આર્થિક સફળતાની ચાવી – આત્મવિશ્વાસ | GP-4. ધનનો સદુપયોગ | ગાયત્રી વિદ્યા

આર્થિક સફળતાની ચાવી – આત્મવિશ્વાસ

જો તમે ધનના વાસ્તવિક સ્વરૂપને સમજી લીધું હોય અને તેનો દુરુપયોગ કરવાથી બચી શકતા હો તો તો એવું કોઈ જ કારણ નથી કે, ઉચિત પ્રયત્ન કરવા છતાં તમો આર્થિક સફળતા પ્રાપ્ત ન કરો.

આપ આર્થિક રીતે સફળતા પ્રાપ્ત કરવા ઇચ્છતા હો તો, તમારા મનમંદિરમાં સમૃદ્ધિનો વિચાર પ્રવેશવા દો. આવું ક્યારેય ન સમજો કે હું ગરીબ, દરિદ્ર કે ક્ષુદ્ર છું, સંસારમાં જો કોઈ ચીજ સૌથી વધુ નિકૃષ્ટ હોય તો તે છે વિચારોની દરિદ્રતા. જે મનુષ્યના વિચારોમાં દરિદ્રતા પ્રવેશ કરી લે છે, તે રૂપિયા હોવા છતાં ગરીબાઈનાં રોદણાં રડ્યા કરતો હોય છે. દરિદ્રતાના અનિષ્ટકારી વિચારો આપણને સમૃદ્ધિવાન બનાવતાં રોકે છે. આપણને ગરીબ જ બનાવી રાખે છે.

તમે દરિદ્રી ગરીબી અથવા અનાથ અવસ્થામાં રહેવા માટે પૃથ્વી ઉપર નથી જન્મ્યા. તમે ફક્ત એક મૂઠી અનાજ અથવા વસ્ત્ર માટે ગુલામી કરવા જન્મ્યા નથી.

ગરીબ કાયમ ગરીબાઈમાં જ રહે છે. આનું મુખ્ય કારણ એ છે કે, તે ઉચ્ચ આકાંક્ષા, ઉત્તમ પવિત્ર કલ્પનાઓ, સ્વાસ્થ્યદાયક સ્ફૂર્તિમય વિચારોનો નાશ કરી નાખે છે. આળસ તથા અવિવેકમાં ડૂબી જાય છે. હ્રદયને સંકુચિત, ક્ષુદ્ર, પ્રેમવિહીન તથા નિરાશ બનાવી લે છે. સીમિત દરિદ્રતા આવી જવાના કારણે, પ્રગતિ અટકી પડે છે. મનુષ્ય ઋણથી કાયમ માટે દબાઈ જાય છે. તેને પોતાના ગૌરવ તથા સ્વાભિમાનને ટકાવવું પણ મુશ્કેલ બની જાય છે. દરિદ્રી સ્વભાવવાળી વ્યકિતઓ કસમયે વૃદ્ધ બની જતી હોય છે. જે બાળકો ગરીબ ઘરમાં જન્મતાં હોય છે, તેમના સૂક્ષ્મ માનસ પર માનસિક ગરીબાઈની ગાંઠ પડી જતી હોય છે, પરિણામે તેઓ જીવનમાં ક્યારેય ઉચ્ચતા અથવા શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકતાં નથી. દરિદ્રતા, હસતા કિલકિલાટ ચહેરાઓને કમળની જેમ કરમાવી નાંખે છે. સર્વોત્કૃષ્ટ ઇચ્છાઓનો નાશ થઈ જાય છે. આવી અસહ્ય માનસિક દરિદ્રતા માણસને પીસી નાખતી હોય છે. સેંકડો મનુષ્યો આ ક્ષુદ્રતાની ઊંડી ખાઈમાં ડૂબેલા હોય છે.

આર્થિક સફળતા માટે પણ એક માનસિક સ્થિતિ, યોગ્યતા તથા પ્રયત્નશીલતાની જરૂર હોય છે. લક્ષ્મીનું આહ્વાન કરવા માટે પણ માનસિક દૃષ્ટિએ પણ તમારે કંઈક પૂજાનો સામાન એકત્રિત કરવો પડતો હોય છે.

દીપાવલીના પર્વ પર આપણે ઘર લીપી ગૂંપીને, ધોળાવીને, વાળી – ઝૂડીને સાફસૂફ કરીએ છીએ તથા સજાવીએ છીએ. નવી નવી કલાત્મક વસ્તુઓથી ઘરને શણગારીએ છીએ. શરીરને સુંદર વસ્ત્રો તથા આભૂષણોથી સજાવીએ છીએ. બસ આજ રીતે માનસિક પૂજા પણ કરતા રહો અર્થાત્ મનના ખૂણે ખૂણામાંથી દરિદ્રતા, ગરીબી, પરવશતા, ક્ષુદ્રતા, સંકુચિતતા, ઋણનાં જાળાં, વગેરેને વિવેકના ઝાડુથી સાફ કરી નાખો માનસિક પટલને આશાવાદિતાના ચૂનાથી ધોળી નાખો. માનસિક ઘરમાં આનંદ, આશા, ઉત્સાહ, પ્રસન્નતા, હાસ્ય, ઉલ્લાસ, ખુશમિજાજ વગેરેનાં મનોરમ ચિત્રો લગાવી દો. પછી શ્રમ તથા કરકસરના નિયમો મુજબ લક્ષ્મી દેવીની સાધના કરો. આર્થિક સફળતા તમારી થઈને રહેશે. આ વિદ્યા બધી વિદ્યાઓમાં શ્રેષ્ઠ છે જે આપણને દરિદ્ર તથા નિકૃષ્ટ વિચારોમાંથી મનને કેમ સાફ કરવું તે શીખવે છે.

પરમપિતા પરમાત્માની એવી ઇચ્છા ક્યારેય નથી કે આપણે આર્થિક રીતે બીજાઓના ગુલામ બની રહીએ. ભગવાને આપણને વિવેક આપ્યો છે, જેને અપનાવીને આપણે ઉચિત – અનુચિત ખર્ચનો ભેદ સમજી શકીએ. કામવાસના અને નશીલા પદાર્થોમાંથી મુક્ત થઈ શકીએ. આપણા અનુચિત ખર્ચ, ભોગ – વિલાસ તથા ફેશનમાં કાપ મૂકી શકીએ. ઘરમાં થતો વિવિધ પ્રકારનો બગાડ અટકાવી શકીએ છીએ. આપણી આવકમાં વધારો કરવો એ આપણા હાથની વાત છે, જેટલો આપણે પરિશ્રમ કરીશું. યોગ્યતાઓને વધારીશું, આપણી વિદ્યામાં સર્વોત્કૃષ્ટતા, માન્યતા, નિપુણતા વગેરે પ્રાપ્ત કરીએ, તેટલી જ ગતિથી આપણે આપણી આવક પણ વધારી શકીશું. દરેકને પોતાની યોગ્યતા અને નિપુણતા પ્રમાણે ધન પ્રાપ્ત થતું હોય છે. પછી શા માટે આપણે આપણી યોગ્યતા ન વધારીએ અને આપણી જાતને દરેક રીતે યોગ્ય સાબિત ન કરીએ ?

શ્રી ઓરિસન માર્ડનને પોતાના પુસ્તક ‘શાંતિ, શક્તિ તથા સમૃદ્ધિ’ માં ઘણાં બધાં જરૂરી તત્ત્વો તરફ ધ્યાન આકર્ષિત કરતાં લખ્યું છે કે – “દુનિયાના ગરીબ લોકોની ગરીબીનું કારણ શોધીએ તો જણાશે કે એમનામાં એ આત્મવિશ્વાસ નથી, એ શ્રદ્ધા નથી કે જેનાથી તેઓ છુટકારો મેળવી શકે.” હું ગરીબોને બતાવવા માગું છું કે તેઓ આવી કઠોર સ્થિતિમાંથી પણ પોતે પોતાની જાતને ઉન્નત બન્યા છે, ધનવાન બન્યા છે અને એથી જ તો હું કહું છું કે આ ગરીબો માટે પણ ઉજવળ આશાએ જ તેઓ ઉગ્ર પરિસ્થિતિને બદલી શકે છે. સંસારમાં આત્મવિશ્વાસ જ એક એવી ચાવી છે, જે સફળતાનું તાળું ખોલી શકે છે.

સંસારમાં જેટલા પ્રકારની શ્રેષ્ઠ શક્તિઓ છે તે બધી ઈશ્વરપ્રદત્ત છે. ધનની શક્તિ પણ તેમના દ્વારા જ ઉત્પન્ન કરેલી છે અને તેમણે ‘ લક્ષ્મી ’ સ્વરૂપે તેને સંસારના કલ્યાણાર્થે પ્રેરિત કરી છે. મનુષ્યનું કર્તવ્ય છે કે તેને ભગવાનની પવિત્ર અનામત સમજીને વ્યવહાર કરે. એટલું જ નહિ, તેણે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે આ શક્તિ એવા લોકો પાસે ન જાય, જેઓ તેનો દુરુપયોગ કરીને બીજાઓનું અનિષ્ટ કરતા હોય.

આપણે શરૂઆતથી જ ધનની પ્રશંસા અને બુરાઈ બંને સાંભળતાં આવ્યા છીએ, સંતોએ ‘ કામિની અને કંચન’ને આત્મિક પતનનું કારણ ગણાવ્યું છે. બીજા અનેક સાંસારિક કવિઓ ‘ સર્વે ગુણ: કંચનમાશ્રયત્તિ ‘ નો સિદ્ધાંત સંભળાવ્યા કરે છે. આ બંને વાતો સત્ય છે. જો આપણે ધનમાં આસક્ત બનીને તેને જ ‘ સારવસ્તુ ’ સમજી લઈએ અને તેને મેળવવા માટે પાપ – પુણ્યના ખ્યાલો પણ ભૂલી જઈએ અથવા તેનો દુરુપયોગ કરીએ, તો ચોક્કસપણે તે નર્કનો માર્ગ પકડ્યો કહેવાશે. પણ જો તેને ફક્ત સાંસારિક જરૂરિયાતોની પૂર્તિ માટેનું એક માત્ર સાધન માનીને જરૂરી કામોમાં તેનો ઉપયોગ કરીએ તો તે કલ્યાણકારી પણ બની શકે છે. આથી જ તો આત્મકલ્યાણના ઈચ્છુકોએ તો હંમેશાં ધનની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને તેનો સદુપયોગ જ કરવો જોઈએ.

ભોગવિલાસમાં ધન વાપરવું નાશકારક છે | GP-4. ધનનો સદુપયોગ | ગાયત્રી વિદ્યા

ભોગવિલાસમાં ધન વાપરવું નાશકારક છે.

બિનજરૂરી ચીજવસ્તુઓ પાછળ ખર્ચ કરવાથી કાર્યકુશળતા વધવાને બદલે તેનો હ્રાસ થતો હોય છે. મનુષ્ય આળસુ અને વિલાસી બની જાય છે. કામ કરવાનું મન થતું નથી. પૈસા વધુ ખર્ચાય છે, અને લાભ નહિવત્ મળે છે. આવી વસ્તુઓમાં નીચેની વસ્તુઓ મુખ્ય હોય છે – આલીશાન મકાન, રેશમી અથવા જરીનાં ઊંચી જાતનાં ભભકાદાર વસ્ત્રો, મિષ્ટાન, મેવા મીઠાઈ, ભેળ પૂરી, દારૂ, ચા, વિવિધ જાતનાં અથાણા, માંસ, ફેશનેબલ વસ્તુઓ, મોટર, તમાકુ, પાન, ઘરેણાં, જન્મોત્સવ અને લગ્નોમાં થતો અમાપ ખર્ચ, દિવસમાં બે વાર બદલવામાં આવતાં કપડાં, સાડીઓ, વધારે પડતી સજાવટ, નોકર – ચાકર, મનોરંજન માટેનો કીમતી સામાન, ઊંચી જાતની ફાઉન્ટેન પેન, સોનાની ઘડિયાળ, મોટી હોટલોમાં ભોજન, સિનેમા, સિગારેટ, પાન, વેશ્યાગમન, નાચગાન, વ્યભિચાર, શૃંગારિક સાહિત્ય, કીમતી ફિલ્મી સાહિત્ય, ફિલ્મી ફોટાઓ, શક્તિ બહારનું દાન, વાસના, મુસાફરી, યાત્રા, ઊંચી જાતનો રેડિયો, ફેશનેબલ વસ્ત્રો, ક્રીમ, પાઉડર વગેરે.

ઉપરોક્ત વસ્તુઓ જીવન ટકાવવા માટે અથવા કાર્યકુશળતા વિકસાવવા માટે જરૂરી નથી. પરંતુ પૈસા વધી જતાં મનુષ્ય બિનજરૂરી ખર્ચ કરે છે અને પછી તો આ બધી વસ્તુઓ ખરીદવાનો પણ અનુભવ કરે છે. આ બધી વસ્તુઓ પર સૌથી વધારે ટેક્ષ પણ લાગે છે અને મોંઘી પણ હોય છે. આ બધી વસ્તુઓને કૃત્રિમ જરૂરિયાતોથી પોષણ મળે છે. આથી આનાથી સાવધાન બનો.

આપણે જોઈએ છીએ કે લોકો લગ્ન, વહેવાર, ઉત્સવ, પ્રેતભોજન, વગેરે પ્રસંગોએ લોકોની સામે મોટાઈનું પ્રદર્શન કરવા માટે આંધળું ખર્ચ કરતા હોય છે. ઘરમાં ન હોય તો દેવું કરીને પણ પ્રસંગ ધૂમધામથી કરે છે, જાણે કે પોતાનું નાક ઊંચું રહેતું દેખાય છે અને જો આ ન કરે તો પોતાની આબરૂ ધૂળમાં મળી જતી હોય તેવું લાગે છે.

ભારતમાં ગરીબી છે, પણ ગરીબી કરતાં તો જડતા, અંધવિશ્વાસ, કુરિવાજો, મિથ્યા પ્રદર્શન, ઘમંડ, ધર્મનો આંધળો આડંબર અને નિરક્ષરતા અજ્ઞાનતા વધુ છે. આપણી પ્રતિદિન સરેરાશ વ્યક્તિદીઠ આવક ત્રણ ચાર રૂપિયાથી વધારે નથી. આમાં ભોજન, વસ્ત્ર, મકાન, વિવાહ વગેરે માટે બચત કરવાની હોય છે. પૈસાની અછતના કારણે આપણા દેશવાસીઓ મુશ્કેલીથી દૂધ, ઘી, ફળ – ફળાદિ વગેરે મેળવી શકતાં હોય છે. મોટા ભાગના લોકો માટે તો સારાં રહેઠાણોનો પણ અભાવ છે. સારાં કપડાં પણ પ્રાપ્ત થતાં નથી. બાળકોને સારું શિક્ષણ આપી શકતાં નથી. માંદગીમાં સારી સારવાર આપી શકાતી નથી, યાત્રા, અભ્યાસ તથા મનોરંજનનાં સાધનોથી વંચિત રહેવું પડે છે. તેમ છતાં લગ્ન વખતે આ બધું ભૂલી જઈએ છીએ. મરણ વખતે દેવું કરીને બારમું કરીએ છીએ. મુકદમામાં હજારો રૂપિયા ખર્ચી નાખીએ છીએ. આ બધું કરવા માટે વર્ષો સુધી પેટે પાટા બાંધીને પૈસા ભેગાં કરવા પડે છે, દેવું કરવું પડે છે અથવા તો અનીતિ આચરવી પડે છે.

ઈમાનદારીની કમાણી જ સ્થિર રહે છે | GP-4. ધનનો સદુપયોગ | ગાયત્રી વિદ્યા

ઈમાનદારીની કમાણી જ સ્થિર રહે છે

જે માણસ ધનની બાબતમાં અધ્યાત્મવેત્તાઓનો દૃષ્ટિકોણ સમજી લે છે, તે તેને ક્યારેય સર્વોપરી ગણશે નહિ. આનો અર્થ એ નથી કે તે સંસારનો ત્યાગ કરી દે અથવા ગરીબી અને દરિદ્રતાનું જીવન વિતાવે. મારો કહેવાનો અર્થ તો એટલો જ છે કે ધન માટે નીતિ તથા ન્યાયના નિયમોની અવગણના કદાપિ ન કરો અને જ્યાં ધર્મ તથા અધર્મ, સત્ય તથા અસત્યનો પ્રશ્ન પેદા થાય ત્યારે ત્યાં હંમેશાં ધર્મ તથા સત્યનો પક્ષ ગ્રહણ કરો, પછી ભલેને ધન લાભ થાય કે ધન – હાનિ, ધન કમાઓ અને તેનો ઉચિત ઉપભોગ પણ કરો, પણ પૂરી ઈમાનદારીપૂર્વક.

ધન નદી સમાન છે. નદી હંમેશાં સમુદ્રની તરફ અર્થાત્ નીચેની તરફ વહે છે. એ જ રીતે ધનને પણ જ્યાં જરૂરી છે, ત્યાં જ જવું જોઈએ. પરંતુ જેમ નદીની ગતિ બદલાઈ શકે છે તેમ ધનની ગતિમાં પણ પરિવર્તન થઈ શકે છે. કેટલીયે નદીઓ આમથી તેમ વહેતી હોય છે અને પરિણામે તેની આસપાસ પાણી ભરાઈ રહે છે જે ઝેરી હવા પેદા કરે છે. આ જ નદીમાં બંધ બાંધીને જ્યાં જરૂર હોય. ત્યાં પાણી લઈ જવાથી જમીનને ઉપજાઉ અને આજુબાજુની હવાને ઉત્તમ બનાવે છે. એ જ રીતે ધનનો ગમે તેમ ઉપયોગ કરવાથી ખરાબી વધે છે, ગરીબી વધે છે. સારાંશ એ જ કે એ ધન વિષ સમાન થઈ જાય છે. પરંતુ એ જ ધનનો ઉપયોગ નિશ્ચિત કરી દેવામાં આવે, તેનો નિયમપૂર્વક વ્યવહાર કરવામાં આવે, તો બંધ બાંધેલી નદીની જેમ સુખદાયક બની શકે છે.

અર્થશાસ્ત્રીઓ ધનની ગતિના નિયંત્રણના નિયમોને ભૂલી જાય છે. તેમનું શાસ્ત્ર ફક્ત ધન ભેગું કરવાનું શાસ્ત્ર, પરંતુ ધન તો ઘણી બધી રીતે મેળવી શકાય છે. એક સમય એવો હતો, જ્યારે યુરોપમાં ધનિકોને ઝેર આપીને તેમના ધનના પોતે માલિક બની જતા હતા. આજકાલ ગરીબ લોકો માટે જે ખાદ્ય પદાર્થ તૈયાર કરવામાં આવે છે. એમાં વેપારી લોકો ભેળસેળ કરે છે. જેમ કે કાળામરીમાં, પપૈયાના બી, ધાણા – જીરૂમાં લાકડાનો વેર, દૂધમાં પાણી, માખણમાં ચરબી વગેરે. આ ભેળસેળ પણ ઝેર આપીને ધનવાન બનવા સમાન છે. શું આને આપણે ધનવાન બનવાથી કળા અથવા વિજ્ઞાન કહી શકીએ ?

એવું પણ ન માની લેવું જોઈએ કે અર્થશાસ્ત્રી નરી લૂંટ ચલાવીને ધનવાન બનવાનું કહે છે તેમનું શાસ્ત્ર તો કાનૂન – સંગત તથા ન્યાય યુક્ત રીતે ધનવાન બનવાનું જણાવે છે. ન્યાયપૂર્વક ધન પ્રાપ્ત કરવું એ જ માત્ર સાચો રસ્તો કહી શકાય અને જો ન્યાયપૂર્વક જ પૈસા કમાવાની વાત બરોબર હોય, તો ન્યાય – અન્યાયનો વિવેક જગાડવો તે મનુષ્યનું પ્રથમ કામ હોવું જોઈએ, ફક્ત લેવડ – દેવડના વ્યાવસાયિક નિયમોથી વ્યાપાર કરવો પૂરતું નથી. આ કામ તો માછલીઓ, વરુ અને ઊંદરો પણ કરે છે. મોટી માછલી નાનીને ગળી જાય છે, ઊંદર નાનાં જીવજંતુઓને ખાઈ જાય છે અને વરુ માણસને ફાડી ખાય છે. એમનો આ જ નિયમ છે, એમને બીજું કોઈ જ્ઞાન જ નથી, પરંતુ મનુષ્યને તો ભગવાને સમજણ આપી છે, ન્યાય બુદ્ધિ આપી છે. આથી તેને તો બીજાઓનું ભક્ષણ કરીને, એમને ઠગી જઈને, એમને ભિખારી બનાવીને ધનવાન ન બનવું જોઈએ.

ધન સાધન માત્ર છે. તેનાથી સુખ અને દુ:ખ બંને પ્રાપ્ત થઈ શકે છે. જો તે સારા માણસના હાથમાં પડે છે, તો તેનાથી ખેતી થાય છે અને અન્ન પેદા થાય છે, ખેડૂત નિર્દોષ મજૂરી કરીને સંતોષ મેળવે છે તથા રાષ્ટ્ર સુખી થાય છે. ખરાબ મનુષ્યના હાથમાં ધન પકડતાં માની લો કે તે દારૂગોળો બનાવે છે અને સર્વનાશ કરે છે. દારૂગોળો બનાવનાર રાષ્ટ્ર અને જેના ઉપર તેનો પ્રયોગ કરવામાં આવે છે. તે બંને નુકસાન વેઠે છે અને દુઃખ ભોગવે છે.

આ રીતે આપણે જોઈએ છીએ કે સાચો મનુષ્ય એ જ ધન છે. જે રાષ્ટ્રમાં નીતિ છે તે ધનવાન છે. આ જમાનો ભોગ – વિલાસનો નથી. દરેક માનવીએ થઈ શકે તેટલી મહેનત મજૂરી કરવી જોઈએ.

સોનું – ચાંદી ભેગું થઈ જવાથી કંઈ રાજ્ય મળી જતું નથી. યાદ રાખવું જોઈએ કે પશ્ચિમમાં સુધારો થયાને હજુ તો સો વર્ષ જ થયાં છે. ખરું કહીએ તો પચાસ જ થયાં છે અને ફક્ત એટલાં જ સમયમાં પ્રજા વર્ણસંકર બની રહી હોય એવું લાગે છે.

વેપારીનું કામ પણ પ્રજા માટે જરૂરી છે, પણ આપણે માની લીધું છે કે ફક્ત તેનું ઘર ભરવું તે જ વેપારીનો ઉદ્દેશ છે. કાયદાઓ પણ આ જ દૃષ્ટિને ધ્યાનમાં રાખીને બનાવાયા છે કે વેપારી ઝડપથી ધન ભેગું કરી શકે. પ્રણાલી પણ એવી જ પડી ગઈ છે કે ગ્રાહક ઓછામાં ઓછી કિંમત આપે અને વેપારી જ્યાં સુધી બની શકે ત્યાં સુધી વધારે માગે અને વધારે લે. જો કે લોકોએ જ વેપારમાં આ કુટેવ ઘાલી છે અને હવે તો તેની બેઈમાનીના કારણે પતિત દૃષ્ટિથી જોવામાં આવે છે. આ પ્રથાને બદલવાની જરૂર છે. આ કોઈ નિયમ નથી બની ગયો કે વેપારીએ પોતાનો સ્વાર્થ જ સાધવો જોઈએ. ધન જ ભેગું કરવું જોઈએ. આ પ્રકારના વેપારને આપણે વેપાર ન કહેતાં ચોરી જ કહેવું જોઈએ. જે રીતે સિપાહી રાજ્યના સુખ માટે પોતાનું બલિદાન આપે છે, એવી જ રીતે વેપારીએ જનતાના સુખ માટે ધન વાપરવું જોઈએ, પ્રાણ પણ આપવો જોઈએ. સિપાઈનું કામ જનતાનું રક્ષણ કરવાનું છે, ધર્મોપદેશકનું કામ તેને સ્વસ્થ રાખવાનું છે અને વેપારીનું તેના માટે આવશ્યક સામગ્રી પહોંચાડવાનું છે. આ બધાંનું કર્તવ્ય છે કે સમય આવે પોતાનો પ્રાણ પણ આપી દેવો જોઈએ.

ધન પ્રત્યે યોગ્ય દૃષ્ટિકોણ રાખો | | GP-4. ધનનો સદુપયોગ | ગાયત્રી વિદ્યા

ધન પ્રત્યે યોગ્ય દૃષ્ટિકોણ રાખો

ભ્રમના કારણે આપણે પૈસાને જ ધન સમજી બેઠાં, સ્થાવર સંપત્તિને આપણે ધન નામ આપ્યું, પરિણામે આપણા જીવનનું કેન્દ્ર બિંદુ – આનંદનો સ્રોત આ જડ સ્થાવર અને જંગમ મિલકતના રૂપમાં સામે આવ્યો, આપણો પ્રવાહ ખોટા માર્ગે વહેવા લાગ્યો.

આપણા શ્વાસોચ્છવાસની કેટલીક પ્રક્રિયાઓની તુલના અથવા મૂલ્યાંકન શું ત્રિલોકની સંપૂર્ણ સંપત્તિ સાથે કરી શકાય ? વિશ્વના ધનનો તમામ ખજાનો જીવનરૂપી ધનની ચરણરજ કરતાં પણ અલ્પ છે. સાચું ધન આપણું સ્વાસ્થ્ય છે. વિશ્વની સંપૂર્ણ ઉપલબ્ધ સામગ્રીનું અસ્તિત્વ જીવનરૂપી ધનની શક્તિ ઉપર જ અવલંબિત છે. મનુષ્ય અપ્રાપ્ય વસ્તુઓ માટે ચિંતિત છે, જ્યારે પ્રાપ્ય વસ્તુ માટે ઉદાસીન છે. આપણી પાસે જે કંઈ છે તેનો આનંદ લઈ આપણે સુખ મેળવી શકતા નથી, પરંતુ શું નથી તેના માટે ચિંતિત છીએ, દુઃખી છીએ, પરેશાન છીએ. માનવ સ્વભાવની અનેક દુર્બળતાઓમાં મળેલી વસ્તુઓ પ્રત્યે અસંતોષ વ્યક્ત કરવો તે સહજ સ્વભાવ બની ગયો છે.

મનુષ્યે આદિકાળથી જ મગજનું દેવાળું કાઢેલું છે. એક વખત એક હૃષ્ટપુષ્ટ ભિખારી એક જ્ઞાની ગૃહસ્થને દરવાજે જઈ પોતાની ગરીબાઈનું વર્ણન કરીને ભીખ માગી રહ્યો હતો. સદ્ગૃહસ્થ તેની અપૂર્ણતાનું જોરદાર શબ્દોમાં વર્ણન સાંભળી રહ્યો હતો. સાંભળતાં એવું લાગ્યું કે તે દુનિયાનો મહાન ભિખારી છે. આના માટે તે વિશ્વ નિર્માતા ઈશ્વરને દોષિત ઠરાવી રહ્યો હતો. એટલામાં પેલો જ્ઞાની ગૃહસ્થ બહાર આવ્યો. જોયું તો તે શરીરમાં પહેલવાન જેવો જણાયો. તેણે પેલાં ભિખારીને કહ્યું – “ ભાઈ ! મારા નાના ભાઈ માટે આંખની કીકીની જરૂર છે. હું તને રૂા. ૧૦૦/ – આપું. તું મને એક આંખની કીકી કાઢી આપ, ” ભિક્ષુકે કહ્યું કે, “ ૧૦૦ તો શું પણ રૂા. દસ હજાર આપે તોય હું આપવા તૈયાર નથી. ” થોડી વાર પછી પેલાં ગૃહસ્થે ફરીથી કહ્યું, “ મારા પુત્રનો મોટર દુર્ઘટનામાં પગ તૂટી ગયો છે. આથી તમો દસ હજાર રૂપિયા રોકડા લઈને દવાખાને આવી તમારો એક પગ કાપી આપો તો તમારી ખૂબ મહેરબાની થશે. ” આ સાંભળીને ભિક્ષુક ખૂબ જ ક્રોધિત થયો અને બોલ્યો, ‘ દસ હજાર તો શું પણ દસ લાખ રૂપિયા આપે તોય હું મારા બહુમૂલ્ય અવયવો કાપીને આપું નહિ. ” આટલું કહી ગુસ્સે થઈ ચાલવા લાગ્યો. પેલા જ્ઞાનીએ ગંભીરતાથી અટકાવીને કહ્યું, “ ભાઈ ! તું તો ખૂબ જ ધનવાન છે, જ્યારે તારા ફક્ત બે અવયવોનું મૂલ્ય જ ૫૦ લાખ રૂપિયા થાય છે, તો ભલા સંપૂર્ણ શરીરનું મૂલ્ય તો અબજો રૂપિયા થશે. તું તો તારી કંગાલિતનો ઢંઢેરો પીટી રહ્યો છે અને લાખોને ઠોકર મારે છે. ” આ દૃષ્ટાંત બતાવે છે કે ખરેખર જીવન ધન અમૂલ્ય છે.

આપણે આપણો દૃષ્ટિકોણ ઠીક કરીએ. માટીના ઢગલાને, જડ વસ્તુઓને ધનની ઉપમા આપી તેની રક્ષા માટે સંતરીઓની ફોજ ઊભી કરી, વિશાળ તિજોરીઓની અંદર બંધ કરી દીધું. કોઈ પણ કિંમતના ભોગે ચોર – લૂંટારાઓથી તેને બચાવ્યું. પરંતુ દરરોજ નાશ પામનાર, આપણી પ્રત્યેક ક્રિયાઓ દ્વારા ઘસાઈ – ઘસાઈને નાશ પામનાર આ જીવનનો દીપ, વગર તેલે બુઝાઈ જશે. “ નિર્વાણ દીપે કિમ તૈલ્ય દાનમ” પછી શું થવાનું છે, જ્યારે દીપક હોલવાઈ જશે. આપણી આળસ અને કામચોરી જ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, તેનાથી આ જીવન ધનનું રક્ષણ કરવું પડશે. વ્યસન, વ્યભિચાર, અસંયમ વગેરે ડાકુઓ આપણને ન લૂંટી જાય તેનું ધ્યાન રાખવું પડશે. સતર્કતા સાથે જાગતા રહેવું પડશે, માંદગીના બિછાને પડેલા રોમના છેલ્લા સમ્રાટને રાજવૈદે સૂચના આપી કે તેઓ હવે થોડી ઘડીના મહેમાન છે, ત્યારે રોમની મહારાણી અને પાસે ઊભેલા મંત્રીઓએ રાજવૈદ્યને કરગરીને કહ્યું, “ જો તમે એમને બે કલાક સુધી જીવિત રાખી શકતા હો તો તમને રોમન સામ્રાજયના ખજાનાનો અડધો ભાગ ભેટ તરીકે આપીશું.” રાજવૈદે જવાબ આપ્યો, “ત્રિલોકની સંપૂર્ણ રાજ્યલક્ષ્મી પણ સમ્રાટને નિશ્ચિત સમય કરતાં એક શ્વાસ લેવા જેટલો સમય પણ જીવિત રાખવા માટે અસમર્થ છે.” શું આપણી આંખો ફૂટી ગઈ છે ? શું ઉપરના ઉદાહરણથી સ્પષ્ટ નથી થતું કે જીવન ધન અમૂલ્ય છે ? ખૂબ કીમતી છે ? શું તે અખિલ બ્રહ્માંડની કોઈપણ વસ્તુ કરતાં વધારે મહાન નથી ?

ધનનું સાચું સ્વરૂપ

ધનનો સંગ્રહ તેના સદુપયોગ માટે કરવો જોઈએ. સુખ અને સંતોષ અપાવે તેનાં કાર્યોમાં વાપરવું જોઈએ. પરંતુ સંગ્રહ કરવાની લાલસા તૃષ્ણાનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તથા વ્યક્તિ ધર્મ – અધર્મ, નીતિ – અનીતિ વગેરેનો ખ્યાલ કર્યા વિના કરાય છે અને તેવાં જ કાર્યોમાં ખર્ચે છે. જરૂરિયાતોની ઉપેક્ષા કરે છે ત્યારે તે ધન ધૂળ બરાબર બની જાય છે. શક્ય એ કે કોઈક માણસ ધનવાન બની જાય, પણ તેનામાં માનવીય ગુણોનો વિકાસ થયો ન હોય તથા તેનું ચરિત્ર અત્યાચારી, બેઈમાન તથા લંપટ વ્યક્તિ જેવું હોય ; જો ધનના સંગ્રહની સાથે સાથે તેનામાં સદ્વૃત્તિઓનો વિકાસ ન થયો હોય તો સમજી લેવું કે જમા કરેલું ધન બેકાર છે, વ્યર્થ છે. એવા ધનને આપણે સાધન સમજવાને બદલે સાધ્ય સમજી બેઠાં છીએ. ધનનો ગુણ છે ઉદારતા વધારવી, હ્રદયને વિશાળ બનાવવું. કંજૂસાઈ અને બેઈમાની જેની સાથે જોડાયેલી હોય, તે કમાણી આખરે દુ:ખદાયક જ સાબિત થશે.

જેમનું હૃદય દુર્ભાવનાઓથી કલુષિત થઈ રહ્યું હોય, એવા લોકો કંજૂસાઈ કરીને થોડુંક ધન મેળવી પણ લે, તો તે તેના માટે સુખદાયક નીવડતું નથી, પરંતુ કષ્ટદાયક જ સાબિત થશે. એવા ધનવાનોને તો ભિખારી જ કહેવા જોઈએ, કારણ પૈસાથી જે શારીરિક અને માનસિક સગવડો મેળવી શકાય છે, તે તેઓ મેળવી શકતા નથી. ઉપરથી ધનના ચોકીદાર બનીને તેની રખેવાળીમાં રાતદિવસ ઊંઘતા નથી. જે આદમી પોતાના આરામ માટે, સ્ત્રીના સ્વાસ્થ્ય માટે, બાળકોના શિક્ષણ માટે એક દમડી પણ ખર્ચવા તૈયાર નથી, એવાને કોણ ધનવાન કહેશે ? બીજાઓનાં દુ:ખોને પથ્થરની જેમ જડ બનીને જોતો રહે છે, પણ સારાં કાર્યોમાં એક પણ પૈસો ખર્ચતાં જેનો પ્રાણ નીકળતો હોય એવા અભાગિયા, મખ્ખીચૂસને ધનવાન કહી શકાય નહિ. એવા લોકો પાસે ખૂબ જ સીમિત માત્રામાં પૈસાનો સંગ્રહ થતો હોય છે. કારણ કે આવા લોકો પૈસા દ્વારા ફક્ત વ્યાજ કમાવાની હિંમત કરી શકતા હોય છે. જે ધંધામાંથી વધુ પૈસા કમાઈ શકાય, તેવા ધંધામાં જોખમ પણ એટલું જ રહેલું છે. કંજૂસ ડરે છે, કારણ કે કદાચ તેના પૈસા ડૂબી ન જાય, આથી તે છાતીથી અળગા કરી શકતો નથી અને કોઈ ધંધામાં રોકી શકતો નથી. આથી કોઈ પણ કંજૂસ સ્વભાવની વ્યક્તિ ઘણો મોટો ધનવાન બની શકતી નથી.

તૃષ્ણાનો ક્યારેય અંત આવતો નથી. વાસના છાયા સમાન છે. જેને આજ સુધી કોઈ પકડી શક્યું નથી. મનુષ્ય જીવનનો ઉદ્દેશ માત્ર પૈસા એકત્ર કરવાનો જ નથી, પણ તેનાથી કંઈક વિશેષ છે. પોમ્પાઈ નગરનાં ખંડેરો ખોદતાં એક હાડપિંજર મળ્યું. આ હાડપિંજર એવું હતું કે જેના હાથમાં સોનાની એક ઈંટ પકડેલી હતી. આના ઉપરથી એવું અનુમાન કરવામાં આવે છે કે, તેના મૃત્યુ વખતે તેણે તેના જીવ કરતાં સોનાની ચિંતા વધુ કરી હશે. એક જહાજ જ્યારે ડૂબી રહ્યું હતું, ત્યારે બધા જ લોકો નાવમાં બેસીને નાસ – ભાગ કરી રહ્યા હતા, પરંતુ એક વ્યક્તિ જહાજના ખજાનામાંથી ધન ચોરતો હતો. સાથીઓએ કહ્યું, “ ચાલો, દોડી જાઓ, નહિ તો ડૂબી જઈશું. પરંતુ પેલો આદમી પોતાની ધૂનમાં જ હતો અને જહાજની સાથે જ ડૂબી ગયો. એક કંજૂસ આદમીને ભગવાન શિવે પ્રસન્ન થઈને એક એવી થેલી આપી કે જેમાંથી વારંવાર લેવા છતાં એક રૂપિયો કાયમ રહેતો. ભગવાન શંકરે થેલી આપતી વખતે એવું પણ વરદાન આપ્યું હતું કે, જ્યાં સુધી આ થેલીનો નાશ ન કરે ત્યાં સુધી ખર્ચ કરવાની શરૂઆત કરતો નહિ. પેલો ગરીબ આદમી એક એક કરીને થેલીમાંથી રૂપિયા કાઢતો જ રહ્યો. જેમ જેમ કાઢતો ગયો, તેમ તેમ તેની તૃષ્ણા વધતી જ ગઈ. તે આખો દિવસ કાઢતો જ રહ્યો, અને અંતે કાઢતા કાઢતાં જ તેના રામ રમી ગયા.

એકવાર લક્ષ્મીજીએ પ્રસન્ન થઈને એક ભિખારીને કહ્યું કે, તારે જેટલું સોનું જોઈએ તેટલું લઈ લે, પણ તે જમીન ઉપર પડવું જોઈએ નહિ. જો પડ્યું તો માટી થઈ જશે. ભિખારી તેની ઝોળીમાં સોનું ભરવા લાગ્યો. તેણે એટલું બધું સોનું ભરી લીધું કે ઝોળી ફાટી ગઈ સોનું નીચે પડ્યું અને માટી બની ગયું. મહંમદ ઘોરી જ્યારે છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે લૂંટેલો તમામ ખજાનો પોતાની નજર સમક્ષ મૂકાવ્યો. તે આંખો ફાડી – ફાડીને તેની સામે જોઈ રહ્યો હતો અને આંખોમાંથી આંસુઓની ધારાઓ વહેતી હતી. તૃષ્ણામાં ફસાયેલો કંજૂસ માણસ ભિખારીથી જરાય ઊતરતો નથી. પછી ભલે ને તેની તિજોરી સોનાથી ભરેલી હોય ! આત્માના દિવ્ય ગુણોનો વિકાસ કરવો તે જ સાચી દોલત છે. ખરું માનો તો હ્રદયની સદ્પ્રવૃત્તિઓ સિવાય બીજે ક્યાંય સુખ શાંતિ નથી. માયાના આવરણ હેઠળ ભલે ને આપણે બાહ્ય દુનિયામાં સુખ શોધતા ફરીએ. એ પણ સાચું છે કે કેટલાક હરામખોર અને કામચોર માણસો અનાયાસ ધનવાન બની જાય છે, પણ વાસ્તવમાં તેઓ ધનપતિ નથી. ખરું પૂછો તો તેઓ વધુ ગરીબ છે અને ગરીબાઈ ભોગવી રહ્યા છે. તેમનું ધન બેકાર છે, એટલું જ નહિ તે અસ્થિર છે અને મોટે ભાગે તે તેમના માટે દુઃખદાયક છે. દુર્ગુણી ધનવાન એ ધનવાન નથી પણ એક ભિક્ષુક છે. અંત સમય સુધી જે ધનવાન રહે છે તેને લોકો ભાગ્યવાન માને છે, પણ મારો મત છે કે તે અભાગિયો છે, કારણ કે આવતા જન્મે તે તેના પાપોનું ફળ તો ભોગવશે જ, પરંતુ ધનને તો ન ભોગવી શક્યો કે ન સાથે લઈ જઈ શક્યો. જેના હ્રદયમાં સદ્વૃત્તિઓનો નિવાસ છે તે જ સાચો ધનવાન છે, પછી ભલેને બહારથી તે ગરીબીમાં જીવન જીવતો હોય. સદ્ગુણી ચોક્કસ સુખી થાય છે. સમૃદ્ધિ તેના સ્વાગત માટે દરવાજો ખોલીને ઊભી છે. જો તમો સ્થાયી રહેનાર સંપત્તિ ઇચ્છતા હો તો ધર્માત્મા બનો. લાલચમાં સપડાઈને વધુ પૈસા ભેગાં કરવા, કુકર્મો કરવા એ તો કંગાલિયતપણું છે. સાવધાન રહો, ક્યાંક લાલચમાં ફસાઈને સોનું કમાવા તો જાઓ, પણ બદલામાં માટી હાથમાં ન આવે !

એડીસને એક જગ્યાએ લખ્યું છે કે, દેવતા લોકો જ્યારે મનુષ્ય જાતિ પર કોઈ ખોટી ક્ર્રુપા કરે છે ત્યારે તેઓ તોફાન અને દુર્ઘટનાઓ પેદા કરે છે. આવું એટલાં માટે કરે છે કે, માણસમાં સુષુપ્તાવસ્થામાં રહેલું તેનું પુરુષત્વ પ્રગટીને બહાર આવે અને વિકાસની તક પ્રાપ્ત થાય, પથ્થર જ્યાં સુધી છીણી અને હથોડાના ઘા સહન ન કરે, ત્યાં સુધી તે મૂર્તિ બની શકતો નથી. એડમંડ બર્ક કહે છે કે, મુશ્કેલીઓ વ્યાયામ શાળાના એ ઉસ્તાદનું નામ છે, જે પોતાના શિષ્યોને પહેલવાન બનાવવા માટે તેમની સાથે જાતે લડે છે અને એમને પટકી પટકીને એવા તો મજબૂત બનાવી દે છે કે તેઓ બીજા પહેલવાનને હરાવી શકે. જહોન બાનથન ઈશ્વરને હંમેશાં પ્રાર્થના કરતો, “હે પ્રભુ ! મને વધુ દુઃખ આપ, જેથી હું અધિક સુખ ભોગવી શકું.

જે વૃક્ષો પથ્થર અને કઠોર – ખડકાળ જમીનમાં ઊગે છે અને જીવિત રહેવા માટે ટાઢ, તડકો, તોફાન વગેરેની સાથે સદા યુદ્ધ કરતાં રહે છે, તે વધારે મજબૂત અને વધારે દીર્ઘજીવી જોવા મળ્યાં છે. જેમને મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડતો, તેઓ જીવનભર કોઈ મહત્ત્વપૂર્ણ કામ કરી શકતાં નથી. એક તત્વજ્ઞાની કહ્યા કરતો હતો કે મહાપુરુષ દુ:ખોના પારણામાં ઝૂલે છે તથા મુશ્કેલીઓનું ઓશીકું બનાવે છે. આપત્તિની આગ આપણાં હાડકાંને પોલાદ જેવાં બનાવી દે છે. એકવાર એક યુવકે એક અધ્યાપકને પૂછયું, “ શું હું એક દિવસ પ્રખ્યાત ચિત્રકાર બની શકું ? ” શિક્ષકે કહ્યું, “ નહિ. આ સાંભળીને પેલાં યુવકે આશ્ચર્યથી પૂછ્યું, “ કેમ ? ” શિક્ષકે જવાબ આપ્યો, ‘ તું એટલાં માટે મહાન ચિત્રકાર નહિ બને કે તારી પૈતૃક મિલકતમાંથી તને ઘેર બેઠાં બેઠાં એક હજાર રૂપિયા માસિક મળી જાય છે. ” પૈસાના પ્રકાશમાં માણસ અંજાઈ જાય છે. પોતાનો કર્તવ્ય પથ દેખાતો નથી. તે રસ્તો ભૂલીને ક્યાંય જવાના બદલે ક્યાંય જતો રહે છે. લોખંડને વારંવાર ગરમ કરીને કીમતી ઓજારો બનાવી શકાય છે. હથિયાર તીક્ષ્ણ ધારદાર ત્યારે જ થાય છે, જ્યારે તેને વારંવાર પથ્થર ઉપર ખૂબ ઘસવામાં આવે છે. પહેલ પાડ્યા વગર હીરામાં ચમક આવતી નથી. ચુંબકીય પથ્થરને ખૂબ રગડવામાં ન આવે તો તેમાં છૂપાયેલો અગ્નિ સુષુપ્ત અવસ્થામાં જ પડી રહે છે. પરમાત્માએ મનુષ્ય જાતિને ઘણી બધી અમૂલ્ય વસ્તુઓ આપી છે. આમાં મહત્ત્વની છે ગરીબાઈ, કઠણાઈ, આપત્તિ તથા અગવડો. કેમ કે એમના દ્વારા જ મનુષ્યને પોતાના સર્વોત્તમ ગુણોનો વિકાસ કરવાની યોગ્ય તક મળે છે. કદાચ ભગવાને દરેક વ્યક્તિનાં બધાં જ કામ સરળ કરી દીધાં હોત તો ચોક્કસ આપણે સૌ આળસુ બનીને ક્યારનાય નાશ પામી ચૂક્યા હોત.

જો આપે બેઈમાની કરીને લાખો રૂપિયા ભેગા કરી નાખ્યા તો શું તે ખૂબ મોટું કામ કરી લીધું ? દીન-દુ:ખીઓનું લોહી ચૂસીને આપે મોટી ફાંદ વધારી દીધી તો શું મોટી સફળતા પ્રાપ્ત કરી લીધી ? આપના અમીર બનવાથી બીજાં અનેક ગરીબ બની રહ્યાં હોય, આપના વેપારથી બીજાઓનું જીવન પતિત થઈ રહ્યું હોય, અનેકોની સુખ શાંતિ નષ્ટ થઈ રહી હોય, તો એવી અમીરી પર શરમ છે શરમ ! યાદ રાખજો ! એક દિવસ તમને પૂછવામાં આવશે કે ધન કેવી રીતે મેળવ્યું અને તેનો ખર્ચ કેવી રીતે કર્યો. યાદ રાખજો, એક દિવસ ન્યાયના ત્રાજવે તમને તોળવામાં આવશે. ત્યારે તમારે તમારી ભૂલનું પ્રાયશ્ચિત્ત કરવું પડશે. જે વખતે તમને સાચી પરિસ્થિતિનું ભાન થશે.

તમને નવાઈ લાગશે કે શું વગર પૈસે પણ કોઈ ધનવાન બની શકે છે ? પરંતુ સત્યને સમજો, આ સંસારમાં એવા અનેક માણસો છે, જેમના ગજવામાં એક પણ પૈસો નથી, અરે, જેમને ગજવું પણ નથી, છતાં તેઓ એટલાં મોટા ધનવાન છે કે એમની બરોબરી બીજો કોઈ કરી શકે નહિ, જેનું શરીર સ્વસ્થ છે, ઉદાર હૃદય સોના કરતાં વધુ મૂલ્યવાન છે અને પવિત્ર મનની કિંમત રત્નો કરતાં પણ વધુ છે. લોર્ડ કાલિંગ ઉડ કહેતા, “ બીજાઓને ધનના ઉપર મરવા દો, હું તો વગર પૈસાનો અમીર છું, કારણ કે હું જે કંઈ કમાઉ છું, નેકીથી કમાઉ છું. ” સીસરોએ કહ્યું છે, “ મારી પાસે થોડા ઈમાનદારીથી કમાયેલા પૈસા છે, પરંતુ તે મને કરોડપતિ કરતાં વધુ આનંદ આપે છે.”

દધીચિ, વશિષ્ઠ, વ્યાસ, વાલ્મીકિ, તુલસીદાસ, સૂરદાસ, રામદાસ, કબીર વગેરે પૈસાના ધનવાનો હતા. તેઓ જાણતા હતા કે માનવીનો બધો જ ખોરાક મુખ વડે જ અંદર જતો નથી અને નથી તો જીવનને આનંદ આપનારી તમામ વસ્તુઓ પૈસાથી ખરીદી શકાતી. ભગવાને જીવનરૂપી પુસ્તકના પ્રત્યેક પાના ઉપર અમૂલ્ય રહસ્યોને અંકિત કરી રાખ્યાં છે. જો આપણે ઇચ્છીએ તો તેને ઓળખીને જીવનને પ્રકાશપૂર્ણ બનાવી શકીએ છીએ. એક વિશાળ હૃદય અને ઉચ્ચ આત્માવાળો મનુષ્ય ઝૂંપડીમાં પણ રત્ન જેવો ઝગમગાટ પેદા કરશે. જે સદાચારી છે અને પરોપકારમાં પ્રવૃત્ત છે, તે આ લોકમાં અને પરલોકમાં પણ ધનવાન છે. પછી ભલેને તેની પાસે દ્રવ્યનો અભાવ હોય. જો તમે વિનયશીલ, પ્રેમી, નિ:સ્વાર્થ તથા પવિત્ર હો તો વિશ્વાસ કરો કે તમે અનંત ધનના સ્વામી છો.

જેની પાસે પૈસા નથી તે ગરીબ કહેવાશે, પરંતુ જેની પાસે ફક્ત પૈસા છે તે એનાથી વધારે કંગાળ છે. શું તમો સદ્બુદ્ધિ તથા સદ્ગુણોને ધન નથી માનતા ? અષ્ટાવક્ર આઠ જગ્યાએથી વાંકા હતા તથા ગરીબ હતા, પરંતુ જ્યારે જનકની સભામાં જઈને પોતાના ગુણોનો પરિચય આપ્યો તો રાજા જનક એમના શિષ્ય બની ગયા. દ્રોણાચાર્ય જ્યારે ધૃતરાષ્ટ્રના દરબારમાં પહોંચ્યા, તો એ વખતે તેમના શરીર પર કપડાં પણ ન હતાં. પરંતુ એમના ગુણોએ એમને રાજકુમારોના ગુરુનું સન્માનપૂર્ણ પદ અપાવ્યું. મહાત્મા ડાયોજનિજની પાસે જઈને વિશ્વ વિજેતા સિકંદરે વિનંતી કરી, “ મહાત્મન્ આપના માટે કઈ વસ્તુ લાવું ? જવાબ આપ્યો, “ તડકો આવવા દે અને એક બાજુ ઊભો રહે, “ તે વસ્તુ તું ન છીનવી લે, જે તું મારા માટે લાવી શકતો નથી. ” આ સાંભળી સિંકદરે કહ્યું, “જો હું સિકંદર ન હોત તો ડાયોજનીજ થવાનું જ પસંદ કરત.”

ગુરુ ગોવિંદસિંહ, વીર હકીકતરાય, છત્રપતિ શિવાજી, રાણા પ્રતાપ વગેરેએ ધન માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું ન હતું. માનનીય ગોખલેજીને એક સંપન્ન વ્યક્તિએ પૂછયું, “ આપ એટલાં મહાન રાજનીતિજ્ઞ હોવા છતાં ગરીબીનું જીવન કેમ જીવો છો ? ” જવાબ આપ્યો, “ મારા માટે આટલું ઘણું છે. પૈસા ભેગાં કરવા માટે જીવન જેવી મહત્ત્વપૂર્ણ વસ્તુનો મોટો ભાગ નષ્ટ કરી દેવો તેમાં મને બુદ્ધિમત્તા લાગતી નથી.”

તત્ત્વજ્ઞાનીઓનું કહેવું છે કે, “હે ઐશ્વર્યની ઇચ્છા કરનારાઓ ! તમારા તુચ્છ સ્વાર્થને જીર્ણ થયેલા અને જૂના ફાટેલા ઝભ્ભાની જેમ ઉતારીને ફેંકી દો, પ્રેમ અને પવિત્રતાનાં નવાં વસ્ત્રો ધારણ કરી લો. રોવું, કૂટવું, ગભરાવું, નિરાશ થવું વગેરે છોડી દો, પ્રચુર સંપત્તિ તમારી અંદર જ ભરેલી છે. ધનવાન બનવું હોય તો તેની ચાવી બહાર નહિ પણ અંદર શોધો. ધન બીજું કશું જ નથી, સદ્ગુણોનું નાનકડું પ્રદર્શન છે. લાલચ, ક્રોધ, ઘૃણા, દ્વેષ, છળ કપટ તથા ઈન્દ્રિય – લિપ્સાને છોડી દો. પ્રેમ, પવિત્રતા, સજ્જનતા, નમ્રતા, દયાળતા, ધૈર્ય તથા પ્રસન્નતા વડે તમારા મનને ભરી દો. બસ, પછી તો ગરીબાઈ તમારા દરવાજેથી સદાયના માટે પલાયન થઈ જશે. નિર્બળતા અને દીનતાનાં દર્શન નહિ થાય. અંદરથી એક એવી અગમ્ય તથા સર્વ વિજયી શક્તિનો આવિર્ભાવ થશે કે, જેનો વિશાળ વૈભવ દૂરદૂર સુધી પ્રકાશિત થઈ જશે.

શું ધન દુઃખનું કારણ બની શકે ? | GP-4. ધનનો સદુપયોગ | ગાયત્રી વિદ્યા

શું ધન દુઃખનું કારણ બની શકે ?

આપણે જોઈએ છીએ કે વર્તમાન સમયમાં સંસારના મોટા ભાગના લોકોએ ધનના વાસ્તવિક સ્થાનને ભૂલી જઈને તેને ખૂબ ઊંચા સ્થાને બેસાડી દીધું છે. ધનનું મહત્વ ખૂબ ઊંચું આંકી દીધું છે. આજે ઊભી થયેલી પરિસ્થિતિને જોતાં તો આપણને લાગે છે કે માનવજીવનનો સૌથી મોટો શત્રુ ધન જ છે અને તેનો સ્વીકાર કરવો જ રહ્યો. ઈસુ ખ્રિસ્ત એ સાચે જ કહ્યું છે, “ ધનવાનને સ્વર્ગમાં પ્રવેશ મળવો અસંભવ છે. ” આનો અર્થ એ થયો કે ધન મનુષ્યને એટલો આંધળો બનાવી દે છે કે, તે સંસારનાં તમામ કાર્યોથી પતિત થાય છે. ધનનો ઉપયોગ લોકસેવામાં થાય, તેમાં જ તેનું મહત્વ છે, નહિ તો ધનના જેટલું અનર્થકારી બીજું કશું જ ન હોઈ શકે. શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે –

સ્તેયં હિંસાનુતં દંભઃ કામઃ ક્રોધઃ સ્મયો મદઃ | ભેદોઃ વૈરમવિશ્વાસઃ સંસ્પર્ધા વ્યસનાનિ ચ ||

એ તે પંચદશાનર્થા હ્યર્થમૂલા મતા નૃણામ્ | તસ્માદનર્થમર્થાખ્યં, શ્રેયોઅવ્રર્થી દૂરતસ્ત્યજેત્ ||

( ૧૧ / ૨૩ / ૧૮-૧૯ ).

“ધનથી જ માનવમાં આ પંદર અનર્થો જન્મે છે – ચોરી, હિંસા, જૂઠ, દંભ, કામ, ક્રોધ, ગર્વ, મદ, ભેદબુદ્ધિ, વેર, અવિશ્વાસ, સ્પર્ધા, લંપટતા, જુગાર તથા દારૂ. આથી કલ્યાણકારી પુરુષે તો અર્થ નામધારી – અનર્થનો દૂરથી જ ત્યાગ કરી દેવો જોઈએ”

આજે સંસારમાં ખૂબ જ ઓછા લોકોને સુખી કહી શકાય તેમ છે. ભૂતકાળમાં આપણું જીવન ફક્ત રોટલો કમાવા પાછળ વ્યતીત થયું. હવેનો સમય આપણે સમાજમાં આપણું સ્થાન પ્રાપ્ત કરવા માટે વાપરવો જોઈએ. ફક્ત ધન અને સમૃદ્ધિ જ જીવનનું લક્ષ્ય નહિ હોવું જોઈએ. આપણને બધાંને એ પ્રેરણા થવી જોઈએ કે આપણું જીવન પ્રકૃતિથી વધુને વધુ નજીક હોવું જોઈએ, તેમ જ તર્ક અને બુદ્ધિથી દૂર ન હોવું જોઈએ. આપણી જાતને કામ કરવાનો આદર્શ સમજી જીવન જીવવું જોઈએ. આ આદર્શ પેટ માટેનો ધંધો નહિ, પણ સેવા હોવી જોઈએ. સર્વકલ્યાણ, સમાજસેવા, સામાજિક જીવન તથા શિક્ષણ આપણું કાર્યક્ષેત્ર બનવું જોઈએ. આપણે એવા યુગની કલ્પના કરવી જોઈએ કે આપણું જીવન ફક્ત આજીવિકા – ઉપાર્જન જ ન બની રહેવું જોઈએ. જીવન ફક્ત અર્થશાસ્ત્રો કે પ્રતિસ્પર્ધાની વસ્તુ ન બની જાય. વેપારના નિયમો બદલાઈ જાય. એક કામને કરનારી અનેક વ્યક્તિ હોય અને અનેક વ્યક્તિઓ એક કામ પણ કરી શકે. માલિક અને નોકર વચ્ચે શ્રમના કલાકો અંગેની માથાકૂટ ન રહે. મનુષ્ય ફક્ત મનુષ્ય જ નથી, તેનો આત્મા પણ છે, તેનો દેવતા પણ છે. અરે, એટલું જ નહિ તે તેનું આલોક અને પરલોક પણ છે.

જો આપણે આપણા તથા બીજાઓના હ્રદયમાં પેસીને આ બધું સમજી લઈએ, તો આપણું જીવન કેટલું સુખી બની જાય ! પણ દુઃખની વાત એ છે કે આજે આપણે આવું કેમ નથી કરતા ? આનું

કારણ ધન છે. ધનની દુનિયામાં નિર્ધનનું વ્યક્તિત્વ સમાપ્ત થઈ જાય છે. જ્યાં સુધી પોતાના વ્યક્તિત્વના વિકાસની તક ન મળે,ત્યાં સુધી આદમી સુખી થઈ શકતો નથી, આ સભ્યતા વ્યક્તિત્વના વિકાસને રોકે છે. વિકસિત થયા વિના તેને સુખ નથી મળતું. બીજાને ઘસવા કરતાં પોતાની જાતે જ ઘસાવાથી સુખ પ્રાપ્ત થાય છે, ત્યાગ વિના સુખની સંભાવના જ નથી, આ સુખ ત્યારે જ પ્રાપ્ત થાય છે, જ્યારે આપણે દરેક કાર્ય બીજાની મદદ માટે છે એવા ભાવથી કરીએ, પછી ભલે ને આપણે આપણી ઇચ્છાઓનું દમન કરવું પડે. સુખનું સૌથી મોટું સાધન નિઃસ્વાર્થ સેવા જ છે,

પૈસાના સૌથી મોટા પૂજારી યહૂદીઓને માનવામાં આવે છે, પરંતુ હવે તો યહૂદી સમાજમાં પણ ધન વિરુદ્ધનું અભિયાન શરૂ થયું છે, ‘ જેરૂસલેમ મિત્ર સંઘ ‘ ની તરફથી એક ’ ચૂઝ ’ એટલે ‘ પસંદ કરેલો ’ નામનું પુસ્તક પ્રગટ થયું છે. તેનું લક્ષ્ય છે, તમે ઈશ્વર તથા શેતાન બંનેની ઉપાસના એક સાથે કરી શકો નહિ, આ પુસ્તકના લેખક શ્રી આર્થર ઈ. જોન્સનું કહેવું છે કે, કોણ જાણે કેવી ખરાબ પળમાં સંસારમાં પૈસા આવ્યો, જેથી આજે આપણા ઉપર તેણે પોતાનો અધિકાર જમાવી દીધો. આપણે તેના ગુલામ બની ગયા. જો હું એમ કહું કે સંસારની સમૃદ્ધિમાં સૌથી મોટી બાધા પૈસા છે, તો જૂના લોકો ચક્તિ થઈ જશે. પરંતુ આજે સંસારમાં જે કોઈ દુઃખ, દર્દ, પીડા છે તે આ નીચ દેવતાને લીધે છે. ખાદ્ય સામગ્રી, રોગ, આધિ, વ્યાધિ અને ઉપાધિ- આ બધાનું મૂળ કારણ પૈસો છે, કારણ કે સુખની તમામ વસ્તુઓ તે વડે જ મેળવી શકાય છે. આથી જ સંસારમાં આટલું કષ્ટ છે. જેટલો સમય ઉપભોગની વસ્તુઓના પેદા કરવામાં જાય છે, તેના કરતાં અનેક ગણો સમય એ વસ્તુઓના વિક્રયના સોદામાં જાય છે. વેપારની દુનિયામાં એવા કરોડો સ્ત્રી – પુરુષો છે, જેઓ ઉત્પાદનના નામે કશું જ કરતા નથી.

ઉપાધિ એ છે કે લોકો એકબીજાને પ્રેમ નથી કરતા. મેળવવાની જે સ્વાર્થી ભાવના છે, તેની જગ્યાએ આપવાની ભાવના થઈ જાય, તો દરેક વસ્તુનું આર્થિક મહત્વ સમાપ્ત થઈ જાય. આજે લાખો માણસો હિસાબ – કિતાબ રાખવાના અને લખવાના કાર્યમાં પરેશાન થાય છે તથા લાખો માણસો લશ્કર, પલટન તથા પોલીસમાં હિસાબ – કિતાબ રાખનારાઓની તથા તેમના ખજાનાની રક્ષા કરવા માટે રોકવામાં આવેલા છે. રૂપિયાના કારણે જ જેલ તથા પોલીસની જરૂર રહે છે. જો આજ માણસો સ્વયં ઉત્પાદનના કામમાં લાગી જાય તથા પોતાના ઉત્પાદનનું આર્થિક મૂલ્ય પ્રાપ્ત કરવાને બદલે ફક્ત શરીર સુખ જ પ્રાપ્ત કરે તો દુનિયા કેટલી બધી સુખી બની જાય ! આજે દુનિયામાં અખૂટ સંપત્તિ તિજોરીઓમાં, બેંક તથા વીમા કંપનીઓનાં વિશાળ મકાનોમાં, લશ્કરી, પોલીસ, જેલ તથા રક્ષકોના સમૂહમાં લાગેલી છે. જો આ બધી સંપત્તિ અને તેની વધતી જતી માયાજાળ સંસારના લોકોનું પેટ ભરવા માટે ખર્ચવામાં આવતી હોત તો ન જાણે આ દુનિયા કેવી હોત ! દવાખાનાઓમાં લાખો સ્ત્રી – પુરુષો યા તો રૂપિયાના ભારથી કે તેના અભાવથી બીમાર પડેલા છે. લાખો સ્ત્રી પુરુષો ધન મેળવવા માટે જેલ ભોગવી રહ્યા છે.આજે લગભગ દરેક પરિવારમાં આનો ઝઘડો છે. માલિક તથા નોકર વચ્ચે આનો ઝઘડો છે. જો ધનની મર્યાદા ન હોત તો આ સંસાર કેટલો મર્યાદિત થઈ જાત !

જો કે એ પણ એટલું જ સાચું છે કે આ સંસારમાંથી પૈસા એકદમ જતા રહે તે અશક્ય છે, અસંભવ છે. પરંતુ પૈસાનો વિકાસ, તેનું મહત્વ તથા તેના સામ્રાજયને જરૂર રોકી શકાય. આ માટે આપણે આપણો મોહ ત્યાગવો પડશે, સ્વાર્થના સ્થાને પરમાર્થ, સમૃદ્ધિનાં જૂઠા સપનાંની જગ્યાએ ત્યાગ તથા ભાગ્યના સ્થાને ભગવાનનું શરણું લેવાનું રહેશે. જો આવું નહિ કરીએ તો આજની હાયવોયે આપણું જીવન સુખ નષ્ટ કરી નાખ્યું છે, અને હવે આપણા આત્માનો પણ વિનાશ કરશે. આપણે બધું ગુમાવીને પણ આપણા આત્માને બચાવવો છે.

ધનનો બગાડ બંધ કરો | GP-4. ધનનો સદુપયોગ | ગાયત્રી વિદ્યા

ધનનો બગાડ બંધ કરો

ઈમાનદારી અને સત્યપૂર્ણ વ્યવહારનો ઉપદેશ સાંભળવા છતાં મોટા ભાગના લોકો તેનું પાલન કરતા નથી, આનું મુખ્ય કારણ છે આપણી અપવ્યયની કુટેવ, જે લોકો દેખાદેખીથી બીજાના જેવો ભપકો અને મોટાઈ બતાવવા પોતાનું ગજું ન હોવા છતાં પ્રયત્ન કરે છે, તેમને વિવિધ પ્રકારનો ખર્ચ કરવાની ટેવ પડી જાય છે. આવા લોકો ઇચ્છે તો પણ ઈમાનદાર રહી શકતા નથી. આવા લોકોની આર્થિક સ્થિતિ ક્યા કારણોથી નથી સુધરતી તેનું એક ચિત્ર આ મુજબ છે :

તમે માસિક રૂા. ૧,૦૦૦/ – કમાઓ છો, આડોશી – પાડોશી તમને આર્થિક દૃષ્ટિએ સાધન – સંપન્ન માને છે, તમારા હાથમાં રૂપિયાની આવ – જા થયા કરે છે, પરંતુ તમને એ જોઈને દુઃખ થાય છે કે, તમારો પગાર દર મહિનાની ૨૦ તારીખે પૂરો થઈ જાય છે. છેલ્લા દસ દિવસ ખૂબ જ ભીડમાં પસાર કરવા પડે છે. તમે બજારમાંથી ઉધાર લાવો છો. જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ ખરીદી શકાતી નથી. તમારો નોકર, સ્ત્રી, બાળકો પૈસા માગે છે, દુકાનવાળા ઉઘરાણી મોકલે છે, તમે અનેક પ્રકારનાં બહાનાં બતાવીને તેને ટાળતા રહો છો અને ખૂબ જ ઉત્સુકતાપૂર્વક પહેલી તારીખની વાટ જુઓ છો. વરસના બાર મહિના આ જ ક્રમ ચાલતો રહે છે થોડી પણ બચત થતી નથી, વૃદ્ધાવસ્થામાં બીજાઓના આશ્રયે રહેવું પડે છે, બાળકોનાં લગ્નો વગેરે કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી શકાતું નથી. મહત્ત્વાકાંક્ષાઓ પૂરી થઈ શકતી નથી. પણ કેમ ?

શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે તમારો પગાર ૨૦ તારીખ સુધીમાં કેમ વપરાઈ જાય છે ? તમે અસંતુષ્ટ અને મૂંઝાયેલા કેમ રહો છો ?

તો જુઓ ! તમે તમારા ઘર પાસેની પાન બીડીની દુકાન છે તેના બિલને તપાસો. મહિનામાં કેટલા રૂપિયા તમે પાન બીડી પાછળ ખર્ચ કરો છો, રોજની પાંચથી સાત સિગારેટ અને ચારથી પાંચ પાન તમે ખાઓ છો. ઊંચી જાતની પેટી તમારા ગજવામાં હોય છે. જો રોજના ત્રણથી ચાર રૂપિયા તમે આમાં ખર્ચતા હો તો મહિનાના ૧૦૦ થી ૧૨૦ રૂપિયા બીડી – પાનના ખર્ચમાં વપરાઈ જાય છે. ઘણા તો દર મહિને ૨૦૦ થી રપ૦ રૂપિયા આ વ્યસન પાછળ ખર્ચી નાખે છે.

નાસ્તો, ભેળ, પકોડી, ચા, કોફી, રેસ્ટોરન્ટ, શરબત, સોડા, આઈસ્ક્રિમ, હળવો નાસ્તો વગેરેમાં તમે તમારી કમાણીના કેટલા પૈસા ખર્ચી નાખો છો, તેનો કોઈ દિવસ હિસાબ કરો છો ? જો એકલાં ગયા તો એકાદ બે રૂપિયા અને મિત્રો સાથે તો પાંચથી સાત રૂપિયા ખર્ચાઈ જતા હોય છે. એક કપ ચા ( પ્રત્યક્ષ ઝેર ) ખરીદીને તમે તમારા પરસેવાની કમાણી નકામી ખોઈ નાખો છો. ઉપર જણાવ્યા તે પદાર્થો આપણી જીભના સ્વાદની કુટેવને ક્ષણભર જ સંતોષ આપતા હોય છે, છતાં ઇચ્છા તો અતૃપ્ત જ રહે છે. મીઠાઈ ખાવાથી નથી તો શક્તિ આવતી કે નથી કોઈ કાયમી લાભ થતો, ઉપરથી પેટમાં વિકારો પેદા કરે છે.

સિનેમાની ટિકિટો વેચનાર અને ગેટ કિપર તમને ઓળખે છે. તમને જોઈને તે ખુશ થાય છે. હસીને આ વાત કરી લે છે. ફિલ્મ અભિનેત્રીઓની વાતો કરે છે. તમે તે ફિલ્મ જોવા પ્રેરાઓ છો. તમે ફિલ્મ જોયા પછી બીજાઓને વાત કરો છો અને ફિલ્મ જોવાનું બીજ બીજાના મનમાં વાવો છો. વળી એક જોયા પછી બીજી ત્રીજી આમ વારંવાર ફિલ્મો જોવાનું ભૂત સવાર થઈ જાય છે. પછી તો તમો રૂપિયા ખર્ચીને બદલામાં લાવો છો વાસનાઓનું તાંડવ, અશ્વિલ કલ્પનાઓનાં વાસનામય ચિત્રો, ગંદાં ગીતો, રોમાન્ટિક ભાવનાઓ, કુચેષ્ટાઓ ભરેલી આદતો. આની સાથે આંખોને નુકસાન થાય છે તે તો અલગ, ખાનગી રીતે વાસનાપૂર્તિના વિવિધ ઉપાયો વિચારો છો અને અંતે રોગગ્રસ્ત બની મૃત્યુને આમંત્રો છો.

લગ્નો, ખોટી મોટાઈ, ધનવાન પડોશીની હરીફાઈ, મોજમજા, યાત્રા, ઉત્સવ, દાન વગેરેમાં તમો એટલું બધું ખર્ચ કરી નાખો છો કે કેટલાય મહિના સુધી તમે બે પાસાં બરોબર કરી શકતાં નથી. દાગીના, સાડી અથવા અન્ય કોઈ વસ્તુ માટે પત્નીએ જીદ કરી તો તેને ખુશ કરવા પૈસાનો વિચાર કર્યા વિના તરત જ માગેલી વસ્તુ ખરીદી લો છો.

તમો રોજના કમાઓ છો. ૩૦ થી ૩૫ રૂપિયા અને ભોજન, વસ્ત્ર અથવા મકાન વગેરે ખૂબ સારું રાખવા ઇચ્છો છો. વિવિધ પ્રકારની ફેશન કરવામાં પાછા પડતા નથી. આરામ અને ભોગ – વિલાસની વસ્તુઓ -ક્રીમ, પાઉડર, સેવિંગ, સિનેમા, રેશમી વસ્ત્રો, સૂટ – બૂટ, સુગંધી તેલ, સિગારેટ, નાસ્તા પાણી વગેરે પણ ઓછું કરવાનું ઇચ્છતા નથી. પછી તમે જ કહો, શું કામ દેવાદાર ન બનીએ ?

તમારો ધોબી તમારી પાસેથી મહિને ૫૦ રૂપિયા લઈ જાય છે. તમે બે દિવસ માટે પણ એક જ ધોયેલું પહેરણ પહેરતાં શરમાઓ છો. પેન્ટની ક્રિજ, રંગ વગેરે એક દિવસમાં બગાડી નાખો છો, દર અઠવાડિયે હેઅર કટિંગ માટે જાઓ છો, દરરોજ બૂટપોલિશ કરાવો છો. વીજળીના પંખા અને રેડિયા વગર તો એક દિવસ પણ ચાલતું નથી. પૈસા છે નહિ છતાં તમે છાપું ખરીદો છો. મિત્રોને ઘેર બોલાવીને કંઈકને કંઈ ખવડાવો છો. બસ, રીક્ષા, ટ્રેઈન, સાઈકલ વગેરેમાં તમારા ઘણા બધા પૈસા ખર્ચાઈ જાય છે.

ત્રણ બાબતો એવી છે કે જેણે બધા માણસોને ગરીબ અને દેવાદાર બનાવી દીધા છે. આ ત્રણમાં જે ફસાઈ જાય છે તે ક્યારેય બચી શકતો નથી. આ ત્રણ છે નશાબાજી, વ્યભિચાર અને મુકદમાબાજી. સાવધાન !!!

જેમ જેમ તમારી જરૂરિયાતો વધશે તેમ તેમ તમને ખર્ચની તંગીનો અનુભવ થશે. આજકાલ તો કૃત્રિમ જરૂરિયાતોની બોલબાલા છે. એશ આરામ, ખોટો દેખાવ, ખોટું અભિમાન, ભોગ-વિલાસ, મોજશોખ, ખેલ, તમાશા, ફેશન, માદક દ્રવ્યો વગેરે બિનજરૂરી વસ્તુઓ ઉપર મોટો ખર્ચ કરવામાં આવતો હોય છે. આ બધી ઘડીભર આનંદ આપનારી વસ્તુઓ છે. કૃત્રિમ જરૂરિયાતો આપણને ગુલામ બનાવે છે. આના કારણે જ આપણે તંગી અને મોંઘવારીનો અનુભવ કરીએ છીએ. કૃત્રિમ જરૂરિયાતોમાં આપણે ઘણું બધું ધન વાપરી નાખીએ છીએ અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને ખૂબ જ જરૂરી પદાર્થો માટે ખર્ચવામાં આપણને મોંઘવારી જણાય છે. સાધારણ, સરળ તથા સ્વાસ્થ્ય સભર જીવન માટેની વસ્તુઓ અન્ન, વસ્ત્ર, મકાન વગેરે સામાન્ય સ્તરનાં પણ હોય છે. આરામથી આપ ગુજારો કરી શકો છો. આથી જેમ જેમ જીવન જરૂરી વસ્તુઓની કિંમત વધે છે, તેમ તેમ તમારે વિલાસિતા તથા મોજશોખની વસ્તુઓ ત્યાગતા રહેવું જોઈએ. તમારી નજર માત્ર જીવન જરૂરી ચીજવસ્તુઓ તરફ મંડાયેલી રહેવી જોઈએ. આ વસ્તુઓ મોંઘી મળે તો પણ ખરીદો, પણ વિલાસિતા અને બિનજરૂરી ખર્ચથી બચતા રહો. બનાવટી, બીજાઓને ભ્રમમાં નાખવા માટે અથવા આકર્ષણમાં ફસાવવા માટે જે માયાચાર ચાલી રહ્યો છે, તેને છોડી દો. ભડકીલા પોશાકના દંભમાંથી બહાર આવીને સાદો અને સસ્તો પોશાક અપનાવી સર્જન કહેવડાવો.

તમને પ્રશ્ન થશે કે જરૂરિયાતો, આરામની વસ્તુઓ તથા ભોગ વિલાસની વસ્તુઓમાં શું તફાવત છે ? સૌથી કોઈ કીમતી વસ્તુ હોય તો તે મનુષ્યનું શરીર. શરીરમાં તેનું સમગ્ર કુટુંબ પણ આવી જાય છે. તે પોતાનું અને પોતાના પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે તેની ચિંતામાં રહે. ઉપભોગના જરૂરી પદાર્થો એ છે, જે શરીર અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોય, આ જ મનુષ્ય માટે ખૂબ મહત્વનું છે.

જીવન રક્ષક વસ્તુઓમાં ત્રણ વસ્તુઓ મુખ્ય સ્થાને છે – (૧) ભોજન, (૨) વસ્ત્ર, (૩) મકાન, ભોજન મળે શરીર ટકાવવા માટે, શરીર ઢાંકવા માટે વસ્ત્ર મળે અને શર્દી – ગરમી અને વરસાદથી બચવા માટે મકાન હોય. આ વસ્તુઓ ઠીક હોય તો ગુજારો ચાલ્યા કરે અને શરીરનો નિર્વાહ પણ ચાલે જીવન જીવવા માટે આ વસ્તુઓ અનિવાર્ય છે.

જો આ વસ્તુઓનું સ્તર સારું હશે તો શરીરના રક્ષણની સાથે સાથે નિપુણતા પણ પ્રાપ્ત થશે. કાર્યશક્તિ, સ્ફૂર્તિ, બળ તથા ઉત્સાહમાં વધારો થશે. શરીર નીરોગી રહેશે તથા મનુષ્ય તંદુરસ્ત રહી લાંબું આયુષ્ય ભોગવશે. આ નિપુણતા બક્ષનાર પદાર્થો ક્યા ક્યા છે ? સ્વચ્છ અને પૌષ્ટિક ભોજનમાં અન્ન, ફળફળાદિ, દૂધ, શાકભાજી, ઘી વગેરે પૂરતા પ્રમાણમાં હોય, શર્દીમાં રક્ષણ કરી શકે તેવાં ટકાઉ વસ્ત્રો અને હવા – ઉજાસવાળું મકાન.

શરીર રક્ષણ માટે પૂરતા પ્રમાણમાં જીવન જરૂરી વસ્તુઓ સરળતાથી ખરીદી શકાય તેટલી તમારી જો આવક હોય, તો આરામની વસ્તુઓ પણ વસાવો. આનાથી તમારી કાર્ય કુશળતામાં વધારો થશે, પણ બિન જરૂરી વસ્તુઓ ક્યારેય ખરીદશો નહિ.

ધનના મોહથી બચો | GP-4. ધનનો સદુપયોગ | ગાયત્રી વિદ્યા

ધનના મોહથી બચો

ધન કોઈ ખરાબ ચીજ નથી. વળી અત્યારના સમયમાં તો આ દુનિયામાં ધન વગર જીવન વ્યતીત કરવું અસંભવ છે. ધન ત્યાં સુધી જ શુભ અને કલ્યાણકારી છે, જ્યાં સુધી તેને ઈમાનદારીપૂર્વક કમાવામાં આવ્યું હોય અને કમાયા પછી તેનો સદુપયોગ કરવામાં આવતો હોય. આનાથી ઊલટું આપણે કોઈ પણ રીતે ધન ભેગું કરીને તિજોરીમાં બંધ કરી દેવાનું જ આપણું ધ્યેય બનાવી દઈએ છીએ અને ગમે તેમ ઉપયોગ કરી શકીએ છીએ. વળી એ ધનનો ઉપયોગ જો આપણે દુર્વ્યસનોની પૂર્તિ માટે કરીએ છીએ, ત્યારે તો તે આપણા માટે અભિશાપરૂપ જ બની જાય છે. આવી વ્યક્તિ પોતાનું પતન તો નોતરે જ છે, પણ સાથેસાથે બીજા લોકોને પોતાના હકથી વંચિત રાખી તેમની દુર્દશાનું કારણ પણ બને છે. આજે તો ચારે બાજુ એક જ પરિસ્થિતિ જોવા મળી રહે છે કે, જેમનામાં થોડી પણ ચતુરાઈ અને શક્તિ છે તેઓ એવી કોશિશ કરે છે કે હું સંસારની વધુમાં વધુ સામગ્રી એકઠી કરી મારા કબજા હેઠળ રાખું. પોતાની આ વાસના તૃષ્ણાને પૂરી કરવા તે પોતાના પાડોશીના અધિકારો પર તરાપ મારી તેના મુખનો કોળિયો છીનવી લઈ પોતે માલદાર બની જાય છે.

એક આદમીના ધનવાન બનવાનો અર્થ છે અનેકોનું રુદન, અનેકોનું શોષણ, અનેકોનું અપહરણ. જો કે એક મોટું અને ઊંચું મકાન બનાવવું હોય તો, તેના માટે વધારે પૂરણ કરવું પડે. વધારે પૂરણ કરવા માટે આજુબાજુથી રેતી લાવવી પડે. જયાંથી રેતી લાવીએ ત્યાં ખાડો પડવાનો છે જ. આમ એક બાજુ ટેકરો કરવામાં બીજી બાજુ ખાડો પડવાનો જ. આ જગતમાં જેટલાં પ્રાણીઓ છે, પરમાત્મા તેમના પ્રમાણમાં વસ્તુઓ પણ ઉત્પન્ન કરે છે. જો એક વ્યક્તિ પોતાની જરૂરિયાત કરતાં વધારે વસ્તુઓ ભેગી કરી લે તો એનો અર્થ એ જ થયો કે બીજાઓની જરૂરી વસ્તુઓનું અપહરણ થયું. બીજા વિશ્વયુદ્ધ વખતે સરકારોએ અને પૂંજીપતિઓ એ અનાજનો મોટા પ્રમાણમાં સંગ્રહ કરી દીધો, પરિણામ એ આવ્યું કે બીજી જગ્યાએ અનાજની અછત ઊભી થઈ ગઈ, એટલું જ નહિ બંગાળ જેવા પ્રદેશોમાં તો લાખો લોકો અનાજના અભાવે ભૂખથી મરી ગયા. ગઈ શતાબ્દીમાં બ્રિટનની ધન સંપન્નતા ભારતના શોષણને આભારી હતી. જે દેશોનું શોષણ થયું હતું, તેઓ બિચારાં દીનહીન હાલતમાં ગરીબી, બેકારી, ભૂખમરો તથા બીમારીથી બરબાદ થઈ રહ્યા હતા.

સંસારના તમામ લોકો સમાન રીતે સુખપૂર્વક રહી શકે તેટલી વસ્તુઓ સંસારમાં ઉપલબ્ધ છે. એક વ્યક્તિ માલદાર બને છે, તો તેના પરિણામ સ્વરૂપે અનેક વ્યક્તિઓ ગરીબ બને છે.  આ મહાન સત્યને આપણા પૂજનીય પૂર્વજો ખૂબ સારી રીતે જાણતા હતા. આથી જ તો તેઓએ માનવધર્મમાં ‘ અપરિગ્રહ’ને મહત્વનું સ્થાન આપ્યું હતું. વસ્તુઓનો સૌથી ઓછામાં ઓછો સંગ્રહ કરવો તે ભારતીય સભ્યતાનો આદર્શ સિદ્ધાંત હતો. ઋષિઓ સૌથી ઓછામાં ઓછી વસ્તુઓ પોતાની પાસે રાખતા. તેઓ તો ફક્ત લંગોટી પહેરીને ઘાસની ઝૂંપડીઓમાં રહેતા હતા. જનક જેવા રાજા તો પોતાના પરિવારના ગુજારા માટે જરૂરી અન્ન જાતે ખેતી કરીને મેળવતા હતા. પ્રજાનો પૈસો જે રાજ્ય ભંડારમાં જમા રહે તો તે ફક્ત પ્રજાનાં કાર્યોમાં જ વપરાતો હતો. વેપારી લોકો પોતાને પ્રજાના ટ્રસ્ટીઓ માનતા હતા અને જ્યારે જરૂર પડતી ત્યારે જરાય આનાકાની વિના પોતાનું ધન પ્રજાને સોંપી દેતા હતા. વીર ભામાશાહે પોતાની તમામ સંપત્તિ મહારાણા પ્રતાપને અર્પણ કરી દીધી હતી. જનતાની મિલકત જરૂર પડે જનતાને વગર આનાકાનીએ સોંપી દીધાના અસંખ્ય ઉદાહરણોથી ભારતીય ઇતિહાસ ભરેલો પડ્યો છે.

આજનો દ્રષ્ટિકોણ તદ્દન વિપરીત છે. લોકો માલદાર બનવાની ધૂનમાં આંધળા બની ગયા છે, નીતિ – અનીતિ, ઉચિત – અનુચિત, ધર્મ – અધર્મ વગેરેને નેવે મૂકીને રાતોરાત ધનપતિ બનવાના ચક્કરમાં પડ્યા છે. બસ, તેમના માથા પર એક જ ભૂત સવાર થયું છે. ધન, ધન અને ધન આ ધનના રટણમાં આજનો માનવી ભાન ભૂલી ગયો છે. પાગલ કૂતરાની જેમ ધનની શોધમાં આમતેમ આંધળી દોડ લગાવી રહ્યો છે.

પાપ સ્પર્શથી થતી બીમારી છે. જે એકબીજાને અડકવાથી ફેલાય છે. એકની ધનવાન બનવાની આંધળી દોડને જોઈ બીજા અનેકની ઇચ્છા તેવી થવા લાગે છે. અનીતિથી ધન એકત્ર કરનારા લૂંટારાઓની સંખ્યા વધવા લાગે છે. પછી તો ધન એકત્ર કરનાર લૂંટારા અને ધન લૂંટનારા લૂંટારા વચ્ચે સંઘર્ષ થાય છે. બીજી બાજુ લૂંટ નારાઓમાં પણ સ્પર્ધા થવાથી સંઘર્ષ થાય છે. આ રીતે ત્રણ મોરચે લડાઈ શરૂ થઈ જાય છે. દરેક ગામમાં, પ્રત્યેક ઘરમાં, નાત – જાતમાં સર્વત્ર આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેમ બને તેમ જલદી ધનવાન થવાનું, વ્યક્તિગત સંપન્નતાને મહત્વ આપવાનું પરિણામ ચોક્કસ છે તે છે ક્લેશ – ઝઘડો. આજે આપણે આપણી ચારે બાજુ આ કલહને તાંડવ નૃત્ય કરતો જોઈ રહ્યા છીએ. જ્યાં સુધી સમગ્ર મનુષ્ય જાતિ બદલાશે નહિ, ત્યાં સુધી આ પરિસ્થિતિનો અંત નહિ આવે. એક કોયડો નહિ ઉકેલાશે ત્યાં તો બીજા અનેક કોયડા પેદા થઈ જશે. એક સંઘર્ષ શાંત નહિ થયો હોય, ત્યાં તો બીજો સંઘર્ષ પેદા થઈ જશે. ન તો ધનને લૂંટનારો સુખની નીંદર લઈ શકશે કે ન ધન લૂંટનાર ચેનથી બેસી શકશે. એક ધનવાન બનનાર અનેકોના મનમાં ઈર્ષાની, અદેખાઈની, જલનની આગ લગાડે છે. આ સત્ય સૂર્ય સમાન પ્રકાશિત છે કે, એકનું ધનવાન બનવું તે અનેકોને ગરીબ બનાવે છે. આ દૂષણને રોકવા માટે આપણા પૂર્વજો એ અપરિગ્રહનું સ્વેચ્છા સ્વીકૃત શાસન સ્થાપ્યું હતું. આજે તો દુનિયા રાજ્ય સત્તા દ્વારા સમાજવાદી શાસનની સ્થાપના કરવા જઈ રહી છે.

વસ્તુતઃ જીવન જીવવા માટે એક ચોક્કસ માત્રામાં ધનની જરૂરિયાત છે જ. જો લૂંટ અને સંગ્રહ બંધ કરી દેવામાં આવે તો મનુષ્ય ખૂબ જ ઓછા પ્રયત્ને પોતાની જરૂરી વસ્તુઓ કમાઈ શકે છે. બાકીના સમયમાં વિવિધ પ્રકારની પ્રગતિકારક સાધના કરી શકે છે. આત્મા માનવ શરીરને ધારણ કરવા માટે જે લોભથી તૈયાર થાય છે, એ રસનો અનુભવ કરવા પ્રયત્ન કરે છે, પણ તે ત્યારે જ શક્ય છે કે જ્યારે તે પહેરેલો ધનસંગ્રહનો બુરખો ઉતારી નાખે અને એ બુરખાની સાથે પેદા થયેલા તમામ ઉપદ્રવોનો અંત લાવે.

પરમાત્મા સમદર્શી છે. તે બધાંને સરખી સગવડો આપે છે. આથી આપણે ભૌતિક પદાર્થોનો એટલો જ સંગ્રહ કરવો જોઈએ જેટલું નીતિપૂર્વક કમાવામાં આવે અને ખરેખરની જરૂરિયાતો માટે પૂરતું હોય. આનાથી વધારે સામગ્રી એકત્ર કરવાનો મોહ રાખવો જોઈએ નહિ, કારણ કે તૃષ્ણા ઈશ્વરીય ઇચ્છાથી વિપરીત તેમજ કલહ ઉત્પન્ન કરનારી છે.

ગાયત્રી મંત્રનો ત્રીજો અક્ષર : “વિ” | GP-4. ધનનો સદુપયોગ | ગાયત્રી વિદ્યા

ધનનો સદુપયોગ

ગાયત્રી મંત્રનો ત્રીજો અક્ષર : “વિ” આપણને ધનનો સદુપયોગ

કેવી રીતે કરવો તેનો ઉપદેશ આપે છે.

“વિત્તશક્ત્યા તુ કર્તવ્યા ઉચિતાભાવપૂર્તય : | ન તુ શક્યા તયા કાર્ય દર્પોદ્રિત્યપ્રદર્શનમ્ ॥

અર્થ – “ધન ઉચિત અભાવોની પૂર્તિ કરવા માટે છે, તેના વડે અહંકાર તથા અયોગ્ય કાર્યો થવાં જોઈએ નહિ.”

ધન ઉપાર્જન કરવા પાછળ એક જ દ્રષ્ટિ હોવી જોઈએ કે તેનાથી આપણા અને અન્ય લોકોના અભાવોની પૂર્તિ થાય. શરીર, મન બુદ્ધિ તથા આત્માના વિકાસ માટે તથા સાંસારિક જવાબદારીઓની પૂર્તિ માટે ધનનો ઉપયોગ થવો જોઈએ અને તે હેતુ માટે જ કમાવુ જોઈએ.

જેમાં માનવીનો સંપૂર્ણ શારીરિક તથા માનસિક શ્રમ જોડાયો હોય, જેમાં કોઈ બીજાના હકનું પડાવી લેવામાં આવ્યું ન હોય, જે મેળવવામાં ચોરી, છળકપટ, અન્યાય, શોષણ વગેરેનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય, તે જ ધન કમાવાનો યોગ્ય માર્ગ છે. જે ધન મેળવવામાં આપણું સન્માન હણાતું ન હોય અને રાષ્ટ્રનું અહિત ન થતું હોયા તેવી કમાણી દ્વારા મેળવેલું ધન ફૂલે-ફાલે છે અને માનવીની સાચી ઉન્નતિ સાધે છે.

જેવી રીતે ધન કમાવામાં તેના ઔચિત્યનું ધ્યાન રાખવાની જરૂર છે, તેટલી જ જરૂર ધન વાપરવામાં અને તેનો ઉપયોગ કરવામાં છે. ધન ખર્ચવામાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. પોતાના અને પોતાના કુટુંબીજનોના આવશ્યક વિકાસ કરવા માટે જ ધનનો ઉપયોગ કરવો તે જ કર્ત્તવ્ય છે. મોટાઈ અને અમીરી બતાવવા તથા દુર્વ્યસનોની પૂર્તિ માટે ધનનો વ્યય કરવો તે મનુષ્યની અવનતિ, અપ્રતિષ્ઠા તથા દુર્દશાનું કારણ બને છે.

પોતાની જરૂરી શારીરિક, માનસિક, આત્મિક તથા સાંસારિક જરૂરિયાતોની ઉપેક્ષા કરીને જે લોકો વધુને વધુ ધન ભેગું કરવાની તૃષ્ણામાં ડૂબેલા રહે છે તથા પોતાની સાત પેઢી માટે અમીરી મૂકી જવાનું વિચારે છે તેઓ ભયંકર ભૂલ કરે છે. હરામનું ધન મળતાં ભાવિ સંતાનો આળસું, વ્યસની, અપવ્યયી તથા દુર્ગુની પાકે છે. પરસેવો પાડીને જેઓ પૈસા કમાયા નથી, તેઓ પૈસાનું મૂલ્ય પણ સમજતા નથી. બાળકોને માટે ધન ભેગું કરીને મૂકી જવાને બદલે બાળકોને સુશિક્ષિત, સ્વસ્થ તથા સ્વાવલંબી બનાવવામાં ખર્ચ કરવો વધારે યોગ્ય છે..

%d bloggers like this: