૧૦. સર્જન સૈનિકોની છાવણીઓ સાબિત થાય
July 14, 2022 Leave a comment
સર્જનસૈનિકોની છાવણીઓ સાબિત થાય
યુગના પોકાર મુજબ પ્રત્યેક વખતે જુદાંજુદાં આંદોલનો ચાલે છે. દરેકનો હેતુ તે વખતની સમસ્યાઓનું નિરાકરણ કરી યોગ્ય દિશામાં આગળ વધવાનો છે. યુગની માગ દરેક વખતે જુદા જુદા પ્રશ્નોના સમાધાનની હોય છે. એટલે દરેક વખતે અભિયાનોએ જાતે જ રસ્તો કાઢી અ નુભવ મેળવવો પડે છે.
એટલા માટે શરૂઆતમાં તમામ અભિયાનો નાનાં બાળકો જેવાં હોય છે, જેમાં ઉત્સાહ તો ઘણો હોય છે, પણ અનુભવ હોતો નથી. આને લીધે લક્ષ્યથી ચલિત થઈ જવાનો ડર હરહંમેશ રહ્યા કરે છે. આનો ઈલાજ કરતાં કરતાં આગળ વધવાનું છે. સમય જતાં અનુભવ પાકો થતાં અનુભવીઓ મળવા લાગે છે અને અભિયાનમાં ધીમે ધીમે પરિપક્વતા આવે છે. કોઈ પણ અભિયાનની રજત જયંતીની ઉજવણીનો અર્થ એ છે કે તંત્ર સાથે જોડાયેલ પ્રત્યેક વ્યક્તિ અભિયાનની પ્રૌઢતાને ઓળખે અને તે પ્રમાણે તેની ગરિમા વધારવા માટે કટિબદ્ધ થઈ આગળ વધે.
ગાયત્રી શક્તિપીઠ અભિયાન સાથે પણ આવું જ કંઈક છે. શરૂઆતમાં જ્યારે પૂજ્યવરે શક્તિપીઠોની યોજના બનાવી ત્યારે નવા કામ માટેના ઉત્સાહ સાથે થોડીક આનાકાની તથા સંકોચ પણ હતો. એમ લાગતું હતું કે શક્તિપીઠ બનાવવાનું કાર્ય તો મોટા સમર્થ લોકોનું, તપસ્વીઓનું છે. તે આપણે કઈ રીતે કરી શકીશું ? આ ખચકાટ ઋષિયુગ્મના પ્રેમ અને તેમના પ્રત્યેની શ્રદ્ધા આગળ ટકી શક્યો નહિ. સંકલ્પો થવા લાગ્યા. માતાપિતા જે રીતે વિકાસ પામતાં બાળકોની નાનીમોટી હરકતોને દરગુજર કરી, આંખમિંચામણાં કરી પ્રોત્સાહન આપ્યા કરે છે તેવું ઋષિયુગ્મ પણ કર્યું. નાની મોટી દરેક વ્યક્તિ અને દરેક પ્રયત્નને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું રાખ્યું અને ક્રમ આગળ વધતો ગયો.
શરૂઆતનો આ ક્રમ કાયમ માટે ચલાવી શકાય નહિ. બાળકો મોટાં થાય, અનુભવ મેળવ પછી એ જ માબાપ, જે પહેલાં બાળકોના અણઘડ પ્રયત્નોને પ્રોત્સાહન આપતાં હતાં તેઓ તેના કામમાં ક્ષતિઓ શોધી કામ દીપાવવાનો પ્રયત્ન કરવાનો આગ્રહ રાખે છે. જો બાળક ન માને તો ધમકાવવાનું, શિક્ષા કરવાનું કામ પણ કરે છે. ઋષિયુગ્મ પણ આવું જ કર્યું. પહેલાં માર્ગદર્શન સાથે પ્રોત્સાહન આપ્યું, પણ જ્યારે ઉત્સાહના અતિરેકમાં મર્યાદાઓ ન સચવાઈ ત્યાં નારાજગી પણ બતાવી. તેમણે એટલે સુધી કહ્યું : “મેં જ તમને ગાયત્રી શક્તિપીઠોમાં ગાયત્રી મંદિર અને મૂર્તિની સ્થાપના માટે પ્રેરણા આપી હતી, પણ જો તમે આધ્યાત્મિક ઊર્જાસંપન્ન સર્જન કેન્દ્રના રૂપમાં વિકસાવવાની જવાબદારી પૂરી નહિ કરો, તો હું જ ત્યાંથી મૂર્તિઓ હઠાવી લઈને એ જગ્યા લોકહિતનાં અન્ય કાર્યો માટે ખાલી કરાવી નાખીશ.”
સ્પષ્ટ છે કે તેઓ બાળકોના વિકાસમાં રસ રાખતા હતા, પણ તેમને માત્ર છોકરમતમાં જ રચ્યાપચ્યા રહેવા દેવા માગતા ન હતા. આપણી દરેક પ્રવૃત્તિ તથા કાર્યમાં પરિપકવતા, શાલીનતા તથા પ્રખરતા આવે એ આ રજતજયંતી વર્ષનો સંદેશ છે.
જવાબદારીઓનું ભાન તથા પાલન :
અત્યાર સુધી પરિજનોને શક્તિપીઠ અભિયાન સાથે જોડાયેલી જવાબદારીઓનો પાઠ ભણાવવામાં આવ્યો. જવાબદારીઓનું ભાન અને તેનું પાલન – આ બંનેનું મહત્ત્વ છે. ભાન વિના પાલન કઈ રીતે થઈ શકે ? એ જ રીતે પાલન ન કરીએ તો એ ભાન શા કામનું ? આ બંને પ્રક્રિયા એકબીજાની પૂરક છે, અભિન્ન છે, પણ બંને માટે પ્રયત્ન જુદીજુદી રીતે કરવો પડે છે.
ભાન માટે લાગણી અને સમજણનો ઉપયોગ કરી આપણા સ્તરને ઊંચે લાવવું પડે છે.
અભ્યાસ માટે સમજણ સાથે પ્રામાણિકતાથી પ્રયત્ન તથા પુરુષાર્થ કરવા પડે છે.
પ્રગતિ માટે પ્રામાણિક પ્રયત્નો સાથે જવાબદારી અને બહાદુરીના ગુણો વિકસાવવા પડે છે.
આ ત્રણેય એકબીજા સાથે સંકળાયેલાં છે. ભાન હોય તો અભ્યાસ કરવો જ જોઈએ અને અભ્યાસ કરો તો પ્રગતિ થવી જ જોઈએ. જ પ્રગતિના પ્રત્યેક પગથિયે નવી જવાબદારીઓનું ભાન રાખવું પડતું હોય છે. નવા ભાન સાથે નવો અભ્યાસ અને પ્રગતિનાં નવાં લક્ષ્ય સામે આવે છે. એટલા માટે કોઈપણ અભિયાનને આગળ ધપાવવા જવાબદારીનું ભાન અને તેના પાલનનો ક્રમ અવિરત ચલાવવો જરૂરી હોય છે. યુગનિર્માણ અભિયાન સાથે જોડાયેલા સાધકો, સૈનિકો પાસે આવી જ આશા રાખવામાં આવે છે.
- શરૂઆતમાં ભાન થયું કે યુગનિર્માણ અભિયાનનો વિસ્તાર થઈ રહ્યો છે. તેમાં જોડાનારા સાધકો – સૈનિકો માટે સાધના, તાલીમ અને પ્રસાર માટે પોતાનાં કેન્દ્રોની જરૂર છે, તે પ્રમાણે યુગશક્તિ ગાયત્રીનાં શ્રદ્ધા પ્રતીક તથા યુગધર્મનાં પ્રતીક એવાં યજ્ઞશાળાઓ સહિત શક્તિપીઠોનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું.
- ભાન થયું કે સામાજિક સંપત્તિ વધારવા અને તેના ઉપયોગ માટે કાયદાના નિયમો પાળવા જરૂરી છે, જે માટે ટ્રસ્ટોની સ્થાપના કરવામાં આવી. આ માટે નિયમો બનાવવામાં આવ્યા, તેની તાલીમની વ્યવસ્થા કરવામાં આવી.
- ભાન થયું કે આ શ્રદ્ધાકેન્દ્રોની પ્રવૃત્તિઓનું સંચાલન કરવા તથા શ્રદ્ધાળુ સાધકોને સ્નેહ, સન્માન અને માર્ગદર્શન આપવા સુપાત્ર વ્યક્તિ જોઈએ. આના માટે પ્રગતિશીલ વિચારોવાળા સેવાભાવી પરિવ્રાજકોની તાલીમની વ્યવસ્થા તથાનિમણૂકનો ક્રમ ચલાવ્યો.
- ભાન થયું કે પ્રત્યેક પીઠની પ્રવૃત્તિઓ ચલાવવા સાધનો અને વિભૂતિઓની જરૂર પડશે. એ માટે અંશદાન અને સમયદાનની બાબત દરેક પીઠ સાથે જોડવામાં આવી.
- ભાન થયું કે વ્યક્તિ અને સંસ્થાનોએ પોતાના વિકાસ માટે જાતે જવાબદારી ઉઠાવવી જોઈએ તથા અભિયાનને સશક્ત બનાવવા એકબીજાના સહકારથી તાલમેળ બેસાડી કામ કરવું જોઈએ. આ માટે સંગઠનની રીતિનીતિ બનાવી લાગુ કરવામાં આવી.
- આ રીતે વધારાની જવાબદારીઓ અને તેમના પાલનનો ક્રમ ચાલતો રહ્યો. કાયદાની વ્યવસ્થા સાથે આશ્રમવ્યવસ્થા, સંગઠન અને આંદોલનવ્યવસ્થા બનાવવા વિવિધ પ્રયોગો શરૂ કર્યા. દરેક પીઠ પર સાધના, સ્વાધ્યાય, સંયમ, સંસ્કાર, સેવા વગેરે કાર્યો માટે પ્રચાર, અભ્યાસ, તાલીમ અને વિકાસની યોજનાઓ અમલમાં આવવા લાગી.
આ બધી પ્રવૃત્તિઓએ શક્તિપીઠ અભિયાનને એક પ્રભાવી અને પરિપક્વ અભિયાનનું રૂપ આપ્યું. આ ક્રમ વધુ અસરકારક રીતે, વધુ વ્યવસ્થિત ચાલે તેવા સંકલ્પ સાથે રજતજયંતી વર્ષ ઊજવવાની યોજના બનાવી છે.
નૂતન મધ્યભારત :
પૂ. ગુરુદેવે વારંવાર એ વાત બતાવી છે કે માનવમાત્રના ઉદ્ભવળ ભવિષ્ય માટે અને જમીન પર સ્વર્ગ ઉતારવા જેવી પરિસ્થિતિઓ લાવવા માટે એક નવું મહાભારત યુદ્ધ શરૂ કરવું પડશે. આ યુદ્ધમાં કોઈ જોડાયા વિના રહી શકશે નહિ. આ યુદ્ધ દરેક ક્ષેત્રમાં, દરેક ઘરમાં, દરેકના મગજમાં લડાશે. જેઓ આ માટે સંકલ્પ સાથે તૈયાર થશે તેમને શક્તિ મળતી જશે અને અગ્રદૂત બનવાનું શ્રેય તથા ગૌરવ મળશે. જે ઉદાસીન બની આનાથી બચવાનો પ્રયત્ન કરશે તેઓ શ્રેય તો ગુમાવશે જ,તદ્ઉપરાંત તેમણે ધાર્યા કરતાં વધારે મુસીબતોનો સામનો પણ કરવો પડશે. યુગનિર્માણ અભિયાન આ યુગમાં જીવતી પ્રત્યેક વ્યક્તિને આ સુનિશ્ચિત તથ્યનું ભાન કરાવવા અને તેને શ્રેય, સૌભાગ્યના ભાગીદાર બનાવવા કટિબદ્ધ છે. શક્તિપીઠોની સ્થાપના આ કટિબદ્ધતા નિભાવવા માટે કરવામાં આવી છે.
જ્યારે કોઈ રાષ્ટ્ર યુદ્ધમાં જોડાયું હોય તો માત્ર સૈનિકો જ યુદ્ધ નથી લડતા, પરંતુ દરેક નાગરિકે પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રીતે એમાં ભાગીદાર બનવું પડે છે. સૈનિકોની આગળની હરોળો તૈયાર રાખવી, સાધનસરંજામનો જથ્થો પૂરતા પ્રમાણમાં મેળવી આપવો, પોતાની સુરક્ષા કરવી તથા શત્રુની ચાલબાજીનો પર્દાફાશ કરવા જાગૃતતા બધાંએ રાખવી પડે છે. આ તમામ કાર્યો માટે ઠેર ઠેર લશ્કરી છાવણીઓ ઊભી કરવામાં આવે છે. આ છાવણીઓમાં સૈનિકોની સંખ્યા અને ગુણવત્તા વધારવાના અગત્યના કામ સાથે તૈયાર સૈનિકોને વિભિન્ન મોરચા પર ગોઠવવા, સામાન્ય નાગરિકોને જાગૃત રાખવા અને સંકટના નિવારણ માટે જરૂરી તાલીમ આપવાનું કામ પણ થતું હોય છે. શક્તિપીઠોએ યુગસર્જનના મહાયુદ્ધની સૈનિક છાવણીઓના રૂપમાં ભૂમિકા નિભાવવાની છે. આ માટે તૈયાર થવાનું છે. જેઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થશે તેઓ અસાધારણ શ્રેય, સૌભાગ્ય, સન્માન અને સંતોષ મેળવશે. જે ઊણા ઊતરશે તેઓ ઉપેક્ષા, તિરસ્કાર, અસંતોષ,આત્મગ્લાનિ અને પશ્ચાત્તાપથી પીડાશે. આપણને સૌભાગ્ય પ્રાપ્ત થાય એવો પ્રયત્ન આપણે કરવો જોઈએ.
નાનું લક્ષ્ય નક્કી કરો
અગાઉ પીઠોને સમર્થ તંત્રનું સશક્ત અંગ બનાવવાની વાત કહી છે. આ ક્રમમાં જરૂરી નૈતિક અને કાનૂની જવાબદારીઓ સમજવા અને તેમના પાલનની વ્યવસ્થા કરવાનો દિશાનિર્દેશ આપવામાં આવ્યો છે. જો કાનૂની શિસ્ત નહિ જાળવીએ તો કાયદાની દૃષ્ટિએ આપણે નબળા રહીશું, જો નૈતિક જવાબદારીઓ પૂરી નહિ કરી શકીએ તો સમાજ અને ઋષિસત્તા સાથે છળ કર્યાનું પાપ લાગશે.
દરેક શક્તિપીઠ, પ્રજ્ઞાસંસ્થાનના નૈષ્ઠિક પરિજનોએ આ રજતજયંતી વર્ષમાં કરવા જેવાં કાર્યોનું ન્યૂનતમ લક્ષ્ય નક્કી કરવું જોઈએ. પીઠ કેટલા વિસ્તારને પોતાનું કાર્યક્ષેત્ર બનાવશે ? એ ક્ષેત્રમાં હાલ પરિસ્થિતિ શું છે ? મિશનમાં કોઈ પણ રૂપમાં જોડાયેલાં નરનારી કેટલી સંખ્યામાં છે? તેમનો પીઠ સાથેનો સંપર્ક ગાઢ કઈ રીતે કરી શકાય ? સમયદાન અને અંશદાન માટે તેમને તૈયાર કરવા અને તેમનો ઉપયોગ કરવા શું કરવું જોઈએ? આ બધા મુદ્દાઓ પર ચર્ચા કરી એક યોજના બનાવવી જોઈએ.
યોજના બનતાં જ પ્રશ્ન ઊભો થશે કે આ બધી જવાબદારીઓ કોણ નિભાવશે? પીઠો સાથે જોડાયેલ નૈતિક જવાબદારીઓ ઘણી બધી છે. ઉપરના મુદ્દા આવરવા વધારે પ્રમાણમાં કાર્યકરો અને તેમની ઊંચી ક્ષમતા જરૂરી છે. પૂ. ગુરુદેવે યુગનિર્માણના આધાર તરીકે વ્યક્તિ નિર્માણને જરૂરી જણાવ્યું છે. આ માટે દરેક પીઠે વ્યક્તિનિર્માણની ટંકશાળ તથા સાધના અને તાલીમ કેન્દ્રના રૂપમાં તો વિકસિત થવું જ પડશે. આપણી અંદર એક સંક્લ્ય વારંવાર જાગવો જોઈએ.
આપણે આવું કરી શકીએ છીએ અને તેવું જરૂર કરીશું.
પ્રતિભાવો