૧૨૭. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૪/૩/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 8, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૪/૩/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
વ્યાઘ્રં દત્વતાં વયં પ્રથમં જમ્ભયામસિ । આદુષ્ટેનમથો અહિં યાતુધાનમથો વૃકમ્ ॥ (અથર્વવેદ ૪/૩/૪)
ભાવાર્થ : દુષ્ટ સ્વભાવવાળાં હિંસક પ્રાણીઓ તથા ચોર અને બદમાશોનો નાશ કરવો ધર્મ છે. રોગ અને દોષોનું નિવારણ હંમેશાં કરતા રહેવું જોઈએ.
સંદેશ : માનવશરીરમાં જીવાત્માની સાથે ૫રમાત્માનો પણ વાસ છે. જીવાત્મા કર્મ કરે છે અને કર્મફળ ભોગવે છે. પરમાત્મા મનુષ્યનાં બધાં કર્મોને જોતા રહે છે. સત્કર્મ કરવાથી મનુષ્યને આંતરિક શાંતિ અને ઉલ્લાસ પ્રાપ્ત થાય છે. દુષ્કર્મ કરવાથી અંદરથી નફરત તથા ક્ષોભનો ભાવ જાગૃત થાય છે.
મનુષ્ય અનેક કારણોથી પાપકર્મોમાં ફસાય છે. પૂર્વજન્મનાં કુકર્મોના ફળસ્વરૂપે પણ તે પાપ તરફ પ્રવૃત્ત થાય છે. મદિરાપાન દુર્ગુણો અને બધાં પાપોનું મૂળ છે. ઉન્મત્ત માનવી યોગ્ય-અયોગ્યનો વિચાર નથી કરતો અને કોઈ પણ નીચ કાર્ય કરી શકે છે. ક્રોધથી પણ બુદ્ધિ વિકૃત થઈ જાય છે અને કર્તવ્યજ્ઞાનના અભાવે મનુષ્ય ગમે તે કરી બેસે છે. અનેક પ્રકારનાં દુષ્કર્મો તથા દુરાચારોમાં ફસાયેલો મનુષ્ય જાણતાં કે અજાણતાં કેટલાંય પાપકર્મો કરતો રહે છે.
પાપમય જીવનનો પ્રારંભ દુર્જનોની કુસંગતિથી થાય છે. જ્યારે મનુષ્ય કુસંગતિમાં પડે છે ત્યારે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. તે હિતેચ્છુને શત્રુ અને કુમાર્ગગામીને પોતાનો મિત્ર સમજવા લાગે છે. પરિણામ સ્વરૂપે તે સજ્જનો, વિદ્વાનો, ધાર્મિક અને સત્યનિષ્ઠ લોકોથી દૂર થતો જાય છે. દિવ્ય ગુણોથી તેનો સંબંધ કપાવા લાગે છે. કુસંગતિમાં વધારે પ્રમાણમાં ફસાવાથી તે હલકું જીવન જીવવા માટે લાચાર થઈ જાય છે. કુસંગતિના કારણે મળેલા કુવિચારો અને કુસંસ્કારો માનવતાનાં મૂળને પોલાં બનાવી દે છે. આ પાપના માર્ગમાંથી મુક્તિ મેળવવામાં તે અસહાયતા અનુભવે છે. ઘોર અંધકારની ખાઈમાં પડેલા પાપીઓને કોઈ બચાવી નથી શકતું. મનુષ્ય પોતે જ દુર્ગુણોમાં ફસાય છે, સાંસારિક વિષયભોગ તેને મીઠા લાગે છે અને તે કીચડમાં ફસાઈને પોતાનો સર્વનાશ નોંતરે છે.
પરમેશ્વર સાક્ષીરૂપે તેનાં બધાં સારાં તથા ખરાબ કર્મોનો હિસાબ રાખે છે તથા જેવું કર્મ એવો ન્યાય કરે છે અર્થાત્ તેનું શુભ અથવા અશુભ ફળ આપે છે. કર્મોનું ફળ તો મળે જ છે, એમાંથી કોઈ પણ બચી શકતું નથી. ‘અવશ્યમેવ ભોક્તવ્ય કૃતં કર્મ શુભાશુભમ.’ આ ફળ આ જન્મમાં પણ મળી જાય છે અથવા આવતા જન્મમાં મળે, આજે મળે અથવા કાલે, પરંતુ ઈશ્વરીય ન્યાય અનુસાર તેમાં દેર હોય, પણ અંધેર ના હોઈ શકે. કોઈની સાથે કોઈ પણ પ્રકારનો પક્ષપાત પણ ના હોઈ શકે. પરમાત્મા જીવનદાતા, પાલક તથા પોષક છે, તો સાથે સાથે પાપીઓ અને દુરાચારીઓના સંહારક પણ છે. સજ્જનો, સત્કર્મી અને સત્યનિષ્ઠ લોકોનો સદૈવ ઉદ્ધાર કરે છે. શ્રદ્ધાળુ, ભક્ત અને આસ્તિકને સન્માર્ગ બતાવીને તેમના મનોરથો પૂર્ણ કરે છે અને લક્ષ્ય સુધી પહોંચાડે છે.
ઈશ્વરના આ ન્યાયકારી વિધાનથી વિપરીત દુરાચારીઓને મદદ કરવી તથા તેમની પ્રશંસા કરવી ઘોર પાપ છે. આપણે તેમને સન્માર્ગ પર લાવવાનો પ્રયાસ અવશ્ય કરવો જોઈએ, પણ સાથે સાથે દુષ્કર્મો માટે ઠપકો આપીને તેમનો તિરસ્કાર પણ કરવો જોઈએ. જેવી રીતે સિંહ, સાપ, વરુ જેવાં હિંસક પશુઓથી સમાજની રક્ષા કરવી એ આપણો ધર્મ છે, એ જ પ્રમાણે દુષ્ટ તથા દુરાચારી માણસોનો નાશ કરીને સમાજમાં સુખશાંતિની સ્થાપના કરવી એ પણ આપણી જવાબદારી છે.
સમાજના આ શત્રુઓનો નાશ કરવો એ આપણું કર્તવ્ય છે.
પ્રતિભાવો