૧૧૭. વેદોનો દિવ્ય સંદેશ – સામવેદ ૩૫૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 8, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – સામવેદ ૩૫૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
આ નો વયો વયઃશયં મહાન્તં ગહ્વરેષ્ઠામ । મહાન્તં પૂર્વિણેષ્ઠામુગ્રં વયો અપાવધીઃ ॥ (સામવેદ ૩૫૩)
ભાવાર્થ : આપણે વિદ્વાન પુરુષોના સદુપદેશને ગ્રહણ કરીને આપણા આત્મા અને મનને નિર્મળ તેમ જ પવિત્ર બનાવવાં જોઈએ. દોષ અને દુર્ગુણોનો નાશ આ રીતે જ થશે.
સંદેશ : આપણે એ વિચારને દૃઢતાપૂર્વક વળગેલા રહીએ છીએ કે,“હું એક શરીર છું અને શરીર સિવાય બીજું કશું જ નથી.” આ વિચારના કારણે આપણે શારીરિક ઇચ્છાઓની પૂર્તિમાં તથા ઇન્દ્રિયસુખોની લાલસામાં ડૂબેલા રહીએ છીએ. એનાથી વિરુદ્ધ ઋષિમુનિઓ, સંતો તથા વિદ્વાનોનું કહેવું છે કે પરમ જ્ઞાનની સ્થિતિમાં વિકસિત થઈને વિચાર એવો બની જાય છે કે “ન તો હું શરીર છું, ન મન કે ન તો ઇન્દ્રિય. હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ છું, શુદ્ધ ચૈતન્ય આત્મા છું.” જ્યારે વિચારો આટલા પરિપકવ થઈ જાય છે ત્યારે ચારેબાજુએ પ્રસન્નતા, આનંદ અને પરમાનંદ જ છવાઈ જાય છે. દુ:ખ તથા ક્લેશનો બિલકુલ નાશ થઈ જાય છે.
પરંતુ સંસારી માણસો માટે આ પ્રમાણે શરીરને ભૂલી જઈ, ઇન્દ્રિયોનું દમન કરીને ફક્ત આત્માનું જ ધ્યાન કરતા રહેવાનું શક્ય નથી. જો બધા લોકો એવું કરવા લાગે તો જીવન વિતાવવું પણ મુશ્કેલ બની જશે. તો પછી શું થોડાક લોકો જ આ આદર્શનું પાલન કરે અને બાકીના બધા નારકીય જીવન ભોગવતા રહે ? ના, એક વચલો સીધો રસ્તો પણ છે કે “હું શરીર પણ છું અને આત્મા પણ છું.” આ વિચાર આવવાથી આપણે શરીરનું પણ ધ્યાન રાખીએ છીએ અને આત્માનું પણ ધ્યાન રાખીએ છીએ. શરીરની સાથેસાથે આપણને સતત એ ધ્યાન રહે કે પરમાત્માનો એક અંશ આપણા આત્માના રૂપમાં સતત આપણી સાથે જ છે. એ આપણા શરીરના પ્રત્યેક કાર્યને, મનમાં ઉદ્ભવતા પ્રત્યેક વિચારતરંગને કાયમ માટે જોયા કરે છે. આત્માનું આ જ્ઞાન આપણને દુર્ગુણો તથા દુષ્કર્મોથી બચાવતું રહે છે.
બે વચ્ચે કેટલો બધો ફરક છે ! કયાં આત્માને ભૂલી જનારો માણસ કે જે કુવિચારો અને કુસંસ્કારોને જ જીવનનો મૂળ ઉદ્દેશ્ય સમજીને દરેક પ્રકારના દુરાચાર તથા પાપાચારમાં ફસાયેલો રહે છે અને કાં આત્મજ્ઞાનથી પરિપૂર્ણ માણસ, જે સદ્વિચારો અને સુસંસ્કારોને જ અપનાવે છે તથા પોતે શ્રેષ્ઠ બને છે અને સમાજને પણ ઉન્નતિના માર્ગે લઈ જાય છે. આવા માણસોનો આત્મા પવિત્ર હોય છે અને મન દુર્ગુણોથી મુક્ત થઈને શુદ્ધ તથા નિર્મળ બની જાય છે. તે સંસારના ભૌતિક પદાર્થોનો ઉપભોગ કરે છે, પરંતુ “ત્યકરેન ભુંજીથા” ની ભાવના સાથે ફક્ત પોતાની ન્યૂનતમ જરૂરિયાતો પૂરી કરવા માટે જ આ ભોગ ભોગવે છે અને બાકીનું સંસારનાં અન્ય પ્રાણીઓ માટે રાખે છે. પોતાની ઇન્દ્રિયોનો પણ સંયમિત તથા મર્યાદિત ઉપભોગ કરવાથી દુનિયામાં રહેતો હોવા છતાં પણ તે સ્વર્ગીય આનંદ પ્રાપ્ત કરતો રહે છે.
આ પ્રકારનું જ્ઞાન વિદ્વાનોના સદુપદેશથી, સદગ્રંથોના સ્વાધ્યાયથી અને વેદમંત્રોના ચિંતનમનનથી પ્રાપ્ત થાય છે. એટલે જ સંસારમાં રહેવા છતાં જ્ઞાની મનુષ્ય અલિપ્ત રહે છે. તેનો દૃષ્ટિકોણ અલગ જ બની જાય છે. આત્મદૃષ્ટિના પ્રકાશથી જીવન દેદીપ્યમાન થઈ જાય છે. આથી દોષદુર્ગુણો પોતાની જાતે જ મેદાન છોડીને ભાગી જાય છે અને તેમની જગ્યાએ સદ્ગુણોની વૃદ્ધિ થવા લાગે છે. જીવનલક્ષ્યની પ્રાપ્તિનું આ એક સર્વોત્તમ સાધન છે.
પ્રતિભાવો