તમારી પ્રવૃત્તિને અંતર્મુખી બનાવો | GP-2. બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ | ગાયત્રી વિદ્યા

તમારી પ્રવૃત્તિને અંતર્મુખી બનાવો
સમસ્ત આધ્યાત્મિક ઉપદેશોનો સારાંશ એ જ નીકળે છે કે આપણી પ્રવૃત્તિ બહિર્મુખી બનવાને બદલે અંતર્મુખી હોવી જોઈએ. ચેતનાનો પ્રકાશ જે તરફ જાય છે તે તરફ ઝગમગાટ થઈ જાય છે અને જે તરફ એનો પ્રકાશ જતો નથી તે તરફ અંધકાર થઈ જાય છે. ચેતનાના પ્રકાશમાં બે વિશેષતાઓ છે – એક, તે પદાર્થનું જ્ઞાન કરાવે છે ; બીજું તે એને પ્રિય બનાવે છે. તેથી જે બાજુ આપણી ચેતના જાય છે અથવા જે વસ્તુઓ પ્રત્યે આપણે ધ્યાન આપીએ છીએ તેમને આપણે ફક્ત જાણતા જ નથી, પરંતુ તે આપણને પ્રિય બની જાય છે. જે બાબતોને આપણે જાણતા નથી તે આપણને પ્રિય હોતી નથી. માણસને જે વસ્તુ વહાલી લાગે છે એની તે વૃદ્ધિ પણ કરે છે. આ રીતે ચેતનાથી પ્રકાશિત વસ્તુઓની વૃદ્ધિ થવા લાગે છે.

મનુષ્યના સાંસારિક ધનવૈભવની વૃદ્ધિ આ રીતે થાય છે. શરીરની ઉન્નતિ પણ શરીરની બાબતમાં વિચારવાથી જ થાય છે. જ્યારે માણસ બહિર્મુખી રહે છે તો તે સાંસારિક ઉન્નતિ કરે છે. એનાં ધન, યશ અને માન – પ્રતિષ્ઠા વધે છે, પરંતુ એમનું સ્વત્વ અંધકારમાં રહી જાય છે. અંધકારમાં રહેવાને કારણે માણસને નથી પોતાની જાતનું કંઈ જ્ઞાન હોતું કે નથી એને પોતાની જાત પ્રિય લાગતી. એટલું જ નહિ, બહિર્મુખી વ્યક્તિને જો એકલી છોડી દેવામાં આવે તો તે પોતાની જાતથી એટલી નિષ્ફળ બની જશે કે એને આત્મહત્યા કરવાની ઇચ્છા થવા લાગશે. જો કોઈ કારણસર બહિર્મુખી વ્યક્તિને ક્યારેક એકલાં રહેવું પડે છે તો જીવનથી નિરાશ થઈ જાય છે. એના વિચારો પોતાના નિયંત્રણમાં રહેતા નથી. એની માનસિક ગ્રંથિઓ એને ભારે ત્રાસ આપે છે. તેનું જીવન ભારરૂપ બની જાય છે. ચેતનાનો પ્રકાશ બહાર જવાથી મનુષ્યના મનમાં અનેક પ્રકારના સંસ્કાર પડે છે. આ બધા માનસિક ક્લેશને કારણે પેદા થાય છે.


એનાથી આત્માની પ્રિયતા ઓછી થઈ જાય છે અને બાહ્ય પદાર્થોનું આકર્ષણ વધી જાય છે. આ રીતે મનુષ્યની ચેતના પાછળ સાંસારિક પદાર્થોની ઇચ્છાઓ રૂપે એક અચેતન મનની સૃષ્ટિ હોય છે. જે વ્યક્તિ જેટલી બહિર્મુખી છે, તેટલી જ તેની સાંસારિક પદાર્થોની ઇચ્છાઓ પ્રબળ હોય છે. આ ગ્રંથિઓને કારણે મનુષ્યનું આંતરિક સ્વત્વ દુભાય છે. પછી તે ચેતનાના પ્રકાશને પોતાનો કરવાના ઉપાયો રચે છે. રોગની ઉત્પત્તિ એ પોતાની તરફ ચેતનાના પ્રકાશને બોલાવવાનો ઉપાય છે. મનુષ્યનું વૈયક્તિક અચેતન મન એની માનસિક ગ્રંથિઓ અને દમિત ઈચ્છાઓનું બનેલું છે. દબાયેલી ઇચ્છાઓ ચેતના પર પ્રકાશિત હોવાથી ગળી જાય છે અને મોટાભાગની માનસિક ગ્રંથિઓ આ રીતે ખૂલી જાય છે. પણ તેનાથી માનસિક ગ્રંથિઓ બનવાનું અટતું નથી. નવી માનસિક ગ્રંથિઓ બનતી જ જાય છે. આ રીતે અચેતન મનનો નવો ભાર તૈયાર થઈ જાય છે. મનોવિશ્લેષણ ચિકિત્સાથી માણસની વ્યાધિ વિશેષનો ઉપચાર તો થઈ જાય છે, પરંતુ એનાથી રોગ નાશ પામતો નથી.

જ્યારે મનુષ્ય અંતર્મુખી બની જાય છે ત્યારે બાહ્ય પદાર્થો તરફનું આકર્ષણ છૂટી જાય છે. એને કારણે બાહ્ય પદાર્થો મનુષ્યના મન ઉપર પોતાના દૃઢ સંસ્કારો પાડી શકતા નથી. આ રીતે નવાં કર્મનો વિપાક બનવાનું બંધ થઈ જાય છે. હંમેશાં આધ્યાત્મિક ચિંતન કરવાથી મનુષ્યની જૂની માનસિક ગ્રંથિઓ ખૂલી જાય છે. હવે એને પોતાના સુખ માટે ક્યાંય દોડવું પડતું નથી. તેને અનેક પ્રકારની સાંસારિક ચિંતાઓથી કોઈ પણ પ્રકારની માનસિક અશાંતિ જન્મતી નથી. મનુષ્ય નિજાનંદમાં નિમગ્ન રહે છે. આવી વ્યક્તિ હંમેશાં સામ્યાવસ્થામાં રહે છે. ચેતનાના પ્રકાશને ધીમેધીમે અંદરની તરફ વાળવામાં આવે છે. એના માટે નિત્ય અભ્યાસ અને વિચારની આવશ્યકતા છે.

જ્યારે માણસને બાહ્ય વિષયોથી વિરક્તિ થઈ જાય છે અથવા જ્યારે તે એને દુઃખરૂપ લાગે છે, ત્યારે માણસ સુખને પોતાની અંદર શોધવાની ચેષ્ટા કરે છે. મન હતાશ થવાની સ્થિતિમાં માણસના વિચારો સ્થિર નથી રહેતા, તે બધા પ્રકારના પ્રયત્નોને શંકાની નજરે જુએ છે, તેથી જ એકાએક મનને અંતર્મુખી નથી બનાવી શકાતું, પરંતુ ધીમેધીમે અભ્યાસ દ્વારા એને અંતર્મુખી બનાવી શકાય છે. જ્યારે માણસ અંતર્મુખી થાય છે, ત્યારે એને જાણ થાય છે કે એના માનસિક સંસારનો વ્યાપ બાહ્ય સંસારના વ્યાપથી ઓછો નથી. જેટલો બાહ્ય સંસારનો વિસ્તાર છે એનાથી કેટલાય વિસ્તૃત આંતરિક સંસાર છે. અર્થાત્  માણસને આત્મસ્થિતિ પ્રાપ્ત કરવા માટે ભૌતિક વિજ્ઞાનમાં રુચિ રાખનાર અન્વેષક જેટલું જ વધારે અધ્યયન, વિચાર અને અન્વેષણ કરવું પડે છે. સંસારની બધી વસ્તુઓ આત્મસંતોષ માટે છે. જો માણસને આત્મસંતોષનો સહેલો માર્ગ મળી જાય તો તે સાંસારિક પદાર્થોની પાછળ શા માટે દોડે ? પરંતુ આ આત્મસંતોષ પ્રાપ્ત કરવો સરળ કામ નથી. જેટલી મુશ્કેલી કોઈ ઇચ્છિત બાહ્ય પદાર્થોની પ્રાપ્તિમાં થાય છે, એનાથી ક્યાંય વધારે મુશ્કેલી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં પડે છે. આત્મજ્ઞાન મનની સાધનાથી ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી મન આધાર વગરનું ન થઈ જાય, ત્યાં સુધી નિજ સ્વરૂપનું જ્ઞાન થતું નથી, પરંતુ મનનો સહજ સ્વભાવ આત્મા સિવાયની વસ્તુ પર અવલંબિત બનીને રહેવાનો છે.

તેથી એને એની આદતમાંથી મુક્ત કરવામાં જે પ્રયાસ કરવો પડે છે તે કલ્પનાતીત છે. ઈશ્વરવાદમાં વિશ્વાસ રાખવાનો અને એના ધ્યાનમાં તલ્લીન થવાનો મુખ્ય ઉદેશ એ છે કે આત્મા પોતાના વાસ્તવિક સર્વોત્કૃષ્ટ સ્વરૂપને સમજીને સ્વાવલંબી બની શકે. ઈશ્વરની ઉપાસના દ્વારા આપણે ‘ દિવ્ય સત્ તત્ત્વ’ની આરાધના કરીએ છીએ, જેનાથી આપણો આત્મા તમોગુણ અને રજોગુણથી છૂટી સત્ તત્ત્વમાં ભળી જાય. અનેક પ્રકારનાં વિધાનો દ્વારા, અનેકાનેક કર્મકાંડો દ્વારા સમગ્ર સંસારમાં ઈશ્વરની જે પૂજા – ઉપાસના થતી જોવા મળે છે, એનો મર્મ એ જ છે કે જીવ ઈશ્વરીય સત્ – તત્ત્વની અધિકાધિક નજીક પહોંચતો જાય અને અંતે પોતે પણ એવો જ બની જાય. એ અવસ્થાને પ્રાપ્ત થઈ જવાથી આનંદની કોઈ સીમા નથી રહેતી. અનંત આનંદમાં એની ચેતના તલ્લીન બની જાય છે. સત્ત્વગુણની આ પરિપૂર્ણતાને બ્રહ્મની પ્રાપ્તિ કહે છે. બાદશાહ નૌશેરવાં એક દિવસ શિકાર ખેલતાં દૂર નીકળી ગયા. બપોરના સમયે એક ગામની પાસે ડેરાતંબૂ નાંખીને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. અકસ્માત્ ખબર પડી કે મીઠું ( નમક ) નથી. સેવક પાસેના ઘરમાં જઈને થોડુંક મીઠું લઈ આવ્યો. બાદશાહે તે જોઈને તેને પૂછયું. ‘ મીઠાની કિંમત ચૂકવી ? ” તેણે જવાબ આપ્યો. આટલાં મીઠાની શું કિંમત આપવી ? નૌશેરવાંએ તરત જ કહ્યું. હવે પછી આવું ન કરીશ અને આ મીઠાની કિંમત અત્યારે જ જઈને આપી આવ. તું નથી સમજતો કે જો બાદશાહ કોઈના બાગ – બગીચામાંથી કિંમત ચૂકવ્યા વિના એક ફળ પણ લે, તો તેના કર્મચારીઓ બાગને ઉજ્જડ બનાવી ખાઈ જાય. નૌશેરવાંની આ ન્યાયશીલતાએ તેના રાજ્યનાં મૂળ મજબૂત કર્યા અને આજે પણ શાસકો માટે તેનું આચરણ આદર્શરૂપ માનવામાં આવે છે.

ઈશ્વરનું ભજન કેવી રીતે કરવામાં આવે ? | GP-2. બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ | ગાયત્રી વિદ્યા

ઈશ્વરનું ભજન કેવી રીતે કરવામાં આવે ?

સાધારણ રીતે બધા જ ભગવાનનું નામ લે છે, પરંતુ એની સાથે જ્યાં સુધી ભગવાનના આદેશોના પાલનનું ધ્યાન રાખવામાં ન આવે, ત્યાં સુધી વિશેષ ફળની પ્રાપ્તિ થતી નથી. ભગવાનના જપ કરવાની સાથે દશેય ઈન્દ્રિયોની દુર્વાસનાઓનો ત્યાગ કરીને ચિત્તને સદાચારી અને સાત્વિક બનાવીને જ્યારે પરમાત્માનું સ્મરણ કરવામાં આવે છે ત્યારે સાચો લાભ મળે છે. નામ – જપ કરનારાઓ માટે શાસ્ત્રકારોએ દસ નામાપરાધ બતાવ્યા છે અને એનાથી બચવાનો કઠોર આદેશ કર્યો છે. જેમ કે ઔષધિ સેવન કરતી વખતે પરેજી પાળવી પણ આવશ્યક છે તેવી રીતે નામ જપ કરનારે દસ નામાપરાધોથી બચવાનું પણ આવશ્યક છે. પરેજી ન પાળવાથી, કુપથ્ય ખાવાથી સારી ઔષધિનું સેવન પણ નકામું બને છે, તેવી રીતે નામાપરાધ કરવાથી નામ – જપ પણ નિષ્ફળ જાય છે. દસ ઋતોથી, દસ નામાપરાધથી બચીને રામનામ જપવાથી કોટિ યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે, તે દસ ઋતા આ પ્રમાણે છે.-

સાનિન્દાસતિ નામવૈભવ કથા શ્રીશશયોર્ભેદધીર શ્રદ્ધા ગુરુ શાસ્ત્ર વેદ વચને નામ્ન્યર્થવાદભ્રમઃ |
નામાસ્તીતિનિષિદ્ધ વૃત્તિ વિહિત ત્યાગૌહિ ધર્માન્તરે : સામ્યં નામ જપે શિવસ્ય ચ હરેનમાપરાધા દશ |
( ૧ ) સન્નિંદા ( ૨ ) અસતિ નામ વૈભવ કથા ( ૩ ) શ્રીશેશયોર્ભે દધીઃ. ( ૪ ) અશ્રદ્ધા ગુરુવચને ( ૫ ) શાસ્ત્ર વચને ( ૬ ) વેદ વચને ( ૭ ) નામ્ન્યર્થવાદભ્રમઃ  ( ૮ ) નામાસ્તીતિ નિષિદ્ધ વૃત્તિ ( ૯ ) વિહિત ત્યાગ ( ૧૦ ) ધમાઁતરે સામ્યં – આ દસ નામાપરાધ કે ઋત છે. તેનો ત્યાગ કરવાથી નામજપનું કોટિ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ દસ સંબંધી વિવરણ નીચે આપેલું છે.
( ૧ ) સત્ નિંદા –સત્પુરુષોની, સ્વજનોની, સત્યની, સાચાં કાર્યોની, સત્ સિદ્ધાંતોની કોઈ સ્વાર્થથી પ્રેરાઈને નિંદા કરવી, સત્ય માર્ગ પર ચાલવાનું, સત્ સિદ્ધાંતોને અપનાવવાનું, કોઈ લોભ અથવા ભયને કારણે સાહસ ન થાય તો લોકો પોતાની નબળાઈ છુપાવવા માટે સત્ય બાબતો અથવા સત્પુરુષોનો કોઈ મિથ્યા આધાર લઈ વિરોધ કરવા લાગે છે. આ ‘સન્નિંદા’ છે. શત્રુમાં પણ સત્યતા હોય તો એ સત્યતાની પ્રશંસા જ કરવી જોઈએ.

( ૨ ) અસતિ નામ વૈભવ કથા – અસત્યનો આધાર લઈ આગળ વધેલી વ્યક્તિઓ અથવા સિદ્ધાંતોના ઓઠા નીચે વૈભવની પ્રશંસા કરવી. કેટલીય જૂઠી, પાખંડી, અત્યાચારી વ્યક્તિ પોતાની ધૂર્તતાના આધાર ઉપર મોટા કહેવાવા લાગે છે. એમની ચમકદમકથી આકર્ષાઈને એમની પ્રશંસા કરવી અથવા એમના વૈભવનું લોભામણું વર્ણન કરવું ત્યાજ્ય છે. અસત્યની નિંદા થવી જોઈએ. જૂઠા આધાર પર મળેલી સફળતાઓને આ રીતે સમજવી, સમજાવવી અને એમનું અનુકરણ કરવાનો લોભ થાય એ નામાપરાધ છે.

( ૩ ) શ્રીશેશયોર્ભેદધીઃ – વિષ્ણુ, મહાદેવ વગેરે દેવતાઓમાં ભેદબુદ્ધિ રાખવી, એમને અલગ અલગ માનવા. એક જ સર્વવ્યાપક સત્તાની વિભિન્ન શક્તિઓનાં નામ જ દેવતા કહેવાય છે. વાસ્તવમાં પરમાત્મા જ એક દેવ છે. અનેક દેવોના અસ્તિત્વના ભ્રમમાં પડવું, નામજપ કરનાર માટે યોગ્ય નથી.

( ૪ ) અશ્રદ્ધા ગુરુ વચને – સદ્ ગુરુ, તત્ત્વદર્શી, નિઃસ્પૃહ, આત્મપુરુષોનાં સદ્ વચનોમાં અશ્રદ્ધા રાખવી, વિરોધ ન કરવા છતાં ઉદાસીન રહેવું તે અશ્રદ્ધા છે. સદ્ ગુરુનાં લોક – હિતકારી સદ્ વચનોમાં શ્રદ્ધા રાખવી જોઈએ.

( ૫ ) અશ્રદ્વા શાસ્ત્રવચને – શાસ્ત્રનાં વચનોમાં અશ્રદ્ધા રાખવી. આમ તો કેટલાંય પુસ્તકો સાંપ્રદાયિક, પરસ્પર વિરોધી અને અસંગત વિચારોથી યુક્ત હોવા છતાં શાસ્ત્ર કહેવાય છે, પરંતુ વાસ્તવિક શાસ્ત્ર એ છે જે સત્યતા, લોકહિત, કર્ત્તવ્યપરાયણતા અને સદાચારનું સમર્થન કરે છે. આ કસોટીમાં જે શુદ્ધ સોનાની જેમ સાચું સિદ્ધ થાય તે જ શાસ્ત્ર છે. એવાં શાસ્ત્રોનાં વચનો ઉપર અશ્રદ્ધા ન કરવી જોઈએ.

( ૬ ) અશ્રદ્ધા વેદવચને – અર્થાત્ વેદવાક્યમાં અશ્રદ્ધા રાખવી. જ્ઞાનને વેદ કહે છે. જ્ઞાન – પૂર્ણ, સદ્બબુદ્ધિસંમત વચનોમાં અશ્રદ્ધા ન કરવી જોઈએ. વેદ સત્યજ્ઞાનનો આધાર હોવાને કારણે શ્રદ્ધા કરવા યોગ્ય છે.

( ૭ ) નામ્ન્યર્થવાદભ્રમઃ – નામના અર્થવાદમાં ભ્રમ કરવો. ઈશ્વરનાં અનેક નામોનાં અર્થમાં જે વિભિન્નતા છે એને કારણે ભ્રમમાં ન પડવું જોઈએ. ગોપાલ, મુરલીધર, યશોનંદન, રામ, રઘુનાથ, દીનબંધુ, અલ્લાહ, ગૉડ વગેરે નામોના શબ્દાર્થ અલગ – અલગ છે. આ અર્થોથી તત્ત્વ અલગ – અલગ હોવાનો ભ્રમ થાય, પરંતુ એ સાચું નથી. બધાં જ નામ એક પરમાત્માનાં છે. તેથી પરમાત્માની બાબતમાં કોઈ પૃથક્તાના ભ્રમમાં ન પડવું જોઈએ.

( ૮ ) નામાસ્તીતિ નિષિદ્ધવૃત્તિ-  નામ તો છે જ, પછી અન્ય બાબતોની શું જરૂર, એવી નિષિદ્ધવૃત્તિ. ઈશ્વરનું નામોચ્ચારણ કરવા માત્રથી બધાં પાપ કપાઈ જશે, તેથી પાપ કરવામાં કોઈ મુશ્કેલી નથી, એવું કેટલાય માણસો વિચારે છે. દિવસ – રાત કુવિચારો અને કુકર્મોમાં લાગેલા રહે છે અને એના ફળથી બચવા માટેના સહેલા ઉપાયો શોધે છે કે બે – ચાર વાર રામનામ લઈ લીધું તો બસ હવે બેડો પાર, બધાં જ પાપ નાશ પામ્યાં. આ જબરું અજ્ઞાન છે. પરમાત્મા નિષ્પક્ષ, સાચો ન્યાયાધીશ છે. તે ખુશામત કરનારના નથી પાપ માફ કરતો  કે નથી ખુશામત ન કરનારના પુણ્યને રદ કરતો. કર્મોનું યથાયોગ્ય ફળ આપવું એ તેનો સુદૃઢ નિયમ છે. તેથી આત્મબળની વૃદ્ધિ માટે નામસ્મરણ કરતાંકરતાં પણ એવી આશા કરવી જોઈએ કે પરમાત્મા અમારાં ખરાં – ખોટાં કર્મોનું યથાયોગ્ય ફળ તો ચોક્કસ આપશે જ. જેઓ પાપનાશની આશા
બેસી રહે છે અને કુમાર્ગને છોડીને સન્માર્ગ પર ચાલવાનો પ્રયત્ન નથી કરતા, તેઓ નામાપરાધ કરે છે.

૯ ) વિહિત ત્યાગ – વિહિતકર્મોનો ત્યાગ, જવાબદારીને છોડી દેવી, કર્ત્તવ્યધર્મથી મુખ ફેરવી લેવું, નામાપરાધ છે. કેટલાય માણસો ‘ સંસાર મિથ્યા છે, દુનિયા જૂઠી છે ” વગેરે મહાવાક્યોનો સાચો રહસ્યમય અર્થ સમજયા વિના પોતાનાં કર્ત્તવ્ય, ધર્મ અને જવાબદારીને છોડીને ઘરમાંથી ભાગી નીકળે છે. જ્યાં ત્યાં ગુંડાગીરીમાં, દુર્વ્યસનીઓના કુસંગમાં ભટકે છે. આ અનુચિત છે, ઈશ્વરે પ્રદાન કરેલી જવાબદારીઓ અને કર્તવ્યધર્મોને પૂરી સાવધાની અને ઈમાનદારીથી પૂરા કરતાકરતાં ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ.

( ૧૦ ) ધર્માન્તરે : સામ્યમ્ – ધર્મ સિવાયની, ધર્મ વિરુદ્ધ વાતોને પણ ધર્મની સમતામાં રાખવી, અનેક સામાજિક કુરીતિઓ એવી છે જે ધર્મવિરુદ્ધ હોવા છતાં પણ ધર્મમાં સ્થાન પામે છે, જેમ કે પશુબલિ અને સ્ત્રી તથા શૂદ્રોની સાથે અસમાનતા તથા અન્યાયયુક્ત વ્યવહાર ધર્મના નામે પ્રચલિત છે, પરંતુ વાસ્તવમાં તે અધર્મ છે. આવા અધર્મોને ધર્મમાં જોડવા, ધર્મની સમતામાં રાખવા, નામાપરાધ છે. કર્ત્તવ્યકર્મ જ ધર્મ કહેવાય છે. અકર્ત્તવ્યોને રૂઢિવાદને કારણે ધર્મસામ્ય ન બનાવવા જોઈએ. આ દસ ઋતોથી શુદ્ધ થઈને, એમનો ત્યાગ કરી, દસેય ઈંન્દ્રિયોને સંયમમાં રાખીને, સત્ય અને ધર્મથી જીવનને ઓતપ્રોત બનાવીને જે લોકો નામ જપ કરે છે, ભગવાનનું નામોચ્ચારણ કરે છે, એમનો જ આત્મા પવિત્ર બને છે અને તેઓ કોટિ યજ્ઞફળના અધિકારી બને છે. એમ તો પોપટ પણ રામ રામ રટે છે, પણ એનાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. વાચકોએ દસઋત બનીને જ નામ – જપ કરવા જોઈએ અને યાદ રાખવું જોઈએ કે –
રામનામ સબ કોઈ કહે, ન દસઋત કહે ન કોઈ, એક બાર દસઋત કહે, કોટિયજ્ઞ ફલ હોય.

બ્રહ્મજ્ઞાન માટે ધ્યાનની આવશ્યકતા | GP-2. બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ | ગાયત્રી વિદ્યા

બ્રહ્મજ્ઞાન માટે ધ્યાનની આવશ્યકતા


બ્રહ્મજ્ઞાન અથવા ઈશ્વરના સ્વરૂપને સમજવા અને તેને અનુરૂપ ચાલવા માટેના અનેક માર્ગ છે, પરંતુ ભક્તિપૂર્વક ઈશ્વરનું ધ્યાન અને ભજન કરવું એ બધામાં મુખ્ય છે. આ એક એવું સાધન છે જે પ્રત્યેક ઈશ્વરીયમાર્ગની સફળતા માટે આવશ્યક છે. ‘ ગરુડપુરાણ ‘ માં કહ્યું છે –
ભજ ઈત્યેવ વૈ ધાતુઃ સેવામાં પરિકીર્તિતા | તસ્નાત્રેવાબુધે પ્રોક્તા ભક્તિઃ સાધન ભૂયસી II
શ્લોકનું તાત્પર્ય છે કે – ‘ ભજ્’ ધાતુનો અર્થ સેવા છે. ( ભજ – સેવાયાં ) તેથી બુદ્ધિશાળી જનોએ ભક્તિનું સાધન સેવા કહી છે. ‘ ભજન ’ શબ્દ ‘ ભજ્ ’ ધાતુથી બન્યો છે. જેનો સ્પષ્ટ અર્થ સેવા છે. “ ઈશ્વરનું ભજન કરવું જોઈએ ” – જે શાસ્ત્રોએ આ મહામંત્રનો મનુષ્યને ઉપદેશ આપ્યો છે તેમનો ઉદ્દેશ મનુષ્યને ઈશ્વરની સેવામાં પ્રવૃત્ત કરવાનો હતો. જે વિધિ વ્યવસ્થા દ્વારા મનુષ્યપ્રાણી ઈશ્વરની સેવામાં તલ્લીન બની જાય તે જ ભજન છે. આ ભજનના અનેક માર્ગ છે. અધ્યાત્મ માર્ગના આચાર્યોએ દેશ, કાલ અને પાત્રના ભેદને ધ્યાનમાં રાખીને ભજનના અનેક કાર્યક્રમ બનાવ્યા અને બતાવ્યા છે

વિશ્વના ઇતિહાસમાં જે જે અમર વિભૂતિઓ, મહાન આત્માઓ, સંત, સિદ્ધ, જીવન્મુક્ત, ઋષિ અને અવતાર થયા છે એ બધાએ ભજન કર્યું છે અને કરાવ્યું છે, પણ એ બધાનાં ભજનોની પ્રણાલી એકસરખી નથી. દેશ – કાલ અને પરિસ્થિતિ અનુસાર એમને ભેદ કરવો પડ્યો છે. આ ભેદ હોવા છતાં પણ ભજનનાં મુખ્ય તથ્યમાં કોઈએ અંતર આવવા દીધું નથી. ભજન ( ઈશ્વરની સેવા ) કરવું એટલે ઈશ્વરની ઇચ્છા અને આજ્ઞાનું પાલન કરવું. સેવકો પોતાના માલિકોની સેવા આ રીતે પણ કર્યા કરે છે. એક રાજાના શાસનમાં હજારો કર્મચારીઓ કામ કરે છે. એ બધાને જવાબદારીનાં કામ વહેંચી દેવાય છે. દરેક કર્મચારી પોતપોતાનું નક્કી કરેલું કામ કરે છે. પોતાના નિયત કાર્યને યોગ્ય રીતે કરનાર રાજાનો કૃપાપાત્ર બને છે. એના વેતન તથા પદમાં વધારો થાય છે, પુરસ્કાર મળે છે, ઇલ્કાબ વગેરે આપવામાં આવે છે. જે કર્મચારી પોતાના નિયત કાર્યમાં આળસ કરે છે તે રાજાના ગુસ્સાનો ભોગ બને છે. દંડ, પગારમાં કાપ, સ્વાનિવૃત્તિ અથવા અન્ય પ્રકારની સજાઓ પામે છે. આ નિયુક્ત કર્મચારીઓની સેવાનું યોગ્ય સ્થાન જેમાં એમને નિયુક્ત કરાયા છે તેવાં કાર્યોમાં છે. રસોઇયા, ભંગી, પંખા નાખનાર, ધોબી, ચોકીદાર, ચારણ, નાઈ વગેરે સેવક પણ રાજાને ત્યાં રહે છે. તેઓ પણ એમનું નિયત કાર્ય કરે છે. પરંતુ આ સામાન્ય કર્મચારીઓમાંથી કોઈ એવું નથી વિચારતા કે રાજાની સર્વોપરિ કૃપા અમારા ઉપર ઊતરે. વાત પણ સાચી છે. રાજાના યોગ્ય ઉદ્દેશને સુવ્યવસ્થિત રાખનારા રાજ્યમંત્રી, સેનાપતિ, અર્થમંત્રી, વ્યવસ્થાપક, ન્યાયાધીશ વગેરે ઉચ્ચ કર્મચારી જેટલો આદર, વેતન, આત્મભાવ મેળવે છે, તેટલાં બિચારાં ભંગી, રસોઇયા વગેરેને જીવનભર સ્વપ્નમાં પણ મળતાં નથી. રાજ્યના બધા જ કર્મચારીઓ જો પોતાનાં નિયત કાર્યોમાં અરુચિ દાખવી રાજાના રસોઇયા, ભંગી, કહાર, ધોબી, ચારણ વગેરે બનવા દોડી જાય તો રાજાને થોડીક પણ પ્રસન્નતા અને સુવિધા થશે નહિ. જો  કે આ બધા કર્મચારીઓને રાજા માટે અગાધ પ્રેમ છે અને પ્રેમથી પ્રેરાઈને જ એમણે વ્યક્તિગત શરીર સેવા કરી છે અને દોટ મૂકી છે. પરંતુ આવો વિવેકરહિત પ્રેમ લગભગ દ્વેષ જેવો જ હાનિકર્તા બને છે. એનાથી રાજ્યનાં આવશ્યક કાર્યોમાં મુશ્કેલી અને અનાવશ્યક કાર્યોનો વધારો થશે. આ કાર્યપ્રણાલી કોઈ પણ બુદ્ધિમાન રાજાને ગમશે નહિ.


ઈશ્વર રાજાઓનો મહારાજ છે. આપણે બધા એના રાજ્યના કર્મચારી છીએ. આપણા સૌ માટે નિયત કર્મો છે. પોતપોતાની જવાબદારીઓનું યોગ્ય રીતે પાલન કરતાંકરતાં આપણે ઈશ્વરની ઇચ્છા અને આજ્ઞાનું પાલન કરીએ છીએ. આમ સાચી સેવા કરતા રહીને સ્વાભાવિક રીતે એના પ્રિયપાત્ર બની જઈએ છીએ. રાજાઓને તો વ્યક્તિગત સેવાની પણ આવશ્યકતા રહે છે, પરંતુ પરમાત્માને તો રસોઇયા, ભંગી, કહાર, ચારણ, ચોકીદાર વગેરેની કંઈજ આવશ્યકતા નથી. તે સર્વવ્યાપક છે. વાસના અને વિકારોથી રહિત છે. આથી એને ભોજન, કપડાં, પંખો, રોશની વગેરેનો કોઈ જ ઉપયોગ નથી.


ધ્યાન, જપ, સ્મરણ – કીર્તન, વ્રત, પૂજન, અર્ચન, વંદન આ બધો આધ્યાત્મિક વ્યાયામ છે. જે કરવાથી આત્માનું બળ અને સતોગુણ વધે છે. આત્મોન્નતિ માટે આ બધું કરવું આવશ્યક અને ઉપયોગી પણ છે, પરંતુ આટલું જ માત્ર ઈશ્વર ભજન કે ઈશ્વરભક્તિ નથી. આ તો ભજનનો બહુ જ નાનો અંશ છે. સાચી ઈશ્વર સેવા એની ઇચ્છા અને આશાઓને પૂરી કરવામાં છે. એની ફૂલવાડીને વધુ લીલીછમ અને ફળફૂલથી લચેલી બનાવવામાં છે. પોતાનાં નિયત કર્તવ્યો નિભાવતા જઈ પોતાની અને બીજાઓની સાત્વિક ઉન્નતિ તથા સેવામાં લાગી રહેવું એ પ્રભુને પ્રસન્ન કરવાનો સર્વોત્તમ ઉપાય હોઈ શકે છે.

બ્રહ્મજ્ઞાનનો માર્ગ કઠિન નથી | GP-2. બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ | ગાયત્રી વિદ્યા

બ્રહ્મજ્ઞાનનો માર્ગ કઠિન નથીજો કે સાંસારિક માણસો બ્રહ્મજ્ઞાનને ઘણું કઠિન – પ્રાય : અસંભવ માને છે, પરંતુ આ એક મોટી ભૂલ છે. બ્રહ્મજ્ઞાન અથવા આધ્યાત્મિકતા મનુષ્યના જીવનમાં આદિકાળથી ઓતપ્રોત છે, તેથી એને સમજી શકવાનું અને પાલન કરી શકવાનું જરાય કઠિન નથી. વર્તમાન સમયમાં એમાં જે મુશ્કેલી જણાય છે એનું કારણ એ છે કે અત્યારે સંસાર વાસ્તવિકતાને છોડીને કૃત્રિમતામાં ગુંથાયો છે. તેથી જે માર્ગ મનુષ્યને માટે સીધો, સરળ અને હિતકારી હતો તે જ એને કઠિન અને અસંભવ જણાય છે, પરંતુ જો વિચારપૂર્વક જોવામાં આવે તો ભલાઈ અને પવિત્રતાનો માર્ગ પાપ અને નીચતા કરતાં ઘણો સરળ છે. ભલાઈમાં જે સ્વાદ છે, પવિત્રતામાં જે આનંદ છે તે પાપ અને નીચતાની સરખામણીએ વધુ મજેદાર છે. ભલાઈ કરવી એ પાપ કરવા કરતાં વધુ સરળ છે, કેમ કે પરમાત્માસ્વરૂપ મનુષ્યની પ્રવૃત્તિ- સ્વભાવથી જ પવિત્રતા તરફની છે. પાપ અને નીચતા તો ઘણાં અપ્રાકૃતિક છે. મનુષ્ય નથી ઇચ્છતો કે તે નિકૃષ્ટતાના પંજમાં ફસાઈ જાય. એ માર્ગ ઉપર ચાલતાં એને ડગલે ને પગલે પોતાના આત્માનો સંહાર કરવો પડે છે, મનની રુચિ પર બળજબરી કરવી પડે છે ત્યારે તે ક્યાંક પાપ કરી શકે છે.


જે વ્યક્તિ ધૂમ્રપાન શરૂ કરે છે ત્યારે એને ખૂબ જ ખાંસી આવે છે, આંખમાં આંસુ આવી જાય છે, શરીરમાં પીડા થાય છે, માથામાં ચક્કર આવે છે, મુખમાંથી દુર્ગંધ આવે છે. આ બધું એ કારણે થાય છે, કેમ કે તમાકુ અપ્રાકૃતિક છે. પરમેશ્વર નથી ઇચ્છતા કે આપણે તે કાર્ય કરીએ. એમાં પ્રકૃતિનો સહયોગ નથી. ફક્ત આપણી આ અનધિકાર ચેષ્ટા જ એ દિવ્ય શક્તિઓ  ની વિરુદ્ધ લડાઈ કરે છે.

આ રીતે પાપ અને નીચતાનો આરંભ કરવામાં આપણા અંત : કરણને ભયંકર વિક્ષોભ થાય છે, આત્મગ્લાનિ અને ક્લેશ ઉત્પન્ન થાય છે, મન કોઈક અજ્ઞાત ભયથી થર – થર કાંપે છે, આપણાં દુષ્કૃત્યોમાં સાથ આપવા ઇચ્છતું નથી, આપણું શરીર સ્વાભાવિક ગતિથી તે તરફ જતું નથી. અડિયલ ઘોડાની જેમ તે ઠેર ઠેર અટકે છે અને તે માર્ગ પર ચાલવા ઇચ્છતું નથી. આપણો સંકલ્પ, આપણી ધારણાઓ, આાપણી વૃત્તિઓ બધાં જ જવાબ દઈ દે છે. આપણા મન ઉપર અત્યાચાર કરતાં કરતાં આપણે પાપમાં પ્રવૃત્ત થઈએ છીએ. વારંવાર એનું પુનરાવર્તન કરતા રહેવાથી આપણી પવિત્ર આકાંક્ષાઓ લગભગ મરી જાય છે. જે રીતે જાણીબૂજીને આપણે અફીણ, દારૂ, તમાકુ તથા અનેક વિષયુક્ત પદાર્થોના અભ્યાસી થઈ જઈએ છીએ અને આપણને એની કડવાશની પણ પ્રતીતિ થતી નથી, તેવી રીતે અભ્યાસી બની જવાથી આપણને પાપ અને નીચતા આચરતાં ગ્લાનિનો અનુભવ થતો નથી. સમય જતાં આપણે પાકા પાપી બની જઈએ છીએ.

પરમાત્માને તમારી અંદરથી કાર્ય કરવા દો. પ્રભુની જે ઇચ્છા છે, તદનુસાર ચાલવા માટે પોતાની જાતને વિવશ કરો. પરમાત્માને સ્વયં તમારી પોતાની મરજી મુજબ ચાલવા મજબૂર ન કરો. તમારી ઇચ્છા એક હોવી જોઈએ. તમે એ જ સર્વશક્તિમાન પરમાત્મા છો, જેણે તમામ જગતને પોતાની પવિત્રતા પ્રદાન કરી છે અને અણુઅણુમાં તે જ ઉત્કૃષ્ટ તત્ત્વને ઓતપ્રોત કરી દીધું છે, જે સત્ય છે, સુંદર છે તથા સર્વત્ર શિવ છે. આત્મનિરીક્ષણ દ્વારા જુઓ કે કેટલી માત્રામાં તમે ઈશ્વરેચ્છાના અનુગામી બન્યા છો ? તમારાં કેટલાં કાર્ય પરમાત્મા માટે હોય છે ? કેટલો સમય તમે ‘ સ્વ ’ ની પૂર્તિમાં વ્યતીત કરો છો ? કેટલો સમય તમે પૂજા – આરાધનામાં ગાળો છો ? તમારાં વિભિન્ન અંગોનો શું અભિપ્રાય છે ? તે કયા હેતુથી બનાવવામાં આવ્યાં છે ? તમારાં નેત્રોનું કાર્ય પવિત્રમાં પવિત્ર વસ્તુઓનું દર્શન હોવું જોઈએ. તમે કુરૂપતામાં પણ ભવ્યતા શોધી કાઢો. પ્રતિકૂળતામાં પણ સહાયક તત્ત્વોનું દર્શન કરતા રહો. મુશ્કેલમાં મુશ્કેલ અને વિષમમાં વિષમ પરિસ્થિતિમાં પણ વિચલિત ન થાઓ. તમારા પગ તીવ્ર આંધી, પાણીમાં પણ સ્થિર રહે. તમારા હ્રદયમાં પવિત્રતાની ગરમી હોય. શરીરમાં ઉત્સાહ હોય. અંગ – પ્રત્યંગમાં પરમેશ્વરનું તેજ ચમકતું રહે.

આત્મબંધુઓ ! આ સંસાર સાથે આપણો કોઈ સંબંધ નથી. આપણે સત્ ચિત્ આનંદ વિશુદ્ધ પરમ પદાર્થ – આત્મા છીએ. સંસાર અને સાંસારિક સંબંધ રમકડાં માત્ર છે. અવારનવાર આપણે કહ્યા કરીએ છીએ કે અમુક વ્યક્તિ અમારો શત્રુ છે, અમુક અમારો મિત્ર છે, અમુક અમારા પિતા છે, અમુક પુત્ર છે, પરંતુ વાસ્તવમાં કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી, કોઈ પિતા નથી કે કોઈ પુત્ર નથી. આપણે સૌ સાક્ષાત્ પરબ્રહ્મ પદાર્થ છીએ. સંસારના ક્ષુદ્ર ઝઘડાઓ સાથે આપણો કોઈ સંબંધ નથી. સુખ અને દુઃખ, છાંયો અને તડકો છે, જે આવતાં જતાં રહે છે. આપણી આંતરિક શાંતિ ભંગ થવી જોઈએ નહિ. આપણે સંસારથી બહુ ઊંચા છીએ.
જેમ વિમાનમાં બેસીને આકાશમાં વિહાર કરવાથી સંસારની પ્રત્યેક વસ્તુ ઘરબાર, મનુષ્ય, પશુ, વૃક્ષ વગેરે નાનાં નાનાં લાગે છે તે રીતે આત્મસ્વરૂપનો પ્રકાશ મેળવનાર સાધકને સાંસારિક પદાર્થો મિથ્યા લાગે છે. તે એમનાથી બહુ જ ઊંચો ઊઠી જાય છે. માયામોહના ચક્રમાં ફસાતો નથી. એને દિવ્યજ્ઞાન તે પ્રકાશ આપે છે, જેના ઉજાસમાં એને ભવ્યતા, પવિત્રતા તથા વાસ્તવિક સત્યનાં દર્શન થાય છે.


તમે સંસારથી અલગ રહીને જ આત્મજ્યોતિને પ્રકાશિત કરી શકો, એવું નથી. સંસારની થપાટો સહીને પણ તમે સારી રીતે દિવ્યતા પ્રાપ્ત કરી શકો છો. ઘર – ગૃહસ્થીની અનેક જવાબદારીઓનું પાલન કરતાં કરતાં પણ તમે સહર્ષ પોતાની અંદરના પરમાત્મ તત્વને પ્રકાશિત કરી શકો છો.


તમે પ્રત્યેક કાર્ય એમ માનીને કરો કે તમે પરમાત્મા છો, એના એક અંગ છે. તમારામાં જ્ઞાન, સત્ય, પ્રેમ ભરેલાં પડ્યાં છે અને તમે હંમેશાં જીવનમાં એ તત્ત્વોનો પ્રકાશ કરી રહ્યા છો. તમે સર્વત્ર પ્રેમ, દિવ્યતા અને શાંતિનું જ દર્શન કરો છો. તમારી દષ્ટિ ફક્ત ભવ્ય તત્ત્વોના ચિંતનમાં જ લાગે છે. તમે પવિત્ર શબ્દોનું જ ઉચ્ચારણ કરો છો અને મનમંદિરમાં સદાસર્વદા પવિત્ર સંકલ્પોને જ સ્થાન આપો છો.

આપનું લક્ષ્ય અને આદર્શ જેટલા દિવ્ય હશે, તેટલી જ આપને ઈશ્વરીય પ્રેરણા મળતી રહેશે. જે ગુણ તમારામાં નથી તેને પોતાની અંદર માની લો. પછી એને અનુરૂપ આચરણ કરો. સમય જતાં તે જ શુભતત્ત્વો તમારામાં પ્રગટ થશે. તમે પોતાને દીન, હીન, પાપી નહિ, પરમ પવિત્ર નિર્વિકાર આત્મા માનો.

બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિનો માર્ગ | GP-2. બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ | ગાયત્રી વિદ્યા

બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિનો માર્ગ

સંસારના મોટાભાગનાં દુઃખોનું કારણ સાંસારિક વિષયોની કામના અને ભોગલિપ્સા જ હોય છે. એનાથી પીડાતી વ્યક્તિ માટે વાસ્તવમાં આ સંસાર દુઃખદાયક છે. દુ:ખથી ઘેરાયેલી વ્યક્તિના મનમાં એક જ. વિચાર કાર્ય કરે છે કે તે નકામો અને ધૃણાસ્પદ છે. બીજી વ્યક્તિઓ નથી એના પ્રત્યે આકર્ષાતી, નથી હાર્દિક સંવેદના પ્રકટ કરતી. બીજાઓનો તો ઠીક એનો પોતાના ઉપરથી વિશ્વાસ ઊઠી જાય છે. બને છે એવું કે બીજાઓ પાસેથી એને નથી સહાયતા મળતી કે નથી સાંત્વના મળતી. પરંતુ એના મનમાં સતત એમ થયા કરે છે, કદાચ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા એને દુ:ખમાંથી છુટકારો મળી જાય. દુ:ખના પ્રસંગે મનથી કોઈ પ્રકારની સહાયતા નથી મળતી, કેમ કે એની અનંત ઇચ્છાઓ જ દુ:ખ ઉત્પન્ન કરે છે. ઇચ્છાઓ દ્વારા ઉત્પન્ન થતાં સુખને તો એ ગળે લગાડે છે, પણ દુઃખ આવતાં એનું કંઈ સાંભળ્યા વિના ભગાડી મૂકવા માગે છે. પરિસ્થિતિ અનુરૂપ થતાં ક્યારેક એને પોતાની ચાલમાં સફળતા મળી જાય છે. બુદ્ધિ અસહાય બની સુષુપ્ત અવસ્થામાં ચાલી જાય છે અને દુ:ખની બાબતમાં ગંભીર વિચાર કરવા અસમર્થ બની જાય છે. મનના ચક્રમાં ફસાયેલ પ્રાણી આ રીતે લાંબા સમય સુધી દુ:ખ ભોગવ્યા કરે છે. એક પછી એક એમ કેટલાયનાં જીવન આમ જ નષ્ટ થઈ જાય છે.

કેટલાક માણસો એવા પણ છે જે દુ:ખની ક્ષણ આવતાં એના ઉપર વિચાર કરે છે અને સત્સંગનો આશ્રય લે છે, પરંતુ અધૂરાં વિચાર અને બાહ્ય સત્સંગથી એમને લાભ થતો નથી કેમ કે એમાં પણ દુ:ખ ભોગવવા સિવાય એમનો બીજો અભિપ્રાય નથી હોતો. દુ:ખ અંગે વિચારતી વખતે અથવા સત્સંગ સમયે એમનું મન સંપૂર્ણ રીતે ત્યાં નથી હોતું. એમનું મન હંમેશાં અહીંતહીં ભટકતું રહે છે અને બીજાઓની વાતોમાંથી દુ:ખથી છુટકારો મેળવવાનું સમાધાન શોધે છે, જે એને ક્યારેય મળતું નથી, કારણ તે પોતાનાં ઈન્દ્રિયસુખોને છોડવા માગતો નથી. દુ:ખના પ્રસંગો જીવનમાં વારંવાર આવે છે અને જ્યારે જ્યારે આવે છે, ત્યારે મનુષ્યને ઊંડો આઘાત પહોંચાડે છે.

મનુષ્ય એનાથી ગભરાઈ જાય છે, ૨ડે છે અને બૂમો પાડે છે, પશ્ચાત્તાપ કરે છે અને એના મનમાં ભોગો તરફથી મોઢું ફેરવી લેવાની પણ ઇચ્છા થાય છે, પરંતુ જૂની આદત અવસર મળતાં એને ભોગ ભોગવવા તરફ ફરી પ્રવૃત્ત કરી દે છે અને એનો આગળનો નિર્ણય મંદ પડી જાય છે. વાસ્તવમાં એનું આ દુ:ખ પણ છેતરામણી જ છે. સાચા દુ:ખથી કોઈ કાર્ય તરફ સજાગતા જન્મે છે. જો એવું ન થાય તો સમજવું કે દુ:ખનો એના ઉપર કંઈ પ્રભાવ નથી પડ્યો. દુ:ખથી જો માણસ ન ચેત્યો તો સંસારમાં એવી કોઈ શક્તિ નથી, જે એને સન્માર્ગ ઉપર લઈ જાય. જે માણસે જિંદગીની વાતોને અર્થાત્ એનાં સુખ-દુ:ખને બરાબર સમજી લીધાં છે અને જેના મનમાં દુઃખોમાંથી છુટકારો મેળવવાની તીવ્ર ઇચ્છા ઉત્પન્ન થઈ ગઈ છે, એને જીવનભર સત્સંગ કરતા રહેવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. સત્સંગ દ્વારા બહુ ઓછો લાભ ઉઠાવનાર એ વ્યક્તિઓ હોય છે, જે હંમેશાં સત્સંગ કરતા રહે છે, પરંતુ પોતાને સમજવાનો ક્યારેય પણ પ્રયત્ન કરતા નથી. અન્ય મંડળીઓની જેમ સત્સંગ પણ એમના માટે વાર્તાલાપ કરવાનું એક સ્થાન બની જાય છે. ક્યારેક બે ઘડી બેસીને ત્યાં પણ તેઓ પોતાના મનને હળવું કરી લેતા હોય છે. આવા લોકોના અજ્ઞાનનો જલદી અંત આવતો નથી. જેને સમજવાની એને અત્યંત આવશ્યકતા છે તેવી જીવનની કોઈ વાતને સન્મુખ રાખીને તે જે કોઈ સંતની પાસે જાય તો સંભવ છે કે એને થોડા સમયના જ સત્સંગથી બહુ મોટો લાભ થઈ જાય, પરંતુ જે ફક્ત વાત સાંભળવા અને સમય પસાર કરવા પૂરતો જ સત્સંગ કરે છે તેને બહુ જ ઓછો અને લાંબા અરસા બાદ લાભ થાય છે.

સત્સંગનો અભિપ્રાય છે. – માર્ગમાં કોઈક આવી જતાં એનું સમાધાન કરી લેવું. દરેક બાબતને સમજીને, સાધીને, જરૂર ઊભી થાય ત્યાં સત્સંગ દ્વારા લાભ ઉઠાવીને જો જીવન ચલાવવામાં આવે તો માર્ગ સુગમ બની જાય છે. મનુષ્યનું જીવન એક ઉપવન છે. ઉપવનને સારી સ્થિતિમાં રાખવા માટે એના ઉપર બધી બાજુએથી નજર રાખવી આવશ્યક છે. ઉદ્યાનના સૌંદર્યનો નાશ કરનારી કોઈ પણ ચીજ જો વચમાં ઊગી જાય છે તો ચતુર માળી તરત એને ઉખેડી નાખે છે. બાગ દેખાવમાં સારો ન લાગે તો માળીનો બધો જ પરિશ્રમ નકામો જાય છે. માળી જમીનને ખૂબ કેળવે છે અને એને નરમ બનાવી દે છે. જમીન બધી રીતે સારી બની જતાં તે ભાતભાતનાં ફૂલ અને ફળનાં વૃક્ષોને યથાસ્થાને એમાં ગોઠવે છે. કુશળ માળી દ્વારા આ રીતે સજાવેલો બાગ દેખાવમાં સુંદર લાગે છે. બાગના માલિકને પણ ત્યાં બેસવાની ઇચ્છા થાય છે અને આવનારાઓને પણ. આ જીવન પણ એક ઉદ્યાન જેવું છે. એને બધી રીતે સંભાળીને રાખવું જોઈએ, જેથી એની સ્વાભાવિક પ્રગતિમાં કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે. વિવિધ પ્રકારની ઇચ્છાઓથી ઘેરાઈ જવાથી મનુષ્યનું જીવન સાચવ્યા વગરના ઉપવન જેવું થઈ જાય છે. ઇચ્છાઓ પૂરી કરવામાં તે મહેનત કરે છે અને એમાં લાગેલો રહે છે. સફળતા મળે છે ખરી પણ મોટે ભાગે તે નિષ્ફળ જ રહે છે. લાંબા સમય સુધી આ સુખપ્રાપ્તિની ધૂનમાં લાગેલા રહેવાના કારણે એને અનેક પ્રકારના અનુભવોમાંથી પસાર થવું પડે છે. સુખની વચ્ચે એની પ્રતિક્રિયાને લીધે તેને પ્રતિદિન આઘાત પહોંચતો રહે છે, છતાં પણ તે એને જ સાચું જીવન સમજે છે. દુ:ખ અત્યંત વધી જતાં ક્યારેક ક્યારેક એને જીવન ભારરૂપ લાગે છે.

આ ગભરાટની વચ્ચે એના મનમાં એક જ ધૂન રહે છે કે વિપરીત સ્થિતિ અને દુઃખમાંથી કેવી રીતે છુટકારો મેળવવો, એને માટે તે ન કરવા યોગ્ય કાર્ય પણ કરી નાખે છે. દુઃખ બહુ વધી જતાં મન અને બુદ્ધિ ઉપર એનો કાબૂ રહેતો નથી. મનની અતિશય ખિન્ન સ્થિતિમાં તો પ્રાણી શરીરનો અંત ઇચ્છવા લાગે છે. અશાંત ચિત્તની આ બહુ મલિન સ્થિતિ છે. તેથી દુ:ખની સાધારણ સ્થિતિમાં હોશ હોય, ત્યારે ચિત્તમાં સજગતા જન્મે તો આ અવસરને હાથથી જવા ન દેવો જોઈએ. દુઃખના સમયે જન્મેલી સજગતા ચિરસ્થાયી બનાવી રાખવા માટે યોગ્ય પ્રતિબંધ કરવો જોઈએ. જો કે આપણને આપણા સુખનું જરૂરિયાત કરતાં વધુ ધ્યાન રહે છે, એટલાં માટે જીવનમાં આ બધી ગરબડ અને મુસીબતો છે. ઈન્દ્રિયસુખની બાબતમાં પ્રત્યેકનો એ અનુભવ છે કે તે એવું સુખ નથી જે મનુષ્યને નિશ્ચિંત કરી દે, પરંતુ દિવસે દિવસે તે કષ્ટ ઉત્પન્ન કરી બંધનને વધારતું જ રહે છે. આ સુખમાં તૃપ્તિ નથી. કોઈ ભોગને થોડા સમય સુધી સ્થાયી રાખવાથી માણસને એની ટેવ પડી જાય છે. પછી તો અનાયાસ જ અચેતન મન એવું કામ કરી બેસે છે. ઈન્દ્રિયસુખોમાં જો કોઈ વિઘ્ન અને નિબઁધ ન હોત તો કદાચ એને પણ સ્વાભાવિક કહી શકાત અને તો પછી એનાથી છુટકારો મેળવવાનું વિચારાત જ નહિ. સંસારમાં એવું જોવા મળે છે કે વિન – બાધાઓથી મુક્ત બની કોઈ પણ વ્યક્તિ ઈન્દ્રિયસુખોને ભોગવી શકતી નથી. કોઈ પણ સુખના ઉપભોગમાં સૌથી મોટું વિઘ્ન તો પોતાનું શરીર છે. તે ઉપરાંત, પરિસ્થિતિની વિભિન્નતા મુજબ અનેક પ્રકારની અગવડો છે, જે માણસ સામે રોજ આવ્યા કરે છે અને માણસ હંમેશાં તેનો અનુભવ કરે છે. જોતાં અને વિચારતાં એ પણ જણાય છે કે સુખ એવી કોઈ બાબત નથી જેને માટે આપણે કોઈ પણ બહારની વસ્તુ ઉપર આધારિત રહેવું પડતું હોય અથવા આપણા પર તેની પ્રતિક્રિયા ન થતી હોય. આવી દશામાં કયું પ્રાણી એ કહી શકે કે એનું સુખ વિઘ્નો-અડચણોથી રહિત છે. જો આ સ્થિતિ છે તો માણસ માટે એ આવશ્યક બની જાય છે કે તે પોતાનાં સુખદુ:ખ પ્રત્યે સજાગ બની જીવનની વાતોને સમજવાની કોશિશ કરે અને પોતાની કોઈ ઇચ્છાનું જબરદસ્તીથી દમન ન કરીને તેનું રહસ્ય બરાબર જાણી જવાય સમજાઈ જાય છે, ત્યારે એનો ત્યાગ કરતાં કોઈ દુ:ખ નથી થતું. યોગ્ય પ્રયત્ન દ્વારા માણસ એને છોડવા શક્તિમાન બને છે. આ કામ પણ સહેલું નથી, જે માણસ હંમેશાં સજાગ રહે તો અવશ્ય શક્ય છે. સજાગ બનીને પણ જો માણસ પોતાના લાંબા સમયના અભ્યાસને છોડી ન શકે તો બીજી કોઈ જ્ઞાનસભર યુક્તિ બતાવી પણ શકાતી નથી. આવા સમર્થ પ્રાણી હંમેશાં દુ:ખમાં પોતાનું જીવન વ્યતીત કરે છે. મનુષ્યને સાચા માર્ગ પર લાવવા માટે દુ:ખોથી વધુ સારી કોઈ વસ્તુ નથી. દુ:ખ જ મનુષ્યને સજગ થવાની તક આપે છે. સજગતા દ્વારા જીવનનો બોધ થઈ જતાં એની ગતિ સ્વાભાવિક બની જાય છે. શરૂઆતમાં ચિત્ત પહેલાં કરતાં વધુ અશાંત બની જાય છે, પરંતુ આ અશાંતિ સજગતાના પ્રકાશમાં ધીરે ધીરે ઓછી થતી જાય છે. શરૂઆતની આ એ મુશ્કેલી છે જે જીવનને સમજણના માર્ગ પર લઈ જાય છે. ધીમે ધીમે માણસે એની વચ્ચે રહીને એને જોતો રહીને અને એનાં રહસ્યને સમજીને એનાથી મુક્ત થઈ જાય છે.

જીવનની ત્યાજ્ય બાબતોને સમજીને જેમ જેમ માણસ એને સહેલાઈથી છોડી શકવામાં સમર્થ બનતો જાય છે, તેમ તેમ એનું જીવન વધારે ને વધારે સ્વાભાવિક અને ગંભીર બનતું જાય છે. ત્યાગ કરી દીધેલી વસ્તુમાં ફરી એને રાગ રહેતો નથી. છોડી દીધા પછી એની તરફ નથી થતો ક્ષોભ કે નથી હોતો વિજય પ્રાપ્ત કર્યાનો ગર્વ. તે વ્યક્તિ પોતાની કોઈ પણ દશામાં આઘાત પામતી નથી. જીવન એને અધિક રૂચિકર અને પોતાનું લાગે છે, કેમ કે એને એણે નજીકથી જોયું છે અને એનાં અલગ અલગ પાસાંઓ ઉપર વિચારતાં શીખ્યો છે. જીવનની સાથે સમવર્તી થવાથી કષ્ટ ઓછું થવા લાગે છે. એની સામે જે બાબત આવશે તેને સમજવા માટે તે પોતાનું હૃદય, મન અને બુદ્ધિ અર્પિત કરી દેશે. એના વિચાર અને કાર્યમાં કોઈ અંતર નહિ રહે, પોતાને સમજવા માટે માણસને કોઈ અન્ય વ્યક્તિના ઉપદેશ અને આલોચનાની આવશ્યકતા નથી હોતી. રાગદ્વેષથી પ્રેરાઈને તે કોઈના તરફ પ્રેમ પ્રદર્શિત કરશે નહિ કે ઘૃણા કરશે નહિ કોઈને પોતાનો મિત્ર સમજશે નહિ શત્રુ સમજશે નહિ. તે મનુષ્ય પોતાને સમજવામાં એટલો લીન બની જશે કે સમસ્ત બાહ્ય વસ્તુઓ એના માટે ઉપેક્ષણીય બની જશે. બીજાઓની વાતો ઉપર ધ્યાન આપવા માટે એની પાસે સમય હશે નહિ અને તે બીજાઓ માટે કોઈ વિરુદ્ધ વાત વિચારશે નહિ. કોઈને પોતાનાથી શ્રેષ્ઠ સમજી એનું પ્રભુત્વ સ્વીકારશે નહિ કે કોઈને પોતાનાથી હલકો સમજી એની ઉપેક્ષા કરશે નહિ અથવા એની ઉપર પ્રભુત્વ જમાવશે નહિ. આ બંને સ્થિતિઓમાં ભય અને ભેદ રહે છે, તેથી આવા જીવનમાં સમત્વ હોતું નથી કે સ્વાભાવિકતા પણ હોતી નથી. એનું પરિણામ સંકીર્ણતા અને અવનતિ છે. જીવનમાં જ્યારે બીજાઓનો અધિક પ્રભાવ પડવા લાગે છે ત્યારે તે માણસ પોતાનો રહેતો નથી.

એનામાં વિચાર અને સ્વતંત્ર કાર્ય કરવાની ક્ષમતાનો અભાવ થઈ જાય છે. જીવનની આવી પરિસ્થિતિમાં સત્યનું દર્શન થતું નથી. સત્યનો અનુભવ કરવા માટે પ્રત્યેક પ્રાણીએ પોતાના બનવાની આવશ્યકતા છે. સત્યની શોધ કરનારે હર્ષ, શોક, મોહ, અનુરાગ અને પ્રભુત્વની ભાવનાને પોતાની પાસે આવવા દેવી ન જોઈએ. આ સ્થિતિ મનને ઉત્તેજિત કરનારી હોય છે. ચિત્તને એવી સ્થિતિમાં રાખવું જોઈએ કે એના ઉપર કોઈ બાહ્ય બાબત પોતાનો પ્રભાવ પાડી શકે નહિ. ચિત્તમાં જ્યારે આનંદ અને નિરાલંબ પ્રેમ સ્થાન મેળવી લે છે, ત્યારે પોતાનાં – પારકાંનો ભેદ મટી જાય છે. આવો પુરુષ નથી ક્યારેય ઉદાસ રહેતો કે નથી મન લગાડવા માટે અન્ય કોઈ અવલંબનની આવશ્યકતા અનુભવતો. જીવજંતુ અને લતા – વેલીઓ સાથે એને મિત્રતા થઈ જાય છે. કષ્ટદાયક પ્રસંગોનો જીવનમાં અભાવ થવાની શરૂઆત થાય છે. મન હંમેશાં પ્રસન્ન અને એકાગ્ર થવા લાગે છે. સંસારની સાથે એનો શુદ્ધ પ્રેમનો સંબંધ સ્થાપિત થઈ જાય છે. સંસારની પ્રત્યેક વસ્તુમાં તે પોતાનું રૂપ જુએ છે. એને સર્વત્ર સત્યનું દર્શન થાય છે અને પ્રત્યેક અવસ્થા એને માટે આનંદની અવસ્થા બની જાય છે. વાયુના રૂપમાં તે સંસારની સહેલ કરશે. ફૂલપાન અને ઘાસની સાથે તે નૃત્ય કરશે, આકાશ એનું રૂપ હશે ; જલ, પૃથ્વી અને અગ્નિ એનાં બાહ્ય પ્રતીક હશે. સંસારની પ્રત્યેક વસ્તુ સાથે જ્યારે એકતા અને મૈત્રી સ્થપાઈ જશે પછી તે ખિન્ન અને ભયભીત શા માટે રહેશે ? શુદ્ધ અને પવિત્ર મનની અંદર ઉચ્ચ અને મનવાંછિત ભાવનાઓ ઉદય પામે છે. આવા ઉદ્બોધિત પુરુષ સંસારમાં આનંદ – પ્રસાર કરવાનું કેન્દ્ર બની જાય છે. વ્યક્ત અને અવ્યક્ત બંને સ્થિતિઓમાં એમના દ્વારા કાર્ય – સંપાદન થતું રહે છે. આનંદ – પ્રાપ્તિની આ એષણા સ્વાર્થની ભાવના નથી. એમાં નિવાસ કરવાથી મનના સંકલ્પ- વિકલ્પો અદૃશ્ય થાય છે. જીવનની આ સ્થિતિમાં પ્રયાસ નથી રહેતો. આ જીવનની શુદ્ધ, સહજ અને સાત્ત્વિક દશા છે. આવી વ્યક્તિને જોઈને બીજાં પ્રાણી પણ આ શુદ્ધ ભાવનાને ગ્રહણ કરવાની ઇચ્છા કરવા લાગે છે અને પોતાનો પ્રયાસ શરૂ કરી દે છે. આ શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ એક જ ક્ષણમાં નથી થઈ જતી, પરંતુ તેથી હતાશ થવાની કોઈ વાત નથી. સત્ય સૌને માટે એક અને અનિવાર્ય છે.

સૌ એક દિવસ એને પ્રાપ્ત કરશે – પ્રશ્ન કેવળ સમયનો હોઈ શકે. એના માટે સૌથી વધુ આવશ્યક બાબત છે – તીવ્ર વેગ હોવી. તીવ્ર વેગવાળા પ્રાણી એને તરત મેળવી લે છે. એમને અહીં તહીં ભટકવું પડતું નથી. વાર તો એમને લાગે છે જેઓ મંદ વેગને કારણે રસ્તામાં અટકીને આમતેમ સહેલ કરવા લાગે છે. જુદાજુદા ઉપાયો દ્વારા લોકોએ એની શોધ કરી છે. એમનું કહેવું છે કે સત્યની પ્રાપ્તિ માટેના માર્ગ અનેક છે, પરંતુ ખરેખર સત્યની પ્રાપ્તિનો માર્ગ ફક્ત એક છે અને તે છે “ સૃષ્ટિ અને જીવનના રહસ્યને સમજવું ”. એને લોકો જ્યાં સુધી બરાબર સમજી ન લે ત્યાં સુધી તેઓ અનેક માર્ગ અને અનેક ઉપાયો દ્વારા અનુભવ પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરતા રહે છે. લોકો કહે છે કે ઈશ્વર ઘટઘટમાં વ્યાપી રહ્યો છે, પરંતુ તે ફકત મુખથી જ કહે છે. આ સત્યને સમજી લીધા પછી પ્રાણી પોતાના પ્રત્યેક કાર્ય માટે જવાબદાર બની જાય છે. તે પોતાના અંતરાત્માના અવાજને સાંભળે છે અને તે અનુસાર આચરણ કરે છે. અર્થાત્ તે પ્રત્યેક કાર્યમાં પોતાના હદય અને મનને એક કરીને કાર્ય કરવાની ચેષ્ટા કરે છે, હૃદય અને મનમાં ઐક્યથી જ બુદ્ધિનો વિકાસ થાય છે. અંત : કરણમાં ઈશ્વર, સત્ય અથવા જીવનની અનુભૂતિ થઈ જતાં પ્રાણી પોતાનાં સમસ્ત કાર્યો પ્રત્યે સાવધાન બની જાય છે. એનો આ માર્ગ જીવનની વાસ્તવિકતાને સામે રાખે છે. એનાથી જીવન સ્વાભાવિક અને સરળ બને છે. પછી એનામાં ઈશ્વરપ્રાપ્તિ અને સત્યને જાણવાની પણ કોઈ ઇચ્છા રહેતી નથી, પરંતુ એનું જીવન જ સત્ય બની જાય છે. એનું પ્રત્યેક આચરણ, વ્યવહાર અને કાર્ય એ રીતનું બની જાય છે કે જેના કોઈ કર્મ બંધન નથી બનતું. આ રીતનું સમત્વમય જીવન જ સત્ય છે અને એમાં ઈશ્વરનું દર્શન છે.


સત્યની અનુભૂતિ પછી બધી જ બાબતો અને બધી સ્થિતિઓમાં મનુષ્ય પોતાની સત્તાનો અનુભવ કરે છે. એના મનમાંથી સંદેહ જતો રહે છે. પ્રત્યેક સ્થિતિમાં તે સત્યની અંદર નિવાસ કરે છે. એકલતાની ભયાનક સ્થિતિનો અંત આવી જાય છે. પ્રતિક્ષણ સત્યની સામે હોવાથી તે હંમેશાં આનંદમાં નિવાસ કરે છે. સત્યવિહીન મનુષ્યની સ્થિતિ જળથી છૂટી પડેલી માછલી જેવી હોય છે. થોડીક ક્ષણો સુધી જીવિત તો રહે છે, પરંતુ એના જીવનમાં આનંદ, ઉત્સાહ અને સાર રહેતો નથી, એની દશા એ માછલી જેવી છે જે કોઈ માછીમારની જાળમાં ફસાઈને અતિશય દુઃખથી પ્રાણત્યાગ કરે છે. પોતાના કોઈ ક્ષણિક સુખને કારણે જો કોઈ માણસ પોતાની સ્થિતિને એનાથી અલગ સમજે છે તો વાસ્તવમાં એ ભ્રાન્ત છે અને  પોતાના જીવનને બરાબર સમજી રહ્યો નથી. સંસાર એક મોટી જાળ છે. એનાં અસંખ્ય છિદ્રોમાં માણસ પોતાની ઇચ્છાઓની તૃપ્તિ જુએ છે, અને લોભ – મોહને કારણે એમાં ફસાવાની ચેષ્ટા કરે છે. એક વાર ફસાઈ ગયા પછી એમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. તેથી માણસે પ્રત્યેક શ્વાસ-ઉચ્છ્વાસમાં સચેત રહેવું જોઈએ. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.


સંપૂર્ણ રીતે સચેત થઈ જતાં કર્તાપણાનો ભાવ પણ જતો રહે છે અને એને કોઈ વસ્તુ પોતાનામાં ફસાવી નથી શકતી, જ્યારે આનંદની સત્તાથી વધારે મહત્ત્વપૂર્ણ વસ્તુ બીજી રહેતી નથી, ત્યારે સંસારનાં ક્ષણિક સુખદુ:ખ પશ્ચિમમાં આથમતા સૂર્યની જેમ મનના કોઈ એક દૂર દેશમાં અસ્ત થઈ જાય છે. જીવનમાં આ તટસ્થાની સ્થિતિ છે, જ્યાં સંસારના વૈભવ આકાશમાં રહેલ પ્રાત:કાલીન નક્ષત્રોની જેમ ફિક્કા પડી જઈ આનંદના પરમ પ્રકાશમાં વિલીન થઈ જાય છે. આનંદની પ્રાપ્તિ બાદ સંસારની બાબતોની ચિત્ત ઉપર અસર જ થતી નથી, પછી કોઈ પણ પદાર્થ પોતાના તરફ આકર્ષી શકતો નથી. બધા જ પ્રપંચ મટી જાય છે.


જ્યારે આ એક જ વસ્તુ જીવનમાં પ્રાપ્ત કરવા યોગ્ય છે, બલકે એ જ જીવન છે, ત્યારે મનુષ્ય અહીંના સુખદુ:ખના લફરામાં પડીને શા માટે વ્યર્થ સમય નષ્ટ કરે છે ? માર્ગમાં જો કોઈ વિઘ્ન આવી જાય તો એના ઉપર વિચાર કરવો જોઈએ અને એને સમજવાની કોશિશ કરવી જોઈએ. આનંદને સંપૂર્ણપણે પ્રાપ્ત કરી લેવાની પ્રત્યેક મનુષ્યમાં અભિલાષા હોવી જોઈએ. આ માર્ગ ઉપર ચાલતાં દુઃખ ન આવે એવું નથી. દુ:ખ આવતાં એને ટાળવાની વ્યાકુળતા ન હોવી જોઈએ. એવું કરવાથી લગન હોવા છતાંય લક્ષ્ય સુધી પહોંચવામાં વિલંબ થશે.


આનંદની અનુભૂતિ કોઈ બીજો કરાવી દે, એ સંભવ નથી. પોતાના પ્રયાસથી જ જીવનની આ સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે. આ કોરી કલ્પના નથી. બોધપૂર્વક પ્રયાસ કરવાથી એમાં સફળતા મળે છે એ ધ્રુવસત્ય છે. પ્રત્યેક મનુષ્ય પોતાના પુરુષાર્થ અને પ્રયાસ દ્વારા એને પ્રાપ્ત કરી શકે છે. માણસોના જીવનમાં વિભિન્નતા ચોક્કસ જોવા મળે છે, પરંતુ તે કોઈ રુકાવટ નથી. સત્ય વસ્તુમાં કલ્પનાને કોઈ સ્થાન નથી.


આમ તો ધણાના મનમાં સત્યને જાણી લેવાની ઇચ્છા અને લગન છે અને કોઈ સરળ માર્ગની શોધમાં છે. એટલા માટે તે પથ પર ચાલવા તૈયાર થઈ જવું જોઈએ. એક વાર સજગ બની પગલું આગળ મૂકી દીધા પછી નિરાશ થવું પડતું નથી અને મનુષ્ય પીછેહઠ કરવાનું પસંદ કરતો નથી. સમજી વિચારીને જ્યારે આપણે આ માર્ગ પર પગ મૂકીશું ત્યારે આપણામાં સુખદુ:ખના રહસ્યને સમજવાની ક્ષમતા આવી જશે. સુખનો પ્રસંગ આવતાં આપણે ફુલાવું ન જોઈએ અને દુ:ખના પ્રસંગોમાં ગભરાવું ન જોઈએ. પરંતુ એની વચ્ચે રહીને એના રહસ્યને સમજીને એનાથી મુક્ત થવું જોઈએ.


આનંદ જ એક માત્ર સત્ય છે. આ જ એક સ્વાભાવિક મંદિર છે, જ્યાં બધાએ આવવાનું છે. અહીં બેસીને તમે સાચા ધ્યાનમાં નિમગ્ન થઈ શકો છો. એને એક વાર દઢતાપૂર્વક અપનાવી લેવાથી બધો જ સંદેહ દૂર થઈ જાય છે. આવી સ્થિતિમાં મનુષ્ય સંસારનો થઈ જાય છે અને સંસાર એનો થઈ જાય છે. ‘ અહમ્’ની અલગ ભાવના મટીને વિરાટમાં લીન થઈ જાય છે. રાગ – દ્વેષનો અગ્નિ હંમેશ માટે બુઝાઈ જાય છે. આ આત્યંતિક આનંદ પ્રાપ્ત કરી લેવાથી મનુષ્ય સ્વતંત્રતાપૂર્વક સંસારમાં વિચરણ કરે છે. જે મનુષ્યો પૂર્ણ સ્વતંત્ર છે અને આનંદ માં રહેલા છે, તેઓ જ સંસારની સામે કોઈ સાચી વાત મૂકી શકે છે. આનંદમાં પ્રતિષ્ઠિત થવાથી પુરુષ પ્રાણીમાત્રનો મિત્ર બની જાય છે અને પ્રેમ જ એનું મુખ્ય આચરણ રહે છે, પ્રેમ સિવાય એની પાસે બીજી કોઈ વસ્તુ રહેતી નથી. આ સ્થિતિને પ્રાપ્ત કરી લીધા પછી એકને અનેકમાં જોવાની ક્ષમતા સ્વાભાવિક રીતે જ રહે છે. આ જ મોક્ષની સ્થિતિ છે.

બ્રહ્મજ્ઞાન અને આસ્તિકતા | GP-2. બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ | ગાયત્રી વિદ્યા

બ્રહ્મજ્ઞાન અને આસ્તિકતા

બ્રહ્મજ્ઞાનનું પહેલું લક્ષણ સાચી આસ્તિકતા છે. પરમાત્મા સર્વત્ર વ્યાપક છે, એ સત્યને અનેક લોકો જાણે તો છે, પણ એને માનતા નથી. વ્યવહારમાં લાવતા નથી. જે પરમાત્માને સર્વવ્યાપી ઘટ – ઘટવાસી માનશે, એનું જીવન એ જ ક્ષણે પૂર્ણ પવિત્ર, નિષ્પાપ અને માનસિક વિકાર – પાપરહિત થઈ જશે. ગીતામાં ભગવાને કહ્યું છે કે જે મારે શરણે આવે છે, જે મને અનન્ય ભાવથી ભજે છે, તે તરત જ પાપોમાંથી છૂટી જાય છે, નિઃસંદેહ વાત એવી જ છે. ભગવાનના શરણે જનાર, એમના પર સાચો વિશ્વાસ ધરાવનાર, એમનામાં પૂર્ણ આસ્થા રાખનાર, એક રીતે જીવનમુક્ત જ બની જાય છે. ઈશ્વરમાં વિશ્વાસ અને સાચું જીવન એ એક જ વસ્તુનાં બે નામો છે. જે ભગવાનનો ભક્ત છે, જેણે સર્વસ્વ ત્યાગીને પ્રભુનાં ચરણોમાં આત્મસમર્પણ કરી દીધું છે, જે પરમાત્માની ઉપાસના કરે છે, એને જગત્પિતાની સર્વવ્યાપકતા ઉપર આસ્થા જરૂર હોવી જોઈએ. જો એ વિશ્વાસ દૃઢ થઈ જાય કે ભગવાન કણકણમાં સમાયેલા છે, સર્વત્ર મોજૂદ છે, તો પાપકર્મ કરવાનું સાહસ થઈ શકે નહિ. એવો કયો ચોર હોય છે જે સાવધાન ઊભેલી સશસ્ત્ર પોલીસ સામે ચોરી કરવાનું સાહસ કરે ?


ચોરી, વ્યભિચાર, ઠગાઈ, ધૂર્તતા, દંભ, અસત્ય, હિંસા વગેરે માટે આડશ, પડદો કે કપટની જરૂર પડે છે. જ્યાં તક મળે છે, એ ખરાબ કાર્યોને પકડનાર કોઈ નથી હોતું, ત્યાં જ એ થઈ શકે છે. જયાં ધૂર્તતાને બરાબર સમજનાર, જોનાર અને પકડનાર માણસોની મજબૂત શક્તિ સામે ઊભી હોય છે, ત્યાં પાપકર્મો થવાનો સંભવ નથી. એ જ રીતે જે આ વાત પર સાચા મનથી વિશ્વાસ કરે છે કે પરમાત્મા બધી જગ્યાએ મોજૂદ છે, તે કોઈ પણ દુષ્કર્મ કરવાનું સાહસ કરી શકતો નથી. ખરાબ કામ કરનાર પહેલાં બરાબર એ જોઈ લે છે કે મને જોનાર કે પકડનાર તો અહીં કોઈ નથી. જ્યારે તે સારી રીતે વિશ્વાસ કરી લે કે એનું પાપકર્મ કોઈની નજરમાં કે પકડમાં નથી આવી રહ્યું ત્યારે જ તે પોતાનું કામ હાથ ધરે છે. આ રીતે જે વ્યક્તિ પોતાને પરમાત્માની દૃષ્ટિ અથવા પકડની બહાર માને છે, તે જ દુષ્કર્મ કરવા પ્રવૃત્ત બની શકે છે. પાપકર્મ કરવાનો સ્પષ્ટ અર્થ એ છે કે તે વ્યક્તિ ઈશ્વરને માનવાનો દંભ ભલે કરતો હોય, પરંતુ વાસ્તવમાં તે પરમાત્માના અસ્તિત્વનો ઇન્કાર કરે છે.

પરમાત્મા અહીં મોજૂદ છે, એ વાત પર એને ભરોસો નથી. જો વિશ્વાસ હોય તો આવા મોટા હાકેમ સામે કેવી રીતે એના કાનૂનોને તોડવાનું સાહસ કરે ? જે વ્યક્તિ પોલીસના ચપરાસીને જોઈને થરથર કાંપતી હોય તેઓ એવા દુસ્સાહસી ન થઈ શકે કે પરમાત્મા જેવા સૃષ્ટિના સર્વોચ્ચ અમલદારની આંખો સામે ન કરવાનાં કામ કરે, એના કાનૂનને તોડે, એને ગુસ્સે કરે, એનું અપમાન કરે. એવું દુસ્સાહસ તો ફક્ત તે જ કરી શકે જે પરમાત્માને કહેવા – સાંભળવાની ચીજ માત્ર માનતો હોય અને તે પોથી – પુસ્તકોમાં મંદિર – મઠોમાં, નદી – તળાવોમાં અથવા સ્વર્ગ નરકમાં ભલે રહેતો હોય, પણ દરેક જગ્યાએ તે નથી. એની દૃષ્ટિ અને પકડથી હું બહાર છું એમ સમજતો હોય. જે લોકો પરમાત્માની સર્વવ્યાપકતા ઉપર વિશ્વાસ કરતા નથી, તેઓ જ નાસ્તિક છે. જે પ્રકટ કે અપ્રકટ રૂપે દુષ્કર્મ કરવાનું સાહસ કરી શકે છે.


તે જ નાસ્તિક છે. આ નાસ્તિકોમાંના કેટલાક તો ભજન – પૂજન બિલકુલ નથી કરતા, કેટલાક કરે છે. જે નથી કરતા તેઓ વિચારે છે કે વ્યર્થ ઝંઝટમાં પડીને એમાં સમય બગાડવાથી શું ફાયદો ? જે ભજન – પૂજા કરે છે એ અંદરથી તો ન કરનાર જેવા જ હોય છે, પરંતુ વ્યાપારી – બુદ્ધિથી રોજગારના રૂપમાં ઈશ્વરનો અંચળો ઓઢી લે છે. કેટલાક માણસો ઈશ્વરના નામે પોતાની આજીવિકા ચલાવે છે. આપણા દેશમાં લગભગ ૫૬ લાખ જેટલા માણસો એવા છે જેમની કમાણી, ધંધો, રોજગાર ઈશ્વરના નામે છે. જો તેઓ પોતે ઈશ્વરને નથી માનતા એવું પ્રકટ કરે તો એ જ દિવસે એમને એશઆરામ આપનારી, મહેનત વિનાની કમાણી હાથમાંથી જતી રહેશે. તેથી તેમને જેમ ઠંડીથી બચવા માટે ગરમી આપનાર કામળો ઓઢી રાખવો પડે છે, તેમ ઈશ્વરને ઓઢી રાખવા પડે છે. જેવી જરૂરિયાત પૂરી થાય કે એ કામળાને એક ખૂણામાં ફેંકી દે છે. આ વેપારી લોકો જનતા સામે પોતાની ઈશ્વરભક્તિનો ભારે  દેખાવ કરે છે, કારણ કે જેટલો મોટો દેખાવ કરી શકે એટલી જ વધારે કમાણી થાય. વ્યાપારી – ઉદ્દેશ પૂરો થતાં જ તેઓ પોતાના અસલી રૂપમાં આવી જાય છે. એકાંતમાં ખુલ્લી રીતે પાપોથી ભરપૂર રમત રમતાં એમને જરાય ખચકાટ થતો નથી. ત્રીજા પ્રકારના કેટલાક નાસ્તિકો છે, જેઓ પ્રત્યક્ષ રીતે ઈશ્વરના નામે રોજી ચલાવતા નથી, પરંતુ એના નામે કંઈક ખર્ચ કરે છે. અવારનવાર ઈશ્વરનો આડંબર તેઓ રચ્યા કરે છે. શરીર ઉપર ઈશ્વરભક્તિનાં ચિહ્નો ધારણ કરી રાખે છે, ઘરમાં ઈશ્વરનાં પ્રતીકો મોજૂદ હોય છે, ઈશ્વરના નિમિત્તે કહેવાતા કર્મકાંડોનું આયોજન થતું રહે છે. ઈશ્વરભક્ત, કહેવડાવનારાઓનાં સ્વાગત-સત્કાર, ભેટો, પૂજા વગેરે થતું રહે છે. આ બધું એટલાં માટે થાય છે કે લોકો એમના વિશે સારા ખ્યાલ રાખે, એમનો આદર કરે, એમને ધર્માત્મા સમજે. એમના જીવનભરનાં કુકર્મોને ઉઘાડાં ન પાડે અને આજે પણ જે એમનાં દુષ્કર્મો ચાલી રહ્યાં છે તે છૂપાં રહે.


ચોથા પ્રકારના નાસ્તિકો એ છે જે પાપ છુપાવવા કે ધન કમાવા માટે નહિ, પણ પોતાને પૂજાવવા માટે, યશ અને શ્રદ્ધા પ્રાપ્ત કરવા માટે ઈશ્વરભક્ત બને છે. એના માટે થોડો ત્યાગ અને કષ્ટ પણ વેઠે છે, પરંતુ અંદરથી એમને પ્રભુની સર્વવ્યાપકતા ઉપર આસ્થા નથી હોતી. કેટલાક લાંચ રૂપે ઈશ્વરભક્તિને સાધે છે, અમુક ભોગ – ઐશ્વર્યની લાલસા એમને આ માર્ગ તરફ લઈ જાય છે. જે રીતે આજકાલ લાંચિયા અમલદારોને મોટી રકમ પકડાવીને લોકો ઇચ્છા મુજબનું કામ કરાવી લે છે અને થેલી ખર્ચ કરી થેલો ભરવામાં સફળ થઈ જાય છે. કેટલાક લોકો કહેવાતી રિદ્ધિ-સિદ્ધિઓ અને કોણ જાણે કેટકેટલા અપ્રત્યક્ષ વૈભવોના મનસૂબા બાંધી એને પ્રાપ્ત કરવાની ચિંતામાં ઈશ્વરના દરવાજા ખખડાવતા રહે છે. આમ પ્રત્યક્ષ ઈશ્વરભક્ત દેખાતા મનુષ્યોમાં અસંખ્ય એવા છે, જેમની અંદરની મનોભૂમિ પરમાત્માથી માઇલો દૂર છે. એમનું વ્યક્તિગત આંતરિક જીવન, સાંસારિક આચરણ, એવા નથી હોતાં કે જેનાથી એવી પ્રતીતિ થઈ શકે કે ઈશ્વરને હાજરાહજૂર સમજીને તેઓ પોતાને બુરાઈઓથી બચાવે છે. આવા લોકોને આસ્તિક કેવી રીતે કહેવાય ? જે માણસ પાપોમાં જેટલો લપેટાયો છે, જેનું વ્યક્તિગત જીવન જેટલું દૂષિત છે, તે તેટલો જ નાસ્તિક છે. લોકોને છેતરીને સ્વાર્થ સાધવો, છળ, પ્રપંચ, માયા, દંભ, અત્યાચાર, કપટ અને ધૂર્તતાથી બીજા અધિકારો પડાવી લઈ સ્વયં સંપન્ન બનવું તે નાસ્તિકતાનું સ્પષ્ટ પ્રમાણ છે. જે પાપ કરવાનું દુસ્સાહસ કરે છે તે આસ્તિક ન હોઈ શકે, ભલેને તે આસ્તિકતાનું ગમે તેટલું પ્રદર્શન કરતો હોય !


ઇશ્વરભક્તિનો જેટલો અંશ જેનામાં હશે તે તેટલા જ દઢ વિશ્વાસપૂર્વક ઈશ્વરની સર્વવ્યાપકતાનો વિશ્વાસ કરશે, બધામાં ઈશ્વરને સમાયેલો જોશે. આસ્તિકતાનો દૃષ્ટિકોણ આવતાં જ મનુષ્ય અંદર અને બહારથી નિષ્પાપ થવા લાગશે. પોતાના પ્રિયતમને ઘટઘટમાં બેઠેલો જેઈ તે બધાંની સાથે નમ્રતા, મધુરતા, સ્નેહ, આદર, સેવા, સરળતા, શુદ્ધતા અને નિષ્કપટતાભર્યો વ્યવહાર કરે છે. ભક્ત પોતાના ભગવાન માટે વ્રત, ઉપવાસ, તપ, તીર્થયાત્રા વગેરે દ્વારા સ્વયં કષ્ટ વેઠે છે અને પોતાના પ્રાણપ્રિયને માટે નૈવેધ, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, ભોગ, પ્રસાદ વગેરે કંઈ ને કંઈ અર્પણ કર્યા જ કરે છે. “સ્વયં કષ્ટ સહીને ભગવાનને કંઈક સમર્પણ કરવું” એ પૂજાની બધી જ વિધિ – વ્યવસ્થાઓનું તથ્ય છે. ભગવાનને ઘટઘટમાં રહેનારો માનનાર ભક્ત પોતાની પૂજાવિધિને આ આધાર પર પોતાના વ્યાવહારિક જીવનમાં ઉતારે છે. તેઓ પોતાના સ્વાર્થની પરવા કરતા નથી, પોતાને કોઈ કષ્ટ ઉઠાવવા પડે તે ઉઠાવે છે, પરંતુ જનતા જનાર્દનને – નરનારાયણને અધિક સુખી બનાવવામાં આસક્ત રહે છે. લોકસેવાનું વ્રત લઈને ઘટઘટવાસી પરમાત્માની વ્યાવહારિક રૂપે પૂજા કરે છે. આવા ભક્તોનો જીવન વ્યવહાર નિર્મળ, પવિત્ર, મધુર અને ઉદાર હોય છે. આસ્તિકતાનું આ જ તો પ્રત્યક્ષ લક્ષણ છે. પૂજાનાં સમસ્ત કર્મકાંડ એટલાં માટે છે કે મનુષ્ય પરમાત્માને સ્મરણમાં રાખે, એના અસ્તિત્વને ચોપાસ જુએ અને મનુષ્યોચિત કર્મ કરે. પૂજા, અર્ચના, વંદના, કથા, કીર્તન, વ્રત, ઉપવાસ, તીર્થ વગેરેનું પ્રયોજન મનુષ્યની એ ચેતનાને જાગ્રત કરવાનું છે કે પરમાત્માની નિકટતાનું સ્મરણ રહે, ઈશ્વરના પ્રેમ અને શ્રદ્ધા દ્વારા લોકસેવાનું વ્રત રાખે અને ઈશ્વરના ક્રોધથી ડરીને પાપોથી દૂર રહે. જે પૂજા – ઉપાસનાથી એ ઉદેશ સિદ્ધ ન થતો હોય, તે વ્યર્થ છે. જે કોઈ ઉપાયથી “ પાપથી બચવું અને પુણ્યમાં પ્રવૃત્ત થવું ” નો ભાવ જાગી ઊઠે તે ઉપાય ઈશ્વરભક્તિની સાધના જ છે.

બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ | GP-2. બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ | ગાયત્રી વિદ્યા

બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ

ગાયત્રી મંત્રનો પહેલો અક્ષર : “તત્

બ્રહ્મજ્ઞાનને પ્રાપ્તિ અને તેના પ્રચારનું શિક્ષણ આપે છે.

તત્ત્વજ્ઞાસ્તુ વિદ્વાન્સો બ્રાહ્મણા:સ્વતપોબલૈ:|

અન્ધકારમપાકુર્યુ: લોકાદજ્ઞાન સંભવમ્ ॥

એટલે – “તત્વદર્શી, વિદ્વાન બ્રાહ્મણ પોતાના તપ દ્વારા

સંસારના અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરે.” અંધકારમાં અનેક પ્રકારના ભય, ત્રાસ અને વિઘ્ન છુપાયેલાં રહે છે.  દુષ્ટ તત્વોને અંધકારમાં તક મળે છે. આ વિધાને અંધકાર કહેવામાં આવે છે. આ વિધાનો અર્થ “અક્ષરજ્ઞાનની જાણકારીનો અભાવ” એવો નથી, પરંતુ “જીવનની લક્ષ્યભ્રષ્ટતા” છે. એને નાસ્તિક, અનીતિ, માયા, ભ્રાન્તિ, પશુતા વગેરે નામો અપાયાં છે. આ બૌદ્ધિક અંધકારમાં, આધ્યાત્મિક રાત્રિમાં વિહાર કરનારો જીવ ભ્રમિત – પતિત થઈને ઈશ્વરે નિર્ધારિત કરેલા ધર્મ, નીતિ, લક્ષ્ય, આચરણ અને કર્તવ્યથી વિમુખ થઈને એવાં કામો કરે છે, જે એના માટે વિવિધ પ્રકારનાં દુ:ખો ઉત્પન્ન કરે છે.

ઉપર્યુક્ત શ્ર્લોકમાં ‘જ્ઞાની બ્રાહ્મણ’ ને એવો આદેશ આપવામાં આવ્યો છે, કે તે તપશ્ચર્યા દ્વારા સંસારનાં સમસ્ત દુ:ખોનાં મૂળ કારણ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે. અહીં ‘બ્રાહ્મણ’ શબ્દ કોઈ વર્ગ વિશેષ માટે પયોજાયો નથી. આત્માનો સૌથી પ્રધાન ગુણ બ્રહ્મનિષ્ઠા અને આધ્યાત્મિકતા છે. આ ગુણ જેનામાં જેટલા પ્રમાણમાં વધારે – ઓછા છે, તે એટલી જ ઓછી-વત્તી માત્રામાં બ્રાહ્મણ છે. જેના આત્મામાં જેટલું બ્રાહ્મણત્વ છે, તે તેટલો જ તપસ્વી, દૂરદર્શી અને તત્વજ્ઞાની હોય છે. આ બ્રાહ્મણત્વને ગાયત્રીએ સર્વ પ્રથમ પડકાર ફેંકયો છે, આહ્વાન આપ્યું છે કે પોતાના અને બીજાઓના કલ્યાણને માટે બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ ફેલાવી વ્યાપક અંધકારને દૂર કરવો એ તારું પરમ પવિત્ર કર્ત્તવ્ય છે.

દીપક પોતે બળે છે ત્યારે તેનો પ્રકાશ ચારેય બાજુ ફેલાય છે અને એનાથી ઘણે દૂર સુધીનો અંધકાર નાશ પામે છે. તપ, દૂરદર્શિતા અને તત્વજ્ઞાનનો દ્રષ્ટિકોણ અપનાવવાથી જે અંતર્જ્યોતિ ઉત્પન્ન થાય છે, તેનાથી જનતાના અંત:કરણોમાં સત્યનો પ્રકાશ પ્રજ્વલિત થાય છે. લોકકલ્યાણ અને આત્મોદ્ધારનો આનાથી સારો બીજો કોઈ માર્ગ હોઈ શકે નહિ. બ્રહ્મજ્ઞાન જ સંસારનું સૌથી મોટું દાન છે.

 

%d bloggers like this: