ગાયત્રીનો છઠો અક્ષર ‘રે’ | GP-7. ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા | ગાયત્રી વિદ્યા
August 1, 2022 Leave a comment
ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા
ગાયત્રીનો છઠો અક્ષર ‘રે’ ગૃહલક્ષ્મીના રૂપમાં નારીના ગૌરવનો પરિચય આપે છે –
રેવેવ નિર્મલા નારી પૂજનીયા સતાં સદા | યતો હિ સૈવ લોકેઽસ્મિન્ સાક્ષાલ્લક્ષ્મીર્મતા બુધૈ:॥
અર્થ – નારી સદૈવ નર્મદા નદી સમાન નિર્મળ છે. તે પૂજનીય છે, કેમ કે તેને દુનિયામાં સાક્ષાત લક્ષ્મી માનવામાં આવી છે. ’ જેવી રીતે નર્મદાનું પાણી હંમેશાં સ્વચ્છ રહે છે તે રીતે ઈશ્વરે નારીને સ્વભાવથી જ સ્વચ્છ અંતઃકરણ આપ્યું છે. કદાચ પરિસ્થિતિના દોષોના કારણે કે દુષ્ટ સંગતિના પ્રભાવથી તેનામાં વિકાર પેદા થઈ જાય છે, પરંતુ જે કારણોનું નિવારણ કરી દેવામાં આવે તો નારીહૃદય ફરીથી પોતાની શાશ્વત નિર્મળતાને પ્રાપ્ત કરે છે.
નારી લક્ષ્મીનો અવતાર છે. ભગવાન મનુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. એટલે તે સ્થાનમાં સુખશાંતિ રહે છે. પ્રતિતિ તેમજ સંતુષ્ટ નારી અનેક સગવડો અને સુવ્યવસ્થાઓનું ઘર બની જાય છે. તેની સાથે ગરીબીમાં પણ અમીરીનો આનંદ મળે છે. ધનદોલત તો નિર્જીવ લક્ષ્મી છે, પરંતુ સ્ત્રી તો લક્ષ્મીની સજીવ પ્રતિમા છે. તેના સંપૂર્ણ આદર, સહયોગ અને સંતોષનું નિરંતર ધ્યાન રાખવું જેઈએ.
સ્ત્રીમાં પુરુષની સરખામણી સહૃદયતા, દયા, ઉદારતા, સેવા, પરમાર્થ અને પવિત્રતાની ભાવનાઓ વધારે હોય છે. તેનું કાર્યક્ષેત્ર સંકુચિત કરીને તેને ઘર સુધી સીમિત કરી દેવાના કારણે સંસારમાં સ્વાર્થીપણું, નિષ્ઠુરતા, હિંસા, અનીતિ અને વિલાસિતાનાં પૂર આવ્યાં છે. જે રાષ્ટ્ર અને સમાજની લગામ નારીઓના હાથમાં હોય તો તેમનો માતૃભાવ પોતાના સૌજન્ય અને સહૃદયતાના કારણે સુખશાંતિની સ્થાપના કરી શકે છે.
નારીનો અનંત ઉપકાર તેમજ અસાધારણ સહયોગ પ્રાપ્ત કરવાના બદલામાં નરની એ પવિત્ર જવાબદારી થઈ જાય છે કે તેને સ્વાવલંબી, સુશિક્ષિત, સ્વસ્થ, પ્રસન્ન અને સંતુષ્ટ રાખવા માટે નિરંતર પ્રયત્નશીલ રહે. તેની સાથે કઠોર અથવા અપમાનજનક વ્યવહાર કરવો તે ઉચિત નથી.
પ્રતિભાવો