૧૩. પ્રગતિ માટે શક્તિની આવશ્યકતા
July 8, 2022 Leave a comment
પ્રગતિ માટે શક્તિની આવશ્યકતા
જીવન અને સંસારની સતત ક્રિયાશીલતા, કર્મની વિભિન્ન અભિવ્યક્તિ, સૃષ્ટિનો સમગ્ર કાર્યવ્યાપાર ‘શક્તિ’ ના સ્પર્શથી જ સંચાલિત છે. શક્તિ વિના સંસાર અને જીવનની ક્લ્પના પણ કરી શકાતી નથી. બીજા શબ્દોમાં શક્તિ જ જીવન છે. શક્તિનો અભાવ જ મૃત્યુ છે. શક્તિનો સ્પર્શ પામીને જડ તત્વો પત્ર મહત્વર્ણ બની જાય છે. નિર્જીવ કોલસો અગ્નિનું તેજોમય રૂપ ધારણ કરી લે છે. ગ્રહ, નક્ષત્રો સૌ પોતપોતાની જ્ગાએ આકાશમાં અધ્ધર લટના હોવા છતાં શક્તિને કારણે જ સ્થિર છે. જો શક્તિનું અસંતુલન પેદા થઇ જાય તો એક્બીજા સાથે અથડાઈ જાય. સમસ્ત બ્રહ્માંડ નષ્ટ-ભ્રષ્ટ થઇ જાય. શક્તિનો સહારો લઇને જડવસ્તુઓ પણ ગતિશીલ બની જાય છે. ચેતનશક્તિને કારણે પંચતત્ત્વનું બનેલું માનવશરીર યંત્ર કેવાં કેવાં ગજબ કામ કરી બતાવે છે. વિજળીની શક્તિથી લોખંડ, તાંબાના બનેલા પંખા, મોટર, રેલ્વે, બલ્બ વગેરે કેવાં મહત્વપૂર્ણ કાર્ય સંપન્ન કરે છે ? શક્તિ અસંભવને સંભવ કરે છે.
શક્તિનો સ્રોત ગતિશીલતા, કર્મમાંથી જ ફૂટી નીકળે છે. આળસ જડતાથી શક્તિના સોન રૂંધાઇ જાય છે. મંદ પડી જાય છે અને એક દિવસ પૂર્ણતઃ બંધ પણ થઇ જાય છે, પરંતુ મનુષ્યને નિત્ય નવી શક્તિ પ્રાપ્ત થઇ જાય છે. એના શક્તિ સ્રોત અતૂટ રૂપે પ્રવાહિત થતા રહે છે. એ પોતાનાં ઘણાં કામ પૂરાં કરી નાખે છે ત્યારે ત્યાં સુધીમાં આળસુ વ્યક્તિ પોતાની મુશ્કેલીઓની ચર્ચા કરતો પડયો રહે છે અને કશું કરી શકતો નથી. આળસુ સૂઈને ઉઠે તે પહેલાં જ કર્મવીર ધણું બધું કરી લે છે. એની શક્તિઓ અતૂટ ધારાની જેમ નિત્ય નિરંતર વહેતી રહે છે. બેકાર પડી રહેનારી ભૂમિ વેરાન અને બીનઉપયોગી થઇ જાય છે. એનાથી ઉલટું નિયત સમયે પાક લેતા રહેવાથી એ ઉપજાઉ બનેલી રહે છે. કામમાં આવતાં રહેનારાં મશીન ઘણા સમય સુધી સક્ષમ બની રહે છે. જ્યારે બેકાર પડી રહેનારાં થોડા જ સમયમાં કાટ વગેરે લાગવાથી બીન ઉપયોગી બની જાય છે.
આળસની અપેક્ષાએ તો શક્તિનો દુરુપયોગ થવો પણ ઉત્તમ છે. શક્તિનો દુરુપયોગ એટલો ખરાબ નથી કે જેટલો એનો ઉપયોગ જ ન કરવો, આળસુ બન્યા રહેવું, આળસ જડતાનું નિવાસ સ્થાન છે જેમાં ન કોઈ ગુણ હોય છે ન દુર્ગુણ ત્યાં પરિવર્તન, સર્જન વગેરે માટે કોઇ ગુંજાઈશ રહેતી નથી. શક્તિના દુરુપયોગથી દુર્ગુણ તથા ખરાબ કામો માટે પ્રોત્સાહન મળી શકે છે, પરંતુ કેટલાક મહત્વપૂર્ણ ગુણ કર્મઠતા, સક્રિયતા, વ્યવસાય તો રહે જ છે. આ ગુણો હોવાથી કોઈને કોઈ દિવસ સારપ તરફ વળી જવાથી મનુષ્ય શક્તિનો સદુપયોગ પણ કરી શકે છે અને મહત્ત્વપૂર્ણ કાર્ય કરી શકે છે. ઝાડી-ઝાંખરાં જંગલોને કાપીને એક દિવસ એ ભૂમિમાં પાક ઉગાડી શકાય છે. ખરાબ રસ્તા પર ચાલનારી વ્યક્તિ એક દિવસ સારો પણ બની શકે છે. એક ભયંકર ડાકુ, લૂંટારા, મનુષ્યનો દૃષ્ટિકોણ બદલાતાં જ પૂર્વની કર્મઠતા અને સક્રિયતાના બળે મહર્ષિ વાલ્મીકિના રૂપમાં પ્રગટ થયો. અંગુલિમાલ ડાકુ બૌદ્ધ ભિક્ષુ બની ગયો. વિજયના ઉન્માદમાં હજારોનું લોહી વહેવડાવનાર અશોક મહાન અહિંસક બન્યો. ઇતિહાસમાં આવાં અસંખ્ય ઉદાહરણો ભરેલાં પડયાં છે. ખરાબી સાથે સક્રિય રહેનાર વ્યક્તિની પણ સુધરવાની આશા રાખી શકાય છે, પરંતુ આદર્શો સિદ્ધાંતો વધારનારા ઉપદેશ આપનારા, આળસુ લોકો માટે સુધરવાની કોઈ શક્યતા નથી. ખરેખર એ વ્યક્તિ એટલો ખરાબ કહી શકાય નહીં જે ખરાબ કામમાં લાગેલો રહે છે. ખરાબ વ્યક્તિ એ છે જે સારપના નામ પર આળસુ બની બેસી રહે છે.
કર્મશીલતા, કર્મસાધના જ શક્તિસંવર્ધનનો પ્રમુખ આધાર છે. કર્મ ગમે તેવું હોય, આખરે તો કર્મ જ છે. સૈનિક, વેપારી, લેખક, ઉપદેશક, શ્રમિક મજુર બધા પોતપોતાના સ્થાને કર્મશીલ છે. કોઈ કામને દઢ લગન, નિષ્ઠા, સચ્ચાઈ સાથે-સાથે દિલ ખોલીને કરવું કર્મસાધના છે જેનાથી શક્તિઓના સ્રોત ખૂલી જાય છે. આ શક્તિઃસ્રોત જ જીવનમાં સિદ્ધ બની જાય છે. આ સિદ્ધિ જીવનનાં વિભિન્ન ક્ષેત્રોમાં સફળતાનાં વરદાન પ્રાપ્ત કરાવે છે, મનુષ્યને સમર્થ, શક્તિવાન બનાવે છે.
પ્રગતિ માટે શક્તિની આવશ્યકતા છે. શક્તિ જ એ તત્વ છે જેના આધારે સુખ સુવિધા અને સાધનસામગ્રી ઉત્પન્ન થાય છે. નબળી વસ્તુ કે વ્યક્તિને ચરો સમજવામાં આવે છે અને પ્રકૃતિની વ્યવસ્થા એને જલદી જ નાશ કરવાની તૈયારી કરે છે. શરીર જ્યાં સુધી સશકત છે ત્યાં સુધી એને પ્રતિષ્ઠા, પ્રશંસા, પ્રેમ અને સહયોગ પ્રાપ્ત થાય છે. બીમારી કે કમજોરીની સ્થિતિમાં આંતરિક કષ્ટ અને બહારનો ખોટો વ્યવહાર ભોગવવો પડે છે. આ શરીર જો વધુ અશકત બનીને મૃત બની જાય તો પરિજન એને જલદી બાળવાની, દાટવાની, વહેવડાવવાની વગેરે તૈયારી કરે છે. જે તેઓ મોડું કરે તો એ મૃત શરીરમાં જાતે જ સડો પેદા થાય છે અને કીડા ઉત્પન્ન થઈને એને સમાપ્ત કરી દે છે. જંગલમાં પડેલાં મૃત શરીર ગીધ, કાગડા, શિયાળ કે કુતરાંનો આહાર બની જાય છે.
જે સબળ શરીર દ્વારા સિંહનો શિકાર કરવામાં આવતો હતો, રમતગમતની સ્પર્ધાઓમાં પુરસ્કાર મળતો હતો, રૂપ અને યૌવનનું ભારે આકર્ષણ રહેતું હતું, ઉપાર્જનનાં બધા દ્વાર ખુલ્લા રહેતાં હતાં એ જ શરીર અશકત થવાથી પોતાની બધી વિશેષતાઓ ખોઈ બેસે છે અને જોનારાઓની દૃષ્ટિમાં કુરૂપ, દીન, દયનીય બની જાય છે. લોકો એનાથી બચવા અને પીછો છોડાવવાની વાત વિચારવા લાગે છે. જે વસ્તુ જૂની થઈ જાય છે, સડીગળી જાય છે, નકામી અને શક્તિહીન થઇ જાય છે, તેને કચરામાં ફેંકવામાં આવે છે અને એનો નાશ કરીને એનાથી કશું નવું બનાવવાનો વિચાર કરવામાં આવે છે. વૃદ્ધાવસ્થા થવાથી મૃત્યુ પણ એ જ ઉદ્દેશ્યથી આવે છે.
જીવનને વધુ ઉપયોગી બનાવી રાખવા આપણે માટે શક્તિનો સંચય કરવાનું અને વિકસાવવાનું આવશ્યક છે. જે જેટલો શક્તિશાળી છે તેટલો જ લાભાન્વિત રહેશે. જે કંઇ આપણે ઇચ્છીએ છીએ એ આકાંક્ષાની પૂર્તિની સમસ્યા સામે આવતાં જ સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે કે શું એને માટે આવશ્યક શક્તિ આપણી પાસે છે ? જો અશક્તિ છવાયેલી હોય તો ઉન્નતિની વાત તો દૂર સુરક્ષા પણ સંદિગ્ધ બની જાય છે.
અશકત વ્યક્તિઓ પાસેથી એમની કમાયેલી કે ઉચિત અધિકારની વસ્તુઓને પણ ચોર, લુચ્ચા પડાવી લે છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનું પણ દુર્બળો માટે મુશ્કેલ હોય છે. સસલાં, મરધાં, કબૂતર, માછલી જેવા અલ્પ સામર્થ્ય ધરાવતા જીવ બીજા હિંસકો દ્વારા કાયમ સંતાપવામાં આવે છે. પ્રચંડ અગ્નિ માટે તેજ હવા સહાયક બને છે, એની પ્રચંડતાને વધારે છે. એ જ હવા બિચારા, કમજોર, દીપની જ્યોતને બૂઝાવી નાખવાનું ચૂક્તી નથી. આ સંસારનું આવું જ વિચિત્ર વર્તન છે.
પરમાત્મા પણ એની સહાયતા કરે છે જે પોતાની સહાયતા જાતે કરે છે. પ્રાચીન ઇતિહાસ, પુરાણોમાં અગણિત સિદ્ધ યોગીઓ અને ઈશ્વર-ભકતોના આત્મબળની કથાઓ આપણે વાંચીએ છીએ તો પરમાત્માની મહાનતા અને કરુણા પર ખૂબ પ્રસન્નતા થાય છે. પરંતુ જ્યારે એ વિચારીએ છીએ કે કોઈકોઈને જ વિશેષ કૃપાપાત્ર પરમાત્માએ કેમ બનાવ્યા અને એમને જ વિશેષ અનુગ્રહ તેમજ વરદાન પ્રદાન કરવાનો પક્ષપાત કેમ કર્યો ? તો એનો ઉત્તર સહજ જ મળે છે. યોગીઓ અને ભકતોએ પોતાના પ્રબળ પુરુષાર્થથી એ કૃપા પ્રદાન કરવા માટે વિશેષ કાર્ય કર્યા છે. એમાં ઇશ્વરની કરુણાની જેટલી પ્રશંસા છે એટલી જ ભક્તના પુરુષાર્થની પણ પુરુષાર્થના આધારને વરદાનનું પ્રતિફળ માનવામાં આવ્યું છે. ન્યાય અને નિષ્પક્ષતાની પણ આ જ આવશ્યકતા છે. ઇશ્વર પોતાને અન્યાયી અને પક્ષપાતી કહેવડાવનારાં કામ કરી શકે નહીં. એની પ્રત્યેક ક્રિયા સિદ્ધાંત અને મર્યાદાને અનુરૂપ જ હોય છે.
પ્રકૃતિ આ સંસારમાં બધું સ્વસ્થ, સુન્દર, સમર્થ અને સમુન્નત જોવા ઇચ્છે છે. એમાં જ્યાં પણ ઊણપ આવે છે ત્યાં એ કુરૂપ ચીજોને મિટાવી દઈને નવી સુંદર ચીજો ફરી બનાવવાનો પ્રયત્ન આરંભી દે છે. કુંભાર ઘણા પ્રકારનાં વાસણ અને રમકડાં બનાવતો રહે છે, એમાં કેટલાંક કુરૂપ અને દોષયુક્ત પણ બની જાય છે. કુંભાર એને તોડી નાખે છે અને એ જ માટીમાંથી બીજી સારી વસ્તુઓ બનાવે છે. પ્રકૃતિ પણ આ જ કરે છે. અશક્તિ અપનાવીને જેમણે પોતાનું જીવન કુરૂપ બનાવી નાખ્યું છે એમનો નાશ થવામાં જ પ્રકૃતિને સારપ દેખાય છે. “દૈવને દુર્બળતાનો ધાતક ” બતાવીને શાસ્ત્રકારોએ એક કટુ સત્ય રજુ કર્યું છે.
ઈશ્વરીય સહાયતા સૌ કોઈને મળે છે, મળી શકે છે, પરંતુ એનો નિયમ એ જ છે જે વિધાલયોમાં શિષ્યવૃત્તિ મેળવનારા વિધાર્થીઓને લાગુ પડે છે. જે સારા ગુણથી ઉત્તીર્ણ થાય છે, પોતાના પ્રબળ પુરુષાર્થનો પરિચય આપે છે, એમને આગળ વધવા માટે શિષ્યવૃત્તિઓ મળે છે. સરકાર અને દાની વ્યક્તિઓ પણ આ આધારે જ સહાય કરે છે. જે વિધાર્થીઓ પોતાની શ્રમશીલતાનો પરિચય આપી શકતા નથી, નાપાસ થાય છે અથવા પાછળ રહે છે, એમને શિષ્યવૃત્તિ આપવામાં અધિકારી કે દાની પોતાની સહાયતાનો દુરુપયોગ થશે એમ વિચારે છે અને એ પ્રકારના વિધાર્થીઓને નિરાશ રહેવું પડે છે. આ કટુસત્યનો આપણે ચારે બાજુ અનુભવ કરીએ છીએ. પ્રત્યેક વ્યક્તિ આ વાતનો સાક્ષી છે કે શક્તિ જ્યાં સુધી મોજૂદ છે ત્યાં સુધી એના માટે આ દુનિયા સ્વર્ગ સમાન સુખદાયક છે, પરંતુ જેવી એમાં ઓછપ આવવા લાગે તેવી જ સ્થિતિ બદલાવા લાગે છે. સુખનાં સાધનો જ દુઃખદાયક બની જાય છે. ત્યાં સુધી કે જે શરીરને એટલા પ્રેમ, મનોયોગથી સાચવ્યું હતું એ પણ પીડા અને પરેશાની ઉત્પન્ન કરવા લાગે છે.
શક્તિની ઉત્પત્તિ અવરોધથી થાય છે. નદીમાં પાણીનો પ્રબળ પ્રવાહ વહેતો રહે છે, એ પોતાની રીતે ચાલ્યા કરે છે અને સમુદ્રમાં પોતાનું અસ્તિત્વ સમાપ્ત કરી દે છે, પરંતુ એ પ્રવાહને ક્યાંય રોક્વામાં આવે તો અવરોધ સ્થાને શક્તિનો ઉદ્દભવ થવા લાગે છે. ગંગોત્રી અને ઉત્તરકાશી વચ્ચે ગંગાની ધારા વચ્ચે પથ્થરની મોટી મોટી ચટ્ટાનો સાથે જળ-પ્રવાહ અથડાય છે ત્યાં પાણી ભયાનક રીતે ઉછળે છે, ભારે અવાજ કરે છે અને ત્રીસ ત્રીસ ફૂટ ઊંચે છાંટા ઉછાળે છે. આ દેશ્યને જોવા માત્રથી ડર લાગવા માંડે છે. જો એ ચટ્ટાનો હટાવી દેવામાં આવે તો પ્રવાહ સાધારણ રીતે વહેવા લાગશે અને એ ભયાનક શક્તિ-ઉદ્ભવનું દૃશ્ય સહજ જ સમાપ્ત થઈ જશે.
ધનુષ્યની દોર જ્યારે ખેંચાય છે ત્યારે એમાં નીરને દૂર ફેંક્વાની શક્તિ આવે છે. જો આ દોર ઢીલી પડી રહે તો એનાથી તીર ફેંકવાનું કામ સહેજ પણ થઈ શકે નહીં મનના અસ્તવ્યસ્ત પ્રવાહને એકાગ્રતાપૂર્વક રોકીને એક દિશામાં લગાવનારા સાધક એની મહાન શક્તિથી મહત્વપૂર્ણ પ્રયોજન સિદ્ધ કરે છે. વૈજ્ઞાનિકોથી માંડીને યોગીઓ સુધીનાએ અત્યાર સુધીમાં અગણિત સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એ બધાનું શ્રેય મનને રોકીને એક દિશામાં લગાડી રાખવાની સફળતામાં જ સમાયેલું છે. કામવાસનાનું દમન કરીને બ્રહ્મચર્યથી રહેનારા લોકો શરીર, મન અને આત્માની તેજસ્વિતા પ્રાપ્ત કરે છે. લોભ અને મોહને ઠોકર મારીને આદર્શવાદનો માર્ગ અપનાવનારા મહાપુરુષાનું નામ અમર થાય છે. લાલસા અને વાસનાના સામાન્ય મમાં આગળ વધતા રહેનારા લોકો કોઈ રીતે જીંદગી તો પસાર કરી લે છે પણ એમને એનો વાસ્તવિક લાભ મળતો નથી. પ્રાચીન કાળમાં બાળકોને ગુરુકૂળોમાં રહીને કષ્ટસાધ્ય જીવનનો અભ્યાસ કરતા જઈને શિક્ષા પ્રાપ્ત કરવાની વ્યવસ્થા હતી. કઠોરતા સાથે ટકરાઈને વિકસિત થનારાં બાળકોનું શૌર્ય અને સાહસ વિકસતાં હતાં. અમીરીના વાતાવરણમાં ઉછરનારા છોકરા વિલાસી અને રેંજીપેંજી જ બની શકે છે. જીવન સંઘર્ષમાં લડવાનો જ્યારે વારો આવે છે ત્યારે એમની સુકોમળતા એમને અફળતા, નિરાશા અને પરાજય જ આપે છે.
ચટ્ટાનો પર ઉગનારાં દેવદારુનાં વિશાળ વૃક્ષો બહુ ઉચાં વધે છે અને ઋતુપ્રતિકૂળતાની પરવા ન કરતાં હિમપ્રદેશોમાં દીર્ઘકાળ સુધી જીવિત રહે છે, પરંતુ બગીચામાં ઉછરનારી સુકુમાર ફૂલવાડી સહેજ ટાઢ કે તડકામાં પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસે છે. પહેલવાનીનું શ્રેય એને મળે છે જે સદા અખાડાની માટીથી પોતાનું શરીર ધસતો રહે છે. પથ્થર સાથે ધસાયા વિના હથિયારની ધાર તેજ ક્યાં થાય છે ?
શક્તિ સંચયમાં જીવનની પ્રખરતા એટલા માટે છે કે એમાં અવરોધની પ્રતિષ્ઠા દ્વારા ઉત્પન્ન થયેલી તેજસ્વિના ભરી રહે છે. વિજળીની ઉત્પત્તિ ધસારાથી જ થાય છે. સંઘર્ષનું નામ જ જીવન છે. જેવી સક્રિયતા સમાપ્ત થઈ કે જીવનનો પણ અંત આવી જાય છે. આળસુ અને અકર્મણ્ય મનુષ્યોની ગણના અડધા મરેલાઓમાં થાય છે. પૂરા મરેલા તો એમને એટલા માટે નથી કહી શકતા કે ખાતા-પીતા, બોલતા ચાલતા, હરતા-ફરતા આદમીને સ્મશાન કે કબરસ્તાનમાં નથી લઈ જઈ શકાતો. પરંતુ સાથે જ એમને જીવિત કહેવાનું પણ મુશ્કેલ છે, કેમકે જીવનનો અર્થ છે સંઘર્ષ, પુરુષાર્થ. જેણે પુરુષાર્થ કરવાનો ઇન્કાર કરી દીધો એ જીવનપ્રતિ આસ્થા જ ખોઈ બેઠો. આવા લોકોને પણ જો જીવિત કહેવામાં આવે તો એ જીવન તત્વનો ઉપહાસ જ ગણાય.
જીવનને શક્તિશાળી બનાવવાની આવશ્યકતા આપણે સારી રીતે સમજી લેવી જોઇએ. વધુમાં એ પણ જાણી લેવું જોઇએ કે શક્તિનો સ્રોત સંઘર્ષ છે. ઢગલા પર સરકનારો, આરામમય જીંદગી પસાર કરવાનો કાર્યક્રમ મૃત્યુના દિવસો પૂરા કરવામાં સહાયક તો બની શકે છે પણ આ માર્ગમાં બધી દૃષ્ટિએ માણસે ખાલી હાથ રહેવું પડે છે. શ્રમ કાર્ય વિના સંપત્તિ ક્યાં છે ? ભણ્યા વિના વિધા કેવી ? સંયમ વિના સ્વાસ્થ્ય કેવું ? તપ કાર્ય વિના વરદાન કેવું ? તત્પરતાથી જ તો સૂતેલી શક્તિઓનું જાગરણ થાય છે અને જાગૃત શક્તિઓ જ તો વિભૂતિઓના રૂપમાં સાથે આવે છે.
પ્રતિભાવો