સંકલ્પો આજે જ આચરણમાં લાવો…..
April 10, 2011 Leave a comment
સંકલ્પો આજે જ આચરણમાં લાવો…..
૧. મદદ નહીં તો પ્રાર્થના કરો જો તમે કોઈ વ્યક્તિ કે પ્રાણી કે જીવને મુશ્કેલીમાં જુઓ અને એ સમયે તમે તેની કંઈ મદદ ન કરી શકો એવી હાલતમાં હોવ તો કંઈ નહીં તો ભગવાનને તે વ્યક્તિ/પ્રાણી કે જીવની મદદ માટે પ્રાર્થના કરવાનો સંકલ્પ લઈ શકો.
૨. વર્ષમાં એક વાર જરૂરિયાત મંદ વ્યક્તિને મદદ કરો: દર મહિને તમારી કમાણીમાં વધુ નહીં તો માત્ર ૧00 રૂપિયા અથવા જો આવક વધુ હોય તો તે પ્રમાણે અમુક નાણા બાજુ પર રાખો, વર્ષના અંતે મંદિરમાં દાન આપવાને બદલે કોઈ એક જરૂરિયાત મંદ વ્યક્તિને મદદ કરી શકો.
૩. જમવાનું અડધું ન છોડશો જ્યારે જમવા બેસો ત્યારે થાળીમાં એટલું જ લો જે તમે જમી શકો, બની શકે તો એક વારમાં બધું એકસાથે થાળીમાં ભરી ન લેતા બે વાર થોડુ થોડુ લો પણ જમ્યા પછી થાળીમાં બિલકુલ વધવા ન દેશો. (ધ્યાન રાખો કે તમને આજે પેટ ભરીને જમવા મળે છે પણ દેશમાં અને વિશ્વમાં એવા ઘણા બાળકો છે જેમને એક કોળિયો પણ જમવા નથી મળતો, તો તમને જે મળે છે તે ખોરાકનો આદર કરો અને બગાડો નહીં.)
૪. ગમે ત્યા કચરો ન ફેંકો, દેશ તમારો જ છે: તમે ક્યાંક ઉભા છો અને તમારા હાથમાં કંઈક કચરો છે જે તમે ગમે ત્યા નાંખી દેશો તો મોટે ભાગે તમને કોઈ કંઈ કહેશે નહીં પણ સંકલ્પ લો કે ઓછામાં ઓછું કચરો તો તમે કચરાપેટીમાં જ નાંખશો. વધુમાં વધુ તો તમારે બે મિનિટ કચરાપેટી શોધવા માટે બગાડવી પડશે પણ તમને ગંદા ઘરમાં રહેવું પસંદ નથી આવતું તો ગંદા શહેર-ગંદા રાજ્ય-ગંદા દેશમાં રહેવું કેમ પસંદ કરશો.
૫. વીજળી બચાવો રૂમમાંથી બહાર નીકળતા પહેલા લાઈટ-પંખો-એસી-કમ્પ્યૂટર જરૂર ન હોય તો બંધ કરીને જ બહાર જાવ.
૬. માફી આપવાનો સંકલ્પ કરો ગત વર્ષમાં તમને ઘણા લોકોએ દુખ પહોંચાડયુ હશે પણ તે દરેક વ્યક્તિને કંઈકને કંઈક પરેશાની રહી હશે અને ન પણ હોય તો પણ તમે ભૂલી જાવ તે વ્યક્તિની સામે જઈને તેને માફ કરીને એકવાર સ્મિત આપો. તમને જે ખુશી મળશે તે શબ્દોમાં વર્ણવી નહીં શકો.
૭. સ્મિત આપો: દિવસમાં આપણે હજારો કામ કરતા હોઈએ છીએ નાના મોટા. તણાવમાં આપણે હસવાનું જ ભૂલી જઈએ છીએ. જીવનનો આધાર છે હાસ્ય અને આશા. દિવસની શરૂઆતમાં એક સ્મિત આપો, વાહન ચલાવતી વખતે, બોસ સાથે વાત કરતી વખતે, તણાવપૂર્ણ કામ કરતી વેળા ગમે ત્યારે.
૮. હકારાત્મક વિચારો દિમાગ તમારું છે તમે શું વિચારવા માંગો છે તે માત્ર અને માત્ર તમારા પર આધાર રાખે છે. કોઈ પણ વિષયનો હકારાત્મક પહેલું વિચારીને આગળ વધવા માટે તમને કોઈ રોકી ન શકો.
૯. પ્રેમનો એકરાર કરો: પ્રેમનો એકરાર માત્ર પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા વચ્ચે જ નથી હોતો માતા-પુત્ર, પિતા-પુત્રી, દાદા-પૌત્ર, મિત્ર-મિત્ર કોઈની પણ વચ્ચે હોઈ શકે છે. ઘણીવાર માત્ર એકરારને ન થવાના કારણે સંબંધોમાં ખટાશ આવી જતી હોય છે. તમને ગમતી વ્યક્તિને જણાવો કે તે વ્યક્તિ તમારા માટે કેવી રીતે ખાસ છે.
૧૦. ના પાડો આપણે વિચારીએ છીએ એટલું અઘરું કામ નથી. ન ગમતી વ્યક્તિ, ન ગમતી વસ્તુ, ન ગમતા ખોરાક માટે ના પાડતા શીખો. શરૂઆતમાં થોડુ અઘરું લાગશે પણ મગજ પર કોઈ ભાર નહીં રહે. હા, પણ ના પાડવામાં વિનમ્રતા ભૂલશો નહીં.
૧૧. હસો અને રડો જીવનમાં માત્ર ખુશી આવશે તેવી કલ્પના અથવા આશા રાખવી ખોટી નથી પણ વ્યાજબી પણ નથી. જેમ થાળીમાં દરેક જાતનો સ્વાદ ઇચ્છીએ છીએ તેમ જીવનમાં પણ બધી જ લાગણીઓ હોવી જોઈએ. સુખની સાથે દુખને પણ આવકારો જેથી ખુશીઓને વધુ આનંદ સાથે માણી શકાય.
પ્રતિભાવો