૬. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૬/૯/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૬/૯/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
વસ્યોભૂયાય વસુમાન્ યજ્ઞો વસુ વંશિષીય વસુમાન્ ભૂયાસં વસુ મયિ ધેહિ ( અથર્વવેદ ૧૬/૯/૪)
ભાવાર્થ : હે માનવો ! ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો અને હંમેશાં એવો પ્રયત્ન કરતા રહો કે પરોપકાર વડે સંસા૨નું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ મળતું રહે.
સંદેશ ; આ મંત્રમાં માનવીને ત્રણ બાબતો માટે કહેવાયું છે (૧) ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો, (૨) પરોપકારનો માર્ગ અપનાવો અને (૩) શ્રેષ્ઠતા મેળવો.
ઈશ્વર ઉપરનો વિશ્વાસ ખૂબ મોટી વસ્તુ છે. અબોધ બાળક માના ખોળામાં પહોંચીને કે પિતાની આંગળી પકડી લઈને નિરાંત મેળવે છે. તેને પોતાનાં માતાપિતા ઉપર પૂરો વિશ્વાસ છે અને આ વિશ્વાસથી તે ભયમુક્ત રહે છે. આપણે પણ પરમેશ્વર સાથે પૂર્ણ નિષ્ઠા, શ્રદ્ધા અને વિશ્વાસનો સંબંધ રાખવો જોઈએ. સંબંધ બાંધવાથી ખૂબ લાભ થાય છે. એક ગરીબ અને સામાન્ય છોકરી કોઈક રાજાને પતિ બનાવી સમર્પણ કરે છે, તો તેની બધી સંપત્તિની માલિકણ બની જાય છે, એવી રીતે ભગવાન સાથે સંબંધ બાંધવાથી લાભ જ છે.
બીજી વાત છે પરોપકાર. આપણે હંમેશાં ધ્યાન રાખવું જોઈએ કે દરેક પ્રાણીમાં પરમેશ્વરનો અંશ છે. બધાની સાથે પરસ્પર પ્રેમ અને સદ્ભાવનો વ્યવહાર રાખી બધાની ઉન્નતિનો પ્રયત્ન કરવો જોઈએ. બીજાની સાથે એવો વ્યવહાર કરવો જોઈએ નહિ, જે આપણને પોતાના માટે પસંદ ન હોય. સજ્જનોને સંગઠિત કરીને સંસારમાં ફેલાયેલી અનીતિ અને કુરિવાજોનો નાશ કરવા માટે હંમેશાં તત્પર રહેવું જોઈએ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપીને બધાની ભલાઈ માટે કામ કરવું જોઈએ. ઈશ્વર ઉપર વિશ્વાસ અને પરોપકારના માર્ગે ચાલીને માનવી શ્રેષ્ઠતા મેળવી શકે છે. આજે લોકો ભગવાનને ભૂલીને સ્વાર્થમાં આંધળા થઈ દરેક પ્રકારની અનીતિ આચરવા લાગ્યા છે. ચારેબાજુ ભ્રષ્ટાચાર, બેઈમાની તથા લૂંટફાટનો ધંધો ચાલી રહ્યો છે. અનીતિથી લોકો લાખો કરોડોની કમાણી કરીને અહીંતહીં ફરે છે, પણ ખરેખર તો તેઓ પોતાના માટે નરકનું નિર્માણ કરી રહ્યા છે. આપણે ગાયત્રી મંત્રના ‘વરેણ્ય’ શબ્દને હંમેશાં ધ્યાનમાં રાખવો જોઈએ. તે આપણને નીચતા, વિલાસિતા, દુરાચાર તથા સ્વાર્થપરાયણતાના ખોટા માર્ગથી દૂર રહીને આત્મગૌ૨વ, સદાચાર, મહાનતા અને પરમાર્થના શ્રેષ્ઠ માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા આપે છે. આ શ્રેષ્ઠ માર્ગ જ કલ્યાણકારી છે.
શ્રેષ્ઠ પુરુષ તે છે, જે કોઈ સ્વાર્થ વગર ફક્ત બીજાનું ભલું ક૨વાને જ પોતાનો ધર્મ માને છે. બીજાનાં દુઃખો જોઈને તે પોતાને ભારે પીડા થતી હોય એવું અનુભવે છે અને તે દુખોને દૂર કરવા માટે પ્રાણ આપવા તૈયાર રહે છે. આવા લોકો દેવકોટિમાં ગણાય છે. બીજા તે લોકો છે, જે પોતાનું કામ સંભાળી લે છે અને બીજાના કામમાં પણ મદદ કરે છે. આ લોકો માનવકોટિમાં આવે છે. ત્રીજા રાક્ષસ કોટિના માણસો હોય છે, જે પોતાનું કામ કાઢી લે છે, પણ બીજાનાં કામ બગાડે છે.
જે માણસમાં બીજા ૫૨ ઉપકાર કરવાની જેટલી વધુ ભાવના હોય છે એટલી જ તેનામાં માનવતા હોય છે. આવા લોકો જ જીવનમાં યશસ્વી બને છે.
પ્રતિભાવો