૧૧. બુદ્ધિ સંગત ધર્મ જ શ્રેષ્ઠ છે,
June 3, 2022 Leave a comment
બુદ્ધિ સંગત ધર્મ જ શ્રેષ્ઠ છે
ધર્મનો વિષય સદાયથી વિવાદગ્રસ્ત રહ્યો છે. પ્રત્યેક ધર્મ નેતા કે પ્રચારક પોતાના સિદ્ધાંતો અને આદર્શોને સર્વશ્રે ષ્ઠ માને છે. એટલાં માટે તે ઘણુંખરું બીજાના મતોનું ખંડન કરવા પણ લાગી જાય છે. બુદ્ધના સમયમાં એવી જ સ્થિતિ હતી. હવે તેઓ ‘કેસ પુત્તિય’ નામના બ્રાહ્મણોના ગામમાં પહોંચ્યા, તો ત્યાં ‘કાલામા’ ગોત્રના લોકોએ તેમને કહ્યું- “ભંતે ! અમારા ગામમાં કેટલાક બ્રાહ્મણ શ્રમણ (સાધુ) આવે છે, તેઓ પોતાના મતોનું સમર્થન કરે છે અને બીજાના મતોનું ખંડન કરે છે. વળી બીજા આવે છે, તે પોતાના સિદ્ધાંતોનું સમર્થન કરે છે અને બીજાના સિદ્ધાંતોનું ખંડન. ભંતે ! અમે કેવી રીતે જાણીએ કે કોણ સાચું છે અને કોણ ખોટું ?”
બુદ્ધે કહ્યું, “કાલામા ભાઈઓ ! સંદેહ ઊભો થવાનું સ્વાભાવિક છે. કોઈ વાતમાં ફક્ત એ કારણસર વિશ્વાસ ન કરો કે ઘણાબધા લોકો તેને માને છે; એટલાં માટે વિશ્વાસ ન કરો કે તે તમારા આચાર્યોએ કહેલી વાત છે. એ આધાર પર વિશ્વાસ ન કરો કે તે તમારા ધર્મગ્રંથોમાં લખી છે, પણ પ્રત્યેક વાતને પોતાના વ્યક્તિગત અનુભવની કસોટી પર તપાસો. જો તે તમને તમારા માટે અને બીજા માટે હિતકારી લાગે, તો તેને માની લો. ન લાગે તો ન માનો.”
ધર્મના નિર્ણય વિશે બુદ્ધની આ સંમતિ ખૂબ ઉચિત અને સ્પષ્ટ છે, તેનો કોઈ ઇનકાર કરી શકતું નથી. એ સાચું છે કે સાધારણ વ્યક્તિ ધાર્મિક સમસ્યાઓ પર ઠીકઠીક વિચાર કરી શકતા નથી અને કોઈ ગૂંચને ઉકેલવા માટે તેમને વિદ્વાનોની મદદ લેવી પડે છે. તેમ છતાં પ્રત્યેક વિષયમાં પોતે વિચાર કરવાનું પણ અતિ આવશ્યક છે અને જો કોઈ વાત બુદ્ધિથી વિપરીત, તર્કથી વિરુદ્ધ જણાય તો તેના પર સારી રીતે વિચાર-વિમર્શ કરવો. કેવળ શાસ્ત્રાજ્ઞા, પંડિતોની માન્યતા, ગુરુજનોના આદેશને આધારે કોઈ પણ વાત વિચાર્યા વિના સ્વીકારી લેવી એ અંધવિશ્વાસ જ કહેવાશે.
ધર્મની બાબતમાં આ પ્રકારનો મતભેદ કોઈ નવી વાત નથી. વૈદિક કાળ અને સ્મૃતિ કાળમાં પણ ભિન્ન ભિન્ન ઋષિઓનો મત ભિન્ન ભિન્ન હતો. વૈશેષિક, સાંખ્ય અને વેદાંત દર્શનોના મતોમાં પરસ્પર બહુ અંતર જોવા મળે છે. શૈવ અને વૈષ્ણવ એકબીજાના સંપ્રદાયોને સર્વથા અગ્રાહ્ય બતાવે છે. ચાર્વાક વગેરે મતવાળાઓ એ તો વેદોની ખુલ્લેઆમ નિંદા કરી છે અને તેના રચયિતાઓ માટે વિદૂષક, ધૂર્ત, નિશાચર વગેરે અપશબ્દોનો પ્રયોગ કરવામાં પણ શરમ નથી રાખી.
એટલાં માટે કોઈ પણ સંપ્રદાયના સંસ્થાપક કે ધર્મ સિદ્ધાંતના પ્રચારક માટે વિચાર્યા વિના નિભ્રાંત સ્વીકારી લેવા કે તેમના ઉપદેશોને આંખો મીંચીને સત્ય માની લેવા એ પ્રશંસાની વાત નથી. એટલાં માટે આપણા ગુરુઓ, ધર્મોપદેશકો પ્રત્યે તમામ પ્રકારે શ્રદ્ધા-ભક્તિ ધરાવવા છતાં પણ તેમના વિચારોને પરખીને ગ્રહણ કરવા એમાં કાંઈ ખોટું નથી.
પ્રતિભાવો