૨૯. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૮/૪૮/૧૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૮/૪૮/૧૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ત્રાતારો દેવા અધિ વોચતા નો મા નો નિદ્રા ઈશત મોત જલ્પિઃ । વયં સોમસ્ય વિશ્વહ પ્રિયાસઃ સુવીરાસો વિદથમા વદેમ ।। (ઋગ્વેદ ૮/૪૮/૧૪)
ભાવાર્થ : આળસ અને નકામા વાર્તાલાપથી બચવા માટે હંમેશાં કાર્યશીલ રહેવું જોઈએ. આપણે દુર્ગુણોથી દૂર રહીએ, શ્રેષ્ઠ સંતાનોને જન્મ આપીએ અને બધે આપણા જ્ઞાનની ચર્ચા થાય.
સંદેશ : જે માનવી “કામ કમ ઔર બાતેં અધિક’ ના સિદ્ધાંત ઉપર ચાલે છે, જે માનવીને આળસુ બનાવે છે અને ખોટી આત્મપ્રશંસા માટે પ્રેરિત કરે છે તે તમોગુણી અને રજોગુણી પ્રવૃત્તિ છે. આ દુર્ગુણ તેના સ્વભાવનું અંગ બની જાય છે. આળસુ માણસ અપ્રાકૃતિક જીવન જીવે છે અને પોતાને નુકસાન કરે છે. અજ્ઞાન અને આળસમાં ડૂબેલો માણસ અંધારામાં ભટકતો હોય છે. તે અહીંતહીંની બડાશ મારે છે અને પોતાની નિષ્ફળતાની જવાબદારી બીજા ઉપર નાખવાનો પ્રયાસ કરે છે. જ્ઞાની માણસ તેની ચાલને સમજી જાય છે. પરમાત્માની નજરથી કશું છૂપું રહેતું નથી. તે વારંવાર તેને સાવધાન કરે છે, ચેતવણી આપે છે, પણ તામસિક અને રાજસિક પ્રવૃત્તિઓને લીધે તેનાં આંખકાન બંધ રહે છે. તે કશું જોતો નથી, કશું સાંભળતો નથી. તે નિદ્રા અને આળસથી ઘેરાયેલો રહે છે અને આત્મપ્રશંસામાં ડૂબેલો રહે છે.
આપણે પોતાના ઉપર સંયમ રાખવો જોઈએ, આહાર, નિદ્રા તથા વિશ્રામ ઉપર યોગ્ય નિયંત્રણ રાખવું જોઈએ, તેમને પોતાના ઉપર સવાર થવા ન દેવાં જોઈએ. એમ કરવાથી આપણે શ્રેષ્ઠ બનીશું. ચારે બાજુ મધુરતા, સ્વચ્છતા, સાદગી અને સજ્જનતાનું વાતાવરણ ઉત્પન્ન કરી શકીશું. જો આપણે આપણા સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરીશું, તો આપણાં કર્તવ્યો પૂરાં કર્યા પછી ઘણો સમય આપણી પાસે ફાજલ રહેશે. તેને આપણે સમાજમાં ફેલાયેલી ખરાબ પ્રથાઓની નાબૂદીમાં ખર્ચી શકીએ છીએ.
આપણે આપણાં બાળકો, આશ્રિતો અને સહયોગીઓને આળસથી દૂર રહેવાનું શિક્ષણ આપવું જોઈએ. તેમની સામે એક શ્રમશીલ તથા સંયમી માણસનું ઉદાહરણ રજૂ કરવું જોઈએ. બાળપણથી તેઓમાં સદ્ગુણોનાં બીજા વાવતા રહેવું જોઈએ. આ એક દિવસનું કામ નહિ, પણ એક સતત ચાલતી પ્રક્રિયા છે. બાળમાનસ બહુ સરળતાથી દોષ-દુર્ગુણોના પ્રલોભનમાં ફસાઈ જાય છે. પૂરી સતર્કતાથી આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે તેમના દુર્ગુણો ઉત્પન્ન ના થાય. એક સજાગ ખેડૂતની માફક દરેક પળે ખેતરમાંથી નિંદામણ કરી સફાઈ કરતા રહેવું જોઈએ. દુર્ગુણોને શરૂઆતમાં જ ચડી નાખી તેમને આગળ વધતા અટકાવી દેવા જોઈએ. બાળકોને હંમેશાં સત્કર્મો તરફ જ પ્રેરિત કરતા રહીને તેમને રચનાત્મક કામોમાં જોડવાં જોઈએ, જેથી તેઓ સમાજમાં એક શ્રેષ્ઠ નાગરિકના રૂપમાં યશસ્વી બની શકે. સંતાન સુસંસ્કારી અને ચારિત્ર્યવાન બને, તે માટે માતાપિતાએ પોતાનાં સુખસુગવડોનો ત્યાગ અને બલિદાન આપવું જોઈએ. પોતાના આચરણથી દોષ-દુર્ગુણોને બહાર કાઢી
એક આદર્શ રજૂ કરવો પડે છે. આ વેદનો આદેશ છે. આળસ અને નિરર્થક વાતોથી હંમેશાં દૂર રહો. આ જ બ્રાહ્મણનો ધર્મ છે.
પ્રતિભાવો