હિમાલયમાં પ્રવેશ – ઠંડા પર્વતનાં ગરમ ઝરણાં, સૂનકારના સાથીઓ
May 22, 2022 Leave a comment
હિમાલયમાં પ્રવેશ – ઠંડા પર્વતનાં ગરમ ઝરણાં
કેટલાય દિવસથી શરીરને થીજવી દેનારા બરફવાળા ઠંડા પાણીથી સ્નાન કરવું પડતું હતું. ખૂબ હિંમત કરીને એકાદ બે ડૂબકી મારી લેતા. શ૨ી૨ને ઘસી ઘસીને નહાવાનું શરીર માટે આવશ્યક હતું, પણ તે ઠંડીને લીધે શક્ય બનતું ન હતું. આગળ જઈ જગનાની ચટ્ટી પર પહોંચ્યા તો પહાડ પર આવેલા ગરમ પાણીના ત્રણ કુંડની ભાળ મળી. આ તકનો લાભ લઈ સારી રીતે નહાવાની ઇચ્છા તીવ્ર બની. ગંગાનો પુલ પાર કરી ઊંચાણવાળી ટેકરી સુધી કેટલીય જગ્યાએ વિસામો લેતા લેતા, હાંફતાં હાંફતાં ગરમ કુંડ સુધી પહોંચ્યા. ત્રણ કુંડ હતા. એકનું પાણી એટલું બધું ગરમ હતું કે નહાવાની વાત તો બાજુએ રહી, પરંતુ તેમાં હાથ પણ નાંખી શકાય તેમ ન હતું. કોઈકે એવી માહિતી આપી કે જો દાળચોખાની પોટલી બાંધી આ કુંડમાં નાખીએ તો થોડી જ વારમાં ખીચડી તૈયા૨ થઈ જાય. જો કે આ પ્રયોગ અમે ન કરી શક્યા. બીજા કુંડનું પાણી સાધારણ ગરમ હતું. જેમાં અમે ખૂબ નહાયા. કેટલાંય અઠવાડિયાંની ચોળી ચોળીને નહાવાની ઇચ્છા પૂર્ણ થઈ. કપડાં પણ ગરમ પાણીથી ધોયાં. સારાં ધોવાયાં.
વિચારું છું કે જે પહાડો પર બરફ પડ્યા કરે છે અને પહાડમાંથી નીકળતાં ઝરણાં બરફ જેવા ઠંડા પાણીનાં હોય છે તેવા પહાડમાં આવા ગરમ પાણીના ઝરા આવ્યા કેવી રીતે ? એવો ખ્યાલ આવ્યો કે પર્વતની અંદર ગંધકનું કોઈ પડ હશે, જે પોતાની નજીકથી નીકળતા ઝરણાને અતિશય ગરમ કરી દેતું હશે. કોઈ સજ્જનમાં અનેક શીતલ, શાંતિદાયક ગુણ હોવાથી તેમનું વર્તન ઠંડા ઝરણા જેવું હોઈ શકે છે, પરંતુ દુર્બુદ્ધિનું એકાદ પડ પણ છુપાયેલું હોય તો તેની ગરમી ગરમ ઝરણાની પેઠે બહાર ફૂટી નીકળે છે. તે છુપાયેલી રહેતી નથી.
જે પર્વત પોતાની ઠંડકને અખંડ રાખવા માગે તેણે આવાં ગંધકનાં ઝેરીલાં પડ ફેંકી દેવાં, ત્યજી દેવાં જોઈએ. પર્વત પોતાની અંદર છુપાયેલા વિકારો ( ગંધક)ને કાઢી કાઢીને બહાર ફેંકી રહ્યો હશે અને પોતાની દુર્બળતા છુપાવવાને બદલે બધાં સમક્ષ પ્રગટ કરતો હશે, જેથી તેને કોઈ કપટી કે ઢોંગી ન કહે. કદાચ ગરમ કુંડોનું આ એક કારણ હશે. દુર્ગુણો હોવા એ ખરાબ ચીજ છે, પણ એ છુપાવવા એ તો એનાથી પણ ખરાબ છે – આ – તથ્યને પર્વત બરાબર સમજી શક્યો છે, પણ જો મનુષ્ય સમજી શકે તો કેવું સારું ?
સમજવા જેવું એ છે કે ઠંડા પાણીના સ્નાનથી કંટાળેલી અમારા જેવી વ્યક્તિઓ માટે ગરમ પાણીના સ્નાનની સુવિધા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પર્વત પોતાની અંદર ખૂબ ઊંડાણમાં બચેલી થોડીક ગરમીને પણ બહાર કાઢી રહ્યો હતો. બહારથી તો પર્વત ઠંડો પડતો ગયો છે, પણ અંદર થોડીક ગરમી બચી ગઈ હશે. પર્વત વિચારતો હશે કે જ્યારે હું આખો જ ઠંડો પડી રહ્યો છું તો આ થોડીક ગરમી બચાવીને શું કરીશ ? શા માટે જરૂરવાળાને ગરમી ન આપી દઉં ? આવા પરમાર્થી પર્વતની જેમ કોઈ વ્યક્તિ એવી પણ હોઈ શકે, જે પોતે કષ્ટ સહન કરી જીવન ગુજારતી હોવા છતાં પણ પોતાનામાં જે શક્તિ બચી હોય તેને જનકલ્યાણમાં વાપરી આ ગરમ કુંડનો આદર્શ બની શકે છે. આ ઠંડા પ્રદેશના ગરમ કુંડને ભૂલી શકાય તેમ નથી. મારા જેવા હજારો યાત્રીઓ તેનાં ગુણગાન ગાતા હશે. એનો ત્યાગ પણ કેટલો અસાધારણ છે ! ખુદ ઠંડા રહી બીજા માટે ગરમી આપવી તે પોતે ભૂખ્યા રહીને બીજાને ભોજન આપવા સમાન છે. વિચારું છું કે બુદ્ધિહીન જડ પર્વત જો આટલું કરી શકે છે, તો પોતાને બુદ્ધિશાળી સમજનારા માનવીએ માત્ર સ્વાર્થી ન રહેવું જોઈએ.
પ્રતિભાવો