BD-1 : તેત્રીસ કોટિ દેવો શું છે ? – ૫ | કેટલાક ધાર્મિક પ્રશ્નોનું યોગ્ય સમાધાન
February 8, 2021 Leave a comment
તેત્રીસ કોટિ દેવો શું છે ? કેટલાક ધાર્મિક પ્રશ્નોનું યોગ્ય સમાધાન
હિન્દુ ધર્મમાં અનેક દેવી-દેવતાઓની માન્યતા છે. બ્રહ્મા, વિષ્ણુ મહેશ આ ત્રણ મુખ્ય દેવતાઓ છે. દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી, પાર્વતી વગેરે દેવીઓ તેમજ ઈન્દ્ર ગણેશ, વરણ, વાયુ સૂર્ય, ચન્દ્ર, ભોમ. બુધ ગુરુ શુક્ર, શનિ, અગ્નિ, પ્રજાપતિ વગેરે દેવતાઓ છે. ગંગા, યમુના, સરસ્વતી વગેરે નદીઓ: ગોવર્ધન, ચિત્રકૂટ વિધ્યાચલ વગેરે પર્વતો: તુલસી, પીપળો વગેરે વૃક્ષ: ગાય. – બળદ વગેરે પશુ; ગરુડ મોર વગેરે પક્ષી સર્પ વગેરેને પણ દેવતા માનવામાં આવે છે. ભૂત પ્રેતો કરતાં ઊંચા કારના દેવતા ભૈરવ ત્રિપાલ, યક્ષ, બ્રહ્મરાક્ષસ, વેતાલ, વીર, પીર, અને ઓલિયા વગેરે છે. ગ્રામ્ય દેવતાઓ, ભૂત-પ્રેત, ડાકણ-ચૂડેલ વગેરે છે. રામ, કૃષ્ણ, નૃસિંહ વરાહ, વામન, વગેરે અવતારોને દેવતાઓની કેટીમાં ગણવામાં આવે છે.
આ દેવતાઓની સંખ્યા તેત્રીસ કરોડની માનવામાં આવે છે. કોટી શબ્દના બે અર્થ કરવામાં આવે છે. (૧) શ્રેણી (૨) કરોડ. તેત્રીસ પ્રકારના, તેત્રીસ જાતિના આ દેવતાઓ છે. જાતિ, શ્રેણી કે કરોડ શબ્દ એ બહુવચનના અર્થમાં છે. આનાથી એમ સમજવામાં આવે છે કે દરેક કોટીમાં અનેક દેવ હશે અને તેત્રીસ કોટીઓ–શ્રેણીઓના બધા જ દેવ ભેગા કરીએ તો અનેક દેવો ભેગા થાય. કોટી શબ્દને બીજો અર્થ કરોડ થાય. તેનાથી તેત્રીસ કરોડ દેવતાઓના અસ્તિત્વનો ખ્યાલ આવે છે. હિંદુ ધર્મમાં દેવતાઓની સંખ્યા વધારે છે. આ બાબતો માનવી જ પડે વેદોમાં પણ ત્રીસથી વધારે દેવોનું વર્ણન છે.
દેવતાઓની આટલી મોટી સંખ્યા એક સત્યશોધકને મોટી મૂંઝવણમાં નાખી દે છે. તે વિચારે છે કે આટલા બધા દેવતાઓના અસ્તિત્વનું પ્રમાણ ક્યું છે? અને તેમનો ઉપયોગ શું? આ દેવતાઓમાં ઘણા બધા દેવતાઓ તો ઈશ્વર સમાન છે. આ પ્રમાણે બહુ “ દેવવાદ ” ઉત્પન્ન થાય છે. સંસારના બધા જ ધર્મો એક ઇશ્વરવાદ ને માને છે. હિંદુ ધર્મશાસ્ત્રોમાં પણ અનેક વચનો એક ઇશ્વર હોવાનું સમર્થન કરે છે. તો પછી આ અનેક ઈશ્વર કેવા ? ઈશ્વરની ઈશ્વરતામાં ભાગીદારી રાખવી એ કંઈ બુદ્ધિસંગત લાગતું નથી. અનેક દેવતાઓ પોતાની મરજી મુજબ મનુષ્યો ઉપર શાસન કરે શાપ કે વરદાન આપે સહાયતા કરે. વિઘ્ન ઊભું કરે આ એક પ્રકારની ઈશ્વરીય જગતની અરાજક્તા છે. કર્મફળના અવિચળ સિદ્ધાંતની પરવા કર્યા વગર ભેટપૂજા વડે પ્રસન્ન,અપ્રસન્ન થઈને શાપ કે વરદાન આપનાર દેવતાઓ એક રીતે તો ઈશ્વરીય શાસનયુક્ત જગતમાં ચોરી, ઘૂસણખોરી, ધાડ પાડવી તેમ જ અનાચાર ઉત્પન્ન કરે છે. આવી અનિચ્છનીય સ્થિતિને જોઈને કોઈપણ સત્યશોધકનું માથું ભમવા લાગે છે. તે સમજી શક્તો નથી કે ખરેખર આ બધો પ્રપંચ શું છે ?
દેવતાવાદ ઉપર સુક્ષ્મ રીતે વિચાર કરતા જણાય છે કે એક જ ઈશ્વરની અનેક શક્તિઓનાં અલગ અલગ નામ છે. જેમ સૂર્યનાં કિરણોમાં સાત રંગ છે. તે રંગ લીલો લાલ પીળો, વાદળી વગેરે અલગ અલગ તેનાં નામ છે. લીલાં કિરણો, અસ્ટ્રાવાયોલેટ કિરણો, એક્સ કિરણો, વિલ્ડન કિરણો વગેરે અનેક પ્રકારનાં કિરણો છે. તે દરેકનાં કાર્ય અને ગુણ જુદાં જુદાં હોવાથી તેમનાં નામ પણ જુદાં જુદાં છે. આમ છતાં તે બધાં સૂર્યનાં જ કિરણો છે. અનેક કિરણો હોવા છતાં સૂર્ય એક જ છે. તે જ રીતે એક જ ઈશ્વરની અનેક શક્તિઓને ગુણ અને કર્મ અનુસાર વિવિધ દેવતાઓના નામે ઓળખવામાં આવે છે. તેથી મૂલત: ઈશ્વર તો એક જ છે. એક માત્ર ઈશ્વર જ આ સૃષ્ટિના નિર્માતા, પાલનકર્તા અને નાશ કરનાર છે. તે ઈશ્વરની જે શક્તિ નિર્માણ અને ઉત્પાદન કરે છે તેને બ્રહ્મા, જે પાલન, વિકાસ અને શાસન કરે છે તે વિષ્ણું અને જે વિનાશ અને સંહાર કરે છે તેને શંકર છે છે. દુષ્ટોને દંડ આપનારી શક્તિ દુર્ગા, સિદ્ધિ આપનાર ગણેશ, દાન આપનાર સરસ્વતી, સમૃદ્ધિ આપનાર લક્ષ્મી, પાણી આપનાર ઈન્દ્ર ઉષ્ણતા આપનાર અગ્નિ, કર્મકળ આપનાર યમ, બળ આપનાર હનુમાન વગેરેને સમજવા જોઈએ. જેમ એક જ મનુષ્યનાં વિવિધ અંગોને હાથ, પગ, નાક કાન, આંખો એમ કહેવામાં આવે છે, તે જ પ્રમાણે ઇશ્વરીય સૂક્ષ્મ શક્તિઓનાં તેમના ગુણો પ્રમાણે નામ છે. આ જ તેત્રીસ કરોડ દેવતા છે.
કૈવાલ્યોપનિષદ્કાર ઋષિનું વિધાન છે કે-“સ બ્રહ્મા સ વિષ્ણુ: રુદ્રસ્સ શિવસ્સોક્ષરસ્સ પરમ સ્વરાટ ! સ ઇંદ્રસ્સ કાલાગ્નિસ્સ ચન્દ્રમા: “
અર્થાત “તે ઈશ્વર જ બહ્મા, વિષ્ણુ જ શિવ, અક્ષર સ્વરાટ ઈન્દ્ર, કાલ, અગ્નિ અને ચંદ્રમા છે.” આ જ પ્રમાણે ઋગ્વેદ મંડલ-૧ સૂક્ત ૧૬૪ મંત્ર ૪૬માં કર્યું છે કે –
“ઇંદ્ર મિત્રં વરુણમગ્નિમાહસ્થો દિવ્યસ્ય સુયર્ણૉ ગુરુત્માન ! એવં સ્દ્દ્વ્પાપ્તા બહુધા વદન્યગ્નિં યમં માતરિશ્વાન માહ: ||”
અર્થાત વિદ્વાનો ઇશ્વરને જ ઈન્દ્ર મિત્ર, વરુણ, અગ્નિ, ગુરુત્માન, દિવ્ય, સુપર્ણ, યમ, માતરિશ્તાના નામે બોલાવે છે. આ એક ઈશ્વરને જ અનેક નામોથી બોલાવવામાં આવે છે
આનાથી નક્કી થાય છે કે દેવતાઓનું અલગ અલગ અસ્તિત્વ નથી. ઇશ્વરનું તેના ગુણો અનુસાર દેવવાચક નામકરણ કરવામાં આવ્યું છે. જેમ અગ્નિ તેજસ્વી, પ્રજાપતિ-પ્રજાનું પાલન કરનાર, ઈન્દ્ર ઐશ્વર્યયુક્ત બ્રહ્મા– સર્જન કરનાર વિષ્ણુ-વ્યાપક, રુદ્ર-ભયંકર શિવકલ્યાણ કરનાર, માતારિશ્વા અત્યંત બળવાન, વાયુ–ગતિવાન, આદિત્ય-અવિનાશી, મિત્ર-મિત્રતા રાખનાર, વરુણ–ગ્રહણ કરવા યોગ્ય. અર્યમા-ન્યાય કરનાર સવિતા- ઉત્પન્ન કરનાર, કુબેર–વ્યાપક વસુ-બધામાં નિવાસ કરનાર, ચન્દ્ર આનંદ આપનાર, મંગલ-કલ્યાણકારી, બુધ-જ્ઞાન સ્વરૂપ બૃહસ્પતિ–સમસ્ત બ્રહ્માંડોનો સ્વામી. શુક્ર પવિત્ર, શનિ-સહજતાથી પ્રાપ્ત થનાર, રાહુ-નિર્લિપ્ત, કેતુ-નિર્દોષ, નિરંજન–કામના રહિત, ગણેશ–પ્રજાના સ્વામી. ધર્મરાજ-ધર્મના સ્વામી, યમ-ફળદાતા, કાળ–સમયરૂપ, શેષનાગ-ઉત્પત્તિ અને પ્રલય બાદ બચેલું, શંકર –કલ્યાણ કરનાર.
આ પ્રમાણે બીજા દેવોનાં નામોનો અર્થ પણ શોધવામાં આવે તો તેનાથી પરમાત્માનું જ જ્ઞાન થાય છે.
હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ બધા દેવતાઓની જુદી જુદી આકૃતિઓ- મૂર્તિઓ કેમ હોય છે? મૂર્તિઓની આવશ્યક્તા કોઈ બાબતની કલ્પના કરવા કે તેનું સ્મરણ કરવા માટે છે. કોઈ વાતનો વિચાર કરવા કે ધ્યાન કરવા માટે મગજમાં કઈ એક આકૃતિ બનાવવી પડે છે. જે કોઈ માણસ માનસિક રોગથી પીડાતો હોય તો તેના મગજમાં આકૃતિઓનું ચિંતન નથી કરી શક્તો માટે તે ચોક્કસ કોઇ જ પ્રકારનો વિચાર પણ નથી કરી શક્તો. કીડી–મકિડા આકૃતિઓની કલ્પના કરી શક્તાં નથી. માટે જ તેમના મનમાં કોઈ ભાવ ઉત્પન્ન થતો નથી. ઇશ્વર અને તેની શક્તિઓનો વિચાર કરવા માટે મનમાં પોતાની મેળે સહજ રીતે જ કોઈ આકૃતિ ઉત્પન્ન થાય છે. આવાં અદ્રશ્ય કારણો વડે ઉત્પન્ન થતી સૂક્ષ્મ આકૃતિઓનું દિવ્ય દ્રષ્ટિ વડે અવલોક્ન કરનાર યોગીઓએ આ ઈશ્વરીય શક્તિઓની, દેવી દેવતાઓની આકૃતિઓનું નિર્માણ કર્યું છે.
ચીન અને જાપાનના દેશોની ભાષા લિપિમાં જે અક્ષરે છે તે ઝાડ પશુ પક્ષી, નદી, વગેરેની આકૃતિઓ ઉપરથી બનાવ્યા છે. તે ભાષાઓના નિર્માતાઓનો ખ્યાલ એવો હતો કે જે વસ્તુને ઓળખવા માટે જે શબ્દનો પ્રયોગ કરવામાં આવે તે શબ્દને વસ્તુની આકૃતિ બનાવી દેવામાં આવે. આ પ્રણાલીનો ધીરે ધીરે વિકાસ કરીને એક વ્યવસ્થિત લિપિ બનાવવામાં આવી. દેવનાગરી લિપિના અક્ષરો શબ્દ વિજ્ઞાનની સૂક્ષ્મ આકૃતિઓ ઉપર આધારિત છે. તે આકૃતિને દિવ્યદ્રષ્ટિથી જોઇને યોગીજનોએ દેવનાગરી લિપિનું નિર્માણ કર્યું હતું. શરીરનાં મર્મસ્થાનોમાં જે સૂક્ષ્મ ગ્રંથિઓ છે તેનું અંદરનું રૂપ જોઈને ષટચક્રોનું વિજ્ઞાન બનાવ્યું છે. જે આધાર ચીની ભાષાની લિપિનો છે જે આધાર દેવનાગરી લિપિનો છે. જે આધાર ષટચક્રોની આકૃતિઓનો છે તે આધાર ઉપર જ દેવતાઓની આકૃતિઓ બનાવી છે. જે ઈશ્વરીય શક્તિના સ્પર્શથી માણસના અંતઃકરણમાં સંવેદનો ઉત્પન્ન થાય છે. સૂક્ષ્મ શરીરની જેવી મુદ્રા બને છે તેના આધાર ઉપર દેવતાઓની આકૃતિઓ બનાવવામાં આવી છે.
વિનાશ અને પતનને જેમ માણસના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. તેથી જ શંકર ભગવાનનું રૂપ વૈરાગી જેવું છે. કોઈ વસ્તુનું સર્જન થવાથી દરેક મનુષ્ય વૃદ્ધોની જેમ પોતાનું ઉત્તરદાયિત્વ સમજવા લાગે છે. તેથી બ્રહ્મા વૃદ્ધના રૂપમાં છે. ચાર વેદ અથવા ચાર દિશાઓ બ્રહ્માજીનાં ચાર મુખ છે. પ્રૌઢ અવસ્થામાં માણસ સ્વરૂપવાન, સશક્ત, પત્ની સાથે અને વિલાસ પ્રિય હોય છે. હજારો સર્પો સમાન વિપરીત પરિસ્થિતિઓ પણ તે પૌઢ માણસને અનુકૂળ બની જાય છે. શેષશય્યામાં પોઢેલા વિષ્ણુ ભગવાનની છબીમાં આપણે આ ભાવ અનુભવીએ છીએ. લક્ષ્મીજી ખૂબ જ સુંદર અને કમનીય લાગે છે. જ્ઞાન અને બુદ્ધિમાં સૌમ્યતા અને પવિત્રતા છે. સરસ્વતીની મૂર્તિમાં આ ભાવ છે. ક્રોધમાં આપણો અંતરાત્મા વિકરાળ રૂપ ધારણ કરે છે. તે વિકરાળ આકૃતિ દુર્ગા માતા છે. વિષય વાસનાઓને મધુર-અગ્નિથી સળગાવનાર દેવતા પુષ્પબાણધારી કામદેવ છે. જ્ઞાનના દેવતા ગણેશ હાથી જેવા ગંભીર છે. તેમને પેટ છીછરું નથી કે તેમાં કોઇ વાત ટકે જ નહીં, પરંતુ તેમના મોટા પેટમાં તો ઘણી બધી વાતો પહેલી હોય છે અને યોગ્ય અવસર આવે ત્યારે જ તે પ્રક્ટ થાય છે. જેની પાસે બુદ્ધિ હોય તે લાડુ ખાય. આ કહેવતને આપણે ગણેશ ભગવાનમાં ચરિતાર્થ થતી જોઈ શકીએ છીએ. તેમનું નાક લાંબુ છે અર્થાત તેમની પ્રતિષ્ઠા ઊંચી છે. ઈશ્વરની જ્ઞાનશક્તિનું મહત્વ દિવ્યદૃષ્ટિવાળા કવિઓએ ગણેશના રૂપમાં ચિત્રિત કર્યું છે. આ રીતે અનેક દેવોની આકૃતિઓ જુદાં જુદાં કારણોસર જુદા જુદા પ્રકારની બનાવવામાં આવી છે.
તેત્રીસ કરોડ દેવતાઓ માનવામાં આવે તો દરેક ક્ષેત્રમાં કામ કરનારી શક્તિઓ તેત્રીસ કરોડ હોઈ શકે છે. શારીરિક, માનસિક આત્મિક ધાર્મિક આર્થિક પારિવારિક વૈજ્ઞાનિક ભૌગોલિક વગેરે દરેક ક્ષેત્રોના દેવોની ગણતરી કરીએ તો તેમની સંખ્યા તેત્રીસ કરોડથી ઓછી ન થાય તે ક્ષેત્રોમાં પરમાત્માની વિવિધ શક્તિઓ જ કામ કરે છે તેથી તે પણ દેવ જ છે.
બીજું એ કે જ્યારે દેવવાદનો સિદ્ધાંત અસ્તિત્વમાં આવ્યો ત્યારે ભારતના લોકોની સંખ્યા તેત્રીસ કરોડની હતી. આ પવિત્ર ભારતભૂમિ ઉપર નિવાસ કરનાર બધા જ લોકોનું આચરણ અને વિચાર પવિત્ર હતાં. આખા વિશ્વમાં તેઓ પૃથ્વીના દેવતા તરીકે ઓળખાતા હતા. ત્રીજી વાત એ છે કે દરેક મનુષ્યના રહેનાર આત્મા એક પ્રકારે દેવતા જ છે. જેમ કોઈ બે રહેનાર માણસોનો દેખાવ એકસરખો નથી હોતો. તેમાં થોડો ઘણો તફાવત હોય છે. આ ભેદના કારણે દરેક મનુષ્યના વિચાર, વિશ્વાસ, શ્રદ્ધા તથા નિષ્ઠા દ્વારા બનેલા અંત:કરણરૂપી દેવતા અલગ અલગ હોય છે. આમ તેત્રીસ કરોડ માણસોના દેવતાઓ પણ તેત્રીસ કરોડ હોય છે.
દેવતાઓની આકૃતિઓને આપણે ચિત્રો અને મૂર્તિઓના રૂપમાં જોઈએ છીએ. કાગળ પર દોરેલાં ચિત્રો કાયમી હોતાં નથી, પરંતુ પથ્થર કે ધાતુમાંથી બનાવેલી મૂર્તિઓ ચિરંજીવ હોય છે. સાધના વિજ્ઞાનના આચાર્યો માને છે કે ઈશ્વરની જે શક્તિને આપણે મેળવવા માગતા હોઈએ તેનો વિચાર, ચિંતન, ધ્યાન અને ધારણા કરવાં જોઈએ. વિચાર શક્તિનું ચુંબકત્વ એ માણસ પાસેનું એવું સાધન છે કે જે અદ્રશ્ય લોકની સૂક્ષ્મ શક્તિઓને પોતાની પાસે ખેંચી લાવે છે. ધનવાન બનવા માટે ધનનું ચિંતન અને વિદ્વાન બનવા માટે વિદ્યાનું ચિંતન કરવું જરૂરી છે. વિશ્વનો કોઈપણ માનવી જે વિષયમાં આગળ વધ્યો છે. પારંગત બન્યો છે તેમાં તેણે એકાગ્રતા અને આસ્થા ઉત્પન્ન કરી છે. આનો એક આધ્યાત્મિક ઉપાય એ છે કે ઇશ્વરની તે શક્તિનું ચિંતન કરવું જોઈએ. ચિંતન માટે આકૃતિની જરૂર પડે છે. તે આકૃતિની મૂર્તિ કે ચિત્રના આધારે આપણી કલ્પના તેને સહેલાઈથી ગ્રહણ કરી શકે છે. આ સાધનની સુવિધા માટે મૂર્તિઓનો આવિર્ભાવ થયો.
ધનવાન બનવા માટે સૌથી પહેલાં ધન પ્રત્યે પ્રગાઢ પ્રેમભાવ હોવો જોઈએ. પ્રેમભાવ વગર ધનવાન બનવાની યોજના અધૂરી અને અસફળ રહે છે કારણ કે પૂરેપૂરી દિલચસ્પી અને રુચિ વગર કરેલું કોઈપણ કાર્ય સફળ થતું નથી. ધન પ્રત્યે પ્રગાઢ પ્રેમ, વિશ્વાસ, આશા અને આશ્વાસન મેળવવા માટે આધ્યાત્મિક શાસ્ત્રના મત મુજબ ઇશ્વરની ધનશક્તિ લક્ષ્મીજીને આપણા મનમાં મુખ્ય સ્થાન આપવું જોઈએ કારણ કે ઈશ્વરની ધનશક્તિનું સ્વરૂપ દિવ્ય દેષ્ટાઓએ લક્ષ્મીજી જેવું માન્યું છે. માટે લક્ષ્મીજીની આકૃતિ, ગુણ, કર્મ સ્વભાવથી યુક્ત એમની છાયા મનમાં ધારણ કરવામાં આવે છે. આ ધ્યાન સાધનામાં મૂર્તિ ખૂબ જ સહાયક બને છે. લક્ષ્મીજીની મૂર્તિની ઉપાસના કરવાથી મનમાં ધન મેળવવાને ભાવ ઉત્પન્ન થાય છે અને તે ભાવ જ ઈચ્છિત સફળતા સુધી લઈ જાય છે. આ પ્રકારે લક્ષ્મીજીની ઉપાસના કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. આ જ બાબત ગણેશ, શિવ, વિષ્ણુ હનુમાન, દુર્ગા વગેરે દેવતાઓને પણ લાગુ પડે છે.
ઇષ્ટદેવ પસંદ કરવાનો ઉદ્દેશ પણ આ જ છે. જીવન લક્ષ્ય નિશ્ચિત કરવું તેને આધ્યાત્મિક ભાષામાં ઇષ્ટદેવની પસંદગી કરવી કહે છે. અખાડાઓ, વ્યાયામશાળાઓમાં હનુમાનની મૂર્તિઓ જોવા મળે છે. વેપારીઓ લક્ષ્મીજીની ઉપાસના કરે છે. સાધુ-સંન્યાસી શિવજીની ઉપાસના કરે છે. ગૃહસ્થો વિષ્ણુ ભગવાનને પૂજે છે. શક્તિ મેળવવા ઈચ્છુક લોકો દુર્ગાને પૂજે છે. સ્થૂળ દ્રષ્ટિએ જોતાં આ દેવતાઓની સંખ્યા વધારે જોવા મળે છે. ઉપાસકોની સાધનામાં અંતર જોવા મળે છે, પરંતુ વાસ્તવમાં આ કોઈ અંતર નથી. ધારો કે એક માતાને ઘણાં બાળકે છે. એક બાળક ખાવા માટે રસોડામાં બેઠું છે. બીજું બાળક ક૫ડાં માગે છે અને કપડાંની બેગ ઉપર બેઠું છે. ત્રીજું બાળક પૈસા લેવા માટે પાકીટ ફેંદે છે. ચોથું બાળક ખોળામાં બેસવા માટે પ્રયત્ન કરે છે. બાળકેની ઈચ્છાઓ જુદી જુદી છે. તેઓ માતાના તે ગુણ ઉપર પોતાનું બધું જ ધ્યાન કેન્દ્રિત કરીને બેઠું છે કે જેની તેમને આવશ્યક્તા છે. ખોળામાં બેસવા માટે પ્રયત્ન કરતા બાળકને મન માતા એક સુંવાળું ઘોડિયું કે સરસ ઘોડો છે. પૈસા માટે પ્રયત્ન કરનાર બાળકને મન માતા એક બેંક છે. ભોજન મેળવવા ઇચ્છુક બાળકને મન માતા કંદોઈ છે. કપડાં મેળવવા ઇચ્છુક બાળકને મન માતા એક દરજી કે ધોબી છે.ચારેય બાળકો પોતાની ઈચ્છા અનુસાર માતાને જુદી જુદી દષ્ટિથી જુએ છે. તેની પાસે જુદી જુદી આશાઓ વ્યક્ત કરે છે છતાં પણ માતા તો એક જ છે. આ જ વાત અલગ અલગ દેવતાઓને પૂજનાર માણસોના સંદર્ભમાં કહી શકાય છે. ખરેખર આ સંસારમાં એક જ સત્તા છે અને પરમાત્મા પણ એક જ છે. તેના સિવાય બીજું કોઈ નથી, છતાં પણ મનુષ્ય પોતાના વિચાર અને સાધનાની દ્રષ્ટીએ ઇશ્વરની શક્તિઓને જુદા જુદા દેવતાઓના રૂપે માને છે.
શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના અધ્યાય-૯માં શ્લોક -ર૩ માં આ બાબતને સ્પષ્ટ કરવામાં આવી છે. યેયન્યદેવતા ભક્તા યજન્તે શ્રદ્ધયાવિતા : | તેપિ મામેવ કૌન્તય યજન્ત્ય વિધિપૂર્વકમ્ ||
અર્થાત હે અર્જુન જે ભક્તો, શ્રદ્ધાથી યુક્ત થઈને બીજા દેવતાઓને ભજે છે, તેઓ પણ આડકતરી રીતે તો મને જ પૂજે છે.
ગીતાના અધ્યાય-૧૧ શ્લોક-૩૯ માં અર્જુન કહે છે :
વાયુર્યમોગ્નિવર્રુણ: શશાંક: પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ | નમો નમસ્તેસ્તુ સહસકૃત્વ: પુનશ્ચ ભયોપિ નમો નમસ્તે !
અર્થાત “વાયુ યમ, અગ્નિ, વરુણ,ચંદ્ર પ્રજાપતિ વગરે તમે જ છે. તમને વારંવાર નમસ્કાર હો.”
જેમ બધી નદીઓનું પાણી સમુદ્રમાં જાય છે તેવી જ રીતે બધા દેવોને કરેલા નમસ્કાર કૃષ્ણ ભગવાનને જ મળે છે.
આ બધી બાબતો ઉપર વિચાર કર્યા પછી અખિલ વિશ્વ બ્રહ્માંડના એક જ દેવ પરમાત્મા છે. વિભિન્ન દેવતાઓ તેની જ શક્તિઓનાં જુદાં જુદાં નામ છે.આ દેવતાઓનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી.
દેવતાઓની મૂર્તિ પરમાત્માની તે શક્તિઓનું સ્મરણ કરાવે છે. કાગળ ઉપર લખેલા અક્ષરો એ કોઈ વસ્તુ નથી, પણ તે વાંચવાથી વસ્તુનું સ્વરૂપે આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. જેમ કે ‘હાથી’ આ બે અક્ષરો જ્યાં લખ્યા હોય ત્યાં પશુ ભલે ન હોય, પરંતુ આ બે અક્ષરોને વાંચતાં જ વિશાળકાય હાથીનું ચિત્ર મગજમાં આવી જાય છે. ભક્તિરસથી ભરેલાં ભજનો ગાવાથી માણસનું હદય ભક્તિભાવમાં લીન બની જાય છે અને ગંદુ સાહિત્ય વાંચવાથી વિષયવાસના, વ્યભિચાર વગેરેથી દૂષિત ભાવ મનમાં દોડવા લાગે છે. અક્ષ્રરો એક પ્રકારનાં ચિત્રો છે. તે ચિત્રોથી મનમાં કોઈ આકૃતિઓ બને છે અને પછી તે આકૃતિઓ સાથે સંબંધિત ભાવ-કુભાવ મનમાં ઉત્પન્ન થાય છે. મહાપુરુષોનાં ચિત્રો કે મૂર્તિઓને જો આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવે તો સ્વાભાવિક રીતે જ તે મહાપુરુષોના ગુણોનો પ્રભાવ મન ઉપર અંક્તિ થઈ જાય છે. મૂર્તિઓ એક પ્રકારનાં પુસ્તકો છે. તે પોતાને લગતા વિષયોની ભાવનાઓને દર્શકના મનમાં પેદા કરે છે. મૂર્તિ પૂજાનું આ જ તાત્પર્ય છે.
મંદિરની સ્થાપના, ભગવાનને ચઢાવાતો પ્રસાદ, ભેટ દક્ષિણા આપવી વગેરે શા માટે છે ? તેની ચર્ચા અમે અમારા “ઇશ્વર કોણ છે? ક્યાં છે ? કેવો છે ?” એ પુસ્તકમાં સવિસ્તાર કરી છે. મંદિરનો આરંભ એક ધર્મસંસ્થાના રૂપે થયો હતો. મંદિરની સાથે સાથે શાળા, પુસ્તકાલય, દવાખાનું વ્યાયામશાળા, સંગીતશાળા, પ્રાર્થના ભવન, ઉપદેશ મંચ વગેરે અનેક સાર્વજનિક પ્રવૃત્તિઓ જોડાયેલી હતી. તે પ્રવૃત્તિઓનું સંચાલન કરવા માટે એક નિ:સ્પૃહ ત્યાગી, વિદ્વાન, પરોપકારી બ્રાહ્મણ ત્યાં રહેતો જેને ગુરુ, પુરોહિત, આચાર્ય કે પૂજારી કહેવામાં આવતો હતો. એ પુરોહિતના જીવનંનિર્વાહ માટે તેમજ મંદિર સાથે સંબંધિત પ્રવૃત્તિઓના આયોજન માટે લોકો સ્વેચ્છાએ ધર્મભાવપૂર્વક દાન આપતા. આ દાન મંદિરમાં ભગવાન સમક્ષ ભોગ, પ્રસાદ ભેટ દક્ષિણા વગેરે રૂપે ચઢાવવામાં આવતું. તે ધન વડે મંદિરરૂપી સાર્વજનિક સંસ્થા ચાલતી હતી અને લોકોને તે દાનના બદલામાં ઘણો બધો લાભ મળતો હતો.
આજના જમાનાની અસર અજ્ઞાન અને અંધશ્રદ્ધાના કારણે દેવવાદમાં ઘણા દોષો પેસી ગયા છે. દેવતાઓની સામે નિર્દોષ પશુઓનાં બલિદાન મંદિરમાં મળેલી ભેટનો ઉપયોગ લોકકલ્યાણનાં કાર્યોમાં ન કરવો. મંદિર સંબંધી સાર્વજનિક પ્રવૃત્તિઓ બંધ થઈ જવી, દેવતાઓને લાંચિયા, ક્રુર, પક્ષપાતી. શાસકો જેવા માનવા, દેવતાની કૃપાથી વગર પ્રયત્ને સંપત્તિ મેળવવાની આશા રાખવી, તેમનામાં અલૌકિક ચમત્કારો માનવા મંદિરનો ઉપયોગ વ્યક્તિગત તુચ્છ સ્વાર્થો માટે કરવો વગેરે અનેક દોષો આજે ‘દેવવાદ’ સાથે જોડાઈ ગયા છે. આનું સંશોધન અને નિરાકરણ થવું જરૂરી છે. આવા દોષોના કારણે લોકોને ઘણું નુકસાન પહોંચે છે અને આવા પવિત્ર અને મહત્ત્વપૂર્ણ તથ્યને કલંક્તિ થવું પડે છે.
હિન્દુ ધર્મ દેવતાઓની પૂજાનો સ્વીકાર કરે છે. ‘દેવ’ નો અર્થ છે ‘આપનાર’, લેવનો અર્થ છે ‘લેનાર’ દેવ તેઓ છે જે પરોપકાર, લોકસેવા, સદાચાર, સત્યનિષ્ઠ વિદ્ધતા જેવા સદગુણોથી પરિપૂર્ણ છે. આવા દેવતાઓની પૂજા, પ્રતિષ્ઠા, પ્રશંસા અને અર્થવ્યવસ્થા કરવી એ સર્વસાધારણ માણસનું પરમ કર્તવ્ય છે. એમના આદર્શો આપણને તેમજ આપણી ભાવિ પેઢીને પ્રકાશ આપતા રહે તે માટે દેવતાઓનાં સ્મારક સ્થાપિત કરવાં ઉચિત અને આવાયક છે.
પરમાત્માનો માટે મહિમા આપણા મનમાં ભરનાર તે મહાશક્તિઓ જે ચિત્ર મૂર્તિ, અક્ષર, વિચાર કે વિશ્વાસના રૂપમાં આપણી નજર સમક્ષ રહે તો તેનાથી લાભ થવાની આશા છે. આપણો દેવતાવાદ મિથ્યા ભ્રમ, અંધવિશ્વાસ અને નિર્મૂળ કલ્પનાઓ ઉપર અવલંબિત નથી, પરંતુ મનોવિજ્ઞાન, અધ્યાત્મ વિજ્ઞાન અને સૂક્ષ્મ શક્તિઓના વિજ્ઞાન ઉપર આધારિત છે. આપણે દેવત્વ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને તેની ઉપાસના કરવી જોઈએ.
પ્રતિભાવો