૪૮. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૩૨/૧૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૩૨/૧૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

યા મેઘાં દેવગણાઃ પિતરશ્ચોપાસ્તે । તયા મામદ્ય મેઘયાડગ્ને મેઘાવિનં કુરુ સ્વાહા || (યજુર્વેદ ૩૨/૧૪)

ભાવાર્થ : હે ઈશ્વર ! વિદ્વાન, તત્ત્વદર્શી તથા આત્મજ્ઞાની પુરુષો જે મેધાવી બુદ્ધિ દ્વારા સંસારમાં શ્રેષ્ઠ કર્મો કરે છે તેવી મેધાવી બુદ્ધિ અમને પણ આપો.

સંદેશ : બુદ્ધિના આમ તો કેટલાય સ્તર છે અને કેટલાંય નામ છે. બુદ્ધિમત્તા, ચતુરતા, હોશિયારી, સૂઝબૂઝ, તીક્ષ્ણ બુદ્ધિ, દીર્ઘદૃષ્ટિ વગેરે પણ બુદ્ધિવિશેષના અર્થમાં વપરાતા શબ્દો છે. સામાન્ય રીતે મગજમાં રહેલી શક્તિને જ બુદ્ધિ કહેવામાં આવે છે. જેનું મગજ વધારે બળવાન છે, વધારે સૂક્ષ્મ છે અને વધારે સ્ફૂર્તિવાન છે તેને બુદ્ધિમાન કહેવામાં આવે છે, પરંતુ આ વ્યાખ્યા ખૂબ અધૂરી છે. કેટલાય લોકો ખૂબ જ ચાલાક અને કપટી હોય છે. તેઓ પોતાની બુદ્ધિનો ઉપયોગ બદમાશી, વિશ્વાસઘાત અને દગાબાજી માટે કરતા હોય છે. આવી બુદ્ધિ સાવ નકામી છે. તે તો બજારમાંથી ગમે ત્યાંથી ખરીદીને પણ મેળવી શકાય છે. શું આવી બુદ્ધિ માગવા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ ?

સંસારમાં સફળ થવા માટે, સન્માર્ગ પર ચાલવા માટે પણ બુદ્ધિ અત્યંત જરૂરી છે. બુદ્ધિ દ્વારા મનુષ્ય પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે.

‘બુદ્ધિર્યસ્ય બલં તસ્યઃ’ – જેની બુદ્ધિ તેનું બળ. આપણે પરમપિતા પરમેશ્વર પાસે એવી બુદ્ધિ માગવી જોઈએ કે જે શુદ્ધ અને પવિત્ર હોય આપણને દુર્ભાવનાઓથી મુક્ત કરી, કુમાર્ગથી બચાવીને સન્માર્ગ ૫૨ લઈ જઈ શકે. એવી બુદ્ધિને જ મેધા કહેવામાં આવે છે. તે સત્ય – અસત્ય, નીતિ-અનીતિ વચ્ચે વિવેકપૂર્ણ રીતે ભેદ તારવીને આપણને અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢીને સજ્ઞાનના પ્રકાશપુંજથી ઓજસ્વી બનાવી દે છે. મેધાવી બુદ્ધિ દ્વારા જ ઋષિ-મુનિઓ સત્કર્મો તથા પરોપકારનાં કાર્યો દ્વારા શ્રેષ્ઠતાનાં પગથિયાં પર ઊંચે ને ઊંચે ચઢીને અમરત્વને પ્રાપ્ત કરી શક્યા હતા.

મેધાવી બુદ્ધિથી આપણને ધન, યશ અને સુખ બધું જ પ્રાપ્ત થાય છે. તે આપણી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને બધાં જ કાર્યોને સફળ કરી દે છે. ગાયત્રી મંત્રમાં પણ એજ ‘ધિ’(મેધા)ને પ્રેરિત કરવાની પ્રાર્થના આપણે પરમાત્માને કરીએ છીએ અને કહીએ છીએ કે ધિયો યો નઃ પ્રચોદયાત્’. પરમેશ્વરની ઉપાસનાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે પ્રભુ આપણને મેધાવી અને તત્ત્વદર્શી બનાવે, જેના દ્વારા આપણને સાચું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય અને સત્ય આચરણ કરવાની પ્રવૃત્તિ જાગૃત થાય. સંસારમાં જેટલા પણ શ્રેષ્ઠ પુરુષો છે તે બધાએ આ મેધાબુદ્ધિ દ્વારા જ અમરતા પ્રાપ્ત કરી છે. સ્વાર્થનો ત્યાગ કરીને પવિત્ર અંતઃકરણથી તેઓ હંમેશાં પરોપકારનાં કાર્યોમાં લાગેલા રહે છે.

મેધાબુદ્ધિ જ આપણા આત્મબળમાં વૃદ્ધિ કરતી રહે છે અને એવી શક્તિ પ્રદાન કરે છે કે વિપરીત પરિસ્થિતિઓ પણ આપણને સત્યમાર્ગથી વિચલિત કરી શકતી નથી. તેના દ્વારા મન નિર્મળ, શુદ્ધ અને પવિત્ર બની જાય છે તથા મનને વશમાં રાખવાનું કામ પણ સ૨ળ બની જાય છે. ક્રોધ, ભય, ઈર્ષા, નફરત, વાસના, લોભ, દંભ, મોહ વગેરે મનોવિકારો મેધાબુદ્ધિની સાત્ત્વિક અસરથી શાંત થઈ જાય છે.

પ્રભુની કૃપા દ્વારા જ મેધાબુદ્ધિનું વરદાન મળે છે. જે મનુષ્ય જેટલા પ્રમાણમાં પરમાત્માની સત્તા સાથે એકાકાર થવાનો પ્રયત્ન કરે છે તેટલા જ પ્રમાણમાં તેનામાં દૈવીગુણોની વૃદ્ધિ થતી રહે છે અને તેને સ્વર્ગીય આનંદની અનુભૂતિ થાય છે.

મેધાબુદ્ધિ જ આત્મબળને વધારે છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to ૪૮. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૩૨/૧૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

  1. Ramesh Patel says:

    પ્.પૂજ્ય ગુરુદેવ આચાર્ય રામશર્માજી નો આ પ્રસાદ થાળ જીવનનું કલ્યાણ કરશે જ…સૌને
    દીપાવલીના મંગલ પર્વે ઉત્તમ વિચાર પ્રસાદી ધરવાનું નિમિત્ત બનવા માટે આપને અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)
    ………………………………………………………..
    હરિતો ઉપર બેસી હસતા……રમેશ પટેલ(આકાશદીપ)

    બીજ થઈ દટાયા અમે……રમેશ પટેલ(આકાશદીપ)
    -Pl find time to visit my site and leave a comment

    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

    Like

Leave a comment