આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ ખભા

આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ ખભા

ભરેલા, માંસલ, પુષ્ટ અને ભારે ખભા સ્વસ્થતા, સબળતા અને તેજસ્વિતાનાં ચિહ્ન છે. ખભાની ટોચ પર જાડા તથા સહી જેવા કાળા રંગના વાળ હોય તો તેને શત્રુઓ પર સદા વિજય પ્રાપ્ત થાય છે, પરંતુ જો આ વાળ મુલાયમ, ઓછા અને ફિક્કા રંગના હોય તો ચતુરતાનાં ચિહ્ન છે. આવા લોકો મોટી મોટી મુશ્કેલીઓને આસાનીથી પાર કરી જાય છે. ખભા પર સહેજપણ વાળ ન હોવા એ અશુભ માનવામાં આવે છે. આવા લોકો ડરપોક અને જલદી ગભરાઈ જનારા હોય છે.

ખભા સીધા હોવા જોઈએ, સીધા ખભાવાળા હસમુખા અને મિલનસાર હોય છે. જેના ખભા કમાનની માફક આગળ તરફ વળેલા હોય તે કમજોરી, બીમારી અને બેચેનીના શિકાર બને છે. આગળની તરફ વિકસેલી છાતી લડાયક પ્રકૃત્તિના શૂરવીરોની હોય છે. જે ખભાઓ પર જ્યાં ત્યાં હાડકાં દેખાતાં હોય, ગાંઠો જેવું લાગતું હોય તેમને દરિદ્રતાનું પ્રતીક ગણવાં જોઈએ. વચમાં ખાડા હોવા એ ભોળપણનું નિશાન છે. આવા લોકો ચાલાક લોકો દ્વારા લગભગ ઠગાઈ જાય છે.

ખભાની આગળનું હાડકું જેને હાંસડી કહે છે, તે બહુ બહાર નીકળેલી ન હોવી જોઈએ. જો તે માંસમાં દબાયેલી હોય, દૂરથી જોતાં એનાં થોડાં ચિહ્ન દેખાતાં હોય તો એને પારિવારિક સુખની ઊણપ નથી રહેતી. જો હાંસડીનું હાડકું વધારે આગળ નીકળી રહ્યું હોય તો લગ્નજીવન કષ્ટમય રહે છે.

આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ; ગાલ

આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ; ગાલ

ગોળ, ઉચિત માત્રામાં માંસયુક્ત ગાલ શ્રીમંતોના હોય છે. વચમાં થોડી લાલિમાની ઝલક હોય તો એ ભોગી અભિરુચિનું ચિહ્ન છે. જેમના ચહેરા પર ચમક હોય છે તે સ્વસ્થ, પ્રસન્ન અને સમૃદ્ધ હોય છે. લંબાઈને સમતળ બનાવતા હોય, પરંતુ ફૂલેલા ન હોય એવા ગાલવાળી વ્યક્તિ રાજસી આનંદોથી ભરપૂર રહે છે.

અધિક ફૂલેલા ગાલ આળસુ તથા બેફિકર લોકોના હોય છે. જેમના ઉ૫૨ જવાબદારીઓનો અધિક બોજ હોય છે તેમના ગાલનું માંસ લચી પડે છે. વિદ્યાવ્યસની લોકોના લમણાંનું હાડકું જે આંખથી નીકળીને કાન સુધી ગયું છે તે બહાર ઉપસી આવે છે.

અધિક ગંભીર રહેવાથી અને મુશ્કેલ પ્રશ્નોને ઉકેલતા રહેવાથી ચહેરા પર કરચલીઓ પડી જાય છે. જેના ચહેરા પર ખીલ વધુ થાય છે એના ૨કતમાં અશુદ્ધતા તથા પાચનશક્તિની ખરાબી સમજવી જોઈએ. ગાલનો નીચેનો ભાગ ઉપરના ભાગની તુલનામાં વધારે ભારે હોય તો આવા લોકો અભિમાની અને બીજાની સાથે ખરાબ વ્યવહાર કરનારા હોય છે.

હસતી વખતે જેના ગાલ પર ખાડા પડે છે તે દીર્ઘજીવી હોય છે. સ્મિત કરતાં જેના ગાલ પર ઉપરથી નીચે તરફ રેખાઓ પડે છે તે સફળ વેપારી હોય છે. હસતાં જેના ગાલ કોઈ એક જગ્યાએ ફૂલી જાય છે તેઓ નિંદાખોર, ચુગલીખોર તથા ભૂલો કાઢનારા જોવા મળે છે.

આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ; મસ્તક

આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ;  મસ્તક

મસ્તકનાં મજબૂત હાડકાંઓની અંદર અત્યંત કોમળ ભૂરા રંગનો ચીકણો પદાર્થ ભરેલો હોય છે, જેને મસ્તિષ્ક કહે છે. મસ્તિષ્કમાં અસંખ્ય માનસિક શક્તિઓનો નિવાસ છે. આ શક્તિઓનાં અલગ અલગ સ્થાન છે, જેનું વિસ્તારપૂર્વક વર્ણન અમે અમારા “બુદ્ધિ વધારવાના ઉપાય” પુસ્તકમાં કરી ચૂક્યા છીએ. અહીંયાં સંક્ષિપ્તસાર રૂપે એટલું બતાવી દેવું પૂરતું હશે કે માથાના આગળના ભાગ તરફ આશા, ધર્મ, દૃઢતા, ઇજ્જત, બુદ્ધિ તથા વિવેક વગેરે આત્મિક શક્તિઓનું સ્થાન છે. માથાના પાછળના ભાગમાં લાલચ, લડાઈ, મોહ, કામવાસના વગેરે સાંસારિક ભાવનાઓ રહે છે. માથાના બંને બાજુવાળા ભાગમાં ગાવું, વગાડવું, નૃત્ય, ચિત્રકારી, કવિત્વ, રચના, વિજ્ઞાન તથા કળા વગેરે કોમળ વૃત્તિઓનો નિવાસ છે. માથાના આ ત્રણમાંથી જે ભાગ મજબૂત, પુષ્ટ, સ્વસ્થ તથા ઉન્નતિવાળો દેખાતો હોય તો સમજવું કે એ સ્થાનમાં રહેનારી શક્તિઓ પણ વધારે પ્રમાણમાં હશે. ઊંચા અને પહોળા માથાને જોઈને વિચારશીલતા તથા બુદ્ધિમત્તાનું અનુમાન કરી શકાય છે. નાનું, દબાયેલું તથા ઓછી પહોળાઈવાળું માથું અલ્પબુદ્ધિ અને વિવેકહીનતાનું લક્ષણ છે. વિકસિત અને ચમકદાર માથાવાળાઓની સ્મરણશક્તિ તેજ હોય છે તથા વિદ્યાભ્યાસનો તેમને ખૂબ શોખ હોય છે.

થોડીક ઊંચાઈવાળું, પરંતુ લાંબું માથું હોય તો હાજરજવાબીપણું, ચતુરાઈ તથા ઊંડાણ સુધી પહોંચવાની કુશાગ્ર બુદ્ધિનું સૂચક હોય છે. ઊંચા અને પહોળા મસ્તકવાળી વ્યક્તિઓને જો અવસર મળે તો તેઓ મહાપુરુષ, નેતા અને આદર્શ વ્યક્તિ બની શકે છે. તેમનામાં પરિશ્રમ, ચતુરતા, બુદ્ધિમત્તા અને સચ્ચાઈની ઘણી માત્રા હોય છે.

મૂળમાં અર્થાત્ ભ્રમરો પાસે માથું આગળની તરફ વધેલું હોય અને ઉપર વાળ પાસે પાછળ તરફ ખસેલું હોય તો સમજવું જોઈએ કે સદ્ભાવના અને સચ્ચરિત્રતાની ઊણપ છે. નીચે ઉપર તરફ ધસેલું અને વચમાં વિકસેલું માથું સહાનુભૂતિ, ગંભીરતા અને ઉદારતાનું લક્ષણ છે. ઉપરનો ભાગ આગળ નીકળેલો તથા નીચેનો ભાગ અંદર ગયેલો હોય તો એ વ્યક્તિ શોખીન સ્વભાવની, યાત્રા કરનારી તથા દ૨૨ોજ નવી યોજના બનાવનાર હોય છે.

ગોળાઈવાળું માથું દયા, આદર, અનુરાગ તથા ધાર્મિકતા પ્રગટ કરે છે. કમાન આકાર અર્થાત્ વચમાં અણીદાર અને બંને તરફ ગોળ માથું દાર્શનિક, વિચારક, વિદ્વાન અને નવી વાતો શોધનારનું હોય છે. સીધા સપાટ માથાવાળા લોકો બેફિકર, મસ્તરામ, હરહાલતમાં ખુશ અને શાંતિથી રહેનારા હોય છે.

ભ્રમરોની બરાબર ઉપર માથાનાં હાડકાં જો થોડાં આગળ વધેલાં હોય તો એને ઉત્સાહ, જોશ અને લગનનું ચિહ્ન સમજવું જોઈએ. દેશ અને જાતિની મહત્ત્વપૂર્ણ સેવા કરનારાઓના માથામાં લગભગ ખાડા જોવા મળે છે. જો બંને ભ્રમરોની વચ્ચે ખાડો હોય તો વાક્પટુતા, પ્રસન્નતા, ચતુરાઈ તથા દયાળુતા બતાવે છે. ફૂલેલું, ભારે, અધિક વજનદાર મસ્તક અક્કડ બુદ્ધિ અને અડિયલ સ્વભાવવાળાઓનું હોય છે. મસ્તક લંબાઈમાં ઘણું ઓછું, પરંતુ ઊંચું બહુ હોય તો કપટીપણું, ઢોંગ અને નકામા ભાષણની ભરમાર સમજવી જોઈએ. ચોરસ માથું પ્રતિભા, સ્થિરતા, સચ્ચાઈ અને દઢતા પ્રગટ કરે છે. વ્યાપારી અને ધનવાન લોકોના માથામાં એક પ્રકારની ચમક રહે છે. ઊંચુંનીચું બેડોળ મસ્તક અસ્થિરતા અને આળસનો ભેદ ખોલે છે.

માથાનો પાછળનો ભાગ જો વિકસેલો હોય તો પ્રેમી હોવાનું અને ચપટો હોય તો સ્વાર્થી હોવાનું લક્ષણ છે. આ ભાગ જો ખાડાવાળો, સૂકો અને પોલો હોય તો ચીડિયાપણું તથા સ્વાર્થીપણાની અધિકતા બતાવે છે. માથું મજબૂત, પહોળું, સીધું હોય તો ઇન્દ્રિયો પર કાબૂ રાખનાર હોય છે. પાતળું અને વિકસેલી નસોવાળું હોય તો તેને દુનિયાદારીના ધંધામાં બહુ વ્યસ્ત સમજવો જોઈએ. સાધુ અને ત્યાગી વૃત્તિના લોકોના માથાના પાછળના ભાગને તપાસતાં એક નાનો ખાડો જોવા મળે છે.

નાનાં લમણાંવાળા નીરસ સ્વભાવના હોય છે. મોટાં, પહોળાં તથા ફેલાયેલાં લમણાં રસીલી પ્રકૃતિના સંગીત, સાહિત્ય તથા કળા- કૌશલમાં રુચિ લેનારાઓનાં હોય છે. લમણાંની નીચે નાકની તરફ જતું જડબાનું હાડકું જો ઉપસેલું હોય તો એનાથી શારીરિક અસ્વસ્થતા પ્રગટ થાય છે. કાનની પાછળ જો હાડકાંના બે નાના ગોળા જેવું ઉપસેલું હોય તો એ વ્યક્તિને કૂટનીતિજ્ઞ, રહસ્યમય તથા ભેદી સ્વભાવનો સમજવો જોઈએ.

હવે એક દૃષ્ટિમાં માથાના ત્રણેયભાગોને ભેગા કરીને જુઓ. જો “બે માથાંવાળું” માથું હોય તો એવું માલૂમ પડે છે કે બે માથાં જોડી દીધાં છે. એવા મનુષ્યોને દુર્ગુણી તથા દરિદ્રતાથી કષ્ટ પામનારા સમજવા જોઈએ. જેના માથામાં ખૂંધ ઊભી થયેલી હોય એવા મનુષ્યો પોતાની ઓછી અક્કલથી સદા દુઃખ ભોગવતા હોય છે. ચપટા માથાવાળા વ્યભિચારી તથા આદરણીય પુરુષોની અવજ્ઞા કરનારા હોય છે. બહુ નાના માથાવાળા ચંચળ અને ચાલાક તો બહુ હોય છે, પરંતુ વિદ્વત્તા તથા ગંભીરતાની ન્યૂનતા રહે છે. મધ્યમ આકારનું તથા સુડોળ માથું ધનવાન, વિદ્યાવાન, સુખી અને સદાચારી લોકોનું હોય છે. જેના માથા પર રામાનંદી તિલક જેવું ચિહ્ન હોય તે ખૂબ ધનવાન, પુરુષાર્થી તથા યશસ્વી હોય છે.

આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ; કાન

આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ;  કાન

આકૃતિ વિદ્યાના આચાર્યોનો મત છે કે મધ્યમ આકારના નાના કાણાંવાળા, સુંદર તથા સુડોળ આકારના કાન બહુ શુભ છે. આવી વ્યક્તિમાં એવા ગુણ હોય છે, જેના કા૨ણે તેમનું જીવન બહુ સુખપૂર્વક વ્યતીત થાય છે. લાંબા મોટામોટા કાનવાળા લોકો વિનમ્ર સ્વભાવવાળા, સદાચારી તથા ડરપોક હોય છે. તમે જોયું હશે કે સસલાં જેવી ડરપોક પ્રકૃતિના લોકોના કાન મોટામોટા હોય છે, પરંતુ તેમનાં મૂળ જાડાં હોય તો મોટા કાન હોવા એ મહાપુરુષ, નેતા તથા ધર્માત્મા હોવાનું ચિહ્ન છે. ગૌતમ બુદ્ધ તથા મહાત્મા ગાંધીનાં ચિત્રોમાં આપણે એમના જાડાં મૂળવાળા મોટા મોટા કાન જોઈ શકીએ છીએ.

એવી રીતે ઉંદરના જેવા બહુ નાના કાનવાળાને બાદ કરતાં સાધારણ નાના કાન પ્રેમ, સ્નેહ તથા સહાનુભૂતિનાં લક્ષણ ધરાવે છે. હા, જો બહુ જ નાના કાન હોય તો તેમને નાના મનવાળા, નાના મગજવાળા તથા ઓછા ઉત્સાહની નિશાની માનવામાં આવે છે.

પાછળની બાજુ માથાની નજીક ચોંટેલા કાન લજ્જાશીલતા, શંકાશીલતા તથા ડરપોકપણાના સૂચક છે.વાંકા વળી ગયેલા કાન કુટિલતા તથા વાંકી ચાલ વ્યક્ત કરે છે. હાથી જેવા સીધા ઊભા કાન મજબૂતાઈ તથા મર્દાનગી બતાવે છે. જેમનાં મૂળ બહુ જ કમજોર હોય અને કાન શિંગડાની માફક શરીરથી જુદાપણું પ્રગટ કરતા હોય તો લાલચ અને ક્રૂરતાની માત્રા ખૂબ પ્રમાણમાં હશે.

જાડા, સીધા અને ઊંચા કાનવાળા બહુ વિચિત્ર સ્વભાવના હોય છે. સામાન્ય રીતે તેઓ સીધીસાદી રીતે રહે છે, પરંતુ જો તેમને ઉત્તેજિત કરવામાં આવે, છેડવામાં આવે કે સતાવવામાં આવે તો એટલા ભયંકર બની જાય છે કે તેમને સંભાળવા અઘરું બની જાય છે. આ આવેશમાં તેઓ એવાં કૃત્યો કરી શકે છે કે જેની તેમના સીધાપણાની સ્થિતિમાં ક્યારેય આશા ન રાખી હોય. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના કાન આવા જ હતા. મહેલોમાં રહેનારી એ મહિલાએ અંતમાં કેવું ભયંકર રૂપ ધારણ કર્યું હતું ! આ વાતને ઇતિહાસવેત્તાઓ સારી રીતે જાણે છે. કાનનાં મૂળ જો આંખોના સીધાણથી ઊંચાં હોય તો એનાથી સ્વભાવની ગરમી પ્રગટ થાય છે. ક્રોધી, ખૂંખાર, બદલો લેવાની ભાવનાવાળા, ઝઘડાખોર લોકોના કાનનાં મૂળ આંખોના સીધાણથી ઊંચાં હોય છે. સામાન્ય રીતે કાનનાં મૂળ આંખના સીધાણમાં રહેવાં જોઈએ. મધ્યમ શ્રેણીના સદ્ગૃહસ્થો આ પ્રકારના હોય છે, પરંતુ જો કાનના મૂળનો ઉપરનો ભાગ આંખના ઉપરના ભાગ કરતાં નીચો હોય તો તે ઉત્તમ સ્વભાવ, સ્વસ્થ શરીર અને સારા મગજવાળા હોવાનું પ્રમાણ છે.

શંખ જેવા કાનવાળા સમાજમાં પ્રતિષ્ઠાપ્રાપ્ત આગેવાન હોય છે. જેના કાન પર મોટા મોટા વાળ હોય તે લાંબી ઉંમરવાળા હોય છે. નાના, માંસરહિત, પાતળા કાનવાળા મનુષ્યો નીચાં કામ કરનારા હોય છે અને દુઃખ-દારિદ્રયની જિંદગી વિતાવે છે.

બહુ નસો જેના કાનોમાં ચમકી રહી હોય તે દુષ્ટ સ્વભાવ અને ક્રૂર કર્મ કરનારો હોય છે. શિંગોડાની માફક જેના કાન સંકોચાઈને કોકડું બની ગયા હોય તે વ્યક્તિ લગભગ અવિશ્વાસુ અને ગરીબ હોય છે. પહેલવાનોને આ વાત લાગુ નથી પડતી કારણ કે તેઓ કુસ્તી લડવાની પદ્ધતિથી પોતાની જાતે મરોડીને કાન આવા પ્રકારના બનાવી લે છે.

આંખોથી દૂરના અંતરે જેના કાન હોય છે તેમની યોગ્યતા તથા વિચારશક્તિ ખૂબ હોય છે. જેમના કાન લમણાની નજીક હોય તે ઉદાસીન અને વૈરાગી સ્વભાવના હોય છે. કામમાં તેમનું મન ઓછું લાગે છે અને એકાંતસેવનની ઇચ્છા કર્યા કરે છે.

કાનની પરીક્ષા કરતી વખતે અભ્યાસુઓએ એ વાતો યાદ રાખવી જોઈએ કે નાના, પાતળા તથા હલકા કાન જ્ઞાન, વિદ્યા, બુદ્ધિ, કોમળતા તથા નમ્રતાના પરિચાયક છે. મધ્યમ શ્રેણીના કાન સ્વસ્થતા તથા આનંદપ્રિયતાનું ચિહ્ન છે અને મોટા કાન

 કોઈ વિશેષ અપવાદને બાદ કરતાં જાડા, સ્થૂળ અને હલકા પ્રકારના સ્વભાવનું લક્ષણ છે.

કાનનાં કાણાં સાંકડાં હોવાં બહુ શુભ છે. આવા મનુષ્યો જ્યાં રહે છે ત્યાં સદા આનંદમંગલ બની રહે છે. અધિક પહોળાઈના કાણાંવાળા કાન એવા લોકોના હોય છે, જેઓ પોતાને માટે તથા બીજાના માટે કોઈ ને કોઈ ઝઘડો ઊભો કર્યા કરે છે. બહારથી જોવાથી જે કાણું બહુ દૂર સુધી દેખાય છે અર્થાત્ જેનાં કાણાં સીધાં હોય છે તે બહુ પરિશ્રમી તથા શારીરિક દૃષ્ટિથી મજબૂત હોય છે. જેમનાં કાણાં થોડેક દૂરથી વળેલાં હોય છે, બહારથી જોતાં કાણું નાનું માલૂમ પડે છે એવા લોકોની મિત્રતા ઘણાની સાથે હોય છે. એમનો સ્વભાવ મિલનસાર હોય છે.

આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ; ગરદન

આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ;  ગરદન

બહુ જાડી ગરદનવાળાં હાથી, ઘેટાં, ભૂંડ વગેરે જાનવર પોતાની ચારે તરફ નથી જોઈ શકતાં કારણ કે બહુ મોટી ગરદનને ઘુમાવીને આમતેમ જોવું અઘરું હોય છે. એટલા માટે આ પ્રકારનાં જાનવરો ફક્ત આગળની જ વસ્તુ જુએ છે, એમને પાછળની વસ્તુઓ દેખાતી નથી. આવો જ સ્વભાવ જાડી ગરદનવાળા મનુષ્યોમાં જોવા મળે છે. તેઓ આજની અત્યારની વાત પર તો વિચાર કરવાનું જાણે છે પરંતુ પાછળની વાતોની ઉપેક્ષા કરે છે. આવા લોકોને મૂર્ખ પણ કહી શકાય છે.

પાતળી ગરદનવાળા હંમેશાં ચતુર, બુદ્ધિમાન અને આગળપાછળનું વિચારીને કામ કરનારા હોય છે. બહુ ગંભીર વિષયો પર વિચાર કરનારની ગરદન આગળની તરફ વાંકી થઈ જાય છે, જેથી માથું થોડું ઝૂકેલું લાગે છે. કોઈ ભારે ચિંતામાં તથા વિચારમાં પડેલા લોકોની ગરદન એક તરફ ઢળેલી, મશ્કરાઓની જરા પાછળની તરફ અને બહાદુરોની અક્કડ રહે છે.

લાંબી ગરદનવાળાં પશુપક્ષીઓ ૫૨ દૃષ્ટિપાત કરો. જિરાફ, કાંગારુ, ઊંટ, હરણ, સારસ, બતક વગેરે સ્વભાવે ડરપોક, બીજાના શિકાર, ભાગનારાં તથા દૂબળાંપાતળાં હોય છે. તેમનામાં કોઈ બૌદ્ધિક વિશેષતા પણ જોવા નથી મળતી. આવુંજ લાંબી ગરદનના મનુષ્યોમાં જોવા મળે છે. મજબૂત, ભરેલી ગોળ તથા મધ્યમ ગરદનવાળા મનુષ્યો દમામદાર, ગંભીર તથા તેજસ્વી હોય છે. જેની લંબાઈ બહુ ઓછી હોય, માથું ખભાની બિલકુલ નજીક હોય એવા મનુષ્યો ખોટા, દુર્વ્યસની તથા બીમાર તબિયતવાળા હોય છે. જેમાં નસો અને હાડકાં દેખાય છે એવી ગરદનવાળા લોકો બીમારીઓમાં ફસાયેલા રહે છે. કાયમ તેમના શરીરમાં કોઈ વ્યથા ઊભી રહે છે.

ગોળ, ભરેલી ગરદન ઉત્તમ સ્વાસ્થ્યનું ચિહ્ન છે. જે ગરદનમાં જયાંત્યાં માંસ લચી રહ્યું હોય તે બહુ સંતાન હોવાનું સૂચન કરે છે. ગળાનાં હાડકાં જો ગરદનમાંથી બહાર દેખાઈ રહ્યાં હોય તો એ જનનેન્દ્રિયમાં દોષ હોવાનું કારણ હોય છે. જેની ગરદન પર નસો વધારે દેખાતી હોય તેના પર વારંવાર રોગોનું આક્રમણ થતું રહે છે. ચપટી ગરદન અનિશ્ચિત સ્વભાવના મનુષ્યોની હોય છે. એમના વિચાર અને કાર્યો સદા બદલાતાં રહે છે.

આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ; હોઠ

આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ;  હોઠ

શરીરનાં અન્ય અંગો પર વ્યક્તિના સ્વભાવની છાયા થોડીવાર પછી પડે છે અને લાંબો સમય સુધી રહે છે, પરંતુ હોઠોમાં એવી વિશેષતા છે કે એમના પર બહુ જલદી, એટલે સુધી કે એ જ સમયે સ્વભાવની છાયા દૃષ્ટિગોચર થાય છે. રિસાયેલા, સંતુષ્ટ, આનંદિત, વિપત્તિગ્રસ્ત, મનમોજી વગેરે લોકોની મનોભાવનાઓ હોઠ પર પ્રત્યક્ષરૂપથી જોવા મળે છે. જેવી આ ભાવનાઓ બદલાય છે અને એના સ્થાન પર બીજી પરિસ્થિતિ આવે છે કે તરત જ હોઠોના રંગઢંગ પણ બદલાઈ જાય છે.

મધ્યમ વૃત્તિના હોઠવાળા માણસોને સારા માનવામાં આવે છે. બહુ મોટા, બહુ નાના, બહુ જાડા, બહુ પાતળા આ બધા બૂરાઈ પ્રદર્શિત કરે છે. જે હોઠ સારી રીતે બંધ નથી થતા, થોડા ખુલ્લા રહે છે એનાથી મનુષ્યની અણસમજ, બકવાસપણું, અદૂરદર્શિતા તથા ચારિત્ર્યની કમજોરી પ્રગટ થાય છે. જાડા હોઠ બતાવે છે કે ઇન્દ્રિય- સુખોને ભોગવવાની લાલસા પ્રબળરૂપથી એને સતાવ્યા કરે છે. જાડા હોઠવાળાનો જો નીચલો હોઠ ઉપર કરતાં થોડો આગળ વધેલો હોય તો સ્વાદિષ્ટ તે ભોજનની વિશેષ ઇચ્છા, દયાળુતા, કોમળ હૃદય તથા અનિશ્ચિત સ્વભાવનો દર્શક છે.

જાડા હોઠ બારણાંની માફક બિલકુલ ભીડાઈને બંધ થતા હોય તો હિંમત,તકવાદીપણું અને ચતુરતા જાહેર કરે છે. આવા લોકો હઠીલા મિજાજના હોય છે. એકવાર જે વાત પર વિશ્વાસ કરી લે પછી એને બદલવાનું એમને માટે બહુ મુશ્કેલ હોય છે. કોઈના સમજાવવાથી તેમના પર અધિક પ્રભાવ નથી પડી શકતો. પાતળા હોઠ ખૂબ ભીડાઈને રહેતા હોય તો કંજૂસાઈ, નીરસતા, બેશરમી, સ્વાર્થી તથા શોષકવૃત્તિનું સૂચન કરે છે. આવા લોકો સુખી રહેતા જોવા નહિ મળે. વેપારની બાબતમાં તેઓ દૃઢ હોય છે, તો પણ અન્ય બાબતોમાં એમનો વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

નીચેના હોઠ કરતા ઉપરનો હોઠ જો મોટો હોય અને થોડો આગળ હોય તો સમજવું જોઈએ કે એ શુદ્ધ ચરિત્રવાળો, ભલો માણસ, પરોપકારી, વિનમ્ર, લજ્જાશીલ તથા શરમાળ હશે. એના બહુ જ થોડા મિત્રો હશે, જે હશે તે પણ અડધા મનના. જો પાતળા હોઠમાં ઉપરનો મોટો હોય તો ચિંતા, ઉદાસીનતા, ગભરાટથી ઘેરાયેલો, સદાય પોતાનાં દુ:ખડાં રોનારો તથા અનિષ્ટોની કલ્પના કરી સદા ડરતો રહેનારો હશે. પાતળા હોઠોમાં નીચેનો હોઠ જો મોટો હોય, તો વિદ્વત્તા, પરખ, મજાકિયાપણું, સાથે અભિમાન તથા બીજાની નિંદા કરવાનો સ્વભાવ જોવા મળે છે. નીચેના હોઠના છેડા જો વળેલા હોય તો એનામાં ફેશનપરસ્તી, પ્રતિભા, ચતુરતા તથા દાર્શનિકતા ઝબકે છે. આવા લોકોનો યશ દૂર દૂર સુધી ફેલાય છે.

મોંની બંને બાજુઓ જો અંદર ગયેલી હોય તો પ્રસન્નતા, મજાક, પસંદગી, પ્રેમ તથા મધુર વાણી બોલે છે, જો ઉપરની તરફ બહાર આવેલી હોય તો ગંભીરતા, આદરભાવ, સંતોષ તથા મિલનસાર સ્વભાવ હોવાનું બતાવે છે. એક હોઠના ખાડામાં બીજા હોઠનો ફૂલેલો ભાગ મળીને બંને હોઠ બરાબર બેસતા હોય તો આવી વ્યક્તિ સાચું બોલનારી, પ્રેમાળ તથા વિશ્વાસપાત્ર હોય છે, પરંતુ આવા લોકોને કોઈ ગુપ્ત વાત ન કહેવી જોઈએ કારણ કે એમના પેટમાં ગુપ્ત ભેદ છુપાવી રાખવાની જગ્યા નથી હોતી.

વાદળી હોઠવાળા ક્રોધ વધારે કરે છે, ફિક્કા હોઠ પરિશ્રમી મનુષ્યોના હોય છે. લાલ હોઠ ચતુર, વિદ્વાન અને ધનવાનોના હોય છે, જેમનું ચિત્ત પ્રસન્ન રહે છે તેમના હોઠ ભીના રહે છે, માંદા અને દુઃખીઓના હોઠ શુષ્ક જોવા મળે છે, ઉચ્ચ અંતઃકરણવાળા મહાપુરુષના હોઠ લગભગ ફાટેલા, ચીંથરા જેવા અને કકરા દેખાય છે.

હોઠની વચ્ચેની ચાંચ જો વધારે ફૂલેલી હોય, તો એ મસ્તિકની કમજોરી વ્યક્ત કરે છે. જો ઉપરના હોઠ પર નાની નાની રેખાઓ હોય તો ટૂંકા જીવનની નિશાની છે. નીચેના હોઠ પરની નાની નાની રેખાઓ બતાવે છે કે તેને ઘરની બહાર વધારે રહેવું પડે છે.

જેનું મોં ઓછું ફાટેલું હોય તે ગુણવાન, કલાકાર તથા મોહક સ્વભાવવાળો હોય છે. મધ્યમ પહોળાઈનું જેનું મોં હોય તે વ્યાપારકુશળ અને પોતાના મતલબમાં ચોક્કસ હોય છે. જેમનું મોં કૂતરાના મોંની માફક ગાલ સુધી ફાટેલું હોય, વાત કરવામાં મગરના મોંની માફક ફાટતું હોય તેવા મનુષ્યો મૂર્ખ તથા નિર્ધન હોય છે અને હંમેશાં બીજા દ્વારા તેમને સતાવવામાં આવતા હોય છે.

આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ; દાંત

આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ;  દાંત

તમે જોયું હશે કે નાનાં બાળકોને પ્રારંભિક દાંત જેને દૂધિયા દાંત કહે છે . તે લગભગ સાફ, સ્વચ્છ, એકસરખા, પંક્તિબદ્ધ અને એક રેખામાં હોય છે. આ મનુષ્યના સ્વાભાવિક દાંતનું ચિત્ર છે. દુનિયામાં આવીને બાળક જે શારીરિક અને માનસિક સંસ્કારોને ગ્રહણ કરે છે તે ધીરેધીરે જડ જમાવવા લાગે છે અને આઠ દસ વર્ષની અવસ્થા સુધી બહુ પાકા થઈ જાય છે.

માનવશરીરશાસ્ત્રના આચાર્યોનું કહેવું છે કે છ-સાત વર્ષની ઉંમર સુધી જેટલું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે એ પછી આખા જીવનમાં એનાથી ઓછી માત્રામાં જ્ઞાન સંચિત થાય છે. બચપણમાં વિભિન્ન માર્ગોથી જે સંસ્કાર બાળકના હૃદયપટલ પર પડે છે, એનાથી શરીર અને મસ્તક એ અદશ્ય ઢાંચામાં ઢળે છે. આ ઢળાઈ દાંતને જોઈને ઓળખી શકાય છે. બચપણની આદતોનો થોડો પરિચય દાંતને જોઈને પ્રાપ્ત કરી શકાય છે.

સાફ, સીધા, એકસરખા દાંત મનુષ્યની સ્વાભાવિક સ્થિતિના નિર્દેશક છે. આવા દાંતવાળા માણસમાં એક ભલા માણસના લગભગ બધા આવશ્યક ગુણ પૂરતી માત્રામાં જોવા મળે છે. ઊંચા- નીચા, વાંકાચૂંકા,અસમાન અને કુરૂપ દાંત ખરાબ સ્વાસ્થ્ય અને  ખરાબ સ્વભાવના સૂચક છે. લાંબા દાંત વધારે આયુષ્યવાળાના, નાના દાંત બીમારોના અને અણીદાર દાંત હિંસક પશુઓ જેવો સ્વભાવ હોવાનું બતાવે છે.

આગળની બાજુ નીકળેલા દાંત કંજૂસ, લાલચુ, બહુ ભેગું કરવાની હોંશ હોવાનું પ્રગટ કરે છે. દાંત જેટલા આગળની તરફ નીકળેલા હશે એટલી કંજૂસાઈ અધિક હશે. ખર્ચાળ માણસોના દાંત લગભગ ક્યારેય આ પ્રકારના જોવા મળતા નથી. બહાર નીકળેલા દાંતવાળા જો કોઈ ઉદારતા બતાવશે તો તે યશ મેળવવાની, મોટા બનવાની તથા પ્રાયશ્ચિત્ત કરવાની ભાવનાથી હશે, દયાથી દ્રવિત થઈને યજ્ઞની ભાવનાથી એમની ઉદારતા જોવા નહિ મળે. દાંતનો થોડો વળાંક અંદરની તરફ હોય તો તે ડરપોકપણું અને લજ્જાશીલતાનું ચિહ્ન છે. જો તે થોડા આગળની તરફ નમેલા હોય તો તે પ્રભાવશાળી, તેજસ્વિતા, કઠોર અને શાસકવૃત્તિના હોવાનું બતાવે છે

જેમનાં પેઢાં બહુ મોટાં ભારે અને લટકેલાં હોય, તો સમજવું જોઈએ કે એ વ્યક્તિ જિદ્દી, કટ્ટર, અડિયલ, આક્રમણકારી અને ઝૂંટવી લેનાર હશે. હલકાં અને નાનાં પેઢાંવાળા ઉદાર, પ્રતિજ્ઞાપાલક, સીધા અને સાફ દિલના હોય છે. વાદળી પડતાં પેઢાં સ્વાભિમાની, મોહગ્રસ્ત અને બીમાર શરીરવાળાનાં હોય છે. જે પેઢાંમાં લાલાશ વધારે હોય તેમને ખુશમિજાજ, કોમળતા, બુદ્ધિમાની અને સભ્યતાની અધિકતા વ્યક્ત કરનાર સમજવા જોઈએ. દાંત અને પેઢાંની બનાવટ અનુસાર જ હડપચીની રચના બને છે. જે દાઢીમાં ખાડા પડે છે તે આનંદી તથા મિલનસાર સ્વભાવ બતાવે છે. મજબૂત માણસોની હડપચી મોટી હોય છે. જો મોટી હોય, પહોળી હોય, ઓછા માંસ અને વધારે હાડકાંવાળી હોય તો એને ધીરતા, વીરતા, ગંભીરતા અને સ્થિરતાનાં લક્ષણ સમજવાં જોઈએ. ક્રોધી પરંતુ ધૂની લોકોની દાઢી જોવામાં ચોરસ જેવી માલૂમ પડે છે. નીરસ, ઉદાસીન, શાંત, નિરાશ, સ્વલ્પ સંતોષી લોકો ચપટી દાઢીના જોવા મળે છે. સ્વાર્થી લોકો લગભગ અણીદાર દાઢીવાળા જોવા મળે છે.

આગળની તરફ બહુ અણીદાર હડપચી હોય તો એને ચાલાકી અને ધૂર્તતા બતાવનારી સમજવી જોઈએ. મહેનતુ માણસો દબાયેલી નાની દાઢીવાળા હોય છે. આ પ્રકારના માણસો યશસ્વી અને ધાર્મિક વૃત્તિના પણ જોવા મળે છે. ગોળ દાઢીવાળાને એશઆરામની કોઈ કમી નથી રહેતી. આવા માણસો બહુ મિત્રોવાળા, ધનઉપાર્જન કરનારા, નવી સૂઝવાળા તથા દૂરદર્શી હોય છે. ગોળ કમાનાકાર દાઢીવાળા છીછરા મિજાજના અને ક્ષુદ્ર તબિયતવાળા હોય છે. લાંબી આગળની તરફ નીકળેલી અને આગળથી એકદમ ચપટી દાઢીવાળા લોકો બુદ્ધિજીવી, પંડિત, વકીલ અને સાહિત્યકાર હોય છે. આગળના દાંતની વચમાં થોડી થોડી જગ્યા હોવી એ સદાચારી, ઉદાર, સેવાભાવી તથા નિષ્કપટ હોવાનાં ચિહ્ન છે. દાંત પર દાંત  ચઢી રહ્યા હોય તો એ ઘમંડી તથા પોતાની વાતો પર અડગ રહેવાનાં લક્ષણ છે. વચ્ચેના બે દાંતની બાજુના બે દાંત જો વચલા દાંત તરફ વળી ગયા હોય તો એ વ્યક્તિઓને સર્વત્ર આદર પ્રાપ્ત થાય છે.

આવા લોકોમાં સાહસ તથા પુરુષાર્થની માત્રા અધિક રહે છે. લંબાઈ પહોળાઈમાં બરાબર ચોરસ દાંતવાળા મનુષ્યો મોટા તાર્કિક તથા તેજ બુદ્ધિવાળા હોય છે. મોતી જેવા ગોળ દાંત ધનવાન અને ભાગ્યશાળી હોવાનું પ્રગટ કરે છે. પાતળા દાંત સુખી જીવનનું નિર્માણ કરે છે. જે દાંતની પહોળાઈ વધુ પણ લંબાઈ ઓછી હોય તેને દરિદ્રતાની નિશાની સમજવામાં આવે છે.

બિલકુલ સફેદ દાંત હૃદયની કોમળતા પ્રગટ કરે છે. જેમને માનસિક ચિંતાઓ અધિક રહે છે એમના દાંત હલકા પીળાશ પડતા થઈ જાય છે.જે દાંત પર પીળા પીળા ધબ્બા હોય છે તે આળસ, પેટની નબળાઈ તથા ગરમીની અધિકતાના કારણે હોય છે . વાદળી ઝલકવાળા દાંત મધુર સ્વભાવના પ્રતિનિધિ છે. માટીના રંગના દાંત જેમના હોય એમનું જીવન ખૂબ સુખમાં પસાર થાય છે,એમને દુઃખ સહેવું નથી પડતું.

આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ; નાક

આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ;  નાક

પ્રાચીન સમયમાં ગ્રીક તથા ભારતીય મૂર્તિકારોએ મૂર્તિનિર્માણ માટે થોડા નિયમ બનાવી રાખ્યા હતા. એ નિયમો પ્રમાણે તેઓ નાકને એવી રીતે બનાવતા હતા કે માથું જેટલું ઊંચું હોય તેટલી નાકની લંબાઈ ૨હે, આંખ જેટલી લાંબી હોય તેટલું પહોળું નાકનું ટેરવું રહે. જેટલું અંતર બંને ભ્રમરો વચ્ચે હોય તેટલી નાકની જાડાઈ રહે. આકૃતિ વિદ્યા અનુસાર આ માપ બહુ જ સદ્ગુણી, શક્તિવાન, બુદ્ધિમાન, બળવાન તથા ભાગ્યવાન વ્યક્તિનું છે.જો ત્રણમાંથી એક બે વાતો મળતી આવે તો સમજવું જોઈએ કે વ્યક્તિએ તેટલા અંશમાં ઉત્તમ ગુણો ધારણ કર્યા છે.

વચમાં થોડી ગોળાઈ સાથે પોપટની ચાંચની માફક નાક ઉપસેલું હોય તો યોગ્યતા અને અધિકાર પ્રાપ્તિનું સૂચક છે.આવા લોકો પોતાની જવાબદારી સારી રીતે બજાવે છે અને જે કામ હાથમાં લે છે તેને અધૂરું નથી છોડતા. જાડું નાક હોવું તે પુરુષાર્થનું ચિહ્ન છે અને પાતળું હોવું કમજોરીનું ચિહ્ન છે. જાડું તથા વચમાં ઉપસેલું નાક લગભગ બહાદુરો, સેનાપતિઓ, અધિકારીઓ તથા અનુશાસન રાખવાની રુચિવાળાઓનું હોય છે.

મોટા ચહેરા પર નાનું અને નાના ચહેરા પર મોટું નાક આ પ્રકારનું બેડોળપણું ચરિત્રમાં કોઈ પ્રકારની ઊણપ બતાવે છે. પાતળા નાકનાં મોટાં નસકોરાં, જાડાં નાકનાં નાનાં નસકોરાં, વધારે પડતી પહોળાઈ અને લંબાઈ ઓછી આ પ્રકારની મેળ વગરની વાતો ચરિત્રમાં કોઈ દોષો અથવા ત્રુટિ હોવાનું પ્રગટ કરે છે.

સીધું, પાતળું, લાંબું તથા સમાનાકાર નાક શુદ્ધ ચરિત્ર, માન- મર્યાદાની રક્ષા, કલાપ્રિયતા તથા ઉત્સાહનું સૂચક છે, પરંતુ પાતળું અને લાંબું હોવા છતાં એ વાંકું, ખાડાવાળું માંસરહિત તથા બેડોળ હોય તો સ્વાર્થીપણું, નિષ્ઠુરતા તથા શુષ્કતા પ્રગટ કરે છે.

કોઈના નાકનું ટેરવું નીચેની બાજુ એ રીતે ઝૂકેલું હોય છે કે નસકોરાંના છિદ્રોનો અંદરનો ભાગ બિલકુલ નથી દેખાતો, કેટલાકના નાકનું ટેરવું ઊંચું હોય છે, જેનાથી નસકોરાંનાં છિદ્રોનો કેટલોક ભાગ દેખાય છે. આ બંનેમાં કેટલાક વિશેષ અર્થ છુપાયેલા હોય છે.

નીચેની તરફ ઝૂકેલું અણીવાળું નાક ઉદાસીન સ્વભાવ, આચરણહીનતા તથા પરનિંદામાં રુચિ રાખવાની સૂચના આપે છે, પરંતુ ઊંચું નાક ચપળતા, વિનોદપ્રિયતા, હસમુખો સ્વભાવ, મનમાન્યું કરવામાં રુચિ, ચતુરતા તથા વ્યવહારકુશળતા હોવાનું પ્રગટ કરે છે. આવા લોકો દરેકને પ્રિય લાગનારા હોય છે.

ચપટું નાક ન તો જોવામાં સારું લાગે છે, ન આવા લોકોનો સ્વભાવ ઉત્તમ હોય છે. આવા નાકનું મૂળ જો થોડું દબાયેલું હોય તો એ માણસ બહુ નાની કક્ષાનો માણસ હોવો જોઈએ. હા, જો ચપટું નાક બિલકુલ સીધું તથા સમાનાકાર દેખાતું હોય તો આવો માણસ યશસ્વી, વિશિષ્ટ કાર્યોનો સંપાદનકર્તા, કલાકાર તથા વાક્પટુ હોવાની આશા રાખી શકાય છે. ચપટા નાકની ઉપર જો ભ્રમરો ઝૂકેલી હોય અને માથું આગળ તરફ નીકળી રહ્યું હોય તો તે શોધક, વિચારશીલ તથા દૂરદર્શી હોવાનાં ચિહ્ન છે.

સામાન્ય કક્ષાના નાકમાં વચ્ચેનો હિસ્સો જો જોડો હોય તો વિદ્યામાં રુચિ, અધ્યયન, સ્વાધ્યાય અને મનનમાં દિલચસ્પી પ્રગટ કરે છે. આવા નાકવાળા પત્ર લખવાની કળામાં બહુ નિપુણ હોય છે. જાડા નાકવાળા, ધનવાન, ગુણવાન, કમાઉ તથા પ્રવાસી જીવન વિતાવનારા હોય છે.

નાકના ઉપરના ભાગની સાથેસાથે નસકોરાંની રચના પર પણ દૃષ્ટિપાત કરવો જોઈએ. જોવા મળે છે કે થોડાં સાંકડાં નસકોરાંવાળા ડરપોક અને કમજોર સ્વભાવના હોય છે. પહોળાં અને ફૂલેલાં નસકોરાંવાળા ભાવુકતા તથા કામુકતાની અધિકતા પ્રગટ કરે છે અને બતાવે છે કે આવી વ્યક્તિ નાની વાતને બહુ મોટી માનનારી હોય છે.

અણીદાર નસકોરાંવાળા સ્વાર્થી અને ઘમંડી હોય છે તથા બીજાના મામલામાં પોતાની ટાંગ અડાડવામાં બહુ દિલચસ્પી લેતા હોય છે. જાડાં, ભારે અને અધિક માંસવાળાં નસકોરાં સમજદારી, ઈમાનદારી, વફાદારી, હોશિયારી તથા બીમારીની અધિકતા પ્રગટ કરે છે. આવી વ્યક્તિઓનાં આવક તથા ખર્ચ બંને વધારે હોય છે. શુષ્ક નાકવાળા દીર્ઘાયુ હોય છે. જેમનું નાક વચમાંથી બેસી ગયેલું હોય તે પરસ્ત્રીગામી, મધુરભાષી તથા બહુ કમાનાર હોય છે. જેનું નાક પોતાની આંગળીથી સાડાત્રણ આગળ લાંબું હોય તે પોતાના જ પુરુષાર્થથી ધન પદા કરે છે, પરંતુ સંતાનો તરફથી દુઃખી રહે છે. જેનું નાક ત્રણ આંગળ લાંબું હોય તે દીર્ઘાયુ, પરંતુ સાધારણ ચિત્તવાળો હશે. ચાર આંગળ લાંબા નાકવાળા મૂર્ખ અને ઝઘડાખોર હોય છે. અઢી આંગળ નાકવાળા દરિદ્ર હોય છે. ભાગ્યવાનોને લગભગ એક સાથે બે છીંક આવે છે.

આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ; આંખો

આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ;  આંખો

અંગ્રેજી ભાષામાં કહેવત છે કે “આંખો અંતઃકરણનો ઝરૂખો છે.’’ તાત્પર્ય એ છે કે આંખોમાં જોઈને મનુષ્યની આંતરિક સ્થિતિનો પરિચય સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે. નિઃસંદેહ આ ઉક્તિ બહુ જ તથ્યપૂર્ણ છે. આંખો દ્વારા આંતરિક સ્થિતિનો જેટલો પરિચય મળી શકે છે, એટલો અન્ય કોઈ અંગ દ્વારા નથી મળી શકતો.

પહેલાં અહીંયાં કીકીઓના રંગો પર વિચાર કરીએ. સામાન્ય રીતે કાળી, લાલ, વાદળી, પીળી અને નારંગી રંગની કીકીઓ જોવા મળે છે. આ રંગોના મિશ્રણ તથા હલકા – ગાઢા ભેદથી અનેક રંગ બનેછે. આ બધાં મિશ્રણોની બાબતમાં વર્ણન કરવું મુશ્કેલ છે. મુખ્ય રંગોની બાબતમાં જાણકારી થયા પછી એમના મિશ્રણ અને માત્રાનું વિશ્લેષણ કરીને ઓળખવું તે અભ્યાસુઓની કુશાગ્ર બુદ્ધિ પર આધાર રાખે છે. સંક્ષિપ્તમાં મુખ્ય રંગોની બાબતમાં જ થોડી ચર્ચા કરવાનું અહીં અમારા માટે શક્ય છે.

વાદળી કીકીઓવાળા કોમળ સ્વભાવના હોય છે. કાળી કીકી કઠોરતા, સ્ફૂર્તિ અને તાકાતનું ચિહ્ન છે. વ્યાપાર કુશળતા અને ચતુરાઈ પણ આવા લોકોમાં વધારે જોવા મળે છે. ગાઢો વાદળી રંગ વિશ્વસનીય હોવાનો સૂચક છે, પરંતુ આવા લોકોમાં ચતુરતા લગભગ ઓછી હોય છે. હલકા વાદળી રંગની કીકીથી પ્રગટ થાય  છે કે સ્થિરતા, વિચારશીલતા, ધૈર્ય અને મધુરતાની માત્રા અધિક હોવી જોઈએ. સામાન્ય રીતે બધા હલકા રંગ ચતુરતા અને ઈમાનદારી પ્રગટ કરે છે, પરંતુ આ વાત ભૂરા રંગને લાગુ નથી પડતી. હલકા વાદળી રંગની કીકીવાળા લગભગ સારા સ્વભાવવાળા જોવા મળે છે.

પીળી કે નારંગી કીકી બહુ ઓછી જોવા મળે છે, તેમ છતાં આ પ્રકારની આંખોને ચંચળતા, ભાવુકતા, કવિત્વ, સ્વાર્થપરાયણતા તથા અસહિષ્ણુતાની નિશાની કહી શકાય છે. કથ્થાઈ ભૂરી, થોડી લાલિમાવાળી કીકીઓ બહુ જ ઉત્તમ છે. આવી વ્યક્તિ પ્રેમી, વચન પાળનાર, ચતુર તથા ગંભીર હોય છે. પ્રામાણિકતા અને વ્યવહારમાં સચ્ચાઈ એમની વિશેષતા હોય છે, તેમ છતાં એમનામાં બે નબળાઈઓ જોવા મળે છે. એક નાની નાની વાતોમાં નારાજ થઈ જવું અને બીજુ લંપટતા તરફ ઝૂકી પડવું.

હલકો કાળો રંગ છળ, કપટ, બનાવટ, ઢોંગ તથા ધૂર્તતાનું ચિહ્ન છે, પરંતુ ગાઢો કાળો રંગ સ્થિરતા અને સમજદારી પ્રગટ કરે છે. કાળા રંગ સાથે જો થોડી લાલિમા ભળેલી હોય તો સદાચારી તથા સદ્ગુણી હોવાની નિશાની છે. બિલાડી જેવી માંજરી આંખોવાળા લગભગ બિલાડીના સ્વભાવવાળા હોય છે. બહારથી બહુ સીધા દેખાય છે, પરંતુ મોકો મળતાં જ સખત ઘા કરવાનું નથી ચૂકતા.

હવે એ વાતનો વિચાર કરવો જોઈએ કે કયો મનુષ્ય કેવી રીતે દેખે છે. સાફ, અને બેધડક દૃષ્ટિથી જોનારી વ્યક્તિઓનું ચરિત્ર એવું હોય છે કે જેમના પર તમે વિશ્વાસ કરી શકો છો. જે લોકોની દૃષ્ટિ ચંચળ હોય છે, ચારે તરફ ચપળતાપૂર્વક નજર દોડાવે છે તેઓ લગભગ લોભી, ચોર, ભિક્ષુક કે કપટી જોવા મળે છે.

આંખ મળતાં જ ઝંખવાઈ જનારાઓના મનમાં કાંઈક હોય છે અને મોં પર કાંઈક બીજું હોય છે. જેની આંખો ભૂરી રહે છે તે અપરાધી મનોવૃત્તિના, ડરપોક કે કમજોર હોય છે. ધૃષ્ટતાપૂર્વક આંખોથી આંખો લડાવનારાઓમાં બેવકૂફી તથા અકડાઈ વધારે હશે. ત્રાંસી નજરથી જોનારા નિષ્ઠુર, ક્રૂર, બેવકૂફ અને ઝઘડાળુ હોય છે.

આંખોનો ભાગજો થોડો આગળ આવેલો હોય તો એને વિદ્યા, પ્રેમ અને જ્ઞાનસંપદાનું ચિહ્ન સમજવું જોઈએ. આવા લોકોની સ્મરણશક્તિ સારી હોય છે. સાફ અને અર્થસૂચક આંખોવાળા વ્યાપારકુશળ, વ્યવારપટ્ટ, પરિશ્રમી તથા બહુ ધગશવાળા હોય છે.

વધારે મોટી આંખો તેજસ્વિતા, સત્તા, વૈભવ, ઐશ્વર્ય તથા ભોગવિલાસથી પ્રસન્ન વ્યક્તિઓની હોય છે, પરંતુ આવા પ્રકારના બહુ ઓછા લોકો પરસ્ત્રીગમનથી બચી શકે છે. મોટી આંખો વચ્ચેનું અંતર વધારે હોય તો સાદગી, સીધાપણું તથા સ્પષ્ટવાદિતાનું લક્ષણ જાણવું જોઈએ. નાની આંખો રમતિયાળપણું, બેપરવાઈ અને સુસ્તી પ્રગટ કરે છે. ઊંડી ઊતરી ગયેલી આંખોવાળા એવા દુર્ગુણોમાં ફસાયેલા હોય છે, જેના કારણે જીવનમાં કોઈ કહેવાલાયક ઉન્નતિ નથી થઈ શકતી. ઝીણી આંખોવાળા ન તો બીજા ઉપર અહેસાન કરી શકે છે અને ન કોઈના અહેસાન પ્રત્યે કૃતજ્ઞ હોય છે.

પોપચાં અને પાંપણથી પણ વ્યક્તિત્વનો થોડો પરિચય મળી શકે છે. પાંપણના વાળ ઓછા હોય તો એનાથી ડરપોકપણું પ્રગટ થાય છે, ગીચ પાંપણવાળા ધનવાન, ઘેરા રંગની કડક પાંપણવાળા શૂરવીર, કોમળ તથા ફિક્કા રંગની પાંપણવાળા આકર્ષક સ્વભાવના હોય છે. જાડાં પોપચાંવાળા વિદ્વાન, વિચારવંત તથા પાતળાં પોપચાંવાળાં સ્વસ્થ તથા તેજસ્વી જોવા મળે છે. તેજસ્વી અને સાધુવૃત્તિના લોકોને મોટાં મોટાં પોપચાં હોય છે. બહુ નાનાં પોપચાંથી સવાદિયાપણું, લાલચ, અતૃપ્તિ તથા બેચેની જાણવામાં આવે છે.

જેની એક આંખ એક પ્રકારની અને બીજી બીજા પ્રકારની હોય અને એવું લાગે કે એક આંખ બીજા કોઈની કાઢીને લગાડવામાં આવીછે, એવા માણસો લગભગ અડધા પાગલ, અણસમજુ તથા ઊંધી ખોપરીવાળા હોય છે. દિષ્ટની કમજોરી તથા તીક્ષ્ણતાનો આધાર એ વાત પર છે કે નેત્રોનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, તેમ છતાં એટલી વાત તો છે કે વાદળી આંખો સૌથી નિર્બળ અને જરા લાલ રંગ મેળવેલી કાળી આંખો સૌથી બળવાન હોય છે. આંખોમાં કાળા કાળા તલ જેવું નિશાન હોવું એ આત્મબળની દઢતાનું ચિહ્ન છે. આ તલ બે ચાર અને નાના હોય તો જ સારા ગણાય, પરંતુ જો મોટા મોટા બહુ તલ હોય તો તે એવી નબળાઈઓના સૂચક છે, જેને કારણે મનુષ્યને દરિદ્રતાનું દુઃખ ભોગવવું પડે છે. જેની કીકીઓ ફરકે છે તેવા મનુષ્યો જિદ્દી, બેવકૂફ, પરંતુ બહાદુર હોય છે.

જેમની આંખ વધારે ભિનિ રહે છે તેઓ કાયર, બેચેન તથા ડરપોક જોવા મળે છે. જલદી જલદી પલકારા મારનારા લોકો શેખીખોર, જૂઠા અને હવાઈ કિલ્લા બાંધનારા હોય છે. એક આંખને મિચકારીને વાત કરનારા બીજા પર અવિશ્વાસ અને સંદેહ કર્યા કરે છે.

વાદળી ઝાંય જેની આંખોના સફેદ ભાગમાં દેખાતી હોય તો એ ભોળપણ, ગંભીરતા અને સદાચારનું ચિહ્ન છે. જેની આંખોમાં પીળાશ છવાયેલી રહેતી હોય તેઓ ગમાર, ક્રોધી અને ઝઘડાખોર હોય છે. પીળાશમાં જો લાલિમા ભળેલી હોય તો એ ચિત્તની અશાંતિની સૂચક છે. લાલ રેખાઓ જેની આંખોમાં વધારે હોય એને ઉષ્ણ પ્રકૃતિનો સમજવો જોઈએ. આવા લોકોને ગડગૂમડ અથવા પિત્તના રોગો લગભગ થતા રહે છે.

બિલકુલ ગોળ નાની નાની આંખો બુદ્ધિની ન્યૂનતા પ્રગટ કરે છે. બહુ નાની આંખોવાળા આળસુ અને બેપરવા હોય છે. સૂતી વખતે જેમની આંખો અડધી ખુલ્લી રહે છે તેઓ ચિંતાતુર અને લાલચુ જોવા મળે છે. જે લોકો બહુવારે પલક મારતા હોય છે તેઓ સુસ્ત પરંતુ વિચારવાન હોય છે. જેઓ વાત કરતી વખતે આંખ વધારે ફાડે છે તેમને દૃષ્ટિમાંઘ અથવા અન્ય નેત્રરોગોના શિકાર થવું પડે છે.

ભૂખરી આંખોથી પ્રામાણિકતા અને સદાચાર પ્રગટ થાય છે. સામેની બાજુ થોડી નીચી દિષ્ટ કરીને ચાલનારાનાં મન પવિત્ર હોય છે. પુણ્યાત્મા અને ધર્મવાન લોકો થોડી ઊંચી દષ્ટિ કરીને ચાલે છે. ક્રોધી મનુષ્યો ત્રાંસું જોતા હોય છે. નજર બચાવીને ચાલનારા ચોર, અપરાધી અથવા પતિત સ્વભાવના હોય છે. આંધળા માણસોની માનસિક શક્તિઓ ખૂબ વિકસિત હોય છે.

આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ;  ભ્રમરો    

આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ;  ભ્રમરો    

માથાના વાળની માફક ભ્રમરોના વાળ પણ માનવસ્વભાવની સાચી વાત કહી દે છે. આકૃતિવિદ્યાના અભ્યાસુઓએ ભ્રમરોની પરીક્ષા કરતી વખતે નીચેની વાતો પર વિચાર કરવો જોઈએ : (૧) ગોળાઈ (૨) લંબાઈ (૩) જાડાઈ (૪) વાળની બનાવટ (૫) ઉગમસ્થાન (૬) અંતઃસ્થાન. આગળ આ બધી વાતો પર ટૂંકમાં પ્રકાશ પાડવામાં આવશે.

ધ્યાનપૂર્વક જુઓ કે ભ્રમરનો આરંભ કેવી રીતે થયો છે. જો બંને ભ્રમરો એકબીજા સાથે મળી ગઈ હોય, બંનેનો આરંભ બિલકુલ અડીને થતો હોય તો આવી વ્યક્તિથી સાવધાન રહેવાની જરૂરિયાત છે. પહેલાંના જમાનામાં સામુદ્રિકશાસ્ત્રીઓ કહેતા હતા કે આવી વ્યક્તિનો ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ,પરંતુ તમારે એટલા ન આગળ જવાની જરૂર નથી. ભેગી થઈ ગયેલી ભ્રમરો જોઈને એટલું સમજવું પૂરતું છે કે આ વ્યક્તિનું દિલ તથા દિમાગ સાફ નથી. ઢીલોપોચો વિશ્વાસ, શંકાશીલ પ્રવૃત્તિ, ચરિત્રની નિર્બળતા તથા અન્ય ત્રુટિઓ આવી વ્યક્તિઓમાં જોવા મળે છે. વચન ફેરવી નાખવું તથા કર્તવ્યની અવહેલના કરવાના દોષથી પણ તેઓ મુક્ત નથી હોતા. આવા લોકોની બાબતમાં એ ધ્યાન રાખવાની આવશ્યકતા છે કે એમની સાથે સાવધાનીપૂર્વક વ્યવહાર કરવામાં આવે. જે ભ્રમરોનો આરંભ એકબીજાથી દૂર થતો હોય તે ભોળપણ, સરળતા તથા પ્રામાણિકતા પ્રગટ કરે છે.

કવિઓએ ભ્રમરોની સુંદરતાનું વર્ણન કરતાં એની તુલના તલવાર સાથે કરી છે. બીજા અર્થમાં એમ કહી શકાય કે તલવાર જેવી બનાવટવાળી ભ્રમરો પ્રશંસાને યોગ્ય છે.કમાન કે તલવાર જેવી વળેલી, વાંકી, ત્રાંસી અને પાતળી ભ્રમરો પ્રેમી સ્વભાવ, સરળ પ્રકૃતિ, મધુરતા તથા કલાપ્રિયતાની નિશાની છે, પરંતુ આંખ અને ભ્રમરો વચ્ચે જો અંતર વધારે હશે તો ચરિત્રની શિથિલતા અને માનસિક દુર્બળતાનું કારણ હશે. આવા લોકો અલ્પબુદ્ધિવાળા અને વ્યવહારમાં અકુશળ હોય છે. જો ભ્રમરો લીટી જેવી સીધી અને બહુ નીચી, આંખોની બિલકુલ પાસે હોય તો કઠોરતા, મજબૂતી તથા સ્વાભિમાનનું કારણ હોય છે.

કેટલીક વ્યક્તિઓની ભ્રમરો ગોળાઈ સાથે શરૂ થાય છે, પરંતુ વચમાં વધારે નીચે વળીને એકદમ આંખોની નજીક નીચે સુધી આવી શકે છે. આવી વ્યક્તિ ચોખ્ખી ખૂબ રહે છે, ચમકદમક અને ફેશન એમને પસંદ હોય છે, પરંતુ માનસિક બળની એમનામાં ઊણપ રહે છે. જે ભ્રમરો પ્રારંભમાં તો સીધી લીટીની માફક ચાલે છે, પરંતુ અંતે એકદમ નીચે ઝૂકી જાય છે, એ કલાપ્રિયતા પ્રગટ કરે છે. વિચારવાન, વિવેકી, દૂરદર્શી, જ્ઞાનવાન વ્યક્તિઓની ભ્રમરો જાડી હોય છે. અધૂરી, છીછરી અને અસ્તવ્યસ્ત ભ્રમરોવાળા કંજૂસ, લોભી તથા કૃપણ જોવા મળે છે.

વાંકીચૂંકી, જાડી, ગુચ્છાદાર ભ્રમરોવાળા મનુષ્યો ચીડિયા સ્વભાવના, અસ્વચ્છ તથા બેપરવા પરંતુ ચતુર, બુદ્ધિમાન અને શાસન કરનારા હોય છે. ભરાવદાર અને જાડી ભ્રમરો મજબૂતી, બુદ્ધિમત્તા તથા દઢતાનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ તે જો પાતળી, કમજોર અને આછા વાળવાળી હોય તો શારીરિક અને માનસિક નિર્બળતાની કથા કહે છે. બહુ નાની ભ્રમરોવાળા ઉતાવળિયા, ચપળ અને બહુ બોલનારા તથા કઠોર સ્વભાવવાળા જોવા મળે છે.

માથાના વાળ કરતાં ભ્રમરોનો રંગ હલકો હોય તો એ દુર્બળતા તથા શક્તિહીનતાની નિશાની છે, પરંતુ જો તેનો રંગ માથાના વાળની તુલનામાં ઘેરો હોય તો સમજવું જોઈએ કે બળમાં વધારો થઈ રહ્યો છે. જેમની ભ્રમરો નાના વાળવાળી હોય છે તેમનામાં બહુ જ જલદીથી ઊંડાણમાં પહોંચીને વાસ્તવિકતાને સમજવાની યોગ્યતા હોય છે, પરંતુ જેના વાળ અપેક્ષાકૃત અધિક લાંબા હોય છે તેમનામાં મોડેથી સમજ આવે છે. આવી વ્યક્તિઓને ઠોકરો ખાઈને જીવનમાં બહુ કડવા અનુભવ ભેગા કરવા પડે છે.

%d bloggers like this: