૧૭૮. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૯/૧૦/૨૦ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 23, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૯/૧૦/૨૦ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
સૂયવશાદ્ ભગવતી હિ ભૂયા અધા વયં ભગવન્તઃ સ્યામ્ । અદ્ધિ તૃણમધ્યે વિશ્વદાનીં પિબ શુદ્ધમુદકમાચરન્તી ॥ (અથર્વવેદ ૯/૧૦/૨૦)
ભાવાર્થ: હે મનુષ્યો ! જે રીતે ગાયો ઘાસ ખાઈને અને સ્વચ્છ પાણી પીને સંસારને દૂધ, ઘી વગે૨ે ઉત્તમ પદાર્થો આપે છે, તે જ રીતે તમે પણ સાત્ત્વિક આહાર ગ્રહણ કરીને હંમેશાં સંસાર પર ઉપકાર કરો.
સંદેશ : ભારતીય ધર્મગ્રંથોમાં ગાયને સૌથી વધુ પવિત્ર અને પૂજય માનવામાં આવે છે અને ગૌમાતાને શ્રેષ્ઠ આસન પર પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. ગૌરક્ષા, ગૌપાલન અને ગૌપૂજાને સૌથી વધુ મહત્ત્વ આપ્યું છે. માનવજાતિને માતા જેવો પ્રેમ, સ્નેહ અને વાત્સ્યભરી સહાય ગૌમાતા પાસેથી જ મળે છે. માનવીના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ગાયનું દૂધ એક સર્વશ્રેષ્ઠ પૌષ્ટિક આહાર છે. ગાયના દૂધમાં જેટલા ઉપયોગી ખનિજ ક્ષારો, રોગનિરોધક તથા બળવર્ધક જીવનતત્ત્વો છે, તેટલાં બીજી કોઈ વસ્તુમાં નથી. આયુર્વેદશાસ્ત્ર મુજબ ગાયનું દૂધ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક દૃષ્ટિથી સર્વોત્તમ છે. એ સાત્ત્વિક પીણું છે અને એના ઉપયોગથી મનુષ્યમાં આધ્યાત્મિક સદ્ગુણોની વૃદ્ધિ થાય છે.
ગાય આપણને ઘીદૂધ જ નહિ, પરંતુ છાણમૂત્ર પણ આપે છે, રોગનાં જંતુઓનો નાશ કરવામાં અને ખેતીના કાર્યમાં ખૂબ જ ઉપયોગી છે. ગાય મરી જાય ત્યાર પછી તેનું ચામડું મનુષ્યના કામમાં આવે છે. આ રીતે ગાયનું સંપૂર્ણ જીવન માનવજીવનની પ્રગતિનાં પારમાર્થિક કાર્યોમાં વીતે છે. ‘સાદું જીવન ઉચ્ચ વિચાર’નું સર્વશ્રેષ્ઠ આચરણ ગાયના જીવનમાં જોઈ શકાય છે. પોતાની જરૂરિયાતો ઓછામાં ઓછી રાખે છે અને સંસારની ભલાઈ વધુમાં વધુ કરે છે.
મનુષ્ય પણ આ આદર્શને પોતાના આચરણમાં ઉતારી લે તો આ ધરતી સ્વર્ગ બની જાય. એમાં ભોજનની સાદાઈ અને સાત્ત્વિકતા સૌથી વધુ મહત્ત્વનાં છે. શું ખાવું ? કેટલું ખાવું ? ક્યારે ખાવું ? કેમ ખાવું ? અને કેવી રીતે ખાવું ? આ બધા મૂળ પ્રશ્નો છે. તેમના પર આપણે હંમેશાં ધ્યાન આપવું જોઈએ. ભોજન લેવું તે મનુષ્યની પરમ પુનિત જવાબદારી છે. ઈશ્વરે આપેલ આ શરીરને શક્તિવાન બનાવવાની આ યજ્ઞીય પ્રક્રિયા છે. ભોજન લેવું તે એક પવિત્ર યજ્ઞકર્મ છે. યજ્ઞકુંડમાં આહુતિ આપતી વખતે જે શ્રેષ્ઠતા, પવિત્રતા અને પ્રસન્નતાનો ભાવ આપણા મનમાં રહે છે તે જ ભાવથી ભોજનનો કોળિયો મોંમાં મૂકવો જોઈએ. આવી માનસિક ભાવનાથી ખાધેલા અને પીધેલા પદાર્થો શરીરમાં આધ્યાત્મિક ગુણોની વૃદ્ધિ કરે છે. લૂખુંસૂકું ભોજન પણ જ્યારે પ્રેમ અને સંતોષની સાથે ગ્રહણ કરવામાં આવે છે ત્યારે તે અમૃત સમાન બની જાય છે. શુદ્ધ, સાત્ત્વિક, સાદું અને તાજું ભોજન આપણાં શરીર, મન, બુદ્ધિ અને આત્મા માટે હિતકારી હોય છે. ‘જીવવા માટે ખાઓ, ખાવા માટે ન જીવો, સ્વાદ માટે ન ખાઓ, આ જ બુદ્ધિશાળીની નીતિ છે.’
આ રીતે સાત્ત્વિક આહારથી બ્રહ્મચર્યપાલનનો સંકલ્પ સરળતાથી પૂરો કરી શકાય છે. મનુષ્યના રોમેરોમમાં ઉત્સાહ અને ઉલ્લાસની લહેરો પ્રગટે છે તથા પરોપકારના કાર્યમાં તન, મન અને ધન અર્પણ કરવાનું સાહસ જાગે છે.
સાત્ત્વિક આહાર જ શ્રેષ્ઠ જીવનનો આધાર છે.
પ્રતિભાવો