૧૩૨. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૫૧/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 8, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૫૧/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
પ્રિયં શ્રદ્ધે દદતઃ પ્રિયં શ્રદ્ધે દિદાસતઃ । પ્રિયં ભોજેષુ યજ્વસ્વિદં મ ઉદિતં કૃધિ ॥ (ઋગ્વેદ ૧૦/૧૫૧/૨)
ભાવાર્થ : આ સંસારમાં એ માણસોનો જ શ્રમ સફળ થાય છે કે જેઓ હંમેશાં શ્રદ્ધાપૂર્વક લોકહિત માટે દાન, કર્મ અને પુરુષાર્થ કરે છે.
સંદેશ : ઈશ્વરે આ સૃષ્ટિની રચના શા માટે કરી છે ? મનુષ્ય માટે, તેના પરિશ્રમ માટે, કર્મ કરવા માટે કે જેથી ધર્મમાર્ગ પર ચાલતા રહીને તે તપ કરી શકે. “શ્રમેણ તપસા સૃષ્ટાં.’ માનવજીવનની સાર્થકતા શ્રમ અને તપમાં જ રહેલી છે. શ્રમ અને તપ એક સિક્કાની બે બાજુઓ છે. કોઈ પણ કામને પૂર્ણ કરવા માટે આપણે જે કર્મ કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, આપણા શરીરની મુશ્કેલીઓની ચિંતા કર્યા વગર લાગ્યા રહીએ છીએ તે જ તપ છે. વગર કારણે શરીરને સૂકવીને અથવા તો જંગલમાં જઈને પોતાનો સમય વ્યર્થમાં નષ્ટ કરવાનું નામ તપશ્ચર્યા નથી.
તપનો અર્થ છે તપવું. તપાવીને, ભઠ્ઠીમાં ઓગાળ્યા પછી જ સોનામાં તેજસ્વિતા આવે છે અને તેને ઇચ્છિત આકારમાં ઢાળી શકાય છે. એ જ પ્રમાણે આપણા જીવનને વિશેષ આકાર આપવાનું સામર્થ્ય તપ, શ્રમ અને પુરુષાર્થ દ્વારા જ પ્રાપ્ત થાય છે. તપ પણ સાત્ત્વિક, રાજસિક અને તામસિક ત્રણ પ્રકારનાં હોય છે.
શારીરિક સુખની જરાપણ ચિંતા કર્યા વગર જે મનુષ્ય ઈશ્વરની સાધનામાં ડૂબી જાય છે તેનું તપ સાત્ત્વિક છે. બધાં પ્રાણીઓમાં રહેલા ઈશ્વરતત્ત્વનો સાક્ષાત્કાર કરી જનસેવા અર્થે જેણે પોતાની જાતને આજીવન સમર્પિત કરી તેનું સમગ્ર જીવન જ સાત્ત્વિક તપ છે. જ્ઞાન વિજ્ઞાનની પ્રાપ્તિ માટે જે શારીરિક સુખોનો ત્યાગ કરે છે, પોતાના જીવનને દ૨રોજ, પ્રતિક્ષણ ચંદનની જેમ ઘસીને જે સંસારમાં સુગંધ ફેલાવે છે તેનું જીવન સાત્ત્વિક જીવન છે. જેના કર્મ અને પુરુષાર્થમાં ચિર નિર્મોહી, દૃઢ પ્રતિજ્ઞાબદ્ધ તથા દીર્ઘઉપયોગી વૃત્તિ દેખાય તેનું તપ સાત્ત્વિક છે.
રાજ્ય, ધન, કીર્તિ, લોકપ્રિયતા, પ્રતિષ્ઠા, અધિકાર વગેરે માટે જે ઉદ્યમ કરવામાં આવે છે તે રાજસિક તપ છે. પોતાની ભૂખ તરસને ભૂલી જઈ, બધાં શારીરિક સુખોને તિલાંજલિ આપી જે વૈજ્ઞાનિક વર્ષો સુધી પોતાની પ્રયોગશાળામાં પુરાઈ રહીને સૃષ્ટિની અજ્ઞાત શક્તિઓનું રહસ્ય છતું કરી કીર્તિ તથા પ્રતિષ્ઠા મેળવે છે તે રાજસિક તપ છે. ગાયનવાદનમાં પ્રવીણતા પ્રાપ્ત કરવા માટે કલાકો સુધી લાગ્યા રહેવું, સતત ખંત અને નિશ્ચયપૂર્વક પોતાના વિચારોના પ્રચાર-પ્રસારમાં લાગેલા રહેવું તે પણ રાજસિક તપ છે.
બીજાઓનો નાશ કરવાના ઉદ્દેશથી ઈર્ષ્યા તથા દ્વેષપૂર્વક કરવામાં આવતો ઉદ્યમ તામસિક તપ છે. પોતાની સ્વાર્થપૂર્તિ માટે, ઇન્દ્રિયોના દાસ બનીને તેમની ઇચ્છા પૂરી કરવા માટે, ક્ષુદ્ર લાલસાઓની તૃપ્તિ માટે કરવામાં આવતો શ્રમ તથા પુરુષાર્થ તામસિક તપ છે. રાવણ, હિરણ્યકશ્યપ વગેરેએ પણ ઘોર તપશ્ચર્યાઓ કરી હતી, ચોર, ડાકુ, ભ્રષ્ટાચારી વગેરે પણ કુકર્મ કરતી વખતે સૌથી વધારે કષ્ટ સહન કરે છે. આ બધાં તામસિક તપ છે.
તપશ્ચર્યા કરવા માટે મનુષ્યની સામે મહાન ધ્યેય હોવું જોઈએ. જીવનને યજ્ઞમય બનાવવા માટે મનુષ્ય સમક્ષ કોઈ ધ્યેય તો હોવું જ જોઈએ. ઉચ્ચ ધ્યેયયુક્ત જીવન યજ્ઞની જ્વાળા સમાન હોય છે, જ્યારે ધ્યેયહીન જીવન રાખના ઢગલા સમાન છે. ઈશ્વરને આશા છે કે આપણે હંમેશાં લોકહિતના મહાન ધ્યેયમાં જ શ્રદ્ધાપૂર્વક આપણાં કર્મ, શ્રમ અને પુરુષાર્થને વાપરવાં જોઈએ. ધ્યેયની વિશાળતામાં જ જીવનની સાર્થકતા છે.
પ્રતિભાવો