નાનું કુટુંબ સુખી કુટુંબ, બોધવચન -૭
September 17, 2021 Leave a comment
નાનું કુટુંબ સુખી કુટુંબ, બોધવચન -૭
બોધ : કુટુંબ નાનું હોવું જોઈએ. બાળકોની સંખ્યા ઓછી હોવી જોઈએ. વધારે પડતાં પ્રજનનથી અનેક હાનિઓ થાય છે. માતાનું આયુષ્ય અને આરોગ્ય ઘટે છે. નવા સભ્યો વધવાથી પરિવારની સગવડોમાં કાપ આવે છે. પરિવારના સંચાલકને કુટુંબનું પાલનપોષણ કરવા માટે વાંચીની ઘાણીના બળદની જેમ વૈતરૂ કરવું પડે છે.
બાળકોની સંખ્યા વધવાથી થતાં ત્રણ મુખ્ય નુકશાન ( ૧ ) જનનીનું સ્વારથ્ય બગડે છે ( ૨ ) પરિવારના સભ્યોની સગવડોમાં કાપ ( ૩ ) સંચાલક પર ખોટો બોજ અને અનીતિ કરવાની મજબૂરી.
રઘુવંશની પરંપરા :
ભારતીય સંસ્કૃતિમાં શ્રેષ્ઠ વ્યક્તિઓએ ઓછાં સંતાનોનો ક્રમ જ અપનાવ્યો છે. રઘુવંશમાં એક એકથી ચડિયાતા રાજાઓ થઇ ગયા, પણ એમણે સંતાનો તો મર્યાદિત જ રાખ્યાં હતાં. દીલીપ રાજાના પુત્ર રઘુ, રઘુના અજ, અજના દશરથ એ બધાંએ સંતાનો મર્યાદિત રાખ્યાં છે. દશરથજીથી પણ કૌશલ્યા અને કૈકેયીને એક એક તથા સુમિત્રાને બે પુત્રો થયા. શ્રીરામને પણ બે પુત્રો જ હતા. માત્ર રામે જ નહીં, પણ તેમના ભાઈઓએ પણ આ મર્યાદા પાળી છે.
ઘટતાં સાધન વધતી વસ્તી :
ગૃહસંચાલકની વિડંબના :
આજે વસ્તી વધારો એ કુટુંબથી માંડીને વિશ્વસ્તર સુધી ચિંતાનો વિષય બની ગયો છે. એક સર્વેક્ષણ મુજબ ૮૦ ટકા કુટુંબો એવાં છે કે જેમની પાસે સાધનો ઓછાં છે અને જવાબદારી વધારે છે. જ્યારે કુટુંબમાં નવું બાળક જન્મે છે, ત્યારે પરિવારમાં લગભગ દોઢ વ્યક્તિ જેટલો ભાર વધે છે. પ્રજનન વખતે જેટલી વ્યક્તિઓનો સમય ખર્ચાય છે, લાલનપાલનમાં જેટલા સમય અને શક્તિનો વ્યય થાય છે, તેની સરેરાશ બાળક ઉંમરલાયક થાય ત્યાં સુધી દોઢ વ્યક્તિ જેટલી થઇ જાય છે. જેના લીધે કુટુંબનાં બાળકોની પ્રગતિ અવરોધાય છે.
એક મનોવૈજ્ઞાનિક સર્વેક્ષણ મુજબ ૮૩ ટકા લોકો હીનતાની ભાવનાથી પીડાય છે, કારણ કે મોટા કુટુંબનું ઈમાનદારીથી સારી રીતે થઇ શકતું નથી. આથી એમને ખોટા રસ્તા અપનાવવા પડે છે. તેથી સમાજમાં અનીતિ કરનારાઓમાં તેમની ગણતરી થાય છે. નૈતિક ફરજ અદા કરે તો કુટુંબના નિર્વાહનો પ્રશ્ન ઉભો થાય છે. આમ આત્મ ગુનેગારીથી તે પીડાય છે. આ ગુંચવાડાને લીધે ૮૩ ટકા લોકો હીનતાની ગ્રંથિથી પીડાય છે.
સત્પુરૂષોના પરિવાર :
જુદાં જુદાં ક્ષેત્રોમાં મહત્ત્વનાં કાર્યો કરનારા મૂર્ધન્ય લોકોનું રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ અધ્યયન કરવામાં આવ્યું તો માલુમ પડ્યું કે મોટાભાગના બધા લોકો પારિવારિક જવાબદારીઓથી મૂક્ત રહ્યા છે અથવા કુટુંબ નાનું રાખ્યું છે.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતાઓ કે જેઓ ગૃહસ્થ હતા, તેમણે કાં તો સંતાનો પેદા કર્યા જ નહીં અથવા તો તેમણી સંખ્યા મર્યાદિત રાખી. પંડિત મદનમોહન માલવીયાજી, લોકમાન્ય તિલક, મોતીલાલ નહેરૂ, જવાહરલાલ નહેરૂ, ચક્રવર્તી રાજગોપાલાચાર્ય, જયપ્રકાશ નારાયણ, આચાર્ય કૃપલાણી, સરદાર પટેલ જેવા અનેકની લાંબી યાદી બનાવી શકાય. એમણે કુટુંબ મર્યાદિત રાખીને જરૂરિયાતો ઉપર નિયંત્રણ મૂકી આત્મસંતોષ તથા લોકકલ્યાણની દૃષ્ટિએ કંઈક કરવામાં સફળતા મેળવી હતી. પ્રાચીન ઉદાહરણઃ દુષ્યતને ભરત એકનો એક જ પુત્ર હતો. જેથી તેનો વિકાસ સારી રીતે કરી શકાયો. તેના પ્રભાવથી આપણા દેશનું નામ ભારત પડ્યું. મહર્ષિ લોમેશે પોતાના પુત્ર શૃંગીને એટલો તેજસ્વી બનાવ્યો હતો કે દશરથ રાજાના પુત્રેષ્ટિયજ્ઞ માટે વશિષ્ઠ ઋષિ તેમને સન્માન સાથે બોલાવી લાવ્યા.
વ્યાસજીના એકમાત્ર પુત્ર શુકદેવજીને જ્ઞાન અને સંસ્કારની દૃષ્ટિએ તેમના પિતા કરતાં પણ શ્રેષ્ઠ માનવામાં આવતા હતા. ઋષિ જરકારૂએ પોતાના એકના એક સંતાન આસ્તિક મુનિને એવા પ્રખર બનાવ્યા હતા કે જન્મેજયના નાગયજ્ઞને તેઓ જ રોકી શક્યા હતા.
સંતાન સંખ્યા મર્યાદિત રાખીને ઉત્કૃષ્ટતા પેદા કર્યાના બીજા પણ ઘણા દાખલા છે. આપણે પણ આ મર્યાદા પાળીને સંખ્યા નહીં પણ ગુણવાન તથા સંસ્કારી બનાવવા તરફ ધ્યાન આપવું જોઇએ. તેમાં આપણું તથા સમાજનું હિત છે.
પ્રતિભાવો