૧૪ શ્રમ અને મનોયોગ

શ્રમ અને મનોયોગ : ધનનું મહત્વ એટલે માનવામાં આવે છે કે એના માધ્યમથી આનંદમય પરિસ્થિતિ પ્રાપ્ત કરવામાં સુવિધા થાય છે. ધનનું ઉત્પાદન પ્રત્યક્ષત: ખેતી, કારખાનાં અને બજારોમાં થાય છે. પણ મૂળ તો એ મનુષ્યના સમય અને શ્રમની કીમત છે. ભગવાને શ્રમ કરવા યોગ્ય શરીર અને સમયનો સદુપયોગ કરવા યોગ્ય મગજ આપીને ધનવાન બનવાની અને સુવિધાપૂર્ણ જીવન વિતાવવાની બધી સંભાવનાઓ પહેલેથી આપી દીધી છે.


સાપ, હાથી, કાચબો, કાગડો, વગેરે દસ-વીસ પ્રાણીઓને છોડીને મનુષ્ય સૌથી દીર્ઘજીવી છે. સાધારણ રીતે સો વર્ષનું એનું મધ્યમ આયુષ્ય માનવામાં આવે છે પણ એમ તો અપવાદ રૂપે એનાથી દોઢા બમણા આયુષ્યવાળા હજારો દીર્ઘજીવી આજે પણ સંસારમાં હયાત છે. ઈરાનમાં ફાજા રાજી પણ ૧૯૧ વર્ષનો મૌજૂદ છે. આટલી મોટી વય સાથે જ દૈવી ઉપહારની જેમ એને શ્રમ કરવાની અદ્ભૂત ક્ષમતા મળી છે. આઠ કલાક કામ કરવું પડે તો બીજાં પ્રાણી સાવ થાકી જાય છે, પરંતુ મનુષ્ય આજીવિકા કમાવા માટે આઠ કલાક આપ્યા પછી પણ બાકીના આઠેક કલાક પોતાનાં અન્ય વ્યક્તિગત કામોમાં લગાવે છે. સુવા, આરામ કરવામાં એ આઠ કલાક કોઇ ભાગ્યવાનને મુશ્કેલીથી મળે છે. આમ ૨૪ કલાકમાંથી આ આરામના આઠ કલાક કાઢીને, મનુષ્ય સોળ કલાક કામ કરી શકે છે, કરે પણ છે. આ રીતે અન્ય પ્રાણીઓની તુલનામાં બમણો શ્રમ કરવા માટે એને શરીર મળ્યું છે. આવું શરીર સૃષ્ટિમાં અન્ય કોઈ પ્રાણીને ઉપલબ્ધ નથી.
મન-મગજના ચમત્કારી સંસ્થાનના મહિમાનું વર્ણન તો કેવી રીતે કરી શકાય ? એની રચના એવી બુદ્ધિમત્તા સાથે થઈ છે કે જે તરફ મનોયોગ કરવામાં આવે એ તરફ ચમત્કાર ઉત્પન્ન થવા લાગે છે. સંસારમાં અનેક વિચિત્રતાઓ, વિલક્ષણતાઓ અને વિશેષતાઓ જોવા મળે છે. એના મૂળમાં માનવીય આકાળાંઓ, અભિરુચિ તેમજ તત્પરતા જ કામ કરી રહી હોય છે. ખાબડખૂબડ સુમસામ અને ભયંકર દેખાતી આદિમયુગની આકુરૂપ ધરતીને ચિત્ર જેવી સુંદર અને રમકડાં જેવી સુસજિજત બનાવવાનું મનુષ્યના મગજને શ્રેય મળે છે. ભાષા, લિપિ, ગૃહસ્થ, સમાજ, શાસન, ધર્મ, ઇશ્વર, ચિક્તિસા, કળા, સંગીન, શિલ્પ, રસાયણ, ખેતી, ઉદ્યોગ, વ્યવસાય, પશુપાલન, પરિવહન, ઉડ્ડયન, અસ્ત્ર-શસ્ત્ર વગેરે અગણિત પ્રક્રિયાઓ માનવ જીવનને વિકસિત કરવામાં સહાયક થઈ રહી છે. અગ્નિ, જળ, વાયુ વિધુત, અણું વગેરે પ્રકૃતિની અનેક શક્તિઓને છીનવીને મનુષ્યે પોતાને એટલો શક્તિશાળી બનાવી દીધો છે કે એને આ સૃષ્ટિનો સ્વામી માનવો પડે છે. અત્યાર સુધીમાં જે પ્રગતિ થઇ ચૂકી છે એનાથી ભવિષ્યમાં અનેક ગણી વધુ સંભાવનઓ જોતાં એમ કહી શકાય છે કે માનવીય મગજનો આ એક જીવતો જાગતો જાદુ છે.
ઇશ્વરદત્ત શક્તિઓમાં જે રીતે મગજ અને મનનું મહત્વ છે એ જ રીતે શરીરમાં શ્રમનો મહિમા છે. શ્રમશક્તિને નિયોજિત કરીને મનુષ્ય જો ઈચ્છે તો અસંભવને સંભવ બનાવી શકે છે. ફરહાદનો પર્વત છેદીને નહેર કાઢી લાવવાના એકાકી પ્રયત્નની કથા પ્રસિદ્ધ છે. ટિટોડીએ પોતાનાં ઈડાં પાછાં મેળવવા માટે સમુદ્રને પાઠ ભણાવવાનો નિશ્ચય કર્યો તો અગસ્ત્ય ઋષિના સહયોગથી એને આ અસંભવ કાર્યમાં પણ સફળતા મળી ગઈ. સૂર્યના નિરંતર ધૂમ્યા કરવાના શ્રમે આ સંસારને જીવન પ્રદાન કર્યું છે અને ધરતીની ભ્રમણશીલતાએ જ એને આ રૂપમાં સ્થિર રાખી છે. બ્રહ્માજીના એકાકી પુરુષાર્થથી સૃષ્ટિ રચાઇ અને અણુઓની ગતિશીલતાથી જ નિર્માણ-વિકાસનો ઉપયોગી ક્રમ અવિરત ચાલી રહ્યો છે.
માનવીય શ્રમના જોરે આપણે અન્ન, વસ્ત્ર, શિક્ષણ, આજીવિકા, સુવિધા તેમજ આનંદપ્રમોદનાં સાધન પ્રાપ્ત કરીએ છીએ. જે લોકોમાં આળસની પ્રવૃત્તિ વધી જાય અને શ્રમથી મન ચોરવાની રાહત અપનાવી લેવામાં આવે તો જે સુવિધાઓ આજે આપણે મેળવીએ છીએ એ બધી સમાપ્ત થઈ જાય અને જીવન ધારણ કરી રાખવાનું પણ અસંભવ લાગે શ્રમને આધારે જ શરીર અને પરિવારનો નિર્વાહ થાય છે. પ્રગતિની કોઈ પણ દિશામાં અગ્રેસર થવા માટે સૌથી પહેલું સાધન શ્રમ-અપેક્ષિત હોય છે. જે જેટલો પરિશ્રમી હોય છે એ એટલી જ ઉન્નતિ કરતો જાય છે અને આળસુને પોતાની પાછળ રહી ગયેલી દીન પરિસ્થિતિ જોઇ જોઇને પસ્તાવું પડે છે. પછી ભલે એ પોતાનો દોષ બીજા પર ઢોળીને મન હલકું કરી લે, પરંતુ વસ્તુસ્થિતિ જેમની તેમ જ રહેશે. શ્રમથી જે જેટલો દૂર ભાગશે, સૌભાગ્ય એનાથી એટલું જ દૂર જતું જશે, પ્રગતિની સંભાવનાઓ એટલી ઓછી થતી જશે.
શ્રમશક્તિને સુવ્યવસ્થાપૂર્વક જીવનોત્કર્ષ માટે સુનિયોજિત કરવાનું કાર્ય મનુષ્યની સૌથી મોટી બુદ્ધિમત્તા માની શકાય. સમય ઈશ્વરદત્ત સંપત્તિ છે. એનો પ્રયોગ જે પ્રયોજન માટે કરવામાં આવે એ સિદ્ધ થવા લાગશે. આજકાલ લોકો ધનને વધુ આવશ્યક માને છે અને એને કમાવાની ઇચ્છા રાખે છે. પરિણામે આજીવિકાનાં કાર્યોમાં એને લગાવી રાખે છે. પરિસ્થિતિ, સાધન, અને ક્ષમતાને અનુરૂપ લાભ પણ થાય છે. જે જેટલો શ્રમશીલ છે એ એટલો જ આગળ વધશે. એને એટલી જ સફળતા મળશે અને જેણે જેટલી ઢીલ કરી હશે એને એટલી જ અસફળતાનો સામનો કરવો પડશે.
લક્ષ્ય કોઈ પણ કેમ ન હોય, એમાં પ્રગતિ ત્યારે જ થાય જ્યારે ઇચ્છિત માત્રામાં શ્રમ તેમજ સમય લગાડવામાં આવે. છોડનો વિકાસ ખાતર અને પાણી પર નિર્ભર રહે છે. આ બે વસ્તુઓને પ્રાપ્ત કરીને કોઇ વૃક્ષ મોટું થઈને ફળવાફૂલવાની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. એ જ રીતે કોઇ પણ લક્ષ્ય ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે એના માટે મનોયોગપૂર્વક શ્રમ અને સમયને નિયોજિત કરવામાં આવે અને મનોયોગપૂર્વક કાર્યક્રમ બનાવીને નિયમિત રૂપે એમાં મચ્યા રહેવામાં આવે.
કળાકૌશલ, શિક્ષણ, ભાષણ, લેખન, સ્વાસ્થ્ય વગેરે કાર્યોમાં ઘણી વ્યક્તિઓ અસાધારણ પ્રગતિ કરતી જોવા મળે છે. લોકો એમ માને છે કે એમને કોઈ દૈવી વરદાન કે પ્રારબ્ધલાભ પ્રાપ્ત થયો છે, પરંતુ વસ્તુતઃ આ એમના શ્રમ તેમજ મનોયોગનું જ ફળ હોય છે. લૌકિક કે અલૌકિક પ્રયોજન માટે પરિપૂર્ણ શ્રમ અને ઉચિત સમય આપવાની આવશ્યકતા હોય છે. જેઓ સફળતાના આ રહસ્યને નથી સમજતા અને આળસને છાતી સાથે ચીપકાવીને ઉન્નતિનાં મોટાં મોટાં સપનાં જુએ છે તેમને નિરાશા સિવાય શું હાથ લાગે ? વ્યર્થ સમય બરબાદ કરવો અને કામચોરી કરવી આ બે દુર્ગુણ જીવન બરબાદ કરવા માટે પર્યાપ્ત છે. ક્લે છે કે શનિ અને રાહુની દશા સૌથી ખરાબ હોય છે અને જ્યારે એ આવે છે ત્યારે બરબાદ કરી નાખે છે. આ કથનમાં કેટલી સચ્ચાઇ છે એ કહેવું મુશ્કેલ છે. પરંતુ એ નિતાંત સત્ય છે કે આળસને શનિ અને પ્રમાદને – સમયની બરબાદીને રાહુ માની લઇએ તો એની છાયા પડવા માત્રથી મનુષ્યની બરબાદીનો પૂરેપૂરો સરંજામ બની જાય છે.
અવનતિગ્રસ્ત લોકોની હીન સ્થિતિનાં અનેક કારણ હોય છે, પરંતુ સૌથી મોટું કારણ એ જ હોય છે કે તેઓ પોતાના સમય, શક્તિ અને શ્રમશક્તિનું મહત્ત્વ સમજી શકતા નથી. આ દૈવી સંપત્તિઓનો સદુપયોગ કરવાથી બધું જ પ્રાપ્ત કરી શક્વાની સચ્ચાઈ જેમણે હૃદયંગમ કરી નથી તેઓ મૂળને સીંચવાનું છોડીને પાંદડાં પર પાણી છાંટયા કરે છે અને જલ્દી પરિશ્રમ વિના મનવાંછિત સફળતા પ્રાપ્ત કરવા માટે ભટકતા રહે છે. દેવીદેવતાઓની માનતા માનનારા, આશીર્વાદ-વરદાન માટે યોગી યતિઓની શોધમાં ફરનારા લોકો પ્રાયઃ આ પ્રકારના હોય છે. તેઓ ભૂલી જાય છે કે પુરૂષાર્થથી મોટો કોઈ દેવતા નથી અને સુનિયોજિત રીતે મનોયોગપૂર્વક શ્રમ કરવાથી મોટું અન્ય કોઇ સિધ્ધિદાયક સાધન નથી.
મનુષ્યના હાથમાં રહેનાર શ્રમ દેવતા એટલો શક્તિશાળી અને ઉદાર છે કે પોતાનાં કોઈ ભક્તને ક્યારેય નિરાશ થવા દેતો નથી. સમયના સદુપયોગની તત્પરતાને અલાઉદ્દીનના ચિરાગ કે વિક્રમાદિત્યના અદૃશ્ય શક્તિશાળી ‘વીરો’ સાથે સરખાવી શકાય. આવા અસંખ્ય ઉદાહરણો આપણી આસપાસ ફેલાયેલાં હોય છે. જેને ધ્યાનથી જોવાથી સ્પષ્ટ થઈ જાય છે કે કોઈ નબળી પરિસ્થિતિનો વ્યક્તિ પણ જે પ્રગતિની સુવ્યવસ્થિત યોજના બનાવીને એને માટે શ્રમ અને સમયની આવશ્યક માત્રા આપવા લાગે તો ઉન્નતિની સંભાવનાઓ તત્કાળ દૃષ્ટિગોચર થવા લાગે. આ બંને દેવતાઓની પૂજા કદી પણ નિરર્થક જતી નથી. લૌકિક અને પારલૌકિક બધી પ્રગતિઓનાં દ્વાર કુંઠિત કરનારા બે જ અસુર મુખ્ય છે – એક આળસ બીજો પ્રમાદ સમયને બરબાદ કરનારો અને શ્રમથી મોં ફેરવનારો પોતે જ પોતાનો શત્રુ છે. એને બહારના શત્રુઓની શી જરૂર છે, જેણે પોતાની બરબાદી માટે આ બે દુર્ગુણ પાળ્યા છે એને નિ અને રાહુની દશાની પ્રતીક્ષા કરવી પડે નહીં. એના ઉપર સાડાસાતી નહીં અજરઅમર સત્યાનાશી શનિદેવતા સદાય ચડેલા રહેશે. રાહુ સ્થાયી રૂપે એના માથા પર ભમતો રહેશે.
સંસારના પ્રગતિશીલ લોકો પ્રગતિની દિશામાં કદમ પર કદમ આગળ વધતા જાય છે. વિજ્ઞાનની શોધોએ વિશ્વસની આશ્ચજનક સુવિધાઓ ઉત્પન્ન કરી છે. ચંદ્રમા પર ઝંડો લહેરાવ્યો છે. ધન અને વૈભવની સંભાવનાઓ વધુને વધુ થઇ છે. અસ્વસ્થતા અને દૂર્બળતાને જીનવાની તૈયારી થઈ રહી છે. આ મહત્વાકાંક્ષાઓની પાછળ શ્રમ તેમજ મનોબળની પ્રેરકશક્તિ કામ કરી રહી છે. આ જીવિત અને પ્રત્યક્ષ દેવતાઓની પૂજા કરીને જ્યારે સંસારના પ્રગતિશીલ લોકો મનમાન્યાં વરદાન પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે આપણે મંત્રસિદ્ધિના ચમત્કારોની લાલસામાં જ ભટકતા રહીએ છીએ. સૌથી મોટો મંત્ર છે – જીવનમને સુનિયોજિત કરીને એમાં સમય, શ્રમ તેમજ પુરૂષાર્થને પૂરી રીતે સંલગ્ન કરવો. આ મંત્રને વ્યવહારિક જીવનમાં ઉતારવાની સાધના જેણે આરંભી દીધી એને અષ્ટ સિધ્ધિ નવનિધિ મળે નહીં તો પણ જીવનને સુવિકસિત કરવાની સફળતા બહુ મોટી માત્રામાં અવશ્ય મળીને જ રહેશે.
આપણે એ તત્ત્વો તરફ ધ્યાન આપવું જોઈએ જે જીવનવિકાસનો મૂળ આધાર છે. એનો સદુપયોગ જ લૌકિક-પારલૌકિક સફળતાનો એકમાત્ર ઉપાય છે. ઇશ્વરે આપણને શરીર અને મન જેવી અણમોલ વસ્તુઓ આપી છે. એનો લાભ પણ એ જ ઉઠાવી શકે છે જે શરીરને સુવ્યવસ્થિત શ્રમમાં નિરંતર લગાવે છે અને એક ક્ષણનો સમય પણ બરબાદ ન થવા દેવા માટે સતર્ક રહે છે. મનોયોગપૂર્વક, રસપૂર્વક જે કોઈ કાર્ય કરવામાં આવશે એની ચમક નિરાળી હશે. બેકાર ચૂકવણીની જેમ ભારરૂપે કોઈ રીતે પૂરું કરેલું કામ અને પોતાના સન્માનનો પ્રશ્ન બનાવી પૂરી તન્મયતા સાથે કરેલા કામમાં જમીન આસમાનનો તફાવત દેખાઇ આવે છે. જે કામમાં સજીવતા હશે એ નાનું કેમ ન હોય, કરનારના વ્યક્તિત્વ તેમજ ગૌરવને વિકસાવવામાં સહાયક સિધ્ધ થશે. સફળતાની ઊંચી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક પ્રગતિશીલને આ રસ્તે યાત્રા કરવી પડી છે. આપણે પણ જો સફળ વ્યક્તિનું જીવન ઇચ્છના હોઇએ તો આ રીત અપનાવવી પડશે કે પરિશ્રમી બનીએ, ધોર પરિશ્રમમાં આનંદનો અનુભવ કરીએ તથા એક ક્ષણ પણ બરબાદ ન થવા દઈએ. આપણા કાર્યોમાં આપણી જેટલી રુચિ હશે એ એટલાં જ વધુ સુંદર બનશે અને ક્લાકૃતિઓનાં એ નગ઼ખલાઓ દ્વારા સફળતાનો એ માળો બનાવી શકાશે જેમાં બેસીને કોઇ ચતુરપક્ષીની જેમ આપણે પણ સંતોષનું જીવન વિતાવી શકીશું.
ઉજ્જવળ ભવિષ્યનાં સજાવેલાં સ્વપ્નોની સાર્થકતા નિરર્થના એ બાબત પર નિર્ભર છે કે આપણે કેટલા ધૈર્યપૂર્વક કેટલા અભ્યાસ સાથે નિર્ધારિત લક્ષ સાથે જોડાઇએ છીએ, એના માટે કેટલો મનોયોગ કરીએ છીએ અને કેટલો પુરૂષાર્થ કરીએ છીએ. આળસ અને પ્રમાદ આ બે જ્યાં રહેશે ત્યાં ડગલેને પગલે અસફળતા હશે. દૈવી અનુગ્રહ પણ પુરુષાર્થીઓનો સહાયક હોય છે. આળસુ અને પ્રમાદીને ધરતીનો ભાર માનવામાં આવે છે. એમના પર કૃપા કરીને દેવતાઓ પણ પોતાની ઉદારતાનો દુરુપયોગ શા માટે કરે ? એક વાર કૃપા કરી પશ્ન દે તો પોતાના દુર્ગુણોને કારણે આળસને બીજે દિવસે દુર્ભાગ્યનો જ સામનો કરવો પડશે. આમ વિચારીને દૈવી કૃપા પણ એમનાથી દૂર જ રહે છે. આપણે પ્રગતિશીલ અને પુરુષાર્થી બનીએ તો દૈવી અનુગ્રહ પણ સહજ જ પ્રાપ્ત થવા લાગશે.

૧૩. પ્રગતિ માટે શક્તિની આવશ્યકતા

પ્રગતિ માટે શક્તિની આવશ્યકતા
જીવન અને સંસારની સતત ક્રિયાશીલતા, કર્મની વિભિન્ન અભિવ્યક્તિ, સૃષ્ટિનો સમગ્ર કાર્યવ્યાપાર ‘શક્તિ’ ના સ્પર્શથી જ સંચાલિત છે. શક્તિ વિના સંસાર અને જીવનની ક્લ્પના પણ કરી શકાતી નથી. બીજા શબ્દોમાં શક્તિ જ જીવન છે. શક્તિનો અભાવ જ મૃત્યુ છે. શક્તિનો સ્પર્શ પામીને જડ તત્વો પત્ર મહત્વર્ણ બની જાય છે. નિર્જીવ કોલસો અગ્નિનું તેજોમય રૂપ ધારણ કરી લે છે. ગ્રહ, નક્ષત્રો સૌ પોતપોતાની જ્ગાએ આકાશમાં અધ્ધર લટના હોવા છતાં શક્તિને કારણે જ સ્થિર છે. જો શક્તિનું અસંતુલન પેદા થઇ જાય તો એક્બીજા સાથે અથડાઈ જાય. સમસ્ત બ્રહ્માંડ નષ્ટ-ભ્રષ્ટ થઇ જાય. શક્તિનો સહારો લઇને જડવસ્તુઓ પણ ગતિશીલ બની જાય છે. ચેતનશક્તિને કારણે પંચતત્ત્વનું બનેલું માનવશરીર યંત્ર કેવાં કેવાં ગજબ કામ કરી બતાવે છે. વિજળીની શક્તિથી લોખંડ, તાંબાના બનેલા પંખા, મોટર, રેલ્વે, બલ્બ વગેરે કેવાં મહત્વપૂર્ણ કાર્ય સંપન્ન કરે છે ? શક્તિ અસંભવને સંભવ કરે છે.


શક્તિનો સ્રોત ગતિશીલતા, કર્મમાંથી જ ફૂટી નીકળે છે. આળસ જડતાથી શક્તિના સોન રૂંધાઇ જાય છે. મંદ પડી જાય છે અને એક દિવસ પૂર્ણતઃ બંધ પણ થઇ જાય છે, પરંતુ મનુષ્યને નિત્ય નવી શક્તિ પ્રાપ્ત થઇ જાય છે. એના શક્તિ સ્રોત અતૂટ રૂપે પ્રવાહિત થતા રહે છે. એ પોતાનાં ઘણાં કામ પૂરાં કરી નાખે છે ત્યારે ત્યાં સુધીમાં આળસુ વ્યક્તિ પોતાની મુશ્કેલીઓની ચર્ચા કરતો પડયો રહે છે અને કશું કરી શકતો નથી. આળસુ સૂઈને ઉઠે તે પહેલાં જ કર્મવીર ધણું બધું કરી લે છે. એની શક્તિઓ અતૂટ ધારાની જેમ નિત્ય નિરંતર વહેતી રહે છે. બેકાર પડી રહેનારી ભૂમિ વેરાન અને બીનઉપયોગી થઇ જાય છે. એનાથી ઉલટું નિયત સમયે પાક લેતા રહેવાથી એ ઉપજાઉ બનેલી રહે છે. કામમાં આવતાં રહેનારાં મશીન ઘણા સમય સુધી સક્ષમ બની રહે છે. જ્યારે બેકાર પડી રહેનારાં થોડા જ સમયમાં કાટ વગેરે લાગવાથી બીન ઉપયોગી બની જાય છે.
આળસની અપેક્ષાએ તો શક્તિનો દુરુપયોગ થવો પણ ઉત્તમ છે. શક્તિનો દુરુપયોગ એટલો ખરાબ નથી કે જેટલો એનો ઉપયોગ જ ન કરવો, આળસુ બન્યા રહેવું, આળસ જડતાનું નિવાસ સ્થાન છે જેમાં ન કોઈ ગુણ હોય છે ન દુર્ગુણ ત્યાં પરિવર્તન, સર્જન વગેરે માટે કોઇ ગુંજાઈશ રહેતી નથી. શક્તિના દુરુપયોગથી દુર્ગુણ તથા ખરાબ કામો માટે પ્રોત્સાહન મળી શકે છે, પરંતુ કેટલાક મહત્વપૂર્ણ ગુણ કર્મઠતા, સક્રિયતા, વ્યવસાય તો રહે જ છે. આ ગુણો હોવાથી કોઈને કોઈ દિવસ સારપ તરફ વળી જવાથી મનુષ્ય શક્તિનો સદુપયોગ પણ કરી શકે છે અને મહત્ત્વપૂર્ણ કાર્ય કરી શકે છે. ઝાડી-ઝાંખરાં જંગલોને કાપીને એક દિવસ એ ભૂમિમાં પાક ઉગાડી શકાય છે. ખરાબ રસ્તા પર ચાલનારી વ્યક્તિ એક દિવસ સારો પણ બની શકે છે. એક ભયંકર ડાકુ, લૂંટારા, મનુષ્યનો દૃષ્ટિકોણ બદલાતાં જ પૂર્વની કર્મઠતા અને સક્રિયતાના બળે મહર્ષિ વાલ્મીકિના રૂપમાં પ્રગટ થયો. અંગુલિમાલ ડાકુ બૌદ્ધ ભિક્ષુ બની ગયો. વિજયના ઉન્માદમાં હજારોનું લોહી વહેવડાવનાર અશોક મહાન અહિંસક બન્યો. ઇતિહાસમાં આવાં અસંખ્ય ઉદાહરણો ભરેલાં પડયાં છે. ખરાબી સાથે સક્રિય રહેનાર વ્યક્તિની પણ સુધરવાની આશા રાખી શકાય છે, પરંતુ આદર્શો સિદ્ધાંતો વધારનારા ઉપદેશ આપનારા, આળસુ લોકો માટે સુધરવાની કોઈ શક્યતા નથી. ખરેખર એ વ્યક્તિ એટલો ખરાબ કહી શકાય નહીં જે ખરાબ કામમાં લાગેલો રહે છે. ખરાબ વ્યક્તિ એ છે જે સારપના નામ પર આળસુ બની બેસી રહે છે.
કર્મશીલતા, કર્મસાધના જ શક્તિસંવર્ધનનો પ્રમુખ આધાર છે. કર્મ ગમે તેવું હોય, આખરે તો કર્મ જ છે. સૈનિક, વેપારી, લેખક, ઉપદેશક, શ્રમિક મજુર બધા પોતપોતાના સ્થાને કર્મશીલ છે. કોઈ કામને દઢ લગન, નિષ્ઠા, સચ્ચાઈ સાથે-સાથે દિલ ખોલીને કરવું કર્મસાધના છે જેનાથી શક્તિઓના સ્રોત ખૂલી જાય છે. આ શક્તિઃસ્રોત જ જીવનમાં સિદ્ધ બની જાય છે. આ સિદ્ધિ જીવનનાં વિભિન્ન ક્ષેત્રોમાં સફળતાનાં વરદાન પ્રાપ્ત કરાવે છે, મનુષ્યને સમર્થ, શક્તિવાન બનાવે છે.
પ્રગતિ માટે શક્તિની આવશ્યકતા છે. શક્તિ જ એ તત્વ છે જેના આધારે સુખ સુવિધા અને સાધનસામગ્રી ઉત્પન્ન થાય છે. નબળી વસ્તુ કે વ્યક્તિને ચરો સમજવામાં આવે છે અને પ્રકૃતિની વ્યવસ્થા એને જલદી જ નાશ કરવાની તૈયારી કરે છે. શરીર જ્યાં સુધી સશકત છે ત્યાં સુધી એને પ્રતિષ્ઠા, પ્રશંસા, પ્રેમ અને સહયોગ પ્રાપ્ત થાય છે. બીમારી કે કમજોરીની સ્થિતિમાં આંતરિક કષ્ટ અને બહારનો ખોટો વ્યવહાર ભોગવવો પડે છે. આ શરીર જો વધુ અશકત બનીને મૃત બની જાય તો પરિજન એને જલદી બાળવાની, દાટવાની, વહેવડાવવાની વગેરે તૈયારી કરે છે. જે તેઓ મોડું કરે તો એ મૃત શરીરમાં જાતે જ સડો પેદા થાય છે અને કીડા ઉત્પન્ન થઈને એને સમાપ્ત કરી દે છે. જંગલમાં પડેલાં મૃત શરીર ગીધ, કાગડા, શિયાળ કે કુતરાંનો આહાર બની જાય છે.
જે સબળ શરીર દ્વારા સિંહનો શિકાર કરવામાં આવતો હતો, રમતગમતની સ્પર્ધાઓમાં પુરસ્કાર મળતો હતો, રૂપ અને યૌવનનું ભારે આકર્ષણ રહેતું હતું, ઉપાર્જનનાં બધા દ્વાર ખુલ્લા રહેતાં હતાં એ જ શરીર અશકત થવાથી પોતાની બધી વિશેષતાઓ ખોઈ બેસે છે અને જોનારાઓની દૃષ્ટિમાં કુરૂપ, દીન, દયનીય બની જાય છે. લોકો એનાથી બચવા અને પીછો છોડાવવાની વાત વિચારવા લાગે છે. જે વસ્તુ જૂની થઈ જાય છે, સડીગળી જાય છે, નકામી અને શક્તિહીન થઇ જાય છે, તેને કચરામાં ફેંકવામાં આવે છે અને એનો નાશ કરીને એનાથી કશું નવું બનાવવાનો વિચાર કરવામાં આવે છે. વૃદ્ધાવસ્થા થવાથી મૃત્યુ પણ એ જ ઉદ્દેશ્યથી આવે છે.
જીવનને વધુ ઉપયોગી બનાવી રાખવા આપણે માટે શક્તિનો સંચય કરવાનું અને વિકસાવવાનું આવશ્યક છે. જે જેટલો શક્તિશાળી છે તેટલો જ લાભાન્વિત રહેશે. જે કંઇ આપણે ઇચ્છીએ છીએ એ આકાંક્ષાની પૂર્તિની સમસ્યા સામે આવતાં જ સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે કે શું એને માટે આવશ્યક શક્તિ આપણી પાસે છે ? જો અશક્તિ છવાયેલી હોય તો ઉન્નતિની વાત તો દૂર સુરક્ષા પણ સંદિગ્ધ બની જાય છે.
અશકત વ્યક્તિઓ પાસેથી એમની કમાયેલી કે ઉચિત અધિકારની વસ્તુઓને પણ ચોર, લુચ્ચા પડાવી લે છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનું પણ દુર્બળો માટે મુશ્કેલ હોય છે. સસલાં, મરધાં, કબૂતર, માછલી જેવા અલ્પ સામર્થ્ય ધરાવતા જીવ બીજા હિંસકો દ્વારા કાયમ સંતાપવામાં આવે છે. પ્રચંડ અગ્નિ માટે તેજ હવા સહાયક બને છે, એની પ્રચંડતાને વધારે છે. એ જ હવા બિચારા, કમજોર, દીપની જ્યોતને બૂઝાવી નાખવાનું ચૂક્તી નથી. આ સંસારનું આવું જ વિચિત્ર વર્તન છે.
પરમાત્મા પણ એની સહાયતા કરે છે જે પોતાની સહાયતા જાતે કરે છે. પ્રાચીન ઇતિહાસ, પુરાણોમાં અગણિત સિદ્ધ યોગીઓ અને ઈશ્વર-ભકતોના આત્મબળની કથાઓ આપણે વાંચીએ છીએ તો પરમાત્માની મહાનતા અને કરુણા પર ખૂબ પ્રસન્નતા થાય છે. પરંતુ જ્યારે એ વિચારીએ છીએ કે કોઈકોઈને જ વિશેષ કૃપાપાત્ર પરમાત્માએ કેમ બનાવ્યા અને એમને જ વિશેષ અનુગ્રહ તેમજ વરદાન પ્રદાન કરવાનો પક્ષપાત કેમ કર્યો ? તો એનો ઉત્તર સહજ જ મળે છે. યોગીઓ અને ભકતોએ પોતાના પ્રબળ પુરુષાર્થથી એ કૃપા પ્રદાન કરવા માટે વિશેષ કાર્ય કર્યા છે. એમાં ઇશ્વરની કરુણાની જેટલી પ્રશંસા છે એટલી જ ભક્તના પુરુષાર્થની પણ પુરુષાર્થના આધારને વરદાનનું પ્રતિફળ માનવામાં આવ્યું છે. ન્યાય અને નિષ્પક્ષતાની પણ આ જ આવશ્યકતા છે. ઇશ્વર પોતાને અન્યાયી અને પક્ષપાતી કહેવડાવનારાં કામ કરી શકે નહીં. એની પ્રત્યેક ક્રિયા સિદ્ધાંત અને મર્યાદાને અનુરૂપ જ હોય છે.
પ્રકૃતિ આ સંસારમાં બધું સ્વસ્થ, સુન્દર, સમર્થ અને સમુન્નત જોવા ઇચ્છે છે. એમાં જ્યાં પણ ઊણપ આવે છે ત્યાં એ કુરૂપ ચીજોને મિટાવી દઈને નવી સુંદર ચીજો ફરી બનાવવાનો પ્રયત્ન આરંભી દે છે. કુંભાર ઘણા પ્રકારનાં વાસણ અને રમકડાં બનાવતો રહે છે, એમાં કેટલાંક કુરૂપ અને દોષયુક્ત પણ બની જાય છે. કુંભાર એને તોડી નાખે છે અને એ જ માટીમાંથી બીજી સારી વસ્તુઓ બનાવે છે. પ્રકૃતિ પણ આ જ કરે છે. અશક્તિ અપનાવીને જેમણે પોતાનું જીવન કુરૂપ બનાવી નાખ્યું છે એમનો નાશ થવામાં જ પ્રકૃતિને સારપ દેખાય છે. “દૈવને દુર્બળતાનો ધાતક ” બતાવીને શાસ્ત્રકારોએ એક કટુ સત્ય રજુ કર્યું છે.
ઈશ્વરીય સહાયતા સૌ કોઈને મળે છે, મળી શકે છે, પરંતુ એનો નિયમ એ જ છે જે વિધાલયોમાં શિષ્યવૃત્તિ મેળવનારા વિધાર્થીઓને લાગુ પડે છે. જે સારા ગુણથી ઉત્તીર્ણ થાય છે, પોતાના પ્રબળ પુરુષાર્થનો પરિચય આપે છે, એમને આગળ વધવા માટે શિષ્યવૃત્તિઓ મળે છે. સરકાર અને દાની વ્યક્તિઓ પણ આ આધારે જ સહાય કરે છે. જે વિધાર્થીઓ પોતાની શ્રમશીલતાનો પરિચય આપી શકતા નથી, નાપાસ થાય છે અથવા પાછળ રહે છે, એમને શિષ્યવૃત્તિ આપવામાં અધિકારી કે દાની પોતાની સહાયતાનો દુરુપયોગ થશે એમ વિચારે છે અને એ પ્રકારના વિધાર્થીઓને નિરાશ રહેવું પડે છે. આ કટુસત્યનો આપણે ચારે બાજુ અનુભવ કરીએ છીએ. પ્રત્યેક વ્યક્તિ આ વાતનો સાક્ષી છે કે શક્તિ જ્યાં સુધી મોજૂદ છે ત્યાં સુધી એના માટે આ દુનિયા સ્વર્ગ સમાન સુખદાયક છે, પરંતુ જેવી એમાં ઓછપ આવવા લાગે તેવી જ સ્થિતિ બદલાવા લાગે છે. સુખનાં સાધનો જ દુઃખદાયક બની જાય છે. ત્યાં સુધી કે જે શરીરને એટલા પ્રેમ, મનોયોગથી સાચવ્યું હતું એ પણ પીડા અને પરેશાની ઉત્પન્ન કરવા લાગે છે.
શક્તિની ઉત્પત્તિ અવરોધથી થાય છે. નદીમાં પાણીનો પ્રબળ પ્રવાહ વહેતો રહે છે, એ પોતાની રીતે ચાલ્યા કરે છે અને સમુદ્રમાં પોતાનું અસ્તિત્વ સમાપ્ત કરી દે છે, પરંતુ એ પ્રવાહને ક્યાંય રોક્વામાં આવે તો અવરોધ સ્થાને શક્તિનો ઉદ્દભવ થવા લાગે છે. ગંગોત્રી અને ઉત્તરકાશી વચ્ચે ગંગાની ધારા વચ્ચે પથ્થરની મોટી મોટી ચટ્ટાનો સાથે જળ-પ્રવાહ અથડાય છે ત્યાં પાણી ભયાનક રીતે ઉછળે છે, ભારે અવાજ કરે છે અને ત્રીસ ત્રીસ ફૂટ ઊંચે છાંટા ઉછાળે છે. આ દેશ્યને જોવા માત્રથી ડર લાગવા માંડે છે. જો એ ચટ્ટાનો હટાવી દેવામાં આવે તો પ્રવાહ સાધારણ રીતે વહેવા લાગશે અને એ ભયાનક શક્તિ-ઉદ્ભવનું દૃશ્ય સહજ જ સમાપ્ત થઈ જશે.
ધનુષ્યની દોર જ્યારે ખેંચાય છે ત્યારે એમાં નીરને દૂર ફેંક્વાની શક્તિ આવે છે. જો આ દોર ઢીલી પડી રહે તો એનાથી તીર ફેંકવાનું કામ સહેજ પણ થઈ શકે નહીં મનના અસ્તવ્યસ્ત પ્રવાહને એકાગ્રતાપૂર્વક રોકીને એક દિશામાં લગાવનારા સાધક એની મહાન શક્તિથી મહત્વપૂર્ણ પ્રયોજન સિદ્ધ કરે છે. વૈજ્ઞાનિકોથી માંડીને યોગીઓ સુધીનાએ અત્યાર સુધીમાં અગણિત સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એ બધાનું શ્રેય મનને રોકીને એક દિશામાં લગાડી રાખવાની સફળતામાં જ સમાયેલું છે. કામવાસનાનું દમન કરીને બ્રહ્મચર્યથી રહેનારા લોકો શરીર, મન અને આત્માની તેજસ્વિતા પ્રાપ્ત કરે છે. લોભ અને મોહને ઠોકર મારીને આદર્શવાદનો માર્ગ અપનાવનારા મહાપુરુષાનું નામ અમર થાય છે. લાલસા અને વાસનાના સામાન્ય મમાં આગળ વધતા રહેનારા લોકો કોઈ રીતે જીંદગી તો પસાર કરી લે છે પણ એમને એનો વાસ્તવિક લાભ મળતો નથી. પ્રાચીન કાળમાં બાળકોને ગુરુકૂળોમાં રહીને કષ્ટસાધ્ય જીવનનો અભ્યાસ કરતા જઈને શિક્ષા પ્રાપ્ત કરવાની વ્યવસ્થા હતી. કઠોરતા સાથે ટકરાઈને વિકસિત થનારાં બાળકોનું શૌર્ય અને સાહસ વિકસતાં હતાં. અમીરીના વાતાવરણમાં ઉછરનારા છોકરા વિલાસી અને રેંજીપેંજી જ બની શકે છે. જીવન સંઘર્ષમાં લડવાનો જ્યારે વારો આવે છે ત્યારે એમની સુકોમળતા એમને અફળતા, નિરાશા અને પરાજય જ આપે છે.
ચટ્ટાનો પર ઉગનારાં દેવદારુનાં વિશાળ વૃક્ષો બહુ ઉચાં વધે છે અને ઋતુપ્રતિકૂળતાની પરવા ન કરતાં હિમપ્રદેશોમાં દીર્ઘકાળ સુધી જીવિત રહે છે, પરંતુ બગીચામાં ઉછરનારી સુકુમાર ફૂલવાડી સહેજ ટાઢ કે તડકામાં પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસે છે. પહેલવાનીનું શ્રેય એને મળે છે જે સદા અખાડાની માટીથી પોતાનું શરીર ધસતો રહે છે. પથ્થર સાથે ધસાયા વિના હથિયારની ધાર તેજ ક્યાં થાય છે ?
શક્તિ સંચયમાં જીવનની પ્રખરતા એટલા માટે છે કે એમાં અવરોધની પ્રતિષ્ઠા દ્વારા ઉત્પન્ન થયેલી તેજસ્વિના ભરી રહે છે. વિજળીની ઉત્પત્તિ ધસારાથી જ થાય છે. સંઘર્ષનું નામ જ જીવન છે. જેવી સક્રિયતા સમાપ્ત થઈ કે જીવનનો પણ અંત આવી જાય છે. આળસુ અને અકર્મણ્ય મનુષ્યોની ગણના અડધા મરેલાઓમાં થાય છે. પૂરા મરેલા તો એમને એટલા માટે નથી કહી શકતા કે ખાતા-પીતા, બોલતા ચાલતા, હરતા-ફરતા આદમીને સ્મશાન કે કબરસ્તાનમાં નથી લઈ જઈ શકાતો. પરંતુ સાથે જ એમને જીવિત કહેવાનું પણ મુશ્કેલ છે, કેમકે જીવનનો અર્થ છે સંઘર્ષ, પુરુષાર્થ. જેણે પુરુષાર્થ કરવાનો ઇન્કાર કરી દીધો એ જીવનપ્રતિ આસ્થા જ ખોઈ બેઠો. આવા લોકોને પણ જો જીવિત કહેવામાં આવે તો એ જીવન તત્વનો ઉપહાસ જ ગણાય.
જીવનને શક્તિશાળી બનાવવાની આવશ્યકતા આપણે સારી રીતે સમજી લેવી જોઇએ. વધુમાં એ પણ જાણી લેવું જોઇએ કે શક્તિનો સ્રોત સંઘર્ષ છે. ઢગલા પર સરકનારો, આરામમય જીંદગી પસાર કરવાનો કાર્યક્રમ મૃત્યુના દિવસો પૂરા કરવામાં સહાયક તો બની શકે છે પણ આ માર્ગમાં બધી દૃષ્ટિએ માણસે ખાલી હાથ રહેવું પડે છે. શ્રમ કાર્ય વિના સંપત્તિ ક્યાં છે ? ભણ્યા વિના વિધા કેવી ? સંયમ વિના સ્વાસ્થ્ય કેવું ? તપ કાર્ય વિના વરદાન કેવું ? તત્પરતાથી જ તો સૂતેલી શક્તિઓનું જાગરણ થાય છે અને જાગૃત શક્તિઓ જ તો વિભૂતિઓના રૂપમાં સાથે આવે છે.

૧૨. પ્રસંશા કરી પ્રોત્સાહન

પ્રસંશા કરી પ્રોત્સાહન
જે રીતે બીજાને આપણો સમય, ધન, કે સલાહ આપીને એમનું કંઇક ને કંઇક આપન્ને ભલું કરી શકીએ છીએ એ જ રીતે પ્રોત્સાહન આપીને પણ અનેકનું સારું કરી શકાય છે.


મનુષ્યનું મન સદા દ્વિધામાં ડૂબેલું રહે છે. આશા-નિરાશાના ઝૂલામાં ઝૂલતું એ આગળ પાછળ થયા કરે છે, પાપ અને પુણ્યની પ્રવૃત્તિઓ પન્ન તડકા-છાયાની જેમ એના પર શ્વેતશ્યામ છાયા પડની રહે છે. સદ્ગુણો અને દુર્ગુણોની ભરતીઓટ પણ આવ્યા કરે છે. આ પરસ્પર વિરોધી વૃત્તિઓમાં જેને આશ્રય મળી જાય છે એ મૂળ નાખે છે અને જેની ઉપેક્ષા થાય છે એ શાંત અને સમાપ્ત થવા લાગે છે.
આ કોમળ ભાવનાઓના વિકાસ અને વિનાશને બીજાનાં પ્રોત્સાહન અથવા વિરોધ સાથે બહુ સંબંધ છે. સામાન્ય લોકો પોતાનું યોગ્ય રીતે વિશ્લેષણ કરી શકતા નથી. એ માટે તેઓ બીજાની સંમતિ પર આધાર રાખે છે. જ્યારે બીજા લોકો પોતાની પ્રસંશા કરે છે ત્યારે મન પ્રફૂલ્લિત થાય છે, ગર્વનો અનુભવ થાય છે અને લાગે છે કે પોતે કોઈક પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે, પરંતુ ત્યારે બીજાના મોંથી પોતાની નિંદા, અસફળતા અને તુચ્છતાની વાત સાંભળે છે ત્યારે દુઃખ થાય છે, મન તૂટે છે, નિરાશા થાય છે. પ્રશંસા કરનાર તરફ એટલા માટે મનમાં કૃતજ્ઞતા જાગે છે કેમકે એમણે આપણા સદ્ગુણોની ચર્ચા કરીને માનસિક ઉત્થાનમાં મોટું યોગદાન કર્યું છે. એ આપણને મિત્ર અને પ્રિય લાગે છે, પરંતુ જે લોકો આપણી નિંદા કરે છે એ શત્રુ લાગે છે, ખરાબ લાગે છે કેમકે એમણે આપણું ખરાબ પાસું પ્રત્યક્ષ કરી મનમાં નિરાશા અને ખિન્નતા ઉત્પન્ન કરી દીધી.
આત્મ-નિરીક્ષણની દૃષ્ટિથી પોતાના દોષ, દુર્ગુણોને શોધવાનું ઉચિત છે. કોઈ ધનિષ્ઠ મિત્ર સાથે એકાન્તમાં એની ખોટી ગતિવિધિ સુધારવા માટે પરામર્શ કરવો પણ ઉચિત છે. આમ કરતી વખતે દરેક પરિસ્થિતિમાં એ ધ્યાન રાખવું જોઇએ કે વ્યક્તિત્વનું નિરાશાજનક ચિત્રણ કરવામાં આવે નહીં. કોઈને પણ સતત ખરાબ, અયોગ્ય, પાપી, દુર્ગુણી, દુષ્ટ, મૂર્ખ કહેવામાં આવતો રહેશે તો એનું અંત:મન ધીરે ધીરે એ કહેવાતી વાતોનું સત્ય સ્વીકારવા લાગશે. જો એમ માની લેવામાં આવે કે આપણે વસ્તુત: અયોગ્ય છીએ, ખરાબ છીએ તો પછી મનોભૂમિ એવી જ બની જશે કે જેમાં એ દોષ, દુર્ગુણ સ્વતઃ પેદા થાય. આવી સ્થિતિમાં હિમ્મત તૂટી જાય છે, નિરાશા ઘેરી વળે છે અને કોઈ કામ કરતાં કરતાં મન અંદરથી જ ફડફડાતું રહે છે કે ક્યાંક કામ બગડી જાય નહીં અને મૂર્ખ બનવું પડે નહીં. આ ફફડાટથી હાથ પગ ઢીલા પડી જાય છે અને કામ પણ બગડવા લાગે છે. કહે છે કે એક વખત કેટલાક ચાલાક છોકરાઓએ રજા મેળવવા ષડયંત્ર રચ્યું કે શિક્ષકને બીમાર પાડી દઈ રજા પાડી મસ્તી કરવામાં આવે. એમાંના એકે શિક્ષક પાસે જઇને ગંભીરતાથી કહ્યું, “ગુરુજી તમે બીમાર લાગો છો.” શિક્ષકે એની વાત પર ધ્યાન ન આપ્યું. થોડી વાર પછી બીજા છોકરાએ પાસે જઈને ચિંતા વ્યક્ત કરી, “આજે તો તમારો ચહેરો બહુ ઉદાસ છે, આંખો લાલ થઇ ગઇ છે, અને બીમારીનાં લક્ષણો દેખાય છે.” આ રીતે એક પછી એક કેટલાક છોકરાઓ શિક્ષક પાસે આવ્યા અને એમણે પણ એ જ વાત કહી. બિચારા શિક્ષકના મન ઉપર એની છાપ પડી અને એ સાચોસાચ પોતાને બિમાર અનુભવવા લાગ્યા. અને સ્કુલમાં રજા પાડીને ઘેર જતા રહ્યા. છોકરાઓએ પોતાની ચાલાકીથી મનોરથ પૂરો કર્યો.
જર્મનીના એક વૈજ્ઞાનિકે બીજાની વાતનો મનુષ્યના મન પર કેટલી હદે ખરાબ પ્રભાવ પડી શકે છે એનું પરીક્ષણ કરવા માટે એક મૃત્યુદંડ પામેલો કેદી મેળવ્યો અને એને વિશ્વાસની શક્તિ દ્વારા મારી નાખવાનો પ્રયોગ કર્યો. કેદીને એક મેજ પર સુવડાવી દેવામાં આવ્યો. આંખો પર પટ્ટી બાંધી દેવામાં આવી, ગળાની પાસે એક નાની પીન ખોસી દેવામાં આવી. પાણીની એક હલકી ધારા ગળાને સ્પર્શતી વહેતી રહે એવી નળી લગાવી દેવામાં આવી. નીચે ટપકનારા પાણીને એકઠું કરવા માટે એક ડોલ રાખવામાં આવી. કેદીને કહેવામાં આવ્યું કે એના લોહીની એક આવશ્યક કાર્ય માટે જરૂરત છે એટલે મૃત્યુદંડની આ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કષ્ટ પણ ઓછું પડે. બધું લોહી નીકળી જવાથી મૃત્યુ પણ થઈ જાય અને આવશ્યક કાર્ય માટે રક્ત પણ પ્રાપ્ત થઈ જાય. એટલે એ ચૂપચાપ સૂઇ રહે. થોડી જ વારમાં એનું શાંતિપૂર્વક મૃત્યુ જઇ જશે.
કેદીએ વૈજ્ઞાનિકની વાત પર વિશ્વાસ કરી લીધો ગળાની પાસે નળી દ્વારા વહેતું અને નીચે બાલદીમાં ટપકતા પાણીને એ પોતાનું લોહી સમજવા લાગ્યો. ડોકટરો વારે વારે એની નાડી જોના અને ખોટું-ખોટું હેતા કે એનું લોહી નીકળી રહ્યું છે, હવે આટલું બાકી રહ્યું છે, આટલી વારમાં મૃત્યુ જઈ જશે. કેદી ડોક્ટરોનાં કથન પર વિશ્વાસ કરતો ગયો, અંતે ઠીક સમયે એનું મૃત્યુ થઇ ગયું. ત્યારે વૈજ્ઞાનિકો એવા નિષ્કર્ષ પર આવ્યા કે વિશ્વાસના આધારે કોઈ વ્યક્તિને એટલો પ્રભાવિત કરી શકાય છે કે એનું મૃત્યુ પણ થઈ જાય.
‘પંચતંત્ર’ માં એક કથા આવે છે કે એક વ્યક્તિ પોતાના ખભા પર બકરી નાખીને ક્યાંક જતો હતો. ઠગોએ એને ભડકાવીને બકરી પ્રાપ્ત કરવાનું ષડયંત્ર બનાવ્યું. રસ્તામાં બધા ઠગ દૂરદૂર ફેલાઈ ગયા. એક ઠગ રસ્તામાં એ વ્યક્તિને મળ્યો. એણે કહ્યું, ‘ખભા પર કુતરું મૂકીને ક્યાં લઇ જાઓ છો ?’ પથિકે ઉત્તર આપ્યો, ‘આ તો બકરી છે. ઠગે કહ્યું, “કોઈ જાદુગરે તને ભ્રમિત કરીને બકરીને બદલે કુતરું આપી દીધું હોય એમ લાગે છે. જે તને સંદેહ હોય તો આગળ રસ્તામાં મળનારા યાત્રીઓને પૂછજે.” પથિકના મનમાં સંદેહ ઉત્પન્ન થયો. એણે થોડે દૂર મળેલા યાત્રીને પૂછ્યું, ‘મારા ખભા પર શું છે ? એ યાત્રાવેલી ઠગે પૂર્વનિમિત ષડયંત્ર અનુસાર ઉત્તર આપ્યો, ‘કુતરો’. હવે એની શંકા વધી અને વિચારવા લાગ્યો કે ખરેખર મને જાદુથી ભ્રમિત કરી બકરીને બદલે કુતરો આપી દીધો છે. આગળ થોડા થોડા અંતરે બીજા બે ઠગ મળ્યા. એમને પૂછ્યું તો એમણે પણ બકરીને કુતરો જ કહ્યો. અંતે પથિકને વિશ્વાસ બેસી ગયો કે આ બકરી નથી કુતરો છે. છેવટે એ એને રસ્તામાં જ છોડીને ચાલી નીકળ્યો. ઠગોએ એ બકરી મેળવી લીધી અને પોતાની મનોવૈજ્ઞાનિક ચતુરાઇનો લાભ ઉઠાવ્યો.
ઘેટાંઓના ટોળામાં ઉછરેલા સિંહબાળની કથા પ્રસિદ્ધ છે જે પોતાને ઘેટું જ સમજતો હતો અને ઘાસ ખાતો હતો. બીજા સિંહ દ્વારા ઉદ્બોધન કરવાથી એને આત્મજ્ઞાન થયું હતું ત્યારે એ ફરીથી પોતાને સિંહ સમજતો થયો અને એવું જ આચરણ કરવા સમર્થ થયો હતો. આપણે સૌ આ રીતે ઘેટાં બનેલા છીએ. જેવા આપણે આપણને સમજયા છે, બીજાઓએ જે કંઈ આપણને આપણું સ્વરૂપ સમજાવ્યું છે, એવા જ તો આપણે બન્યા છીએ અને ધડાયા છીએ. કરોડો અછૂત પોનાનાથી ઉચ્ચ વર્ણનાને અડવા અને સાથે બેસવામાં સંકોચ કરે છે. લોકો દ્વારા અછૂત કહેવાવાથી તેઓ ખરેખર પોતાને એવા જ સમજવા લાગે છે. ભૂતનો ભય આવી જ ભ્રાંતિઓ પર નિર્ભર છે. બીજા પાસેથી ભૂતોની કથાઓ સાંભળતા સાંભળતા લોકો એ વાત પર વિશ્વાસ કરવા લાગે છે. નાની-મોટી બિમારીને ભૂતનું કરતૂત માની લે છે અને પછી ડાહ્યા લોકો ભૂત બાધાની પુષ્ટિ કરે છે તો એ વાત છેક ઊંડે સુધી મનમાં બેસી જાય છે. પછી એ ભૂત પ્રાણ લઈને જ છોડે છે. વિશ્વાસની શક્તિ અપાર છે. બીજાઓના કહેવાનો મનુષ્ય પર એ પ્રભાવ પડે છે કે એ ખરેખર પોતાને એવો જ માનવા લાગે છે. સુના મકાનમાં ઉદરની ખટપટ અને સુમસામ રાતમાં ઝાડીની છાયામાં ભૂત નાચતાં દેખાય છે. એનાથી ડરીને કેટલાક તો બીમાર થતા અને મરતા પણ જોવામાં આવ્યા છે. ડર સ્વંય એક તથ્ય છે જે વિષથી ઉતરતું નહીં પણ વધુ ઘાતક સિદ્ધ થાય છે.
વ્યક્તિ પોતાના વિશે જેવી નિંદા, પ્રશંસાની, નાના-મોટા હોવાની, નર કે નારી હોવાની વાત સાંભળતો રહે છે, તો એ જાણતી નથી કે એ છોકરો છે કે છોકરી, પરંતુ જ્યારે ઘરનાં છોકરા છોકરીઓ વચ્ચે ભિન્ન પ્રકારનાં વસ્ત્રો, વ્યવહાર તેમજ ભાષામાં વાત કરે છે ત્યારે તેઓ પોતાની ભિન્નતા પર વિશ્વાસ કરી લે છે. જે એમની સાથે એવો ભેદ કરવામાં આવે નહીં અને એમને અંતર સમજવાનો અવસર ન મળે તો એ બધી રીતે સમતાનું આચરણ કરવા લાગશે. અતિપ્રેમ અને અતિપ્રશંસાથી બાળક જેમ હઠીલા અને અહંકારી બને છે તેમ તે વારંવાર નિંદા તેમજ તિરસ્કારથી પોતાની દીનતા અને તુચ્છતાનો પણ અનુભવ કરવા લાગે છે. જે બાળકોને આરંભના જીવનમાં જ વારંવાર બેવકૂફ, નાલાયક, બદમાશ વગેરે કહેવામાં આવે છે એમનું વ્યક્તિત્વ જીવનમાં પ્રભાવશાળી બની શકે નહીં. જે બાળકોને બાળપણમાં સ્નેહ અને સન્માન મળતું નથી તેઓ મોટાં થાય ત્યારે હલકી પ્રવૃતિઓથી ઘેરાયેલાં હોય છે. બાળકો માટે જેમ સારા લાલનપાલનની, સારા આહાર વિહારની આવશ્યકતા રહે છે તો એ પણ ખુબ જ આવશ્યક છે કે એમને સ્નેહ અને સન્માનની માત્રા પ્રાપ્ત થતી રહે. વ્યક્તિનો વિકાસ અને સૌંદર્ય, પ્રોત્સાહન અને પ્રશંસાના આધારે થાય છે. અન્ન અને જળ જે રીતે શારીરિક વિકાસ માટે આવશ્યક છે એ જ રીતે માનસિક વિકાસ માટે પ્રશંસા અને પ્રોત્સાહનની ઉપયોગિતા માનવામાં આવી છે.
બાળક હોય કે મોટા એ આવશ્યકતા બધા માટે સમાન રીતે હોય છે. એવા મનસ્વી તો કોઇ કોઇ જોવામાં આવે છે કે જે બીજાની પ્રશંસા પર ધ્યાન ન આપીને પ્રબળ આત્મવિશ્વાસના આધારે પોતાનો ઉત્કર્ષ સ્વયં કરે છે અને વિભિન્ન પરિસ્થિતિમાં પણ સાહસ ટકાવી રાખે છે. સાધારણ રીતે તો એ પરંપરા ચાલે છે કે પ્રેરણા અને પ્રશંસાથી પ્રોત્સાહિત થઇને લોકો પોતાના મનને વધારે ઘટાડે છે.
આપણે આપણા બધાં સ્વજન સંબંધીઓની પરિચિત, અપરિચિતોની સત્પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા રહેવું જોઇએ. શોધવાથી દરેક વ્યક્તિમાં કેટલાક ગુણ મળે છે, આ ધરતી પર કોઇ સારપરહિત વ્યક્તિ પેદા થઈ નથી. જેનામાં જે સદ્ગુણ દેખાય એની ચર્ચા એ વ્યક્તિની સામે કરવામાં આવે તો એ ગુણો વિકસાવતો એક દિવસ ખૂબ ઉન્નતિશીલ બની શકે છે. તો ચોક્કસ આ પ્રશંસાનો પ્રભાવ એના પર પડયા વિના રહે નહીં. પ્રશંસક બનીને આપણે દરેક વ્યક્તિના મિત્ર બની શકીએ છીએ. એને સમજાવવામાં અને સુધારવામાં પણ સફળ થઈ શકીએ છીએ. પણ જો નિંદા અને કુટિલતા કરવાનું જ આપણે શીખ્યા હોઈએ તો સૌ કોઈ આપણા શત્રુ બની જશે અને આપણી ઓલાદ માટે પણ ખરાબ ભાવ માનીને એનાથી ઉલટું આચરણ કરશે.
સુધારની દૃષ્ટિએ ક્યારેક મધુર શબ્દોમાં દોષોને ખૂબ જ આત્મીયતાથી એકાજામાં બતાવી દઇને પણ એને સુધારવાની વાત કહી શકાય છે, પરંતુ આ બધું ખૂબ સાવધાનીથી, આત્મીયતા અને સૌજન્યના વાતાવરણમાં કહેવાવું જોઇએ અને સમજાવ્યા પછી અંતમાં ફરી એક વાર પોતાની સદ્ભાવના અને આત્મીયતાનો ખુલાસો કરી દેવો જોઇએ. કોઇ વ્યક્તિ એમ માની લે કે અમુક વ્યક્તિ એને ધૃણા કરે છે તો પછી એ એની તરફ શત્રુના જેવી ખરાબ ભાવના રાખવા લાગે છે. પછી એની સલાહને પણ એ બે કોડીનું મહત્વ આપે છે. એટલે સુધારાત્મક, આલોચનાત્મક ચર્ચા બહુ સાવધાનીથી માપી-તોળી અને સ્નેહ-શિષ્ટાચાર મિશ્રિત મધુર શબ્દોમાં જ કરવી જોઇએ, જોકે એવા અવસર કદી-કદી જ આવવા દેવા જોઇએ.
મોટે ભાગે તો આપણે પ્રશંસકની જ ભૂમિકા પ્રસ્તુત કરતા કહેવું જોઇએ જેથી એના સદ્ગુણ વધે. સાહસ અને આત્મવિશ્વાસ વધારીને જ કોઇને શ્રેષ્ઠતાના કઠિન માર્ગ પર ચલાવવાનું સંભવ બને છે, દમન અને દંડથી, નિંદા અને તિરસ્કારથી કોઇ દુર્ગુણ દબાઇ તો જાય છે પણ અવસર મળેથી એ પ્રતિહિંસા સાથે વધુ ભયંકર રૂપમાં પ્રગટ થાય છે. દોષોનું ઉન્મૂલન તો ગુણોની વૃદ્ધિથી જ સંભવ છે. ગુણો વધારવામાં પ્રોત્સાહન અને પ્રશંસાનો માર્ગ સર્વશ્રેષ્ઠ છે. સ્વચ્છ વાયુ ફેફસામાં ભરાવાથી જુના ગંદા વાયુને બહાર નીકળવું જ પડે છે. સદ્ભાવનાઓ વધવાથી ખરાબ ભાવ ધટે જ છે, સુધારાનો આ માર્ગ વધુ પ્રમાણિક અને સુનિશ્ચિત સિદ્ધ થાય છે.
શત્રુઓની સંખ્યા ઘટાડવાનો અને મિત્રોની સંખ્યા વધારવાનો સૌથી સરળ અને સૌથી પ્રભાવશાળી રસ્તો એ છે કે આપણે બીજાના ગુણો જોઇએ. સારપની ચર્ચા કરીએ અને પોતાની પ્રસન્નતા તેમજ ભવિષ્યમાં વધુ પ્રગતિની આશા વ્યક્ત કરીએ. આ સ્વભાવ કેળવી લેવાથી આપણે બીજાઓને સારપના માર્ગે ખૂબ આગળ વધારી શકીએ છીએ, ખૂબ સુધારી શકીએ છીએ અને એમના મનોબળમાં ભારે વૃદ્ધિ કરી શકીએ છીએ. કોડીનું પણ ખર્ચ કર્યા વિના બીજા પર ભારે ઉપકાર કરી શક્યાનો આ ગુણ જો આપણામાં વિકસિત થઇ જાય તો પરમાર્થનું બધુ પુણ્ય પ્રાપ્ત થાય, સાથે જ આપણા મિત્રોની સંખ્યા ખૂબ થવાથી ઉન્નતિ, પ્રગતિ, સહયોગ અને સન્માનનો માર્ગ પ્રશસ્ત બને આપણા સ્વભાવ, દૃષ્ટિકોણ અને સંભાષણમાં આપણે આટલો સુધારો તો કરવો જોઇએ. જીવનવિધાના આ અતિ મહત્વપૂર્ણ તથ્યને આપણે હૃદયંગમ કરી લેવું જોઈએ.
કથા છે કે વિશ્વામિત્રે વશિષ્ઠના પુત્રોને મારી નાખ્યા અને સંતાઈને એ સાંભળવા લાગ્યા કે જોઇએ વશિષ્ટ મારા વિશે શું કહે છે. વશિષ્ઠજી પોતાની ધર્મપત્નીના શોકને શાંત કરતા એ જ સમજાવતા હતા કે “વિશ્વામિત્ર મોટા તપસ્વી છે. આ દુષ્કર્મ તો એ કોઇ આવેશમાં કરી બેઠા છે. આપણે એમની સાથે વેર લેવું જોઇએ નહીં. એમની શ્રેષ્ઠતા ક્યારેક ને ક્યારેક નિખરશે અને એનાથી સંસારનું ખૂબ હિત સધાશે. રાજત્યાગ કરીને તપસ્યામાં પ્રવૃત્ત થનારા વિશ્વામિત્ર સ્વભાવતઃ દુષ્ટ હોઇ શકે નહીં. આ દુષ્કર્મ તો એમણે ભૂલથી જ કર્યું હશે”. કુટિર પાછળ સંતાયેલા વિશ્વામિત્રે વશિષ્ઠના મોંએ પોતાની પ્રશંસા સાભળીને પાણી-પાણી થઇ ગયા અને વશિષ્ઠનાં ચરણોમાં પડીને પોતાની ભૂલ પર હિબકા ભરી ભરીને રડવા લાવ્યા. સુધારનો આ જ સૌથી પ્રભાવશાળી ઈલાજ છે.
પોતાના ઘરનાં સ્ત્રી, બાળકોમાં, ભાઈ-ભત્રીજાઓમાં પણ જે સદ્ગુણ આપણને દેખાય એની મુક્તકંઠે પ્રશંસા કરવી જોઈએ. પ્રોત્સાહન અને પ્રશંસા કરવામાં જેની જીભ રોકાય છે એ સૌથી નીચલી કોટીનો કંજુસ છે. ખિસ્સામાંથી પૈસા ખર્ચી શકતા નથી, સમય આપીને સેવા કરી શકતા નથી, તો જીભ હલાવીને સારી, ઉત્સાહ ભરી, ચિત્તને સાત્વના અને સાહસ પ્રદાન કરનારી વાતો તો કહી જ શકો છો. આપણું આ જ વલણ હોવું જોઇએ. ગુણ જુઓ, ગુણોની ચર્ચા કરો, ગુણવાનોને પ્રોત્સાહિત કરો નો આપણો આ સ્વભાવ બીજાઓને માટે જ નહીં આપણા માટે પણ પરમ મંગલમય સિદ્ધ થઈ શકે છે.

૧૧. સમયનો સદુપયોગ

સમયનો સદુપયોગ
જીવનનો મહેલ સમયની કલાક-મિનિટોની ઈંટોથી ચણવામાં આવ્યો છે. જો આપણને જીવન વહાલું હોય તો સમય વ્યર્થ નષ્ટ કરીએ નહીં એ જ ઉચિત છે. મરણ સમયે એક વિચારશીલ વ્યક્તિએ પોતાના જીવનને વ્યર્થ જવાનો અફસોસ પ્રગટ કરતા કહ્યું, “મેં સમય નષ્ટ કર્યો, હવે સમય મારો નાશ કરી રહ્યો છે.”


ગુમાવેલી સંપત્તિ ફરી કમાઇ શકાય છે. ભૂલાયેલી વિધા ફરી યાદ કરી શકાય છે. ગુમાવેલું સ્વાસ્થ્ય ચિકિત્સા દ્વારા પાછું મેળવી શકાય છે, પરંતુ ગુમાવેલો સમય કોઈ રીતે પાછો આવતો નથી. એ માટે કેવળ પશ્ચાત્તાપ જ શેષ રહી જાય છે.
જે રીતે ધનના બદલામાં ઇચ્છિત વસ્તુ ખરીદી શકાય છે એ જ રીતે સમયના બદલામાં પણ વિધા, બુદ્ધિ, લક્ષ્મી, કીર્તિ, આરોગ્ય, સુખ શાંતિ, મુક્તિ વગેરે જે રુચિ લાગે તે ખરીદી શકાય છે. ઈશ્વરે સમયરૂપી અમાપ ધન આપીને મનુષ્યને પૃથ્વી પર મોકલ્યો છે અને નિર્દેશ કર્યો છે કે એ એને બદલે સંસારની જે વસ્તુ રુચિકર લાગે તે ખરીદી લે.
પરંતુ કેટલા લોકો છે જે સમયનું મુલ્ય સમજે છે અને એનો સદુપયોગ કરે છે ? મોટાભાગના લોકો આળસ અને પ્રમાદમાં પડયા પડયા જીવનની બહુમુલ્ય ક્ષોને એમ જ નુકસાન કરતા રહે છે. એક એક દિવસ કરીને આખું આયુષ્ય વીતી જાય છે અને અંતિમ સમયે તેઓ જુએ છે કે એમણે કંઈ જ પ્રાપ્ત કર્યું નથી. જીંદગીના દિવસો એમ જ વિતાવી દીધા. એનાથી ઉલટું જેઓ જાણે છે કે સમયનું નામ જ જીવન છે તેઓ એક-એક ક્ષણને મતી મોતીની જેમ ખર્ચ કરે છે અને એના બદલામાં ઘણું ઘણું પ્રાપ્ત કરી લે છે. દરેક બુદ્ધિમાન વ્યક્તિએ બુદ્ધિમત્તાનું સૌથી મોટું પ્રમાણ એ જ આપ્યું છે કે જીવનની ક્ષણોને વ્યર્થ નુકસાન થવા દીધી નથી. પોતાની સમજ પ્રમાણે સારામાં સારી રીતે ઉપયોગ થઈ શકતો હતો એમાં જ સમય લગાવ્યો. એમનો આ કાર્યક્રમ ખરેખર એમને આ સ્થિત સુધી પહોંચાડી શક્યો, જેના પર એમનો આત્મા સંતોષ અનુભવે.
પ્રતિદિન એક કલાકનો સમય જો મનુષ્ય નિત્ય લગાવે તો એટલા થોડા સમયમાં પણ એ થોડા જ દિવસોમાં મોટાં મહત્વપૂર્ણ કાર્યો પૂરાં કરી શકે છે. એક કલાકમાં ચાલીસ પાનાં વાંચી શકાય છે. આ ક્રમ દસ વર્ષ ચાલે તો દોઢ લાખ પાનાં વાંચી શકાય. આટલાં પાનામાં કેટલાક ગ્રંથ થઈ શકે છે. જો એ કોઈ એક જ વિષયનાં હોય તો એ વ્યક્તિ એ વિષયનો વિશેષજ્ઞ બની શકે છે. એક કલાક રોજ કોઈ વ્યક્તિ વિદેશી ભાષા શીખવામાં લગાવે તો એ ત્રીસ વર્ષમાં સંસારની બધી ભાષાઓનો જ્ઞાના બની શકે છે. એક કલાક રોજ વ્યાયામમાં કોઇ વ્યક્તિ લગાવે તો પોતામાં આયુષ્યનાં પંદર વર્ષ વધારી શકે છે.
સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા પ્રખ્યાત ગણિતાચાર્ય ચાર્લ્સ ફાસ્ટે રોજ એક કલાક ગણિત શીખવાનો નિયમ બનાવ્યો હતો. આ નિયમ પર અંત સુધી લાગ્યા હીને જ એટલી પ્રવીણતા પ્રાપ્ત કરી.
ઇશ્વરચંદ્ર વિધાસાગર સમયના બહુ ચોક્કસ હતા જ્યારે તેઓ કોલેજ જતા ત્યારે રસ્તા પરના દુકાનદારો પોતાનાં ઘડિયાળ એમને જોઈને મેળવતા હતા. તેઓ જાણતા હતા કે વિધાસાગર કદી એક મીનીટ પણ મોડા કે વહેલા હોતા નથી.
એક વિદ્વાને પોતાના દરવાજા પર લખ્યું હતું, “કૃપયા નકામા બેસી ન રહો. અહીં આવવાની કૃપા કરી છે તો મારા કામમાં થોડી મદદ પણ કરો” સાધારણ મનુષ્ય જે સમય બેકાર વાતોમાં ખર્ચતા હે છે એને વિવેકશીલ લોકો પોતાના ઉપયોગી કાર્યમાં લગાવે છે. આ આદત છે જે સામાન્ય શ્રેણીની વ્યક્તિઓને પણ સફળતાના ઉચ્ચ શિખર પર પહોંચાડી દે છે. માજાર્ટે દરેક ક્ષણ ઉપયોગી કાર્યમાં લગાવી રાખવાનો પોતાનો જીવનનો આદર્શ બનાવી રાખ્યો. રક્યૂમ’ નામનો પ્રસિદ્ધ ગ્રંથ એમણે મોત સાથે લડતાં લડતાં પૂરો કાર્યો.
બ્રિટીશ કોમનવેલ્થ અને પ્રોટેક્ટરના મંત્રીનું અત્યધિક વ્યસ્ત ઉત્તરદાયિત્ત્વ વહન કરતાં કરતાં મિલ્ટને “પેરેડાઈઝ લૉસ્ટ” ની રચના કરી. રાજકાજમાંથી એને બહુ થોડો સમય મળતો હતો. તો પણ જેટલી મિનિટ એ બચાવી શકતો એમાં જ એ કાવ્યની રચના કરી લેતો. ઇસ્ટ ઇંડિયા હાઉસની ક્લાર્કની નોકરી કરતા જઈને જોન સ્ટુઅર્ટ મિલે પોતાના સર્વોત્તમ ગ્રંથોની રચના કરી. ગેલેલિયો દવાદારુ વેંચવાનો ધંધો કરતો હતો. તો પણ એણે થોડો થોડો સમય બચાવીને વિજ્ઞાનની મહત્વપૂર્ણ શોધો કરી.
હેનરી કિરક વ્હાઈટને સમયનો બહુ અભાવ રહેતો હતો, પણ ઘેરથી ઓફિસ સુધી ચાલીને આવવા જવાના સમયનો સદુપયોગ કરીને એમણે ગ્રીક ભાષા શીખી. ફૌજી ડોક્ટર બરનેનો સમય ઘોડાની પીઠ પર વીતતો હતો. એમણે એ સમયને વ્યર્થ ન જવા દીધો અને રસ્તો પસાર કરતાં કરતાં ઈટાલીયન અને ફ્રેંચ ભાષા શીખી લીધી. એ યાદ રાખવાનું છે કે પરમાત્મા એક સમયે એક જ ક્ષણ આપણને આપે છે અને બીજી ક્ષણ આપતા પહેલા પહેલાંની ક્ષણ છીનવી લે છે. જે વર્તમાન કાળમાં ઉપલબ્ધ ક્ષણોનો આપણે સદુપયોગ કરીએ નહીં તો એ એક-એક કરીને આપણી પાસેથી છીનવાની જશે અને અંતે ખાલી હાથ જ રહેવું પડશે.
એડવર્ડ બટલર લિટને પોતાના એક મિત્રને ક્યું હતું કે લોકોને આશ્ચર્ય થાય છે કે તેઓ રાજનીતિ તથા પાર્લામેન્ટના કાર્યક્રમોમાં વ્યસ્ત સ્ત્રીને પણ આટલું સાહિત્યિક કાર્ય કેવી રીતે કરી લે છે ? આ ગ્રંથોની રચના તેમણે કેવી રીતે કરી ? પણ એમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી આ નિયમિત દિનચર્ચાનો ચમત્કાર છે. તેમણે રોજ ત્રણ કલાકનો સમય વાંચવા અને લખવા માટે નિયત કરેલો હતો. આટલો સમય રોજ તેઓ કોઇને કોઇ રીતે તેમના સાહિત્યિક કાર્યો માટે કાઢી લેતા હતા. બસ થોડા જ નિયમિત સમયમાં જ તેમને હજારો પુસ્તક વાંચી નાખવાનો અને સાઠ ગ્રંથોના સર્જનનો અવસર મળી ગયો હતો.
ધર ગૃહસ્થીની અનેક મુશ્કેલીઓ અને બાલબચ્ચાંઓની સારસંભાળમાં આખો દિવસ વ્યસ્ત રહેનારી મહિલા હેરેટ બીચર સ્ટોવે ગુલામપ્રથા વિરુદ્ધ આગ ઓક્નારું એ પુસ્તક “ટોમ કાકાની ઝુંપડી” લખીને પ્રકાશિત કરી, જેની પ્રસંશા આજે પણ બેજોડ રચનાઓમાં કરવામાં આવે છે.
ચા બનાવવા માટે પાણી ઉકાળવામાં જેટલો સમય જાય છે એમાં વ્યર્થ બેસી રહેવાને બદલે લોંગ ફ્લોએ “ઇનફરલો નામના ગ્રંથનો અનુવાદ કરવાનું શરૂ કર્યું અને દરરોજ આટલા થોડા સમયનો ઉપયોગ આ કાર્યમાં કરતા રહેવાથી એણે થોડા જ દિવસોમાં એ અનુવાદ પૂરો કર્યો.
આ પ્રકારનાં અનેક ઉદાહરણ આપણી ચારેબાજુ ફેલાયેલાં જોવા મળે છે. દરેક ઉન્નતશીલ અને બુદ્ધિમાન મનુષ્યની મૂળભૂત વિશેષતાઓમાં એક વિશેષતા અવશ્ય મળશે. સમયનો સદુપયોગ જેણે આ તથ્યને સમજવું અને અમલમાં ઉતાર્યું એમણે જ અહીં આવીને કંઇક પ્રાપ્ત કર્યું છે, અન્યથા તુચ્છ કાર્યોમાં આળસ અને ઉપેક્ષા સાથે દિવસ વિતાવનારા લોકો તો કોઇ રીતે જીવન તો પૂરું કરી લે છે પણ એ લાભથી વંચિત જ રહી જાય છે જે માનવજીવન જેવી બહુમૂલ્ય વસ્તુ પ્રાપ્ત થવાથી ઉપલબ્ધ થવો જોઇએ અથવા થઈ શક્યો હતો.

૧૦. હસો અને જીવનને મધુર બનાવો

હસો અને જીવનને મધુર બનાવો
પ્રસિદ્ધ ચિકિત્સાશાસ્ત્રી ડો. સેમ્પસન પાસે એક દરદી લાવવામાં આવ્યો. એની સ્થિતિ બહુ ગંભીર હતી. ઘરવાળાઓને એના બચવાની કોઈ આશા નહોતી. ડોક્ટર ચિકિત્સા કરતાં પહેલાં રોગી સાથે વાત કરવા લાગ્યા. એમણે બહુ રસપૂર્વક અને હસીને રોગીને એની સ્થિતિ વિશે પૂછ્યું ડોકટરનો હાસ્ય અને સ્મિતભર્યા વ્યવહારથી રોગીના ચહેરા પર સ્મિતની રેખાઓ ઉઠી આવી. ડો. સેમ્પસને ઉપસ્થિત લોકોને કહ્યું ચિંતાની કોઈ વાત નથી, રોગી સારો થઈ જશે કેમકે હજી એનામાં હસવાની ક્ષમતા બચી છે અને થોડા સમયની સારવાર પછી જ એ રોગી સાજો થઈ ગયો. ડો. સેમ્પસન રોગીનાં દવાદારૂ તેમજ સારવાર કરતાં પણ વધુ એમના મનોરંજન, હાસ્ય, ખુશી, સ્મિતપૂર્ણ વ્યવહારને મહત્વપૂર્ણ સમજતા હતા અને એમની આ પદ્ધતિ દવાઓ કરતાં પણ વધુ મહત્ત્વપૂર્ણ સિદ્ધ થતી હતી.

દાર્શનિક બાયરને લખ્યું છે, જ્યારે પણ શક્ય હોય ત્યારે હસો, આ એક સસ્તી દવા છે હસવું એ માનવજીવનનું ઉજ્જવળ પાસું છે.” કેબીબોરે લખ્યું છે, “હાસ્ય યૌવનનો આનંદ છે. હાસ્ય યૌવનનો શૃંગાર અને સૌંદર્ય છે. જે વ્યક્તિ આ સૌંદર્ય અને શૃંગારને ધારણ કરતો નથી એનું યૌવન પણ ટક્યું નથી.” સ્ટર્ને ક્લુ છે, “મને વિશ્વાસ છે કે દરેક વખતે જયારે કોઈ વ્યક્તિ હસે છે તો એની સાથે સાથે પોતાના જીવનમાં વૃદ્ધિ કરે છે.” ડો. વિલિયમે પોતાના પ્રયોગને આધારે સિદ્ધ કર્યું છે, “જોરથી હસવાથી, સદૈવ પ્રસન્નચિત રહેવાથી મનુષ્યનું પાચનતંત્ર નીવ્ર બને છે. સ્નાયુઓમાં રક્તક્નોની વૃદ્ધિ થાય છે શરીર તાજુ થાય છે અને સ્વાસ્થ્ય વધે છે.
ખડખડાટ હસવું, હાસ્ય વિનોદ, સ્મિત મનુષ્યના સ્વાસ્થ્યને ઠીક કરવાની અચૂક દવા છે. શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ હસવું એક મહત્વપૂર્ણ સાધન છે. હાસ્ય જીવનની સૌરભ છે. પોતાની મેળે જ્યારે કોઈ કળી ખીલી ઊઠે છે ત્યારે એનું સૌંદર્ય જોવા જેવું હોય છે ઉદાસીનોનું મન પણ એ તરફ આકર્ષિત થઈ જાય છે. જીવનમાં ત્રાસથી દાઝેલા મનુષ્ય માટે પણ કેટલીક ક્ષણો નવજીવનનું પ્રેરણા કેન્દ્ર બની જાય છે. બાલ સહજ મલકમલક, હાસ્ય-વિનોદના સંપર્કમાં આવીને નિરાશ, નીરસ વ્યક્તિઓમાં પણ જીવનની નવ-સ્ફૂરણા જાગી ઉઠે છે. સાથીઓના હાસ્ય-વિનોદમય ટહુકાઓ વચ્ચેના સમયમાં મનુષ્ય પોતાનાં દુ:ખ તેમજ વિષાદની અનુભૂતિઓને ગાયબ કરી દે છે.
પ્રસિદ્ધ દાર્શનિક ઇમર્સને ક્યું છે, “વસ્તુત: હાસ્ય એક ચતુર ખેડૂત છે જે માનવ જીવનપ્રથાના કાંટા, ઝાડીઝાંખરાંને ઉખેડીને અલગ કરે છે અને સદ્ગુણોનાં સુગંધિત વૃક્ષ વાવી દે છે. જેના લીધે આપણી જીવનયાત્રા એક પર્વોત્સવ બની જાય છે.” મનોવિજ્ઞાનીઓ અને શરીરવિધા વિશારદોએ પોતાના પ્રયોગ, શોધ તેમજ અનુભવોને આધારે સિદ્ધ કર્યું છે કે ઈર્ષ્યા, તેમ, ક્રોધ, ઉત્તેજના, ભય, ચિંતા વગેરે મનોવિકારો અને શારીરિક ગડબડોમાંથી મનુષ્યના શરીરમાં જે વિષ પેદા થઈ જાય છે એના શોધન માટે હાસ્ય એક અનુભવેલો પ્રયોગ છે.
ખડખડાટ હસવાથી મનુષ્યના સ્નાયુનો તેમજ માનસિક તંત્રનો તણાવ આશ્ચર્યજનક રીતે દૂર થઈ જાય છે. હસવાથી છાતી અને પેટની નસો, માંસપેશીઓ વિશેષ પ્રભાવિત થાય છે. પોતાનો પાચકરસ પર્યાપ્ત રૂપમાં છોડે છે અને સક્રિય બની જાય છે. ફેફસાઓમાં રક્તની ગતિ ઝડપથી થવા લાગે છે. શરીરમાં જીવનતત્ત્વ સક્રિય થઈને સ્વાસ્થ્યને પુષ્ટ બનાવે છે.
જીવનમાં આવનારી મુશ્કેલીઓ, હેરાનગતિઓ અને સમસ્યાઓના ભારથી થનારી થકાવટ તેમજ ખિન્નતા માનસિક અસમતુલન હાસ્યવિનોદના સંપર્કમાં આવતાં જ ગાયબ થઈ જાય છે. હાસ્યપ્રધાન વ્યક્તિ જીવનની મોટી મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો સારી રીતે કરી શકે છે. મહાપુરુષોના ભારે કાર્યભાર તેમજ સંઘર્ષપૂર્ણ જીવનની સફળતાનું રહસ્ય એમના હસતા રહેવામાં મુસ્કુરાહટભર્યા જીવન દર્શનમાં રહેલું છે. જેમણે મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર, તિલક, વિવેકાનંદ, દયાનંદ વગેરે મહાપુરુષોના સંપર્કનો લાભ પ્રાપ્ત કર્યો છે અથવા એમના જીવનનું અધ્યયન કર્યું છે, તેઓ જાણે છે કે મહાપુરુષો કેટલા વિનોદી સ્વભાવના હોય છે. એમાંય એમના સંઘર્ષમય, કર્તવ્યપ્રધાન, કઠોર જીવનની સફળતાનો મંત્ર સમાયેલો હોય છે. હાસ્ય વિનોદમાં જીવનની ભારે મુશ્કેલીઓ પણ સરળ અને સુગમ બની જાય છે. પ્રસિદ્ધ જાપાની વિચારક યોન નગોચીએ લખ્યું છે, “જ્યારે જીવનની હરિયાળી સૂકાઈ જાય, પક્ષીઓનો ક્લરવ મૌન થઈ જાય, સૂર્ય ગ્રહણની કાળી છાયા તળે ઢંકાઈ જાય, પ્રગાઢ મિત્ર અને આત્મીય લોકો કંટકપૂર્ણ જીવન પથ પર મૂકીને ચાલ્યા જાય અને સૃષ્ટિની બધી નારાજગી મારા નસીબ પર વરસવા તત્પર હોય એવા સમયે મારા પ્રભુ ! મારા પર એટલો અનુગ્રહ અવશ્ય કરજે કે મારા હોઠો પર હાસ્યની ઉજળી રેખા રેલાઇ જાય.”
એમાં કોઈ શંકા નથી કે હાસ્ય અને રમતના સંપર્કથી મુશ્કેલીઓ પરેશાનીઓ નિશ્ચિત રૂપે હલ થઇ જાય છે. જેઓ હસી શકતા નથી, સદૈવ ગંભીર અને વિચારમાં અટવાયેલા રહે છે, માનસિક રોગોથી પીડાતા થઈ જાય છે. જીવનના સંધર્ષો અને મુશ્કેલીઓમાં જ તેઓ ડૂબી જાય છે, એનાથી ઉગરી શકતા નથી. જોવામાં આવે છે કે સ્ત્રીઓ પુરુષોની અપેક્ષાએ શારીરિક, માનસિક રોગોથી ઓછી પીડાતી હોય છે કેમકે એમનામાં હાસ્યવિનોદની વૃત્તિ અધિક હોય છે. સ્ત્રીઓ પોતાને જ નહીં, પરંતુ પુરુષોને પણ જીવનની નિરાશા અને તાણમાંથી બચાવે છે. આ રીતે બાળકો પણ શારીરિક, માનસિક દૃષ્ટિએ સ્વસ્થ મનોરંજનનો ત્યાગ કરતાં નથી. જે જેટલી હસતાં, રમતાં જીંદગી વિતાવશે એ એટલો જ સ્વસ્થ અને માનસિક પ્રસન્નતાથી સભર રહેશે. ક્વીન્દ્ર રવીન્દ્રે કહ્યું છે, “જ્યારે હું સ્વયં હસુ છું ત્યારે મારો ભાર હલકો થઈ જાય છે.” મહાત્મા ગાંધીએ કહ્યું છે, “હાસ્ય મનની ગાંઠો ખૂબ સરળતાથી ખોલી નાખે છે. મારા જ મનની નહીં તમારા મનની પણ.” જયોર્જ બર્નાડ શો એ લખ્યું છે, “હાસ્યના ટહુકાઓથી યૌવનનાં પુષ્પ ખીલે છે. સદા યુવાન અને તંદુરસ્ત બનેલા રહેવા માટે ખૂબ હસો.”
હાસ્ય વિનોદનો આ લાભ એ વાત પર નિર્ભર એ છે કે એની પૃષ્ઠભૂમિ પૂર્ણરૂપે શુદ્ધ, મુક્ત અને સહજ હોય. સર્વોત્કૃષ્ટ અવસ્થામાં હાસ્ય આંતરિક પ્રસન્નતા, આત્માના સ્ફૂરણની અભિવ્યક્તિ છે. કોઈ પ્રિયજનને મળવાથી થતી આનંદની અનુભૂતિ, કોઇ પ્રિય અવસરે થનારો હર્ષનો અતિરેક, કોઈ મધુર, હૃદયસ્પર્શી, આહ્લાદકારી ભાવનાઓની પ્રબળતાથી ઉત્પન્ન હૃદયનાં સ્પંદન, આત્માના સ્ફૂરણ બાહ્યપટલ પર હાસ્ય, મલકાટ, પ્રસન્નતા, પ્રફુલ્લતાના રૂપમાં અભિવ્યક્ત થાય છે. જેવી રીતે વિષાદ, દુઃખ, શોકની પ્રબળતા હૃદયના બંધનને તોડીને બુદ્ધિ, વિચાર, વિવેકમાંથી નીકળીને રુદન, વિલાપ અશ્રુધારાના રૂપમાં અભિવ્યક્ત થાય છે એવી જ રીતે ઉક્ત સ્થિતિમાં મનુષ્યની પ્રસન્નતા, હાસ્ય, ખુશીની ધારા પ્રવાહિત થઈ ઉઠે છે. આવશ્યકતા એ વાતની છે કે આપણે એ પરિસ્થિતિ, ભાવનાઓ, વિચારોમાં હંમેશાં ડૂબેલા રહીએ જેથી પ્રસન્નતા, ખુશીની ધારા નિરંતર વહેતી રહે.
બીજી સ્થિતિમાં મનુષ્યના હાસ્ય-વિનોદનો આધાર હોય છે, બીજાનું પતન, હાનિ, નુકસાન વગેરે કોઇનું પગ લપસવાથી સડક પર પડી જવું, કોઈનું નુકસાન થવું, ભૂલચૂક કરી બેસવું વગેરે આ પ્રકારના લોકો હાસ્ય-વિનોદનો આધાર બને છે, પરંતુ આ તામસિક હાસ્ય છે. બીજાનાં અપમાન, હાનિ પર પ્રસન્ન થઈને પોતાના અહંકારને તુષ્ટ કરવાની પ્રવૃત્તિ અસ્વાભાવિક અને અયોગ્ય છે. એ મનુષ્યને લાભને બદલે હાનિ પહોંચાડે છે. બીજાને ચીડાવીને, ખિન્ન કરીને, બીજાનો ઉપહાસ કરીને કરવામાં આવતો હાસ્ય – વિનોદ મનુષ્ય માટે ભારે વિપત્તિનું કારણ બની જાય છે. દ્રૌપદીએ દુર્યોધન લપસી પડયો તો તેનો ઉપહાસ કર્યો. નારદ મોહ આખ્યાન અનુસાર શિવગણોએ નારદને ચેતવણી આપવા છતાં એમની ઠેકડી ઉડાડી, યાદવોએ પોતાના કુલગુરુનો ઉપહાસ કર્યો હતો, પરંતુ દ્રૌપદી, શિવગણો તથા યાદવોને આ રીતના હાસ્ય વિનોદનું જ મૂલ્ય જીવનમાં ચૂકવવું પડયું તે સર્વવિદિત છે.
ઘણા લોકો પોતાના દોષો ખરાબીઓને છુપાવવા માટે પણ ખોટું ખોટું હસવાનો, મલકવાનો સ્વાંગ અપનાવે છે. બીજા ઉપર પ્રભાવ પડવા ખોટું ખોટું હસે છે. ધણા લોકો અકારણ જ સમયે-કસમયે વાતાવરણનું ધ્યાન રાખ્યા વિના ફૂવડની જેમ હસે છે, ન કોઇ શિષ્ટાચારનું ધ્યાન રાખે છે કે ન તો સારા-માઠા અવસરનું.
આ બધી સ્થિતિમાં હાસ્ય ત્યાજ્ય તેમજ ઘૃણાસ્પદ છે. આ પ્રકારનું હાસ્ય આસુરી પ્રવૃત્તિઓનું પોષક છે. જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિનું કારણ બને છે. મનુષ્યના સ્વસ્થ સમતુલન વિકાસ માર્ગમાં બાધક બને છે. મનુષ્યનું મૂલ્ય ઓછું કરે છે. આ પ્રકારના હાસ્ય વિનોદી સર્વથા બચવું જોઈએ અને સહજ મુક્ત ભાવથી સાત્ત્વિક હાસ્ય વિનોદનો આધાર લેવો જોઈએ જેથી પોતાની જાતને અને બીજાને પ્રસન્નતા મળે. આપણે એવું હાસ્ય રેલવવું જોઈએ જેનાથી રોતલના ચહેરા પર પણ સ્મિત આવી જાય, દુ:ખીઓનાં મન પ્રસન્નતાથી ભરાઈ જાય, પોતાની અને ધરતીની વ્યથા, ભાર, ક્લેશ, શિથિલતા દૂર થાય એવું હાસ્ય હસવું જોઇએ. ખરેખર આવું ‘સાત્વિક હાસ્ય મનુષ્યનાં ચિરત્રની બહુ મોટી સંપત્તિ છે. એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન પ્રત્યેક શ્રેયાર્થીએ કરવો આવશ્યક છે. એનાથી જીવનયાત્રા મધુમય બનશે.

૯. ધીરજ રાખો ઉતાવળ કરો નહીં.

ધીરજ રાખો ઉતાવળ કરો નહીં.
ધીરજ આપણો સંક્ટ-કાળનો મિત્ર છે. એનાથી આપણને સાત્વના મળે છે. કેટલુંય નુકસાન કે ક્ષતિ થઈ થાય, ધીરજ એને ભુલાવવાનો પ્રયત્ન કરે છે. ધીરજ હોય નહીં તો માનસિક દુર્બળતાને કારણે મન હંમેશાં ભયભીત રહેશે. જ્યારે મનુષ્યના મનમાં શંકા વધી જાય છે, ત્યારે દુખ જતું રહ્યા પછી પણ તેનો આભાસ રહે છે. જે વ્યક્તિ ધીરજવાન હોય છે. તે આત્મસંક્ટ વખતે વિવેકનો નાશ થવા દેતી નથી. એના આત્મબળને કારણે જ એ સમયે પણ શાંતિ મળે છે. બીજા લોકો પણ એનું અનુકરણ કરવા બાધ્ય બને છે. ત્યારે એ સંકટ એટલું વ્યથિત કરતું નથી, જેટલું ધીરજના અભાવમાં કરતું હતું.


ધીરજવાન મનુષ્યના અંત:કરણમાં અત્યંત શાંતિ, ભવિષ્યની સુખદ આશા અને ઉદારતાની પ્રબળતા રહે છે. તે ખરાબ દિવસોના ફેરામાં પડીને ગભરાતો નથી, બલકે એ દિવસોને હસતા જોઇ સહી લેવાની ચેષ્ટ કરતો રહે છે.
એનાથી ઊલટું, જેમના મનમાં ધીરજ હોતી નથી. એના મનમાં આશા નિરાશાના તરંગો ઊઠે છે. જેમ કોઈ રેતીની દિવાલ બન્યા પછી ખસી પડે તેવા તે તરંગો હોય છે. સંકટના સમયે એમની માનસિક વેદના વધી જાય છે અને તેઓ પોતાની ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખવામાં સમર્થ બનતા નથી. આવા માણસોની સ્થિતિ બહુ જ ખરાબ થતી જોવામાં આવી છે અને એમાંય કેટલાક અત્યંત દુર્બળ પ્રવૃત્તિના માણસોનું માનસિક સમતુલન તો ત્યાં સુધી બગડી જાય છે કે તેઓ આત્મહત્યા કરી બેસે છે.
સુખપૂર્વક જીવન વ્યતીત કરવા માટે જ નહીં બલકે પોતાના કર્તવ્ય-પાલન માટે પણ કર્મોને સુવ્યવસ્થિત કરવા ધીરજની આવશ્યકતા છે. માની લો કે તમે કોઈ મુકદ્દમામાં ફસાયા છો, પરંતુ એના નિર્ણયમાં વિલંબ થાય છે. એ દરમિયાન કોઈ અધિકારી માણસ એ મુકદ્દમાની તપાસ વખતે તમને ધમકાવે છે, તો એ વખતે તમારું વિચલિત થવું એ જ તમારી હારનું કારણ બની શકે છે. જો તમે એમાં ધીરજથી કામ લેશો તો વિજય પ્રાપ્ત કરી શકશો.
ધીરજને માટે દોષરહિત મનોવૃત્તિ અને પોતાનું કામ ઉચિત હોવાનો વિશ્વાસ હોવો જોઈએ. જો તમારું કામ ન્યાયયુક્ત હોય નહીં તો તમે ગમે તેટલા સાહસથી કામ લેશો તો પણ મનમાં શંકા હેશે અને ધીરજ તમને સાથ આપશે નહીં. એનાથી ઊલટું જો તમે એ સમજો છો કે તમે જે કામ કરી રહ્યા છો, તે ન્યાયયુક્ત હોવા છતાં પણ બગડી રહ્યું છે. તો પણ તમારું મન તો નિર્ભય રહેશે અને તમે તમારા ધૈર્યબળથી સફળતા મેળવી શકશો. એ ભૂલશો નહીં કે સંસારમાં ધન અને પ્રતિષ્ઠા જ સર્વ કાંઈ નથી. ધનવાન તો મૂર્ખ પણ હોય છે અને ઘણી વાર નિમ્ન સ્તરના લોકો પણ ઉંચામાં ઉંચી પ્રતિષ્ઠા મેળવી લે છે, પરંતુ એમનામાંથી જેનામાં અહંકાર જન્મ્યો તે પતિત થઈ જશે. તે અહં જ એને નષ્ટ કરવામાં કારણ બને છે, પછી તો આત્મબળ સાથે રહેતું નથી કે ધૈર્ય રહેતું નથી.
ધીરજવાન પુરુષ એ છે જેને પોતાની ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે જે વ્યક્તિ પોતાની યોગ્યતા ઉપર વિશ્વાસ રાખીને ધૈર્યનું બળ ગ્રહણ કરે છે, તે દુ:ખ આવવા છતાં પણ પ્રસન્ન ચિત્ત રહે છે, કેમકે તે મુશ્કેલીઓથી ગભરાતો નથી.
એક વાર નિર્ણય લઈ લીધા પછી કાર્યને પૂર્ણ કરવામાં લાગ્યા રહો, પાછળ હટો નહીં. મનની નિરાશાને દૂર કરી દો અને વિઘ્નોને દૂર કરવાનો પ્રયત્ન કરો. પોતાની કાર્યશક્તિ ઉપર વિશ્વાસ અને પરમાત્મા ઉપર ભરોસો રાખવાથી નદીમાં પડેલી નૌકા પણ તરી જાય છે.
ધીરજ સમાન મૂલ્યવાન બીજી કોઇ સંપત્તિ મનુષ્યની પાસે નથી. જ્યાં સુધી તે એની પાસે છે ત્યાં સુધી એના વિજયનો અસ્વીકાર કરી શકાય નહીં. આપણું ધૈર્ય શત્રુઓને પણ વિચલિત કરી દે છે અને આપણે સર્વત્ર પ્રશંસાપાત્ર બનીએ છીએ.
ધીરજની ઉપયોગિતા અસીમ છે. એક રાસાયણિક પ્રયોગ છે, એની સિદ્ધિનો સમય ચાર કલાકનો છે અને આપ ઇચ્છો બે કલાકમાં જ સિદ્ધ થઈ જાય તો એ કેવી રીતે બને? એને માટે તો તમારે પ્રયોગકાળમાં ધીરજથી કામ લેવું પડશે. નહીં લેશો તો કંઇ જ થવાનું નથી.
કેટલાક લોકો સમાજમાં પોતાની ખ્યાતિ ઇચ્છે છે, પરંતુ ખ્યાતિ એવું કામ કર્યા વિના મળતી નથી જેમાં કંઇક વિશેષતા હોય. ખ્યાતિ મેળવવા માટે જનસેવાનું કામ કરવું પડશે. એ કાર્યોમાં પરિશ્રમ અને સમય બંનેની જરૂરિયાત રહેશે અને ખ્યાતિ મળવામાં સમય લાગશે એટલા સમય સુધી ધીરજ રાખવી જ પડશે. બધાં કાર્યોનું પરિણામ ધીરજથી જ મળે છે. આમ તો ધીરજ એ કોઈ અલભ્ય વસ્તુ નથી. પોતાના મનને થોડું નિયંત્રિત કરો, એની ચંચળતાને રોકો અને કોઇ પણ કામમાં ઉતાવળ ન કરવાનો નિર્ણય કરી લો. જ્યાં તમે તમારા અસંયમ ઉપર વિજય મેળવી લીધો, ત્યાં જ ધીરજની પ્રાપ્તિ થઇ ગઇ સમજે.
અમારો અભિપ્રાય એવો નથી કે જે કામ જલદી થઈ શકતું હોય તેમાં વાર લગાડવામાં આવે અથવા જે કામ થઈ રહ્યું છે તેમાં ધીરજના બહાને આળસ કરવમાં આવે. જે કાર્ય શીઘ્રતાપૂર્વક થઇ શકે છે તેમાં વિલંબ કરવો એ તો ખરેખર મૂર્ખતા છે.
ધીરજનો મંત્ર એમના માટે લાભદાયક છે, જેમનાં કાર્યોમાં નડતર આવે છે અને તેથી નિરાશ થઇને એમના વિચારો જ બદલી નાખે છે. આ નિરાશા તો માણસ માટે મૃત્યુ સમાન છે. એનાથી જીવનની ધારાનો પ્રવાહ મંદ પડી જાય છે. અને તે કોઇ કામનો રહેતો નથી. જો નિરાશાને છોડીને વિઘ્નોનો ધૈર્યપૂર્વક સામનો કરવામાં આવે તો વિશ્વાસ રાખો કે તમારે અસફળતાનું મુખ ક્યારેય જોવું નહીં પડે.
નિરાશાજનક ભાવોને રોક્યા એ ચોકકસ સંયમનું કાર્ય છે. આપણે જેમ જેમ આપણી શારીરિક, બૌદ્ધિક અને માનસિક શક્તિઓનો વિકાસ કરી શકીશું, તેમ તેમ જ આપણામાં ધીરજ રાખવાની શક્તિ પણ વધતી જશે. આ બધી શક્તિઓના સંમિલનથી આપણે ઉચા ધ્યેયને પ્રાપ્ત કરી શકીએ છીએ. માની લો કે આપણે કોઈ મોટર ચલાવવાનું જાણીએ છીએ, રસ્તો પણ આપણો જોયેલો છે, પરંતુ આ બધું જ્ઞાન હોવા છતાં ઇચ્છિત સ્થળે પહોંચવામાં જેટલો સમય લાગવાનો છે એમાં કોઈ ઘટાડો કરી શકાય નહીં. આપણે એટલો સમય તો ધીરજનો સહારો લેવો પડશે.
આતુરતા અને અધીરનાની ખરાબી માણસને ખરાબ રીતે પરેશાન કરે છે. પ્રાય: આપણને દરેક વાતમાં ઉતાવળ રહે છે. જે કાર્યમાં જેટલો સમય અને શ્રમ લાગવો જરૂરી છે, એટલો લગાડવા ઇચ્છતા નથી અને રુચિકર આકાંક્ષાની સફળતા તાત્કાલિક મેળવવા ઇચ્છીએ છીએ. વડનું ઝાડ ઉગે ત્યારથી લઈને ફળવા ફૂલવાની સ્થિતિમાં પહોંચે ત્યાં સુધી કેટલોક સમય લે છે, પરંતુ હથેલી ઉપર સરસવને ઉભેલા જોનાર બાળકોને એને માટે ધીરજ ક્યાં ? આ આતુરતાની બીમારી જનસમાજના મગજમાં ખરાબ રીતે પ્રવેશ કરી ગઇ છે અને લોકો એમની આકાંક્ષાની પૂર્તિ માટે એવો માર્ગ શોધે છે જેમાં આવશ્યક પ્રયત્ન કરવો પડે નહીં અને જાદુની જેમ એની મનોકામના તરત જ પૂરી થઈ જાય.
રાજમાર્ગને છોડીને લોકો પગદંડી શોધે છે. પરિણામે કાંટાઓમાં અટવાઈ પડે છે. હથેળી ઉપર સરસવ જામી તો જાય છે, પરંતુ એ સરસવનું તેલ ડબ્બામાં કોઈ ભરી શક્યું નથી. બાજીગર રેતીનો મહેલ બનાવે છે ખરો, એ ઉભો તો કરી શકાય, પરંતુ એમાં નિવાસ કરીને જિંદગી વિતાવવાની ઇચ્છા કોશ પૂરી કરી શકે ? રેતીની દિવાલ કેટલા દિવસ અડગ રહેવાની ?
સુખ-શાંતિના લક્ષ્ય સુધી ધર્મ અને સદાચારના રાજમાર્ગ ઉપર ચાલતાં ચાલતાં જ પહોચી શકાય છે. આ રસ્તો એટલો સીધો છે કે એમાં ટૂંકી રીતોની પગદંડીની ગુંજાશ નથી. આપણા નથ્યદર્શી એવા પ્રાચીન પુરુષોને માનવ જીવનને સફળતા, સમૃદ્ધિ, પ્રગતિ, અને શાંતિથી પરિપૂર્ણ કરી દેનારો જે માર્ગ સૌથી સરળ લાગ્યો, તે રાજમાર્ગનું નામ ધર્મ અને સદાચાર રાખ્યું. આ માર્ગના દરેક માઈલે અધિકાધિક પ્રફુલ્લતાભર્યું વાતાવરણ મળતું જાય છે.
સુખ સમૃદ્ધિને માટે ધીરજપૂર્વક સદાચરણના માર્ગ ઉપર ચાલતા રહેવું અને પોતાનામાં જે દુર્બળતાઓ હોય એમને એક એક કરીને દૂર કરતા જવું એ જ એક સાચી રીત છે. આ સુનિશ્ચિત પધ્ધતિને છોડીને અધીરા લોકો, ધરી જલદીથી અત્યધિક મેળવવાની ચેષ્ટા કરે છે અને જે કંઇ એમની પાસે હતું એને પણ ખોઇ બેસે છે. જલ્દીથી વધુ ધન કમાઈ લેવા અને આર્થિક સ્થિતિ સુધારી લેવાની કામનાથી પ્રેરાઈને લોકો ચોરી કુટિલતા, ઠગાઇ, વિશ્વાસધાત, રુશ્વત જેવા ખોટા માર્ગોને અપનાવે છે. તેઓ વિચારે છે કે સીધા માર્ગે બહુ જલ્દીથી મળતું ધન કેમ માઇ ન લેવું ? એવું લાગે છે કે આજે અધિકાંશ લોકોને આ તર્ક પસંદ પડે છે અને તેઓ કોઈ પણ રીતે જલદીમાં જલદી મનમાન્યું ધન પ્રાપ્ત કરવા માટે ધર્મ અને સદાચારના બધા જ આધારોને તિલાંજલિ આપીને અનીતિની કમાણી કરવામાં લાગી ગયેલા છે. વેપારની બાબતમાં એવું હેવાય છે કે જુઠ અને કુટિલતા વિના તે ચાલી જ શકતો નથી. રુશ્વતખોરી એક સામાન્ય વાત બની ગઇ છે. મજૂર પોતાના કર્તવ્યને પૂરું ન કરીને શ્રમ અને સમયની ચોરી કરે છે. ધર્મના નામે જે પાખંડ અને ઠગવિધા ચાલે છે એનાથી કોણ અપરિચિત છે ? આ દુષ્પ્રવૃત્તિઓના મૂળમાં એ જ ધારણા કામ કરી રહી છે કે સદાચાર નહીં, અનીતિ આપણા માટે અધિક લાભદાયક છે. એનાથી જલદી લાભ થઈ શકે છે.
પરંતુ આ વાત સાચી ક્યાં છે ? અનીતિની પ્રવૃત્તિ વ્યાપક રુપમાં ફેલાઈ જતાં પ્રત્યેક ચોરને પણ અન્ય ચોરો દ્વારા ઠગવામાં અને સતાવવામાં આવે છે. એક વ્યક્તિ દૂધમાં પાણી મેળવીને વધુ પૈસા કમાઈ લે છે, પરંતુ એનું બાળક બીમાર પડે છે ત્યારે એની મામૂલી બીમારીને ખૂબજ મોટી બતાવીને ડોકટર ડરાવે છે અને ઇલાજમાં મનમાન્યા પૈસા વસૂલ કરે છે. એ ડોક્ટરને પણ ચેન ક્યાં છે ? બજારમાં પોતાની પત્ની માટે ધરેણાં ખરીદવા જાય છે ત્યારે અડધું પિતળના મિશ્રણવાળુ સોનું એના હાથમાં આપી દેવાય છે. તે સોની ઇન્કમટેક્ષના અધિકારી દ્વારા નિચોવી લેવાય છે અને પછી ‘એન્ટીકરપ્શન’ વાળા એ અધિકારીનું પણ તેલ કાઢી લે છે. આ સિલસિલો આગળ વધી અંતે અનીતિની દરેક માણી કરનારો ખાલી હાથ રહી જાય છે. ડાકું લગભગ ધણું ધન લૂંટીને લઈ જાય છે, પરંતુ જયાં તેઓ ચોરીનો માલ વેચે છે તેઓ અડધા પૈસા પણ આપતા નથી કારતૂસો અને બંદૂકો ખરીદવામાં, છાના-છપના ખાધ પદાર્થ મંગાવવામાં કેટલા ગણા પૈસા એમને આપવા પડે છે ? આ રીતે વધુ માગણી કરવા છતાં અંતે તેઓ ખાલી હાથે રહી જાય છે અને ગરીબી તથા પરેશાની ના જ પાલવે બંધાઈ રહે છે. કોઈ ચોર ડાકૂના મહેલ-બંગલા બંધાતા ક્યાંય જોયા છે ?
શરીરને બળવાન બનાવવા માટે આહાર વિહારમાં સંયમ રાખવા માટે દિનચર્યા અને શ્રમશીલતા ઉપર ધ્યાન આપવું, બ્રહ્મચર્ય ધારણ કરવું વગેરે આવશ્યક નિયમોનું પાલન કરવાના રાજમાર્ગ પર ચાલવાને બદલે ટોનિક પીવાનો, માંસ-માછલી, ઇંડાં ખાવાની પગદંડી શોધે છે પરંતુ શું કોઈને આ ખોટા રસ્તા ઉપર ચાલતા જઇને સ્વાસ્થય સુધારવાનો અવસર મળે છે ? થોડા સમય માટે આ રીત કોઇક લાભ બતાવી શકે છે, પરંતુ અને જીવનશક્તિનો નાશ કરનારાં આ ટોનિકોથી અનેક બીમારીની ચુંગાલમાં ફસાઈ પડે છે અને અકાળ મૃત્યુ સામે આવીને ઉભું રહે છે.
મનની પ્રસન્નતાને માટે લોકો વિષય-વાસનાઓ પર એવા તૂટી પડે છે જેમ માછલી આટો લગાડેલા કાંટાની અણીને ગળી જાય છે. કહેવાય છે કે નશાબાજી એટલા માટે કરવામાં આવે છે કે મનની પ્રસન્નતા અને સ્ફૂર્તિ વધે. ચા, સિગારેટ, દારૂ, ભાંગ, ગાંજો વગેરે પીનારા પોતાની આદતના સમર્થનમાં આ જ વાત કહે છે. વ્યભિચારી, વેશ્યાગામી અને ધૃણાજનક પદ્ધિતઓથી પોતાનાં જીવન-તથ્યને નિચોવતા રહેતા માણસો પણ પોતાની કુટેવોનું સમર્થન આ આધાર ઉપર કરે છે. સિનેમા, શેતરંજ, પત્તાં વગેરે વ્યસનોના સંદર્ભમાં પદ્મ આવું જ કંઇક કહેવાય છે. બની શકે છે કે તત્કાળ થોડી વાર માટે આ કુટેવો કે વ્યસનોમાં ફસાયેલા લોકોને થોડીક પ્રસન્નતા મળતી હોય પરંતુ ધીમે-ધીમે એમનું ધન, સમય, સ્વાસ્થ્ય અને ચરિત્ર પતન પામતું જાય છે. એમની સ્થિતિ દિવસે ખોખલી થતી જાય છે.
સન્માન મેળવવા માટે લોકો ઉદ્ધત રીતો ઉપયોગમાં લે છે. વિવાહ, લગ્નોમાં કમાણીના મહત્ત્વપૂર્ણ પૈસાની હોળી એટલા માટે કરવામાં આવે છે કે જોનારા એમને અમીર સમજે અને અમીરોને જે સન્માન મળે છે તે એમને પણ મળે. દહેજની હત્યારી કુપ્રથાની પાછળ આર્થિક કમાણીનો ભાવ એટલો હોતો નથી જેટલો પોતાનું નાક ઉંચું કરવાનો હોય છે. વિચારવામાં આવે છે કે જેને જેટલું વધારે દહેજ મળશે તે તેટલો મોટો માણસ ગણાશે. નેતા થવા માટે ચુંટ્વીમાં જીતવા સારુ લોકો કેવાં-કેવાં ઘૃણાસ્પદ ચાલાક કાર્યો ઉપયોગમાં લે છે ? એના મૂળમાં એ જ પ્રવૃત્તિ કામ કરે છે કે લોકોની આંખોમાં અમારું વ્યક્તિત્વ ચમકે. અખબારોમાં નામ છપાવવા માટે લોકો આતુર રહે છે. વિચારવા જેવી વાત છે કે આવાં ચાલાક કાર્યોથી કોઇને સ્થાયી કીર્તિ મળવાની છે ખરી ? અંદરની મહાનના વધાર્યા વિના શું કોઈ વ્યક્તિ ક્યારેય સ્થાયી સંમાનની અધિકારી બની શકી છે ખરી ?
કોપી કરીને અથવા બીજી કોઈ રીત અપનાવીને કેટલાય લોકો પરીક્ષામાં પાસ થઈ જાય છે, પરંતુ એમને વિધાથી પ્રાપ્ત થનારી યોગ્યતા ક્યાં મળે છે ? સ્ત્રીઓ, બાળકો અને કર્મચારીઓને ડરાવી ધમકાવીને અથવા એમની મજબુરીઓનો લાભ ઉઠાવીને એમને પરવશ બનાવી શકાય છે, પરંતુ આત્મત્યાગ વિના, સાચા પ્રેમ વિના અને સૌજન્ય વિના હૃદયને જીતવું કેવી રીતે શક્ય બને ? અનુચિત સહાય વડે કેટલાક લોકો ઊંચાં પદો ઉપર જઈ પહોંચે છે, પરંતુ એ પદની શોભા અને સફળતા એ કુપાત્રો દ્વારા ક્યાં થઇ શકે છે ? સત્પાત્રતાનું જ સદા મહત્ત્વ રહ્યું છે અને આગળ પણ રહેશે. છળકપટના આધાર પર મળેલી સફળતાઓ કેટલા દિવસ ટકે છે અને એમનાથી ક્યું પ્રયોજન સિદ્ધ થાય છે ?
આત્મકલ્યાણ માટે, સ્વર્ગ અને મુક્તિને માટે એ અનિવાર્ય છે કે આપણે આપણા કુવિચારો અને કુર્મોને સમાપ્ત કરીએ. સદયતા, પ્રેમ, સેવા અને ઉદારતાની ભાવનાઓનો વિકાસ કરીએ, પરંતુ સસ્તી પધ્ધતિઓ અપનાવનાર આ ઝંઝટમાં ન પડી કોઈ તીર્થયાત્રા, દેવદર્શન, બ્રહ્મભોજન તથા કથા-વાર્તા કે એવાં જ કોઈ નાનાં-મોટાં કર્મકાંડોને પર્યાપ્ત માની ભેસે છે. એમની એ આત્મ-વંચના ક્યારેય સાર્થક થઈ શકશે કે કેમ એ માટે પૂરેપૂરો સંદેહ છે. મુક્તિનો સીધો રસ્તો છે. વાસનાઓ અને તૃષ્ણાઓના બંધનમાંથી છુટકારો મેળવવો આત્મ-ચિંતન, આત્મ-મનન, આત્મ-નિરીક્ષા, આત્મ-સુધાર, આત્મ-નિર્માણ, અને આત્મ-વિકાસની સીડીઓ ચડયા વિના જ કોઈનાથી આત્મકલ્યાાના લક્ષ્ય સુધી પહોંચવું સંભવ છે ? પરંતુ ઉતાવળા લોકો થોડીક પૂજા, પાઠ, દર્શન, દાન-દક્ષિણા માત્રનો સસ્તો આધાર લઈને જલ્દીથી સ્વર્ગમુક્તિ પ્રાપ્ત કરી લેવા ઇચ્છે છે. એ બિચારાઓના હાથમાં કશું આવતું હશે ખરું ?
ઉન્નતિ અને સફળતાને માટે દરેક વ્યક્તિ ખરાબ રીતે આતુર રહે છે અને રૂચિકર માત્રામાં ઇચ્છિત સફળતા તરત મળતી નથી તો અત્યંત નિરાશ થઈ જાય છે. લોકો અનેક કામો શરૂ કરે છે અને સફળતામાં વાર લાગતી નથી એને છોડી બેસે છે અને ફરી નવું કામ શરૂ કરે છે. આ રીતે એમના ધન, સમય અને શ્રમનો નાશ કરે છે. આતુર લોકોમાં આરંભિક જોશ બહુ જ હોય છે, પરંતુ તેઓ નિરાશ પણ એટલા જ જલદી થઈ જાય છે. જંતર-મંતરની, સાધુ-સંતોના આશીર્વાદની, દેવતાઓના વરદાનની પણ આવા લોકો બહુ તલાશ કરે છે જેથી જલદીમાં જલદી એમનો મનોરથ પૂરો થઈ જાય.
આપણે જાણવું જોઇએ કે પ્રત્યેક વસ્તુ સમયસાધ્ય છે અને શ્રમસાધ્ય પણ. કોઈ માર્ગ એવો નથી જેમાં નડતરો અને અડચણો હોય નહીં. એમને હટાવવા માટે પ્રયત્ન પણ કરવો પડે છે અને ધૈર્યપૂર્વક પ્રતીક્ષા પણ આજે નહીં તો કાલે, કાલ નહીં તો પરમ દિવસે પરિશ્રમી અને પુરુષાર્થી માણસને સફળતા મળે છે, જો ન પણ મળે તો એની પ્રતિભા અને ક્ષમતા વધતી રહે છે. પ્રયત્નશીલતાથી, પુરુષાર્થથી, સતત પ્રયત્નથી વ્યક્તિત્વ નિખરે છે અને એના આધારે પ્રગતિની ઉંચી મંજિલ પર ચડી શક્યું સંભવ બની જાય છે.
આપણે ધીરજ અને દુરદર્શિતા અપનાવવાં જોઇએ. સફળતા અને પ્રગતિના માર્ગ પર આગળ વધતાં એ ધ્યાનમાં રાખવું જોઇએ કે આપણું પૂરું ધ્યાન આપણા પુરુષાર્થ ઉપર રહે. ફળ ક્યારે મળશે ? કેટલું મળશે ? કેવું મળશે ? એ કંઈ નક્કી નથી. એ બધુ પરિસ્થિતિ ઉપર નિંર્ભર છે. નાના કામમાં પણ વાર લાગી શકે છે અને સંજોગોવશાત્ મોટાં કામ જલદી પણ થઇ શકે છે. મનુષ્યના હાથમાં ઇશ્વરે પ્રયત્ન જ આપ્યો છે અને ફ્ળનું વિધાન પોતાના હાથમાં રાખ્યું છે. આપણે આપણું કામ કરવું જોઇએ. ઇશ્વરના કામ ઉપર આપણે કબજો ન જમાવીએ અને આપણા કર્તવ્યનું પાલન કરતા રહી ઉચિત માર્ગે ચાલતા રહેવુ જ આપણા માટે શ્રેયકર છે. ઉતાવળમાં લાભનો કંઈ નથી થતો ઉલટું સફળતાનું લક્ષ્ય દૂર હે છે. સાથે જ એવાં વિપરિત કામો પણ આવી પડે છે જે અસફળનાથી પણ વધુ કષ્ટદાયક પરિણામ ઉત્પન્ન કરનાર સિદ્ધ થાય છે.

૮. આ સદ્ગુણો ને પ્રાપ્ત કરો, ઊંચા ઉઠો, શ્રમથી જ જીવન નિખરે છે

આ સદ્ગુણો ને પ્રાપ્ત કરો, ઊંચા ઉઠો, શ્રમથી જ જીવન નિખરે છે


જે વસ્તુઓ પાસેથી જેટલું વધારે કામ લેવામાં આવે છે એ વસ્તુઓ એટલી જ ચમકદાર બની જાય છે. બેકાર પડેલી વસ્તુઓને કાટ લાગી જાય છે. જે મશીન કામમાં લેવાતાં રહે છે એ જલદી ખરાબ થતાં નથી. બેકાર પડેલું મશીન થોડા સમયમાં જ નકામું બની જાય છે. એના બાહ્ય આકારથી લઈને આંતરિક સૂક્ષ્મ ભાગે પણ ખરાબ અને અનુપયોગી થઈ જાય છે. માનવશરીર તો અન્ય મશીનોથી ઘણું જ મહત્વપૂર્ણ, ચેતન અને જડની સમતુલિત રચનાનો સર્વોપરી નમૂનો છે. ઉધોગના અભાવમાં, બેકારીમાં શારીરિક અને માનસિક સ્થિતિ વિકૃત થઈ જાય છે. મનુષ્યને માનસિક અને શારીરિક રોગોના શિકાર થવું પડે છે.

ઉધમશીલ વ્યક્તિનો ચહેરો સદા ચમકતો જોવા મળે છે અને અર્મણ્ય વ્યક્તિ સદા થાકેલ, ઉદ્વિગ્ન, દુ:ખી અને ખોટી ક્લ્પનાઓમાં ફસાયેલી જોવા મળે છે. પરિશ્રમી જ સૌથી વધુ સુખી, પ્રસન્ન અને સંતોષી રહે છે. એ ભલે ભૌતિક સંપત્તિ સમૃદ્ધિમાં મોટો હોય નહીં, પરંતુ એનું આંતરિક ધન, જેનાથી માનસિક સંતોષ, હળવાશ અને પ્રસન્નતાનો અનુભવ કરે છે, જે સંસારની સૌથી મોટી સંપત્તિ છે.
પરિશ્રમથી જ સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. ઉધમી વ્યક્તિ થાકીને પોતાની પથારીમાં પ્રવેશે છે અને એને સ્વાસ્થ્યવર્ધક ઉત્તમ ઉંઘ આવે છે. પ્રાત જાગે ત્યારે એ તાજગી, પ્રફુલ્લતા, શક્તિ, પ્રસન્નતાનો અનુભવ કરે છે. આળસુ, કામ વગરના જ દુઃસ્વપ્નો, અનિદ્રામાં પડયા રહી સવારમાં પણ આળસ, ચિંતા ભારેપણું અનુભવતા ઉઠે છે.
પરિશ્રમ, કાર્ય, જીવનની સ્થિતિનું કારણ છે. અકર્મણ્યતા, આળસ મૃત્યુ તરફ અગ્રેસર થવાનો પ્રયત્ન છે. ગતિ (સ્પંદન) વગરની લાશનો જલદી નાશ કરી દેવામાં આવે છે. જ્યાં સુધી સુવું છે ત્યાં સુધી સુઓ, પણ જાગીને આળસમાં કામ વગર સમય પસાર કરવો એ પતન, મૃત્યુને આમંત્રણ આપવા જેવું છે.
પરિશ્રમ, ઉધોગ, જીવનની પ્રાથમિક આવશ્યકતા છે. જેની પૂર્તિ કર્યા વગર અન્ય આવશ્યકતાઓને માટે કોઈ સ્થાન નથી. ભોજન વસ્ત્ર વગેરે જીવનની બધી જ આવશ્યકતાઓ માટે શ્રમ કરવો જોઇએ. શ્રમ દ્વારા જ એમની પ્રાપ્તિ કરવામાં આવે. શ્રમ વિના પોતાની આવશ્યકતાઓને પૂરી કરવી એ ચોરી છે. જેવી રીતે ચોર કોઈનું ધન, સંપત્તિ ચોરીને પોતાની જરૂરિયાતોને પૂરી કરે છે, તેવી રીતે શ્રમના અભાવમાં જીવનની સાધન સંપતિ મેળવવી એ ચોરીની સાથે જ બીજાઓનું શોષણ છે. કેમકે સાધનાનું અસ્તિત્વ શ્રમને કારણે જ છે. બીજાંઓના શ્રમથી મેળવેલી વસ્તુઓનો ઉપભોગ શ્રમનો બદલો ચૂકવ્યા વિના કરવો એ ચોરી, શોષણ તો છે જ. પોતાની દૈનિક જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે કોઈને કોઈ રુપમાં શ્રમ કરવો આવશ્યક છે.
રોટલા માટે શ્રમ સિદ્ધાંતનું પ્રતિપાદન કરતાં મહાત્મા ટોલ્સ્ટોય અને એમના પહેલાંના ચિંતકોએ એક નવી પ્રેરણા માનવજાતિને આપી છે. ભારતીય જીવન વ્યવસ્થામાં તો આપણા ઋષિઓએ પહેલાં જ આનો વ્યવસ્થિત કાર્યક્રમ બનાવ્યો હતો અને એના અભ્યાસ માટે જીવનના આરંભનાં ૨૫ વર્ષોમાં બ્રહ્મચારીને ગુરુના આશ્રમમાં રહીને કઠોર શ્રમ કરવો પડતો હતો. મહારાજા જનક જેવા તત્વજ્ઞાની પણ હળ ચલાવીને જીવનનિર્વાહની વસ્તુઓ મેળવતા હતા. આધ્યાત્મિક સાધનાઓમાં લીન ઋષિમુનિઓ પણ વનનાં કંદમૂળ, ફળ અથવા ખેતરમાં વેરાયેલા પડેલા દાણાથી જીવનનિર્વાહ કરીને પોતાનો બધો જ સમય લોક-ક્લ્યાણ માટે આધ્યાત્મિક સાધનાઓમાં વિતાવતા હતા. મહર્ષિ દુર્વાસા, કણ્વ, પિપ્પલાદ જેવા આ આદર્શના પ્રતિષ્ઠાપક હતા, પરંતુ આપણે શ્રમના આ મહત્વને ભૂલી ગયા અને એને કારણે આળસ, કામ ન કરવાની વૃત્તિને કારણે આપણું પતન થયું.
શ્રમ તરફ ઉપેક્ષાની વૃત્તિ આજે આપણામાં દિવસે દિવસે વધતી જાય છે. જેથી આપણા જીવનમાં અનેક વિષમતાઓ ઊભી થઈ છે. જીવનમાં અસમતુલા પેદા થાય છે. કહેવાતા ભણેલા-ગણેલા શિક્ષિત વર્ગમાં તો આ વૃત્તિ ઝડપથી વધતી જાય છે. આવા લોકો શ્રમ કરવામાં અપમાન માને છે. શ્રમ તરફ ઉપેક્ષાના ભાવને લીધે અભાવગ્રસ્તતા, ગરીબીને પોષણ મળ્યું છે. કેમકે કોઈ પણ ક્ષેત્રમાં ઉપાર્જન, ઉત્પાદનનો આધાર ક્રમ જ છે. જે સમાજમાં શ્રમ તરફ દિલચસ્પી હોય નહીં ત્યાં ઉપાર્જન કેવી રીતે વધશે ? અને એના ફળસ્વરૂપ અભાવગ્રસ્તનાનું નિવારણ કેવી રીતે થશે ? શ્રમ ન કરવાથી શારીરિક પ્રણાલી અસંતુલિત, અસ્તવ્યસ્ત, અક્ષમ બની જાય છે અને અસ્વસ્થતાની સમસ્યા ઊભી થાય છે. શ્રમના અભાવે મનુષ્ય જીવનનાં સહજ સ્વાભાવિક સંતોષ, સુખ, માનસિક શાંતિથી વંચિત રહે છે. કેમકે શ્રમ જીવનનો ધર્મ છે, સ્વભાવ છે. શ્રમ અને જીવનનો અન્યોન્યાશ્રિત સંબંધ છે. શ્રમની સાથે જીવન છે અને જીવનની સાથે શ્રમ છે. બંનેમાંથી એકને છૂટા પાડી દેવાથી કોઇનુંય અસ્તિત્વ બાકી રહે નહીં.
કોઇ પણ ઉપલબ્ધિનો આધાર શ્રમ છે. શ્રમ વિના કોઇ પણ ક્ષેત્રમાં સ્થાયી અને પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવી અસંભવ છે. શ્રમની મહત્તાનું પ્રતિપાદન કરતાં નીતિકારે લખ્યું છે, “ઉધમેન હિ સિધ્યન્તિ કાર્યાણિ ન મનોરથૈઃ । નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા ॥”
ઉધમ કરવાથી જ કાર્યોની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ઇચ્છા કરવાથી અથવા વિચારવાથી કલ્પના કરવાથી નહીં. સૂતેલા સિંહના મોઢામાં પશુઓ જાતે જ જતાં નથી. એમાં કોઇ સંદેહ નથી કે ઉધમ કે શ્રમ કર્યા વિના બીજી વાત તો ઠીક, પેટની તૃપ્તિ કરવાનું પણ મુશ્કેલ બને છે. શ્રમથી ખાધ પદાર્થો મેળવવા પડશે, એમને રાંધવા પડે અને પછી હાથ વડે મોઢા સુધી પહોંચાડવા પડે ત્યારે ભૂખ દૂર થશે. આ રીતે કોઇ પણ કામમાં શ્રમનું મૂલ્ય ચૂકવ્યા વગર એની સફળતા પ્રાપ્ત થાય નહી. સંસારમાં જે કંઇ ઐશ્વર્ય, સંપદા, વૈભવ, ઉત્તમ પદાર્થો છે તે બધા શ્રમની જ દેન છે. શ્રમમાં એ આકર્ષણ છે કે વિભિન્ન પદાર્થો, સંપદાઓ એની પાછળ પાછળ ખેંચાતી આવે છે. શ્રમ માણસને પરમાત્મા દ્વારા આપેલી સર્વોપરી સંપત્તિ છે. જ્યાં શ્રમની પૂજા થશે ત્યાં કોઈ કમી રહે નહીં. વિનોબાના શબ્દોમાં, “પરિશ્રમ આપણો દેવતા છે, જે આપણને અમૂલ્ય વરદાનોથી સંપન્ન બનાવે છે.” પરિશ્રમ જ ઉજજવળ ભવિષ્યનું નિર્માણ કરે છે.
એમાં કોઈ સંદેહ નથી કે આપણી અભાવગ્રસ્તતા ગરીબી, દીનતાનાં ધણાં કારણો પૂર્ણ રીતે શ્રમ ન કરવાને કારણે જ છે. સામે પડેલું કામ જ્યારે શ્રમ માગે છે ત્યારે આપણે હાથ પર હાથ ધરીને બેસી રહીએ તો કામ આપણને શાપ આપે છે અને પરિણામે એના લાભથી આપણે વંચિત રહી જઈએ છીએ. પ્રતિદિન ઊગતો સૂરજ આપાને સક્રિય જીવનનો શ્રમશીલતાનો સંદેશ આપે છે, પરંતુ આપણે આખો દિવસ ગપ્પાં મારવામાં, ખેલ-તમાશાઓમાં, આળસ અને પ્રમાદની તંદ્રામાં એ સંદેશ તરફ ધ્યાન આપતા નથી. પરિણામે એ દિવસે મળનારી સફળતા અને ઉપલબ્ધિઓથી આપણે દૂર રહેવું પડે છે. આપણે કોઈ ઉન્નતિ કરી શકતા નથી. એ તો નક્કી છે કે શ્રમ વિના કોઇ પણ ઉન્નતિ પ્રાપ્ત કરી શક્યું નથી.

પરિશ્રમ એ આ ધરતી પર માનવ જીવનનો આધાર છે. શ્રમના અભાવમાં માણસને દુઃખદ પરિસ્થિતિમાં પડવા માટે બાધ્ય બનવું પડશે. કાર્લાઇલે કહ્યું છે “શ્રમ જ જીવન છે.” કામ ન કરવાની વૃત્તિ ધરાવતી વ્યક્તિને વિભિન્ન પદાર્થોની ઉપલબ્ધિઓ અને વરદાનોથી વંચિત રહેવાનું થાય છે જેથી અભાવ, અસહાયતા, દીનતાના ઝેરી ઘૂંટડા પીવા માટે બાધ્ય થવું પડશે. આ પરિસ્થિતિમાં અપમાનિત, લાચાર, પરતંત્ર જીવન મૃત જીવનથી પણ ખરાબ છે.
પ્રકૃતિનો નિયમ છે કે જે વસ્તુ ઉપયોગમાં આવતી નથી તે જલદી નાશ પામે છે. વિભિન્ન ગૂંચવણોથી ભરેલું માનવ શરીર શ્રમ કરવા માટે મળેલું છે. લાંબા લાંબા હાથ, પગ, બુદ્ધિ અને વિભિન્ન અવયવ હંમેશાં કંઇકને કંઇક કામ માટે મળેલા છે. આ શરીયંત્રનો કોઇ ઉપયોગ કરવામાં આવતો નથી ત્યારે આ એવી રીતે વિકૃત અને નષ્ટ થવા માટે બાધ્ય બને છે જેવી રીતે બેકાર પડેલું મશીન કાટ લાગીને ખરાબ થઈ અનુપયોગી બની જાય છે. શ્રમથી શરીરયંત્ર સક્રિય રહે છે, એથી એના વિભિન્ન અવયવ સારી રીતે કામ કરે છે. એમનામાં જીવન અને સજીવ રક્ત વહેતું રહે છે. તેથી શ્રમશીલ વ્યક્તિ સદૈવ સ્વસ્થ અને પ્રસન્ન ચિત્ત રહે છે.
આજકાલ દિવસે દિવસે વધતી જતી સ્વાસ્થ્યની ફરિયાદોનું એક મોટું કારણ આપણા દૈનિક જીવનમાં કઠોર શ્રમનો અભાવ છે.
પરિશ્રમ બે પ્રકારનો હોય છે, એક શારીરિક અને બીજો માનસિક શારીરિક અને માનસિક શ્રમનું સમતુલન જાળવી રાખવું જરૂરી છે. બંનેના સમતુલનમાં જ શ્રમની પૂર્ણતા રહેલી છે. એક્લો માનસિક શ્રમ અપૂર્ણ છે તો શારીરિક શ્રમ પણ માનસિક ગના અભાવમાં અપૂર્ણ રહી જાય છે. વિચાર કરવાની અને કાર્ય કરવાની સમતુલિત શક્તિથી જ શ્રમનું પૂર્ણ સ્વરૂપ બને છે. અને એનાથી કોઈ પણ ક્ષેત્રમાં પરિપૂર્ણ સફળતા પણ મેળવી શકાય છે, પરંતુ દુઃખની વાત એ છે કે આપણા જીવનમાં દિવસે દિવસે અસંગતતા વધતી જાય છે. માનસિક શક્તિ સંપન્ન શિક્ષિત લોકો શારીરિક શ્રમ કરવા ઇચ્છતા નથી. એનાથી ભાગે છે. પરિણામે જીવનની સફળતાઓમાં તેઓ એકાંગી અને અપૂર્ણ તો રહે જ છે સાથે એમની શારીરિક સ્થિતિમાં ગરબડ થાય છે. “સ્વાસ્થ્યની ફરિયાદ” નો રોગ આ કહેવાતા શિક્ષિત, ફક્ત માનસિક શ્રમ કરનારાઓમાં વધુ ફેલાયેલો છે.
બીજી બાજુ આપણા દેશમાં જેઓ શારીરિક શ્રમ કરે છે તેમનો માનસિક વિકાસ થયો નથી. તેઓ મોટે ભાગે અભણ અને નિરક્ષર છે. તેથી પુષ્કળ પરિશ્રમ કરીને પણ આપણા દેશનો શ્રમિક દુ:ખી જીવન જીવે છે. અનાજના ઢગલા કરી દેનારો ખેડૂત અભાવગ્રસ્ત જીવન વિતાવે છે. કારણ એ છે કે માનસિક વિકાસ થયો નહીં હોવાથી શ્રમનો સાચો યોગ્ય ઉપયોગ તેઓ કરી શકતા નથી. બીજી બાજુ જ્ઞાન વિજ્ઞાનના આચાર્ય અને જ્ગદ્ગુરુ કહેવાઈને પણ શરીરશ્રમના અભાવે આપણે એ તથ્યોને વ્યાવહારિક રૂપ આપી શક્યા નથી. આજે પણ સ્થિતિ એ છે કે ઉચ્ચ શિક્ષણ મેળવીને અથવા કોઇક વિષયના સ્નાતક થઈને બહાર આવનારા સરકારી નોકરી સિવાય પોતાનું બીજું કઈ લક્ષ્ય રાખતા નથી. કૃષિ શિક્ષણમાં ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓ કોઈ ફાર્મ કે ખેતરમાં કામ કરતા નથી. કોઈ ઓફિસમાં કર્મચારી થયા હશે અને કાગળના મહેલની રચના કરી આ હશે.
આ બાબતે પાશ્ચાત્ય દેશો પાસેથી આપણે શિખામણ મેળવવી જોઈએ, જયાં લોકો ઉચ્ચ શિક્ષણ મેળવીને પણ ખેતરોમાં કામ કરતા જોવા મળશે. ઓફિસર થઈને પણ પોતાનાં નાનાંનાનાં કામોથી લઈને મોટાં કામો તે શારીરિક હોય કે માનસિક – ઘણી ચાલાકીથી પૂરાં કરે છે.
પૂરતો શ્રમ ન કરવાથી એક આંતરિક અસંતોષ, અશાંતિ અનુભવાય છે. પરમાત્માએ માનવજીવન કંઇક કરવા માટે આપ્યું છે. જે પ્રતિક્ષણ આ ઉત્તરદાયિત્વ તરફ સજાગ રહે છે, તે પરિશ્રમના બળથી વિશ્વના વિકાસ અને નિર્માણમાં યોગદાન આપતો રહે છે. એને એક સુખદ અને આંતરિક સહજ સંતોષ પ્રાપ્ત થાય છે. તમે પ્રતિદિન તમારી સામે આવેલ કામને પૂરી દિલચસ્પી અને હોશિયારી સાથે કરો તો સૂતી વખતે તમને સુખદ સંતોષનો અનુભવ થશે. તમે શાંતિ સાથે વિશ્રામ કરી શકશો. તમને સુખદ નિદ્રા આવશે. એનાથી ઊલટું તમે એક દિવસ પણ જો કંઈ કર્યા વિના ગુમાવી દેશો તો એ દિવસે તમને ભોજન સારું નહીં લાગે કે સારી રીતે ઊંધ નહીં આવે તો શરીરની સ્વસ્થતા અનુભવાશે નહીં એક પ્રકારનો અભાવ, અસંતોષ, અશાંતિ દિલમાં ખટકતી રહેશે. જેઓ આખું જીવન આમ વ્યર્થ ખોઈ બેસે છે, કંઈ શ્રમ કરતા નથી, એમનું સંપૂર્ણ જીવન અશાંતિ, અસંતોષ, ઉદ્વિગ્નતાથી ભરાઈ જાય છે અને તેઓ જીવનની ચિર સંધ્યામાં પણ અશાંત થઈને પ્રયાણ કરે છે.
જરૂરિયાત એ છે કે આપણે જીવનમાં શ્રમને સ્થાન આપીએ. શ્રમને જીવનમંત્ર બનાવીએ. મહાત્મા ગાંધીએ “શરીર શ્રમ” ને એક વ્રત માનીને માનવજીવન માટે એને આવશ્યક ગણ્યો છે. સ્વપ્રતિ અને સમાજપ્રતિ એક અધોમુખી પ્રવૃત્તિ – કામ નહીં કરવાની વૃત્તિ, હરામખોરી, કામચોરી એ શ્રમ તરફની ઉદાસીનતા જ છે. વ્યક્તિગત અન સામાજિક સુખ-સમૃદ્ધિ વિકાસ, ઉન્નતિ, કુશળતાને માટે આપણે જીવનમાં શ્રમની પ્રતિષ્ઠા કરવી પડશે.

૭. નમ્રતા જ સભ્યતાનું ચિહ્ન છે

નમ્રતા જ સભ્યતાનું ચિહ્ન છે
નમ્રતા, નૈતિક અને આધ્યાત્મિક ક્ષેત્રની એ ભાવના છે, જે બધા મનુષ્યોમાં, બધાં પ્રાણીઓમાં રહી, શાશ્વત સત્ય સાથે ઇશ્વર સાથે સંબંધ કરાવે છે. આ રીતે જીવનના લક્ષ્યની ઠીક ઠીક પ્રાપ્તિ કરાવે છે. જગતમાં એ શાશ્વત ચેતનાનું, ઇશ્વરનું દર્શન કરીને મનુષ્યનું મસ્તક શ્રદ્ધાથી ઝૂકી જાય છે, એ ભાવવિભોર થઈ ઉઠે છે –
“સિયારામ મય સબ જગ જાની કરહું પ્રણામ જોરિ જુગ પાની”
ઘટ ઘટ વાસી, પરમ સત્ય રામનાં દર્શન કરી, સંતો, ઋષિઓએ એને મસ્તક નમાવ્યું. સર્વત્ર વ્યાપ્ત શાશ્વત ઇશ્વરની અનુભૂતિ કરવી અને એનો સ્વીકાર કરવો, મહત્વ આપવું એ જ નમ્રતાનો અર્થ છે.
આત્મવિશ્વાસ, શક્તિ, સદ્ભાવના, સાહસ, ગંભીરતા એ વિનમ્રતાનાં બીજાં રૂપ છે. જ્યાં અનંત શક્તિની ઉપસ્થિતિ હોય છે ત્યાં શાશ્વત સત્યની અનુભૂતિ હોય છે.


નમ્રતામાં શક્તિપ્રિયતા અને પદલોલુપતાનું કોઇ સ્થાન નથી. કેમકે એ અવગુણો પોતાનામાં જ સ્વાર્થયુક્ત સંકીર્ણ છે જ્યારે નમ્રતામાં સૌની પાછળ પોતાને ગણવાનો મહત્વપૂર્ણ આદર્શ છે. જે અનુચિત શક્તિ વૃદ્ધિ કરશે, જે પોતાની પદલોલુપતાને ચાહશે એ બીજાઓને પોતાના લાભ માટે ચડશે, બીજાનું શોષણ કરશે અને વિભિન્ન ખોટાં કાર્યો કરશે, એનો નમ્રતા સાથે મેળ મળતો નથી. એટલે સ્વાર્થનું નમ્રતામાં કોઇ સ્થાન નથી. એમાં એકમાત્ર પરમાર્થની જ ગતિ છે.
એક હોય છે હૃદયહીન નમ્રતા, જેમાં અભિમાની મનુષ્ય પોતાની મોટપ ટકાવી રાખવા અથવા વધારવા માટે જૂઠી નમ્રતાનો સ્વાંગ રચે છે. આવી દેખાડાની નમ્રતાનું બજાર આજકાલ બહુ ગરમ છે. સ્વાર્થી પદલોલુપ અભિમાની વ્યક્તિઓએ નમ્રતાને પણ પોતાના સાધનોમાંનું એક બનાવી લીધું છે. આવી બનાવટી નમ્રતા બહુ ખતરનાક છે. આનાથી સરળ પ્રકૃતિ, સીધા સ્વભાવના લોકો કાયમ છેતરાઇ જાય છે.
મિથ્યા ભાવુકતા, આત્મિવિશ્વાસની ઉણપ અને હીનભાવ યુક્ત ગંભીર વિનમ્રતા પણ નમ્રતા નથી. એનાથી દૂર રહેવું જોઇએ. વિનોબા ભાવેએ કહ્યું છે, “સંસારમાં બે પ્રકારનાં પાપ છે. એની ગરદન ઘમંડથી, અભિમાનથી જરૂરતથી વધારે તણાયેલી છે અને બીજાની દીનતા, દુર્બળતાથી જરૂરતથી વધારે ઝૂકેલી છે. આ બંને પાપ જ છે. એક ઉન્મત્ત છે, બીજો દબાયેલ દુર્બળ ગર્દન સીધી પણ હોય અને લચીલી પણ પરંતુ ન ઝૂકેલી હોય કે ન તણાયેલી. આ સ્થિતિ નમ્રતામાં સમાયેલી છે. અભિમાન માટે તો ત્યાં કોઇ ગુંજાઈશ જ નથી. નમ્રતામાં દબાયેલા હોવાનો ભાવ એટલા માટે નથી કે એમાં શાશ્વત સત્ય, ઈશ્વરની ઉપસ્થિતિનો ભાવ રહે છે, જેના સામર્થ્યના બળે ગરદન સીધી રહે છે અને લચીલી પણ. કેમકે એ સર્વત્ર ઇશ્વરદર્શન કરી એનો સ્વીકાર કરતી એના સામર્થ્ય સામે નતમસ્તક બને છે, પરંતુ એ દીનતાથી ઝૂકેલી હોતી નથી, બલકે બધામાં રહેલા ઈશ્વરપ્રતિ આદર, સન્માન અને વિનયથી ઝૂકેલી હોય છે.
સૌમાં ઇશ્વરની ઉપસ્થિતિ જોઇને એને નમન કરવાની સાથોસાથ મનુષ્ય સૌની સેવા માટે કટિબદ્ધ થાય છે. નમ્રતા માનસિક ભાવ છે. એનું બાહ્ય, સક્રિય રૂપ સેવા છે. સૌની સેવા આધ્યાત્મિક એકતા અને સમતાનો મૂળ આધાર છે. જ્યાં-જ્યાં આધ્યાત્મિક અનુભૂતિ ઇશ્વરીય તત્વનાં દર્શન થશે, ત્યાંત્યાં મનુષ્ય સેવા માટે પોતાને પ્રસ્તુત કરશે. સેવાનો મૂળ આધાર છે – કોઈ વ્યક્તિ કે પદાર્થમાં ઉત્કૃષ્ટતા, શાશ્વત તત્ત્વ અથવા કોઈ પણ પ્રકારની વિશેષતાનું દર્શન કરવું અને સાથે જ એનો જીવનમાં સ્વીકાર કરવો.
આત્મસુધારની પ્રથમ આવશ્યકતા છે પોતાના દોષોનો સ્વીકાર કરવો, જે નમ્રતાથી જ સંભવ છે. અભિમાની વ્યક્તિ પોતાના દોષોનો કદી સ્વીકાર કરતો નથી. પરિણામે એના દોષોની જટીલતા વધતી જ જાય છે. નમ્રતા મનુષ્યને એની ખરી સ્થિતિનું જ્ઞાન કરાવે છે. પીતાની સ્થિતિનું જ્ઞાન, પોતાના દોષોની સ્વીકૃતિ, મનુષ્યને આત્મસુધાર માટે પર્યાપ્ત સામર્થ્ય પ્રદાન કરે છે. મહાત્મા ગાંધી જે નમ્રતાના એક મોટા ઉપાસક હતા, લખ્યું છે –
“ઊંચામાં ઊંચાં વૃક્ષ પણ આકાશને સ્પર્શી શકતાં નથી. મહાનતમ મનુષ્ય પણ જ્યાં સુધી એ શરીરના બંધનમાં છે, દોષપૂર્ણ જ છે. કોઈ મનુષ્ય નિર્દોષ નથી, ઇશ્વરભક્ત પણ નહીં, પરંતુ જેઓ પોતાના દોષોને જાણે છે અને પોતાની જાતને સુધારવા માટે સદૈવ તૈયાર રહે છે એ કારણે તેઓ ઈશ્વરના ભક્ત અને મહાન પુરુષ કહેવડાવવાના અને નિર્દોષ હોવાના અધિકારી બને છે. ”
એટલું જ નહીં ગાંધીજીએ ફરી આગળ બધાની સાથે પોતાની સરખામણી કરતાં લખ્યું છે, “મેં એવું જ દુષિત થઇ જનારું શરીરનું વસ્ત્ર પહેર્યું છે જેવું મારા દુર્બળતમ સાથી મનુષ્યોએ પહેર્યું છે અને હું એવી જ રીતે ભૂલો કરી શકું છું જેવી રીતે અન્ય કોઈ”
નમ્રતા મનુષ્યને એના નિજ સ્વરૂપનું, દોષોનું, સ્થિતિનું જ્ઞાન કરાવે છે, એનો સ્વીકાર કરે છે અને સુધરવાની પ્રેરણા પણ આપે છે. મનુષ્યના સુધરવાનો ઉન્નતિનો આ જ મૂળ આધાર છે. જ્યાં અભિમાનને કારણે પોતાના દોષોની સ્વીકૃતિ નથી, પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન નથી, ત્યાં સુધારનો કોઈ માર્ગ નથી, સિવાય કે મનુષ્ય પોતાના દોષોને વધુ જટિલ બનાવે.
નમ્રતાનો અર્થ આળસ, સુસ્તી, હીનતાનો ભાવ નહીં, નમ્રતા પ્રબળ તીવ્રતમ પુરૂષાર્થ છે. એવો પુરુષાર્થ જે સૌના કલ્યાણ માટે હોય છે. નમ્રતાનો પુરુષાર્થ કોઈ આક્રમણકારી સિકંદર, નેપોલિયન, ડાકુ કે સેનાપતિનો ઉદ્દંડ, સંકીર્ણ પુરુષાર્થ નથી એ છે સાર્વભૌમિક પુરુષાર્થ જેની સામે કોઈ સત્તા નથી મહાત્મા બુદ્ધની નમ્રતાના પ્રબળ પુરુષાર્થે અંગુલિમાલ જેવા ખુંખાર ડાકુને પણ ભિક્ષુ બનાવી દીધો. એમણે પોતાના પ્રબળ પુરુષાર્થથી યુગની ગતિને જ બદલી નાખી. પ્રબળ પુરુષાર્થ હતો ઈસા મસીહનો જેણે એ સમયના સશકત, રૂઢિવાદી, સામ્રાજયશાહી, અંધવિશ્વાસ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને લોકોને એક નવી દિશા પ્રદાન કરી. સિકંદર પોતાના સ્વાભાવિક મૃત્યુ પર પણ રોતાં રોતાં જ મર્યો હતો. મોટા મોટા શૂરવીરોએ મૃત્યુ વખતે આંસુ વહાવ્યાં છે, પરંતુ એક હતો નમ્રતાનો પૂજારી ઇસા મસીહ જેણે કાંટાઓનો તાજ પહેર્યો હતો. ક્રોસ પર ચડાવ્યો છતાં પણ વિરોધીઓનાં પાપ માફ કરવાની ભગવાનને પ્રાર્થના કરી હતી.
નમ્રતાની મહાન શક્તિ હતી મહર્ષિ વશિષ્ઠમાં, જેમણે વિશ્વામિત્ર જેવા અભિમાની, પોતાના બાળકોના હત્યારાનું પણ હૃદય બદલ્યું હતું અને એમણે એમને મહર્ષિ બનાવી દીધા
નમ્રતા એક પ્રબળ પુરુષાર્થ છે સૌના હિત માટે, જેમાં અન્યાયીને ખતમ કરવાની નહીં બલકે એના અત્યાચાર સહન કરી એને જીતીને એને સુધારવાનું ઠોસ વિજ્ઞાન છે. આ ભૂલ સુધારવાનું એક સાધન છે જેમાં બીજાને કષ્ટ ન આપીને સ્વંય કષ્ટ સહન કરવાની ક્ષમતા છે. હિંસાત્મક પ્રયાસ કે દંડ વ્યક્તિ પર આક્ર્મણ કરે છે, બૂરાઈ પર નહીં, પરંતુ દોષ અને અવગુણ્ણ પણ ધોવાઈ જાય છે. મહાત્મા ગાંધીએ નમ્રતાની શક્તિ અને એના પ્રબળ પુરુષાર્થથી બ્રિટન જેવા શક્તિશાળી રાષ્ટ્રને ભારત છોડવા માટે વિવશ કરી દીધું. દુર્બળ કોશ ? એ જે પોતાનાં સીમિત શરીર, સાધન, વૈભવ, ઐશ્ચર્યને પોતાની શક્તિનો આધાર માને છે. કેમકે આ પ્રકારની શક્તિનો દાયરો સીમિત છે, સંકીર્ણ છે, દેશકાળ પાત્રની સીમામાં મર્યાદિત છે.
શક્તિશાળી કોણ? એ જે વિશ્વાત્મા સાથે અનંતશક્તિના કેન્દ્ર સાથે જોડાયેલો છે અને નમ્રતાથી જ શાશ્વત ઇશ્વરની અનુભૂતિ સંભવ છે. વિશ્વાત્મા સાથે સંબંધિત વ્યક્તિ બાહ્ય સાધનોના અભાવમાં પણ અનંત શક્તિશાળી છે, એનો વિજય નિશ્ચિત છે એ જ પુરુષાર્થી છે.
બધા સંઘર્ષ, લડાઈ, ઝઘડા, રાગદ્વેષ, ક્યાં એ કારણે જ છે કે અભિમાનગ્રસ્ત મનુષ્ય પોતાની જાતને સૌથી આગળ જોવાનો પ્રયત્ન કરે છે અને બીજાને પાછળ. આ આગળ પાછળના સંઘર્ષથી જ આ વિષયુક્ત વાતો ફૂટી નીકળે છે, પરંતુ નમ્રતા આનો ત્યાગ કરે છે. નમ્રતાનો નિયમ છે, બધા જીવોના અંતે પોતાની ગણતરી કરવી, પહેલાં નહીં. પોતે પ્રથમ આ તો અભિમાનીનો નિયમ છે. જ્યારે મનુષ્ય માત્ર બધાને આગળ સ્થાન આપી પોતાની ગણતરી પછી કરવા લાગશે ત્યારે બધા સંઘર્ષ સમાપ્ત થઈ જશે.
મોટાઈનો આ નિયમ પણ છે કે જે વ્યક્તિ મોટો બનવાની કોશિશ કરશે એ સૌથી નાનો બનતો જોવા મળશે.
નમ્રતાનો અર્થ છે અહંકારનું બંધન તોડી નાખવું. વિશ્વાત્મા સાથે એકતા સ્થાપિત થવી, આ રીતે નમ્રતા મુક્તિનું સરળ સાધન છે. નમ્રતાથી જ આત્મસમર્પણની વૃત્તિ પેદા થાય છે. ગીતામાં લાંબો લાંબો ઉપદેશ આપ્યા પછી પણ ભગવાન કૃષ્ણને અર્જુનને આ જ કહેવું પડયું. “સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્ર જ । અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુન્ય॥“
બધા ધર્મોને છોડીને કે અર્જુન ! તું મારા શરણમાં આવ હું તને બધાં પાપોથી મુક્ત કરી દઇશ” અને આ પણ “યોગક્ષેમ વહામ્યહમ્” નમ્રતાનો અર્થ છે – વિશ્વત્માની અનુભૂતિ અને એના માટે આત્મસમર્પણનો ભાવ. આને પરિણામે જીવનમાં મુક્તિ પ્રાપ્ત કરવાનું સંભવ છે. આત્મસમર્પણ અર્થાત્ પૂર્ણરૂપે અભિમાનનો ત્યાગ, નમ્રતાની પરિપૂર્ણ પસંદગી.
નમ્રતા અને એનાં કાર્યો સ્વયં સજજનતાનાં પ્રચારક છે. આ એક સાર્વભૌમિક નિયમ હોવાથી સ્વયં સ્પષ્ટ છે. નમ્રતાયુક્ત કાર્યો વિરોધીઓને શાંત કરે છે અને અનુયાયિઓની સંખ્યા વધારે છે. મહાત્મા બુદ્ધના સંપર્કમાં જે આવતા તે તેમના થઈ જતા હતા. એમણે કોઈ પ્રેસ વિજ્ઞાપનના પ્લેટફોર્મની ચિંતા કરી ન હતી. એમના સંપર્કથી જે લોકો એમના અનુયાયી બન્યા એ એમની નમ્રતાનું આકર્ષણ હતું. એમના પિતા રાજા હોવા છતાં પણ એમના કોઇ અનુયાયી થયા નહીં. મોટા મોટા સમ્રાટ, વૈભવશાળી વ્યક્તિઓને લોકો મહત્ત્વ આપતા નથી, પરંતુ નમ્રતાયુક્ત મહાન આત્માઓ માટે લોકો પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરવા તૈયાર થઈ જાય છે.

૬. નાગરિક કર્તવ્ય પાલન

નાગરિક કર્તવ્ય પાલન
જીવનમાં મોટી-મોટી સફળતાઓ, સંભાવનાઓ, ઉપલબ્ધિઓનો આધાર, આપણી જીવવાની રીત પર નિર્ભર છે. આપણે કેવી રીતે ચાલીએ છીએ, ઉઠીએ છીએ, સાર્વજનિક જીવનની આવશ્યક વાતોનું કેટલું ધ્યાન રાખીએ છીએ એના પર આપણા જીવનનું નિર્માણ થાય છે. કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે આ વ્યાવહારિક બાબતોમાં સફળ થવું આવશ્યક છે. જેઓ પોતાના વ્યવહારમાં આ બાબતોનું ધ્યાન રાખતા નથી, બીજાનાં હિત–અહિતનો વિચાર કરતા નથી, સ્વેચ્છાચાર અપનાવે છે તેઓ સમાજદ્રોહી કહેવાય છે. આ રીતે સમાજદ્રોહીઓની નાની નાની બાબતોથી પણ સમાજનું ઘણું અહિત થાય છે. એમનું પોતાનું અહિત નો નિશ્ચિત જ છે.


સડક પર, સાર્વજનિક રસ્તાઓ પર કેટલાક લોકો એવી રીતે ચાલે છે જાણે સડક એમના માટે જ બનાવી હોય, ક્યારેક વચ્ચે, ક્યારેક જમણી બાજુ, ક્યારેક ડાબી બાજુ આગળ પાછળનો તો વિચાર જ કોણ કરે ? પરંતુ થાય છે એવું કે કોઈ પણ વાહન આવવાથી સમતુલા ગુમાવતાં આમ-તેમ ભાગવા લાગે છે અને ગાડી સાથે અથડાઈ પડે છે. આ રીતે થનારી દુર્ધટનાઓ એક સામાન્ય બાબત બની ગઈ છે. થોડી ભૂલને કારણે જીવથી હાથ ધોવા પડે છે. ગાડી તૂટી-ફૂટી જાય છે. નાનક્ડી ભૂલને કારણે બહુ મોટું નુકસાન થઇ જાય છે. એ જ રીતે ઝડપથી વાહન ચલાવનારા પણ લાપરવાહીમાં કોઇથી પાછા પડે એવા હોતા નથી. તેઓ પોતાની સાયકલ, મોટર, સ્કૂટર, આદિ એવી રીતે ચલાવે છે કે દૂર્ઘટના થવામાં વાર લાગતી નથી.
સાર્વજનિક જીવન પ્રત્યેની ઉપેક્ષા અને અસાવધાનીની બીમારી મનુષ્યનાં પાળેલાં પશુઓમાં, બાળકો સુધ્ધામાં ફેલાઈ ગઈ છે. લોકો દૂધ પીવાની લાલચમાં પશુ પાળે છે પરંતુ એના ખર્ચથી બચવા માટે પશુઓને અકારણ છોડી મૂકે છે અને આ પશુ બજાર, સાર્વજનિક સ્થાન, રસ્તાઓ, સડકો પર સ્વતંત્ર થઈને ધૂમે છે. અનાજના ઢગલા, ખેતર, શાકભાજીની દુકાનોમાં મોં નાખે છે. બાગની હરીયાળી ફૂલો વગેરેનો નાશ કરે છે. પશુની આ સ્થિતિમાં મનુષ્યનો હાથ છે જે સમય આવ્યે તેઓને પકડી દૂધ દોહીને એને પાછાં છોડી મૂકે છે.
આ મામુલી દેખાતી બાબતોમાં – જેનાથી આપણા સમાજ અને રાષ્ટ્રનો નકશો સામે આવે છે – સુધારો કર્યા વિના કામ ચાલે નહીં. આ ગંદી, સ્વેચ્છાચારપૂર્ણ આદતો ભયંકર સાર્વજનિક અપરાધ છે. આપણા સામાજિક સ્વાસ્થ્ય પર એનો કેટલો ખરાબ પ્રભાવ પડે છે એ તો સહજ જ જોઈ શકાય છે. હોસ્પિટલો ઔષધાલયો વધી રહ્યા છે તો રોગી અને બીમારોની સંખ્યા પણ વધતી જાય છે શહેરોમાં રહેનારાઓને તો બીમારીના ઇલાજ માટે પણ ખાવા-પીવાની જેમ જ એક નિશ્ચિત રકમ ખર્ચની યાદીમાં રાખવી પડે છે. આપણી આ ગંદી આદતોને કારણે જ બરાબર સફાઈ થયા પછી પણ શહેરોની સડકો, ગલીઓ, સાર્વજનિક સ્થાનોની કેવી ગંદી હાલત રહે છે એ પ્રત્યેક નગરવાસી જાણે છે. આ ગંદકીમાં રહીને મનુષ્યનાં સ્વાસ્થ્યની કામના કરવી એક વિડંબના છે. સફાઈ માટે સરકાર, નગરપાલિકા કોઈ પણ નિયમ બનાવે, વ્યવસ્થા કરે, પરંતુ આનાથી ત્યાં સુધી સમસ્યાનું સમાધાન થઈ શકે નહીં, જ્યાં સુધી આપણે પોતે જ સફાઈ, સ્વચ્છતા, વ્યવસ્થા, અને સાર્વજનિક નિયમો પર ધ્યાન દઈએ નહીં, આપણી વિભિન્ન ગંદી આદતો સુધારીને બીજાને પ્રેરણા આપવી એક સામાજિક કર્તવ્ય છે. જનસેવાનું આ એક મહાન પાસુ છે. સાર્વજનિક સડકો, બજાર, સ્ટેશન, પ્લેટફોર્મ, પ્રતીક્ષાલય વગેરેમાં સફાઈ કરનારા દિવસમાં બે ત્રણ વાર વાળે છે, સફાઈ કરે છે. પરંતુ કોઈ પણ સમયે જઈને જોવાથી એ સદૈવ ગંદાં અને ધૃણિત જ હોય છે. આનું મુખ્ય કારણ છે આપણા સાર્વજનિક જીવનમાં સફાઈ, શિષ્ટાચારનો અભાવ સાર્વજનિક સડકો, ગલીઓ, રસ્તાને કિનારે રહેનારા લોકો પોતાના મકાનની છત, બારી વગેરેમાંથી જોયા વિના જ ક્ચરો નાખી દે છે ત્યારે કેટલાક લોકોનું એક અસભ્ય સ્વાગત થઈ જાય છે. એનાથી લોકોનાં કપડાં ખરાબ થાય છે. ઘણી વાર અંદર અંદર ગાળાગાળી લડાઈ-ઝઘડા વગેરેની નોબત વાગી જાય છે. ગંદકી વગેરે નાખવાથી રસ્તે ચાલનારાઓની પરેશાની સાથે જ રસ્તામાં ગંદકી એકઠી થઈ જાય છે અને એ જ ગંદકી ચાલનારના પગ, મોટર, સાયકલ ચાલવાથી હવા દ્વારા ઉડે છે અને ચારે બાજુ ફેલાઇ જાય છે. દુકાનોમાં મૂકેલા ખાધ પદાર્થો પર પણ જામે છે. જેનાથી અનેક બિમારીનો ફેલાવો થાય છે.
ઘણી વાર લોકો કેળાં, સંતરાં, કેરી વગેરે ખાઇને છોતરાં સડક પર, સાર્વજનિક રસ્તા પર નાખી દે છે. એનાથી કેટલાક લોકો લપસી પડીને પોતાના હાથ પગ તોડે છે. ધણાંને તો એવી ઘેરી ચોટ લાગે છે કે જીવનથી જ હાથ ધોઈ નાખવા પડે છે. આ રીતે લોકોમાં એંઠાં પતરાળાં વગેરે સડકો પર ફેંકવાની આદત પડી ગઇ છે. એનાથી ગંદકી ફેલાય છે. વિષમય જીવાણુ, માખી, મચ્છરને આશ્રય મળે છે જે અનેક લોકોનાં સ્વાસ્થ્યનો નાશ કરે છે.
પાન ખાનારા લોકો જ્યારે રસ્તે ચાલતા આજુબાજુ જોયા વિના જ થૂંકની પિચકારી છોડે છે તો આગળ પાછળ ચાલનારા કેટલાકનાં કપડાં ખરાબ થાય છે. એ સાથે જ સડક, સાર્વજનિક સ્થાનોની ફરસ, દીવાલો પર થનારી ગંદકીથી કોઇ પણ સફાઈ પસંદ કરનાર વ્યક્તિનો જીવ બાઈ શકે છે. આ રીતે કફનો ગળફો, થૂંક, નાક, વગેરેની ગંદકી પણ લોકો જ્યાં ત્યાં નાખતાં હિચકાતા નથી.
રેલનો ડબ્બા, સિનેમાહોલ, પ્રતીક્ષાલય, ધર્મશાળાઓ વગેરેમાં મનુષ્યની આ અસામાજિક ગંદી આદતોનાં દૃશ્ય સહજ જ જોઈ શકાય છે. મગફળીનાં છોતરાં, બીડીઓનાં ઠૂંઠાં, માચીસ, સિગરેટનાં ખાલી ખોખાં, એંઠા પડિયા, કોડિયાંઓના ટુકડા, ફળોનાં છોતરાં, બાળકોનાં મળમૂત્ર, થૂંક વગેરેની ગંદકી જયાં ત્યાં ફેલાવી દેવી, એ મનુષ્યની ગંદી અસામાજિક આદતોનો પરિચય આપે છે.
આ રીતે પોતાના ધુમ્રપાન વગેરે વિભિન્ન શોખને લોકો એવી રીતે સ્વતંત્રતાથી પૂરા કરે છે કે તેઓ એ વિચારવાનો પ્રયત્ન કરતા નથી કે એનાથી એમનાં સ્વાસ્થ્ય, રૂચિ પર કેટલો ખરાબ પ્રભાવ પડશે.
આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે પ્રાત:કાળે સડકો, ગલીઓની બંને બાજુ બનેલા ખાળ પર લોકો પોતાનાં બાળકોને શૌચનિવૃત્તિ માટે બેસાડી દે છે. કેટલાંક નાનાં બાળકોને તો ગલી વચ્ચે જ બેસાડી દેવામાં, આવે છે, એટલું જ નહીં સહેજ વહેલી સવારે તો પુખ્ત વયના લોકો પણ ખાળમાં શૌચ કરતા જોવામાં આવે છે. શહેરોની ગંદકીમાં લોકોની આ ખરાબ આદતો જ મુખ્ય છે.
મંદિર, મસ્જીદ, ગુરુદ્વારા વગેરેને પોતાના પૂજાસ્થળ માનનારા લોકો જ્યારે આ સ્થાનોની આસપાસ જ ટ્ટટી-પેશાબ કરતા જોવા મળે છે ત્યારે એ લોકોની ભક્તિ પર સંદેહ થવા લાગે છે. ભગવાનનાં દર્શન કરનારા દર્શન કરનારા, કલાકો જપ-તપ કરનારા જ્યારે મંદિરોમાં પોતાના પગ વસ્ત્રોના માધ્યમથી ગંદકી લાવે છે, ખૂણેખાંચરે થૂંકે છે, બાળકોને ટ્ટટી-પેશાબ કરવાની છૂટ આપે છે ત્યારે એમની શ્રદ્ધાની ન્યૂનતા સહજ જ પ્રગટ થઈ જાય છે.

૫. મર્યાદાઓનું પાલન કરો

મર્યાદાઓનું પાલન કરો
પ્રત્યેક માણસમાં એક મૌલિક ઇચ્છા કામ કરે છે અને તે છે સુખ-શાંતિની ઇચ્છા. પોતાના સુખની ઇચ્છા થવી એ માણસની મૌલિક વૃત્તિ છે. માનવજીવનમાં સુખ-પ્રાપ્તિની આ ઇચ્છા બે પ્રકારે વ્યક્ત થાય છે. એક પ્રકારના માણસો સ્વયં પોતાની જાતને કેન્દ્રમાં રાખી જે રીતે સુખ, આનંદ મેળવી શકાય એને માટે પ્રયત્ન કરે છે. જાતજાતની સામગ્રી એકત્રિત કરે છે. એશઆરામના કેટલાક માર્ગ શોધી કાઢે છે અને એમના ઉદ્દેશમાં થોડા સફળ પણ થાય છે. આ પ્રકારના લોકોની સામે કે જેઓ પોતાના જ સુખમાં કેન્દ્રિત રહે છે. બીજાઓની સ્થિતિનું કંઇ મહત્વ હોતું નથી. એમના સુખોપભોગને કારણે બીજાઓને માટે ઊભા થતા કષ્ટનું પણ એમને કોઈ મહત્ત્વ હોતું નથી.


બીજા પ્રકારના માણસો જીવનમાં ઉપલબ્ધ સુખનો બીજાઓ માટે ત્યાગ કરે છે. બીજાઓને સુખી બનાવવામાં જ એમને સુખ મળે છે, આનંદ અને સંતોષ પ્રાપ્ત થાય છે. સુખી હોવાનું આ બીજું રૂપ છે. એને માટે માણસ જીવનમાં એ આદર્શોને સ્વીકારે છે જે બધાને સારા લાગે, જેમનાથી બધાંને સુખ મળે. પોતાનું પ્રત્યેક કાર્ય, આચરણનું મૂલ્યાંકન તે વ્યક્તિગત રીતે ન કરતાં સમષ્ટિગત સ્તરે કરે છે. બીજાઓને પોતાની જેમ જુએ છે. પોતાનું મૂલ્યાંકન પણ એ રીતે જ કરે છે જેવું બીજાનું કરે છે. પોતાનું આચરણ, સ્વભાવ, વૃત્તિઓનો સુધાર પણ એવી રીતે જ કરે છે જેવું તે બીજાંઓ પાસેથી ઈચ્છે છે.
આ સ્વરૂપ માણસમાં નૈતિકતા અને ધર્મવ્યવસ્થાનો મૂલાધાર છે, જેમાં જીવનનો આધાર વ્યક્તિગત નહીં, પરંતુ સમષ્ટિગત હોય છે. આ જ સમાજ વ્યવસ્થાની આધારશિલા છે. આ સહયોગ સહ- અસ્તિત્વ, સંગઠન, આત્મીયતા માનવતાના વિકાસનું કેન્દ્રબિંદુ છે. એનાથી ઉલટું, વ્યક્તિગત લાભનો અનુચિત સ્વાર્થભાવ જ અનૈતિકતા અને અધાર્મિકતા છે અને મનુષ્ય તથા સમાજના વિકાસની ગતિનો અવરોધક છે. મનુષ્યના પોતાના જીવનમાં રોગ, શોક, કલેશનું કારણ પણ તે છે.
મનુષ્યની નૈતિક સીમાઓ એની સફળતાની સીમાઓ છે. એ એટલું સ્પષ્ટ સત્ય છે કે કોઈ વ્યક્તિના નૈતિક સ્તરને જાણીને એની સફળતા અથવા અસફળતાનું સાચેસાચું પરિણામ એવી રીતે બનાવી શકાય જેમ ગણિતના સિદ્ધાંતોને આધારે કોઇ સવાલનો જવાબ આપી શકાય છે, જેવી રીતે આકાશમાં ફેંકેલી વસ્તુનું જમીન પર પાછા આવવું એ સત્ય છે તેમ સારું કે ખોટું કર્મ પણ પાછું વળીને કર્તા પર આવે છે. પ્રત્યેક અનૈતિક કાર્ય પરાજય, અસફળતા, લક્ષ્યથી જવામાં પરિણમે છે. એનાથી ઊલટું પ્રત્યેક નૈતિક કાર્ય, સમૃદ્ધિ, સફળતા અને લક્ષ્યપ્રાપ્તિના સુંદર ભવનનું નિર્માણ કરે છે. કોઇ પણ વ્યક્તિ, પરિવાર, સમાજ કે રાષ્ટ્રનું ઉત્થાન એની નૈતિક શક્તિ અને જ્ઞાનના વિકાસથી જ થાય છે. એનાથી ઊલટું, નૈતિક પતન જ પરાભવનું પતનનું મુખ્ય કારણ છ. અનૈતિકતા એ જ વિનાશનું બીજું નામ છે. નૈતિકતા સર્વત્ર નિર્માત્રી, ધાત્રીનું કામ કરે છે.
કોઈ પણ ખરાબ કામ કરતી વખતે માણસનું હૃદય ધક્-ધક્ કરવા લાગે છે. રક્તસંચાર વધી જાય છે. એના પગ લથડવા લાગે છે. શરીરમાં પસીનો છૂટી જાય છે. એવું લાગે છે કે જાણે કોઇ રોકી રહ્યું છે. કોઈ પણ ખરાબ કામ કરતાં આત્મા ધિક્કારવા લાગે છે. મનુષ્યનું મન આત્મગ્લાનિ, પાશ્ચાત્તાપમાં ડૂબી જાય છે. આ બધુ નૈતિકભાવોને કારણે જ થાય છે જે એની અંદર અંતઃકરણમાં રહેલા છે. આ નૈતિકતાનો ભાવ મનુષ્યના બાહ્મમનની વસ્તુ નથી. નૈતિકતાના અવાજને તર્ક, બુદ્ધિ, ચાતુર્ય શાંત કરી શકતાં નથી. નૈતિકતા માણસની ચેતનાનું અંગ છે, જે કોઇ કૃત્રિમ પ્રયત્નનું પરિણામ નહીં, પરંતુ જીવાત્માના એક લાંબા સમયનો સંસ્કાર, અભ્યાસ અને સૃષ્ટિમાં કામ કરી રહેવા દૈવી વિધાનનો વ્યાપક નિયમ છે.
નૈતિકતાની અવહેલના કરવાથી સામાજિક અથવા રાજનૈતિક ન્યાય વ્યવસ્થા અનુસાર માણસને વિભિન્ન રુપોમાં દંડ મળે છે. સરકાર અને સમાજના દંડથી માસ કોઈક રીતે બચી શકે છે, પરંતુ નિયતિના વિધાનથી બચી શકતો નથી. એનો નિર્ણાયક ક્યાંય બહાર નથી, સ્વયં મનુષ્યની અંદર વિધમાન હોય છે. એની ચારેય બાજુ અને સર્વત્ર હોય છે. આંતરિક અથવા બાહ્ય પરિસ્થિતિની ગૂંચો-વિપરીતતાઓમાં જે ક્લેશ, કષ્ટ તેમજ દુ:ખદ અનુભૂતિઓ થાય છે તે ઉપર કહેલા બંને પ્રકારના બાહ્ય દંડોથી પણ વધુ કષ્ટદાયક છે.
નૈતિકભાવ, અંતરાત્માના અવાજની વિરુદ્ધ આચરણ કરવાથી માણસને આત્મા વિચારવા લાગે છે જેનાથી માનસિક શક્તિઓ, ઇચ્છાશક્તિ નિર્બળ થવા લાગે છે અને માણસ ગરીબ બની જાય છે. આંતરિક જીવનની જ છાયા, માણસના બાહ્યજીવન ઉપર પડે છે. આ રીતે આંતર-બાહ્ય બધી રીતે માણસ દીનહીન બની જાય છે.
માણસ પોતાની ચાલાકી, શબ્દચાતુર્ય અને વિવિધ પ્રયત્નો દ્વારા પોતાનાં અનૈતિક કાર્યોને છુપાવવાનો અસફળ પ્રયાસ કરે છે. બાહ્ય જગતમાં તે સફળ થાય પણ ખરો, પરંતુ પરમાત્માને છેતરી શકતો નથી. કેટલીક વાર માણસ પોતાની ધર્મ-બુદ્ધિ, નૈતિક અવાજને દબાવવા, પાપને ભૂલવા માટે મનગમતા તર્ક અને વિચારોનું અવલંબન લે છે અને પોતાના આચરણોના ઔચિત્યને સિદ્ધ કરીને મનમાં સંતુષ્ટ થવાનો પ્રયત્ન કરે છે, પરંતુ નિયતિનો નિયમ બીજી જ રીતે પાપનો દંડ અને એના પ્રકાશિત થવાનો માર્ગ ઊભો કરે છે.
સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં દુ:ખ, શોક, હાનિ, પીડા, ક્લેશની આડમાં માણસનાં અનૈતિક કાર્યોનું પરિણામ મળે છે. બીજાંઓની ઊંધ હરામ કરનાર ચેનથી સૂઇ શકતા નથી. ચોર, લૂંટારા, ઝૂંડા તસ્કરને ઘેર વસાવીને સુખ શાંતિનું જીવન પસાર કરતા જોયા નથી. આજે નહીં તો કાલે, મોડું વહેલું અનૈતિકતાનું પરિણામ દુ:ખદાયી અને વિનાશકારી જ હોય છે.
વ્યક્તિત્વનો આધારસ્તંભ નૈતિકતા છે. એના સહારે જ સમૃદ્ધિ આવે છે. નૈતિક આદર્શોની પ્રાપ્તિ જ સમૃદ્ધિ, વિકાસયુક્ત જીવનના સત્યની પ્રાપ્તિ છે. એના દ્વારા જ મનુષ્ય આનંદ, સ્વાતંત્ર્ય, શક્તિ, સાહસ પ્રાપ્ત કરે છે.
જો માણસ નૈતિક સિદ્ધાંતો અનુસાર કાર્ય કરતો રહે તો જીવનમાં આવનારી અનિશ્ચિત ઘટનાઓ, તોફાન, ગૂંચવણ ભરેલી સમસ્યાઓમાં પણ સંપૂર્ણ સુરક્ષા, શાંતિ, વિશ્વાસની સાથે જીવનમાં સમૃદ્ધિ, વિકાસ, પ્રાપ્ત કરી શકે છે.
રેલગાડીના એંજિનમાં વિશેષ શક્તિ હોય છે. એ એના માર્ગમાંથી ઉથલી પડે તો અનર્થ ઉત્પન્ન થઇ શકે છે. એથી જમીન ઉપર બે પાટા નાખવામાં આવે છે અને એંજિનને એની પર ચાલતા રહેવાની વ્યવસ્થા બનાવવામાં આવી છે. વીજળીમાં બહુ શક્તિ હોય છે. એ શક્તિ આમ તેમ વિખરાઈ જાય નહીં તે માટે એનું નિયંત્રણ રાખવું આવશ્યક છે. આ ઉદ્દેશની પૂર્તિ માટે એવો પ્રબંધ કરાયો છે કે વિજળી તારમાં થઈને જ પ્રવાહિત થાય અને એ તાર પણ ઉપરથી ઢંકાયેલા રહે. નહેરમાં પાણીની તેજ ધારા વહે છે. એ પાણીને નિયંત્રણમાં રાખવામાં આવે નહીં તો ગામના ગામ ડૂબી શકે છે. આ ખતરાની સુરક્ષા માટે નહેરના બંને કિનારા ખાસ્સા પહોળા અને મજબૂત બનાવવામાં આવે છે. દરેક શક્તિશાળી તત્ત્વ ઉપર નિયંત્રણ આવશ્યક બને છે. અનિયંત્રિત રહેવા દેવાથી શક્તિશાળી વસ્તુઓ અનર્થ જ પેદા કરે છે. મનુષ્યને જો પરમાત્માએ અનિયંત્રિત રાખ્યો હોત, એની ઉપર ધર્મ, ર્કાવ્યોનું ઉત્તરદાયિત્વ રાખ્યું હોત નહીં તો ચોક્કસ માનવ પ્રાણી આ સૃષ્ટિનું સૌથી ભયંકર, બધાં કરતાં અનર્થકારી પ્રાણી સિદ્ધ થયું હોત.
અશકત અથવા સ્વલ્પ શક્તિવાળા પદાર્થ કે જીવ અનિયંત્રિત રહી શકે છે. કેમકે એમના દ્વારા હાનિની સંભાવના બહુ ઓછી રહે છે. જેમને તેઓ હાનિ કરી શકે છે. તેમને એમની સુરક્ષા માટે આવશ્યક શક્તિ મળી હોય છે તેથી એ સ્વચ્છંદતામાં નિયંત્રણ અને સમતુલાનો એક નિયમ કામ કરતો રહે છે. કીડી, મંકોડા, માખી, મચ્છર, કુતરું, બિલાડી વગેરે નાના જીવો પર કોઈ બંધન હોતાં નથી. પરંતુ બળદ, ઘોડો, ઊંટ, હાથી વગેરે જાનવરોને નાકની નાથ, લગામ, અકુંશ વગેરેને આધારે નિયંત્રણમાં રાખવામાં આવે છે. જો એ પ્રતિબંધ હોય નહીં તો તે શક્તિશાળી જાનવર લાભકારક થવાને બદલે હાનિજનક બને છે.
અનિયંત્રિત માણસ કેટલો ધાતક હોઈ શકે છે એની ક્લ્પના માત્રથી જ કંપારી છૂટે છે. જે અસુરો, દાનવો, દસ્યુઓ, દુરાત્માઓનાં કુકૃત્યોથી માનવ સભ્યતા કલંક્તિ થતી રહી છે. તે ચહેરાથી તો મનુષ્ય જ હતા, પરંતુ એમણે સ્વેચ્છાચાર અપનાવ્યો, મર્યાદાઓને તોડી ધર્મનો વિચાર ન કર્યો કે કર્તવ્યનો વિચાર ન કર્યો. શક્તિઓના મદમાં એમને જે સૂઝ્યું, જેમાં લાભ જોયો તે જ કરતા રહ્યા. પરિણામે એમનું જીવન બધી રીતે ધૃણિત અને નિકૃષ્ટ બન્યું. એમનાથી અસંખ્યોને નુકસાન થયું અને સમાજની શાંતિ વ્યવસ્થામાં ભારે હલચલ થતી રહી. અસુરતાનો અર્થ જ ઉચ્છૃંખલતા છે.
મર્યાદાઓનું ઉલ્લંધન કરવાની ઘટનાઓ દુર્ધટનાઓ કહેવાય છે. એને પરિણામે સર્વત્ર શોભ જ ઉત્પન્ન થાય છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, પૃથ્વી બધાં એમની નિયત કક્ષામાં અને ધરી પર ફરે છે. એક બીજાની સાથે આકર્ષણ શક્તિમાં બંધાયેલાં રહે છે અને એક નિયત વ્યવસ્થાને અનુરુપ પોતાનો કાર્યક્રમ નિયત રીતે કર્યા કરે છે. જો તેઓ નિયત નિયંત્રણને તોડીને સ્વેચ્છાચાર વર્તવાની ચેષ્ટા કરે તો એનું પરિણામ પ્રલય જ હોઈ શકે છે. આ ગ્રહો માર્ગમાંથી ભટકી જાય તો એક બીજા સાથે ટકરાઈને વિનાશ સર્જી દે. માણસ પણ પોતાના કર્તવ્યમાર્ગથી ચલિત થાય તો પોતાનો જ નહીં, બીજા અનેકોનો નાશ કરે છે.
પરમાત્માએ દરેક મનુષ્યને અંતરાત્મામાં એક માર્ગદર્શક ચેતનાની પ્રતિષ્ઠા કરી છે જે એને ઉચિત કર્મ કરવાની પ્રેરણા અને અનુચિત કર્મ કરતાં ધિક્કારતી રહે છે. કર્તવ્યપાલનનાં કાર્ય તે ધર્મ અથવા પુણ્ય કહેવાય છે, જે કર્તાને તત્ક્ષણ પ્રસન્નતા અને શાંતિનો અનુભવ કરાવે છે. એનાથી ઊલટું, જો સ્વેચ્છાચારે વર્તવામાં આવે, ધર્મ-મર્યાદાઓને તોડવામાં આવે, સ્વાર્થ માટે અનીતિનું આચરણ કરવામાં આવે, તો અંતરાત્મામાં લજજા, સંકોચ, પશ્ચાત્તાપ, ભય અને ગ્લાનિનો ભાવ ઉત્પન્ન થશે. અંદર ને અંદર અશાતિ રહેશે અને એવું લાગશે જાણે પોતાનો અંતરાત્મા જ એને ધિક્કારી રહ્યો છે. આ આત્મવંચના પીડાને ભુલાવવા માટે અપરાધી પ્રવૃતિવાળા લોકો નશાબાજીનો આશ્રય લે છે. છતાં પણ ચેન ક્યાંથી ? પાપવૃત્તિઓ સળગતા અગ્નિ જેવી છે, જયાં એમને જગા મળે ત્યાં પહેલાં બળતરા જન્માવે છે.
શરીરમાં ક્ષય, દમ, કોઢ, લક્વો વગેરે રોગ થઈ જવાથી સ્વાસ્થ્ય શિથીલ થઈ જાય છે. અશાંતિ અને બેચેની થાય છે. રોગી શરીર વડે માણસ કંઈ કરી શકતો નથી. ઘરવાળાં હેરાન થાય છે, આર્થિક સ્થિતિ બગડે છે અને જો રોગોની સ્થિતિ સુધરે નહીં તો જીવન ભારરૂપ થઈ જાય છે. શરીરની જેમ જ મનમાં પણ કેટલાક રોગો ઉત્પન્ન થાય છે. અને તે માનસિક સ્વસ્થતાને શિથિલ કરી નાખે છે. આત્મવંચના સૌથી મોટો માનસિક વ્યાધિ છે. જેનું મન એનાં દુષ્કર્મો માટે પોતાને ધિક્કારતું રહેશે તે ક્યારેય આંતરિક દૃષ્ટિથી સશકત રહી શકશે નહીં અને અનેક માનસિક દોષ દુર્ગુણ તેને ઘેરી લેશે અને ધીરે ધીરે અનેક મનોવિકારોથી ગ્રસ્ત થઇ જશે.
અનિદ્રા, દુઃસ્વપ્ન, ચિડિયાપણું, આવેશ, ઉત્તેજના, ક્રોધ, ચિંતા, ઈર્ષ્યા, આશંકા, સંશય, અવિશ્વાસ, આળસ, નિરાશા વગેરે કેટલાક માનસિક રોગ આત્મવંચનાની વ્યથાથી પીડિત માણસને થાય છે. પાપ કર્મોને માટે પોતાનો અંતરાત્મા જેને ધિક્કારે છે તે માણસ સૂતાં જાગતાં ક્યારેય ચેન મેળવી શકતો નથી. દમ અને પીડાકારી રોગોની જેમ પાપીને પણ રાતમાં કે દિવસમાં ક્યારેય ચેન પડતું નથી. અંદર અને અંદર પોતે જ પોતાની શાતિને ઓછી કરતો રહે છે.
મર્યાદાઓનું ઉલ્લંધન કરીને લોકો તાત્કાલિક માટે થોડો લાભ ઊઠાવી લે છે. દૂરગામી પરિણામોનો વિચાર્યા વગર લોકો તરતના લાભને જ વિચારે છે. કુટિલતાથી ધન કમાવું, દંભથી અહંકાર વધારવો, અને અનુપયુક્ત ભોગો ભોગવવા વડે જે ક્ષણિક સુખ મળે છે તે પરિણામે દુ:ખ બનીને સામે આવે છે. માનસિક સ્વાસ્થ્યનો નાશ કરવામાં અને આધ્યાત્મિક વિશેષતાઓનો અંત લાવવામાં સૌથી મોટું કારણ આત્મવંચના છે. કરા પડવાથી જેવી રીતે ખેતી-પાકનો નાશ થઈ જાય છે. તેવી રીતે આત્મવંચનાના આઘાતો લાગતા રહેવાથી મન અને અંત:કરણનાં બધાં જ શ્રેષ્ઠ તત્વો નાશ પામે છે અને એવો માણસ પ્રેત-પિશાચો જેવી સ્મશાન મનોભૂમિ લઇને નિરંતર વિક્ષુબ્ધ બની ફરતો રહે છે.
ધર્મ કર્તવ્યોની મર્યાદાઓને તોડનાર ઉચ્છૃંખલ, કુમાર્ગગામી માણસની ગતિવિધિઓને રોક્વાને માટે એમને શિક્ષા કરવા સમાજ અને શાસન તરફથી જે પ્રતિરોધાત્મક વ્યવસ્થા થઈ છે એનાથી સર્વથા બચવું સંભવ નથી. ધૂર્તતાના બળે આજે કેટલાક અપરાધી પ્રવૃત્તિ આચસ્નારા લોકો સામાજિક ધિક્કારથી અને કાનૂની દંડથી બચી જવામાં સફળ થતા રહે છે, પરંતુ આ ચાલ હંમેશાં સફળ જ થશે એવું નથી. અસત્યનું આવરણ અંતે તો ફાટે જ છે અને અનીતિને અપનાવનારની સામે નીં તો પાછળથી તો નિંદા થાય જ છે. જનમાનસમાં વ્યાપ્ત ઘૃણાનો સૂક્ષ્મ પ્રભાવ એ માણસ પર અદ્રશ્ય રૂપે પડે છે જેને કારણે અહિતકર પરિણામો જ આવે છે. રાજદંડથી બચવા માટે આવા લોકો લાંચરુશ્વતમાં ખર્ચ કરે છે. નિરંતર ડરેલા અને દબાયેલા રહે છે. એમને કોઈ સાચો મિત્ર હોતો નથી. જે લોકો એમનાથી લાભ મેળવે છે તેઓ અંદરથી તો ધૃણા કરે છે અને સમય આવ્યે શત્રુ બની જાય છે. જેને આત્મા ધિક્કારે એને વહેલા મોડા સૌ કોઈ ધિક્કારનાર બની જાય છે. આવા ધિકકારો એકત્રિત કરીને જો કોઇ મનુષ્ય જીવિત રહ્યો તો એનું જીવવું ન જીવવા બરાબર જ છે.
નિયંત્રણમાં રહેવું આવશ્યક છે. મનુષ્ય માટે એ જ ચિત છે કે એ ઇશ્વરીય મર્યાદાઓનું પાલન કરે, પોતાના ઉત્તરદાયિત્વને સમજે અને કર્તવ્યો નિભાવે. નીતિ, સદાચાર અને ધર્મનું પાલન કરતાં સીમિત લાભમાં સંતોષ માનવો પડે છે, ગરીબી અને સાદાઈથી જીવન વિતાવવું પડે છે પણ એમાં ચેન વધુ છે. અનીતિ અપનાવીને વધુ ધન એકત્રિત કરી લેવાનું સંભવ છે પણ એવું ધન પોતાની સાથે એટલા ઉપદ્રવ લઈને આવે છે કે એને પહોંચી વળવાનું ભારે ત્રાસદાયક સિદ્ધ થાય છે. દંભ અને અહંકારનું પ્રદર્શન કરીને લોકો ઉપર જે રોફ જમાવવામાં આવે છે એનાથી આતંક અને કુતુહલ થાય પણ શ્રદ્ધા અને પ્રતિષ્ઠાનું દર્શન દુર્લભ રહે છે. વિલાસિતા અને વાસનાનો અયોગ્ય રીતે ભોગ ભોગવનારું આપણુ શરીર માનસિક અને સામાજિક સમતુલા નષ્ટ કરીને ખોખલું જ બની જાય છે. પરલોક અને પુનર્જન્મને અંધકારમય બનાવી, આત્માને અસંતુષ્ટ અને પરમાત્માને અપ્રસન્ન રાખીને ક્ષણિક સુખ માટે અનીતિનો માર્ગ અપનાવવાને કોઈ પણ દૃષ્ટિએ દૂરદર્શિતા શ્રી શકાય નહીં.
બુદ્ધિમત્તા એમાં જ છે કે આપણે ધર્મ-કર્તવ્ય પાલનનું મહત્વ સમજી સદાચારની મર્યાદાઓનું ઉલ્લંધન કરીએ નહીં. સ્વયં શાંતિપૂર્વક જીવો અને બીજાને સુખપૂર્વક જીવવા દો. આ સઘળું નિયંત્રણની નીતિને અપનાવવાથી જ સંભવિત થઈ શકે છે. કર્તવ્ય અને ધર્મનો અંકુશ પરમાત્માએ આપણા પર એટલા માટે મૂક્યો છે કે સન્માર્ગથી ભટકીએ નહીં. આ નિયંત્રણોને તોડવાની ચેષ્ટાની આપણા માટે અને બીજા માટે મોટી આપત્તિને આમંત્રિત કરવાની મૂર્ખતામાં જ ગણના થશે.

%d bloggers like this: