૯૭. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૩૮/૨૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
૯૭. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૩૮/૨૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ધમૈંતત્તે પુરીષં તેન વર્ધસ્વ ચા ચ પ્યાયસ્વ | વર્ધિષીમહિ ચ વયમા ચ પ્યાસિષીમહિ ||(યજુર્વેદ ૩૮/૨૧)
ભાવાર્થ : હે મનુષ્યો ! જે રીતે ૫૨માત્મા સર્વત્ર સમાઈ જઈને બધાનું રક્ષણ તથા પોષણ કરે છે, તે જ પ્રમાણે તમે પણ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીને બધા જીવોનું રક્ષણ અને પોષણ કરો.
સંદેશ : પ્રગતિની મહેચ્છા અને લાલસાઓની પૂર્તિ બંને જુદી જુદી બાબતો છે. બંનેનું સામાન્ય સ્વરૂપ એકસરખું દેખાય છે, પણ ઝીણવટથી જોતાં બંનેમાં આકાશપાતાળ જેટલો તફાવત છે. પ્રગતિ વ્યક્તિત્વને પ્રગટાવે છે, પ્રતિભાને નિખારે છે તથા યોગ્યતાને વધારે છે. એનો અર્થ એ છે કે એવી ક્ષમતાઓનો વિકાસ કરવો જે શરીર, મન, કાર્ય તથા સ્વભાવને તંદુરસ્ત, સ્વચ્છ તથા સુવિકસિત બનાવી શકે. આ જ વાસ્તવિક પ્રગતિ છે. આવું નિખરેલું વ્યક્તિત્વ જ સાહસિક કદમ ભરવાની હિંમત કરવામાં અને ચમત્કારી સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં સમર્થ હોય છે.
લાલસાઓની પૂર્તિમાં અટવાયેલા મનુષ્યની માનસિક સ્થિતિ એક નશાબાજ જેવી હોય છે. મોટે ભાગે માણસ પોતાની પરિસ્થિતિ, યોગ્યતા અને સાધનોનું ધ્યાન રાખ્યા વગર મનમાં અનિયંત્રિત કામનાઓ સંઘરીને બેઠો હોય છે. આ લાલચ પૂરી થઈ શકતી નથી, ઊલટું તે તેને વ્યાકુળ અને ઉદ્વિગ્ન બનાવી દે છે. કદાચ કોઈને કંઈક પ્રાપ્ત થઈ જાય, તો પણ અયોગ્ય વ્યક્તિત્વ આ એકાએક મળેલી સંપત્તિથી પોતાનું તથા બીજાઓનું અહિત જ કરે છે.
પ્રગતિનો ખરો અર્થ છે શુદ્ધ શરીર અને મનના આધારે સુવિકસિત વ્યક્તિત્વનું નિર્માણ કરવામાં સફળતા પ્રાપ્ત કરવી. પ્રગતિથી મનુષ્યમાં તેજસ્વિતા અને શ્રેષ્ઠતાનો ઉદય થાય છે. તે દૈવી ગુણોથી પરિપૂર્ણ થઈને દેવતા સમાન પ્રકાશવાન બને છે.
દેવતા, માનવ અને દાનવ આ ત્રણ વર્ગોની આપણે કલ્પના કરીએ છીએ. દાનવ હીન, માનવ મધ્યમ અને દેવતા શ્રેષ્ઠ હોય છે. આજનો માનવ દાનવતા તરફ આગળ વધી રહ્યો છે. તે વિનૈષણા, પુત્રૈષણા અને લોકૈષણામાં સપડાયેલો છે. પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે તે સંસારમાં ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. યોગ્ય – અયોગ્યનું લેશમાત્ર ધ્યાન નથી રાખતો. દરેક પ્રકારના દુર્ગુણ તથા દુરાચાર તેના ચારિત્ર્યનાં અભિન્ન અંગ બની ગયાં છે. તે જાણતો હોવા છતાં પણ તેમને છોડવા નથી માગતો. આ પ્રકારની આસુરી વૃત્તિઓમાં ફસાયેલો મનુષ્ય પોતે જ પોતાનો સર્વનાશ કરતો રહે છે.
બીજી બાજુ દેવતા સર્વ ગુણોથી પરિપૂર્ણ હોય છે. તેમનામાં અસામાન્ય સામર્થ્ય અને તેજ હોય છે. તેઓ ઐશ્વર્ય, લક્ષ્મી અને ઉત્સાહથી યુક્ત હોય છે. તેઓ બધાને “આત્મવત્ સર્વભૂતેષુ”ની ભાવનાથી જોઈને સદૈવ તેમનું રક્ષણ અને પોષણ કરે છે. સંસારમાં જેટલા પણ મહાપુરુષો થયા છે તે બધાએ સંસારનાં બધાં પ્રાણીઓમાં પરમપિતા પરમેશ્વરની શાંતિદાયક જ્યોતિનાં જ દર્શન કર્યાં છે અને બધાની ઉન્નતિ તથા પ્રગતિનો માર્ગ મોકળો કર્યો છે.
આ દૈવી ભાવના આપણા ચારિત્ર્યમાં આવી જાય તો આપણે પ્રગતિના ઉચ્ચતમ સોપાન સુધી પહોંચી શકીએ છીએ.
પ્રતિભાવો