આદર્શ વાતાવરણવાળી સંસ્કારશાળાઓ, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો
February 7, 2021 Leave a comment
આદર્શ વાતાવરણવાળી સંસ્કારશાળાઓ, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો
વાતાવરણનો પ્રભાવ હંમેશાં વધારે હોય છે. શિક્ષકોની ઉપેક્ષા, વાલીઓની બેદરકારી અને સ્કૂલની અવ્યવસ્થા આ ત્રણે મળીને સામાન્યપણે છોકરાઓને ઉદંડ બનાવે છે. એમને પોતાના જેવા મિત્રો પણ મળી જાય છે, એટલે વાત વધુ વણસે છે.
આવી સ્થિતિમાં એ યોગ્ય ગણાશે કે ઠેરઠેર બાલસંસ્કારશાળાઓની સ્થાપના કરવામાં આવે. એમાં કિશોર અવસ્થામાં પ્રવેશેલા સૌમ્ય સ્વભાવના છોકરાઓને દાખલ કરવામાં આવે. પાઠ્યપુસ્તકનું જ્ઞાન પૂરું કર્યા પછી એવી ઘટનાઓ કે જેમાં પ્રગતિ અને દુર્ગતિનાં કારણો રહેલાં છે એમને આકર્ષક રીતે દર્શાવામાં આવે કે જેથી વિદ્યાર્થીઓને કુમાર્ગથી નુકસાન અને સન્માર્ગથી થતા ફાયદાનો બોધ સારી રીતે થતો રહે સંસ્કારશાળાઓનો ઉદ્દેશ્ય માત્ર જ્ઞાન આપવાનો જ નહિ, પરંતુ શ્રેષ્ઠ વાતાવરણ બનાવવાનો પણ હોવો જોઈએ. જે બાળકો સાચી દિશામાં પ્રગતિ કરી રહ્યા હોય એમની ભરપૂર પ્રશંસા કરવામાં આવે અને તેમના વાલીઓને પણ એમની વરિષ્ઠતાનો સંદેશ પહોંચાડવામાં આવે. પ્રશંસાથી બાળકનો ઉત્સાહ વધે છે. આ તથ્યને સદાય ધ્યાનમાં રાખવું જોઈએ.
એ કોઈ ભૂલ કરી રહ્યો હોય તો તે બધાની સામે ટીકાના રૂપેન કહેતાં એકાંતમાં એની ભરપૂર પ્રશંસા કરીને પછી એ નાની એવી ભૂલથી થનાર નુકસાન સમજાવવું જોઈએ અને એ બતાવવું જોઈએ કે ઉદંડતા કરવાથી બીજાને જે નુકસાન થાય છે એની તુલનામાં પોતાને ઘણું વધારે નુકસાન થાય છે. એકાંતમાં ધીરેથી ભૂલ સમજાવવાથી બાળક સમજી જાય છે અને પછી એવી ભૂલ નથી કરતો. બદનામ કરવાથી તો તેઓ ઉદંડ પણ બની જાય છે અને વિરોધી પણ બને છે.
બાળસંસ્કારશાળાના વિદ્યાર્થીઓની પ્રગતિની પ્રશંસા કરતા રહેવું જોઈએ. આનાથી વિદ્યાર્થીઓ પોતાને પ્રતિષ્ઠાને લાયક માને છે અને એવી ભૂલ નથી કરતા કે જેથી તેમની નિંદા થાય. પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખવાનો બધા પ્રયત્ન કરે છે.
બાળકોને નકલ કરવાની ટેવ હોય છે. આજકાલ સમાજમાં અનિચ્છનીય પ્રવૃત્તિઓનું વાતાવરણ છે. બાળકો એવી જ ચર્ચાઓ સાંભળે છે અથવા વાંચે છે ત્યારે એમનું મન પણ એ પ્રકારની નકલ કરવા પ્રેરાય છે. એટલે આપણી બાળસંસ્કારશાળામાં પુરાતન સમયના આદર્શવાદી મહામાનવોના શ્રેષ્ઠ પ્રસંગો જ રજૂ કરવા જોઈએ અને એમની જ ચર્ચા કરવી જોઈએ. હાલમાં વર્તમાનપત્રોમાં હત્યા, ચોરી, વ્યભિચાર વગેરેના સમાચારો જ ભરપૂર આવે છે. આવા પ્રસંગો જ્યારે પણ વાંચવા – સાંભળવા મળે ત્યારે તેની ઉગ્ર ટીકા કરવી જોઈએ.
આદર્શવાદી ઘટનાઓ પણ ઘણીવાર વર્તમાનપત્રોમાં આવે છે. એ કટિંગ કાપીને ફાઈલમાં રાખવું જોઈએ. પુરાતનકાળનાં એવાં સંસ્મરણોનો પણ સંગ્રહ કરવો જોઈએ. એમને પણ એક ફાઈલમાં રાખવાં જોઈએ. એ વાંચવાથી એવી અનુભૂતિ થાય છે કે આજે પણ નીતિ તથા સદાચાર જીવિત છે. એવી છાપ પડે છે કે આજનો સમય ફક્ત બૂરાઈઓથી જ ભરેલો નથી, ભલાઈ પણ જીવિત છે. આનાથી સદાચારને પ્રોત્સાહન મળે છે.
જો દુષ્ટતા વિશે જ સાંભળવા અને વાંચવામાં આવતું રહે તો વાંચનારનું મન પણ એ ખરાબ આદતો તરફ ઢળવા લાગે છે. એટલે આપણાં પુસ્તકાલયોમાં સત્ સાહિત્ય જ રાખવું જોઈએ. અશ્લીલ, અનૈતિક અને ખરાબ સાહિત્યથી બાળકોને જેટલાં દૂર રાખી શકાય તેટલાં દૂર રાખવાં જોઈએ, કારણ કે તે એક રીતે ઝેર જેવો ખરાબ પ્રભાવ પાડે છે. – શિષ્ટાચારમાં કેટલીક વાતો વિશેષરૂપે ધ્યાનમાં રાખવા જેવી છે, જેમ કે મોટા લોકો પોતાનાથી નાનાનું નામ લેતી વખતે નામ સાથે “જી” અથવા ભાઈ લગાડે, જ્યારે નાના મોટાઓનું નામ ન બોલતાં સંબંધથી સંબોધિત કરે. જેમકે ભાઈ સાહેબ, કાકાશ્રી, દાદાજી વગેરે. મોટા નાનાને “તું કહી શકે છે, પણ નાના મોટાઓ માટે ‘આપ’ શબ્દનો પ્રયોગ કરે. ગામડામાં જાતિ તથા વ્યવસાયના આધારે ઊંચનીચની માન્યતા હોય છે. હજામ, ધોબી, હરિજન વગેરેને નીચી જાતિના માનીને છોકરાઓ પણ તેમને નામથી અથવા “તું” ના સંબોધનથી બોલાવીને મોટાઓની નકલ કરે છે. આ યોગ્ય નથી. કોઈ કોઈપણ જાતિ કે વ્યવસાયનો માણસ હોય, પણ તે મોટો હોય તો હંમેશાં ‘આપ’ના સંબોધનથી અને નામ પછી જી કે ભાઈ લગાડીને બોલાવવો જોઈએ. સંબંધ દર્શાવતા શબ્દો જેવા કે કાકા કાકી જેવાં સંબોધનથી બોલાવનાર સભ્ય તથા સુશીલ ગણાય છે. પોતાને બોલવાની એક સારી ટેવ પડે છે. મહિલાઓને બહેનજી, કાકીજી, માસીબા, ફઈબા વગેરે સંબોધનોથી બોલાવવી જોઈએ.
પ્રતિભાવો