વિવેકથી જ ધર્મનો નિર્ણય થઈ શકે છે

ધર્મ શબ્દ ઘણો વિશાળ છે. પરદેશોના વિદ્વાનોની વ્યાખ્યાઓ છોડી દઈએ તો પણ આપણા દેશના જ પ્રાચીન અને અર્વાચીન વિદ્વાનોએ ધર્મની અગણિત વ્યાખ્યાઓ કરી છે. અજ્ઞાનતાને કારણે હાલના સમયમાં આપણા દેશના સામાન્ય લોકોમાં એવો ભ્રમ ઘૂસી ગયો છે કે શાસ્ત્ર નામનાં જેટલાં પુસ્તકો તથા ગ્રંથો છે તેમાં જે કંઈ કહેવા લખવામાં આવ્યું છે, છાપવામાં આવ્યું છે તે જ ધર્મ છે, પણ અગાઉ હું બતાવી ચૂકયો છું કે શાસ્ત્રોની રચના અલગ અલગ કાળમાં પરિસ્થિતિ અનુસાર થતી રહી છે. એટલે સ્વાભાવિક રીતે તેમાં અનેક પ્રકારના વિરોધાભાસ જોવા મળશે. આ સિવાય કેટલાય વિદેશી લોકોએ પાછલાં દોઢ-બે હજાર વર્ષોમાં ખાનગી રીતે પોતાને લાભદાયક વાતો પ્રાચીન શાસ્ત્રોમાં ભેળવી દીધી છે. માનવોની આ પ્રવૃત્તિને સમજીને આપણા પૂર્વજોએ સ્પષ્ટ કહી દીધું હતું કે ધર્મ અધર્મનો નિર્ણય કરવા શાસ્ત્રોનાં પ્રમાણોની સાથે સાથે પોતાની વિવેકબુદ્ધિથી કામ લેવું જરૂરી છે અને જયાં શાસ્ત્રની વાતો વિવેકબુદ્ધિ સાથે સ્પષ્ટ રીતે અસંગત હોય ત્યાં તેમનો અસ્વીકાર કરવો જોઈએ. માનવીનો આત્મા, પરમાત્માનો અંશ છે અને તે બધે બધા જ પદાર્થોમાં સમાયેલો છે. એટલા માટે માનવી જો પોતાના આત્માને નિર્મળ બનાવી તેની શકિત એટલે કે વિવેક દ્વારા વિચારે તો ચોક્કસ તે સત્યધર્મનો નિર્ણય કરી શકશે. ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છેઃ

બ્રહ્મ સર્વમાવૃત્તય તિષ્ઠતિ બ્રહ્મેવ સર્વાણિ નામાનિ સર્વાણિ રૂપાણિ સર્વાણિ કર્માણિ બિભર્ત્તિ । સોઽયમાત્મા સર્વાનુભૂઃ ॥

એટલે કે બધા પદાર્થોને ઘેરી લઈને, લપેટીને બ્રહ્મ બેઠો છે. બધાં નામ, બધાં કામ, બધાં રૂપ તે એક બ્રહ્મનાં જ “હું” છે. તે આત્મા ‘“હું”” બધા અનુભવોનો અનુભવ કરનારો છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે

સ સર્વધીવૃત્તયનુભૂત સર્વ । શ્રદ્ધસ્વાનનુભૂતોડર્થો ન મનઃ સપૃષ્ટુમર્હુતિ ।  (ભાગવત)

યસ્મિન્ દેશે કાલે નિમિત્તે ચ યો ધર્મોડનુષ્ઠીયતે । સ એવ દેશકાલનિમિતાંતરેષ્વધર્મો ભવતિ ।

– શાંકર-શારીરિક ભાષ્ય ૩-૧-૨૫.

એટલે કે અધિકારીના ભેદથી ધર્મમાં ભેદ થાય છે. દેશ, કાળ, નિમિત્તના ભેદથી ધર્મમાં ભેદ થાય છે. જે સ્થળે ઊભા થઈ જોઈ રહ્યા છો તે સ્થળ બદલવાથી દર્શન એટલે કે દૃશ્યનું રૂપ બદલાઈ જાય છે. જે એક દેશ, કાળ, પાત્ર, નિમિત્ત અને કર્મથી કોઈ એક માનવી માટે ધર્મ છે, તે બીજા માનવી માટે બીજા દેશ, કાળ, પાત્રતા, નિમિત્ત અને કર્મવિશેષ માટે અધર્મ હોઈ શકે છે. માત્ર એક બે ગ્રંથો વાંચી લેવાથી ધર્મનો ખ્યાલ આવે નહીં. અનુકૂળ પરિસ્થિતિઓમાં એક ધર્મ હોય, તો પ્રતિકૂળમાં બીજો પણ હોય.

જે બાળકોને માટીનાં રમકડાં ખૂબ ગમે છે તેમને ભૂમિતિ કે બીજગણિત ભણાવવાનો પ્રયત્ન કરવો નકામો છે. આ દશા મઠોની, સંપ્રદાયોની તથા પંથોની છે, “ મુંડે મુંડે મતિર્ભિન્ના ભિન્નરુચિહિઁ લોક : ।” જયારે બાળપણ પૂરું થશે ત્યારે માટીનાં રમકડાં આપોઆપ છૂટી જશે અને બીજા પ્રકારનાં રમકડાંમાં મન લાગી જશે.

અપ્સ દેવા મનુષ્યાણાં દિવિ દેવા મનીષિણામ બાલાનાં કાષ્ઠ લોષ્ઠેષુ બુધસ્યાત્મનિ દેવતા । ઉત્તમા સહજાડવસ્થા દ્વિતીયા ધ્યાન ધારણા તૃતીયા પ્રતિમા પૂજા, હોમયાત્રા ચતુર્થિકા ।

એટલે કે બાળકોના દેવતા લાકડાં અને પથરામાં, સાધારણ મનુષ્યોના દેવ પાણીમાં, વિદ્વાનોના આકાશમાં, જ્ઞાનવાન તથા બુદ્ધિમાનનો દેવ આત્મા જ છે. સહજ અવસ્થા એટલે કે દૃશ્ય સંસારને જ પરમાત્માનું રૂપ માનવું એ ઉત્તમ અવસ્થા છે. વિશેષ ધ્યાનધારણા કરવી એ સહેજ ઊતરતી બીજી કક્ષા છે. પ્રતિમા-ચિહ્નપૂજા ત્રીજી કોટિ છે અને હોમ અને યાત્રા એ ચોથી કોટિ છે.

બાળબુધ્ધિવાળા જીવ, જેમની બુદ્ધિ સદાય બહિર્મુખી છે, તેમ જ જે ઈન્દ્રિયલોલુપ લોકો છે એમણે લાકડા-માટીની પ્રતિમાઓથી જ સંતોષ માનવો. આ બહિર્મુખ માયારોગ માનવીમાં એવો વધ્યો છે કે ઈસ્લામ ધર્મમાં પણ પોતાને મૂર્તિભંજક કહેવડાવે છે તે લોકો દેવમંદિરો તોડી મસ્જિદ, મકબરા અને કબર બનાવે છે અને પૂજે છે. કોઈ ઉર્દુ શાયરે જ કહ્યું છે.

જિંદગાહેં તોડ કરકે મુર્દગાહેં ભર દિયા આ બહિર્મુખ માયાનું વર્ણન ઉપનિષદોમાં પણ છે પરાંચિ ખાનિ વ્યતૃણત સ્વયંયંભૂ તસ્માત્ પરાડ્ પશ્યતિ નાન્તરાત્મન્ । કશ્ચિઅદ્રીર: પ્રત્યગાત્માનમૈક્ષ દાવૃત્તચક્ષુરમૃતત્વમિચ્છન્

એટલે કે બહ્માએ જાતે બધી ઈન્દ્રિયોને, છિદ્રોને બહારની બાજુએ ખોલ્યાં છે, કાણાં પાડી દીધાં છે. એટલે જીવ બહારની વસ્તુ જુએ છે, અંદર પોતાને જોતો નથી. કોઈ કોઈ ધીર, વિરકત જીવ સંસારની નાસભાગ, આવજા અને મૃત્યુથી થાકી, વિશ્રામ અને અમરત્વની ઈચ્છા રાખી અંદર જુએ છે અને આત્માને ઓળખવા પ્રયત્ન કરે છે.

પણ હા એ બાળકોના વૃદ્ધ રખેવાળોએ ચિંતા કરવી જોઈએ અને માટીનાં રમકડાં રમવા આપવાની સાથે સાથે થોડું જ્ઞાન પણ પીરસવું જોઈએ, થોડાંક પુસ્તકોનો શોખ પેદા કરવા પણ પ્રયત્ન કરવો જોઈએ. એમ ન ઈચ્છશો કે છોકરાં સદા રમકડાંથી જ રાજી રહે, મૂર્ખ જ રહ્યા કરે. સ્લેટ, પેન, ચોપડીઓ વગેરેને કયારેય અડકે નહીં અને આપણે તેમને હંમેશાં બેવકૂફ રાખીને આપણા ગુલામ બનાવી રાખીએ.

જો એ વૃદ્ધ રખેવાળ સાત્ત્વિક બુદ્ધિનો, લોકહિતૈષી હોય તો એ રમકડાંના ખેલને પણ ખૂબ જ શિક્ષણ આપનારો, ઉત્તમ, સાત્ત્વિક ભાવ વધારનારો, લાપ્રેમ વધારનારો તથા શાસ્ત્રોનો ફેલાવો કરનાર બનાવી શકે છે. સુંદર મંદિરોથી ગામ તથા નગરની શોભા અને સૌંદર્ય વધે છે અને તેમાં પાઠશાળા, દવાખાનું, બગીચો, ફૂલવાડી, ચિત્રશાળા, સંગીત શિક્ષણનું કલાગૃહ, સાર્વજનિક સભામંચ, સંમેલન સ્થાન વ્યાયામશાળા વગેરે ચલાવી શકાય છે. યોગસાધનામાં પણ આ મંદિર નિસરણીનું કામ કરી શકે છે કારણ કે ધ્યાનધારણા કોઈ મૂર્તિ સ્વરૂપ વિના સાધી શકાતી નથી. આ ઉપરાંત જાતજાતનાં ઉત્તમ વૈજ્ઞાનિક પરીક્ષણો, ભૌતિક, લૌકિક અને પારલૌકિક કાર્યો થઈ શકે છે. સમસ્ત વિશ્વ, સાકાર જગત એ પરમાત્માનું જ રૂપ છે એ જાણીને, સમજીને લોકોને મૂર્તિપૂજા તરફ વાળવા એ યોગ્ય જ છેઅને આ દૃષ્ટિએ મૂર્તિઓની અને મૂર્તિપૂજાની નિંદા કરવી અયોગ્ય છે.

બીજા પ્રકારની બુદ્ધિ માટે પાણીનાં સંગ્રહસ્થાનો, તળાવ, સરોવર, નદી વગેરેનો ઉલ્લેખ કર્યો છે. જેનાથી સૂક્ષ્મ શરીર મનોમય અથવા વિજ્ઞાનમય કોષ એટલે કે અંતઃકરણ, મન, બુદ્ધિ તથા અભિમાનમાં શુદ્ધતા આવે. દષ્ટ ફળ એ છે કે જેનાથી સ્થૂળ શરીર પર પ્રભાવ પડે છે. આ તીર્થોમાં ફરવાથી પર્યટનના, મુસાફરીના જે લાભો મળવા જોઈએ તે શિક્ષણ, બુદ્ધિની ઉદારતા વધવી, સંકોચ દૂર થવો વગેરે મળે છે. તીર્થરક્ષકો, પૂજારી અને ભિખારીઓ યાત્રીઓને હેરાન પરેશાન ન કરે અને આ તીર્થોના પાણીમાં ફળ, ફૂલ, પાંદડાં, એંઠવાડ વગેરે નાખી પાણીને ગંદું ન કરે તે જરૂરી છે. શાસ્ત્રમાં કહ્યું છેઃ

નહ્યમ્મયાનિ તીર્થાનિ ન દેવા મૃચ્છિલામયા: । તે પુનંત્યુરુકાલેન દર્શના દેવ સાધવા: । તેષામેવ નિવાસેન દેશાસ્તીર્થોભવન્તિ વૈ ॥ -ભાગવત

એટલે કે પાણીથી તીર્થ બનતાં નથી, માટી કે પથ્થરથી દેવ બનતા નથી, લાંબા સમયની તેમની ઉપાસનાથી મનની શુદ્ધિ થાય છે, પણ સાચા સાધુઓના દર્શન અને સત્સંગથી જ મન તરત પવિત્ર થઈ જાય છે. તીર્થસ્થળોમાં જે સાચા સાધુ, તપસ્વી વિદ્વાન વસે છે તે જ ત્યાંના તીર્થંકર છે, તીર્થોને તીર્થ બનાવનાર તેઓ જ છે. જે શોકમાંથી બહાર કાઢે તે તીર્થ (તરિત શોકં યેન સહામેન સ તીર્થ:). સાત પવિત્ર નગરો ઉત્તમ વિદ્યાપીઠની ગરજ સારતાં હોવાથી તીર્થ હતાં. ત્યાંની હવામાં ભકિત, વિરક્તિ તથા જ્ઞાન ભરેલાં રહેતાં હતાં કારણ કે આ બધું સમજાવનાર, જાગૃત કરનાર સાધુ, તપસ્વી, વિદ્વાનો તથા પંડિતો ઘણાં વર્ષોથી ત્યાં વસતા હતા. જેવી રીતે આજકાલનાં વિશ્વવિદ્યાલયોમાં કોઈમાં એક વિષયની તો કોઈમાં બીજા વિષયની વિદ્યા આપવામાં આવે છે ત્યાં જે તે વિષયોની ચર્ચા, અભ્યાસ, હવા વધારે રહે છે.

કોઈ શહેરમાં કોઈ ખાસ વેપારની, કોઈ ખાસ પ્રકારનાં કારખાનાંઓની અધિકતા રહે છે અને ત્યાં જતાં જ આ બાબતનો ખ્યાલ આવે છે, એ રીતે ‘ કાશ્યાં મરણાન્ મુકિત: ” કાશીમાં મરવાથી મુકિત મળે છે એવું કહેવામાં આવે છે, કારણ કે ત્યાં આત્મજ્ઞાનવાળા સાધુઓની, આધ્યાત્મિક ચર્ચાથી ચારે બાજુની હવા તરબતર છે અને ‘‘ઋતે જ્ઞાનાન્ ન મુક્તિઃ’’ એટલે કે જ્ઞાન વિના મુક્તિ નથી, કોઈ પ્રકાની ગુલામીના બંધનમાંથી, સામાજિક, રાજનૈતિક, સાંસારિક કે કોઈ પણ બંધનમાંથી જ્ઞાન વિના મુકિત મળતી નથી, પણ હાલના સમયમાં આ પવિત્ર નગરોની જે દુર્દશા થઈ છે તે પ્રત્યક્ષ દેખાય છે. જે માનવી “ કાશ્યાં મરણાત્ મુકિતઃ’ના અક્ષરો જ પકડી રાખે, તેના હેતુનો ખ્યાલ ન રાખે, આત્મજ્ઞાનનો સંચય ન કરે, તો તેના માટે મુકિતની આશા રહેતી નથી.

ત્રીજા પ્રકારની બુદ્ધિ માટે ‘‘દિવિ દેવા :’’, સૂર્ય, ચંદ્ર, બૃહસ્પતિ વગેરે પ્રત્યક્ષ દેવતા છે. તેમની ઉપાસના ગણિત, જ્યોતિષશાસ્ત્ર, વાતાવરણશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર તથા હસ્તરેખાશામાં છે. આનાથી જ્ઞાન, ખેતી, સમુદ્રયાત્રા વગેરેમાં જે કાંઈ મદદ મળે તે બધું આ ઉપાસનાનું દૃષ્ટ ફળ છે, પણ જ્યોતિષશાસ્ત્રના દુરુપયોગથી જે વિઘ્ન આવે છે તે બધા જાણે છે.

ચોથી અને છેલ્લી કોટિ ‘‘ બુધ આત્મનિ દેવતાઃ ” જેને આ વિચાર ઉદ્ભવ્યો કે આ દેવતા છે કે નહીં ? આ પુસ્તક માનવા જેવું છે કે નહીં ? આ ઋષિ, અવતાર, રસૂલ, પયગંબર, મસીહા કે ગુરુ માનવા યોગ્ય છે કે નહીં ? આ ધર્મ માનવા યોગ્ય છે કે નહીં ? આ છોડવા યોગ્ય છે કે અપનાવવા યોગ્ય છે; આ શાસ્ત્ર છે કે અશાસ્ત્ર છે ; આ વેદ છે કે અવેદ છે ; આનો અર્થ આ છે કે તે છે ; હકીકતમાં કોઈ ઈશ્વર છે કે નહીં ? જો હોય, તો કેવા દેખાય ; છે ? કયાં છે ? આ બધાનો છેલ્લો નિર્ણય કરનાર હું જ છું – જેનામાં આવો વિચાર દઢ થાય છે તેના માટે ‘બુધસ્ય આત્મનિ દેવતા” એટલે કે બુદ્ધિમાનનો આત્મા જાતે જ તેનો દેવ છે. પરમ ઈશ્વર, ઈશ્વરોનો ઈશ્વર હું જ છું. આ પરાકાષ્ઠાએ જે પહોંચ્યો છે, તેના માટે સુરેશ્વરાચાર્યે બૃહદારણ્યક વાર્તિકમાં કહ્યું છે “ એતાં કાષ્ઠામવષ્ટભ્ય સર્વ બ્રાહ્મણ ઉચ્યતે ”જે જીવ આ પરાકાષ્ઠાએ પહોંચ્યો હોય તે બ્રાહ્મણ છે, બ્રહ્મ સ્વરૂપ છે.

તેના માટે ‘“કાશ્યાં મરણાન્ મુકિતઃ”ની જરૂર નથી, પણ, “ ભાવના યદિ ભવેત્ ફળદાત્રી મારકં  નગરમેવ હિ કાશી ।  વ્યાપકોડપિ યદિ વા પરમાત્મા તારકં નિમિહ નોપદિશેન નઃ ।”

એટલે કે ભાવના જ જો ફળ આપનારી હોય તો જે સ્થળે હું છું તે જ કાશી છે. જો પરમાત્મા વ્યાપક છે તો હું ઊભો છું ત્યાં જ તારકમંત્રનો ઉપદેશ કરી શકે છે. આવા માનવો માટે યાજ્ઞવલ્કય સ્મૃતિમાં કહ્યું છે કે જરૂર પડતાં તે જાતે નવો ધર્મ બનાવી શકે છે.

ચત્વારો વેદધર્મજ્ઞ:  પર્યંત્ ત્રૈવિદ્ય મેવ વા । બ્રઊતે ય સ ધર્મ સ્વાદેકો વાડઽધ્યાત્મવિત્તમ : ।।

એટલે કે વેદ પુર, જ્ઞાનસમૂહ પર પ્રતિષ્ઠા કરેલો જે ધર્મ છે તેને જાણનાર ચાર માનવોની ટોળી અથવા વેદોને અંગોપાંગ સહિત સારી રીતે જાણનાર ત્રણ જણની સમિતિ અથવા એક અધ્યાત્મ વિત્તમ, બ્રહ્મવિદ્વરિષ્ઠ, તત્ત્વતઃ બ્રહ્મજ્ઞાનના હૃદયમાં બિરાજેલ જ્ઞાની માનવી જો નિર્ણય કરે કે આ ધર્મ હોવો જોઈએ, તો તેને ધર્મ માનવો જોઈએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment