હિમાલયમાં પ્રવેશ – વજનથી લદાયેલી બકરીઓ, સૂનકારના સાથીઓ
May 22, 2022 Leave a comment
હિમાલયમાં પ્રવેશ – વજનથી લદાયેલી બકરીઓ
નાનું સરખું પ્રાણી બકરી આ પર્વતીય પ્રદેશની કામધેનુ ગણી શકાય. તે દૂધ આપે છે, ઊન આપે છે, બચ્ચાં આપે છે, સાથે વજન પણ ઊંચકે છે. આજે મોટા મોટા વાળવાળી બકરીઓનું એક ટોળું રસ્તામાં મળ્યું. લગભગ ૧૦૦-૧૨૫ જેટલાં હશે. બધાં પર વજન હતું. ગોળ, ચોખા, લોટ વગેરે ભરી તે ગંગોત્રી તરફ લઈ જતી હતી. દરેક પર બકરીની ક્ષમતા પ્રમાણે ૧૦-૧૫ શેર વજન લદાયેલું હતું. આ વિસ્તારમાં માલસામાન લઈ જવા માટે ખચ્ચરોને બાદ કરતાં બકરી જ એકમાત્ર સાધન છે. પહાડોની નાની નાની પગદંડીઓ પર બીજાં જાનવર કે વાહન કામ લાગતાં નથી.
વિચારું છું કે વ્યક્તિ સામાન્ય સાધનોથી પોતાની રોજગારીની તકો મેળવી શકતી હોય તો જીવનની સમસ્યાઓના ઉકેલ માટે વિશાળકાય સાધનોનો જેટલો આગ્રહ રાખીએ છીએ એટલો જરૂરી નથી. આંશિક ઔદ્યોગીકરણની વાત જુદી છે, પણ જો તે વધતું જ રહે તો આ બકરીઓ અને એના પાલકો જેવા લાખો લોકોની રોજી ઝુંટવાઈ જશે અને ગણ્યાગાંઠ્યા ઉદ્યોગપતિઓની તિજોરીઓમાં સંપત્તિ જમા થશે. આજે સંસારમાં યુદ્ધનાં નગારાં વાગી રહ્યાં છે તેનું કારણ ઉઘોગો માટે આંતરરાષ્ટ્રીય બજાર સર કરવાની લાલસા જ છે.
જો વ્યક્તિ નાના ક્ષેત્રમાં રહીને જીવનવિકાસની વ્યવસ્થા ઊભી કરે તો બકરી પાળનારા ભલાભોળા પહાડી લોકોની જેમ તે પણ શાંતિથી રહી શકે એવું મને બકરીઓ જોઈને લાગ્યું. પ્રાચીન ભારતમાં ધન અને સત્તાનું વિકેન્દ્રીકરણ જ આપણા દેશનો આદર્શ હતો. ઋષિમુનિઓ નાનાં નાનાં વૃંદમાં જ આશ્રમો અને કુટીરોમાં જીવન ગુજારતા હતા. ગામડું તો ઋષિમુનિઓના વૃંદથી વિશેષ મોટું ગણાય. સૌ પોતપોતાની આવશ્યકતાઓ પોતાના ક્ષેત્રમાં પોતાના જ સમાજ દ્વારા પૂરી કરતા હતા. હળીમળીને સુખેથી રહેતા હતા. ન તેમાં ભ્રષ્ટાચાર હતો કે ન બદમાશી. આજે ઔદ્યોગીકરણની આંધળી ઘોડાદોડે નાનાં ગામડાંને ઉજ્જડ બનાવી દીધાં છે, મોટાં શહેરો વસી રહ્યાં છે, ગરીબ કચડાઈ રહ્યો છે, અમીર તગડો થઈ રહ્યો છે. વિકરાળ રાક્ષસ જેવાં ધમધમાટ કરતાં મશીનો મનુષ્યના સ્વાસ્થ્યને, સ્નેહસંબંધોને તથા સદાચારને પીસી રહ્યાં છે. આ યંત્રવાદ, ઉદ્યોગવાદ તથા મૂડીવાદની ઈંટો પર જે કંઈ ચણાઈ રહ્યું છે તેનું નામ ‘વિકાસ’ રાખવામાં આવ્યું છે, પણ સરવાળે તે વિનાશ જ સાબિત થશે.
વિચારો ચગડોળે ચડ્યા કરે છે. નાની વાત મગજમાં મોટું રૂપ ધારણ કરી લે છે, એટલે આ વાત અહીં જ પૂરી કરવાનું યોગ્ય માનું છું, છતાંય બકરીઓને ભૂલી શકતો નથી. તે આપણા પ્રાચીન ભારતીય સમાજરચનાની એક સ્મૃતિની ઝાંખી કરાવે છે. આ સભ્યતાવાદના જમાનામાં બિચારી બકરીની ઉપયોગિતા કોણ સમજે ? વીતેલા યુગની નિશાની માની તેની ઠેકડી જ ઉડાવશે, છતાં સત્ય તો સત્ય જ રહેશે. માનવજાતિ જ્યારે પણ શાંતિ તથા સંતોષના ધ્યેય સુધી પહોંચશે ત્યારે ધન તથા સત્તાનું વિકેન્દ્રીકરણ ચોક્કસ થયું હશે. લોકો શ્રમ અને સંતોષથી પરિપૂર્ણ જીવન વિતાવતા હશે.
પ્રતિભાવો