વિવેક અને માનસિક ગુલામી

વિવેકના અભાવમાં માનવી પરાવલંબી બની જાય છે. તે પોતાને બધી રીતે અયોગ્ય માને છે. તેના હૃદયમાં સામાન્ય રીતે આ જ વિચારો આવ્યા કરે છે કે જે કંઈ મારા વડવાઓ કરી ગયા છે, જે કંઈ આપણા સમાજના મોટા લોકો કરી રહ્યા છે તેમનાથી વધારાનું હું શું કરી શકવાનો હતો ? આપણે તો શકય હોય ત્યાં સુધી તેમનું અનુકરણ કરવું જોઈએ. આવી મનોવૃત્તિથી માનસિક દુર્બળતા ઊભી થાય છે અને ઉન્નતિનો માર્ગ અવરોધાય છે.

માનસિક ગુલામી તમામ પ્રકારની ગુલામીઓની માતા છે. જ્યારે શરીરને ચલાવનાર મન સ્વયં અશકત હોય તો શરીરનો અણુએ અણુ પાંગળો બની જશે. તેની શકિતને બહાર પ્રદર્શિત કરવાનો કોઈ ખાસ રસ્તો નથી, કોઈ ખાસ પ્રયોજન પણ નથી. તે એક એવી હોડી છે, જે મન ફાવે તેમ ઘૂમ્યા કરે છે.

સમસ્ત માનવજીવન ભાવનાઓના આધારે ચાલે છે. આ ભાવો પ્રમાણે આપણી મૂળ પ્રવૃત્તિઓ ચાલે છે. ભાવના મનમાં ઉદ્ભવે છે. તેની ઉચ્ચ કક્ષા અથવા હીન કક્ષા માત્ર મનની પ્રેરકશકિત પર જ આધારિત છે.

મન ભૂલું-પાંગળું બની જતાં આત્મા જડ કરતાં પણ વધારે નિષ્ક્રિય થઈ જાય છે. તેની મહત્ત્વાકાંક્ષાઓ નિરંતર ઘટતી જાય છે, આશાઓના મિનારા તૂટી પડે છે. માનવી પોતે શું છે ? તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે ? કઈ દિશામાં પોતે જવાનું છે ? એ કંઈ જાણી શકતો નથી. ગુલામીની જંજીરોમાં જકડાયેલું મન પોતાનો અને તે ધરાવનાર માનવીનો સર્વનાશ નોતરે છે.

આપણે બીજાને બીકણ જોઈ મનમાં માનીએ છીએ કે આપણે પણ આવા ડરપોક થવું જોઈએ. મનુષ્યનું વાસ્તવિક રૂપ જ આ છે. આપણે તે પ્રમાણેનું વિકૃત વાતાવરણ ચારે બાજુએ જોઈએ છીએ. કડવા અનુભવોને જરૂર કરતાં વધારે મહત્ત્વ આપીએ છીએ. આપણે જાતે વિચારશક્તિનો ઉપયોગ ન કરતાં વિચારની ગતિને જ પાંગળી બનાવી દઈએ છીએ. આપણે જાતે માનસિક

કિતનો ઉપયોગ ન કરીને બીજાને પણ તેમ કરવા પ્રેરણા આપીએ છીએ. આપણે વિચારીએ છીએ કે આપણા વડવાઓ જે કરી ગયા છે, જે આપણા નેતાઓ કરી રહ્યા છે, જે આપણા બીજા ભાઈઓ કરી રહ્યા છે તે જ આપણે પણ કરવું જોઈએ. આપણે આપણા વાતાવરણમાંથી ગુલામી જ એકઠી કરી રહ્યા છીએ. મનમાં કચરો, કાંકરા, પથરા વગેરે જ ભર્યા કરીએ છીએ. એટલે મનનું વાતાવરણ દૂષિત થઈ જાય છે. આપણો સમાજ, કયારેક આપણું ઘર, કયારેક આપણું વાતાવરણ અથવા ધંધો રોજગાર આપણને માનસિક ગુલામ બનાવવામાં મદદરૂપ બની જાય છે અને આપણે સાવ ફેંકાઈ જઈએ છીએ. કૃત્રિમ સાધનો દ્વારા મનનો વિકાસ રૂંધાઈ જાય તે માનસિક ગુલામી જ છે.

આપણે માનસિક ગુલામીને, એક મનોવૈજ્ઞાનિક રોગ માની શકીએ છીએ. કેટલાક પ્રકારના ભ્રમ, ખરાબ કલ્પનાઓ, નિરાશા, નિરુત્સાહ, આશંકાઓ વગેરે મનઃક્ષેત્રમાં આપણા આત્માને હીન બનાવતી જટિલ ગ્રંથિ ઉત્પન્ન કરી દે છે. કાળક્રમે આ ગ્રંથિ અત્યંત શકિતશાળી બની જાય છે અને રોજબરોજનાં કાર્યોમાં તેનો પ્રભાવ પડે છે. આપણું ડરપોકપણું લગભગ આ ગ્રંથિનું જ પરિણામ છે. અનેક ખોટા સંસ્કારો યાદદાસ્તમાં સંઘરાયેલા રહે છે. અગાઉની નિષ્ફળતાઓ તથા કડવા અનુભવો અવ્યકત મનમાંથી ચેતન મનમાં પ્રવેશ કરે છે અને તક મળતાં બહાર આવે છે. જેવી રીતે ઝીણા કાપડમાંથી પ્રકાશનાં કિરણો ચળાઈને બહાર આવે છે તે રીતે આત્મહીનતા અને ગુલામીની ગ્રંથિઓની ઝલક પ્રત્યેક કાર્યમાં પ્રગટ થઈ તેને નિષ્ફળ બનાવી દે છે. કયારેક માનવીની શારીરિક નબળાઈ, કમજોરી, દુઃખ, રોગ, સામાજિક પરિસ્થિતિઓ, ગરીબી, દેશકાળની કમજોરી આ માનસિક ગુલામી વધારી દે છે. ભારતમાં માનસિક ગુલામીનું કારણ અંધકારમય વાતાવરણ અને પાશવી વૃત્તિઓનો અનાચાર છે. સમય સમય પર દેશમાં થતાં આંદોલનોથી માનસિક ગુલામીમાં વધઘટ થયા કરે છે.

હાલના સમયમાં આપણો ધર્મ માનસિક ગુલામીનો મિત્ર બની ગયો છે. પ્રત્યેક તત્ત્વને સમજવા તથા મનન કરવા પરમાત્માએ માનવીને મન આપ્યું છે. તે વિચારી સમજીને દરેક વસ્તુનો ઉપયોગ કરે, આંધળાની જેમ તે ન વાપરે એ તે તેના જ હિતમાં છે. ધર્મના વર્તમાન રૂપે માનવીને અત્યંત સંકુચિત તથા ડરપોક, બનાવી દીધો છે. ગ્રંથો, કલમા, જાદૂ, તીર્થ વગેરે કેટલીયે આફતો માનવમન પર સવાર થયેલી છે. આ ધાર્મિક શૃંખલાઓને લીધે તે અવિચળ બની જાય છે. હજારો માનવીઓ તેની ટીકા કરવા તૈયાર છે. છેવટે તે બિચારો બીજાનું અનુકરણ કરતો થઈ જાય છે. અબુધ પ્રાણીઓ માટે અનુકરણ વાજબી છે, પણ વિવેકશીલ માનવીને આ જંજીરોમાં જકડી દેવાથી તેના મનઃક્ષેત્રમાં જબ્બર ઊથલપાથલ થઈ જાય છે. આ રીતે માનસિક ગુલામી ઉત્પન્ન થાય છે.

જ્યારે મન ઉત્તમ અથવા અધમનો વિવેક ન જાણી શકે તો તેને ગુલામ જ ગણવું પડે. તે સ્વચ્છંદતાથી પોતાનું કામ કરતું રહેશે. જો માનવમન સ્વતંત્ર રૂપે વિવેક્ની તાકાત ન રાખી શકતું હોય તો તે બીજી કોઈ શક્તિના વશમાં જ રહેશે. મનનો જો પોતાની જ શકિત પરનો અંકુશ છૂટી જાય તો તે કોઈ બીજી શકિતના અંકુશમાં ચોક્કસ આવી જશે.

જો કોઈ નાના છોડને એક બાટલીમાં બંધ કરી દઈએ અને ઉપરથી બાટલી ખુલ્લી રાખીએ તો તે ધીમે ધીમે ઊંચે ને ઊંચે વધવા લાગશે. તેને ડાળખીઓ કાઢવાની તથા આજુબાજુ ફેલાવાની કોઈ તક જ નથી, તેને એક સંકુચિત વાતાવરણમાં રાખવામાં આવ્યો છે. આ રીતે જો આપ કૂવામાંના દેડકા જેવા રહેશો તો તમારા મનનો વિકાસ રૂંધાઈ જશે. તે એક જ તરફ વધ્યા કરશે અને તેનામાં સહૃદયતા,દયા, સત્યવાદીપણું, નીડરતા તથા નિર્ણયશકિતની ઊણપ જ રહેશે. મનને નાના ચોકઠામાં બંધ રાખવાથી માનવી પાસે તમામ વૈભવ હોવા છતાં તે અંતર્વેદનાથી દુ:ખી રહેશે. તેનામાં આત્મસન્માન આવી શકશે નહીં.

મનને સ્વતંત્રતા આપો. તેને ચારે બાજુ ફેલાવાની તક આપો. માનસિક સ્વતંત્રતાથી જ માનવીમાં દૈવી ગુણો આવે છે. મનને તેની મરજી પ્રમાણે વિચારવાની, મનન કરવાથી છૂટ આપો તો તે તમારો સાચો મિત્ર, માર્ગદર્શક બની જશે. તે હલકટ ભોગેચ્છાથી સંતોષાશે નહીં, તે અન્ય વ્યકિતઓની દયા પર પણ આધાર રાખશે નહીં. માનસિક સ્વાતંત્ર્ય મળતાં જ માનવીનો સંસાર પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ જશે. માનસિક સ્વચ્છંદતા વિના માનવી ખુશખુશાલ રહી શકતો નથી.

કલ્પના કરો કે તમારે નજીવી વાતોમાં બીજી વ્યકિતઓના ઈશારે જ નાચવું પડે છે. આપ સહેજ પણ પોતાનો વિચાર પ્રગટ કરવા જાવ છો અને આપને સખત ઠપકો મળે છે. આથી આવી સ્થિતિમાં મન પરિપકવ થઈ શકે નહીં. તેની સમગ્ર મૌલિકતા નાશ પામે છે. તેનું મન માનવીનો શત્રુ અને તેની ઉન્નતિમાં અડચણરૂપ બની જાય છે.

માનસિક તંદુરસ્તીનું મુખ્ય સાધન છે – શિક્ષણ, જે મનને શિક્ષણ મળતું નથી તે થોડોઘણા અનુભવનો ઉપયોગ કરી નજીવા વિકાસ બાદ અટકી જાય છે. મનની બધી શકિતઓ તર્કશકિત, સરખામણીશકિત, સ્મરણશકિત, લેખનશકિત, કલ્પનાશકિત વગેરે વિકાસ પામે તે રીતે મનનું શિક્ષણ હોવું જોઈએ. આપણે આપણી ઈચ્છા અનુસાર આ બધી શકિતઓ વધારી શકીએ છીએ એમાં સહેજ પણ શંકા નથી. માત્ર યોગ્ય શિક્ષણની જરૂર છે. એવું શિક્ષણ મળવું જોઈએ, જેનાથી માનવીનો ઉત્તરોત્તર વિકાસ થતો રહે અને તે રૂઢિઓનો ગુલામ ન બની રહે, નહીં તો માનસિક ગુલામીનું ભયંકર પરિણામ આવશે.

બીજું સાધન છે : અનુકૂળ મિત્રો અને પરિસ્થિતિઓ. જે પરિસ્થિતિઓમાં માનવી રહે છે તેને અનુરૂપ જ માનસિક શકિતઓ જાગૃત થાય છે. જે માનવીના કુટુંબમાં કવિઓ વધારે પ્રમાણમાં હોય તે પોતે પણ કવિ બને છે. કવિતા પ્રત્યે તેને વધારે રુચિ રહે છે. લીલાં પાદડાંમાં રહેતા કીડા લીલા રંગના જ થઈ જાય છે. એટલા માટે સારાં પુસ્તકોના સંગમાં રહો, વિદ્વાનો સાથે દલીલો કરો, શંકાઓનું સમાધાન કરો.

ત્રીજું સાધન છે. માનસિક કસરત. જે રીતે નિયમિત વ્યાયામથી આપણું શરીર સુદઢ રહે છે તે રીતે માનસિક વ્યાયામથી મન તંદુરસ્ત રહે છે. એકાગ્રતાનો અભ્યાસ અપૂર્વ શકિત આપે છે. દુઃખ એ વાતનું છે કે એકાગ્રતા ખાસ જરૂરી હોવા છતાં કેટલાયે લોકો જીવનમાં તેને મહત્ત્વ આપતા નથી. જો દૃઢ એકાગ્રતાવાળી વ્યકિતનો તમને ગાઢ પરિચય હશે તો તમને અનુભવ થશે કે તે પર્વતની જેમ અવિચળ બની કામ કરતી હોય છે. તમે તેને છોડી દો, ગમે તે કરો, પણ તે ડગશે નહીં. આનું નામ દૃઢ એકાગ્રતા છે. આનાથી મન વશમાં આવી શકે છે. મન અભ્યાસનું ગુલામ છે. જેમ જેમ તમારો અભ્યાસ વધશે તેમ તેમ એકાગ્રતા વધશે.

ચોથું સાધન છે આંતર્દષ્ટિ. તમે સમાજની રૂઢિઓ અને કહેવાતા નેતાઓના ગુલામ ન બનો. ધર્મની રૂઢિ અને ધર્માચાર્યોની શેહમાં ન તણાઓ, પરંતુ તમારી મૌલિકતા વધવા દેશો તો ન કોઈ મુલ્લાં, ન કોઈ પંડિત કે ન કોઈ રાજ્ય દ્વારા ફેલાયેલી કુસંસ્કારોની જાળ તમને ઉચ્ચ દૈવી ભૂમિકાથી હઠાવી શકશે. જો તમે મનની ઉચ્ચ ભૂમિકામાં રહેતા હશો તો તમને સાચું પ્રેરકબળ મળશે.

વિશ્વમાં સૌથી મહાન કાર્ય મનની શક્તિને વધારવાનું છે. તમારો અંદરનો પ્રદેશ અપાર તથા અનંત છે, અભ્યાસ તથા મનન દ્વારા તમે તમારી કુદરતી શક્તિ મેળવી શકો યાદરાખો, તમારેતમારો વિકાસ કરવાનો છે. ઓછું જાણનારા તથા સત્ત્વહીન બની રહેવાનું નથી. પોતાના સામર્થ્યમાં વિશ્વાસ અને શ્રધ્ધા રાખતાં શીખો. હંમેશાં આંતરિક મનની ભાવનાઓ પ્રત્યે ધ્યાન આપો. એ ન વિચારશો કે મારે તો આટલા જ વિકસિત થવું છે, પરંતુ એમ વિચારો કે હવે વિકસિત થવાનો, વધવાનો સાચો સમય આવી ગયો છે. તમારી વિશાળતા અને અતુલ સામર્થ્યનું ચિંતન કરો. માનસિક ગુલામીમાંથી છુટકારો મેળવો અને વિવેકથી કામ લઈ સંસારમાં વિજયી યોદ્ધાની જેમ જીવન ગુજારો.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment