પ્રકૃતિનો રુદ્રાભિષેક – ગર્જનતર્જન કરતી ભૈરોંઘાટી, સૂનકારના સાથીઓ
May 23, 2022 Leave a comment
પ્રકૃતિનો રુદ્રાભિષેક – ગર્જનતર્જન કરતી ભૈરોંઘાટી, સૂનકારના સાથીઓ
આજે ભૈરોંઘાટી પાર કરી. તિબેટ સાથે વ્યાપારી સંબંધો રાખવાનો નૈલંગ ઘાટીનો રસ્તો અહીંથી જાય છે. હર્ષિલના જાડ અને ખાપા વેપારીઓ આ રસ્તેથી તિબેટ પ્રદેશમાં માલ વેચવા લઈ જાય છે અને બદલામાં ત્યાંથી ઊન વગેરે લાવે છે. ચઢાણ ખૂબ જ કપરું હોવાથી થોડી વાર ચાલ્યા બાદ શ્વાસ ચઢી જાય છે અને વારંવાર થાક ખાવા બેસવું પડે છે.
પહાડની ચટ્ટાનની નીચે બેસી આરામ કરી રહ્યો હતો. નીચે ગંગા એટલા જોરથી ગર્જના કરતી હતી કે તેટલી આખે રસ્તે ક્યાંય નહોતી સાંભળી. પાણીની છોળો ઊછળીને ૩૦-૪૦ ફૂટ ઊંચે આવતી હતી. આટલું ગર્જનતર્જન, જોશ, આટલો તીવ્ર પ્રવાહ કેમ છે તે જાણવાની ઉત્સુકતા વધી અને ધ્યાનપૂર્વક ઝૂકીને નીચે જોયું અને દૂર દૂર દૃષ્ટિ ફેરવી. એવું લાગ્યું કે ગંગાની બંને ધારાઓ સીધા પહાડની વચ્ચેથી ખૂબ જ થોડી પહોળાઈમાં થઈને વહે છે. પહોળાઈ ભાગ્યે જ ૧૫-૨૦ ફૂટ હશે. આવડી મોટી ગંગા આટલી નાની જગ્યામાંથી વહે તો સ્વાભાવિક રીતે જ પ્રવાહ અતિ તીવ્ર હોય. ઉપરાંત રસ્તામાં કેટલાય મોટા મોટા ખડકો પડ્યા હતા. તેમની સાથે જલધારા જોરથી અથડાતી હતી
એટલે જ ઘોર અવાજ આવતો હતો. ગંગાના પ્રચંડ પ્રવાહનું આ દૃશ્ય ખરે જ અદ્ભુત હતું. વિચારું છું કે સોરોં વગેરે સ્થાનોમાં, જ્યાં ગંગાનદી માઈલોના પટમાં ધીમે ધીમે વહે છે ત્યાં પ્રવાહમાં પ્રચંડતા નથી કે તીવ્રતા પણ નથી, પણ આ નાની ઘાટીના સાંકડા પટમાંથી વહેવાને લીધે જલધારા આટલી તીવ્ર ગતિથી વહે છે. મનુષ્યનું જીવન વિભિન્ન ક્ષેત્રોમાં વહેંચાયેલું રહે છે. તે શાંત હોય છે, પરંતુ તેમાં કોઈ વિશેષતા જોવા મળતી નથી, પણ જ્યારે કોઈ ખાસ હેતુ સિદ્ધ કરવા કોઈ વ્યક્તિ અમુક ક્ષેત્રમાં જ પોતાની સમગ્ર શક્તિ કેન્દ્રિત કરે તો તેનાથી આશ્ચર્યજનક તથા ઉત્સાહવર્ધક સફળતા પ્રાપ્ત કરી શકે છે. માનવી જો પોતાના કાર્યક્ષેત્રેને વિસ્તૃત કરી વધારે પડતાં નવાં નવાં કામ કરવાને બદલે એક જ કાર્યક્ષેત્રની પસંદગી કરી કામ કરે તો તે પણ આ સાંકડી ઘાટીમાંથી વહેતી ગંગાની જેમ ઊછળતો કૂદતો પૂરા જોશથી આગળ વધી શકે છે.
જલધારાની વચ્ચે પડેલા પથ્થરો પાણી જોડે ટકરાવા વિવશ થઈ રહ્યા હતા. આ સંઘર્ષમાં ગર્જનતર્જન થતું હતું અને રૂ જેવાં ફીણ પહાડની જેમ ઊંચે ઊઠતાં હતાં. વિચારું છું કે માનવીના જીવનમાં જો મુશ્કેલીઓ ન આવે તો તે વ્યક્તિની વિશિષ્ટતાઓ બહાર આવી શકે નહિ. ટકરાવાથી શક્તિનું ઉત્પન્ન થવું એ એક સનાતન સત્ય છે. આરામ તથા મોજશોખનું જીવન, વિલાસી જીવન નિર્જીવોથી સહેજ જ ચડિયાતું ગણાય. સહનશીલતા, તિતિક્ષા, તપશ્ચર્યા તેમ જ અવરોધોથી ડગ્યા વિના એક વીરને છાજે તેવું ટકરાવાનું સાહસ જો માણસ કરી શકે તો એની કીર્તિ પણ આ સ્થળના જેવી ગર્જનતર્જન કરતી દસે દિશાઓમાં ફેલાઈ શકે છે. એનું વિશિષ્ટ વ્યક્તિત્વ પાણીની છોળોની જેમ ખીલી શકે છે. ગંગા ડરતી નથી. તે સાંકડા ઘાટમાંથી વહે છે. માર્ગ અવરોધતા ખડકોથી ગભરાતી નથી, પણ તેમની સાથે ટક્કર લઈને પોતાનો રસ્તો બનાવી લે છે. આપણી અંતઃચેતના પણ આવા જ પ્રબળ વેગથી પરિપૂર્ણ હોત તો વ્યક્તિત્વ ખીલવવાનો કેવો અમૂલ્ય અવસર પ્રાપ્ત થાત !
પ્રતિભાવો