ગૃહસ્થ મહાન છે , બોધવચન – ૧
September 11, 2021 Leave a comment
ગૃહસ્થ મહાન છે
બોધ : ગૃહસ્થો જ હકીકતમાં યજ્ઞ કરે છે, ગૃહસ્થો જ સાચા તપસ્વીઓ છે. એટલાં માટે ચારેય આશ્રમોમાં ગૃહસ્થાશ્રમને સર્વથી શ્રેષ્ઠ ગયો છે. ગૃહસ્થાશ્રમ એ સમાજને સાચા નાગરિકો આપતી ખાણ છે. ભક્ત, જ્ઞાની, સંત, મહાત્મા, સંન્યાસી, સુધારક, મહાપુરુષ, વિદ્વાન અને પંડિત વગેરે ગૃહસ્થાશ્રમની ભેટ છે. મહર્ષિ વ્યાસના શબ્દોમાં ગૃહસ્થાશ્રમ જ બધા ધર્મોનો મૂળ આધાર છે તેથી તેને ધન્યો ગૃહસ્થાશ્રમ કહીને બિરદાવ્યો છે. ગૃહસ્થ આત્માથી પરમાત્મા સુધીની યાત્રા કરી મહાન બની શકે છે. તેવા પૈડી થોડા ઉદાહરણો જોઈએ –
સદ્ગૃહસ્થ સુધન્વાની શક્તિ :
મહાભારતમાં સુધન્વા અને અર્જુન વચ્ચે ભયંકર યુદ્ધ થયું તેની કથા આવે છે. બંને મહાબળવાન હતા અને યુદ્ધવિદ્યામાં પારંગત હતા. ધમાસાણ યુદ્ધ ચાલ્યું. તેની ભયંકરતા વધતી જતી હતી. કોઈ નિર્ણય આવતો નહોતો.
અંતે એવો નિર્ણય કરવામાં આવ્યો કે છેલ્લાં ત્રણ બાણોમાં જ ફેંસલો કરવો. એટલાંથી કાં તો કોઈનો વધ થાય અથવા બંને પક્ષ પરાજય સ્વીકારી લે. જી
વન મરણનો પ્રશ્ન સામે આવી પડતાં કૃષ્ણ અર્જુનને મદદ કરવી પડી. એમણે હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો કે” ગોવર્ધન પર્વત ઉઠાવીને વ્રજનું રક્ષણ કરવાનું પણ હું અર્જુનના આ બાણ સાથે જોડું છું. સામે સુધન્વાએ કહ્યું કે એક પત્નીવ્રતનું પાલન કરવાનું મારું પુણ્ય મારા બાણ સાથે જોડાઈ જાય. બંને બાણ ટકરાયા, અર્જુનનું બાણ કપાઈ ગયું. સુધન્વાનું બાણ આગળ વધ્યું પણ નિશાન ચૂકી ગયું.
બીજું બાણ લેવામાં આવ્યું. આ વખતે કૃષ્ણ મગરના મુખમાંથી હાથીને બચાવ્યાનું અને દ્રૌપદીની લાજ બચાવ્યાનું પુણ્ય અર્જુનના બાણ સાથે જોડી દીધું. બીજી બાજુ સુધન્વાએ કહ્યું કે,” મેં નીતીપૂર્વક કમાણી કરી છે અને ચારિત્ર્યમાં સહેજ પણ ત્રુટી આવવા દીધી નથી. એનું પુણ્ય મારા બાણ સાથે જોડાય.” બંને બાણ અથડાયા અને સુધન્વાના બાણથી અર્જુનનું બાણ કપાઈને પૃથ્વી ઉપર પડ્યું.
હવે છેલ્લું ત્રીજું બાણ બાકી હતું. તેના આધારે જ અંતિમ નિર્ણય થવાનો હતો. કૃષ્ણ કહ્યું –” વારંવાર જન્મ લઈને ધરતીનો ભાર ઉતારવાનું મારું પુણ્ય અર્જુનના બાણ સાથે જોડાઈ જાય.” બીજી બાજુ સુધન્વાએ કહ્યું,” જો મેં એક ક્ષણવાર માટે પણ સ્વાર્થનું ચિંતન કર્યા વગર મનને હંમેશાં પરમાર્થ પરાયણ રાખ્યું હોય તો મારું એ પુણ્ય મારા આ બાણ સાથે જોડાય.” ત્રીજી વાર પણ સુધન્વાનું બાણ જ વિજયી થયું. તેણે અર્જુનના બાણને કાપી નાખ્યું. દેવોએ આકાશમાંથી સુધન્વા ઉપર પુષ્પવૃષ્ટિ કરી. યુદ્ધ બંધ કરવામાં આવ્યું. શ્રીકૃષ્ણ સુધન્વાની પીઠ ધાબડીને કહ્યું,” હે નરશ્રેષ્ઠ ! તમે સાબિત કરી દીધું કે નૈષ્ઠિક ગૃહસ્થ સાધક ભગવાનને પણ પરાજિત કરી શકે છે, તે કોઈ તપસ્વી કરતાં કમ નથી.”
સદ્ગૃહસ્થની સિદ્ધિ – સાધના :
એક સદ્ગૃહસ્થ હતો. કુટુંબને સુસંસ્કારી બનાવવા માટે પ્રયત્નશીલ રહેતો હતો. નીતિપૂર્વક આજીવિકા મેળવતો હતો. બચેલો સમય અને ધન પરમાર્થ કાર્યોમાં વાપરતો હતો. તે તપોવનમાં તો નહોતો રહેતો પણ ઘરને જ તપોવન જેવું બનાવ્યું હતું. ઘરના સભ્યો સમય મળે તે મુજબ ઉપાસના કરતા હતા.
આ ધર્માત્મા અને આસ્થાવાન ગૃહસ્થના સંસારી યોગથી દેવો પ્રસન્ન થયા. ઈન્દ્ર તેની આગળ પ્રગટ થયા અને વરદાન માગવા કહ્યું. તેણે વરદાન માગ્યું કે જયાં તેનો પડછાયો પડે ત્યાં બધે કલ્યાણ થાય. આશ્ચર્યચકિત થઇ ઈન્દ્ર કહ્યું કે કોઈના માથે હાથ મૂકુ તેવું વરદાન માગ્યું હોય તો તેનાથી તમારી પ્રસંશા થાત અને લોકો તેનો બદલો પણ આપત.
સદ્ગૃહસ્થ કહ્યું કે, હે દેવ ! સામેવાળાનું કલ્યાણ થવાથી આપણો અહંકાર વધે અને સાધનામાં વિઘ્ન આવે. પડછાયો કોની ઉપર પડ્યો અને કોને કેટલો લાભ થયો તેની ખબર મારા જેવા વિનમ્ર માણસને ન પડે તે જ શ્રેયસ્કર છે. સાધનાનું આ સ્વરૂપ જ વરણ કરવા યોગ્ય છે. તેનાથી આગળ વધતાં વધતાં વ્યક્તિ મહામાનવ બની જાય છે.
શાલીન પરિવાર : જાપાનમાં શ્રી ઓ.પી. સાદ્રના પરિવારની સંખ્યા એક હજાર સભ્યોની હતી. આમ છતાં કુટુંબના સભ્યો વચ્ચે કદાપિ બોલાચાલી પણ થઈ નહોતી. તેની ખ્યાતિ સાંભળી સમ્રાટ જોવા આવ્યા અને વડીલ ગૃહસ્થને તેમની એકતાનું રહસ્ય પૂછયું. તેમણે જવાબ આપ્યો કે અમારા કુટુંબની દરેક વ્યક્તિ સંયમ, સહનશીલતા, શ્રમશીલતા અને પરસ્પરના સહકારનું મહત્વ સમજે છે. કમજોરને વધુ સહકાર આપે છે. આ રીતે તેમનામાં સાંસારિક અને દેવી ગુણોનો વિકાસ થાય છે. આત્મીયતાનો વિસ્તાર થાય છે, બધા હળીમળીને રહેવાનો આનંદ લે છે.
પ્રતિભાવો