SV-02 : શરીર શુદ્ધિ અને કાયા-કલ્પ । ઔષધિ વિના કાયાકલ્પ

SV-02 : શરીર શુદ્ધિ અને કાયા-કલ્પ । ઔષધિ વિના કાયાકલ્પ

પાછલા પાનાંઓમાં અંદરની સાફસૂફી રાખવાનો તથા આહારવિહારની પ્રકૃતિને અનુકૂળ વ્યવસ્થા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આચરણનો તુરત જ સ્વાસ્થ્યની ઉપર અસાધારણ પ્રભાવ પડે છે. શરીરમાં ભારેપણ, ઉદાસી, થાક, ગભરાટ લાગતાં હોય તો ઉપવાસ, ફળાહાર અને એનિમા દ્વારા તે જ વખતે શરીરની ગઇ ગુજરી સ્થિતિમાં મદદ મળી શકે છે. નાના રોગોમાં તુરત જ લાભ દેખાય છે. ચિકિત્સા શાસ્ત્રોમાં પણ રોગમાં પહેલાં લાંઘણ કરવાનું-ઉપવાસ કરવાનું જણાવે છે. એક પ્રસિદ્ધ કહેવત છે કે “બિમારને ભૂખે મારો”. ભૂખ્યા રહેવાથી રોગી મરતો નથી પણ બીમારી મરી જાય છે એનિમા લેતાંની સાથે જ શરીર હલકું ફૂલ બની જાય છે. માથાનો દુખાવો, શરદી, અરૂચિ, પેટનું દર્દ, આફરો . હેડકી જેવા રોગોમાં એનિમાનો ચમત્કાર તુરત જ દેખાઇ આવે છે. ઢાઢિયા નાવમાં પેટની સાફસૂફી કરવાથી તાવની ગતિવિધિ પર અસાધારણ નિયંત્રણ પ્રાપ્ત કરી શકાય છે.

કાયાકલ્પ માટે જો લોકો એક અઠવાડિયાનો, પંદર દિવસનો અથવા વીસ દિવસનો સમય કાઢી શકે તેમ ન હોય તો તેઓ એક બે દિવસનો પ્રયોગ વચ્ચે વચ્ચે કરતા રહે તો તેમના સ્વાસ્થ્યની ગતિવિધિ સારી રીતે ચાલતી રહી શકે છે. અમાસ, પૂનમ યા બંને અગિયારશો આ કાર્યને માટે ઉપયોગમાં લઈ શકાય છે. એક રવિવાર વચ્ચે છોડી દઈને બીજા રવિવારે શરીર શુદ્ધિનો ક્રમ રાખી શકાય છે. અઠવાડિયામાં એક વાર, રવિવાર અથવા સોમવાર અથવા તો કોઈ ગમે તે બીજો દિવસ પોતાની સગવડતા મુજબ નક્કી કરી શકાય છે, જે દિવસે શરીરશુદ્ધિ કરવી હોય તે દિવસે વહેલી સવારે નિત્યકર્મથી નિવૃત્ત થઈને એનિમા લેવી જોઈએ અને ઉપવાસ કરવો જોઇએ. સારી વાત તો એ છે કે તે દિવસે લીંબુ અને મીઠુ ભેળવેલા પાણી સિવાય બીજું કંઇ પણ ન લેવામાં આવે.પરન્તુ જો ન સહન થઈ શકે તેવી ભૂખ લાગે અથવા ઇચ્છા શક્તિની ઓછપને કારણે દરરોજ ખાવાની ટેવ ન ભૂલી શકાય તો ત્રીજા પહોરે રસીલા (રસવાળા) ફળોનો થોડો ફળાહાર કરવો જોઇએ. વધારે જરૂરિયાત જેવું લાગે તો થોડું દૂધ પણ લઇ શકાય છે. ઉપવાસના દિવસે પાણી ખૂબ જ પીવું જોઈએ. જેને રૂચિકર લાગે તે સોડા અથવા લેમન પણ પી શકે છે ઉપવાસનો દિવસ શારીરિક વિશ્રામ સાથે વિતાવવો જોઈએ. ભૂખ્યા પેટે વધારે મહેનત કરવાથી શરીરમાં થાક લાગે છે અને ઉપવાસથી જે શક્તિ એકઠી થવી જોઈએ તે થતી નથી. ઉપવાસના બીજા દિવસે હલકો, સાદો, સાત્વિક અને સુપાચ્ય ખોરાક બહુ જ થોડા પ્રમાણમાં લેવો જોઇએ જો કે બીજે દિવસે ભૂખ ખૂબ લાગે છે અને પેટ ખાલી હોવાથી તેમાં વધારે અન્ન ભરી શકવાની ગુંજાયશ પણ હોય છે. જો પાચનશક્તિની શિથિલતાનું ધ્યાન ન રાખીને ખાલી પેટ અને ભૂખની તીવ્રતાના પ્રમાણમાં વધારે આહાર કરવામાં આવશે તો અપચો થઈ જશે અને ઉપવાસનું બધું જ મહત્ત્વ નાશ પામશે.

એ યાદ રાખો કે ઉપવાસ કરવામાં એટલી સાવચેતીની જરૂર નથી કે જેટલી ઉપવાસ તોડવામાં જરૂરી છે. ઉપવાસના સમય દરમિયાન ફક્ત આપણા ચટાકાપણાનો અને દરરોજ ખાવાની ટેવનો વિરોધ કરવો પડે છે. પેટની વાસ્તવિક સ્થિતિમાં ઉપવાસથી રાહત મળે છે. તેનાથી ઉલટું ઉપવાસના અંતે પેટની ભૂખ ઘણી ઉત્તેજના ઉત્પન્ન કરે છે. પેટ ભરેલું હોય – ભારે હોય ત્યારે ટેવ સાથે સકળાવવું સહેલું છે. પરેજી પેટનુ ખાલી થવું આરામ પછી જાગેલી ભૂખ તથા દરરોજ પેટ ભરીને ખાવાની ટેવ આ ત્રણે સાથે ગોઠવવાનું ઘણું જ કઠીન હોય છે. આ સમયે વધારે વિવેકબુદ્ધિ તથા સંયમની જરૂર પડે છે. ઉપવાસ પછી પેટ ભરીને ખાવું ન જોઈએ. ગળ્યા અને જલદીથી ન પચી શકે તેવા ખાર્થે પદાર્થો ન ખાવા જોઈએ. એક દિવસ ઉપવાસ-બીજા દિવસનું પહેલું ભોજન આમ દોઢ દિવસની એક ઉપવાસની મર્યાદા છે. દોઢ દિવસમાં એક નાનો ઉપવાસ પૂરો થાય છે. પેટનું ભારેપણું ઓછું ન થાય તો ઉપવાસના દિવસે સાંજે તથા બીજે દિવસે સવારે પણ એનિમા લઈ શકાય છે. પરન્તુ જેનું પેટ એક જ એનિમાથી સારી રીતે સાફ થઈ ગયુ હોય તેણે વધારે વાર લેવાની જરૂર નથી.

આ નાની શરીરશુદ્ધિ ઓછામાં ઓછી મહીનામાં એક વાર તો અવશ્ય કરવી જોઇએ. ચૈત્રના મહીનામાં જ્યારે બિમારીઓ ફેલાવાની વરસાદની ઋતુ હોય છે ત્યારે આ પ્રકારે શરીરશુદ્ધિ ધણી જ જરૂરી છે જે દિવસોમાં બળિયા, કોલેરા, પ્લેગ, મેલેસ્સિા વગેરે રોગો ફેલાવાની સંભાવના હોય તેવા દિવસોમાં તો આ જાતની સફાઈ કરી પોાની જાતને બીમારીઓથી બચાવી લેવાની આ ઘણો જ સુગમ અને પ્રામાણિક પદ્ધતિ છે.

એનિમાના અભાવમાં તાત્કાલિક દસ્ત કરવા માટે એક પદ્ધતિ એ છે કે ગુદા માર્ગની અંદર એક નાનો સાબુનો ટુકડો અથવા મીઠાની એક નાની કાંકરી નાખવામાં આવે. થોડી જ વારમાં મોટા આંતરડાનો મળ દસ્તના રૂપે બહાર નીકળી આવશે. દસ્ત સાફ કરનારી દવાઓ આમાશય અને નાના આંતરડા ઉપર ઘણો પ્રભાવ પાડે છે. મોટું આંતરડુ કે જે મળ સંચયનું મુખ્ય સ્થાન છે તે દસ્ત કરનારી દવાઓથી વધારે પ્રભાવિત થતુ નથી. પરન્તુ એનિમા અથવા મળદ્વાર દ્વારા અંદર પહોંચાડવામાં આવેલા સાબુના ટુકડાનો, મોટા આંતરડા પર પ્રભાવ પડે છે અને તેમાંથી એકઠા (સંચિત) થયેલા મળની સફાઇ થઇ જાય છે પરંતુ એ યાદ રાખવું જોઈએ કે એનિમાની પદ્ધતિ જ સારી છે. સાબુ વગેરેથી આંતરડા ઉત્તેજીત થાય છે અને તેમાંથી પાણી નીકળે છે અને આ પાણીના પ્રવાહમાં દસ્ત થઈ જાય છે, તેથી આ બધી રીતે નિરહિત નથી. તેથી આ પદ્ધતિનો કાયમ ઉપયોગ ન કરવામાં આવે, જો કે આ પણ એક પતિ છે કે જે કોઈ સમયે ઉપયોગમાં લઈ શકાય છે.

શરીર શુદ્ધિ માટે અંદરની અને બહારની બન્ને પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. પેટને સાફ રાખવું લાભદાયક છે પણ સાથે સાથે બહારની સફાઈનુ પણ પૂરતું ધ્યાન રાખવું જોઈએ. ચામડીને ખૂબ ઘસી ધસીને તાજા પાણીથી સ્નાન કરવું જોઈએ જેથી ત્વચાના છિદ્રો સારી રીતે ખુલી જાય અને મેલ જમા થયેલો ન રહે. નાક, કાન, આંખ, મોઢું, દાંત તથા મળમૂત્રનાં છિદ્રો વગેરેની સાફસૂફીનું પણ પૂરતું ધ્યાન રાખવું જોઈએ. કપડાં ધોયેલાં હોવાં જોઈએ. શરીરને અડકનારાં કપડાં દરરોજ ધોવા જોઇએ. પથારીને દરરોજ તડકામાં સૂકવવી જોઈએ. રહેવાનું સ્થાન સ્વચ્છ હોય. ત્યાં હવા તથા સૂર્યનો પ્રકાશ પૂરેપૂરો પહોંચે છે કે નહિ તેનો સારી રીતે વિચાર કરવો જોઇએ. ખાવાપીવામાં જેટલી સફાઈ રાખી શકાય તેટલુ સારૂં. યાદ રાખો સાફસૂફીમાં નીરોગીતા છે અને દીર્ઘજીવન તેના ઉપર આધાર રાખે છે.

અંગ પ્રત્યાંગોની સફાઇ, પોષણ, વિકાસ તથા પુષ્ટિ માટે એક ઘણી જ સરસ પદ્ધતિ માલિસ છે માલિસ કરવાથી અંગ પ્રત્યાંગોની નાની નાની માંશપેશીઓને પણ સારો એવો અને જરૂરી વ્યાયામ મળી રહે છે. સાધારણ વ્યાયામથી ઘણી માસપેશીઓ પર ઘણું વધારે દબાણ પડે છે અને ઘણી માસપેશીઓ પર બીલકુલ દબાણ પડતું નથી. પરન્તુ માલિસ માટે દરેક પેશી ઉપર હલકી રીતે ગલીપચી કરતો હાથ ફરે છે જેમાં ત્યાંની નસ, નાડીઓ, જ્ઞાનતંતુ, મજજા, સ્નાયુ, માંસપેશી તેમજ હાડકાના સ્થાનો પર જેટલી જરૂર હોય તે રીતનું જ દબાણ પડે છે. હાથ હળવેથી ઘસાતા હોઇ એક વિદ્યુતધારાનું સંચાલન થાય છે જેનાથી નિયત અંગોમાં ઉત્તેજના ઉત્પન્ન થાય છે. પહેલવાનો જેટલું મહત્ત્વ વ્યાયામને આપે છે તેટલું જ મહત્ત્વ માલિસને પણ આપે છે. કોઇ પણ પહેલવાન એવો નહિ હોય કે જે શરીરની માલિસ ન કરતો હોય. તેલની માલિસ કરવામાં ન તેલનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે હાથ સારી રીતે લપસતો રહે – ચામડી ઉપર ઘસારો ન પડે અને વાળ ન તૂટે. આ ત્રણ લાભો સિવાય બીજા જે કાઈ લાભો થાય છે તે બધા માલિસથી થતા લાભો છે.

માલિસથી રોગોની સારવારમાં બહુ મોટો અને મહત્ત્વપૂર્ણ લાભ થાય છે. માથું દુ:ખે તો માથુ દબાવવાની પ્રથા બધા જાણે જ છે. રસ્તામાં ચાલતાં થાકી ગયેલા લોકોના પગ દબાવવામાં આવે છે. પેટમાં દર્દ થતું હોય તો પેટ પર હાથ ફેરવવાનો ઉપચાર કરી શકાય છે. દર્દવાળી જગ્યાએ તેલની માલિસ કરવાની ડોકટરો સલાહ આપે છે. કમજોર પ્રસૂતા સ્ત્રીઓને તેલ માલિસ કરવામાં આવે છે. નવા જન્મેલા બાળકને તેલ લગાવવાનું હવે રોજીંદુ કામ બની ગયુ છે. નપુસકતાનો રોગી નસોની માલિસ કરે છે. પરદેશોમાં મર્દન ચિકિત્સા’નો હવે ઘણો પ્રચાર થવા માંડ્યો છે. ત્યાં માલીસ વડે કઠણ રોગોના ઈલાજ કરવામાં આવે છે. આપણા દેશમાં અંગ મચકોડાઈ જવું, હાડકું ભાગવું, બેઠોમાર, સંધિવા ડુંટીની આમોઈ ખસી જવી વગેરે રોગીની માલિસ વડે સારવાર કરનારા ઘણા ડોકટરો મોજૂદ છે. એમાંના કેટલાક તો એવા છે કે જે સંગ્રહણી, ક્ષય, દમ જેવા કઠણ રોગોનો માલિસના આધાર પર ઇલાજ કરે છે. માથાની માલિસ કરનારા ઘણા લોકો પોતાની આ કલામાં ઘણા પાસ્ગત હોય છે અને પોતાના હાથની કારીગરીથી માથાને આરામ પહોંચાડવાની જ મજૂરી દ્વારા સારા એવા પૈસા કમાઈ લે છે.

મહાત્મા ગાંધી વૃદ્ધાવસ્થામાં પણ એટલો બધો પરિશ્રમ કરતા હતા કે તેઓ શક્તિ પ્રાપ્ત કરવા માટે દરરોજ બે ક્લાક તેલની માલિશ કરાવતા હતા. પ્રાકૃતિક સારવારમાં માલિસના મોટા વિસ્તારમાં ગુણગાન ગાવામાં આવ્યાં છે. કાયાકલ્પની ઈચ્છાવાળાઓએ પોતાના દૈનિક કાર્યક્રમમાં માલિસને પણ થોડું સ્થ!ન અવશ્ય આપવું જોઈએ. જો કોઈ સહયોગી મળી જાય તો અરસપરસ એકબીજાની સહાયતાથી શરીરના દરેક અંગોની માલિસ કરવી જોઇએ. જે લોકો નોકરો પાસેથી અથવા ઘરની વ્યક્તિઓ પાસેથી આ કામ કરાવી શકે છે તેમનો વાંધો નહિ. પરન્તુ જેઓ આ બંનેમાંથી એક પણ સાધન ન મળે તેઓ જાતે પોતાના હાથે કરી લે. પીઠનો થોડો ઘણો ભાગ એવો રહી જાય છે કે જેની આપણા હાથે સારી રીતે માલિસ થઇ શકતી નથી. પરન્તુ જેટલી થઇ શકે છે ને કંઇ ઓછી મહત્ત્વપૂર્ણ નથી. તેથી જ જેઓને માલિસમાં બીજા કોઇનો સહયોગ ના મળી શકે તેમણે પોતે પોતાના હાથે જ માલિસ કરવી જોઈએ. નૅલ sy માલિસની ૧૫-૨૦ મિનીટ પછી સ્નાન કરવું જોઈએ. સ્નાન વેળાયે મોટા ખાદીના ટુવાલથી શરીરને લૂછવાથી ચિકાશ દૂર થઈ જાય છે અને કપડાં ખરાબ ધવાનો ડર રહેતો નથી. માલિસ કરતી વખતે હાથનું દબાણ હૃદયની તરફ વધારે રહેવું જોઇએ. ધડથી નીચેના ભાગોને માલીસ કરતી વખતે નીચેથી ઉપરની તરફ માલીસ કરવી જોઈએ. માયું, ખભા, ગરદન વગેરેને માલીસ કરતી વખતે છાતી તરફ તમારા હાથ છાતી તરફ વધારે જવા જોઇએ. આમ તો ઉપર નીચે બંને બાજુ ચોળવું જોઈએ પરન્તુ હલકા અને કઠણ હાથે માલિસ કરતી વખતે હૃદયની દિશા ન ભૂલાવી જોઈએ. માલીસ કરવાથી સ્વાસ્થ્ય પર ઘણી જ સારી અસર પડે છે.

ઉપર બતાવ્યા મુજબ આચરણ કરવાથી ઔષધિ વિના કાયાકલ્પ થઈ શકે છે. કમજોર બલવાન બની શકે છે અને રોગી પોતાના રોગોથી છૂટકારો મેળવી શકે છે. દવાઓથી થતો કાયાકલ્પ અસ્થાયી હોય છે પણ પ્રાકૃતિક રહેણીકરણીથી સુધારવામાં આવેલ સ્વાસ્થ્ય લાંબા સમય સુધી ટકી રહે છે.

દરેક સ્વાસ્થ્ય સુધારવાની ઇચ્છાવાળાએ એક વાત ખાસ કરીને ધ્યાનમાં રાખવી જોઈએ કે આ વિષયમાં અતિશય કલ્પનાઓના ઘોડા ના દોડાવે. મોટા મનમાં લાડવા ના વાળે. સાધારણ રીતે રોગી ન થવું પડે અને શારીરિક વેપાર સારી રીતે ચાલતો રહે તે ઓછા સંતોષની વાત નથી. મનુષ્ય સમાજ કે જેણે અકુદરતી આહારવિહાર અને રહેણીકરણીને અપનાવી છે તે એ જ લાગનો છે કે તે હંમેશાં રોગોની જાળમાં ફસાયેલો રહે. ઘણી જાતની ચિકિત્સા પદ્ધતિઓ અમલમાં આવી છે. દવાની દુકાનો લાખો કરોડો કિવન્ટલ દવાઓથી ભરેલી પડી છે પરન્તુ આનાથી સ્વાસ્થ્ય સુધારમાં થોડી ઘણી પણ પ્રગતિ થયેલી દેખાતી નથી. લગભગ ૯૫ ટકા લોકો નાના મોટા રોગોથી ઘેરાયેલા છે. પૂર્ણરૂપે સ્વસ્થ્ય મનુષ્ય શોધવો હશે તો ભારે પ્રયત્ન કરવો પડશે. જે લોકો જાડા અને મજબૂત દેખાય છે તેમની તપાસ કરતાં તેમનામાં પણ ઘણી જાતના રોગો જોવા મળશે. આવી દશામાં હાલના અકુદરતી આહાર વિહારમાં સારા સ્વાસ્થ્યની વ્યાખ્યા આ પ્રમાણે કહી શકાય કે શરીર કષ્ટથી મુક્ત રહે અને જીવનક્રમ ચલાવવા જેટલી શક્તિ પ્રાપ્ત થતી રહે. આટલા માટે પણ કરોડો મનુષ્યો તલસે છે. આ પુસ્તકમાં બતાવેલ વિધાનમાનું આશિક આચરણ કરનાર મનુષ્ય પણ તંદુરસ્તીને પ્રાપ્ત કરી શકે છે અને જીવનચક્રને સારી રીતે ચલાવવા યોગ્ય જીવન શક્તિ પ્રાપ્ત કરી શકે છે. આજની પરિસ્થિતિમાં આટલું હોવું પણ કાયાકલ્પથી કોઈ રીતે ઓછું ન ગણી શકાય.

SV-02 : મશીનરીના દાગીનાઓની સફાઇ । ઔષધિ વિના કાયાકલ્પ

SV-02 : મશીનરીના દાગીનાઓની સફાઇ । ઔષધિ વિના કાયાકલ્પ

જૂના વિકારોનું સંશોધન કરવા માટે એ આવશ્યક છે કે એકવાર અંદરની સારી રીતે સાફસૂફી કરવામાં આવે. મશીન ઘણા દિવસો સુધી ચાલતું ન રહે તો મશીનરીના દાગીનાઓમાં ધૂળ જામી જાય છે જેનાથી મશીનને ચલાવવામાં મુશ્કેલી ઉભી થાય છે. મશીન ભારે કરે છે ત્યારે બુદ્ધિશાળી મિસ્ત્રી તેની સાફસૂફી કરે છે. જામેલા મેલને કાઢી નાખે છે. સાફસૂફી કરવાથી મશીન હલકું ફરે છે અને સારી રીતે કામ કરતું થઇ જાય છે. તેવી જ રીતે શરીરની સાફસૂફી પણ જરૂરી છે. બહારની સાફસૂફી તો નાહવા ધોવાથી કરી લેવામાં આવે છે પણ અંદરની સાફસૂફી તરફ ધ્યાન આપવામાં આવતું નથી. ખરેખર તો બહારની સાફસૂફી જેટલી જ અંદરની સાફસૂફી પણ જરૂરી છે.

જે લોકોએ હજી સુધી અંદરની સાફસૂફી પ્રત્યે ધ્યાન આપ્યું નથી તેઓ જરા પણ વિલંબ કર્યા સિવાય તે કામને કરી નાખે. બીમાર અને કમજોર લોકોએ તો સૌથી પહેલું આ જ કરવું જોઇએ. જો નાળીમાં કીચડ ભરાઇ જવાને કારણે સડો પેદા થયો હોય અને ભયંકર દુર્ગંધ મારતી હોય તો ઉપરથી તેના ઉપર ગુલાબજળ છાંટવાથી ચાલશે નહિ. પરન્તુ તે નાળીમાં જામી ગયેલા મેલને એક વાર કાઢી નાખીને સાફ કરવી પડશે. સાફસૂફી કરવાથી દુર્ગંધ એની જાતે મટી જશે. બીમાર અને કમજોરોએ પોતાની સ્થિતિ ઉત્તમ બનાવવા માટે કાયાકલ્પ કરવા માટે ઘણા સમયથી અંદર ભરાઇ રહેલા મેલને સારી રીતે સાફ કરી નાખવાની જરૂરત છે. આ સફાઇની સાથે સાથે અનેક મુશ્કેલીઓથી એની જાતે જ છુટકારો મળી જાય છે.

અંદર જામી ગયેલા મેલને સાફ કરવા માટે જુલાબ લેવાની તથા દસ્ત સાફ આવે તેવી દવાઓ ખાવાની પદ્ધિત અધૂરી અને નુકસાનકારક છે એનું કારણ એ છે કે સડી ગયેલો મળ, ગાંઠો, કરમિયા, વિકૃત વાયુ આવી જાતના જુદા જુદા વિકારો મોટા આંતરડામાં આંતરડાના છેડાવાળા ભાગમાં જમા થયેલા હોય છે. દસ્ત સાફ કરનાર દવા જ્યારે પેટમાં પહોંચે છે તો તેની તીક્ષ્ણતાને કારણે આમાશયમાં રસો વે છે. આ દ્રવિત થતા પાણીના પ્રવાહથી આમાશયમાં જામેલું પચ્યા વગરનું અન્ન નીચેની બાજુ જાય છે. દવાની ઘણીખરી શક્તિ તો આમાશયમાં જ ખર્ચાઇ જાય છે. જો થોડી ઘણી શક્તિ બચે છે તેનાથી નાના આંતરડામાંથી પાણી નીચોવાય છે અને આ રીતે કાચો મળ પાતળો બનીને દસ્તના રૂપે નીકળી જાય છે . દસ્ત સાફ કરનારી દવાની અસર નાના આંતરડાની લાંબી યાત્રામાં પૂરી થઇ જાય છે. મોટા આંતરડામાં ચોંટી રહેલો વિકાર એમને એમ ત્યાં જ પડ્યો રહે છે. જૂનો દોષ જે મોટા આંતરડામાં હતો એ તો ત્યાં જ રહ્યો. ફક્ત આમાશય અને નાના આંતરડાનો કાચો મળ નીકળી ગયો. આવા ઝાડાથી સાફસૂફીનો સાચો ઉદેશ્ય પૂરો થતો નથી. ઉલટાનું દવાની ગરમીની બળતરા થાય છે. આમાશય અને આંતરડાનો કીમતી રસ દસ્ત બહાર વહેવડાવી દેવાના નજીવા કામમાં વપરાઇ જવાથી પેટ કમજોર બને છે આ બન્ને બાબતો સ્વાસ્થ્યના માટે અનિષ્ટ પેદા કરનારી છે આ પ્રણાલીમાં લાભ થવાની જગ્યાએ નુકસાન વધારે થાય છે નાળી સાફ કરવા માટે દુધ અને ઘીની ડોલો ભરી ભરીને નાંખવી એ જેવું મૂર્ખતાભર્યું કામ છે. તેવું જ મૂર્ખતાભર્યું કામ આમાશય અને નાના આંતરડામાંથી મળને વહેવડાવવા માટે પેટના ધણા મોધા રસોને નીચોવવાનું છે. દસ્ત સાફ લાવનારી દવાઓ પોતે ઘણી જ ગરમ અને ઝેરી હોય છે એ જો ન પચે તો લોહીમાં ખરાબી, કોઢ, ભયંકર વ્રણ વિગેરે ઉત્પન્ન કરે છે. કદાચ પચી જાય તો પણ જુલાબ પછી ઘણા દિવસો સુધી શરીરમાં ઘણી ગરમી અને બેચેની રહે છે અને આ ગરમીની બળતરામાં કેટલાયે નાના નાના રોગ ઉભા થાય છે.

આંતરડાઓને સાફ કરવા માટે એનિમાનો ઉપયોગ બધા કરતાં શ્રેષ્ઠ છે. એનીમા લેવાનું મશીન (સાધન) બજારમાં વેચાય છે. ચીનાઇ માટીના એક ડબ્બામાં રબ્બરની ત્રણ ફૂટ લાંબી નળી લગાવેલી હોય છે જેનાથી પાણીનો આવરો ચાલુ બંધ કરી શકાય છે. સાધારણ રીતે ૫૦૦ થી ૩૦૦ ગ્રામ જેટલું પાણી આ એનિમાના સાધન દ્વારા પેટમાં ચઢાવવામાં આવે છે. પાણી સાધારણ નવશેકું ગરમ હોવું જોઇએ . આ પાણીમાં ઘણા નાહવાના સાબુને ઓગાળે છે પરન્તુ અમારા માનવા પ્રમાણે એક લીંબુને નીચોવી તેનો ગાળેલો રસ તે પાણીમાં ભેળવવો તે ઘણું ઉત્તમ છે.

જમીન ઉપર ચઢાઇ (બીછાવીને) પાથરીને જમણી બાજુના પાસાએ સૂઇ જાઓ. ગરમીમાં કોઇ એક ખુરશી ઉપર પાણીથી ભરેલો એનિમાનો ડબ્બો રાખો. ટોટી ઉપર થોડુ તેલ લગાવી ગુદાના માર્ગમાં એક ઇંચ જેટલી ટોટીનો પ્રવેશ કરાવો અને ટોટીનો નળ ખોલીને પાણી અંદર જવા દો. પાણી ધીરે ધીરે પેટમાં ચઢશે. હાથથી પેટને ધીરે ધીરે મસળો જેથી આંતરડાનો મેલ છૂટો થાય. પેટમાં પાણી જવાથી ઘણીવાર દર્દ થતુ હોય તેવું લાગે છે અને સડાસ જવાની ઇચ્છા થાય છે. જો આવું મામૂલી લાગે તો કંઇ વાંધો નહિ પણ જો ઘણા જોરથી થાય તો ટોટી બંધ કરી પાણી ચઢાવવાનુ રોકી દેવું જોઇએ. જ્યારે પાણી બંધ થઇ જશે, પછી થોડા સમય બાદ ટોટી ખોલી પાણીનો આવરો ચાલુ કરો. દર્દ અથવા મળ ત્યાગ કરવાની ઇચ્છાને લીધે જે પાણી ઘણીવાર ચાલુ બંધ કરવું પડે તો તેવું કરવું જોઇએ. બધું જ પાણી પેટમાં જતાં પહેલાં જો અત્યંત તીવ્ર વેગથી મળત્યાગ કરવાની ઇચ્છા થાય તો વચમાં ઉઠીને મળ ત્યાગ કરવો જોઇએ. અને કેટલાક સમય પછી ફરીથી બધા જ પાણીથી એનિમા લેવો જોઇએ. પેટમાં બધું જ પાણી ગયા પછી ૧૫ થી ૨૦ મીનીટ સુધી જેવી રીતે સૂતા છો એવી રીતે જ પડ્યા રહો અને પેટને થોડું થોડું ફૂલાવવું અને સંકોચવાનું ચાલુ રાખો અને પછી ઉઠીને મળત્યાગ કરવો જોઇએ. મળત્યાગ કરવાની વ્યવસ્થા નજીકમાં જ હોવી જોઇએ. કારણ કે આંતરડામાં આટલું પાણી અને ઓગળેલો મળ જમા થયેલો હોવાથી મળત્યાગની ઇચ્છા ઘણી જ તીવ્ર થાય છે અને આવા સમયે ઘણે દૂર જવામાં ઘણી અગવડ લાગે છે.

સૂઈ રહેવાની એક બીજી રીત પણ છે. જમીન ઉપર ચટાઈ પાથરી ઉંધા સૂવું જોઇએ. પેટ જમીન તરફ અને પીઠ આકાશની તરફ રહે. ઘૂંટણો સંકોચીને પેટ છાતી તરફ કરવી જોઇએ આને ઉંટની માફક સૂવાનું કહેવામાં આવે છે. જરૂરિયાત જેવું લાગે તો હડપચી અને છાતીની નીચે પાતળો તકિયો આરામને માટે રાખી શકાય છે. આ રીતે ઉંધા સૂઈ રહેવાથી પીઠની અને જાધની ઉપરનો તથા કમરની નીચેનો સ્થૂળ અવયવ અને પેટ થોડું નીચે આવી જશે. આ સ્થિતિમાં પાણી ચઢાવવાથી એ લાભ બતાવવામાંઆવ્યો છે કે પેટ થોડું ઢીલુ હોવાના કારણે પાણી ઘણે દૂર સુધી સહેલાઇથી આંતરડામાં જાય છે. પાસ વાળીને સૂવાથી એકબાજુ પાણીનો ભાર વધી જાય છે પરન્તુ આ પદ્ધતિથી પેટના બન્ને ભાગો ઉપર પાણીનું સરખું દબાણ પડે છે. બન્ને પદ્ધતિઓ સારી છે. બન્ને પ્રચલિત પણ છે. જેને જે પદ્ધતિ સુવિધા જનક લાગે, તે પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. એનિમા લેવા માટે સવાર અથવા સાંજનો સમય ઘણો અનુકૂળ છે. દરરોજનું નિયમિત શૌચકર્મ કરી લીધા બાદ એનિમા લેવો જોઈએ. સાધારણ સાફસૂફી માટે એક દિવસમાં સવારે અને સાંજે બે વાર પાણી ચઢાવવું પૂરતું છે.

એનિમા કોઈ નવી ક્રિયા નથી. આપણા પૂર્વજો ભારતીય ઋષિમુનિઓ ‘બસ્તિક્રિયા’નો આંતરિક શુદ્ધિ માટે ઘણા જૂના જમાનાથી ઉપયોગ કરતા આવ્યા છે. તેઓ પાણીને ગુદા મારફતે ખેંચીને ઉપર ચઢાવતા હતા અને તે પાણીને થોડો વખત પેટમાં રાખીને પછી બહાર કાઢી નાખતા હતા. આંતરડાં ધોવાની આ પદ્ધતિ ઘણી જ લાભદાયક હોવાની સાથે સાથે દોષરહિત પણ છે. યોગીઓ અનુભવથી ગુદા દ્વારા પાણી ચઢાવવાની ક્રિયામાં સફળ થઇ શક્તા હોય છે પરન્તુ તે બધા માટે સંભવ નથી. આ કઠણ કામને એતિમાએ સહેલું બનાવી દીધું છે. એનિમા લેવામાં કોઈ તકલીફ યા ભય નથી. કોઈપણ મામૂલી સમજણની વ્યક્તિ પણ તે લઇ શકે છે, દરેક ઋતુમાં, તંદુરસ્ત અથવા અસ્વસ્થ તે દશામાં તેનો પ્રયોગ કરી શકાય છે. હા પણ નાનાં બાળકો માટે ખાસ સાવધાનીની જરૂર છે. તેમનાં આંતરડાં સાફ કરવા માટે આ કામ માટે બનાવવામાં આવેલી નાની પીચકારીથી ગ્લિસરિન અંદર ધકેલી શકાય છે સાધારણ ગરમ ગાયનું ઘી ગ્લિસરિનનું કામ આપી શકે છે. પાણીની પીચકારી આપવી હોય તો બાળકની ઉમરના પ્રમાણમાં પાણીની માત્રા લેવી જોઇએ.

એક દિવસના એનિમાથી સાફસૂફીનું કામ પૂરું થઈ જતું નથી. આ કામને એક અઠવાડિયા સુધી ચાલુ રાખવું જોઈએ. બિમારીને દૂર કરવા માટે તો એકથી દોઢ મહિના સુધી દરરોજ પાણી ચઢાવવાની આવશ્યક્તા પડે છે. પેટમાં જામેલો-આંતરડામાં ચોટેલો, સૂકાઇ ગયેલો, સડી ગયેલો મળ, મળની ગાંઠો પેટનો જૂનો સૂકો મળ ધીરે ધીરે નીકળે છે. લીંબુનુ પાણી તેને ફૂલાવે છે. છૂટો કરે છે ખતરોડે – ખોદે છે ત્યારે તેનું નીક્ળવાનું શરૂ થાય છે. એવું જોવામાં આવ્યું છે કે એનિમા લેવાની શરૂઆત કર્યાના બે ત્રણ દિવસ બાદ ધણો જ દુર્ગંધ મારતો – કાળો – સૂકાઈ ગયેલો મળ થોડો થોડો નીકળ્યા કરે છે. પેટની પૂરેપૂરી સાફસૂફી માટે ઓછામાં ઓછુ એક અઠવાડિયું તો જોઈએ જ. જ્યાં સુધી ખરાબ જૂનો – સડી ગયેલો મળ નીકળતો રહે ત્યાં સુધી સફાઈનું કામ ચાલુ રાખવું જોઈએ પછી ભલેને આ કામાં થોડો વધારે સમય લાગે.

જ્યારે સાફસૂફીનું કામ શરૂ કરવામાં આવે ત્યારે પેટને આરામ આપવાનો ક્રમ પણ સાથે સાથે જરૂરી છે. પેટને એનિમા દ્વારા જ્યારે બળતરા, દાહ, ઝેરીલી ઉત્તેજનાથી થોડો છૂટકારો મળે છે ત્યારે તે જૂનો થાક ઉતારવા માટે થોડો આરામ ચાહતું હોય છે. તેથી સાફસૂફીના દિવસોમાં ભૂખ પણ ઓછી થઈ જાય છે. બસ્તિક્રિયાની સાથે સાથે ઉપવાસ પણ કરવા જોઈએ. શરૂઆતના બે ત્રણ બે દિવસ તો નિરાહાર જ રહેવું જોઇએ. આ દિવસોમાં પાણી ખૂબ જ પીવું જોઇએ. પાણીમાં લીંબુ, સંતરાનો રસ અથવા થોડું મધ મીલાવી શકાય છે. આ દિવસોમાં વધારે પરિશ્રમ કરવો જોઇએ નહી. સાધારણ ફરવા જવું – સ્નાન, માલિસ વગેરે મામુલી હલચલ ચાલુ રાખવી જોઇએ. પરન્તુ વધારે સમય શરીર અને મનને આરામ આપવામાં લગાવવો જોઇએ. આનાથી શરીરની શક્તિ બીજા કામોમાં ન વપરાતાં ઘણા સમયથી જામેલા મળનો નિકાલ કરવામાં અને અસ્તવ્યસ્ત અંગોને વ્યવસ્થિત કરવામાં વપરાય.

ઉપવાસની અને એનિમા લેવાની ક્રિયા સાથે સાથે ચાલવાથી પેટને ઘણી રાહત મળે છે નિશાળમાં રજાઓ પડતાં બાળકોની જેવી ખુશી થાય છે તેવી જ ખુશીનો અનુભવ આ દિવસોમાં પાચન અંગ અનુભવે છે, પરન્તુ આ સમયનો તે રખડપટ્ટીમાં ઉપયોગ કરતાં નથી, પરન્તુ ઉત્સાહની સાથે સુધાર અને નિર્માણના કાર્યમાં લાગી જાય છે. એવું જોવામાં આવ્યું છે કે આ કાયાકલ્પના દિવસોમાં આંખ, નાક, કાનમાંથી મેલ નીકળે છે. જીભ અને દાંતો ઉપર મેલ જામે છે. પસીનો વધારે અને દુર્ગંધવાળો આવે છે, પેશાબમાં પણ પીળાશ વધી જાય છે – સ્વાદમાં તે કડવો બની જાય છે, જેટલા મળ નીકળવાના માર્ગો છે તે બધામાંથી સારા એવા પ્રમાણમાં મેલ નીકળે છે માટે આ દિવસોમાં ચામડી -ઇન્દ્રિયોને સારી રીતે અને જલદી સાફ કરતા રહેવાની આવશ્યકતા ઊભી થાય છે.

ઉપવાસ કરનારને બીજા યા ત્રીજા દિવસે ભૂખની વધારે પીડા માલુમ પડે છે. ધણા લોકોને ઉબકા જેવું પણ આવે છે. આનાથી કોઈ નુકસાન થતું નથી. થોડી હિંમતથી કામ લેવું જોઇએ. જે લોકો કમજોર શરીરવાળા અથવા શારીરિક દૃષ્ટિથી નિર્બળ હોય તેમણે એકાદ બે લીંબુ નીચોવેલા પાણીમાં ફળોનો રસ લેવાનું શરૂ કરી દેવું જોઈએ. સંતરાં, મોસંબી, શેરડી, દ્રાક્ષ, દાડમ જેવાં ફળોનો રસ ૧૦૦ ગ્રામ દિવસમાં ચારથી પાંચ વાર લેતા રહેવું જોઈએ. ટામેટાનો રસ અથવા કાચુ દૂધ પણ થઈ શકાય છે. આ પણ શક્ય ન બને તો ઉકાળેલી શાક્ભાજીનો રસ લઈ શકાય છે. જે શાકભાજી જ કાચી ખાઈ શકાય તેવી હોય તેને કચડીને તેનો રસ કાઢવો જોઇએ અને તે રસ પણ લઈ શકાય છે. તરબૂચ અથવા નારિયેળનું પાણી પણ કામ આવી શકે છે. કંઈ ન મળે તો માથી પણ કામ ચલાવી શકાય છે. સારાં અને ઉંચી જાતનાં ફળોનો રસ, ઘણો હલકો, ઘણો સુંદર અને ઘણો પોષક હોય છે. હલકી કક્ષાનાં ફળ-શાક્ભાજીમાં ઉંચી જાતનાં ફળો કરતાં પોષક તત્વો ઓછા હોય છે અને ભારેપણું વધારે હોય છે. તેમ છતાં જે લોકો પરિસ્થિતિને કારણે ઉંચી જાતનાં ફળો ન મેળવી શકતા હોય તેઓ ઉપર બતાવેલી હલકી કક્ષાની ચીજોથી કામ ચલાવી શકે છે. મીઠું, ખાંડ, અથવા મરચાં, મસાલાને ફળોની સાથે ભેળવીને તેનું મહત્ત્વ ઓછું કરવું જોઈએ નહિ. શાકનો રસ કદાચ ઘણો જ બેસ્વાદ લાગે તો થોડું ઘણું મીઠું મીલાવી શકાય છે. મરચાં મસાલાથી તો હંમેશાં બચતા રહેવું જોઇએ. એ ધ્યાન રાખવામાં આવે કે ઉપરના રસીલા આહાર પણ વધારે માત્રામાં અને વધારે વખત ન લેવામાં આવે. થોડી માત્રામાં અને ઘણા સમય બાદ આ બે સિદ્ધાંતોને યાદ રાખીને ઉપવાસ કરવામાં આવે. પેટને વધારેમાં વધારે આરામ આપવો એ જ ઉપવાસનો ઉદ્દેશ્ય છે. જો વધારે આહાર પેટમાં પહોંચાડવામાં આવે તો તેનાથી ઉદ્દેશ્ય પૂરો થતો નથી.

ઉપવાસમાં ગભરાવવાની જરૂર નથી. આપણે એવું માનીએ છીએ કે ભૂખ્યા રહેવાથી શરીર દુર્બળ અને કમજોર બની જાય છે. આ માન્યતા સાચી નથી. ઉપવાસ પછી શરીર એટલી ઝડપથી ઉન્નતિ કરે છે કે ભૂખ્યા રહેવાથી જે ઓછપ આવી હતી તેનાથી પણ ઘણી અધિક વૃદ્ધિ થાય છે. એવું જોવામાં આવ્યું છે કે જે રોગીઓને બિમારીમાં લાંધણ કરાવવામાં આવે છે અથવા ઉપવાસ સહન કરવા પડે છે તેઓ રોગમુક્ત બનીને જ્યારે બેઠા થાય છે ત્યારે તેમને ઘણી કકડીને ભૂખ લાગે છે. આવી કકડીને ભૂખ તેમને બિમારી પહેલા ક્યારેય લાગતી ન હતી. એવું પણ જોવામાં આવ્યુ છે કે બીમારીના દિવસોમાં થયેલી ક્ષતિઓની પૂર્તિ પણ થોડાક સમયમાં થઇ જાય છે એનું કારણ એ છે કે બિમારીના દિવસોમાં જે લાંપણો-ઉપવાસ થયાં હતાં તેનાથી આરામ મળવાથી પેટના મર્ચીનના દાગીનાઓમાં એક નવું જીવન આવી જાય છે, શરીર પોતાની ખોવાયેલી તાકાત કરતાં પણ વધારે તાકાત પ્રાપ્ત કરી લે છે. ઉપવાસના દિવસોમાં વજન ચોક્કસ ઓછું થાય છે – કમજોરી પણ આવે છે પણ આ કમજોરી બધી જ રીતે લાભકર્તા હોય છે. છેવટે આનું પરિણામ ઘણું જ આશાજનક આવે છે.

એક વખત એક ફ્રેન્ચ નાવ (હોડી) એક ઘણા દૂરના દેશ તરફ જઈ રહી હતી. તોફાનના કારણે હોડી અનિશ્ચિત દિશામાં ચાલી ગઈ. નાવમાં ભોજનની સામગ્રી ઘણી જ ઓછી હતી. જેટલા યાત્રીઓ નાવમાં હતા તેમને માટે તે છ દિવાનું ભોજન હતું. પરન્તુ નાવને કિનારે પહોચતાં એક મહિનો લાગે તેવો હતો. નાવમાં કપ્તાને યાત્રીઓમાં આ ભોજન વહેંચી દીધું અને કહી દીધું કે આ ભોજનને થોડું થોડું કરીને એવી રીતે ખાવુ કે જેનાથી એક મહિના સુધી જીવતા રહી શકાય. યાત્રીઓએ એવું જ કર્યું. એક મહિના પછી જ્યારે નાવ કિનારે પહોંચી તો યાત્રીઓને જે લાભ જાણવા મળ્યો તે ઘણો જ આશ્ચર્યજનક હતો. તે યાત્રીઓમાંથી ઘણાને રક્તવિકાર, શ્વાસ, જલોદર, બહુમૂત્ર વગેરે રોગો હતા તે બધા એકદમ સાજા થઈ ગયા. લગભગ બધા જ યાત્રી બિલકુલ નીરોગી બની ગયા હતા. જો કે દેખાવમાં તેઓ થોડા કમજોર જણાતા હતા. ઉપવાસનો જ આ મહિમા છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં વ્રતોના મોટા મોટા માહાત્મ્ય લખવામાં આવ્યાં છે. સ્વાસ્થ્યની દૃષ્ટિથી ઉપવાસનું જેટલું મહાત્મ્ય ગાઈ શકાય તેટલું ઓછું છે. ચંદ્રાયણ વ્રતમાં ધીરે ધીરે ૧૫ દિવસોમાં ધટાડીને બિલકુલ નિરાહારની પરિસ્થિતિ સુધી પહોંચવામાં આવે છે અને પછી ફરીથી ધીરે ધીરે ૧૫ દિવસોમાં થોડો થોડો ખોરાક વધારીને પૂરા ખોરાક સુધી પહોચવામાં આવે છે અને પછી ફરીથી ધીરે ધીરે ૧૫ દિવસોમાં થોડો થોડો ખોરાક વધારીને પૂરા ખોરાક સુધી પહોંચવામાં આવે છે. આ વ્રત ખરેખર મનુષ્યના સ્વાસ્થ્યને ચંદ્રમાની સાથે સાથે શીતલ શાન્તિદાયક અને પ્રકાશવાન બનાવી દે છે માટે જ તેનું નામ ચાંદ્રાયણ રાખવામાં આવ્યું છે. ઉપવાસનું મહત્ત્વ ઘણું છે. જો તે સારી રીતે કરવામાં આવે તો સ્વાસ્થ્ય સુધારવાની બાબતમાં ઉપવાસ ઘણો જ સહાયક સિદ્ધ થાય છે.

ઉપવાસ કરવાંનું એનિમા લેવાનું એક સાથે જ કરવું જોઈએ. શરૂઆતમાં એક બે દિવસ આહાર વિનાનો ઉપવાસ કર્યાં બાદ થોડી માત્રામાં રસીલા પદાર્થો લેતા રહી ફળાહારી ઉપવાસ કરવો જોઈએ. વધારે લાંબા ઉપવાસ તો કોઇ અનુભવી આરોગ્યશાસ્ત્રીની દેખરેખ નીચે કરવા જોઈએ. પરન્તુ એક અઠવાડિયાની સાફસૂફી – કાયાકલ્પ કિયા – પોતાની જાતે પણ કરી શકાય છે. જેવી રીતે ચાંદ્રાયણ વ્રતને પંદર દિવસ પૂર્ણ આહાર સુધી પહોંચવામાં લાગે છે તેવી રીતે એક અઠવાડિયા સુધી ઉપવાસ તથા એનિમા દ્વારા સાફસૂફી કરીને સાધારણ સ્થિતિ સુધી પહોંચવાને એક અઠવાડિયુ લગાવવું જોઇએ.

ભય ઉપવાસ કરવામાં નહિ પરન્તુ ઉપવાસ તોડવામાં છે. બસ્તિક્રિયા અને વ્રત પછી પેટ ઘણુ જ કોમળ બની જાય છે. આ અવસ્થામાં જો ભારે સ્થૂળ અને કબજીયાત કરનારો ખોરાક વધારે પ્રમાણમાં લેવામાં આવે તો ઘણું મોટું નુકસાન થવાની સંભાવના છે. તેથી ઉપવાસ ધીરે ધીરે છોડવો જોઈએ ક્રમબધ્ધ રીતે ખોરાક વધારવો જોઈએ. સૌથી પહેલાં ફળોનો રસ લેવો જોઇએ. બીજે દિવસે તેની માત્રા જરા વધારવી જોઇએ. ત્રીજે દિવસે રસ લેવો. જેવો કે સફરજન–પપૈયું-તરબૂચ ફાલસા વગેરે. ચોથા દિવસે હલકી જાતના ફળ પર આવી શકાય છે જેવા કે ખજુર, ટેટી, ટામેટા, ગાજર,જાંબુ, કેરી, બોર વગેરે પાંચમા દિવસે ઉકાળેલી ચા, કાચી શાકભાજી લેવી જોઈએ. છઠ્ઠા દિવસે હલકી ઘઉંની એક બે રોટલી અથવા ફાડા અથવા ભાત શાકભાજીની સાથે લેવા જોઈએ. આ રીતે એક અઠવાડિયામાં સાધારણ શ્રેણીના ખોરાક સુધી પહોંચવું જોઈએ આ અઠવાડિયામાં દૂધ દરરોજ લઇ શકાય છે. તાજા દોહેલું દૂધ બધા કરતાં સારૂં હોય છે. જો દૂધ વધારે સમય સુધી ઉકાળેલું હોય તો તેને ગરમ કરી લેવું જેઈએ. બહુ વધારે વખત ઉકાળવાની જરૂરત નથી. વધારે ગરમ કરવાથી તેનાં પોષક તત્ત્વો નાશ પામે છે અને તે ભારે, કબજીયાત કરનાર તથા રેચક બની જાય છે. દૂધમાં ગળપણ મીલાવાની કોઈ જરૂર નથી. કારણ કે દૂધમાં પહેલેથી જ જરૂરી મીઠાશ હોય છે. મઠા (જાડી છાસ)ની સાથે થોડું મીઠું મેળવી શકાય છે. એકસાથે ઘણી બધી ચીજો ભેગી કરીને ન ખાવી જોઈએ. ઘણી જાતની દાળ,ઘણા પ્રકારનાં શાકભાજી, મીઠાઈ, ચટણી, અથાણું, ફળ, દૂધ, દહીં, રોટલી, ભાત વગેરે ઘણી બધી ચીજોનો ખડકલો ન તો સારી રીતે પચે છે અને ન તો એમાંથી સારૂં લોહી બની શકે છે. એક વખત એક જ ચીજ ખાવી તેઈએ વધારેમાં વધારે બે ચીજો લઈ શકાય છે. રોટલી શાક, ફાડા મઠો – દૂધ ભાત અથવા આવી જ કોઈ બે ચીજોનું મિશ્રણ લઈ શકાય છે.

ઉપર જે એનિમા લેવાનું અને ઉપવાસ કરવાનું વર્ણન કરવામાં આવ્યું એવી સાફસૂફી જો વર્ષમાં એક વાર કરવામાં આવે અને આહાર વિહારમાં પ્રકૃતિને અનુકૂળ આચરણ કરવાનું વધારેમાં વધારે ધ્યાન રાખવામાં આવે તો ખોવાયેલું સ્વાસ્થ્ય કોઈપણ જાતની શંકા સિવાય ફરીથી પ્રાપ્ત કરી શકાય છે અને અનેક રોગોના મૂળને કાપીને તેને હંમેશને માટે વિદાય કરી શકાય છે. એ સમજી શકાય તેવી વાત છે કે આજની પરિસ્થિતિમાં પૂર્ણ રૂપથી પ્રકૃતિને અનુકૂળ આહાર વિહાર રાખવો ઘણો જ કઠીન છે. આ કઠનાઈઓ હોવા છતાં આપણે યથાશક્તિ આપણા આચરણમાં પ્રકૃતિનો પક્ષપાત વધારેમાં વધારે કરવો જોઈએ અને અસ્વાભાવિકતા નથા કૃત્રિમતાથી જેટલું બચી શકાય તેટલું બચતા રહેવું જોઇએ. આ દિશામાં જેટલી સફળતા પ્રાપ્ત કરવામાં આવશે તેટલી જ વધારે તંદુરસ્તી પ્રાપ્ત થશે. દવાઓથી નહિ પરન્તુ જીવનક્રમને સાત્વિક અને નૈસર્ગિક રીતે રાખવાથી ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થશે. શરીર એવાં તત્વોમાંથી બનેલું છે કે જો તેનાં અંદર જામેલા ઝેરને એક વાર સાફ કરવામાં આવે તો તેપછી તે પોતાની સ્થિતિને સારી રાખવા માટે ઘણી જ તીવ્ર ગતિથી પ્રયત્ન કરે છે.

સ્વાભાવિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવાથી તથા તેને કાયમ રાખવાથી શરીરની સ્થિતિ ઘણી જ સારી થઇ જાય છે. ચામડી ઉપર કાંતિ, ચેતનતા, સ્ફૂર્તિ ઉત્સાહ, પ્રસન્નતા, સાહસ, પુરુષાર્થ, પરિશ્રમ કરવામાં રૂચિ, બળ, સહન શક્તિ, ઇન્દ્રિયો કાયમને માટે કાર્યક્ષમ થઇ જવી આ બધા નીરોગીપણાનાં સ્વાભાવિક લક્ષણો છે. જેનું સ્વાસ્થ્ય ઠીક હશે તેનામાં આ બધાં જ લક્ષણો પોતાની મેળે આપોઆપ રહેતાં થઇ જશે. સ્વાસ્થ્ય બગડતાંની સાથે જ આ લક્ષણોમાં પણ ઉણપ આવી જાય છે અને તેનામાં સુધારા થતાની સાથે જ આ બધી જ વાતો વધતી જાય છે. શરીરની સાફસૂફી કરી નાખવાથી અને તે પછી આહારવિહાર પર પ્રકૃતિના નિયમો અનુસાર પૂર્ણ સંયમ રાખવાથી, કોઈપણ જાતની શંકા વગર નિશ્ચતપણે સ્વાભાવિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે અને આ સ્વસ્થતાને અનુરૂપ શારીરિક ઉન્નતિની આશાનો આનંદ તથા સંતોષજનક લક્ષણો પ્રગટ થવા લાગે છે. શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે તે અસાધારણ અને અનિર્વચનીય હોય છે. આજના તૂટેલા, ફૂટેલા, સડેલા, સ્વાસ્થ્યની સરખામણીમાં આ આનંદમય સ્વાભાવિક સ્વાસ્થ્યની સ્થિતિ એક જાતનો કાયાકલ્પ જ છે. આ કાયાકલ્પ દરકને માટે સંભવ છે. આમાં કોઇ દવાની નહિ પરન્તુ આત્મસંયમ, ઇન્દ્રિય નિગ્રહ, કૃત્રિમતાનો ત્યાગ, અને પ્રકૃતિને અનુકૂળ આચરણ કરવાની જરૂર છે. થોડું સાહસ કરીને વાચકોએ આ દિશામાં આગળ વધવું જોઇએ. જે માણસ જેટલા અંશે આ માર્ગ ઉપર ચાલવાનું રાખશે તેટલા પ્રમાણમાં તેને કાયાકલ્પનું સુખ પ્રાપ્ત થતું રહેશે.

SV-02 : કમજોરી અને બીમારીનું કારણ । ઔષધિ વિના કાયાકલ્પ

SV-02 : કમજોરી અને બીમારીનું કારણ । ઔષધિ વિના કાયાકલ્પ

કમજોરી અને બીમારી બન્નેનો આધાર એક જ છે. શરીરના યંત્રો જો સરખી રીતે કામ ન કરે તો જીવનશક્તિ જરૂરી માત્રામાં ઉત્પન્ન થઇ શકતી નથી, આનું નામ જ કમજોરી. તે કમજોરી વધારે અવ્યવસ્થાને કારણે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે અને કોઇ એક અંગ અથવા આખા શરીરમાં કોઇ ઉપદ્રવ પેદા કરે તો તેને બીમારી કહેવામાં આવે છે.

બીમારીનું મૂળ કારણ શારીરિક અવયવોની કાર્યપ્રણાલીમાં દોષ આવવો તે છે. એવું કહેવામાં આવે છે કે કીટાણુઓ દ્વારા રોગો ફેલાય છે. તેથી એવો ભ્રમ પેદા થાય છે કે બીમારીઓ બહારથી આવે છે, જો કીટાણુઓથી બચી શકાય તો બીમારી થાય નહિ. પરન્તુ આ ખ્યાલ સાચો નથી. બીમારીમાં જે કીટાણુઓ જોવામાં આવે છે. તે અંદરની ગરબડના કારણે અંદરથી જ ઉત્પન્ન થયેલાં હોય છે. શરીરની અંદર એટલો આમ્લ, ક્ષાર અને તાપ હોય છે કે તેનાથી બહારથી આવેલા કીટાણુઓ આસાનીથી નાશ પામે છે. બહારથી આવેલાં કીટાણુઓને શરીરમાં રહેવાનું સ્થાન ત્યારે જ પ્રાપ્ત થઇ શકે છે, જ્યારે આમ્લ ક્ષાર, તાપ તેમજ લોહીમાં દોષ હોય છે. નિર્દોષ રક્ત અને બળવાન શરીરમાં ભયંકરમાં ભયંકર રોગના કીટાણુઓની પણ કંઇ અસર થતી નથી.

ઝાડા, ઉલટી, પ્લેગ, બળિયા વગેરે આક્રમણકારી રોગોના જમાનામાં અનેક પરોપકારી સ્વયંસેવકો તે રોગીઓની સેવા કરતા હતા. તેવા રોગીઓનાં શબો જલાવતા હતા, તેમ છતાં તે રોગો તેમના ઉપર આક્રમણ કરી શક્યા નહિ. બળિયા નીકળેલા બાળકને માતા છાતીએ લગાડીને બેસે છે, ઝાડા, ઉલટી તથા પ્લેગના રોગીઓની સેવા તેમનાં સગાસંબંધીઓ ઘણી નજદીકથી કરતા હોય છે. ક્ષયના રોગી પાસે રહીને સારવાર કરવામાં આવે છે પરંતુ એવું જોવામાં આવ્યું છે કે સેવા કરનારાઓ ઉપર તે રોગની સાધારણ રીતે કોઇ અસર થતી નથી. ગંદકીને સાફ કરવાનો જ જેમનો એક માત્ર ધંધો છે તેવા મેતર (ભંગી) લોકો વાતવાતમાં રોગના કીટાણુઓથી ડરવાવાળાઓની સરખામણીમાં ઘણા જ તદુરસ્ત અને બળવાન રહેતા હોય છે.

એવું પણ જોવામાં આવે છે કે મોટા ઘરોમાં કે જ્યાં સફાઇ માટે અને કીટાણુઓથી બચવા માટે પૂરતું ધ્યાન રાખવામાં આવે છે ત્યા પણ ક્ષય જેવા ચેપી રોગો તથા અનેક પ્રકારના અન્ય રોગો હોય છે. ત્યાં જ્યારે વારંવાર કીટાણુઓથી બચવા માટેની આટલી સાવધાની રાખવામાં આવે છે તો પછી આ કિટાણુઓ ત્યાં કેવી રીતે પહોંચી જાય છે ? જો એવું કહેવામાં આવે કે તે કીટાણુઓ હવામાં દોડતાં રહેતાં હોય છે અને તે અહીં તહીં બધી જગ્યાએ પહોંચી જતાં હોય છે તો સવાલ એ પેદા થાય છે કે જો તે કીટાણુઓ હવામાં જ ઉડતાં રહેતાં હોય છે તો તે હવા બધા લોકો સુધી પહોંચે છે તેથી બધાને રોગ થવો જોઇએ. ખરી વાસ્તવિક્તા એ છે કે અંદરની ખરાબીથી રોગ અને રોગના કીટાણુઓ પેદા થાય છે. જો રોગને બહારથી આવનારો માનવામાં આવે તો પણ એ તો સ્વીકારવું જ પડશે કે નિર્બળ શરીરમાં જ રોગના કીટાણુઓ પોતાનો અડ્ડો જમાવવામાં સમર્થ બને છે. નીરોગી અને સતેજ શરીરમાં જો તેઓ પ્રવેશ કરશે તો અંદરની જીવનશક્તિ એક જ ક્ષણમાં તેનો નાશ કરી નાખી તેને બહાર ફેંકી દેશે.

સાધારણ રીતે કમજોરી અને બીમારીનું મૂળ પેટમાં હોય છે. જ્યારે અનાજ સારી રીતે પચતું નથી ત્યારે તે અનાજથી લોહી પણ બનતું નથી. જરૂરી પ્રમાણમાં શુદ્ધ રક્ત બન્યા સિવાય શરીરને એવી શક્તિ પ્રાપ્ત થઇ શકતી નથી કે જેનાથી જરૂરી પરિશ્રમ કરી શકાય. આવા લોકો થોડી જ મહેનતમાં વધુ થાકી જાય છે. લોહીની ગરમી અને ગતિ ઓછી થઇ જવાના કારણે અંગોમાં સ્ફૂર્તિ રહેતી નથી. આળસ અને ઉદાસી છવાયેલી રહે છે. જરૂરી લોહી ન પહોંચી શકવાને કારણે હાથ, પગ અને કમરમાં દુખાવો તથા દર્દ થવા લાગે છે. આ કમજોરી છે. આ કમજોરી બહારનાં અંગોની માફક અંદરનાં અંગોમાં પણ થાય છે. તે પણ પોતાનું કામ સારી રીતે કરી શક્યાં નથી. પરિણામે પચ્યા વિનાનું અન્ન મળ દ્વારા નીકળી જાય છે. શુદ્ધ થયા વિનાનું પાણી મૂત્ર દ્વારા નીકળી જાય છે. કાયમ ચીકણુ અને સફેદીવાળું પીળા રંગનું મૂત્ર આવવું એ મૂત્રાશય અને ગુદાની કમજોરીની નિશાની છે. શીઘ્રપતન એ વીર્યવાહિની નાડીઓ તથા ગુપ્ત સ્થાનના જ્ઞાનતંતુઓની નિર્બળતાની નિશાની છે. તેને જ લોકો પ્રમેહ કહે છે. ખંજવાળ, ગરમી, બળતરા, અકડાઇનું દર્દ, નિર્બળતા, આ બધાં એવાં લક્ષણો છે કે જે ભૂખ્યા માણસોમાં જોવામાં આવે છે. જેને અન્નજળ ન મળ તાં હોય એવો માણસ ભૂખ તરસના લીધે ઘણી જ બેચેની અનુભવો અને તેને કોઇ રોગ ન હોવા છતાં તેને સો રોગ થયા હોય તેવો દેખાશે. આ રીતે શરીરના અંદરના અવયવો મન, ફેફસાં, ગુદા, મૂત્રાશય, હૃદય, આંતરડાં. આમાશય વગેરે મુખ્ય અંગો તથા તે બધામાં ફેલાયેલા જ્ઞાનતંતુઓ, નસ, નાડી, માંસપેશીઓ, હાડકાં, ચેતના કેન્દ્ર વગેરે જ્યારે તેમનું પોષક તત્ત્વ-નવીન રક્ત, પ્રાપ્ત કરી શક્તાં નથી ત્યારે તેમની દશા ભૂખ્યા તરસ્યા માણસ જેવી થાય છે. આ ભૂખથી ઉત્પન્ન થતી પીડા કમજોરી એક જાતનો રોગ જ છે.

પાચનક્રિયા બરાબર ન હોવાના કારણે અન્ન પેટમાં સડવા લાગે છે જેવી રીતે લોટમાં પાણી નાખી વાસણમાં ભરી ગરમ જગ્યાએ રાખવાથી તેમાં સડો પેદા થાય છે, તુરત જ દુર્ગંધ મારવા લાગે છે અને ઝેરવાળું બની તેમાં નાના નાના કીડા પડવા લાગે છે, તેવી રીતે પેટમાં પચ્યા વગરના આહારની દશા થાય છે. સડીને તે ઝેરીલું બની જાય છે. આ ઝેર નસ, નાડીઓમાં અને લોહી માંસમાં ભળી જાય છે. લાગ મળતાં જ આ ઝેર એકઠું થઇ જાય છે અને તે અંગમાં ઉપદ્રવ પેદા કરે છે. આંખ, કાન, નાક, માથું, ઘુંટણો, હાથપગના જોડાણો, જ્યાં પણ આ ઝેર ભેગુ થશે ત્યાં ઉપદ્રવ પેદા કરવા માંડશે. આ ઉપદ્રવોને જ રોગ કહેવામાં આવે છે.

ઝેરી દૂષિત વિજાતીય અને બીનજરૂરી પદાર્થોને હંમેશાં બહાર ફેંકી દેતા રહેવું એ શરીરનું સ્વાભાવિક અને દૈનિક કાર્ય છે. મળ-મૂત્ર, પસીનો, કાન, નાક, આંખ વગેરેનો મેલ, અનાવશ્યક અને હાનિકારક ઝેરી પદાર્થો વગેરે ઘણી જ સહેલાઇથી હરહંમેશ છિદ્રો વડે બહાર ફેંકી દેવામાં આવે છે. પરન્તુ જ્યારે શરીરની જીવનશક્તિ નિર્બળ હોય છે ત્યારે આ સફાઇનું કામ સારી રીતે થઈ શક્યું નથી. આનાથી લોહી મેલું, ચીકણું, ભારે, દૂષિત, અને નિર્બળ થઇ જાય છે. શુદ્ધ લોહી તો દૂષિત પદાર્થોને ઝડપથી બહાર ફેંકી દે છે પરન્તુ અશુદ્ધ લોહી આ કાર્યને સારી રીતે કરી શકતું નથી. સ્વચ્છ પાણીમાં લાકડાનો ટુકડો ડૂબાડવામાં આવશે તો પાણી તરત જ તેને ઉપરની સપાટી પર ફેંકી દેશે પરન્તુ જો ચીકણા કીચડમાં લાકડાનો ટૂકડો ડૂબાડવામાં આવશે તો તે તેને ઉપર નહિ ફેંકી દે પણ તે લાકડાનો ટુડો વચમાં જ પડ્યો રહેશે. આ જ વાત શુદ્ધ અને અશુદ્ધ લોહી વડે રોગોને બહાર ફેંકી દેાના સામર્થ્યની બાબતમાં છે. કમજોર આદમીના શરીરમાં ઝેરી તત્ત્વો ભરેલાં હોય છે અને તે જ વારંવાર વિવિધ રૂપો ધારણ કરી ઉપદ્રવ પેદા કરે છે. એક ઉપદ્રવ દબાઈ જાય તો તે ઝેર બીજી બાજુ ચાલ્યું જાય છે અને કોઇ બીજા અંગમાં જઇને એક નવું રૂપ ધારણ કરીને નવા રોગના નામે પ્રગટ થાય છે. એક રોગ પૂરો થયો, બીજો શરૂ થયો, બીજો પૂરો થયો ત્રીજો શરૂ થયો આ ક્રમ સતત ચાલ્યા કરે છે.

લોહીમાં એક પ્રકારના શ્વેત રજકણ હોય છે તે યુદ્ધના સૈનિક જેવા હોય છે. વિજાતીય, ઝેરીલાં તત્ત્વો સાથે લડીને તેને પરાજીત કરી શરીરથી બહાર ફેંકી દેવાં તે તેનું મુખ્ય કામ હોય છે. જ્યાં ઝેરને એકઠું થયેલું જુએ છે ત્યાં આ સ્વસ્થ રજકણ પોતાનો મોરચો સંભાળી લે છે. શરીરના બીજા ભાગોમાંથી ખેંચાઇન યુદ્ધ સૈનિકો એકઠા થઇ જાય છે અને તે દૂષિત તત્ત્વો સાથે લડાઇની તૈયારી કરે છે. તેને મારીને બહાર હાંકડી કાઢવા માટે ભારે સંગ્રામ મચાવે છે આ સંગ્રામથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. સાધારણ રીતે દરેક બીમારીમાં ગરમી વધેલી જણાય છે. જો આખાયે શરીરમાં આ સંગ્રામ છેડવામાં આવેલો હશે તો આખું શરીર ગરમ થઇ જશે આને જ તાવ કહે છે. ફોલ્લા, સૂઝી ગયેલી જગ્યા વગેરેમાં પણ ગરમી જ મળશે. શરદીમાં માથું ગરમ રહેશે. દુ:ખતી આંખો સારી આંખો કરતાં વધારે ગરમ હશે. ફોલ્લા, જખમ, દસ્ત, કફ, ઉલટી, પસીનો વગેરે જુદા જુદા રૂપે આ દુષિત પદાર્થોને બહાર ફેંકાઇ જતા આપણે જોઇએ છીએ. જ્યારે આ ચીજો નીકળી રહી છે તો તે વેળાએ આપણે ડરવું કે ગભરાવું જોઇએ નહિ પરન્તુ ધીરજપૂર્વક તે ચીજોને નીકળવા દેવી જોઇએ. જેથી સફાઇનું કામ સારી રીતે થઇ શકે. રોગ ઉત્પન્ન થતાંની સાથે જ જો તેને દાબી દેવામાં આવે તો તાત્કાલિક દુ:ખ તો સારૂં થઇ જશે પણ તે ઝેર શરીરમાં જ રહેશે અને તે ફરીથી કોઇ નવો ઉપદ્રવ ઉભો કરશે.

દર્દ અથવા વેદના શું છે ? જીવન શક્તિ અને ઝેરીલાં તત્ત્વો વચ્ચેની લડાઇ એટલે જ વેદના આ લડાઇમાં જો લોહીના શ્વેતકણ (શેષ) જીતે તો બીમારી દૂર થઇ જાય છે અને જો ઝેરીલા તત્ત્વો જીતે અને પોતાનો પ્રભાવ વધારે તો શરીરને માટે ઘણી જ ઘાતક પરિણામવાળી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે ફોલ્લા ઝેરી બની હાડકાને પણ ગાળી નાખે, તાવનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી પ્રાણ લઇ લે, ઉલટી–ઝાડાની ઉગ્રતાથી શરીરનું નાશ, આ બધો ઝેરનો વિજય છે. ઝેરને પરાજીત કરી સ્વસ્થ જીવન કોષોની સહાયતા કરવી એ જ સારવારનો ઉદેશ્ય છે ડોકટરની એ ફરજ હોવી જોઇએ કે તે રોગને દબાવે નહિ પરન્તુ તેને બહાર ફેંકી દેવામાં સ્વસ્થ કોષોની મદદ કરે. પરન્તુ હાલની ચિકિત્સા પદ્ધીતનો દૃષ્ટિકોણ કંઇ જુદો જ છે. રોગને દબાવીને પોતાની દવાનો ચમત્કાર પ્રગટ કરવાનું જ તેમનુ લક્ષ્ય છે. આનાથી રોગીને તાત્કાલિક તો થોડો લાભ દેખાય છે પરન્તુ તેનું કષ્ટ દૂર થતુ નથી. કવીનાઇન ખાવાથી તાવમાંથી સારા થઇ જવાય છે પણ આ સાજા થયું ન સાજા થવા બરાબર છે. અત્યંત ગરમ ઉષ્ણ અને રૂપી દવાઓથી સંહારનું કામ થાય છે. રોગના કીટાણું અને સ્વસ્થ કીટાણું બધા આનાથી મરી જાય છે પાછળની ગરમીથી મહીનાઓ સુધી શરીર બળતું રહે છે. આ તો એવી વાત થઇ કે આપણા અને દુશ્મનના સૈન્યો લડતા હોય ત્યારે ગેસ છોડીને બન્ને સૈન્યોને મારી નાખવામાં આવે અને લડાઇ પુરી થવાની ખુશી મનાવવામાં આવે. લડાઇ પુરી તો જરૂર થઇ પણ તેના આપણી સેના પણ મરી ગઇ. પ્રશંસાપાત્ર વાત તો ત્યારે થઇ કહેવાય કે જ્યારે દુશ્મનની સેના મરી જાય અને આપણી સેનાને કોઇ નુકસાન ન થાય.

રોગોને દબાવવાને બદલે તેના ઝેરને શરીરની બહાર ફેંકી દેવું એ જ સારી વાત છે. ચિકિત્સા આવશ્યક છે પરન્તુ તે એવી હોવી જોઇએ કે જે બીમારીને ભલે મોડા પણ ધીરે ધીરે સારી કરે પરન્તુ ઝેરને કાઢી નાંખે અને સ્વસ્થ જીવન કોષોની રક્ષા કરે.

યાદ રાખો રોગ અને નિર્બળતા એક જ છે. પાચન અંગોનો સુધાર બધા રોગોની મૂળભૂત ચિકિત્સા છે. આ ચિકિત્સા વિધિથી કમજોરી અને બીમારી બંન્નેનો નાશ થાય છે અને કાયાકલ્પની માફક ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. પાચનક્રિયાને સુરક્ષિત રાખવાના ઉપાય પહેલાં બતાવી દેવામાં આવ્યા છે. રોગીષ્ટ, નબળા, શક્તિ વગરના, ઝેરીલા અને વિકૃત અવસ્થામાં પડી રહેતાં પાચક અંગોને ફરીથી સજીવન કરવાની વિધિ આગળ બતાવવામાં આવશે.

SV-02 : ઉત્તમ સ્વાસ્થ્ય માટેનાં ચાર સૂત્ર (૪) અવ્યવસ્થાથી બચાવ । ઔષધિ વિના કાયાકલ્પ

SV-02 : ઉત્તમ સ્વાસ્થ્ય માટેનાં ચાર સૂત્ર (૪) અવ્યવસ્થાથી બચાવ । ઔષધિ વિના કાયાકલ્પ

અવ્યવસ્થાથી બચાવ : ભોજન અને કામની માફક તંદુરસ્તી કાયમ રાખવા માટે વ્યવસ્થા અને સંયમશીલતાનું પણ એક આગવું સ્થાન છે. દૈનિક કાર્યક્રમ નિયમિત થવો જોઇએ. સુવાનો, ભોજનનો, કામ કરવાનો, સ્નાન કરવાનો, નિત્યકર્મનો, વ્યાયામનો, સમય નિશ્ચિત હોવો જોઇએ. પરણેલાં યુગલોએ કામસેવનમાં મર્યાદા જાળવવી જોઇએ. ગર્ભધારણની ક્રિયા, સંતાન ઉત્પન્ન કરવાના સદ્ ઉદ્દેશ્યથી માસિક ઋતુ ધર્મ પછી ત્રણ ચાર દિવસ પૂરતી જ કરવી જોઇએ. મહીનામાં ચાર છ વખતથી વધુ વાર વિર્યપાત ન થવા દેવો જોઇએ. સીને સંતુષ્ટ રાખવા માટે વધારે કામસેવન કરવું જરૂરી છે એવો એ એક્દમ ખોટો અને નકામો ભ્રમ લોકોમાં ફેલાયેલો છે. ઘણી બધી સ્ત્રીઓ કામી પુરૂષની ઇચ્છા રાખતી નથી. તે સ્રીઓને તો પુરૂષાર્થી – સદાચારી – પ્રસન્ન મુખવાળા, સાચો પ્રેમ કરનારા જીવનસાથીની જરૂરિયાત છે. પતિ કામસેવનમાં અયોગ્ય હોય એવા ઘણાં ઉદાહરણો આપણે જાણીએ છીએ. વધારે પડતા કામસેવનથી રતિક્રિયાનું આકર્ષણ અને આનંદ ચાલ્યો જાય છે. પુરૂષ અને સી બંન્ને રજ અને વીર્યના રોગોથી પીડાય છે. માટે જ કામસેવન સંબંધી યોગ્ય વ્યવસ્થા બનાવી અને તે મુજબ દેઢતાપૂર્વક વર્તવું અત્યંત જરૂરી છે. આમાં અમર્યાદિત રહેવાથી તંદુરસ્તી ઉપર ઘણી જ માઠી અસર પડે છે.

દિવસભર કરવાનાં થતાં બધાં જ કામોનો વ્યવસ્થિત કાર્યક્રમ હોવો જોઇએ. જેનું જીવન નિયમિત અને સંયમિત હોય છે તે રોગોની જાળમાં ફસાતું નથી. તેની સાથે સાથે સાદાઇ અને સ્વાભાવિકતાનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઇએ. કપડાંની વણજારની જરૂર નથી. ઝભ્ભો, ધોતિયું અને ચંપલ આટલું પહેરવાથી કામ ચાલી શકે છે. વધારે ઠંડીમાં અથવા વધુ પડતી ગરમીમાં શરીરનો બચાવ કરવા માટે જરૂરી પ્રબંધ કરી શકાય છે. વધારે પડતાં કપડાં પહેરવાથી સૂર્યનાં કિરણો અને પવન શરીરનાં બધા જ અંગો સુધી પહોંચી શકતાં નથી. પરિણામે પ્રકાશ અને હવાથી બચાવીને રાખવામાં આવેલા છોડ જેવી શરીરની દશા થાય છે. ઋતુઓના પ્રભાવથી હંમેશ માટે પોતાની જાતને બચાવીને ન રાખતી જોઇએ. ઠંડી-ગરમી અને વરસાદનો પ્રભાવ શરીરમાં મજબૂતી અને ચેતના પેદા કરે છે. રોગ તેમજ વિપરીત પરિસ્થિતિમાં સામનો કરવાની જરૂરી શક્તિ પેદા કરે છે. જે લોકો ગરમીના દિવસોમાં ખસની ટટ્ટી લગાવીને કે વીજળીના પંખા નીચે બેસી રહેતા હોય છે, ઠંડીમાં ઉનનાં અને રૂનાં ગરમ કપડાં પહેરી તાપણી પાસે તાપતા હોય છે, વરસાદમાં એક ટીપુ પણ પોતાના શરીર ઉપર પડવા દેતા નથી તેઓની શક્તિ ઘણી જ નિર્બળ થઇ જાય છે. વાતવાતમાં તેઓને શરદી, સળેખમ, લૂ લાગવી, માથું દુ:ખવુ, ઉધરસ આવવી વગેરે રોગોના શિકાર બનવું પડે છે. બીમારીઓ ઘણી જ સહેલાઇથી તેમને ઘેરી વળે છે, માટે જ ઋતુઓના વધારે પડતા પ્રભાવથી બચીને તે ઋતુઓનો થોડો ઘણો પ્રભાવ સહન કરવાનું રાખવુ જોઇએ.

સફાઇ, સ્વચ્છતા, પવિત્રતાની તંદુરસ્તી ઉપર ઘણી મોટી અસર પડે છે. પરસેવો પણ મુત્રની માફક જ ગંદો અને દૂષિત પદાર્થ છે. શરીર પર પહેરવામાં આવતાં કપડામાં દરરોજ પરસેવો લાગતો હોવાથી તે કપડાં દરરોજ ધોવ જોઇએ. દરરોજ તે કપડાંને સૂર્યની ગરમીમાં સૂકવવા જોઇએ. એવા ઘરમાં વાસ કરવો જોઇએ કે જ્યાં પ્રકાશ અને હવા સંપૂર્ણ રીતે મળતી હોય. શરીર, કપડાં અને મકાન આ ત્રણે હંમેશાં સ્વચ્છ, નિર્મળ-સુશોભિત અને સાફ સફાઈવાળાં રાખવાં જોઇએ. ભોજન અને પાણી તથા તેને રાખવાના સ્થાન વગેરે સ્વચ્છ સાફસુફીવાળા હોવા જોઇએ. સારી અને કીંમતી ચીજો પણ જો મેલી અને ગંદી હરશે તો તેનાથી કોઇ લાભ નિહ થાય.

હંમેશાં હસતા રહેવાની (હસમુખ રહેવાની) તથા પ્રસન્નતાઓનો અનુભવ કરવાની ટેવ પાડવી જોઇએ.

ગમે તેટલી ભારે મુશ્કેલીઓ આવી પડી હોય, ગમે તેવી વિપત્તિ આવી પડી હોય તો પણ મન ઉપર તેની બહુ ઘેરી અસર ન પડવા દેવી જોઇએ. શોક, ચિન્તા, ક્ષોભ, ગભરામણ, બેચેની, ઉદ્વિગ્નતા, વ્યાકુળતા, સોંપેલું કામ નહિ કરવાની વૃત્તિ આ બધાં તંદુરસ્તીનાં ભયંકર દુશ્મનો છે. ચાર દિવસ ભોજન ન મળવાથી શરીરને જે નુકસાન થાય છે તેના કરતાં પણ વધારે નુકસાન એક દિવસની ચિંતા, શોકાતુરતા તથા વ્યાકુળતાને કારણે થાય છે. આવા માનસિક વિક્ષેપોથી મુશ્કેલીઓમાં વધારો થાય છે અને તે દૂર કરવાનો ઉપાય જડતો નથી જેના પરિણામે મુશ્કેલીઓ ઘણી વધી જાય છે વિપરિત પરિસ્થિતિમાં પણ માનસિક સંતુલન કાયમ જાળવી રાખવું તે મુશ્કેલીઓથી છુટકારો મેળવવાનો સર્વોત્તમ ઇલાજ છે.

દરરોજ એક કલાક હસવું, એ એક ગ્લાસ દૂધ તથા નવટાંક ઘી કરતાં પણ અધિક બળવર્ધક છે. ખુશ રહેનારા, મલકાતા રહેનારા, પ્રસન્ન ચિત્તવાળા, હંમેશાં હસીને વાન કરનારા, ચહેરા ઉપર હંમેશા ઉલ્લાસ અને આશાન્ત કિરણો ધારણ કરનારા મનુષ્યો હંમેશાં તંદુરસ્ત હોય છે. એક શરીર શાસ્ત્રીએ કહ્યું છે કે પ્રસન્નતા અને તંદુરસ્તીનો આપસમાં બહુ જ મોટો ગાઢ સંબંધ છે પરન્તુ મને એ વાતની ખબર નથી કે લોકો તંદુરસ્તીને કારણે પ્રસન્ન રહેતા હોય છે કે પ્રસન્ન રહેતા હોવાને કારણે તદુરસ્ત હોય છે. પ્રસન્નતાની સ્વાસ્થ્ય (તંદુરસ્તી) ઉપર ઘણી જ ઘેરી અસર પડે છે તે વાત નિસંદેહ સાચી લાગે છે. ફ્રાન્સની એક કહેવત છે કે હસો અને જાડા થાઓ. જે હસે છે તેમની તંદુરસ્તી હંમેશાં કાયમ રહે છે. તેનાથી બીજી બાજુ કોધ કરવાવાળા, ઇર્ષાળુ, બીજાનો ઉત્કર્ષ જોઇ ઇર્ષા કરનારા, મનમાં ને મનમાં બળાવો કરનારા, આખો દિવસ દુર્ભાગ્ય અને દુઃખનાં રોદણ રોવાવાળા, બીજાઓ ઉપર દોષારોપણ કરવાવાળા, સંકુચિત મનોવૃત્તિવાળા લોકો પોતાના આ સંકુચિત અને દુષિત મનોભાવોના કારણે પોતાનું લોહી બાળતા રહે છે. તેમનું ખાધેલું પીધેલું મજરે મળતું નથી. મનોવિકારોની અગ્નિમાં તેઓની જીવનશક્તિ ધીમે ધીમે શેકાતી જાય છે અને તેઓ કમજોરી, બીમારી તેમજ અકાળ મૃત્યુના શિકાર બને છે. કપટ, છલ, જઠુ, ઢોંગ, ચોરી, દુરાચાર, અહંકાર વગેરે દોષોથી પણ તંદુરસ્તીને ભારે નુકસાન થાય છે.

મનને હંમેશા પ્રસન્ન, ચિતારહિત, નિર્દોષ, નિર્વિકાર રાખવું જોઇએ. હંમેશાં સુન્દર ભવિષ્યની આશા રાખવી જોઇએ. લોકો તરફ સદભાવના આત્મીયતા, પ્રિયતા અને ઉદારતાની દૃષ્ટિથી જોવું જોઇએ. ઇશ્વર પર વિશ્વાસ રાખવો જોઈએ. નિશ્ચિંત રહેવું જોઇએ. પરમાત્માના ખોળામાં આપણું જીવન સુરક્ષિત છે એવો વિશ્વાસ રાખવાથી ઘણાખરા ભય અને સંદેહોથી છુટકારો મેળવી શકાય છે.

યાદ રાખો સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે ચાર વાતોની જરૂર છે. (૧) ખાધે પદાર્થોની પસંદગી. (૨) ખાવાની પદ્ધતિ (૩) જરૂરી શ્રમ (૪) અવ્યવસ્થાથી બચાવ. આ ચાર વાતો ઉપર ધ્યાન રાખી અને તે પ્રમાણે આચરણ કરવું, કંઇ બહુ અઘરું નથી. મનને જરા સાવધાન કરી, થોડા દિવસો સુધી આ બાબત ઉપર પ્રયત્નપૂર્વક ધ્યાન રાખવામાં આવે તો પછી તે મુજબની ટેવ પડી જાય છે અને આ બધી વાતો સ્વભાવમાં સામેલ થઇ જાય છે. આ ચાર વાતો જ તમારા જીવનમાં ટેવ બની જાય તો તમારે સમજી લેવાનું કે તમે તંદુરસ્તી ઉપર સફળતાપૂર્વક વિજય પ્રાપ્ત કરી લીધો છે.

હે કાયાકલ્પની ઇચ્છા રાખનારાઓ આ ચાર વાતો ઔષધિ નથી. પરન્તુ તેનો તમારા જીવનમાં ઉપયોગ કરવામાં આવે તો તે હજારો રૂપિયાની રંગબેરંગી દવાઓની બાટલીઓ કરતાં પણ અધિક કિંમતી છે. આ નિયમોનું પાલન કરો. તમારું શરીર એટલું તંદુરસ્ત બની જશે કે આજની તંદુરસ્તીના મુકાબલામાં તેને જરૂર કાયાકલ્પ કહી શકાશે.

SV-02 : ઉત્તમ સ્વાસ્થ્ય માટેનાં ચાર સૂત્ર (૩) જરૂરી મહેનત । ઔષધિ વિના કાયાકલ્પ

SV-02 : ઉત્તમ સ્વાસ્થ્ય માટેનાં ચાર સૂત્ર (૩) જરૂરી મહેનત । ઔષધિ વિના કાયાકલ્પ

જરૂરી મહેનત : મશીનને જો બેકાર પડી રહેવા દેવામાં આવે તો તેના સ્પેર પાર્ટસને કાટ લાગી જાય છે, કચરો જામી જાય છે અને જો તેને વધુ પડતું ચલાવવામાં આવે તો તેના સ્પેરપાર્ટસ ઘસાઇ જઇને નકામા બની જાય છે. આ જ વાત શરીરને પણ લાગુ પડે છે. આળસમાં પડી રહેવું, અમીર હોવાની શાન દેખાડવા મહેનત ન કરવી વગેરેથી શરીરની ક્રિયાશીલતા નાશ પામે છે, માંસ, નસો, નાડી, ચામડી વગેરેની કાર્યશક્તિ કાયમ ટકાવી રાખવા માટે તેમને પરિશ્રમ પડે તેવું કામ અવશ્ય આપવું જોઇએ. તંદુરસ્તી માટે શારીરિક પરિશ્રમ કરવો અત્યંત આવશ્યક છે. પરંતુ સાથે સાથે એ પણ જોવું જરૂરી છે કે તે પરિશ્રમ એટલો વધારે ન કરવો જોઇએ જેથી શરીરની જીવનશક્તિનો ખજાનો ખાલી થઈ જાય. ગજા ઉપરાંતનું કામ કરવાથી શરીરમાં ગરમી વધે છે અને તે ગરમીથી જીવન તત્ત્વો નાશ પામે છે. તેથી આવા લોકો વધુ જીવી શકતા નથી. જે આવક કરતાં વધુ ખર્ચ કરશે, તેનું દેવાળું નીકળી જશે. મહેનત કરવી, દરેક અંગ અવયવ પાસેથી કામ લેવું, સારી રીતે ઉત્સાહપૂર્વક કામ કરવું પરન્તુ શક્તિની મર્યાદામાં રહીને કામ કરવું તે જ સાચો પરિશ્રમ છે અને તે જ ફાયદાકારક છે.

ઘણા ખરા લોકો બુદ્ધિની મહેનતથી પૈસા કમાય છે. એવા લોકો વિચારે છે * કે શરીરને કષ્ટ આપવાની શી જરૂર છે ? જે કામ શરીર દ્વારા કરવાનું થાય છે તે નોકર દ્વારા પણ કરાવી શકાય છે પણ ત્યાં જ તેમની ભૂલ થાય છે. રોટલી પચાવવાનું કામ નોકરનું પેટ નથી કરી શકતુ. જ્યારે પાણી પીવાની, જમવાની, મળ-મૂત્રનો ત્યાગ કરવાની ઇચ્છા થાય ત્યારે આ કાર્યો પણ નોકર દ્વારા નથી કરાવી શકતાં. શરીરનાં અંગ પ્રત્યગોને જરૂરી પરિશ્રમ કરાવી તેમને ક્રિયાશીલ બનાવી રાખવાનું કામ પોતે જાતે જ કરવું પડશે તે નોકરથી કરાવી શકાશે નહિ.

દુનિયાના મોટા માણસો, કે જેમની પાસે ઘણો અધિક કાર્યભાર હોય છે તેઓ પોતાના શરીરની તંદુરસ્તીને ધ્યાનમાં રાખી કંઇને કંઇ કામ જાતે અવશ્ય કરતા હોય છે. બગીચામાં છોડવાઓ માટે માટી ખોદવી, નાનાં મોટાં સુથારી કામો કરવાં કપડાં ધોવાં, ઘરની સાફસૂફી કરવી અથવા આવાં જ બીજાં કામોને આપણા દૈનિક જીવનમાં અવશ્ય સ્થાન આપવું જોઇએ. ટેનિસ, ફુટબોલ, ક્રિકેટ, કબડ્ડી અથવા આવી જ કોઇ રમતો પણ રમી શકાય છે. સ્વચ્છ વાયુ સેવન માટે હંમેશાં કેટલાક માઇલ ફરવા જવું પણ જરૂરી છે. દંડ બેઠક, ડબેલ્સ, મગદળ, આસન, પ્રાણાયામ વગેરે પણ કરી શકાય. શરીરના દરેક અંગને એટલો પરિશ્રમ તો મળવો જ જોઇએ કે જેથી તેને એમ લાગે કે મારી પાસેથી પૂરતું કામ લેવામાં આવી રહ્યું છે. આના સિવાય અંગો જકડાઇ જાય છે અને ચરબી વધતી જાય છે. કબજીયાત, હરસ મસા વગેરે રોગો આક્રમણ કરવા લાગે છે. બુદ્ધિથી કામ કરનારાઓ અથવા અમીરોને પણ અશિક્ષિત અને ગરીબો જેટલી જ શારીરિક કામ કરવાની જરૂરિયાત છે. જરૂરી શ્રમ દરેક મનુષ્ય માટે આવશ્યક છે.

SV-02 : ઉત્તમ સ્વાસ્થ્ય માટેનાં ચાર સૂત્ર (૨) ખાવાની પદ્ધતિ : । ઔષધિ વિના કાયાકલ્પ

SV-02 : ઉત્તમ સ્વાસ્થ્ય માટેનાં ચાર સૂત્ર (૨) ખાવાની પદ્ધતિ : । ઔષધિ વિના કાયાકલ્પ

ખાવાની પદ્ધતિ : ખાદ્ય પદાર્થોની ઉત્તમતાનું જેટલું મહત્ત્વ છે તેના કરતાં પણ અધિક મહત્ત્વ ખાવાની પદ્ધતિનું છે. સારી રીતે એટલે કે સારી પદ્ધતિથી ખાવાથી સાધારણ ચીજવસ્તુઓ પણ ઘણી ઉપયોગી સાબિત થાય છે પરન્તુ જો ખોટી પદ્ધતિથી ઉત્તમ વસ્તુઓ ખાવામાં આવે તો તેનું મહત્વ નષ્ટ થઇ જાય છે. ખાવાની પદ્ધતિમાં ત્રણ પ્રશ્નો પર ધ્યાન રાખવાની જરૂર છે (૧) છે ક્યારે ખાવું જોઇએ ? (૨) કેટલું ખાવું જોઇએ? (૩) કેવી રીતે ખાવું જોઇએ ? આ વાતો ઉપર જો ધ્યાન રાખવામાં આવે તો સાધારણ ભોજનને પણ લાભદાયક બનાવી શકાય છે.

શું ખાવું જોઇએ ? આ પ્રશ્નનો ઉત્તર પાછલાં પાનાંઓમાં આપી દેવામાં આવ્યો છે કે તેના અસલીરૂપમાં જીભને પ્રિય રસવાળું અને જેમાં આપણી અકકલ ઓછી વાપરવામાં આવી છે તેવું ભોજન ખાવુ જોઇએ. કયારે ખાવું જોઇએ ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે (૧) નકકી કરેલા સમયે (૨) ખૂબ ભૂખ લાગે ત્યારે ખાવું જોઇએ. બંને વાતો જયારે ભેગી થાય ત્યારે ખાવું જોઇએ. સાધારણ રીતે તંદુરસ્ત મનુષ્ય દિવસમાં બે વાર ભોજન કરવું પૂરતું છે. આનો સમય સવારે લગભગ ૧૧ વાગે અને સાંજે લગભગ ૬ વાગ્યાનો ગણી શકાય. સુવિધા મુજબ તેમાં થોડી વધઘટ કરી શકાય છે. નકકી કરેલ સમયે ભોજન કરવાની ટેવી ઘણી સારી છે. જે જમવું હોય તે નકકી કરેલા સમયે જમી લેવું જોઇએ. ત્યારબાદ જમવાનો બીજો સમય ન થાય ત્યાં સુધી કંઇ જ ન ખાવું આખો દિવસ મોઢું ચાલુ રાખવાની ટેવ ઘણી જ ખરાબ છે. તેનાથી પાચનકાર્ય સારી રીતે થતું નથી. એક વાસણમાં ચોખા રાંધવા માટે રાખવામાં આવે અને થોડી થોડી વારે તેમાં થોડા નવા ચોખા ઉમેરવામાં આવે તો તેનું પરિણામ એ આવશે કે તેમાં કેટલાક ચોખા જરૂરત કરતાં વધારે રંધાશે. ઘણા અધકચરા રંધાશે અને કેટલાક ચોખા કાચા રહી જશે. આવી કઢંગી રીતે રાંધવામાં આવતું અનાજ સારી રીતે રંધાઇ શકાશે નહિ. આ જ વાત પેટના વિષયમાં પણ લાગુ પડે છે. એક વાર નિશ્ચિત સમયે ભોજન કરી લેવામાં આવે તો તે પોતાના સમયમાં સારી રીતે પચી જાય છે. ખાવાના સમયની વચ્ચે વચ્ચે ખાવું એ એક રીતે પાચનક્રિયાની વ્યવસ્થાને બગાડનારૂં સાબિત થાય છે.

જ્યારે ખૂબ કકડીને ભૂખ લાગે, પેટ ખાલી ખાલી લાગે ત્યારે જ ખાવું જોઇએ. જો નકકી કરેલા સમયે ભૂખ ન લાગે તો તે સમયે ખાવું જોઇએ નહિ. ખાવાનો બીજો સમય ન થાય ત્યાં સુધી કશું જ ખાવું જોઇએ નહિ. ધારો કે સવારે ૧૦ વાગે ભૂખ ના લાગી તો સાંજે ૬-૦૦ વાગ્યા સુધી કશું ય ખાવું જોઇએ નહિ. આ પહિત ઘણી ખોટી છે કે ૧૦ વાગે ભૂખ ના લાગી અને ફરીથી બે વાગે ભૂખ લાગી તો બે વાગે જમી લીધું. આનાથી ક્રમ બગડી જાય છે. ખરાબ ટેવ પડે છે. નિશ્ચિત કરેલ સમયે ભૂખ ન લાગવાનો અર્થ છે પેટમાં કોઇ ખરાબી પેદા થઇ છે, તે ખરાબીને ઠીક કરવા માટે (ખોરાક પચાવવા માટે) એક વખતનો ઉપવાસ જરૂરી છે નિશ્ચિત સમય અને કકડીને લાગેલી ભૂખ-આ બન્નેના મિલનનો સમય જ ભોજનનો સાચો સમય છે.

સવારે જ પેટ ભરીને ભોજન કરી લેવું જોઇએ. રાત્રે સૂઇ રહેવાના કારણે ભોજન પચવામાં કસર રહી જવા પામે છે. તે કસર પૂરી કરવા માટે પેટને થોડો સમય મળવો જોઇએ. જો સવારે ભોજન કરવામાં આવે તો એક કામ પૂરૂ કરતા પહેલાં બીજા કામ સોંપતાં, નોકરની જે દશા થાય છે તેવી દશા આપણા પેટની થાય છે. સવારે જો થોડી ભૂખ જેવું લાગે અને ખાધા વિના પરિશ્રમ કરવામાં મુશ્કેલી લાગે તો દૂધ, છાશ, ફળોનો રસ, લીંબુ તથા મધવાળું પાણી એવી કોઇ પાતળી ચીજ લઇ શકાય છે. ત્રીજા પહોરે અથવા કોઇ બીજા સમયે આવી જરૂરત પડે તો ઉપર મજબની પાતળી પાતળી તુરત જ પચી જાય તેવી ચીજો લેવી જોઇએ.

કેવી રીતે ખાવું જોઇએ ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે શાન્તચિત્ત, પ્રસન્ન મન અને પવિત્રતા સાથે ખાવું જોઇએ. જે સમયે શોક, ક્રોધ, ઉત્તેજના, આક્રોશ, વિરોધ વગેરે ઉત્પન્ન થયેલાં હોય તેવા સમયે ભોજન કરવું યા કરાવવું હિતાવહ નથી. મનોવિકારોના આવેશના સમયે પાચક રસોના શ્રાવ કરનારી ગ્રંથિઓ સૂકાઇ જાય છે અને તેમાંથી તે રસ ઘણો જ ઓછો નીકળે છે કે જે ખોરાક પચાવવા માટે જરૂરી છે. જે રસ નીકળે છે તે ક્રોધ વગેરેના કારણે ઝેરીલો બની જાય છે અને તેનાથી પાચન ઠીક થતું નથી તેમજ શુ રક્ત પણ બનતું નથી. આવેશમાં ભૂખ લાગતી નથી. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે શરીર તે સમયે ભોજન લેવાની સ્થિતિમાં નથી. શાંત ચિત્તે અને પ્રસન્ન મનથી ખૂબ ચાવી ચાવીને કોળિયાને પેટમાં જવા દેવો જોઇએ. અહીંયાં ઉતાવળ સારી નહિ. દાંતનું કામ ભોજનને ચાવવાનું છે અને આંતરડાનું કામ ભોજનને પચાવવાનું છે. જો દાંત સારી રીતે ન ચાલે અને અધકચરો ચાવેલો કોળીયો ગળી જવામાં આવે તો દાંતોનું કામ આંતરડાને કરવું પડે છે. પીસવાની અને પચાવવાની બેન્દ્રે ક્રિયાઓ કરવામાં પેટને ઘણી મહેનત કરવી પડે છે અને તેથી તે બિચારૂં થાકી જવાથી પોતાનું કામ પણ સારી રીતે કરી શકતું નથી. મોઢામાં નાની નાની ગ્રન્થિઓ છે કોળિયો મોઢામાં ચાવતી વેળાએ તે ગ્રંથિઓમાંથી એક પ્રકારનો રસ નીકળે છે જેના દ્વારા પાચનક્રિયામાં ઘણી સહાયતા મળે છે. જો આ રસ ભોજનમાં ન ભળે તો પાચનકાર્ય ઘણુ મુશ્કેલ બની જાય છે. આ દૃષ્ટિથી પણ ચાવવું જરૂરી છે. આયુર્વેદનો એવો મત છે કે દરેક કોળિયાને બત્રીસ વાર ચાવીને પછી ગળવો જોઇએ. આવી રીતે ચાવવાની સંખ્યા નકકી કરવી અને દરેક કોળિયે તેની ગણતરી કરવી ઘણું કઠણ છે પરન્તુ એટલું ધ્યાન તો અવશ્ય રાખવું જ જોઇએ છે કે કોળિયો ખૂબ સારી રીતે ચવાય, પાતળો થઇ જાય, અને તે કોળીયો ગળતાં જરા પણ મુશ્કેલી ન પડે. ફાડા, હલવો, ખીર વગેરે પાતળી ચીજોને પણ આવી જ રીતે ચાવવી જોઇએ, ચાવ્યા વિના પી જવી જોઇએ નહિ. પાણી અથવા દૂધ પણ એકદમ ન પીવું જોઇએ. પરન્તુ ધીમે ધીમે એક એક ઘૂંટથી મોઢામાં જરા રોકીને પીવું જોઇએ.

અન્નને અમૃત સમજી, ભગવાનની પ્રસાદી સમજીને ઘણી જ પ્રસન્નતાથી તેમજ આદરપૂર્વક ખાવું જોઇએ. સ્વાદમાં થોડી ઘણી કમી રહી જવાના કારણે મોં મચકોડવું, દોષ ખોળવા, અસંતુષ્ટ બનીને ખાવું, ખરાબ સમજીને ખાવું, ઘણી જ ખરાબ વાત છે. દુર્ભાવ-દ્વેષ દોષારોપણ અને અપમાન સાથે ખાવામાં આવતું અન્ન પેટમાં વિકાર ઉત્પન્ન કરે છે. લાભ કરવાને બદલે નુકસાન કરે છે. જો સૂકાં શાકભાજી યા રાબ પણ માથે ચઢાવીને અન્નદેવતાના અમૃત જેવા ગુણોની ભાવના કરતાં કરતાં સંતોષ અને પ્રસન્નતાપૂર્વક ખાવામાં આવે તો તેનાથી ચોકકસપણે પાચન પણ સારૂં થશે અને શુદ્ધ રસ રકત પણ બનશે.

કેટલું ખાવું જોઈએ ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે ભૂખ લાગી હોય તેના કરતાં ઓછું ખાવું જોઇએ. દરેક શરીરની આવશ્યકતા અને પાચનશક્તિની મર્યાદા અલગ અલગ હોય છે. બધા માટે એક જ જાતનું પરિણામ નકકી ના કરી શકાય. તેનો નિર્ણય તો ખાનારનું પેટ જ કરી શકે. પેટ બતાવી દે છે કે શરીરની આવશ્યકતા અને પચાવવાની શક્તિ કેટલી છે. જેટલું તે માગે તેટલું જ આપવું જોઇએ. પેટને અડધું ભોજનથી ભરવું જોઇએ. એક ચતુર્થાંશ ભાગ હવા માટે ખાલી રાખવો જોઇએ. એવો શાસકારોનો મત છે. અડધું યા તો ચોકકસ રાખવો જોઇએ એવો શાસકારોનો મત છે. અડધુ યા એક ચતુર્થાંશ માપીને રાખવું તો કઠણ છે પરન્તુ એટલું ધ્યાન તો એક ચતુર્થાંશ માપીને રાખવું તો કણ છે. પરંતુ એટલું ધ્યાન તો ચોકકસ રાખવું જોઇએ કે ભૂખ લાગી હોય તેના કરતાં ઓછું ખાવુ અને પેટમાં થોડી જગ્યા ખાલી રાખવી. એટલો બધો આહાર ન લેવો જોઇએ કે જમ્યા પછી હરવા ફરવામાં અગર કામ કરવામાં મુશ્કેલી પડે. ભોજન કરવાથી સ્ફર્તિ મળવી જોઇએ. કામ કરવાનું મન થવું જોઇએ. પણ જો આળસ આવે. પેટ ભારેભારે લાગે તે તેનું કારણ વધુ પડતું ભોજન જ માની લેવું જોઇએ. જો ભોજન થોડું ઓછું કરવામાં આવે તો કોઇ વાંધો નહિ તેનાથી લાભ જ છે. કારણ કે પેટ સહેલાઇથી તે કામ પૂરૂં કરી લે છે અને લોહી પણ પૂરતું બને છે. પરન્તુ જો વધારે પડતુ ભોજન હોય તો તે ભારને રાખવામાં પેટને ધણી જ મહેનત કરવી પડે છે. એટલું પચાવવા માટે જરૂરી પિત્ત નથી હોતું તેથી કાચી હાલતમાં જ મળ બનીને નીકળી જાય છે. ભોજનની માત્રાની બાબતમાં એક વાત ખાસ યાદ રાખવી જોઇએ કે ભૂખ લાગી હોય અને પેટ માંગણી કરે, તેના કરતાં કંઇક અંશે ઓછું ખાવું જોઇએ. કોઇ પણ સંજોગોમાં વધારે ખાવું, જોઈએ નહિ.

રાત્રિનું ભોજન સુવાના સમયથી ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં કરી લેવું જોઇએ. ખાધા પછી તુરત જ સૂઇ જવાથી અન્ન પેટમાં પચ્યા વિના પડી રહે છે. તેનાર્થી ઉધમાં ખલેલ પડે છે અને યોગ્ય સમયે પચવાથી જે લાભ મળવો જોઇએ તે મળતો નથી.

શું ખાવું જોઇએ ? કયારે ખાવું જોઇએ ? કેવી રીતે ખાવું જોઇએ ? કેટલું ખાવુ જોઇએ ? આ ચાર વાતો પર ઉચિત ધ્યાન આપવાથી અને નિયમ અનુસાર આચરણ કરવાથી પેટની બધીજ ફરિયાદો દૂર થઇ જાય છે. કબજીયાત રહેતી નથી. પાચન અંગ સારૂં બની જાય છે. પરિણામે પેટમાં ફેલાયેલી નિર્બળતા અને અસ્વસ્થતા જડમૂળમાંથી નાશ પામે છે. આ રીતે જીવનમાં એક ભારે સંકટથી છૂટકારો મળે છે.

SV-02 : ઉત્તમ સ્વાસ્થ્ય માટેનાં ચાર સૂત્ર (૧) ખાવાના પદાર્થોની પસંદગી। ઔષધિ વિના કાયાકલ્પ

SV-02 : ઉત્તમ સ્વાસ્થ્ય માટેનાં ચાર સૂત્ર (૧) ખાવાના પદાર્થોની પસંદગી । ઔષધિ વિના કાયાકલ્પ

આપણે આ વાત સમજી લેવી જોઇએ કે શરીરને પ્રકૃતિના અનુકૂળ નિયમો મુજબ જો ચલાવવામાં આવે તો સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે. બીમારી અને કમજોરીઓથી પીછો છોડવવા માટે દવાદારૂ યા સારા પૌષ્ટિક કહેવાતા પદાર્થોનું સેવન કરવાની જરૂર નથી. આપણી પાયન શક્તિ સારી નહીં હોય તો ઘણા જ મોંઘા અને તાકાતવાળા કહેવાતા પદાર્થોથી પણ કોઇ લાભ થશે નહિ. તે પેટમાં જશે અને પચ્યા વગર મળ દ્વારા બહાર નીકળી જશે. જો તે પદાર્થોનુ પાચન જ ન થાય અને તે પાચન ન થવાથી તેનું લોહી ના બને તો પછી તેના દ્વારા આપણા શરીરને પોષણ ક્યાંથી મળશે ? બળ ક્યાંથી વધશે ? જો આપણી પાચનશક્તિ સારી હશે તો સામાન્ય પ્રકારનું ભોજન પણ ભરપૂર બળ આપશે.

ઘેટાં-બકરાં, જે ઘાસ ખાય છે અને તેમાંથી કેટલી બધી ચરબી પેદા કરી લે છે. ભૂંડને માખણ મલાઇ દૂધ રબડી ખાવા મળતાં નથી તે બિચારૂં એવા પદાર્થો ખાય છે કે જેમાં પૌષ્ટિક તત્ત્વોની માત્રા ઘણી થોડી હોય છે તેમ છતાં તે પોતાની પાચનશક્તિ દ્વારા તે સામાન્ય ભોજનમાંથી જ પોતાના શરીરને હ્રષ્ટપુષ્ટ બનાવી દે છે. બીજા જાનવરોને જોઇએ તો પાડા-બળદ-ઘોડા-હાર્થી વગેરે, પ્રાણીઓને મેવા મીઠાઇથી ભરેલી થાળીઓ પીરસવામાં આવતી નથી. તેમજ તેમને તાકાતની ગોળીઓ ધાતુપુષ્ટિ વટી ખાવા મળતી નથી. તેમ છતાં *તે બધાં સંપૂર્ણ બલવાન હોય છે. મામૂલી ધાસ ખાવાથી તેમના શરીરને જરૂરી રક્ત માંસ પ્રાપ્ત થઈ જાય છે.

કયા ખાદ્યપદાર્થમાં કેટલા વિટામીન તત્ત્વો છે ? કઇ ચીજ કેટલી તાકાતવાળી છે ? આ ઝંઝટમાં પડવાને બદલે એટલું જાણી લેવું જોઇએ કે આપણા શરીરની પાચકત બરાબર કામ કરી રહી છે ખરી ? જે પેટ સારી રીતે કામ કરતું ન હોય તો આ કમજોરી અને બીમારીનુ મૂળ તેને જ સમજવું જોઇએ અને તેના ઉપર જ આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. ખેડૂત જવની ભાખરી, ચણાના શાકની સાથે ખાઇને પણ તંદુરસ્ત રહી શકે છે. બાર કલાક કામ કરે છે અને રાત્રે મીઠી નીંદરનો આનંદ અનુભવી શકે છે પરન્તુ એક શહેરી બાબુ વીણી વીણીને સારામાં સારી કીમતી ચીજોની વાડકીઓ પોતાની ખાવાની થાળીમાં રાખે છે, ધી, રબડી-મીઠાઇ, અથાણું, ચટણી, જુદી જુદી જાતનાં શાકભાજી ખાય છે. દરરોજ નવાં નવાં ટોનિક પીએ છે તેમ છતા તેનું શરીર કરમાયેલું, કમજોર અને દુબળુ પાતળું જ રહે, છે ફક્ત છ કલાક ઓફિસમાં બેસવાથી જ થાકી જાય છે, રાત્રે માથું દુ:ખે છે ઉઘ પણ સારી રીતે આવતી નથી. આ બધો જ ખેલ પાચનશક્તિનો છે. બળ ખાદ્યપદાર્થોમાં નથી. પાચનશક્તિમાં જ બળ છે. મોઢું હોજરી, જઠર ઇત્યાદિ અવયવોમાંથી જે પાચનરસ નીકળે છે તેમાં એવો જાદુ ભરેલો છે કે તે ભોજનની સાથે મળીને ભોજનને પોતાની આવશ્યક્તા પૂરી કરનારૂં બનાવી દે છે. ધેટાં, બકરાંના પાચક રસો ઘાસને એવું બનાવી દે છે કે તેના દ્વારા શરીરમાં પૂરતી ચરબી બની જાય. પાચનશક્તિ સારી હોય તો મનુષ્ય પણ પોતાનાં બલવર્ધક બધા જ તત્વો સાધારણ ભોજનમાંથી જ પ્રાપ્ત કરી શકે છે.

કાયાકલ્પ કરવાની ઇચ્છાવાળાઓએ પહેલી વાત એ ધ્યાનમાં રાખવાની છે કે કૃત્રિમતાને છોડીને સાદું સરલ સાત્ત્વિક અને પ્રકૃતિને અનુકૂળ રીતભાતવાળું જીવન અપનાવે. બીજી ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે પોતાના શરીરની પાચનશક્તિને સારી બનાવવાનો પ્રયત્ન કરે. પાચનશક્તિ સારી છે કે નહિ તે જાણવા માટે એ જોવું જોઇએ કે દરરોજ નિયમીત સમયે ભૂખ લાગે છે કે નહિ ? ખાવામાં આવતો ખોરાક સારી રીતે પચે છે કે નહિ ? દસ્ત સાફ આવે છે કે નહિ ? જો આ બધું બરાબર નથી તો તેને બરાબર કરવાનો પ્રયત્ન કરવો જોઇએ અને જો આ બધુ બરાબર ચાલતુ હોય તો તે ભવિષ્યમાં પણ કાયમી ધોરણે બરાબર ચાલતું રહે તેવો પ્રયત્ન કરવો જોઇએ.

પાચનશક્તિ સારી રાખવા માટે ચાર વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. (૧) ખાવાના પદાર્થોની પસંદગી (૨) ખાવાની રીત (૩) જરૂરી મહેનત (શ્રમ) (૪) અવ્યવસ્થાથી બચાવ. આ ચાર વાતો ઉપર જો ખાસ ધ્યાન આપવામાં આવશે તો પાચનશક્તિ હરહંમેશ સારી રહેશે. જો તેમાં પણ કોઇ દોષ હશે તો તે પણ બહુ જ જલદી દૂર થઇ જશે હવે આ ચાર વાતો ઉપર થોડો પ્રકાશ પાડવામાં આવે છે.

(૧) ખાવાના પદાર્થોની પસંદગી : મનુષ્ય વાંદરા જેવું પ્રાણી છે. વાંદરાનો આહાર ફળ છે. શરીરશાસીઓએ ફળને મનુષ્યના સર્વશ્રેષ્ઠ આહાર તરીકે માન્યતા આપેલી છે. આનાથી વધારે સારો લાભદાયક જલદી પાચન કરી શકાય તેવો જીવનશક્તિ વધારનારો તેમજ શુદ્ધ લોહી બનાવનારો કોઇ ખાદ્ય પદાર્થ નથી. જે પદાર્થો જેટલા વધારે જીવંત હશે તેટલી વધારે જીવનશક્તિ આપી શકશે. શાસમાં કહ્યુ છે કે જીવ જીવન ભોજન છે. જીવનું ભોજન જીવિત પદાર્થ જ છે જેનામાં જીવન જેટલું ઓછું હશે તે આહરા તેટલો ઓછો પોષક હશે. દૂધ અને ફળ જીવિત પદાર્થોમાં મનુષ્યના માટે પહેલા નંબરના ખાધ પદાર્થો છે. તે સરલ અને સજીવ તો છે જ સાથે સાથે તે ઇન્દ્રિયોની રૂચિને અનુકૂળ પડે તેવાં પણ છે. તેના પછીનો બીજો નંબર શાકભાજીનો આવે છે. તે સજીવ તો છે પરન્તુ સ્વાદોન્દ્રિયને અનુકૂળ નથી તે તેના પાકૃતિક રૂપમાં ખાવા લાયક હોતાં નથી. દૂધી, તુરીયું, કોળું, રતાળ, બટાકા અળવી, રીંગણાં, સુરણ, ટીડોળા વિગેરે શાક કાચા ખાઇ શકતાં નથી તેને આગ ઉપર પકાવવાની જરૂરત પડે છે પરન્તુ કેટલાંક શાક એવાં પણ છે કે જે કાચાં ખાઈ શકાય છે જેવા કે ટામેટા, ગાજર, મૂળા, ચીભડું, કાકડી, ભીંડા વગેરે. ત્યારબાદ સૂકાયેલા પદાર્થોનો નંબર લાગે છે. અનાજ, મેવા, વગેરે આ શ્રેણીમાં આવે છે. સૂકાઇ ગયેલા પદાર્થોનો રસ નાશ પામવાના કારણે તે એટલા લાભદાયક રહેતા નથી. સૂકા અનાજને બદલે લીલું અનાજ સારૂં રહે છે. ચણા, વટાણા, બાજરી, જુવાર, ઘઉં વગેરે પોતાની કાચી અવસ્થામાં ધાર્યા કરતા વધુ લાભદાયક હોય છે. સૂકા મેવામાં, લીલો મેવો સારો હોય છે. સૂકી ખારેકને બદલે ભીની ખજુર, દ્રાક્ષ, કીસમીસને બદલે લીલીદ્રાક્ષ, સૂકા નારીયેળને બદલે લીલું નાળિયેળ ચોકકસપણે લાભદાયક હોય છે.

જેના માટે મનુષ્યની અકલ ઓછી વાપરવામાં આવી છે અને જે જેટલા અંશે સજીવ અને પ્રકૃતિ અનુસાર લેવામાં આવે છે તે તેટલા અંશે લાભાદાયક નીવડે છે. ઘઉં અથવા ચણા પાણીમાં પલાળી રાખી જયારે તેના અંકુર ફૂટે તેનામાં ફરીથી સજીવતા આવી જાય ત્યારે તેનુ ભોજન કરવું તે ઉત્તમ છે. ત્યારબાદ મોટું દળેલું અનાજ ભોજનમાં લેવું સારૂં છે ત્યારબાદ ચાળ્યા વિનાના લોટની રોટલી લેવી સારી ગણાય. ચાળેલા લોટની રોટલીનો નબર તેના પછી આવે છે. મેંદાની રોટલી એનાથી પણ ખરાબ છે. કારણ એ છે કે અનાજને જેટલું તેના પ્રાકૃતિરૂપથી દૂર લઇ જવામાં આવશે – તેની અસલી શકલ ને જેટલી હદે બગાડવામાં આવશે – તે તેટલુ જ હાનિકારક બનતું જશે. મોટું દળેલું અનાજ જલદી પચી જાય છે કારણ કે તેમાં અનાજને ઘણા થોડા પ્રમાણમાં દળવામાં આવે છે. મેંદો બનાવવામાં અનાજ કે કચુંબર કરી નાખવામાં આવે છે. પરિણામે મેંદો જલદીથી પચતો નથી અને કબજીયાત ઉત્પન્ન કરે છે. ધી તેલમાં તળવાથી શેકવાથી પકાવવાથી તેનાં (અનાજના) પોષક તત્વો ઘણાં વધારે નષ્ટ થઇ જાય છે. તેથી જ રોટલીને બદલે પૂરી-પકવાન ઘણાં વધારે સત્વહીન બની જાય છે. દૂધના ઉપયોગી તત્ત્વોને અગ્નિ દ્વારા નષ્ટ કરીને તેમાંથી હલવો બનાવવામાં આવે છે તે હાનિકારક બની જાય છે. શેરડીને ચૂસીને ખાવી લાભદાયક છે. પરન્તુ ખાંડ બુરૂ અથવા મીઠાઈ નુકસાનકારક સાબિત થાય છે. એનું કારણ સ્પષ્ટ છે કે જે પદાર્થને પોતાની અકકલ વાપરી જેટલા પ્રમાણમાં તોડવામાં, ભાગવામાં, બાળવામાં અથવા સૂકવવામાં આવશે તે પદાર્થ તેના જ પ્રમાણમાં પોતાની અંદર રહેલાં ઉપયોગી સત્યો-અશોને ખોતો જશે.

ઉપયોગી કે બિનઉપયોગી પદાર્થની પરીક્ષા કરતી વેળાયે એટલું ધ્યાન રાખવું જોઇએ કે આ પદાર્થ પોતાના અસલી પ્રાકૃતિક રૂપમાં જીભને અનુકૂળ છે કે નહિ ? સરસ અને સજીવ છે કે નહિ ? આ કસોટીમાંથી પાર ઉતરનાર પદાર્થોને જ પહેલા નંબરના લાભદાયક માનવામાં આવે. દાડમ, દ્રાક્ષ, સફરજન, વગેરે ધણાં ફળ એવાં છે કે જેને ફક્ત અમીર લોકો જ જરૂરી પ્રમાણમાં મેળવી શકે છે. પરન્તુ ઘણાં ફળ એવાં પણ છે કે જે મધ્યમ વર્ગના લોકો અથવા ગરીબોને પણ સહેલાઇથી મળી શકે છે. સંતરા, જામફળ, લીંબુ, પપૈયું, રાસબરી, કેરી, જાંબુ, ફાલસા, બોર, ટેટી, તરબૂચ, ગાજર, ટામેટાં, ભીંડા, કાકડી વગેરે એવાં ફળ છે કે જે ધણાં મોંઘાં નથી પડતાં, ગરીબ લોકો પણ તેને ખરીદી શકે છે. કાચા અન્નમાં ચાણા, વટાણા અને બાજરી-ધઉં વગેરે ઘણા સ્વાદિષ્ટ લાગે છે તેને થોડાક જ પ્રમાણમાં અગ્નિ ઉપર શેકવામાં આવે તો તેના સ્વાદમાં વધારો થાય છે. ત્યારબાદ તે શાક રહી જાય છે જે કાચાં ખાઇ શકાતાં નથી જેવા. કે દૂધી, તૂરિયુ, પરવળ, પાલક-મેથીની ભાજી, બટાકા વગેરે આ શાકને પાણીમાં ઉકાળીને કામમાં લેવાં જોઇએ. તેનાં છોતરાં કાઢી નાખવાથી અથવા ઉકાળીને તેનો રસ નીચોવી લેવાની પદ્ધતિ ઘણી જ ખરાબ છે. દરેક ફળ, શાકભાજી તેમજ અન્નમાં તેનાં છોતરાં ઘણા જ શક્તિશાળી-પોષક અને ગુણકારક હોય છે. કેરી, દાડમ, સંતરાં, ટેટી, તડબૂચ, જેવાં જે ફળોની છાલ ઉતાર્યા સિવાય ચાલે તેમ ન હોય તેને છોલીને ખાવાં બીજા ફળ યા શાક્ભાજીની છાલ ઉતારવી જોઇએ નહિ. ઘઉંના લોટનું ભૂસું અથવા દાળના છોતરાં કાઢી નાખવાથી તેની તાકાત અડધી રહી જાય છે. આ જ વાત ફળો અને શાકભાજીને પણ લાગુ પડે છે. ઉકાળીને રસ નીચોવી લેવાથી તેનું સત્ત્વ નીકળી જાય છે અને છોનરાં જ ખાવા મળે છે. શાકને ભુડથુ બનાવીને અથવા નિચોવી લીધા સિવાય જ તેને પક્વવું જોઇએ. મરચું મસાલા વગેરે શરૂઆતથી અંત સુધી હાનિકારક છે. જેટલા મીઠાની શરીરને જરૂર હોય છે, તેટલું મીઠું અન્ય શાકભાજી અને ફળોમાં પહેલેથી જ મોજૂદ હોય છે. કદાચ મીઠા સિવાય ચલાવી શકાય તેમ ન હોય તો થોડું મીઠું મેળવવું જોઇએ. મરચા-મસાલાનો ઉપયોગ જેટલો ઓછો કરવામાં આવે તેમાં જ આપણી ભલાઇ છે.

અન્નની અંદર જવું એક એવું અનાજ છે કે જેનાં છોતરાં ફેંકી દેવાં જરૂરી છે. બાકી બધા જ અનાજ તેનાં છોતરાં સાથે જ ખાવાં જોઇએ. ફાડા બનાવીને ખાવાની પદ્ધતિ ઘણીજ સરસ છે. દૂધ અથવા છાશની સાથે પકાવીને પણ ફાડા બનાવી શકાય છે. મગ, મસૂર વગેરેને દળ્યા સિવાય જો આખી દાળ પકાવવામાં આવે તો તે ઘણું જ સારૂં રહે છે. રોટલી બનાવવી હોય તો તે જાડી બનાવવી જોઇએ અને ધીમા તાપે શેકીને ગરમ ગરમ આપવી જોઇએ. બહુ જ પાતળી અને વધારે આગ ઉપર શેકેલી કડક અને કરકરી રોટલી નુકસાનકારક હોય છે. કારણે કે તેના ઉપયોગી તત્વો બળી જતા હોય છે. દાળ શાકને ધી યા તેલમાં રાંધવાથી તેની ઉપયોગિતા નષ્ટ થઇ જાય છે. એકી સાથે કેટલીયે જાનનાં શાક અને દાળ જમવાં ઠીક નથી. જુદી જુદી જાતના પદાર્થોની પચવાની પદ્ધતિ જુદી જુદી હોય છે. તેથી એકી સાથે ધણી બધી ચીજો ખાવાથી પાચનકાર્યમાં ગડબડ ઉભી થાય છે. રોટલીની સાથે એક દાળ યા એક શાક પૂરતું છે. પોતાની જમવાની થાળીને વાડકીઓથી સજાવવાની પ્રથા સ્વાસ્થ્ય માટે ઘણી જ નુકસાનકર્તા છે.

ફળ, દૂધ, દહીં, છાશ તેમજ શાકભાજી વગેરેનું ભોજનમાં પ્રથમ સ્થાન હોવુ જોઇએ. અનાજને ખીચડી ફાડા વગેરે બનાવી સરસ રૂપમાં લેવાનો પ્રયત્ન કરવો જોઇએ આખા ભોજનમાં રોટલીનું પ્રમાણ અડધાથી પણ ઓછુ રહે તે ઘણું સારૂં છે. સાત્ત્વિક અને સ-રસ ભોજન બધા કરતા વધારે બલવર્ધક છે કારણ કે તે જલદી પચી જાય છે. જે જલદી પચી જશે, તેનું શુદ્ધ રસ અને રક્ત બનશો શુદ્ધ રસ રક્ત બનવા ઉપર જ આરોગ્યતા અને શક્તિશાલીનતાનો આધાર રહેલો છે. સ્વાદ અથવા કિમતના આધારે સારા દેખાતા પદાર્થો વાસ્તવિક રીતે જોતાં સારો નહિ પણ ખરાબ છે. પકવાન મીઠાઇઓ-ધી-પનીર વગેરે ગળી ચીજો ઉત્તેજક તેમજ ઉપયોગી તત્ત્વો રહિત બનેલી ચીજો સ્વાદના કારણે પેટમાં કૉસીને ભરવામાં આવે છે પરંતુ તે સારી રીતે પચતી નથી. તે ચીજો પચવામાં પેટની ઘણી શક્તિ ખર્ચ કરાવી નાખે છે, પેટમાં જ સડે છે અને પાચનતંત્રનાં અંગોને નબળા બનાવી દે છે. વળી તેનાથી જે થોડુ ઘણુ લોહી બને છે. તે પણ અશુદ્ધ હોય છે. આ રીતે આવા ગળ્યા, મોંઘા અને વધુ અકકલ વાપરીને તૈયાર કરેલા આ પદાર્થો બધી દૃષ્ટિથી નુકસાનકારક સાબિત થાય છે. સ્વાદના કારણે તે ઘણી મોટી માત્રામાં આપણા પેટમાં પહોંચી જાય છે જે ઘણું વધારે દુ:ખદાયી છે.

બજારમાં મળતા ખાદ્ય પદાર્થો તો આનાથી પણ વધારે ખરાબ હોય છે. દુકાનદાર પોતાનો લાભ મેળવવામાં એવો મગ્ન હોય છે કે ગ્રાહકોની તંદુરસ્તીની ઘાતનું તેને જરા પણ ધ્યાન રહેતું નથી. બજારના હલવા કરતાં ઘરની રાબ લાખ દર્ભે સારી હોય છે. સ્વાદની લોલુપતાને કારણે ખુમચાવાળા અથવા દુકાનદાર પાસે દોડવું એ તંદુરસ્તીની દૃષ્ટિએ એક ઘાતક કુટેવ છે. માંસ-દારૂ-ઈંડા-માછલી ધુમ્રપાન-ભાગ-તમાકુ વગેરેનું મનુષ્યના ભોજનમાં કોઇ સ્થાન નથી. આ વિજાતીય-અવૈજ્ઞાનિક તામસી પદાર્થો માણસના શરીર અને મન ઉપર પોાતાની ઘાતક અસરનો પ્રભાવ પાડ્યા વગર નથી રહેતા. તેનાથી હંમેશાં બચવું જોઇએ અને તેમાંથી કોઇ પદાર્થનો આપણને ચસકો લાગી ગયો હોય તો તુરત જ તેને છોડી દેવો જોઇએ.

SV-02 : પાછા વળો જીવનયાત્રાનો આનંદ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય ? । ઔષધિ વિના કાયાકલ્પ

SV-02 : પાછા વળો જીવનયાત્રાનો આનંદ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય ? । ઔષધિ વિના કાયાકલ્પ

પૃથ્વી ઉપરનાં બધાં જ જીવજન્તુઓની શારીરિક સ્થિતિ ઉપર દૃષ્ટિપાત કરતાં એવું લાગે છે કે મનુષ્ય સિવાય બીજાં બધા જ પ્રાણીઓ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવે છે. આકાશમાં ઊડનારાં પંખીઓ, ઘાસમાં છુપાઇ રહેનારાં પતંગિયાં, જંગલોમાં રહેતાં શાકાહારી તથા માંસાહારી પશુઓ, કીડી મંકોડા જેવા બધી જ જાતના જીવો હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવે છે. તે પ્રાણીઓન કોઇ દિવસ વૈધ યા ડોક્ટરની જરૂર પડતી નથી. તેમજ તેમને ચૂર્ણ, ગોળી, કવાથ, અવલેહ જેવાં ટોનિકોની અને મિક્ષ્ચર, લોશન, પાવડર, એસિડ, ઇંજેક્શન, ઓપરેશન વગેરેની પણ જરૂર પડતી નથી. આ જીવજંતુઓ ઓછી બુદ્ધિવાળાં છે. તેમને આયુર્વેદ યા ચિકિત્સાશાસ્ત્રનું જ્ઞાન નથી. મનુષ્યની સરખામણીમાં શરીરશાસ અને આરોગ્યશાસ્ત્રની જાણકારી તેમને ઘણી ઓછી છે, તેમ છતાં આપણે જોઇએ છીએ કે કોઇ પશુપંખી, ઝાડા, ઊલટી, અતિસાર, કોલેરા, ફોલ્લા, તાવ, ખાંસી પ્રમેહ, દમ, અડવુદ્ધિ વગેરે રોગના શિકાર બનતાં નથી કે રોગના કારણે પીડાથી કણસતા દેખાતાં નથી. પૃથ્વી ઉપરનાં બધાં પ્રાણી ઇશ્વરના આ આનંદમય સામ્રાજ્યમાં પ્રસન્નતાપૂર્વક જીવન જીવે છે. જન્મના દિવસથી જીવનના અંત સુધી તેમને શારીરિક દુ:ખ પડયું હોય તેવું લાગતું નથી. બીજાં દુ:ખોના નિવારણ માટે તો શરીરરૂપી શસ મળેલું જ છે. તે શસ્ત્ર પોતે જ જો કષ્ટ આપનારું બની જાય તો પછી જીવનયાત્રાનો આનદ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય ?

જો ઇશ્વરના આ આનંદમય સામ્રાજ્યમાં કોઇપણ જગ્યાએ કોઇ પણ પ્રાણીને રોગી બનવું પડતું નથી તો પછી મનુષ્ય જ રોગોનો ભોગ કેમ બને છે ? આ પ્રશ્ન ઘણો જ મહત્ત્વનો છે. આ પ્રશ્ન ઉપર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. આપણે જોઇએ છીએ કે સોમાંથી નવ્વાણું લોકો કોઇને કોઇ પ્રકારની સામાન્ય યા ગંભીર બીમારીના શિકાર બનેલા હોય છે. સરકારી હોસ્પિટલોમાં જરા લટાર મારીને ત્યાંના હેવાલ વાંચશો તો તમને જુદા જુદા વિચિત્ર જાતના રોગોથી પીડાતા અનેક રોગીઓનું વિવરણ વાંચવા મળશે. દવાદારૂની દુકાનો ખોલીને લાખો વૈધો અને ડોકટરો બેઠેલા છે. તેમનાં દવાખાનાઓમાં લોકોની ઘણી ભીડ રહેતી જેવા મળે છે. દોરાધાગા કરનારા પણ આ બાબતમાં પાછા પડે તેવા નથી. દવાઓ બનાવનારા અને વેચનારાઓએ સોનાચાંદીના ઢગલા કરી લીધા છે. આ સિવાય અનેક મનુષ્યો એવા છે કે જે શરમ, સંકોચ, ગરીબી કે નિરક્ષરતાના કારણે પોતાના રોગોને છુપાવીને જીવી રહ્યા છે. પોતે દુ:ખ સહન કરી લે છે, પરન્તુ પોતાનો રોગ કોઇને બતાવતા નથી. બેદરકારી, ઉપેક્ષા અથવા પૈસાના અભાવના કારણે ઘણા લોકો પોતાના રોગને છુપાવે છે. જેમના રોગ દેખાય છે તેવા લોકોની સંખ્યા ઘણી મોટી છે. સો માંથી પાંત્રીસ લોકો એવા છે કે જેમના રોગો પ્રત્યક્ષ રીતે દેખી શકાય છે, જ્યારે સો માંથી ચોસઠથી પાંસઠ ટકા લોકો એવા છે કે જેઓ બહારથી નીરોગી લાગે છે, પરન્તુ અંદરથી રોગિષ્ઠ હોય છે. કબજિયાત અજીર્ણ, મંદાગ્નિ, થાકી જવું, શિથિલતા, નબળાઇ, પ્રમેહ, સ્વપ્નદોષ, બળતરા, હાડકાનું ભાગી જવું, કોઇક અંગ ન હોવું વગેરે અનેક રોગો એવા છે કે જેનાથી ઘણાખરા લોકો પીડાય છે અને રોગના પ્રમાણમાં દુ:ખ અને મુશ્કેલી ભોગવે છે.

સો માણસોમાંથી આપણને ભાગ્યે જ એક માણસ એવો મળી કશે કે જેને સંપુર્ણ તંદુરસ્ત કહી શકાય. આનાથી ઊલટું જંગલમાં રહેનારા પશુપંખી, કીટકો, પતંગિયાં વગેરેમાં સોમાંથી કદાચ એકાદ જ એવું જોવા મળે કે જેને રોગી કહી શકાય. રોગોએ મનુષ્યને ઘેરો ઘાલ્યો છે અથવા તો એમ પણ કહી શકાય કે મનુષ્ય જ રોગોને અપનાવ્યા છે. માણસના સંપર્કમાં જે જીવજંતુ આવ્યાં છે તેમને પણ ચેપ લાગ્યો છે. માણસે જે જાનવરોને પાળીને પોતાના સંર્કમાં રાખ્યાં છે તેમને એણે પોતાની ઇચ્છાનુસાર રહેવાની અને કામ કરવાની ફરજ પાડી છે. પરિણામે તે જાનવરોમાં પણ બીમારીઓ આવવા લાગી છે. હવે મનુષ્યોમાં ફેલાતા રોગચાળાની માફક જાનવરોમાં પણ રોગચાળો ફેલાવા લાગ્યો છે અને એના પરિણામે થોડાક જ સમયમાં ઘણાં પશુઓ મરણને શરણ થાય છે. ગાય, બળદ, ભેંસ, ધેટાં, બકરાં વગેરે પ્રાણીઓમાં પણ ક્યારેક રોગચાળો ફેલાય છે. કૂતરા, ઘોડા, ઊંટ, હાથી, પોપટ, તેતર વગેરે પણ હવે બીમાર થવા લાગ્યાં છે. હવે તેમને માટે ઢોરોના દવાખાનાં ખોલવાં પડે છે. આ બધું મનુષ્યની સાથે રહેવાનું પરિણામ છે. પોતાની બીમારીઓની મનુષ્ય પોતાનાં સાથી પશુઓને પણ ભેટ આપી છે, પરંતુ જે જાનવરો મનુષ્યના સંપર્કમાં નથી અને પોતાના આહારવિહાર અને રહેણીકરણીની બાબતમાં સ્વતંત્ર છે તે મનુષ્ય તરફથી ભેટ રૂપે પ્રાપ્ત થતા રોગોથી પોતાની જાતને બચાવી શક્યાં છે. જે પ્રાણીઓ મનુષ્યની જાળમાં જેટલાં વધારે ફસાયેલાં રહેરો તેટલા જ તે વધારે બીમાર રહેશે.

એ એક ખરેખર ઘણા આશ્ચર્યની વાત છે કે બીજા જીવો બુદ્ધિ વિનાના અને સાધનહીન હોવા છતાં નીરોગી જીવન જીવે છે, પરન્તુ એકલો માણસ જ એવો છે કે જે બીમારીની યાતનાઓ ભોગવે છે અને જે પ્રાણીઓને પોતાના સંપર્કમાં રાખે છે તેમને પણ આ નરકમાં ધસડી જાય છે.

મનુષ્યની બુદ્ધિ ધણી તેજ છે. તેણે પોતાના બુદ્ધિબળથી ઘણાં મોટાં મોટાં આશ્ચર્યજનક કાર્યો કર્યાં છે. મોટા મોટા મશીનો બનાવ્યા છે તથા જ્ઞાનવિજ્ઞાનની અનેક શોધો કરી છે. જ્યાં જોઇએ ત્યાં મનુષ્યની બુદ્ધિ શાથી બહેર મારી ગઇ છે તે સમજાતું નથી. એશઆરામ અને ભોગિવલાસની એક એકથી ચઢિયાતી, અદ્ભુત અને અનોખી યુક્તિઓ તેણે અજમાવી છે, પરન્તુ નીરોગી રહેવાની અને લાંબુ જીવન જીવવા માટેની કોઇ સફળ યુક્તિ હજુ સુધી તેના હાથમાં આવી નથી. આ માટે તેણે જેટલા પ્રયત્નો કર્યા છે તે બધાં લાભકારક થવાને બદલે નુકસાનકારક જ સાબિત થયા છે.

શારીરિક તંદુરસ્તી સંબંધી આ વિષમ પરિસ્થિતિ ઉપર ગંભીર વિવેચન કરવાથી એવું લાગે છે કે પ્રાણીનું જીવન પ્રકૃતિના નિયમોની સાથે મજબૂત સૂત્રોથી બંધાયેલું છે. જીવનનું નિર્માણ કરનારી સત્તાએ તેને સુસંચાલિત રાખવા માટે નીતિનિયમોનું નિર્માણ કર્યું છે. આ નિયમોનું જે પ્રાણી જેટલી હદ સુધી પાલન કરે છે તે તેટલું જ નીરોગી જીવન જીવી શકે છે અને જે તે નિયમોનું જેટલું ઉલ્લંધન કરે છે તેટલા જ પ્રમાણમાં તે રોગોનો ભોગ બનતું જાય છે. મનુષ્યની ચાલાકી અને બુદ્ધિ પ્રકૃત્તિ માતાની સામે સફળ થતી નથી. પ્રકૃત્તિ માતા જેટલી દયાળુ છે તેટલી જ નિષ્ઠુર પણ છે તેના નિયમોનું પાલન કરનાર આનંદમય જીવન ભેટમાં મેળવે છે અને તેના નિયમોનો જે ભંગ કરે છે તે તેની સજાને પાત્ર બને છે. રાજકીય કાયદાઓનો ભંગ કરનાર મનુષ્ય ગમે તે યુક્તિથી પોતાની જાતને બચાવી શકે છે, પરન્તુ પ્રકૃતિને છેતરવાનું કામ બહુ અઘરું છે.

પ્રકૃતિના નિયમો એટલા સ્પષ્ટ, સર્વવિદિત અને સ્વાભાવિક છે કે તેમની જાણકારી મેળવવા માટે મોટા પુસ્તકો વાંચવાની યા કોઇ મોટા પુસ્તકાલયમાં જવાની જરૂર નથી. દસ ઇન્દ્રિયો અને અગિયારમી વિવેકબુદ્ધિ એ એવી કસોટીઓ છે કે જે એક જ ક્ષણમાં એ બતાવી આપે છે કે શરીરને તંદુરસ્ત રાખવા માટે શું સારું છે અને શું સારું નથી. ખરા અને ખોટાની ઓળખાણ પાડવામાં તેને જરા પણ વાર લાગતી નથી. ઉપયોગી અને બિનઉપયોગીનો ભેદ તે તુરત જ ખુલ્લો પાડી દે છે. જો આપણી ઇન્દ્રિયોના ચેતવંતા જ્ઞાનતેતુઓને એમના સ્વાભાવિકરૂપમાં સ્વતંત્રતાપૂર્વક તથા વિશ્વાસપૂર્વક કામ કરવા દેવામાં આવે તો તે અક્ષય આરોગ્ય માટે આપણને ઘણુ સારું એવું માર્ગદર્શન આપે છે.

પૃથ્વીના બીજા પ્રાણીઓ પોતાની ઇન્દ્રિયોને પ્રકૃતિએ આપેલ જ્ઞાન ઉપર • જ સંપૂર્ણપણે આધાર રાખે છે અને કાયમ સ્વસ્થ રહે છે. જે ખોરાકનો તેમની ઇન્દ્રિયો સવીકાર કરે છે તે જ આહારને તેઓ ત્રણ કરે છે. બીજી ચીજવસ્તુઓને તેઓ સ્પર્શ પણ કરતાં નથી. બકરી આકડાનાં પાન ખાય છે, પરંતુ જો તે ગાયને ખાવા માટે આપવામાં આવે તો તે ભૂખી રહે છે, પણ એ આહારનો સ્વીકાર કરતી નથી. વરૂ માંસ ખાય છે, પણ જો ભેંસને માંસ આપવામા આવે તો તે ખાતી નથી. પોપટ મરચું ખાય છે, પણ કબૂતર તે ખાતું નથી. મુખના દરવાજા પાસે જીભરૂપી ચોકીદાર પ્રકૃતિએ બેસાડ્યો છે. તે એ વાતનું ધ્યાન રાખે છે કે કઇ ચીજવસ્તુને અંદર જવા દેવી અને કઇ ન જવા દેવી. જીભ એક એવો ડોક્ટર અને વૈજ્ઞાનિક છે કે જેની તપાસ કોઇ દિવસ ખોટી સાબિત થતી નથી, પરન્તુ મનુષ્ય પોતાની બુદ્ધિનો ઉપયોગ આ ચોકીદારને છેતરવામાં, ભ્રમમાં નાખવામાં, નિદ્રાધીન અવસ્થામાં રાખવામાં, અસમર્થ અને બેહોશ બનાવવામાં કરે છે. કાયમ આવા અત્યાચારોને સહન કરતાં કરતાં ઇન્દ્રિયો પણ એના જ બીબામાં ઢળી જાય છે અને હાનિકારક આહારનો જેટલો વિરોધ કરવો જોઇએ તેટલો વિરોધ કરતી નથી. નાની ઉંમરના બાળકને સ્વાદનું જ્ઞાન પૂરેપૂરું હોતુ નથી. તેથી તેની સામે બધા ખાદ્યપદાર્થો મૂકવામાં આવે તો તે તેમાંથી ઉચિત પદાર્થો જ ગ્રહણ કરશે. દૂધ, ફળ, મેવા વગેરે તે ખુશીથી ખાશે, પરન્તુ મરચું, મસાલા, માંસ, ચરબી, તેલ વગેરે તે ગ્રહણ નહીં કરે. રોજે રોજના અત્યાચારોથી આવી ખરાબ આદાત પાડવા છતાં પણ જીભ મરચુ ખાતી વખતે બળે છે. ધણા પદાર્થો એવા છે કે જેમને તેમના અસલી રૂપમાં ખાવામાં આવતા નથી, પરન્ત તેમાં ઘણી રીતો અજમાવીને તથા મરચું, મસાલા, સાકર વગેરે ચીજો નાખીને એવા બનાવવામાં આવે છે કે જીભ તેમનો અસલ સ્વાદ પારખી શકતી નથી. માંસને તેના અસલી રૂપમાં જો ખાવામાં આવે તો તે કાચુ માંસ કોઇથી ખાઇ શકાશે નહિ, પરન્તુ જ્યારે ઘણી રીતો અજમાવી તેને બાફી, શેકી, સૂકવીને તથા મરી મસાલા નાખીને એવું સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે કે લોકો તેને હોંશે હોંશે ખાય છે. તમાકુ, અફીણ, દારૂ, ભાંગ, ચરસ વગેરે નશીલા પદાર્થો એવા છે કે જે ખાતી વખતે જીભને આનંદ થતો નથી, પરન્તુ આદતના કારણે લોકો બળજબરીથી તે પોતાના પેટમાં નાખતા હોય છે. આ બધો જીભ ઉપર થતો અત્યાચાર છે. પ્રકૃતિના ચોકીદાર ઉપર અત્યાચાર કરનારો મનુષ્ય એની સજામાંથી બચી શક્તો નથી. આ સજા તેને શરીરની બીમારીના રૂપે ભોગવવી પડે છે.

નાક દુર્ગંધવાળી જગ્યાએ જતાં જ આપણને હુકમ કરે છે કે અહીંથી નાસો, અહીંની હવા નુકસાનકારક છે. બગીચાની સુગન્ધવાળી અને સ્વાસ્થ્યર્ધક હવામાં નાક પ્રસન્નતા અનુભવે છે. જાણે કે આપણને કહી રહ્યું છે કે અહીંની હવા આપણા માટે ફાયદાકારક છે. આખો પણ ગંદી તથા બિભત્સ વસ્તુઓને જોવામાં નફરત પ્રગટ કરે છે, પરન્તુ સુન્દર, સોહામણી, સુવ્યવસ્થિત તથા તેજસ્વી વસ્તુઓને જોઇને તેમના પ્રત્યે પ્રેમ પ્રગટ કરે છે. તેની આ ઓળખ આપણા માટે નુકસાન યા લાભનો સ્પષ્ટ સંકેત કરે છે. કાન પણ નુકસાનકર્તા, ભયંકર, કર્કશ તથા કડવા શબ્દો સાંભળીને અરુચિ ઉત્પન્ન કરે છે અને મધુર ધ્વનિવાળા આનંદદાયક શબ્દો સાંભળી તેમાં રુચિ લે છે. આવી પરખશક્તિ બધી ઇન્દ્રિયોમાં હોય છે, પરન્તુ દરરોજ જો ખોટી ટેવ પાડવામાં આવે તો ઇન્દ્રિયો પણ તે ખોટી આદતની શિકાર બને છે. કામસેવનનો જ દાખલો લઇએ. પૃથ્વી ઉપરનાં બધાં જ પ્રાણીઓ નર-માદા સાથે જ રહેતાં હોય છે, પરન્તુ જ્યારે માદાને કામસેવનની ઇચ્છા થાય ત્યારે જ નર કામસેવન માટે તૈયાર થાય છે. માદા પણ ગર્ભધારણ કરવાની આવશ્યકતા ઊભી થતાં જ ઉત્તેજીત થાય છે, પરન્તુ તે આવશ્યકતા પૂરી થતાં એક લાંબા સમયગાળા સુધી એટલે કે જ્યાં સુધી બીજીવાર ગર્ભધારણ કરવાની જરૂરિયાત ઊભી ન થાય ત્યાં સુધી બિલકુલ શાન્ત રહે છે. આ સમયગાળા દરમિયાન નરમાદા સાથે સાથે રહેતાં હોવા છતાં કોઇ કામસેવનની ઇચ્છા કરતું નથી આ બાબતમાં મનુષ્ય નામના પ્રાણીએ પોતાની સ્થિતિ કંઇક વિચિત્ર બનાવી દીધી છે. સામાન્ય રીતે મનુષ્ય બધી જ ઇન્દ્રિયોનો દુરુપયોગ કરે છે. ન ખાવાલાયક ચીજવસ્તુઓ ખાવી, સ્વાસ્થ્યને હાનિકારક ગંદી હવામાં રહેવું, ધૃણિત, ગદા ખરાબ દશ્યો તથા પદાર્થો જોવા, કડવા, કર્કશ, શાંતિનો ભંગ કરનારા અરુચિ ઉત્પન્ન કરનારા શબ્દોનો નિ સાંભળવો અતિશય અને અમર્યાદિત કામસેવન કરવું આ બધી વાતો ઇન્દ્રિયોની ઉચિત મર્યાદાઓને તોડનારી છે. આવું જીવન નીરોગી કઇ રીતે રહી શકે ?

દિવસે ઊંઘવું, રાત્રે જાગવું, વીજળીના ઝળહળતા પ્રકાશ સામે ખુલ્લી આંખે જોયા કરવું, ધૂળ, ધુમાડો, ગરમી તથા ગંદકીયુક્ત વાતાવરણમાં રહેવું. આ બધું પ્રકૃતિના નિયમોની વિરુદ્ધ છે. શરીરની ચામડીની બનાવટ સ્વાભાવિક રીતે જ એવી હોય છે કે તે ઠંડી-ગરમીથી શરીરનો બચાવ કરી શકે છે. નાનામાં નાનાં અને કમજોર પ્રાણીઓ પણ ખુલ્લા શરીરે ઠંડી-ગરમીમાં ફરતા હોય છે, પરન્તુ તેમને કદી ન્યુમોનિયા થતો નથી કે લૂ પણ લાગતી નથી ફેશનના કારણે આપણે અનેક કપડાં જેવાં કે બનિયન, ખમીસ, કોટ, ઓવરકોટ એમ ઉપરા છાપરી પાંચ પાંચ કપડાં અને કેટલાંક તો પાછાં બબ્બે ત્રણ ત્રણ પડ, આ રીતે દસ પંદર પડથી શરીર ઢાંકીએ છીએ. પરિણામે ચામડીની ચેતનતા નષ્ટ થઇ જાય છે અને અંદરની ખરાબ હવા જે ચામડીમાંથી નીકળે છે કપડાંમાં ભરાઇ રહેવાથી શરીરને ઘેરી વળે છે. બહારની સ્વચ્છ અને પ્રાણપદ હવા કપડાંમાં રોકાઇ જવાથી ચામડી સુધી પહોંચી શકતી નથી. જેવી રીતે બંધ ઓરડામાં ઉગાડવામાં આવેલ છોડ સ્વચ્છ વાયુના અભાવમાં પીળો પડી જાય છે અને સુકાઇ જાય છે તેવી જ હાલત કપડાંની વણઝારના કારણે આપણા શરીરની થાય છે. મૉ, નાક, કાન, ચહેરો, ગર્દન, હાથના પંજા, વગેરે શરીરનાં જે સ્થાનો હંમેશાં ખુલ્લાં રહે છે તેને ઠંડી અથવા ગરમીનો કોઇ ખાસ અનુભવ થતો નથી. તેવી જ રીતે જો આખું  શરીર ખુલ્લું રાખવામાં આવે તો કોઇ નુકસાન થતું નથી. સાધુ સન્યાસી-ખેડૂત તથા જંગલી જાતિના લોકો સાધારણ રીતે ખુલ્લા શરીરે જીવન જીવતા હોવા છતાં તેમને ઠંડી-ગરમીથી કંઇ પણ કષ્ટ થતું નથી. કપડાંનો ખડકલો શરીરને ઠંડી ગરમીથી બચાવવા માટે નહિ પરંતુ ફેશનના કારણે કરવામાં આવતો હોઇ છેવટે નુકસાનકારક જ સિદ્ધ થાય છે. ઝડપી વાહનોમાં બેસવું એ પણ આવું જ છે. પુરાતન કાળમાં એવા વૈજ્ઞાનિકો મોજુદ હતા કે જે મોટર-રેલ્વે જેવાં ઝડપથી ચાલનારાં વાહનો બનાવી શકે પરન્તુ તંદુરસ્તીની દૃષ્ટિથી તે નુકસાનકારક જણાતાં તેઓએ તેવા વાહનોનું નિર્માણ કરેલ નહિ. વાત એવી છે કે દસ દસ પંદર પંદર માઇલના અંતર ઉપર હવા પાણી જુદાં જુદાં હોય છે. એક સ્થળનો માણસ જ્યારે દૂરના સ્થાને પહોંચે છે અને ત્યાં રહે છે તો ઘણી વાર ત્યાંનાં હવા પાણી તેના શરીરને અનુકૂળ આવતાં નથી અને માણસ બીમાર પડી જાય છે. તે સ્થાનના નિવાસીઓ માટે તો તે સ્થાન સારૂં છે. હવા પાણી પણ અનુકૂળ છે પરન્તુ નવા આગન્તુક માટે તે અનુકૂળ આવતાં નથી. આનુ કારણ એક જ છે કે અકસ્માત અને એકદમ જ હવાપાણીમાં ધણું જ મોટું પરિવર્તન થઇ જાય છે. જેવી રીતે ઠંડા ઓરડામાંથી નીકળીને એક્દમ ગરમ લૂમાં જવામાં આવે અથવા ભારે ગરમીમાંથી આવીને એકદમ સ્નાન કરવામાં આવે તો શરીરને નુકસાન થાય છે તેવી જ રીતે બહુ દૂરના સ્થળના હવા પાણી પણ આવાં જ સંકટ ઉભાં કરે છે. પહેલાના જમાનામાં લોકો ચાલતાં, ધોડા ઉપર, ઉટ ઉપર કે ગાડા મારફતે મુસાફરી કરતા હતા તેથી હવા પાણીમાં રોજ રોજ થોડો થોડો ફેરફાર થતો હતો, જે ધીમે ધીમે સહન કરી શકાતો હતો અને મોટી મોટી યાત્રાઓ વિના વિઘ્ને પાર પડતી હતી. આજે કાશ્મીરના ઠંડા પ્રદેશોમાં ત્રણ દિવસ રહ્યા બાદ સિન્ધના રેતીના ધગધગતા રણમાં ઝડપી વાહનો મારફત જવાય છે જેનાથી એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કે જે સ્વાસ્થ્ય (તંદુરસ્તી) માટે બિલકુલ અનુકૂળ હોતી નથી.

કુત્રિમતાથી અને રોજ રોજ નવી યુક્તિ પ્રયુક્તિથી માણસે ભલે સામાજીક ઉન્નતિ કરી હોય પરન્તુ તેની આ રીતે તેના શરીરની નદુરસ્તીને ઘણું નુકસાન પહોંચાડયું છે. જૂના જમાનામાં જંગલોમાં જીવન વ્યતિત કરનારા આપણા પૂજનીય પૂર્વજો કે જે આજની સિદ્ધિઓનો ખેલ જોવાથી વંચિત રહેલા હોવા છતાં શારીરિક દૃષ્ટિથી તેઓ સંપૂર્ણ સુખી હતા. નીરોગીપણ, બલીષ્તા, શાલીનતા, પરાક્રમ, પૌરૂષ અને દીર્ઘજીવન (દીર્ધાયુષ્ય) તેમને સંપૂર્ણપણે ઉપલબ્ધ હતું. પૌરાણિક કાળના અસામાન્ય પરાક્રમી પુરૂષોના પોરુષભર્યા પુરૂષાર્થથી ઇતિહાસનાં પાનાં ભરેલાં પડ્યાં છે. પુરાતત્ત્વ વિધાની શોધખોળ કરનારને પાંચ હજાર વર્ષ પહેલાંના સમયના મનુષ્યનાં જે હાડપિંજર મળ્યાં છે તેનાથી એવું સિદ્ધ થાય છે કે તે સમયના મનુષ્યના શરીરની ઉંચાઇ લગભગ આઠ ફૂટ હતી. શરીરનું વજન લગભગ ૬૦ કિ.ગ્રા. જેવું થતું હતું. આટલી બધી * જૂની વાતોને જવા દો. હમણાં થોડા સમય પહેલાં એટલે કે સો બસો વર્ષ પહેલાં આપણા પૂર્વજો જેટલું ખાઇ શકતા હતા જેટલું કામ કરી શકતા હતા, જેટલા તંદુરસ્ત રહી શકતા હતા અને જેટલું વધારે જીવન જીવી શકતા હતા તે બધી વાતો આજના માટે ઘણી જ નવાઇ ઉપજાવે તેવી છે. ૪ થી ૫ કિમી. અનાજનું ભોજન કરવાવાળા, ૪૦ થી ૫૦ કિ.મી. ચાલતા મુસાફરી કરવાળા અને ૧૦૦ થી ૧૫૦ વર્ષ સુધી જીવન ટકાવી રાખનારા આજથી થોડા સમય પહેલાં ઘણી મોટી સંખ્યામાં હતા. પરંતુ હવે એક જ શતાબ્દીના સમયમાં આ બધી વાતો હવે અસંભવ દેખાવા માંડી છે.

ફેશનયુક્ત જીવન કૃત્રિમતા-બનાવટ તેમજ પ્રકૃતિ વિરૂદ્ધ આહાર વિહારો • મનુષ્યની તંદુરસ્તી અને દીર્ઘજીવન ઝૂંટવી લીધા છે. જો આ ક્રમ બદલાશે નહિ તો આવતી શતાબ્ધિ સુધીમાં, ગોસ્વામી તુલસીદાસે રામાયણના ઉત્તરકાંડમાં ભવિષ્યવાણી ભાખેલી છે. તે પ્રમાણે નાના અલ્પજીવી મનુષ્યો કલિયુગના અંત સુધીમાં ઘરતી પર રહી જશે. કુદરતના વિરૂદ્ધનું માણસનું આચરણ, મનુષ્યના જીવનના મૂળ આધાર સમા સ્વાસ્થ્યને ખલાસ કરતું જશે. જ્યાં સુધી આ પ્રવાહને રોકવામાં આવશે નહિ ત્યાં સુધી માનવ જાતિની વિટંબણાઓ-વેદનાઓ કોઇપણ રીતે ઓછી થશે નહિ, પરન્તુ વધતી જ જશે.

એટલા માટે જ બીમારી અને નિર્બળતાથી સનાવવામાં આવેલા અને શારીરિક પીડાઓ અને અસમર્થતાના કારણે તડપતા લોકોએ એક વાત કાન ખોલીને સાંભળી લેવી પડશે અને આ વાત સૌભળીને મનમાં એક ગાંઠ વાળી લેવી પડશે કે પ્રકૃતિના કાયદાને તોડવામાં નહિ પરન્તુ તેનું પાલન કરવામા જ તેનુ કલ્યાણ છે. ફેશન, કુત્રિમતા અને ભૌતિક વિજ્ઞાનની ચમક દમકનું કૌતુક આપણા મનનું મનોરંજન તો કરી શકે છે પરંતુ આપણા જીવનના સાચા આનંદમાં વધારો કરી શક્યું નથી. ડોક્ટરની રંગબેરંગી દવાઓ સ્વાસ્થ્યની વૃદ્ધિમાં કોઇ પણ પ્રકારની સફળતા પ્રાપ્ત કરી શકી નથી તેમ જ હવે તેમની કોઇ યુક્તિ કામયાબ નીકળે તેમ લાગતું નથી. પ્રકૃતિ માતા સાથે લડીને નહિ પરન્તુ તેના આજ્ઞાંકિત બાળક બનીને આપણે તેની પાસેથી જીવનદાન પ્રાપ્ત કરી શકીએ છીએ.

એ વાત સાચી છે કે મનુષ્ય-સમાજ આજે એવી પરિસ્થિતિએ પહોંચી ગયો છે કે તેનાથી પ્રકૃતિએ નકકી કરેલ રહેણી કરણી તથા આહાર વિહાર મુજબ પૂરી રીતે આચરણ કરવું શક્ય નથી. પરન્તુ એ વાત પણ એટલી જ સાચી છે કે જે કૃત્રિમતાને, જૂઠી ફેશન, શેખી અને ચટાકાપણના કારણે વધારવામા આવી છે તેમાં થોડી ઘણી કમી કરી શકાય છે. સાત્વિકતા-સ્વાભાવિકતા અને આવશ્યકતાનું ધ્યાન રાખીને જો જીવનક્રમ ચલાવવાની નીતિ અપનાવવામાં આવે તો ખાનપાન અને રહન સહનના જે આડંબરો આજે ફેશન અને સભ્યતાના આધાર દેખાય છે તે વ્યર્થ નિરર્થક અને ભારરૂપ લાગવા માંડશે અને તેને જેમ બને તેમ જલદી છોડી દેવાની ઇચ્છા થશે.

હે કાયાકલ્પની ઇચ્છા કરનારાઓ, હે સ્વસ્થ અને નીરોગી જીવન જીવવાની – ઇચ્છા રાખનારાઓ, આ કૃત્રિમતામય અને પ્રકૃતિ વિરૂદ્ધ આહાર વિહાર છોડો અને પાછા વળો. તે સસ્તો અપનાવો કે જે આપણા પૂજનીય પૂર્વજોએ અપનાવ્યો હતો. ચાલો આપણે આ બનાવટવાળી ચમકદમકવાળી કૃત્રિમતાઓથી પાછા વળીએ. ચાલો આપણે સાદાઇભર્યું સરળ અને નિર્દોષ જીવન જીવીએ. ચાલો આપણે પ્રકૃતિ માતાના ચરણમાં ઉભા રહી આપણી ભૂલોનું પ્રાયાશ્ચિત કરીએ અને તેની પાસેથી તંદુરસ્તી અને જીવનનું દૂધ માગી.એ દયાળુ માતા આપણને દૂધ પાશે અને તેનાથી આપણું કલ્યાણ થશે. ઉચિત આવશ્યક અને જીવનરક્ષાને નજર સમક્ષ રાખી આહાર વિહાર કરવામાં આવે તો મોટા ભાગની નિરર્થક હાનિકારક અને અકુદરતી વાતોમાંથી છૂટકારો મેળવી શકાય છે.

SV-02 : ઔષધિ (દવા) વિના કાયાકલ્પ, ભૂમિકા |  શ્રીરામ શર્મા આચાર્ય  

SV-02 : ઔષધિ (દવા) વિના કાયાકલ્પ, ભૂમિકા |  શ્રીરામ શર્મા આચાર્ય 

તંદુરસ્તી દરેક મનુષ્યનો સ્વાભાવિક અધિકાર છે. પરમાત્માએ દરેક પ્રાણીને એવાં સાધનો આપીને (પૃથ્વી) ઉપર મોકલેલ છે કે જેથી તે નીરોગી અને સ્વસ્થપૂર્ણ જીવન જીવી શકે, પરન્તુ આપણે જોઇએ છીએ કે મનુષ્ય કમજોરી અને બીમારીના પંજામાં બહુ બૂરી રીતે ફસાયેલો છે. દુનિયાનાં બીજાં બધાં જ પ્રાણીઓ સામાન્ય બુદ્ધિવાળી હોવા છતાં નીરોગી જીવન જીવે છે જ્યારે મનુષ્ય વધારે બુદ્ધિશાળી હોવાનો દાવો કરતો હોવા છતાં આ રીતે રોગગ્રસ્ત જીવન જીવે છે તે ખરેખર ઘણા આશ્ચર્યની વાત છે.

મનુષ્ય પોતાના જીવનમાં જીભના સ્વાદને, વિષય વાસનાને તેમજ કૃત્રિમતા અને અપ્રાકૃતિકતાને સ્થાન આપવાના કારણે રોગોનો ભોગ બને છે. માંદગીને નોતરવાની દુ:ખદાયક સ્થિતિ તેણે જાતે જ ઉત્પન્ન કરી છે. જો માણસ પોતાની આ ભૂલ સુધારી લે તો આવી દુ:ખદાયક સ્થિતિમાંથી સહેલાઇથી છુટકારો પ્રાપ્ત કરી શકે.

સ્વાભાવિક તંદુરસ્તી આજે દુર્લભ બની છે. રોગ વગરનું તંદુરસ્ત શરીર એટલે જ દીર્ઘજીવન, સ્ફૂર્તિ, બલિતા, સાહસ, પુરૂષાર્થ વગેરે.

આજના નાદુરસ્ત શરીરવાળા મનુષ્યને જો સ્વાભાવિક તંદુરસ્તી પ્રાપ્ત થાય તો સમજવું જોઇએ કે તેનો કાયાકલ્પ થઇ ગયો. અસ્વસ્થતાનું નિવારણ અને સ્વાભાવિક સ્વાસ્થ્યની પ્રાપ્તિ એટલે જ કાયાકલ્પ. આ કાયાકલ્પ માટે દવાઓની નહિ, પરન્તુ પ્રાકૃતિક નિયમોને અનુસરીને પોતાના જીવનમાં તે પ્રમાણે આચરણ કરવાની જરૂર છે.

આ પુસ્તિકામાં પ્રાકૃતિક આહારવિહાર મુજબ પોતાનુ જીવન જીવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે અને ઘણા સમયથી બગડેલા અંદરના અવયવોની જરૂરી સાફસૂફી કરી તે અવયવોન ફરીથી ચેતનવંતા બનાવવાનો માર્ગ ચીંધવામાં આવ્યો છે. મને વિશ્વાસ છે કે તંદુરસ્તીની દિશામાં આ પુસ્તિકા બધાને ઘણી ઉપયોગી થશે.

– શ્રીરામ શર્મા આચાર્ય

%d bloggers like this: