વિવાહોન્માદ પ્રતિરોધ આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૬

વિવાહોન્માદ પ્રતિરોધ આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૬

સમાજનું નિર્માણ કુટુંબથી અને કુટુંબનું નિર્માણ લગ્નથી થાય છે. દરેક નવું લગ્ન નવા કુટુંબની રચના કરે છે. આ સંદર્ભમાં એ જરૂરી છે કે લગ્નનો શુભારંભ કે શ્રીગણેશ એવા વાતાવરણમાં થાય જે અંત સુધી મંગલમય પરિણામો જ ઉત્પન્ન કરતું રહે. કહેવાય છે કે સારી શરૂઆતમાં અડધી સફળતાની શક્યતા રહે છે. જેની શરૂઆત જ દુર્બુદ્ધિ તથા દુર્ભાવના સાથે થાય તેનો વિકાસ પણ અસંતોષ અને સંઘર્ષો વચ્ચે થશે અને આ ક્રમ અંતમાં એને અસફળ જ બનાવી દેશે. આપણા સમાજના અવિવેકપૂર્ણ રીતરિવાજો વિશે શું કહી શકાય ? લગ્નોત્સવ આપણા માટે એક કમરતોડ ભાર બની ગયો છે. છોકરાવાળા દહેજમાં મોટી રકમો અને કીમતી સામાન માગે છે. છોકરીવાળા ન્યા માટે બહુમૂલ્ય દાગીના, કીમતી કપડાં માગે છે. તમાશો જોનારાઓ ધૂમધામવાળી જાન, બેંડવાજાં, આતશબાજી, મોંઘી દાવત અને અમીરી શાનયુક્ત આવભગત ઈચ્છે છે. ડગલે ને પગલે લેવડ દેવડના એટલા વ્યવહારો ઊભા હોય છે કે એમાં બેહિસાબ ખર્ચ થાય છે. આ વધારાનું ધન ક્યાંથી આવે છે ? આજની પરિસ્થિતિઓમાં ઈમાનદારીથી કોઈ પોતાનું ગુજરાન ચાલે એટલું જ કમાઈ શકે છે. બચત કરવી ખૂબ જ મુશ્કેલ છે. લગ્નોમાં આટલું બધું ધન ખર્ચ કરવાનું જ્યારે જરૂરી થઈ જ ગયું છે ત્યારે દિવસ રાત બેઈમાની કરીને પૈસો ભેગો કરવા સિવાય બીજે કોઈ ઉપાયરહેતો નથી. સરકારી કર્મચારીઓ માટે લાંચરુશવત, મજૂરો માટે ચોરી, વેપારીઓ માટે ભેળસેળ કરવી કે ઓછું વજન આપવું તથા ડોક્ટરો માટે રોગીને ડરાવીને પૈસા કઢાવવા વગેરે અનીતિપૂર્ણ માર્ગ જ બાકી રહે છે. જે લોકો ચાતુરીપૂર્વક છૂપી રહી શકે એવી ચાલાકી કરી શકતા નથી તેમને જોખમથી ભરેલી ચોરી, ધાડ, લૂંટ, ખૂન, ઠગાઈ, બેઈમાની, વિશ્વાસઘાત, શોષણ અને અપહરણ જેવા રસ્તાઓ અપનાવવા પડે છે જે પોતાની સાથે બદનામી અને રાજદંડ પણ સાથે લઈને આવે છે.

આપણા સમાજમાં અપરાધો ખૂબ જ વધી રહ્યા છે. ચોરી તથા બેઈમાનીની પ્રવૃત્તિઓ દરેક ક્ષેત્રમાં વધી રહી છે. જેનું એક મોટું કારણ લગ્નવિવાહોમાં વધુ પ્રમાણમાં થતું ખર્ચ પણ છે. જેઓ આમ કરવાનું ઈચ્છતા નથી તેમને પણ લાચાર બનીને આવાં પાપ કરવાં પડે છે. નહિતર લગ્નોનુ ખર્ચ ક્યાંથી નીકળે ? આ ઘાતક કુરીતિને કારણે આપણા સમાજની નૈતિકતા અને પ્રામાણિકતા ખરાબ રીતે નષ્ટ થઈ રહી છે.

હાલમાં લગ્નવિવાહોમાં થતું ખર્ચ બિનજરૂરી છે એ જો સાચું હોય તો વિવેકશીલ દેશભક્તનું કર્તવ્ય છે કે એ અનુચિતતાને દૂર કરવા માટે થોડું સાહસ પ્રદર્શિત કરે જેને કારણે આપણા સમાજનું નૈતિક અને આર્થિક સ્તર દિવસે દિવસે નીચે જઈ રહ્યું છે. શરૂઆત આપણા પોતાના ઘરથી જ કરવી જોઈએ. પોતાનાં બાળકોનાં લગ્ન ખર્ચ વગર કરીશું. ‘દહેજ લઈશું નહિ કે આપીશું નહીં”ના સિદ્ધાંત પર બંને પક્ષો સહમત થઈ શકે છે. જ્યારે મટશે તો દહેજ અને દાગીના એકસાથે જ મટશે. એકપક્ષીય સુધારો શક્ય નથી. એ સમય આવી ગયો છે કે આપણે ચેતી જઈએ અને સાદાઈના વાતાવરણમાં ઓછા ખર્ચે સજ્જનતા અને વિવેકશીલતાના આધારે લગ્ન આયોજનની યોજના બનાવીએ.

શું કરીએ ? કેવી રીતે કરીએ ?

૧. આંદોલનમાં સ્કૂલના છોકરા અને છોકરીઓને સામેલ કરો. પ્રયત્ન એ થવો જોઈએ કે દરેક સ્કૂલ તથા કોલેજમાં આ વિચારધારા ઝડપથી ફેલાય અને અપરિણીત યુવક અને યુવતીઓ પ્રભાવિત થઈને વિવાહોન્માદ વિરોધી આંદોલનમાં સામેલ થાય. પોતાનું લગ્ન તો આદર્શ રીત મુજબ જ કરવા માટે કટિબદ્ધ થવું, પછી તે માટે ભલે ઘરના લોકોનો ગમે તેટલો વિરોધ સહન કેમ ન કરવો પડે ? દરેક ઘરમાં એવા પ્રહ્લાદ પેદા કરવા જોઈએ જે સાહસપૂર્વક પોતાનાં માતાપિતાને પણ સન્માર્ગે ચલાવવાનો સત્યાગ્રહ કરવા જેવું સાહસ બતાવે. છોકરીઓ સંકલ્પ લે કે તેઓ વિવાહોન્માદથી ઘેરાયેલા પાગલો સાથે લગ્ન કરી તેમના ઘેર જવા કરતાં અવિવાહિત રહેવાનું પસંદ કરશે તો તે એમની આદર્શવાદિતા અને ગૌરવભરી પ્રતિજ્ઞા જ હશે.

૨. પ્રતિજ્ઞા આંદોલન – આ આંદોલન વિદ્યાર્થીઓ સુધી જ મર્યાદિત ન રાખતાં દરેક સ્ત્રી પુરુષ સુધી તેનો અવાજ પહોંચાડવો જોઈએ. તે માટે ઘેર ઘેર અલખ જગાડવો જોઈએ. એક ક્રાંતિકારી આંદોલન દહેજ વિરોધી અભિયાનના વિરોધમાં કોઈ સંગઠિત પ્રયાસ સાથે શરૂ કરવામાં આવ્યું છે. એ સર્વવિદિત છે કે દહેજ, ઝવેરાત અને ધૂમધામવાળાં લગ્નો આપણા સમાજની આર્થિક કમર તોડી રહ્યાં છે. જે કમાણી કરવામાં આવે છે તે લગ્નોના કુચક્રમાં બરબાદ થતી રહે છે. સુયોગ્ય કન્યાઓનું લગ્ન વિના રહી જવું, અત્યાચાર સહન કરવા અને આગમાં બાળી નાખવા જેવા અનાચાર આ વિવાહોન્માદની જ દેન છે. સંગઠિત પ્રજ્ઞામંડળોએ હળીમળીને દહેજવિરોધી આંદોલન ઊભું કરવું જોઈએ. એ માટે એક પ્રતિજ્ઞા આંદોલન ચલાવવાનું છે. વાલીઓ પ્રતિજ્ઞા કરે કે તેઓ પોતાનાં બાળકોનાં લગ્નો દહેજ દાગીના વગર ખૂબ જ સાદાઈથી જ કરશે.

૩. ખર્ચાળ લગ્નોનો બહિષ્કાર – વિરોધ પ્રદર્શિત કરવાની એક સરળ રીત એ છે કે ધૂમધામવાળાં લગ્નોમાં સામેલ થવાનો બહિષ્કાર કરવામાં આવે. ભલે એ પોતાના કુટુંબીઓ કે સગાંસંબંધીઓના ઘરનાં જ કેમ ન થઈ રહ્યાં હોય? આ વિરોધ ચર્ચાનો વિષય પણ બનશે અને આગળ જતાં ઘણાંને નવેસરથી વિચાર કરવા માટે વિવશ કરશે.

૪. ઉપજાતિઓની કટ્ટરતા ઓછી થાય – આ સંદર્ભમાં એક વાત એ પણ વિચારી શકાય કે ઉપજાતિઓની કટ્ટરતા ઓછી કરવામાં આવે અને એક વિશાળ જાતિની અંદર લગ્ન આવે. આ પહેલું કદમ આગળ ચાલીને પોતાનું કાર્યક્ષેત્ર વધુ વિસ્તૃત કરશે. અત્યારે ઉપજાતિઓનું જ બંધન એટલો મોટો અવરોધ બન્યું છે કે તેને લીધે યોગ્ય છોકરા-છોકરીઓનું જોડું મળવું મુશ્કેલ થઈ રહ્યું છે. ઉપજાતિઓનો નાનો વિસ્તાર પણ છોકરાઓની દહેજની માગ વધારવાનું એક બહુ મોટું કારણ છે.

૫. સ્વયંસેવી સંસ્થાઓની જવાબદારી – સંસ્થાઓ પોતાના કાર્યક્રમોમાં જો વિવાહોન્માદના નિરાકરણને મહત્ત્વપૂર્ણ સ્થાન આપે અને તેમની ગતિવિધિઓમાં આ પ્રક્રિયાને પણ જોડી લે તથા દેશમાં વિખરાયેલાં અનેક ધાર્મિક- ઘણું કામ થઈ શકે છે.

૬. પ્રગતિશીલ જાતીય સંગઠનોની જવાબદારી – જાતીય પંચાયતો ફેંસલાઓ કરે અને પ્રસ્તાવ પસાર કરે કે એમના વર્ગમાં લગ્નોની ખર્ચાળ પ્રથા બંધ કરવામાં આવશે અને અસંખ્ય મૂઢતાભર્યા રીતરિવાજોનો બહિષ્કાર કરી ખૂબ જ સાદાઈથી અને ઓછા ખર્ચે લગ્નો કરવામાં આવશે. દરેક વર્ગ પોતાની સંકીર્ણતા ઘટાડે અને વિશાળતા વધારે તો એને ઉપજાતિઓમાં ભેળવી એક મોટી જાતિ રહેવા દેવાથી તેની ઉપયોગિતા દરેક દષ્ટિએ વિવેકપૂર્ણ અને ફાયદાકારક રહેશે, જાતીય પંચાયતો જો આ સુધારાત્મક કાર્ય હાથમાં લઈ લે અને પૂર્ણ કરવામાં લાગી જાય તો તેઓ પોતાના અસ્તિત્વની ઉપયોગિતા સિદ્ધ કરી શકે છે. નહિ તો સંકીર્ણતા અને ભેદની ખાઈ પહોળી કરવામાં જ એમની ગણના થતી રહેશે.

૭. પ્રેસની જવાબદારી – દેશમાં અનેક વર્તમાનપત્રો અને સામયિકો નીકળે છે અને એમાંનાં બધાં જ સુધારવાદ, વિવેક તથા ઔચિત્યનું સમર્થન કરે છે. બધા એક ન્યૂનતમ સંયુક્ત કાર્યક્રમ બનાવીને એમાં વિવાહોન્માદનો વિરોધ તથા આદર્શ લગ્નોને પ્રાથમિકતા આપવા લાગે તો સારું થશે. આ સંદર્ભમાં બધા લોકમત જાગૃત કરે અને પ્રચલિત રૂઢિવાદિતાને હટાવવા માટે એક વ્યવસ્થિત આંદોલન ઊભું કરી દે. મૂઢતાના ગેરફાયદાઓ અને દૂરદર્શિતાની જરૂરિયાતને વાર્તા, કવિતા, સમાચાર અને લેખ વગેરેના માધ્યમોથી પ્રસ્તુત કરવાની શરૂઆત કરી દે તો આ દિશામાં લોકમત જગાડી શકાય છે. લેખક, કવિ તથા પ્રકાશકો લગ્ન વ્યવસાયનાં રોમાંચકારી દુષ્પરિણામોથી પરિચિત કરાવે, એવા સાહિત્યનું સર્જન તથા પ્રકાશન કરી શકે છે.

૮. ધર્મતંત્રની જવાબદારી – ધર્મતંત્રનાં માધ્યમોથી મંદિરો, આશ્રમો, પંડિત-પુરોહિત તથા ધર્મ સંપ્રદાયોનાં કેન્દ્રો જો આ પ્રકારની પ્રતિષ્ઠાને જ ધર્મની સાચી સેવા માની લે અને આ સંદર્ભમાં પોતાના પ્રભાવનો ઉપયોગ કરે તો પણ ઘણાં સત્પરિણામોની આશા રાખી શકાય છે. આ પ્રકારના આદર્શો ઊભા કરનારાઓનું સાર્વજનિક અભિનંદન તથા છાપાંઓ અને સામયિકોમાં પ્રશંસા છાપવાથી પણ વિચારશીલ લોકોને પ્રભાવિત કરી શકાય છે. દુરાગ્રહીઓની નિંદા અને તિરસ્કારનો થોડો ક્રમ ચાલતો રહે, તેમનો ધિક્કાર થતો રહે અને ટીકા થતી રહે તો પણ આ ભયંકર કોઢ જેવી મહામારી દૂર કરવાનો થોડો ઘણો પ્રબંધ થઈ શકે છે.

૯. ખર્ચાળ લગ્નો અને દહેજના વિરોધમાં જનમત તૈયાર કરવા માટે યુગ નિર્માણ યોજના, મથુરા દ્વારા પ્રકાશિત વિવાહોન્માદ પ્રતિરોધ આંદોલન સેટની પોકેટ બુક્સ, ઝોલા-પુસ્તકાલય, જ્ઞાન મંદિર અથવા વેચાણ દ્વારા બધા લોકોને સ્વાધ્યાય માટે પ્રાપ્ત કરાવવામાં આવે, જેથી આદર્શ લગ્નો માટેનો જનમત પોતે જ તૈયાર થઈ શકે. લોકોનું માનસ જ્યારે એનો હૃદયથી સ્વીકાર કરશે ત્યારે જ સમસ્યાનું સ્થાયી સમાધાન થશે.

૧૦. યુવક-યુવતી સંમેલન – પ્રગતિશીલ જાતીય સંગઠનોએ વખતોવખત લગ્નને યોગ્ય એવાં યુવકો અને યુવતીઓનાં સંમેલન ગોઠવવાં જોઈએ. જેથી યોગ્ય પાત્ર મળવાનું સરળ બની જાય. આયોજકો તથા અન્ય સન્માનિત લોકોએ પણ પોતાના પરિવારનાં બાળકો સાથે એમાં ભાગ લેવો જોઈએ.

૧૧. સામૂહિક લગ્નનું આયોજન – લગ્નોમાં થતું બિનજરૂરી ખર્ચ રોકવાનું એક સશક્ત માધ્યમ સામૂહિક લગ્ન છે. સન્માનિત લોકોએ આવાં આયોજનોમાં પોતાનાં બાળકોનાં લગ્નો કરાવીને આદર્શ રજૂ કરવો જોઈએ, જેથી સમાજના અન્ય લોકો પણ તેમનું અનુકરણ કરે. ઉપાયો અનેક છે, રસ્તાઓ ધાગા છે. જરૂર છે તેના પર ચાલવાની અને એવાં ઉદાહરણો પ્રસ્તુત કરવાની કે જેમનું અનુકરણ કરવા માટે લોકોનો ઉત્સાહ જગાડી શકાય. આ દિશામાં યુગ નિર્માણ યોજનાના બુદ્ધિશાળી પરિજનોએ આગળ વધીને નેતૃત્વ કરવું જોઈએ અને સમયની માગને પૂર્ણ કરવા માટે જે પણ પ્રયત્નો શક્ય બને તેને કાર્યાન્વિત કરવા માટે આગળ આવવું જોઈએ.

યુગ નિર્માણ યોજનાનાં પરિજનો આ પવિત્ર પ્રક્રિયાને પોતાના ઘર પરિવારથી શરૂ કરીને તેને સમાજવ્યાપી અને દેશવ્યાપી બનાવી શકે છે. છોકરાવાળાઓએ પહેલ કરવી જોઈએ. આમ તો લગ્નને યોગ્ય છોકરીઓ અને છોકરાઓ દરેક ઘરમાં હોય છે, પરંતુ જેમના છોકરાઓ લગ્નને યોગ્ય હોય તેમના જ હાથમાં પહેલ છે. જો તેઓ પોતાના સુયોગ્ય છોકરાનું લગ્ન દહેજ વગર કરવા માટે તૈયાર હોય તો છોકરીવાળા તેમનું સહજ સ્વાગત કરશે અને જેમની આર્થિક સ્થિતિ નબળી છે તેઓ આ સુવિધા માટે તેમના ભાગ્યની પ્રશંસા કરશે, એ ઉદાર વ્યક્તિના કૃતજ્ઞ રહેશે તથા ઈશ્વરને ધન્યવાદ આપશે.

જ્યાં આદર્શ પદ્ધતિથી લગ્ન થાય તેનો વધુમાં વધુ પ્રચાર કરવામાં આવે અને એવા આદર્શવાદીઓનું પૂર્ણ ઉત્સાહથી સ્વાગત કરવામાં આવે. બીજા અન્ય ઉપાયો પણ વિચારવા જોઈએ અને પોતપોતાની રીતે સર્વત્ર વિવાહોન્માદ વિરોધી આંદોલન વધારવા માટે ભૂમિકા તૈયાર કરવી જોઈએ. યુગની આ માગ અને પોકાર આજની ઘડીમાં ખૂબ જ જરૂરી અને મહત્ત્વપૂર્ણ છે. તેને પૂર્ણ કરવા માટે આપણામાંથી દરેકે પૂરેપૂરી તત્પરતા અને નિષ્ઠા સાથે પ્રયત્નો કરવા જોઈએ. વિવાહોન્માદ વિરોધી આંદોલન આજના હિંદુ સમાજની સૌથી મૌટી અને સૌથી મુખ્ય જરૂરિયાત છે, જેની પૂર્તિ માટે આપણે આગામી દિવસોમાં ઘણું કાર્ય કરવું પડશે. આપણો આ પ્રયત્ન નિશ્ચિત રૂપે સફળ થશે. આગામી દિવસોમાં હવા બદલાશે અને આજની ખર્ચાળ પેઢી માટે એક આશ્ચર્યની વાત બની રહેશે.

હવે હું લઘુ પુસ્તકમાળાનું સંકલન અને પ્રકાશન કરી રહ્યો છું. આ પુસ્તકમાળા અંતર્ગત દરેક પુસ્તકની કિંમત ફક્ત રૂ. ૧.૫૦ રાખવામાં આવી છે. આ બધું કાર્ય એમની પ્રેરણાથી જ પૂર્ણ થઈ રહ્યું છે. એમની પ્રેરણાથી જ મહાકાળની સિરિઝની ૯૬ પાનાના ચાર રૂપિયાની કિંમતનાં પુસ્તકો પ્રકાશિત કરવાની શરૂઆત કરી છે. આ પુસ્તકોને લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ અમારા કાર્યકર્તા ભાઈઓના માધ્યમથી કરીએ છીએ. મારાં ભાઈબહેનો સદાયની જેમ મારા અનુરોધને પૂર્ણ કરવામાં ક્યારેય પાછળ નહિ રહે એવો મને વિશ્વાસ છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: