૪. ઈશ્વરવાદની વ્યાખ્યા અને વાસ્તવિકતા GP-1. ઈશ્વરનું વિરાટ રૂપ | ગાયત્રી વિદ્યા
June 6, 2022 Leave a comment
ઈશ્વરવાદની વ્યાખ્યા અને વાસ્તવિકતા
જો કે ઈશ્વર સંસારનો મૂળ આધાર છે અને સૃષ્ટિના આરંભથી બધા મનુષ્યો કોઈને કોઈ રૂપે એને માનતા આવ્યા છે, તો પણ વિદ્વાનોમાં આ બાબતે ઘણો મતભેદ છે. ખાસ કરીને દાર્શનિક વિદ્વાનો તો કેવળ એ જ વાતનો સ્વીકાર કરે છે, જે તર્કસંગત હોય. આ દષ્ટિએ ઈશ્વરવાદના સિદ્ધાંતની વિસ્તારથી વ્યાખ્યા કરવી આવશ્યક છે. વૈદીક ઈશ્વરવાદનું વિશ્લેષણ કરતાં આપણે એમાં નીચેનાં તત્ત્વોનો સમાવેશ જોઈએ છીએ.
(૧) ઈશ્વર આપણાં ગુપ્ત કાર્યો અને વિચારોને પણ જાણે છે. એ ખૂબ બળવાળો છે.
(ર) ઈશ્વર પ્રસન્ન થવાથી ભૌતિક સુખસામગ્રી અને પરલોકમાં સ્વર્ગ તેમજ મોક્ષ આપે છે.
(૩) તે નારાજ થવાથી દૈવિક, દૈહિક અને ભૌતિક કષ્ટ આપે છે.
(૪) ધાર્મિકતા અને ઉપાસનાથી એ પ્રસન્ન થાય છે. પાપી અને નાસ્તિક પર અપ્રસન્ન રહે છે. આ ચાર ધારણાઓની આસપાસ જ અનેકાનેક મંત્ર, સૂત્ર તથા શ્લોક ચક્કર લગાવે છે. અર્થાત્ વિવિધ પ્રકારે આ ચાર વાતોનું પ્રતિપાદન કરતો ઉપદેશ આપે છે. હવે આપણે વિચારવું જોઈએ કે કેવી બુદ્ધિમત્તાપૂર્વક માનસિક શાસન કરવાની આ વ્યવસ્થા છે. ઈશ્વર સર્વવ્યાપક હોવાથી આપણાં બધાં કાર્યોને જુએ છે એ શાસનની અત્યંત વ્યાપકતા માટે છે. એવું જોવા મળે છે કે પોલીસ સ્ટેશન પાસે ચોર ઉપદ્રવ કરતા નથી, પરંતુ જયાં પોલીસની પહોંચ ઓછી અને દૂર હોય છે ત્યાં ચોરી લૂંટ વધુ હોય છે. ભરચક રસ્તાઓ પર લૂંટ નથી થઈ શકતી, પરંતુ નિર્જન સ્થાનોમાં લૂંટારાની બીક વધુ રહે છે. પ્રકાશ કરતાં અંધકારમાં અપરાધ વધુ બને છે. આથી પ્રતીત થાય છે કે દુષ્ટતા ભરેલા કામની અધિકતા તેમજ ન્યૂનતાનો આધાર એ વાત પર છે કે ચોરને કોઈ જુએ છે કે નહિ? જેનાર પહેલવાન છે કે નહિ? વાંદરો નાના બાળકને નબળું સમજી એના હાથમાંથી રોટલી છીનવીને લઈ જાય છે, પરંતુ મોટા માણસ પાસે જવાની તેની હિંમત થતી નથી, કેમકે વાંદરો જાણે છે કે બળવાન માણસ એમ રોટલી છીનવવા દેશે નહિ અને દંડાથી હાડકાં પાંસળાં ખોખરાં કરી નાખશે. ઈશ્વર અનંત બળવાળો છે, સર્વવ્યાપક છે અને પાપથી અપ્રસન્ન થાય છે. એનો અર્થ બીજા શબ્દોમાં એ થઈ શકે કે કોઈ હાથી જેવા બળવાળો પોલીસનો છૂપો સિપાહી હાથમાં બંદૂક અને હાથકડી લઈને અદૃશ્ય રૂપે આપણી ઉપર નજર રાખવા દરેક વખતે માથા પર ઊડતો રહે છે. આ વિશ્વાસ જેટલો વધુ સાચો, સ્પષ્ટ અને બળવાન હોય છે. એટલો જ મનુષ્ય ધર્મપ્રિય બની જાય છે. ઉપર્યુક્ત વિશ્વાસ જેટલો સંશયાત્મક, અસ્પષ્ટ અને ધૂંધળો હોય છે એટલી જ સ્વછંદતા અને દાંભિકતા વધી જાય છે. અપરાધી મનોવૃત્તિ એટલી જ માત્રામાં વધી જાય છે. ઈશ્વરનું શાસન નથી, કે સંદેહાત્મક છે કે નિર્બળ છે એવી માન્યતા વધવાથી માનસિક અરાજકતા ફેલાય છે. જ્યારે બળવો થાય છે ત્યારે ઉપદ્રવી લોકો સ્વાર્થ સાધે છે, કેમકે એમને વિશ્વાસ હોય છે કે રાજ્યસત્તા નષ્ટ અથવા નિર્બળ થઈ ગઈ છે. એ આપણને દંડ આપી શકે તેમ નથી. આપણે જોઈએ છીએ કે ઈશ્વર ભક્ત કહેવાતા લોકો પણ મોટાં પાપ કરે છે. એનું મનોવૈજ્ઞાનિક પ્રયોજન એ છે કે પાખંડની જેમ લોકોને ભુલાવામાં નાખવા, સસ્તી વાહવાહ લૂંટવા માટે એ લાંબાં પહોળા તિલક કરે છે, માળા ધારણ કરે છે, રામધૂન કરે છે, પરંતુ માનસિક ભૂમિકામાં ઈશ્વરની અત્યંત ધંધળી સત્તા ધારણ કરી રાખે છે. ઉપરની પંક્તિઓમાં અદેશ્યરૂપે ચોકીદારી કરતા માથા પર ઊડનારા પોલીસમૅનની જેમ જે કલ્પનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એ ચિત્ર તો એમના મનમાં બહુ ધૂંધળું હોય છે. એટલે માનસિક અરાજકતાના અંધારાંમાં એમની પશુવૃત્તિઓ મનમાન્યું કરતી રહે છે.
ઈશ્વરવાદનો એ પ્રથમ સિદ્ધાંત જ આધારભૂત છે. એવી ઘડિયાળ શા કામની જેમાં કાંટા ન હોય! તળિયા વગરનો લોટો ભલા કોની તરસ છીપાવી શકે ? વેદના જેટલા મંત્રોમાં ઈશ્વર સંબંધી વર્ણન છે, એમાંના મોટા ભાગનામાં ઈશ્વરની મહાનતા સૂચક ગુણોનું ગાન છે. એ ગુણોમાં પણ સર્વવ્યાપકતા, બળ અને શાલીનતાનો ઉલ્લેખ વધુ કરવામાં આવ્યો છે. પ્રયોજન એ છે કે મનુષ્યોના મસ્તકમાં એ ચિત્ર ખૂબજ સ્પષ્ટ અને સુદઢ બની જાય કે એ અનંત બળવાળો, શંખ, ચક્ર, ગદા જેવાં કઠોર દંડ શાસ્ત્રોથી સુસજ્જ ઈશ્વર, પાપ પ્રત્યે સખત નફરત કરે છે અને આપણી ચોકી માટે અદૃશ્ય રૂપે હરઘડી સાથે રહે છે. જેના મનમાં આ કલ્પના ચિત્ર જેટલું વધુ ઘેરું અને શ્રદ્ધા તથા વિશ્વાસયુક્ત છે, એ એટલો જ મોટો આસ્તિક છે. જેના અંત:કરણમાં એ વિશ્વાસ જેટલો નિર્બળ છે, એ એટલો જ નાસ્તિક છે.
ચાર સિદ્ધાંતોમાં ઉપર કહેલો સર્વવ્યાપકતાનો સિદ્ધાંત મુખ્ય છે. બાકીના ત્રણ એની પૂર્તિ માટે છે. પ્રસન્ન પ્રલોભનનું તત્ત્વ તેમાં મોજૂદ છે, જે પશુ સ્વભાવને લલચાવવા માટે આવશ્યક છે. ધર્મગ્રંથોનો બહુ મોટો અંશ “માહાત્મ્ય’ના વર્ણનમાં લખેલો છે ગંગાસ્નાનથી પાપ ધોવાઈ જય છે, સત્યનારાયણની કથા સાંભળવાથી ધન પ્રાપ્ત થાય છે. શંકરજી આશુતોષ છે. એ ખુશ થઈ જાય તો માલામાલ કરી દે છે. હનુમાનજી રોગ, ભૂત તથા પિશાચોને મારી ભગાવે છે. તુલસી પૂજનથી દીકરીને સારો વર તેમજ છોકરાને ઢીંગલી જેવી વહુ મળે છે. બ્રહ્મકુંડમાં સ્નાન કરવાથી સંતાન થાય છે. પ્રત્યેક તીર્થનું, વ્રત ઉપવાસનું પુસ્તક સાંભળવાનું, વાંચવાનું, સત્સંગનું ફળ નાના કે મોટા બધા હિંદુ ધર્મના ઉત્તમ ગ્રંથોમાં મોટા ભાગનાં લખાણમાં માહાત્મ્યના વર્ણન રૂપે જોવા મળે છે. જે મનુષ્યના પશુ સ્વભાવને લલચાવવા માટે છે. બળદને ઘાસનાં તણખલાં દેખાડતાં આગળ ચાલો તો એ તમારી પાછળ પાછળ ચાલ્યો આવશે. સંકીર્ણ મનોચેતનાવાળાઓ માટે પ્રલોભન આવશ્યક સમજીને માહાત્મ્યનો ઉલ્લેખ કરવાનું ધર્માચાર્યો માટે અત્યંત આવશ્યક હતું, એના વિના એ કાર્ય આગળ ન વધત અને ગાડી અટકી પડત. ઈશ્વરની બાબતમાં પણ એમને આ નીતિનો આધાર લેવો પડ્યો.
– તાર્કિક લોકો એવું કહેતા જોવા મળે છે કે ભજનનું કશું માહાત્મ્ય નથી. ભજન કરનારાઓને એવો કોઈ લાભ નથી મળતો, જે ભજન ન કરનારાને ન મળતો હોય. જો મળતો હોય તો એનું કારણ એમનાં કર્તવ્ય છે, ભજન નહીં. એવા મહાનુભાવોને અમારું નિવેદન છે કે તેઓ દરેક વાતમાં તર્ક ન કરે. દૂધ પીવાથી ચોટલી વધશે” એવો ઉપદેશ માતાઓ પોતાનાં બાળકોને વધુ દૂધ પિવડાવવા કરે છે. “અમુક કામ કરી લાવીશ તો તું રાજનો દીકરો થઈ જશે.” એવા એવા પ્રલોભનો દ્વારા માતાઓ પોતાનાં બાળકોને આજ્ઞાંકિત બનાવે છે. જો માતાઓ આ માર્ગ છોડીને વધુ દૂધ પિવડાવવા માટે બાળકોને સમજાવે કે “દૂધમાં સારાં વિટામિન, કૅલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન વગેરે એવા તત્ત્વો છે, જે રક્તના શ્વેતકણોની વૃદ્ધિ કરે છે” તો ઉપદેશ સત્ય હોવા છતાં નિરર્થક બનશે, આજ્ઞાંકિત બનાવવા માટે જો માતા તેને રાજાનો દીકરો બનાવવાનું પ્રલોભન છોડી દે અને મનુસ્મૃતિના શ્લોક બોલીને ધર્મોપદેશ સંભળાવે તેમજ બાળકોને અલ્પજ્ઞ હોવાને કારણે માતાની આજ્ઞા માનવાથી વધુ માનસિક વિકાસ થાય છે એવો ઉપદેશ આપે તો એ નિરર્થક બનશે, તર્ક કરનાર કરી શકશે કે માતા ખોટું બોલે છે. ચોટલી વધારવાનું અને રાજાના દીકરા હોવાનું પ્રલોભન અસત્ય છે, પરંતુ એટલું કહેવાથી જ કામ ચાલશે નહિ. એમણે વાસ્તવિકતાના ઊંડાણ સુધી પહોંચવું પડશે. નાનાં બાળકોના અવિકસિત માનસને લોભ સિવાય કોઈ બીજી રીતે પ્રભાવિત કરી શકાશે નહિ. આ રીતે ધર્માચાર્યોએ પણ ધર્મમાર્ગમાં બાળકબુદ્ધિ, અલ્પજ્ઞાન ધરાવનાર માટે વિવિધ પ્રલોભનોથી યુક્ત માહાસ્યની રચના કરી. બીજો કોઈ માર્ગ એમની પાસે ન હતો. આ રીતે ઈશ્વરની કૃપાથી ભૌતિક સુખ સંપત્તિ તેમજ સ્વર્ગ-મોક્ષ પ્રાપ્ત થવાનું પ્રલોભન રાખવામાં આવ્યું છે, જે કોઈ રીતે અયોગ્ય નથી, કર્મ કરવાથી જ સુખ મળી શકે છે. આવી માન્યતા રાખનારાઓ સામે અમારો કોઈ વિરોધ નથી. શાસ્ત્રમાં ઈશ્વર શબ્દના ઘણા અર્થ બતાવાયા છે. ક્યાંક ક્યાંક એનો અર્થ કર્મ પણ થાય છે. કર્તવ્યવાદીઓ આ સ્થળે ઈશ્વર શબ્દનો અર્થ કર્મ કરતા હોય તો એમાં કોઈ આપત્તિ નથી.
એના પછી ભયનો ક્રમ આવે છે. ઈશ્વર અપ્રસન્ન થાય તો વિવિધ પ્રકારનો દંડ આપે છે. આ પ્રલોભનવાળા ઉપર્યુક્ત ભાગની બીજી બાજુ છે. કોઈ પણ પદાર્થની બે બાજુ હોય છે. એક ઊજળી તથા બીજી કાળી. બ્રહ્મચર્ય પાળવાથી બળવાન થવાય એ વીર્યરક્ષાની ઊજળી બાજુ છે. વીર્યનાશ કરવાથી રોગગ્રસ્ત બનશો એ આ જ સિદ્ધાંતની કાળી બાજુ છે. વિદ્યા મેળવવાથી કેટલાં સુખ મળશે એ જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે એ પણ કહેવામાં આવે છે કે ન ભણવાથી ખૂબ અભાવગ્રસ્ત તેમજ દુઃખી જીવન વિતાવવું પડશે. આ રીતે જયાં ઈશ્વરની પ્રસન્નતાથી સુખ મળવાનું કહેવામાં આવ્યું છે ત્યારે એની બીજી બાજુએ એ પણ કહેવામાં આવ્યું છે કે ઈશ્વર નારાજ થવાથી દુ:ખ અને કષ્ટ મળે છે. લાભને ઊજળી બાજુ કહેવામાં આવે છે. ભય એની અંધકારપૂર્ણ બાજુ છે. લોભથી પણ આગળ ન વધનારા પશુ સ્વભાવવાળાઓ માટે અંતિમ માર્ગ ભય જ બચે છે. ધર્મની આજ્ઞા પ્રમાણે ન ચાલવાથી ઈશ્વર વિવિધ પ્રકારની આધિ વ્યાધિઓથી વ્યથિત કરી નાખે છે. આ ભાવના અધર્મ માર્ગે જતાં રોકે છે. જો વિશ્વાસ દૃઢ થઈ જાય તો નિઃસંદેહ જીવનની બધી ક્રિયાઓ એને અનુકૂળ થવા લાગે છે. પાણીમાં ડૂબવાથી મૃત્યુ થાય છે, આ વિશ્વાસ સદૈવ ઊંડા પાણીમાં જવા સામે સાવધાન કરતો રહે છે. પ્રત્યક્ષરૂપે ડૂબીને મરવાનો ભલે આપણને જીવનભર અનુભવ ન થયો હોય, પરંતુ વિશ્વાસ અનુભવ કરતાં વધારે પ્રબળ હોય છે. અનુભવને ભૂલી જઈ શકાય, પરંતુ એ વિશ્વાસનું વિસ્મરણ નથી થતું. ભૂતોનો વિશ્વાસ મોટે ભાગે કલ્પિત હોય છે, પરંતુ એ અંધવિશ્વાસથી અનેક વ્યક્તિઓ સુખ-દુ:ખનો પ્રત્યક્ષ અનુભવ કરે છે. કેટલાક તો એમાં જ ગૂંચવાઈને મરી પણ જાય છે. નિઃસંદેહ વિશ્વાસ ઘણી પ્રબળ શક્તિ છે. ઈશ્વર પાપનો દંડ આપે છે એ વાત જો નિશ્ચિત થઈmય, તો બંદૂકોના પહેરામાં હાથકડી પહેરાવેલો કેદી જેમ ભલમનસાઈથી ચાલે છે એવું જ આચરણ ઈશ્વરવાદીને કરવું પડશે.
ચોથું તત્ત્વ એ છે કે ધર્માચરણ અને ઉપાસનાથી ઈશ્વર પ્રસન્ન થાય છે. એનાથી વિપરીત કરવાથી અપ્રસન્ન. ધર્માચરણની વાત અમે ઉપર્યુક્ત પંક્તિઓમાં વિસ્તારપૂર્વક સમજાવી ચૂક્યા છીએ કે તુચ્છ સ્વાર્થથી, પશુવૃત્તિથી સામાજિક જીવન તરફ વધવા માટે ધર્મનું સઘળું વિધાન છે અને એ વિધાનની રક્ષા માટે ઈશ્વરીય શાસનની સ્થાપના છે. એટલે એ વાત તો સમજાય છે કે ધર્માચરણથી ઈશ્વર પ્રસન્ન થાય છે, પરંતુ ઉપાસનાથી પ્રસન્ન અને નિંદાથી અપ્રસન્ન થવાની વાત સામે આવે ત્યારે ભારે સંદેહ ઊભો થાય છે, કેમકે એનાથી તો ઈશ્વર પણ ખુશામત પસંદ, પક્ષપાતી નવાબના જેવી પ્રકૃતિવાળો સાબિત થાય છે. એની અલિપ્તતા, સમદર્શીપણું તથા નિઃસ્પૃહતા ઉપર સ્પષ્ટ આક્ષેપ આવે છે અને એ પણ સાધારણ મનોવિકારી મનુષ્યની સીમામાં આવી જાય છે. આ સંદેહનું સમાધાન કરવા માટે કેવળ શુષ્ક વાદવિવાદથી કામ ચાલશે નહિ, પરંતુ આપણે ઊંડે ઊતરીને એ નિમિત્તને શોધી કાઢવું પડશે, જેના કારણે ઈશ્વરને ઉપાસના પ્રિય સ્વભાવનો માનવામાં આવ્યો છે. ડૉક્ટરોએ પોતાના સંશોધનોને આધારે એ પ્રમાણિત કરી આપ્યું છે કે મૂળ વૃત્તિઓ વિરુદ્ધ જો કોઈ નવો માર્ગ કાઢવો હોય તો એ માટે વારંવાર અને કઠોર પ્રયત્ન દ્વારા નવી ટેવ પાડવી પડે છે. આમ છતાં એ ટેવ એટલી નબળી હોય છે કે થોડા દિવસોમાં જો એના તરફ ઉદાસીનતા દર્શાવવામાં આવે, તો એ દૂર થઈ જાય છે.
એટલાં માટે એવી ટેવોને સુરક્ષિત રાખવા માટે નિરંતર પ્રયત્ન કરતા રહેવું પડે છે. આ અનાદિ સત્ય વૈદિક ઋષિઓ પણ જાણતા હતા. એમણે વિચાર્યું કે ઈશ્વરીય શાસનની સર્વાંગી વ્યવસ્થા બનાવી દીધા પછી પણ તે પશુવૃત્તિઓની સરખામણીમાં હલકી રહેશે અને જરા પણ ઢીલું મૂકવાથી મુશ્કેલી વધશે. આથી અનેકવાર વિશેષ પ્રેમ તેમજ ભક્તિ સાથે મૂર્તિપૂજાના આધારે ધ્યાનમગ્ન થઈને નિત્ય નૈમિત્તિક કર્મકાંડો દ્વારા ઈશ્વરની પૂજા, ઉપાસના કરતા રહેવાનો આદેશ આપ્યો. પતંગ બનાવી, એમાં દોરી બાંધી હવામાં ઉડાડવામાં આવે પછી દોરી હાથમાંથી છોડી દેવામાં આવે તો બધો પ્રયત્ન નિરર્થક થઈ જાય. જયાં સુધી પતંગને હવામાં ઉડાડવો હોય ત્યાં સુધી દોરી હાથમાં રાખવી જોઈએ. એની ગતિવિધિનું સંચાલન કરવું જોઈએ. લશ્કરના જવાનોને રોજ પરેડ કરવી પડે છે, જેથી એ શિક્ષણને ભૂલી ન જાય, પરંતુ તેનો અભ્યાસ કાયમ રહે. ધર્મની રક્ષા માટે ઈશ્વરનું શાસન બનાવવામાં આવ્યું, પરંતુ નિયમ વિના એ શાસન કેવી રીતે ચાલે?કેમ કે ઈશ્વરવાદ નવું શિક્ષણ છે. જીવ સ્વાર્થની ભાષા જાણે છે, પણ ઈશ્વર વિશે એને મનુષ્ય યોનિમાં જ જ્ઞાન મળે છે. જૂની ટેવોના પ્રમાણમાં નવી ટેવો નબળી હોય છે. જંગલી પોપટ બોર, જાંબુ ખાધા કરે છે, પરંતુ સોનાના પાંજરામાં દ્રાક્ષ ખાવાનું નવું સુખ લેવા માટે પકડાવાનું પસંદ નથી કરતો. પીંજરામાં ઉત્તમ રહેવા- કરવાનું મળે છતાં એ ફરીથી ઊડી જવાનો યત્ન કર્યા કરે છે. પીંજરાના સળિયા સાથે લડતો, ભાગવાનો પ્રયત્ન કરતો નિત્ય જોવા મળે છે. જો પાંજરું નબળું હોય તો સંભવ છે કે પોપટ નવી વ્યવસ્થાને ઠોકર મારીને ઊડી જાય, ભલે પછી એને જંગલમાં કષ્ટ કેમ ન સહેવું પડે. આ દેવાસુર સંગ્રામ મનુષ્યના મનમાં નિત્ય ચાલતો હોય છે. આગળ વધવા અને પાછળ હઠવાની દોરડાબેચ ચાલ્યા કરે છે. ઢીલ પડતાં જ ગોળ ગોબર(છાણ) બની શકે છે. એટલાં માટે ઈશ્વરવાદના આચાર્યોએ એ બાબત પર ખૂબ ભાર મૂક્યો છે કે ઈશ્વરની નિત્ય ઉપાસના કરવી જોઈએ. એ સિવાય ઈશ્વરીય શાસન પર વિશ્વાસ કરવાનો લાભ પ્રાપ્ત નથી થતો. આ લાભ પ્રાપ્ત કરવો તે ઈશ્વરની પ્રસન્નતા તેમજ એ પ્રાપ્ત ન કરવો તે એની અપ્રસન્નતાના અર્થમાં કહેવામાં આવ્યું છે.
આપણે માનીએ છીએ કે ઈશ્વર નિસ્પૃહ છે. એને નિંદા-સ્તુતિની આવશ્યકતા નથી, પરંતુ એ પણ માનવું પડશે કે નિત્ય ઉપાસના કર્યા સિવાય ઈશ્વરીય શાસનનો વિશ્વાસ મનમાં દૃઢ બનાવી રાખવો અઘરો છે. પ્રસન્નતા- અપ્રસન્નતાનો આલંકારિક શબ્દોમાં અહીં એ હેતુથી જ પ્રયોગ કરવામાં આવ્યો છે. પ્રસન્ન થવું- સુખ દેવું, અપ્રસન્ન હોવું – દુઃખ દેવું, ઈશ્વરના આ કાર્યક્રમ પર આપણે વાદવિવાદ કરીને યોગ્ય નિર્ણય પર ન પહોંચી શકીએ. જો આજે આપણે આ ભાવાર્થને આમ સમજીએ કે ઈશ્વર ઉપાસનાથી મનુષ્ય પોતાના પશુ સ્વભાવને દબાવી રાખી સુખશાંતિમય જીવન વિતાવી શકે છે, તો એ અર્થ બરાબર શાસ્ત્રકારની આંતરિક ઇચ્છાને અનુકૂળ હશે, માહાત્મ્યનું વર્ણન કરતી વખતે પ્રલોભનોનો સમાવેશ જે દષ્ટિએ થયો છે એ દષ્ટિએ ઉપાસનાથી ઈશ્વર પ્રસન્ન થવાનું અને સુખ આપવાનું વર્ણન છે. મૂળ તાત્પર્ય એટલું જ છે કે ઈશ્વરીય વિશ્વાસને દઢ રાખવાનો નિરંતર અભ્યાસ કરવાનું આવશ્યક છે, જેનાથી ધર્માચરણ માટે આપણા પૂજ્ય પૂર્વજોએ જે ગૂઢ માનસિક રહસ્યોને આધારે ઈશ્વરવાદની મહત્ત્વપૂર્ણ વ્યવસ્થા બનાવી છે એ સુદઢ અને સુવ્યવસ્થિત રહે.
પ્રતિભાવો