પ્રકૃતિનો રુદ્રાભિષેક – સ્વલ્પથી સંતોષ, સૂનકારના સાથીઓ
May 23, 2022 Leave a comment
પ્રકૃતિનો રુદ્રાભિષેક – સ્વલ્પથી સંતોષ, સૂનકારના સાથીઓ
આજે આખે રસ્તે પહાડી લોકોના કષ્ટસાધ્ય જીવનને વધુ ધ્યાનથી જોયું અને ઊંડા વિચાર કરતો રહ્યો. પહાડોમાં જ્યાં થોડી થોડી ચાર છ હાથ જમીન કામ લાગે તેવી મળી છે ત્યાં નાનાં નાનાં ખેતરો બનાવ્યાં છે. બળદ તો ત્યાં હોય જ ક્યાંથી ? કોદાળીથી માટી ખોદીને કામ ચલાવી લે છે. જ્યારે પાક થાય છે ત્યારે પોતાની પીઠ પર ઊંચકીને ખેડૂતો ઊંચાઈએ આવેલાં પોતાનાં ઘરોમાં લઈ જાય છે. જ્યાં ઝરણાંનું પાણી નથી ત્યાં ખૂબ નીચેથી પાણી માથા કે પીઠ ૫૨ લાદીને લઈ જાય છે. પુરુષો તો ગણ્યાગાંઠ્યા દેખાય છે. ખેતીનું બધું કામ સ્ત્રીઓ જ કરે છે. ઊંચા પહાડોમાંથી ઘાસ અને લાકડાં કાપી લાવવાનું કામ પણ તેઓ જ કરે છે.
જેટલી યાત્રા કરી અમે થાકી ગયા હતા તેનાથી કેટલુંય વધારે ચાલવાનું, ચઢવા-ઊતરવાનું કામ તે લોકોને રોજ કરવું પડે છે. મનોરંજનનું કોઈ સાધન નથી. કોઈ હાથવણાટના ઊનનાં કપડાંમાં ઢંકાયેલા હતા તો કોઈક સુતરાઉ ફાટેલાં-તૂટેલાં કપડાંમાં ઢંકાયેલા હતા, પણ બધા પ્રસન્ન હતા. ખેતરોમાં કામ કરતી સ્ત્રીઓ સમૂહગીતો ગાતી હતી. એમની ભાષા ન સમજાવાને કારણે એ ગીતોનો અર્થ સમજાતો ન હતો, પણ એમાંથી નીતરતો આનંદઉલ્લાસ સ્પષ્ટ જોઈ શકાતો હતો.
વિચારું છું કે નીચેના વિસ્તારમાં રહેતા લોકો પાસે સરખામણીમાં અધિક ધન, સંપત્તિ, શિક્ષણ, સાધન, સગવડ, ભોજન, મકાન બધું જ વિપુલ પ્રમાણમાં છે. એ લોકોને મહેનત પણ ઓછી કરવી પડે છે, છતાં લોકો પોતાને દુખી તથા અસંતુષ્ટ જ અનુભવે છે. જ્યારે ને ત્યારે રોદણાં જ રહે છે. બીજી બાજુ આ લોકો છે, જે ખૂબ જ મુશ્કેલ જીવન વિતાવી જે કંઈ નિર્વાહ કરવા યોગ્ય સામગ્રી મળે છે તેનાથી જ કામ ચલાવી લે છે અને સંતોષી રહી શાંતિનું જીવન વ્યતીત કરે છે. આ ફરક કેમ છે ? લાગે છે કે અસંતોષ એક એવી ચીજ છે, જેને સાધનો સાથે નહિ, પણ તૃષ્ણા સાથે સંબંધ છે. સાધનોથી તૃષ્ણા સંતોષાતી નથી, પણ વધુ તીવ્ર બને છે. જો એવું ન હોત તો પહાડી જનતાની સરખામણીમાં અધિક સુખી તથા સાધનસંપન્ન લોકો અસંતુષ્ટ કેમ રહે છે ? અલ્પ સાધનો હોવા છતાં આ પહાડી લોકો ઊછળતા-કૂદતા હર્ષોલ્લાસથી જીવન કેમ ગુજારે છે ?
વિપુલ સાધનો હોય તો ઠીક છે. એમની જરૂર પણ છે, પણ જે સાધનો મળે તેનાથી પ્રસન્ન રહી પરિસ્થિતિ અનુસાર વધુ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાની નીતિ શા માટે છોડી દેવી જોઈએ ? શા માટે અસંતુષ્ટ રહી મળેલા ઈશ્વરીય પ્રસાદને તરછોડવો જોઈએ ?
સભ્યતાની આંધળી દોડમાં વધુ ખર્ચ અને વધુ અસંતોષી રહેવાનો જે રસ્તો આપણે અપનાવ્યો છે તે ખોટો છે. પહાડી લોકો આ વિષય પર ભાષણ ન આપી શકે કે આ આદર્શ પ૨ નિબંધ પણ ન લખી શકે, પરંતુ આ સત્યનું પ્રતિપાદન એ લોકો કરે છે.
પ્રતિભાવો