ્રેષ્ઠ સેવા-આદર્શ મનોરંજન, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો

શ્રેષ્ઠ સેવા-આદર્શ મનોરંજન, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો

રિટાયર્ડ શિક્ષિતો માટે પોતાના નવરાશના સમયનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ એ છે કે તેઓ ભેગા મળીને એક એવું સંગઠન બનાવે કે જેથી બાળકો અને કિશોરોની નવરાશનો સમય સહેજ પણ બરબાદ ન થાય. તેઓ આવા પ્રશિક્ષણને એક મનોરંજન કલબ માને. બધા તેમાં સ્વેચ્છાપૂર્વક ઉત્સાહથી આવવા લાગે, તો સમયના સદુપયોગની સાથેસાથે પરમાર્થ પણ કરી શકાય છે. સમય એવું ઈશ્વરીય વરદાન છે કે જો તેને સત્પ્રયોજનોમાં ખર્ચવામાં આવે તો પારસનું કામ કરે છે અને મનુષ્યને વિચારશીલ, સદ્ગણી અને પ્રગતિશીલ બનાવે છે. આવા જ લોકો સંસારમાં મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરે છે. આનાથી ઊલટું, જે પોતાનો સમય આવારાપણામાં, કુસંગમાં તથા અયોગ્ય વાતાવરણમાં રહીને પસાર કરે છે એમણે એવું માનવું જોઈએ કે એમણે પોતાના વ્યક્તિત્વને પતનની ઊંડી ખીણમાં નાંખી દીધું છે અને ભવિષ્યને અંધકારમય બનાવી દીધું છે. એટલે સેવાધર્મમાં જેમને અભિરુચિ હોય તેમણે વ્યક્તિત્વને સુયોગ્ય બનાવવાના કાર્યને જ પોતાના હાથમાં લેવું જોઈએ. દીનદુઃખીઓની સેવા કરવી તે પણ એક કામ છે, પરંતુ તે સાધન સંપન્ન લોકો જ કરી શકે છે. બાળકો માટે તો એટલો જ સંકેત છે કે તેઓ પોતાને ઉત્કૃષ્ટ સ્તરના બનાવે, જેથી જે પણ તેમના સંપર્કમાં આવે તે સદ્ગુણી અને પ્રગતિશીલ બને. એવું તેઓ ત્યારે જ કરી શકે કે જ્યારે એમનું પોતાનું ચિંતન, ચરિત્ર અને વ્યવહાર ઉચ્ચ કોટિનાં હોય.

આ શિક્ષણ સ્કૂલોમાં નથી મળતું. એ આપવા માટેની વ્યવસ્થા આપણે અલગથી કરવી પડે. આ કામ માટે ઘણી બાજુએથી પ્રયત્નો કરવા આવશ્યક છે. વાલીઓએ પોતાના પરિચિતોને સમજાવવા જોઈએ કે પોતાનાં બાળકો અને કિશોરોને બાળસંસ્કારશાળામાં દાખલ કરે. એ જ રીતે વિચારશીલ લોકોએ બાળકોને ભેગાં કરીને અથવા અલગ અલગ સંપર્ક કરીને એવો પ્રયત્ન કરે કે તેઓ આ પ્રશિક્ષણમાં સામેલ થાય અને મનોરંજનની સાથે સાથે સત્પ્રવૃત્તિઓ શીખવાનો બેવડો લાભ મેળવે. આ ભણતરનું મહત્ત્વ ખૂબ ભારપૂર્વક એના લાભ બતાવીને સમજાવવું જોઈએ, જેથી વિદ્યાર્થી તેને એક બંધન ન માને અને ઉત્સાહપૂર્વક એને માટે તૈયાર થાય. ત્રીજો પક્ષ શિક્ષકોનો છે. નિવૃત્ત લોકો તો નવરા રહે જ છે. તેઓ બાળકલ્યાણમાં પ્રવૃત્ત થઈને પોતાનું મનોરંજન અને સમયનો ઉપયોગ તો કરી જ શકે છે. સાથે સાથે બાળનિર્માણનું અત્યંત મહત્ત્વપૂર્ણ પરમાર્થકાર્ય પણ કરી શકે છે. આનાથી એમની પ્રતિષ્ઠા વધશે અને પ્રશંસા પણ થશે. જ્યાં વૃદ્ધ લોકો આના માટે ઉત્સાહપૂર્વક તૈયાર ન થાય ત્યાં યુવકો અને પ્રૌઢો પણ આ કામ માટે સમયદાન આપી શકે છે. મોટાભાગના લોકો દિવસ ઢળતાં પહેલાં જ કામધંધામાંથી નિવૃત્ત થઈ જાય છે. એ પછી નવરાશ જ હોય છે. મોટાભાગના લોકો આ સમય પત્તાં રમવામાં, ટી.વી., રેડિયો વગેરે બિનજરૂરી કાર્યોમાં ગુમાવતા હોય છે. એ સમયમાં કાપ મૂકીને બાળશિક્ષણમાં ગાળવાનું શરૂ કરે તો એનાથી એક સુયોગ્ય નાગરિક બનાવવાનું ખૂબ મહત્ત્વપૂર્ણ કામ તેઓ કરી શકે છે.

જીવનમાં સેવાનું પણ થોડુંક સ્થાન હોવું જોઈએ. લોભ, મોહ તથા અહંકારમાં લોકો બધો સમય ખર્ચતા હોય છે. તેઓ એ ભૂલી જાય છે કે માનવતા પ્રત્યે તથા રાષ્ટ્ર પ્રત્યે પણ તેમની કંઈક ફરજ છે. એ જવાબદારીને નકારવી તે એક રીતે પોતાના ધર્મકર્તવ્યને નકારવા બરાબર છે. સમાજ ત્યારે જ ઊંચો ઊઠે છે કે જ્યારે બધા બીજાને ઊંચા ઉઠાવવાનો પ્રયત્ન કરે. આમાં મોટાઓએ નાના પ્રત્યે વધારે કર્તવ્ય અદા કરવું પડે છે. યુવકો અને કિશોરો નાનાં બાળકોને સુયોગ્ય તથા સદ્ગુણી બનાવે. યુવકો અને પ્રૌઢો કિશોરોની જવાબદારી પોતાના માથે લે. વૃદ્ધો પ્રૌઢોને કર્તવ્યનું ભાન કરાવે અને એમનું વ્યક્તિત્વ ઊંચું ઉઠાવે તો સમજવું જોઈએ કે એક ખૂબ મોટું કામ થયું. જે કાર્ય લાખો કરોડો રૂપિયા ખર્ચવા છતાં પણ દેશની એટલી ભલાઈ નથી કરી શકતું કે જેટલું બાળસંસ્કાર શાળાની યોજના બનાવી અને ઉત્સાહપૂર્વક ચલાવવાથી થઈ શકે છે.

પ્રાચીન સમયમાં એવી પ્રથા હતી કે લોકો પોતાના દૈનિક જીવનમાંથી સેવાકાર્યો માટે થોડોક સમય કાઢતા હતા. સમયદાનને ઊંચા પ્રકારનું પુણ્ય માનતા હતા. એને માનવીય ધર્મ – કર્તવ્યનું અભિન્ન અંગ માનતા હતા, પરંતુ હવે તો સમયદાનની પરંપરા ભુલાઈ ગઈ છે. લોકો સ્વાર્થમાં જ ચોવીસ કલાક ડુબેલા રહે છે. પરમાર્થની વાત વિચારતા જ નથી. આ પ્રચલનને બદલવાની જરૂરિયાત છે.

અડધું આયુષ્ય ઘરગૃહસ્થી માટે તથા અડધું આયુષ્ય પરમાર્થ માટે ગાળવાની નીતિ વાનપ્રસ્થ પરંપરા કહેવાતી હતી અને બધા લોકો એનું નિષ્ઠાપૂર્વક પાલન કરતા હતા. હવે એ દેવસંસ્કૃતિ સાથે સંબંધિત પ્રથાને પુનર્જીવિત કરવાની જરૂર છે. એમાં કર્તવ્ય ધર્મની જે ભાવના છે તેને અપનાવવાનો સરળ ઉપાય બાળસંસ્કાર શાળા ચલાવવાનો છે.

સહજ દોષોથી બચાવ, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો

સહજ દોષોથી બચાવ, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો

બીજાની વસ્તુ અથવા મહેનતનો લાભ પોતે ઉઠાવવાની અનુચિત પ્રક્રિયા એક રીતે ચોરી જ છે. આ દુર્ગુણ કોઈ પણ બાળકમાં પેદા ન થવા દેવો જોઈએ. બાળકોને પોતાનાં પારકાંનું ભાન નથી હોતું. આથી જે વસ્તુ પ્રત્યે તે આકર્ષાય છે તેને લઈ લેવાનો પ્રયત્ન કરે છે. ખરીદવા માટે પૈસા હોતા નથી, માગવાથી મળવાની આશા નથી હોતી, એટલે તે એને ચોરવા લાગે છે. નાનાં બાળકોમાં આ દોષ અકારણ શરૂ થાય છે. ટેવ પડવાથી સાથીદારોની પેન્સિલ, નોટ, રબર વગેરે વસ્તુઓ ચોરવા લાગે છે. ખાવાપીવાની કોઈ મીઠાઈ જેવી વસ્તુઓ ઘરમાં લાવ્યા હોય અને ભાગ પાડીને બીજા ભાઈબહેનની વસ્તુ અલગ રાખી હોય, તો તક મળતાં એમાંથી ચોરી લે છે. આ ઉમરે એને નૈતિકતા – અનૈતિકતાનું જ્ઞાન હોતું નથી. આ ભૂલ એને નાની ઉંમરે જ સમજાવી દેવી જોઈએ કે બીજાના હકની વસ્તુને મેળવવા પ્રયત્ન ન કરવો જોઈએ. માગવાથી આપણી માનહાનિ થાય છે, પોતાને ભિખારી સ્તરનો માનવામાં આવે છે અને પૂછ્યા વગર લેવી એ ચોરી છે. સમાજમાં ચોરનું અપમાન પણ થાય છે અને દંડ પણ મળે છે. એટલે જે કોઈ ચીજ માટે મન લલચાય એને મેળવવા માટે કોશિશ ન કરવી જોઈએ. આપણા મનને કાબૂમાં રાખવું જોઈએ. જો વસ્તુ જરૂરી હોય તો માતાપિતાને વિનંતી કરીને એને ખરીદવાનો અથવા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચોરીની લત પડી જવાથી મનુષ્ય મોટો થયે મોટી ચોરી કરવા લાગે છે અને પોતાનો આત્મવિશ્વાસ ગુમાવે છે તથા દંડ પણ મળે છે. એના પરથી બીજાઓનો વિશ્વાસ ઊઠી જાય છે. આટલું સતત સમજાવવાથી ધીમેધીમે સુસંસ્કાર જાગ્રત થાય છે.

આ રીતે બાળપણમાં બીજો દોષ જૂઠું બોલવાની આવી જાય છે. કોઈ ખોટું કામ કર્યાથી એનો દંડ મળવાના ભયથી બાળક જૂઠું બોલે છે. બાળકોને શરૂઆતથી જ શિક્ષણ આપવું જોઈએ કે તેઓ પરીક્ષામાં પાસ થવાના લોભમાં કોઈનામાંથી ચોરી કે નકલ ન કરે. કોઈના ફોસલાવવાથી પોતાની પ્રશંસા ન કરે. મોટેભાગે નાનાં બાળકોને ચોરી અને જૂઠની ટેવ પડી જાય છે. આ બંનેને કારણે કેટલું અપમાન થાય છે, કેટલો વિશ્વાસ ઊઠી જાય છે અને કેટલો દંડ મળે છે એ વાતો બધાને સમજાવી દેવી જોઈએ. કોઈ બાળક ભૂલ કરી બેસે તો વસ્તુ પાછી અપાવીને ભૂલ માટે માફી માગવાનો દંડ તરત જ કરવો જોઈએ, જેથી તે ભવિષ્યમાં એવું ન કરે. મોટા થયા પછી બીજી ખરાબ ટેવો પણ પડે છે, ખોટાં બહાના બતાવીને અથવા ચોરી કરીને ઘેરથી પૈસા લઈ જવા અને એ ખોટા કામમાં વાપરવા. કોઈ કોઈવાર ખરાબ છોકરાઓની દેખાદેખીમાં અપશબ્દો અર્થાતુ ગાળો બોલવાની ટેવ પડી જાય છે. આવી કુટેવોની ખબર પડે ત્યારે બાળકને પ્યારથી સમજાવવો જોઈએ કે આ કુટેવ વધવાથી મનુષ્ય કેટલો તિરસ્કાર મેળવે છે અને લોકોની દૃષ્ટિએ ધૃણાસ્પદ બને છે.

આ વાતો કિસ્સાઓ કે વાર્તાઓના માધ્યમથી પણ સમજાવી શકાય છે કે કઈ કુટેવોને કારણે કેટલું પસ્તાવું પડે છે અને કેવી રીતે વ્યક્તિનું માન અને વિશ્વાસ ઘટી જાય છે. “મોટાઓનું બાળપણ’ જેવાં પુસ્તકો વારંવાર વંચાવવાં તથા સંભળાવવાં જોઈએ, જેથી તેઓ સમજી શકે કે મોટા થઈને મહાનતા મેળવવા માટે નાનપણથી જ સારી ટેવોનો અભ્યાસ કેટલો આવશ્યક છે.

કિશોર છોકરાઓની ચાલચલગત પર ખૂબ કડક નજર રાખવી જોઈએ, કારણ કે તેઓ ખરાબ છોકરાઓના કુસંગથી બીજા કેટલાય પ્રકારની કુટેવો શીખી લે છે અને બુદ્ધિનો વિકાસ થયો હોવાથી એવી ચતુરતા વાપરે છે કે ભૂલ પકડાય નહિ. એમને વિશેષરૂપે કુસંગથી બચાવવા જોઈએ અને એવા લોકો સાથે સંપર્ક રાખવાનું પ્રોત્સાહન આવવું જોઈએ કે જેમની સાથે રહીને તે સભ્ય વ્યવહાર,  સદ્ગુણો સભ્યતા, સુસંસ્કારિતા વગેરે શીખે.

સ્કૂલમાં આખો દિવસ બાળકો બંધનમાં રહી શકતાં નથી. ઘેર આવ્યા પછી પણ એટલી તીક્ષ્ણ નજર રાખી શકાતી નથી કે તેઓ કોઈ ખોટા કામમાં તો પ્રવૃત્ત નથી ને. રમતગમત પણ રોકી શકાય નહિ. ઝાડ પર ચડવું, ગિલ્લીદંડા રમવા વગેરે એવી રમતો છે કે જેનાથી આંખ કે બીજાં અંગોને નુકસાન થઈ શકે છે. આવા સંજોગોમાં એ ઉપાય સર્વોત્તમ છે કે બાળસંસ્કાર શાળાની વ્યવસ્થા કરવામાં આવે, જેથી પોતાનાં અને સાથે સાથે આજુબાજુના લોકોનાં બાળકોનું હિત સચવાય. આમાં બાળકોનું હિત તો છે જ, પણ જેની પાસે ફાજલ સમય છે તેઓ આવાં રચનાત્મક કામોમાં પોતાનો સમય ખર્ચીને સમાજનું હિત પણ કરી શકે છે અને પરમાર્થનાં કાર્યોમાં પ્રવૃત્ત રહી આત્મકલ્યાણ પણ કરી શકે છે.

સર્જનાત્મકતા વૃત્તિ અને અભ્યાસ, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો

સર્જનાત્મકતા વૃત્તિ અને અભ્યાસ, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો

રચનાત્મક કામોમાં એક કામ છોડ વાવવાનું પણ છે. પોતાને ઘેર ઘરેલ શાકવાડી બનાવવાનો શોખ બાળકોમાં પેદા કરવો જોઈએ. એમનું જ્ઞાન અને ઉત્સાહ વધશે તેમ તેમ તેઓ ઘર માટે શાકભાજી ઉગાડીને પોતાની યોગ્યતા અને વિશેષતાનો પરિચય કરાવશે.

દરેક ઋતુમાં કોઈ ને કોઈ શાકભાજી ઉગાડી શકાય છે. એનાં બીજ બજારમાં અથવા નર્સરીમાંથી મળી શકે. જેમને ત્યાં થોડી પણ ખાલી જગ્યા હોય તેઓ એટલામાં થોડી મહેનત કરીને પોતાના આખા ઘર માટે શાક ઉગાડી શકે છે. શાકભાજી આંગણાંમાં, ધાબા પર તથા છજામાં પણ ઉગાડી શકાય છે. થોડા ઉત્સાહની, થોડી દિલચસ્પીની અને થોડી મહેનતની જરૂર છે. બાળકોમાં આ કાર્ય દ્વારા એ ગુણોનું બીજારોપણ અને અભિવર્ધન કરી શકાય છે. આ કાર્ય વાલીઓ બાળકોની સાથે રહીને કરાવી શકે છે. સંસ્કારશાળાના શિક્ષક બાળકોના ઘેર જઈને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે. આ એક એવો ગૃહઉદ્યોગ છે, જેમાં કોઈ મોટું મૂડીરોકાણ નથી. જો જમીન ન હોય તો કુંડાં, તૂટેલા ઘડા, જૂના ડબ્બા વગેરે આમાં કામ લાગી શકે છે. અઠવાડિક રજાના દિવસે અથવા તહેવારની રજાના દિવસે બાળકો નવરાં હોય છે. એ દિવસોમાં આવાં કામ કરાવી શકાય અથવા દૈનિક કાર્યોમાં પણ એમનો સમાવેશ કરી શકાય. બાળકોને નવાં કાર્યોમાં ઉત્સાહ પણ હોય છે. જ્યારે એમને લાગશે કે પોતાની મહેનતથી કંઈક કમાયા અને એનો લાભ ઘરના બીજા લોકોને મળ્યો ત્યારે એમને વધારે પ્રસન્નતા થશે. મનોબળ અને કૌશલ વધારવાનો લાભ શાકભાજીની કિંમતની તુલનામાં વધારે છે અને એનું દૂરગામી પરિણામ એનાથી પણ વધારે છે.

આ રીતે જો વિદ્યાલય જૂનું થઈ જાય અને છોકરાઓ થોડા કાર્યકુશળ લાગે તો તૂટેલી વસ્તુઓના સમારકામનાં નાનાંમોટાં કામ અઠવાડિયામાં એક યા બે દિવસ શિખવાડી શકાય. ઘરમાં ફાનસ, સ્ટવ, પેટીઓ, તાળાં, જેવી નાની મોટી વસ્તુઓ તૂટતી ફૂટતી રહે છે. એમના સમારકામ માટેની દુકાન શોધવાને બદલે ઘણા લોકો એમને ફેંકી દે છે અને નવી ખરીદી લે છે. જો તૂટફૂટના સમારકામનો અભ્યાસ હોય તો પોતાના ઘરની વસ્તુઓ રિપેર કરવા છોકરાઓ વિદ્યાલયમાં લાવી શકે. જૂની વસ્તુઓ નવી થઈ જાય છે અને પોતાને નવું કૌશલ શીખવા મળે છે. સાથે સાથે આ સમારકામ જોઈને સહયોગી બાળકોને પણ શીખવા મળે છે કે ઘરમાં આવા પ્રસંગે તેનું સમારકામ કેવી રીતે કરી શકાય.

કિમતી કપડાંને ઘણીવાર જંતુઓ ખાઈ જાય છે અને તેમાં કાણાં પડી જાય છે. જો રફ કરવાનું શીખી લેવામાં આવે તો મોંઘાં કપડાં ફરીથી નવાં થઈ શકે છે. આ પ્રકારનાં નિર્માણ કાર્યોથી ફક્ત પૈસાની જ બચત નથી થતી, પરંતુ વ્યક્તિગત કુશળતા, હાથનો અભ્યાસ અને માનસિક સ્તર વધે છે. જ્ઞાન માત્ર પુસ્તકોથી જ નથી વધતું. હસ્તકળાથી જે કુશળતા આવે છે તેમાં એક આગવી વિશેષતા સમાયેલી હોય છે. એને પુસ્તકિયા જ્ઞાનથી ઓછા મહત્ત્વનું ન ગણી શકાય. બાળસંસ્કાર શાળામાં ઘરના અભ્યાસને પાકો કરાવવામાં આવે છે, ખેલકૂદ તથા વ્યાયામથી બાળકોનું સ્વાથ્ય સુધારવામાં આવે છે. તેની સાથે સાથે જો અવસર મળે તો આવા હસ્તકૌશલનાં કામ શિખવાડવાનું આયોજન કરવું જોઈએ, જેનાથી ફક્ત પૈસા જ નથી બચતા, પરંતુ પ્રતિભા તથા કુશળતા પણ વધે છે.

આવા પ્રકારનાં મનોરંજક કાર્ય કરતા રહેવાથી બાળકોનો સર્વતોમુખી વિકાસ થાય છે. આપણે ત્યાં આ જ એક મોટી ખામી છે કે પુસ્તકો દ્વારા સામાન્ય જ્ઞાનની જાણકારી તો આપવામાં આવે છે, પરંતુ એ શિક્ષણ આપવામાં નથી આવતું, જેનાથી વ્યક્તિ હસ્તકળામાં કે શિલ્પમાં પ્રવીણતા પ્રાપ્ત કરી શકે અને મસ્તકની બહુમુખી વિશેષતાઓમાંથી બીજી અનેકને પણ સમુન્નત બનાવવામાં સહાયક સિદ્ધ થઈ શકે. આ ખામીની પૂર્તિ આપણે બાલસંસ્કાર શાળાના માધ્યમથી કરી શકીએ છીએ.

પાઠ્યતર શિક્ષણ પણ જરૂરી, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો

પાઠ્યતર શિક્ષણ પણ જરૂરી, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો

પ્રજ્ઞા પ્રશિક્ષણ પાઠશાળાનો સમય દિવસભરના લેશન, પુનરાવર્તન, રમતગમત તથા ગુણ, કર્મ અને સ્વભાવમાં શાલીનતાનો સમાવેશ કરવા માટે છે. સમયનું વિભાજન એવી રીતે કરવું જોઈએ કે ત્રણેય માટે સમય મળી રહે. ભણવા માટેનો નિયત સમય દરરોજ રાખીને એક દિવસ ખેલકૂદ અને એક દિવસ શિષ્ટાચારનો શિક્ષણક્રમ વારાફરતી રાખી શકાય છે.

સંસ્કારશાળાનો કોઈ સભ્ય કોઈક દિવસ ગેરહાજર હોય તો એની જાણકારી મેળવવી જોઈએ. જો કોઈ બીમાર હોય તો ક્લાસ પૂરો થયા પછી તેના ઘેર સહાનુભૂતિ પ્રગટ કરવા, તેને હિંમત આપવા અને કોઈ કામ હોય તો તે પૂછવા માટે જવું જોઈએ. આનાથી આત્મીયતા તથા ઘનિષ્ઠતા વધે છે. ઘનિષ્ઠતા વધે તેવો વ્યવહાર વધારે કરવો જોઈએ. કોઈ ને કોઈ બહાને પોતાની ઘનિષ્ઠતાનું ક્ષેત્ર વધારવું જોઈએ. જે બીજાઓના કામમાં આવે છે અને સહાયતા માટે હાથ લાંબો કરે છે તેઓ અનાયાસે બીજાઓના પ્યારા બની જાય છે. તેમની ઈજ્જ્ત પણ વધે છે. સંકીર્ણતાને જ ક્ષુદ્રતા માનવામાં આવે છે. ઉદારતા જ મહાનતા છે. જેમને મહાનતા પસંદ હોય તેમણે ઉદાર બનવું જોઈએ. સાથીઓની સહાયતા માટે સદાય તત્પર રહેવું જોઈએ. આ સાથે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે પોતાના કામ માટે બીજાઓની ઓછામાં ઓછી મદદ માગવામાં આવે. નહિતર માગવાની ટેવ આપણું સન્માન ઘટાડી દેશે.

બાળસંસ્કારશાળામાં સ્કાઉટિંગના નિયમો પણ સામેલ કરવા જોઈએ. બધાનો અમલ કરવો શક્ય ન હોય, તો એમાંથી જેટલા પણ શક્ય હોય તેટલા શીખવવા જોઈએ અને પ્રયોગમાં લાવવા જોઈએ. એનાં પુસ્તકો પુસ્તકાલયમાં અવશ્ય રાખવા જોઈએ. સાથે સાથે શિષ્ટાચાર તથા સભ્યતાનું શિક્ષણ આપતાં પુસ્તકો પણ પુસ્તકાલયમાં રાખવાં જોઈએ અને તે ઘેર લઈ જઈને વાંચવા જોઈએ.

સુંદર લિપિ, લેખનકળા, ભાષા જ્ઞાન, શબ્દ ભંડોળ વગેરે વધારવા માટે બની શકે તો એક હસ્તલિખિત માસિક અંક પ્રકાશિત કરવો જોઈએ. એમાં બે-બે પેજનો એક એવા સારા લેખ પેનથી લખવા જોઈએ. લેખોનો વિષય અને એમાં સમાવેશ કરવાના મુદા શિક્ષકોને પૂછી લેવા જોઈએ. એમને સુંદર અક્ષરોમાં લખવા જોઈએ. બધાના લેખ સંપાદિત કરીને એક સુંદર અંક બનાવી લેવો જોઈએ. એ જ એ મહિનાની માસિક પત્રિકા બની જશે.

જે વિષય પર લખ્યું હોય એનો વારંવાર વ્યાખ્યાનના રૂપવિચાર વ્યક્ત કરવાનો અભ્યાસ કરાવવો જોઈએ. લેખન અને ભાષણ બંને સારાં બનાવો. દર મહિને એક ચર્ચા સભા અને એક લેખ સંગ્રહની માસિક પત્રિકાનો ક્રમ ચાલતો રહેતો એનાથી વિચાર અભિવ્યક્તિની યોગ્યતા વધે છે અને આ શિક્ષણ આગળ ઉપર ખૂબ કામમાં આવે છે.

પ્રજ્ઞા પ્રશિક્ષણના પુસ્તકાલયમાં ફર્સ્ટ એઈડ, રોગીઓની સારવાર, સામાન્ય ગૃહવિજ્ઞાન આ ત્રણેય વિષયોનાં પુસ્તકો પણ રાખવાં જોઈએ અને તેમને વાંચવા – વંચાવવાનો ક્રમ એવી રીતે ચાલતો રહેવો જોઈએ કે પરીક્ષામાં ભલે પાસ ન થાય, પરંતુ એ બધી વાતોનું સંપૂર્ણ જ્ઞાન થઈ જાય. જો એ બીજાને શિખવાડવું પડે તો શિખવાડી શકે. એવું ન બને કે પોતે તો એ વાતોને જાણી લે, પરંતુ કોઈ બીજાને અથવા પરિવારજનોને સમજાવવા ઇચ્છે તો અધૂરા જ્ઞાનને કારણે શિખવાડી ન શકે.

ખચકાટ દૂર થાય સફૂર્તિ જાગે, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો

ખચકાટ દૂર થાય સફૂર્તિ જાગે, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો

કેટલાંય બાળકોને પોતાના સગાંસંબંધીઓ સાથે તો સહજતાથી બોલવાની ટેવ હોય છે, પરંતુ ઓછા ઘનિષ્ઠ અથવા અપરિચિત લોકો સાથે બોલવામાં તેઓ ખચકાટ અનુભવે છે. પૂછવામાં આવેલી વાતનો સીધો જવાબ પણ આપી શકતા નથી. આવા શરમાળ છોકરાઓને બુદ્ધુ માનવામાં આવે છે અને તેમની ઉપેક્ષા થાય છે. વાતચીત કરતી વખતે એવું વિચારવું જોઈએ કે આ વ્યક્તિ પારકી છે. તેમને પોતાના જ સમજીને ખચકાટ વિના વાતચીત કરવી જોઈએ. એવા છોકરાઓને હોશિયાર માનવામાં આવે છે.

ઉંમર વધતાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચે વાતચીતમાં થોડો ખચકાટ જરૂર અનુભવવામાં આવે છે, પરંતુ નાના છોકરા – છોકરીઓ વચ્ચે કોઈ પ્રકારના અંતરની આવશ્કયતા નથી. એવું અતર રાખવાથી નર ને નારી વચ્ચેની ખાઈ મોટી થાય છે. છોકરા અને છોકરીઓ વચ્ચે ભેદભાવ વધવા દેવો જોઈએ નહિ. પ્રાથમિક શાળામાં તેઓ સાથે ભણે તો કોઈ નુકસાન નથી. હાઈસ્કૂલ કોલેજમાં અલગ અલગ શિક્ષણ હોય તો સારું રહે, કારણ કે ત્યાં સુધીમાં તેઓ કિશોરાવસ્થામાં ગયાં હોય છે.

બાળસંસ્કારશાળાનો ઉદ્દેશ એ છે કે સ્કૂલ સિવાય બચેલો સમય બાળકો આવારાપણામાં અથવા કુસંગમાં ન ગાળે. એ સમયનો ઉપયોગ સારા વાતાવરણમાં થાય મનોરંજન પણ મળતું રહે અને થોડું શિક્ષણ પણ મળતું રહે. ઘરમાં બાળકો બધાં સાથે હળીમળીને રહે તો એમનો વ્યવહાર સારો રહે છે. નાની નાની વાતમાં અપશબ્દો બોલવાની અથવા લડાઈ ઝઘડા કરવાની ટેવ પડે તો એ ટેવને છોડાવવા માટે જરૂરી છે કે બહારના લોકો અને ઘરવાળાઓ સાથે તેઓ ખુલ્લા મનથી હળેમળે અને પારકાપણું છોડીને શિષ્ટાચાર અપનાવે તથા સાથે રહેવાનું શીખે. નહીંતર તેમને એવી ટેવ પડી જશે કે ઘરના લોકો સાથે તો ખુલ્લા મનથી વાત કરી શકશે, પરંતુ બહારના લોકો સાથે ખચકાટ અનુભવશે. આ

અતડાપણાની ટેવ છોડાવવા માટે, ઢબુ યા બુદ્ધાપણાની ટેવ છોડાવવા માટે બાળકોને સામાજિક સ્વભાવના બનાવવા જોઈએ. આ લાભ સ્કૂલના વર્ગમાં કે ખેલકૂદની ટીમમાં તેમને મળતો જ હોય છે, પરંતુ બાળસંસ્કાર શાળામાં એથી પણ વધુ નજીકનાં બાળકો હોવાથી દિલ ખોલીને વાત કે વ્યવહાર કરવામાં વધારે સુવિધા રહે છે. એટલા માટે આવી પાઠશાળાઓ દસ વિસથી વધારે સંખ્યાવાળી ન હોવી જોઈએ, નહિતર એમની વચ્ચે ઘનિષ્ઠ વ્યવહાર નહિ સ્થપાય.

બાળકોને ઘણીવાર આળસની ટેવ પડી જાય છે. કોઈ કામ કરતા હોય ત્યારે એવી રાહ જુએ કે કોઈ બીજો આવીને એ કરી નાંખે, પોતે હાથપગ ન ચલાવવા પડે, આગળ પડીને કામ કરવું ન પડે. આ પણ અશિષ્ટતા અને અસ્વચ્છતા જેવી ખરાબ ટેવ છે. કોઈ કામ કરવાનું હોય અથવા કરવાનું કહેવામાં આવે ત્યારે સ્વયં આગળ આવીને તેમણે કરવું જોઈએ. આવા સ્ફૂર્તિલા બાળકો આગળ જતાં તેજસ્વી બને છે અને પ્રગતિ કરે છે. જેઓ મહેનત કરવાથી ડરે છે, આળસુ પ્રકૃતિના હોય છે તેઓ આગળ જતાં બધી વાતમાં પાછા પડે છે. આ આળસની ટેવ આગળ ઉપર એમની ઉન્નતિમાં ડગલે ને પગલે અડચણ ઊભી કરે છે. ઉત્સાહી બાળકોના ચહેરા ફૂલ જેવા ખીલેલા રહે છે, પરંતુ જેઓ સુસ્ત હોય છે તેઓ મહેનત કરવામાંથી તો બચી જાય છે, પરંતુ તેમના ચહેરા નિસ્તેજ થઈ જાય છે. તેમને અશિષ્ટ માનવામાં આવે છે. બાળકોની સુંદરતા એમાં છે કે તેઓ દડાની જેમ ઊછળતા – કૂદતા રહે. કોઈ કામ સામે દેખાય તો સ્વયં એને હાથમાં લે અને સારી રીતે એને પૂરું કરે.

રમવાની વસ્તુઓ, પુસ્તકો, આસન વગેરે જે વસ્તુઓ વિદ્યાલયની હોય એમને કામ પૂરું થયે જ્યાંથી લીધી હોય, ત્યાં બરાબર મૂકીને તાળું મારીને બીજા કરતાં આગળ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સુસ્ત ના બનવું જોઈએ.

આદર્શ વાતાવરણવાળી સંસ્કારશાળાઓ, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો

આદર્શ વાતાવરણવાળી સંસ્કારશાળાઓ, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો

વાતાવરણનો પ્રભાવ હંમેશાં વધારે હોય છે. શિક્ષકોની ઉપેક્ષા, વાલીઓની બેદરકારી અને સ્કૂલની અવ્યવસ્થા આ ત્રણે મળીને સામાન્યપણે છોકરાઓને ઉદંડ બનાવે છે. એમને પોતાના જેવા મિત્રો પણ મળી જાય છે, એટલે વાત વધુ વણસે છે.

આવી સ્થિતિમાં એ યોગ્ય ગણાશે કે ઠેરઠેર બાલસંસ્કારશાળાઓની સ્થાપના કરવામાં આવે. એમાં કિશોર અવસ્થામાં પ્રવેશેલા સૌમ્ય સ્વભાવના છોકરાઓને દાખલ કરવામાં આવે. પાઠ્યપુસ્તકનું જ્ઞાન પૂરું કર્યા પછી એવી ઘટનાઓ કે જેમાં પ્રગતિ અને દુર્ગતિનાં કારણો રહેલાં છે એમને આકર્ષક રીતે દર્શાવામાં આવે કે જેથી વિદ્યાર્થીઓને કુમાર્ગથી નુકસાન અને સન્માર્ગથી થતા ફાયદાનો બોધ સારી રીતે થતો રહે સંસ્કારશાળાઓનો ઉદ્દેશ્ય માત્ર જ્ઞાન આપવાનો જ નહિ, પરંતુ શ્રેષ્ઠ વાતાવરણ બનાવવાનો પણ હોવો જોઈએ. જે બાળકો સાચી દિશામાં પ્રગતિ કરી રહ્યા હોય એમની ભરપૂર પ્રશંસા કરવામાં આવે અને તેમના વાલીઓને પણ એમની વરિષ્ઠતાનો સંદેશ પહોંચાડવામાં આવે. પ્રશંસાથી બાળકનો ઉત્સાહ વધે છે. આ તથ્યને સદાય ધ્યાનમાં રાખવું જોઈએ.

એ કોઈ ભૂલ કરી રહ્યો હોય તો તે બધાની સામે ટીકાના રૂપેન કહેતાં એકાંતમાં એની ભરપૂર પ્રશંસા કરીને પછી એ નાની એવી ભૂલથી થનાર નુકસાન સમજાવવું જોઈએ અને એ બતાવવું જોઈએ કે ઉદંડતા કરવાથી બીજાને જે નુકસાન થાય છે એની તુલનામાં પોતાને ઘણું વધારે નુકસાન થાય છે. એકાંતમાં ધીરેથી ભૂલ સમજાવવાથી બાળક સમજી જાય છે અને પછી એવી ભૂલ નથી કરતો. બદનામ કરવાથી તો તેઓ ઉદંડ પણ બની જાય છે અને વિરોધી પણ બને છે.

બાળસંસ્કારશાળાના વિદ્યાર્થીઓની પ્રગતિની પ્રશંસા કરતા રહેવું જોઈએ. આનાથી વિદ્યાર્થીઓ પોતાને પ્રતિષ્ઠાને લાયક માને છે અને એવી ભૂલ નથી કરતા કે જેથી તેમની નિંદા થાય. પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખવાનો બધા પ્રયત્ન કરે છે.

બાળકોને નકલ કરવાની ટેવ હોય છે. આજકાલ સમાજમાં અનિચ્છનીય પ્રવૃત્તિઓનું વાતાવરણ છે. બાળકો એવી જ ચર્ચાઓ સાંભળે છે અથવા વાંચે છે ત્યારે એમનું મન પણ એ પ્રકારની નકલ કરવા પ્રેરાય છે. એટલે આપણી બાળસંસ્કારશાળામાં પુરાતન સમયના આદર્શવાદી મહામાનવોના શ્રેષ્ઠ પ્રસંગો જ રજૂ કરવા જોઈએ અને એમની જ ચર્ચા કરવી જોઈએ. હાલમાં વર્તમાનપત્રોમાં હત્યા, ચોરી, વ્યભિચાર વગેરેના સમાચારો જ ભરપૂર આવે છે. આવા પ્રસંગો જ્યારે પણ વાંચવા – સાંભળવા મળે ત્યારે તેની ઉગ્ર ટીકા કરવી જોઈએ.

આદર્શવાદી ઘટનાઓ પણ ઘણીવાર વર્તમાનપત્રોમાં આવે છે. એ કટિંગ કાપીને ફાઈલમાં રાખવું જોઈએ. પુરાતનકાળનાં એવાં સંસ્મરણોનો પણ સંગ્રહ કરવો જોઈએ. એમને પણ એક ફાઈલમાં રાખવાં જોઈએ. એ વાંચવાથી એવી અનુભૂતિ થાય છે કે આજે પણ નીતિ તથા સદાચાર જીવિત છે. એવી છાપ પડે છે કે આજનો સમય ફક્ત બૂરાઈઓથી જ ભરેલો નથી, ભલાઈ પણ જીવિત છે. આનાથી સદાચારને પ્રોત્સાહન મળે છે.

જો દુષ્ટતા વિશે જ સાંભળવા અને વાંચવામાં આવતું રહે તો વાંચનારનું મન પણ એ ખરાબ આદતો તરફ ઢળવા લાગે છે. એટલે આપણાં પુસ્તકાલયોમાં સત્ સાહિત્ય જ રાખવું જોઈએ. અશ્લીલ, અનૈતિક અને ખરાબ સાહિત્યથી બાળકોને જેટલાં દૂર રાખી શકાય તેટલાં દૂર રાખવાં જોઈએ, કારણ કે તે એક રીતે ઝેર જેવો ખરાબ પ્રભાવ પાડે છે. – શિષ્ટાચારમાં કેટલીક વાતો વિશેષરૂપે ધ્યાનમાં રાખવા જેવી છે, જેમ કે મોટા લોકો પોતાનાથી નાનાનું નામ લેતી વખતે નામ સાથે “જી” અથવા ભાઈ લગાડે, જ્યારે નાના મોટાઓનું નામ ન બોલતાં સંબંધથી સંબોધિત કરે. જેમકે ભાઈ સાહેબ, કાકાશ્રી, દાદાજી વગેરે. મોટા નાનાને “તું કહી શકે છે, પણ નાના મોટાઓ માટે ‘આપ’ શબ્દનો પ્રયોગ કરે. ગામડામાં જાતિ તથા વ્યવસાયના આધારે ઊંચનીચની માન્યતા હોય છે. હજામ, ધોબી, હરિજન વગેરેને નીચી જાતિના માનીને છોકરાઓ પણ તેમને નામથી અથવા “તું” ના સંબોધનથી બોલાવીને મોટાઓની નકલ કરે છે. આ યોગ્ય નથી. કોઈ કોઈપણ જાતિ કે વ્યવસાયનો માણસ હોય, પણ તે મોટો હોય તો હંમેશાં ‘આપ’ના સંબોધનથી અને નામ પછી જી કે ભાઈ લગાડીને બોલાવવો જોઈએ. સંબંધ દર્શાવતા શબ્દો જેવા કે કાકા કાકી જેવાં સંબોધનથી બોલાવનાર સભ્ય તથા સુશીલ ગણાય છે. પોતાને બોલવાની એક સારી ટેવ પડે છે. મહિલાઓને બહેનજી, કાકીજી, માસીબા, ફઈબા વગેરે સંબોધનોથી બોલાવવી જોઈએ.

વધતા જોશનું નિયોજન, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો

વધતા જોશનું નિયોજન, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો

કિશોર અવસ્થામાં નવું જોશ અને નવો ઉત્સાહ જાગે છે. આ ઉંમરે કંઈક કરવાની, કરી બતાવવાની ઇચ્છા બળવાન થાય છે. જો કુસંગ થઈ જાય તો બાળકો આ ઉમરે ચોરી, ચાલાકી, છેડછાડ હાથચાલાકી જેવી બાબતો શીખી જાય છે. એનાથી નૈતિકતાનું પતન થાય છે એવું તેઓ વિચારતાં જ નથી, ઊલટું પોતાની ચતુરાઈ, પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કરે છે. અંદરોઅંદર લડવું – ઝઘડવું, પરીક્ષામાં નકલ કરવી, શિક્ષકો કોઈ બાબતમાં ઠપકો આપે કે લડે, તો ક્રોધિત થઈને તેમની સાથે ઝઘડવા તૈયાર થઈ જવું વગેરે જેવી ઉદ્ધતાઈ કરવા લાગે છે. એનું કારણ એ છે કે એ ઉંમરે નાગરિકતા, નૈતિકતા, સમાજનિષ્ઠા વગેરે બાબતમાં ઉચિત- અનુચિતનો બોધ જાગૃત થયો હોતો નથી અને તેને જબરજસ્તીથી જાગૃત પણ કરી શકાતો નથી.

ધર્મનો અર્થ સજનતા, સમાજનિષ્ઠા તથા નીતિમત્તા જ છે, પરંતુ આજે તે પણ સાંપ્રદાયિક રીતિરીવાજોમાં બંધાઈ ગયો છે. એમના રીતરિવાજોમાં પણ ભિન્નતા હોય છે. એને વિવાદનો વિષય બનાવી અંદરોઅંદર ઝઘડે છે. ધાર્મિક કર્મકાંડ પાછળ જે તત્ત્વદર્શન છે અથવા પૂજાપાઠ છે તેમાંથી મોટા ભાગનું તો પોતાના ગુરુઓ, મહંતો દ્વારા ચલાવેલું હોય છે, એમાં સમય સમય પર સુધારો તથા પરિવર્તન પણ થાય છે. એક ધર્મ અર્થાત્ સાર્વભૌમ ધર્મમાં સર્વત્ર એકતા હોય છે. તે નીતિ, સદાચાર, સંયમ, ઉદારતા જેવા નીતિનિયમો પર ટકેલો છે. આપણે એના વાસ્તવિક રૂપને હૃદયંગમ કરવું જોઈએ અને રીતરિવાજોમાં જે મતભેદ છે તેની ઉપેક્ષા કરવી જોઈએ.

કિશોરોનું જોશ મોટે ભાગે ઉદંડતામાં, અહંકારમાં તથા પ્રચલનોને તોડવામાં વપરાતું જોવા મળે છે. ક્યારેક તો આ વિકૃતિ અશ્લીલ છેડછાડમાં પરિણમે છે. આથી ગુરુજનોનું કર્તવ્ય છે કે આ ઉંમરનાં બાળકો માટે એક આંખ પ્યારની અને બીજી આંખ સુધારની રાખવામાં આવે. પ્યારની એટલા માટે કે એની સાથે આત્મીયતા તથા ઘનિષ્ઠતા કાયમ રહે, પારકાપણાનો ભાવ ઉત્પન્ન ન થાય અને સુધારની આંખ એટલા માટે કે એનામાં પેદા થતા દોષદુર્ગુણો પર નિયંત્રણ રાખી શકાય. આ કાર્ય એટલી કુશળતાથી કરવું જોઈએ કે સાપ મરે પણ લાકડી ન તૂટે. બાળકો શિખામણ તથા આલોચના સાંભળીને ભડકે નહિ. આ કહેવું એટલે જરૂરી છે કે એમને કડકાઈથી કહ્યા વિના સીધા રસ્તા પર લાવી શકાતા નથી. માત્ર નમ્રતા અપનાવવાથી તો તેઓ વાતને મજાકમાં ગણી કાઢે છે અને એ ભૂલને ગંભીરતાથી લેતા નથી અને ઘણી વખત તો ઊલટા ચિડાય છે. આથી બુદ્ધિમત્તા એમાં છે કે વચલો રસ્તો કાઢવામાં આવે અને વિરોધ કે આક્રોશ વિના જ સુધારનો ઉદ્દેશ્ય પૂરો થાય.

કિશોરઅવસ્થામાં નૈતિક શિક્ષણની સમસ્યા પણ ઘણી વિચિત્ર છે. એને એકલા શિક્ષકો કે વાલીઓ હલ નથી કરી શકતા. બંને લડાઈ ઝઘડા અને ઉદંડતાથી ડરે છે. તેમને સમજાવતાં પોતાનો કક્કો ખરો કરે છે અને બળવો કરવા તૈયાર થઈ જાય છે. કોઈ એવો કડક દંડ પણ કરી શકાતો નથી કારણ કે એનું ભવિષ્ય બગડે અને બદનામી થાય. આવી પરિસ્થિતિમાં શિક્ષકો અને વાલીઓએ હળી મળીને રસ્તો કાઢવો જોઈએ. બંનેએ પરસ્પર ચર્ચાવિચારણા કરીને એવો રસ્તો કાઢવો જોઈએ કે બાળકો બળવાખોર ન બને. એમને સમજાવી પટાવીને કોઈ કામનું નેતૃત્વ પણ સોંપવું જોઈએ. સામાન્ય રીતે ઉદંડતા નેતાગીરીની આકાંક્ષાથી જન્મે છે. બીજાઓ કરતાં પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે બાળકો કાંઈ ને કાંઈ ઊંધીછત્તી હરકતો કરે છે. આવા બાળકોને મહામાનવોનાં ચરિત્રો વિશેષ રૂપે સંભળાવવાં જોઈએ, જેનાથી તેઓ પોતાની પ્રતિભાનો ઉપયોગ આદર્શ સ્થાપિત કરવા અથવા લોકોપયોગી મહત્ત્વપૂર્ણ કાર્યો કરવામાં કરે અને છેવટે સામાન્ય લોકોની તુલનામાં અસામાન્ય અને યશસ્વી પણ બને.

સંયુક્ત પ્રયત્ન જરૂરી

પ્રતિભાને બેધારી તલવાર માનવી જોઈએ. તેનો દુરુપયોગ કરવાથી મનુષ્ય બદનામ થાય છે તથા દંડ ભોગવે છે. આનાથી ઊલટું જેણે પ્રતિભાનો સદુપયોગ કર્યો તેઓ આગળ વધ્યા, ઊંચા ઉઠ્યા અને અગ્રણી કહેવાયા. આવા છોકરાઓની પ્રતિભા અને મહત્ત્વાકાંક્ષાને શ્રેષ્ઠતા તરફ વાળવામાં આવે, તો આગળ જતાં તેઓ કેટલાંક એવાં કામ પણ કરી શકે છે, જે માત્ર તેમના માટે જ નહિ, પણ આખા સમાજ માટે ઉપયોગી સાબિત થાય અને તેમણે મહાનતાના અધિકારી બનાવે. આવા છોકરાઓ સાથે કામ લેવું મુશ્કેલ તો છે જ, પરંતુ શિક્ષકો અને વાલીઓ રચનાત્મક રીતે તેમને સુધારે તો તેમને સુધારવા મુશ્કેલ પણ નથી.

તણાવમુક્ત સહજ શિક્ષણ, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો

તણાવમુક્ત સહજ શિક્ષણ, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો

બાળકોને આપણે રમવાનો સમય આપવો જોઈએ. રમકડાં એવાં ન હોય કે જે ગંદકી ફેલાવે, પરંતુ એવાં હોવાં જોઈએ કે જેનાથી તેઓ ચાલવાનું, બેસવાનું વગેરે શીખે અને તેમની રચનાત્મક બુદ્ધિનો પણ વિકાસ થાય. ફોટાવાળાં પુસ્તકો બાળકો વધારે સરળતાથી વાંચે છે. અક્ષરો પણ મોટા મોટા હોવા જોઈએ, જેથી એમની આંખો પર બિનજરૂરી ભાર ન પડે. સ્કૂલમાં ભણવાનો ક્રમ એવો હોવો જોઈએ કે જેમાં વચ્ચે વચ્ચે થોડો અવકાશ મળતો રહે. સતત ભણવાથી તેઓ કંટાળે છે. ભણાવતી વખતે એમને પ્રશ્ન પૂછવા અને એમને જવાબ આપવાનો સમય આપવો જોઈએ, જેથી તેઓ બાહ્ય જ્ઞાન પણ મેળવતાં રહે. સામાન્ય જ્ઞાનની જાણકારી મેળવવાથી બુદ્ધિનો વિકાસ પણ થાય અને સાથે મનોરંજન પણ મળે. સફાઈની સાથે શિષ્ટાચાર અને ભણવાની સાથે અનેક વિષયોના સામાન્ય જ્ઞાનનો અભ્યાસ કરાવવો જોઈએ. આના માટે પ્રશ્નોત્તર પદ્ધતિ જ યોગ્ય ઉપાય છે. જ્ઞાનવૃદ્ધિ અને મનોરંજનનું મિશ્રણ એદશ વર્ષ સુધીનાં બાળકોને ભણાવવાની યોગ્ય રીત છે. જે વાલીઓ પોતાનાં બાળકોને હોશિયાર બનાવવા માગે છે, જલદી ઊંચી તૈયારી કરાવવા માગે છે તેઓ સ્કૂલ, ટ્યુશન અને જાતે ભણાવવું એમ ત્રણગણું દબાણ કરે છે. એનું પરિણામ એ આવે છે કે બાળકનું વ્યક્તિત્વ કરમાવા લાગે છે અને જે સ્વાભાવિક માનસિક વિકાસ થવો જોઈએ તેમાં અડચણ આવે છે. આવાં બાળકોનું શારીરિક સ્વાથ્ય પણ બગડે છે અને માનસિક દૃષ્ટિએ પણ તેઓ ઢબૂ થઈ જાય છે. એટલે સ્કૂલમાં એવી વ્યવસ્થા હોવી જોઈએ કે ખેલકૂદનો પણ સમય મળે, આગળ વધવાની પ્રતિસ્પર્ધા જાગ્રત થાય તથા ઉત્સાહ વધે.

શારીરિક તાલીમના આજકાલ કેટલાય પ્રકાર હોય છે. એમાં લશ્કરી અનુશાસનનો સમાવેશ પણ હોય છે અને અંગકસરતનો પણ સુનિયોજિત ક્રમ હોય છે, જેથી કોઈ અંગ પર વધારે અથવા અથવા કોઈ અંગ પર ઓછું દબાણ ન આવે. તે વૈજ્ઞાનિક પણ છે. સ્કાઉટિંગ વગેરેમાં પણ આને જ વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. આમાં આપણી ગ્રામીણ અને ક્ષેત્રીય રમતોનો પણ સમાવેશ કરી શકાય.

માનસિક શિક્ષણ માટે પુસ્તકિયું ભણતર અને શારીરિક બળ માટે ડ્રીલ તથા બીજી રમતોનો સમાવેશ કરવો જોઈએ, પરંતુ એમાં કોઈ એવી ન હોય કે જે કોઈ અવયવને મોટું નુકસાન પહોંચાડે. મલ્લવિદ્યા, પહેલવાની, દંડબેઠક જેવી મુશ્કેલ રમતોની સરખામણીમાં કવાયત પદ્ધતિ ઘણી સારી છે. સ્કાઉટીંગના શિક્ષણમાં આ પ્રકારના પાઠ્યક્રમનો સમાવેશ છે. આ બાબતમાં વધુ જાણકારી મેળવી શકાય છે અને એમાંથી જેટલો ભાગ સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે શક્ય હોય તેટલો અપનાવવો જોઈએ.

દશવર્ષથી ઉપરનાં બાળકોને રમતગમત માટે પ્રોત્સાહિત કરવાં જોઈએ. એનાથી સ્વાથ્ય, ઉત્સાહ અને પ્રતિસ્પર્ધાનો ભાવ જાગે છે. પરંપરાગત રમતોમાં એમનો જ સમાવેશ કરવો જોઈએ કે જેમાં આંખ વગેરે કોમળ અંગોને નુકસાન થવાનો ભય ન હોય.

શિષ્ટાચારનો અભ્યાસ, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો

શિષ્ટાચારનો અભ્યાસ, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો

બાળકોની હાજરીમાં ઘરનાં બીજાં બાળકોને અથવા મોટાઓને વઢવું ન જોઈએ અને ગાળાગાળી પણ ન કરવી જોઈએ. આ અનોખી વાત એમની સામે કોઈક જ વાર આવે છે, એટલે કુતૂહલતાથી તેઓ એની નકલ કરવાનો પ્રયત્ન કરે છે. ઘરમાં ઘણાં બાળકો રહેતાં હોય તો કોઈને વધુ પ્યાર અને કોઈને ઓછો એવું ના કરવું જોઈએ. આના કારણે તેમનામાં તિરસ્કાર અથવા ઇર્ષાનો ભાવ પેદા થાય છે.

સફાઈના ફાયદાની જાણકારી આપવાની સાથે સાથે તેમને શિષ્ટાચાર શિખવવાનું પણ શરૂ કરવું જોઈએ. મોટાઓને નિત્ય પ્રણામ કરવાની ટેવ પાડવી જોઈએ. તેઓ ભૂલી જાય તો આપણે સામેથી પ્રણામ કરવા જોઈએ. તેમનું સ્વાભિમાન જગાડવા માટે નામની સાથે “જી’ અથવા ભાઈ કે બહેન લગાડવાની પ્રથા પાડવી જોઈએ. બદલામાં તેઓ પણ ભાઈસાહેબ, બહેનજી, માતાજી, તાઈજી વગેરે કહેવાનું શીખશે. આ સભ્ય પરંપરાની શરૂઆત નાનપણથી જ કરવી જોઈએ. અધૂરું નામ લેવું અથવા તું કહીને બોલાવવું તે બરાબર નથી. આપ અથવા તમે કહીને બોલાવવાની ટેવ નાનપણથી જ પાડવી જોઈએ. ખૂબ નાનું હોય ત્યારે બાળક પોતાની જ સફાઈનું ધ્યાન રાખી શકે છે, પણ થોડી ઉંમર વધે એટલે બીજાં નાનાં બાળકોની સફાઈ કરવાની કે કરાવવાની ટેવ પાડવી જોઈએ.

%d bloggers like this: