હિમાલયમાં પ્રવેશ – રડતા પહાડ, સૂનકારના સાથીઓ
May 22, 2022 Leave a comment
હિમાલયમાં પ્રવેશ – રડતા પહાડ
આજે રસ્તામાં રડતા પહાડ મળ્યા. તેમનો પથ્થર નરમ હતો. ઉપરનાં ઝરણાંનું પાણી બંધિયાર પડ્યું હતું. પાણી નીકળવાનો રસ્તો ન મળ્યો. નરમ પથ્થરે એને ચૂસવા માંડ્યું તે શોષાયેલું પાણી જાય ક્યાં ? નીચેની બાજુએ તે પહાડને નરમ બનાવી રહ્યું હતું. જ્યાં જ્યાં જગ્યા હતી ત્યાં પાણી ઝમીને ટીપે ટીપે પડી રહ્યું હતું. આ ટપકતાં ટીપાંને લોકો ભાવના અનુસાર આંસુનાં ટીપાં કહે છે. વાતાવરણમાં ઊડેલી માટી ત્યાં જમા થાય છે. એ ચોંટેલી માટી પર મખમલ જેવી લીલા રંગની લીલ ઊગી જાય છે. આ લીલને પહાડનો કીચડ કહે છે. જ્યારે પહાડ રડતો હોય છે ત્યારે તેની આંખો દુઃખતી હશે અને કીચડ (પીયો) નીકળતો હશે એવી કલ્પના લોકો કરે છે. આજે અમે રડતા પહાડ જોયા. તેમનાં આંસુ કઈ રીતે લૂછવાં ? ‘કીચડ’ ઉખાડી જોયો. બસ, આટલું જ કરી શકતા હતા. પહાડ તું કેમ રડે છે એવું કોણ એને પૂછે ? તે કઈ રીતે જવાબ આપે ?
પણ કલ્પનાનો ઘોડો તેજ હોય છે. મન પર્વત સાથે વાતે વળગ્યું : “પર્વતરાજ ! આપ આટલી વનશ્રીથી લદાયેલા છો. નાસભાગની આપને કોઈ ચિંતા નથી. બેઠા બેઠા નિરાંતે આનંદથી દિવસો ગુજારી રહ્યા છો, છતાં આપને કઈ વાતની ચિંતા છે ? આપ કેમ રડી રહ્યા છો ?’’
પથ્થરનો પહાડ ચૂપ હતો, પણ કલ્પનાના પહાડે પોતાની મનોવ્યથા કાઢવા માંડી, “મારા દિલના દર્દની તને શી ખબર પડે ? હું મોટો છું, ઊંચો છું, વનશ્રીથી લદાયેલો છું, નિરાંતે બેઠો છું. આમ જોવા જતાં મારી પાસે બધું જ છે પણ નિષ્ક્રિય, નિઃચેષ્ટ જીવન એ તો કોઈ જીવન છે ? જેમાં ગતિ નથી, સંઘર્ષ નથી, આશા નથી, સ્ફૂર્તિ નથી, પ્રયત્ન નથી, પુરુષાર્થ નથી તે જીવતો હોવા છતાં મરેલા સમાન છે. સક્રિયતામાં જ આનંદ છે. ફક્ત ભોગવિલાસ માણવામાં અને આરામ કરવામાં તો નિષ્ક્રિયતા અને નામર્દાઈ જ છે. તેને નાદાન માણસ જ આરામ અને આનંદ કહી શકે. આ સૃષ્ટિના ક્રીડાંગણમાં જે વ્યક્તિ જેટલું રમી શકે છે તે પોતાની જાતને એટલી જ તાજી અને સ્ફૂર્તિલી અનુભવી શકે છે. સૃષ્ટિના બધા જ પુત્રો પ્રગતિના રસ્તા પર ઉલ્લાસભર્યા જવાનોની માફક કદમ પર કદમ મિલાવી મોરચા પર મોરસો સર કરી ચાલ્યા જતા હોય છે, જ્યારે બીજી બાજુ હું દિલનાં દુખો મનમાં દબાવીને ખુશ હોવાનો બાહ્યાડંબર કરી રહ્યો છું. મનની કલ્પનાઓ મને શેઠ કહી શકે છે, અમીર કહી શકે છે, ભાગ્યવાન કહી શકે છે, પણ હું તો નિષ્ક્રિય જ છું. સંસારની સેવામાં પોતાના પુરુષાર્થનો પરચો આપી લોકો ઇતિહાસમાં અમર થઈ રહ્યા છે, પ્રતિષ્ઠિત બની રહ્યા છે, પોતાના પ્રયત્નોનું ફળ બીજાને ભોગવતા જોઈ ગર્વ અનુભવી રહ્યા છે, પણ હું તો મારો વૈભવ મારા સુધી જ સીમિત રાખી શક્યો છું. આ આત્મગ્લાનિથી જો મને રડવું આવતું હોય, આંખમાં આંસુ આવતાં હોય અને ‘કીચડ’ નીકળી રહ્યો હોય, તો તેમાં ખોટું શું છે ?”
મારી નાની સ૨ખી કલ્પનાએ પર્વતરાજ સાથે વાતો કરી. સંતોષ થઈ ગયો, પણ હૃદય ખિન્ન થઈ ગયું. ઘણી વાર સુધી વિચારતો રહ્યો કે આવડો મોટો પર્વત જે નાના નાના ટુકડાઓમાં ફેરવાઈ જઈ બંગલા, સડકો, પુલ વગેરે બનાવવામાં કામ લાગી શક્યો હોત તો કેવું સારું થાત ! ત્યારે તે ભલે એવડો મહાન ન રહ્યો હોત, કદાચ એનું અસ્તિત્વ જ ભૂંસાઈ ગયું હોત, પણ તે પોતાની જાતને ધન્ય માનતો હોત. તેનું મોટાપણું સાર્થક થયું હોત. આ પરિસ્થિતિઓથી વંચિત રહીને જો પર્વતરાજ પોતાને અભાગિયો માની પોતાના દુર્ભાગ્યને ધિક્કારતો માથું પછાડીને રડતો હોય તો એનું રડવું વાજબી છે.
પ્રતિભાવો