પંચશીલોને અપનાવીએ, આધ્યાત્મિક ચિકિત્સા તરફ કદમ ઉઠાવીએ, આધ્યાત્મિક ચિકિત્સા
August 9, 2022 Leave a comment
પંચશીલોને અપનાવીએ, આધ્યાત્મિક ચિકિત્સા તરફ કદમ ઉઠાવીએ, આધ્યાત્મિક ચિકિત્સા
આધ્યાત્મિક સ્વાથ્યનો અર્થ સમજીએ, આધ્યાત્મિક ચિકિત્સા તરફ કદમ ઉઠાવીએ. આ એક એવોદૈવી સંદેશ છે, જેને આ સમયે અંતઃકરણ સાંભળી રહ્યું છે. હિમાલયની હવાઓએ જેને આપણા સૌના માટે મોકલ્યો છે. નવરાત્રિની પવિત્ર ક્ષણોમાં એની જ સાધના કરવાની છે. ભગવતી મહાશક્તિને એ જ પ્રાર્થના કરવાની છે, કે અમે બધા આધ્યાત્મિક સ્વાથ્યનો અર્થ અને મર્મ સમજી શકીએ અને ભારત દેશ ફરીથી આધ્યાત્મિક ચિકિત્સામાં અગ્રણી બને. આ સંદેશને બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાનની રજત જયંતીના સુઅવસરે જન-જન સુધી પહોંચાડવાનો છે, કારણ કે સ્વાથ્ય કોઈ એકની સમસ્યા નથી. એક્લા આપણા મહાદેશ ભારતમાં જ નહિ, સમસ્ત વિશ્વના કરોડો લોકો તેનાથી ગ્રસ્ત છે. હકીકત તો એ છે કે જેઓ પોતાને સ્વસ્થ કહે છે, તેઓ પણ કોઈક ને કોઈક રૂપમાં બીમાર છે.
જેમનું શરીર સારું છે તેમનું મન બીમાર છે. આધ્યાત્મિક સ્વાથ્યના અર્થથી લગભગ બધા અપરિચિત છે. જો કે તેનો પરિચય, તેની પરિભાષા એટલી જ છે, કે તન અને મન જ નહિ, આપણો જીવાત્મા પણ પોતાના “સ્વ’માં સ્થિત હોય. આપણી આત્મશક્તિઓ જીવનના બધા જ આયામોમાંથી અભિવ્યક્ત થાય. આપણે ભગવાનના અભિન્ન અંશ છીએ, એ વાત આપણા વ્યવહાર, વિચાર તથા ભાવનાઓથી પ્રમાણિત થાય. જો આવું કંઈક આપણી અનુભૂતિઓમાં સમાયેલું હશે, તો જ આપણે આધ્યાત્મિક સ્વાથ્યનો સાચો અનુભવ કરી શકીશું. તેની સાથે જ આપણા, આપણા બધાનાં કદમ સાહસિક સાધનાઓ તરફ ઊપડવાં જોઈએ. ત્યારે જ આપણે આધ્યાત્મિક ચિકિત્સા તરફ આગળ વધી શકીશું અને ભવિષ્યમાં આધ્યાત્મિક ચિકિત્સક હોવાનું ગૌરવ મેળવી શકીશું.
વાત જ્યારે આધ્યાત્મિક ચિકિત્સાની ચાલી રહી છે ત્યારે તેને કેટલીક ક્રિયાઓ-કર્મકાંડો તથા પ્રયોગો સુધી સીમિત માની લેવામાં આવે છે અને આધ્યાત્મિક જીવન-દૃષ્ટિની ઉપેક્ષા-અવહેલના કરવામાં આવેછે. આ અવહેલનાભરી ઉપેક્ષાના કારણે આ કર્મકાંડ અને પ્રયોગ થોડા જ સમય માટે પોતાના પ્રભાવનું પ્રદર્શન કરી કોઈ અંધારામાં ખોવાઈ જાય છે. આ સત્યને હર હાલતમાં સમજવું જોઈએ કે આધ્યાત્મિક જીવન દૃષ્ટિ જ બધા આધ્યાત્મિક ઉપચારો તથા પ્રયોગોની ઊર્જાનો સ્રોત છે. તેની ઉપેક્ષા કરી શકાય એમ નથી. આ જ કારણે અધ્યાત્મ ચિકિત્સાના સિદ્ધાંતો તથા પ્રયોગોના જેઓ નિષ્ણાત છે, તેમણે પાંચ સૂત્રોને અપનાવવાની વાત કહી છે.
આ સૂત્રોને આધ્યાત્મિક ચિકિત્સાના પંચશીલની સંજ્ઞા આપી શકાય છે. તેને મા ગાયત્રીનાં પાંચ મુખ અને તેમની પૂજામાં કરવામાં આવતો પંચોપચાર પણ કહી શકાય. જેમને આધ્યાત્મિક ચિકિત્સામાં રસ છે તેમણે એ વાતનો સંકલ્પ લેવો જોઈએ કે તેઓ પોતાના વ્યક્તિગત જીવનમાં તેનું સંકલ્પપૂર્વક પાલન કરતા રહેશે.
૧. આપણા આધ્યાત્મિકવિશ્વના વિશ્વામિત્ર બનીએ
જે દુનિયામાં આપણે જીવીએ છીએ, તેનું જ ચિંતન અને વ્યવહાર આપણને જો પ્રેરિત અને પ્રભાવિત કરતાં રહેશે, તો પછી આધ્યાત્મિક જીવન-દષ્ટિ અપનાવવાની આશા નહિવત્ રહેશે. લોકો તો વાસના, તૃષ્ણા અને અહંતાનું પેટ ભરવા સિવાય બીજા કોઈ શ્રેષ્ઠ ઉદ્દેશ્ય માટે નથી વિચારતા, નથી કંઈ કરતા. તેનો પ્રભાવ અને પરામર્શ પણ પોતાના જ વર્તુળમાં ખેંચે છે. જો જીવનમાં આધ્યાત્મિક ચિકિત્સા કરવી હોય તો સૌથી પહેલાં પોતાનો પ્રેરણાસ્ત્રોત બદલવો પડશે, સલાહ માટે નવો આધાર અપનાવવો પડશે, અનુકરણ માટે નવા આદર્શો શોધવા પડશે.
તે માટે આપણે આધ્યાત્મિક ચિકિત્સાના મર્મજ્ઞો અને વિશેષજ્ઞોને પોતાના પ્રેરણાસ્રોત બનાવવા પડશે. હા, સાચું છે, કે આવા લોકો મળવા દુર્લભ હોય છે. દરેક ગલીગૂંચીમાં તેમને શોધી શકાતા નથી. આવી સ્થિતિમાં આપણે એવા મહાન આધ્યાત્મિક ચિકિત્સકોના વિચારોના સંસર્ગમાં રહેવું જોઈએ, જેમનું જીવન આપણને વારંવાર આકર્ષિત કરે છે. યુગઋષિ પરમપૂજ્ય ગુરુદેવ, મહર્ષિ શ્રી અરવિંદ, સ્વામી વિવેકાનંદના સ્તરના કોઈ મહામાનવઆપણા પ્રેરણાસ્રોત હોઈ શકે છે. આમાંથી કોઈક સાથે અથવા આમાંથી બધા સાથે પોતાનો ભાવભર્યો સંબંધ જોડી શકાય છે. પોતાના જીવનની મહત્ત્વપૂર્ણ સમસ્યાઓના સમાધાન માટે તેમના વિચારો અને વ્યક્તિત્વ સાથે પરામર્શ કરવો જોઈએ. આ બધાનું સ્થાન આપણા જીવનમાં પરિવારના સદસ્યો જેવું હોવું જોઈએ. મહર્ષિ વિશ્વામિત્રની જેમ આપણે સંકલ્પપૂર્વક અત્યારે, આ જ ક્ષણે આપણું આ નવું વિશ્વ વસાવી લેવું જોઈએ. દૈનિક ક્રિયા-કલાપો કરવાની સાથેસાથે આપણે આપણો વધુ ને વધુ સમય આપણા આ આધ્યાત્મિક વિશ્વમાં વિતાવવો જોઈએ. આવું થઈ શકે તો આધ્યાત્મિક ચિકિત્સાનો એક અતિશય મહત્ત્વપૂર્ણ આધાર મળી ગયો એમ સમજવું જોઈએ.
૨. સાધના માટે સાહસિક કદમ ઉઠાવીએ
આજના યુગમાં સાધના માટેનું સાહસ કોઈ વિરલા જ કરી શકે છે. આ બાબતમાં વાતો તો ઘણી થાય છે, પરંતુ પ્રત્યક્ષ રીતે કરી બતાવવાની હિંમત ઘણા ઓછા લોકોમાં જોવા મળે છે. બાકીના લોકો તો આમતેમ બહાના બતાવી કાયરોની જેમ મેદાન છોડીને ભાગી જાય છે. આવા કાયર અને ડરપોક લોકોની આધ્યાત્મિક ચિકિત્સા શક્ય નથી. જેઓ સાહસિક છે, તેઓ મંત્રજપ અને ધ્યાન વગેરે પ્રક્રિયાઓના પ્રભાવથી પોતાની આસ્થાઓ, અભિરુચિઓ તથા આકાંક્ષાઓને પરિસ્કૃત કરે છે. તેઓ અનુભૂતિઓના દિવાસ્વપ્નોમાં રાચતા નથી. આ અંગે કરવામાં આવતી ચર્ચા કે ચિંતાના તરંગીપણામાં તેમને વિશ્વાસ હોતો નથી.
તેઓ તો બસ, પોતાની આધ્યાત્મિક ચેતનાનાં શિખરો પર એક સમર્થ અને સાહસિક પર્વતારોહકની જેમ ચઢે છે. જેઓ ખરેખર સાધના કરે છે, તેઓ પળેપળ પોતાના અંતને બદલવા પ્રયત્નશીલ રહે છે. તેમનો વિશ્વાસ વાતોમાં નહિ, પોતાના અંતરાલમાં છુપાયેલા સંસ્કારોના પરિવર્તનમાં હોય છે. આધ્યાત્મિક પ્રયોગોને તેઓ પરિષ્કારની રીતના રૂપમાં ઉપયોગ કરે છે. જેઓ આમાં જોડાયેલા છે, તેઓ આ કથનની સાર્થક્તા સમજે છે. તેમનામાં જ એવું સાહસ પેદા થાય છે, જેના આધારે તેઓ પોતાના સ્વાર્થ અને અહંકારને પગ તળે રગદોળવાનું, કચડવાનું સાહસ ધરાવે છે. કોઈ પણ પ્રકારની શુદ્ધતા તેમને સ્પર્શી શકતી નથી. દુઃખના કંટકોની પરવા કર્યા વગર તેઓ સતત મહાનતા અને આધ્યાત્મિક્તાનાં શિખરો સર કરતા જાય છે.
૩. માલિક નહિ, માળી બનીએ
માલિકીપણાના ભાર નીચે માણસ દબાતા-પિસાતો રહે છે. આ માલિકીની જૂઠી શાન છોડીને માળી બનવાથી જિંદગી હળવીફૂલ બની જાય છે. સંતોષ અને શાંતિથી સમય વીતે છે. આમેય માલિક તો માત્ર એક જ છે – ભગવાન. એ “સૌના માલિક એકાને અવગણીને પોતે માલિક હોવાના આડંબરમાં, જૂઠી અકડાઈમાં રાચવાથી માત્ર મનોરોગો જ પેદા થાય છે. જીવનના સત્યનું ઝરણું સુકાઈ જાય છે. આધ્યાત્મિક ચિકિત્સાના વિશેષજ્ઞોનું માનવું છે, કે આ સંસાર ઈશ્વરનો છે. માલિકી પણ તેની જ છે. આપણને નિર્ધારિત કર્મો માટે માળીની જેમ નિયુક્ત કરવામાં આવેલા છે. ઉપલબ્ધ શરીરનો, પરિવારનો, વૈભવનો વાસ્તવિક સ્વામી પરમેશ્વર છે. આપણે તો બસ, તેની સુરક્ષા તથા સુવ્યવસ્થા માટે જ જવાબદાર છીએ. આવું વિચારવાથી આપણું મન આપમેળે જ હલકું રહેશે અને બિનજરૂરી માનસિક વિક્ષિપ્તતાઓ અને વિષાદોની આગમાં સળગવું નહિ પડે.
આપણે ન ભૂતકાળની ફરિયાદો કરીએ, ન ભવિષ્યની ચિંતા કરીએ,પરંતુ વર્તમાનનો પૂરી જાગૃતિ તેમ જ તત્પરતા સાથે સદુપયોગ કરીએ. નુકસાનમાં ન માથું પછાડીએ, નલાભમાં ખુશીના માર્યા પાગલ ગઈ જઈએ. વિવેકવાન, ધીરજવાન, ભાવનાશીલ ભક્તની ભૂમિકા નિભાવીએ. જે ભાર ખભા પર છે, તેને જવાબદારી સાથે નિભાવીએ અને પ્રસન્ન રહીએ. હા, પોતાનું કર્તવ્ય પૂરું કરવા તથા તેના માટે મરી ફીટવા આપણા તરફથી કોઈ કસર ન રાખીએ.
૪. બરબાદીથી બચીએ
ખોટાં કામોમાં પોતાનું સામર્થ્ય બરબાદ કરવાનું દુષ્પરિણામ સૌ કોઈ જાણે છે. આવા લોકોને દુષ્ટ, કુકર્મી તથા દુરાચારી કહેવામાં આવે છે. તેમને બદનામી મળે છે, તેઓ વૃણિત અને તિરસ્કૃત બને છે, આત્મપ્રતાડના સહન કરતા રહીને સહયોગથી વંચિત રહે છે અને પતનની ખાઈમાં જઈને પડે છે. આ બધું માત્ર આપણા સામર્થ્યના ખોટા નિયોજનથી જ થાય છે. પોતાની શક્તિઓને વ્યર્થમાં ગુમાવતા રહેવાની મૂર્ખતા એ મહાપાપ કરતાં થોડા ઓછા દરજ્જાનું પાપ છે. આમ જોવા જઈએ તો આ કોઈ મોટો દુર્ગુણ લાગતો નથી, પરંતુ તેનાં પરિણામો લગભગ એ જ સ્તરનાં હોય છે. મોટે ભાગે બરબાદીના ચાર પ્રકારો જોવા મળે છે. ૧. શારીરિક શ્રમ-શક્તિને નકામી ગુમાવવી –આળસ, ૨. મનને યોગ્ય હેતુ પાછળ લગાવવાના બદલે તેને આમ-તેમ ભટકવા દેવું – પ્રમાદ, ૩. સમયનો, ધનનો, વસ્તુઓનો, ક્ષમતાઓનો આડેધડ ઉપયોગ કરવો, તેનો બગાડ કરવો – અપવ્યય, તથા ૪. તત્પરતા, જાગૃતિ, સાહસિકતા તથા ઉત્સાહનો અભાવ, અધકચરા મનથી વેઠ ઉતારવાની જેમ કંઈક ઊલટું સુલટું કરતા રહેવું – અવસાદ.
આ ચાર દુર્ગુણોની ચતુરંગિણી સેનાનો કાયમ માટે એક સજગ સૈન્યપ્રહરીની જેમ સામનો કરીએ. ક્યારેય, કોઈ પણ ક્ષણે તેમને આપણા પર હાવી ન થવા દઈએ. આળસ, પ્રમાદ, અપવ્યય અને અવસાદના અસુરો સાથે આપણે પૂરી ક્ષમતા સાથે કામ પાર પાડવું જોઈએ. શ્રમનિષ્ઠા, કર્મપરાયણતા, ઉત્સાહ, સ્કૂર્તિ, સજગતા, વિનમ્રતા, વ્યવસ્થા, સ્વચ્છતા વગેરે આપણા સ્વભાવનાં અંગ હોવાં જોઈએ. આપણે કાયરતા, આત્મહીનતા, દીનતા, નિરાશા અને ચિંતા જેવી કોઈ દુષ્યવૃત્તિને આપણું સામર્થ્ય નષ્ટ કરવાની છૂટ ન આપીએ.
૫. ઉદાર બનવાનું ચૂકીએ નહિ
આધ્યાત્મિક રીતે સ્વસ્થ વ્યક્તિ ઉદારતામાં ક્યારેય પાછી પડતી નથી. કંજૂસાઈ તથા વિલાસિતા બંને આધ્યાત્મિક રીતે રોગી હોવાનાં ચિહુનો છે. ઉદારતા તો પોતાના અસ્તિત્વનો વિસ્તાર છે, પોતાના પરમ પ્રભુ સાથેની ભાગીદારી છે. તેમના આ વિશ્વ-ઉદ્યાનને સજાવવા સાચવવાનું ભાવભર્યું સાહસ છે. જેઓ ભક્ત છે, તેઓ ઉદાર થયા વગર રહી શકતા નથી. એવી જ રીતે જેઓ શિષ્ટ છે તેઓ પોતાનો સમય-શ્રમ સદ્ગુરુને અર્પણ કર્યા વગર રહી શકતા નથી. આપણા ભંડારો ભરેલા રહે અને ગુરુદેવની યોજનાઓ શ્રમ અને અર્થના અભાવે અધૂરી રહી જાય, એ સુયોગ્ય શિષ્યો હોવા છતાં ભલા કેવી રીતે સંભવ છે? આ માત્ર સેવાની દષ્ટિએ જ નહિ, પરંતુ પોતાની આધ્યાત્મિક ચિકિત્સા માટે પણ ઉપયોગી છે. ઉદાર ભાવનાઓ, ઉદાર કર્મ જાતે જ આપણી મનોગ્રંથિઓને ખોલી દે છે. મનોગ્રંથિઓથી છુટકારો મેળવવા માટે ભાવભરી ઉદારતા એક સમર્થ ચિકિત્સા વિધિનું કામ કરે છે.
આધ્યાત્મિક ચિકિત્સાના આ પંચશીલોને પોતાની જીવન-સાધનામાં આજથી અને અત્યારથી જ સામેલ કરી લેવા જોઈએ. જો તેને પોતાના જીવનમાં ઉતારવાનો સતત પ્રયાસ કરવામાં આવે તો આધ્યાત્મિક દ્રષ્ટિએ અસામાન્ય અને અસાધારણ બની શકાય છે. આપણા બધાના આરાધ્ય પરમપૂજ્ય ગુરુદેવ સદાય આ જ માર્ગે ચાલતા રહીને આધ્યાત્મિક ચિકિત્સાના વિશેષજ્ઞ બન્યા હતા. તેમણે બતાવેલો આ જ માર્ગ હવે આપણા માટે છે. આ માર્ગે ચાલીને આપણે આધ્યાત્મિક સ્વાધ્ય સદાને માટે પ્રાપ્ત કરી શકીએ છીએ અને ભવિષ્યમાં એક સમર્થ આધ્યાત્મિક ચિકિત્સકની ભૂમિકા પણ નિભાવી શકીએ છીએ. આપણા ભાવનાશીલ પરિજનો આમાં જરા પણ ચૂકશે નહિ, તેવો વિશ્વાસ છે. તેઓ જાતે તો આ માર્ગે આગળ વધશે જ, પરંતુ બીજાઓમાં પણ આંતરિક ઉત્સાહ જગાવવામાં સહયોગી-સહાયક બનશે. આમ થવાથી આપણા ભારત દેશની આધ્યાત્મિક ચિકિત્સાની પરંપરાને નવજીવન મળી શકશે.
પ્રતિભાવો