અંતર્મનની સફાઈ તેમ જ બ્રાહ્મચેતના સાથે વિલયનું નામ છે – ધ્યાન, આધ્યાત્મિક ચિકિત્સા
August 9, 2022 Leave a comment
અંતર્મનની સફાઈ તેમ જ બ્રાહ્મચેતના સાથે વિલયનું નામ છે – ધ્યાન, આધ્યાત્મિક ચિકિત્સા
ધ્યાનના પ્રયોગો આધ્યાત્મિક ચિકિત્સા માટે મહત્ત્વપૂર્ણ છે. જો કોઈ તેને સમ્યક્ રૂપમાં જાણી લે, શીખી લે, તો તે જાતે જ પોતાની ચિકિત્સા કરી શકે છે. ‘ધ્યાન’ શબ્દથી ઘણા બધા લોકો પરિચિત થઈ રહ્યા છે, કારણ કે આ દિવસોમાં તેના વિશે ઘણુંબધું કહેવા-સાંભળવામાં તથા લખવા-વાંચવામાં આવી રહ્યું છે, પરંતુ તેના અર્થ વિશે, મર્મ વિશે લગભગ બધા જ અપરિચિત છે. જેઓ ધ્યાન વિશે જાણવાનો, અભ્યાસ કરવાનો દાવો કરે છે તેઓ પણ આમાં સામેલ છે. આ આશ્ચર્યજનક સત્ય ભલે કોઈને વધારે પડતું લાગે, પરંતુ સત્ય તો કહેવું જ જોઈએ. તેનાથી આત્માવલોકનમાં મદદ મળશે અને નવેસરથી ધ્યાનનો બોધ મેળવી શકાશે.
ધ્યાનના પ્રયોગમાં આપણે આપણા વિચારો અને ભાવનાઓને રૂપાંતરિત કરીએ છીએ. તેને લયબદ્ધ કરીએ છીએ, સ્વરબદ્ધ કરીએ છીએ અને પછી આ લયથી આપણે આપણા જીવનના ખોવાયેલા લયને ફરીથી પાછો મેળવીએ છીએ. વિખરાયેલા સ્વરને, ધ્યાનના સંગીતને સજાવીને જિંદગીનું ભુલાયેલું ગીત ફરીથી ગાઈએ છીએ. દુઃખ-વિષાદનું આનંદમાં બદલાવું, પતનની ખાઈમાં પડતી જઈ રહેલી જીવનની ઊર્જાનું ફરીથી ઊર્ધ્વરોહણ કરવું, એ ધ્યાનના પ્રયોગોનું જ પરિણામ છે. બસ, આપણને આ કરતાં આવડવું જોઈએ. ધ્યાનના અભાવે જ આપણે બ્રાહ્મચેતના સાથેનું આપણું સામંજસ્ય ખોઈ બેઠાં છીએ. બ્રહ્માંડની અનંત શક્તિઓથી વિમુખ થઈને આપણે નિસ્તેજ અને શક્તિહીન થઈ ગયા છીએ. ધ્યાનના પ્રયોગથી આ યોગ ફરીથી સંભવ બને છે. આમ તો ધ્યાન એક ઊંડી આધ્યાત્મિક પ્રક્રિયા છે. દરેક ધર્મ તથા સંપ્રદાયના આચાર્યોએ તેનું વિશદ વિવેચન કર્યું છે. તેની પ્રક્રિયા, પ્રભાવો તેમ જ પરિણામોનો બોધ કરાવ્યો છે. મહર્ષિ પતંજલિના યોગસૂત્રનું તો આ કેન્દ્રીય તત્ત્વ છે. અષ્ટાંગ યોગના આઠ અંગોના ક્રમમાં તે સાતમા સ્થાને છે. આના પહેલાંનાં છ અંગો ધ્યાનની તૈયારી માટેનાં છે અને પછીનું આઠમું અંગ ધ્યાનનું પરિણામ તથા સુફળ દર્શાવવા માટે છે. આ વિવેચન ગમે ત્યાં અને ગમે તેટલું કેમ ન કરવામાં આવ્યું હોય, પરંતુ તેનો સારાંશ એટલો જ છે, કે આપણે આપણા વિચારો અને ભાવનાઓને શ્રેષ્ઠતા, મહાનતા અને વ્યાપકતામાં એકાગ્ર કરવાનું શીખીએ. તેના માધ્યમથી વ્યક્તિત્વમાં એવા બારી-દરવાજા ખોલીએ કે જેથી બ્રાહ્મચેતનાના સુખદ, સુરભિત અને નિર્મળ પ્રવાહો આપણા વ્યક્તિત્વમાં પ્રવાહિત થઈ શકે.
ધ્યાનનું આ સ્વરૂપ આપણા જીવનમાં ભલે ન હોય, પરંતુ કોઈ ને કોઈ સ્વરૂપ તો છે જ અને જેવું આ સ્વરૂપ હશે, તેવું જ આપણું જીવન હશે. આપણા વિચારો અને ભાવનાઓ દરેક ક્ષણે ક્યાંક ને ક્યાંક તો એકાગ્ર થાય છે જ. એ વાત જુદી છે, કે આ એકાગ્રતા ક્યારે દ્વેષ પ્રત્યે હોય છે તો ક્યારેક વેર પ્રત્યે હોય છે. ક્યારેક આપણે ઈર્ષ્યા પ્રત્યે એકાગ્ર હોઈએ છીએ, તો ક્યારેક લોભ-લાલચ પ્રત્યે. આ જ નકારાત્મક ભાવ, આ જ ક્ષદ્રતાઓ આપણા ધ્યાનનો વિષય બને છે અને જેવું આપણું ધ્યાન હોય, તેવા જ આપણે બનતા જઈએ છીએ. આપણે આપણી અંદર ક્યાંક ઊંડાણથી અનુભવ કરીશું તો જણાશે કે ધ્યાનના આ નકારાત્મક રૂપોએ જ આપણને રોગી તથા વિષાદગ્રસ્ત બનાવ્યા છે. પળેપળ ભટકતા રહેતા આ નિષેધાત્મક ધ્યાનના કારણે આપણી આ દશા થઈ છે. તેની ચિકિત્સા પણ ધ્યાન જ છે- સકારાત્મક અને વિધેયાત્મક ધ્યાન.
જ્યારે સાચા તથા સકારાત્મક ધ્યાનની વાત આવે છે, ત્યારે ઘણા બધા લોકો પ્રશ્ન પૂછે છે કે ધ્યાન કેવી રીતે કરીએ? મન લાગતું નથી. સાચી વાત તો એ છે કે તેમનું મન અગાઉથી જ ક્યાંક બીજે લાગેલું છે. નકારાત્મક ક્ષુદ્રતાઓમાં તે લિપ્ત છે અને હવે સકારાત્મક મહાનતાઓ તેમને અનુકૂળ આવતી નથી. આ સમસ્યાનો ઉકેલ એ જ છે કે મનને જે રીતથી ખોટું ધ્યાન શીખવ્યું છે એ જ રીતથી તેને સાચું ધ્યાન શીખવવું પડશે અને સાચી રીત સદાને માટે એ છે કે જે સત્યને, વ્યક્તિને, વિચારને આપણે સતત યાદ કરીએ છીએ, તેની સાથે આપમેળે જ એક લાગણીભર્યો સંબંધ બંધાવા લાગે છે. આ સંબંધ ધીરેધીરે પ્રેમમાં બદલાય છે. તેના પ્રત્યે આપણી શ્રદ્ધા અને આસ્થા વિકસે છે. જે આ પ્રક્રિયા જળવાઈ રહે તો તેની સઘનતા એટલી વધારે હોય છે કે દુનિયાની બાકીની ચીજો આપમેળે નકામી બની જાય છે અને બધા વિચારો અને ભાવનાઓ તેમાં એકરસ થઈ જાય છે. આ ભાવ સ્થિતિ જતો ધ્યાન છે અને સાથે સાથે ધ્યાનમાં મન ન લાગવાના સવાલનો ઉકેલ પણ છે.
આપણે ધ્યાન ગમે તેનું કરીએ, તે આપણા ઇષ્ટદેવ, આરાધ્ય હોય કે સદ્ગુરુ કે પછી કોઈ પવિત્ર વિચાર કે ભાવ હોય, તેમના પ્રત્યે પ્રેમભરી આત્મીયતાથી વિચારીએ, યાદ કરીએ. તેમના પ્રત્યેની યાદને નિયમિત પ્રગાઢ કરીએ. એટલે સુધી કે આ પ્રગાઢતા આપણી આસ્થા, શ્રદ્ધા તથા પ્રેમનું સ્વરૂપ લઈ લે. પછી આ પ્રેમથી ભરપૂર પ્રતિમાને પોતાના શરીરના ઉચ્ચસ્તરીય કેન્દ્રો, જેવાં કે – અનાહત ચક્ર, હૃદય સ્થાન અથવા આજ્ઞાચક્ર-મસ્તકમાં બંને ભ્રમરોની વચ્ચે સ્થાપિત કરીએ. હવે જુઓ, આપણી ભાવનાઓ તેમ જ પવિત્ર વિચારો આપોઆપ તે બાજુએ વળવા લાગશે. પ્રેમથી પુલકિત મન સ્વતઃ તે ધ્યાનમાં ડૂબવા લાગશે અને આપમેળે જ વ્યક્તિત્વમાં સકારાત્મક વિચારો અને ભાવનાઓની સઘનતા બનવા લાગશે. સકારાત્મક ભાવો અને વિચારોનું આ સઘન સ્વરૂપ ઔષધિ જેવું છે, જેનું નિયમિત – નિરંતર સેવન વ્યક્તિત્વને દરેક પ્રકારના વિકારો અને વિષાદોથી મુક્ત કરી દેશે.
ધ્યાનની આ ચિકિત્સા-પ્રણાલી દરેક રીતે અદ્ભુત છે. તેના પ્રથમ ચરણમાં અંતર્ચેતના એકાગ્ર થાય છે. આ એકાગ્રતા સધાવાથી આપણી માનસિક ક્ષમતાઓનો વિકાસ થાય છે. બીજા ચરણમાં આ એકાગ્ર અંતર્ચેતના અંતર્મુખી થઈને જાતે જ ઊંડાણમાં પ્રવેશ કરે છે. આવું થતાં જ અંતર્મન, અચેતન મન ઓગળવા લાગે છે. અહીં જ આપણને અનુભૂતિઓનાં પ્રથમ દર્શન થાય છે. સૌથી પહેલાં આ અનુભૂતિઓમાં વિકાર કે વિષાદના સ્રોત રૂપે આપણી દબાયેલી વાસનાઓ, ભાવનાઓ તથા મનોગ્રંથિઓ જાતજાતનાં રૂપ ધારણ કરી પ્રગટ થાય છે. ધ્યાનના સાધકે ન તો એનાથી આકર્ષિત થવું જોઈએ, ન તો તેનાથી પરેશાન થવું જોઈએ. બસ, તટસ્થ રહીને નિહાળતા રહેવું જોઈએ. વ્યક્તિત્વની આંતરિક સફાઈનો આ તબક્કો વર્ષો સુધી ચાલતો રહે છે. તેની સાથે જ રોગ-શોકનાં કારણોથી છુટકારો મળી જાય છે.
આ પરિષ્કાર પછી બ્રાહ્મીચેતના સાથે લય સ્થાપિત કરવાનો ક્રમ આવે છે. જેમ જેમ અંતર્ચેતના પરિષ્કૃત થતી જાય છે, તેમ તેમ આપમેળે જ આ સામંજસ્ય સ્થાપિત થવા લાગે છે. દિવ્ય અનુભવોનાં દ્વાર ખૂલવા લાગે છે. બ્રાહ્મી-ચેતનાનો પ્રભાવ અંતર્ચેતનામાં ફેલાવાથી બધું જ દિવ્યતામાં રૂપાંતરિત થઈ જાય છે. આ સ્થિતિમાં જે કંઈ અનુભવો થાય છે, તેને કહીને કે લખીને જણાવી શકાતા નથી. અહીં તો જે પહોંચી શકશે, તેઓ જાતે જ તેનો ભેદ જાણી શકશે. તેની બાબતમાં માત્ર એટલું જ કહેવું પૂરતું છે કે ધ્યાનના પ્રભાવથી સાધકમાં સકારાત્મક વિચારો તથા ભાવોનું ચુંબકત્વ સઘન થવાથી આખું વ્યક્તિત્વ જાતે જ સદ્ગુણોનો સ્રોત બની જાય છે. યુગઋષિ પૂજ્ય ગુરુદેવનું આ બાબતમાં કહેવું હતું કે ધ્યાનથી પ્રેમ પ્રગટ થાય છે અને પ્રેમ સાચો હોય તો આપોઆપ જ ધ્યાન થવા લાગે છે. જો કે આ રહસ્ય એટલું ઊંડું છે કે તેને સમજવા માટે પહેલાં વ્યક્તિત્વએ સ્વાધ્યાય ચિકિત્સામાંથી પસાર થવું જરૂરી છે.
પ્રતિભાવો