હિમાલયમાં પ્રવેશ – ઠંડા પર્વતનાં ગરમ ઝરણાં, સૂનકારના સાથીઓ

હિમાલયમાં પ્રવેશ – ઠંડા પર્વતનાં ગરમ ઝરણાં

કેટલાય દિવસથી શરીરને થીજવી દેનારા બરફવાળા ઠંડા પાણીથી સ્નાન કરવું પડતું હતું. ખૂબ હિંમત કરીને એકાદ બે ડૂબકી મારી લેતા. શ૨ી૨ને ઘસી ઘસીને નહાવાનું શરીર માટે આવશ્યક હતું, પણ તે ઠંડીને લીધે શક્ય બનતું ન હતું. આગળ જઈ જગનાની ચટ્ટી પર પહોંચ્યા તો પહાડ પર આવેલા ગરમ પાણીના ત્રણ કુંડની ભાળ મળી. આ તકનો લાભ લઈ સારી રીતે નહાવાની ઇચ્છા તીવ્ર બની. ગંગાનો પુલ પાર કરી ઊંચાણવાળી ટેકરી સુધી કેટલીય જગ્યાએ વિસામો લેતા લેતા, હાંફતાં હાંફતાં ગરમ કુંડ સુધી પહોંચ્યા. ત્રણ કુંડ હતા. એકનું પાણી એટલું બધું ગરમ હતું કે નહાવાની વાત તો બાજુએ રહી, પરંતુ તેમાં હાથ પણ નાંખી શકાય તેમ ન હતું. કોઈકે એવી માહિતી આપી કે જો દાળચોખાની પોટલી બાંધી આ કુંડમાં નાખીએ તો થોડી જ વારમાં ખીચડી તૈયા૨ થઈ જાય. જો કે આ પ્રયોગ અમે ન કરી શક્યા. બીજા કુંડનું પાણી સાધારણ ગરમ હતું. જેમાં અમે ખૂબ નહાયા. કેટલાંય અઠવાડિયાંની ચોળી ચોળીને નહાવાની ઇચ્છા પૂર્ણ થઈ. કપડાં પણ ગરમ પાણીથી ધોયાં. સારાં ધોવાયાં.

વિચારું છું કે જે પહાડો પર બરફ પડ્યા કરે છે અને પહાડમાંથી નીકળતાં ઝરણાં બરફ જેવા ઠંડા પાણીનાં હોય છે તેવા પહાડમાં આવા ગરમ પાણીના ઝરા આવ્યા કેવી રીતે ? એવો ખ્યાલ આવ્યો કે પર્વતની અંદર ગંધકનું કોઈ પડ હશે, જે પોતાની નજીકથી નીકળતા ઝરણાને અતિશય ગરમ કરી દેતું હશે. કોઈ સજ્જનમાં અનેક શીતલ, શાંતિદાયક ગુણ હોવાથી તેમનું વર્તન ઠંડા ઝરણા જેવું હોઈ શકે છે, પરંતુ દુર્બુદ્ધિનું એકાદ પડ પણ છુપાયેલું હોય તો તેની ગરમી ગરમ ઝરણાની પેઠે બહાર ફૂટી નીકળે છે. તે છુપાયેલી રહેતી નથી.

જે પર્વત પોતાની ઠંડકને અખંડ રાખવા માગે તેણે આવાં ગંધકનાં ઝેરીલાં પડ ફેંકી દેવાં, ત્યજી દેવાં જોઈએ. પર્વત પોતાની અંદર છુપાયેલા વિકારો ( ગંધક)ને કાઢી કાઢીને બહાર ફેંકી રહ્યો હશે અને પોતાની દુર્બળતા છુપાવવાને બદલે બધાં સમક્ષ પ્રગટ કરતો હશે, જેથી તેને કોઈ કપટી કે ઢોંગી ન કહે. કદાચ ગરમ કુંડોનું આ એક કારણ હશે. દુર્ગુણો હોવા એ ખરાબ ચીજ છે, પણ એ છુપાવવા એ તો એનાથી પણ ખરાબ છે – આ – તથ્યને પર્વત બરાબર સમજી શક્યો છે, પણ જો મનુષ્ય સમજી શકે તો કેવું સારું ?

સમજવા જેવું એ છે કે ઠંડા પાણીના સ્નાનથી કંટાળેલી અમારા જેવી વ્યક્તિઓ માટે ગરમ પાણીના સ્નાનની સુવિધા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પર્વત પોતાની અંદર ખૂબ ઊંડાણમાં બચેલી થોડીક ગરમીને પણ બહાર કાઢી રહ્યો હતો. બહારથી તો પર્વત ઠંડો પડતો ગયો છે, પણ અંદર થોડીક ગરમી બચી ગઈ હશે. પર્વત વિચારતો હશે કે જ્યારે હું આખો જ ઠંડો પડી રહ્યો છું તો આ થોડીક ગરમી બચાવીને શું કરીશ ? શા માટે જરૂરવાળાને ગરમી ન આપી દઉં ? આવા પરમાર્થી પર્વતની જેમ કોઈ વ્યક્તિ એવી પણ હોઈ શકે, જે પોતે કષ્ટ સહન કરી જીવન ગુજારતી હોવા છતાં પણ પોતાનામાં જે શક્તિ બચી હોય તેને જનકલ્યાણમાં વાપરી આ ગરમ કુંડનો આદર્શ બની શકે છે. આ ઠંડા પ્રદેશના ગરમ કુંડને ભૂલી શકાય તેમ નથી. મારા જેવા હજારો યાત્રીઓ તેનાં ગુણગાન ગાતા હશે. એનો ત્યાગ પણ કેટલો અસાધારણ છે ! ખુદ ઠંડા રહી બીજા માટે ગરમી આપવી તે પોતે ભૂખ્યા રહીને બીજાને ભોજન આપવા સમાન છે. વિચારું છું કે બુદ્ધિહીન જડ પર્વત જો આટલું કરી શકે છે, તો પોતાને બુદ્ધિશાળી સમજનારા માનવીએ માત્ર સ્વાર્થી ન રહેવું જોઈએ.

આઘ્યાત્મિક આનંદ શું કરવું જોઈએ ?

આઘ્યાત્મિક આનંદ શું કરવું જોઈએ ?

આજનો સમય ભયંકર આ૫ત્તિઓથી ભરેલો છે. એવામાં પોતાનાં સમય, શ્રમ, ધન અને પ્રતિભાનો થોડો ભાગ પીડિત સમાજ માટે, ત્રાહિમામ્  પોકારતી માનવતા માટે ખરચવામાં જો આ૫ણે આનંદ મેળવી શકીએ, તો જીવન ધન્ય થઈ જશે અને આવનારી પેઢી આ૫ણને ધન્યવાદ આ૫શે.  આ૫વાના સુખથી વધારે શ્રેષ્ઠ બીજું કયું સુખ છે? પોતાના પ્રિય માટે પોતાનું સર્વસ્વ આપીને ૫ણ આનંદની અનુભૂતિ થાય છે. દેવો પાસે મદદ માગવાની વાત તો હંમેશા ચાલે છે, ૫ણ કોઈક એવા ખાસ સમય ૫ણ આવે છે, જ્યારે દેવતા મનુષ્ય પાસે માગણી કરે છે. આવો અવસર કોઈ ભાગ્યશાળીઓને જ મળે છે, જ્યારે તેઓ દેવોની મનોકામના પૂરી કરવામાં સમર્થ બની શકે. દશરથે દેવોની સહાય કરવા જવું ૫ડયું હતું. અર્જુન ૫ણ ગયો હતો. દધિચીએ ઉદારતાથી તેમને દાન આપ્યું હતું. કૃષ્ણ સાધુના વેશમાં ઘાયલ કર્ણની પાસે ૫હોંચ્યા હતા. વામને બલિ આગળ હાથ લંબાવ્યો હતો. રામે શબરી પાસે બોરની માગણી કરી હતી. સુદામાં પાસે તાંદુલ માગ્યાં હતાં. અંગદ અને હનુમાને દેવતાઓ પાસે પોતાની કામનાઓ પૂરી નહોતી કરાવી, ૫રંતુ તેમની કામનાઓ પૂરી કરી હતી.

આ પ્રસંગે ઋષિની ૫રં૫રા યાદ આવે છે. વિશ્વામિત્રે હરિશ્ચંદ્ર પાસે ઉદ્રાલકે આરુણી પાસે ચાણકયે ચંદ્રગુપ્ત પાસે, સમર્થ રામદાસે શિવાજી પાસે, ૫રમહંસે વિવેકાનંદ પાસે, વિરજાનંદે દયાનંદ પાસે કંઈક માંગ્યું હતું અને સુપાત્ર શિષ્યોએ મન મૂકીને આપ્યું ૫ણ હતું. બુદ્ધ અને ગાંધીજીની ઝોળી આદિથી અંત સુધી ફેલાયેલી હતી. આ૫નારા ખોટમાં નથી રહેતા. લેનારા જેટલા ધન્ય બન્યા એનાથી વધારે શ્રેય આ૫નારાને મળ્યું. માંધાતાએ શંકરાચાર્યને આપ્યું હતું, એનાથી વધારે મેળવ્યું, અંગુલિમાલ, આમ્રપાલી, હર્ષવર્ધન અને અશોક બુદ્ધને આ૫તી વખતે ઉદારતાની ચરમ સીમા સુધી ૫હોંચ્યા હતા. ગાંધીના સત્યાગ્રહીઓએ અનુદાનોનો વરસાદ વરસાવ્યો હતો. આ૫ણે જાણીએ છીએ કે જે આ૫વામાં આવ્યું હતું તે નકામું નથી ગયું, ૫રંતુ અનેકગણું થઈને એ ઉદાર મન ઉ૫ર દૈવી વરદાનની જેમ એ રીતે વરસ્યું કે તેઓ કૃતકૃત્ય થઈ ગયા. ધનવાન ફકત ભામાશાહ જ નથી થયા. મરણ ફકત ભગતસિંહના કિસ્સામાં જ નથી આવ્યું. ફકત નહેરૂ કે ૫ટેલ જ જેલમાં નથી ગયા. મુસીબતો ઘણાને આવે છે, ત્યાગવા માટે દરેકે લાચાર બનવું ૫ડે છે.

કોઈની પાસેથી ચોર ઝૂંટવી જાય છે, તો કોઈની પાસેથી પુત્ર. પેટ ભરવા અને તન ઢાંકવા સિવાય બીજું કશું કોઈની પાસે રહેતું નથી. જો અજાણ્યા માટે જ સર્વસ્વ છોડવાનું હોય તો ૫રાયાની કક્ષા કેમ ઊંચે ન લઈ જવામાં આવે ?

જ્યારે પોતાની કમાણી, શ્રમ, કેમ ઊંચે ન લઈ જવામાં આવે ? જ્યારે પોતાની કમાણી, શ્રમ, સહયોગ વગેરે કોઈને આ૫વાં હોય છે તો, તેને દેવો, શ્રૃષિઓ તથા સારા ઉદ્દેશ્યો માટે કેમ આ૫વામાં ન આવે ? આ ઉદાર નીતિ સ્વીકારનારા બેંકમાં જમા કરેલી મૂડીની જેમ વ્યાજ સાથે મોટો લાભ મેળવે છે, જ્યારે મોહની ખાઈમાં ધકેલાયેલી સફળતાઓ ફકત નકામી નથી જતી, ૫રંતુ વિઘાતક પ્રતિક્રિયા ૫ણ પેદા કરે છે.

આ માટે બીજું કંઈ કરવાનું નથી. વાત ફકત દ્રષ્ટિકોણ બદલવાની છે. જે કંઈ પોતાના ૫રિવાર માટે કરીએ છીએ, તેનો એક ભાગ જો દેશ અને સમાજ માટે ખરચીએ તો ભગવાનના કામમાં સહાયક બનવાનું શ્રેય પામી શકીશું. બસ દ્રષ્ટિ બદલીને તો જુઓ. તમે અસ્થિર સુખના નાનકડા વર્તુળમાંથી નીકળીને અખંડ આનંદના સામ્રાજયના અધિકારી બની જશો. પ્રયાસ કરો. અમારી શુભકામનાઓ તમારી સાથે છે

 

આધ્યાત્મિક આનંદ :

આધ્યાત્મિક આનંદ

આધ્યાત્મિક આનંદ, ભૌતિક અને સ્થૂળ આનંદ કરતાં હજાર ગણો શ્રેષ્ઠ છે. એટલાં માટે વિદ્વાન પુરુષો હંમેશા એ પ્રેરણા આપે છે કે, માણસ શારીરિક હિતોને પૂરાં કરવામાં જ રચ્યોપચ્યો ન રહે. મનુષ્ય જીવન જેવી અસાધારણ ભેટ પર પણ (જેનો ઉલ્લેખ યુનિટ 1 થી જ કર્યો છે આંતરિક દ્રષ્ટિથી કંઈક વિચાર કરો. બંધનમુક્ત આનંદ જ સ્થાયી હોય છે. વિષયજન્ય સુખોની અનુભૂતિ તો થાય છે, પણ જેને આપણે યોગ્ય સમજીએ છીએ તે દુ:ખદાયક હોય છે. આનંદની કલ્પનાથી કરેલું કર્મ જો નિક્ષેપ પેદા કરે તો એ આનંદને શુદ્ધ અને પૂર્ણ મનુષ્યોચિત ન સમજવો જોઈએ.

પ્રશ્ન એ છે કે આપણે આનંદ મેળવવા તરફ આગળ વધીએ. એ તો આપણે કરી જ રહ્યા છીએ. હર ઘડી આનંદની શોધમાં જ આપણી જીવનયાત્રા પૂરી થઈ રહી છે. જે શરત છે તે છે કે આપણો આનંદ શાશ્વત, નિરંતર અને પૂર્ણ કઈ રીતે થાય?એના માટે કોઈ મોટા પરિવર્તનની જરૂર નથી. ઘર ગૃહસ્થીનો ત્યાગ પણ કરવાની કે વિચિત્ર વેશભુષા પણ કરવાની જરૂર નથી ફકત સાચા દ્રષ્ટિકોણથી આ જીવનનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. આપણે શરીરનાં હિત તો પૂરાં કરીએ, પરંતુ શરીરમાં વ્યાપેલો જે આત્મા છે એને ન ભૂલીએ. આત્મા આપણાં અજ્ઞાન, આસક્તિ અને અભાવોને દૂર કરવામાં સક્ષમ છે.

આ ત્રણ દોષો વિઘ્ન પેદા ન કરે તો આપણે જે આનંદની શોધમાં છીએ તે એ જ જીવનક્રમથી મળી શકે છે. આત્માના વિકાસથી અમર્યાદિત, સનાતન આનંદ પ્રાપ્ત થઈ શકે છે.


દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવશ્યક :

દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવશ્યક :

તો પણ લોકોની સમજમાં આ વાત નથી આવતી અને તે દુન્યવી સુખોમાં જ આસક્ત બની રહે છે, કારણ કે આપણો દ્રષ્ટિકોણ જેવો બની ગયો છે એમાં કંઈ પરિવર્તન કરવા નથી ઇચ્છતા.  સૂર્ય રોજ એના એ જ ક્રમમાં ઊગે છે.  આપણો દ્રષ્ટિકોણ રોજ ઊગતા રહેતા સૂર્ય જેવો જ હોય છે, પરંતુ જો પોતાનો દ્રષ્ટિકોણ થોડો બદલીએ અને વિરાટ વિશ્વની મહાન ક્રિયાશીલ શક્તિના રૂપે આ સૂર્યનું ચિંતન કરીએ તો તે મહાપ્રાણ અનેક આશ્ચર્યોથી ભરેલો અને જીવનદાતા છે એ સમજાશે.

દ્રષ્ટિકોણના પરિવર્તનથી સમજવાની સ્થિતિ બદલાય છે અને આપણે ધીરે ધીરે અધિક આનંદ તરફ પ્રયાણ કરીએ છીએ.  દૈનિક જીવનમાં એવી અનેક વાતો આવે છે, જે આમ તો સામાન્ય જેવી લાગે છે, પરંતુ તે પોતાની અંદર ખૂબ મોટું આશ્ચર્ય અને વિજ્ઞાન છુપાવી રાખે છે.  આપણો દ્રષ્ટિકોણ બોધક ન હોતાં નિરર્થક હોય છે, એટલે મહત્વની વસ્તુઓને છોડી દઈએ છીએ અને ફકત એવા સુખોના ચિંતનમાં ડુબી જઈએ છીએ, જે સ્થુળ પ્રયોગમાં આવી ચૂકયા હોય છે.

દ્રષ્ટિકોણ બદલાય છે તો બધી ચીજો બદલાયેલી દેખાય છે.  જગદ્દગુરુ શંકરાચાર્યે બતાવ્યું છે કે, ‘આ દુનિયા રણપ્રદેશ છે.  એમાં સુખ ઇચ્છતા હોય તો પ્રભુનું શરણ સ્વીકારો, આયુષ્ય, લક્ષ્મી, યશ અને સાંસારિક સુખોની પ્રાપ્તિ પ્રભુપરાયણતા કે આત્મચિંતનમાં જ છે.  આ દૈવી સંપત્તિ છે, પણ આ વાત સમજમાં નહીં આવે, કેમ કે અત્યાર સુધી આપણે સુખ અને સંસાર તરફથી આપણી દ્રષ્ટિ નથી બદલી, દ્રષ્ટિકોણ બદલાતાં સર્વત્ર આનંદ જ ફેલાયેલો દેખાશે.

આપણે ભોગોથી આનંદ અનુભવતાં એ જાણતા નથી કે આ દુનિયામાં બીજી ઘણી શ્રેષ્ઠતાઓ છે. જો આત્મા અને પરમાત્માના અસ્તિત્વની વાત સમજમાં આવી જાય તો ભોગને બદલે ત્યાગમાં જ આનંદનો અનુભવ કરવા લાગીશું અને ત્યારે દિનપ્રતિદિન મૂળ લક્ષ્ય તરફ આગળ વધતા ચાલીશું.  પછી એ ફરિયાદ નહીં રહે કે ઈશ્વરચિંતનમાં આનંદ નથી આવતો. દ્રષ્ટિકોણની ઉત્કૃષ્ટતાનો પ્રશ્ન છે.  જે રીતે બધી ચેષ્ટાઓ ભૌતિક ઉન્નતિમાં લાગી છે એ રીતે આધ્યાત્મિક પ્રાપ્તિમાં જ મન લાગી શકે છે, પણ પહેલાં પોતાનું ધ્યેય નક્કી કરવું પડશે. પોતાનું દરેક કાર્ય એ દ્રષ્ટિએ પૂરું કરવું જોઈએ કે આપણે શરીર નહિ, આત્મા છીએ.


આપણે કોણ છીએ :

આપણે કોણ છીએ

લૌકિક આનંદ સિદ્ધિ દેનારો નથી, એનાથી જીવનનો ઉદ્દેશ્ય પૂર્ણ નથી થતો. વિચાર, બુદ્ધિ, તર્ક તથા વિવેકની જે સાધારણ તથા અસાધારણ શક્તિઓ માણસને પ્રાપ્ત થાય છે, તે; ફકત સુખ મેળવવામાં જ લાગેલી રહે તો એમાં કંઈ નવાઈ નથી. જાણવા જેવી વાત એ છે કે જીવનદીપ બુઝાય તે પહેલાં શું આપણે પોતાની જાતને ઓળખી લીધી છે ? આપણે કોણ છીએ? આ પ્રશ્નનો ઉકેલ જાણવો તે સૌથી મોટી બુદ્ધિમાંની છે.  આત્મજ્ઞાન આનંદનું મુળ છે.

જો માણસ આ વિશે અજ્ઞાની રહ્યો તો લૌકિક જીવનમાં ભટકવું પડશે.  આત્માના શરણે જવાથી જ સિદ્ધિ મળી શકે છે. મનુષ્યની પરસ્પર આશંકાઓ આત્મજ્ઞાનના અભાવમાં દૂર થવી શક્ય નથી.

આપણે રોજ આનંદ મેળવવાનાં સાધનોમાં પરિવર્તન અને પ્રયોગ કર્યા કરીએ છીએ, એનાથી પણ સ્પષ્ટ છે કે, આપણને થોડા આનંદના બદલે વધારે શુદ્ધ અને પૂર્ણ આનંદની શોધ હોય છે.  એક કપડું પહેરીએ છીએ, તો બીજી વાર તે કપડું સારું છે કે ખરાબ તે જાણી શકાય છે અને બીજી વાર કાપડ ખરીદતી વખતે એ ધ્યાન રહે છે કે આ વખતનું કાપડ પાછલાં દોષો વિનાનું અને કંઈક વિશેષ આકર્ષક હોય.

પ્રથમ રુચિ પણ શુદ્ધ હોય છે, આનંદની પણ શુદ્ધિ હોય છે અને આપણે એક એવો આનંદ ચાહીએ છીએ, જે પૂર્ણ અને સ્થાયી હોય.  આવો આનંદ લૌકિક જીવનમાં મળી શકતો નથી. પછી પરલોક જીવનની વાત સામે આવે છે અને આત્મા – પરમાત્મા પર પણ ધ્યાન જવા લાગે છે.  આ સિદ્ધિ ભગવાનના શરણમાં જવાથી મળી શકે છે.


 

સુખ અને આનંદમાં ભેદ :

સુખ અને આનંદમાં ભેદ  :

આપણે જે સ્વાભાવિક આનંદની વાતો કરીએ છીએ, તે વાસ્તવમાં ઈન્દ્રિયગમ્ય સુખ છે.  તે ચિરસ્થાયી નથી, તે અસ્થિર અને કોઈ કોઈવાર તો ક્ષણિક હોય છે. ઉદાહરણ માટે આપણે કામભાવનાને જ લઈએ. મનના છ વિકારો  :  કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરમાં કામ સૌથી ભયંકર છે.  તે આ બધા શત્રુઓનો સેનાપતિ છે.  કામસુખ ક્ષણિક હોવા ઉપરાંત આપણા શરીરબળ, મનોબળ અને પ્રાણશક્તિનો નાશ કરે છે.

સ્વાદિષ્ટ ભોજન આનંદદાયક હોય છે, એટલાં માટે સહુને એ કલ્પના રહે છે કે, જાતજાતની મીઠાઈઓ, ફરસાણ, પકવાન વગેરે પ્રાપ્ત કરવામાં આવે. એનાથી ઈન્દ્રિયજન્ય સુખ મળે પણ છે,  પરંતુ આ આનંદમાં દોષ છે.  “ભોગથી રોગ ઉત્પન્ન થાય છે: એ કહેવત પ્રમાણે આ બધાં સુખોને, જેનાથી ઈન્દ્રિયોના વિષયો તૃપ્ત થાય છે, તેમને વાસ્તવિક આનંદની કક્ષામાં નથી મૂકી શકાતાં.  તેમને માત્ર ‘સુખી કહેવું જ યોગ્ય લેખાશે.

પૂર્ણ આનંદ એ છે જેમાં વિકૃતિ ન હોય.  કોઈ પ્રકારની આશંકા, અભાવ કે પરેશાની ન ઉઠાવવી પડતી હોય.  સ્વાભાવિક જીવનમાં જે આનંદ મળી રહ્યો છે એનાથી આપણે ટેવાઈ ગયા છીએ.  એટલે તે અયોગ્ય હોય તો પણ એવું નથી લાગતું.  એટલે આનંદની પરખ માટે કસોટી નક્કી કરવામાં આવી છે.  શુદ્ધતમ આનંદ પ્રાપ્તિ માટે દ્રષ્ટિકોણ સાફ રાખવાની આવશ્યકતા અનુભવાય છે.


આનંદપ્રાપ્તિ, આ જ માણસનું લક્ષ્ય :

આનંદપ્રાપ્તિ, આ જ માણસનું લક્ષ્ય :

એ બધું એવું જ હતું જેનો જીવનના જુદા જુદા પ્રસંગોએ જુદી જુદી પરિસ્થિતિઓમાં રહેતી વખતે તમે અનુભવ કર્યો હશે. વાસ્તવમાં જે કંઈ કહેવાયું તે આજના યુગની પરિસ્થિતિમાં જીવન જીવનારા સામાન્ય માણસે ભોગવેલી હતાશા, કુંઠા વગેરેને ધ્યાનમાં રાખીને જ કહ્યું છે. એક બાજુ લોકોની શ્રદ્ધા-ભાવનાનું શોષણ કરીને આડંબરના માધ્યમથી પરોપજીવી સાધુ સંતોની ભીડ, બીજી બાજુ જીવન લક્ષ્ય ઓળખવાની શક્તિ આપવામાં અસમર્થ શિક્ષણ મેળવીને નાસ્તિક બનતી યુવા પેઢી. આ બે યથાર્થોની વચ્ચે કેવી રીતે એવું જીવન જીવી શકાય કે જેમાં આનંદનો અખંડ પ્રવાહ હોય અને જીવન ગૌરવ-ગરિમાથી સુશોભિત બની શકે?

આપણે જોઈએ છીએ કે આજે દરેક વ્યક્તિનું લક્ષ્ય આનંદ મેળવવાનું છે. રાતદિવસ સહુ એના પ્રયત્નોમાં મંડયા રહે છે. જે જેવી સ્થિતિમાં છે તેમાં એને આનંદની અનુભૂતિ થઈ રહી છે. ગામમાં રહેનારા એટલાં માટે ખુશ છે કે એમને મુક્ત કુદરત, સ્વચ્છ હવા, પાણી અને અનેક કુદરતી સાધનો ભોગવવાની તક મળે છે. શહેરનો નિવાસી પણ એમનાથી ઓછો ખુશ નથી. એને પોતાની રીતના સાધન પ્રાપ્ત છે. તેને શિક્ષણ, સારવાર,મનોરંજન, આવાગમન વગેરેના એવા સાધન સગવડ પ્રાપ્ત છે, જે ગામડામાં ઉપલબ્ધ નથી. કોઈ એક સ્થાન પર સ્થાયી રહીને સુખી છે, કોઈને ચાલતા રહેવામાં આનંદ આવે છે. કોઈને ખેતીમાં આનંદ છે, તો કોઈને રોજગારમાં. સૈનિકને પોતાનું જ જીવન પ્રિય છે. દુકાનદારને પોતાની સ્થિતિ ગમે છે.

પોતાના આનંદની સામગ્રી દરેક શોધી રહ્યો છે અને એમાં જ આનંદનો અનુભવ કરે છે. તાત્પર્ય એ છે કે અહીં સહુ આનંદનું જીવન જીવવા ચાહે છે. આનંદ ચિરસ્થાયી છે કે ક્ષણિક, ઉચિત છે કે અનુચિત, સાત્વિક છે કે અસાત્વિક,આટલું જ વિચારવાનું બાકી રહે છે.


મન ખોલતી વખતે સાવધાન રહો :

મન ખોલતી વખતે સાવધાન રહો :

સામાન્ય રીતે જણાયું છે કે આપણે મનની વાત કોઈની આગળ સહજ રીતે કહીએ છીએ.  આ ટેવ મોટે ભાગે નુકસાનકારક હોય છે.  ક્યારેક તો તમારી વાતથી તમારો ઉદ્ધત અહંકાર અભિવ્યક્ત થવા માંડે છે તો કદીક હલકટતા.  બંને સ્થિતિ નુકસાનકારક છે.  એવું જોવા મળ્યું છે કે લોકોને પોતાની બીમારી, ગરીબી, નિષ્ફળતા, દુર્ભાગ્ય, તિરસ્કાર, નુકસાન, આફત વગેરેનું વર્ણન સવિસ્તાર બીજાઓને સંભળાવવામાં ખૂબ રસ પડે છે અને ઘણીવાર તો તેમાં મીઠું-મરચું ભભરાવીને વાત વધારીને કહે છે.  આવા લોકો એ આશા રાખે છે કે સાંભળનાર પોતાના તરફ સહાનુભૂતિ પ્રગટ કરશે, દુ:ખી થશે, દયા કરશે અને દુ:ખી સમજીને એમના માટે સહાયતા કે પ્રેમનો ભાવ રાખશે.  પરંતુ આ આશા ખાસ કરીને ઠગારી નીકળે છે.

આ દુનિયામાં એવો કાયદો છે કે જે સુખી, સ્વસ્થ, સમૃદ્ધ, સંપન્ન, સફળ સૌભાગ્યશાળી તથા સમર્થ હોય છે તેમને જ બીજાઓની સહાનુભૂતિ અને સદ્દભાવ મળે છે.  સહુ કોઈ પહેલાં પોતાના સ્વાર્થને મહત્વ આપે છે પછી બીજાની તરફ જુએ છે.  કમભાગીની આત્મકથા સાંભળીને સાંભળવાવાળો વિચારે છે એના પર નસીબનો કોપ છે, પાપોનું ફળ ભોગવી રહ્યો છે,  આળસુ કે અયોગ્ય છે, આવા માણસથી દૂર રહેવું જ સારું.  જો એની સાથે રહીશું તો કોઈને કોઈ રીતે ગુસ્સે થવું પડશે.  આવા મિત્રો રાખવાથી સમાજમાં મારી પ્રતિષ્ઠા ઘટશે.  આ બધી વાતોને વિચારતો, સાંભળનારો એ વખતે શિષ્ટાચાર ખાતર ચાર શબ્દો ભલે કહે કે ભાગીતૂટી સહાયતાના ટુકડા ભલે  ફેકે પણ મનોમન તે ઠપકો આપ્યા કરે છે, શુષ્કતા અને ઉદાસીનતા પ્રગટ કરવા લાગે છે.

મન ખોલતી વખતે સાવધાન રહો –  શું કરવું જોઈએ :

તમે જે કાર્ય કરવાનું શરૂ કરો તેના પર મનને એકાગ્ર કરવાની ટેવ પાડો.  અર્ધા મનથી શરૂ કરેલું કાર્ય અધૂરું જ રહી જાય છે.  મનની એકાગ્રતાથી તમારી વાણીમાં આકર્ષણ પેદા થશે અને તમારી સામે રહેલ માણસને જ્યારે તમે કોઈ વાત કરશો તો તેનો પ્રભાવ અભૂતપૂર્વ થશે. પોતાની નિષ્ફળતાઓ અને ઊણપોને સમજો.  તેમના પર વિચાર કરો, પણ તેમનાં રોદણાં સહુની સામે ન રડો.  આ વિશે ખૂબ સાવધાની રાખો  પોતાને નિષ્ફળ, અભાગી જાહેર કરવાનું સ્પષ્ટ પરિણામ છે તમારી પ્રતિષ્ઠા ખોઈ નાખવી.  એટલી નવરાશ કોઈને નથી કે તમારું રોવું સાંભળી પોતાને દુ:ખી બનાવે.  દરેકની પોતાની મુશ્કેલીઓ હોય છે, તમારી મુસીબતો સાંભળીને પોતાના મનને દુ:ખી કરવું કોઈને સારું નહિ લાગે.

પોતાની નિષ્ફળતાઓને વારંવાર યાદ કરવાથી કે વર્ણન કરવાથી તમારી હિંમત તૂટી જાય છે અને મન પર અયોગ્યતાની છાપ પડે છે.

જે એક માણસને વારંવાર ગાંડો કહેવામાં આવે તો તે થોડા દિવસોમાં ખરેખર અડધો ગાંડો બની જશે.  કારણ એ છે કે સુષુપ્ત મન આદેશ ગ્રહણ કરીને તેને પોતાની અંદર ધારણ કરે છે અને પછી જીવનક્રમને એ બીબામાં ઢાળવા માંડે છે.  જો મનમાં આ વાત જામી જાય કે આપણે અભાગી છીએ, દીનદુ:ખી છીએ તો અંતરમન એ સૂચનાને સ્વીકારી લેશે અને જીવનક્રમનું નિર્માણ એ રીતે કરશે કે જીવન સાચેસાચ દુર્ભાગ્યથી ભરાઈ જશે.

જો તમે ભાગ્યશાળી બનવા ઇચ્છો છો, સોનેરી ભવિષ્યની આશા રાખો છો તો યાદ રાખો કે તમારા જીવનના પ્રેરક, સફળ, આનંદી પ્રસંગોને જ બીજાઓ આગળ રજૂ કરો.  પણ સાવધાની રાખો, ક્યાંય તમારા વર્ણનમાં તમારો અહંકાર ન દેખાય.


સમયનું ઉત્તમ આયોજન કરો :

સમયનું ઉત્તમ આયોજન કરો :

ચિંતન ઉપરાંત માણસની મોટી શક્તિ છે- પ્રયાસ, શ્રમ તથા સમયનું આયોજન.જીવનનું તાત્પર્ય વર્ષોની લંબાઈ નહિ પરંતુ એ છે કે તેના સમયનાં એકમોનો કેવી રીતે, ક્યાં હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો.  ઘણા થોડા દિવસ જીવે છે પરંતુ અભિમન્યુ અને ભગતસિંહની જેમ, વિવેકાનંદ અને રામતીર્થની જેમ ટૂંકા આયુષ્યમાં જ પોતાને, પોતાના સમાજને કૃતકૃત્ય કરી જાય છે.  કેટલાયે એવા હોય છે જે પરમ અવધિ સો વર્ષ સુધી જીવી લે છે, પણ રહે છે બીજાઓ પર ભાર બનીને જ.  આવા લાંબા જીવનથી શું પોતાને કે શું બીજાને લાભ?  સંગ્રહખોરોનું જીવન મધમાખીઓ સમાન હોય છે, આખો દિવસ તે મહેનત કરે છે અને તે સંગ્રહનો લાભ કોઈ બીજો ઉઠાવે છે.

મનને સમજાવવું જોઈએ. મોહવશ થઈને બધો સમય ગુમાવવાથી કોઈ લાભ નથી. મનને સમજાવવું જોઈએ કે જે રીતે નર્યા સ્વાર્થી ચિંતનમાં પોતાની બુદ્ધિ લગાવવામાં આવે છે, એ રીતે એ પણ જોવું જોઈએ કે જીવન સમૃદ્ધિનો ઉપયોગ માનવોચિત રીતથી થયો કે નહિ? મનુષ્યને વધારે બુદ્ધિમત્તા, વધારે ક્ષમતા અને પ્રતિભાથી ભરેલું જીવન આપવામાં આવ્યું છે.

તે માત્ર શરીરયાત્રા માટે ખર્ચી નાખવું જોઈએ નહિ, જેવી રીતે જીવ-જંતુઓનું હોય છે.  વૈભવ વધારીને ઠાઠ-માઠ કરવામાં આપણને પણ મિથ્યાભિમાન સિવાય બીજું શું મળે છે? ઉપયોગની એક મર્યાદા હોય છે.  એના પછી જે બચે છે, તેને બીજા મફતિયા જ હડપ કરી જાય છે અને હરામની કમાણીને ફૂલઝડીની જેમ સળગાવે છે.  હોઈ શકે છે આ મફતિયા કહેવાતા કુટુંબ-સંબંધી જ કેમ ન હોય?.


મનને તાલીમ આપો :

મનને તાલીમ આપો :

વાદળાંનું પાણી જમીન પર પડે છે.  જમીન પરથી ઢાળ પર વહેતી નદીઓમાં જાય છે અને નદીઓ સમુદ્રના ગહન ઊંડાણમાં જઈ પડે છે.  પતનનો આ સ્વાભાવિક ક્રમ છે.  મનને જો રોકવામાં ન આવે તો તે પણ આ દિશામાં સ્વાભાવિક રીતે નીકળી પડશે. એટલાં માટે વરસાદના પાણીને સમુદ્રમાં વહી જતું બચાવીને કોઈ ઉપયોગી કાર્યમાં લગાવવું કે વિશિષ્ટ દિશામાં વહાવવું હોય તો એના પર પણ નિયંત્રણ રાકવું પડશે.

પશુઓને ખીલે બાંધીને જ ધારેલાં કામોમાં રોકી શકાય છે, નહિતર તે રખડતાં છોડી દેવાય તો જેના-તેના ખેતરને ઉજાડી દેશે, નિરર્થક ફરશે અને અંદરોઅંદર લડશે.  એટલાં માટે એમને શિસ્તમાં રાખવા માટે મર્યાદાઓનો ડેરો નાખવો અને બંધન બાંધવા પડશે.  મજબૂત અને ઊચો બંધ બનાવીને જ નદીઓ માંથી સિંચાઈ માટે નહેરો કાઢવામાં આવે છે.

મનને ચિંતનની તાલીમ આપવા માટે તેને સંયમનું બંધન સ્વીકારવા માટે તાલીમ આપવી પડશે.  ઈન્દ્રિય-સંયમ, અર્થ- સંયમ,  સમય- સંયમ, અને વિચાર- સંયમ, શીખી લો તો સમજવું જોઈએ કે અબુધ મન ઉંમરલાયક થઈ ગયું.  માણસની અભિલાષાઓને માગણીઓને કોઈ પૂરી કરી શકતું નથી. તૃષ્ણાની ખાઈ એટલી ઊંડી છે કે તેના માટે અનેક જન્મોનો પરિશ્રમ ખપાવી દેવામાં આવે તો પણ તેને ભરી શકાતી નથી છેવટે અત્યારે કે પછી ક્યારેક આ વિડંબનાઓમાંથી કલ્પનાઓને ઉગારવી પડશે તો તેના માટે ચિંતન પર અંકુશ લગાવવા, ઇચ્છાઓ પર અંકુશ લગાવવા સિવાય બીજો કોઈ માર્ગ મળશે નહીં.


%d bloggers like this: