૪૪. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૮/૬૧/૧૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૮/૬૧/૧૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

ન પાપાસો મનામેહ નારાયાસો ન જલ્ડવઃ । યદિન્વિન્દ્ર વૃષણં  સચા સુતે સખાયં કૃણવામહિ | ( ઋગ્વેદ ૮/૬૧/૧૧)

ભાવાર્થ જો અંતઃકરણ અપવિત્ર અને મલિન હશે તો પરમાત્માની ઉપાસના પણ ફળદાયી નહિ નીવડે. તેથી પરમાત્માની ઉપાસના નિષ્પાપ હૃદયથી જ કરવી જોઈએ.

સંદેશઃ ઈશ્વરની બાબતમાં સંસારના લોકોમાં જુદી જુદી માન્યતાઓ જોવા મળે છે. કેટલાક લોકો તો ઈશ્વરને માનતા જ નથી. તેઓ કહે છે કે જો ઈશ્વર હોય તો પછી તે દેખાતો કેમ નથી ? વીજળીના તારમાંથી વીજળી બલ્બ સુધી પહોંચીને પ્રકાશ ઉત્પન્ન કરે છે તે વીજળી શું આપણને દેખાય છે ખરી ? એમ છતાં શું તારમાંથી વહેતી વીજળીની ઉપસ્થિતિને આપણે નકારી શકીએ ખરા ? ઈશ્વર જ આ સૃષ્ટિના સર્જનહાર છે, નિયામક છે અને પાલનહાર છે. ઈશ્વરની ઉપાસનામાં જ આપણી ભલાઈ રહેલી છે.

મોટાભાગના મનુષ્યો પરમેશ્વરની ઉપાસના કરે છે, તો પણ દુ:ખ અને કષ્ટો સહન કરે છે. એનું મુખ્ય કારણ માત્ર એટલું છે કે આપણું અંતઃકરણ દોષદુર્ગુણોથી ભરેલું હોય છે અને પાપકર્મોમાં અટવાયેલું હોય છે. આથી આવી સ્થિતિમાં કરવામાં આવતી ઉપાસના એ કોઈ સાચી ઉપાસના નથી, માત્ર ઢોંગ કરવાથી એનો લાભ કેવી રીતે મળે ? પ્રભુકૃપા પ્રાપ્ત કરવા માટેની એક માત્ર શરત છે પવિત્રતા. પરમપિતા પરમેશ્વર તો આપણા સર્વશ્રેષ્ઠ મિત્ર અને બંધુ છે, પરંતુ ઈશ્વર તેમની અમૃતવર્ષા આપણી ઉપર કરતા નથી તેનું કારણ શું ? એનું એક માત્ર કારણ એ જ છે કે આપણે પોતાને નિષ્પાપ અને ઉદાર બનાવી ખુલ્લા દિલથી ઈશ્વરને મળવાનો પ્રયત્ન કર્યો નથી.

આજનો મનુષ્ય અહંકારી બનીને અને ઇન્દ્રિયોની માયાજાળમાં ફસાઈ ગયો છે. આપણે માત્ર આભાસી ચિત્રો કે પડછાયા તરફ દોટ મૂકી છે.

એક ભયંકર ચુંગાલમાં આપણે જકડાઈ ગયા છીએ. કામિની અને કાંચનનો રોગવિકરાળ રૂપ ધારણ કરીને સર્વત્ર ફેલાઈ રહ્યો છે. તેના પાશમાંથી લોકો છૂટવા માગતા નથી. લોકો ભોગવિલાસમાં ડૂબેલા રહેવા છતાં પણ હંમેશાં અતૃપ્ત જ રહે છે. ભોગ સ્વયં પોકારી પોકારીને આપણને કહે છે કે ભાઈ, અમારામાં તમને તૃપ્ત કરવાની કોઈ શક્તિ નથી. એમ છતાં આ માનવ કેટલો મૂર્ખ છે કે એ બમણા વેગથી એવા જ માયાવી ભોગોનું શરણ શોધીને તૃપ્ત થવાનો અસફળ પ્રયત્ન કર્યા કરે છે. આનાથી મોટુંદુર્ભાગ્ય બીજું ક્યું હોઈ શકે ? આખરે એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા’ અર્થાત્ આપણે સાંસારિક વિષયોનો ઉપભોગ કરી શકતા નથી, પરંતુ ભોગોને પ્રાપ્ત કરવાની ચિંતામાં આપણે જ આપણો ભોગ ધરાવી દઈએ છીએ. વેદો દ્વારા ભૌતિકતા ત્યજી દેવાનું કહેવામાં આવ્યું નથી, પરંતુ આ પ્રકૃતિને માત્ર સાધન તરીકે સ્વીકારીને તેના સદુપયોગની વાત કહી છે. આ શરીર વગર અથવા તો ભૌતિક પદાર્થો વગર આપણો નિર્વાહ થવો અશક્ય છે, પરંતુ માત્ર એને જ સર્વસ્વ માનીને ચાલવું એ આપણી જાતને છેતરવા બરાબર છે.

પરોપકારનાં કાર્યો અને નૈતિક આચરણ ઉચ્ચતરના આધ્યાત્મિક જીવન માટેનાં પગથિયાં માત્ર છે. ચિત્તની શુદ્ધિ માટે આપણે એનાથી આગળ વધવું પડે છે. ચિત્તને શુદ્ધ કર્યા વિના ઉચ્ચતમ જ્ઞાનની પ્રાપ્તિ ક્યારેય થઈ શકતી નથી. મનના ખૂણામાં જે મેલ ભરાઈ ગયો છે તેને દૂર કરવા માટે દૃઢ નૈતિક આચરણ, નિઃસ્વાર્થભાવથી બીજાઓના હિત માટે કરવામાં આવતાં કાર્યો, સ્વાધ્યાય અને આધ્યાત્મિક સાધના અત્યંત જરૂરી છે. હૃદયમાં દિવ્ય જ્ઞાનના પ્રકાશની ધારા આ માર્ગથી વહેતી થાય છે. આ દિવ્યતાના પ્રચંડ તેજથી આપણા દોષદુર્ગુણો બળીને ભસ્મીભૂત થઈ જાય છે. એ તેજ સહન ન થતાં તેઓ પોતે જ દૂર ભાગી જાય છે. તેમની ખાલી પડેલી જગ્યા ધીરે ધીરે સદ્ગુણોથી ભરાતી જાય છે.

આ બધું માત્ર દૃઢ આત્મબળ દ્વારા જ શક્ય છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment