સુખદુઃખની જવાબદારી , ગાયત્રી વિદ્યા

આ સંસારમાં કેટલીયવાર એવી ઘટનાઓ બને છે, જે કુદરતના ઈન્સાફ વિરુદ્ધની હોય છે. એક સજ્જન સાવ ગરીબાઈમાં જીવન વિતાવી રહ્યો છે અને એક કુખ્યાત દુરાચારી મોજ કરી રહ્યો છે. સતત મહેનત કરનતાર ખેડૂત કે આખો દિવસ વજન ઊંચક્યા કરનાર મજૂર ઠોકરો ખાતો કરે છે અને દિવસભર ગાદીતયેિ બેસી બીજાની સંપત્તિ હડપ કરી જવાના પેંતરા કરનારા રોફ જમાવે છે. આ પ્રકારની ઘટનાઓ હાલના સમયમાં ઘણી વધી રહી છે, જેથી લોકોમાં એવો ભાવ ઉત્પન્ન થયો છે કે આ આત્મા-પરમાત્મા, લોક-પરલોક, પાપ-પુણ્યની વાતો સાવ નિરર્થક છે અને માનવીએ માત્ર સ્વાર્થની વાતો જ ધ્યાનમાં રાખવી જોઈએ. આ પ્રકારના ભ્રમમાં પડેલો માનવી અયોગ્ય કામ કરે છે, પોતાના દોષદુર્ગુણો ભૂલી જાય છે અને દોષનો ટોપલો બીજાના માથે ઓઢાડવાનો પ્રયત્ન કરે છે.

આ ચિંતાજનક પરિસ્થિતિથી બચવા આપણે કર્મનું રહસ્ય જાણવું જોઈએ. કઈ રીતે આપણાં સારાં-નરસાં કાર્યોનો પ્રભાવ આપણા અંતરાત્મા કે અંતઃમન પર પડે છે અને ક્યારેક તત્કાળ તો ક્યારેક લાંબા સમયગાળા બાદ ફળ સ્વરૂપે સામે આવે છે. જો આપણે સુખ કે દુઃખ આપનારાં કર્મોનું વિવેચન કરીએ, તો તે ત્રણ પ્રકારનાં જણાય છે સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ. સુખ તો માનવીની સ્વાભાવિક સ્થિતિ છે. સત્કાર્ય કરવું એ તેનો સ્વભાવ છે, એટલે સુખ મળવું સ્વાભાવિક છે. દુઃખમાં પીડા થાય છે, દુઃખથી લોકો ગભરાય છે અને તેનાથી છુટકારો ઈચ્છે છે. એટલે દુઃખોનું વિવેચન અત્રે ઉચિત રહેશે. આરોગ્ય વધારનારી માહિતીનું આરોગ્યવર્ધક શાસ્ત્ર અને રોગોના ઈલાજ માટેનું ચિકિત્સાશાસ્ત્ર બે અલગ અલગ વિષય છે. આ રીતે સુખ અને દુઃખનાં પણ બે અલગ અલગ વિજ્ઞાન છે. સુખ વધારવા ધર્માચરણ કરવું જોઈએ અને સ્વાસ્થ્ય સારું રાખવા પૌષ્ટિક આહાર લેવો જોઈએ. દુઃખ દૂર કરવા, રોગ મટાડવા તેનું નિદાન અને ઈલાજ જાણવાની જરૂર છે. કર્મની ગહન ગતિની જાણ થતાં જ દુઃખોનું રહસ્ય સમજી શકાય છે. દુઃખનાં કારણોનો ત્યાગ કરવાથી અનાયાસે દુઃખ દૂર થઈ જાય છે.

દુઃખ ત્રણ પ્રકારનાં હોય છે દૈવિક, દૈહિક અને ભૌતિક, જે દુઃખ મનને થાય છે તે બધાં ચિંતા, શોક, આશંકા, ક્રોધ, અપમાન, દુશ્મનાવટ, વિરહ,ભય વગેરે દૈવિક દુઃખ ગણાય. જે શરીરને થાય છે તે બધાં રોગ, વાગવું, અકસ્માત, આઘાત, ઝેર વગેરેથી થતાં દુઃખો દૈહિક ગણાય અને જે અચાનક અદશ્ય રીતે આવીને નુકસાન કરે છે તે બધાં જેવાં કે દુકાળ, ભૂકંપ, અતિવૃષ્ટિ, ચેપી રોગ, યુદ્ધ વગેરે ભૌતિક દુઃખ ગણાય. આ ત્રણ પ્રકારનાં દુઃખોની વેદનાથી માનવી તડપતો જોવા મળે છે. આ ત્રણે દુઃખ આપણાં સામાજિક, શારીરિક અને માનસિક કર્મોનાં ફળ છે. માનસિક પાપોના પરિણામે દૈવિક દુઃખ આવે છે, શારીરિક પાપોના ફળસ્વરૂપે દૈહિક દુઃખ અને સામાજિક પાપોના કારણે ભૌતિક દુઃખ આવે છે.

દૈવિક દુઃખ એટલે કે માનસિક યાતના ઉત્પન્ન થવાનું કારણ આપણાં માનસિક પાપ છે, જે સ્વેચ્છાથી તીવ્ર ભાવનાઓના આવેગમાં કરીએ છીએ. ઈર્ષ્યા, કૃતઘ્નતા, છળ, દંભ, કપટ, ઘમંડ, ક્રૂરતા, સ્વાર્થ વગેરે કુવિચારોને લીધે જે વાતાવરણ મનમાં ઊભું થાય છે તેનાથી અંતઃચેતના પર એવો જ પ્રભાવ પડે છે. જેવી રીતે ધુમાડાથી દીવાલો કાળી પડી જાય છે, તેલમાં પલળવાથી કપડું ચીકણું થઈ જાય છે, તેવી જ રીતે અંતઃચેતના રંગાય છે. આત્મા સ્વભાવે પવિત્ર છે. તે પોતાના ઉપર પાપના મૂળ જેવા કુવિચારો તથા પ્રભાવો જમા થવા દેવા માગતો નથી. કઈ રીતે આ ગંદકીને સાફ કરું ? એ જ એની મથામણ હોય છે. પેટમાં ખરાબ, નુકસાનકારક ખોરાક પડવાથી પેટ તેને દસ્તના રૂપમાં અથવા ઊલટીના રૂપમાં બહાર ફેંકી દે છે. આ રીતે તીવ્ર ઈચ્છાથી જાણી જોઈને આચરેલાં પાપોને બહાર કાઢી નાખવા આત્મા આતુર બની જાય છે. આપણને ખબર પડતી નથી, પરંતુ અંદરને અંદર આત્મા આ પાપનો ભાર હળવો કરવા ખૂબ વ્યાકુળ હોય છે. બાહ્યમન, સ્થૂળ બુદ્ધિને આ અદૃશ્ય પ્રક્રિયાની ખબર પડતી નથી, પરંતુ અંતઃમન પાપનો ભાર હળવો કરવાની તકો એકઠી કરવામાં ચૂપચાપ મંડ્યું રહે છે. અપમાન, નિષ્ફળતા, વિરહ, શોક, દુઃખ વગેરે એવા કેટલાય અવસરોને તે ગમે ત્યાંથી કોઈક દિવસ ખેંચી લાવે છે કે જેથી એ દુર્ભાવનાઓ તથા પાપી સંસ્કારોનું સમાધાન થઈ જાય.

શરીર દ્વારા કરવામાં આવેલી ચોરી, વ્યભિચાર, અપહરા, હિંસા વગેરેમાં મૂળભૂત કારણ મન છે. ખૂન કરવામાં હાથનો કાંઈ સ્વાર્થ નથી, પરંતુ મનનો આવેશ જ છે. આ પ્રકારનાં કાર્યો, જે કરતી વખતે ઈન્દ્રિયોને સુખ ન મળતું હોય તે બધાં માનસિક પાપ છે. આવાં પાપનું ફળ માનસિક દુઃખ સ્વરૂપો મળે છે. સ્ત્રી, પુત્ર વગેરે પ્રિયજનોનું અવસાન, આર્થિક નુકસાન, લોકનિંદા, અપમાન, પરાજય, નિષ્ફળતા, ગરીબી વગેરે માનસિક દુઃખ છે. આથી માનવીની માનસિક વેદના વધી જાય છે, શોક સંતાપ ઉત્પન્ન થાય છે, તે દુઃખી થઈ રડે છે, કકળે છે, આંસુ વહાવે છે, માથાં ફૂટે છે. આવા સમયે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં અધર્મનો આશરો છોડી ધર્મ તરફ વળવાની વૃત્તિ થાય છે.સ્મશાનમાં સ્વજનોની ચિતા સળગાવતાં કોઈને જીવનનો સદુપયોગ કરવાની ઈચ્છા થાય એવા કિસ્સા જોવા મળે છે. આર્થિક નુકસાન થતાં માનવી ભગવાનને યાદ કરે છે. પરાજિત અને નિષ્ફળ માનવીનું અભિમાન નાશ પામે છે. નશો ઊતરી જતાં તે હોશની વાતો કરે છે. માનસિક દુઃખોનો એક માત્ર ઉદ્દેશ્ય મનમાં ઘર કરી ગયેલાં ઈર્ષ્યા, કૃતઘ્નતા, સ્વાર્થપરાયણતા, ક્રૂરતા, નિર્દયતા, છળ, કપટ, દંભ તથા અભિમાનનો નાશ કરવાનો છે. આત્મા પર જામી ગયેલાં પ્રારબ્ધ કર્મોનું પાપ ધોવાઈ જાય એટલા માટે દુઃખ આવે છે. અગાઉનાં પ્રારબ્ધ કર્મોના નીચ સંસ્કારો ધોવા માટે પીડા અને વેદનાની ધારા વહે છે.

દૈવિક અને માનસિક દુઃખોનું કારણ જાણ્યા પછી દૈહિક-શારીરિક દુઃખોનું કારણ પણ જાણવું જરૂરી છે. જન્મથી ખોડખાંપણ અથવા વારસામાં મળેલા રોગનું કારણ પૂર્વજન્મમાં તે અંગોનો દુરુપયોગ છે. મૃત્યુ બાદ સૂક્ષ્મ શરીર બાકી રહે છે. નવા જન્મની રચના આ સૂક્ષ્મ શરીર દ્વારા થાય છે. આ જન્મમાં જે અંગનો દુરુપયોગ કર્યો છે તે અંગ સૂક્ષ્મ શરીરમાં અત્યંત નબળું બની જાય છે. કોઈ વ્યક્તિ અત્યંત વ્યભિચારી હોય તો સૂક્ષ્મ શરીરમાં એ અંગ સાવ નબળું બનતાં બીજા જન્મમાં નપુસંક તરીકે જન્મે એવું પણ બને છે. આ નપુંસકતા માત્ર કડક સજા નથી, પણ સુધરવાનો એક ઉત્તમ ઈલાજ પણ છે. થોડા સમયનો વિશ્રામ મળતાં ફરીવાર તે પુષ્ટ બની શકે છે. શરીરનાં અન્ય અંગોના શારીરિક લાભ માટે અસંયમિત, પાપ ભરેલા, અનીતિપૂર્ણ ખોટા રસ્તા અપનાવ્યા હોય તો આગળના જન્મમાં તે અંગ જન્મથી જ નિર્બળ અથવા સાવ નિષ્ક્રિય બની ગયેલું જોવા મળે છે. શરીર અને મનનાં સહિયારાં પાપો દૂર કરવા જન્મજાત રોગ અથવા ખોડખાંપણ થાય છે, ખોડખાંપણ અથવા નબળાઈને લીધે એ અંગે વધારે કામ કરવું પડતું નથી, જેથી સૂક્ષ્મ શરીરમાં તે અંગ વિશ્રામ મેળવી આગલા જન્મમાં ફરી તાજું થઈ શકે છે. સાથોસાથ માનસિક દુ:ખ થવાથી મનનું પાપ પણ ધોવાઈ જાય છે.

માનસિક પાપ પણ જે શારીરિક પાપ સાથે ભળેલું હોય છે તે જો કાયદાની સજા, સમાજ દ્વારા સજા અથવા પ્રાયશ્ચિત્ત રૂપે દૂર ન થાય તો આગલા જન્મ માટે જમા રહે છે, પણ જો પાપ માત્ર શારીરિક હોય અને તેમાં માનસિક પાપ સાવ નજીવું ભળેલું હોય તો તેનું ફળ તત્કાળ મળી જાય છે અને એ પાપ નાશ પામે છે. દારૂ પીધો અને નશો ચડ્યો, ઝેર ખાધું અને મોત આવ્યું, ખાવામાં અસંયમ રાખ્યો અને બીમાર પડ્યા. આ રીતે શરીર પોતાના સાધારણ દોષોની સફાઈ જલદી જલદી તેની સજા ભોગવી લઈને દૂર કરી લે છે, પણ ગંભીર શારીરિક દુર્ગુણો જેમાં માનસિક પાપો પણ જોડાયેલાં હોય છે તે આગળના જન્મમાં ફળ ભોગવવા સૂક્ષ્મ શરીર સાથે જાય છે.

ભૌતિક દુઃખોનું કારણ આપણાં સામાજિક પાપ છે. સમગ્ર માનવજાતિ એક સૂત્રમાં બંધાયેલી છે. વિશ્વવ્યાપી જીવતત્ત્વ એક છે, આત્મા સર્વવ્યાપી છે, જેવી રીતે એક સ્થળે યજ્ઞ કરવાથી આજુબાજુના વિસ્તારની પણ વાયુશુદ્ધિ થાય છે, એક સ્થળે દુર્ગંધ ફેલાવાથી આજુબાજુના વાતાવરણમાં પણ આ દુર્ગંધ ફેલાય છે. આ રીતે એક માનવીનાં દુષ્કૃત્યો માટે બીજા પણ જવાબદાર હોય છે. એક દુષ્ટ વ્યક્તિ પોતાનાં માબાપને શરમાવે છે, પોતાના પરિવારને શરમાવે છે. એ દુષ્ટ વ્યક્તિનાં કાર્યો સાથે આ બધાં નજીકનાં સગાંનું કર્તવ્ય પણ બંધાયેલું હોય છે. તેથી તેઓ બધાંને શરમ અનુભવવી પડે છે. પોતાના પુત્ર, કુટુંબી કે ઘરવાળાને ભણાવી ગણાવી સદાચારી ન બનાવી દુષ્ટ કેમ બનવા દીધો ? આ આધ્યાત્મિક જવાબદારી કુટુંબીઓની પણ છે. કાયદા દ્વારા તો માત્ર ગુનેગારને સજા મળે છે, પણ કુટુંબીઓનો આત્મા જાતે જ શરમાય છે કારણ કે તે સૌના ગુપ્ત મનની ચેતના એ કબૂલે છે કે આપણે પણ આવા કિસ્સામાં થોડાઘણા ય જવાબદાર તો છીએ જ. સમગ્ર સમાજ એક સૂત્રમાં બંધાયેલો હોઈ એકબીજાની દયાજનક, હીન પરિસ્થિતિ માટે સૌ અંદરોઅંદર જવાબદાર છે. પડોશીનું ઘર સળગતું રહે અને બીજો પડોશી ઊભો ઊભો તમાશો જોયા કરે, તો થોડીવાર પછી તેનું ઘર પણ સળગવાનું જ છે. ફળિયાના . એક ઘરમાં કોઈ ચેપી રોગ આવ્યો હોય અને બધા તેને રોકવાની ચિંતા ન કરે તો તેમણે પણ એ રોગના શિકાર બનવું પડે છે. કોઈ વ્યક્તિ પોતે સમર્થ હોવા છતાં પોતાની નજર સમક્ષ ચોરી, બળાત્કાર, હત્યા, લૂંટ વગેરે થતાં જુએ અને તે રોકવા પ્રયત્ન ન કરે તો તે ટીકાને પાત્ર બનશે અને કાયદાની જોગવાઈઓ અનુસાર સજાને પાત્ર પણ બનશે.

ઈશ્વરનો નિયમ છે કે દરેક માણસે જાતે સદાચારી જીવન જીવવું જોઈએ અને બીજા પણ અનીતિના માર્ગે ન ચાલે તેવા તનતોડ પ્રયત્નો કરવા જોઈએ. જો કોઈ દેશ કે જાતિ પોતાના તુચ્છ સ્વાર્થ માટે બીજાને દુષ્કૃત્યો આચરતાં ન રોકે, અત્યાચારો ગુજારવા દે તો તેમને પણ આ પાપ લાગશે . સ્વાર્થના આ સામૂહિક પાપનો સામૂહિક દંડ મળે છે. સ્વાર્થપ્રેરિત અને પરોપકારની અવગણના કરી આચરેલાં સામૂહિક દુષ્કૃત્યોને લીધે ધરતીકંપ, અતિવૃષ્ટિ, ચેપી રોગ, મહાયુદ્ધ વગેરે થાય છે.

એવું જોવા મળે છે કે અનીતિ આચરનારા અમીરોની સરખામણીમાં મૂગાં પશુ જેવું જીવન જીવતા ભલાભોળા લોકો પર દૈવી પ્રકોપ વધુ થાય છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિનું દુઃખ બિચારા ગરીબ ખેડૂતોએ વધારે ભોગવવું પડે છે. અન્યાય સહન કરનારો અન્યાય કરનારા કરતાં ઓછો પાપી નથી, એમ કહેવાય છે. કાયર માનવી જાલિમનો બાપ હોય છે. કાયરતામાં એ ગુણ હોય છે કે તે પોતાના પર જુલમ ગુજા૨વા બીજા કોઈકને નોતરું આપે છે. ઘેટાંનું ઊન જો ભરવાડ નહીં કાપે તો બીજો કાપી જશે. કાયરતા, કમજોરી, અજ્ઞાન વગેરે જાતે જ પાપ છે. આવા પાપીઓ ૫૨ ભૌતિક કોપ વધારે હોય એમાં નવાઈ પામવા જેવું શું છે ? બનવા જોગ છે કે તેમની કાયરતા દૂર કરી તેમને જાગૃત કરવા, ઉત્તેજિત કરવા અદ્દેશ્ય સત્તા દ્વારા આવી ઘટનાઓ બનતી હોય ! આ ભૌતિક દુર્ઘટનાઓ કુદરતનો દોષ નથી, પણ આપણા જ દોષને કારણે બને છે. અગ્નિમાં વારંવાર તપાવી સોનાની જેમ આપણને અણિશુદ્ધ કરવા આવાં દુઃખો વારંવાર એ દયાનિધિ મોકલે છે અને એ દ્વારા સંસારને કડક ચેતવણી આપી સામાજિક પાપો દૂર કરવાનો આદેશ આપે છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment