અવિવેકનાં માઠાં પરિણામ

જ્યારે આપણી સમક્ષ અનેક સમસ્યાઓ તથા અલગ અલગ મતમતાંતરો ઊભાં હોય છે ત્યારે કયો મત આપણા હિતમાં છે, કયો નુકસાનકારક છે, કોણ સાચું છે અને કોણ ખોટું છે એ નિર્ણય કરવો મુશ્કેલ છે. આ અવસ્થામાં વિવેક જ આપણને માર્ગદર્શન આપી શકે છે. જેનામાં વિવેક ઓછો હોય તે આવા અણીના સમયે સાચો રસ્તો અપનાવી શકતો નથી અને ખોટા રસ્તે ફસાઈ પતન અને નિષ્ફળતાની ખીણમાં પડી લજ્જિત અને અપમાનિત થાય છે. જેનામાં વિવેક વધારે છે તે દૂરનું વિચારે છે. પોતાના વિચારોનું મહત્ત્વ સમજે છે અને એટલા માટે સાચો રસ્તો અપનાવે છે. આ શકિત સાધારણ વ્યકિતને નેતા, મહાત્મા તથા યુગપુરુષ બનાવે છે.

પ્રત્યેક વ્યકિતમાં જન્મથી જ વિવેક હોય છે. તેના પર આપણાં સંચિત અને ક્રિયમાણ કર્મોની છાયાનો પ્રભાવ પડેલો હોઈ તે કોઈકમાં વધારે તો કોઈકમાં ઓછો દેખાય છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે આપણે આપણાં સંચિત અને ક્રિયમાણ કર્મોથી એટલા બધા પ્રભાવિત થયેલા હોઈએ છીએ કે આપણને આપણા વિવેકનો અવાજ સંભળાતો નથી. આ વિવેક આપણી વાસ્તવિક માનવતાનું પ્રતીક અને સદ્ગુદ્ધિનો દ્યોતક છે. તેના અભાવમાં માનવી પશુ કરતાં પણ નીચ બની જાય છે અને  તે પોતાને માટે, સમાજને માટે, રાષ્ટ્રને માટે અને છેવટે આ સંસારને માટે ભારરૂપ અને શાપરૂપ બની જાય છે.

માનવ હોવાને લીધે આપણું પ્રાથમિક કર્તવ્ય છે કે આપણે આ વિવેકને જગાડીએ અને તેનો અવાજ સાંભળવાનું શીખીએ, સંસારમાં નાનામાં નાની અને મોટામાં મોટી કોઈ પણ વ્યક્તિ તેની કૃપા માટે સદાય તલસ્યા કરે છે.

આનાથી આપણે એ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે પોતાના વિવેકનું સદા રક્ષણ કરવું માનવી માટે પરમ આવશ્યક છે. કોઈ સ્વાર્થ માટે પણ વિવેકનું ખૂન કરવાથી તેની સજા ભોગવવી પડે છે. વ્યકિતગત વિષય હોય કે સામાજિક અથવા રાજનૈતિક કે ધાર્મિક પ્રશ્ન હોય, પરંતુ આપણે વિવેકયુકત નિર્ણયનો હંમેશાં ખ્યાલ રાખવો જોઈએ. ‘“બાબા વાક્ય પ્રમાણે ”માની લેવાથી માનવીની બુદ્ધિ બગડી જાય છે અને તે ખોટા રસ્તે ચાલવા માંડે છે. એટલે પ્રાચીન કે અર્વાચીન કોઈ પણ વિષય હોય, આપણે યોગ્યતા-અયોગ્યતા, સત્ય કે અસત્યનો પૂરો વિચાર કરીને જ તેનો નિર્ણય કરવો જોઈએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment