૭. સાચી દોલત, ધનવાન બનવાના ગુપ્ત રહસ્ય – શ્રીરામ શર્મા આચાર્ય

સાચી દોલત, – શ્રીરામ શર્મા આચાર્ય

ધનનો સદુપયોગ કરવા માટે તથા સુખ અને સંતોષ અપાવે તેવાં કામોમાં વાપરવાં માટે સંગ્રહ કરવો જોઈએ. પરંતુ ધનસંગ્રહ કરવાની લાલસા જ્યારે તૃષ્ણાનું રૂપ ધારણ કરે છે ત્યારે તે ધર્મ-અધર્મનો ખ્યાલ કર્યા વગર પૈસા લેવાં માંડે છે અને જરૂરિયાતોની ઉપેક્ષા કરીને કંજૂસાઈ કરવા લાગે છે. જ્યારે મનુષ્ય આવું કરવા લાગે છે ત્યારે તેનું ધન ધૂળ બરાબર બની જાય છે. એવું પણ બને છે કે કોઈક માનવી ધનવાન તો બની જાય છે, પણ તેનામાં મનુષ્યતા માટેના જરૂરી ગુણોનો વિકાસ થતો નથી, પરંતુ તેનું ચરિત્ર અત્યાચારી, બેઈમાન અને લંપટો જેવું બની જાય છે. જો ધનના સંગ્રહની સાથેસાથે સવૃત્તિઓનો વિકાસ ન થાય તો સમજવું કે ધન એકઠું કર્યું તે વ્યર્થ ગયું. તેને ધનને સાધન સમજવાને બદલે સાધ્ય સમજી લીધું. ધનનો ગુણ છે ઉદારતા વિકસાવવી અને હૃદયને વિશાળ બનાવવું. કંજૂસાઈ અને બેઈમાનીના ભાવથી એકઠું કરેલું ધન માત્ર દુઃખદાયક જ સાબિત થશે.

જેમનું હૃદય ખોટી ભાવનાથી ક્લુષિત થયેલું હોય, તેઓ કદાચ કંજૂસી કરીને થોડું ઘણું ધન ભેગું કરી લે તો પણ તે તેમને સુખ પહોંચાડવાને બદલે દુઃખદાયક જ નીવડશે. એવા ધનવાનોને હું તો ભીખારી કહીને જ બોલાવીશ કારણ કે પૈસાથી જે શારીરિક અને માનસિક સગવડો મળી શકે છે તે તેમને મળતી નથી પણ ઉપરથી તેને સાચવી રાખવાનું જોખમ ઊઠાવવું પડે છે. જે મનુષ્ય પોતાના આરામ માટે, સ્ત્રીના સ્વાસ્થ્ય માટે, બાળકોના શિક્ષણ માટે એક દમડી પણ ખર્ચવા તૈયાર નથી તેને કોણ ધનવાન કહેશે ? બીજાઓનાં દુઃખોને પથ્થરની જેમ જોતો રહે છે, પણ જો કોઈ શુભ કાર્ય માટે કંઈક આપવાનું કહેવામાં આવે તો તેના પ્રાણ નીકળી જાય, એવા અભાગિયા, મખ્ખીચૂસને ક્યારેય ધનવાન કહી શકાય નહીં. આવા લોકો પાસે બહું જ સીમિત માત્રામાં પૈસા ભેગા થઈ શકે છે, કારણ કે આવા લોકો ફક્ત વ્યાજ કમાવાની જ હિમ્મત કરી શકે છે. જે ધંધામાં મોટા પ્રમાણમાં પૈસા કમાઈ શકાય છે, તેમાં જોખમ પણ એટલું જ રહેલું છે. કંજૂસને પોતાના પૈસા ડૂબી જવાનો ભય છે. તેથી તે કોઈ ધંધામાં લગાડવાને બદલે પોતાની છાતી સાથે જકડી રાખે છે. આ કારણોથી કંજૂસ સ્વભાવવાળો મનુષ્ય મોટો ધનવાન બની શકતો નથી.

તૃષ્ણાનો ક્યાંય અંત નથી, વાસના છાયા સમાન છે. આજ સુધી તેને કોઈ પકડી શક્યું નથી. મનુષ્યજીવનનો ઉદ્દેશ્ય માત્ર પૈસા કમાવાનો જ નથી, પણ એથીયે કંઈક વિશેષ છે. પોમ્પાઈ નગરનાં ખંડેરો ખોદતાં એક એવું હાડપિંજર મળ્યું, જેના હાથમાં એક સોનાનો ટૂકડો ખૂબ જોરથી પકડેલો હતો. સમજાય છે કે મરતી વખતે તેને સૌથી વધારે વહાલું સોનું લાગ્યું હશે. તેથી તેણે સોનું પોતાના હાથમાં લઈ લીધું હશે. એક વાર એક જહાજ જ્યારે ડૂબી રહ્યું હતું, તો બધાય માણસો હોડીઓમાં બેસીને પોતાનો જીવ બતાવવા નાસવા લાગ્યા, ત્યારે એક માણસ ડૂબતા જહાજના ખજાનામાં જઈને સોનું ભેગું કરવા લાગ્યો. સાથી માણસોએ તેને નાસી જવાનું કહ્યું પણ તે તો પોતાની ધૂનમાં જ મસ્ત હતો. જહાજની સાથે તે પણ ડૂબીને મરી ગયો. એક માણસે તપ કર્યું. ભગવાન શંકર પ્રસન્ન થયા. એક થેલી વરદાનમાં આપી. આ થેલી એવી હતી કે, તેમાંથી વારંવાર કાઢવા છતાં એક રૂપિયો તેમાં કાયમ રહેતો. ભગવાન શંકરે એ પણ કહ્યું હતું કે જ્યાં સુધી આ થેલીનો નાશ ન કરે ત્યાં સુધી તેમાંથી નીકળેલો એક પણ પૈસો વાપરી શકશે નહીં. પેલો ગરીબ આદમી થેલીમાંથી વારંવાર રૂપિયો બહાર કાઢતો જ રહ્યો. જમ જેમ રૂપિયા નીકળતા ગયા તેમ તેમ તેની તૃષ્ણા વધતી જ રહી. પછી તો વારંવાર તેમાંથી રૂપિયો કાઢતો જ રહ્યો. અને અંતે કાઢતાં કાઢતાં જ તે મૃત્યુ પામ્યો. એક પણ રૂપિયો ઉપયોગમાં ન લઈ શક્યો. એક વાર અક ભિખારીને લક્ષ્મીજીએ પ્રસન્ન થઈને કહ્યું કે, તારે જેટલા પૈસા જોઈએ તેટલા લઈ લે, પણ શરત એ કે એક પણ પૈસો જમીન પર પડવો જોઈએ નહીં. જો જમીન પર પડશે તો બધા જ પૈસા માટી થઈ જશે. ભિખારી પોતાની થેલીમાં દાબી દાબીને રૂપિયા ભરવા લાગ્યો. એટલા બધા રૂપિયા ભર્યા કે થેલી ફાટી ગઈ અને પૈસા જમીન પર પડી માટી થઈ ગયા. મહંમદ ઘોરી જ્યારે મરવા પડ્યો, ત્યારે તેનો સમગ્ર અજાનો આંખો સમક્ષ મૂકાવ્યો. તે આંખો ફાડી ફાડીને તે ખજાના તરફ જોઈ રહ્યો હતો. આંખોમાં આંસુઓની ધારા હતી. તૃષ્ણાથી પીડાતો કંજૂસ માણસ ભિખારીથી જરાય આગળ નથી, પછી ભલેને તેમની તિજોરીઓ સોનાથી ભરેલી કેમ ન હોય !

સાચી દોલતનો અર્થ છે આત્માને દિવ્ય ગુણોથી સંપન્ન કરવો. સાચું માનો તો હૃદયની સપ્રવૃત્તિઓની બહાર ક્યાંય સુખ શાંતિ નથી. ભ્રમવશાત્ ભલેને આપણે બાહ્ય પરિસ્થિતિમાં સુખ શોધ્યા કરતા હોઈએ. કેટલીકવાર કેટલાક નીચ અને નકામા માણસો અનાયાસે જ ધનવાન બની જતા હોય છે, પણ વાસ્તવમાં તે ધનપતિ નથી, તેઓ વધુને વધુ ગરીબી ભોગવી રહ્યા છે.તેમનું ધન અસ્થિર છે, બેકાર છે. તે ધન મોટા ભાગે તો તેમના માટે દુઃખદાયી જ છે. દુર્ગુણી ધનવાન એક ભિખારીથી વધીને કશું જ નથી. મરતાં સુધી જો ધનવાન રહ્યો હોય તો લોકો કહે છે તે ભાગ્યશાળી હતો. પણ મારા મતે તે અભાગિયો છે કારણ કે આગલા જન્મમાં તો તે પોતાના પાપોનું ફળ ભોગવશે જ, પણ અત્યારે તે ન તો ધન ભોગવી શક્યો કે ન સાથે લઈ જઈ ન શક્યો. જેના હૃદયમાં સપ્રવૃત્તિઓનો વાસ છે તે જ સૌથી મોટો ધનવાન છે; પછી ભલેને બહારથી તે ગરીબીમાં જીવન જીવતો હોય ! સદ્ગુણીનું સુખી બનવું ચોક્કસ છે. સમૃદ્ધિ તેના સ્વાગત માટે દરવાજા ખોલીને તૈયાર ઊભી છે. જો તમે સ્થાયી રહેનાર સંપત્તિ ઈચ્છતા હો તો ધર્માત્મા બનો, લાલચમાં આવીને અધિક પૈસા એકઠા કરવા એ તો દુષ્કર્મ છે, કંગાલિયતનો માર્ગ છે. સાવધાન બની જાઓ. લાલચમાં આવીને સોનું કમાવા તો જાઓ પણ બદલામાં ધૂળ જ હાથમાં આવશે.

એડિસને એક જગ્યાએ લખ્યું છે કે, દેવતાઓ જયારે મનુષ્ય જાતિ પર કૃપા કરે છે, ત્યારે તૂફાન અને દુર્ઘટનાઓ પેદા કરે છે. આના કારણે લોકોનું પૌરુષત્ત્વ જાગૃત બને છે અને પોતાના વિકાસનો માર્ગ મોકળો બને છે. કોઈ પથ્થર ત્યાં સુધી સુંદર મૂર્તિનું સ્વરૂપ ધારણ નથી કરતો, જ્યાં સુધી તે છીણી અને હથોડીનો માર સહન ન કરે. એડમંડ વર્ક કહેતા, “કઠીનાઈ વ્યાયામશાળાના એ પહેલવાનનું નામ છે, જે પોતાના શિષ્યોને પહેલવાન બનાવવા ખૂદ તેમની સાથે લડે છે અને પટકી પટકીને એવા તો મજબૂત બનાવે છે કે, તેઓ બીજા પહેલવાનને પટકી શકે.” જહોન બાનથન ભગવાનને પ્રાર્થના કર્યા કરતા કે, “હે ભગવાન ! ભને વધારે દુ:ખ આપો, જેથી હું વધારે સુખ ભોગવી શકું.” જે વૃક્ષો, પથ્થર અને પર્વતાળ જમીનમાં ઉગે છે અને જીવતા રહેવા માટે શરદી, ગરમી, આંધી-તૂફાન વગેરે સાથે સદાય લડતાં રહે છે તે, બીજાં વૃક્ષોની સરખામણીમાં વધુ મજબૂત અને દીર્ઘજીવી હોય છે. જેમને મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી, તેઓ જીવનભર કોઈ મહત્ત્વપૂર્ણ કામ કરી શકતો નથી. એક તત્ત્વજ્ઞાની કહ્યા કરતો હતો કે મહાપુરુષો દુઃખના ઝૂલણામાં ઝૂલે છે અને વિપત્તિઓનું ઓશિકું વાપરે છે. તકલીફોનો અગ્નિ આપણાં હાડકાંને પોલાદ જેવા મજબૂત બનાવી દે છે. એક વાર એક યુવકે એક અધ્યાપકને પૂછયું, “ શું હું એક દિવસ મહાન ચિત્રકાર બની શકીશ ?” અધ્યાપકે કહ્યું, “નહીં !” પેલાએ કહ્યું “કારણ !” અધ્યાપકે જવાબ આપતાં કહ્યું કે, “તારી પૈતૃક આવકમાંગી તને ઘેર બેઠાં વગર મહેનત કર્યે માસિક હજાર રૂપિયા મળી જાય છે.” પૈસાની બોલબાલામાં માનવીને પોતાના કર્તવ્યપથ દેખાતો નથી અને રસ્તો ભૂલીને તે ક્યાંયનો ક્યાંય જતો રહે છે. લોખંડને વારંવાર ગરમ કર્યા પછી જ કીંમતી ઓજારો મેળવી શકાય છે. હથિયારો તીક્ષ્ણ ત્યારે જ બને છે જ્યારે વારંવાર પથ્થર પર ઘસવામાં આવે છે. સરણપર ચડ્યા વિના હિરામાં ચમક આવતી નથી. ચુમ્બક પથ્થરને વારંવાર ઘસવામાં ન આવે તો તેની અંદર પડેલી ચૂંબકીય શક્તિ સૂષુપ્ત જ પડી રહે છે. ભગવાને મનુષ્યને ઘણી બધી કીમતી વસ્તુઓ આપી છે. આમાં સૌથી મહત્ત્વની છે, મુસીબતો, ગરીબી, આપત્તિ અને અગવડો, કારણ કે અના લીધે જ મનુષ્યને પોતાના ગુણોનો સર્વોત્તમ વિકાસ કરવાનો અવસર મળતો હોય છે. કદાચ ભગવાને દરેક મનુષ્યનાં બધાં જ કામ સરળ બનાવી દીધાં હોય તો આપણે ક્યારનાય આળસુ બનીને મરી ગયા હોત.

જો તમે ગેરરીતિ કરીને લાખો રૂપિયા ભેગા કર્યા હોય તો તેમાં કોઈ મોટું કામ કર્યું નથી. ગરીબોનું લોહી ચૂસીને પોતાનું પેટ વધારી દીધું તો શું તે કોઈ મોટી સફળતા પ્રાપ્ત કરી કહેવાય ? તમારા ધનવાન બનવાથી અનેક વ્યક્તિઓ ગરીબ બની રહ્યા હોય, તમારા વેપારથી અનેકોનાં જીવન પતિત બની રહ્યાં હોય અનેકની સુખશાંતિ નષ્ટ થઈ રહી હોય તો એવી અમીરી પર શરમ છે શરમ !! યાદ રાખજો ! એક દિવસ તમને પૂછવામાં આવશે કે ધન કેવી રીતે મેળવ્યું અને કેવી રીતે વાપર્યું છે ? યાદ રાખજો. એક દિવસ ન્યાયના પાંજરામાં ઊભા રહેવું પડશે અને તે વખતે કરેલી ભૂલો પર પસ્તાવું પડશે. એ વખતે તમે અત્યારે છો તે કરતાં વિપરિત જ સાબિત થશો.

તમને નવાઈ લાગશે કે શું પૈસા વગર પણ કોઈ ધનવાન થઈ શકે છે ? પરંતુ સાચુ માનો આ સંસારમાં એવા અનેક મનુષ્યો છે કે જેમના ખિસ્સામાં એક પૈસોય નથી, અરે જેમને ખિસ્સાં પણ નથી છતાં તેઓ ધનવાન છે. અરે ફક્ત ધનવાન નહીં, એટલા મોટા ધનવાન કે જેમની કોઈ બરોબરી પણ ન કરી શકે જેમનું શરીર સ્વસ્થ હોય, હૃદય અને મન પવિત્ર હોય, વાસ્તવમાં તેજ ખરો ધનવાન છે. સ્વસ્થ શરીર ચાંદીથીયે કીમતી છે, ઉદાર શરીર સોનાથી પણ મૂલ્યવાન છે અને પવિત્ર મન રત્નો કરતાં પણ વધુ કીમતી છે. લોર્ડ કાર્લિંગઉસ કહેતા હતા, “બીજાઓને ધન ઉપર મરવા દો, હું તો વગર પૈસાનો અમીર છું કારણ કે હું જે કંઈ કમાઉં છું, તે ઈમાનદારીપૂર્વક કમાઉ છું.” મહાન તત્ત્વચિંતક સીસરોએ કહ્યું છે, “મારી પાસે ઈમાનદારીથી કમાયેલા થોડા પૈસા છે, પરંતુ તે મને કરોડપતિ કરતાંય વધુ આનંદ આપે છે.” દધિચી, વશિષ્ટ, વ્યાસ, વાલ્મીકિ, તુલસીદાસ, સૂરદાસ, રામદાસ, કબીર વગેરે પૈસા વિનાના ધનવાનો હતા. તેઓ જાણતા હતા કે માનવીનું બધું જ જરૂરી ભોજન મુખ માટે જ શરીરમાં જતું નથી અને નથી મનુષ્યના જીવનને આનંદમય બનાવનાર વસ્તુઓ ખરીદી શકાતી. ભગવાને જીવનરૂપી પુસ્તકના દરેક પાને અમૂલ્ય રહસ્યો છાપેલાં છે. જો આપણે ઈચ્છીએ તો આપણે તેને ઓળખીને જીવનને પ્રકાશપૂર્ણ બનાવી શકીએ. એક વિશાળ હૃદય અને ઉચ્ચ આત્માવાળો મનુષ્ય ઝૂંપડીમાં પણ રત્નનો પ્રકાશ પેદા કરી દે છે. જે સદાચારી છે અને પરોપકારમાં પ્રવૃત્ત છે, તે આલોક અને પરલોક બંનેમાં ધનવાન છે. . પછી ભલેને તેની પાસે ધનનો અભાવ હોય. જો તમે વિનયશીલ, પ્રેમી, નિઃસ્વાર્થ અને પવિત્ર છો તો વિશ્વાસ કરો કે તમે અનંત ધનભંડારના સ્વામી છો.

જેની પાસે પૈસા નથી તે ગરીબ કહેવાશે, પણ જેની પાસે માત્ર પૈસા છે, તે એનાથીયે વધારે કંગાળ છે. શું તમે સબુદ્ધિ અને સદ્ગુણોને ધન નથી માનતા ? અષ્ટાવક્ર આઠ જગ્યાએથી વાંકા હતા અને ગરીબ હતા, પરંતુ જ્યારે જનકની સભામાં જઈને પોતાના ગુણોનો પરિચય કરાવ્યો તો રાજા જનક પણ તેમના શિષ્ય બની ગયા. દ્રોણાચાર્ય જ્યારે ધૃતરાષ્ટ્રના દરબારમાં ગયા ત્યારે તેમના શરીર પર પહેરવાને કપડાંય ન હતાં. પરંતુ તેમના ગુણોને તેમને રાજકુમારોનું સ્વમાનપૂર્ણ ગુરુપદ અપાવ્યું. મહાત્મા ડાયોજનીજની પાસે જઈને દિગ્વિજી સિકંદરે નિવેદન કર્યું, “મહાત્મા ! આપના માટે ક્યો ઉપહાર લાવું ?” તેમને જવાબ આપ્યો, “મારો તડકો મત રોક, એક બાજુ ઊભો રહે. જે વસ્તુ તું નથી આપી શકતો, તે લઈ મત લે.” આ સાંભળી સિકંદરે કહ્યું, ‘“જો હું સિકંદર ન હોત તો ડાયોજનીજ બનવાનું પસંદ કરતો.”

ગુરુ ગોવિંદસિંહ, વીર હકીકત રાય, છત્રપતિ શિવાજી, રાણા પ્રતાપ વગેરેએ ધન માટે પોતાના જીવનનો ઉપયોગ કર્યો નહીં. માનનીય ગોખલેજીને એક વાર એક સાધનસંપન્ન વ્યક્તિએ પૂછ્યું, “આપ આટલા મોટા રાજનીતિજ્ઞ હોવા છતાંય ગરીબાઈમાં કેમ જીવો છો ?’’ એમણે જવાબ આપ્યો, “મારે માટે આટલું પણ ઘણું છે. પૈસા ભેગા કરવા માટે જીવન જેવી મહત્ત્વપૂર્ણ વસ્તુનો મોટો ભાગ નષ્ટ કરી દેવો તેમાં મને તો જરાય બુદ્ધિમત્તા જણાતી નથી.”

ફેંકલિનને એક વાર તેનો ધનવાન મિત્ર એ પૂછવા ગયોકે તે તેનું ધન ક્યા રાખે ?” તેમણે જવાબ આપ્યો, “ તમે તમારી થેલીઓને તમારા માથામાં ઠાલવી દો, જેથી કોઈ એને ચોરી શકશે નહીં.”

તત્ત્વજ્ઞાનીઓનું કહેવું છે કે, “એ ઐશ્વર્યની ઈચ્છા કરનારાઓ ! તમારા તુચ્છ સ્વાર્થને સડેલા અને ફાટેલા ઝભ્ભાની જેમ ઉતારીને ફેંકી દો. પ્રેમ અને પવિત્રતાનાં નવાં વસ્ત્રો ધારણ કરી લો. રોવું, કકળવું, ગભરાવું અને નિરાશ થવાનું છોડી દો. તમારી અંદર વિપુલ સંપત્તિ ભરેલી પડી છે. ધનવાન બનવું હોય તેની ચાવી બાહર નહીં અંદર શોધો. ધન બીજું કશું જ નથી, સદ્ગુણોનું એક નાનકડું પ્રદર્શન છે. લાલચ, ક્રોધ, ઘૃણા, દ્વેષ, છળકપટ અને ઈન્દ્રિયાદિ લાલચોને છોડી દો. પ્રેમ, પવિત્રતા, સજ્જનતા, નમ્રતા, દયાળુપણું, ધીરજ અને પ્રસન્નતા આ બધાંથી તમારા મનને ભરી લો. બસ, પછી ગરીબાઈ તમારે બારણેથી નાઠી સમજો. નિર્બળતા અને દીનતાનાં દર્શન ક્યારેય નહીં થાય. અંદ૨થી એક એવી અગમ્ય અને સર્વ વિજય શક્તિનો આવિર્ભાવ થશે કે જેનો વિશાળ વૈભવ દૂર દૂર સુધી પ્રકાશિત થઈ જશે.

૬. નોકરી, ધનવાન બનવાના ગુપ્ત રહસ્ય – શ્રીરામ શર્મા આચાર્ય

નોકરી, – શ્રીરામ શર્મા આચાર્ય

કદાચ તમે બેકાર હશો. ખૂબ શોધખોળ કરવા છતાંય કોઈ કામ નથી મળતું, દરેક જગ્યાએથી નિરાશાજનક જવાબ મળે છે, વિચારો છો કે દુર્ભાગ્યે તમને ઘેરી લીધા છે. વેપાર માટે મૂડી નથી, ભૂખે મરવાની ઘડી આવી પહોંચી છે. કુટુંબીઓ અને મિત્રો ટોણા મારે છેઅને અનાદર કરે છે. જો આ સ્થિતિએ તમને દુઃખી અને ચિંતિત બનાવી દીધા છે, તો પોતાને વધારે દુઃખી ન બનાવશો. થોડોક સમય શાંત ચિત્તે બેસીને મારી વાતને ધ્યાનપૂર્વક સાંભળી લો. શું તમે સમજો છો કે દુનિયામાં કામ બંધ થઈ ગયાં છે ? શું માણસોની જરૂર નથી ? જો આવું સમજો છો તો ભૂલ કરો છો.

દુનિયામાં અનેક કામ છે અને દરેક જગ્યાએ માણસોની મોટી સંખ્યામાં જરૂર છે. મારે અનેક શ્રીમંત માણસોને મળવાનું થયું છે. તેઓ હમેશાં રોદણાં રડતા હોય છે કે શું કરીએ સાહેબ કોઈ કામ કરનાર માણસો જ નથી મળતા. ઘણાંખરાં કામ માણસોના અભાવે અધૂરાં પડ્યાં છે. કોઈને જો સાચા અર્થમાં માણસ મળી જાય તો તે તેને હીરાની જેમ રાખવા તૈયાર છે. કોઈક મોટા માણસને કેટલાક માણસોની જરૂર હતી. તેણે છાપામાં જાહેરાત છપાવી. આપેલ તારીખ અને સમય મુજબ સેંકડો માણસો આવ્યા. માલિક વારાફરતી બધાંને રૂબરૂ મુલાકાત માટે બોલાવ્યા. ઉમેદવારો બી.એ. અને એમ.એ.નાં પ્રમાણપત્રો બતાવતા હતા પણ તેને એક પણ પ્રમાણપત્ર તરફ નજર નાખવાને બદલે આવનારાઓની ચાલ, વ્યવહાર, બોલવાની ઢબ તથા તેમના હાવભાવ તરફ જ નજર નાખી. જ્યારે મુલાકાત પૂરી થઈ તો બધાંને ઘેર જવાનું કહ્યું અને કહ્યું કે “અહીંયાં ફક્ત માણસોની જરૂર છે, વાંદરાઓની નહીં.” વ્યાવહારિકતાનું જ્ઞાન થવાથી જ માણસ માણસ બને છે. નહીં તો મનુષ્ય અને વાંદરામાં શું ફરક છે ?

જૂઠો દંભ અને કહેવાતી બડાશ એક એવો ભયંકર દુર્ગુણ છે, જેણે આજે મોટા ભાગના નવયુવાનોનું જીવન બરાબદ કરી દીધું છે.ફેશનની ટીપટાપવાળા છોકરાને જ્યારે કોઈ સારો માણસ જુએ છે, તો તેને હસવું આવે છે ફેશન જ નહીં, તેમનું મગજ પણ નવાબ જેવું બનેલું હોય છે. બે ટકે એક ટંક ખાતા હશે તોય વાત તો સાહેબપણામાં જ કરશે. દેશી ફેશનવાળા છોકરા ટાઈ નથી પહેરતા પણ મગજ સાતમા આસમાને જ રાખે છે. જ્યારે કોઈની સાથે વાત કરશે તો જાણે કોઈ ખાનદાન ઘરનો નબીરો ન હોય. આ શેખીખોરી નિરંતર મનમાં રહેવાને કારણે આ ખોટી તુમાખી તેમને કોઈ પણ કામના રહેવા દેતી નથી. મનમાં સમજતા હોય છે કે અમે આડીઅવળી વાતો કરીને બીજાને ઉલ્લુ બનાવીએ છીએ પણ વાસ્તવમાં પોતે જ ઉલ્લુ બને છે. તુમાખી લઈને કોઈની પાસે જાય છે તો ઘૃણા લઈને પાછો આવે છે. તમે ખૂબ સારી રીતે વિચાર કરો કે ખોટી મોટાઈ તમારા મગજમાં નથી ઘૂસી ને ! આ એક એવો મોટો દુશ્મન છે જે આગળને આગળ ચાડી ખાતો ચાલે છે. આ નાલાયકને તમારી પાસે બેસવા દો નહીં.

મનુષ્યનો સ્વભાવ સાદો, સીધો અને સરળ હોવો જોઈએ. આત્મવિશ્વાસ, સચ્ચાઈ અને વિનય આ ગુણો ખૂબ સારી રીતે તમારા સ્વભાવમાં ભેળવી દો. ઉત્સાહ, સ્ફૂર્તિ તથા પ્રસન્નતાને કાયમ તમારા ચહેરા પર ચમકવા દો જાણે કોઈએ પાઉડર લગાવીને મેકપ કર્યો હોય. તમારી સજ્જનતા અને કાર્યશીલતા બીજા સામે પ્રગટ થવા દો પછી જુઓ. જ્યાં જશો અને જગ્યા હશે તો તેમને જરૂરથી નોકરી મળી જશે. ઉત્તમ સ્વભાવ અને ભલમનસાઈની ચાલચલગત સૌથી મોટી લાગવગ છે. આજે તમે બેકાર છો તો બીજા ચાર દિવસ વાળા બેકાર રહો. તમારા સડેલા અને ગોધાયેલા સ્વભાવને હટાવીને દૂર ફેંકી દો જેથી એક ચાડીખોર તો કાયમ માટે ઓછો થાય. જે જ્યાં જાઓ તેના પહેલાં જ ત્યાં પહોંચીને અડી-ચૂગલી કરીને કામ બગાડી દેતો હોય છે.

જો તમે ખૂબ જ રંગબેરંગી અને ભડકાઉ કપડાં પહેરો છો તો તેને ઉતારીને સાદગી ઉપર આવી જાઓ. અપટુ-ડેટ ફેશનના કારણે જ પ્રતિષ્ઠા વધે છે એવું માનવું ભૂલ ભરેલું છે. તમે પાંચ હજાર માસિક કમાનાર અધિકારીઓનું અનુકરણ કરો નહીં, એમની વાત અલગ છે. એક બેકાર માનવીની આટલી ફેશનયુક્ત ટીપાટોપ સાબિત કરે છે કે, આટલું ખર્ચ કરનાર વ્યક્તિ જરૂર ચોરી કરશે અને આ ટીપટાપ પાછળ હરામખોરી છૂપાયેલી જ હશે સાદાં, છતાં સ્વચ્છ કપડાંને વ્યવસ્થિત પહેરો તે પ્રામાણિકતા તથા વિશ્વાસનિયતાનું પ્રતીક છે. સસ્તુ કપડું પહેરવું જરાય ખોટું નથી કે ખરાબ નથી પણ તે ધોયેલું અને સ્વચ્છ હોવું જરૂરી છે. પોતાના મગજ અને રીતભાતને સુધારી મુશ્કેલી દૂર થઈ જશે અને સફળતા પાસે આવીને ઊભી રહેશે.

જે લોકો પાસે મૂડી નથી, તેઓ શરૂઆતમાં મજૂરી કરી શકે છે તમે જે પ્રકારની શારીરિક અથવા માનસિક મજૂરી કરી શકો છો, તે પ્રકારનું સ્થળ તપાસ કરીને શોધી કાઢો. પછી ત્યાં તમારો સંપર્ક વધાશે. જે લોકો કામ આપી શકે તેમની કૃપા મેળવો. કૃપા મેળવવાનો એક જ ઉપાય છે તમારી પાત્રતા સાબિત કરવી, તમે જો એ કામને પાત્ર હશો તો જરૂર કામ મળી જશે. શુદ્ધ હૃદયથી કોઈના કામમાં સરળતાથી મદદ કરવી, પોતાની ક્રિયાશીલતા અને સેવાભાવનાની ખાતરી કરાવવી, તે બીજાં પર પોતાનો પ્રભાવ પાડશે. તમે જેની પાસે જાઓ તેનું કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખો. બની શકે તો નાના મોટા કામ દ્વારા મદદરૂપ થાઓ. અહીં હું ખોટી ખુશામત કરવાનું કે ખોટા મસકા મારવાની વાત કરતો નથી. સ્વભાવમાં સેવા અને સહાયતાનો ભાવ હશે તો સામેની વ્યક્તિને જરૂર પ્રભાવિત કરશે જ. એક વાર કહેવા છતાં કામ ન મળ્યું તો ગુસ્સે ન થાઓ. જ્યારે એ લોકો તમારી પરીક્ષા કરી લેશે તો જરૂરી તમારી મદદ કરશે. જ્યાં ખરેખર જગ્યા કે કામ નથી, તો ત્યાં બેસી રહેવાનો કાઈ અર્થ નથી. પણ જે લોકો મદદ કરી શકે તેમ છે તો તેમની મદદ લેવામાં સંકોચ પણ ન રાખવો જોઈએ. કારણ કે સમગ્ર મનુષ્ય જાત એક સાંકળથી વણાયેલી છે. એકની મદદ વિના બીજાનું કામ થઈ શકતું નથી. જે માણસ આજે આ જગ્યા પર છે, તેને ત્યાં પહોંચવામાં કેટલાય માણસોની સહાયતા અને કૃપા મેળવવી પડી હશે કોને કહું ? શું કહું ? આવું વિચારો નહીં. જેઓ કરી શકે તેમ છે તેમને કામ અપાવવાનું કહો. બાઈબલનો એક મંત્ર છે, “માંગશે તેને આપવામાં આવશે.”

શરૂઆતમાં કોઈ નાનું કામ મળતું હોય તો તેને સ્વીકારી લો. મોટા કામની અપેક્ષામાં બેસી રહેવું અને ભૂખે મરવું વ્યર્થ છે. કોઈ કામ હલકું નથી હોતું. કોઈ મોટો માણસ સામાન્ય કામ કરવા માંડે તો તે સામાન્ય કામ પણ મોટું બની જાય છે. મહાત્મા ગાંધી રેંટિયો કાંતતા હતા તેથી તે નાના ન બની ગયા. કૃષ્ણ ગાયો ચરાવીને ગોવાળીયા ન બન્યા. પણ ગૌસેવાનું મહત્ત્વ વધી ગયું. આથી બેકારીની જગ્યાએ કોઈ નાનું કામ, ઓછા પૈસાનું કામ મળે છે તો, વગર સંકોચે પ્રસન્નતાપૂર્વક તેને સ્વીકારી લો. એવું ક્યારેય ન વિચારો કે નાનું કામ કરવાથી અમારી કક્ષા હલકી થઈ જાય છે, પછી ક્યારેય મોટું કામ નહીં મળે. લાકડાં કાપીને વેચનાર અને ધોબી, ભંગીનું કામ કરનાર ગારફિલ્ડ જો પોતાની પાત્રતાના કારણે અમેરિકાનો રાષ્ટ્રપતિ બની શકે છે તો એવું કોઈ જ કારણ નથી કે એકવાર નાનું કામ કર્યા પછી મોટું કામ ક્યારેય નહીં મળે. જો તમે હીરો છો તો વિશ્વાસ રાખો કે તમારે વધારે સમય ચમારના ઘરમાં પડ્યા રહેવું પડશે નહીં. આમથી તેમ રખડતાં-ભટકતાં છેવટે ઝવેરીની દુકાને પહોંચી જશો. નાના કામને ક્યારેય જવા દેશો નહીં. આંગળી પકડીને આગળ વધો. કામની જગ્યાઓના સંપર્ક કરો. પ્રામાણિકતા વધારો. હું ચોક્કસપણે કહીશ કે તમે બેકાર નહીં રહો અને એક દિવસ સંતોષજનક કામ મેળવી લેશો.

કેટલાય માણસો ભૂખે બેસી રહ્યા છે પણ કામ નાનું છે એમ સમજીને કામ સ્વીકારતા નથી. એક મેટ્રિક ભણેલા બાબુને ખેડૂત, મોચી, વણકર, લુહાર અથવા દરજીનું કામ કરવામાં શરમ આવે છે. તેને તો ઓફિસમાં ખુરશી પર બેસીને કારકુની કરવી છે, જેથી બીજા લોકોને આદરની દૃષ્ટિથી જુઓ. અહીં મને ભારતવાસીઓની બુદ્ધિ પર દયા આવે છે. સદીઓની રાજનૈતિક ગુલામીથી તેમના વિચારો અને દૃષ્ટિકોણ પણ કેટલા ગુલામ થઈ ગયા છે. સત્ય એ છે કે જે પોતાના પૌરુષત્વને તિલાંજલિ આપીને ચાકરીની શુદ્રવૃત્તિનો અંગિકાર કરે છે, તે સંસારમાં પોતાની હીનતાનું પ્રદર્શન કરે છે. આવા મનુષ્યોનો આવી જ ગુલામવૃત્તિવાળા માણસો આદર કરી શકે. પૌરુષત્ત્વને પ્રગટાવવું એ તો પુરુષનો સ્વાભાવિક ધર્મ છે. યોગ્યતાથી ઉપાર્જન કરવું એ સિંહવૃત્તિ છે અને પરાશ્રિત થઈને પેટ ભરવું એ શ્વાન વૃત્તિ છે. મારી દૃષ્ટિએ તો આખો દિવસ તિરસ્કાર સહન કરીને કટકો ખાનાર ભીખારી કરતાં પેલો મોચી વધારે આદરણીય છે, જે પોતાની બુદ્ધિ અને પરિશ્રમથી સરસ જોડું બનાવી લે છે. આ કામ કોઈ નાનું કામ નથી. જે કામના કરનારાઓ હલકા હોય છે તે કામ હલકું હોય છે. ઉદ્યોગી પુરુષો જ્યારે નાનું કામ કરે છે તો તે કામ પણ મહત્ત્વપૂર્ણ બની જાય છે. જો તમે બેકાર હો તો જરા પણ સંકોચ અનુભવશો નહીં કે નાનું કામ કેમ કરાય ! તમારી શરમને એક ખૂણામાં ફેંકી દો અને જે નિર્દોષ કામ સામે આવે તેને સ્વીકારી કરવાનું શરૂ કરી દો. શ્રીમાન ફૂલર કહે છે, “નાનું કામ કરવામાં શરમાવાની કોઈ જરૂર નથી. શરમાવું તો એમને જોઈએ જે ગેરરીતિથી કમાય છે. નિશમોજ ચર્ચનો પાદરી ફલોન્ચર જુવાન થયો ત્યાં સુધી દીવાની વાટ વણીને પેટ ગુજારો કરતો હતો. જ્યારે તે ઉન્નતિ કરીને ઊંચા હોદા પર પહોંચ્યો ત્યારે એક ડૉક્ટરે તેનો પહેલાંનો ધંધો યાદ કરીને ટોણો માર્યો. બિશપે જવાબ આપ્યો, “જો તું મારી જેમ બત્તીઓ બનાવવાનો ધંધો કરતો હોત તો આખો જન્મારો એ જ કરતો હોત મારી જેમ ઉન્નતિ કરી શક્યો ન હોત.’

વૈજ્ઞાનિક ફરીડે લુહારનો છોકરો હતો. બાળપણમાં તેની રુચિ વિજ્ઞાન તરફ હતી. તે રસાયણશાળામાં કામ કરવા ઈચ્છતો હતો.તે પ્રયોગશાળામાં નોકરીની તપાસ કરવા ત્યાં ગયો અને શીખવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. માલિકે તેને બાટલીઓ ધોવા રાખી લીધો. સાથે એ પણ વિચાર્યું કે જો પ્રગતિશીલ સ્વભાવ હશે તો નાનકડા કામમાંથી પણ આગળ વધી જશે; અને જો મૂર્ખ હશે તો મામૂલી કામ કરવામાં શરમ અનુભવી નાશી જશે. ફેરીડે નાઠો નહીં. તેણે બાટલીઓ સાફ કરવામાં અને તૂટેલાં વાસણ ગોઠવવામાં એવી તો કાર્યકુશળતા બતાવી કે માલિકને મોટું કામ આપવા માટે વિવશ થવું પડ્યું અને એક દિવસ તે એ જ રસાયણશાળાનો મહાન વૈજ્ઞાનિક બની ગયો. એક મૂર્તિકાર ખૂબ જ ઊંચી જાતના પથ્થરની ખોજમાં હતો, જેનાથી તે ભગવાન શિવની સુંદર મૂર્તિ બનાવવા માગતો હતો. પણ તેની મરજીનો પથ્થર ક્યાંય ન મળ્યો. આથી તે હતાશ થઈને બેસી રહ્યો. એક રાતે શિવાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે બેસી રહેવા કરતાં તો જેવો પથ્થર મળે તેની મૂર્તિ બનાવવી વધુ યોગ્ય છે. બીજા દિવસથી તેને સામાન્ય પથ્થરમાંથી મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું. એ મૂર્તિ એટલી તો સુંદર બની કે તેની પશંસા ચારે બાજુ ફેલાઈ ગઈ. તમે સંપન્ન બનવા ઈચ્છો છો તો અવસરની શોધ માટે હાથ પર હાથ રાખીને બેસી રહો નહીં. આજે એ સર્વોત્તમ તક છે. મોટું અને સારું કામ નથી મળતું તો કોઈ ચિંતા નથી. નાનકડું કામ શરૂ કરી દો અને નાનામાંથી મોટા બનવાનો પ્રયત્ન કરતા રહો. તમને સફળતા મળી જશે. એક પારસી કહેવત છે, “આજે નાનું કામ શરૂ કરો, કાલે મોટું કામ તમારી પાસે આવીને પ્રાર્થના કરશે કે મને પૂર્ણ કરો.”

વગર મૂડીવાળાઓ માટે મજૂરી એ વેપાર છે કારણ કે શરૂઆતમાં તેઓ કશું કરી શકતા નથ. પણ જેમની પાસે મૂડી છે તેઓએ વેપારમાં જોડાવું જોઈએ નોકરીમાં જેટલો પગાર મળે છે, તેટલું ખર્ચ પણ થઈ જાય છે. ખૂબ જ ઓછા દાખલા એવા મળશે કે નોકરીથી વગર ચોરી કર્યે કોઈ ધનવાન બન્યું હોય મજૂરીમાં આરામથી પેટગુજારો કરી શકાય છે, પણ ધન એકઠું કરી શકાતું નથી. કહ્યું છે કે, “વ્યાપાર વસતેં લક્ષ્મી’ અર્થાત્ લક્ષ્મીનો વેપારમાં વાસ હોય છે જે વસ્તુ જ્યાં હોય ત્યાંથી જ પ્રાપ્ત થતી હોય છે. અર્થાભાવને કારણે મજબૂરી હોય, અથવા તો કોઈ આદર્શ અથવા ઉદ્દેશ્યની પૂર્તિ માટે ગુજરાન ચલાવવું તે અલગ વાત છે. આ સિવાય જે લોકો નોકરી કરીને જીવન વિતાવે છે, તેઓ પોતાની મહાનતા સાથે રમત કરે છે અને એક પ્રાચીન વિદ્વાનના મતાનુસાર, ભાગ્યને વેચી નાખે છે. આવા લોકો વેપાર સિવાય ક્યારેય ધનવાન બની શકતા નથી.

બાકી ભલમનસાઈ અને પરિશ્રમી સ્વભાવવાળાને કામ ન મળે તેવું તો બની શકે જ નહીં. તેને ચોક્કસ ચોક્કસ અને ચોક્કસ કામ મળી જ રહેશે. સદ્ગુણી વ્યક્તિની આજે બધે માંગ છે. દુનિયા તેને છાતીએ લગાડવા હાથ ફેલાવીને ઊભી છે. કચરા, કાંકરાને બહાર ફેંકવામાં આવે છે. તમે કચરો નહીં પણ સદ્ગુણી બનો. મનુષ્ય નહીં પણ માનવ બનો. તમને જરૂર કામ મળી જશે. જો તમારામાં મહત્ત્વાકાંક્ષા હશે, ઉન્નતિ કરવાની અદમ્ય અભિલાષા હશે તો નાનકડાં પગથિયાં ચર ચઢતાં ચઢતાં ઊંચે, ખૂબ ઊંચે એટલે સુધી કે સૌથી ઊંચા પદ પર પહોંચી જશો.

૫. વેપાર, ધનવાન બનવાના ગુપ્ત રહસ્ય – શ્રીરામ શર્મા આચાર્ય

વેપાર, – શ્રીરામ શર્મા આચાર્ય

જો તમે કોઈ વેપાર કરતા હોય અને તેમાં સફળતા પ્રાપ્ત થતી નથી, તો એક દિવસ શાંત ચિત્તથી વિચારો કે આનું કારણ શું છે ? જોવામાં આવ્યું છે કે મોટા ભાગે નીચેનાં કારણોથી સફળતા મળતી નથી. (૧) એવું કામ કરવું જેના તરફ જનતાને રુચિ ન હોય (૨) જે શ્રેણીના લોકો સાથે વ્યવહાર કરવાનો છે તેમની કક્ષા કરતાં કાંતો ઉતરતી કે ચઢતી કિંમતનો માલ રાખવો (૩) સમયની અનુકૂળતાનું ધ્યાન ન રાખવું (૪) પોતાની બિનઆવડતવાળું કામ કરવું (૫) ઉધાર આપવા-લેવાનો વ્યવહાર કરવો (૬) સ્વભાવમાં મધુરતા અને ઈમાનદારીનો અભાવ હોવો (૭) ગ્રાહકને સંતોષ આપવાની કલાનો અભાવ (૮) આળસ.

જો આ આઠ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ઓછી મૂડીથી કરવામાં આવેલો વેપાર પણ ખૂબ જ લાભદાયક સિદ્ધ થઈ શકે છે અને તેનાથી ધન પ્રાપ્ત કરી શકાય છે. તમે ખૂબ જ ઝીણવટપૂર્વક વિચારો મેં ક્યા કારણથી વેપારમાં નુકસાન થઈ રહ્યું છે. કારણ કે રોગનું નિદાન કર્યા વિના તેનો યોગ્ય ઈલાજ કરી શકાતો નથી.

જો કોઈ આકસ્મિક કારણસર પરિસ્થિતિ વિપરિત બની છે અને ભવિષ્યમાં સારી આશા છે તો એ વેપારને પકડી રાખો અને થોડા દિવસ વધુ ખોટ સહન કરો. થઈ શકે તો ગુજરાન પૂરતું કોઈ બીજું નાનું મોટું કામ સ્વીકારી લો અને પેલા જામેલા ધંધાને ચાલુ રાખો. કારણ કે કામ જેટલું જૂનું થાય, વિશ્વાસ તેટલો જ વધતો જાય છે અને વેપાર કરનારની પ્રામાણિકતા મજબૂત થતી હોય છે રોજ રોજ નવા નવા વેપાર બદલનારને અસ્થિર અને અવિશ્વાસુ સમજવામાં આવે છે. થોડાક દિવસ ખોટ સહન કરીને પણ કોઈક લાભદાયક વેપારને પકડી રાખવામાં આવે તો અંતે તે-ખોટને પૂરી કરી દે છે. જો એવું લાગે કે આ ધંધો અમારા બાપદાદાના સમયનો છે અને અત્યારના સમયને અનુરૂપ નથી તો તેમાં ફેરફાર કરી લેવો જોઈએ. જે પ્રકારનો જનસમાજ તમારી સાથે સંબંધ રાખે છે તે મુજબ તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉત્તમ તથા સસ્તી વસ્તુઓનો વેપાર કરો. જો તમારું દિલ તમારી યોગ્યતાની સાક્ષી ન પૂરે તો પહેલાં અનુભવ મેળવી લો. કોઈને ત્યાં રહીને અથવા તો નાના પાયા પર તેને શરૂ કરીને અનુભવ મેળવી શકાય છે. જે લોકો સમયની માંગને સમજી લે છે અને તકનો લાભ લેવાનું ચૂકતા નથી તેઓ હમેશાં ફાયદામાં જ રહે છે. ધંધામાં ‘પ્રદર્શન અને જાહેરાત’ એ આ યુગની ખાસ જરૂરિયાત છે. વસ્તુને પ્રદર્શનમાં રાખવી અને તેના ગુણો દર્શાવવા તે વેપાર વધારવાનું મુખ્ય અંગ છે. પ્રદર્શનના અનેક પ્રકારો છે. અહીં તેનું વર્ણન કરવું શક્ય નથી છતાં જે વસ્તુઓ તમારી પાસે છે તે બધા જોઈ શકે એ રીતે દુકાનમાં મૂકો. આની પાછળ એક મોટું મનોવૈજ્ઞાનિક રહસ્ય છૂપાયેલું છે બહાર પડેલ વસ્તુઓ જોઈને લોકોને પોતાની જરૂરિયાત યાદ આવી જાય છે. સારી વસ્તુઓ અને એ પણ સજાવેલી હોય તો તે વેપારીની પ્રામાણિકતામાં ઓર વધારો કરે છે.

સારાં કપડાં પહેરનારને મોટો માણસ સમજવામાં આવતો હોય છે. ઝભ્ભો પહેરીને ખુલ્લા પગે ફરનાર મહાપુરુષ લાંબા સમય અને પરીક્ષાના અંતે જ ઓળખાય છે, પરંતુ ઊંચી જાતના કીમતી કપડાં તેના મોટાપણાની સાક્ષી પૂરતાં હોય છે. આથી તમે જે કંઈ કામ કરો છો તેમાં સફાઈ, સજાવટ તથા પ્રદર્શનનો પૂરેપૂરો ખ્યાલ રાખો. આના સિવાય આજના યુગમાં સારો વેપાર કરવો શક્ય નથી. બીજો ઉપાય આનાથી પણ મહત્ત્વપૂર્ણ છે. સાચું પૂછો તો પહેલો ઉપાય બીજા ઉપાયનું જ એક અંગ છે. જાહેરાતોમાં ખૂબ શક્તિ છે. હું એવું નથી કહેતો કે જૂઠી જાહેરાતો આપી લોકોનાં ખીસ્સાં કાપો. આપણા દેશમાં એવા ઘણાય ધૂર્તો છે જે નકલી વસ્તુઓનાં ભારે ગુણગાન ગાઈને ચાર આનાની વસ્તુનો રૂપિયો પડાવી લે છે. આ ખૂબ જ ખરાબ છે. આવા માણસો પર બીજી વાર કોઈ વિશ્વાસ કરતું નથી અને જ્યારે તેમની બદનામી ચારે બાજુ ફેલાઈ જાય છે ત્યારે તેમનો ધંધો બંધ થઈ જાય છે. સાચી અને ઉપયોગી વસ્તુનો પરિચય કરાવવો જરૂરી છે કારણ કે એવા ઘણા લોકો જાણતા નથી કે પોતાની જરૂરી વસ્તુ કઈ જગ્યાએથી કિફાયત ભાવે મળશે. સચ્ચાઈ પોતે જ એક ઉત્તમ જાહેરખબર છે. આથી તેની ખ્યાતિ ધીમેધીમે આસપાસના વિસ્તારમાં ફેલાશે. જેમને ખૂબ જ જલદી અને દૂરદૂર સુધી પોતાની વસ્તુનો પરિચય કરાવવો છે તેને માટે જાહેર ખબર ખૂબ જ જરૂરી છે. જે રીતે સજાવટ અને પ્રદર્શનના વિવિધ ઉપાયો આ નાનકડા પુસ્તકમાં લખી શકાય નહીં, તેમ જાહેરાતના પ્રકારોનું પણ વર્ણન અહીં શક્ય નથી. જે લોકોમાં તમારી વસ્તુ વેચાય છે અથવા વેચવા વિચારો છો, વિચાર કરો કે તેમની પાસે સમાચાર કેવી રીતે પહોંચી શકે ? જો અશિક્ષિત ગામડાના લોકો પાસે પહોંચાડવી છે તો પ્રત્યક્ષ પ્રદર્શન જરૂરી છે. એજ રીતે શિક્ષિત લોકો પાસે છાપાઓમાં જાહેરાત આપીને, પેમ્ફલેટ છપાવીને, દિવાલો પર પોસ્ટર ચોંટાડીને સૂચના પહોંચાડી શકાય છે. આજે તો નવા નવા અને પોતાની બુદ્ધિ અનુસાર વિવિધ પ્રકારની જાહેરખબરો આપવાની પદ્ધતિઓ શોધી રહ્યા છે. તમે પણ અવલોકન કરીને તમારા ધંધાને અનુરૂપ ઉપાય પસંદ કરી શકો છો. યાદ રાખો કે આ યુગમાં પ્રદર્શન અને જાહેરાત વેપારના ડાબોજમણો બે હાથ છે. આના અભાવમાં વેપારનો વિકાસ કરવો કઠિન છે.

તમો જે ધંધો કરો છો તે આળસ, ઉદાસીનતા તથા અધૂરા મનથી કરો નહીં. સમગ્ર મન ધંધા પર એકાગ્ર કરી દો. તમારા ધંધાને એક ખેલ સમજો અને તેમાં પૂરેપૂરો રસ કેળવો. એકાગ્રતામાં મોટી શક્તિ રહેલી છે. મન આડુંઅવળું ભટક્યા વગર જ્યારે એક જ કામ પર એકાગ્ર થાય છે, ત્યારે ઉન્નતિના અનેક માર્ગો સુઝતા હોય છે. જ્યારે સમય મળે ત્યારે આડીઅવળી વાતો કર્યા વગર, પોતાના ધંધા વિશે વિચારો. તેમાં સુધારોવધારો કરવાનું વિચારો. શોધ કરવાથી ઘણું બધું મળતું હોય છે. આ શોધખોળમાં ક્યારેક એવી ચાવી હાથ લાગી જતી હોય છે, જેના વડે સોનાથી ભરેલા ખજાનાનું તાળું ખુલી જાય છે.

આજે તો ઉધાર આપવા-લેવાનો રિવાજ બની ગયો છે. આ ખૂબ જ ખરાબ બાબત છે. વેચીને પૈસા આપી દેવાય તેટલા સમય સુધી માલ ઉધાર લઈ શકાય. આમાં કોઈ નુકસાન નથી. આ તો વ્યાપારિક વ્યવહાર છે. પરંતુ અનિશ્ચિત સમય માટે પૈસા વ્યાજે લેવા અને પરત આપવાની બિલકુલ વ્યવસ્થા ન કરવી તે વેપાર માટે સત્યાનાશ બરાબર છે. વ્યાજ ખોટ, મનની ચિંતા, આશંકા, માનસિક દબાવ, પ્રતિષ્ઠામાં ઊણપ આ બધી જ બાબતો ઉધાર લેવાથી પેદા થાય છે અને એક દિવસ ઉન્નતિની જગ્યાએ પડતી લાવીને મૂકી દે છે. ગ્રાહકોને ઉધાર આપવું તે રૂપિયા અને ગ્રાહક બંને ગુમાવવા જેવું છે. દેવાદાર પૈસા આપી શકતો નથી પરિણામે લેવડ-દેવડ બંધ કરી દેવી પડે છે. એક વિદ્વાનનું કહેવું છે કે, “જેની સાથે તમારે મિત્રતા રાખવી હોય તેની સાથે ન તો લેવડ-દેવડ કરો કે ન વાદવિવાદ કરો.’’ જોવામાં આવ્યું છે કે ખરાબ સમય આવ્યે ઉધાર આપનાર બરબાદ થઈ જાય છે અને મિત્રો પોતાના શત્રુ બની જાય છે. તમારે તમારા ગ્રાહકો સાથે વિનય નમ્રતા તથા ઉદારતાપૂર્વકનો વ્યવહાર રાખવો જોઈએ. એક કરોડપતિ વેપારીનું કહેવું છે કે,

“ગ્રાહક અમારો માલિક છે કોઈ પણ ગ્રાહકને કશું જ ન કહો. જ્યારે ગ્રાહક કંઈ જ ન લે ત્યારે દુકાનદારો ખરું ખોટું સંભળાવે છે. આવા દુકાનદારો વેપારને લાયક નથી. તમે ગ્રાહકને તમારો શિકાર નહીં પણ અતિથિ સમજો. તે જે કંઈ જાણવા માગતો હોય તે તેને પ્રેમપૂર્વક કહો, જેથી તે તમારા પ્રમ, ભાવના અને નમ્ર વ્યવહાર પર મુગ્ધ થઈ જાય. ચીડિયા દુકાનદારો, ગ્રાહકની રૂપિયાનો માલ લેવાની ઈચ્છા હોવા છતાં, તે આઠ આનીની જ વસ્તુ વેચી શકતા હોય છે પરંતુ વિનયી, નમ્ર અને મધુર વાણીવાળા દુકાનદાર તેજ આગ્રહ પાસેથી એની જગ્યાએ પાંચ રૂપિયાનો માલ આપી શકે છે. ગ્રાહકને સંતોષ આપવો એ એક એવો ગુણ છે જેનાથી વેપારી ધનવાન બની શકે છે. ઉત્તમ સ્વભાવવાળા દુકાનદાર પાસે ગ્રાહક હમેશાં દોડીને આવતો હોય છે. ગ્રાહકની અંગત વાતોમાં રસ લેવો, સલાહ આપવી, મદદ કરવી અને ક્યારેક કંઈક ભેટ પણ આપવી. આ વાતો જોવામાં સામાન્ય લાગે પણ આનાથી અદ્ભૂત પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. જે પોતાની ભલાઈ અને ઈમાનદારીની છાપ ગ્રાહક ઉપર બેસાડી દે છે, તે સમજી લે કે સાક્ષાત્ લક્ષ્મીજીને પ્રસન્ન કરીને પોતાના ઘરમાં બેસાડી દે છે. પરિશ્રમ, ઉદ્યોગ, મહેનત, વસ્તુઓ એકત્ર કરવી, સ્ફૂર્તિ સાથે તક ઝડપી લેવી, મોકો ન ચુકવો વગેરે એવી તકેદારી રાખવાની બાબતો છે જે વેપારને વધારનારી છે. બિચારા આળસુ માણસો આ વાતોને ક્યારેય નહીં સમજે અને ભાગ્યને દોષ દેતા રહેશે.

સંભવ છે તમારો વેપાર જમાનાને અનુરૂપ ન હોય અથવા વસ્તુઓ સમય પહેલાંની છે અથવા એ વસ્તુઓ સાથે તમારી રુચિ ઓછી હોય, તો તમારી રુચિ, સમય અને જમાનાને અનુરૂપ વેપાર બદલી લેવો જોઈએ. જો તમે વર્ષોથી એક જ પ્રકારનો ધંધો કરતા હોય અને હવે બદલવાની જરૂર જણાય છે તો તેને મળતો ફેરફાર કરો કારણ કે વર્ષો સુધી એક જ પ્રકારનું કામ કરવાથી શક્તિઓ પણ તે પ્રમાણે વિકસિત થઈ ગઈ હોય છે. પાછળથી તેને દબાવીને નવી યોગ્યતા પ્રાપ્ત કરવી કઠિન બની જાય છે. પરંતુ એવા નવયુવકો જે હજુ પોતાના કાર્યમાં વિશેષ પ્રવીણ થયા નથી તેઓએ પોતાની રુચિ અનુસાર પોતાનો ધંધો બદલી લેવો જોઈએ. નવું કામ શરૂ કરતાં પહેલાં તે બાબતનો અનુભવ મેળવી લેવો અત્યંત જરૂરી છે. કારણ કે અનુભવ વિના લાભદાયક વેપારમાં પણ ખોટ જવાની પૂરી સંભાવના છે.

જો તમે પગાર લેનાર નોકર નથી અથવા તો ભીખ માંગતા નથી તો તમારી ગણના વેપારીમાં જ થશે. દરેક વેપારીઓ ઉપરોક્ત બાબતો ખૂબ સારી રીતે સમજી લેવી જોઈએ અને પોતાના કાર્યમાં કોઈક ખામી જણાય તો સંશોધન કરવું જોઈએ અને જરૂરી સુધારા, દેઢતા અને સ્થિર બુદ્ધીથી કરવામાં આવશે તો મરેલો વેપાર સમજી બની જશે અને ખોટ કરનાર દુકાન નફો કરવા લાગશે.

૪. ધન શું છે ?, ધનવાન બનવાના ગુપ્ત રહસ્ય- શ્રીરામ શર્મા આચાર્ય

ધન શું છે ? – શ્રીરામ શર્મા આચાર્ય

ધનવાન બનતાં પહેલાં વિચારવું જોઈએ કે આ ધન શું છે ? અને તેને કેવી રીતે મેળવી શકાય છે? ફક્ત રૂપિયા, પૈસા કે સોના-ચાંદીના ટૂકડા જ ધન નથી. નથી તો આ બધાં સૌભાગ્ય સાથે આવતાં કે નથી દુર્ભાગ્ય સાથે જતાં રહેતાં. પ્રાચીન સમયમાં રૂપિયા-પૈસાનું ચલણ ન હતું. વસ્તુ વિનિમય ચાલતો અથવા શ્રમનું વસ્તુમાં પરિવર્તન થતું હતું. જેમ કે એક વ્યક્તિ આઠ કલાક પરિશ્રમ કરે તો તેના બદલામાં તેને પાંચ કિલો અનાજ આપવામાં આવે. આ થયું શ્રમથી વસ્તુનું પરિવર્તન. વસ્તુથી વસ્તુનું પરિવર્તન એટલે એક વ્યક્તિ પાસે ગોળ છે અને તેને ધી જોઈએ છે. તો તે સાત શેર ગોળ આપીને એક શેર ઘી મેળવી લે. વસ્તુ રાખવામાં, લાવવા-લઈ જવામાં તકલીફ પડતી હતી આથી તેનું સ્થાન રૂપિયા પૈસાએ લઈ લીધું. વસ્તુઓ પણ મહેનતથી જ પેદા થાય છે.

આથી અદૃશ્ય પરિશ્રમ તત્ત્વનું દૃશ્ય સ્વરૂપ ધન છે. ધન એ જ વસ્તુ છે. એક મહિનો નોકરી કરવાથી ૧૦૦ રૂપિયા મળે એનો અર્થ છે સો રૂપિયામાં ખરીદવાની વસ્તુઓ મળી. ધન ઉપાર્જનનો અર્થ આપણે એ સમજવાનો નથી કે રૂપિયા પૈસા કોઈ અચાનક મળી જતી વસ્તુ છે અને આમની આમ પડેલી ગમે ત્યાંથી પ્રાપ્ત કરી શકાય છે.
માની લો કો તમને એક કલાક કામ કરવાના બદલામાં એક શેર અનાજ મળે છે. હવે તમે ઈચ્છો છો કે મારી પાસે પાંચ મણ અનાજ ભેગું થઈ જાય. તો એના માટે તમારે બે ઉપાય કરવા પડશે. વધુમાં વધુ મહેનત અને ઓછામાં ઓછુ ખર્ચ. દશ કલાક કામ કરશો તો આઠ શેર અનાજ બચી જશે. આ રીતે બાર દિવસમાં પાંચ મણ અનાજ ભેગું થઈ જશે. ભેગું કરવા માટેનો આ જ એક સીધો સાદો ઉપાય છે.

જો તમે ઓછા સમયમાં વધારે ધન ભેગું કરવા ઈચ્છતા હો તો ઉપાર્જન શક્તિ વધારો. ફક્ત શારીરિક પરિશ્રમથી જ નહીં, પરંતુ માનસિક યોગ્યતા તથા પરિશ્રમના બદલામાં પણ પૈસા મળે છે. સાચી વાત તો એ છે કે શારીરિક શ્રમ કરતાં માનસિક શ્રમનું મહત્ત્વ હજાર ઘણું વધારે છે. ભાર ઉપાડનાર કૂલી નિશ્ચિત સીમાથી વધુ પૈસા કમાઈ શકતો નથ, પરંતુ બુદ્ધિયુક્ત શ્રમની બાબતમાં આ પ્રતિબંધ નથી. કૂલી કરતાં વેપારી શરીરથી ઓછી મહેનત કરે છે. પણ બુદ્ધિથી વધુ કામ કરે છે. કામની પણ વિવિધ કક્ષાઓ હોય છે. જેમ કે એક પંખો ખેંચનાર કરતાં મિલના મશીન ઉપર કામ કરનાર મજૂરને વધારે પગાર મળતો હોય છે. એ જ રીતે સામાન્ય બુદ્ધિ કરતાં વિશેષ યોગ્યતાયુક્ત બુદ્ધિનું વિશેષ મહત્ત્વ હોય છે. જે લોકો ખૂબ ઝડપથી પૈસા કમાય છે, તે તેમની બુદ્ધિની ઉત્તમતાની જ કીમત છે.

સદ્ગુણો તીક્ષ્ણ બુદ્ધિ કરતાંય વધારે કીમતી છે. ખૂબ શારીરિક અથવા માનસિક મહેનત કરવાથી તથા તીક્ષ્ણ બુદ્ધિ અથવા પ્રકાંડ વિદ્યાના બદલામાં જ વધારે પૈસા મળે છે અને તેને વ્યવસ્થિત રીતે ખર્ચ કરવાથી ધનવાન બને છે; પરંતુ સદ્ગુણોનું મહત્ત્વ આનાથી પણ ઊંચું છે. ઈમાનદારી, ઉદારતા, પ્રેમ, કર્તવ્ય નિષ્ઠા આ બધાંની સાથે બીજો કોઈ ગુણ નથી તો કોઈ ચિંતા નથી. જો કે જાડી બુદ્ધિના માનવીઓને એવું કહેતા પણ સાંભળ્યા છે કે, આ જમાનો ખરાબ છે, અત્યારે તો કપટી અને બેઈમાન તથા ભ્રષ્ટાચારી જ ધનવાન બની શકે છે, પરંતુ તેમનો આ વિચાર માત્ર ભ્રમ છે. બેઈમાનીથી કોઈને એક કે બે વાર છેતરી શકાય છે પણ પછીથી તેને પડખે કોઈ જ ઊભું રહેતું નથી. સત્યમાં આનાથી ઉલટો ગુણ છે. શરૂઆતમાં સત્યનિષ્ઠ વ્યક્તિની આવક ભલેને ઓછી હોય, પણ અંતમાં તે જૂઠી અને બેઈમાન વ્યક્તિ કરતાં વધારે લાભમાં હશે. અમેરિકાના એક પ્રસિદ્ધ ધનકુબેરનું કથન છે કે, “મારા વહીવટે કરેલી ઉન્નતિ સત્યપૂર્ણ વેપારની લીધે છે. અમે ખરાબ માલ આપીને અથવા વધારે પૈસા લઈને આજ સુધી કોઈ પણ ગ્રાહકને નારાજ કર્યો નથી. એક બીજા કારખાનાવાળાનું કહેવું છે કે, “ઓછો નફો, સારો માલ અને સર્વ્યવહાર” આ ગુપ્ત સિદ્ધાંતો છે જેને અપનાવીને અમારું નાનકડું કારખાનું આટલું મોટું બની ગયું. બજારનો વિશ્વાસ છે, જેના આધારે ઉધાર માલ મળી રહે છે. શું ઈમાનદારી વગર મળવું શક્ય છે ? થોડાક દિવસમાં વધારે મેળવી લેવાની ઈચ્છામાં ગેરરીતિનો વ્યવહાર કરનાર એ મૂર્ખનો ભાઈ છે, જેને એક જ દિવસમાં ધનવાન થવા માટે રોજ સોનાનું એક ઈંડું આપનાર મરઘીનું પેટ ચીરી નાખ્યું હતું.

દુઃખની વાત તો એ છે કે લોકો બુદ્ધિ અને પરિશ્રમને જ ઉપાર્જનનું મુખ્ય સાધન સમજે છે અને એ ભૂલી જાય છે કે આ બંનેના મૂળમાં સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ ચરિત્રબળ છે. જૂઠી જાહેરાતોના કારણે કરોડો રૂપિયાવાળી કંપનીઓ ઊઠી જતાં જોઈ છે, અને સચ્ચાઈ પર નિર્ભર રહેનાર નાના વેપારીનો ધંધો દિન-રાત વધતો રહે છે. દુનિયા સત્યનિષ્ઠને ભલેને મૂર્ખ સમજે, પણ ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નથી. ધર્મ પર આશ્રિત વ્યક્તિની ધર્મ રક્ષા કરે છે સુદામા માટે કૃષ્ણ, નરસિંહ માટે શામળિયો શેઠ, પ્રતાપ માટે ભામાશા, ગૌતમ બુદ્ધ માટે અશોક બની તે આવી જાય છે અને તેના કોઈ કામને અટકવા દેતો નથી. બુદ્ધિમાન વેપારી એક દિવસમાં જ બધાનાં ખીસ્સા કાપીને ધન ભેગું કરી લેવાનું ઈચ્છતો નથી, પરંતુ પોતાની પ્રામાણિકતા તથા ઉત્તમત્તાની સંસારની સામે પરીક્ષા આપે છે અને સવાયો પાર ઊતરે છે. આ પરીક્ષા તેને સમૃદ્ધ બનવાનું પ્રમાણપત્ર આપે છે.

જો તમે કોઈ એવો ધંધો કરી રહ્યા હોય, જેમાં ગ્રાહકોને છેતરવા પડતા હોય અથવા તમે કોઈ એવી નોકરી કરી રહ્યા હોય જેમાં ગ્રાહકોને ઠગવામાં તમારું તન, મન લગાવવું પડે તેમ હોય તો આજે જ તેને જ છોડી દો. જો આત્માના અવાજને કચડીને તમે રોટલો મેળવતા હોય, તો ભૂખે મરી જાઓ પણ આ રીતે કમાવાનું બંધ કરો. આત્માનું માંસ કાપીને શરીરને ખવડાવવું મોઘું પડી જશે. રેશમી વસ્ત્રો પહેરો નહીં, કંતાનને અંગે લપેટી રાખો. ષટ્સ ભોજન ખાઓ નહીં. સૂકો રોટલો ખાઈને પાણી પીઓ. આલિશાન બંગલામાં રહો નહીં. તૂટીફૂટી ઝૂંપડીમાં જ ગુજારો કરી લો, પણ અધર્મનો પૈસો લો નહીં. કારણ કે જે સંપત્તિ બીજાને રોવડાવીને લેવામાં આવે છે, તે ચિત્કાર કરીને વિદાય લે છે. આવું ધન કોઈ પણ રીતે તે ધન કહેવાતું નથી. આપ ધનવાન જરૂર બનો, પણ પોતાની યોગ્યતા અને પરિશ્રમશીલતાને વધારીને, ખર્ચમાં કરકસર કરીને અને ઈમાનદારીને દઢતાપૂર્વક પકડી રાખીને તમે સંપત્તિવાન બની જશો. પછી ભલેને આપની પાસે સો પૈસા જ જમા કેમ ન હોય, પણ તે સો સોનામહોરોની જેમ આનંદદાયક સિદ્ધ થશે.

૩. કરકસર – ધનવાન બનવાના ગુપ્ત રહસ્ય, શ્રીરામ શર્મા આચાર્ય

કરકસર, – શ્રીરામ શર્મા આચાર્ય
મનુષ્ય કેવી રીતે પૈસા કમાય છે, કેવી રીતે ખર્ચ કરે છે અને કેવી રીતે બચાવે છે, તે જોઈને તેની વિવેકબુદ્ધિની પરીક્ષા કરી શકાય છે. જોકે જીવન ધન સંઘરવા માટે નથી, પણ પૈસાને તુચ્છ સમજવા એ પણ અરોબર નથી. ખાલી કોથળો ક્યારેય સીધો ઊભો રહી શકતો નથી. જ્યાં સુધી તેનું પેટ પૂરેપૂરું ભરાતું નથી, ત્યાં સુધી તેને વારંવાર ઊભો કરવા છતાંય, તે તેના પગ પર ઊભો રહી શકતો નથી. સમજદારી, ઉદારતા, દૂરદર્શિતા જેવા ગુણો ઈમાનદારી સાથે સંબંધ ધરાવે છે. ગરીબ માણસ ક્યારેક ક્યારેક વિવશ થઈને પણ અન્યાય, અધર્મ તથા ન કરવા જેવાં કામો કરવા તૈયાર થઈ જાય છે. ચતુર કોણ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં એક વિદ્વાને કહ્યું છે કે જેઓ પૈસાને ઊચિત રીતે કમાવાનું, ખર્ચ કરવાનું અને બચાવવાનું જાણે છે, તે જ બુદ્ધિશાળી છે.

પૈસાનો તે જ સદુપયોગ કરી શકે છે. અને બચાવી શકે છે, જે મહેનત કરીને કમાય છે. ક્યાંક મફતનો માલ હાથમાં આવી ગયોતો વ્યર્થ ખર્ચમાં વેડફાઈ જવાનો. એક કહેવત છે કે ચોરોને મહેલ હોતાં નથી, કહેવત સાચી છે. જેને મેળવવામાં શ્રમ નથી કર્યો તે તેની કદર પણ નથી કરી શકવાનો. અને ભગવતી લક્ષ્મી એટલી તો બેશરમ નથી કે, જે તેનું અપમાન કરે તેના ઘરે વધારે સમય પડી રહે ! કેટલાક એવા પણ માણસો છે જે આજની કમાણી આજે જ ખર્ચી નાખતાં હોય છે. શહેરોમાં ધોબી, મોચી, રિક્ષાવાળા અને એવા અનેક કારીગરો જે રોજના દસથી બાર રૂપિયા કમાય છે, પણ બીજા દિવસ માટે કશું બચાવતા નથી. તાડી, દારૂ, ગાંજો, પાન, બીડી અને અન્ય મોજમજામાં પોતાની કમાણી ખર્ચી નાખે છે. જીવનભર કમાતા હોય છે, પણ નથી તો પોતાનાં છોકરાંને પૂરતું શિક્ષણ આપી શકતાં કે નથી સુખમય જીવન જીવતાં. મરતી વખતે પાછળ ચાર-છ માસ છોકરાં ખાય તેટલું પણ મૂકીને જતાં નથી. ઉડાઉ ખર્ચ એક પ્રકારનો દેશદ્રોહ છે, કારણ કે આનાથી બેકારી, નિરાશ્રયતા, ગુંડાગીરી તથા ખરાબ અડ્ડાઓનો વધારો થાય છે. સોક્રેટિસ કહેતા, “જેઓ દેશની ઉન્નતિ કરવા વિચારે છે, તે પહેલાં પોતાની ઉન્નતિ કરે.” ખોટું ખર્ચ કરનાર મનુષ્ય કોઈ મોટું કામ નહીં કરી શકે અને ન પોતાનું આત્મસન્માન જાળવી શકશે. શ્રીમાન કાવડે એક વાર ગરીબોને સંબોધિત કરતાં કહ્યું હતું, “દુનિયામાં અમીર-ગરીબનો ભેદ નથી. અમીર -ગરીબનું સાચું નામ છે મિતવ્યયી અને અપવ્યયી. જેઓ બચાવવાના સિદ્ધાંતને માને છે તેઓ એક દિવસ ચોક્કસ સમૃદ્ધ બની જશે અને જેમને ઉડાવવાનો ચસકો પડ્યો છે તેઓ ગરીબ જ રહેશે. ખર્ચ કરવામાં ખૂબ જ ધ્યાન રાખનાર માણસોએ મિલ, કારખાનાં અને જહાજો બનાવ્યાં અને તમે જ એવા છો જે દારૂ પીવામાં અને બેવકૂફી કરવામાં પૈસા સમાપ્ત કરી દો છો.”

સુખી બનવા માટે કરકસરની ખૂબ જરૂર છે. આના માટે કોઈ યોગ્યતાની જરૂર પડતી નથી. ખૂબ જ જરૂરી હોય તેવી વસ્તુઓ જ યોગ્ય પ્રમાણમાં ખરીદવી. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને કોઈ પણ મનુષ્ય સારી રીતે ઘર ચલાવી શકે છે, પણ આનો અર્થ કંજૂસાઈ ક૨વી એ નથી. કાલ માટે બચત કરવાની ઈચ્છાથી આજે ભૂખે મરવું તે મૂર્ખતા છે. કરકસર કરનાર મનુષ્ય ધનને ઈશ્વર સમજી તેની પૂજા કરતો નથી, પણ તેનો ઉપયોગ સમજી વિચારીને એક શસ્ત્રની જેમ જ્યાં જરૂર પડે ત્યાં જ કરે છે. તમે કંજૂસ નહીં પણ કરકસરવાળા બનો, કારણ કે કરકસરપણું એ દીર્ઘદર્શિતાની પુત્રી છે, સંયમની બહેન છે અને સ્વતંત્રતાની માતા છે. તે આપણા ચરિત્ર, આનંદ તથા પ્રતિષ્ઠાનું રક્ષણ કરે છે. જ્યારે ફ્રાન્સિસ હેનરીએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો, તો તેના પિતાએ કહ્યું, ‘“બેટા, મારા હૃદયના આશીર્વાદ છે કે તું સદાય પ્રસન્ન રહે. આ ખુશીના સમયે હું તને એક રત્નની ભેટ આપું છું અને તે છે કરકસરપણું. કેટલાક લોકો આનું મહત્ત્વ સમજતા નથી અને મશ્કરી કરે છે, પરંતુ મારા લાંબા અનુભવને કારણે મેં એ જાણ્યું છે કે કોઈ પણ ગૃહસ્થ જો સુખપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરવા માગે છે તો તેને ખર્ચ કરવામાં ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. બેટા, જો તું મારા આ રત્નને સંભાળીને રાખીશ, તો આ તને સૌભાગ્યની જેમ દરેક વખતે મદદ કરશે.” દરેક માનવીનો ધર્મ છે કે તેને પોતાની આવક પર ગુજારો ક૨વો જોઈએ. જે એવું નથી કરતો તે કાં તો ભીખ માંગશે અથવા કોઈના ૫૨ બોજો બનશે અથવા બેઈમાની કરશે. હું એવા કેટલાય લોકોને જાણું છું કે, જે જેઓએ પોતાની પૈતૃક સંચિત કમાણીને નાચગાનમાં ફૂંકી મારી હોય અને જીવનભર ગરીબીના નરકમાં સડતા રહ્યા હોય, માથે ફૂટીફૂટીને પસ્તાતા હોય. આ હરામ ચસકાવાળી વ્યક્તિઓ પોતાની વાસનાને તૃપ્ત કરવા માટે જ્યારે પોતાની પાસે ધન નથી હોતું, તો એવાં કાર્યો કરવા માટે તૈયાર થઈ જાય છે, જેનાથી એનાં લોક અને પરલોક બંને બગડતાં હોય છે. જો શરૂઆતથી જ તેઓ ખોટા ખર્ચના દુર્ગુણમાં ન ફસાયા હોત તો, આજે તેમને પતનની ઊંડી ખાઈમાં પડવા માટે વિવશ બનવું પડ્યું ન હોત.

એક પૈસો ખૂબ સામાન્ય વસ્તુ છે, પરંતુ કરોડો પરિવારનું સુખ એક પૈસો ભેગો કરવા અને ઉચિત પ્રસંગે ખર્ચ કરવા ઉપર નિર્ભર છે. જે એક પૈસાનો દુરુપયોગ કરી શકે છે તે એક રૂપિયાનો પણ કરી શકે છે. જો આપણે આ પૈસાને બચાવતા રહ્યા તો આપણી શક્તિ વધી જશે અને ભવિષ્યને બમણા વેગથી સુધારી શકીશું. કેટલીક વાર આપણે સસ્તું લેવાના પ્રલોભનમાં આવી જઈને બેકાર વસ્તુઓ ખરીદી લાવીએ છીએ. આ એક પ્રકારનો ખોટો ખર્ચ છે. તમે એ વસ્તુઓ ખરીદો, જેની ખરેખર જરૂર હોય. વસ્તુ કામમાં નથી આવતી તેને ભૂલેચૂકે પણ ના ખરીદો, પછી ભલેને તે એકદમ સસ્તી કેમ ન મળતી હોય ? ટોમસ રાઈસ નામના એક પરોપકારી કાર્યકર્તાએ હજારો ખરાબ સ્ત્રી-પુરુષોને સુધારીને ભલા તથા પ્રતિષ્ઠાવાન નાગરિક બનાવી દીધા હતા. તે પોતાની ડાયરીમાં લખે છે, “સ્વેચ્છાથી ખૂબ જ ઓછા મનુષ્યો ખરાબ કામો કરે છે, કારણ કે દરેકનો આત્મા કુકર્મ કરવા પણ પોતાને ધિક્કારે છે. મોટા ભાગના મનુષ્યો પોતાની જરૂરિયાતો અથવા તૃષ્ણાઓથી મજબૂર બનીને ચોરી, લૂંટ, છેતરપિંડી કરતા હોય છે. જો મનુષ્યને કામે લગાડી દેવામાં આવે અને તેના ખર્ચનું આયોજન કરવાનું શીખવી દેવામાં આવે તો તેની અડધી કૂટેવો દૂર થઈ જશે.’ ટોમસ એક મિલમાં કામ કરતો હતો. જ્યારે તેને નવરાશ મળતી તો તે કહેવાતા ખરાબ માણસો પાસે જતો અને પોતાના મધુર સ્વભાવને કારણે પોતાની સહમતિથી ખર્ચ કરવા માટે સંમત કરી લેતો. એવા માણસો બેકાર થઈ જતાં, તો તેમના માટે કામ શોધી આપતો અને રોજ તેમની પાસે જઈને તેમને કરકસરના પાઠ ભણાવતો. એટલું જ નહિ, આજે જે ખર્ચ કર્યું છે, તેની સમીક્ષા કરતો અને બીજા દિવસનું બજેટ બનાવી આપતો. આવી રીતે થોડાક દિવસોમાં કરકસરની ટેવ પડી જતી પેલા બધા દુર્ગુણોથી મુક્ત બની જતા જે નકામા ખર્ચથી પેદા થતા હતા. એમણે સાદું જીવન જીવવાની આદત શીખવીને કેટલાય નવજુવાન યુવક-યુવતીઓને ખોટા માર્ગથી પાછા વાળીને બચાવ્યા હતા જે પોતાનું કર્તવ્ય ભૂલીને પતનની ખાઈ તરફ ધકેલાઈ રહ્યા હતા.

ટીપે ટીપે સરોવર ભરાય, એ કહેવતને સાર્થક કરતો ઈરાનનો એક કરોડપતિ આસ્ટર ઓલ્ડ શરૂઆતમાં ખૂબ જ ગરીબ હતો .તે જ્યારે દારૂ વેચનારની દુકાન તરફ જતોતો, દારૂની બોટલો પરનાં કાગળ પોતાના ખિસ્સામાં ભરી લેતો. આઠ વર્ષમાં આ કાગળો એટલાં બધાં ભેગાં થયાં તેની કિંમત સો રૂપિયા આવી. આ સો રૂપિયામાં તેણે પોતાનો નવો ધંધો શરૂ કર્યો. કરકસરના સિદ્ધાંતને અપનાવીને વેપાર વધારતો ગયો, ઉન્નતિ કરતો ગયો. આખરે એક દિવસ તે કરોડપતિ બની ગયો.
ખરાબ બુદ્ધિના મનુષ્યોએ ધનવાન થવું, એ તેમના વિનાશ માટે છે. પૈસા પેદા કરવા કેટલાય સરળ કેમ ન હોય, પણ તેને યોગ્ય રીતે ખર્ચવા તે ખૂબ જ કઠિન બાબત છે. ધનને યોગ્ય રીતે ખર્ચવું તે ખૂબ જ ઓછા માણસો જાણે છે. જે પૈસાથી જીવનની મહત્ત્વપૂર્ણ વસ્તુઓ પ્રાપ્ત કરી શકાય છે, એ જ પૈસાને લોકો વ્યર્થ બાબતોમાં વેડફી નાખે છે. એવા માણસોની આવક ભલે ને ગમે તેટલી હોય, તેઓ તો હમેશાં ગરીબાઈનાં રોદણાં જ રડ્યા કરવાનાં, ગરીબ જ રહેવાને સર્જાયા છે.

૨. ધનવાન કેવી રીતે બનાય ?, ધનવાન બનવાના ગુપ્ત રહસ્ય; શ્રીરામ શર્મા આચાર્ય

ધનવાન કેવી રીતે બનાય ? – શ્રીરામ શર્મા આચાર્ય

મેં એવાં અનેક પુસ્તકો વાંચ્યાં છે, જેમાં ધનવાન બનવાની અનેક પ્રયુક્તિઓ બતાવી છે. હું ઘણાય ધનવાન માણસોને મળ્યો છું અને ધનવાન બનવાના ઉપાયો પૂછયા છે, પરંતુ ક્યાંથીયે એવો ઉપાય મળ્યો નહીં કે વાતવાતમાં ધનવાન બની જવાય. વિવિધ વ્યવસાયોમાં સફળતા મેળવવા માટેના વિશેષ નિયમો હોઈ શકે, પણ ધનવાન બનવા માટેનો મૂળ નિયમ એક જ છે અને એ છે – “તમારી યોગ્યતા વધારો, પરિશ્રમ કરો, કરકસર તથા ઈમાનદારીને દઢતાપૂર્વક પકડી રાખો.’ આ બેચાર શબ્દોને તુચ્છ સમજવા જેવા નથી. આમાં લાખો વિદ્વાનોનું તત્ત્વજ્ઞાન અને કરોડો શ્રીમંતોનો અનુભવ દાબી દાબીને ભરેલાં પડ્યાં છે. આજે જે લોકો તમને પૈસાવાળા દેખાય છે તેઓ પહેલાં ગરીબ જ હતા. એમણે જ્યારે થોડીક આવકનું આયોજન મુજબ ખર્ચ કરવાનું શીખી લીધું અને સાથોસાથ કરકસર અપનાવી તો તેમની પાસે થોડીક ૨કમ બચી. પછી તો ચક્રવૃદ્ધિ વ્યાજના દરે તે વધતી જ ગઈ અને આજે ધનવાનની કક્ષામાં આવી ગયા.

એકવાર કેટલાક દુઃખી અને ગરીબ લોકો શ્રીમાન બ્રાઈડ પાસે ધનવાન બનવાનો ઉપાય પૂછવા ગયા. શ્રીમાન બ્રાઈડે જવાબ આપ્યો “સજ્જનો, તમે લોકો સખત પરિશ્રમ કરો, કોઈ કામને નાનું માનીને શરમાશો નહીં, જરૂર જેટલું જ ખર્ચ કરો અને ઈમાનદારીપૂર્વક રહો આનાથી તમે લોકો ધનવાન બની જશો, હું કોઈ જાદુમંતરથી ધનવાન બન્યો નથી અને નથી કોઈ આવા જાદુ વિશે જાણતો કે જે તમને એકાએક ધનવાન બનાવી દે. જો તમે ધનવાન થવા માગતા હો તો એવા મનુષ્યોનું અનુકરણ કરો, જેઓ ગરીબી સાથે સતત લડતા રહ્યા છે અને પોતાના બાહુબલથી ગરીબીને મહાત કરીને ધનવાન બન્યા હોય.”

શાસ્ત્ર કહે છે, ‘ઉદ્યોગનું પુરુષ સિંહ મુમૈતિ લક્ષ્મીઃ ।’ લક્ષ્મી ઉદ્યમી સિંહ પુરુષોને પ્રાપ્ત થાય છે. જેઓ સાહસિક, પરિશ્રમી, ઉદ્યમી તથા વિશાળ હૃદયવાળા છે, તેઓ જ ધનવાન બની શકે છે. એક વિદ્વાનનો મત છે કે ધન સિંહણનું દૂધ છે. સિંહણનું દૂધ સોનાના પાત્રમાં દોહવામાં આવે છે. સોના સિવાયના વાસણમાં લેવામાં આવે તો તે વાસણ ફાટી જાય છે. જેઓ લક્ષ્મીને યોગ્ય હોય છે તેમને જ લક્ષ્મી વરે છે, કુપાત્રોને લક્ષ્મી મળતી નથી. સંજોગવસાત ક્યારેક મળી જાય છે તો તે તેનો નાશ કરીને જલદીથી ચાલી જાય છે. આથી જે કોઈ ધનવાન બનવાનું વિચારે છે તેણે સિંહણનું દૂધ મેળવવાના સુવર્ણપાત્ર સમાન પાત્રતા કેળવવી જોઈએ.

ઉત્તમ ભવિષ્યની અપેક્ષા રાખવી તે શ્રેષ્ઠ સદ્ગુણ છે. જેની પાસે આ પારસ હયાત છે તે લોખંડની જેવી કઠિન પરિસ્થિતિને સોનામાં બદલી શકે છે. જો તમે બેચેન છો, નિર્ધન છો. મુસીબતોથી ઘેરાયેલા છો તો જરાયે ચિંતા કરશો નહિ, જો તમને તમારા ઉજ્જવળ ભવિષ્યની આશા છે, તો પરમાત્માની કૃપા અને આત્માની યોગ્યતા ઉપર વિશ્વાસ છે તો ચોક્કસપણે તમે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવી શકશો અને સુંદર ભવિષ્ય બનાવી શકશો. તમને ગરીબ બનાવનાર બે જ શત્રુ છે હતોત્સાહ અને શંકા. આ બંને સાપોને કરંડિયામાં પાળીને સુખથી સૂઈ શકાતું નથી. જો આ બંનેને તમે નહીં છોડો તો આનો અર્થ એ થયો કે ગરીબી સાથે તમારી ગાઢ મિત્રતા છે અને તમે કોઈ પણ રીતે તેનો સાથ છોડવા માંગતા નથી. એંજિનિયર જ્યારે કોઈક

મકાન બનાવવાનું ઈચ્છે છે, ત્યારે સૌથી પ્રથમ તેના મનમાં મકાનનો આખો નકશો બનાવી લે છે. ચિત્રકાર ચિત્ર બનાવે તે પહેલાં તેની પૂરી રૂપરેખા તેના મનમાં દોરી લે છે. આ સિવાય મકાન કે ચિત્ર બની શકતું નથી. શું તમે મારા અંતઃકરણમાં સુંદર ભવિષ્યની આશા ધારણ કર્યા વિના જ સમૃદ્ધ બનવાનું વિચારો છો ? આવું ક્યારેય નહીં બની શકે. જો ધનવાન બનવું હોય તો સૌ પ્રથમ તમારા મનને ધનવાન બનાવો. ધનવાન બનવાનાં સ્વપ્નો જુઓ.

કોઈક વાચકને મારા આ કથન પર આશ્ચર્ય થશે કે માત્ર વિચાર બદલી લેવાથી ધન કેવી રીતે મળી જાય ? એમણે જાણવું જોઈએ કે માનસિક ગરીબાઈ દૂર થઈ જતા મનુષ્ય લક્ષ્મીને લાકય બની જાય છે. ઉદ્યમ અને ઉત્સાહ તેના રક્ત સાથે શરીરમાં ફરવા લાગે છે, આત્મવિશ્વાસની વિદ્યુતશક્તિ તેના સ્નાયુઓમાં સંચરવા લાગે છે. પરિણામ એ આવે કે તેની સામે આવેલ તકનો તે પૂરેપૂરો લભા ઉઠાવે છે તેની વૃત્તિઓમાં એવું અસાધારણ પરિવર્તન આવી જાય છે કે દુનિયા તેને ચાહવા લાગે છે. વળી, ચારે બાજુથી સહયોગ તથા સહાયતા મળવી શરૂ થઈ જાય છે. અનેક ઉદાહરણો છે કે આ પરિવર્તનના કારણે ખૂબ જ દિન-હીન અવસ્થાવાળી વ્યક્તિઓ ટૂંક સમયમાં જ ધનવાન બની જતી હોય છે.

આ કથન સો ટકા સાચું છે કે, ‘જે પોતાની જાતને મદદ કરે છે; ભગવાન તેને જ મદદ કરે છે.’આ કથન પાછળ સૃષ્ટિના આરંભથી લઈને અત્યાર સુધી નતો સમયનો માનવજાતિનો ખૂબ ઊંડો અનુભવ છે. જે પોતાના પગ પર ઊભો થયો, તેણે પ્રગતિ કરી, અને જે હતાશ થઈને બેસી રહ્યો, તેણે પોતાનું અસ્તિત્વ ખોઈ નાખ્યું. સંસારની અનેક વ્યક્તિએ સામાન્ય પરિસ્થિતિમાંથી બહાર આવીને ઉદ્યોગ દ્વારા મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તમિલ ભાષાના અમર કાવ્ય ‘ચિક્ષુરલ’ના કવિ ઋષિ તરુવલ્લુવર પરિયા નામની પછાત જાતિમાં જન્મ્યા હતા. સંત કબીર વણકર, રૈદાસ ચમાર, નામદેવ દરજી તથા કૃષ્ણદાસ શૂદ્ર હતા. એ જમાનામાં શૂદ્રો અને પછાત ગણાતી જાતિના લોકો માટે ઉન્નતિ કરવી ખૂબ જ કઠિન હતું, તેમ છતાં આ મહાપુરુષોએ સ્વપ્રયત્ને જ્ઞાન પ્રાપ્ત કર્યું અને નરરત્ન તરીકે પંકાયા. સંસારના અદ્વિતીય એવા કૂટનીતિજ્ઞ મહાપુરુષ ચાણક્ય ગરીબીમાં જીવન જીવતા હતા. એક વાર તેઓ રાજા નંદની રાજસભામાં ગયા, તો તેમનાં ફાટાં કપડાં જોઈને દરબારીઓએ મશ્કરી કરી હતી. આટલી ગરીબી હોવા છતાંય તેઓ જ્ઞાનની ઉપાસના કરતા રહ્યા. અસ્ત્ર-શસ્ત્ર વિદ્યાના ધુરંધર દ્રોણાચાર્ય તો એટલા બધા ગરીબ હતા કે તેમના પુત્ર અશ્વત્થામાને દૂધ પીવા માટે પણ આપી શકતા ન હતા, અરે એટલું જ નહીં બાળકની દૂધની હઠને શાંત કરવા માટે દૂધની જગ્યાએ ચોખાનું ઓસામણ આપતા હતા. સંત સુરદાસ, તુલસીદાસ તથા ચૈતન્ય મહાપ્રભુની ગરીબી બધા જ જાણે છે. સંસ્કૃત અને બંગાળીના સુપ્રસિદ્ધ વિદ્વાન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જ્યારે ભણતા હતા, ત્યારે એટલા બધા ગરીબ હતા કે રાત્રે વાંચવા માટે દીવાનું તેલ પણ ખરીદી શકતા નહોતા. આથી તેઓ સડક પર મૂકવામાં આવેલી બત્તીના અજવાળે વાંચતા. મદ્રાસ આઈકોર્ટના પ્રસિદ્ધ જજ સર ધ્રુવસ્વામી ઐયર એવા તો ગરીબ હતા કે બાર વર્ષની ઉંમરે તેમને એક રૂપિયાની નોકરી કરવા મજબૂર થવું પડ્યું. અક્બરના નવ રત્નોમાંના બિરબલ અને ટોડરમલ ગરીબ ધરોમાં જન્મ્યા હતા. પંજાબના મહારાજા રણજીતસિંહનો મુખ્ય સેનાપતિ ફૂલસિંહ અડધી ઉંમર સુધી પેટ ભરવાની ચિંતા કરતો રહ્યો. આ બધા પુરુષો મોટે ભાગે ગરીબ ઘરોમાં જન્મ્યા હતા, પ્રગતિ કરવાનાં સાધનોનો લગભગ અભાવ હતો, છતાં તેમની ઉદ્યમપરાયણતા તથા મહત્ત્વાકાંક્ષાઓએ તેમને ઊંચા સ્થાને બેસાડી દીધા હતા. ન્યાયધીશ ગોવિંદ રાનડે, શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે, પં. મદનમોહન માલવિયા, દાદભાઈ નવરોજી, મહાત્મા ગાંધી જેવા મહાપુરુષો મધ્યમ પ્રકારનાં ઘરોમાં જન્મ્યા હતા, પરંતુ સખત પરિશ્રમના પરિણામે તેઓ સાધારણમાંથી મહાન બની ગયા.

વિદેશોમાં પણ આવાં અનેક ઉદાહરણો ડગલેને પગલે જોવા મળે છે. સમગ્ર યુરોપ આંગળીના ટેરવે ગણી શકાય તેટલાં વર્ષોમાં પ્રગતિના પંથે પહોંચ્યો. આનું મૂળ કારણ ત્યાંના લોકોની ઉદ્યોગશીલતા છે. શેક્સપિયરના પિતા કસાઈનું કામ કરતા હતા. અને તે ખૂદ ઊન કાંતતો હતો. પાછળથી તે ઘોડાનો લે-વેચનો ધંધો કરવા લાગ્યો, સાથેસાથે નાટકમાં રસ લેવા માંડ્યો. આવી વિષમ પરિસ્થિતિમાં રહેવા છતાંય તેણે અંગ્રેજી ભાષામાં સર્વોચ્ચ કલાકાર તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું. વણકરનું કમ કરતાં કરતાં જોન હંટર પ્રાણીવિદ્યામાં નિષ્ણાત બની ગયો. જ્યોતિષી લયર ભઠિયારો હતો. મહાન સંશોધક આર્કનાઈટ તથા ચિત્રકાર ટર્નર હજામત કરીને પોતાનું પેટ ભરતા હતા. વેન જોનસન વેરો વસૂલ કરવાનું કામ કરતો, સાથે પુસ્તકો પણ વાંચતો. એક દિવસ તે મોટો નાટ્યકાર બની ગયો. ‘રિવ્યુ’ના સંપાદક ગિફડે અને રેવેન્ડર લિવિંગસ્ટન કોઈી હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ એન્ડ્રયુ જોનસન એક વાર વોશિંગ્ટનમાં ભાષણ આપી રહ્યા હતા, ત્યારે કોઈકે તેમને ટોણો માર્યો, “દરજીનું કામ શું ભૂલી ગયા છો ?’ જોનસને જરાય ખોટું લગાડ્યા વિના જવાબ આપ્યો, “હું દરજીપણું ક્યારેય ભૂલી શકું તેમ નથી, કારણ કે એ પૈસાથી જ મેં મારું અડધું જીવન ચલાવ્યું છે. હવે જ મેં તે કામ છોડી દીધું છે, છતાં તે વખતના સદ્ગુણો, સર્વ્યવહાર, સારું કામ કરવું, સમયપાલન કરવું વગેરે અત્યારે પણ મારામાં મોજૂદ છે મને એ કહેતાં જરાય સંકોચ થતો નથી કે દરજીપણાના આ ગુણોને કારણે જ હું આ સ્થાને પહોંચ્યો છું. તમે મને મારું દરજીપણું યાદ અપાવ્યું તે મારે માટે કટાક્ષ નહીં પણ ગૌરવની બાબત છે.’’ બુરર્ટરનો સુપ્રસિદ્ધ ધર્માચાર્ય ડૉક્ટર જહોન પ્રીડાતે એક ખૂબ ગરીબ ઘરમાં જન્મ્યો હતો. જ્યારે અભ્યાસ કરવા માટેની કોઈ સગવડ ન થઈ તો તે કોલેજના છાત્રાલયમાં રસોઈયા તરીકે રહી ગયો. સાથે ભણવાનું ચાલું રાખ્યું. આખરે તેણે આટલું ઊંચું પદ પ્રાપ્ત કર્યું. ઇંગ્લેન્ડનો તે સમયનો સર્વોચ્ચ ન્યાયાધીશ સર એડમંડ સોંડર્સ શરૂઆતમાં એક કોર્ટમાં પટાવાળો હતો. ધીરેધીરે કાયદાનો અભ્યાસ કરવા લાગ્યો અને ઉન્નતિ કરતો રહ્યો. અંતે તેણે સર્વોચ્ચ પદ પ્રાપ્ત કર્યું.

જ્યારે પણ કોઈ મનુષ્યમાં મહત્ત્વાકાંક્ષા જાગૃત થાય છે અને જ્યારે તે ઈચ્છે છે કે હું કોઈક મોટું કામ કરું અથવા મોટો માણસ બનું, તો તેની ઈચ્છા જ તેના માટે અનેક પ્રકારનાં સાધનો અને સગવડો એકઠાં કરી આપે છે. ફરગ્યુસન પાસે ઓઢવા ધાબળો ન હોવાથી વરૂનું ચામડું ઓઢીને પહાડ પર ચાલ્યા જતા અને આકાશનો અભ્યાસ કરતા. આ પ્રકારના પ્રયત્નોથી તેમણે ખગોળવિદ્યા શીખી લીધી. સર જેમ રેનાલ્ડસ કહેતા, ‘કોઈ પણ વ્યક્તિ બુદ્ધિમાન તથા સુયોગ્ય બની શકે છે, પણ શરત એ છે કે તેણે ધૈર્યપૂર્વક પરિશ્રમ કેળવવો જોઈએ. મહેનત એક એવું ખાતર છે કે જે બુદ્ધિને ઉન્નત બનાવે છે અને મંદબુદ્ધિની મંદતાને દૂર કરે છે.” સર બકસ્ટનનો મત છે કે, “સાધારણ સાધનોની મદદથી, અસાધારણ પરિશ્રમ કરવાથી બેડો પાર થઈ શકે છે.” એવું કયારેય વિચારવું ન જોઈએ કે અમારી પાસે ધન અને વિદ્યાની કમી છે, આથી અમે શું કરી શકીએ ? કાલિદાસ યુવાન થયા ત્યાં સુધી અભણ હતા. લગ્નથયા પછી જ્યારે તેમની પત્નીએ ટોણો માર્યો તો તેમણે ભણવાનું શરૂ કર્યું અને ખરેખર તે સમયના સર્વશ્રેષ્ઠ કવિ બન્યા. આજે પણ સંસ્કૃતિ સાહિત્યના મહાન કવિ તરીકે તેમની કીર્તિ અમર છે. રેલવેના શોધક સ્ટીફન્સ યુવાન થયા ત્યાં સુધી એક અક્ષર જાણતા ન હતા, જહોન હંટરે પચીસ વર્ષ પૂરા થયે ઓલમ શીખી. રામકૃષ્ણ પરમહંસ, છત્રપતિ શિવાજી, મહારાજા રણજીતસિંહ અને સમ્રાટ અક્બર વગેરેએ થોડું ઘણું અક્ષરજ્ઞાન મેળવ્યું હતું, છતાં પ્રગતિ સાધવામાં ક્યાંય અવરોધ નડ્યો નહીં.

જેવી રીતે કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા કરવી જરૂરી છે, એ જ રીતે મુશ્કેલીઓથી ન ગભરાવું, અસફળતાથી નિરાશ ન થવું તથા વિપત્તિમાં ધીરજ રાખવાની પણ ખૂબ જ જરૂર છે, કારણ કે એક દિવસમાં કોઈ પણ વ્યક્તિ સફળ થઈ શકતી નથી. આ મનુષ્ય આને પાત્ર છે કે કેમ એની પરીક્ષા થયા પછી જ તે ઊદ્દેશ્ય પરિપૂર્ણ થતો હોય છે. સર હમ્ફ્રી જેવીએ કહ્યું હતું કે, “હું અત્યારે જેટલો ચતુર છું એટલો પહેલાં ક્યારેય ન હતો, મેં જે કંઈ મહત્ત્વપૂર્ણ કામો કર્યાં છે, તે ભૂલો, નિષ્ફળતાઓ તથા ત્રુટિઓની મદદથી જ કર્યા છે.” વોશિંગ્ટન જેટલી લડાઈઓ જીત્યા, એનાથી વધારે હાર્યા. મહંમદ ધોરીએ ભારતમાં ત્યારે વિજય પ્રાપ્ત કર્યો, જયારે તે પૃથ્વીરાજ સામે સોળ વાર હાર્યો. મૌરી કહ્યા કરતો કે મનુષ્ય ઢોલના જેવો છે, તે જેટલો ફૂટાય છે તેટલો વધુ વાગે છે. મહાન ગાયક કૈસિમાને પૂછવામાં આવ્યું કે તમે તમારો કંડ આટલો મધુર કેવી રીતે બનાવ્યો ? તો તેણે કહ્યું, “પરિશ્રમ અને આપત્તિઓની મદદથી.” રોનાલ્ડને પૂછવામાં આવ્યું કે આપે ચિત્રકલા ક્યારે શીખી ? તો જવાબ આપ્યો, સમસ્ત જીવન દરમિયાન.” પ્રોફેસર મોરેના પિતા એટલા બધા ગરીબ હતા કે તે કાગળ, પેન અને શ્યાહી ખરીદી શકે તેમ ન હતા. આથી કોલસા વડે જમીન પર લખીને વાંચવા-લખવાનું શીખ્યા હતા અને અભ્યાસ માટેનાં પુસ્તકો કોઈક સહૃદયી વિદ્યાર્થી પાસેથી માગી લાવી તેનો ઉતારો કરી લઈ તે વાંચતા. ડૉક્ટર લી બાળપણમાં ખૂબજ ગરીબ અને આળસુ હતા. એક વાર તેના શિક્ષકે કંટાળી ને કહ્યું, “આજ સુધી આવો નકામો છોકરો બીજો કોઈ મારી પાસે ભણવા આવ્યો નથી.’ એ જ આળસુ અને ઠોઠ વિદ્યાર્થી પોતાના પરિશ્રમના બળે મહાન સાહિત્યકાર સાબિત થયો.

અત્યારે તમને બુદ્ધિ અને યોગ્યતા ભલે મંદ લાગતી હોય, કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના ઉત્સાહપૂર્વક પરિશ્રમમાં લાગી જાઓ એક ને એક દિવસ તમારી બધી જ તકલીફો દૂર થઈ જશે અને બધી જ ઊણપો પૂર્ણ થઈ જશે. પ્રસિદ્ધ ચિત્રકાર પ્રાઈટોડી કોરટોન એટલો તો મંદબુદ્ધિનો હતો કે તેને ગધેડો કહીને ચીડવવામાં આવતો હતો. ન્યૂટન તેના વર્ગમાં સૌથી છેલ્લી પાટલીએ બેસનાર વિદ્યાર્થી હતો. એડમક્લાર્કના ઘરવાળાં તેને મહામૂર્ખ કહીને બોલવતાં. નાટ્યકાર શૈરીની માન તેના શિક્ષકે કહ્યું, “આવા જડ બુદ્ધિવાળા છોકરાથી હું તંગ આવી ગયો છું. એને ઘેર લઈ જાઓ.” સર વોલ્ટર સ્કોટના શિક્ષકે એવું જાહેર કર્યું હતું કે, આ છોકરો આ જન્મ બુદ્ધુ રહેશે. લોર્ડ ક્લાઈવ કે જેણે ભારતમાં અંગ્રેજી રાજ્યની સ્થાપના કરી, તે એવો તો મૂઢ બુદ્ધિનો હતો કે તેનાથી તેનાં ઘરવાળાં પણ તંગ આવી ગયાં હતાં અતે તેનાંથી છૂટવા માટે સાત સમંદર પાર હિંદુસ્તાન મોકલી આપ્યો. નેપોલિયનને નાનપણમાં કોઈ જ એવું નહોતું કહેતું કે આ મોટો થઈને કોઈ મહાન કામ કરી શકશે. ડૉક્ટર કૈલમર્સ અને ડૉક્ટર કુકને તેમના શિક્ષકે, “આ પથરા સાથે માથું ફોડવું વ્યર્થ છે’એવું કહીને શાળામાંથી કાઢી મૂક્યા હતા. મનુષ્ય જાતિનો મહાન સેવક જહોન હાવર્ડ સતત સાત વર્ષ સુધી ભણતો રહ્યો, પણ તે એક અક્ષરેય શીખ્યો ન હતો. આ બધાં ઉદાહરણો એ બતાવે છે કે જન્મથી જ બુદ્ધિચાતુર્ય ન હોય તો કોઈ ચિંતા નહીં, તેને પરિશ્રમ દ્વારા પોતાની ઈચ્છાનુસાર વિકસાવી શકાય છે. સતત ચાલનારો કાચબો, આળસુ સસલા કરતાં વહેલો પહોંચી જાય છે. મહાશય ડેવી કહેતા, જે કંઈ હું છું તેવો હું બન્યો છું.’’ અધ્યાપક અથવા તો વાલી મનુષ્યની ઉન્નતિમાં જેટલી મદદ નથી કરી શકતા એટલી તે ખુદ કરે છે.

લેડી માનગેટે કહ્યું હતું, “નમ્રતા પોતે તો વગર પૈસે આવે છે, પણ એનાથી બધી જ વસ્તુઓ ખરીદી શકાય છે. મહારાણી એલિઝાબેથનું કથન છે, “જો તમારામાં વિનયશીલતા અને મીઠી વાણી આ બે ગુણો છે, તો લોકોનાં દિલ જીતી શકો છો અને તેમનો પ્રેમ તથા ધન બંને મેળવી શકો છો.’’ વિલિયમ ગ્રાન્ટ તથા ચાર્લ્સ ગ્રાન્ટ નામનાં બે ખેડૂતનાં બાળકો એક ગામમાં રહેતાં હતાં. એકવાર તેમના ગામની નદીમાં ભયંકર પૂર આવ્યું અને તમામ માલમિલકત, ઘરવખરી અને ખેતર બધું તણાઈ ગયું. આ બંને અનાથ છોકરાઓ નિઃસહાય બની પરદેશ જવા નીકળી પડ્યા. બાળકો નાનાં હોવાને કારણે ક્યાં જવું તેનું પૂરું જ્ઞાન ન હતું. ચાલતાં ચાલતાં એક પહાડ પર પહોંચ્યાં, જ્યાં રસ્તો ભૂલી ગયા. પછી તો જ્યાં ઊભા હતા ત્યાં જમીન ઉપર એક લાકડી ઊભી કરી અને નક્કી કર્યું કે આ જે દિશામાં પડશે તે દિશામાં જવું. લાકડી પડી અને તેઓ એ દિશામાં રવાના થયા. ચાલતાં ચાલતાં એક ગામમાં પહોંચ્યા. જ્યાં બંનેને એક છાપખાનામાં કામ મળી ગયું. વિનયશીલતા અને નમ્રતાના કારણે માલિક ખૂબ પ્રભાવિત થયો અને બંને છોકરાઓને છાપખાનાને લગતી તમામ કલા શીખવી દીધી. પાછળથી છોકરાંઓએ મોટાં થઈ પોતાનું સ્વતંત્ર છાપખાનું શરૂ કર્યું. પ્રેમાળ સ્વભાવને કારણે ગ્રાહકો વધારે આવતા ગયા અને પ્રગતિ કરતા ગયા. અંતે તેમણે એક મોટી મિલ શરૂ કરી અને પુષ્કળ સંપત્તિ પ્રાપ્ત કરી. જ્યાં પેલી લાકડી પડી હતી, ત્યાં યાદગીરીરૂપે એક મિનારો બનાવ્યો, સજ્જન માટે સંપત્તિ એકઠી કરવી કોઈ કઠિન બાબત નથી. સજ્જન શબ્દની વ્યાખ્યા આપતાં એક વિદ્વાને કહ્યું છે, “જે ઈમાનદાર હોય, ભલો માણસ હોય અને નમ્ર હોય તે છે સજ્જન.’ કોઈ માણસે ભલે બધું જ ખોઈ નાખ્યું હોય પણ તેની પાસે જો સાહસ, આશા, આત્મવિશ્વાસ, ધર્મપરાયણતા અને ભલમનસાઈ હોય તો સમજવું કે તેણે કશું જ નથી છતાં તેના પર વિશ્વાસ કરે છે. શું વિશ્વાસ કરવો એ સૌથી મોટી અમીરી નથી ? તે વિપત્તિમાં પણ પ્રસન્ન રહે છે, કે સજ્જનતાનું સૌભાગ્ય તેની સાથે જ છે. કારણ જે કામની આપે શરૂઆત કરી છે, તેને દઢતાપૂર્વક વળગી રહો અને ધીરજપૂર્વક તેના ફળની આશા રાખો અને રાહ જુઓ. ઘણાય માણસો એવા છે જે પોતાના આજના કામનું પરિણામ કાલે જ ઈચ્છે છે અને પેલા બાળક જેવું કરે છે, જે ગોટલી વાવીને કલાકે કલાકે કાઢીને જોયા કરે છે, આંબો ઊગ્યો કે નહીં. બાળક ચાલતાં ત્યારે જ શીખે છે જ્યારે તે અનેકવાર પડે છે, પણ પડવાની ચિંતા કર્યા વગર તે ઉત્સાહપૂર્વક પોતાનો પ્રયત્ન ચાલુ રાખે છે. સિકંદર યુદ્ધમાં ઘણી વાર હારતો છતાં અંતે તેનો જ વિજય થતો. ઉષ્ણ કટિબંધના લોકો એટલા માટે વધારે સ્વસ્થ અને સંદર નથી હોતા, કેમ કે તેમને તેમનું ભોજન ખૂબ જ સરળતાથી મળી રહે છે, મેળવવા માટે વધારે કઠોર પરિશ્રમ કરવો પડતો નથી.

વૈજ્ઞાનિકો કહે છે કે, પચાસ એકર જમીન પર પડતાં સૂર્યનાં કિરણો એકત્ર કરી લેવામાં આવે તો, એનાથી એટલી બધી વીજળી મેળવી શકાય કે, જેનાથી દુનિયાભરનાં ‘કારખાનાં ચલાવી શકાય, પરંતુ અસંખ્ય એકર ભૂમિ પર સૂર્યનાં કિરણો પડે છે, પણ એનાથી એક નાનકડું મશીન પણ ચલાવી શકાતું નથી. મનુષ્યમાં પણ અનંત શક્તિનો ભંડાર ભરેલો છે, પણ તેને એકત્ર કરીને કામમાં લેવાને બદલે તે નકામો બની વેડફાઈ જાય છે.

મહાત્મા હોલમીલ કહે છે કે, “જયારે કોઈ સાહસિક અને દૃઢ સંકલ્પવાળો યુવાન આ સંસારરૂપી સાંઢની સામે ઊભો રહીને બહાદુરીપૂર્વક તેનાં શીંગડાં પકડી લે છે, તો તે આશ્ચર્યપૂર્વક જુએ છે કે, શીંગડા તૂટીને તેના હાથમાં આવી જાય છે. એ વખતે તેને અનુભવ થાય છે કે જેટલાં માનવમાં આવતાં હતાં, એટલાં આ શીંગડાં ભયંકર નથી. એ તો ડરપોક અને આળસુ લોકો માટે લગાડવામાં આવ્યાં હોય છે.’

એક વિદ્વાનનું કહેવું છે, મનુષ્યની અડધી બુદ્ધિ તેના સાહસ સાથે ચાલી જાય છે. જો તેમ આપત્તિઓથી ગભરાઈ ગયા તો સમજી લેવું કે સંકટોરૂપી વરૂ તમને ફાડી ખાશે. એક નિરાશ સેનાપતિએ સિકંદરને કહ્યું, “મારાથી આ નહીં બને.” સંસારવિજેતા સિકંદરે કહ્યું, “ચાલ, ભાગી જા, અભાગિયા, તારું કાળું મોઢું કર. મૂર્ખ, મારી નજરોથી દૂર થા. ઉદ્યમી અને પુરુષાર્થી માટે કશું જ અસંભવ નથી.’

એક વિદ્વાનનું કહેવું છે કે, “કિર્તિ, પ્રતિષ્ઠા અને ઊંચું પદ એ પોતાના પ્રયત્નથી જ પ્રાપ્ત થાય છે. નથી તો તે પૈતૃક સંપત્તિથી મળતાં કે નથી દૈવી કૃપાથી અથવા નથી ધનથી ખરીદી શકાતાં. સતત ઉત્સાહી, ઉઘોગી અને દૃઢ ચરિત્રની વેલ પર જ આ ફળ લાગતાં હોય છે.”

એક ગરીબ છોકરો નદીકિનારે માછીમા૨ોને માછલી પકડતાં જોઈ રહ્યો હતો. તે માછીમારો પાસે ગયો અને જોયું તો કેટલાય ટોપલા માછલીઓ પકડેલી છે. છોકરાએ નિઃશ્વાસ સાથે કહ્યું, “કદાચ એક ટોપલી મને મળી જાય તો હું તેને વેચીને તે પૈસામાંથી કેટલાય દિવસની ભોજનસામગ્રી ખરીદી લઉં.’ એક સહૃદયી માછીમાર તેની વાત સાંભળી ગયો અને તેણે પેલા છોકરાને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું “જો તું મારું એક કલાક કામ કરે તો હું તને એક ટોપલો માછલી આપું. ” છોકરો રાજી રાજી થઈ ગયો. માછીમારે તેને માછલી પકડવાનો કાંટો આત્યો અને ધાટ ઉપર બેસાડી દીધો અને કહ્યું કે આ કાંટામાં જે માછલી ફસાય તેને બહાર કાઢીને ટોપલીમાં મૂકી દેવી. છોકરો એ પ્રમાણે કરવા લાગ્યો. બે કલાક પૂરા પણ ન થયા, ત્યાં તો ટોપલી ભરાઈ ગઈ. પેલા માલીમારે તે ટોપલી તેને આપી દીધી અને કહ્યું, “તારી જ મહેનતથી હું મારું વચન પૂરું કરું છું અને તને ઉપદેશ આપું છું કે, જ્યારે બીજાઓને પોતાની ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરતા જુઓ, ત્યારે મૂર્ખાઓની જેમ ઊભા ઊભા તમાશો જોવાને બદલે પોતાની જાળ લઈને બેસી જવું.”

૧. ગરીબાઈ માંથી છુટકારો, ધનવાન બનવાનાં ગુપ્ત રહસ્યો – શ્રીરામ શર્મા આચાર્ય

ગરીબાઈ માંથી છુટકારો, – શ્રીરામ શર્મા આચાર્ય

“ગરીબાઈથી મનુષ્યને શરમ આવે છે, શરમથી પરાક્રમ નષ્ટ થઈ જાય છે. પરાક્રમ નષ્ટ થઈ જતાં અપમાન થાય છે. અપમાનથી દુઃખ થાય છે, દુઃખથી શોક થાય છે, શોકથી બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. બુદ્ધિનો નાશ થતાં જ મનુષ્યનો નાશ થઈ જાય છે. સાચું છે કે ગરીબાઈ બધાં જ દુઃખોનું મૂળ છે.’’

– એક મહાપુરુષ શું તમો ગરીબાઈની જંજીરોમાં જકડાયાં છો ? આમાંથી છુટકારો મેળવવા પોતાને અસહાય સમજો છો ? કદાચ તમે તમારા દુર્ભાગ્યનાં રોદણાં રડતાં હશો અને આ દુઃખદ પરિસ્થિતિ માટે ભાગ્યને, ઈશ્વરને કે અન્ય મનુષ્યોને દોષિત ગણાવતા હશો. તમે વિચારતા હશો કે, ભગવાન અને તેનો સંસાર કેટલો અન્યાયી છે, જે કોઈકને તો વિપુલ સંપત્તિ આપે છે, તો કોઈકને ગરીબાઈના ડુંગર નીચે આંસુ વહેવડાવતાં મૂકી દે છે.

જો તમે આવું વિચારતા હો, તો તે એક મોટી ભૂલ છે. તમારી ગરીબાઈ અથવા વિપત્તિનું કારણ આમાંથી એક પણ નથી. જેને તમે દોષિત માનો છો તેને ભૂલી જાઓ, રોવાનું અને નિંદવાનું છોડી દો. વિચારપૂર્વક જુઓ. તમને દુઃખદાયક લાગતી પરિસ્થિતિઓનાં બીજ તમારી અંદર છૂપાયેલાં પડ્યાં છે. બીજાને દોષ દેવો અને કાયરોની જેમ રોવું-સબડવું એ સાબિત કરે છે કે, તમારે ગરીબાઈમાં જ પડ્યા રહેવું જોઈએ અને એનાથી પણ વધુ દુઃખ ભોગવવું જોઈએ. આત્મવિશ્વાસ રાખવો, પોતાના ઉપર ભરોસો રાખવો, આગળ વધવા પ્રયત્ન કરવો, એ એવા ગુણ છે જે દરેક ઉન્નતિશીલ મનુષ્યમાં હોય છે. ચિંતા કરવી, દુઃખી રહેવું, બીજાને દોષિત ઠરાવવા વગેરે એક પ્રકારની આત્મહત્યા છે. શું આજ સુધી કોઈ આત્મહત્યારો
દુઃખના અંધકારને દૂર કરીને સુખનો પ્રકાશ પ્રાપ્ત કરવામાં સફળ થયો છે ?

ઊઠો, ગરીબાઈના વિચારોને હટાવીને એક બાજુ ફેંકી દો. એવું ક્યારેય ન વિચારો કે અમે ગરીબ રહેવા માટે પેદા થયા છીએ. દિલને અમીર બનાવો. પછી જુઓ કે બહારની પરિસ્થિતિ બદલાતાં પણ વાર નહીં લાગે. વિશ્વાસ રાખો કે મારી પાસે જેટલી પણ યોગ્યતા છે, તેનો વધુને વધુ સારો ઉપયોગ કરી શકું તેમ છું. નાનાં કામોની ઉપેક્ષા કરીને, મોટાં કામો મેળવી શકાતાં નથી. આથી જો પ્રગતિ કરવા માગતા હો તો, અત્યારે જે કોઈ સ્થિતિમાં છો, તેનો સારામાં સારો ઉપયોગ કરીને એ સાબિત કરી દો કે અમે મોટી સમૃદ્ધિનાં અધિકારી છીએ. પહેલા ધોરણની ઉપેક્ષા કરીને દસમા ધોરણનું ભણવા બેસે તો તે મોટી ભૂલ કરે છે. જો તે આવો પ્રયત્ન કરશે તો તેને નિષ્ફળતા જ પ્રાપ્ત થશે. કોઈક સંજોગોમાં તે ઉપલા ધારેણનાં પુસ્તકો કોઈક રીતે મેળવી પણ લે તો તે પરત લઈ લેવાં પડે. પ્રકૃતિનો એક અખંડ નિયમ છે કે, જે પોતાને મળેલી વસ્તુઓ વધુને વધુ સદુપયોગ કરે છે તો, તે તેને વધુને વધુ આપવામાં પણ આવે છે, અને જે દુરુપયોગ કરે છે અથવા તો ઉપેક્ષા સેવે છે તો, તે વસ્તુ તેની પાસેથી છીનવી લેવામાં આવે છે. જ્યારે તમે દુઃખદ પરિસ્થિતિઓમાં પડી જઈને રડો છો અને કર્તવ્યહીન થઈને બેસી જાઓ છો, તો તમે એ સાબિત જ કરો છો કે તમે બરોબર આ જ પરિસ્થિતિને લાયક છો, જે આ આજે તમને પ્રાપ્ત થઈ છે.

તમે એક નાનકડી ઝૂંપડીમાં રહો છો અને ઈચ્છો છો કે કોઈ મોટું મકાન મળી જાય. તમારી ઈચ્છાને ઈશ્વર ચોક્કસ પૂર્ણ કરશે, પરંતુ શરત એ છે કે તમે મોટા મકાન માટે લાય છો, તેવું સાબિત કરી આપવું પડે. તમે તમારી આજની ઝૂંપડીને જેટલી બનાવી શકો તેટલી સાફ, સ્વચ્છ, સુંદર તથા આકર્ષક બનાવો. તમારી પાસે તેને સજાવવા માટે
પૈસા નથી તો તેની કોઈ ચિંતા નહીં. સંસારમાં સજાવટ કરવા માટે એટલો બધો કીમતી સામાન પડ્યો છે કે જેની કોઈ સીમા નથી. અને તે દરેક ગરીબ કે અમીર બધાંને મફત મળે છે. સુંદરતાની તલાશ કરો. તમારા દૃષ્ટિકોણને સુંદર બનાવો. અસંખ્ય સાધનો તમારી સામે આવીને ઊભા થઈ જશે.

પેલી ઝૂંપડીને મોટા મહેલની જેમ સુંદર બનાવી શકશો. પ્રથમ તમારી મનોવૃત્તિને મોટી અને સુંદર બનાવો તો સુંદર મકાન પણ તમને મળી જશે. જો તમે આજે તમારી ઝૂંપડીને સડેલી, કચરાવાળી, ગંદી તથા અવ્યવસ્થિત બનાવી રાખી છે, તો ક્યા મોઢે તમે કહી શકો કે અમારે રહેવા માટે સુંદર મકાન જોઈએ. શું પરમાત્મા આવા આળસુ લોકો ઉપર પોતાની વિભૂતિઓને સાચવવાની જવાબદારી સોંપશે ? એક ધર્મશાળામાં કેટલાક લોકો રોકાયેલા હતા. આમાંના કેટલાક તો સુશિક્ષિત હતા, પણ કેટલાક તો સાવ ફૂવડ હતા. શિક્ષિતો અ પોતાના ઓરડાને વાળીઝૂડીને એકદમ સ્વચ્છ બનાવી દીધો પણ પેલા આળસુ અને ફૂવડ લોકોએ તો ચારે બાજુ ઉ૫૨થી ગંદકી ફેલાવી દીધી. ધર્મશાળાનો માલિક જ્યારે નિરીક્ષણ કરવા આવ્યો તો તેને ખુશ થઈને શિક્ષિત લોકોને એનાથી પણ વધારે સુંદર અને સારી જગ્યા રહેવા માટે આપી અને પેલા ગંદા લોકોને ખૂબ જ ધમકાવ્યા. જોકે દયાળુ સ્વભાવનો હોવાથી રૂમ ખાલી તો ન કરવ્યો, પણ નાનકડા એવા તૂટેલા-ફૂટેલા અને ગંદકીવાળા ઓરડામાં મોકલી દીધા. આ ઓરડામાં લગભગ આવા જ પ્રકારના લોકોને રાખવામાં આવતા હતા. જે મનુષ્યો પોતાનાં કર્તવ્યોની ઉપેક્ષા કરે છે અને આળસુપણાની ટેવથી ઘેરાયેલો હોય છે તે લગભગ દરિદ્ર જ હોય છે. એવા મનુષ્યની ગરીબાઈ સ્વયં પ્રગટે છે. આત્મવિશ્વાસ દ્વારા સમૃદ્ધિ પ્રાપ્ત કરવાને બદલે જેઓ હિનમનોવૃતિ સ્વીકારીને ગરીબાઈ માંગે છે, ભગવાન તેમને એ જ વસ્તુ આપે છે. મધમાખી માટે ફૂલની અને છાણના કીડા માટે છાણની ભગવાનની સૃષ્ટિમાં વ્યવસ્થા કરેલી છે જ. પોતાની ઈચ્છા મુજબ જેને જે જોઈએ તેને તે પસંદ કરી લે છે અને તે વસ્તુ તેને થોડા પ્રયત્ને મળી જતી હોય છે.

શક્ય છે કે તમારે વધારે પરિશ્રમ કરવો પડતો હોય અને ફુરસદનો સમય ઓછો મળતો હોય, બારીકાઈથી જોતાં જરૂર જણાશે કે નિત્ય કર્મ અને અધિક પરિશ્રમ કર્યા પછી પણ ઘણો બધો સમય બચે છે અથવા બચાવી શકાય છે. જો આ સમયનો સારો ઉપયોગ કરવાની ઈચ્છા નથી, તો ભગવાન વધારે સભય અને સગવડ આપશે પણ નહીં, કારણ કે તે જો વધારે સમય આપે અને પરિશ્રમ ઓછો કરી આપે તો તમારામાં આળસુપણું, ઉદાસીનતા અને કામચોરીનો વધારો થશે. આથી એવું ના વિચારો કે અમને વધારે સગવડ મળી જાય તો અમે વધુ સફળતા પ્રાપ્ત કરી લઈએ. જેઓ સંપન્ન દેખાય છે, તેમણે ખૂબ જ મહેનતપૂર્વકનું કામ કર્યું છે અને નાનામાંથી મોટા બન્યા છે. સૌથી વધુ મરુભૂમિમાં સુંદર ફૂલો ખીલે છે, એ જ રીતે કઠિન પરિસ્થિતિમાં જ મનુષ્ય ઉન્નતિ કરે છે. મુશ્કેલીઓ સામે સંઘર્ષ અને વિપત્તિઓથી ટક્કર લઈને જ મનુષ્ય ઊંચી સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. મનુષ્ય ત્યાં સુધી સમૃદ્ધ રહી શકે છે જ્યાં સુધી તેનામાં ઉત્સાહ હોય, જ્યાં કઠોર કર્તવ્યથી બચવાની અને મોજશોખ કરવાની મનોવૃત્તિ પેદા થઈ, ત્યાં બેરનો ખજાનો પણ સ્થિર રહી શકતો નથી. આપણે જોઈએ છીએ કે ધનવાનોનાં છોકરાં કે જેમને મોજ-મસ્તી કરવાનું જ શિક્ષણ મળ્યું છે, તેઓ સ્વતંત્રતા મળતાં જ નકામા ખર્ચમાં બાપદાદાની સમગ્ર મિલકત વેડફી દે છે અને અંતે પોતાનું યોગ્ય પદ-ગરીબી પ્રાપ્ત કરી લે છે.

ગરીબાઈ એક અસ્વાભાવિક વસ્તુ છે. આત્મા ઐશ્વર્યશાળી છે, એની સાથે દરિદ્રતાનો શું સંબંધ હોઈ શકે ? દયામય પરમાત્માની ક્યારેય એવી ઈચ્છા નથી હોતી કે, તેનો પુત્ર ગરીબાઈ અને મુશ્કેલીમાં જ જીવન પસાર કરે. મનુષ્યને ફક્ત રોટી, કપડા માટે જ નહીં, પણ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ્ય માટે આ સંસારમાં મોકલવામાં આવ્યો છે. આપણે જ્યાં સુધી ગરીબાઈમાં સપડાયા છીએ, ત્યાં સુધી નથી તો કોઈ મહત્ત્વનું કામ કરી શકતા કે નથી આપણી સવૃત્તિઓનો સારી રીતે વિકાસ કરી શકતા. ભૂખ્યો મનુષ્ય કઈ રીતે પોતાના શરીર અને મગજનો સુવ્યવસ્થિત રાખી શકે ? આનંદ અને આશાનો નાશ કરનારા આ અસ્વાભાવિક પરિસ્થિતિ ફક્ત ઉન્નતિનો માર્ગ જ બંધ નથી કરતી, પરંતુ અનેક બદીઓને પણ જન્મ આપે છે અને પ્રેમની જગ્યાએ ઝઘડો અને આનંદના સ્થાને દુઃખ પેદા કરે છે. કેટલીકવાર તો એ મનુષ્યને મનુષ્ય રહેવા દેતી નથી અને અપમાન, અભાવ, લાંછન, શોક વગેરે દ્વારા આત્મહત્યા જેવી દુઃખદ ઘટના તરફ દોરી જાય છે. કેટલાક અસંખ્ય જીવન આવી રીતે બરબાદ થઈ ગયા છે. સંસારમાં ગરીબાઈથી બચવા યોગ્ય અને કષ્ટદાયક બીજી કોઈ વસ્તુ નથી. મનુષ્યનું જીવન એ રીતે વણાઈ ગયું છે કે તે સુખપૂર્વક જીવન વ્યતીત કરી શકે છે, તે આપણે સારી રીતે સમજી લેવું જોઈએ. પ્રભુની ઈચ્છા પણ એવી છે કે આપણે આનંદમય પરિસ્થિતિનો ઉપયોગ કરીએ. જ્યારે પણ કદી આનાથી વિપરીત સ્થિતિ પેદા થાય અને ગરીબાઈ ઘેરી વળે. તો સમજવું જોઈએ કે આપણી અંદર કોઈ વિકાર પેદા થયો છે. આપણે રસ્તો ભૂલી રહ્યા છીએ અને રાજમાર્ગને છોડીને કોઈક અસમાન કાંટાળા માર્ગે ભૂલા પડ્યા છીએ. જો તમે ગરીબી અવસ્થામાં ફસાઈ ગયા છો તો વિચાર કરો કે આપણા અંતઃકરણને કઈ દુવૃત્તિઓએ ઘેરી લીધું છે, જેના કારણે ગરીબી ભોગવવાનો વારો આવ્યો છે.

ક્યારેક જો કોઈ એવાં દૈવી કારણો સર ગરીબાઈ અનિવાર્ય થઈ પડે, તો એમાં કોઈ બેઆબરૂની વાત નથી. શારીરિક અસમર્થતા અથવા તો કોઈ અન્ય કારણથી લોકો ગરીબ થઈ જાય છે. તો દુનિયા એમની ધૃણા કરતી નથી, પરંતુ તેમના પ્રત્યે સહાનુભૂતિ દાખવી ઉ૫૨થી મદદ કરે છે. બેઆબરૂની પરિસ્થિતિતો ત્યાં ગણાય કે હાથ, પગ અને બુદ્ધિ હોવા છતાં આપણે અભાવોના કારણે દુઃખો ભોગવ્યા કરીએ. નિઃશંક ગરીબાઈનું કારણ દુર્બુદ્ધિ છે. કુબેરને પણ ગરીબ બનાવનાર દુર્ગુણો આ છે (૧) આળસમાં સમય વેડફવો (૨) નિરાશામાં પડ્યા રહેવું (૩) અપ્રિય સ્વભાવ બનાવી દેવો (૪) કામ ન કરવાની ટેવ પાડવી (૫) નાનું કામ કરવામાં શરમ અનુભવવી (૬) સ્થિતિ કરતાં વધુ ખર્ચ કરવું. આ દુર્ગુણો છે જે કુબેરને પણ ગરીબ બનાવી દે છે. જો તમે ગરીબ છો તો ઉપરના બધા જ અથવા થોડા પણ દુર્ગુણોથી ઘેરાયેલા હશો. પછી ભલેને તમારી આંખે તમને દેખાતું ન હોય. તમે સમજતા હશો કે આ દુર્ગુણો નાના છે. આના માટે ગરીબાઈ જેવી કઠોર સજા ન મળવી જોઈએ. પરંતુ જયારે વિચારપૂર્વક જોવામાં આવે તો, ખ્યાલ આવશે કે આ આદતો તુચ્છ નહીં, પણ ખૂબ ભયંકર છે. દારુણ પાપોને પેદા કરવાવાળી છે. જૂઠ, છળ, કપટ, અનાચાર, ચોરી, હિંસા, હત્યા જેવાં દુષ્ટ કર્મો કોઈ મનુષ્ય સ્વાભાવિક રીતે કરવાનું ઈચ્છતો નથી, પરંતુ આજ ખરાબ આદતો મનુષ્યને દુષ્ટ કામો કરવા માટે મજબૂર કરે છે. મારો મત છે કે ચોરી અને હત્યા જેવા જ, આળસ, કામ ટાળવાની વાત, ઉડાઉ ખર્ચ વગેરે દોષો છે. અને આ પાપોના પરિણામે જીવતા હોવા છતાં નરકની આગમાં શેકાવું પડે છે. આમ કહેવું જરાય ખોટું નથી કે ગરીબ નરક ભોગવી રહ્યો છે. આવી નારકીય વ્યક્તિને સંસાર ધૃણાની દૃષ્ટિથી જુએ છે તો એમાં જરાય અનુચિત નથી.

એક ભલા માણસને શરમ આવવી જોઈએ કે તે ગરીબાઈથી પીડાઈ રહ્યો છે તો તે ગરીબાઈને દૂર કરવી એ આપણા હાથની વાત છે, તો પછી શા માટે એને દૂર ન કરવી જોઈએ ? કહેવત છે કે ગરીબોની કોઈ મદદ કરતું નથી. ખરું પૂછો તો એ બધાં એને યોગ્ય જ છે કે જેથી તેમની કોઈ મદદ કરતું નથી. હું જ્યારે મારી ચારે બાજુ નજર ફેરવીને છું. જોઉં છું તો ગરીબાઈનાં ભયંકર દશ્યો જોવાં મળે છે. ફિક્કા અને સૂકાયેલા મોં વાળા નવયુવકો જેમનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય નષ્ટ થઈ ગયું છે, બેઢંગા જીવનના ભારથી વાંકા વળેલા નજરે પડે છે. જોકે આ માટે બધી જ રીતે રાજ્યતંત્ર જવાબદાર છે. તેમ છતાં નવયુવકો પણ નિર્દોષ તો નથી જ. આમાંથી કેટલાંકના હૃદયમાં તો આ વિશ્વાસ ખૂબ જ સારી રીતે પોતાનાં મૂળ ઊંડાં નાખીને ઘર કરી ગયો છે કે આ ગરીબીમાંથી બહાર નીકળી શકીશું નહિ. ગરીબાઈ અમારો કેડો છોડશે નહિ તેઓ વિચારે છે કે જે ભાગ્યમાં લખ્યું હશે તેમ થશે. જો અમારા નસીબમાં ધનવાન થવાનું લખાયું હોત તો કોઈ ધનવાનના ઘરમાં જ જન્મ મળત. જ્યારે તેઓ કોઈ ધંધા તરફ નજર દોડાવે છે તો તેમને સૌથી પહેલાં એ સિદ્ધાંત યાદ આવે છે કે, પૈસો પૈસાને લાવે છે. જ્યારે આપણી પાસે પૈસા જ નથી તો ધનવાન કઈ રીતે બનાય ? તેઓ પોતાની યોગ્યતા ઉપરથી વિશ્વાસ ખોઈ બેસે છે અને જુએ છે કે તેમના માટે કોઈ કામ નથી. અમારે આ જ દુઃખમાં પડ્યા રહેવું પડશે. પોતાની જાત ઉપરથી વિશ્વાસ ઊઠાવી લેવો, નિરાશ થઈ જવું, ઉદ્યમને તિલાંજલી આપી દેવી વગેરે એવાં કારણો છે જેની સાથે ગરીબાઈ બંધાયેલી રહે છે.

ગરીબાઈ જેટલી વિધાતક નથી, તેટલા. તેના વિચારો છે. અમે તો તુચ્છ છીએ. અમારે તો ગરીબ જ રહેવાનું છે. અમે શું કરી શકીએ ? આવા વિચારો જ પોતાને ગરીબાઈમાં જકડી રાખે છે. જેઓ પોતાને દીન-હીન અને ભિખારી સમજે છે તેઓ પોતાના વિશ્વાસના આધારે એવા જ બની રહેવાના. એમના માટે શુભ દિવસ ક્યારેય નહીં આવે. જો તમે વિચારો છો કે સમય ખૂબ ખરાબ છે, અમારી દશા બગડતી જ જશે, તો વિશ્વાસ રાખજો કે સમય ખરાબ નહીં હશે તો, પણ તમારા માટે તો સમય ખરાબ જ હશે અને તમારી દશા વધારે બગડતી જશે. વિચારોમાં એક મોટી ચુંબકીય શક્તિ રહેલી છે. મનમાં રહેનાર વાત પોતાના આકર્ષણ દ્વારા અનંત આકાશમાંથી એવાં તત્ત્વોને આકર્ષિત કરે છે કે, જેઓ એને બળ આપે છે. જોવામાં આવ્યું છે કે ભયની ક્લ્પના કરનારની સામે ભય સાક્ષાત આવીને ઊભો થઈ જાય છે. પ્રકૃતિનો ભંડાર આપણા માટે ખુલ્લો છે. જે જેટલું ઈચ્છે તે પોતાની ઈચ્છાનુસાર લઈ શકે છે. જો તમે આખો દિવસ ગરીબનો જ વિચાર કરો છો તો ગરીબી તમારો ઈષ્ટદેવ બની જશે અને ખુશ થઈને તમારી ચારે બાજુ ઘેરો ઘાલીને બેસી જશે. જે પશ્ચિમ તરફ થઈ રહ્યા છે તેને પૂર્વમાં પહોંચવાની આશા સેવવી જોઈએ નહીં. ગરીબ મનોવૃત્તિવાળી વ્યક્તિ ક્યારેય સમૃદ્ધિ મેળવી શક્તી નથી.

એક વાર એક માણસનો હીરાનો હાર ખોવાઈ ગયો. તે સમજ્યો કે કોઈક ચોરી ગયું છે. તેની બાકી રહેલી સંપત્તિનો પણ નાશ થઈ ગયો અને તે બેચાર આનામાં મજૂરી કરવા લાગ્યો. ગરીબીના કારણે તે ખૂબ દુ:ખ ભોગવતો હતો. એકવાર તેને હાથ ગળેથી ફાટેલા ઝભ્ભા પર ગયો, તો તેના હાથમાં હાર આવ્યો. તેને ખબર પડે કે હીરાનો હાર તો ગળામાં જ હતો. ગરીબીના સમય દરમિયાન લાખો રૂપિયાનો હાર તેની સાથે રહ્યો હતો, છતાં ભૂલી જવાને કારણે તે દુઃખ ભોગવતો રહ્યો.

દક્ષિણ ભારતમાં ગોવળકોંડા ગામે પ્રસિદ્ધ હીરાની ખાંણ આવેલી છે. આ જગ્યા પહેલાં અલિહાફિજ નામના પારસીની પાસે હતી. તેને એક હીરાની જરૂર હતી, તેથી તેણે આ જગ્યા થોડાક રૂપિયામાં વેચી દીધી અને બજારમાંથી એક નાનકડો હીરો ખરીદી લીધો. તેને બિચારાને ક્યાં ખબર હતી કે જે જગ્યા વેચી રહ્યો છું તે તો હીરાનો ખજાનો છે. નેવડાની બહુ કીમતી ખાણને તેના માલિકે એક વ્યક્તિને પોતે ફક્ત પાંચસો રૂપિયામાં વેચી દીધી હતી. જો તેને ખબર હોત તો તે આવું કરત નહિ. મનુષ્યમાં કમાવાની અને તેનો સંગ્રહ કરવાની ભરપૂર શક્તિ પડેલી છે, પરંતુ તે જાણી શકતો નથી અને ઉપરોક્ત ઉદાહરણોનું અનુકરણ કરતો રહે છે. આકાશમંડળમાં વિદ્યુતશક્તિનો ભંડાર પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી જ છૂપાયેલો છે, પરંતુ તે હાથમાં ત્યારે જ આવ્યો, જ્યારે મનુષ્યે તેને મેળવવા પ્રયત્ન કર્યો. તમારી અંદર પણ આવી અનેક યોગ્યતાઓ ભરેલી પડી છે, જે બહુ જ ઓછા સમયમાં તમામ મનોકામનાઓ પરિપૂર્ણ કરી શકે છે. એ બધી અહલ્યાની જેમ કોઈ રામની પ્રતીક્ષા કરી રહી છે, જે આવીને સજીવ કરે. ક્યારેય એવું વિચારો નહીં કે, અમે ગરીબ છીએ, અમે શું કરી શકીએ ? અમારી પાસે યોગ્યતા છે જ નહીં, આવું કદાપિ ન કહો. સંસારમાં અદ્ભુત ન અને આશ્ચર્યજનક શોધ કરનાર માણસો ગરીબ જ હતા.

પ્રસ્તાવના, ધનવાન બનવાનાં ગુપ્ત રહસ્યો : શ્રીરામ શર્મા આચાર્ય

ધનવાન બનવાનાં ગુપ્ત રહસ્યો : પ્રસ્તાવના

આજે સર્વત્રી ધનનો અભાવ અને દરિદ્રતાનું સામ્રાજ્ય જોવા મળે છે. જ્યાં જોઈએ ત્યાં ગરીબી અને બેકારી દેખાય છે. બધી જ જગ્યાએ પૈસાની માંગ છે, પણ તેની પ્રાપ્તિ થતી નથી. ધન વગર મનુષ્યનો વિકાસ અટકી પડે છે. તેનો ઉત્સાહ નષ્ટ થઈ જાય છે અને અરમાનો કચડાઈ જાય છે અને વિવિધ પ્રકારની મુસીબતોનો સામનો કરવો પડે છે. આજે સમાજની કોઈ મહત્ત્વની સમસ્યા હોય તો તે છે પૈસો.

સમયની અસ્થિરતા અને રાજનૈતિક કાવાદાવા આનું કારણ છે, પણ સૌથી મોટું કારણ તો છે લોકોની વ્યક્તિગત અયોગ્યતા. બુદ્ધિશાળી મનુષ્યો ખરાબ સમયમાં પણ સુખી રહી શકે છે અને સમૃદ્ધિ એકઠી કરી લે છે. લક્ષ્મી ઉદ્યોગી પુરુષની દાસી છે, તે પોતાને રહેવા યોગ્ય સ્થાન જ્યાં જુએ છે, ત્યાં આપ મેળે ચાલી જાય છે.

આ પુસ્તકમાં કોઈ વેપાર બાબતની વિશિષ્ટ વિધિઓ બતાવવામાં આવેલ નથી, પરંતુ એવા ગુણો પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે કે, જે પ્રાપ્ત કરવાથી બેકાર માનવી કામે લાગી શકે છે, કામે લાગેલો ઉન્નતિ સાધી શકે છે અને ઉન્નતિના માર્ગે ચાલનારો સમૃદ્ધ બની શકે છે. જે લોકો, કોઈ મંત્ર જપવાથી પુષ્કળ સંપત્તિ પ્રાપ્ત કરવાનું વિધાન આ પુસ્તકમાં શોધશે તો તેમને નિરાશા જ મળશે. હા, આ પુસ્તકમાં એવા લોકો માટે પૂરતો મસાલો મળી રહેશે. જેઓ એ જાણવા ઈચ્છતા હોય કે, પ્રગતિશીલ પુરુષો કયા માર્ગનો આધાર લઈ ઉન્નતિના શિખરે પહોંચ્યા છે. અમારો વિશ્વાસ છે કે કર્તવ્યશીલ નવયુવકોને આનાથી પોતાનો માર્ગ નક્કી કરવામાં પૂરતી મદદ મળશે.

– શ્રીરામ શર્મા આચાર્ય

%d bloggers like this: