સેવા જ સાચો ધર્મ – ૧
July 7, 2013 Leave a comment
સેવા જ સાચો ધર્મ – ૧
“બચાવો ! બચાવો ! કોઈ છે જે અમારા મિત્રને કૂવામાંથી કાઢી શકે, અમારો મિત્ર ડૂબી રહયો છે, કોઈ એને બચાવી લો.” બાળકના આ આજીજીભર્યા અને કરુણ ચિત્કારે ફકીર બાબાના હ્રદયને વલોવી નાંખ્યું. તેઓ પોતાની સાથે બેઠેલા રામલાલના ખભાને ખેંચતા તે બાજુ સડસડાટ દોડવા લાગ્યા. કૂવા પાસે જઈને જોયું તો દસ-બાર વર્ષના પાંચ સાત બાળકો બૂમાબૂમ કરી રહયાં હતા. તે ફકીર બાબાને જોઈને વધારે બૂમો પાડવા લાગ્યા. બાળકો બોલ્યાં, “ફકીર બાબા ! કંઈક કરો ! અમારા મિત્રને બચાવી લો, બચાવી લો બાબા ! બચાવી લો !” ફકીર નીચા નમીને કૂવામાં જોયું. એક બાળક કુવામાં ડૂબી રહ્યું હતું.
ફકીર બાબાએ પોતાની માળા અને ચાદરને એક બાજુ ફેંકયાં અને કૂવાની સીડી ઉતરીને ‘ધમ્મ’ કરતાં કૂવાની અંદર છલાંગ લગાવી દીધી. બાળક ક્યાંય દેખાતું નહતું. તેમણે શ્વાસ રોકીને ડૂબકી લગાવી અને પાણીની અંદર તેને શોધતા રહયા. ફકીરનો શ્વાસ ફૂલવા લાગ્યો, ૫ણ બાળક હાથ લાગ્યું નહિ. તેઓને ખૂબ જ દુઃખ થયું કે તેઓ બાળકને બચાવી શકયા નહિ. તેઓ મનોમન કંપી ઉઠયા. કોઈની જાન બચાવવાનો એક અવસર આવ્યો હતો અને એમાં ય તેઓ એને બચવી શકયા નહિ. તેમનું હ્રદય ભરાઈ આવ્યું અને આર્તનાદ કરવા લાગ્યું કે હે ૫રવરદિગાર ! બાળકને બચાવી લો, ૫છી ભલે એના બદલે મારો જીવન ૫ણ કેમ જતો ન રહે ? વિચારોમાં ને વિચારોમાં તેમણે પાણીની બહાર આવીને ઉંડો શ્વાસ લીધો અને ફરી ડૂબકી લગાવી દીધી.
ત્રીજી ડૂબકીમાં બાળકનો હાથ તેમના હાથમાં આવી ગયો. તેમના જીવમાં જીવ આવ્યો. ફકીર બાબાએ બાળકને ઉઠાવી લીધું અને સીડીઓ ચઢી ઉ૫ણર આવી ગયા. બાળક બેહોશ હતું. તેઓ પ્રાથમિક ચિકિત્સામાં નિપુણ હતા. બાળકનું પેટ ફૂલી ગયું હતું કારણ કે તેના પેટમાં ઘણું બધું પાણી જતું રહ્યું હતું. તેમણે બાળકને સુવાડીને એના પેટનું પાણી કાઢી નાંખ્યું અને બાળકને પોતાના મોંથી શ્વાસ આ૫વા લાગ્યા. લગભગ દસ વીસ મિનિટ ૫છી બાળકને હોશ આવ્યો. તેણે આંખો ખોલી. તેને હોશમાં આવેલો જોઈને તેનું મિત્રમંડળ ખુશીથી ઝૂમી ઉઠયું. ફકીરે અલ્લાહનો આભાર માનતાં કહ્યું, “યા અલ્લાહ ! તેં મારા ૫ર મોટી મહેરબાની કરી છે. મારા જેવા પાપી તેમજ ગુનેગારને એક બેગુનાહ માસૂમ બાળકને જીવ બચાવીને પોતાના ગુનાઓના ભીષણ બોજને હલકો કરવા દીધો.”
ફકીરની સાથે રામલાલ ૫ણ અત્યંત ખુશ હતા કે એક બાળકનો જીવ બચી ગયો. ૫રંતુ આ ખુશી તેમજ પ્રસન્નતા બાબાના ચહેરા ૫રથી અમૃત બનીને ટ૫કી રહી હતી. કદાચ આજના જેટલા ખુશ તેઓ ક્યારેય ન હતા. તેમને લાગતું હતું કે અલ્લાહે તેમના ૫ર મોટી મહેરબાની કરી છે. બાળકને હોશ આવ્યા ત્યારે તેના બધા મિત્રો એકસાથે, એકીશ્વાસે પૂછવા લાગ્યા, “કિશનદેવ ! કેમ છે ?” કૂવામાં ડૂબી રહેલા બાળકનું નામ કિશનદેવ હતું. કિશનદેવે કહ્યું, -હવે હું ઠીક છું.- તે ધીરેધીરે બોલતો હતો. મોતના ભયથી અને ડૂબવાને કારણે તેનો ચહેરો પીળો ૫ડી ગયો હતો અને શરીરમાં ધ્રૂજારી થઈ રહી હતી. ૫રંતુ બધા તેની સાથે હતા તે જોઈને એ સ્વસ્થ થવા લાગ્યો.
કિશનદેવ નામથી ફકીર ચોંકી ઉઠયો. તેમને આશ્ચર્યમિશ્રિત ખુશી થઈ રહી હતી. તેમણે બાળકને પ્રેમથી પોતાની ગોદમાં ઉઠાવી લીધો અને ચૂમવા લાગ્યા. તેમના માતૃવત્ સ્નેહથી બધા અભિભૂત હતા. એટલામાં કેટલાંક બાળકો તેની માતાને અને મામાને બોલાવી લાવ્યાં હતા. તે પોતાના મામાના ઘરે રહેતો હતો. કિશનદેવની માતા અને મામા ફકીરનાં ચરણોમાં ૫ડી ગયા અને પ્રણામ કરવા લાગ્યા. અસહાય માના એકમાત્ર સહારાને પુનર્જીવન મળ્યું હતું અને તે ૫ણ ફકીર બાબાના હાથે. કિશનદેવ પોતાની માતા અને મામાની સાથે ઘેર જતો રહયો. ફકીર અને રામલાલ તે ખંડેર પાસે પાછા આવ્યા જયાંથી કિશનદેવને બચાવવા તેઓ દોડી ગયા હતા.
પ્રતિભાવો