વિવેક જ સાચી શકિત છે

માનવીય જીવનને સફળ બનાવવા અને જીવનનિર્વાહ કરવા માટે કેટલાયે પ્રકારની શક્તિઓની જરૂર પડે છે. શારીરિક બળ, બુદ્ધિબળ, ધનબળ, સંઘબળ વગેરે અનેક સાધનોના સહયોગથી માનવજીવનની સમસ્યાઓનું સમાધાન થાય છે. આ બળો દ્વારા શાસન, ઉત્પાદન અને નિર્માણકાર્ય થાય છે અને તમામ પ્રકારની સંપત્તિ અને સગવડો મળે છે. વિવેક દ્વારા આ બધાં બળનું યોગ્ય સંચાલન થાય છે કે જેથી તે આપણા માટે હિતકારી સાબિત થાય.

મગજનું બળ અને વિચારબળમાં થોડો ફરક છે તે પણ જાણી લેવું જોઈએ. મગજબળનો સંબંધ શરીરબળ સાથે છે. વિદ્યાભ્યાસ, વેપારી બુદ્ધિ, કુશળતા, નિર્ધારિત પ્રણાલી મુજબ કોઈ કામ સંભાળવું એ બધું મગજબળનું કામ છે. વકીલ, ડૉકટર, વેપારી, કારીગર, કલાકાર વગેરેનાં કામ આ આધારે ચાલે છે. આ બળ શરીરની જરૂરિયાતો અને ઈચ્છાઓ પૂરી કરવા ઉત્પન્ન થાય છે અને વધે છે, પણ વિવેકબળ આત્મા સાથે સંબંધ ધરાવે છે. આધ્યાત્મિક જરૂરિયાત, ઈચ્છા અને પ્રેરણા અનુસાર વિવેક જાગૃત થાય છે. સારા નરસાનો ભેદભાવ આ વિવેક જ કરે છે.

મગજબળ શરીરથી ઉત્પન્ન થતું હોઈ તેની નીતિ શરીરનું હિત સાધવાની હોય છે. ઈન્દ્રિયસુખોને મુખ્ય માની તે શરીરને સમૃદ્ધ અને ઐશ્વર્યવાન બનાવવાનો પ્રયત્ન કરે છે. પોતાના આ દષ્ટિકોણના કારણે તે યોગ્ય અયોગ્યનો ભેદ પાડી શકતું નથી. ગમે તે રીતે ભોગ, ઐશ્વર્ય એકઠાં કરવાની ધૂનમાં લોકો યોગ્ય અયોગ્યનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે અને અનીતિ આચરીને પણ પોતાનો સ્વાર્થ સાધી લે છે.

વિવેક આનાથી સાવ જુદો છે. ઉપરછલ્લી રીતે જોતાં તો વિવેક પણ મગજબળની શ્રેણીનોજ જણાય છે, પરંતુ હકીકતમાં તે જુદો છે. વિવેક એ આત્માનો પોકાર છે, આધ્યાત્મિક સ્વાર્થનો પોષક છે. અંતઃકરણમાં સત્ય, પ્રેમ, ન્યાય, ત્યાગ, ઉદારતા, સેવા તેમ જ પરમાર્થના ભાવ જાગે છે તેનું પોષણ કરે છે. સત્ તત્ત્વોમાં ભમવામાં તેને આનંદ આવે છે. જેવી રીતે શરીરની ભૂખ સંતોષવી એ મગજબળનો હેતુ છે તેવી રીતે આત્માની ભૂખ સંતોષવી એ વિવેકનો હેતુ છે. કામ અને અહંકાર પૂરા કરવામાં બળવાન તથા સમૃદ્ધિવાન લોકો સુખ અનુભવે છે, પરંતુ તેનાથી કેટલાયગણો વધારે આનંદ-પરમાનંદ વિવેકીને મળે છે.

બળ દ્વારા સંપત્તિ અને ભોગસામગ્રી મેળવી શકાય છે, પણ આ કમાણીની રીત એટલી સંકુચિત અને સ્વાર્થી હોય છે કે તેની ધૂનમાં માનવી ધર્મ અધર્મની પરવા કરતો નથી. એટલા માટે માત્ર બળથી ઉત્પન્ન થયેલી સંપત્તિ લહ અને કલેશ ઉત્પન્ન કરનાર, દુઃખદાયક અને અંતે ઝેર જેવી સાબિત થાય છે. આવી સંપત્તિ મેળવવાની ક્રિયા સંસારમાં અશાંતિ, યુદ્ધ, શોષણ તથા અત્યાચારોના નર્ક સમાન અગ્નિને ભડકાવવામાં ધીનું કામ કરે છે. આવી સ્થિતિથી બચવા વિવેકબળ દ્વારા શરીરબળ અને મગજબળ પર કાયમી અંકુશ મૂકવો પડે છે.

બળ પર વિવેકનો કાયમી અંકુશ રાખવો ખૂબ જરૂરી છે. તેના વિના સંસારમાં સુખશાંતિ કાયમ ટકી શકે નહીં. બળ આંધળું છે અને વિવેક લંગડો છે. એકલા બળથી ચાલવા જઈએ તો અનર્થ, અત્યાચાર અને પાપ જ પેદા થશે. બળના અભિમાનમાં માનવી આંધળો થઈ જાય છે. વિવેક આંખની ગરજ સારે છે, સાચા રસ્તાનું ભાન કરાવે છે, પરંતુ એકલો વિવેક કોઈ કામ કરી શકતો નથી, કેટલાય એકાંતવાસી વિવેકશીલ વિદ્વાનો એક ખૂણામાં પડ્યા પડ્યા પોતાનું બિનઉપયોગીપણું સાબિત કરી રહ્યા છે. જયારે વિવેક અને બળ બંનેનો સમન્વય થાય છે ત્યારે સળગતી આગમાંથી પોતાની જાતને આંધળો અને લંગડો બંને ભેગા મળીને જે રીતે હેમખેમ બચી ગયા હતા તેવી વ્યવસ્થા સધાય છે, જો આંધળા અને લંગડાએ એકબીજાને મદદ ન કરી  હોત  સમજયા ન હોય તો બંને સળગી મર્યા હોત !

ધર્મશાસ્ત્રોએ બળ પર વિવેકના શાસનને જરૂરી ગણાવ્યું છે. ભૌતિક જગતમાં પણ આ પ્રથા જ કાયમ છે. ક્લાકૌશલ બળ, ધનબળ અને શરીરબળ એ ત્રણેયના પ્રતિનિધિ સ્વરૂપ શુદ્ર, વૈશ્ય અને ક્ષત્રિય પર વિવેક્ના પ્રતિનિધિ એવા બ્રાહ્મણનું શાસન માનવામાં આવ્યું છે. આપણે પ્રાચીન ઈતિહાસ તપાસીએ તો જોવા મળશે કે પ્રત્યેક રાજાની શાસનપ્રણાલી રાજગુરુના આદેશાનુસાર ચાલતી હતી. ત્રણે વર્ગોને માર્ગદર્શન આપવાનું કામ બ્રાહ્મણો કરતા હતા.

ઐતરેય બ્રાહ્મણ ૭-૪-૮માં એક શ્રુતિ આવે છે ‘‘ અર્ધાત્મોહક એથ ક્ષત્રિયસ્ય યત્પુરોહિત ” એટલે કે ક્ષત્રિયનો અડધો આત્મા પુરોહિત છે. પુરોહિતના અભાવમાં ક્ષત્રિય માત્ર અડધો આત્મા જ છે. આપણે જોઈએ છીએ કે જનતાનાં આંદોલનો જો નેતા યોગ્ય હોય તો જ લાભદાયક નીવડે છે. યોગ્ય વિવેકી નેતાઓના નેતૃત્વમાં ઓછા આંદોલનકારીઓથી પણ મહત્ત્વપૂર્ણ સફળતા મળે છે. નેપોલિયન પાસે થોડા જ સૈનિકો હતા, પરંતુ તે પોતાના બુદ્ધિકૌશલથી આ થોડીક તાકાત દ્વારા મહાન સફળતાઓ મેળવવામાં સમર્થ બન્યો.

જે વિવેકી વ્યકિત માર્ગદર્શન અને નેતૃત્વ કરી શકવાની ક્ષમતા ધરાવે છે તેવા પુરોહિતોની જવાબદારી બહુ મોટી છે. ઐતરેય બ્રાહ્મણ ૮-૫-૨માં આવા પુરોહિતોને રાષ્ટ્રની રખેવાળી કરનારા ગણવામાં આવ્યા છે. જો દેશ, સમાજ તેમ જ વ્યકિતઓનું બળ અયોગ્ય દિશામાં કાર્યરત રહેતું હોય, તો તેમાં માત્ર પુરોહિતોનો જ વાંક છે. તાંચ બ્રાહ્મણના ૧૩-૩-૧૩માં એક કથા આવે છે કે ઈક્ષ્વાકુ વંશના અરુણ નામના રાજાનું અભિમાન અને ઉદંડતા હદ વટાવી ગયાં. એકવાર બેદરકારીથી રથ ચલાવતાં એક વ્યકિતને અકસ્માત થયો. તે વ્યકિત રાજાના પુરોહિત ‘‘વૃક્ષ’” પાસે ગઈ અને તેમને ભાંડવા લાગી, ‘“તમે રાજાને યોગ્ય શિક્ષણ આપ્યું નથી. તમે તમારા ગૌરવશાળી પુરોહિત પદના કર્તવ્યનું પાલન બરાબર કર્યું નથી. જો કર્યું હોત તો રાજા આવું આચરણ ન કરત.” તે વ્યકિતના શબ્દો સાંભળી ‘‘વૃક્ષ ’’ શરમાઈ ગયા. કંઈ કહેવા કરતાં તેમણે તે વ્યકિતને પોતાના આશ્રમમાં રાખી, જયાં સુધી ધા બરાબર સારો ન થયો ત્યાં સુધી તેની સેવા કરી.

ઉપરોક્ત કથા એ સત્યને પ્રદર્શિત કરે છે કે રાજ્ય માટે પુરોહિતની કેટલી મહાન જવાબદારી છે. બળને યોગ્ય દિશામાં વાળવામાં વિવેકની કેટલી મોટી જ્વાબદારી છે! આજે પુરોહિત તત્ત્વ અને રાજતત્ત્વ બે અલગ અલગ દિશાઓમાં ચાલે છે. એક બીજાને સહયોગ આપવાનું ઓછું કરી દીધું છે. એટલા માટે જ આપણી રાજનૈતિક, સામાજિક, આર્થિક અને શારીરિક સુવ્યવસ્થા નષ્ટભ્રષ્ટ થઈ રહી છે. જ્યાં સુધી પુરોહિત તત્ત્વ પોતાના યોગ્ય સ્થાનને અપનાવશે નહિ, ત્યાં સુધી આપણા બાહ્ય અને આંતરિક જીવનમાં શાંતિ આવશે નહીં. શરીર, સમાજ અને રાષ્ટ્ર પર વિવેકનું યોગ્ય શાસન હોવું જોઈએ.

લોકોને અજ્ઞાનના અંધકારમાંથી છોડાવી જ્ઞાનના માર્ગ પર ધપાવવાનું કામ પુરોહિતોનું છે. જે જ્ઞાની છે, જાગૃત છે, માર્ગદર્શન આપવાની ક્ષમતા ધરાવે છે તેવા પુરોહિતોનું કર્તવ્ય છે કે તેઓ જનતાને જાગૃત કરતા રહે. સામાજિક, રાષ્ટ્રીય અને શારીરિક તથા આર્થિક સંકટોથી સજાગ રાખી મુશ્કેલીઓમાં માર્ગદર્શન આપવાનું મહત્ત્વનું કાર્ય પુરોહિતોનું છે. અંતઃકરણમાં રહેતા પુરોહિતનું એક કર્તવ્ય છે કે તે વિવેક દ્વારા શકિતઓને કાબૂમાં રાખે. કુમાર્ગે જતાં બચાવી તેમને સન્માર્ગે વાળે.

હે પુરોહિત ! જાગ ! રાષ્ટ્ર બાબતે જાગૃત થા. વેદપુરુષ કહે છે, ‘‘ વયં રાત્રે જાગૃયામ પુરોહિતાઃ ” પુરોહિત રાષ્ટ્ર બાબતે જાગતા રહે, સૂવે નહીં. આપણા અંતઃકરણમાં બેઠેલા હે પુરોહિત ! હે વિવેક ! જાગતો રહે ! જેથી અમારું ક્ષત્રિયબળ અયોગ્ય દિશામાં વપરાય નહીં. આપણા દેશ અને જાતિનું નેતૃત્વ કરી શકવાની ક્ષમતા રાખનાર હે સાચા પુરોહિતો ! જાગૃત રહો, જેથી આપણી રાષ્ટ્રીય અને સામાજિક શકિતઓનો દુર્વ્યય ન થાય. હે પુરોહિત ! જાગ, અમારા બળ પર શાસન કર, જેથી અમે ફરીથી અમારા ગુમાવેલા ગૌરવને જોઈ શકીએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment