વધતા જોશનું નિયોજન, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો
February 7, 2021 Leave a comment
વધતા જોશનું નિયોજન, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો
કિશોર અવસ્થામાં નવું જોશ અને નવો ઉત્સાહ જાગે છે. આ ઉંમરે કંઈક કરવાની, કરી બતાવવાની ઇચ્છા બળવાન થાય છે. જો કુસંગ થઈ જાય તો બાળકો આ ઉમરે ચોરી, ચાલાકી, છેડછાડ હાથચાલાકી જેવી બાબતો શીખી જાય છે. એનાથી નૈતિકતાનું પતન થાય છે એવું તેઓ વિચારતાં જ નથી, ઊલટું પોતાની ચતુરાઈ, પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કરે છે. અંદરોઅંદર લડવું – ઝઘડવું, પરીક્ષામાં નકલ કરવી, શિક્ષકો કોઈ બાબતમાં ઠપકો આપે કે લડે, તો ક્રોધિત થઈને તેમની સાથે ઝઘડવા તૈયાર થઈ જવું વગેરે જેવી ઉદ્ધતાઈ કરવા લાગે છે. એનું કારણ એ છે કે એ ઉંમરે નાગરિકતા, નૈતિકતા, સમાજનિષ્ઠા વગેરે બાબતમાં ઉચિત- અનુચિતનો બોધ જાગૃત થયો હોતો નથી અને તેને જબરજસ્તીથી જાગૃત પણ કરી શકાતો નથી.
ધર્મનો અર્થ સજનતા, સમાજનિષ્ઠા તથા નીતિમત્તા જ છે, પરંતુ આજે તે પણ સાંપ્રદાયિક રીતિરીવાજોમાં બંધાઈ ગયો છે. એમના રીતરિવાજોમાં પણ ભિન્નતા હોય છે. એને વિવાદનો વિષય બનાવી અંદરોઅંદર ઝઘડે છે. ધાર્મિક કર્મકાંડ પાછળ જે તત્ત્વદર્શન છે અથવા પૂજાપાઠ છે તેમાંથી મોટા ભાગનું તો પોતાના ગુરુઓ, મહંતો દ્વારા ચલાવેલું હોય છે, એમાં સમય સમય પર સુધારો તથા પરિવર્તન પણ થાય છે. એક ધર્મ અર્થાત્ સાર્વભૌમ ધર્મમાં સર્વત્ર એકતા હોય છે. તે નીતિ, સદાચાર, સંયમ, ઉદારતા જેવા નીતિનિયમો પર ટકેલો છે. આપણે એના વાસ્તવિક રૂપને હૃદયંગમ કરવું જોઈએ અને રીતરિવાજોમાં જે મતભેદ છે તેની ઉપેક્ષા કરવી જોઈએ.
કિશોરોનું જોશ મોટે ભાગે ઉદંડતામાં, અહંકારમાં તથા પ્રચલનોને તોડવામાં વપરાતું જોવા મળે છે. ક્યારેક તો આ વિકૃતિ અશ્લીલ છેડછાડમાં પરિણમે છે. આથી ગુરુજનોનું કર્તવ્ય છે કે આ ઉંમરનાં બાળકો માટે એક આંખ પ્યારની અને બીજી આંખ સુધારની રાખવામાં આવે. પ્યારની એટલા માટે કે એની સાથે આત્મીયતા તથા ઘનિષ્ઠતા કાયમ રહે, પારકાપણાનો ભાવ ઉત્પન્ન ન થાય અને સુધારની આંખ એટલા માટે કે એનામાં પેદા થતા દોષદુર્ગુણો પર નિયંત્રણ રાખી શકાય. આ કાર્ય એટલી કુશળતાથી કરવું જોઈએ કે સાપ મરે પણ લાકડી ન તૂટે. બાળકો શિખામણ તથા આલોચના સાંભળીને ભડકે નહિ. આ કહેવું એટલે જરૂરી છે કે એમને કડકાઈથી કહ્યા વિના સીધા રસ્તા પર લાવી શકાતા નથી. માત્ર નમ્રતા અપનાવવાથી તો તેઓ વાતને મજાકમાં ગણી કાઢે છે અને એ ભૂલને ગંભીરતાથી લેતા નથી અને ઘણી વખત તો ઊલટા ચિડાય છે. આથી બુદ્ધિમત્તા એમાં છે કે વચલો રસ્તો કાઢવામાં આવે અને વિરોધ કે આક્રોશ વિના જ સુધારનો ઉદ્દેશ્ય પૂરો થાય.
કિશોરઅવસ્થામાં નૈતિક શિક્ષણની સમસ્યા પણ ઘણી વિચિત્ર છે. એને એકલા શિક્ષકો કે વાલીઓ હલ નથી કરી શકતા. બંને લડાઈ ઝઘડા અને ઉદંડતાથી ડરે છે. તેમને સમજાવતાં પોતાનો કક્કો ખરો કરે છે અને બળવો કરવા તૈયાર થઈ જાય છે. કોઈ એવો કડક દંડ પણ કરી શકાતો નથી કારણ કે એનું ભવિષ્ય બગડે અને બદનામી થાય. આવી પરિસ્થિતિમાં શિક્ષકો અને વાલીઓએ હળી મળીને રસ્તો કાઢવો જોઈએ. બંનેએ પરસ્પર ચર્ચાવિચારણા કરીને એવો રસ્તો કાઢવો જોઈએ કે બાળકો બળવાખોર ન બને. એમને સમજાવી પટાવીને કોઈ કામનું નેતૃત્વ પણ સોંપવું જોઈએ. સામાન્ય રીતે ઉદંડતા નેતાગીરીની આકાંક્ષાથી જન્મે છે. બીજાઓ કરતાં પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે બાળકો કાંઈ ને કાંઈ ઊંધીછત્તી હરકતો કરે છે. આવા બાળકોને મહામાનવોનાં ચરિત્રો વિશેષ રૂપે સંભળાવવાં જોઈએ, જેનાથી તેઓ પોતાની પ્રતિભાનો ઉપયોગ આદર્શ સ્થાપિત કરવા અથવા લોકોપયોગી મહત્ત્વપૂર્ણ કાર્યો કરવામાં કરે અને છેવટે સામાન્ય લોકોની તુલનામાં અસામાન્ય અને યશસ્વી પણ બને.
સંયુક્ત પ્રયત્ન જરૂરી
પ્રતિભાને બેધારી તલવાર માનવી જોઈએ. તેનો દુરુપયોગ કરવાથી મનુષ્ય બદનામ થાય છે તથા દંડ ભોગવે છે. આનાથી ઊલટું જેણે પ્રતિભાનો સદુપયોગ કર્યો તેઓ આગળ વધ્યા, ઊંચા ઉઠ્યા અને અગ્રણી કહેવાયા. આવા છોકરાઓની પ્રતિભા અને મહત્ત્વાકાંક્ષાને શ્રેષ્ઠતા તરફ વાળવામાં આવે, તો આગળ જતાં તેઓ કેટલાંક એવાં કામ પણ કરી શકે છે, જે માત્ર તેમના માટે જ નહિ, પણ આખા સમાજ માટે ઉપયોગી સાબિત થાય અને તેમણે મહાનતાના અધિકારી બનાવે. આવા છોકરાઓ સાથે કામ લેવું મુશ્કેલ તો છે જ, પરંતુ શિક્ષકો અને વાલીઓ રચનાત્મક રીતે તેમને સુધારે તો તેમને સુધારવા મુશ્કેલ પણ નથી.
પ્રતિભાવો