રાષ્ટ્રીયતામાં નારીઓનું સ્થાન | GP-6 નારીની મહાનતા | ગાયત્રી વિદ્યા
June 30, 2022 Leave a comment
રાષ્ટ્રીયતામાં નારીઓનું સ્થાન
જે સંકુચિત વાતાવરણમાં રહીને સ્ત્રીઓ સ્વયં સંકુચિત વિચારોવાળી બની ગઈ હતી અને જે વાતાવરણના લીધે પુરુષોના મનમાં પણ સ્ત્રીઓના માટે સંકુચિત વિચારો પેદા થયા હતા તે બધાને દૂર કરી આજે સુધરેલા સંસારમાં એ વાત સિદ્ધ થઈ ચૂકી છે કે સ્ત્રી અને પુરુષ બન્ને માનવસમાજનાં બે અંગ છે, જેમના ઉપર સમાજની સરખી જવાબદારી છે. મનુષ્યજીવનમાં સ્ત્રીની જે જવાબદારીઓ છે તેને અપનાવીને આપણે સ્ત્રીઓ માટે વિશિષ્ટ ફાળો આપવાનો છે. આજ સુધી ગૃહજીવન સ્ત્રીના હાથમાં હતું અને બહારના બધા જ વ્યવહાર પુરુષોના હાથમાં હતા. તેનાં બે પરિણામ સ્પષ્ટ રીતે આજે આપણી સામે છે. એક તો એ છે કે આજના સમાજમાં પુરુષોના બધા વ્યવહારોને એક પ્રકારની શ્રેષ્ઠતા અને પ્રતિષ્ઠા મળી અને સ્ત્રીઓના કામને મહિલાઓનું કામ સમજીને તેમને હીનદષ્ટિથી જોવામાં આવે છે. ક્યાંક બહાર જઈને કામ કરવામાં આજે પણ સ્ત્રીઓ વિશેષ ગૌરવનો અનુભવ કરે છે, જ્યારે ઘરમાં રહેતી અને ઘર સાચવનારી બહેનો પોતાના મનમાં એવું સમજી લે છે કે પોતે કંઈ જ નથી કરતી અને પોતાનું જીવન વ્યર્થ જઈ રહ્યું છે.
બીજું પરિણામ એ આવ્યું કે બહારના બધા વ્યવહારો ઉપર પુરુષોની છાપ પડેલી છે. આજે આપણે જે જગતમાં જીવી રહ્યા છીએ તેમાં શરૂઆતથી અંત સુધી પુરુષોનું જ સામ્રાજ્ય છે. વ્યાપાર, વ્યવહાર, કાયદા-કાનૂન, રાજનીતિ, ધર્મનીતિ, ઉદ્યોગ, ધંધા, રોજગાર બધું જ પુરુષોએ બનાવેલું છે. સ્ત્રીઓ આજે આ કામોમાં ગમે તેટલો ભાગ લે, તો પણ તે પુરુષ બનીને એટલે કે પુરુષો દ્વારા વિકસાવવામાં આવેલી પદ્ધતિથી તે બધાં કામો કરે છે. સ્ત્રીઓ આજે ગમે તેટલી આગળ વધી ગઈ હોય તો પણ શું ? જુદાં જુદાં અનેક ક્ષેત્રોમાં ભલેને પદાર્પણ કરી લે અને પુરુષોની બરાબરી કર્યાનો ગમે તેટલો આત્મસંતોષ પણ અનુભવે, છતાં પણ આખરે તો તેને રહેવાનું છે તો એવી દુનિયામાં કે જેનો વિધાતા પુરુષ છે.
જે કામ સ્ત્રીઓને કુદરત તરફથી સોંપવામાં આવ્યું છે અને જેને સારી રીતે તેઓ કરી શકે છે તે બાળશિક્ષણનું કામ જો તેઓ બરાબર રીતે સંભાળી લે, તો તેણે એક ખૂબ જ મોટી જવાબદારી સંભાળી લીધી ગણાશે.
સ્ત્રીઓ કહી શકે છે કે આમાં તમે નવી વાત શું કરી ? આજે કોણ જાણે કેટલાય યુગોથી અમે ઘરની અને બાળકોની જ ગુલામી ભોગવીએ છીએ અને રાતદિવસ તેમનાં જ મળમૂત્ર ઉઠાવીએ છીએ, પછી તે કરવામાં નવીનતા શું છે ? પહેલી વિશેષતા તો ભાવના છે. નારીઓએ સમજવું જોઈએ કે આ કામ માથે આવી પડેલ કોઈ બોજો નથી અને પુરુષ જેટલાં પણ કામ કરે છે તેમનાથી આ કામ કોઈપણ રીતે હલકું નથી. આ રીતે કામ કરવામાં આવે તો તેમાંથી રસ મેળવી શકે છે. એમાં કોઈ શંકા નથી કે ભાવનાના રંગથી રંગાઈને કરવાથી આપણો બધાં કામ વધુ સજીવ અને પ્રકાશિત બનશે.
આ કામો કરવાની પદ્ધતિ તેની બીજી વિશેષતા છે. અગાઉથી ચાલી આવતી પદ્ધતિ પ્રમાણે બાળકોને ઉછેરવાં અને એ માટે શાસ્ત્રોનો અભ્યાસ કરી પોતાના પ્રયત્નો દ્વારા આ પદ્ધતિમાં કાબેલ થવું તે અલગ વાત છે . જો સ્ત્રીઓ બાળકોના પાલનપોષણ અંગેનાં શાસ્ત્રોનો અભ્યાસ કરે, ગંભીરતાથી તે વિષયો ઉપર ચિંતન અને મનન કરે અને આ રીતે પોતાના અનુભવનું જ્ઞાન ભેટ રૂપે સમાજને આપે, તો આ કાર્ય આજે જેટલું તુચ્છ અને સામાન્ય માનવામાં આવે છે તે માત્ર સ્ત્રીઓને જ નહીં, પરંતુ પુરુષોને પણ ગૌણ નહીં લાગે.
જો આપણી બહેનો બાળમનોવિજ્ઞાન, બાળશિક્ષણશાસ્ત્ર, બાળશરીર અને બાળમાનસના વિકાસ અને આવા અન્ય વિષયોનો ગંભીરતાથી અભ્યાસ કરીને તે મુજબ સારી રીતે કામ કરવા લાગે, તો પુરુષના મનમાં કદી એવો ખ્યાલ નહીં આવે કે સ્ત્રીઓ તેમની માફક બહાર જઈ નોકરી નથી કરતી, એટલે તેઓ ઓછા મહત્ત્વનું
કામ કરે છે. એક કહેવત છે કે, “જેના હાથમાં પારણાની દો૨ી છે તે જ સંસારની ઉદ્ધારક પણ છે.” આ કહેવત આમ તો માત્ર લેખો અને નિબંધોમાં વપરાય છે અથવા માતૃદિનના ઉત્સવ ઉપર બોલવામાં આવે છે, પરંતુ તેને બહેનો મનમાં ઉતારી લે, તો કાલે આ બાબત પૂર્ણ અર્થમાં સાચી અને સાર્થક થઈ શકે છે.
બીજી વાત એ છે કે સંસારના માનવવ્યવહારમાં સ્ત્રી હોવાના નાતે તેણે એવું પરિવર્તન કરવું જોઈએ, જે તેના વિચારો અને સ્વભાવને અનુકૂળ હોય. આજકાલ જે રીતનો વ્યવહાર દેશદેશ અને જાતિ જાતિની વચ્ચે થઈ રહ્યો છે તેમાં અનેક પ્રકારનું જંગલીપણું છે, પશુતા પણ છે, હ્રદયશૂન્યતા અને અમાનુષીપણું પણ છે. પુરુષોની આ દુનિયામાં આ એક સામાન્ય બાબત બની ગઈ છે. જ્યાં જ્યાં વ્યવહારની વાત આવે છે ત્યાં ત્યાં તેની ઈમારત અસત્યના પાયા ઉપર બનેલી હોય છે. માનવીએ દુનિયામાં એવું વિચારીને ચાલવું જોઈએ કે જે કંઈ છે તે બધું ખોટું છે, જે કંઈ હક અથવા અધિકાર મેળવ્યા છે તે બધા લડી-ઝઘડીને જ મેળવ્યા છે. આ અને આવા અન્ય અનેક વણલખ્યા નિયમો આજે માનવના પરસ્પરના વ્યવહારમાં પ્રચલિત છે.
એ સાચું છે કે જો સ્ત્રીઓ પુરુષોનું અનુકરણ કરવાનું છોડી દે અને જે કંઈ તેના મનને સારું લાગતું હોય અને અનુકૂળ લાગે તેવું જ કરવા લાગે તો માનવવ્યવહારમાં તે ઘણું બધું પરિવર્તન લાવી શકશે અને તેને વિશિષ્ટ સ્વરૂપ પણ આપી શકશે. એમાં કોઈ શંકા નથી કે જે સંસ્કાર પેઢીઓ અને સદીઓ જૂના છે તેમને દૂર કરવામાં કે બદલવામાં પણ ઘણો સમય લાગશે, છતાં પણ દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી કે જે અશક્ય હોય. આજકાલની સ્ત્રીઓ રોગિષ્ઠ છે. એક રોગ તો એ છે કે તેની ઈચ્છા હોય કે ન હોય તો પણ તેઓ એવું જ માને છે કે પુરુષ જે કંઈ કહે છે તે જ સાચું છે. પુરુષોએ નક્કી કરેલા નિયમ, તેમના બનાવેલાં વિધિવિધાન બધું તેને સો ટકા સાચું લાગે છે.
સ્ત્રીઓનો બીજો રોગ એ છે કે તે સંકુચિત મનની છે. આજે સ્ત્રી મહાન બાબતોનો એટલી જ મહાનતા સાથે વિચાર નથી કરી શકતી. તેના માટે તે પોતાના દિલને વિશાળ બનાવે અને દુનિયાને વિશાળ દૃષ્ટિથી જુએ તે ખૂબ જ જરૂરી છે.
જો નર અને નારી ભગવાનની નજરમાં સરખું મહત્ત્વ ધરાવે છે, તો પણ કુદરતે નારીને સંતાનોને જન્મ આપવાની તથા તેમનું પાલન કરવાની જે વિશેષ જવાબદારી સોંપી છે તેના લીધે તેનું મહત્ત્વ જરૂર વધી જાય છે. નારીની ફરજ છે કે સૌથી પહેલાં પોતાની આ જવાબદારીને તે સારી રીતે અને અધિકારપૂર્વક નિભાવે. અનેકવાર તેને પુરુષના અયોગ્ય વર્તનના ભોગ બનવું પડે છે. તે આજે અબળા કહેવાય છે તેના માટે તેની નબળાઈ પણ જવાબદાર છે. તેને સંતાન પ્રત્યે તેમાંય ખાસ કરીને પુત્રો પ્રત્યે જરૂર કરતાં વધુ મોહ હોય છે અને તેમને સુયોગ્ય તથા કર્તવ્યપરાયણ બનાવવા માટે ઓછું ધ્યાન આપે છે. આના પરિણામે પુરુષોમાં અનેક દોષો પેદા થાય છે અને તે માતૃજાતિ પ્રત્યે તોછડો વ્યવહાર કરવામાં પણ પાછી પાની કરતા નથી. જો નારીઓએ પોતાને પુરુષની દાસી માનવાના બદલે તેનું નિર્માણ કરનારી સમજીને કર્તવ્યપાલન કર્યું હોત, તો આજે સંસારની સ્થિતિ કંઈ જુદી જ હોત.
પ્રતિભાવો