પવિત્રતામાં જ જીવનની સાર્થકતા છે । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા

પવિત્રતામાં જ જીવનની સાર્થકતા છે । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા

પવિત્રતા માનવજીવનની સાર્થકતા માટે અનિવાર્ય છે. માનવીનો વિકાસ અને ઉન્નતિ માત્ર જ્ઞાન અથવા ભક્તિની વાતોથી ન થાય.તેણે વ્યાવહારિક રીતે પોતાની ઉચ્ચતા અને શ્રેષ્ઠતા સાબિત કરવી પડે અને તે માટેનું મુખ્ય સાધન પવિત્રતા જ છે. જે વ્યક્તિ ગંદા વાતાવરણમાં રહે છે અથવા ગંદા વિચારો દર્શાવે છે તેની પાસે જવું કે રોકાવું કોઈને ગમતું નથી. આવી વ્યક્તિને બધાં તિરસ્કારે છે. સંજોગવશાત્ તેનું કામ પડે, તેની પાસે જવું પડે, છતાં પણ વહેલી તકે તેનાથી છુટકારો મેળવવાની ઈચ્છા થાય છે.

માનવીને માટે શરીર, મન, ચારિત્ર્ય, આચારવિચાર વગેરે બધા પ્રકારની પવિત્રતા જરૂરી છે. જો શારીરિક પવિત્રતાનું ધ્યાન ન રાખીએ તો ક્યારેય સ્વાસ્થ્ય સારું રહી શકે નહીં અને અસ્વસ્થ વ્યક્તિ કોઈ સારું કામ કરવામાં સમર્થ હોતી નથી. આ રીતે માનસિક પવિત્રતા વિના માનવીમાં સજ્જનતા, પ્રેમ તથા સર્વ્યવહાર ઉત્પન્ન થઈ શકે નહિ અને સંસારમાં તે કોઈનું ભલું કરી શકે નહીં. જે વ્યક્તિનું ચારિત્ર્ય અપવિત્ર હોય તે ક્યારેય સંસારમાં માન-પ્રતિષ્ઠા મેળવી શકે નહીં. તેની સામે નહીં, તો પીઠ પાછળ લોકો તેની નિંદા કરશે. આચારવિચારની પવિત્રતાએ હાલના સમયમાં ઢોંગનું સ્વરૂપ ધારણ કર્યું છે અને એટલે જ આધુનિક વિચારોવાળા તેને બિનજરૂરી સમજે છે, પણ હકીકતમાં માનવીની આધ્યાત્મિક ઉન્નતિનો ગાઢ સંબંધ આચારવિચારની પવિત્રતા સાથે છે. ખાનપાનમાં શુદ્ધતા અને પવિત્રતાનું ધ્યાન ન રાખવાથી માત્ર સ્વાસ્થ્ય જ ખરાબ થતું નથી, પણ માનસિક સંયમ પણ નાશ પામે છે અને જીભના ચટાકાની ખોટી ટેવ પણ પડી જાય છે. આ રીતે વિચારોમાં શુદ્ધતાનો ખ્યાલ ન રાખવાથી કામ, ક્રોધ, લોભ વગેરે ભાવનાઓ વધવાની શક્યતા છે.

એટલા માટે જો તમે તમારું કલ્યાણ ચાહતા હો તો તમારાં ભોજન, કપડાં, રહેઠાણ, શરીર, મન, આત્મા વગેરેની સ્વચ્છતા અને પવિત્રતાનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. આ બધાંની પવિત્રતાથી જ જીવનમાં તમે સાચા માનવી કહેવાવાને લાયક બની શકો તે માટે જરૂરી નિર્મળતા અને પ્રકાશનો ભાવ ઉત્પન્ન થઈ શકશે. માત્ર વ્યક્તિગત સ્વચ્છતાનું ધ્યાન રાખવું પૂરતું નથી, પણ આપની આસપાસ ક્યાંય ગંદકી, અસ્વચ્છતા દેખાવી ન જોઈએ કારણ કે મનુષ્ય સામાજિક પ્રાણી છે અને અન્યના સહયોગ વિના તેની એક ક્ષણ પણ વીતી શકે નહીં. જ્યારે સમગ્ર સમાજમાં પવિત્ર જીવનની ભાવના જાગૃત થાય તો જ આ શક્ય બને.

આધ્યાત્મિક પવિત્રતાનો રસ્તો । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા

આધ્યાત્મિક પવિત્રતાનો રસ્તો । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા

શારીરિક અને માનસિક પવિત્રતાની સાથે આધ્યાત્મિક પવિત્રતા પણ જરૂરી છે, કારણ કે તેના વિના આત્મોન્નતિ શક્ય નથી અને આત્મોન્નતિ તો માનવમાત્રનું પરમલક્ષ્ય છે. આધ્યાત્મિક પવિત્રતા દ્વારા જ માનવીમાં સાચો પ્રેમ, ભક્તિ, દયા, ઉદારતા, પરોપકાર વગેરે જન્મે છે અને દેવત્વનો વિકાસ થઈ શકે છે.

આ સૃષ્ટિ ત્રિગુણમયી છે. સતોગુણ, રજોગુણ અને તમોગુણ- આ ત્રણેથી સંસારના તમામ જડચેતન પદાર્થો ઓતપ્રોત રહે છે. તમોગુણમાં આળસ (અશાંતિ), રજોગુણમાં ક્રિયાશીલતા (ચંચળતા) અને સતોગુણમાં શાંતિ (પવિત્રતા અને અનાસક્ત વ્યવહાર) થાય છે.

સામાન્ય રીતે લોકોમાં તમોગુણ અને રજોગુણ જ વધારે પડતા જોવા મળે છે. આજકાલ સતોગુણ ખૂબ ઓછો દેખાય છે કારણ કે ઉચ્ચ આધ્યાત્મિક સાધનાના ફળ સ્વરૂપે જ સતોગુણનો વિકાસ થાય છે. પવિત્રતા અને કલ્યાણનો ઉદ્દેશ્ય સત્ત્વગુણનો વિકાસ જ છે. સાત્ત્વિકતા જેટલી વધશે એટલો જ માનવી પ૨મલક્ષ્યની નજીક જશે. આનાથી વિરુદ્ધ રજોગુણ વધતાં માનવી લોભ અને ભોગના વિષચક્રમાં ફસાય છે જ્યારે તમોગુણી મનુષ્ય તો તીવ્ર ગતિએ અધઃપતનની ખીણમાં ધસી જાય છે.

તમોગુણપ્રધાન માનવી આળસુ, નવરો અને પરતંત્ર હોય છે. તે દરેક વખતે બીજાની મદદ શોધતો હોય છે. પોતાની શક્તિઓ પર તેને વિશ્વાસ હોતો નથી. આવાને બીજા મદદ શા માટે કરે ? જ્યારે તેને જોઈતી મદદ મળતી નથી ત્યારે તે ખિન્ન થઈ જાય છે અને ક્રોધમાં આવી જાય છે. બીજા પર દોષારોપણ કરી લડ્યાઝઘડ્યા કરે છે. લકવાગ્રસ્ત માનવીની જેમ તેની શક્તિઓ પાંગળી બની જાય છે અને તે સૂનમૂન બેસી રહેવા પ્રેરાય છે. શરીરમાં સ્થૂળ બળ ભલે ઓછુંવત્તું રહે, પણ ચેતના, પ્રાણશક્તિ, આત્મબળ, શૌર્ય, તેજ, ઓજસ વગેરેનો સદંતર અભાવ રહે છે. આવી વ્યક્તિ મોટા ભાગે કાયર, ક્રૂર, આળસુ, તથા અભિમાની હોય છે. તેનાં આચરણ, વિચાર, આહાર, કાર્ય, ઉદ્દેશ્ય વગેરે મલિન હોય છે.

તમોગુણ પશુતાની નિશાની છે. ચોર્યાસી લાખ યોનિઓમાં તમોગુણ જ મુખ્યત્વે હોય છે. તે સંસ્કાર જે માનવીમાં પ્રબળ હોય છે તેને નરપશુ કહેવામાં આવે છે. આ પશુતાથી જ્યારે જીવનની કંઈક પ્રગતિ થાય છે ત્યારે તેનો રજોગુણ વધે છે. ‘તમ’ની સરખામણીએ તેના વિચાર અને કાર્યોમાં રજસની માત્રા વધુ રહે છે.

રજોગુણીમાં ઉત્સાહ વધારે હોય છે. સ્ફૂર્તિ, હોશિયારી, ચાલાકી, સ્વાર્થીપણું, બીજાને ઉલ્લુ બનાવી કામ કઢાવવું વગેરે તેની ખૂબીઓ છે. આવા લોકો વાતોડિયા, પ્રભાવશાળી, સક્રિય, મહેનતુ, ઉદ્યોગ સાહસિક, આશાવાદી અને વિલાસી હોય છે. તેમની ઈન્દ્રિયો ઘણી પ્રબળ હોય છે. સ્વાદિષ્ટ ભોજન, ઠાઠ,ભભકા, વિષયવાસના વગેરેની ઈચ્છા સતત મનમાં રહ્યા કરે છે અને કેટલીકવાર ભોગ અને પરિશ્રમમાં એટલા ગળાડૂબ રહે છે કે પોતાનું સ્વાસ્થ્ય પણ ગુમાવી બેસે છે.

ભાઈબંધોનાં ટોળાં, ગપ્પાંબાજી, ખેલતમાશા, નાટક, સિનેમા, ભોગવિલાસ, ઠાઠમાઠ, રોફ, એશઆરામ, વાહવાહ, મોટાઈ, ભૌતિક સંપત્તિ, ધનદોલત વગેરેમાં રોગુણીનું મન ખાસ ચોંટેલું રહે છે. સત્ય અને શિવ તરફ તેમનું ધ્યાન જતું નથી પણ સુંદરમ્ને જોઈને લટ્ટુ થઈ જાય છે. આવા લોકો બહિર્મુખી હોય છે. બહારની વાતો વધારે વિચારે છે, પણ પોતાની આંતરિક દુર્બળતા પર વિચાર કરતા નથી. પોતાની અમૂલ્ય યોગ્યતાઓ, પરિસ્થિતિઓ અને શક્તિઓને બિનજરૂરી, હલકી, છીછરી અને નકામી વાતોમાં વેડફયા કરે છે.

સત્ત્વગુણની વૃદ્ધિ જ્યારે કોઈ માનવીમાં થાય ત્યારે અંતરાત્મામાં ધર્મ, કર્તવ્ય અને પવિત્રતાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. ન્યાય અન્યાય, સત્ અસત્, કર્તવ્ય-અકર્તવ્ય, ગાલ-ત્યાજ્યનો ભેદ, સારા-નરસાનો ભેદ સ્પષ્ટ રૂપે જોઈ શકે છે. તત્ત્વજ્ઞાન, ધર્મ, વિવેક, દૂરદર્શિતા, સરળતા, નમ્રતા અને સજ્જનતાથી તેની દૃષ્ટિ ભરાઈ જાય છે. બીજા સાથે કરુણા, દયા, મૈત્રી, ઉદારતા, સ્નેહ, આત્મીયતા અને સદ્ભાવનાનો સંબંધ રાખે છે. ધનલાલસાને તુચ્છ સમજી તે તપ, સાધના, સ્વાધ્યાય, સત્સંગ, સેવા, દાન અને પ્રભુની શરણાગતિ તરફ આગળ વધે છે.

સાત્ત્વિકતા વધતાં આત્મામાં ખૂબ શાંતિ, સંતોષ, પ્રસન્નતા, પ્રફુલ્લતા અને આનંદ છવાયેલો રહે છે. તેનો પ્રત્યેક વિચાર અને કાર્ય પુણ્ય ભરેલાં હોય છે, જેનાથી નજીકના બધા લોકોને જાણ્યે અજાણ્યે શાંતિ અને પ્રેરણા મળે છે.

તમોગુણ સૌથી હલકટ અવસ્થા છે. રજોગુણ તેનાથી ઊંચી અવસ્થા તો છે, પણ માનવતાથી નીચી છે. સત્ત્વગુણ એ માનવીનો સાચો ધર્મ છે. માનવતાનો નિવાસ સાત્ત્વિકતામાં હોય છે. આત્માને સાત્ત્વિકતા વિના શાંતિ મળતી નથી. જે માણસ જેટલો સત્ત્વગુણી હોય છે એટલો તે પરમાત્માની નજીક છે. આ દૈવીતત્ત્વ મેળવવાથી જીવન ધન્ય બની જાય છે કારણ કે સત્ત્વગુણ જ જીવનલક્ષ્ય પ્રાપ્ત કરવાનું સાધન છે. પવિત્ર જીવનના દરેક પ્રેમીએ પોતાનામાં સાત્ત્વિકતા વધારવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.

હકીકતમાં સત્ત્વગુણી જીવન દરેક પ્રકારની પવિત્રતાનું મૂળ છે. એનાથી માનવીમાં શ્રેષ્ઠ ગુણો આવે છે અને તે દરેક પ્રકારનાં હલકટ આચરણોથી દૂર રહી શુદ્ધ અને પવિત્ર બની શકે છે. સાત્ત્વિક માનવી દિનચર્યા, રહેણીકરણી, ખાનપાન, આહારવિહાર બધી વાતોમાં શુદ્ધિનો આગ્રહ રાખે છે, જેના પરિણામે તેના મન, વિચાર અને કર્મમાં અશુદ્ધ ભાવનાઓ, નીચ ભાવનાઓ પ્રવેશી શકતી નથી. તે બધાંના હિતનો વિચાર કરે છે, બીજાને ગમે તેવી વાતો કરે છે અને લોકમાંગલ્ય માટે કામ કરે છે. આવી વ્યક્તિ માનસિક અને આત્મિક પવિત્રતાનો વિચાર જ નથી કરતી, પણ પોતાની ચારે બાજુએ પવિત્રતા તથા શુદ્ધતાના જ વિચાર કરે છે. તે કોઈ ખરાબ કાર્ય કરતો નથી. જેમ હું બીજે લખી ચૂક્યો છું તે પ્રમાણે મન શરીરનો રાજા છે અને મન પર આત્માનું શાસન લાદી શકાય છે. એટલે પવિત્ર જીવનનું વાસ્તવિક ઉદ્ભવસ્થાન આત્મા જ છે. જો આપણે આત્માની શુદ્ધતા અને પવિત્રતાનો ખ્યાલ રાખીશું, તો આપણું બાકીનું જીવન પવિત્રતા તરફ દોરવાશે અને માત્ર સાત્ત્વિક પ્રવૃત્તિમાં જ આત્મા જાગૃત તથા ઉચ્ચ ભાવસંપન્ન રહે છે ગીતામાં કહ્યું છે,

સર્વદ્વારેષુ દેહેડસ્મિન્ પ્રકાશ ઉપજાયતે । જ્ઞાનં યદા તદા વિદ્યાદ્વિવૃદ્ધ સત્ત્વમિત્યુત II ગીતા ૧૪/૧૧

જ્યારે આ દેહમાં સર્વ (ઈન્દ્રિયોરૂપ) દ્વારોમાં પ્રકાશ અને જ્ઞાન ઊપજે છે ત્યારે સત્ત્વગુણ વધ્યો છે એમ જાણવું.

સત્ત્વાëજાયતે જ્ઞાનં ૨જસો લોભ એવ ચ । પ્રમાદમોહૌ તમસો ભવતોડજ્ઞાનમેવ ચ || ગીતા ૧૪/૧૭

સત્ત્વગુણથી જ્ઞાન, રજોગુણથી લોભ અને તમોગુણથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાન ઊપજે છે.

લોભથી જીવન નાશ પામે છે । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા

લોભથી જીવન નાશ પામે છે । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા

સતત કંજૂસાઈ, સંકુચિતતા અને ધન ભેગું કરતા રહેવાના વિચાર મગજમાં આવે છે તો થોડા સમય બાદ તે ટેવનું રૂપ ધારણ કરી લે છે. બહુ સંપત્તિ એકઠી કરવી અને ખર્ચ વખતે બિનજરૂરી કંજૂસાઈ બતાવવી તેને લોભ કહે છે. લોભની વિચારધારા જ્યારે સુષુપ્ત મન પર અસર કરે છે ત્યારે સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે. રૂપિયા, પૈસા હકીકતે એક ભોગવવાની ચીજ છે. જ્ઞાની પુરુષો તેને હાથનો મેલ ગણાવે છે. ધનનો સદુપયોગ એ ધનસંચયનો સાચો આશય છે. જેવી રીતે પાણી પીવાની વસ્તુ છે. પીવાનો ઉપયોગ કરવામાં જ આનંદ છે. જે બિનજરૂરી પાણી એકઠું કરે છે તે સારું કામ કરતો નથી. ભેગું કરેલું પાણી થોડા દિવસોમાં ગંધાશે અને ચારે બાજુએ ગંદકી પેદા કરશે. શરીર અને મનનો સ્વાભાવિક ધર્મ એ છે કે તે જે લે છે તેનો ત્યાગ પણ કરે છે. મનમાં એક પ્રકારના વિચારો આવે છે તો બીજા પ્રકારના વિચારો જાય છે.

મનમાં જુદા જુદા વિચારો પ્રત્યેક ઘડીએ આવતા રહેવાની યોજના પરમાત્માએ બહુ સમજી વિચારીને બનાવી છે. આમ થવાથી વહેતી નદીના પાણીની જેમ મન નિર્મળ રહે છે. જો એક જ પ્રકારના વિચારો કરવામાં આવે અને તે વિચારો હલકટ હોય તો માનવી ભયંકર આપત્તિમાં આવી શકે છે. આકર્ષણના વિશ્વવ્યાપી નિયમ પ્રમાણે એટલા બધા એક સરખા વિચારો માનવીના મનમાં એકઠા થતાં તે ડરી જાય છે, માંદો પડી જાય છે અથવા મરી જાય છે. લોભી માનવી હરહંમેશ ધનનું ચિંતન કર્યા કરે છે. વધુને વધુ પૈસા એકઠા કરવાની ચિંતા જ થયા કરે છે અને તે “હાથના મેલ ’” થી છુટકારો મેળવવાને બદલે તેનો સંચય કરવાનું કુદરત વિરુદ્ધનું કાર્ય કરવા પ્રેરાય છે.

આની અસર ગુપ્ત મન પર થાય છે. વાચકો એ તો જાણે જ છે કે શરીરની શ્વાસોચ્છવાસ, રુધિરાભિસરણ, પાચનતંત્ર,મળવિસર્જન વગેરે દૈનિક ક્રિયાઓ સુષુપ્ત મનથી થાય છે. આપણું ચેતન મગજ આ ક્રિયાઓમાં દખલ કરતું નથી, પણ સુષુપ્ત મનની સ્થિતિ અનુસાર ક્ષણભરમાં મહત્ત્વના ફેરફાર થઈ શકે છે. મનોવૈજ્ઞાનિકોએ શરીરની ક્રિયાઓ પર સુષુપ્ત મનનો સંપૂર્ણ કાબૂ જાણ્યા પછી તે મન પર પ્રભાવ પાડી બધી બીમારીઓને દૂર કરવામાં સફળતા મેળવે છે. આપણા સ્વભાવના દોષ અને ખરાબ આદતો પણ માનસિક ઈલાજથી સુધારી શકે છે.

ક્રોધનાં ભયંકર પરિણામ । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા

ક્રોધનાં ભયંકર પરિણામ । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા

ડો. અરોલી અને ડો. કેનને અનેક અખતરાઓ બાદ એ જાહેર કર્યું કે ક્રોધને લીધે લોહીમાં એક ઝેરીલી શર્કરા ઉત્પન્ન થાય છે. આ શર્કરા પાચનશક્તિ બગાડવામાં ભયંકર ભાગ ભજવે છે. ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયના સ્વાસ્થ્ય નિરીક્ષક ડો. હેમન ગર્ગે પોતાના અહેવાલમાં ઉલ્લેખ કર્યો છે, “ આ વર્ષે પરીક્ષામાં નપાસ થનારા વિદ્યાર્થીઓમાં મોટા ભાગના ચીઢિયા સ્વભાવના હતા.’ પાગલખાનાંના અહેવાલ બતાવે છે કે “ ક્રોધથી ઉત્પન્ન થતા માનસિક રોગોએ અનેક તંદુરસ્ત લોકોને પાગલ બનાવી દીધા.’ ડો. જે. એસ્ટરનું કહેવું છે, “ પંદર મિનિટ ક્રોધ કરવામાં જેટલી શક્તિ ખર્ચાય છે તેટલી શક્તિ વડે સાડા નવ કલાક મહેનત કરી શકાય છે.” બાઈબલનું કથન છે,‘‘ ક્રોધ સાથે સૂવું એ પડખામાં ઝેરી સાપ લઈને સૂવા બરાબર છે.’’ સાચે જ ક્રોધની ભયાનકતા દરેક રીતે વધારે છે.

આ ભયાનક રાક્ષસ શરીર અને મન પર જે ખરાબ અસર પાડે છે તે જીવનને સંપૂર્ણ અસફળ બનાવી દે છે. અશાંતિ, આશંકા અને આવેશ તેને ઘેરી લે છે. આજુબાજુના પડોશીઓની નજરમાં વ્યક્તિ ધૃણાપાત્ર બને છે. ઘરમાં કજિયાકંકાસ થતા રહે છે. પ્રસિદ્ધ દાર્શનિક સીનાનું કહેવું છે, ક્રોધ દારૂની જેમ માનવીને વિચારશૂન્ય, દુર્બળ અને પક્ષાઘાતની જેમ શક્તિહીન બનાવી દે છે.” ખરાબ દશાની જેમ તે જેની પાછળ પડે છે તેનો સર્વનાશ કરે છે. ડો. પુરણચંદ ખત્રીનું કહેવું છે કે ક્રોધરૂપી માનસિક રોગ શરીરના કોઈપણ રોગ કરતાં ઓછો ભયાનક નથી. દમ,યકૃતવૃદ્ધિ વગેરે રોગ જે રીતે માનવીને નીચોવી નીચોવીને મારી નાખે તે રીતે ક્રોધ અસર કરે છે. થોડાક દિવસોમાં જ ક્રોધથી શરીરમાં કેટલાક પ્રકારનાં ઝેર ઉત્પન્ન થાય છે, જેનાથી શરીરની અંદરના અવયવોની કાર્યક્ષમતા ક્ષીણ થતી જાય છે.

ન્યૂયોર્કના વૈજ્ઞાનિકોએ પરીક્ષણ માટે ગુસ્સામાં આવેલા માનવીના શરીરમાંથી થોડું લોહી લઈ સસલાના શરીરમાં દાખલ કર્યું. પરિણામ સ્વરૂપે બાવીસ મિનિટ પછી સસલું માણસોને કરડવા દોડ્યું. પિસ્તાલીસમી મિનિટે તે પોતાને બચકાં ભરવા લાગ્યું અને એક ક્લાકમાં પગ પછાડી પછાડીને મરી ગયું. ક્રોધથી ઉત્પન્ન થતી ઝેરીલી શર્કરા લોહીને સાવ ઝેરી બનાવી દે છે. આ અશુદ્ધિને લીધે ચહેરા સહિત આખું શરીર પીળું પડી જાય છે. પાચનશક્તિ બગડી જાય છે, નસો ખેંચાય છે તેમજ ગરમી વધી જાય છે. માથું ભમી જવું, કમરમાં દર્દ, પેશાબ પીળો પડી જવો, આંખે અંધારાં આવવાં વગેરે ક્રોધનાં જ પરિણામો છે. આ સિવાય બીજાં કેટલાય દરદો થયા કરે છે અને દિવસે દિવસે શરીર ક્ષીણ થતું જાય છે અને અલ્પકાળમાં જ માનવી સાવ કમજોર થઈ જાય છે.

ક્રોધ એક ભયંકર ઝેરીલો સાપ છે. જેણે આ સાપ પાળ્યોપોષ્યો છે તેને માત્ર ભગવાન જ બચાવી શકે છે. એક પ્રાચીન નીતિશાસ્ત્રનું કથન છે, ‘‘ જેણે ક્રોધનો અગ્નિ પોતાના હૃદયમાં સળગતો રાખ્યો છે તેને ચિતાની શી જરૂર ? ’’ તેનો અર્થ એ છે કે આવી વ્યક્તિ ચિતા વિના જ બળી જશે.જેને ક્રોધની બીમારી નથી તેણે ક્રોધ ઘૂસી ન જાય તે માટે સાવધ રહેવું જોઈએ અને જેઓ ક્રોધની ચુંગાલમાં ફસાયેલા છે તેમણે તેનો પીછો છોડાવવા પ્રયત્ન કરવો જોઈએ.

સામાન્ય રીતે આપણું વ્યર્થ અભિમાન કે અજ્ઞાન એ ક્રોધનું કારણ હોય છે. ‘‘ દરેક જણે મારો હુકમ કે મારી વાત માનવી જોઈએ.’’ એવી ખરાબ ભાવનાને લીધે ક્રોધ ભભૂકેલો રહે છે. એટલા માટે હંમેશાં આપણે વાસ્તવિક સ્થિતિ પર વિચાર કરી મનને શાંત કરવાનો અભ્યાસ કરવો જોઈએ. ‘‘ મારા દુશ્મન એવા ક્રોધને મારી પાસે ફરકવા પણ નહીં દઉં’” એવી પ્રતિજ્ઞા કરો. બની શકે તો આ શબ્દો મોટા અક્ષરે લખી જ્યાં આખો દિવસ તમારી નજર રહેતી હોય તેવી જગ્યાએ લગાવી દો. જ્યારે ક્રોધ આવે ત્યારે પ્રતિજ્ઞા યાદ કરવી જોઈએ અને સજાના રૂપમાં પોતાના ગાલ ૫૨ બેત્રણ જોરદાર તમાચા મારી દેવા જોઈએ અથવા તીક્ષ્ણ ચૂંટી ખણી લેવી જોઈએ અને થોડો સમય શાંત બેસી રહેવું જોઈએ.ક્રોધના સમયે ઠંડા પાણીનો એક પ્યાલો પીવો એ આયુર્વેદિક ચિકિત્સા છે. તેનાથી મગજ અને શરીરની વધેલી ગરમી શાંત થઈ જાય છે. એક વિદ્વાનનો મત એવો છે કે જે સ્થળે ક્રોધ આવે તે સ્થળ તત્કાળ છોડી દઈ કોઈ કામમાં પરોવાઈ જવું જોઈએ. મનની દશા બદલાતાં ઠંડક વળશે. એક યોગના અભ્યાસીનું કહેવું છે, ‘‘ ક્રોધ આવતાં જ ગાયત્રી મંત્રનું રટણ કરવું એ અનુભવસિદ્ધ સાચો પ્રયોગ છે.’ આ ઉપાયોથી આપ ક્રોધને ભગાડી આપના મનને પવિત્ર કરી શકશો.

કામવાસનાના વિકાર । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા

કામવાસનાના વિકાર । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા

નર અને માદામાં લોહચુંબક જેવું સ્વાભાવિક આકર્ષણ હોવાને લીધે બંને સાથે રહેવાનું પસંદ કરે છે. પશુપક્ષીઓ જેમ જેમ મોટા થતાં જાય છે તેમ તેમ યૌનઆકર્ષણ અનુભવે છે અને સાથે સાથે રહેવા લાગે છે. સારસ, કબૂતર, તેતર, બતક, રાજહંસ વગેરે પક્ષી તેમ જ સિંહ, હરણ, ઘેટાં વગેરે પ્રાણીઓ અને સાપ, મગર જેવા જીવો પણ જોડીમાં જ રહે છે. જે નિયમિત જોડી બનાવવાનું જાણતાં નથી તે પણ સમય સમય પર યૌનઆકર્ષણ અનુસાર આકર્ષાય છે અને વિપરીત યોનિ સાથે રહેવાનું પસંદ કરે છે. સંતાન ઉત્પત્તિનું મૂળકાર્ય પ્રાણીઓ ભૂલી ન જાય એટલા માટે કુદરતે તેમાં એક વિશેષ આનંદ પણ ભર્યો છે. આ રીતે વિકસિત જીવજંતુ જોડામાં રહે છે અને તે પ્રમાણે માનવી પણ રહે છે. આ આકર્ષણને ‘પ્રેમ’ ગણવામાં આવે છે. આ પ્રેમના બંધનથી નર અને માદા સાથે રહે છે. યુવાન પુરુષ લગ્નની ઈચ્છા કરે તે તેનો શારીરિક ધર્મ છે. એમાં નુકસાન કંઈ નથી, લાભ જ છે.

જોડીમાં રહેવું ખરાબ તો નથી, પણ પ્રેમની સ્વાભાવિક શક્તિ અને સમાગમક્રિયાના તત્કાળ આનંદ એ બંને સાત્ત્વિક બાબતોને જ્યારે આપણે કામવાસનાના વિકૃત રૂપમાં ફેરવી નાખીએ છીએ ત્યારે તે શરીર માટે ઘણી ખતરનાક વસ્તુ બની જાય છે. જેવી રીતે ભૂખ લાગવી એ સ્વાભાવિક છે અને સારું ભોજન કરવું પણ સ્વાભાવિક છે, પણ આ કુદરતી ક્રિયાઓને વિકૃત બનાવી જો માનવી ચટાકાવાળો બની જાય, દિવસભર સતત જુદાં જુદાં ભોજનનું જ ચિંતન કરે, થોડી થોડી વારે ભેળપુરી, પકોડી, મીઠાઈ, ખટાશ વગેરે ખાધા કરે, તો આ ટેવો તેનો સર્વનાશ કરે છે. પેટ ખરાબ થવાથી તે બીમાર પડે છે અને રોગોથી પીડાઈ બહુ જલદી મરી જાય છે. આ રીતે યૌનઆકર્ષણની સ્વાભાવિક ક્રિયાને જ્યારે કામાગ્નિના રૂપમાં ફેરવી દેવામાં આવે, તો તે શરીરને બાળી નાખી તેની ભસ્મ બનાવી દેશે. દિવસભર પંખા ચલાવનારી, આખી રાત્રી પ્રકાશ આપનારી અને આપણને સર્વ પ્રકારે સુખ આપનારી વીજળી પણ જ્યારે અયોગ્ય રીતે અચાનક આપણને સ્પર્શે છે ત્યારે એક ઝટકામાં મારી નાખે છે.

કામશક્તિ જીવનશક્તિનું ચિહ્ન છે, પણ તેનો ચોક્કસ સમયે જ ઉપયોગ કરવો જોઈએ કુદરતનો નિયમ છે કે જ્યારે માદાને ગર્ભધારણ કરવાની તીવ્ર ઈચ્છા હોય છે ત્યારે તે નર પાસે જાય છે. આ સ્થિતિ કામતૃપ્તિની મર્યાદાની છે, પણ આજકાલ તો જીભના ચટકા અને ઈન્દ્રિયોની લોલુપતા સંતોષવી જ જીવનનો ઉદ્દેશ્ય બની ગયો છે. અમર્યાદ કામોત્તેજન એક પ્રકારનો પ્રત્યક્ષ અગ્નિ છે.કામુકતાના ભાવ ઊઠતાં જ શરીરમાં ગરમી વધી જાય છે,શ્વાસ ગરમ થવા માંડે છે, ચામડીનું તાપમાન વધી જાય છે, લોહીભ્રમણ તીવ્ર બને છે. ગરમીના આ દાહથી કેટલીય ધાતુઓ ઓગળે છે અને સળગે છે. શરીરનાં કેટલાંક સત્ત્વો ઓગળી જઈ પેશાબ વાટે બહાર ફેંકાઈ જાય છે. સામાન્ય રીતે કામુક વ્યક્તિઓનો પેશાબ પીળો હોય છે કારણ કે તેમાં પિત્ત, ક્ષાર, શર્કરા વગેરે ઉપયોગી દ્રવ્યો ભળેલાં હોય છે. ક્યારેક તેમનો પેશાબ વધારે ચિકાશવાળો, ગાઢો તથા સફેદ હોય છે, જેમાં ચરબી, આલ્યુમીન, હાડકાંનું સારતત્ત્વ વગેરે ભળેલાં હોય છે. જયારે વધારે ગરમ પેશાબ આવે છે ત્યારે તેમાં ફોસ્ફરસ અને લોહતત્ત્વ જેવાં અમૂલ્ય તત્ત્વ ભળેલાં હોય છે. આ રીતે કામાગ્નિથી શરીરના રસ ઓગળી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. શરીર માયકાંગલું બની જાય છે. ચામડી, સ્નાયુ, જ્ઞાનતંતુઓ, માંસપેશીઓ અને હાડકાં આ અગ્નિમાં બળ્યા કરે છે અને માનવી સામાન્ય રોગોનો પ્રતિકાર કરવાની શક્તિ પણ ગુમાવી દે છે.

ગરમીને કારણે ચામડી ખરબચડી, પીળી,નિસ્તેજ અને સૂકી બની જાય છે, માણસ સાવ મુડદાલ બની જાય છે. અતિ મૈથુનથી લકવા, એઈડ્સ, સીફીલીસ જેવા યૌન સંબંધી રોગ થાય છે. કામાગ્નિ મગજ માટે સૌથી વધારે ધાતક છે. યાદશક્તિ અને નિર્ણયશક્તિ મંદ પડવા માંડે છે. આવા ખંડેર જેવા મગજમાં ખરાબ-નીચ વિચારોરૂપી ચામાચીડિયાં ભેગાં થવા માંડે છે. નીચ વિચારો માનવીને ઉદ્વેગમાં નાખી દે છે અને ક્યારેક તો તે ઘેરથી નાસી જઈ ભિખારી બની જાય છે, પાગલ બની જાય છે અથવા તો દારૂડિયો બની જાય છે કે આપધાત પણ કરી બેસે છે. કામુકતાનું ચોક્કસ પરિણામ અશક્તિ છે. નબળાઈ પોતાની સાથે ઘણા રોગ લઈને આવે છે. માથું દુ:ખવું, પડખામાં, પાંસળીમાં દુ:ખવું, પગ જકડાઈ જવા, આંખોની રોશની ચાલી જવી, ભૂખ ન લાગવી, ઉદાસીનતા છવાઈ જવી, નિરાશા આવવી, મોં કડવું થઈ જવું, કબજિયાત થઈ જવી, કફ થવો, દાંત દુઃખવા, અનિદ્રા થવી આ બધા રોગો નબળાઈનાં જ બાળબચ્ચાં છે. કોઈ દવા આને મટાડી શકતી નથી. વિકૃત કામવાસના શારીરિક નબળાઈ સાથે ખરાબ રોગો પેદા કરે છે અને શારીરિક પવિત્રતાનો સંપૂર્ણ નાશ કરે છે.

પવિત્રતા અને મનોવિકારોનો સંબંધ । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા

પવિત્રતા અને મનોવિકારોનો સંબંધ । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા

આમ તો પવિત્રતા અને સ્વચ્છતાને મુખ્યત્વે શારીરિક કાર્ય માનવામાં આવે છે, પણ મનોવિકારો સાથે પણ તેમનો ગાઢ સંબંધ છે. આમ જોવા જઈએ તો બધાં સાંસારિક કાર્ય આપણી બાહ્ય ઈન્દ્રિયો અને હાથપગ દ્વારા જ થાય છે, પણ તેમનું સંચાલન મગજ દ્વારા થાય છે. આપણું મગજ જ સારીનરસી ઈચ્છાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ રાખે છે, જેનો પ્રભાવ આપણા શરીર પર સંપૂર્ણ રીતે પડે છે.

કેટલાક લોકો એમ માને છે કે કામ, ક્રોધ, લોભ વગેરે મનોવિકારોનો સંબંધ માત્ર આધ્યાત્મિક જીવન સાથે છે. ભૌતિક વાતો સાથે તેમનો સંબંધ નથી, પણ આ સાચું નથી. પરમાત્માએ માનવીની રચના એવી કરી છે કે ભૌતિક અને આધ્યાત્મિક બંને પાસાં એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ભૌતિક પાસું બગડે તો તેનો પ્રભાવ આધ્યાત્મિક જીવન પર પડે છે. આપણાં કામ, ક્રોધ વગેરે એક પ્રકારનું ઝેર છે, જે મનમાં પ્રવેશીને ત્યાં અડ્ડો જમાવી લે છે અને આપણી અંદરનાં શારીરિક અંગોને ગંદાં બનાવી દે છે. આ ઝેર તેના કાળા ધુમાડાથી શરીરની ધાતુઓને ઝેરી બનાવી દઈ તેમને રોગોનાં કેન્દ્ર બનાવી લે છે. જો આ વિકારો દૂર કરી જીવનને પ્રસન્નતા, પ્રેમ, સૌંદર્ય અને પવિત્રતાના ભાવોથી ભરી લેવામાં આવે, તો માનવી ઘણા ઓછા સમયમાં સંપૂર્ણ સ્વસ્થ બની શકે છે. એ કહેવાની જરૂર જ નથી કે સ્વાસ્થ્ય જ સૌંદર્ય છે, એક જ સિક્કાની બે બાજુ છે.

ધાર્મિક ઉપવાસ અને આત્માની પવિત્રતા । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા

ધાર્મિક ઉપવાસ અને આત્માની પવિત્રતા । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા

ઉપવાસ દ્વારા માનવીની નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે, તેની બુદ્ધિ અને વિવેક જાગૃત થાય છે. એ જોઈ આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ ઉપવાસને ધર્મમાં ખાસ સ્થાન આપ્યું છે. તેનાથી માનવીના માનસિક અને વાસનાજન્ય વિકારો શાંત થઈ જાય છે અને વિવેક તીવ્ર બની જાય છે.

હિન્દુ ધર્મમાં પંદર દિવસે વ્રતનું વિધાન રાખવામા આવ્યું છે. અગિયારસ ઉપરાંત રવિવાર, જુદી જુદી તિથિઓ અને પર્વો પર વ્રત રખાય છે. હિંદુ ધર્મમાં આંતરિક શુદ્ધિ માટે વ્રતને અગત્યનું માનવામાં આવે છે. એટલા માટે તેમાં સંસારના બધા ધર્મો કરતાં વધારે વ્રત રાખવામાં આવ્યાં છે. આપણાં શાસ્ત્રોમાં નિર્જળા અને ચાંદ્રાયણ વગેરે અનેક પ્રકારના બીજા ઉપવાસ પણ છે, કોઈના મૃત્યુ પર ઉપવાસ કરવો એ શોક પ્રદર્શનનું ચિહ્ન છે. સુખમાં કે દુઃખમાં ઉપવાસને મહત્ત્વ આપવામાં આવ્યું છે. જૈન ધર્મમાં લાંબા ગાળાના ઉપવાસ પર શ્રદ્ધા છે. જૈન ધર્મ – ગ્રંથોમાં માત્ર જુદા જુદા ટૂંકા ઉપવાસ જ નહીં, પણ લાંબા ગાળાના ઉપવાસોનાં વિધાન પણ છે.જૈનોના ઉપવાસ અઠવાડિયાં કે મહિનાઓ સુધી ચાલે છે. મિસરમાં પ્રાચીનકાળમાં કેટલાંય ધાર્મિક પર્વો પર ઉપવાસ કરવામાં આવતા હતા, પણ તે સામાન્ય લોકો માટે અનિવાર્ય ન હતા.

યહુદીઓ તેમના સાતમા માસના દસમા દિવસે ઉપવાસ કરે છે. તેમના ધર્મમાં તે દિવસે જે લોકો ઉપવાસ કરતા નથી તેઓ સજાને પાત્ર બને છે. તેમણે તે દિવસે સવારથી સાંજ સુધી નિરાહાર રહેવું પડે છે. ખ્રિસ્તી ધર્મમાં ઈસુખ્રિસ્તની પાંચમી સદી પહેલાં મહાત્મા સોક્રેટિસે તે દિવસોમાં યુનાનમાં પ્રચલિત કેટલાય ઉપવાસોનો ઉલ્લેખ કર્યો છે. રોમન જાતિના લોકો ઈસ્ટરનાં ત્રણ અઠવાડિયાં અગાઉ શનિવાર, રવિવાર ઉપરાંત અન્ય દિવસોએ ઉપવાસ કરતા હતા. મહાત્મા ઈસુ ખ્રિસ્તે પોતે એકવાર ૪૦ દિવસ અને ૪૦ રાત્રિ ઉપવાસ કર્યા હતા. યુરોપીય દેશોમાં જ્યારે પાપોનો પ્રભાવ વધ્યો ત્યારે ઉપવાસોને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. મુસલમાનો ૨મજાન માસમાં પોતાના ધર્મગ્રંથો અનુસાર ત્રીસ દિવસ રોજા રાખે છે. સવારમાં બ્રાહ્મમુહૂર્તમાં ભોજન કર્યા પછી સૂર્યાસ્ત બાદ જ રોજા તૂટે છે. કેટલાય બિરાદરો આ ગાળા દરમિયાન પાણી પણ પીતા નથી અને પોતાનું થૂંક પણ ગળતા નથી. ટૂંકમાં બધા મુખ્ય ધર્મોમાં ઉપવાસને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. બધાએ એકી અવાજે તેની ઉપયોગિતા સ્વીકારી છે. ઉપવાસથી શરીર, મન અને આત્મા પર પડતા લાભદાયક પ્રભાવને જોઈને બધાય ધર્મોમાં તેને સ્થાન આપ્યું છે.

આપણા પ્રાચીન ઋષિઓએ ઉપવાસને પોતાની તપશ્ચર્યાનું મુખ્ય અંગ બનાવ્યું હતું. મોટા મોટા ધર્માચાર્યો જાતે ઘણા લાંબા ઉપવાસ કરી પોતાના શિષ્યોને અને ભક્તજનોને તેના લાભ બતાવતા હતા. પોતે ઉપવાસનો આદર્શ બનતા હતા, પણ હાલના સમયમાં જે લોકો ધાર્મિક દૃષ્ટિએ ઉપવાસ કરે છે તેમને અંધશ્રદ્ધાળુ ગણવામાં આવે છે અને તેમની ઠેકડી ઉડાવવામાં આવે છે. લોકો કુદરતી નિયમોથી સાવ અજ્ઞાન બની ગયા છે તે જ આનું કારણ છે. જે લોકો અન્નને જ પ્રાણ સમજે છે તેમની આંખો ખોલવા ઉપવાસના સિદ્ધાંતોનો ફરીથી પ્રચાર થઈ રહ્યો છે.

સંક્ષિપ્તમાં કહીએ તો ઉપવાસના બે મુખ્ય ઉદ્દેશ્ય છે : (૧) શારીરિક સ્વચ્છતા, આંતરિક વિકારો, વિજાતીય દ્રવ્યો, સંચિત વિષાક્ત પદાર્થોના નિરાકરણ માટે અને (૨) આધ્યાત્મિક ઉપયોગ, નૈતિક બુદ્ધિની જાગૃતિ, આત્મિક અને માનસિક શુદ્ધિ. ઉપવાસ શરીરને શુદ્ધ કરે છે, એટલું જ નહીં, પણ આત્માને પણ પોષણ આપે છે.

ઉપવાસથી માનસિક પવિત્રતા । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા

ઉપવાસથી માનસિક પવિત્રતા । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા

સ્વાસ્થ્ય, આરોગ્ય, લાંબું જીવન ઉપરાંત આધ્યાત્મિક દૃષ્ટિએ ઉપવાસનું મહત્ત્વ ઘણું વધારે છે. શરીર શુદ્ધ થતાં તેનો મન પર પ્રભાવ પડે છે. શરીર અને મન બંનેનો અરસપરસ ગાઢ સંબંધ છે. જ્યારે પેટ ભરેલું હોય છે ત્યારે દૃષ્ટિ પણ મલિન થઈ જાય છે, મનમાં ખરાબ વિચારો આવે છે. વાસના ભડકી ઊઠે છે, માનસિક વિકારો પણ વધી જાય છે. રાજસી ભોજન(મિષ્ટાન્ન, અથાણાં,ચટણી વગેરેથી ભરપૂર)થી શૃંગારરસ ઉત્પન્ન થાય છે અને કામ, ક્રોધ, રોગ જેવા દુશ્મનો પ્રબળ થઈ જાય છે. વધુ આહાર, ખાસ કરીને રાજસી, કામોત્તેજક આહાર બધાં પાપનું મૂળ છે. આથી વિવેક, શાંતિ, ધર્મબુદ્ધિ વગેરેનો નાશ થઈ જાય છે અને પાપકર્મોમાં પ્રવૃત્ત થવાય છે. આ તત્ત્વને ધ્યાનમાં રાખીને આપણા પ્રાચીન વડવાઓએ ઉપવાસને માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે ઘણું મહત્ત્વ આપ્યું છે. આ પ્રકારના ઉપવાસોમાં ઈસુ ખ્રિસ્ત, મહંમદ પયગંબર, મહાવીર વગેરેના લાંબા ગાળાના ઉપવાસ સૌ જાણે છે. મહાત્મા ગાંધીજીના ઉપવાસ પણ આ કક્ષામાં આવી જાય છે. મહાત્માજીએ જે કંઈ લાંબા ઉપવાસ કર્યા તે નૈતિક હેતુસર જ કર્યા હતા.

જ્યારે આપણને ભોજન તથા ખાનપાનમાંથી મુક્તિ મળે છે અને એ ઝંઝટ દૂર થઈ જાય છે ત્યારે મનને સારી રીતે ઉચ્ચ વિષયો પર એકાગ્ર કરી શકાય છે. આપણી આંતરિક વૃત્તિઓ પવિત્ર અને નિર્દોષ બને છે. બ્રહ્મમાં મન લગાવવા માટે ઉપવાસ સર્વોતમ ઉપાય છે. જે વ્યક્તિઓએ બ્રહ્માનંદનું વર્ણન કર્યું છે તેઓ અનિવાર્યપણે ઉપવાસ કરતા હોવા જોઈએ એમ લાગે છે. ઉપવાસકાળ દરમિયાન લાધેલું જ્ઞાન કાયમી અને સ્પષ્ટ હોય છે. સામાન્ય રીતે ભોજનના બોજથી જ્ઞાન દબાઈ જાય છે, પણ ઉપવાસમાં તે સ્પષ્ટ, નિર્વિકાર અને સ્થાયી રહે છે.

ગીતામાં કહ્યું છે : વિષયા વિનિવર્તન્તે, નિરાહારસ્ય દેહિનઃ । ૨સ વર્જ રસોડપ્યસ્ય, પરંદેષ્ટવા નિવર્તતે ॥

ઉપવાસથી ઘણી નીચ વૃત્તિઓ નાશ પામે છે, અંતર્દિષ્ટ પિવત્ર બને છે, ઈન્દ્રિયો વશમાં રહે છે, ધર્મબુદ્ધિ પ્રબળ બને છે, કામ, ક્રોધ, લોભ વગેરે ષડરિપુઓ નરમ બની જાય છે, પ્રાણશક્તિનો સબળ પ્રવાહ આપણા હૃદયમાં વહેવા લાગે છે અને શાંત રસ ઉત્પન્ન થાય છે. મગજનું આમતેમ ભટકવું દૂર થાય છે. ઈશ્વરભક્તિ, સાધના તેમ જ યોગના ચમત્કારો માટે ઉપવાસ અમોઘ ઔષધ છે.

મહાત્મા ગાંધીજીએ ઉપવાસના આધ્યાત્મિક પાસાને ઘણું મહત્ત્વ આપ્યું છે. તેઓ કહે છે, ‘‘ હું તો સદાય ઉપવાસનો પક્ષપાતી રહ્યો છું કારણકે બ્રહ્મપરાયણ લોકો માટે તે હંમેશાં મદદકર્તા છે. ઈશ્વર અને ઉપવાસનું જોડાણ છે. ઠાંસીને ખાનાર અને ઈશ્વરને અરસપરસ વેર છે.’ સત્યાગ્રહી માટે ઉપવાસ આખરી શસ્ત્ર છે. મહાત્મા ગાંધીજી તેને આગ્નેય શસ્ત્ર કહે છે. તેમનો દાવો હતો કે તેમણે ઉપવાસને વૈજ્ઞાનિક રૂપ આપ્યું છે. ઉપવાસથી મનુષ્યની દૈવીસંપદા વધે છે,મનમાં દૈવીશક્તિ આવે છે, એટલે આ આધ્યાત્મિક સાધનના પ્રયોગથી (ઉપવાસથી) મોટા મોટા ચમત્કારો થાય છે.

ઉપવાસનો પ્રયોગ આત્મવિકાસ માટે પણ થાય છે. જો આપણાથી જાણી જોઈને કોઈ ભૂલ થાય અને બાદમાં પસ્તાવો થાય તો આપણે આપણી જાતને સજા કરવી જોઈએ. આપણા પ્રત્યેક દોષદુર્ગુણની સજા માટે ઉપવાસનો પ્રયોગ કરી શકાય. આપણા દોષો શોધી કાઢી તે દૂર કરી આત્મોદ્ધાર કરવાનો અચૂક ઉપાય ઉપવાસ જ છે. મહાપુરુષોનું વચન છે, “ જેવી રીતે લોકો બીજાના દોષ શોધી કાઢવામાં હોશિયાર છે તેવી જ રીતે પોતાના દોષો શોધે તો પ્રત્યેક મનુષ્ય દોષમુક્ત થઈ શકે.” આથી પ્રત્યેક દોષ માટે ઉપવાસ કરો.

‘‘ જ્યારે તમારી સમક્ષ કોઈ ગૂંચવણ આવીને ઊભી રહે છે ત્યારે તમે ઉપવાસ પર શા માટે ઊતરી જાઓ છો ? ” આવો પ્રશ્ન કોઈકે મહાત્મા ગાંધીજીને પૂછયો. ગાંધીજીએ ઉપવાસના આધ્યાત્મિક પાસા પર પ્રકાશ ફેંકતાં કહ્યું : ‘‘ આ પ્રકારનો પ્રશ્ન અગાઉ પણ મને ઘણીવાર પુછાયો છે. બનવાજોગ છે કે શબ્દો કદાચ જુદા હોય. આનો જવાબ સીધો અને સ્પષ્ટ છે કે અહિંસાના પૂજારી પાસે ઉપવાસ જ અંતિમ હથિયાર છે. જ્યારે માનવબુદ્ધિ પોતાનું કામ ન કરી શકે, નિરુપાય બની જાય ત્યારે અહિંસાનો પથિક ઉપવાસ પર ઊતરી જાય છે. ઉપવાસ દ્વારા શુદ્ધ થયેલા શરીરથી મનુષ્યની મનોવૃત્તિ પ્રાર્થના તરફ વધારે સૂક્ષ્મતા અને સત્યતા પૂર્વક વળે છે. એટલે ઉપવાસ એક આધ્યાત્મિક વસ્તુ છે અને તેની મૂળ પ્રવૃત્તિ ઈશ્વર તરફની હોય છે. માનવીને જ્યારે ખબર પડે કે પોતે સાચો છે તો તેણે તે કામ કરતાં ડરવું ન જોઈએ. આ રીતે આધ્યાત્મિક ઉપવાસ અંતરાત્માના અવાજના જવાબરૂપે કરવામાં આવે છે, એટલે તેમાં ઉતાવળની બીક ઓછી થઈ જાય છે.”

આંતરિક વિકારોનાં ખરાબ પરિણામ । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા

આંતરિક વિકારોનાં ખરાબ પરિણામ । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા

જે કારણે શરીરમાં વિકાર અને ભાતભાતના રોગ થાય છે તે શરીરની એકઠી થયેલી ગંદકી જ છે. આપણે આચરકૂચર ખાઈએ છીએ, અભક્ષ્ય પદાર્થો ખાઈએ છીએ, ઘર, કારખાનાં કે ઓફિસમાં પડ્યા રહીએ છીએ. એટલા માટે શરીર અને આંતરડામાં દૂષિત પદાર્થો એકઠા થાય છે. આ પદાર્થોના ઢગલા કેટલાક દિવસો સુધી પડ્યા રહે છે અને લોહીને દૂષિત બનાવે છે, પાચનતંત્રને મંદ બનાવી દે છે અને એકંદરે શરીર અંદરથી અને બહારથી રોગી તથા દુર્બળ બની જાય છે. આવી સ્થિતિમાં પેટને થોડો સમય વિશ્રામ આપવો ખૂબ જરૂરી છે.

ભોજન બંધ કરી દેવાથી લોહી બગડતું અટકે છે અને રોગ થવાની શક્યતાઓ દૂર થાય છે. આપણા શરીરના જ્ઞાનતંતુઓ પર વધારાનો બોજ પડતો નથી. એટલે તેમનું બળ વધી જાય છે અને ઓજસ વધે છે. ન પચેલો અથવા થોડો પચેલો જે કંઈ ખોરાક પેટમાં પડ્યો રહ્યો હોય તે ધીરેધીરે પચી જાય છે અને પેટ વધતું અટકે છે. ડૉ. લિંડહર લખે છે, ઉપવાસમાં શરીરે પેટમાં એકઠું થયેલું વાપરવું પડે છે, પણ તે પહેલાં શરીરની ઘણી ગંદકી અને ઝેરી પદાર્થો બહાર ફેંકાઈ જાય છે. જ્યારે આપણે જાણી લઈએ છીએ કે આપણું સમગ્ર પાચનતંત્ર ૨૬ ફૂટ લાંબું હોય છે, જેની શરૂઆત મોંથી અને અંત ગુદાદ્વારથી આવે છે, જે કેટલાય કોષો અને ગ્રંથિઓથી બનેલું છે, જેનું કામ ગંદકી બહાર ફેંકવાનું છે ત્યારે લાંબા ઉપવાસનો પ્રભાવ આપણે સારી રીતે સમજી શકીએ છીએ.”

હકીકતમાં ઉપવાસ આપણા વર્ષોથી એકઠા થયેલા મેલને-ઝેરને બહાર ફેંકી દઈ નવજીવન આપે છે, નવો પ્રાણ ફૂંકે છે. શરીરની ગંદકી અને ઝેર ઉપવાસ દરમિયાન પીધેલા પાણી દ્વારા સરળતાથી બહાર નીકળતાં રહે છે. અનેક રોગીઓને આ કારણથી ઉપવાસ કરવાનું કહેવામાં આવે છે, જેનાથી આંતરડાંને અંદર સંઘરાયેલો કચરો બહાર ફેંકી દઈ સફાઈ કરવાની તક મળે. જેઓ પૂરી સફાઈ ચાહે છે તેઓ કુદરતી ઉપચારના દાક્તરની દેખરેખમાં લાંબા ઉપવાસ કરે છે. સંચિત મળ ધીમે ધીમે નીકળે છે અને સફાઈ પછી કબજિયાત સંપૂર્ણ દૂર થાય છે.

શરીરનાં અંદરનાં અંગોની સફાઈ । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા

શરીરનાં અંદરનાં અંગોની સફાઈ । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા

જે રીતે આપણે સાબુ લગાડી સ્નાન કરી રૂમાલથી ધસી શરીર બહારથી સાફ કરીએ છીએ તેવી જ રીતે શરીરની અંદરનાં અંગોની સફાઈ પણ ખૂબ જરૂરી છે. સાચું પૂછીએ તો ગંદકી આપણા શરીરની અંદર એકઠી થાય છે અને તેનો એક અંશ પરસેવા તથા પેશાબ મારફતે બહાર આવે છે. અંદરની સફાઈ કઈ રીતે કરવી તે બધા જાણતા હોતા નથી. આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે પ્રાચીન ઋષિમુનિઓએ નેતી, ધોતી, બસ્તિ વગેરે હઠયોગનાં ષટ્કર્મો શોધ્યાં હતાં, જેમના દ્વારા શરીરની અંદરના એકેએક અંગને બાહ્ય અંગોની જેમ સાફ કરી શકતા હતા, પણ આ ક્રિયાઓ માત્ર યોગીઓ જ કરે છે, સામાન્ય માણસ માટે સરળ નથી. તેથી બનવા જોગ છે કે મોટા ભાગના લોકો આ કર્મોથી લાભ ઉઠાવવાને બદલે તકલીફમાં મુકાય.

સામાન્ય માનવીઓના શરીરની અંદરનાં અંગોની સફાઈ માટે બીજો રસ્તો શોધી કાઢવામાં આવ્યો છે, તે છે ઉપવાસ. હકીકતમાં ભગવાને આપણા શરીરની રચના એવી કરી છે કે જો તેની યોગ્ય જાળવણી કરીએ અને પ્રકૃતિને અનુરૂપ આચરણ કરીએ, તો તે જાતે અંદરનાં અંગોની સફાઈ કરે છે. હાલના સમયમાં માનવીએ કુદરતના નિયમોનો છડેચોક ભંગ કર્યો છે અને કૃત્રિમ રહેણીકરણી અપનાવી છે, તેનો આહારવિહાર બિલકુલ અજુગતો બની ગયો છે. એટલા માટે શરીરમાં ગરબડ થયા કરે છે. આપણી જીવનશક્તિ આ ગરબડને નુકસાનકારક માની બહાર કાઢવા પ્રયત્ન કરે છે, પણ આપણે દરરોજ ચાર ચાર વખત ખાઈને શરીર પર જુલમ જ ગુજારતા રહીએ છીએ.

એટલે મજબૂરીથી તે જીવનશક્તિ નિષ્ક્રિય બની જાય છે. ઉપવાસ કરવાથી પેટ ખાલી થઈ જાય છે અને ભોજન પચાવવા શક્તિની જરૂર રહેતી નથી. એટલે તે શક્તિ શારીરિક વિકારોને બહાર ફેંકી દઈ અંદરના અવયવોની સફાઈનું કામ કરવા માંડે છે. એટલા માટે શરીરશાસ્ત્રીઓએ કહ્યું છે કે જો આપ સ્વાસ્થ્ય, યુવાની, જીવનનો આનંદ, સ્વતંત્રતા કે શક્તિ ચાહતા હો તો ઉપવાસ કરો. આપને સૌંદર્ય, વિશ્વાસ,હિંમત,ગૌરવ વગેરેનો મૂલ્યવાન ખજાનો જોઈતો હોય તો પણ ઉપવાસ કરવા જોઈએ. ઉપવાસથી માનવની નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. નૈસર્ગિક બુદ્ધિ જાગે છે અને પ્રેમની વિશાળતાનો અનુભવ કરી શકાય છે.

%d bloggers like this: